Tran Hath no Prem - 11 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Gujratinovel - Trun haath no prem

Featured Books
Categories
Share

Gujratinovel - Trun haath no prem

પ્રકરણ – ૧૧

ત્રણ હાથનો પ્રેમ

લેખકઃ

શૈલેશ વ્યાસ

email: saileshkvyas@gmail.com

mobile : 9825011562


રાધાબેને સ્વદેશ અને સુદર્શનાને ઉદ્દેશીને કહ્યુ “તમે બંને જણા મારૂ કહ્યુ માનતા નથી અને મારી ઈચ્છા વિરુધ્ધ જોખમ લ્યો છો. એટલે હું બીજુ કશું કહેતી નથી કારણ કે હું પણ સમજી શકું છું કે સલમા પાસેથી કદાચ આપણને હુમલાખોરો વિશે માહિતી મળી શકે. પણ મારી બે વિનંતી છે તમને” કહેતા કહેતા રાધાબેન નો અવાજ થોડો ઢીલો થઈ ગયો.

“આવું શું બોલો છો રાધામાસી” સ્વદેશે અને સુદર્શનાએ સાથે જ કહ્યુ “તમારે વિનંતી કરવાની ન હોય, તમે તો મા ના સ્થાને છો આદેશ કરો”

“વયસ્ક બાળકોને આદેશ ન કરાય, સમજાવાય કે વિનંતી કરાય” રાધાબેને કહ્યું.

સુદર્શના એ આગળ આવી રાધાબેનના બંને હાથ પોતાના હાથમાં લીધા “બોલો માસી તમારા મનમાં શું છે?”

રાધાબેન બે ઘડી સુદર્શનાની આંખોમાં તાકી રહ્યા, પછી તેનો હાથ ધીરે થી દબાવતા કહ્યું. “પહેલી વાત તો એ કે તમે બંને ખૂબજ સાવધાન રહેશો અને કોઈ ખોટુ જોખમ નહી લેતા, પૈસા જાય તો જાય પણ તમને કોઈ નુકશાન ન થવું જોઈએ” રાધાબેને બંનેની સંમતિ મેળવવા તેમની સામે જોયું.

“તમે ચિંતા ન કરો માસી” સ્વદેશે કહ્યું “અમે કોઈ ખોટું જોખમ નહી લઈએ.”

“એટલે?” જોખમ તો લેશો જ, એમને”? રાધાબેને સહેજ તિખા અવાજે કહ્યું.

“તુ પણ શું મમ્મી?” મોહિતે અહિંઆ વચમાં ઝૂકાવ્યુ “જોખમ તો આપણે લઈ જ રહ્યા છીએ. જોખમ છે એ જાણવા છતા આપણે આ પગલા ભરી રહ્યા છીએ”

રાધાબેને પુત્રની વાત ઉપર મોઢું બગાડયું.

“અચ્છા, બીજી કઈ વાત?” સુદર્શનાએ પૂછયું.

“બીજી વાત એ કે તમારે ભૂખ્યા પેટે જવાનું નથી, બંને જણા જમીને જજો”

“અરે શું માસી?” સ્વદેશે અણગમો વ્યક્ત કર્યો. “બહાર જતા પહેલા ક્યાં જમવાનું નામ લીધુ તમે?”

“હવે નામ લીધુ છે તો થોડુંક ખાઈ જ લઈએ ઝટપટ” સુદર્શનાએ વચલો માર્ગ કાઢયો.

“હું મહારાજ ને કહીને તમારી પ્લેટો મોકલાવું છું, આજે ખાલી બટાકા પૌઆ જ બનાવ્યા છે.” કહેતા કહેતા રાધાબેન રસોડામાં ગયા.

થોડી વારમાં જ મહારાજ બટાકાપૌઆની પ્લેટો અને ઓરેંજ જયૂસના ગ્લાસો ડાઈનીંગ ટેબલ ઉપર મુકી ગયા. સ્વદેશ અને સુદર્શનાએ ઝટપટ ખાઈ લીધું. બાકીના બધા રાબેતા મુજબ મોડેથી જમવાના હતા.

“પરિક્ષિત, યાદ રાખીને કાકાને ત્યાં પોલીસ ચોકીમાં ટીફીન આપી આવુજે” સુદર્શનાએ પરિક્ષિત નું ધ્યાન દોર્યું.

“આવા સમયે પણ તું કાકાને ભૂલતી નથી” રાધાબેને પ્રસંશાથી તેની સમે જોયુ.

“કાકાને કેમ ભૂલાય? એ તો મારા પપ્પાની જગ્યાએ છે” સુદર્શના એ ભાવભર્યા અવાજે કહ્યુ.

“એટલે જ વધારે આપણને લાગી આવે કે પોલીસો લાગણીઓ સમજયા વગર જ તેમને રફિકના ખૂનના સીધી રીતે જવાબદાર તરીકે અને આડકતરી રીતે તારા ઉપર થયેલા હુમલા માટે જવાબદાર ગણે છે” રાધાબેને પોલીસ ઉપર પોતાનો ગુસ્સો પ્રક્ટ કરતા કહ્યું.

“માસી, પોલીસ લાગણીઓ ધ્યાન ઉપર લે તો કદી કોઈ ગુનેગારને પકડી જ ન શકે, કારણ કે દરેક ગુનેગાર ને કુટુંબ હોય જ છે. તે કોઈનો પિતા, પુત્ર, મિત્ર કે સબંધી તો હોય જ છે ને” સ્વદેશે સમજાવ્યું.

“મારે તારી સાથે વાદવિવાદમાં અત્યારે નથી ઉતરવું તમે હવે તમારી તૈયારીઓ કરો” રાધાબેને સૂચવ્યું.

સુદર્શને સંમતિમાં માથું હલાવ્યું. “ચાલ, સુદર્શના આપણે તૈયાર થઈ જઈએ” કહીને સ્વદેશ અને સુદર્શના અંદર પોતપોતાના રૂમાં ગયા. “તું તૈયાર થઈ જા, હું પણ તૈયાર થઈ તારા રૂમમાં આવુ છું” સ્વદેશે કહ્યું.

થોડી વારમાં જ સ્વદેશ તૈયાર થઈ સુદર્શનાના રૂમમાં ગયો. તેણે પોલીવુલનું શર્ટ પહેર્યુ હતુ તથા ઉપર જેકેટ પહેર્યુ હતુ. નીચે બ્લ્યુ રંગનુ જીન્સ અને પગમાં ડાર્ક બ્લ્યુ કલરના સ્પોર્ટસ શુઝ પહેર્યા હતા. હાથમાં બેઝબોલ રમવાનું બેટ હતું.

સુદર્શના પણ તૈયાર થઈને તેની રાહ જોતી ઉભી હતી. સ્વદેશ જરા હસ્યો “અરે સ્વરૂપવાન યુવતીઓને સાધારણ તૈયાર થતા પણ બે ત્રણ કલાક લાગતા હોય છે અને તું દશ જ મિનિટમાં તૈયાર થઈ ગઈ?”

“મજાક છોડ, અત્યારે કોઈ લગ્નમાં કે પાર્ટીમાં થોડું જવાનું છે કે સાજશણગાર સજવા પડે” સુદર્શના એ વળતો જવાબ આપ્યો.

સ્વદેશ સુદર્શનાને જોઈજ રહ્યો. તેણે પણ આખીબાય વાળુ શર્ટ પહેર્યુ હતુ અને નીચે ડાર્ક બ્લેક કલરનું જીન્સ પહેર્યુ હતુ. પગમાં સ્પોટર્શ શુઝ હતા, પણ તેના શુઝ કાળા રંગના હતા. વાળને પોનીટેઈલમાં બાંધેલા હતા. હાથમાંથી સોનાની વિંટી, બંગડી કે ગળાની ચેઈન કાઢીને મુકી દીધી હતી. હાથમાં માત્ર ઘડિયાળ હતી તે પણ સસ્તી અને સાદી માત્ર સમય જોવા પૂરતી જ. તેના હાથ ઉપર હંમેશા રહેતી રોલેક્ષની લેડીઝ ઘડિયાળ પણ તેણે કાઢી નાખી હતી. જરૂર પડે તો કામ લાગે તે માટે તેણે જીન્સ ઉપર લેધરનો પટો પહેર્યો હતો. તે ક્યારેય પટ્ટો પહેરતી નહી, પણ આજે પહેર્યો હતો. શર્ટ ઉપર તેણ હળવું જેકેટ/સ્લીકર પહેર્યુ હતું. મોટર સાઈકલ ઉપર જતા ઠંડા પવનથી બચવા, બાકી છેલ્લે તો તે બુરખો જ પહેરવાની હતી.

સ્વદેશે પ્રસંશા થી કહ્યુ “આજે તો સુપર ફાઈટર વુમન જેવી લાગે છે.” “બી સીરીયસ” ઠપકો આપતા સુદર્શના એ કહ્યું. ચાલ બધો સામાન ચેક કરી લઈએ”

બંને જણા જ સામાન સાથે લઈ જવાના હતા તેનું ફરી ચેકીંગ કરવા લાગ્યા. સુદર્શના માટે ૧) બુરખો (૨) પૈસા ભરેલું પર્સ જેમાં એક લાખ રૂપિયા ઉપરાંત, તેનો મોબાઈલ જે પૂરેપૂરો ચાર્જ કરેલ હતો, નાની પાતળી ટોર્ચ, નાનું ચાંપ વાળુ ચપ્પુ. જે ચાંપ દબાવવાથી ખૂલી જાય અને પાછુ બંધ કરી શકાય. પોલીથીનના હાથમોજા, નાનું નેઈલકટર, પાંચસો, પાંચસો ની પાંચ ચલણી નોટો. થોડું પરચુરણ, નાનો લેડિઝ રૂમાલ હતો. જયારે સ્વદેશે માટે ૧) બેઝબોલનું બેટ, મોબાઈલ (પૂરો ચાર્જ કરેલ) નાની ટોર્ચ ખીસમાં સમાઈ તેવી, ફોલ્ડીંગ ચપ્પુ, પોલીથીનના હાથમોજા થોડુ રૂ, બેંડએઈડ વિ. હતું.

“બરાબર છે બધું?” સ્વદેશે પૂછયું.

“હા બરાબર છે” સુદર્શનાએ સાથ પૂરાવ્યો

“આપણે ક્યારે નિકળવું છે?” સુદર્શના એ પૂછયું.

“સલમાએ તને સાડા નવ નો ટાઈમ આપ્યો છે. અત્યારે પોણાનવ થયા છે. અહીંથી રહેમાન ગલી સુધી મોટર સાયકલ ઉપર ૧૫ થી ૨૦ મિનીટ થશે. મારૂ એવું માનવુ છ કે આપણે અત્યારે જ નિકળી જઈએ. અને નવ વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જઈએ” સ્વદેશે પોતાનો વિચાર કહ્યો.

“પણ તેણે તો સાડાનવનો ટાઈમ આપ્યો છે, વહેલા પહોંચીશું તો કદાચ તેને નહી ગમે” સુદર્શનાએ ભય વ્યક્ત કર્યો.

“મારા હિસાબે આપણે અડધો કલાક વહેલા પહોંચીયે એમાં આપણો ફાયદો છે જો સલમાએ કોઈ છટકું ગોઠવ્યુ હોય તો તે સાડા નવ વાગ્યાના હિસાબે ગોઠવણ હોય , પણ જો આપણે વહેલા પહોંચીને તેમને આશ્ચર્યમાં નાખી દઈએ તો કદાચ તેઓ તે માટે તૈયાર ન હોય તો આપણા માટે જોખમ ઓછું થઈ જાય અને કદાચ આપણો હાથ ઉપર રહે”

“વાત તો તારી બિલકુલ સાચી છે” સુદર્શના એ સ્વદેશની વાતમાં સૂર પૂરાવ્યો આપણે અપેક્ષા થી પહેલા પહોંચીયે તો તેઓ તૈયાર ન હોય તો આપણને લાભ થાય “ પછી ઉમેર્યું” “તો ચાલ આપણે નિકળીયે”

“એક મિનિટ, હું એકવાર ફરી ઈન્સ્પેક્ટર ગોહિલ ને ફોન લગાડવાનો પ્રયત્ન કરી જોઉ” સ્વદેશે કહ્યું. સુદર્શના એ હકારમાં માથૂ હલાવ્યું.

સ્વદેશે ઈન્સ્પેક્ટર ગોહિલનો મોબાઈલ લગાવ્યો સામેથી “આઉટ ઓફ રીચ”નો ટેઈપ કરેલો અવાજ આવ્યો.

“ઈન્સ્પેક્ટર ગોહિલનો મોબાઈલ તો હજી લાગતો નથી” સ્વદેશે કહ્યું.

“ફરી લગાડી જો”

સ્વદેશે ત્રણ ચાર પ્રયત્ન કરી જોયા. તેણે માથું ઘુણાવ્યુ. “નથી લાગતો, હું પોલીસ સ્ટેશને લગાડી જોઉ”

તેણે પોલીસ સ્ટેશને ફોન જોડયો. “કોન્સ્ટેબલ પાઠક બોલુ છું” સામેથી જવાબ આવ્યો.

“હું સ્વદેશ બોલુ છું, ઈન્સ્પેક્ટર સાહેબ છે?”

“સાહેબ તો કાલે સવારે કે બપોર સુધી આવશે શું કામ હતું.?”

“ખાસ કાંઈ નહી” સ્વદેશે વાત ટાળતા કહ્યું. આ કોન્સ્ટેબલને કાંઈ કહેવાનો અર્થ ન હતો. “મારે રાજમોહનભાઈની જામીન માટે વાત કરવી હતી.”

“જામીન તો હવે સોમવારે જ થશે” કોન્સ્ટેબલ પાઠકે કંટાળેલા સ્વરે કહ્યં.

“સારૂ હું કાલે સાહેબ જોડે વાત કરી લઈશ” રાજમોહનભાઈ કેમ છે? બરાબર છે? સ્વદેશે સ્વાભાવિક રીતે પૂછયું.

“અહિઆ, અમારા લોકઅપમાં તો બધા ગુનેગારો ને જલસા જ જલસા હોય છે. અમે એકદમ ફાઈવસ્ટાર હોટલ જેવી આગતા સ્વાગતા કરીએ છીએ” કોન્સ્ટેબલે વ્યંગમાં અને તિરસ્કાર ભર્યા સ્વરે કહ્યું.

“સારૂ હું મુકુ છું” કહીને સ્વદેશે ફોન મૂકી દીધો “ઈન્સ્પેક્ટર તો હજી આવ્યા નથી” તેણે સુદર્શનાને કહ્યું. “આપણે નિકળીએ પણ નિકળતા પહેલા હું ઈન્સ્પેક્ટરને SMS કરી આપણે મળવા જવાના છીએ તે વિશે માહિતગાર કરી દઉ.” કહીને તેણે ઈન્સ્પેક્ટરને SMS કરી દીધો પછી બંને જણા પોતપોતાનો સામાન લઈ બહાર આવ્યા. દિવાનખંડમાં રાધાબેન, મોહિત, પરિક્ષિત બેઠા હતા. શંકર અને વિણા એકબાજૂ ઉભા હતા.

“માસી અમે જઈએ છીએ” સુદર્શનાએ કહ્યું.

“આટલા વહેલા? સમય તો..........કહેતા કહેતા રાધાબેન અટકી ગયા. શંકર અને વિણા સામે બોલવું ઉચિત નથી એવુ લાગતા તેમણે આંખોથી વાક્ય પુરુ કહ્યું.”

“ધીમે ધીમે જઈશુ એટલે વાર લાગશે અને સમયસર પહોંચી જઈશું” સ્વદેશે પણ ફોડ પાડયા વગર જવાબ આપ્યો.

“મા જગદંબા તમને સહાય કરે” રાધાબેને આશિર્વાદ આપ્યા.

બહાર ચાલીને બંને મોટર સાયકલ ઉફર ગોઠવાયા સુદર્શનાએ પર્સને ગળામાં તલવારનો પટ્ટો ગોઠવ્યો હોય તેમ ગોઠવી દીધુ સ્વદેશે બુરખો એક બગલથેલામાં ગોઠવી, જનોઈ પહેરી હોય તેમ ગોઠવી દીધો. બેઝબોલના બેટને પાછળ કેરીયર સાથે બાંધી દીધુ. તેણે “જય શ્રી કૃષ્ણ” કહી મોટર સાયકલ હંકારી મૂકી.

“રહેમાન ગલી” સરખેજ વિસ્તારમાં હતી અને એનુ નામ ઘણીવાર અખબારોમાં ચમકતુ હતું. ત્યાં રહેતા એક દશ વર્ષના બાળકને રાત્રે ત્રાટકેલા ગુંડાઓ સામે લડવા માટે રાષ્ટ્રિય પુરસ્કાર મળ્યો હતો તથા ત્યાંથી બે ત્રણ ગુન્હેગારો ને પકડવામાં આવ્યા હતા તે બધી વિગતો ચેનલો અને અખબારોમાં ચમકતી હતી.

સ્વદેશને રહી રહીને મનમાં શંકા અને ભય ઉત્પન્ન થવા લાગ્યા. “પોતે રાધાબેન કહેતા હતા તેમ ખોટુ જોખમ તો નથી લઈ રહ્યો ને?” સુદર્શના એ એકલા જ જવાનું છે આવા ભયજનક વિસ્તારમાં, તેનોતો એક હાથ પણ નથી. તેઓ મુર્ખાઈ તો નથી કરી રહ્યા ને? ઈન્સ્પેક્ટર પણ હાજર નથી”

પણ તરત જ તેણે આવા વિચારો મનમાંથી ખંખેરી નાખ્યા. જો પોતાની પ્રેયસી ઉપર થયેલા હુમલાની ભાળ મેળવવી હોય તો આ જોખમ ખેડવું જ રહ્યું. તેને અફસોસ એટલો જ હતો કે આ જોખમ સુદર્શનાએ ઉઠાવવાનું હતુ. તેણે જાતે ઉઠાવવાનું હોત તો કશાય ભય કે સંકોચ વગર તે “અબ્દુલ મંઝિલ”માં ઘસી ગયો હોત.

થોડીવાર જ માં તેઓ રહેમાન ગલીના નાકે પહોંચી ગયા. સુદર્શને ઘડિયાળમાં જોયુ નવ વાગ્યા હતા. તેણે મોટર સાયકલ થોડી અંધારી જગ્યાએ ઉભી રાખી અને બંને જણા નીચે ઉતર્યા. સુદર્શના એ બુરખો પહેરી લીધો સ્વદેશે બેઝબોલ નું બેટ હાથમાં લીધું.

“જો, ત્યાં પહોંચીને દરવાજામાં પ્રવેશ કરતા પહેલા મોબાઈલ થી મારો નંબર લગાડજે અને પછી મોબાઈલ ચાલુ રાખજે, એટલે અંદરની વાતચીત મને સંભળાશે કાંઈક અજુગતુ લાગશે તો હું તુરત જ અંદર આવી જઈશ” આ ગલીમાં છેલ્લુ જે મકાન દેખાય છે તે જ “અબ્દુલ મંઝિલ” હશે ધ્યાનથી જજે અને બી કેરફુલ” સ્વદેશે સૂચના આપી.

“ચિંતા ન કર, હું સાવચેત જ છું” સુદર્શનાએ કહ્યું અને જવા માટે પગ ઉપાડ્યા.

સ્વદેશે અચાનક એનો હાથ પકડી લીધો. “આઈ લવ યુ” સ્વદેશે ભાવસભર અવાજે કહ્યું.

સુદર્શનાએ તેની આંખોમાં આંખ પૂરાવી પ્રેમભર્યા સ્વરે જવાબ આપ્યો. “લવ યુ ટુ”

સ્વદેશે તેનો હાથ છોડી દીધો. સુદર્શના જરાય ગભરાટ વગર હિંમતપૂર્વક આગળ વધી. તેના હૃદયમાં કઠોરતા અને નિશ્ચયતાના ભાવ હતા. જે લોકોએ તેના પ્રેમને તથા તેના હાથને ખંડિત કર્યો હતો તેમને સજા આપવા તે કૃતનિશ્ચયી બની ગઈ હતી.

ધીમે ધીમે પણ મક્કમ ડગલે તે “અબ્દુલ મંઝિલ” પહોંચી, ઝાંખા બલ્બના અજવાળે “અબ્દુલ મંઝિલ” લખેલુ આછુ આછું મકાનની બહાર વંચાતુ હતું.

તેણે એક ઉડો શ્વાસ લીધો મોબાઈલ થી સ્વદેશનો નંબર લગાડયો અને શર્ટના ઉપરના ખીસામાં ગોઠવ્યો અને દરવાજાને સ્પર્શે કર્યો. સ્પર્શ થતા જ દરવાજો સહેજ ખૂલ્યો અંદરની બાજુ, સહેજ વધારે હાથથી ધકેલતા દરવાજો લગભગ આખો ખૂલી ગયો, અંદર ના દિવાનખાનામાં.

પણ અંદરનું દ્રશ્ય જોઈ સુદર્શના એકાદ ક્ષણ સ્તબ્ધ થઈ ને મુર્તિમંત થઈ ગઈ. તેનો અવાજ જાણે ગળામાં જ અટકી ગયો. આખા દિવાનખંડમાં ઝાંખા બલ્બનો ઝાંખો પ્રકાશ ફેલાયેલો હતો. દિવાનખંડ ની સામેની દિવાલ સાથે એક યુવતી દબાયેલી ઉભી હતી. તેણે સલવાર કમીઝ પહેર્યા હતા. પણ જે જોઈને સુદર્શનાના શરિરમાં ભયની ધ્રૂજારી ફેલાઈ ગઈ હતી તે, એ કે, એક કાળા કપડા પહેરીલી વ્યક્તિએ તે યુવતીનું ડાબા હાથે ગળુ દબાવી રાખ્યુ હતુ અને તેના જમણા હાથમાં રહેલી ધારદાર છરી તેણે ઉગામેલી હતી પેલી યુવતી ને મારવા.

તે વ્યક્તિએ બાવાકલાવા (Bavaclava) નામની વાંદરા ટોપી જેવી કાળી ટોપી પહેરીલી હતી. જેમાંથી માત્ર તેની બંને આંખો અને હોઠ જ દેખાતા હતા. (આજકાલ વિશ્વમાં બેંક લુટનારા કે ત્રાસવાદીઓ પોતાની ઓળખ છુપાવવા આવી બાવાકલાવા નામની વાંદરા ટોપીઓ પહેરે છે.)

સુદર્શના તુરત જ સમજી ગઈ કે પેલી વ્યક્તિ સામેની યુવતીની હત્યા કરવા માંગતો હતો. કદાચ તે સલમા જ હતી અને જો સલમાની હત્યા થઈ જાય તો તેની આખરી કડી પણ ગુમાવવી પડે. આવી આંતર સ્ફુરણા થી અચાનક ઉત્પન્ન થયેલ હિંમત થી તેણે જોરથી બૂમ પાડી “એય, શું કરે છે? છોડ એને”

આ સ-તાવાહી અને અનાયસે આવેલ અવાજ થી હુમલાખોર વ્યક્તિ ચોંકી ગઈ અને આપો આપ તેણે પાછળ વાળીને આ અણધાર્યા આવેલ અવાજવાળી વ્યક્તિ તરફ જોયું તેનો ઉગામેલો હાથ એકાદ ક્ષણ માટે સ્થગિત થઈ ગયો પણ પૂર્વનિર્ધારીત મુકેલ બળને કારણે છરી હુલાવવા, હાથ તેના લક્ષ્ય તરફ ગયો.

પણ આ એક બે ક્ષણની અનિશ્ચિતતા ને કારણે તેણા હાથનો કોણ થોડો બદલાઈ ગયો, તથા આ ક્ષણમાં સામેની યુવતી એ પોતાને છોડાવવાનો સખત પ્રયત્ન કરતા હુમલાખોરની પકડ થોડી ઢીલી થઈ જતા યુવતીનું શરિર જયાં હતુ ત્યાંથી પાંચ સાત ઈંચ દૂર થઈ ગયું આ બધાને કારણે હુમલાખોરની છરી જેનુ પહેલા નિશાન યુવતીનું હૃદય હતું તે ચૂકી ગયુ અને છરી યુવતીના હૃદયને બદલે થોડે નીચે ડાબા પડખામાં ઘૂસી ગઈ.

યુવતી પીડાને લીધે ચિત્કારી ઉઠી. તેના શરિરમાંથી લોહીનો ફુવારો ઉડયો. તેના પગ લથડી ગયા આંખો વેદના ને કારણે બંધ થઈ ગઈ. હુમલાખોરે પોતાનો ઘા નિર્ધારીત જગ્યાએ ન થયો તે જોઈ ગુસ્સામાં આવી છરી યુવતીના દેહમાંથી બહાર ખેંચી કાઢી. છરી બહાર આવતા જ લોહીનો મોટો ફુવારો છુટયો યુવતી પિ઼ડા અને કષ્ટથી ફરી ચિત્કારી ઉઠી. તેના પગ ઉપર થી તેનું નિયંત્રણ જતુ રહ્યુ અને જમીન ઉપર ફસડાઈ પડી.

હુમલાખોર નો આશય તેના ઉપર ફરી હુમલો કરવાનો હતો., પણ ત્યાં સુધી સુદર્શના તેના ઉપર આવી “હત્યારા આજે તારી ખેર નથી” હુમલાખોરે પોતાનું ધ્યાન આ નવા સંકટ તરફ ફેરવ્યુ અને નજદીક આવેલી સુદર્શના ઉપર તેણે છરીથી જનોઈવઢ ઘા કર્યો જેથી કરીને સુદર્શના ના ગળાની નસથી લઈને બાજૂના ખભાની નીચે સુધી ચીરાઈ જાય.

પણ માનસિક રીતે તૈયાર થયેલ સુદર્શનાએ એજ ઘડીએ પોતાના ડાબા ખભાને ઉધ્વઁ, ગતી આપી જેને કારણે તેનો કૃત્રીમ હાથ છરી અને તેના શરિરની વચ્ચે આવી ગયો. ઘા એટલા વેગ થી કરવામાં આવ્યો હતો કે છરીની ધાર તેના કૃત્રિમ હાથમાં પણ બે ત્રણ ઈંચ ઉંડે ઉતરી ગઈ.

હુમલોખોરે પોતાનો વાર અસફળ થતો જોઈ ક્રોધાવેશમાં છરીને પાછી ખેંચી એજ સમયે સુદર્શનાએ પોતાના હાથને પૂરા બળથી ઝાટકો આપ્યો. આ ક્રિયા પ્રતિક્રિયા ને કારણે હુમલાખોરના હાથમાંથી છરી છટકી હવામાં ઉછળી અને સુદર્શનના કપાળમાં છરકો કરી થોડે દૂર જમીન ઉપર જઈ પડી. સુદર્શનાના કપાળમાંથી લોહીના ટશિયા ફુટયા.

હુમલાખોરે છલાંગ લગાવી જમીન ઉપર પડેલી છરી ઉપાડી લીધી અને સુદર્શના ઉપર ફરી વાર કરવા તેના શરિરે ગતી લીધી.

પણ એ જ ક્ષણે ખૂલ્લા દરવાજામાંથી સ્વદેશ ઘસી આવ્યો, બેઝબોલનું બેટ તેના હાથમાં જાણે ભીમના હાથમાં ગદા હોય તે રીતે દ્રશ્યમાન હતું.

“ખબરદાર” તેણે મોટેથી બરાડો પાડયો. હુમલાખોર ફરી ચોંકી ગયો કે આ વળી કોણ આવ્યુ? અસલમાં જ્યારે સુદર્શના એ પહેલી વાર બુમ પાડી તે બુમ સ્વદેશે તેઓના ચાલુ રાખેલા મોબાઈલમાં સાંભળી હતી. અજુગતુ થવાના અંદેશા એ તેણે અબ્દુલ મંઝીલ તરફ દોટ મુકી હતી. પણ તે સ્ટ્રીટના છેવાડે હતો અને અત્યંત ઝડપ થી દોડીને આવવા છતા તેને થોડી મીનીટનો સમય લાગ્યો હતો.

તેણે સ્વયંસ્ફુરણાથી સુદર્શના સામે ઉગામેલ છરી વાળા હાથ ઉપર બેઝબોલના બેટનો ફટકો માર્યો. છરી ફરીથી હુમલાખોરના હાથમાંથી છુટીને દુર પડી ગઈ. તેણે ગણત્રી કરી કે સામે હવે બે લડાયક વૃતીના યુવક, યુવતી હતા અને તેની છરી પડી ગઈ હતી.

પિડાથી કણસતી સુદર્શના ઉપર તથા નીચે લોહીમાં ખાબોચીયામાં તરફડતી યુવતી તરફ સ્વદેશનું ધ્યાન આપોઆપ દોરાયું. સુદર્શનાના કપાળમાંથી નીકળતી લોહીની ધાર જોઈને ગભરાઈ ગયો અને તેનુ પૂરૂ ધ્યાન સુદર્શના બાજુ દોરાયું.

આ તકનો હુમલાખોરે લાભ લીધો. દિવાનખંડની ડાબી બાજુની દિવાલમાં એક ખુલ્લી બારી હતી જે બહાર કંપાઉન્ડ માં પડતી હતી. હુમલાખોર તાત્કાલીક બે ફલાંગ માં તે બારી પાસે પહોંચી ગયો અને બહાર કુદી, કંપાઉન્ડના નાના ઝાંપામાંથી બહાર નીકળી, બહાર ઉભેલી ચાલુ એંન્જીન વાળી મોટર સાઈકલ ઉપર બેસી ગયો અને તૈયાર તેના સાથીદારે મોટર સાઈકલ પૂરપાટ મારી મુકી.

“સ્વદેશે હુમલાખોરની પાછળ જ દોટ મુકી હતી બારી સુધી પણ તે પળ બે પળ મોડો પડયો હતો. તેણે મોટર સાયકલનો નંબર વાંચવા આંખો ઝીણી કરી પણ અંધકારમાં તેને કશું દેખાયું કે વંચાયુ નહી”

તે તરત જ પાછો ફર્યો અને કણસતી સુદર્શના ના કપાળનું લોહી રૂ થી લુછી તાત્કાલીક તેના ઉપર બેંડએઈડ ની પટ્ટી મારી દીધી લોહી નિકળતુ બંધ થઈ ગયું.

હવે તેણે પોતાનુ ધ્યાન ફર્શ ઉપર પડેલી યુવતી ઉપર કર્યુ.

“આ કોણ છે?” તેણે પૂછયું.

“મારા ખ્યાલ થી આ જ સલમા છે. તે આપણને માહિતી ન આપે તે માટે તેની હત્યા કરવાનો પ્રયાસ થયો છે ” ચાલ, આપણે પહેલા તેની મદદ કરીએ”

તેઓ બંને ઘાયલ યુવતી પાસે ઉભડક પગે બેઠા “તુ સલમા છે? હું સુદર્શના છું”

યુવતીએ સહેજ માંથુ હલાવી હા પાડી પણ આટલી અમથી હિલચાલ થી પણ તે પીડા થી ચીસ પાડી ઉઠી. સ્વદેશે એમ્બ્યુલંસ માટે ૧૦૮માં ફોન કરી એડ્રેસ આપ્યું. “તુ હિલચાલ ના કર મોઢેથી જવાબ દે. હું પૈસા લઈને આવી છું તુ મને માહિતી આપ કે હુમલાખોર કોણ હતો.?

“માહિતી.... અત્યારે.... મારી.... પાસે નથી” સલમાએ તુટક તુટક સ્વરે કહ્યુ.

“માહિતી નથી?” સુદર્શના એ આવેશમાં આવી કહ્યું. “તે જૂઠુ બોલીને મને બોલાવી?”

“ના.....ના, માહિતી છે.....પણ અહિંઆ નથી” સલમાને બોલવામાં અતિશય પીડા થતી હતી.

“તો ક્યાં છે, જલ્દી કહે, સાથે નથી લાવી એટલે?”

હું તમને.....લઈ જવાની હતી. સલમાનો અવાજ ધ્રુજતો હતો. તેનાથી પીડા સહન નોતી થતી.

“કયાં, ક્યાં લઈ જવાની હતી” સુદર્શનાએ ઉતાવળે પૂછુયં તેને ભય લાગ્યો કે માહિતી આપતા પહેલા સલમાને કાંઈ થઈ ન જાય.

“રફિક.....ના....અબ્બા પાસે....ડાયરી ... છે.”

“રફિકની... હું....પૈસા..અને તમને લઈ જવાની હતી. અમે પૈસા લઈ...ડાયરી આપી ..બીજે જતા રહેવાના હતા.” સલમાનો અવાજ ધીમો થતો જતો હતો તેની આંખો બિડાતી જતી હતી. “રફિકના અબ્બા ક્યાં છે, સલમા, અબ્બા કયાં છે?” સુદર્શના એ ઉતાવળા સ્વરે પૂછયુ અને આવેશમાં સલમાનો ખભો હલબલાવી નાખ્યો, સલમાની ચીસ નીકળી ગઈ અને તેની આંખો ખૂલી ગઈ. સુદર્શનાને આ જ જોઈતુ હતું.

“અબ્બા કયાં મળશે અમે પૈસા તેમને આપીશું” સ્વદેશે કહ્યુ.

“સાણંદ.... મુબારક સોસાયટી.... જમાલ હુસેન” સલમાએ લગભગ ડચકા ખાતા ખાતા કહ્યુ.

“સલમા તું ચિંતા ન કર હમણા એમ્બ્યુલંસ આવશે, તને હોસ્પિટલ લઈ જઈશું તુ ઠીક થઈ જઈશ.”

સલમાના હોઠ ઉપર પીડા ભરેલુ સ્મિત આવ્યુ. “શુક્રિયા, ખુદા હાફિઝ” અને તેણે પોતાની આંખો સદાને માટે મિંચી લીધી.

બહાર ૧૦૮ની એમ્બ્યુલંસ ઉભા રહેવાનો અવાજ આવ્યો. સ્વદેશે પોલીસ સ્ટેશને ફોન લગાડયો અને આ હત્યા વિશે વિગતો આપી. “તમે આવો...અમે તમારી રાહ જોઈએ છીએ” તેણે કોન્સ્ટેબલ પાઠકને કહ્યુ.

(કમશઃ)

(વધુ રસિક ભાગ આવતા અંકે)