Vyaktisuchakata - 1 in Gujarati Short Stories by Bhargav Patel books and stories PDF | વ્યક્તિસૂચકતા-૧ (પિકનિકની ગોઠવણ)

Featured Books
Categories
Share

વ્યક્તિસૂચકતા-૧ (પિકનિકની ગોઠવણ)

વ્યક્તિસૂચકતા

(પ્રકરણ ૧ – પિકનિકની ગોઠવણ)

ભાર્ગવ પટેલ

પ્રસ્તાવના

વ્યક્તિસૂચકતાને તમે એક લઘુકથા કહી શકો. સાચો સમય સાચવવાની સૂઝ એટલે સમયસૂચકતા. પણ જે-તે સમયે સાચા વ્યક્તિને ઓળખવાની સમજ એટલે મારી લઘુકથાનું શીર્ષક. કોઈ વાર આપણે વ્યક્તિઓને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એમની વાત કરવાની આગવી વિશેષતા અને એમના વર્તન પરથી આપણે એમની શિયાળવૃત્તિનો અંદાજો પણ નથી લગાવી શકતા એનું જ એક ઉદાહરણ આપતી મારી લઘુકથાનું પહેલું ચેપ્ટર ‘પિકનિકની ગોઠવણ’ તમારી સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું. અણધાર્યા વળાંકો લેતી મારી આ કૃતિ તમારા માટે લગભગ સસ્પેન્સ થ્રીલરની ગરજ સારે એવી આશા જરૂર રાખીશ. તમારા સૂચનો અને રીવ્યુ આવકાર્ય.

લેખકનો પરિચય

આમ તો અત્યાર સુધીના મારા બધા લખાણોમાં મારો પરિચય આપવા માટે શબ્દો લખ્યા નથી, પણ આ વખતે મન થઇ ગયું. હું ભાર્ગવ પટેલ, વ્યવસાયે એક MNC કંપનીમાં એન્જીનીયર. મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી છેલ્લા પેપર અને સર્વિસ જોઈનીંગ વચ્ચેના પંદરેક દિવસમાં હું માતૃભારતીના પરિચયમાં આવ્યો અને મહેન્દ્રભાઈએ મને લખવા માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ગુજરાતીમાં લખવાની શરૂઆત મેં ક્યારથી કરી એ વિષે મને પણ થોડી અસમંજસ છે પણ હા! કદાચ માતાનો પ્રેમ ક્યારથી મળવાનો શરુ થયો એ વિષે હું કઈ ન જ વિચારું તો સારું રહેશે. પરંતુ ઓફિસીયલી લખવાનું મારું પ્રથમ પગથીયું માતૃભારતી છે. મારું લખાણ આપ બુદ્ધિશાળી વાચકો સમક્ષ રજુ કરતા અનોખી મોજ આવે છે. તમારા કીમતી રીવ્યુ અને સૂચનો આવકાર્ય.

ફોન (કમ વોટ્સએપ) :- ૯૮૭૯૬૯૯૭૪૬

ઈ-મેઈલ :-

હમણાં જ અનંત અને ઈશિતાનો જોરદાર ઝગડો થઇ ગયો. આજે સવારે જ તો એ બંને ડેટ પર ગયા હતા અને બંને વચ્ચે બધું સમુસુતરું જ હતું. પણ ખબર નઈ સાંજે શું થયું કે બંને રસ્તાની વચોવચ જ લડી પડ્યા અને ઈશિતા, અનંતની મોંઘીદાટ બાઈક કે જેના પર બે જણથી વધારે બેસવું એ એક કલ્પના સમાન હતું એના પરથી આગળ નહી જવાના નિર્ણય સાથે ધરાર ઉતરી ગઈ. અનંત પોતાની ભૂલ સમજી ગયો હતો અને એના માટે વારંવાર ઈશિતાની માફી માટે આજીજી કરી રહ્યો હતો. આજુબાજુ ભરચક બજારમાં ખરીદીહેતુ નીકળેલા લોકો એ બંનેની આ હરકતને ટીકીટીકીને જોઈ રહ્યા હતા છતાં ઈશિતાના ગુસ્સામાં કોઈ જ ઘટાડો થતો નહતો.

“ઈશિતા ડીયર, આઈ એમ રીયલી વેરી સોરી યાર, પ્લીઝ મારો વિશ્વાસ કર, અત્યારે અમારી બંને વચ્ચે એવું કઈ નથી જે તારા આવતા પહેલા હતું. મેં ખાલી એની હેલ્પ કરવા માટે જ વાત કરી હતી એની સાથે”, અનંતે બાઈક બંધ કરતા કરતા ગળગળા થઈને સફાઈ આપી.

“હેલ્પ તું કરવા માગતો હતો પણ તમારી ચેટ જોઇને એનો ઈરાદો હેલ્પ કરતા કંઈક અલગ જ લાગતો હતો અને એ તને પણ ખબર છે, આવું કંઈ આ પહેલી વખત નથી થયું”, અનંતના મોબાઈલમાં વ્હોટ્સેપની એક ચેટ જોઇને ઈશિતાનો ગુસ્સામાં લાલ ચહેરો વધારે જ ખુબસુરત લાગતો હતો.

“અરે પણ મારા મનમાં એના માટે હવે કોઈ એવી ફીલિંગ્સ નથી બકા, તું સમજ ને મારી વાત!”,અનંત બાઈક પરથી ઉતરીને ઈશિતાની નજીક આવ્યો.

“મને તારા પર વિશ્વાસ છે પણ એના પર બિલકુલ નથી! ભલે એ મારા ફ્રેન્ડ સર્કલમાં છે પણ જ્યારથી તારી અને મારી રીલેશનશીપ ચાલુ થઇ ચ્ચે ત્યારથી એ મને હંમેશા ઇર્ષ્યાની નજરે જ જુએ છે અને આ વાત મેં તને કરી જ હતી,” ઈશિતાએ જુનું કંઈક યાદ કરાવ્યું.

અનંતે ઈશિતાનો હાથ પકડ્યો અને એની આંખોમાં જોઇને કોમળ અવાજે કહ્યું, “બધા વચ્ચે પર્સનલ વાતો નથી કરવી મારે, આપણે કોઈક સારી એકલવાયી જગ્યાએ જઈએ પહેલા તું બાઈક પર તો બેસ પ્લીઝ!”

ઈશિતા અનંતની આંખોની સચ્ચાઈ પામી ગઈ અને બાઈક પર બેસીને કોઈ શાંત જગ્યાએ જવા માટે રાજી થઇ.

આખો રસ્તો બંને સુમસામ રહ્યા. અનંતે શહેરથી દૂર એક ગાર્ડનના દરવાજા પાસે બાઈક ઉભી રાખી અને ઈશિતાને ઉતારીને બાઈક પાર્કિંગ એરિયામાં પાર્ક કર્યું. બંને બગીચામાં સહેલાઈથી નજરે ના ચઢે એવા બાંકડા પર જઈને બેઠા.

અનંતે વાત શરુ કરી.

“તને સીરીયસલી એવું લાગે છે કે મેં એની સાથે હજીયે સંબંધો રાખ્યા છે?”

“મને મનમાં એવું કાઈ નથી પણ તું જ કહે કે આવી ચેટ જોઇને મને કેવું થાય, પેલીએ એવું લખ્યું છે કે ‘મિસ યુ ઇન માય લાઈફ’! એનો મતલબ મારે શું સમજવો?”

“એનો મતલબ એના માટે જે હોય એ પણ મેં ખાલી એની પ્રોજેક્ટમાં હેલ્પ કરવા માટે જ એની સાથે ચેટ કરી હતી, હવે એ મારા વિષે શું વિચારે છે એનાથી મને કોઈ જ ફરક પડતો નથી, કારણ કે હું એણે ભૂલી ચુક્યો છું અને મારા મનમાં માત્ર તું જ છે, એટલે તું શું વિચારે છે મારા માટે એનાથી મને મતલબ છે, નિશા શું વિચારે છે એનાથી મને કોઈં જ લેવાદેવા નથી,આઈ લવ યુ સો મચ ઈશુ” અનંત એકદમ શાંતિથી ઈશિતાને સમજાવી રહ્યો હતો.

“આઈ લવ યુ ટુ યાર! અને એટલા માટે જ મને એ તારી સાથે આ રીતે વાત કરે એ પસંદ નથી એ ખ્યાલ છે ને તને?”, ઈશિતાનો ગુસ્સો પૂરના પાણીની જેમ ધીમે ધીમે ઓસરી રહ્યો હતો.

“સારું હવે હું એની સાથે વાત કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળીશ. પણ તને ખબર તો છે કે આપણે બધા એક જ ફ્રેન્ડ સર્કલમાં છીએ એટલે એવું તો લગભગ અશક્ય છે કે એનો અને મારો આમનોસામનો ન થાય, તું પણ એની સાથે વાત કરે જ છે અને કરવી જ પડે ને યાર! સાથે રહેવાનું હોય આખો દિવસ એટલે કોઈ ને કોઈ કારણસર વાત તો કરવી જ રહી! પણ એ મારી લાઈફમાં હતી અને તું અત્યારે છે, બસ!”

નિશા એટલે અનંતની એક્સ ગર્લફ્રેન્ડ અને ઈશિતાની ફ્રેન્ડ. નિશા અને અનંતની પ્રેમકહાનીના ચર્ચા આખી કોલેજમાં પ્રખ્યાત હતા. વળી અનંતે નિશાને પ્રપોઝ કરવા માટે ઈશિતાનો જ સહારો લીધો હતો. નિશા અને અનંત વચ્ચે નિશાના પઝેસીવ એટીટ્યુડના લીધે વારંવાર થતા ઝગડાઓમાં ઈશિતા જ મધ્યસ્થી બનતી હતી અને એમના ઝગડા સોલ્વ કરતા કરતા એને અનંત સાથે પ્રેમ થઇ ગયો અને એક દિવસ એ સામેથી જ અનંતને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. અનંત નિશાના વર્તનને લઈને થોડો અસુરક્ષિત તો હતો જ અને એટલે જ એણે ઈશિતાને નિશાના સ્થાને રાખવાનું વધારે પસંદ કર્યુ.

ઈશિતાનો ગુસ્સો શાંત થયો. બંને બગીચામાંથી નીકળ્યા. અનંત પાર્કિંગમાંથી બાઈક લઈને આવ્યો અને ઈશિતા એની પાછળ પોતાનો ડાબો હાથ અનંતની કમર પર રાખી, ચહેરો એની પીઠ પર ટેકવીને બેસતા બોલી,

“આઈ લવ યુ અનંત! અને તારી અને મારી વચ્ચે હવે હું કોઈને આવવા દેવા માગતી નથી.”

“આઈ લવ યુ ટૂ ઈશુ! અને હું પ્રોમિસ આપું છું તને કે કોઈ જ નહી આવે સ્યોર”

“હમ્મ્મ! થેન્ક્સ”

“હા! અને પેલી તારી ફ્રેન્ડ કાવ્યાનું શું કહેતી હતી તું ગઈ કાલે?”, અનંતે ટોપિક બદલવાની પોતાની સુઝબુઝ વાપરી.

“અરે હા! એ બિચારી હમણાં થોડા પ્રોબ્લેમમાં છે”, ઈશિતા ચિંતિત સ્વરે બોલી.

“કેમ શું થયું છે?”

“એના પપ્પા અત્યારથી એના મેરેજની વાત કરે છે.”

“પણ હજી તો ભણવાનું પણ બાકી છે એક વરસનું!! અને કાકા આટલી બધી ઉતાવળ કેમ કરવા માગે છે?”

“ખબર નઈ! પણ એ મેરેજ નઈ તો સગાઇની વાત કરે છે, એટલે એ દિવસે બિચારી મારી પાસે આવીને રડતી હતી, એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મને એના બધા પ્રોબ્લેમ શેર કરે છે એટલે હું પણ જરાક ચિંતામાં પડી ગઈ હતી”, ઈશિતા રડમસ અવાજે બોલી.

“તો સગાઇ કરી લેવામાં એને શું વાંધો છે?”

“મેં પણ એ જ કીધું એને!! સગાઇ કરવા માટેનો ઓપ્શન તો આપે જ છે ને પપ્પા, તો તને શું વાંધો છે એમ!!”

“તો પછી એણે શું કહ્યું તને?”

“મને લાગે છે કે એ આપણી કોલેજમાં કોઈ છોકરાને મનોમન પસંદ કરે છે પણ મને કહેતી નથી”, ઈશિતાએ કુતુહલવશ કહ્યું.

“તને તો કહેવું જોઈએ! તું તો લવગુરુ જેવું છે! આમ પણ મારુય સેટિંગ તે જ કરાવ્યું હતું ન!!”, અનંત મજાકના મૂડમાં બોલ્યો.

“હા હ! બસ હવે!”, ઈશિતાએ અનંતને એક હડસેલો માર્યો, અને એનાથી એક બે સેકંડ માટે અનંતનું સ્ટીયરીંગ પરથી બેલેન્સ હટી ગયું અને બાઈક થોડી ડગમગી.

ઈશિતાએ અનંતને લગભગ બાથ ભરી લીધી અને એનાથી નાની ચીસ નંખાઈ ગઈ. પણ અનંતે ત્રીજી જ સેકન્ડે બાઈક પર કાબુ મેળવી લીધો અને કહ્યું,

“ડાર્લિંગ, હું પડી જાઉં પણ તને થોડી પાડવા દેતો હશું?”, અનંત હજીયે હળવા મૂડમાં હતો.

“યા! ધેટ ઇઝ ધ રીઝન વ્હાય આઈ એમ વિથ યુ”, ઈશિતાએ થોડીક ઉંચી થઈને અનંતનો કાનની નીચેનો ભાગ ચૂમી લીધો.

એટલામાં ઈશિતાની સોસાયટીનો ગેટ દેખાયો અને એનાથી થોડાક અંતરે અનંતે બાઈક સ્ટોપ કરી. ઈશિતા ઉતરી અને એણે અનંત સામે જોયું, જાણે કે પૂછતી હોય કે ‘ઘરે ક્યારે આવીશ આપણી વાત કરવા?’. અનંતે પણ જાણે કે એનો સવાલ પામી ગયો હોય એમ બે આંખો બંધ કરી અને માથું હકારમાં હલાવ્યું અને કહ્યું ‘સાચા સમયની રાહ જોઉં છું’!

આંખોથી થતી વાતો અટકી અને ઈશિતાએ અનંતને “બાય” કહ્યું. અનંતે પણ “બાય” કહીને બાઈક સ્ટાર્ટ કર્યું અને સવારે કોલેજમાં મળવાના પ્રોમિસ સાથે બંને છુટા પડ્યા.

અનંત ઘરે પહોચ્યો અને ફ્રેશ થઈ પપ્પા મમ્મી સાથે ડીનર લીધું.

“શું વાત છે આજે બહાર હતો આખો દિવસ? કઈ કામ હતું કે ખાલી વગરવેંતની રખડપટ્ટી?”, સુરેશભાઈએ પૂછ્યું.

“ના પપ્પા, રખડપટ્ટી નઈ, કોલેજનું કામ હતું”, અનંતે દર વખતની જેમ છુપાવવાનું જાળવી રાખ્યું.

“આ કોલેજવાળા આજકાલ કૈક વધારે જ કામ આપી રહ્યા હોય એવું લાગે છે. રવિવારે રજાના દિવસે પણ આટલું બધું કામ હોતું હશે? આવું હું જગદીશભાઈ સાથે વાત કરવા?”અનંતના પપ્પા વકીલ હતા અને મોટા ગજાના ક્રિમીનલ કેસના વકીલ હોવાના લીધે તેઓ વાતવાતમાં કોઈ સંસ્થાના અગત્યના માણસોને મળવાની વાત કરતા સહેજ પણ છોછ અનુભવતા નહતા.

“ના પપ્પા! એની કોઈ જરૂર નથી.. હવે છેલ્લું વર્ષ છે એટલે પ્રોજેક્ટના અને બીજા બધા ઘણા કામ હોય એટલે જવું જ પડે ને?”, અનંતે સ્વાભાવિક સહેલાઈથી એક વકીલને ગોળી પાઈ દીધી.

“તો ઠીક! મને એમ કે વગર કામના ક્યાંક રખડતા તો નથી ને બે જણ?”

‘બે જણ’ સાંભળીને અનંત જરાક ચમક્યો અને એનાથી પૂછી ગયું, “બે જણનું તમને ક્યાંથી ખબર?”

“એમાં શું ‘ક્યાંથી ખબર’ ભાઈ? તું અને તારો પેલો દોસ્ત જીગર, તમે બંને એકબીજા વગર ક્યાં કશે જાઓ છો? અને પાછો એ તમારો પ્રોજેક્ટ પાર્ટનર પણ છે એટલે મેં અનુમાન કર્યું”, સુરેશભાઈએ ક્લીયર કર્યું.

“તારા પપ્પા વકીલ છે બેટા! એટલું તો અનુમાન લગાવી જ શકે! આમેય દરેક વાતમાં એ એમનું વકીલપણું તો લઇ જ આવે છે ને?”, સરિતાબેને થોડા વ્યંગમાં સુરેશભાઈ સામે જોઇને કહ્યું.

બધા છુટા પડ્યા અને પોતપોતાના રૂમ તરફ ગયા. અનંતે બેડ પર આડા પાડીને ફોન હાથમાં લીધો. નોટીફીકેશન એરિયામાં ‘155 messages from two contacts’ લખેલું હતું. એણે વ્હોટ્સએપ ખોલ્યું અને જોયું કે કોલેજના ફ્રેન્ડ સર્કલવાળા ગ્રુપમાં પીકનીકની વાત થતી હતી. અને બીજો કોન્ટેક્ટ ઈશિતાનો હતો જેમાં એણે લખ્યું હતું કે ‘પ્લીઝ ગ્રુપમાં રીપ્લાય આપ જલ્દી.’ અને બીજા મેસેજ લખ્યું હતું કે ‘તું પ્લીઝ આવવા માટે હા કહેજે યાર, મજા આવશે’

અનંત થોડો વિચારમાં પડ્યો અને ગ્રુપની આખી ચેટ વાચવા લાગ્યો. એણે જોયું કે પીકનીકની વાત ઈશિતાએ જ ચાલુ કરી હતી. એણે લખ્યું હતું કે,

‘હેય ફ્રેન્ડસ! આપણે આવતા વર્ષે છુટા પડીશું એના પહેલા પિકનિક પર જવા માટે કોણ કોણ તૈયાર છે’

સમર્થનમાં ગ્રુપના ૩૦ સભ્યોમાંથી લગભગ ૧૫ જણે તો તરત કોઈ પણ પિકનિક સ્પોટ માટે પોતાની સંમતિ દર્શાવતું ‘થમ્સ અપ’ આપ્યું. અને બાકીના ૧૫માંથી અમુકે એના વિશે પૂછ્યું, ‘જઈશું ક્યાં?’. બધાએ પોતપોતાના વ્યુ અને ઓપ્શન આપ્યા. પણ જીગરે સજેસ્ટ કરેલો પંચમહાલમાં આવેલા રતનમહાલના જંગલવાળો ઓપ્શન બધાયને બાકીના વિકલ્પો કરતા સારો લાગ્યો અને વધુમાં આખા ગ્રુપમાંથી કોઈએ પણ ત્યાં પોતાની હાજરી નોંધાવી નહતી.

નિશાએ પણ ઈશિતાના આ આઈડિયાને વધાવી લીધો અને એના વખાણમાં થોડા શબ્દો પણ કહ્યા કારણ કે આજે એના લીધે થયેલી અનંત અને ઈશિતાની નોકઝોક વિષે એ અજાણ જ હતી. પરંતુ નિશા પણ આવવાની હતી એ જાણીને અનંત જરાક ખચકાયો પણ ટેન્ટ-લાઈફ અને નાઈટમાં કેમ્પ ફાયરની ઉત્સુકતાના લીધે બધા જ ફ્રેન્ડસની જેમ આવવા માટે એણે પણ પોતાની સ્વીકૃતિ આપવા માટે એ તત્પર હતો, તેમ છતાય એણે એ પહેલા પોતાની પ્રિયતમા ઈશિતાને આ વિષે પૂછી લેવાનું વધારે સારું જાણીને ઈશિતાને ફોન કર્યો.

રીંગ વાગી રહી છે, પણ ઈશિતા ફોન ઉપાડતી નથી. અનંતે બીજી વાર ફોન કર્યો અને બીજી વાર પણ રીંગ પૂરી થવા જ આવી હતી અને છેલ્લી રિંગે ઈશિતાએ ફોન ઉપાડ્યો,

“હા! બોલ સ્વીટહાર્ટ”

“કેમ લેટ થયું ફોન ઉપાડતા?”

“અરે મને હમણાં જ ગ્રુપમાં ચેટ પતાવીને તારા રીપ્લાયની રાહ જોતા જોતા ઝોકું આવી ગયું હતું”

“ઓહ! અચ્છા!”

“હમ્મ્મ! બોલ શું નક્કી કર્યું પછી તે પીકનીકનું? પ્લીઝ હ! ના ન પાડતો”

“પેલી પણ આવે છે તો તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? એમ પૂછવા માટે જ ફોન કર્યો હતો મેં”

“ના યાર, હું કઈ સાવ એવી નથી બકા! એ આવે છે એનાથી મને કોઈ ઇસ્યુ નથી, આમેય ગમેતેમ પણ એ આપણા બંનેની ફ્રેન્ડ છે અને તારા સારા સ્વભાવના લીધે તને કોઈ પણ છોકરી જલ્દીથી ના ભૂલી શકે એ હું જાણુ છું”

“બરાબર! તો ઠીક! તો પછી હું કહી દઉંને ગ્રુપમાં કે ‘હું ઇન છું’ એમ?”

“હા ડાર્લિંગ, કહી દે ને જલ્દી!! પછી મારે બધાને થોડું થોડું કામ સોંપવું છે”

“સારું ચલ તો આવ ગ્રુપમાં!”

“હા ઓકે! બાય”

“બાય”

ફોન મૂકી, અનંતે ગ્રુપમાં પિકનિક માટે પોતાની સંમતિ દર્શાવતો મેસેજ છોડ્યો. તરત જ ઈશિતાએ પણ મેસેજ લખ્યો અને પૂછ્યું,

‘કેટલા આવવાના છે ફાઈનલી?’

દસેક મિનીટની ગણતરી બાદ પિકનિક માટે લગભગ ૨૦ જણ તૈયાર થયા અને બાકીના દસ જણે ના જવાનું કારણ અને અફસોસ વ્યક્ત કર્યા, જે લીસ્ટમાં કાવ્યા પણ હતી.

કાવ્યાના ન આવવાની વાત સાંભળીને ઈશિતાએ તરત એને ફોન કર્યો.

“કેમ તું નથી આવવાની?”, કાવ્યના ફોન ઉપાડતાની સાથે ઈશિતાએ સવાલ કર્યો.

“અરે મેં તને કીધું તો હતું કે મારી સગાઈની વાત ને એ બધું, એટલે મારો તો મૂડ જ ઓફ થઇ ગયો છે યાર”, કાવ્યાનું ન આવી શકવાનું દુઃખ એના અવાજમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું.

“પણ એટલે જ તો તને આવવાનું કહું છું હું. પિકનિકના બહાને તારો મૂડ પણ સારો થઇ જાય, અને જો તું કહેતી હોય તો તું જેને મનોમન પ્રેમ કરે છે એને પણ લઇ જઈએ સાથે, એ બહાને તું એની સાથે સરખી વાત કરી શકીશ.”

“તને ખબર છે એના વિષે?”, કાવ્યા ચોંકી ગઈ.

“ના રે યાર! તે ક્યા કીધું જ છે એના વિષે? હું કેટલું કહીને થાકી ગઈ યાર! પણ તે ક્યાં મને કીધું જ છે?”, ઈશિતાએ છણકો કર્યો.

“તો ઠીક! ના યાર પણ મારો મૂડ જ નથી બનતો આવવા માટેનો. તમે લોકો જઈ આવો! આપણે ફરી કોઈ વાર જઈશું સાથે”

“ઓકે”,ઈશિતાએ કાવ્યાની હાલત વિચારીને આવવા માટે વધારે દબાણ ન કર્યું.

“સોરી યાર”

“અરે કોઈ વાંધો નઈ! તું થોડો સમય એકલી રહેજે ઘરે, શાંતિથી વિચારજે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે”, ઈશિતાએ સાંત્વના આપી.

(ટુ બી કંટીન્યુ...)

વ્યક્તિસૂચકતા

(પ્રકરણ ૧ – પિકનિકની ગોઠવણ)

ભાર્ગવ પટેલ