પેલી અજાણી છોકરી
રૂચિતા ગાબાણી
Chapter – 4
સુહાની પોતાના કપડા, નાની બેગમાં પેક કરી રહી હતી, કારણકે તે પોતાના પેરેન્ટ્સ ને ત્યાં થોડા દિવસ માટે રહેવા જઈ રહી હતી, જે કોઈક કારણસર બીજે શિફ્ટ થઈ ગયા હતા. નવું ઘર હતું એટલે તેમની હેલ્પ કરવા, અને તેમને મળવા માટે સુહાની જવાની હતી. આર્યન ત્યાં જ બેઠો બેઠો સુહાનીને પેકિંગ કરતા જોઈ રહ્યો હતો. બંનેવ પાસે ખબર નહિ કેમ આજે બોલવા માટે કશું નહતું.
સુહાની વાઈટ કુર્તીમાં પિંક ડીઝાઈન વાળા ફ્લાવર્સ, નીચે મેચિંગ લેગીન્સ, સિમ્પલ પોની સાથે મસ્ત લાગી રહી હતી, આર્યન બે પળ માટે તેને જોઈ રહ્યો. આજે કેમ આવું થઈ રહ્યું હતું તેને સમજાતું નહતું. આર્યને સુહાનીની બેગ લીધી અને બંનેવ કારમાં બેસીને નીકળ્યા સુહાનીના ઘર તરફ. કારમાં પણ કોઈ કશું ના બોલ્યું,
થોડીવારમાં ઘર આવી ગયું. પણ સુહાનીને મનમાં થઈ રહ્યું હતું કે કાશ આજે તેને જતા આર્યન રોકી લે. પણ આર્યન “બાય” સિવાય કશું જ ના બોલ્યો અને જતો રહ્યો.
લગ્નના એક વર્ષ પછી આજે પહેલી વાર સુહાની પોતાના પેરેન્ટ્સ ના ઘરે ગઈ હતી, કારણકે પહેલા તો એક જ બિલ્ડીંગમાં રહેતા હોવાથી ત્યાં રહેવા જવાની જરૂર જ ના પડતી. દિવસમાં જેટલી વાર મળવું હોય તેટલી વાર મળી શકતી.
એટલે જ તો, હજી ફક્ત એક દિવસ થયો હતો સુહાની ગઈ તેને, અને તોપણ ઘરમાં બધા સુહાનીને મિસ કરી રહ્યા હતા. આદત પડી ગઈ હતી બધાને તેની મીઠી મીઠી વાતો સાંભળવાની. પણ સૌથી વધારે કોઈ સુહાનીને મિસ કરતુ હોય, તો તે હતો આર્યન. કરે જ ને મિસ, પોતાની બેસ્ટફ્રેન્ડ ને, એ બેસ્ટફ્રેન્ડ જેણે આર્યનની બધી આદતો બગાડી દિધી હતી. સવારે ઉઠવાથી લઈને, રાત્રે ઊંઘવા સુધી, સવારની ગરમ ચા થી લઈને, રાતે એક ગ્લાસ મસ્ત બદામવાળું દૂધ આપવા સુધી, સુહાની આર્યનની જીણામાં જીણી વાતનું ધ્યાન રાખતી.
એટલે જ તો હવે જયારે સુહાની વગર રહેવું પડ્યું, ત્યારે જ તો એની ખરી મહત્વતા નો ખ્યાલ આવી રહ્યો હતો આર્યન ને. તેના વિના એકપણ કામ આર્યનથી ઠીક નહતું થઈ રહ્યું. “સુહાની કેટલી સારી છે. બધું તે જ કરે છે, મને ક્યારેય કશું જાતે કરવા જ નથી દેતી. આય મિસ યુ યાર, તારા વિના મજા નથી આવતી.” એવુ સ્વગત બોલતા, તેના ચહેરા પર સ્માયલ આવી ગઈ.
ચાર-પાંચ દિવસ થઈ ગયા હતા, સુહાની ગઈ હતી તેને. અને રોજ, કાઈ ને કાઈ કામ કરતા, આર્યનને અહેસાસ થઈ રહ્યો હતો કે સુહાની કેટલી મહત્વની છે તેની લાઈફમાં. સવારે ઉઠવામાં લેટ થતું, જે શર્ટ પહેરવો હોય તે જાણે સંતાકુકડી રમતો હોય આર્યન સાથે તેમ તેને મળતો જ નહિ, ક્યારેક કોઈ ફાઈલ તો ક્યારેક વોચ અને પર્સ શોધવામાં લેટ થતું, અને ચા પીધા વિના જ ઓફીસ જવું પડતું.
આર્યનને પોતાના પર હસવું આવતું હતું. આ બધી જ વસ્તુઓ આર્યન જાતે કરતો જ હતો, પણ સુહાની હવે તેને કશું કરવા ના દેતી, એટલે આદત છુટી ગઈ હતી બધું જાતે કરવાની. રોજ આવી બધી ગડબડ થયા કરતી, અને આર્યન સુહાનીને મિસ કર્યા કરતો.
એક દિવસ તો આર્યન પોતાના રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો, “જો સુહાની આ સોંગ સાંભળ, નવું આવ્યું છે, તને બહુ ગમશે.” આટલું બોલ્યા પછી રૂમમાં જોયું તો કોઈ હતું જ નહિ. ત્યારે તેને યાદ આવ્યું કે સુહાની તો હજી પોતાની મમ્મીના ઘરેથી આવી જ નથી.
“સુહાની યાર, જલ્દી પાછી આવી જા ને. તને બોવ મિસ કરું છુ હું.” એવું મનમાં જ આર્યન કહેવા લાગ્યો. ”ઓય આર્યન, તને ક્યાંક,ઓ ગોડ, હા, મને લાગે છે હું એને પ્રેમ કરવા લાગ્યો છુ. આટલું બધું તે મારું ધ્યાન રાખતી આવી છે, છતા મેં તેની નોંધ ના લીધી. અને હવે જયારે તે નથી, તો મને અહેસાસ થઈ રહ્યો છે, કે હું એને પ્રેમ કરું છુ.” આર્યનને પોતાના વિચારો પર આશ્ચર્ય પણ થયું અને સાથે સ્માયલ પણ આવી ગઈ. “યેસ, યેસ. આય એમ ઇન લવ. હું એને હમણાં જ કહી દવ ?? કેવી રીતે કહું ? તે શું કહેશે ? ઓહ ગોડ, કાઈ જ સમજાતું નથી. હમમ.. કાઈ નહિ, તે મારી બેસ્ટફ્રેન્ડ છે, તે આવે ત્યારે તેને જ પૂછી જોઈશ કે શું કરું ?”
બીજા દિવસે, આર્યન પોતાની ઓફિસની એક જરૂરી ફાઈલ શોધી રહ્યો હતો. પોતાનો આખો કબાટ વીખી નાખવા છતા તેને તે ફાઈલ નહતી મળી રહી.
“સુહાની હોત તો બે મીનીટમાં ફાયલ શોધી આપત”, એવું બબડતા આર્યને સુહાનીનો કબાટ ખોલ્યો, કદાચ તેણે પોતે ઉતાવળમાં ભૂલથી ફાઈલ તેમાં મૂકી દીધી હોય. તે હજી આમ-તેમ સુહાનીના કપડા અને ખાના ફંફોસી રહ્યો હતો અને તેની નજર એક વસ્તુ પર જઈને અટકી. ડાયરી. સુહાનીની ડાયરી. આર્યનને આજે ખબર પડી કે સુહાની ડાયરી પણ લખે છે.