નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર
Email –
તૃષ્ણાપ્રકરણ – ૧૪
દેવાંશની આખરી તૃષ્ણા પુરી કરવા તરફ એક કદમ
રૂમમાં તમામ ફેમિલી મેમ્બર્સને રાજેશ્વરીએ કહ્યુ, “આખરે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ.આજથી બસ એક જ ધ્યેયને પાર પાડવા આપણે કામ કરવાનુ છે અને તે છે ગરીબ,નિરાધાર લોકોની સહાય કરવી.સૌ પ્રથમ તો મે એક વાત માર્ક કરી છે કે ગરીબ લોકો પોતાના નાના બાળકોને પણ પૈસા કમાવવાની લાલચે કોઇ ને કોઇ કામે લગાડી દે છે તેથી તેઓ ભણવાની ઉમરે કામમાં લાગી જાય છે અને તેઓને શિક્ષણ મળી શકતુ નથી અને જેના કારણે તેઓનુ આખુ જીવન બરબાદ થઇ જાય છે.માટે સૌ પ્રથમ તો આપણે આવા ગરીબ ઘરના બાળકો માટે એક શાળા ખોલવી છે,જ્યાં તેઓ આરામથી ભણી ગણી શકે અને સાથે સાથે આપણે એક હોસ્ટેલ પણ બનાવશું જ્યાં તેઓ હોસ્ટેલમાં જ રહે.હોસ્ટેલના નાના મોટા કામમાં તેઓ સાથ પણ આપશે.આમ કરવાથી નાના બાળકોને શિક્ષણ પણ મળી રહેશે અને સાથે સાથે જીવનકૌશલ્યના પાઠ પણ ભણી શકે.માટે ભાર્ગવ અને સચિન તમે શાળાની મંજુરી માટે તૈયારી કરો.આજુબાજુમાં કોઇ સારી જમીન જોઇ તેની ખરીદીની પ્રક્રિયા તથા શાળા મંજુરી માટેની ફાઇલ તૈયાર કરો.મદદની જરૂર હોય તો શશાંકભાઇના નંબર અને એડ્રેસ હું તમને મોકલુ છુ.તેને ફોન કરી બોલાવી લેજો હુ, નિકિતા, પ્રશાંત આસપાસના પ્રાંતમાં ફરીશું અને લોકોને શિક્ષણનું મહત્વ સમજાવીશુ અને તેઓને એ પણ સમજાવશું કે તેઓ તેના બાળકોને શાળામાં મોકલે અને તેઓ બધા આપણી સાથે ધંધામાં જોડાય.સચિન શાળામાં મફત વાહનની સુવિધા પણ કરજો જેથી દુર દુરના બાળકોને શિક્ષણનો લાભ મળી શકે.શાળાનો તમામ પ્રોજેકટ તમારે બન્નેએ મળીને પુરો કરવાનો છે અને હા બધી સગવડ વિનામુલ્યે આપવાની છે.”
“ચોક્કસ આન્ટી એમાં શું શંકા છે? અમે બંને ભાઇઓ મળીને આ પ્રોજેક્ટ પર કાલથી જ કામ કરવા માંડીશુ.જમીન જોવાનુ તથા ફાઇલ પ્રીપેર કરવાનુ કામ કાલથી શરૂ થઇ જશે મામી.” સચિને કહ્યુ. “સરસ દીકરાઓ મને તમારી પાસે એ જ આશા હતી.મારો તમને બધાને એ સવાલ છે કે આ ગરીબ લોકો માટે આવકનો સ્ત્રોત ઉભો કરવા આપણે શો બિઝનેશ શરૂ કરવો જોઇએ? જેથી કરીને તેઓ કાયમી આવક મેળવી શકે અને તેઓનુ જીવનધોરણ સુધારી શકાય” “આન્ટી હસ્તકલાનો ઉઘોગ સર્વશ્રેષ્ઠ રહેશે.આપણે આજુબાજુના વિસ્તારના લોકોને એકઠા કરીને અમુક કળાઓ શીખવીશું અને જરૂરી સાધનસામગ્રીઓ પુરી પાડીશુ.તેઓએ બનાવેલ નમુનાઓનુ મેળા કે પ્રદર્શન યોજીને વેચાણ કરાવીશુ.”પ્રશાંતે પોતાનો વિચાર રજુ કર્યો. “ખુબ જ સરસ પ્રશાંત મારા મતે પણ હસ્તકલાનો ઉઘોગ જ સારો રહેશે, કેમ રાજેશ્વરી?” નિકિતાએ પણ પ્રશાંતની વાતમાં હામી પુરાવી. “હા નિકિતા પ્રશાંતનો વિચાર ખુબ જ સરસ છે.હસ્તકલા ઉઘોગ જ શ્રેષ્ઠ રહેશે પરંતુ આવી હસ્તકળા બધા લોકોને તો આવડતી નહી હોય તો તેઓને આ કળા કોણ શીખવાડશે?” રાજેશ્વરીએ કહ્યુ. “આન્ટી તેની તમે ચિંતા ન કરો આવા નિષ્ણાંતોની ટીમ હુ લઇ આવીશ.મોટા શહેરોમાં ઘણા કોર્સ ચાલતા હોય છે.ઘણાં લોકો પાસે આવુ જ્ઞાન હોય છે.મારા ટચમાં ઘણા આવા કોર્સિસવાળા પણ છે તેઓ પોતાના વિદ્યાર્થીઓનો સંપર્ક કરાવશે અને રસ હશે તે આપણી સાથે જોડાશે.આપણે તેને પગાર પણ ચુકવીશુ એટલે તેઓ આપણી સાથે જરૂરથી જોડાશે.” પ્રશાંતે રાજેશ્વરીની આ મુશ્કેલી પણ હલ કરતા કહ્યુ
“સરસ દીકરા ખુબ જ સરસ તો આ જવાબદારી લોકોને હસ્તકલા શીખવવાની હવે તારા માથે.તારે તારી રીતે લોકોને ટ્રેઇન્ડ કરવાના અને તેઓને આજીવીકા કમાવવા માટે તૈયાર કરવાના છે.મારુ અને નિકિતાનુ કામ લોકોને સમજાવવાનુ રહેશે.તો હવે બધાની જવાબદારી નક્કી થઇ ગઇ છે તો કાલથી જ આપણે બધા આપણે મળેલી જવાબદારી મુજબ કામ પર નીકળી જઇશુ”
“ઓ.કે. મામી” ત્રણેય ભાઇઓ સાથે બોલી ઉઠ્યા. રાજેશ્વરી અને નિકિતાને ગુડ નાઇટ વીશ કરી ત્રણેય ભાઇઓ પોતાના રૂમમાં જતા રહ્યા.આ બાજુ નિકિતા અને રાજેશ્વરીએ હવે સુઇ જવાનુ નક્કી કરી લાઇટ્સ ઓફ કરી દીધી.
રાત્રિના સાડા અગિયાર વાગી ચુક્યા હતા.તેથી બધા હવે પોતપોતાના રૂમમાં સુઇ ગયા.આખા દિવસના થાકને અંતે સવાર કયારે પડી ગયુ કોઇને પણ ખબર પડી નહી.સૌ પ્રથમ રાજેશ્વરી ઉઠી ત્યારી સવારના સાડા છ વાગી ચુક્યા હતા.તેણીએ બધાને ઉઠાડયા બધા ફ્રેશ થઇ નાસ્તો કરીને દર્શને નીકળ્યા ત્યારે પણ પેલા નેપાળી પટ્ટાવાળાએ સ્મિત આપ્યુ.
ગાડીમાં મંદિર તરફ જતા હતા ત્યારે રસ્તા પર રાજીએ એક જગ્યાએ ઓચિંતી કાર સ્ટોપ કરવા કહ્યુ.કાર સ્ટોપ થતા તે સામેની બાજુએ એકી નજરે જોતી રહી.તેણે જોયુ કે સામેના રસ્તે એક દસ વર્ષની છોકરી તેના સાથે રહેલા નાના ભાઇ સાથે ભીખ માંગતી હતી અને રસ્તે ચાલતા બધા લોકોને આજીજી કરતી હતી.તેને જોઇ રાજેશ્વરીની આંખ દયાભાવના સાથે છલકાઇ ગઇ.તે દોડીને તે છોકરી પાસે ગઇ અને તેના માથા પર વહાલથી હાથ પસાર્યો અને તેને અને તેના ભાઇને ત્યાં બાજુની દુકાનમાં બેસાડી ભરપૂર નાસ્તો કરાવ્યો.રાજેશ્વરીએ તેનું નામ,તેના પિતાનુ નામ અને તે ક્યાં રહે છે તે પૂછપરછ કરી ત્યાર બાદ ફરી તે કારમાં બેસી અને બધા મંદિર તરફ જવા રવાના થયા.એ છોકરી અને તેના ભાઇને જોઇને રાજેશ્વરીને પોતાનુ બાળપણ,પોતે અહીં રખડતી હતી અને મંદિરે ચાલીને જતી હતી તે દિવસો યાદ આવી ગયા.ઘણીવાર તે બધા ભાઇ બહેનો અહી મંદિરે ભીખ માંગવા આવતા હતા.મંદિરે પહોંચી ત્યારે ઘણાં બાળકો ભીખ માંગતા હતા અને ઘણાં મોટાઓ પણ રસ્તા પર નાની મોટી વસ્તુઓ લઇને આજીજી કરીને વેચાણ કરતા હતા. તેને થયુ કે અત્યારે જ આ બધાને એકઠા કરીને બધુ સમજાવુ પરંતુ વળી યાદ આવ્યુ કે ખોટી ઉતાવળ કામને બગાડે પહેલા પ્રભુના આર્શીવાદ લઇને જ આ કાર્ય શરૂ કરવુ જોઇએ.મંદિરમાં જઇને મંદિરની આભા એવીને એવી જ હતી જેવી વર્ષો પહેલા પોતે જોઇ હતી.આજે બાળપણ ખુબ જ યાદ આવતુ હતુ.અંદર દ્વારકાધીશ પ્રભુના દર્શન કરી મન ખુબ જ આંનદિત થઇ ઉઠયુ.તેણીએ પ્રભુને મનોમન પ્રાર્થના કરી કે, “હે પ્રભુ તમે સદાય અમારી સાથે રહેજો અને અમારા કાર્યમાં યોગ્ય રાહ બતાવજો.તમારા થકી જ આજે અમે મંગલ કાર્ય તરફ જઇ રહ્યા છીએ ત્યારે સદૈવ તમારો મમતાભર્યો હાથ અમારી પર રાખજો.” મંદિરમાં દર્શન કરી મંદિરનો પ્રસાદ લઇને નાના નાના ભીખ માંગતા ભુલકાઓને પણ આપ્યો.સાથે સાથે બધા નાના બાળકો માટે સચિન નાસ્તાના પેકેટ્સ લાવ્યો તે પણ વિતરણ કર્યા.બધા બાળકો ખુશ થઇ ગયા જેવી વર્ષો પહેલા પોતે ખુશ થતી હતી જયારે કોઇક દયાળુ દર્શાનાર્થી તેને પ્રસાદ આપતા હતા તેવા જ હાવભાવ બધા માસૂમ બાળકોના ચહેરા પર રાજેશ્વરીને દેખાયા.દર્શન કરીને તેઓ ફરીથી હોટેલ પર આવ્યા અને રેસ્ટોરન્ટમાં જમીને ઉપરના રૂમ પર ગયા.બપોરે આરામ કરીને નીકળવાનુ નક્કી કર્યુ.પ્રશાંતે રૂમમાં જઇને કહ્યુ, “આન્ટી તમે ઘરે ઘરે એક એક લોકોને સમજાવો તેના કરતા રાત્રે આપણે એક સભા રાખીશુ.જેમાં બધા માટે લોકોને આમંત્રણ આપી આવીએ.બધાને એકઠા કરીને આપણો હેતુ તથા કાર્ય સમજાવીશુ.” “વાહ સરસ દીકરા તેના માટે સભાની જગ્યા, મંજુરી તથા વ્યવસ્થા ગોઠવવાની બધુ કરવુ જ જોઇએ ને” “હા આન્ટી આજે આપણે આ હોટેલવાળાની મંજુરી લઇ લઇએ.આ હોટેલનુ મેદાન પણ વિશાળ છે.આસપાસના લોકોને રાત્રે અહી બોલાવીશુ અને તેને સમજાવીશુ.કાલથી દુર રહેતા લોકોની આસપાસ કાંઇ મેદાન કે ખાલી જગ્યા હોય તો ત્યાં એકઠા કરીશુ બરોબરને?” પ્રશાંતે કહ્યુ. “હા બેટા તારી વાત એકદમ યોગ્ય છે” “તો આન્ટી દિવસે હુ તમારી સાથે રહીશ અને લોકોને આમત્રંણ આપીશ અને જગ્યા શોધીશ.રાત્રે તમે લોકો સભા ચલાવજો હુ હસ્તકલા જાણનારા લોકોનો સંપર્ક કરી તેની સાથે વાતો કરીશ.” “રાત્રે અમે બંન્ને ભાઇઓ તમારી સાથે સભામાં રહીશુ.દિવસે અમે અમારા શાળા પ્રોજેક્ટ પર કાર્ય કરીશુ” અત્યાર સુધી લગભગ ચુપ રહેલા ભાર્ગવે કહ્યુ. “આજે તમે લોકો કયાં જવાના છો?” રાજેશ્વરીએ સચિન તથા ભાર્ગવને પુછ્યુ. “આન્ટી આજે સૌ પ્રથમ અમે જમીન જોવા જઇશુ.જગ્યા નક્કી થાય પછી આગળની કામગીરી કરીશું” સચિને જવાબ આપ્યો “સરસ દીકરાઓ તો હવે થોડો આરામ કરી લો.પાંચ વાગ્યે આપણે આપણા કાર્યનો શુભારંભ કરીશુ” બધાએ થોડો આરામ લીધો પછી ફ્રેશ થઇને સચિન તથા ભાર્ગવ જમીન જોવા નીકળી પડયા.રાજેશ્વરી અને નિકિતા હોટેલવાળા સાથે વાત કરવા રોકાયા અને પછી તે લોકોને આમત્રંણ આપવા ગયા.પ્રશાંત બીજા એરિયામાં લોકોને આમંત્રણ આપવા ગયો.હોટેલવાળાએ સારા કાર્ય માટે તુરન્ત જ હા પાડી દીધી.પ્રશાંત, રાજેશ્વરી અને નિકિતા ગરીબ લોકોના ઘરે ઘરે જઇને સભા માટે આમંત્રણ આપવા લાગ્યા.પરંતુ લોકોને તેમાં રસ ન હતો.મોટાભાગના લોકો ઘરે ન હતા.સ્ત્રીઓ અને પુરુષો મજુરીમાં અથવા કામે ગયા હતા.બાળકો, વૃધ્ધો ભીખ માંગવા કે નાની મોટી વસ્તુઓ વેંચવા ગયા હતા. આસપાસના વિસ્તારમાં ભીખ માંગતા તેમજ પાથરણા પર વસ્તુ વેચતા લોકોને આમંત્રણ આપી આવ્યા.બધાને આમંત્રણ આપીને રાત્રે આઠ વાગ્યે ફરી હોટેલ પર પહોચ્યા તો પેલા નેપાળી ચોકીદારે સ્મિત સાથે તેમનુ સ્વાગત કર્યુ.સીધા તેઓ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા.નવ વાગવા આવ્યા એટલે ફટાફટ જમી લીધુ.સચિન અને ભાર્ગવ પણ થોડી વારમાં આવી ગયા અને જમવામાં સાથે જોડાઇ ગયા હતા.બધાએ જમી લીધા બાદ પ્રશાંતે લેપટોપ લઇ રૂમમાં ગયો.બાકીના બધા લોકો સભા માટે હોટેલના પાછળના મેદાનમાં ગયા.મેદાનમાં બહુ ખાસ વ્યવસ્થા કરવાની રાજેશ્વરીએ મેનેજરને ના જ કહી હતી માટે આવનારા લોકોને બેસવા માટે જાજમ અને પીવાના પાણીની વ્યવસ્થા મેનેજરે ગોઠવી હતી. સાડા નવ વાગવા આવ્યા છતા પણ કોઇ આવ્યુ નહી.માત્ર એકાદ બે વેઇટરો અને બે ત્રણ નાનકડા છોકરાઓ આવ્યા હતા.રાજેશ્વરીના માથે ચિંતાના ભાવ દેખાવા લાગ્યા.દસ વાગવા આવ્યા ત્યાં વળી બે-ચાર પુરૂષો લથડાતા અથડાતા આવ્યા.તેને જોઇને એ ખ્યાલ આવી જ જાય તેમ હતો કે તે બધા નશો કરીને આવ્યા છે.સાડા દસ વાગ્યે મેદાનમાં પંદર વીસ વ્યકિતઓ હતા.તેઓ બધા અદરો અંદર વાતો કરતા હતા અને નાના બાળકોએ તો આવી હોટેલમાં પહેલી વખત આવવા મળ્યુ તો દોડાદોડી કરતા હતા.અને સ્ત્રીઓ તો એક પણ ન હતી. રાજેશ્વરીને તો આ બધુ જોઇ હતાશા ફરી વળી.આખો દિવસ રઝળપાટ કરીને લોકોને બોલાવવામાં સમય કાઢ્યો છતા પણ કોઇ ન આવ્યુ છતા પણ તે હિમ્મત ન હારી.
તેણે ઊભી થઇને બોલવાનુ શરૂ કર્યુ , “સાંભળો બધા મારી વાત.બધાને જય દ્વારકાધીશ.તમે બધા અહી આવ્યા તે માટે હુ આપની ખુબ જ આભારી છું.બીજા તમારા સાથીઓ અને આજુબાજુના લોકો આજે આવી શક્યા નથી તેઓને બધાને લઇને કાલે અહી આવજો.હું તમારા વચ્ચેની જ એક ઇન્સાન છું.વર્ષો પહેલા મારો પણ જન્મ અહી દ્વારકામાં જ થયો હતો. રાજેશ્વરી પોતાની આ વાત કરતી હતી ત્યાં તેણે જોયુ તો અમુક લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા હતા,અને અમૂક તો લથડીયા ખાતા ઉંઘી ગયા હતા.કોઇને રાજેશ્વરીની વાત સાંભળવામાં રસ ન હતો.આ બધુ જોઇ રાજેશ્વરીની નિરાશા વધી જતા તે અંદર હોટેલમાં ચાલી ગઇ.નિકિતાએ બધાને વિનંતી કરી કાલે ફરી આ જ સમયે અહી આવવાનુ કહી બધાને મોકલી દીધા.રાજેશ્વરી અંદર જતી હતી ત્યાં પેલા નેપાળી ચોકીદારે કહ્યુ , “મેડમ મુજે પતા હે આપ ઇન સબ લોગોકા અચ્છા કરને આઇ હે મગર ઇન સબ લોગો કો કુછ ઇન્ટ્રેસ્ટ નહી હે.યહા કંઇ સારે નેતા ઇનકો સચ્ચે જુઠે વાદે કર જાતે હે ફીર વો સબ વાદે પુરે નહી હોતે હે , ઇસલીયે ઇન લોગો કો આપકી બાતો પર ભી વિશ્વાસ નહી આ રહા હે.મગર આપ ઉદાસ મત હોના,ઉપરવાલા હે ના,વો સબકુછ ઠીક કર દેગા.” આ વાત પાછળ ઉભેલી નિકિતા પણ સાંભળતી હતી,તેણે પેલા ચોકીદારને પૂછ્યુ , “આપકા નામ ક્યા હે ભૈયા?” “મેડમ મેરા નામ ચાંગેર હે , ઔર મે નેપાળ સે હું.ગરીબી ઔર શિક્ષા કે અભાવ કે કારન યહા ચોકીદારી કર રહા હુ.” પેલા ચોકીદારે જવાબ આપ્યો. “ભૈયા,આપસે મીલ કે અચ્છા લગા,આપ બહુત ભલે ઔર અચ્છે ઇન્સાન હો.” રાજેશ્વરી એ કહ્યુ. “શુક્રિયા મેડમ, મેરે લાયક કોઇ કામ હો તો બતાના.” ચાંગેરે કહ્યુ. રાજેશ્વરી,નિકિતા,સચિન,ભાર્ગવ અને પ્રશાંત બધા રૂમમાં જતા રહ્યા.રાજેશ્વરી કાંઇ ચર્ચા કરવાના મૂડમાં હતી નહી એટલે બધા લોકો પોતપોતાના રૂમમાં જઇ સુવાની તૈયારી કરવા લાગ્યા.રાજેશ્વરીને તો ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઉંઘ ન આવી.તેને કંઇ પણ સુઝતુ ન હતુ કે શું કરવુ જેથી આ લોકોને મારા પર વિશ્વાસ આવે અને મારા કહ્યા મુજબ બધા કરે અને તેમનુ જીવનધોરણ ઉંચુ આવી શકે.આખરે તેને આત્મપ્રેરણા થઇ હોય અને સામે ઉભીને દેવાંશ બોલતો હતો કે ,”રાજી તુ બિલકુલ ચિંતા ન કર.તુ તારા નિશ્ચિત ધ્યેય મુજબ કામ કરે જા.તને તેના ફળ જરૂર મળશે જ.ધીરજના ફળ મીઠા હોય છે.કોઇ પણ કાર્ય એકાએક થઇ જતુ નથી.તેના માટે બહુ ભોગ આપવો પડે છે.સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ.તું હિમ્મત હાર્યા વિના પ્રયત્ન કરતી રહેજે,તને જરૂર સફળતા મળશે.હું હમેશા તારી સાથે જ છું.”
દેવની આવી પ્રોત્સાહક વાતો સાંભળતા રાજેશ્વરીને ક્યારે ઉંઘ આવી ગઇ તેની તેને ખબર જ ન પડી.સવાર થતા નવી તાજગી અને ઉમંગ સાથે તે જાગી.સવારે બધા રેડી થઇ દર્શન કર્યા બાદ સચિન અને ભાર્ગવ પોતાના શાળાના પ્રોજેક્ટ માટે કામ પર નીકળી ગયા અને પ્રશાંત રાજેશ્વરી અને નિકિતા આજુબાજુમાં લોકોને સમજાવવા માટે આગળ વધ્યા. તે દિવસે આગલા દિવસ કરતા વધારે લોકો આવ્યા.તેમાંથી થોડા લોકોને રાજેશ્વરીની વાતમાં રસ પડ્યો.આમ દરરોજ સવારથી સાંજ સુધી લોકોને સમજાવવાનું કામ ચાલુ રાખ્યુ અને રાત્રે રાત્રીસભાઓ ભરી લોકોને સમજાવવાનુ કાર્ય ચાલુ કર્યુ.ધીમે ધીમે દસેક સ્ત્રીઓ અને ચાર પાંચ પુરૂષો રાજેશ્વરીની વાતને સમજી તેના કાર્યમાં જોડાવા સહમત થયા.ધીમે ધીમે રાજેશ્વરીને તેના કામમાં સફળતા મળતી જોઇ તે અંતરથી એકદમ ખુશ થઇ રહી હતી. પ્રશાંતે તેની ઓળખાણના હસ્તકળામાં નિષ્ણાંત ટીમને દ્વારકા બોલાવી લીધી હતી.તે લોકોએ આવીને પુરૂષોને કાપડ વણાંટ,રૂ માથી વાટ બનાવવાનુ,અને સ્ત્રીઓને પાપડ વણવાનુ,ભરતકામ અને સીવણકામ શીખવાવાનુ શરૂ કરી દીધુ.જોડાયેલા પુરૂષો અને સ્ત્રીઓને આ કામ શીખવામાં અને કામ કરવામા રસ જાગતો જોઇ રાજેશ્વરીને આનંદ આવતો હતો. એક દિવસ નિકિતાના ઘરેથી ભલાકાકાનો ફોન આવ્યો અને તેણે કહ્યુ કે મેડમ સાહેબની તબિયત સારી રહેતી નથી.એમને એકલા રહેવુ જરા પણ ફાવતુ નથી.આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે,પુરતુ ભોજન કે પુરતી ઉંઘ પણ તેઓ કરતા નથી.ભલાકાકાની વાત સાંભળી નિકિતાને યાદ આવ્યુ કે વિકાસનો સ્વભાવ જ એવો છે કે તેને એકલુ રહેવુ ફાવતુ જ ન હતુ.બીઝનેશ ટ્રીપમા જાય ત્યાં પણ તેના જમવાના અને ઉંઘના ઠેકાણા રહેતા નહી.” ભલાકાકાની વાત સાંભળી નિકિતાએ તેને કહ્યુ કે તે અમદાવાદ આવી જશે.તમે સાહેબનુ ધ્યાન રાખજો.” નિકિતાએ ફોન કટ કર્યો પણ હવે આ બધી વાત રાજેશ્વરીને કેમ કહેવી તે બાબતે તે વિચારમાં હતી ત્યાં રાજેશ્વરીએ તેને કહ્યુ નિકિતા કોનો ફોન હતો કે તુ ફોન પર વાત કર્યા બાદ આટલી વિચારોમાં ડુબી ગઇ.?” નિકિતાએ તેની અને ભલાકાકાની વાત વિષે રાજેશ્વરીને બધુ કહ્યુ.એટલે રાજેશ્વરીએ કોઇ પણ વિચાર કર્યા વિના નિકિતાને અમદાવાદ જવા આગ્રહવશ કહ્યુ. નિકિતાને તો અહી રહીને રાજેશ્વરીની મદદ કરવાની બહુ ઇચ્છા હતી પણ વિકાસની હેલ્થને કારણે તે નાછુટકે અમદાવાદ જવા નીકળી ગઇ.જતા જતા તેણે સચિન ભાર્ગવ અને પ્રશાંતને મામીના કામમાં હેલ્પ કરતા રહેવાનુ અને પોતાને કાંઇ પ્રોબેલ્મ હોય તો તેને જણાવવાનું કહ્યુ......
વધુ આવતા અંકે.......