Tran Hath no Prem - 12 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Trun haath no prem 12

Featured Books
Categories
Share

Trun haath no prem 12

પ્રકરણ – ૧૨

ત્રણ હાથનો પ્રેમ

લેખક

શૈલેશ વ્યાસ

email : saileshkvays@gmail.com

Mo.: 9825011562


૧૦૮ની એંમ્બ્યુલંસના પેરામેડીકલ માણસો અંદર ઘસી આવ્યા. સ્વદેશે સલમાના જમીન ઉપર પડેલા દેહ તરફ ઈશારો કર્યો. લોહીના ખાબોચીયામાં લથપથ શરીરને જોઈ પેરામેડીકલના માણસો ચોંકી ગયા. તેમણે શંકાશીલ નજરે સ્વદેશ તથા સુદર્શના સામે જોયું.

“કોઈક બદમાશે તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો છે. તમે જલ્દી તપાસો તેને” સ્વદેશે ચોખવટ કરતા કહ્યું.

પેરામેડીકલે નીચે બેસી સલમાની નાડી તથા શ્વાસ તપાસ્યા પણ સલમાનું શરિર તદ્દન શાંત થઈ ગયુ હતું. તેણે માથું ઘુણાવ્યું. “આમનું મૃત્યુ થઈ ચુક્યુ છે.”

“પણ આપણે એમને હોસ્પીલમાં લઈ જઈએ, ત્યાં મોટા ડોકટરો કાંઈક કરી શકે” સુદર્શનાએ કહ્યું.

“જૂવો અમારૂ કામ બિમાર કે માંદા માણસો ને તાત્કાલીક હોસ્પીટલમાં પહોંચાડવાનું છે નહી કે મૃતદેહને. મૃતદેહ માટે મ્યુનીસીપલ કોર્પોરેશનની અલગ ગાડીઓ / વાનની વ્યવસ્થા છે.” પેરામેડીકલે કહ્યું પછી તેણે ઉમેર્યું “પણ આ હત્યા કે ખૂનનો કેસ લાગે છે એટલે અમારે પોલીસને જાણ કરવી પડશે.”

“હું પણ એજ કરવા જઈ રહ્યો છું” કહેતા સ્વદેશે પોલીસ સ્ટેશને મોબાઈલ લગાડયો. “કોન્સ્ટેબલ પાઠક બોલુ છું, બોલો શું કામ છે?” “સાહેબ, હું સ્વદેશ બોલુ છું.”

“બોલો, બોલો સ્વદેશભાઈ” કોન્સ્ટેબલે કંટાળાજનક અવાજે કહ્યું. “જૂઓ, ઈન્સ્પેક્ટર ગોહિલ સાહેબ હજી આવ્યા નથી. પણ તમારા ફોન વિશે એમને જાણ કરી દીધી છે. રાજમોહનભાઈ મઝામાં છે. હમણાં જ ભાવતા ભોજન કરીને લંબાવ્યુ છે. સોમવારે જામીન થઈ જશે બરાબર” બીજુ બોલો “કોન્સ્ટેબલે પોતાની આદત પ્રમાણે, કંટાળો અને વ્યંગ દર્શાવતા જવાબ આપ્યો.”

“મઝાક છોડો, સાહેબ અને સાંભળો મે એક અત્યંત ગંભીર બાબતની જાણકારી આપવા ફોન કર્યો છે. એક ખૂનનો રીપોર્ટ કરવાનો છે” સ્વદેશે ગંભીરતા થી કહ્યું.

“ખૂન?” સામે કોન્સ્ટેબલ પાઠક ઉછળી પડયા હોય તેમ લાગ્યું.

“તમે વિગત નોંધી લો” કહીને સ્વદેશે અબ્દુલ મંઝીલ, રહેમાન ગલીનું સરનામું લખાવ્યું. કોન્સ્ટેબલ પાઠક નો હવે અવાજ ફરી ગયો. “અમે થોડીવારમાં ત્યાં આવીએ છીએ ત્યાં સુધી તમે ત્યાંજ રહેજો. કયાંય જશો નહી અમારે બધું તપાસવું પડશે.”

“અમે અહિઆ જ છીએ, તમે આવો ત્યાં સુધી” સ્વદેશે તેમને ધારણા આપી પછી ઉમેર્યું. “આ ૧૦૮ વાળા ભાઈ પણ તમને રીપોર્ટ કરવા માંગે છે.” તેણે ૧૦૮ વાળા પેરામેડીકલ ને ફોન આપ્યો. તેણે પણ પોતાની રીતે જાણકારી આપી પોતાની ફરજ બજાવી. “અમે હવે જઈએ છીએ” કહી તેઓ નીકળી ગયા.

બંને જણા એકલા પડતા જ, અત્યાર સુધી, અત્યંત હિંમત દેખાડી, હત્યારા સાથે સંધર્ષ કરનાર, સુદર્શના ઢીલી પડી ગઈ. તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. શરિર ધ્રુજવા લાગ્યુ અને હાથ પગમાં અશક્તિ ફેલાઈ ગઈ, તેના પગ લડખડાવા લાગ્યા સ્વદેશે આ જોયું અને તેણે સુદર્શનાને બંને હાથે થી ટેકો આપ્યો. સ્વદેશનો સ્પર્શ થતા જ સુદર્શનાનો બાંધ તુટી ગયો. તે ધ્રુસકે ને ધ્રુસકે ગભરાટથી રડવા લાગી અને સ્વદેશને વળગી પડી.

સ્વદેશે તેના માથે ધીમે ધીમે હાથ ફેરવવા અને આશ્વાસન આપવા લાગ્યો. “તુ રડ નહીં, શાંત થઈ જા” “પણ કેમ આવું થાય છે આપણી સાથે” સુદર્શનાએ રડતા રડતા કહ્યું. “પહેલા રફિકને ત્યાં ગયા તો રફિકનું ખૂન થઈ ગયું અને અહિંઆ સલમાનું”

“એટલે જ આપણે હિંમત કેળવવાની છે અને પ્રભુનો પાડ માનવાનો છે” સ્વદેશે સુદર્શનાની આંખો લુછતા કહ્યું.

સુદર્શનાએ પ્રશ્નસુચક નજરે તેની સામે જોયું. સ્વદેશે ચોખવટ કરી. “તારા ઉપર જેણે હુમલો અને હત્યાનો પ્રયાસ કરાવ્યો તે વ્યક્તિ નથી ઈચ્છતી કે આપણ ને કોઈ માહિતી મળે એટલે તે એક પછી એક ખૂન કરે છે કે કરાવે છે એટલે આપણે વધારે હિંમત દાખવી, આપણી જાતને મજબૂત કરીને આગળ વધવાનું છે. બરાબર?”

સુદર્શનાએ સંમતિ સૂચક હા પાડી “અને પ્રભુનો પાડ માનવાનો કે તારા પર બે હુમલા થયા, એક કારના એકસીંડટ વખતે અને એક અત્યારે, પણ બંને વખતે તુ બચી ગઈ” સ્વદેશે સુદર્શનાના કપાળ ઉપર લગાડેલા બેંડએઈડ ઉપર કોમળ સ્પર્શ કરતા કહ્યું.

“ખરેખર, ઈશ્વરનો જેટલો આભાર માનીયે તેટલો ઓછો છે.” સુદર્શનાએ કહ્યું તે હવે ધીરે ધીરે સ્વસ્થ થતી જતી હતી.

“ઈશ્વરનો આભર ન મનાય, ઈશ્વરને તો પ્રણામ કરાય, એમની કૃપા માટે” સ્વદેશે કહ્યું.

“ચાલ, હવે તું શાંતી થી અહિઆ સોફા ઉપર બેસીજા, પોલીસ આવે ત્યાં સુધી આપણે અહિંઆ જ રહેવુ પડેશે.”

“પણ મારે અહિઆ નથી બેસવું” સુદર્શનાએ ત્રાંસી નજરે સલમાના લોહીથી તરબતર મૃતદેહ તરફ જોતા કહ્યું. “મારો જીવ ગભરાય છે. અહિંઆ.” “રહેવુ તો આપણે અહિઆં જ પડશે. આપણે અજાણ્યા છીએ અહિંના, આપણે ના હોઈએ ને કોઈ લાગતા વળગતા પાછળ થી આવીને પુરાવા સગેવગે કરે તો આપણે વધારે મુશકેલીમાં આવી જઈએ” સ્વદેશે ખુલ્લા દરવાજા અને બંને બાજુની ખુલ્લી બારીઓ સામે ઈશારો કરતા કહ્યું.

સ્વદેશની વાતનો મર્મ સમજતા. સુદર્શનાએ સંમતી દર્શાવી અને તે સોફામાં બેસી ગઈ. તેણે સ્વદેશનો હાથ ખેંચી પોતાની પાસે બેસાડી દીધો. અને તેના ખભા ઉપર માથુ ઢાળી આંખો મીચી દીધી.

પાંચ સાત મીનીટ સુધી સુદર્શનાને આમ શાંત બેસી રહેવા દીધી સ્વદેશે. સુદર્શનાએ હજુ પણ સ્વદેશનો હાથ જોરથી પકડી રાખ્યો હતો પણ તેનો શ્વાસોશ્વાસ ધીમે ધીમે સામાન્ય થઈ ગયો હતો. તેનો શરૂઆતનો ભય હવે ઓછો થઈ ગયો હતો.

સ્વદેશ ઈચ્છતો હતો કે સુદર્શના આમ જ શાંત રહે પણ તેના મનમાં એક વિચાર સ્ફૂર્યો હતો જે જણાવવો ખુબજ જરૂરી હતો એટલે તેણે સુદર્શનાને સહેજ હલબલાવી.

સુદર્શનાએ તુરત જ આંખો ખોલી પહેલા ચારેબાજુ નજર ફેરવી, પછી સ્વદેશ સામે જોઈ પૂછયું. “શું છે?”

“તું ધ્યાન થી મારી વાત સાંભળ”

“હા, કહે શું વાત છે” સુદર્શનાએ પ્રશ્ન કર્યો. “જો હમણા પોલીસ અહિંઆ આવશે, આપણને બધી વિગત પૂછશે. આપણે જે બન્યુ છે તે બધુ જ વિગતવાર કહેવુ પડશે” સ્વદેશે સમજાવ્યું.

“હા, હા, આપણે કયાં કઈ છુપાવવાનું છે. જે છે તે સાચુજ કહીશ” સુદર્શનાએ સહમતિ દર્શાવી.

“પણ એક વાત આપણે આપણા પુરતી જ રાખવાની છે.” સ્વદેશે જણાવ્યું.

“કઈ વાત? આપણે શા માટે પોલીસ થી કાંઈ છુપાવવુ પડે. આપણે કયાં કોઈ ગુનો કર્યો છે?” સુદર્શનાએ વાંધો ઉઠાવ્યો.

“આપણે બીજુ કશું છુપાવવાનું નથી, કારણ કે સૌ કોઈ જાણે છે કે આપણે અહિયા શા માટે આવ્યા હતા. આપણે ઈન્સ્પેક્ટર ગોહિલને પણ SMS કરી આ બાબતે પૂરી માહિતી મોકલી આપી છે” સ્વદેશે કહ્યું.

“તો પછી આપણે કઈ વાત નથી કહેવાની? બધુ તો જણાવ્યુ જ છે.” સુદર્શનાએ વાતનો મર્મ ન સમજાતા પૂછયું.

“જો, સલમા એ આપણને મરતા પહેલા જે કહ્યુ તે આપણે આપણા પુરતુ જ રાખવું જોઈએ તેવું મારૂ માનવુ છે” સ્વદેશે ચોખવટ કરી “તો તારૂ કહેવુ છે કે, રફિક ના અબ્બા વાળી વાત, આપણે નથી કરવાની?” સુદર્શના એ સામો પ્રશ્ન કર્યો.

“હા, મારૂ માનવુ છે કે એ વાત આપણા પૂરતી સિમીત રહે તે આપણા માટે ફાયદાકારક રહેશે, અત્યારે અન્ય કોઈને જાણ નથી કે માહિતી રફિકના અબ્બા પાસે છે. પોલીસ કે અન્યને જાણ કરવાથી વાત પ્રસરી જાય તો હુમલાખોરો કદાચ રફિકના અબ્બા ઉપર પણ ખૂની હુમલો કરે તો આ આખરી કડી આપણા હાથમાંથી નિકળી જાય” સ્વદેશે લંબાણપૂર્વક સમજાવ્યું.

“પણ તને નથી લાગતુ કે રફિક અને સલમાના અંજામ પછી આપણે આ વાત પોલીસ ઉપર છોડવી જોઈએ. એ લોકો આપણા કરતા વધારે તાલીમબધ્ધ, અનુભવી અને સક્ષમ છે.”

“તારી વાત એક રીતે એકદમ વ્યાજબી છે. પણ પોલીસની નજરમાં તેમણે રફિકના ખૂનના શંકમંદ ની ધરપકડ કરી લીધી છે એટલે તેમનુ ધ્યાન રાજમોહનકાકાને ગુનેગાર સાબિત કરવા ઉપર કેદ્રિત રહેશે. પોલીસોની માનસીકતા પ્રમાણે તેઓ રાજમોહનકાકાની આસપાસની કડીઓ જોડવા દોડધામ કરશે અને આ માહિતી ઉપર વધારે ધ્યાન નહી આપે. પણ આપણા માટે ગેરફાયદો એ થશે કે આ વાત બધે પ્રસરી જશે અને જો હુમલાખોર વ્યક્તિના ધ્યાનમાં આવશે તો આપણા પહેલા તે ત્યાં પહોંચી જશે અને સલમા અને રફિક જેવા હાલ તેમના કરશે” સ્વદેશે પોતાનું મંતવ્ય લંબાણપૂર્વક રજૂ કર્યુ.

સુદર્શના પણ સ્વદેશના આ દ્રષ્ટિકોણ થી વિચારમાં પડી ગઈ. બે ત્રણ મિનિટ સુધી તેણે મનોમંથન કર્યા બાદ કહ્યુ. “મને પણ તારી વાત બરાબર લાગે છે. આપણે આ વાત આપણા પૂરતી જ સીમીત રાખીશું અને પછી આપણે જે પગલા લેવા હશે તે લઈશું”

“મને ખાલી એક જ વાત સમજાતી નથી કે ખૂની પોતે કે ખૂન કરાવનાર વ્યક્તિ આપણા કરતા બે ડગલા આગળ કઈ રીતે રહે છે. રફિક વખતે અને આજે આપણા પહેલા તે કઈ રીતે પહોચ્યો તે સમજાતુ નથી.” સ્વદેશે પોતાની ચિંતા વ્યક્ત કરી.

સુદર્શના જવાબમાં કાંઈક કહેવા જતી હતી પણ તે અટકી ગઈ કારણ કે મુખ્ય દરવાજામાંથી કોન્સ્ટેબલ પાઠક તથા ચારેક અન્ય પોલીસ કર્મીઓ દાખલ થઈ રહ્યા હતા.

બંને એ એકમેક તરફ સૂચક દ્રષ્ટિથી જોયું કે આપણે જે નક્કી કર્યુ છે તે જ કહેવાનું છે.

કોન્સ્ટેબલ પાઠકે દિવાનખંડની વચ્ચોવચ બંને પગ પહોળા કરી, બંને હાથ પોતાની કમર ઉપર ગોઠવી, ચારે બાજુ જોયું. તેમની નજર સલમાના મૃતદેહ ઉપર પડી. તેમના હોઠ સહેજ વંકાયા. તેમના માટે આ બધુ રોજનું હતું.

“રામશરણ, મૃતદેહની તપાસ કરો, બધી ચીજ વસ્તુઓના ફોટા પાડો, દરેક વસ્તુઓ તપાસો, અને પછી એમ્બ્યુલંસ બોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલો” તેમણે સત્તાવાહી અવાજે હુકમો છોડયા. ઈન્સ્પેક્ટર ગોહિલની ગેરહાજરીમાં તે પોતાની અગત્યતા સિધ્ધ કરવા માંગતા હતા.

પછી તેઓ સ્વદેશ તરફ ફર્યા. “ભાઈ, તમે તો જયાં જયાં જાવ છો ત્યાં લાશો જ મળે છે. પેલી કહેવત છે ને જહાં જહાં પાવ પડે સંતન કે, વહી વહી બંટાધાર” તેણ આદતાનુસાર વ્યંગમાં કહ્યું.

સ્વદેશે આ વ્યંગ ગળી ગયો. “તમારે જે પૂછવુ હોય તે પૂછો”

કોન્સ્ટેબલ પાઠકને તરત જ ધ્યાન આવ્યુ કે તેની પહેલી ફરજ તપાસ અને પૂછતાછ કરવાની હતી નહી કે ટોણા મારવાની ઉપર સુધી વાત જાય તો તેના માટે મુશ્કેલી ઉભી થઈ શકે. પરિખ પરિવારની પહોંચની તેને ખબર હતી. સારૂ હતુ કે રાજમોહને પોતાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેના સંબંધો નો ઉપયોગ નહોતો કર્યો નહિંતર ઈન્સ્પેક્ટર ગોહિલની સ્થિતી ક્ષોભજનક થઈ જાત.

કોન્સ્ટેબલ પાઠકની બઢતી, થોડા વખતમાં થવાની સંભાવના હતી એટલે તેઓ કોઈ જોડે સંબંધો બગાડવા નહોતા માંગતા તેઓ પોલીસ તરીકે પોતાની ફરજ બજાવવા તથા સંપન્ન અને પ્રતિષ્ઠત પરિવાર જોડે સંબંધો સાચવવા માંગતા હતા જેથી કરીને તેમની બઢતી વિરૂધ્ધ કોઈ વાંધો ન આવે. માત્ર તેમની વ્યંગબાણ છોડવાની આદત ઉપર તેમનો કાબુ ક્યારેક ક્યારેક જતો રહેતો હતો. તેમણે નરમાશ થી પૂછયું. “ચાલો મને વિગત થી જણાવો કે શું બાબત છે અને શુ બન્યુ હતું”

સ્વદેશે કોન્સ્ટેબલ પાઠકને વિગતવાર શરૂથી આખર સુધીની પરિસ્થિતી નો ચિતાર જણાવ્યો. સલમાના આવેલ ફોનથી લઈને સલમાની હત્યા સુધીની દરેક વાત વિસ્તાર પૂર્વક જણાવી. વચમાં વચમાં સુદર્શના પણ ટાપસી પૂરતી હતી.

કોન્સ્ટેબલ પાઠક પોતાની નાની ડાયરીમાં જરૂરી વિગતો ની નોંધ કરતા હતા. સ્વદેશની પુરી વાત સાંભળી તેમના હોઠ વંકાયા.

“આ કામ તો પોલીસનુ છે. તમારે જાતે આવવાની ક્યાં જરૂર હતી. તમે લોકો પોલીસને તેમનું કામ કરવા નથી દેતા અને પછી પોલીસનો વાંક કાઢો છો કે પોલીસ નકામી છે.” પાઠક પોતાનો ઉભરો ઠાલવ્યો. “તમે અમને જાણ કેમ ન કરી?” પાઠકે તતડાવતા હોય તેમ પૂછયું.

સ્વદેશે પુરી સ્વસ્થતા થી અને જરા પણ વિચલીત થયા વગર જવાબ આપ્યો “મે બે વખત તમને ફોન કર્યો હતો આ કહેવા માટે પણ તમારી વાત કરવાની ઢબ, વ્યંગ અને ઉતારી પાડતી હતી એટલે મને તમને જણાવવાનું મુનાસીબ ન લાગ્યું. તમારો સ્વર જાણે તમને રસ જ ન હોય તેવો હતો.”

“પણ મને શું ખબર કે તમારે આવી જોખમી કે અગત્યની વાત કરવી હશે” પાઠકે ઝંખવાઈ જઈને કહ્યું.

“પાઠક સાહેબ, કોઈ પણ માણસ જયારે પોલીસને ફોન કરતો હોય તો તે કાયદા કે ગુન્હા ની અગત્યની જાણકારી આપવા કોઈ જોખમ કે ગુન્હાને રોકવા માટેની સૂચના આપવા માટે જ કરતો હોય, કોઈ રમુજી ટૂચકા સંભળાવવા કે નાટક જોવા માટે આમંત્રણ આપવા માટે ન કરતો હોય, તમે મને બંને વખત વ્યવસ્થિત પ્રતિભાવ ન આપ્યો એટલે મે અમારા વકીલ દ્વારા આ સમાચાર ગોહિલ સાહેબને પહોચાડવા કહ્યું. હતુ અને મારા તરફથી પણ મે મારા મોબાઈલ થી તેમના મોબાઈલ ઉપર SMS કરીને પૂરી વિગત આપી છે એટલે મે તો મારા તરફી પોલીસને જાણ કરવાનો અને પોલીસ તરફથી કોઈ સુચના મળે તો તે પ્રમાણે કરવાની તૈયારી બતાવી જ છે. તમારા લોકો તરફથી કોઈ પ્રતિભાવ કે સૂચના ન મળે તો અમારે તો અમારી રીતે પ્રયત્નો કરવા જ પડે નહિતર માહિતગાર સૌના હાથમાંથી નિકળી જાય” સ્વદેશે થોડી તિખાસ થી થોડા ઉંચા અને પ્રભાવશાળી અવાજે કોન્સ્ટેબલ પાઠકને તેમની નબળી અને દુઃખતી નસ દબાવી.

કોન્સ્ટેબલ પાઠક આ વાકપ્રહાર સાંભળી દિઃગ્મુઢ થઈ ગયા તેમનો જીવ અધ્ધર થઈ ગયો, જીભ તાળવે ચોટી ગઈ, સ્વદેશની વાત સાચી હતી. તેનો બે વખત ફોન આવ્યો હતો પણ પોતે કટાક્ષો જ કર્યા હતા જેને કારણે દુભાઈને સ્વદેશે પોતાની વાત વ્યક્ત કરી નહી હોય. આ વાત પોતાની વિરુધ્ધ જઈ શેક તેમ હતી. પોલીસ સ્ટેશનનો ફોન રેકોર્ડ સ્વદેશના ફોન નંબરોની નોંધ બતાવે તો પુરવાર થાય કે તેણે ફોન કર્યા જ હતા. પોતાના તરફ થી સ્વદેશે ઈન્સ્પેક્ટર ગોહિલને વિગત આપતો SMS કર્યો હતો. જો પાઠકે સ્વદેશની વાત સાંભળી હોત તો ગોહિલ ને SMS મોકલવાની ને વકિલને ગોહિલ જોડે વાત કરવાની જરૂર જ પડી ન હોત.

કોન્સ્ટેબલ પાઠક ને કપાળે પરસેવો બાઝી ગયો. રૂમાલ થી તેણે પરસેવો લુછયો. તેને અને ઈન્સ્પેક્ટર ગોહિલ વચ્ચે બારમો ચંદ્રમા હતો. ગોહિલ તેની ભૂલ ગોતવાની તાકમાં હંમેશા રહેતા હતા. ઉચ્ચ અધિકારી હોવાને કારણે તેમનો હાથ હંમેશા ઉપર રહેતો હતો. પાઠક કોઈ વાંકમાં આવે તો ગોહિલ તેની હાલત કફોડી કરી શકે તેમ હતા. એટલે તેણે નરમાશ થી સ્વદેશને કહ્યું. “મારૂ કહેવાનું એમ હતુ કે જો તમે મને જણાવ્યુ હોત તો તમારે આવુ જોખમ ઉઠાવવું ન પડત અને આ બેનને આવી ઈજા ભોગવવવી ન પડત”

એજ વખતે રામશરણ ત્યાં આવ્યો અને કહ્યું. “સાહેબ, ફોરેંસિક વાળાઓએ ફોટોગ્રાફ્સ અને લોહીના તથા અન્ય નમુનાઓ લઈ લીધા છે. લોહી થી ભરેલુ ખૂનનું કથિત હથિયાર છરી પણ લઈ લીધી છે પણ એના ઉપર કોઈ ફીંગરપ્રીન્ટ મળ્યા નથી”

સ્વદેશે વચ્ચે ટાપશી પૂરાવી “હા, સાહેબ હુમલાખોરે હાથમાં કાળા હાથમોજા પહેર્યા હતા.” રામશરણે આગળ કહ્યું. “આ સાહેબના બેઝબોલનું બેટ પણ અમે સાથે લીધુ છે. એમ્બ્યુલંસ આવી ગઈ છે અને લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીએ છીએ.”

“બરાબર છે” પાઠકે પોતાના હોદ્દાને રૂએ કહ્યું. “આ મકાનને સીલ કરી દો. દરેક બાબત નો રીપોર્ટ તૈયાર કરો. સાહેબ આવે એટલે તેમની સમક્ષ રજુ કરીશું” પછી સ્વદેશને કહ્યુ. “તમે પણ ઘરે જઈ શકો છો પણ કાલે પોલીસ સ્ટેશન આવી તમારૂ નિવેદન લખાવી જજો” સ્વદેશે હકારમાં માથું હલાવ્યુ.

પાઠકે આ બંને પોતાની તરફ કુણું વર્તન રાખે તે માટે ચાપલુસી ભર્યા સ્વરે કહ્યુ “અને સુદર્શના બેન, તમારી હિંમતની તો દાદ દેવી પડે હો, એકલે હાથે અને એક હાથે તમે હત્યારા સાથે ઝઝુમી પડયા એ ખરેખર કહેવુ પડે હો. અમારા ઘરના બૈરા તો આવે વખતે ઢગલો જ થઈ જાય”

સુદર્શના પાઠકની મસ્કાબાજી સમજી ગઈ પણ એની પણ ભવિષ્યમાં જરૂર પડેશે એમ સમજીને કહ્યું. “એવુ નથી પરિસ્થિતી એવી હોય ત્યારે માણસમાં આપોઆપ હિંમત આવી જાય. પ્રસંશા તો તમારી પોલીસ કર્મીઓની કરવી જોઈએ, જેઓ રોજ ગુન્હેગારો સામે જીવસટોસટની બાજી ખેલે છે. અમે તો કઈ નથી.”

સુદર્શનાના કથનને પોતાના આડકતરા વખાણ સમજીને પાઠક રાજી થઈ ગયો. “કોઈ પણ કામ હોય તો મને કહેજો” કહેતા કહેતા તેઓ સૌને બહાર લઈ આવ્યા. મકાન સીલ કરાવ્યુ અને પછી પોતાના કર્મીઓ જોડે જીપમાં બેસી પોલીસ સ્ટેશને જવા નિકળી ગયા. જતાં જતાં તેમણે સ્વદેશ સામે હાથ ઉંચો કર્યો. એમ્બ્યુલંસ પણ તેમની પાછળ પાછળ રવાના થઈ હતી.

સ્વદેશ અને સુદર્શના પણ તેમની મોટરસાઈકલ ઉપર ઘરે જવા રવાના થયા. સ્વદેશે સુદર્શના ને કહ્યું. “સૌથી પહેલુ કામ ડોક્ટર પાસે વાગેલા ઉપર ડ્રેસીંગ કરાવવુ પડશે” સુદર્શનાએ મૂક સંમતિ આપી.

મોટર સાયકલ ઘર તરફ જઈ રહી હતી પણ બંને સવારોના મગજમાં એક સરખા વિચારો ઘૂમરાયા કરતા હતા. “આવુ કેમ થાય છે?” રફિક સુધી પહોંચીયે તે પહેલા તેની હત્યા થઈ ગઈ. સલમા માહિતી આપવા લઈ જાય તે પહેલા તેની પણ તેમની સામે હત્યા થઈ ગઈ. અજાણ્યા હુમલાખોરે સુદર્શના ઉપર પણ ઘાતક વાર કર્યો હતો. ભલુ થજો પેલા કુત્રિમ હાથનો કે તેનો જીવ બચી ગયો. કુત્રિમ હાથ વચ્ચે આડો ન આવ્યો હોત તો સુદર્શના પણ સલમાની જેમ અત્યારે જીવીત ન હોત”

“કોણ છે આ હુમલાખોર? પોતે જાતે જ છે કે કોઈ ધંધાકીય પાસે હુમલા અને હત્યા કરાવે છે? ”

“તેને સુદર્શના સામે શું વેર છે?” સુદર્શનાની હત્યા કરવાથી તેને શું ફાયદો થવાનો છે?

“સંપત્તિ માટે નું ષડયંત્ર છે કે અંગત કોઈ અદાવત છે?”

“એવો કેવો શતરંજ નો ખેલાડી છે જે અમારી ચાલ કરતા બે ચાલ આગળ ચાલે છે રફિક અને સલમા આનું ઉદાહરણ હતા.”

“હવે આગળ શું કરવુ જોઈએ? કેવી રીતે કરવુ જોઈએ? એક વાત તો ચોક્કસ જ હતી આટલું બધુ થયા પછી એ ગુન્હેગારને પકડવો જ રહ્યો અને એને એના કૃત્યોની સજા અપાવવી જ રહી”

આવા જ વિચારોમાં ઘર કયારે આવી ગયું તેની જ ખબર બંનેમાંથી એકેય ને નહી રહી. સ્વયંસ્ફુરણા થી ચલાવાતી મોટરસાયકલ બંગલાના દરવાજા પાસે આવતા જ સ્વદેશે તેને ઉભી રાખી, અને બંને અંદર પ્રવેશ્યા.

ઘરના બધા સભ્યો જાગતા જ દિવાનખંડમાં બેઠા હતા. સૌ ઉભા થઈ ગયા અને સ્વદેશ સુદર્શનાને પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા.

સુદર્શનાના કપાળ ઉપર ના ઘા ને મલમપટ્ટી જોઈ બધાના શબ્દો તેમના ગળામાં જ અટકી ગયા.

(ક્રમશઃ)

(વધુ રસીક ભાગ આવતા અંકે)