અંજામ-૧૯
(આગળ આપણે વાંચ્યુઃ-- વીરજી અને વીરા “ પંચાલ હાઉસ” માં પ્રવેશે છે અને “ બાપુ” ને મોન્ટી અને રીતુ જીવીત હોવાના સમાચાર આપે છે એટલે બાપુ તે બંનેને પંચાલ હાઉસમાં લઉ આવવા જણાવે છે.... બીજી તરફ વીજયના ભાગી જવાથી ઇન્સ.ગેહલોત ગુસ્સે ભરાયો છે. તે કંઇ એકશન લે તે પહેલા જ ડી.સી.પી. પંડયા તેની પાસેથી કેસ પાછો ખેંચી લેવાની વાત કરે છે.... જેથી ગેહલોત ઉગ્ર થઇ જાય છે.... અને રીતુ તેના ભુતકાળની યાદોમાં સરી પડે છે..... હવે આગળ વાંચો...)
“ રાજીનામુ નહી ગેહલોત.... તને બઢતી મળશે. તારા જેવા બાહોશ માણસોની આપણા ડિપાર્ટમેન્ટને બહુ જરૂર છે. તારી તરક્કીથી મને આનંદ થશે...” ડી.સી.પી.પંડયાએ કહયુ.
“ એવી બઢતીને હું લાત મારુ છુ સર.... આ વિક્રમ ગેહલોત કોઇની ખેરાત ઉપર નથી જીવતો. આ કેસ મારી પાસે રહેશે અથવા તમે મારુ રાજીનામુ સ્વીકારશો.... ત્રીજો કોઇ ઓપ્શન મને સ્વીકાર્ય નથી. હવે તમારે નક્કી કરવાનું રહયુ કે શું ડીસીઝન લેવુ....?” ગેહલોત મક્કમતાથી બોલ્યો.
“ એ શક્ય નહી બને ગેહલોત.....”
“ તો ભલે સર....” ગેહલોત બોલ્યો. તેણે પોતાની કેપ ઉતારી, બેલ્ટ ઉતાર્યો, હોલસ્ટર સહીત ગન ઉતારી ડી.સી.પી.પંડયા સમક્ષ ટેબલ ઉપર બધી વસ્તુ મુકી.... ફરી વખત પગ ઠોકીને તેણે પંડયાને સેલ્યુટ કરી, અને પાછળ ફરીને તે ચેમ્બરની બહાર નીકળી ગયો.
“ ગેહલોત..... ગેહલોત..... ડેમઇટ......” પંડયાએ બુમ પાડી પરંતુ એ પહેલા તો ગેહલોત ચોકીની બહાર ચાલ્યો ગયો હતો. પંડયાને ગેહલોત તરફથી આવા અણધાર્યા રીએકશનની બીલકુલ અપેક્ષા નહોતી. તેને એમ જ લાગ્યુ હતુ કે ગેહલોત થોડી-ઘણી આનાકાની બાદ પોતાની બઢતી સ્વીકારી લેશે....ઓવર ઓલ, પોલીસ ખાતામાં પ્રમોશનથી મોટી કોઇ બાબત હોતી નથી. પરંતુ વિક્રમ ગેહલોતના કિસ્સામાં પંડયાની એ ધારણા ખોટી પડી હતી. વિક્રમ ગેહલોત આન, બાન, શાન અને પુરી ઇમાનદારીથી ખંતપૂર્વક નોકરી કરતો હતો. તેને આવા ક્ષુલ્લક પ્રલોભન કયારેય ચળાવી શકતા નહી.
“ હવે શું કરશું સર.....?” પંડયા સાથે આવેલા રણજીત નામના અફસરે પંડયાને પુછયુ. જો કે ખુદ ડી.આઇ. જી.પંડયા પાસે આ સવાલનો કોઇ જવાબ નહોતો.
**********************************
“ વીરજી.... પેલો છોકરો હોસ્પિટલમાંથી ભાગી ગયો છે તેનું શું કરીશું....?” વીરાએ જીપમાં બેસતા પુછયુ. તે અને વીરજી હજુ હમણા જ બાપુને મળીને બહાર નીકળ્યા હતા.
“ એની ચીંતા કરવા જેવી નથી....બાપુએ અગાઉથી જ તેની પાછળ એક માણસને રોકવા કહ્યુ હતુ એટલે મેં શૈતાનસીંગને તેની પાછળ લગાડયો છે. એ છોકરો હોસ્પિટલમાંથી ભલે છટકી ગયો પરંતુ આ શૈતાનસીંગની નજરમાંથી નહી છટકી શકે. તે કદાચ પાતાળમાં પણ છુપાઇ જાય તો શૈતાનસીંગ ત્યાંથી પણ આપણને ખબર પહોંચાડશે...” વીરજીએ જીપને ચાલુ કરી રીવર્સમાં લેતા કહયુ.
“ પણ બાપુએ તેને જીવતો શું કામ રહેવા દીધો એ જ મને હજુ સમજાતુ નથી....!!! એને પણ તેના દોસ્તારોની જેમ વાઢી નાખ્યા હોત તો આ મામલો ત્યાં જ ખતમ ન થઇ જાત....!? અને ઉપરથી આ બે છોકરાઓને જીવતા બંદી બનાવી રાખ્યા છે તેનુ શું..... ? મને તો બાપુ કરવા શું માંગે છે એ જ સમજાતુ નથી... ?” વીરા તેની જાડી ગરદન પર હાથ ફેરવતા બોલ્યો.
“ એમાં સમજવા જેવુ કંઇ નથી વીરા....” વીરજી લાંબો શ્વાસ છોડતાં બોલ્યો. “ બાપુના કાળજે ઘા વાગ્યો છે.....તું સારી રીતે જાણે છે કે બાપુ શું ખેલ ખેલી રહયા છે...?”
“ હાં, એ તો છે જ...” બોલીને વીરા પણ ખામોશ થઇ ગયો... વીરજીની જીપ થોડી જ વારમાં એ અનુપમ “પંચાલ હાઉસ” ની બહાર નીકળી...
વીરજી અને વીરા મોન્ટી અને રીતુને “ પંચાલ હાઉસ” માં લાવવા ગામની સીમ ભણી જઇ રહયા હતા.
*********************************
ગેહલોત ગુસ્સાથી ધમધમી ઉઠયો હતો.....તેની રગે-રગમાં કાળ-ઝાળ ક્રોધ વ્યાપ્યો હતો. પોલીસ ચોકીથી નીકળીને તે સીધો તેના ક્વાટરે પહોંચ્યો. વર્દી ઉતારી તેણે ખીંટીએ ટાંગી. કબાટ ખોલી શર્ટ-પેન્ટ કાઢયા અને પહેર્યા.....થોડીવાર માટે તે કબાટમાં લગાડેલા કાચમાં પોતાનું પ્રતીબીંબ જોતો ઉભો રહી ગયો. બ્રાઉન કલરનું પેન્ટ અને આછા ક્રીમ કલરના શર્ટમાં ખરેખર તે સોહામણો લાગતો હતો.... પોતાનું પ્રતીબીંબ જોતા પળવારમાં જ જાણે તેનો ગુસ્સો શાંત થઇ ગયો. ગુસ્સાનુ સ્થાન ધીરે-ધીરે મક્કમતાએ લીધુ હતુ. તેના મનમાં એક વિચાર જન્મ્યો અને સાવ અનાયાસે જ તેનો હાથ તેની મુછ તરફ વળ્યો... અરીસામાં જોઇને જ મુછને વળ ચડાવી આંકડા ચડાવ્યા....એક અજબ આત્મવિશ્વાસને પોતાની અંદરથી ઉદભવતો તેણે અનુભવ્યો...
“ આ કિસ્સાનો આખરી “અંજામ” તો મારા હાથે જ આવશે. ડી.આઇ.જી.પંડયા ભલે ગમે એટલી રમત રમે પણ આમ સાવ આસાનીથી હાર માની જાય એ ગેહલોત નહી.....મારે ભલે આકાશ-પાતાળ એક કરવુ પડે પણ આ સુંદરવન હવેલી સાથે સંકળાયેલા એકપણ વ્યકિતને હું બક્ષીસ નહી. બધાને તેના આખરી અંજામ તરફ હું પહોંચાડીશ.....પછી ભલેને તે રઘુ હોય, વીજય હોય કે ડી.આઇ.જી.પંડયા હોય....તમામે તમામ લોકોને તેમની કરણીનો અંજામ ભોગવ્યા વગર હું છોડીશ નહી....અને આ એક સાચા રાજપુતનો પોતાની જાત સાથે કરેલો વાયદો છે....” ગેહલોત સ્વગત મનમાં જ બબડયો. તેનામાં એક અનેરા ઉત્સાહનો સંચાર થયો હતો. કબાટ આગળથી ખસી ઘરની બહાર નીકળ્યો....દરવાજે તાળુ મારી જીપમાં ગોઠવાયો અને ફરી પોલીસ ચોકીએ પહોંચ્યો.
પોલીસ ચોકીમાં સ્તબ્ધતા વ્યાપી ગઇ હતી....ફરજ પર હાજર હતા એ તમામને ખબર પડી ગઇ હતી કે ગેહલોત સાહેબને સુંદરવન હવેલીવાળા કેસમાંથી ડી.આઇ.જી.પંડયા સાહેબે ફારેગ કર્યા છે....અને એટલે ગેહલોત સાહેબ પોતાની નોકરી છોડીને ચાલ્યા ગયા છે.....આ ખબરથી આબુના એ નાનકડા પોલીસબેડામાં હડકંપ વ્યાપી ગયો હતો. કોઇને આગળ શું કરવુ એ સમજાતુ નહોતુ. આટલા દિવસોથી તેઓએ કેસ પાછળ જે મહેનત કરી હતી એ પળવારમાં પાણી થઇ ગઇ હોય એવું ભવાની પુરોહીત સહીતના તમામ કોન્સ્ટેબલો અનુભવી રહયા હતા. ગેહલોતનાં ગયા પછી પંડયા અને તેની સાથે આવેલા રાજસ્થાન ક્રાઇમબ્રાંચના બંને અફસરો પણ ચાલ્યા ગયા હતા એટલે એક ગેહરી ખામોશી પોલીસ ચોકીમાં વ્યાપેલી અનુભવાતી હતી.....એ સ્તબ્ધતામાં ગેહલોતના પાછા ફરવાથી ખળભળાટ વ્યાપ્યો. કોન્સ્ટેબલ ભવાની તરત ગેહલોત સાહેબ પાસે દોડી આવ્યો.
“ હુકુમ સાહેબ....” એ ભડભાદર બુઝુર્ગ કોન્સ્ટેબલે ગેહલોતને ભારે માનથી સલામ ઠોકી. ભવાની પુરોહીતને પોતાના આ નીષ્ઠાવાન ગેહલોત સાહેબ પ્રત્યે બહુ માન હતુ.
“ સારુ થયુ તમે પાછા આવી ગયા...” તેને એમ જ હતુ કે ગેહલોત સાહેબ ફરી પાછા તેમની ડ્યૂટી સંભાળી લેશે. પણ ગેહલોતને બીજા કપડામાં જોતા એ આશા ધૂંધળી લાગતી હતી.
“ નહી પુરોહીત....હવે નહી....”
“ પણ સાહેબ....આ કેસ તમે આમ અધૂરો ન છોડી શકો...”
“ નથી જ છોડવાનો પુરોહીત.....પણ હવે હું આઝાદ થઇને આનો અંજામ લાવીશ. મારે તારી મદદની જરૂર પડશે...”
“ જે કહો તે કરીશ સાહેબ... તમે ખાલી હુકમ કરો...”
“ સમય આવ્યે ચોક્કસ કહીશ....અને હાં, જ્યાં સુધી મારુ રાજીનામુ સ્વીકારાશે નહી ત્યાં સુધી અહી બીજા કોઇની નીમણૂક થશે નહી. એ સમયગાળા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હોવાના નાતે તારે જ બધુ સંભાળવાનું આવશે. એટલે તારા આંખ-કાન ખુલ્લા રાખજે....ચોકીમાં થતી તમામ હિલચાલની ખબર મને કરતો રહેજે. ખાસ કરીને રઘુ અને માધોસીંહની બાબતમાં....સમજ્યો..?.”
“ જી સાહેબ...”
“ ધેટસ્ ગુડ... ચાલ હવે હું જાઉ...” કહીને ગેહલોત ચોકીની બહાર નીકળ્યો. તેણે પોલીસજીપની ચાવી ભવાનીને સોંપી દીધી હતી એટલે ચાલતો જ તે નખીતળાવની બજારમાં નીકળ્યો. સામાન્યતહઃ પોલીસ યુનીફોર્મમાં ગેહલોતને જોવા ટેવાયેલા લોકો આજે સામાન્ય કપડામાં બજારમાં ચાલતા જતા ગેહલોતને ઓળખી શકયા નહોતા....અને જે લોકો તેને ઓળખી ગયા હતા તેઓ આશ્ચર્યથી ગેહલોતને તાકી રહયા હતા. ગેહલોતને જો કે આવી બધી બાબતોની કયારેય પરવાહ નહોતી. તે આજે ઘણા બધા દિવસો બાદ હળવોફુલ બનીને બજારમાં મ્હાલી રહયો હતો... તેના મનમાં એક પ્લાન ઘડાઇ ચુક્યો હતો જેનો અમલ તે આજ રાતથી જ કરવા માંગતો હતો.
એ પ્લાન બહુ ખતરનાક નીવડવાનો હતો.....તેમાં ગેહલોતના પરખચ્યા ઉડી જવાના હતા.....આ બાબતથી તદ્દન બેખબર તે નખીલેકની ભીડભાડ ભરેલી બજારમાં ચાલી નીકળ્યો હતો...
*********************************
જૈન ધર્મશાળાના વિશાળ પાર્કિંગ વિસ્તારમાં વીજયે તેની વોકસવેગન પાર્ક કરી અને કાંડે બાંધેલી ઘડીયાળમાં સમય જોયો. સાંજના સાડા સાત થયા હતા... ગાડીનો દરવાજો ખોલી તે બહાર આવ્યો.....અહી આવતા રસ્તામાં એક સ્થળે કાર થોભાવી તેણે કપડા બદલી લીધા હતા. અત્યારે તેણે બ્લ્યુ જીન્સ અને ગ્રે કલરનું ફુલ સ્લીવવાળુ ટી-શર્ટ પહેર્યુ હતુ અને ટી-શર્ટ ઉપર તેણે ઠંડી ન લાગે એ માટે લેધરનું જેકેટ ચડાવ્યુ હતુ. કારમાંથી બહાર આવી તેણે સામે જ દેખાતી ધર્મશાળાની બિલ્ડિંગ ભણી નજર કરી.....એક સીધી લીટીમાં બનેલા એ બિલ્ડિગમાં ગ્રાઉન્ડ ફલોર પર દસેક કમરા એક લાઇનમાં બનાવવામાં આવ્યા હતા....એવી જ રચના પહેલા માળે હતી. બે માળની ધર્મશાળા દુધ જેવા ધવલ રંગે રંગાયેલી હતી....બિલ્ડિંગના પરીસરમાં ઠેક-ઠેકાણે લાઇટો બળતી હતી. એવી જ લાઇટો ધર્મશાળાની બિલ્ડિંગની બરાબર સામે બનેલા પાર્કિંગ પ્લોટમાં જગતી હતી કે જ્યાં અત્યારે વીજય ઉભો હતો.
વીજયે કારમાંથી બેગ ઉપાડી, કાર લોક કરી ધર્મશાળાની ઓફિસ તરફ ચાલ્યો.....ઓફીસમાં આધેડ ઉંમરના બુઝુર્ગ જેવા દેખાતા એક કાકા બેઠા હતા. વીજયે પોતાની ઓળખાળ આપી અને તેના નામે બુક થયેલા કમરાની ચાવી આપવા કહયુ. તે બુઝુર્ગ વ્યકિતએ એક ચોપડો ખોલી, વીજયનું નામ ચેક કરી, દિવાલ પર ખોડેલી ખીંટીમાંથી એક ચાવી લઇ વીજયને સોંપી. વીજય હળવેક રહીને ઓફીસમાંથી બહાર નીકળ્યો. તેને નીચે ગ્રાઉન્ડ ફલોર પર “૫” નંબરની રૂમ અપાઇ હતી....પરીસરમાં ચાલતો તે પાંચ નંબરનાં રૂમ પાસે આવ્યો, તાળુ ખોલી અને અંદર દાખલ થઇ બારણુ અંદરથી બંધ કર્યુ....અહી આવતા તેણે એક બાબત ખાસ નોટીસ કરી હતી કે આ ધર્મશાળા એકદમ શાંત હતી. હજુ સુધી તેને ઓફીસમાં બેઠેલા પેલા કાકા સીવાય બીજા કોઇ માણસનો ભેટો થયો ન હતો. આ તેને માફક આવે તેવું હતુ. તેણે મનોમન તેના પપ્પા ચીતરંજનભાઇને આ જગ્યાની પસંદગી બદલ થેંક્યુ કહયુ...
રૂમ એકદમ સ્વચ્છ સુઘડ હતો. કમરાની વચ્ચોવચ ડબલબેડ બીછાવેલો હતો. તેની બાજુમાં એક ટીપોઇ અને પાણીનો જગ પડયા હતા....,રૂમના છેવાડે ટોઇલેટ બ્લોક હતો....વીજયે તેની બેગને ડબલબેડ ઉપર મુકી, ખોલી અને તેમાંથી ટુવાલ કાઢયો અને બાથરૂમ તરફ ચાલ્યો....બાથરૂમમાં ગરમ પાણી માટેનું ગીઝર લગાવેલુ હતુ. તેને હાશ થઇ....તેણે ગીઝર ચાલુ કર્યુ.....લગભગ અડધા કલાક બાદ તે નાહી ધોઇ એકદમ ફ્રેશ થઇને બહાર નીકળ્યો....તેને કકડીને ભુખ લાગી હતી. પહેલા તેણે વિચાર્યુ કે ધર્મશાળામાં બનતુ ભોજન રૂમમાં જ મંગાવી લે....પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલ્યો. આજે ઘણા દિવસો બાદ તેણે આઝાદીનો શ્વાસ લીધો હતો એટલે કયાંક બહાર નીકળી જમવાનું નક્કી કર્યુ. બહાર નીકળી તેણે કમરાને તાળુ વાસ્યુ અને ચાવી જીન્સના પાછલા પોકેટમાં નાંખી....ચાવી હવે ઓફીસમાં આપવી જરૂરી નહોતી. એક અઠવાડિયા સુધીનું તેનુ બુકીંગ હતુ એટલે બીજી કોઇ ચીંતા તેને નહોતી.
હજુ રાતના આઠ-સાડાઆઠ નો સમય થયો હતો છતાં બહાર જાણે મધરાત વીતી ચુકી હોય એવો અંધકાર ઉતરી આવ્યો હતો. ઠંડી પણ જોરદાર હતી... ગરમ જેકેટ પહેર્યુ હોવા છતાં વીજયને તેના હાથ જેકેટના ગજવામાં નાંખવા પડયા હતા. ધર્મશાળાની પરસાળના પગથીયા ઉતરી વીજય સામે દેખાતા પાર્કિંગ પ્લોટમાં નજર નાંખતો ધર્મશાળાના ગેટે આવ્યો. થોડીવાર પહેલા અહી આવતી વખતે તેણે જોઇ લીધુ હતુ કે આ ધર્મશાળાનો દરવાજો દેલવાડા જતાં મુખ્ય રોડ ઉપર જ પડતો હતો.....અને એ મુખ્ય રસ્તા ઉપર ઠેક-ઠેકાણે નાના-નાના ધાબા અને હોટલો બનેલી હતી. વીજયે એવી જ કોઇ જગ્યાએ બેસીને જમવાનું વિચાર્યુ.....તે ચાલતો જ ગેટ સુધી આવ્યો અને બહાર નીકળ્યો.....બહાર મુખ્ય રસ્તા ઉપર પણ બહુ જાજી ચહલ-પહલ નહોતી. કયારેક ઝડપથી એકલ-દોકલ વાહન ત્યાંથી પસાર થઇ જતા હતા.
ધર્મશાળાના ગેટની બરાબર સામે, રોડની સામેની બાજુએ એક નાનકડી હોટલ હતી. વીજયે એ તરફ પગ ઉપાડયા.....હોટલમાં લાલ રંગના પ્લાસ્ટીકના ટેબલ-ખુરશી બીછાવેલા હતા. વીજયે તેમાંથી એકમાં બેઠક જમાવી અને આજુ-બાજુ નજર ઘુમાવી....આ હોટલ એક નાનકડા ખુલ્લા હોલ જેવી દેખાતી હતી. આઠ-દસ ટેબલ પાથરેલા હતા તેમાં બે-ત્રણ ટેબલ ઉપર લોકો જમી રહયા હતા. વીજયે એક નજરમાં તેમને આવરી લીધા. બે ટેબલ ઉપર કોઇ ફેમીલી સાથે બેસીને જમી રહયુ હતુ જ્યારે તેમનાંથી થોડે દુર એક ખુણાના ટેબલ ઉપર સફેદ કપડા પહેરેલો એક એકલો વ્યકિત જમતો હતો...
દુર થડા પર દુકાનનો માલીક બેઠો હતો....વીજય આવીને ગોઠવાયો એટલે એક મારવાડી છોકરો દોડતો આવીને ટેબલ સાફ કરવા લાગ્યો.
“ જમવામાં શું છે....?” વીજયે તેને પુછયુ.
“ સાહેબ.....દાલ-બાટી અને ચુરમુ છે. ઉપરાંત ગુજરાતી થાળી પણ મળી જશે...” એ છોકરો બોલ્યો. વીજય જેવા અપ ટુ ડેટ વ્યકિતને અહી તેની આ નાનકડી હોટલમાં આવેલો જોઇને તે છોકરાને થોડુ આશ્ચર્ય જરૂર થયુ હતુ.
“ એક કામ કર....બંને લઇ આવ. જે સારુ લાગે તે ખાઇશ....” વીજયે તેને કહયુ.
“ સાહેબ... અમારે ત્યાં જમવાનું એકદમ બેસ્ટ જ બને છે. તમને જરૂર ભાવશે....” છોકરો બોલ્યો. તે જે જગ્યાએ કામ કરતો હતો ત્યાંના વખાણ કરવામાં તે કચાશ રાખવા માંગતો નહોતો. રખેને આવા કયારેક જ આવતા કિંમતી ગ્રાહકો નારાજ ન થવા જોઇએ એવો ભાવ તેના ચહેરા ઉપર છવાયેલો હતો.
“ હાં તો લઇ આવ ફટાફટ....” વીજયે કહયુ અને ફરીથી તે આજુબાજુનું નીરીક્ષણ કરવા લાગ્યો.
આજે ઘણા દિવસો બાદ તે આઝાદીનો શ્વાસ લઇ રહયો હતો. તેના સોહામણા ચહેરા ઉપર થોડી હળવાશ છવાઇ હતી....ઘણા બધા વિચારો એકસાથે તેના મનમાં ચાલતા હતા છતાં જાણે એ વિચારોનો ભાર અત્યારે હળવો થયો હતો. આબુની સીવીલ હોસ્પિટલના સ્પેશીયલ કમરામાંથી બહાર નીકળ્યાને હજુ ચંદ કલાકો જ વીત્યા હતા. તે પોલીસ જપ્તો તોડીને ભાગ્યો હતો અને તેમાં તેના પપ્પાએ મદદ કરી હતી. આ એક ભયંકર ગુનો બનતો હતો.....તેમ છતાં અત્યારે એ ગુનાનો ડર તેના મનમાં નહોતો. તે વિચારે ચડયો...
તે ઘણુ બધુ વીચારવા માંગતો હતો. આગળનું પ્લાનીંગ ઘડવા માંગતો હતો અને એ માટે તેને સ્વતંત્રતા જોઇતી હતી. એ સ્વતંત્રતા પોલીસ લોક-અપમાં કયારેય મળવાની નહોતી. ઉલટાના પોલીસવાળાઓ અત્યારે તેને જ ગુનેગાર માની રહયા હતા.....શું તેણે પોતાના જ જીગર-જાન મિત્રોના ખુન કર્યા હોય શકે.....? ના... કદાપી નહી. ખુન કરવાની વાત તો દુર રહી, તે એવુ સ્વપ્નમાં પણ વીચારી ન શકે.....શીવાની, પ્રીયા, તૃષા, નયન, મોન્ટી અને રીતુ....શું આવા અનુપમ મિત્રો તેના હાથે મરાયા છે.....? નહી... નહી... નહી... તે ખળભળી ઉઠયો. તેના બદનમાંથી એક ધ્રુજારી પસાર થઇ ગઇ.
સમયનો એ કાળખંડ તેના દિમાગમાંથી સાવ ભૂંસાઇ ચૂકયો હતો. તે અને તેના મિત્રો સુરતથી કાર લઇ આબુ સુંદરવન હવેલીએ પહોંચ્યા ત્યા સુધીની તેની યાદદાસ્ત સાબુત રહી હતી. અરે....સુંદરવન હવેલીએ તેઓ ક્યારે પહોંચ્યા અને ક્યા કમરામાં રોકાયા હતા, તેઓએ શું ખાધુ હતુ એ પણ તેને યાદ હતુ.....પરંતુ ત્યારબાદ તેમની સાથે શું ઘટના ઘટી હતી એ કેમેય કરીને યાદ આવતુ નહોંતુ.....એ સમયખંડ ઉપર જાણે ઝાકળની ધુંધળાશ છવાઇ ગઇ હતી....કોઇક અજાણ્યા ચહેરાઓ તેની નજરો સમક્ષ ઉભરતા હતા, એક ઘોઘરો અવાજ તેના કાને સંભળાતો હતો....પરંતુ એ બધુ સાવ અસ્પષ્ટ હતુ. દ્રષ્ટી મર્યાદાની દુર જાણે બીજા કોઇક સાથે એ બનાવ બન્યો હોય અને તે એનો મુક સાક્ષી બન્યો હોય એવી તેની હાલત હતી.
“ સાહેબ.....જમવાનું ચાલુ કરો.....” અચાનક તેના કાને અવાજ સંભળાયો અને તે ઝબકીને વર્તમાનમાં પાછો ફર્યો. હોટલવાળો છોકરો ક્યારનો જમવાનું ગોઠવીને રાહ જોઇને ત્યાં જ ઉભો હતો. તે બે થાળી ભરીને લઇ આવ્યો હતો. એકમાં દાલ-બાટી હતી અને બીજીમાં ગુજરાતી ભોજન હતુ.
“ ઓહ.....” વીજય ઝબક્યો અને તેણે એ છોકરા સમક્ષ હાસ્ય વેર્યુ....પછી જમવાનું શરૂ કર્યુ.
આમ પણ તેને ક્યારની કકડીને ભુખ લાગી હતી અને હોટલવાળાએ જમવાનું ખરેખર સ્વાદીષ્ટ બનાવ્યુ હતુ એટલે વીજય બન્ને થાળી ઝાપટી ગયો. પેટમાં અન્ન જતા તેને ઠંડક થઇ....” હાશ....ઘણા દિવસો બાદ આવુ જમવાનું મળ્યુ...” મનોમન તે બબડયો. જમી લીધા બાદ હાથ ધોવા તે ઉભો થયો. વોશ-બેસીનમાં હાથ ધોતા-ધોતા વળી એક નજર તેણે ચારેકોર ઘુમાવી....સાવ અનાયાસે, સહસા જ તે ચોંકયો....તે જ્યારે આ હોટલમાં જમવા આવ્યો હતો ત્યારે તેની સીવાય બીજા બે પરીવારો જમતા હતા. ઉપરાંત એક ખૂણામાં સફેદ કપડા પહેરેલો એક શખ્શ બેઠો હતો....અત્યારે પેલા બન્ને પરીવારો જમીને ચાલ્યા ગયા હતા પણ પેલો સફેદ કપડા પહેરેલો વ્યક્તિ હજુ પણ ત્યાં જ બેઠો હતો....ફક્ત બેઠો જ હોત તો વીજય ચોંકત નહી પરંતુ એ શખ્શ ત્રાંસી નજરે તેને જ તાકી રહ્યો હતો. તેની નજરમાં એવુ કંઇક હતુ જે વીજયને પસંદ આવ્યુ નહી.
“ કોણ હશે આ શખ્શ....? શું એ મારી પાછળ આવ્યો છે.....? કે પછી મને ભ્રમ થયો છે....? “ વીજય સ્વગત બબડયો.
( ક્રમશઃ )
પ્રવીણ પીઠડીયા
વોટ્સઅપ-૯૦૯૯૨૭૮૨૭૮
ફેસબુક-Praveen Pithadiya