યોગેશ પંડયા
એક તારૂ નામ અને આ જીંદગી
E-mail Address : manyog0713@yahoo.com
Phone no.9377114892
ખડકીમાં કોઈ અજાણ્યા જુવાનને પ્રવેશતો જોઈ ગંગાએ સાડલો માથે ઓઢી લીધો. અને આવતલ સામે માંડી ને જોઈ રહી. મુછનો દોરો હજીતો ફુટુ ફુટુ હતો.
જુવાન અંદર અવ્યો અને આમતેમ તાકી રહયો. અને ત્યાં જ ઢાળિયામાંથી ગંગાને બહાર આવતી જોઈને તેણે પૂછી નાખ્યુંઃ ગંગા બહેનનું ઘર આ જ કે?
'હા..'
'મારે ગંગાબેનનું કામ હતું. મળશે અત્યારે?'
'બોલોને... હું પોતે જ ગંગા....'
જુવાન અહર્નિશ ગંગા સામે તાકી રહયો. ગંગાએ તેની નોંધ લીધી. એણે ફળિયામાં ખાટલો ઢાળીને એ યુવાનને ઉદેશીને કહયુંઃ 'બેસો ભાઈ'
જુવાન ખાટલી ઉપર બેઠો. કે ગંગા પાણીયારેથી પાણીનો કળશિયો ભરીને આવી ને જુવાનને કળશિયો લંબાવ્યો ''લો ભાઈ.. પાણી''
''હા'' જુવાનને તરસેય બહુ લાગી હતી. એ એકી શ્વાસે પાણી ગટગટાવી ગયો. કળશિયો પાછો અંબાવ્યો. ગંગાએ મીઠું હસીને કહયું ''લો ઘડી બે ઘડી થાશે, ચા બનાવી નાખું...''
''ના એવી કાહટી કરવી નથી...'' જુવાનેય વળતું સ્મિત આપ્યું. :''તમે નિરાંતે બેસો. મીઠું ટોપરા જેવું પાણી પીવડાવ્યું પછી કાંઈ ચા ની જરૂર પડે એવું નથી.''
''અરે હોય કાંઈ, ચા તો પીવી જ પડે ને ભઈલા...અબસાત૧ નહીં વાર લાગે...'' કહી એ ઓસરીની કોરે રહેલા રાંધણીયામાં ગઈ. એ દરમિયાન જુવાન ઘરનું જીણી નજરે નીરીક્ષણ કરતો રહયો. ઘર સુઘડ હતું. એક રાંધણીયુ, ઓસરી અને ઓરડો હતા. ઓસરીની સામી ભીંતે પાણીયારૂં હતું. ને બાજુમાં ભગવાનનો ગોખલો હતો. ત્યાં માતાજીની છબી હતી. એમાં ધુપેલીયું અને દીવાનું કોડીયુ પડયું હતું. પેટાવેલી અગરબતીની વધેલી છેલ્લી સળીઓ લાગેલી રહી હતી. ઓસરીની કોરે જોડીયા થાંભલાની ઉપરની કમાને સાવરણી મુકેલી હતી. અને ત્યાં એક સળિયો ટીંગાવેલો હતો. એની એક કોર વાળી દઈને ફાનસ ટીંગાડેલું હતું. ખડકી નાની હતી પણ સારી હતી. સામે છેડે ઢાળિયું હતું. ત્યાં એક ગાય બાંધેલી હતી. પણ ઘર આંગણું, લ્લાળિયું ચોખ્ખા ચણાક હતા.
જુવાન આ બધું જોઈ રહયો હતો કે ગંગા ચા ની તપેલી સાણસી માં પકડીને લાવી સાથે બે અડાળી પણ લાવી. ચા અડાળીમાં રેડી.
''હં હું અરે પણ તમે તો આખી અડાળી ભરી દીધી.''
''પીવો ને થાકયા લાગો છો. થોડોક ઉતરી જશે.'' ગંગા મીઠું હસી પડી. જુવાનને એ સ્મિત બહુ ગમી ગયું હૈયે વસી ગયું પણ ખરૂં૧ એ ગંગાની સ્મિતની મીઠપમાં એટલો તણાઈ ગયો કે ચા કયારે પીવાઈ ગઈ એ પણ ખબર ન રહી.
'થોડીક આપુ? હાલશે?' ગંગાએ પુછયું.
''અરે ના ના હો'' જુવાને છેલ્લો ઘુટડો પીઈને અડાળી નીચે મુકી.
ગંગા ઓસરીની કોરે એઠા વાસણ મૂકીને આવી ને જુવાન સામે જ બેઠી. જુવાન બે ચાર પળ ગંગા સામે તાકી રહયો ને પછી હળવેથી બોલ્યો :''હું બાદલપરથી આવું છું.''
''હું..હું બંનેસંગ૧ વીરાજીનો દીકરો –''
ગંગા ઉભડક થઈ ગઈઃ ''શું આવ્યા છો''
''બસ તમને લેવા''
''કારણ?''
''એ કહેવાનો વખત નથી. ગંગાબા૧ બનેસંગે મીઠું સંબોધન કર્યું : વસમી વેળા આવી પડી છે. વસમી પળ ગણાઈ રહી છે. કહેવા કારવવાનો વખત રહયો નથી. ગંગાબા૧ બાપુ ખાટલાવશ છે. દવાખાનેથી રજા આપી દીધી છે. તમને ઝંખે છે. ખાટલાની ઈંહ–ઉંપળા ઉપર માથા પછાડીને કહે છે ગમે ત્યાંથી મારી ગંગા જેવી ગંગાને મારી સામે હાજર કરો. છેલ્લા અઠવાડિયાથી વેણ લીધું છે. ઘરથી ઉપરવટ થઈને તમને તેડવા આવ્યો છું. તમે આવશો તો મારા બાપુની જીંદગી– '' બનેસંગની આંખ આંસુથી ભરાઈ ગઈ.ઃ ''તમે આવશોને ગંગાબા?''
ગંગા જોઈ રહી : ગંગાબાની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહી રહી હતી.
ગંગા ઉભી થઈ ગઈ. બનેસંગના માથા ઉપર હાથ મુકયો : ''હું આવું છું બસ?''
''ગંગાબા –'' બનેસંગે ગંગાની હથેળી ચુમી લીધી.
બન્ને બાદલપર પહોંચ્યા ત્યારે બપોર ઢળી ગઈ હતી. બનેસંગે ગંગાને આવકારતાં કહયું : 'અહીં અંદર આવી જાવ..'
ગંગા ઓરડામાં આવી. વીરાજીએ પોતાની ક્ષીણ આંખોને ઉઠાવી. એક પળ ગંગા સામે આંખ મંડાઈ અને આંખોમાં નવુ તેજ ઉમટી આવ્યું પણ વળતી જ પળે પાપ કર્યાના ભારથી પાંપણો નીચે ઢળી ગઈ.
'ગંગા' તને મેં બોલાવી છે. તું આવી મારા દિલને ધરપતતો વળ પણ મારો વહેમ તે ખોટો પાડયો..'
'કયો વહેમ ? શેનો વહેમ ?'
'એ જ કે ગંગા નહીં આવે પણ તું આવી...' વીરાજી ખાટલામાંથી માંડ બેઠા થતાં બોલ્યો : ''આ હવે છેલ્લા પેલ્લા દનૈયા છે. હવે વધારે ખેંચાય એમ નથી. ગંગા૧ જીવતરનું ગાડું હવે આંટીએ ચડયું છે.
'પણ તમને થયું છે શું' હજીતો આયખાના અધવચ્ચ પોગ્યા છો...' બસ દરદ કળાતું નથી. કોઈ કહે છે કે ટી.બી. છે કોઈ કહે છે કે ફેફસા ખવાઈ ગયા છે. કોઈ કહે છે કે કેન્સર છે તો કોઈ કહે છે કે આંતરડાનો ટી.બી. છે. દાકતરોએ કહી દીધું કે કાં મુંબઈ જાવ અને કાં ઘર ભેગા થાવ...'
'તો પછીસ મુંબઈ જાવને–'
જવાબમાં વિરાજીની આંખોમાંથી પાણી ટપકી ગયાં. 'તમને હું શું કહું ? મારા મંદવાડમાં તો ઘરેણા વેચ્યા, ઘરવખરી વેચી ને જમીનેય વેચી કાઢી. આ ખોરડું એક બાકી રહયું છે. આ મંદવાડે તો – છોકરાવ માટે ચણ્યે ય રહેવા દીધી નથી...'
ગંગા વિરાજી સામે તાકી રહી .
''ગંગા... વિરાજી બોલ્યો : મે તને કાઢી મૂકી એ મારી એક ભૂલ હતી. પણ મારા બાપની વહમાઈને મારે પુગી ન શકાયું '
'પણ તમને તો આંખ્ય હતી ને? તમે મને જાકારો દઈ દીધો અડધી રાતે?''
''...ઈ રાત તો મારા કાળજડે કોરાઈ ગઈ છે ગંગા૧ ઈ પછી નિરાંતે આંખનું મટકું મારી હું ઉંંધ્યો નથી૧ રાત – દિ', દિ'–રાત તારા સંભારણામાં સોરાઈ સોરાઈને હું ગાંડા જેવો થઈ ગયો હતો. દિવસ ને રાત બસ વાડી એ જ પડયો પાથર્યો રહેતો'તો ઈ તને હું કેમ સમજાવું છાતી ચીરીને ??
''બધું બહુ સમજાઈ ગયું નાની ઉમરમાં૧ દોરંગી દુનિયાના રંગ જોયાને જુઠી મમતાના ખેલ જોયા. તમે ધાર્યું હોત તો મને અડધું અંગ સમજીને રાખી ચૂકયા હોત. પણ તમારે તો વંશ નો વેલો જોતો હતો ને૧ એ હું કયાં આપી શકવાની હતી.તમે બધું સમજતા હતા. ત્યારે તો કેવા અછોઅછોવાના કરતા હતા. પણ જેવી ખબર પડી કે તમારોય રંગ ઓલ્યા કાંચિંડાની માફક બદલાયો. નવી તો હથેળીના છાયા કરતી હશે કા ?''
–જવાબમાં વિરાજી ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. ગંગા નજીક ગઈ હથેળીથી વિરાજીની આંખના આંસુ લુછીને કહે ''હવે શું રોવો છો૧ ગઈ ગુજરી ભુલી જાવ. હવે શું તમારે ને મારે૧ હતા તો સગપણ તે દિ' બંધાયા હતા, હવે તો છુટા પડી ગયા એનેય બબ્બે દસકા વીતી ગયા...''
''છતા છતા એક દિ' એવો નથી વીત્યો કે મે તને યાદ ન કરી હોય૧ મારો આત્મા કેટલો કચવાતો હતો એ તો એક હું ને એક ઉપરવાળો બે જ જાણીયે છીએ. હવે તો એને કહું છું કે આ હાથ શું કામ સાબુત રાખ્યા છે? જે હાથે મેં તને જાકારો દીધો.ઃ આ આંખ શું કામ સાજી રાખી છે ? એ ગંગાને જોવા ? જે ગંગાની વાટય હું ખેતરે ઉભો રહી રહીને આજ આંખ્યથી કરતો હતો ? –આજે હું તને આ રૂપમાં જો શકતો નથી ગંગા૧ મનેપસ્તાવો થાય છે કે મેં તને શું કામ ફારગતિ આપી?''
''તમે આપી છે. મે નથી આપી. મે તો હજીય મારા હૈયા ઉપર વિરાજીના નામનું ચિતરામણ કરીને આ હૈયાના દાબડાનું ઢાંકણ ઢાંકી રાખ્યું છે. જયારે જયારે અષાઢી વરસાદ આવે, મોરલા ગળાના ત્રણ ત્રણ કટકાં કરીને ટહુકવા માંડે, મારા ઘરની સામેના ચોકમાં સરખે સરખી જુવતીઓના રાસડા મંડાય ..તેદિ' હું ય ખાટલામાં સુતી સુતી બંધ આંખે મારા હૈયાના દાબડાનું ઢાંકણું ખોલું છું ને એ દનૈયા સંભારું છું...''
''મને માફ કરી દે, આ છેલ્લા પેલ્લા શ્વાસના જુહાર. તું માફ કરીશ તો મારો જીવ ગત્ય થાશે...''
''હજી એમ નથી જવાનું ૧ ગંગા હસી :''તમારે હજી આ બનેસંગને પરણાવી એના દીકરાવને રમાડીને પછી જવાનું છે સમજયા...'' અને પડખે ઉભેલા બનેસંગને કહયુંઃ '' જા તારી બા ને બોલાવી લાવ..''
''હા'' કહી બનેસંગ ગયો અને એની માને બોલાવી લાવ્યો.
''અહીં બેસ..'' ગંગાએ ગોમતીને કહયુંઃ ''હું ગંગા તું ગોમતી. માત્ર ના જુદા છે રૂપ એક જ છે. મેં આના નામનું ઓઢણું ઓઢયું હતું પણ.. વખતને મંજુર ન હતું ૧ પણ મેં એક ઓઢણું ઓઢયા પછી બીજુ ઓઢણુ નથી ઓઢયું : અને તેં હજી કાઢયું નથી. સમજીને ? તારો ધરમ ઈ જ મારો ધરમ. આમને કંઈ થયું નથી. થયું હોત તો જુદી વાત છે. પણ લે આ વીહ હજાર રૂપિયા. જઈને એમની દવા કરાવ. કોઈ વાતે મુંઝાતી નહીં પણ લાગણીનીય જરૂર છે. વધારે જરૂર હોય તો કહેવરાવજે...'' કહી ગંગા ઉભી થઈઃ અને વિરાજીને ઉદેશીને કહયુંઃ ''હું જાઉં છું. ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. તમને કંઈ થવાનું નથી. રૂપિયાતો હાથનો મેલ છે. અને મારા રૂપિયા પાછા દેવા બનેસંગને મોકલશો નહીં. બસ, એક મેં તમારા નામના ઓઢેલા ઓઢણાનું આટલું માન રાખજો...'' કહીને ચાલતી થઈ ત્યારે અત્યાર સુધી પત્થર બનીને બેઠેલી ગોમતીય પત્થર મટીને પાણી બની ગઈ હતી.