અંજામ—૧૮
( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- વીજય હોસ્પિટલમાંથી ભાગી જાય છે અને આબુમા આવેલી એક જૈન ધર્મશાળામાં આશરો લે છે..તેના પપ્પા ચિતરંજન ભાઇએ ત્યાં તેના રહેવાની વ્યવસ્થા કરી હતી.......બીજી બાજુ મોન્ટી અને રીતુને જે ભંડકીયામાં બંધ રાખવામાં આવ્યા હતા ત્યાં અચાનક વીરજી અને વીરા નામના બે શખ્શો આવી ચડે છે. તેમની વચ્ચે થતી વાતચીતમાં વારે-વારે કોઇ “ બાપુ “ નુ નામ સામે આવે છે......અને ગેહલોત હજુ પોલીસ-ચોકીએ જ હતો.......હવે આગળ વાંચો......)
વીરજી અને વીરા ખુલ્લી બોડીની જીપ લઇને આવ્યા હતા. તેઓએ ભોયરાનૂં ઢાકણ ફરી વખત બંધ કર્યુ અને જીપમાં ગોઠવાયા. વીરજીએ ડ્રાઇવીંગ સંભાળ્યુ, વીરા તેની બાજુની સીટ ઉપર ગોઠવાયો જ્યારે પેલો પિન્શર કુતરો કુદકો મારીને જીપની પાછલી સીટ પર ચડી બેઠો. વીરજીએ જીપ ચાલુ કરી કાચા રસ્તે રફતારથી ભગાવી.....ચંદ મીનીટોમાં જ તેઓની જીપ એક વીશાળ રજવાડી કિલ્લા નુંમા ઇમારતના ગેટ પાસે આવીને અટકી. વીરજીએ જીપનો હોર્ન વગાડયો એટલે ગેટની ડોકાબારીમાંથી એક મુછાંળા શખ્શે બહાર ઝાંક્યુ.....પછી તેણે એ તોતીંગ ગેટ ખોલ્યો. વીરજીએ જીપને ગેટની અંદર લીધી.
વીરજી જ્યારે-જ્યારે આ સ્થળે આવતો ત્યારે તે આ જગ્યાથી અભીભૂત બની જતો. તે જાણે કોઇ અલગ જ શ્રુર્ષ્ટીમા પ્રવેશ્યો હોય એવી અનુભુતી થતી...એમ સમજોને કે તે આ જગ્યાનો આશીક બની ગયો હતો. તે કાયમી અહી જ રહી જવા માંગતો હતો. પરંતુ તે એ પણ સારી રીતે સમજતો હતો એ આ ભવમાં તો શક્ય બનવાનું નહોતુ. તેને બાપુની બીક લાગતી....બાપુ ક્યારેય આ વાતની ઇજાજત કોઇને આપતા નહી.....બાપુની પરવાનગી વગર અહી દાખલ થવાની મનાઇ હતી. અને બાપુની પરવાનગી વગર આ જગ્યાએ ધુસવાનો મતલબ મોત થતો હતો.
વીરજીએ જીપને ચોગાનમાં ખડી કરી અને નીચે ઉતર્યો. તેણે ચારેકોર નજર ઘુમાવી. તે જે ગેટ વટાવી અંદર આવ્યો હતો એ ગેટ ઉપર ઉભેલા મુછાળા દરવાન સીવાઇ સમગ્ર વિસ્તારમાં બીજુ કોઇ નજરે ચડતુ નહોતુ.....સો વીઘાની વીશાળ વાડીમાં અત્યારે ફક્ત વીરજી, વીરા, કુતરો રેવા અને દરવાન.....ફક્ત આટલા પ્રાણીઓની જ હાજરી હતી. ખરેખર તો આ બાપુની અંગત માલીકીની જગ્યા હતી. સો વીધા જેટલી જમીનને સમથળ કરી તેની ફરતે કાંટાંળી વાડ બાંધી દેવાઇ હતી.....એ સો વીઘા માંથી પંચાણુ વીઘામાં ખેતી થતી હતી જ્યારે બાકીની પાંચ વીઘામાં વીશાળ ફાર્મ-હાઉસ બનાવાયુ હતુ. એમ સમજો કે એક અનન્ય શ્રુષ્ટીનુ સર્જન કરવામાં આવ્યુ હતુ. આખય પાંચ વીઘાને ઇંટોની ઉંચી દિવાલથી કવર્ડ કરવામાં આવી હતી જેના ઉપર તારની ફેંન્શીગ લગાડાય હતી. એ દિવાલોની અંદર સ્વર્ગ હતુ.
વીરજી જે દરવાજે થઇને અંદર દાખલ થયો હતો એ મુખ્ય ગેટ હતો.....એક અદભૂત રચનાની શરુઆત ત્યાથી જ થતી હતી......ગેટ વટાવી અંદર પ્રવેશો એટલે જાણે તમે સ્વર્ગમાં પહોંચી ગયા હોવ એવુ દ્રશ્ય તમારી નજરો સમક્ષ પ્રગટ થાય.....મરુભૂમીમાં અચાનક જાણે ઇન્દ્રનો સુંદરતમ બગીચો રચાયો હોય એવો ભવ્ય નજારો આંખો સમક્ષ દેખાય. ગેટથી એક પગદંડી જેવો પાકો રસ્તો છેક અંદર દૂર સુધી લંબાયેલો હતો. એ રસ્તાની બંન્ને બાજુ ઉંચા-ઉંચા તરેહ-તરેહના વુક્ષો વાવેલા હતા. એ વુક્ષોની ઘટા તે પગદંડી નુંમા રસ્તા પર ઝળુંબતી.....એ પગદંડી ઉપર ચાલતા જાણે વુક્ષોની ટનલ માંથી પસાર થતા હોઇએ એવુ મહેસુસ થતુ....એ દ્રશ્ય મનમોહક હતુ. વૃક્ષોની કતારબંધ લાઇન જ્યાં સમાપ્ત થતી ત્યાં નાના-નાના કુત્રીમ હરીયાળા પહાડો બનાવાયા હતા જેના ઉપર લીલાછમ ઘાસની લોન ઉગાડવામાં આવી હતી. અસ્સલ ગોલ્ફનું મેદાન જ જોઇ લો... ત્યારબાદ એક ભવ્ય સ્વિમિંગપુલ બનેલો હતો. એ સ્વિમિંગપુલ પગદંડીવાળા રસ્તાની કીનારે થોડો નીચાણમાં હતો. પગદંડીથી થોડુ ચાલીને, ચાર પગથીયા ઉતરી સ્વિમિંગપુલે પહોંચી શકાતુ... આ એકદમ પરફેક્ટ પ્લાનીંગ હતું. રોડ ઉપર પસાર થતી કોઇપણ વ્યકિત એ સ્વિમિંગપુલ અને તેમાં લહેરાતા આસમાની નીલા કલરના પાણીને જોઇને બે-ઘડી થંભી જતી... ત્યાંથી આગળ વધો એટલે ડાબીબાજુ પાર્કિંગ પ્લોટ બનાવેલો હતો. વીરજીએ તેની જીપ અત્યારે ત્યાંજ પાર્ક કરી હતી... પાર્કિંગ પ્લોટની એકદમ સામે... આ પાંચ વીઘા જમીનની બરાબર મધ્યમાં... એક ભવ્ય મહેલ જેવુ મકાન દ્રષ્ટીગોચર થતુ હતુ... ત્રણમાળના એ મકાનનું બાંધકામ બહુ કલાત્મક રીતે થયુ હતુ. પુરાણા જમાનાની શાન અને આધુનીક યુગની ડીઝાઇનને ધ્યાનમાં રાખીને બહુ બારીકાઇથી તેને બનાવાયુ હતુ... હવેલીના એ મકાનના પહેલા માળની ઝરુખાની દિવાલે વિશાળ શબ્દોમાં “ પંચાલ હાઉસ ” લખેલુ નજરે ચડતુ હતુ.... ( આ “ પંચાલ હાઉસ ” જ આ નવલકથા “ અંજામ ” નો આત્મા છે.... મારા ઘણા વાંચકો જો શરૂઆતથી “ અંજામ ” વાંચતા હશે તો તેમને તરત જ ખ્યાલ આવી જશે કે “અંજામ” નુ રહસ્ય શું છે...? “ અંજામ” ના ઘણા વાચકોની લાંબા સમયથી એક ફરીયાદ છે કે હું આ વાર્તાને બહુ લંબાવી રહયો છુ. તેમના માટે આ એક હિન્ટ છે. જો તમે સમજદાર હશો અને મારા લોયલ વાંચકો હશો તો તમારા માટે આ કહાની અહી જ ખતમ થઇ જાય છે..... “ પંચાલ હાઉસ ” એ આ કહાનીનો અંત અને આરંભ બંને છે. હવે આ કહાની તમારે આગળ વાંચવી કે નહી એ તમારે જ નક્કી કરવાનું છે..... બાકી....... મને સંતોષ નહી થાય ત્યાં સુધી હું આ કહાની આગળ વધાર્યે જઇશ.---- પ્રવીણ પીઠડીયા)
વીરજી અને વીરા એ સુંદરતમ મકાનના આરસ પહાણના પગથીયા ચડીને હવેલીના ડ્રોઇંગરૂમમાં દાખલ થયા. ડ્રોઇંગરૂમની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી.... આછા ક્રિમ કલરના ગ્રેફાઇટ પથ્થરોથી સજાવેલી ફર્શ, હોલની બરાબર મધ્યમાં ગોઠવાયેલા ઇમ્પોર્ટેડ કિંમતી સોફા અને ખુરશીઓ, છત પર લટકતુ વૈભવી-વિશાળ ઝુંમર... આહા... વર્ણન કરવા માટે શબ્દો પણ ખુટી પડે એવી સજાવટ કરવામાં આવી હતી.
ડ્રોઇંગરૂમની વચ્ચો-વચ એકદમ મુલાયમ લેધરમાંથી બનાવાયેલ સોફાચેરમાં આધેડ ઉંમરનો રૂઆબદાર વ્યકિતત્વ ધરાવતો એક શખ્સ બેઠો હતો. વીરજી અને વીરાએ તે શખ્સની એકદમ નજદીક જઇને વાંકા વળીને અદબભેર પ્રણામ કર્યા. પેલા શખ્શે તેમને આંખો થી જ આવકાર આપ્યો અને બેસવા કહયુ. વીરજી અને વીરા સોફામાં ગોઠવાયા. એ જ “ બાપુ ” હતા.
“ શું ખબર લાવ્યો છે વીરજી...? ” બાપુનો દેખાવ જેટલો પ્રભાવશાળી હતો એટલો જ તેમનો અવાજ શાલીન અને એકાધીપત્ય ધરાવતો હતો. કાચો-પોચો આદમી તો ફક્ત એ અવાજ સાંભળતા જ ધરબાઇ જાય.
“ બાપુ.... તે... તે બંને જીવે છે. ” વીરજી ખચકાતા અવાજે બોલ્યો. બાપુની સામે જોતા તેને ડર લાગતો હતો એટલે તેણે નીચે નજર ઢાળેલી રાખી હતી.
“ હંમમ્...” બાપુએ ફક્ત હું-કાર ભણ્યો. એ હું-કાર નો મતલબ વીરજી અને વીરા બંને બરાબર સમજતા હતા. તેઓની અસફળતાનો પડઘો તેમાં હતો.
“ તે બંનેને અહી લઇ આવો...” બાપુએ કહ્યું.
“ અહી....?” વીરજી ભારે હેરત પામ્યો.
“ હાં... અને હવે ઉપડો......” એમ કહી બાપુએ વાત ખતમ કરી.
વીરજી અને વીરા બંને એકદમ ઉભા થઇ ગયા. બાપુ માત્ર બે શબ્દો જ બોલ્યા હતા છતા એ શબ્દોમાં એક ગર્ભીત ઇશારો છુપાયેલો હતો.... વીરજીના ખડતલ શરીરમાં એક લખલખુ પસાર થઇ ગયુ. બાપુને તે કંઇક પુછવા માંગતો હતો, કંઇક કહેવા માંગતો હતો પરંતુ તેની હિંમત ચાલતી નહોતી. સૌથી વધારે આશ્ચર્ય તો એ વાતનું તેને થયુ હતુ કે બાપુએ પેલા બંને છોકરાઓને અહીં-આ ફાર્મ હાઉસમાં લાવવાનું કહયુ હતુ. જ્યાં ભલભલા ચમરબંધીને પ્રવેશવાની મનાઇ હતી ત્યાં એ બંનેને લાવવાનું ફરમાન તેને ગળે ઉતર્યુ નહી...
“ હુકમ બાપુ.....” વાંકા વળીને તેઓએ કુર્નીશ બજાવી અને “ પંચાલ હાઉસ ” માંથી બહાર નીકળ્યા.
**************************************
અંધારીયા ખંડમાં પડતર જમીનની વાસ તીવ્રતાથી ફેલાયેલી હતી. ઝાડના પાંદડા અને ડાળીઓ ઘણા લાંબા સમયથી એક જ જગ્યાએ એકઠા થવાથી કોહવાઇ ઉઠયા હતા. એ કોહવાટની વિચિત્ર પ્રકારની દુર્ગન્ધ એકાકી વાતાવરણમાં માથુ ફાડી નાંખે એવી રીતે પ્રસરેલી હતી.... રીતુ અને મોન્ટી જો કે આ દુર્ગન્ધથી હવે ટેવાઇ ચુકયા હતા એટલે તેમને હવે ઝાઝો ફર્ક પડતો નહોતો.
રીતુ ખીન્ન મને દિવાલના ટેકે બેઠી હતી. તેની આંખો સમક્ષ તેના પોતાના ભુતકાળની ભુતાવળ નાચી રહી હતી. કદાચ તેણે પોતે કરેલા કર્મોનો તે હિસાબ માંડીને બેઠી હતી. ભુતકાળમાં તેણે જે કર્યુ એ તેણે ફરજીયાત કરવુ પડે તેમ હતુ એટલે અત્યારે તેને પોતાના કૃત્યોનો કોઇ અફસોસ થતો નહોતો પરંતુ તેમ છતાં તેના હ્રદયમાં એક ભારે શૂન્યાવકાશ છવાયેલો હતો... તેની આંખો સમક્ષ એ ઘટનાક્રમ કોઇ ડરામણી ફિલ્મની માફક ચાલતો હતો...
કેવી સુહાની જીંદગી હતી તેની....!! મહેસાણા પાસેના એક નાનકડા ગામમાં તે અને તેનો પરીવાર કિલ્લોલથી રહેતા હતા. ના કોઇ એક્ષ્ણા હતી, ના કોઇ ચિંતા, ના કોઇ વધુ પડતી જરૂરીયાત. તેના પપ્પા ગુજરી ગયા પછી તેની મમ્મીએ જ તેને અને તેનાથી નાના એક ભાઇને ઉછેરીને મોટા કર્યા હતા. ત્રણ માણસોના કુટુંબની તમામ જરૂરીયાત તેની મમ્મી સંભાળી લેતી હતી. તેના પપ્પાની ગામમાં કરીયાણાની દુકાન હતી જે તેમના ગયા પછી તેની મમ્મીએ બહુ સારી રીતે સંભાળી લીધી હતી જેથી તેમની બધી આર્થીક જરૂરીયાત સંતોષાઇ જતી.... ગામ ઘણું સધ્ધર હતુ. વળી મહેસાણા શહેરથી એકદમ નજદીક હોવાના કારણે શહેરી જીવનની તમામ સગવડો આસાનીથી ગામમાં ઉપલબ્ધ બની જતી હતી.
તેણે બારમું ધોરણ ગામમાં જ પાસ કર્યુ હતુ અને આગળ ભણવા માટે તે મહેસાણાની કોઇ સારી કોલેજમાં એડમીશન મળી રહે તેની તૈયારી કરવામાં લાગી હતી....
બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા હજુ હમણાજ પતી હતી. પરીક્ષા પછીના વેકેશનના એ દિવસો હતા..... પરીણામ આવવાને હજુ ઘણી વાર હતી એટલે તેણે મમ્મીને હેલ્પ કરવા માટે દુકાને જવાનું શરૂ કર્યુ હતુ. દુકાને સામાન્યતહઃ ઘરાકી ઠીકઠીક રહેતી હતી એટલે તેના જવાથી તેની મમ્મીને પણ થોડી રાહત થઇ હતી.... પરંતુ એ રાહત બહુ લાંબા દિવસ ટકી નહી. સમયના કાળા ઓછાયાએ એક દિવસ સાવ અચાનક જ તેના પરીવારને અજગરે ભરડામાં જકડી લીધુ હતુ.... એકદમ સરળતાથી વહી જતી રીતુ અને તેના પરીવારની જીંદગીની ગાડી એક દિવસ તેના પાટા ઉપરથી ઉથલી પડી... અને તેમાં નિમિત્ત બન્યો હતો ગામનો અતિ સધ્ધર “ પંચાલ ” પરીવાર.
પંચાલ ખાનદાન ગામનું સૌથી સધ્ધર નામ હતુ. આ ગામની અને તેની આસ-પાસની લગભગ અડધા ઉપરની જમીનો “ પંચાલ ” પરીવારની હતી. દોમ-દોમ સાહયબી જાણે તેમના પગમાં આળોટતી હતી. પંચાલ પરીવારમાં લક્ષ્મી જાણે નળ વાટે વહેતી હતી... પેઢીઓ દર પેઢીઓથી ચાલી આવતી ખેતીની આવક ઉપરાંત પંચાલ પરીવારના સભ્યોના કોઠા સૂઝથી ઉભા થયેલા વ્યવસાયોમાં મબલખ કમાણી થતી હતી જેના કારણે પંચાલ પરીવાર પ્રગતીની સીડીઓ રોકેટ ઝડપે ચડી રહયો હતો... અત્યારે સમગ્ર પંચાલ પરીવારનો વહીવટ મોટા બાપુના હાથમાં હતો. મોટા બાપુ એટલે વિષ્ણુસીંહ પંચાલ... તેમનાથી નાના બે ભાઇઓ હતા જે અમેરીકા શીફ્ટ થઇ ગયા હતા એટલે અહીના તમામ કારભારના કર્તા-હર્તા વિષ્ણુ સીંહ બાપુ હતા.
એક દિવસ સાવ અચાનક જ રીતુ અને તેના સાધારણ પરીવારની જીંદગી આ અતી ખમતીધર પંચાલ પરીવાર સાથે જોડાઇ ગઇ હતી.... અને તે દિવસ બાદ રીતુ અને તેનો પરીવાર સતત ભયના ફફડાટ હેઠળ જીવતો આવ્યો હતો.
************************************
ઇન્સ.ગેહલોત આબુની સીવીલ હોસ્પિટલે ધસી ગયો હતો... હોસ્પિટલમાંથી વીજયના ભાગી જવાથી તે ગુસ્સે ભરાયો હતો અને તેણે ત્યાં પહોંચી ફરજ ઉપર તહેનાત પેલા કોન્સ્ટેબલને રીતસરનો સરા- જાહેરમાં તતડાવી નાંખ્યો હતો.
“ તું સાલા ડફોળ... એક માણસ ઉપર નજર ન રાખી શક્યો...? એ તારો બાપ ભાગી ગયો ત્યારે તું ક્યાં હતો....? ” ધુંઆ-ફુંવા થતા ગેહલોતે વીરજી નામના કોન્સ્ટેબલને ઘઘડાવ્યો.
“ સાહેબ... હું જરા બાથરૂમ ગયો હતો...” તે બોલ્યો. કોન્સ્ટેબલ વીરજીના મોતીયા મરી ગયા હતા. તેને પોતાની ભુલ સમજાતી હતી પરંતુ હવે કશું થઇ શકે તેમ નહોતુ. પંખી તેના હાથમાંથી ઉડી ગયુ હતુ.
“ તું બે ઘડી તારા પેશાબને રોકી ના શક્યો...? તારી એક બેદરકારીને કારણે બધા આટલા દિવસથી જે મહેનત કરી રહયા છે એની ઉપર પાણી ફરી વળ્યુ... હવે મારુ મોં શું જુએ છે...? કહે... એ હરામખોર કેવી રીતે ભાગ્યો અહીથી...?”
“ સાહેબ... હું બાથરૂમ જઇને આવ્યો એમાં વધુ માં વધુ પંદર મીનીટ જ લાગી હશે. એ પંદર મીનીટમાં ખબર નહી તે કયાં ગયો...? હું પાછો આવયો ત્યારે રૂમમાં કોઇ નહોતુ. મને થયુ કે તે પણ મારી જેમ ટોઇલેટમાં ગયો હશે એટલે હું તેની રાહ જોઇને ઉભો રહયો... પછી મને ખબર પડી કે વીજય અહીથી છટકી ગયો છે.” કોન્સ્ટેબલે કહયુ.
“ એ સમયે અહી કોણ હાજર હતુ...?” ગેહલોતે પુછયુ.
“ કોઇ નહી સાહેબ... હું અને વીજય બે જ હતા. તેના પપ્પા હંમેશા અહી હાજર હોય છે પરંતુ આજે તેઓ પણ નહોતા...”
“ હંમમ્...” ગેહલોતે હું-કાર ભણ્યો અને હોસ્પિટલની કોરીડોરમાં નજર ઘુમાવી. આ સરકારી હોસ્પિટલ હતી એટલે અહી કાયમી ઘણી ગરદી રહેતી હતી. વીજયે આ ગીરદીનો લાભ ઉઠાવ્યો હતો એ સમજતા ગેહલોતને વાર લાગી નહી. તે ખરેખર અપસેટ થયો હતો. આ કેસમાં રોજ નવા-નવા ફણગા ફૂટતા હતા જેના કારણે હજુ તે એક ગુથ્થી ઉકેલે ત્યાં નવી ઉપાદી સામે આવીને ઉભી રહી જતી હતી. તે પોતાની તપાસની કોઇ એક દિશા નક્કી કરી શકતો નહોતો. તે હજુ ત્યાં જ, હોસ્પિટલના કોરીડોરમાં ઉભો રહીને વિચારતો હતો કે સામેથી એક નર્સ તેની નજીક આવી...
“ સાહેબ... આપના માટે ફોન છે...” નર્સે ગેહલોતને કહયુ.
“ મારો ફોન... અહી...? ” ગેહલોતે આશ્ચર્ય ઉછાળ્યુ અને કોરીડોરના એક ખુણે રીશેપ્સન કાઉન્ટર તરફ ચાલ્યો. કાઉન્ટર ઉપર મુકાયેલો ફોન ઉઠાવ્યો અને કાને માંડયો.
“ હલ્લો......”
“ સાહેબ..... તમે જલ્દી પોલીસ થાણે પહોંચો. મોટા સાહેબ આવ્યા છે.....” સામેના છેડેથી કોન્સ્ટેબલ ભવાની પુરોહીત બોલ્યો.
“ મોટા સાહેબ..... ? અત્યારે.....?” ગેહલોતને આશ્ચર્યના ઝટકા લાગતા હતા.
“ જી..... અને એ તમને યાદ કરે છે. ”
“ ઓ.કે.... ચાલ હું આવુ છુ.....” ગેહલોતે ફોન મુકયો. તેના કપાળે સળ પડયા. આમ સાવ અચાનક કોઇ ખબર વગર મોટા સાહેબ આબુ આવ્યા તેનું પારાવાર આશ્ચર્ય તેને થતુ હતુ. મોટાભાગે કયારેય આવુ બનતુ નહી. જો સાહેબ આવવાના હોય તો અગાઉથી તેને જાણ કરવામાં આવતી હતી.
“ વીરજી..... તું અહી જ રહેજે. હું ભવાનીને મોકલુ છુ. ત્યાં સુધી હવે કયાંય આઘો-પાછો થતો નહી. સમજ્યો..... ? ” તેણે પેલા કોન્સ્ટેબલને કહયુ.
“ જી સાહેબ.....”
અને..... ગેહલોત જીપમાં ગોઠવાઇ ફરી નખીલેક પોલીસ થાણે પહોંચ્યો.
થાણામાં ડી.સી.પી. પંડયા પધાર્યા હતા. તેમની સાથે બીજા બે સુટેડ બુટેડ વ્યકિતઓ પણ હતા. ઇન્સ.ગેહલોતે અદબથી ડી.સી.પી.પંડયાને સેલ્યુટ મારી.
“ આવ ગેહલોત.... આમને મળ, આ છે મી.રંજીત અને મી.વીનોદ. સ્પેશીયલ ક્રાઇમ બ્રાંચ જયપુર... ” ડી.સી.પી.પંડયાએ કોઇ પણ ફોર્મેલીટી દર્શાવ્યા વગર ગેહલોતને પેલા બે વ્યક્તિઓની ઓળખાણ આપી અને ગેહલોતને બેસવા કહયુ. ગેહલોતે તે બંને સાથે હાથ મીલાવ્યા અને ખુરશીમાં ગોઠવાયો. ક્રાઇમ બ્રાંચનુ નામ સાંભળતા ગેહલોત ચોંકયો હતો પરંતુ એ તેણે કળાવા દીધુ નહી. અચાનક તેને સમજાયુ કે આમ સાવ ઓંચીતા જ ડી.સી.પી. સાહેબ અહી કેમ ટપકી પડયા છે..... ગેહલોતના મોંઢામાં કડવાહટ વ્યાપી.
“ ગેહલોત..... જુઓ, હું સીધી વાત કરવામાં માનુ છુ. અને સીધી વાત એ છે કે હવેથી આ કેસની તપાસ જયપુર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. એટલે તમે આ કેસ સંબંધીત જેટલી ફાઇલો હોય એ આ લોકોને સોંપી દો.....” ડી.સી.પી. પંડયાએ સાફ શબ્દોમાં કહયુ.
“ પણ શું કામ સર......? ઓલમોસ્ટ મેં આ કેસ સોલ્વ કરી નાંખ્યો છે..... રાજસ્થાનમાં ફેલાયેલુ ડ્રગ્સનું માળખુ એક જ ઝટકે સમાપ્ત થશે તેની હું તમને બાંહેધરી આપુ છુ. ઉપરાંત અહી જે અબજો રૂપીયાનું ડ્રગ્સ પકડાયુ છે તેનું શું.....? ખુન કેસમાં પણ અસાધારણ સફળતા મળી છે.... શું તમને મારા કામ ઉપર વિશ્વાસ નથી.....? ” ગેહલોત ઉગ્ર અવાજે બોલ્યો. એક તો વીજય હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો એનો ગુસ્સો અને ઉપરથી અત્યારે તેની પાસેથી છીનવાઇ રહેલી આ કેસની ઇન્ક્વાયરીએ તેના ગરમ લોહીને વધુ ગરમ કરી નાંખ્યુ હતુ. આ તેનું અપમાન હતુ. અને તે કોઇ કાળે આ પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર નહોતો.....
જો કે તેને આછો-પાતળો ખ્યાલ અગાઉથી જ આવી ગયો હતો કે જરૂર તેને આ કેસમાંથી હટાવવામાં આવશે. જે દિવસે રઘુ પકડાયો તે દિવસથી જ તેને સમજાઇ ગયુ હતુ કે રઘુ તો માત્ર એક પ્યાદુ હતો. ડ્રગ્સના સ્મલીંગમાં ઘણા બધા મોટા માથા સંડોવાયેલા હશે અને એ મોટા માણસો તેને તેની ડયૂટીમાંથી હટાવવા કોશીષ કરશે અને તેમના મળતીયા અધીકારીઓને તપાસ સોંપી આખા કેસનું ફીંડલુ વાળી નાંખશે...
“ જુઓ મી.ગેહલોત.... તમારી ભાવનાઓની અને તમારી મહેનતની હું કદર કરુ છુ. પરંતુ આ ઓર્ડર ઉપરથી આવેલા છે એટલે તમારે સહકાર આપવો જ રહયો....” એકદમ ઠંડકથી પંડયા બોલ્યા.
“ ઉપરથી ઓર્ડર..... ? માય ફૂટ..... તમે સીધે-સીધુ કેમ કહેતા નથી કે આ કેસમાંથી મને હટાવવામાં આવે છે. જેથી તમે બધા ભેગા મળીને આ કેસને ફાવે તેમ ગોઠવી શકો.....” ઉંચા અવાજે ગેહલોત બોલ્યો અને તેની ખુરશીમાંથી ઉભો થઇ ગયો.
“ માઇન્ડ યોર લેંગ્વેજ ગેહલોત..... તમે ભાન ભુલી રહયા છો....” ડી.સી.પી.પંડયા કહયુ.
“ સર... આ નોકરી મેં તમારી ગુલામી કરવા નથી સ્વીકારી. જો તમે આ કેસ મારી પાસેથી લેશો તો તમારે મારુ રાજીનામુ પણ સ્વીકારવુ પડશે.....”
“ રાજીનામુ નહી ગેહલોત..... ! બઢતી..... તને બઢતી મળશે.....” અને પંડયા ખડખડાટ હસી પડયો. એ હાસ્યમાં ભારોભાર કુટીલતા સમાયેલી હતી.
(ક્રમશઃ)
પ્રવીણ પીઠડીયા
વોટ્સ-અપઃ ૯૦૯૯૨૭૮૨૭૮
ફેસબુક—Praveen Pithadiya