જીવન એક સંઘર્ષ છે કે સંઘર્ષ જ એક જીવન છે?
સપનાનું એક પુસ્તક છે જીવન, શ્વાસ અને આશાનું પુસ્તક છે જીવન. અમુક સપના પુરા તો અમુક અધૂરા, બસ આનું નામ જ છે જીવન.
માણસ સંસારિક કર્તવ્યોમાં એવો તે ગુંચવાતો રહે છે કે એના માટે જીવન એક સંઘર્ષ બની જાય છે. જીવનનો સૂર્ય આથમે ત્યાં સુધી માનણસ તેમાંથી બહાર નીકળી શકતો નથી. પણ દિવસ માણસનો શત્રુ છે તો રાત માણસની મિત્ર છે. માણસ દર્પણ સામે ઉભા રહીને સમસ્યાનું નિવારણ શોધતો ફરે છે. તેમના મનમાં ચાલતી મુંજવણ હોઠ પર આવતા પહેલા જ અટકી જાય છે.
કોઈ માણસ માટે જીવન નર્ક બને છે તો એનું કારણ માણસ પોતે જ હોય છે. યુવાનીમાં ભવિષ્યનું પ્લાનિંગ કરવાને બદલે વર્તમાનને નિઃસંકોચપણે માણવો એ માણસની સૌવથી મોટી ભૂલ છે. વર્તમાનમાં ભવિષ્યનું ભાથું બાંધવાને બદલે માણસ ભવિષ્યને સરિતાના પ્રવાહમાં નોંધારો જ વહાવી દે છે. તે સમયે માણસને ભવિષ્યના સંઘર્ષનો ભય હોતો નથી.
આજના માનવી માટે દવા જ તેની પ્રથમ જરૂરિયાત અને ખોરાક બની ચુકી છે. માણસ દેખીતી રીતે ખુબ ખુશ દેખાઈ છે. પણ તેનું મનોબળ ખુબ જ નબળું હોય છે. પરિણામે તે જીવનની અગ્નિપરીક્ષા માંથી પસાર થવા સક્ષમ હોતો નથી. સુખનો સંબંધ શરીર સાથે નહિ પણ મન સાથે જોડાયેલ હોય છે. મજબુત મનોબળ માણસને ઘોર નિંદ્રા માંથી જગાડી વિકાસ તરફ પ્રયાણ કરાવે છે. મજબુત મનોબળ જ માનસને મહાભયાનક સંઘર્ષ માંથી બહાર નીકળવાનો માર્ગ શોધી આપે છે. તથા ગુમાવેલ ખુશીને પણ પરત અપાવે છે.
માણસ ભવિષ્યના પ્રતિબિંબને વર્તમાનમાં જોવા તો ઇચ્છે છે પણ તે ધૂંધળો જ દેખાઈ છે. માણસ ઘરેથી ખુશીની શોધમાં તો નીકળે છે પણ પરત ફરતા સમસ્યાને જ સાથે લાવે છે. માણસ જીવનની ચોપાટને જીતવા તો પણ જીવનની ચોપાટના દાવ તે સમજી સમજી શકતો નથી. માણસ જીવનને ઊંડાણથી સમજવાની કોશિષ તો કરે છે પણ ધનનું આવરણ તેને અટકાવે છે. પરિણામે સમગ્ર જીવનમાં ભુકંપ અનુભવાય છે. માણસને સામાન્ય દુઃખનો નાદ તુરંત સંભળાય છે. પરંતુ ખુશીનો મોટો પડઘો પણ તેને સંભળાતો નથી. સુખ અને દુઃખ વચ્ચે બહુ મોટી છે. પણ માણસ તેના અંતરને સમજી શકતો નથી.
માણસ ધારે તો સંઘર્ષની ખેતી કરી શૂન્ય માંથી સર્જન કરી શકે છે. જે માણસ પોતાની ભૂલને સમજી સ્વીકારવા તૈયાર હોય તથા પોતાના વર્તનમાં વિવેક જાળવી શકતો હોય તે જ માણસ સંઘર્ષની ખેતી કરી શૂન્ય માંથી સર્જન કરી શકે છે. જીવનમાં મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબો માણસને પોતાની પાસેથી જ મળી રહે છે. પરંતુ માણસ પોતાની જાતને ખુશ રાખવાને બદલે સમાજને ખુશ રાખવાના પ્રયત્નો વધુ કરે છે. માણસ ગાંડાને ડાયો અને ડાયાને ગાંડો સમજે છે. પણ ગાંડો હમેશા ‘સ્વ’ આસપાસ જ જીવન જીવે છે. તે પોતાનામાં જ વ્યસ્ત રહે છે. જયારે ડાયો માણસ ‘સ્વ’ ને ઓળખવાને બદલે સમાજને ઓળખવામાં વ્યસ્ત રહે છે. માણસ સમાજને જોવે છે પણ જાણતો નથી. સમાજની વાસ્તવિકતા સમજે પણ સ્વીકારવા તૈયાર નથી. કારણ કે માણસ ભ્રમમાં જીવવાનું વધુ પસંદ કરે છે. પરંતુ જે રીતે ગુલાબના સૌદર્યને નિહાળવા અને તેની સુહાસ માણવા તેમની નજીક જવું પડે છે. એ જ રીતે જીવનને મન ભરીને માણવા માટે તેમની નજીક જવું પડે.
માણસ પોતાનો ગુલામ બનવાને બદલે સમાજનો ગુલામ બનવાનું વધુ પસંદ કરે છે. માણસ સ્વતંત્ર હોવા છતાં સ્વતંત્ર નથી, તેમના પર સમાજનું નિયંત્રણ રહે છે. માણસ હમેશા અજાગૃત અવસ્થામાં જ જીવન જીવે છે. તે બત્રીસ ભાતના ભોજન તો આરોગે છે.પણ ભોજનના સ્વાદનો અનુભવ તેને થતો નથી. કારણ કે તેમના મનમાં વિચારોનું ઘટનાચક્ર અવિરત ચાલતું હોય છે. માણસ ઊંઘતી વેળાએ પણ બગાસું ખાઈને સુવે છે અને ઊંઘ માંથી ઉઠ્યા બાદ ફરી બગાસું ખાઈ છે. સવાર થતા તેમનું શરીર તો જાગૃત થાય છે પણ મન હમેશા અજાગૃત રહે છે.
માણસ સંસાર છોડતા પહેલા પોતાના હૃદયમાં ધરબાયેલ જીવનની તમામ વાતોને અન્ય સમક્ષ પ્રસ્તુત કરવા ઝંખે છે, અને વેદનાનો ભાર હળવો કરવા ઈચ્છે છે. પરંતુ અંતિમ ઘડીએ તેમની પાસે વાચા જ હોતી નથી. અંતિમ સમયે માણસના મન પર અપરાધ ભાવના ઘનઘોર વાદળો છવાઈ જાય છે અને આંખોના આંસુ દ્વારા પ્રાયશ્ચિતની વર્ષા થતી રહે છે.
જીવન એ દુખનો મહાસાગર અને સુખની સરિતા છે. જયારે સુખની સરિતા દુઃખના મહાસાગરમાં ભળે છે ત્યારે જ જીવનની વાસ્તવિકતા સમજાય છે. આપણો આત્મા સુખથી વધુ દુઃખ સહે છે. આમ છતાં તે હમેસા મૌન સેવે છે, આજ સુધી કોઈ જ નથી સમજી શક્યું કે આપણો આત્મા આપણને શું કહેવા ઝંખે છે.
સમાજ અને પરિવારના લોકો ક્યારેક આપણને પારકા તો ક્યારેક પોતાના લાગે છે. ક્યારેક એકાંતમાં આપણો આત્મા આપણને જ ડંખે છે. દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો વિચાર આવે જ છે કે જીવન આખરે છે શું? જીવનમાં આખરે કરવાનું શું? આપણા જીવનનું અસ્તિત્વ શું? જીવનમાં એક સમય એવો આવે છે ક આપણો જીવ મુંજાય છે. ગમતું કરવા છતાં ખુશીનો અનુભવ થતો નથી. એનો અર્થ એ થયો કે આપણે જીવનથી કંટાળી ગયા છીએ.
જીવન એ તો ઈશ્વર તરફથી મળેલ અમુલ્ય ભેટ છે. જીવન એ તો ઈશ્વરે આપેલ શ્રેષ્ઠ વરદાન છે. જીવન તો એવું જીવવું જોઈએ કે પાનખરમાં પણ વસંત આવી જાય. આપણે આપણા માટે નહિ તો આપણા પરિવાર માટે જીવતા શીખવું જોઈએ.. જીવન મેઘધનુષ જેવું છે. જીવનમાં પણ મેઘધનુષની માફક અનેક રંગો છુપાયેલ છે. એ માનવી આ રંગોમાં રંગાઈ જાય છે તેને ખુશી આપોઆપ મળી રહે છે. જીવનમાં ખાટા, મીઠા, તીખા, મોરા અને કડવા અનેક સ્વાદો છુપાયેલા છે. આ બધા સ્વાદો આપણે ચાખવા પડે છે.
પુરાણોમાં લખ્યું છે કે આશરે ૮૪ લાખ જન્મના અવતાર પછી આત્માને મનુષ્ય અવતાર મળે છે. ઈશ્વરે એક માનવ અવતારને જ સર્વશ્રેષ્ઠ દર્શાવ્યો છે. કારણ કે માનવીની માફક અન્ય કોઈ પણ જીવ જંતુ, પશુ પક્ષી કે પ્રાણી પાસે વાચા નથી. પોતાની પીડાને અન્ય સાથે વ્યક્ત કરવા તેઓ સક્ષમ નથી. પ્રેમ અને લાગણીનો અનુભવ કરવો તેમના માટે દુર્લભ છે.
ઘણા લોકો જીવનથી કંટાળી આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. આવા લોકોથી જીવનના અમુક સ્વાદો જેવાકે ખાટા, તીખા અને કડવા સહન થતા નથી. માણસે હમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે રાત પડે છે તો દિવસ પણ ઉગવાનો જ છે. આકાશમાં કાળા વાદળો ઘેરાય છે તો એમના વરસ્યા બાદ સૂર્યનો પ્રકાશ પણ પડવાનો જ છે. પાનખર ઋતુમાં પાન ખરી જાય છે તો વસંત ઋતુમાં ફરી ફૂલો ખીલવાના જ છે. એ જ રીતે આપણે પણ ગમે તેવા મોટા દુઃખમાં કેમ ન હોઈએ પરંતુ એક દિવસ ફરી સુખનો સુરજ ઉગવાનો જ છે. સાચો માનવી એ જ કહેવાય જે દ્રઢતાથી દુઃખનો સામનો કરે અને ધીરજથી સુખની રાહ જોવે. જીવન તો એક અમૃતનો ભરેલ ઘડો છે. જે માનવીને જેટલું અમૃત વધુ લૂટતા આવડશે તેને જીવન એટલું જ વધુ વહાલું લાગશે. ‘જીવન જીવવું હોય તો દર્પણની જેમ જીવો કે જેમાં સ્વાગત સહુનું પણ સંગ્રહ કોઈનો નહી’ અર્થાત, જીવનમાં બધાને પ્રેમ કરો પણ લાગણીવશ ન બનો