જીવનનું એક સત્ય છે કે બળજબરીથી કરાવેલું કોઈ પણ કામ નિરર્થક હોય છે, તેનો ઉદ્દેશ્ય જળવાતો નથી. કોઈ પોલીસ ઓફિસર ધાક-ધમકીથી પોતાના કબજામાં આવતા પ્રદેશમાંથી ગુંડાઓને તગેડી મુકવા ગમે તેટલા પ્રયાસો કરે પણ ત્યારે ગુંડા-ગર્દી જતી નથી, બલકે વધુ જોરથી ઉભરાઇને બહાર આવે છે. ન્યુટનનો ત્રીજો નિયમ અહી પણ કામ કરે છે. સ્પ્રિંગને જેટલી જોરથી દબાવો એટલી જ જોરથી એ ઉછાળીને બહાર આવે છે. આ વાત આજે સમાજમાં સૌ કોઈ જાણે છે. પણ જાણવું અને અમલમાં લાવવું એ બે વચ્ચે ઘણો ફરક છે. માહિતી અને જ્ઞાન. ગરમ ચા પીવાથી જીભ બળી જાય, એ માહિતી છે. પણ જેણે ખુદ જીભ બાળી છે એમને આ વાતનું જ્ઞાન છે. જ્યાં સુધી માહિતી જ્ઞાન ન બને ત્યાં સુધી એનું કોઈ મહત્વ નથી હોતું.
આજની પેઢીમાં બે અલગ અલગ માનસિકતા ધરાવતા લોકો રહે છે. બે પેઢી એક સાથે જીવી રહી છે. બસ જીવી રહી છે. એમાં સામ્યતા નથી. એક જે ખુલ્લા મન થી જીવવાવાળા લોકો છે. બધું માણી લેવું છે. બેરોક-ટોક- આદર્શો વિના- કોઈ નિયમો વિના એને જીવન જીવવું છે. અને બીજી તરફ ૬૦-૭૦ વર્ષ વિતાવી ચુકેલા આપણા પપ્પા કે દાદા ની પેઢી. જેઓ માને છે કે જીવનમાં અમુક આદર્શો-નિયમો-બંધો-સંબંધો એવો બધું હોવું જોઈએ. આજની પેઢી પાસે માહિતી છે. અને પપ્પા-દાદાની પેઢી પાસે જ્ઞાન છે. પણ બંને પેઢી વચ્ચે આજે અંતર વધ્યું છે. આજની જનરેશન પપ્પા-દાદાને Oldies ગણે છે- તેને નજર-અંદાઝ કરે છે. આ અંતર છે ૧૯મી સદી અને ૨૦મી સદી વચ્ચેનું. માણસ મનની શાંતિ શોધે છે. અહી-તહી ભટકવામાં આનંદ મળે છે- નશો મળે છે- અને વળી પાછો હેરાન થાય છે. ફરી મનની શાંતિ શોધે છે. દોડા-દોડીમાં જીવનનાં સોપાનો-સ્વપ્નો-પડાવો ક્યાં પસાર થઇ જાય છે એની ખબર રહેતી નથી.
શાંતિથી બેસીને વિચાર કરીને નિર્ણય લેવાતો નથી. ‘ઝટ્ટ મંગની – પટ્ટ બ્યાહ’ એવું કામ છે. ફક્ત માહિતી થી ભરેલાં મનની આ નિશાની છે. કલ્પના શક્તિ શૂન્ય બની ગઈ છે. ફિલ્મો - સીરીયલો અને ડાયલોગ્સ સાંભળીને માણસ ફીલ્મી બની ગયો છે અને કોઈ ફિલ્મી પાત્રમાં પોતાની જાતને બેસડવાનો પ્રયત્ન કરે છે.
બ્રાન્ડની માંગ વધતી જાય છે. તેના કારણે નવી બ્રાન્ડો શોધતી રહે છે અને ચાલતી રહે છે. પરિવર્તન એ કુદરતનો નિયમ રહ્યો છે. પણ નવી શોધોને અપનાવી અને જૂની શોધોને લાત મારી દેવાનો પણ કોઈ અર્થ નથી બનતો. નવા વિચારો સારા છે, ઉપયોગી છે. પણ જુના વિચારો પણ એક જમાનામાં ક્રાંતિકારી હતા એ ભૂલવું ના જોઈએ.
Subway Surf અને Candy Crush રમીને આધુનિક થવું એ સારી બાબત છે. પરંતુ પકડમ-પટ્ટી અને આંધળો-પાટો જેવી રમતોને નાખી દીધા જેવી પણ ના ગણવી જોઈએ.
માણસને કાલ્પનિક દુનિયાનો વધારે મોહ લાગતો જાય છે. રૂબરૂ મુલાકાતમાં મજા નથી આવતી પણ ૧ કલાક Chat કરવાથી વધારે ખુશી મળે છે – નિકટ આવ્યાનો અહેસાસ થાય છે. ક્યાંક પ્રસંગમાં કોઈ સુંદર છોકરીને જોઇને સામેથી વાત થતી નથી, તેની પ્રસંગમાં જ ઓળખાણ નથી નીકળતી. પરંતુ પ્રસંગ પત્યાં પછી તેનો ચેહરો યાદ રાખીને Facebook પર Search થાય છે – Request મોકલાય છે. મેસેજમાં વાત થાય છે અને Friendship બંધાય છે. Virtual આનંદમાં રેહવાનું વધારે પસંદ આવતું જાય છે.
પોતાની સાથે ભણતું ગ્રુપ હવે રૂબરૂ મળતું નથી. ‘ઓટલા-પરિષદ’ લગભગ થતી નથી. તેની જગ્યા એ Late Night સુધી Group Chatting થાય છે અને ગ્રુપમાં જ એકબીજાની ખેચાય છે. કાલ્પનિક વિશ્વ છે.
હું તે વાતનો વિરોધ બિલકુલ નથી કરતો. હું પણ પરિવર્તનમાં માનવાવાળો માણસ છું. બદલાવ જરૂરી છે. વિચારો બદલાવા જોઈએ. નિયમો તુટવા જોઈએ. નવા નિયમો બનવા જોઈએ. અને એ આપણે જ બનાવીશું. સમાજની છબી આપણે જ બદલીશું. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે બદલાવની આ દોડમાં આપણે ક્યાંક આપણા પોતાનાંઓને નથી ખોઈ બેસતાં ને? આપણા આદર્શોમાં એટલો જંગી ફેરફાર પણ ના આવવો જોઈએ. સમયની સાથે ચાલવું. પણ દોટ મુકવી એ પણ સારી બાબત નથી. થોડું વાસ્તવિક પણ બનો. બાકી તો તમે બધા ખુબ સમજદાર છો. લાંબા ભાષણની તમને જરૂર નથી. ઈશારો કાફી છે.
ફરી મળીશું !!!
- ચેતન સોલંકી