Jugar.com - 5 in Gujarati Fiction Stories by Dinesh Jani ...Den books and stories PDF | જુગાર.કોમ - 5

Featured Books
Categories
Share

જુગાર.કોમ - 5

CHAPTER - 5

યોગરાજ ધોરાજી આવ્યા ત્યાં સુધીમાં પદુગોરે જમનાનું મેણું ભાંગવાની યોજનાં ગોઠવી રાખી હતી, યોગરાજને બધી વાત કરી પણ મુખ્ય મુદ્દો એક્જ રાખ્યો કે, બેન ને બોલતી કરવામાં સવજી પટેલની જમનાની ટ્રીક જ કામ કરી ગઇ હતી, વાત એ રીતે કરી કે, હું થોડા દિવસ સીરોહી બહેન પાસે રોકાવા આવું. અને જો શક્ય હોય તો જમના પણ સાથે આવે તે જુનાંમાં જુની પાક્કી બહેનપણી છે, થોડા દિવસ વધુ સાથે રહેશે તો બેનની બિમારી માં ઝડપથી સુધારો આવશે. અને “ જીજાજી”.. આપણે જમનાં નો ઉપકાર નો બદલો કેમ ચુકવીએ? મને થયું કે એ બહાને એ બિચારીને રાજસ્થાનમાં થોડું ઘણુ ફેરેવીએ. બીચારી જીંદગી આખી ધોરાજીની બહારજ નથી નીકળી. મને ખબર છે. અદાની અને તમારી વાત સવજી પટેલ પાછી નહિ ઠેલે”.

પદુગોરની વાત ભોળાભાવે અદાએ પણ સ્વીકારી લીધી. યોગરાજની વાત કરવાની શૈલીથી પ્રભાવિત થઇ તથા અદાની કોઇ વાત સવજીપટેલે કદી ઠુકરાવી ન હતી, તેથી સવજી પટેલ પણ માની ગયા.. થોડી આનાકાનીને અંતે જમના પણ સીરોહી જવા માની ગઇ. અને મનોમન પદુગોરની ચાલાકી ઉપર વારિ ગઇ. એકાંતમાં પદુને કહ્યું પણ ખરા,

” પદુ !’ બાઇઓનાં મહેણામાં આટલી બધી શક્તિ હશે તેની ખબર ન હતી. આ રાજસ્થાનની સફરમાં આપણૉ છેલ્લો પ્રેમ ભાવ હશે, પરત આવ્યા પછી, તને ક્યારેય મહેણું નહીં મારુ. બને તો તું સીરોહીમાંજ રોકાઇ જજે બનેવીનાં ધંધામાં ક્યાંક ગોઠવાઇ જજે. અહિ ધોરાજીમાં તારા દી’ નહીં વળે. તારા ભાગ્ય હશે તો ત્યાં કોઇ મારવાડી ગોરાણી પણ મળી જશે. હું તો તારૂં નામ જપી જીવી લઇશ. આમેય તારા જાપની દક્ષિણા મારે પણ ચુકવવી પડેને ?’

એક ઠાવકી સ્ત્રીની અદામાં જમનાએ પદુગોરને કથા વ્યથા કહી. કેટલાક વચનો પદુગોર પાસે લેવડાવી.સીરોહી જવાની તૈયારી કરવા જમના પોતાનાં ઘેર ચાલી ગઇ.

જ્યારથી યોગરાજ, વિંધ્યા, બાબુલાલ વિગેરે એસ યુ વી કાર લઇને સીરોહીથી ધોરાજી ક્રિષ્નાને તેડવા આવ્યા હતા ત્યારથી ક્રિષ્ના એકજ વાત પુછ્તી હતી.

“સતનીલ ‘ કેમ સાથે ના આવ્યો, પરત આવેલી મેમેરીમાં સતનીલનાં આખરી પગલાની વાત હજુ પરત આવેલી ન હતી. યોગરાજે તો મુંબઇ ડૉ. દલાલને પણ પ્રયોગાત્મક ઇલાજનાં પરિણામની વિગતે વાત કરી.

નેક્ષ્સ્ટ સ્ટેપની માહિતી મેળવી લીધી હતી.

વિંધ્યાએ બાજી સંભાળતા સતનીલ કેમ નથી આવ્યાનાં ક્રિશ્નાનાં સવાલનાં જવાબમાં કહ્યું

”મમ્મીજી!. અમે બધા તમને અહીએ તેડવા આવ્યા છીએ, જો પપ્પાજી અહીં આવે તો આપણી પેઢીનોં બીઝનેસ કોણ સંભાળે ? માટે નીલ ત્યાં રોકાયો છે.” ક્રિશ્ના મૌન થઇ ગઇ. ગોરની મઢુલી વાળી સાંકળી શેરીનાં ખુણે ઉભેલી યોગરાજની ગાડી સુધી, યોગરાજ, ક્રિષ્ના,બાબુલાલ,વિંધ્યા,પદ્માકાંત અને સવજી પટેલની જમનાને મુકવા. માટે અદા,દયામાં,શકીનાબાઇ.અને સવજીપટેલ વળાવવા આવ્યા હતા.અદાનો ચહેરો રડમસ થઇ ગયો હતો, દયાગોરાણીએ ક્રિષ્નાનાં માથા પર હાથ મુક્યો. ઝાંખપવાળી આંખે પણ તેણીનો ચહેરો જોવાની કોશીષ કરી, કંઇક બબડ્યા. ફરી દીકરીનાં ગાલ પર હાથ ફેરવ્યો, દીકરી તરફનો આ અંતિમ પ્રેમ હશે એવી કોઇને કલ્પના ન હતી. યોગરાજનાં ગામ પાટણવાવ જવા વિંધ્યાએ પુછ્યું હતું, પણ યોગરાજનાં લગ્નનાં બારમે વર્ષે તેનાં પિતા હિંમતરામ માસ્તર અવસાન પામેલ,અને બીજા છ માસ બાદ માતા પણ અવસાન પામેલ,પાટણવાવમાં યોગરાજનું નજદીનું કોઇ સગુ ન હ્તું તેથી ત્યાં ગયા નહીં, સાંજે સીરોહી જવા શોફરે ગાડી દોડાવી. રસ્તામાં હોલ્ટ કરતાં કરતાં. સીરોહી તેર કલાકે પહોચ્યાં. સીરોહીમાં સવારનું અજવાળું થઇ ગયું હતુ. આનંદવિહાર સોસાયટીનાં પ્લોટ નં એક પર આવેલ યોગરાજ મહેતાનાં “શ્વેતાયન”બંગલામાં ગાડીએ પ્રવેશ કર્યો, પાંચસો ચોરસમીટર નાં આગળ પાછળ નાં બે પ્લોટ ભેગા કરીને બનાવેલ આલિશાન બંગલામાં ગાર્ડન સાથેનો નાનો સ્વીમીંગ પુલ પણ હતો. ત્રણ મજલા નાં બંગલામાં કુલ ત્રણ કોમન બેડ રૂમ બે માસ્ટર બેડ રૂમ, બધુ બીજા મજલે હતુ, ત્રીજા મજલે,નાની લાઇબ્રેરી, પુલરૂમ, મીનીથીયેટર, ઓપન ટેરેસ, નાનો મીટીંગ રૂમ, હતો, ગ્રાઉન્ડ ફ્લોર પર,છ, પગથીયા પછી આવતા વિશાળ બે મોટા સ્તંભ સાથે નો પરસાળ હતો ગાડી ત્યાં ઉભી રહી. ત્યાં સુધી શાંત મૌન, ધીરજ ધરીને બેઠેલી ક્રિષ્નાએ ઝડપથી ગાડીનો દરવાજો ખોલ્યો, કોઇ કાંઇ સમજે તે પહેલા દોડીને પગથીયા ચડવા લાગી. બધાને ખબર હતી કે સતનીલ ઘેર રોકાયો છે, તેવું ખોટુ બોલ્યા હતા. બધા નીચે ઉતર્યાની થોડીક ક્ષણોમાં અંદરથી પ્રથમ મજલેથી ક્રિષ્નાનો બરાડા સાથેનો અવાજ સંભળાયો. “ નીઇઇઇલ !’ ક્યાં સંતાઇ ગયો, આવડૉ મોટો થયો,હજુ મમ્મીને હેરાન કરેછે.? બહાર આવ તારી ખબર લૈ નાખું, “

બધા ઝડપથી પ્રથમ મઝલે ચડ્યા. ત્યાં ક્રિષ્ના સતનીલનાં રૂમ માથી બહાર આવી હાંફતી હતી. વિંધ્યા તેની પાસે જઇ હાથ પકડી કહ્યુ, “ મમ્મીજી, આ પદ્મકાંતમામા, જમનામાસી વિગેરે આપણી સાથે આવ્યા છે. તેને કેવું ? ખરાબ લાગે, આવું કરો તો? તમને ખબર તો છે, કે સતનીલ પપાજીની ગેર હાજરીમાં વહેલો ઓફીસે ગયો હશે.“ વિંધ્યા સમજાવામાં સફળ રહી, હવે પ્રશ્ર્ન એ હતો સાચી વાત કોણ અને ક્યારે કહે ?

બધા મુસાફરીનો થાક ઉતારવા સ્નાનાદિ પ્રાત: કાર્ય આટૉપવામાં લાગી ગયા. બાબુલાલ તથા વિંધ્યા બાજુમાં આવેલ પોતાને બંગલે ગયા. એકાદ કલાકમાં યોગરાજ ડો. મંથરદલાલ સાથે વિમર્સ કરવા તૈયાર થયા. ડો, દલાલ ફોન પર રૂબરૂ ઉપલબ્ધ ન થયા. તેનાં આસિ. ન્યુરો સર્જન ડૉ.ટીટોની એ ડૉ. દલાલ સાથે ટૂંકી ચર્ચા કરી, હવે પછીની ટ્રીટ્મેન્ટ બાબતે સુચના આપી, અને એ મુજબ બપોરનાં લંચ બાદ ક્રિષ્નાનાં બેડ ની આસપાસ બધા ભેગા થયા. ધીમે રહીં., યોગરાજે ક્રિષ્નાની નજદીક સરી તેનો પ્રેમથી હાથ પકડી કહ્યું.

“ ક્રિષ્ના! ; તને યાદ છે.? તારી સખી કજારીકા,”

ક્રિષ્નાનો ચહેરો માત્ર ઘુમ્યો અને ચારે તરફ જોયું.

“ એ કજારીકાને કારણે આપણો “ સતનીલ” સાધુ.... તું સમજે છે, હું શું કહું છું ??

ક્રિષ્નાએ માથુ હલાવ્યુ અને હાથથી ઇશારો કરી સમજાવ્યુ કે હવે અહીથી જતો રહ્યો, ક્રિષ્ના શાંતજ રહી. હવે યોગરાજ ને હિંમત આવી. મોબાઇલ કાઢી સતનીલનાં સાધું વેષનાં ફોટા બતાવ્યા. મ્હો પર સહેજ સ્મિત આવ્યું, પણ આંખમાં આંસું આવી ગયા હતા. હવે તો યોગરાજ વિડિઓ ક્લીપ પણ બતાવતા હતા. અચાનક ક્રિષ્ના ઉભીથઇ જમના પાસે આવી બાથ ભીડી જોરથી રડવા લાગી. જમનાએ તેને રડી લેવા દીધી, રડતા રડતા ક્રિષ્ના બોલી “જમના, સમજાય છે, તને, મે તારે ઘેર પેલી બન્ને બાઇઓને પવલા બાબતે શુંકામ રોકી હતી? કોઇ માણસને આમ તેની ગેર હાજરીમાં... તે વધુ બોલી ના શકી. યોગરાજ ને ખાત્રી થઇ ગઇ હતી કે ક્રિષ્નાએ સત્ય સ્વીકારી લીધુ છે. સમગ્ર ઘટનાં દિમાગમાં ફરી ચેતનવંતી બની ગઇ હતી, આ સારી નિશાની હતી.પણ તે પછીથી તે ફરી મૌન બની ગઇ હતી. તે રાત્રે તેને સુવા માટે ફરી ઉંઘની ગોળી આપી હતી. જે તેનો નિત્યક્રમ બની જવાનો હતો.

***

બર્ફીલી ઘાટીઓની વચ્ચે ગિરિકંદરાઓની ગોદમાં સમાયેલું સામગા ગામ ધીમે ધીમે જાગી રહ્યું હતું. પરંતું ગામ ની ઓળખ સમા આશ્રમમાં સતનીલ વહેલી પરોઢીયે જાગી ગયો હતો. જોકે રાત્રે ખાસ ઉંઘ આવી ન

હતી. પ્રાત:ક્રિયા આટોપી આશ્રમની નાનકડી ગૌશાળામાં ગયો. ગાયોને માથે હાથ ફેરવ્યો. થોડાદિવસો પહેલા જન્મેલ વાછરડું પાસે આવી સતનીલનો હાથ ચાટવા લાગ્યુ. મનમાં થયું કે સાત વર્ષ થયા ઘર છોડ્યાને ક્યારેય કોઇનાં સમાચાર નથી. કદાચ મને ભુલી પણ ગયા હશે. હવે પરત ફરવાનો કોઇ અર્થ લાગતો નથી. આ નવતર જિંદગી છોડી ફરી સંસારનાં ખાબોચીયામાં શામાટે પરત ફરવું?” પરોઢીયાનાં અજવાળામાં ગૌશાળાની વરંડાની જાળીમાંથી બહારનાં ભાગે આવેલ વૃક્ષ નીચે સફેદ મોર જોયો. અને વિન્નીએ આપેલ મોરનું પીંછુ યાદ આવ્યુ. હાં તે નિશાની રૂપે સાથે લીધું હતું. એક ભુરા કવરમાં બીજી કેટલીક વસ્તુઓ સાથે રાખી મે રાધારમણ આશ્રમનાં ખાસ સેવક મિત્ર રઘુને સાચવવા આપેલ. એ પરત લેવા પણ દીલ્હી રાધારમણ આશ્રમની મુલાકાત લેવી પડશે. પરત તો જવુજ પડશે. વિન્ની મારી રાહ જોતી હશે. અને આમેય મે ક્યાં સાધું થવાની આ જીવન પ્રતિજ્ઞા લીધી છે. બસ એક પ્રાયશ્ર્ચિતનાં ભાગ રૂપે સાત વર્ષ કાઢવા હતાં. તે પણ દિવસો ગણીને, ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો અઢાર ની રાહ જોતો હતો, બસ એ દિવસે મારે પરિવાર સામે હાજર થઇ જવુંજ છે. આશ્રમનાં મુખ્ય સંચાલક જોગીન્દરનાથ વૃધ્ધ હતા આંખે ઝાંખપ આવીહતી,સતનીલ ચરણ સ્પર્શ કર્યા ત્યારે ઓળખી ગયા. અગાઉં સતનીલે પોતાની વ્યથા કહેલી એટલે વાત સમજતા વાર ના લાગી. એટ્લુંજ બોલ્યાં. “ જા બેટા તને રોકવાનાં કોઇજ શબ્દો મારી પાસે નથી. જીવનભર લોકોને સાધુતા તરફ વાળવાનું વક્તવ્ય આપ્યું છે. આજ ગંગા ઉલ્ટી વહેતી દેખાય છે. શક્ય હોય તો હું મૃત્યું પામું એ પહેલાં તું અહીં પત્નિ,પરિવાર લઇને જરૂર આવજે. પૃથ્વિ પર તારાજેવો દિકરો પ્રભુ સૌને આપે. કલ્યાણ હો. “ કહીં માથે હાથ ફેરવ્યો. સતનીલે ફરી પ્રાણામ કર્યા. ઉભો થઇ ગયો. ખભે નાનકડી ઝોળી, તેમાં જોગેન્દરનાથે આગ્રહ કરીને આપેલ થોડા રૂપિયા હતા. બધાને મળી બહાર નીકળ્યૉ. પગપાળા પાંચસો ડગલાં ચાલી સામગા ગામનાં બસસ્ટેંડ રૂપે નિશ્ચિત કરેલ કદમ્બાદેવીની નાનકડી દેરીનાં ઓટલે પહોચ્યો. સામે છાપરા નીચે ચાની હોટલ ચલાવતો, બૈજનાથ બોલ્યો. ‘” બાબાજી અહીં અંદર આવીને બેસોને? બસને હજુ વાર છે”

સતનીલ જ્યારે આશ્રમની બહાર કામે જતો ત્યારે આ બૈજનાથ તેને પ્રેમથી ચા જરૂર ઓફર કરતો સતનીલ પણ નાં કહેતો નહી. પતરાની ખુરશી પર આવીને બેઠો. નાનકડા છોકરાએ ચા ભરી દીધી. તેણે પીધી. “ બૈજ્નાથ બોલ્યો, “હજુ થોડી દે. કોણ જાણે ફરી ક્યારે અવસર આવશે.?’ પ્રથમ સતનીલ ચોંક્યો. પછી થયુ કે ગામમાં પણ બધાને ખબર પડી ગઇ હશે? બૈજનાથને પોતાની ભુલ સમજાઇ એટલે સુધારવા કહ્યું.

” બાબાજી મારો કહેવાનો મતલબ હતો કે. તે દિવસે તમેજ પ્રવચનમાં કહ્યું હતું કે જિંદગીનો કોઇ ભરોસો નથી. “

સતનીલે કહ્યું કે “આજે હું નંદગિરિ નથી જતો, કદાચ હું...” વાક્ય અધુરૂં રહ્યું. બૈજનાથને બાકી વાતમાં રસ ન હ્તો.તેથી બોલ્યો લો બાબાજી બાગેશ્વર જવાની બસ આવી ગઇ. સતનીલે બાગેશ્વરથી વાયા દિલ્હી, સીરોહી જવા પગ ઉપાડ્યા. બસમાં બેઠો. બસ ઉપડી કે તરતજ બૈજ્નાથે કાઉંટર પર પડેલા ટેલીફોનનાં ડબલામાંથી રાજસ્થાનનાં સીરોહી ગામે ફોન જોડ્યો.

***

સતનીલ બસમાં બેઠા બેઠા ફરી વિચારે ચડ્યો. દિલ્હિનું રાધારમણ મંદીર યાદ આવ્યું. શરૂઆતનાં ત્રણ વર્ષ ત્યાં ગાળ્યા હતા. ત્યાં પોતાને નજર કેદ હોવાની અનુભુતી થતા તે પણ ત્યાગ કર્યો હતો. એ પણ આચાર્ય રસગોવિંદ ને કારણેજ, તે આચાર્યને ઓળખવમાં થાપ ખાઇ ગયો હતો. તે દિવસે,પપ્પા યોગરાજ મહેતા. જાનકીદાસઝવેરી અંકલ, અને આચાર્યની જાળને પીછાણી ગયો હતો. તેઓની રમત ખુલ્લી પડી ગઇ હતી. હવે તેમાં ફસાઇ રહેવાનો અર્થ ન હતો. શરૂઆતમાં હતુ કે જાનકીદાસ માત્ર ભક્તિભાવથીજ દર્શને આવેછે. સતનીલને મંદીર માં આવ્યાને ત્રણ વર્ષ વીતી ચુક્યા હતા. રસગોવિંદને સતનીલ ઉપર જરૂર કરતા વધુ પ્રેમ ઉભરાતો હતો. આચાર્યનાં ખંડ્માં, આજ્ઞા લીધા પ્રવેશવાની તેને છુટ હતી. જોકે એ રસગોવિંદની નાનકડી ભુલ હતી. સતનીલ ઠાકોરજીનાં મુંબઇથી ડીઝાઇન થઇ આવેલ વાઘા અને શૃંગાર વિષે ચર્ચા કરવા આચાર્યનાં ખંડ તરફ ગયો. ખંડનાં દરવાજે રાખેલ પાંચ ફુટ ઉંચી પંચધાતુની દિપમાલિની દિવડા ગ્રહણ કરેલ મુર્તી સાથે પગ અથડાયો,પગનાં અંગુઠાની વેદનાં દબાવવા ઝુક્યો. એ ક્ષણમાં તેનાં કાને ખંડ્માથી જાનકીદાસનો અવાજ સંભળાયો. અને માત્ર કુતૂહલ ખાતર,વાત સાંભળવા તે ઝુકેલોજ રહ્યો.

“આચાર્ય આમ અચાનક પુર્ણિમાં વગર જ વચ્ચે દાસને યાદ કર્યો?’

“ દાસ!’ યુકેનાં કેટલાક પરગણામાં ભક્તો તરફથી તથા એક ચેરીટી સંસ્થા તરફ્થી, ત્યાં પ્રવચનો ગોઠવવાનું તથા એક ધર્મ સભાનું અને એક મંદીર નું ખાત મુહુર્તનું આમંત્રણ છે, મને થયું કે સાથે કોઇ સારા શિષ્યને પણ સાથે લઇ જાઉ. બે તો નક્કી જ છે. હાં એક્નું સીલેક્શન હજું બાકીછે. “ એ આચાર્યનો અવાજ હતો.

દાસ બોલ્યા “ સમજીગયો આચાર્ય!’ વાંધો નહિ છોકરો ફરવાં જશે તો તેનાં પિતાને પણ ગમશે. “

“તો આ વખતની પુર્ણિમાંએ થોડા વધુ પૈસાની સગવડ ???.. તમે તો સમજૂ છો. “

“બસ “પ્રભુ”...એ દિકરાને કોઇજ તકલીફ પડવી જોઇએ નહીં તેના પિતા મી.મહેતા ગમે તેટલું દાન દેવા તૈયાર છે. “

પાછળથી કાંઇક અવા જ આવતા સતનીલ ઉભો થઇ ગયો હતો. પણ ત્યાં અંદર રહેલ બન્ને ની ચર્ચા પુરી થયેલ હોવાથી. જાનકીદાસ બહાર નીકળ્યા. પગ ખીંટો થઇ ગયા. મનમાં ધ્રાસકો પડ્યો. જમાનાનો ખાધેલ જાનકીદાસ સતનીલને ઓળખતો ન હોય તેમ ઝડપથી ચાલી બહાર નીકળી ગયો. સતનીલ હવે દરવાજા વચ્ચેજ ઉભારહી આશંકિત નજરે આચાર્યને તાકિ રહ્યો હતો. રસગોવિંદે કહ્યું,

“ અરે.. કેમ ઉભો રહી ગયો.? તને અહીં આવતા કોણ રોકે છે ?’

સતનીલે સહેજ દાંત ભીંસીને એટલું જ કહ્યું, “આચાર્ય!’છેલ્લી ત્રણ મીનીટથી દરવાજે ઉભા રહી આપની વાત સાંભળવાની ગુસ્તાખી કરી રહ્યો છું. જાનકીદાસનાં આવવાનું કારણ જાણી ચુક્યો છું.. આજે મને તમારા શબ્દો યાદ આવેછે. ” દુનીયાકે મંદીર ઐસીહી ચલતે હૈ.’ આજ ખબરપડી કે હું કોઇ ધાર્મિક આશ્રમમાં પેઇડ રોયલસેવક છું મને એમ કે મે ઘર છોડ્યું એટલે મને પણ ઘરનાઓએ છોડ્યો હશે. આજ પહેલી જ વાર મારા પપ્પાને ઓળખવામાં થાપ ખાઇ ગયો.!’

‘બેસ બધી વાત તને કરવાનો જ હતો.પણ મને એમ કે...!!!’ રસગોવિંદ પરિસ્થિતિ કંટ્રોલમાં કરવા બોલવા ગયા વચ્ચે થી સતનીલે અટકાવતા પાસે આવી ચરણ સ્પર્શ કરી કહ્યું

“ આચાર્ય !’ બે દિવસ બાદ હું અહિથી રજા લઇશ. ભુલ ચુક ક્ષમા કરજો. “ પગે લાગી બહાર નીકળ્યો. આચાર્યએ વિચાર્યુ કે બે દિવસમાં શાંત થઇ જશે. બાદમાં મીટીંગ કરી સમજાવી લેવાશે. આચાર્ય સતનીલને સમજવામાં થાપ ખાઇ ગયાં. કારણકે સતનીલે તરતજ પોતાનાં રૂમમાં જઇ એક ભુરા કવરમાં વિન્નીએ આપેલ પીંછુ મુક્યુ અને સાથે કેટલીક વસ્તુઓ મુકી. હવે પછીનું કઠોર જીવન જીવવાની ઇપ્સા કરીલીધી હતી. યોગરાજ ભલે સંપતિનાં જોરે મને ખોળ્યા કરે. ખાસ મિત્રસેવક રઘુને બોલાવી કવર આપી કહ્યુ.

“ રઘુ”! તારા પર વિશ્વાસ રાખી તને આ અમાનત આપુ છું. હું હવે પછીનાં જીવન માં કદાચ સંભાળી નહીં શકું માટે તને સાચવવા આપું છું ચાર વર્ષ બાદ અહીં આવીને પરત લઇ જઇશ.બીજા કોઇને કહેતો નહિ.તારો ઉપકાર કદી નહિં ભુલુ. “ એક જોડી પહેરેલ કપડા સિવાય બધુ છોડીને જાઉ છું. આચાર્ય પુછેતો કહેજે ખબર નથી.” રઘુને ભેટ્યો. અને મંદીર ની બહાર નીકળી પડ્યો. તે હવે તેનો પીછો કરવાનો મોકો કે સમય દેવા માંગતો નહ્તો.

બાગેશ્વર જતી બસમાં સતનીલ વિચારે ચડ્યો હતો. લોકલ બસ વાંકા ચુંકા પહાડી વિસ્તાર માંથી ધીમેધીમે જતી હતી. રસ્તામાં આવેલ કસ્બાજેવા ગામેથી એક દેહાતી છોકરો ઘેંટાના એક બચ્ચાનને લઇને ચડ્યો. તે સતનીલ ની બાજુની ખાલી જગ્યામાં બેસી ગયો. સતનીલ સામે જોઇ મુસ્કુરાયો. સતનીલ ને પોતાનું બાળપણ યાદ આવ્યું. પપાએ પણ મારી જીદપુરી કરવા મને ઘેંટાનું બચ્ચું પકડીને લાવી આપ્યું હતું. પપ્પા મારા માટે કાંઇપણ કરવા તૈયાર હતા. બિચારા પપ્પા મે દિલ્હી છોડ્યા પછી મને કયાં ક્યાં શોધતા હશે.?

***

યોગરાજને સામગાથી બૈજનાથનો ફોન હતો. “ સાબજી બાગેશ્વરકી બસમે બૈઠ ગયેહૈ. બાગેશ્વર તક અપનાં એક લડ્કા બાઇક લેકે જાયેગા. વહાસે, મેરે રીશ્તેદાર દંદુમામા હૈના. વો બાગેશ્વર દીલ્હી કી કુરીયર ચલાતા હૈ. ઉનકો કામ “...

યોગરાજે વાત કાપતા કહ્યું. “ બૈજનાથ” તેરે લડ્કે કો ભી વાપસ બુલા લે. અબ હોઇ જરૂરત નહીં હૈ. ઔર હાં તું કોઇ છોટી મોટી હોટેલ ખોલનેકી બાત કરતા રહતાથા ન. બસ અગલે સાલ સામગા મે તેરી ખુદ્કી હોટેલ હોગી.

તે સાંજે શરણેશ્વરની દક્ષિણની પહાડીઓમાં ફરતાં ફરતાં યોગરાજને આકાશમાં પોતાનાં માળા તરફ જતાં પંખીઓ તરફ જોઇ અપાર આનંદ થયો હતો.

***