Your s Failfuli in Gujarati Magazine by Rupali Shah books and stories PDF | યોર્સ ફેઇથફુલી

Featured Books
Categories
Share

યોર્સ ફેઇથફુલી

રૂપાલી શાહ

701/b wing, samir bldg.

Opp. Children’s academy school,

Atmaram sawant marg,

Kandivali east,

Mumbai- 400101

Contact number- 9833056181

યોર્સ ફેઇથફુલી

પ્રેમ એ પ્રત્યેક વ્યક્તિની નરી આંખે ન દેખાતી સાવ અંગત લાગણી છે અને અનિવાર્ય પણ. પ્રેમના અનેક સ્વરૂપ છે, છતાં મોટેભાગે પ્રેમની વાત આવે એટલે સ્ત્રી- પુરુષનો પ્રેમ સહજ રીતે વણાઇ જતો હોય છે.

શું આખી જિંદગી પ્રેમ શુદ્ધ- અણિશુદ્ધ અને બળકટ રહી શકે છે કે પછી પ્રેમ નામનું તત્વ એક હદ પછી ભેળસેળિયું થઇ જતું હોય છે? કે પછી સમય, સંજોગો અને સમજણ પ્રમાણે એનું સ્વરૂપ બદલાતું રહે છે? કે પછી પ્રેમ એટલે પેશન કે પછી મનમાં ઉદભવતી ભૂખ, તરસ અને ઉંઘની જેમ એક સીધી સાદી લાગણી?

એક હદે પ્રેમને પેશન તરીકે સરખાવી શકાય. કોઇ વસ્તુ કે વ્યક્તિનું પેશન હોય તો તમે એને મેળવવા જી- જાન એક કરી દો. એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એની પાછળ પડી જાવ. એને મેળવવાની કોશિશ કરો અને એ મળ્યા પછી.... કાળક્રમે એ પેશન પર પૂર્ણવિરામ મૂકાઇ જતું હોય છે. ઓશોએ ‘સંભોગથી સમાધિ સુધી’ નામના પુસ્તકમાં તેમના પ્રવચનમાં બાયરન વિશે એક ઉદાહરણ ટાંક્યું છે. બાયરન લગ્ન પહેલાં સાઇઠથી સિત્તેર સ્ત્રીઓના સંબંધમાં આવી ચૂક્યો હતો. લગ્ન કરી હજુ તો એ ચર્ચમાંથી ઉતરતો હતો ત્યાં જ તેણે બીજી એક સ્ત્રીને જોઇ. એ જ ક્ષણે તે પોતાનાં લગ્ન પણ ભૂલી ગયો અને ઇમાનદારીથી તેની પત્નીને કહ્યું, ‘ગઈ કાલ સુધી મારા લગ્ન તારી સાથે થયાં ન હતા ત્યાં સુધી તું મળીશ કે નહીં એવા વિચાર મને સતાવતા હતા. અને તારા સિવાય મને બીજું કશું જ દેખાતું નહોતું, પણ આજે પેલી સ્ત્રી મને મળી જાય એવો વિચાર આવે છે.’ એટલે મન આટલું ચંચળ છે? કે પછી ભૂખ, તરસ, ઊંઘની લાગણીની જેમ જ પ્રેમ પણ અવારનવાર થતો રહે છે?

કોઇને લવ એટ ફર્સ્ટ સાઇટ, તો કોઇને એકબીજાના સહેવાસમાં ધીમું ઝેર ચઢે એવી રીતે પ્રેમ થાય છે. ઘણાં કિસ્સામાં લગ્ન પછી એકબીજા સાથે રહીને એ થતો હોય છે. પણ કહેવત છે ને કે નવું નવું નવ દહાડા અને ઘણું થાય તો દસ દહાડા એમ પ્રેમની લાગણીમાં પણ ટ્વિસ્ટ આવતો રહે છે.

પ્રેમ એટલે આકર્ષણ કે નશો?

કોઇ પણ વ્યક્તિને પહેલી નજરે અથવા ધીમે ધીમે સામી વ્યક્તિનું શારિરીક સૌંદર્ય(એમાં એ વ્યક્તિની આંખો, લાંબા લીસા વાળ, ચાલઢાલ, સેક્સ અપીલ ઘણું આવી જાય),એની બૌદ્ધિક સ્તરતા કે સામી વ્યક્તિ સાથે વાતચીત કરવાની આવડત આકર્ષતી હોય છે. ઘણીવાર ખુદમાં કે પછી એની આસપાસના વાતાવરણમાં એને જે ન મળતું હોય એ તેને સામી વ્યક્તિમાં સરળતાથી મળી જતું દેખાતું હોય છે અને એને કારણે તેનું અદમ્ય ખેંચાણ થાય છે. એ વ્યક્તિ તરફ તે આકર્ષાય છે. સમય જતાં એ વ્યક્તિ પોતાની થઇ જતાં આ ઘટના એને સામાન્ય લાગવા માડે છે અને એનું આકર્ષણ જેને કદાચ આપણે પ્રેમનું નામ આપી દીધું છે એવાં મહામૂલાં તત્વમાંથી રસકસ ઉડી જવા લાગે છે.

ચાલો એમ પણ સહી. પ્રેમને નશા સાથે સરખાવી જોઇએ. કોઇ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચારનો નશો હોઇ શકે, પણ નશાનું તો એવું છે કે એ ચઢ્યા પછી ઉતરે તો ખરો જ. ઉભરો આવે અને શમે એવું. હા, એવું ચોક્કસ બની શકે કે પછી આ નશો કરનારને એ નશાની આદત પડી જતી હોય છે. અને માણસ જ્યારે કોઇ આદત પાડી લે પછી એમાંથી છૂટવાનું અઘરું થઇ જતું હોય છે. અને એટલે જ કદાચ લોકોને દારૂનું, સ્ત્રીનું, પૈસા કમાવાનું વ્યસન થઇ જતું હશે. જોકે, પ્રેમ કર્યા પછી મોટાભાગે લગ્નનો તબક્કો આવે. લગ્ન ગ્રંથિથી બંધાયેલી બે વ્યક્તિ એકબીજા સાથે રહેવા લાગે અને ત્યાર પછી એમને ધીમે ધીમે સહવાસની આદત પડવા લાગે છે. ઘણીવાર તો એવું થતું હોય છે કે દંપતિ રોજ ઝઘડતું હોય અને રોજ છૂટા પડવાની વાત કરતું હોય છતાં આખી જિંદગી એકબીજા સાથે જ રહે છે, (‘નિભાવી’ લેતું હોય છે), કારણકે આદત પડી જતી હોય છે. કદાચ એવું પણ બને કે અમુક વયે કે અમુક સ્તરે આ માનવ નામનું ‘પ્રાણી’ જોખમ લેવા નથી માગતું હોતું. નવેસરથી એડ્જેસ્ટ કરવું ન પડે એવા વિચારથી એકની એક વ્યક્તિ સાથે જીવે છે. ખાસ કરીને, ‘બધું માંડ સેટ થયેલું છે એમાં ફરી પાછું કાંકરો નાખી મારી જિંદગીને શું કામ ડહોળું?’ એમાં આ ‘નિભાવી લેવાની’ ભાવના રહેલી હોય છે.

સર્જનહારે બનાવેલી સૃષ્ટિ વિશાળ અને સુંદર છે. માઇલોના માઇલો સુધી પથરાયેલા ફૂલોના બગીચા, સૂર્યના તાપમાં ઝગમગતું માનસરોવર, ધવલ ચળકતો હિમાલય... અહા.. હા. આવું પ્રાકૃતિક સૌંદર્ય માણીએ ત્યારે દરેક વખતે મુગ્ધ થઇ જ જવાતું હોય છે. અને દરેક વખતે આ નિસર્ગના પ્રેમમાં પડી જવાતું હોય છે. તો પછી આ આટલી મોટી ઇશ્વરે સર્જેલી માનવ જાતિમાં ફક્ત એક જ વ્યક્તિ કાયમી ધોરણે ગમી જાય એવું શક્ય થઈ શકે? હવે વાત આવે નિભાવવાની કે વફાદારીની.

આ પ્રેમની વાત આવે ત્યારે એની સાથે એક બીજો શબ્દ પણ અજાણપણે જોડાયેલો રહે છે અને તે ‘નિભાવવો’. પ્રેમ કર્યો છે તો નિભાવવો પડે. પડ્યું પાનું નિભાવી લો. આ નિભાવવો શબ્દ કેટલો આકરો છે. આ નિભાવવું એટલે શું? સમાધાન કે સહાનુભૂતિ- કોમ્પ્રોમાઇઝ કે કમ્પેશન? સામાન્ય માનવી રોજબરોજનાં જીવનમાં સર્વાઇવ કરવાની ધમાલમાં અને મહિનાને અંતે બે છેડા ભેગા કરવાની લહાયમાં એટલા સમાધાન કરી લેતો હોય છે અને બાકી બચે તે પત્ની, બાળકો, માતાપિતાની અપેક્ષા સંતોષવામાં (આ બધું જ પત્નીને પણ લાગુ પડે- સંસાર રથ ચલાવવામાં, નોકરી, સંતાન અને બીજી અનેક જવાબદારી) ત્યાં મરણિયા થઇ પ્રેમને નિભાવ્યે રાખવાનો શો અર્થ? ચાલો એમાં સમજણનો ‘સ’ ઉમેરી પણ લેવાય. તેમ છતાં માણસની આ સમજણની લાગણી પણ આખી જિંદગી એકસરખી તો ન જ રહેને. ભલા માણસ, સામા પાત્રને આખી જિંદગી માનવી કેટલું સમજતો રહે, જ્યાં ખુદને ઓળખવામાં અને જિંદગીના આડાઅવળા સંજોગોને ઓળખવામાં જ થાપ ખાતો રહે છે ત્યાં સામી વ્યક્તિને સમજ્યા જ કરે? હવે થોડું વફાદારી વિશે. માની લો કે આપણને બીજી પણ કોઇ વ્યક્તિ ગમે છે અને આપણે એને મનોમન ચાહી પણ લઇએ છીએ. છતાં આપણી પહેલાં પ્રેમ કરેલી વ્યક્તિને અથવા તો જીવનસંગીને દગો ન આપવો હોય એટલે આપણે એને વફાદાર રહેવાની કોશિશ કરીએ. પણ આ વફાદારી એટલે શું. મનોમન કોઇને ચાહીએ પણ તનથી કે બીજી કોઇ રીતે એને ન ચાહવાનો અર્થ જ વફાદારી થાય? એટલે શું વફાદાર રહેવાનો માપદંડ ફક્ત ફિઝિકલ રિલેશનના અર્થમાં જ લાગુ પડતો હોય છે? પ્રેમમાં વફાદારીનો અર્થ આડકતરી રીતે ફક્ત સ્પર્શ સુધી જ સીમિત રહે છે? ટૂંકમાં શરીરની ભૂમિકાએ સ્થિરતા શક્ય છે. પણ મનની ભૂમિકાએ સ્થિરતા ઘણી મુશ્કેલ છે.

અમુક વખતે પ્રેમના અસ્તિત્વમાં અનેક છિદ્ર પડી જતાં દેખાય છે. જેમાં કામ, કમ્પેશન અને કોમ્પ્રોમાઇઝ જેવી સૂક્ષ્મ પરિસ્થિતિઓ પેસી જતી હોય છે. કોઇ વસ્તુનો રંગ, ચાર્મ થોડો વખત રહીને ઊડી જતો હોય છે, એવું જ પ્રેમનું પણ બની શકે. હથેળી પર મહેંદી લગાડ્યા બાદ એના પાંચ- છ કલાક પછી એનો રંગ આવે છે. અને ત્યાર પછીના એક બે દિવસમાં એનો રંગ મહત્તમ ચઢે છે અને રહે છે. પણ પછી એને ગમે તેટલો તાઢ, તડકો કે પાણીથી બચાવવાની કોશિશ કરો એ ધીમે- ધીમે ફિક્કો પડતો જાય છે. એવી જ રીતે પ્રેમ ડાયલ્યૂટ થાય છે. માનવ મન એટલું વિચિત્ર છે ને કે દરેક પળે એના મનમાં એક જ ભાવ ટકી શકતો નથી. એંસીમાં વર્ષે એલિઝાબેથ ટેલર બાર લગ્ન કરે છે. જોકે, આવા કિસ્સા જવલ્લે જ મળે છે, છતાં વિચારવા જેવા તો ખરા. પૌરાણિક કાળમાં પણ ગળાડૂબ પ્રેમમાં પડેલો રાજા દુષ્યંત થોડા જ સમયમાં શકુંતલાને ભૂલી જાય છે અને પૌરાણિક ગ્રંથ મહાભારતના અર્જુનની વાત કરીએ તો તેણે દ્રૌપદી સહિત કૃષ્ણની બહેન સુભદ્રા, ચિંત્રાંગદા, ઉલુપી એમ બધું મળીને લગભગ ચાળીસેક સ્ત્રી સાથે પ્રેમ કર્યો હતો અથવા પત્ની રૂપે સ્વીકારી હતી. વિજ્ઞાનની નવી શોધ પ્રમાણે પ્રેમ એકદમ ક્ષણભંગુર હોય છે અને એ ‘ડોપામાઇન’ નામના રસાયણથી પેદા થાય છે. જેને મગજમાં થયેલો એક ટેમ્પરરી લોચો પણ કહેવામાં આવે છે. બની શકે કે જન્મ જન્માંતરની કે સાત જન્મો સુધી એકમેકનો સાથ ન છોડવાની અને સાથ ‘નિભાવવા’ના કોલ આપનારાં કોઇ પણ યુગના પ્રેમી યુગલને આ વાત ગળે ન જ ઉતરે. તેમ છતાં વૈજ્ઞાનિક રીતે શાશ્વત પ્રેમ જેવું કે ચિરકાળ સુધીના પ્રેમ જેવું કશું હોતું નથી. આવું સિદ્ધ થઇ ચૂક્યું હોય એ જમાનામાં પ્રેમ ફટાફટ થઇ ફટાફટ ભૂલાઇ જાય તો એમાં નવાઇ શું?

રોજબરોજના જીવનમાં ઝઘડતી વખતે આપણે આ શબ્દોનો છૂટથી ઉપયોગ કરીએ છીએ કે ‘તને તો મારા માટે પ્રેમ રહ્યો જ નથી, પ્રેમનું બાષ્પીભવન થઇ ગયું છે.’ વગેરે વગેરે... પ્રેમની સાથે સમાધાન, સહાનુભૂતિ જ નહીં પણ ત્યાગ, બલિદાન, જતું કરવું, અધિકારની ભાવના જેવા બીજા ઘણાં શબ્દો જોડાયેલા છે. એટલે એનો અર્થ એમ થયો કે પ્રેમ કાયમ સહજ રહેતો જ નથી. એમાં ખુલ્લા આકાશ જેવાં નિતાંત, સરળ કે સહજ રહેવાની વાત આવતી જ નથી. એમાં મુક્તિનો અનુભવ થતો જ નથી. અને જ્યાં પ્રત્યેક પળે એવો અનુભવ ન થાય એ પ્રેમ કેવી રીતે કહેવાય? કહેવાય છે કે હિંદી સાહિત્યના ખૂબ જ જાણીતાં લેખિકા અમૃતા પ્રિતમને એના પતિ સાથે ખૂબ જ સમાધાન કરવા છતાં પ્રેમનો અનુભવ થતો જ નહોતો અને છેવટે તેઓ સંતાનો હોવા છતાં સંગીતકાર સાહિર લુધ્યાન્વીના પ્રેમમાં અને ત્યાર પછી ચિત્રકાર ઇમરોઝમાં પોતાનો પ્રેમ ખોળે છે. તો એ શું બતાવે છે?

પ્રેમ એટલે કોઇ વ્યવહારિક લેવડદેવડ નહીં, પણ પ્રેમ એટલે સહજ રીતે એકબીજા સાથે વિકસતું સમજણનું સાયુજ્ય જ્યાં કમ્પેશન અને કોમ્પ્રોમાઇઝ કરતાં વધુ કમ્ફર્ટેબિલીટી અને કમ્પેટેબિલિટી હોવી જરૂરી છે.

અથવા તો પછી એક વધુ ‘ક’ (C) ઉમેરી દઇ પ્રેમને કોમ્પિલકેટેડ કહીએ.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx