Doast Mane Maf Karis Ne - Part-11 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Dost Mane Maf Karis Ne - 11

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૧

અદીઠ ભયના વાદળો...

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧. અદીઠ ભયના વાદળો...

“કદી પળ વીતાવવી મુશ્કેલ હોય છે.

બાકી, યુગોમાં વીતવું સહેજે નવું નથી..”

ઈતિ, અનિકેત સિમલા પહોંચ્યા તો ખરા. પરંતુ સિમલાની ગુલાબી ઠંડીમાં ત્યાંના લીસા, પહોળા, અદભૂત માલ રોડ પર જીવનસાથીની સાથે ટહેલતાં એ ભવ્ય સૌન્દર્યમાં પણ ઈતિને કોઈ રંગીનીનો અનુભવ ન થયો. એ ઠંડક તેને શીતલતા ન જ અર્પી શકી.

આમ તો કુદરતના આ અદભૂત સૌન્દર્ય પાછળ ઈતિ દીવાની હતી. બીજો કોઈ દિવસ હોત તો નાના બાળકની માફક તે ચહેકી ઉઠી હોત. પરંતુ આજે સામે દેખાતા આ રમણીય નજારાએ, એ ધવલ, ઉત્તુંગ શિખરોએ ઈતિને આમંત્રણ ન આપ્યું કે પછી ઈતિ તે આમંત્રણનો એહસાસ ન કરી શકી ? વાતાવરણ તો બદલ્યું. પરંતુ મનની ૠતુ કયાં બદલી શકી હતી? લાલચટ્‌ક ગુલમહોર પણ સાવ ફિક્કો ફસ. મનમાં જ ટહુકાઓનો તોટો હોય ત્યાં સંગીત કેમ ગૂંજે ? ભરચક રોશનીની ઝાકઝમાળમાં પણ ઈતિને તો ઘેરા અન્ધકારની જ અનુભૂતિ કેમ થતી હતી ?

આંખ ફરતે છવાતાં પાતળા ઝાકળમાં કોણ છવાતુ જતું હતું ?

સમય આકાશમાંથી આ કઈ ઉદાસીની ક્ષણો વરસતી હતી..? તે સિમલામાં હતી. તે યાદ રાખવું પડતું હતું. ઈતિના વારંવાર કહેવાથી અરૂપે ઈતિને ઘેર ફોન કરવાના બે ચાર વાર પ્રયત્નો કર્યા હતાં પણ કયારેય લાગ્યો જ નહીં. અને પછી અરૂપનો મુડ જોઈ ઈતિ કશું બોલી શકી નહીં.

અરૂપ માટે તે એટલું તો કરી જ શકે ને ?

પરંતુ અરૂપ માટે ઈતિ પોતાનો મુડ તો લાખ પ્રયત્ન કર્યા પછી પણ ઠીક ન જ કરી શકી.અંદર શું ખૂંચતું હતું. એ સમજાતું નહોતું. પણ સતત એક બેચેની.. એક અજ્જ્ઞાત ભય તેના મનને ઘેરી રહ્યા. .

તેના અસ્તિત્વમાં અજંપાનું એક પૂર ઉમટયું હતું. અરૂપ તેને ખુશ કરવાના પ્રયત્નો કરતો રહ્યો. પણ ઈતિનું ધ્યાન જાણે ફકત કેલેન્ડર પર જ હતું. આ પાના જલદી ફરતા કેમ નહોતા ?

તે રાત્રે ઈતિને ધ્રુજતી જોઈ અરૂપે પૂછયું,

’ ઈતિ, ઠંડી લાગે છે ? બારી બંધ કરૂં ? ‘

’ના, ના.. કશું બંધ નહીં... પ્લીઝ...’

ઈતિ જલદીથી બોલી ઉઠી. કોણ જાણે કેવી યે વ્યાકુળતા ઈતિના અવાજમાં હતી. અરૂપને આશ્ચર્ય થયું. બારી બંધ કરવા જેવા સામાન્ય પ્રશ્નમાં ઈતિ આમ એકદમ વિહવળ કેમ બની ઉઠી ? તેણે ઈતિ સામે જોયું.

ઈતિએ પડખું ફેરવી લીધું હતું. જાગતી હતી કે ઉંઘી ગઈ હતી એ અરૂપને સમજાયું નહીં.

બીજે દિવસે સવારથી ઈતિને તાવ હતો. તેને સખત ઠંડી ચડી હતી. શરીર અને મન બંને ધૂજતા હતાં. અરૂપે ડોકટરને બોલાવ્યાં હતાં. અને પોતે તેને કોલનવોટરના પોતા મૂકી રહ્યો હતો. ઈતિ મનોમન ગીલ્ટી ફીલ કરતી હતી. અરૂપ કેટલી હોંશથી પોતાને અહીં લાવ્યો છે. અને પોતે આમ...?

’અરૂપ, સોરી... મારે લીધે તારી કોઈ હોંશ પૂરી ન થઈ શકી. ’

’ ઈતિ,મારે તો તું જલદી સારી થઈ જાય એટલે બધું આવી ગયું.’

ઈતિ કયારેક ઘેર ફોન કરવાનું કહેતી..

’ના, ઈતિ, તારે ઘેર અત્યારે ફોન કરીને મારે તેને તારી માંદગીના સમાચાર નથી આપવા. નાહકની તેમને પણ ચિંતા કરાવવી ? એક્વાર તું સાજી થઈ જાય..પછી બીજી બધી વાત...’

ઈતિને થયું,.

અરૂપની વાત તો સાચી છે. મમ્મીને કેટલી ચિંતા થાય..? આમ પણ મમ્મીનો સ્વભાવ ચિંતાવાળો છે. અને હવે તો તેમની પણ ઉમર થઈ. અહીં તો ધ્યાન રાખવા માટે અરૂપ છે જ ને ?

ઈતિનો તાવ થોડો લંબાયો. અરૂપ સહજ રીતે જ તેની સેવામાં કોઈ કચાશ રાખતો નહીં. તેને આનંદમાં રાખવાના શકય તેટલા પ્રયત્નો કરતો રહેતો. જાગૃત અવસ્થામાં તે અરૂપ માટે અફસોસ કરતી રહેતી. પરંતુ તેના અર્ધ જાગૃત મનમાં અવારનવાર કદી ન વિસરાયેલ અનેક દ્રશ્યો ઝબકી રહેતા.

તે દિવસે અરૂપ તેની બાજુમાં જ બેઠો હતો. ઈતિ તાવના ઘેનમાં અર્ધબેભાન અવસ્થામાં કશુંક બબડતી હતી.

અરૂપને આ અસ્ફૂટ શબ્દો પૂરા સંભળાતા નહોતા તો સમજાય કયાંથી?

‘અનિ, અનિકેત, અરે, જો તો ખરો... આ કેવું મોટું મોજું આવે છે. ચાલ, હવે દૂર નથી જવું.‘

દરિયાના ઘૂઘવતા નીરમાં અનિકેતનો હાથ પકડી ઉભેલી ઈતિ અનિકેતને આગળ ન જવા વિનવી રહી હતી. પરંતુ અનિકેત ન જાણે કેમ આજે મસ્તીએ ચડયો હતો. ઈતિની વાત માનવાને બદલે તે વધારે ને વધારે દૂર જતો હતો. ઉછળતા મોજા તેને આહવાન આપી રહ્યા હોય તેમ ઈતિનો હાથ ખેંચતો તે આગળ ને આગળ...

તેની પાછળ ખેંચાતી ઈતિ તેને વારંવાર વિનવી રહી હતી.

હમેશાં ઈતિની બધી વાત માનવાવાળો અનિકેત આજે જીદે ભરાયો હતો કે શું ? ધીમું ધીમું હસતો હસતો તે અટકવાનું નામ જ કયાં લેતો હતો ? અને તેની પાછળ ગયા સિવાય ઈતિને કયાં ચાલવાનું હતું ? ડરના માર્યા તેણે જોશથી અનિકેતનો હાથ પકડી લીધો.

‘ અનિ, હવે બહું થયું હોં... પ્લીઝ... મસ્તી નહીં. હવે અહીંથી પાછા વળીએ યાદ છે ? આપણે એકવાર કોલેજમાંથી પિકનીકમાં ગયેલા અને હું તને ચીડવવા નર્મદાના પાણીમાં થોડીક જ આગળ ગઈ હતી તો પણ તેં મને કેવો લાફો લગાવી દીધો હતો... એ કંઈ હું ભૂલી નથી હોં. લાગે છે આજે મારે ય તને એક લાફો...’

અને... ઈતિનો હાથ ઉંચકાયો.

‘ઈતિ કશું થાય છે ?‘ ઈતિના ઉંચા થયેલ હાથને ધીમેથી નીચે મૂકતાં અરૂપે પૂછયું.

પરંતુ ઈતિ તો...

‘અનિ, સાચ્ચે જ મારીશ હોં.‘

અનિકેત તો હસતો હસતો આગળ ને આગળ...

’અનિ, પ્લીઝ...ચાલને પાછા વળી જીએ. આજે મને ડર લાગે છે.’

’અરે, ઈતિ દરિયો તો નાનપણથી આપણો દોસ્ત... તેનાથી વળી ડરવાનું કેવું? આજે મને દરિયો સાદ પાડે છે, બોલાવે છે. ઈતિ, તને સંભળાય છે એ સાદ?

અને ખાલી દરિયો જ નહીં. ઈતિ, આ ચન્દ્ર, તારા, વાદળ બધા મને બોલાવે છે. ઈતિ, હું જાઉં ?‘

અનિકેતના અવાજમાં આજીજી કેમ સંભળાતી હતી ? અનિકેત આ શેની રજા માગી રહ્યો છે ?

’ના, અનિ, તારે કયાંય જવાનું નથી. ઈતિને એકલી મૂકીને અનિ કયાંય ન જાય...’

ઈતિના બહાવરો... બેબાકળો અવાજ અરૂપને પણ સંભળાયો... પરંતુ સમજાયો નહીં.

‘ ઈતિ, તું તો સાવ બુધ્ધુ જ રહી. કયારેક તો દરેક માનવીએ એકલા જવું જ પડે ને ? અરે, કયારેક તો એકલા જીવવું પણ પડે છે.’

અનિકેતે ઈતિનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.

અનિ... તેનો અનિ આજે ઈતિને આમ છોડીને કયાં જવાની વાત કરે છે? આજે અનિકેતને થયું છે શું ? તેનો અનિ તેનાથી દૂર કેમ જાય? તેને એકલા એકલા કયાં જવું છે?

’નહીં અનિ, તો હું ય આવીશ તારી સાથે. આપણે સાથે જીશું. પેલા તારલાની બાજુમાં જઇને ગૂપચૂપ બેસી જીશું. અને રેંટિયો કાંતતા પેલા ડોશીમાને મળીશું ? ચાંદામામાને તો મારે કેટલું ય પૂછવાનું છે. અનિ, આપણે બંને તારલા બની ચમકીશું. પછી કોઈ આપણને નહીં શોધી શકે. કોઈ નહીં.‘

’ના, ઈતિ, એમ તારાથી ન અવાય. ત્યાં કોઈથી સાથે ન અવાય. અને આમ પણ તું તો હવે અરૂપની છે. તારે તો અરૂપ સાથે ખૂબ હોંશથી સરસ રીતે જિંદગી માણવાની છે. હું ઉપર બેઠો બેઠો તમને બંનેને આનંદથી નીરખતો રહીશ. અને ભગવાનને ય થોડા મસકા મારી તારી સિફારીશ કરતો રહીશ. કે મારી ઈતિને હમેશા હસતી રાખે. ઈતિ, હવે અહીં તો હું તારી રાહ જોઈ શકું તેમ નથી. તો ઈતિ, હું જાઉં ?‘

અનિકેત ઈતિને વીનવતો રહ્યો.

અરે, આજે અનિ તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કેમ કરે છે ? કયાં જવું છે તેને ઈતિને છોડીને?

ઈતિ ના, ના કરતી રહી. પણ અનિકેતે તો આજે નિર્દય બનીને ઈતિનો હાથ એક ઝાટકે છોડી દીધો. અને પોતે દૂર દૂર પાણીમાં... મોજાના પ્રવાહ ઉપર સવાર... અને... અને થોડી ક્ષણોમાં તો આંખોથી ઓઝલ. ઈતિ ફાટી આંખે નીરખી કેમ રહી ? તે અનિકેતની પાછળ દોડી કેમ ન શકી ? તેને દોડવું છે. અનિકેતને રોકવો છે. પણ આ કોણે તેને પકડી રાખી છે ?

‘પ્લીઝ... પ્લીઝ... મારે અનિકેત પાસે જવું છે. અનિ, હું આવું છું તારી પાસે આવું છું. અનિ, ઉભો રહે... હું આવું છું. ‘

’ ઈતિ, મને જવા દે પ્લીઝ..જવા દે... આ દરિયાના તરંગો મને સાદ કરે છે. આ તારલાઓ મને બોલાવે છે. વાદળો મને આવકારે છે. અને એના નિમંત્રણને હું ઠુકરાવી શકું તેમ નથી. ઈતિ, હું રાહ જોઈશ... અનંત જન્મો સુધી હું તારી પ્રતીક્ષા કરીશ. કયારેક કોઈ પળે તું અચાનક આવે ત્યારે મેં અહીં તારે માટે બધું જોઈ રાખ્યું હશે. તેથી તને નિરાંતે ફેરવીશ. તને કોઈ તકલીફ ન પડે તેથી મારે પહેલા જઇને મારી ઈતિ માટે સગવડ કરવી પડેને? તારા સ્વાગતની તૈયારી કરવા હું પહેલા જાઉં છું. ઈતિ, ઉગતા સૂર્યના હૂંફાળા કિરણોની સંગે આપણે હાથમાં હાથ રાખી એકમેકમાં ઓગળી જીશું. ઈતિ, હું તારી પ્રતીક્ષા કરીશ. શબરીની માફક બોર નહીં, હું તો મારી ઈતિ માટે તારલાઓ વીણી રાખીશ. અને અંતે એક દિવસ તું આવશે... ઈતિ, તું આવશેને ? ‘

દૂર દૂર પાણીના તરંગો પર સરતા અનિકેતનો મૌન સાદ કયાંથી આવીને ઈતિના મનમાં પડઘાઈ રહ્યો? કયારેય નહીં ને આજે અનિકેત આવું વિચિત્ર વર્તન કેમ કરે છે ? ઈતિનો હાથ પરાણે છોડાવીને તે એકલો એકલો કયાં જી રહ્યો છે ? અરે, રોકો, કોઈ અનિને રોકો... મારો હાથ છોડાવીને તે કયાં જાય છે ?

ઈતિનો હાથ અરૂપના કાંડા પર જોરથી ભીંસાઈ રહ્યો. ઈતિ પરસેવે રેબઝેબ,

પોતાના હાથ પર જોરનો અનુભવ થતાં બાજુમાં બેસેલ અરૂપ સફાળો ચોંકી ઉઠયો.

’ઈતિ, ઈતિ, શું થાય છે તને ? ડર લાગે છે ? હું તારી બાજુમાં જ છું.‘

એકાદ સેકન્ડ ઈતિની આંખો ખૂલી ન ખૂલી અને તેની નજર અરૂપ સામે પડી પરંતુ તેની આંખોમાં ઓળખાણનો કોઈ અણસાર ન દેખાયો. તેની આંખ ફરીથી જોરથી મીંચાઈ રહી.

’અનિ, તને કંઈ ભાન પડે છે કે નહીં? કયારની વિનંતિ કરૂં છું કે આગળ ન જવાય. પણ આજે તું મારૂં કેમ માનતો નથી? તું તો કયારેય આવો નહોતો. આજે મારૂં કેમ સાંભળતો નથી ? જા તારી કિટ્ટા... હવે તું લાખ વાર બોલાવીશને તો પણ હું નહીં બોલું ..’

અને ઈતિ ખરેખર પડખું ફરીને સૂઈ ગઈ.

’ પણ એમ ચેન કયાં મળવાનું હતું ? હવે અનિકેત દેખાતો કેમ નથી ? કયાં અદ્ર્‌શ્ય થઈ ગયો ?

‘ ના, ના, અનિ, એમ રિસાઈ ન જવાય. આપણા કીટ્ટા બુચ્ચા તો અનંતકાળના... આપણા રિસામણા, મનામણા તો ક્ષિતિજઇને પેલે પાર પણ ચાલ્યે રાખવાના. ‘

અને ઈતિ ન જાણે શું ય બબડતી રહી. અરૂપ તેનો અસ્ફૂટ અવાજ સાંભળી રહ્યો. કશું સમજાતું નહોતું. તેના મનમાં પણ કોઈ વિચારોનું ધમસાણ મચ્યું હતું. તેની અંદર પણ કોઈ દ્વન્દ ચાલી રહ્યું હતું કે શું?

પૂરા દસ દિવસ ઈતિની આ હાલત ચાલુ રહી. ડોકટરો અને અરૂપ ઈતિની કાળજી લેતા રહ્યા. અંતે દવાઓની અસર થઈ. ધીમે ધીમે ઈતિને થોડું સારૂં થયું. તાવ તો ઉતર્યો પણ નબળાઈ તો હતી જ. તાવના ઘેનમાં તે શું બબડતી હતી તેનો તેને ખ્યાલ પણ નહોતો. ફકત તેના મનને એક અસુખ પીડી રહ્યું હતું. એટલું જ તે અનુભવી શકતી હતી. ખુશ રહેવાના, સ્વસ્થ થવાના કેટલા પ્રયત્નો છતાં પરમ વિષાદની એક છાયા તેની અંદરથી નીકળી શકી નહી. અદીઠ ભયના વાદળો મનમાં સતત ગોરંભાયેલ જ રહ્યા. અરૂપનો કોઈ પ્રેમ, કોઈ સંવાદ તેને હટાવી શકયા નહીં. રહી રહીને પાછા જવાની તીવ્ર ભાવના મનમાં કેમ જાગતી હતી ? અરૂપને બે ચાર વાર કહી પણ જોયું.

’અરૂપ, ખબર નહીં કેમ... પણ મને કોઈ અશુભના ભણકારા કેમ વાગે છે ? ચાલને પાછા જીએ. ’

અરૂપ ખડખડાટ હસી પડતો, ’અરે, એ તો તું થોડી બીમાર પડી ગઈ ને તેથી તારૂં મન આળુ થઈ ગયું છે. અને આમ પણ આ દસ દિવસોમાં તારૂં શરીર કેવું નબળું પડી ગયું છે? તું કેટલી ફિક્કી પડી ગઈ છે? થોડી તાકાત આવે પછી જ હવે તો અહીંથી હટી શકાય. આ બધા મનના ઉધામા છે. તારો સ્વભાવ વધુ પડતો લાગણીશીલ છે. તેથી કયારેક આવું થાય. તું ચિંતા ન કર પ્લીઝ... મારે માટે થઈને... અને જલદી જલદી સાજી થઈ જા. મને તારી બહું ચિંતા થાય છે. આમ પણ આપણા કુટુંબમાં આપણે બે જ તો છીએ... અને આપણે બંને તો સાથે છીએ..પછી શું ?‘

ઈતિના હોઠ સખત ભીડાયા. શબ્દો તો અંદર જ રહી ગયા.

’ ના, અરૂપ, આપણે બે જ નહીં... મારી દુનિયામાં ત્રીજુ કોઈ પણ છે... તેનો એહસાસ આજે, આ ક્ષણે મને થઈ રહ્યો છે. એ હું તને કેમ સમજાવું ? મને એક અસુખ સતત પીડી રહ્યું છે... હું એક ભયંકર વેદનાના ઓથારમાંથી પસાર થઈ રહી છું તે તું નથી અનુભવી શકતો ?મારી આંખોમાં તું એ નથી વાંચી શકતો? આ પળે મને હૂંફની જરૂર છે. અરૂપ, એ હૂંફ હું તારામાંથી કેમ નથી પામી શકતી ? તું મને કેમ સમજી નથી શકતો ? કે પછી સમજવા છતાં..?

ઈતિ વલોવાતી રહી... અંદર જ...

વરસો પહેલાં જયારે અનિકેતથી કોઈ વાત છૂપાવવી હોય ત્યારે તે આંખો બંધ કરી દેતી.અને તો પણ અનિ જાણી જ જતો.

આજે ખુલ્લી આંખોમાં... તેના અસ્તિત્વના એક એક અણુમાં જાગેલ આ ઘેરા વિષાદને અરૂપ જોઈ, જાણી કે અનુભવી નથી શકતો? ઈતિની પરમ વેદનાની આ પળે તે કયા સુખની વાતો કરે છે ?

અલબત્ત આ વેદના શેની છે તે તો પોતાને પણ કયાં સમજાય છે? પરંતુ કંઈક હતું... ચોક્કસ હતું... જે પોતે સમજી કે સમજાવી શકતી નહોતી અરૂપ તેની વાતને ભલે હસવામાં કાઢી નાખે. પણ તેના પ્રાણમાં નિરંતર ઉઠતી આ વ્યાકુળતા ફકત તેના મનનો વહેમ છે..! એ વાત સાથે પોતે કેમે ય સંમત નથી થઈ શકતી તેનું શું ?

અંતે પંદર યુગ જેવા પંદર દિવસ પૂરા તો થયા.. ઈતિની અધીરતા પરાકષ્ઠાએ પહોંચી...

બસ... હવે ઘર કયાં દૂર હતું? મંઝિલ સામે જ હતી. જઇને પહેલું કામ ફોન..અને તરત અનિને મળવા જવાનું. હવે તે અરૂપની કોઈ વાત નથી સાંભળવાની... એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાની.

પણ... વિલંબ થઈ ચૂકયો હતો કે શું ?