Kanhaiyala Munshini Navalikao - Full Book in Gujarati Short Stories by Kanaiyalal Munshi books and stories PDF | કનૈયાલાલ મુંશીની નવલિકાઓ - સંપૂર્ણ

Featured Books
Categories
Share

કનૈયાલાલ મુંશીની નવલિકાઓ - સંપૂર્ણ

નવલિકાઓ

ક. મા. મુનશી

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•મારી કમલા

•એક સાધારણ અનુભવ

•કોકિલા

•મારો ઉપયોગ

•એક પત્ર

•ગૌમતિદાદાનું ગૌરવ

•શામળશાનો વિવાહ

•શકુંતલા અને દુર્વાસા

•ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર

•હું શું કરું ?

•નવી આંખે જૂના તમાશા

•૧ર. મારા બચાવમાં

•સ્મરણદેશની સુંદરી

•અગ્નિહોત્રી

•ખાનગી કારભારી

•એક સ્વપ્નું

•મારી કામચલાઉ ધર્મપત્ની

•સ્ત્રી સંશોધક મંડળનો વાર્ષિક સમારંભ

•કંડુ આખ્યાન

•ભવિષ્યના તંત્રીશાસ્ત્રીઓ માટે

•વૈકુંઠથી વૃંદાવન

•ફોજદારસાહેબ

•પ્રણય, જૂનો ને નવો

૧. મારી કમલા

ભલે તમે માનો કે ન માનો, પણ કેટલાકના જીવન પર કમનસીબીનાચારે હથ હોય છે; અથથી ઈતિ સુધી સુખનાં સ્વપ્ન પણ તેમને દુર્લભ હોય છે. તેનો દાખલો જોઈએ તો હું ! જન્મથી એકે પાસો સીધો પડ્યો નથી, એકે કામ નિર્વિઘ્ને પાર પડ્યું નથી, એક અવસર વાંધા વગરનો ગયો નથી. કોઈ વખત તો ઈશ્વરની ભલાઈ વિષે પણ સંશય થાય છે ! નહીં તો, શા સારુ જન્મ આપતાં જ માતા પોતાના પહેલા પુત્રનું સુખકર રુદન સાંભળ્યા વિના સ્વધામ જાય ? શા સારુ ગરીબ પિતા એકના એક પુત્રની કંઈ પણ ગોઠવણ કે સુપરત કર્યા સિવાય એક વર્ષમાં પોતાની પત્ની પાછળ સ્વર્ગે સિધાવે ?

હશે ! ગયાં. બાળપણની ભોળી અને અજ્ઞાન નિર્દોષતામાં વહાલાંને વિસાર્યાં અને મેં એકલાએ જ સૃષ્ટિની નિર્જનતામાં ભટકવાનો આરંભ કર્યો. શી મુશ્કેલીએ ભણ્યો-ક્યાં ક્યાં અથડ્યો - ક્યાં ખાધું - ક્યાં સૂતો - એની કોને દરકાર ? બહેરી દુનિયાને સંભળાવ્યે શો ફાયદો ? બાવીસ વર્ષે ભણતર પ્રમાણે સારે ધંધે વળગી એકલા જીવનના લેવાય તેટલા લહાવા લેવાની મેં શરૂઆત કરી.

હું કમાતો અને મારી ન્યાતની એક ગરીબ વિધવા ઘર ચલાવતી. તે મારા ઘરમાં તેની દીકરી સાથે રહીતી. કમલા આઠ વર્ષની, રૂપાળી અને ચકોર હતી. તેનું હમેશ હસતું મોં મારા એકાંત ઘરનું ઘરેણું હતું. તે હસતી અને નિરંતર કંઈ નવાં નવાં ગાંડાં કાઢતી. હું એને રમાડતો અને વખતે ભણાવતોઃ પણ તેની માનું હેત તેના પર બિલકુલ નહોતું. શાનું હોય ? કઠોર હૃદયની તે પાપી માતા પોતાની એકની એક છોકરીને ઊંઘતી છોડી એક રજપૂત જોડે નીકળી ગઈ. તેનો પત્તો ન મળ્યો. ગરીબ બાપડી કમલાને એકલો મારો જ આધાર રહ્યો.

અનાથને અનાથ પ્રતિ આકર્ષણ સ્વાભાવિક હોય. આધાર વિનાનાં બે રઝળતાં પંખીડાં સ્નેહથી સાથે ઊડે તેમાં શી નવાઈ ? હું અને કમલા બંનેને ઊંચે આભ અને નીચે ધરતી એમ હતું. અમારો સ્નેહ વધ્યો. માતાપિતા, ભઈભાંડુ, બધાંની ગેરહાજરીથી દબાઈ રેહલી લાગણીઓને હવે સ્થાન મળ્યું, કમલા મારું સર્વસ્વ બની. તેને હસવે હું હસતો, રડવે હું રડતો. ચોવીસે કલાક તેના સ્મરણમાં વખત ગાળતો અને તેના સુખની સામગ્રીઓ તૈયાર કરવામાં મારા જીવનની કૃતાર્થતા માનો. મારી કમલા ! તેને જરા પણ આંચ આવતાં હું બળી મરતો. તેને પોતાની માતાનો વિયોગ સાલતો, પણ માતાને ભુલાવે એવી સ્નેહાર્દ્રતાથી હું તેને સંતોષતો. તે પણ મને જ દેખી રહેતી અને મારે દુઃખે દુઃખી બનતી. તેના કોમળ અંતઃકરણે મારા સ્નેહને સ્વીકાર્યો.

તે અને હું પ્રેમમાં પડ્યાં.

મને કોઈ વખત સંશય થતો કે આ હસતી અને કૂદતી મૃગલીનો અસ્થિર સ્વભાવ અગાધ પ્રેમ સમજશે ? તેનો સ્વભાવ ઘણો જ ચંચળ હતો, એક વિષય પર ચોંટી રહેવું એ તેને દુઃખકર લાગતું. મારી શંકા કોઈ વખત ઘણી વધતી અને કોઈ વખત નાશ પામતી; પણ હું જાતે જ ચળ્યો. અભ્યાસ કરી. બેંક જેવી સંસ્થામાં નોકરી કરી કંઈપણ નિયમિતતા મેળવી હતી તે મેં વિસરી. કમલાનું હાસ્યવિદ્યુત મારા સખતમાં સખત નિયમોને ભેદતું. એની આંખને ઈશારે હું મારા મોટામાં મોટા નિર્ણય તોડવામાં મોજ માનતો. તે રૂપમાં વધતી ચાલી, જુવાનીને પહેલે પગથિયે ચડવા લાગી. તેના લાવણ્યે મારા હૃદયમાં વિવિધ પ્રકારો પ્રેર્યાં. તેનું કોઈ પાસેનું સગું હતું નહીં. મેં તેને પૂછ્યું ને તેણે મને સ્વીકાર્યો.

અમે પરણ્યાં. પછી સુખમાં શું પૂછવું ? જ્યાં અન્યોન્ય પ્રેમ-લાગણીઓ ઊભરાતી હોય ત્યાં સુખની શી સીમા ? વખત, પૈસો, ધર્મ, પ્રભુતા, બધાંને ઠેસ મારી મરી કમલાને રીઝવવામાં હું મશગૂલ રહ્યો. હૃદયેહૃદય સુખસંગીતમાં એકતાર થયાં. દુનિયાની જંજાળ છોડી-ભવિષ્યનું ભાન ભૂલી, મેં પ્રચંડ પ્રેમયજ્ઞ આરંભ્યો. ગાંડપણ કહો, મૂર્ખાઈ કહો, જે કહો તે એ ! પણ મારે મન તો ડહાપણની પરિસીમા હતી. એ સુખ પછી સ્વર્ગ પણ વાંછના કરવા લાયક લાગતુું નહીં.

વર્ષો વીત્યાં. મારા મિત્રો મારી ઘેલછા પર હસતા. મારી સંસારી પ્રવૃત્તિની બેદરકારીથી મારા ધંધામાં હાનિ પહોંચતી અને મારા હિતચ્છુઓ મને વારતા; પણ હું બેપરવા રહ્યો. પ્રેમ મળ્યે પરવા શાની ? તે ક્યાં જાણતા હતા કે હું પ્રેમદર્દી હતો ?

અંતે ગ્રહદશા માઠી આવી ને એક રાતે એક બાઈ બારણાં ઠોકતી આવી. મારી કમલાની મા અનીતિથી અકળાઈ, રખડતી, રઝળતી, ઘડપણમાં હડધૂત થતી હવે દીકરીને શોધવા અવી. મેં તેને જતી રહેવા કહ્યું; પણ તે મારા માથાની હતી. તે કેમ માને ? તેની નેમ તેની દીકરી ઉપર અને જમાઈની કમાણી ઉપર હતી; અને વૃદ્ધાવસ્થામાં દીકરીનું મુખ નિહાળવા મારે ત્યાં જ તેણે રહેવાનો નિશ્ચય જણાવ્યો. આવી કઠોર અને કુચાલની સ્ત્રી મારા ઘરમાં રહે અને મારી પવિત્ર પત્નીના નિષ્કલંક અંતઃકરણને કલુષિત કરે એ મારાથી ખમાયું નહિ. મેં તેને જુદી રાખી, પણ તે કંઈ ગાંજી જાય એવી નહોતી. તે આખો દિવસ મારે ત્યાં રહેતી અને મારી કમલાના કોમળ મન પર પૂરી સત્તા જમાવતી. મારી અને કમલાની વચ્ચે તેણે ભેદના પડદા નાંખવા માંડ્યા. હું લડ્યો, કકળ્યો, પણ મારે શાંત થઈ સૌ સાંખવું પડ્યું. કમલા તો ખરી માને બદલે પોતાના મનમાં ઘડેલી એક પવિત્ર માતાની પ્રતિમા જ તેને દેખાતી. તેનું નિંદાપાત્ર આચરણ તે વિસારતી, અને આ મનસ્વી માતાની મૂર્તિને પોતાના હૃદયનો અર્ધ્ય અર્પતી. હું કહેતો તો તે નારાજ થતી. મેં પણ ગઈ રહી કરી. મને કમલા ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, મેં આંખ આડા કાન કર્યા અને આનું પરિણામ શું થશે તે વિચારવાનું મુલતવી રાખ્યું. મારી કમલાના એક રોષભર્યા કટાક્ષથી મારો આખો દિવસ બેચેનીમાં જતો. તેને રાજી રાખવા ધીમે ધીમે તેની માતા તરફ પણ ખામોશીની નજરથી મેં જોવા માંડ્યું.

પણ કમલમાં આ ફેરફાર ? હું માની શક્યો નહીં. શું તેનો પ્રેમ કૈં ઓછો થયો ? જે પહેલાં મારામાં જ મસ્ત રહેતી, તે હવે માતાના ગુણાનુવાદમાં જ ગ્રસ્ત રહેવા લાગી. પહેલાં જે સારી દિશા તરફ એના વિચારોનું વલણ હતું તે બદલાયું. જે પ્રેમરીતિએ અમે પહેલાં સંચરતાં તે એ ભૂલી અને જ્યાં સરળ શ્રદ્ધા હતી ત્યાં ડાઘ પડવા માંડ્યા. મેં જાણ્યું કે મને માત્ર અદેખાઈએ અકળાવવા માંડ્યો છે. એવા વિચારો કાઢી નાખવા માટે મેં પ્રયત્ન કર્યો, પણ ક્યાંથી જાય ? જે આખો દિવસ મારા તાનમાં ગુલતાન રહેતી તે મેં ખાધું છે કે નહીં તેની પણ દરકાર રાખતી નહીં. આ શું વૈચિત્ર્ય !

થોડા વખત પછી મારી મકલાની મા માંદી પડી અને એને લાયક બીજી દુનિયામાં જ્યાં જગ્યા હોય ત્યાં વિદાય થઈ. પ્રેમ સ્વાર્થી છે. મેં ધાર્યું હતું કે મારી કમલા હવે પાછી મારી થશે. તરત તો તે મહાન શોકસાગરમાં ડૂબી. એનું મોં નિસ્તેજ થયું. હસવું સમૂળગું ગયું અને આખો દિવસ માતા પાછળ વિલાપ કરવા લાગી. મારા આશ્વાસનથી તે રુદ્રરૂપ ધારણ કરતી. મેં જાણ્યું કે વખત વખતનું કામ કરશે. હું મૂંગો રહ્યો, પરંતુ અફસોસ ! દિવસો ગયા, પણ કાંઈ ફેર પડ્યો નહીં. તેણે તેની માતા પાછળ રંડાપો લીધો ને સુખને છેલ્લી સલામ કરી. તે હીણભાગી માતા મરતાં મરતાંય અમારા પર વેર વાળતી ગઈ અને મારા સંસારસુખ પર પાણી ફેરવતી ગઈ !

આમ ક્યાં સુધી ચાલે ? હું અકળાયો અને આ વર્તન સાંખી શક્યો નહીં. હું હજી તેને મારી લાડીલી કમલા જ સમજતો અને જે રીતે તેને કહેવાની ટેવ હતી, જે રીતે કહેવાનો મારી લાંબી સેવાએ મને હક આપ્યો હતો, તે રીતે મેં તેને કહ્યું-વિનવ્યું. તરત તે એક સિંહણ સમાન ગાજી. એ સંબંધી બોલવાનો મને તેણે પ્રતિષેધ કર્યોઃ ‘મને હવે સંસારમાં સાર દેખાતો નથી. માના નિઃસ્વાર્થ પ્રેમ વિના જિંદગી બધી રાખ સમાન છે.’ હું ચમક્યો. શાબાશ બૈરીની જાત ! શાબાશ મારી સહચરી ! શાબાશ મારી સંસારતારિણી! સંસારત્યાગનો નવો પ્રકાર મેં ત્યાં જ જાણ્યો. થોડા દિવસમાં બીજો નવો ફેરફાર દેખાયો. હું તેને અકારો થઈ પડ્યો. એકદમ મારા આચરણમાં એને અસંખ્ય ખામીઓ માલમ પડી અને તેનું રસ લઈને વિવરણ કરવા માંડ્યું. જેને એ એક વખત ઈશ્વર તરીકે પૂજતી તેમાં એને નખશિખ દુર્ગુણો ખદબદતા દેખાયા. આખો દિવસ થતા મારી અધમતાના વર્ણનથી મારી જાતને હું ખરેખર એક રાક્ષસ માનવા લાગ્યો.

માણસ અન્યાય ક્યાં સુધી ખમી શકે ? ઈસુખ્રિસ્તની સહનશીલતા સૌને સુલભ નથી, અને તે ધરાવવાનો ડોળ પણ હું ઘાલતો નથી. સુરદાસ આપોઆપ સીધો ન ચાલે, પણ ચિંતામણિના ચેતતા ડામથી જ ચમકે-જાગે ત્યારે જ ! હું પણ અંતે જાગ્યો. અને આટલાં વર્ષ થયાં મારી કરેલી સેવા જે જે દુઃખ, અગવડ, નુકસાન, ધર્મસ્ખલન મેં આ સ્ત્રી માટે સેવ્યાં તે સર્વે મારી નજર આગળ ખડાં થઈ મને દોષ દેવા બેઠાં ! મને બેહદ સંતાપ થયો. હું પણ વીફર્યો. હિંદુ ધણીની જુલમી વર્તણૂક મને યાદ આવી, પણ એ નીચતા અને ક્રૂરતા કોની સામે ? મારી કમલા - મારી રમાડેલી, લડાવેલી, મૂર્ખ, પણ નિર્દોષ પ્રિયતમા સામે ? નહીં, નહીં, એ પાપાચાર કરતાં ગમે તે દુઃખ વધારે સારું. મેં બને તેટલું કહ્યું. ઉત્તર મળ્યો : ‘તમે શું કર્યું ? જે કંઈ કર્યું તેથી જ હુું વધારે દુઃખી થઈ. તમે ન રાખી હોત તો મારી મા મને સાથે રાખત હું સુખી થાત અને તેની સેવા કરવાની મને વધારે તક મળત.’ શાબાશા ! મારી કમલા ! આ સરપાવ હું સહન કરી શક્યો નહીં. ક્રોધાવેશમાં જીભ પરથી કાબૂ ગયો. બહુએ કહ્યું-બહુએ સાંભળ્યું !

એ દુઃખના મહિના પણ ચાલ્યા. પહેલાં એકલો હતો, હવે છતાં સ્વજને રખડતો રહ્યો. સંસારમાં નિર્જનતા તો હતી, તેમાં હવે ભડકો ઊઠ્યો! હોંશ, આશા સર્વેના ચૂરા થયા. મનને દબાવી, સ્ફુરતાં હૃદયઝરણાંને સૂકવી, દિવસ ને રાત અંતરને અશ્રુપાત વડે નિચોવતો દિવસો ગુજારવા લાગ્યો. મારી મટી ગયેલી મારી કમલા ! તે તો ગમગીનીમાં ગિરફતાર રહી. તે શોકમાં નિરંકુશ સ્વચ્છંદમાં મસ્તાન રહી, હું અપમાનિત પ્રેમની મગરૂરીમાં દૂર રહ્યો. દુઃખ વેઠવું દુઃસહ થયું. અમે છૂટાં પડ્યાં !

અમે હવે ભાગ્યે જ બોલતાં. ગાઢ સંબંધી છતાં, નિર્બંધ થઈ વિજન થયાં, પણ જ્યારે હું વિચારમાં નિમગ્ન થતો અને તેનું હાસ્ય કે શબ્દ કાનને અથડાતાં ત્યારે મારા મનમાં અનેક તરંગો ઉછાળો મારતા, નષ્ટ થયેલી મધુરતાનું સ્મરણ મીઠાશ પ્રસરાતું, ભૂતકાળ વર્તમાન થતો અને જે સુખ અનુભવ્યાં હતાં, જે અંતરની ઊર્મિઓ ભેદી અમે પ્રેમસાગરે ઊછરેલાં, જે હું અને તુંનો ક્ષુદ્ર ભેદી અમે ઐક્ય અનુભવેલાં, જે હૃદયના ઊભરાતા ઉમળકા ઝીલી અને પ્રેમમયતાને પામેલાં, તે સમય જ્યારે યાદ આવતો ત્યારે મારું હૃદય ચિરાઈ જતું.

મેં બદલી કરાવવાનું નક્કી કર્યું. ગેરહાજરીથી અંતરના વ્રણ રુઝાશે એમ ધારી મેં દેશનિકાલ કબૂલ કર્યો. વખત વહ્યો, પણ ધારણ સફળ ન થઈ. પાંચસો ગાઉ દૂરથીય મારી કમલાની યાદ મને સાલતી, અને તેની પ્રતિમા મારા આગળ નિશદિન ખડી થતી. મહિનેદહાડે પૈસાના મનીઓર્ડર મોકલવા સિવાય બીજો સંબંધ અમારે કંઈ પણ રહ્યો નહોતો. હું કઠિન થવા માગતો અને હૃદયપ્રેરણાઓનો નાશ કરવા કંઈ કંઈ ઉપાયો યોજતો, અનેક અભ્યાસો આરંભતો; પણ દુઃખાયેલું દિલ નાનાબાળકની પેઠે છાનું રહેવા ના પાડતું, પણ દિવસો કોની દયા ખાય છે ? અશ્રુ અને હાસ્ય બંનેની અવગણના કરી સમયનો પ્રવાહ આગળ ને આગળ વધે છે. મારે પણ એમ જ થયું.

થોડાંક વર્ષ પછી હું એક દિવસ બહારથી ફરી ઘેર આવ્યો. ચોમાસાનું ઘેરાયેલું આકાશ મનને બેચેન બનાવી, વિરહની લાગણીઓ પ્રેરી, મારું દુઃખ તાજું કરતું હતું. મારા અરણ્ય જેવા ઘરમાં પેસવું મને હમેશ માથું વાઢવા જેવું લાગતું હતું. પ્રેમ વિના હૃદય નહીં, ગૃહદેવી વિના ઘર નહીં : સ્મશાન પણ વધારે વહાલું લાગતું. નોકરે કહ્યું : ‘ઉપર કોઈ મળવા આવ્યું છે.’ હું ઉપર ગયો. આ કોણ ? શું મારી કમલા ? કોઈ ભયંકર રોગથી પીડાતા શરીરના સુકાયેલા અવયવોમાં મારી કમલાનાં સુકોમળ ગાત્રો ઓળખતાં મને વાર લાગી, પણ શો ફેરફાર ? વાટ જોતાં થાકેલું શરીર ઊંઘને વશ થયું હતું. તેને જોતાં મારું હૃદય કંપ્યું. પ્રેમ ને મગરૂરી વચ્ચે હું અનિશ્ચિત ઊભો. પ્રેમ ઊછળ્યો. પાછલી વાત વિસારે પાડી તેને હૈયા સરસી ચાંપવા મન થયું. અનુભવેલાં દુઃખ અને અન્યાયે અતડા થવા કહ્યું. તેની શારીરિક દુર્બળતા જોઈ મારા મનમાં ધ્રાસકો પડ્યો. મેં ધાર્યું હતું કે કોઈ દિવસ પણ એવો પ્રસંગ આવશે, અને પશ્ચાત્તાપથી પવિત્ર થયેલી પ્રિયાને હું એક વાર ફરી મારી કરીશ. પણ આ શરીર ?

તે જાગી. પીળાં પડી ગયેલાં નિસ્તેજ નેત્રો મને જોઈ ચમક્યાં. વાત શી રીતે કરવી એની મૂંઝવણ પડી. ભૂતકાળને આઘે ઠેલી મેં જ વાત ઉપાડી. મને એમ થયું કે આ શિક્ષાપાત્ર સ્ત્રીને ભલમનસાઈ દેખાડવી એ ખોટું; પણ પ્રેમાળ હૃદયે-વાટ જોતાં થાકેલા, હારેલ, દુઃખિત હૃદયે કોઈનું કદી માન્યું છે કે મારું માને ? મેં તેની ખબર પૂછી.

ઉત્તરમાં તે રડી. ડૂસકે ડૂસકે પાપનો પશ્ચાત્તાપ કરી એણે મને શરમિંદો કર્યો. સ્નેહસાગર ઊછળ્યો. એનું રુદન હું સ્થિર ચિત્તે સાંભળી શક્યો નહીં. ગમે તેવી હોય, ભલે અનીતિના નરકમાં રગદોળાયેલી હોય તો પણ શું ? દૃઢતા, નિયમ, ન્યાય, એ બધા વિચારો ફેંકી દીધા. પ્રેમના પૂર આગળ ફાંફા શા કામનાં ? બધું ભૂલ્યો. ફક્ત બાળપણની રમાડેલી, લડાવેલી પ્રિયતમા નજર આગળ રહી. મારી કમલાને મેં ફરી મરી કરી ! મારી હૃદયેશ્વરીને ફરી મેં શિરતાજ પહેરાવી મારા જીવનનું સામ્રાજ્ય સોંપ્યું. પણ હાય ! દુર્દૈવને તો આ ભાંગ્યુંતૂટ્યું સુખ પણ આપવાનું ન રુચ્યું ! મારી કમલાએ વિયોગમાં ઝૂરી, દુઃખી થઈ, ભયંકર ક્ષયને નોતર્યો હતો. ઘણી મહેનત કરી, બહુયે ઉપચરો કર્યા, પણ તે યમદૂત ગયો નહીં. દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થતું ગયું. અમારું સંયોગસુખ પંદર દિવસ પણ પહોંચ્યું નહીં, અને મને ટળવળતો મૂકી ભ્રમમાં ફસાયેલી પવિત્ર હૃદયની મારી પ્રેમમૂર્તિ આ દેહ છોડી ચાલી ગઈ.

શું મારું સુખ ? નાળિયેરીનો છાંયડો પણ નસીબે ન આપ્યો ! નીચે જોતાં જ નાળિયેર તાલ તોડ્યું. કોને દુશ્મન ગણું ? દુનિયાને કે દુર્દૈવને ?

ર. એક સાધારણ અનુભવ

રઘુનંદન અને હું દિલોજાન દોસ્ત હતા. બાળપણમાં અમારો વિદ્યાભ્યાસ સાથે થયો હતો એટલું જ નહીં, પણ દરેક જાતની ભવિષ્યની આશાઓના મોટા બુરજો જે અમે ચણતા; તેમાં પણ અહર્નિશ અમે સાથીઓ હતા. કાલેજમાં શીખતા બિનઅનુભવી યુવકોની સ્વચ્છંદ કલ્પનાથી અમે અનેક જાતના વિચાર કરતા; વિશ્વવ્યાપક હિલચાલના અગ્રગણ્ય નેતા થવાની શક્તિ અમારામાં છે એમ માનતા; પ્રલયકાળના સમુદ્રતરંગ જેવો લ્યુથરનો આત્મા ને બુદ્ધિનો ઉત્સાહ અમારો છે એમ ધારતા; અને એ બધી શક્તિઓને દુનિયાની ઉન્નતિ માટે ઉપયોગમાં લાવવા દૃઢ નિશ્ચર્યો કરતા. તેમાં મારા કરતાં રઘુનંદનમાં ટાપટીપ વધારે - જીભ જરા વધારે સબળ, એટલે એ કઈ ઉચ્ચ શ્રેણીએ પહોંચશે તેનો મને ખ્યાલ નહોતો આવતો. ઘડીમાં એમ લાગતું કે તે ધાર્મિક સુધારક થઈ સત્યને માટે ઈસુખ્રિસ્તના કારમા મૃત્યુની મહત્તા પામશે; ઘડીમાં લાગતું કે દેશઝનૂનમાં જાન ઝંપલાવી કોઈ નરરત્ન વીર થશે; ઘડીમાં એમ થતું કે સુરેન્દ્રનાથ સમું અપ્રતિમ વક્તૃત્વ કેળવી દેશની ચારે દિશા ધગધગતા શબ્દગારોથી પૂરશે.

પછી એ મુંબઈ આવ્યો. પૈસાની કાંઈક ઓટ હોવાથી એક અંગ્રેજી નિશાળમાં ચાલીસ રૂપિયાના માસ્તરની જિંદગીમાં મારું તો મનોરાજ્ય મારે વિરામવું પડ્યું. રઘુનંદને અભ્યાસ જારી રાખ્યો. અમારો પત્રવ્યવહાર નિરંતર ચાલ્યા જ કરતો, અને ભલે હું નહીં તો મારો મિત્ર પણ બાળપણનાં સ્વપ્નો મૂર્તિમંત કરશે એમ માની સંતોષ લેતો.

વર્ષેક દિવસે અમે મળ્યા. જરાક મને ખેદ થયો. મેં ધાર્યું હતું કે રઘુનંદનના નિર્મળ હૃદયની સ્વચ્છતા પર કદી જરા પણ ઝાંખ વળશે જ નહીં; પણ તેની રીતભાતથી મને અચંબો થયો. અંતરના ઉલ્લાસ કરતાં કૃત્રિમ રીતભાત તેનામાં વધારે દેખાઈ; હેત અને ઉત્સાહના નિર્મળ ઝરણામાં દુનિયાદારીનો કીચડ વધારે ઠરતો લાગ્યો. મેં એવા વિચારો મનમાંથી કાઢી નાખ્યા. વખતે મારા નિરીક્ષણમાં ભૂલ હોય. મેં જૂનાં સ્વપ્નોની વાત છેડી; થોડોક તેમાં તેણે રસ લીધો - પણ વધારે રસ તો મુંબઈની મજા, ત્યાંનાં નાટકો અને ત્યાંની ફેશનમાં એ લેતો હોય એમ લાગ્યું. અમારી મોટી આશાઓની અટારીઓમાં એણે કંઈ ફેરફાર કર્યો હોય એમ દેખાયું; છતાં તેનામાં મારી શ્રદ્ધા અડગ રહી. સ્થૂળ સુખોને ઈષ્ટ માનનાર પાશ્ચાત્ય સંસ્કૃતિના અલબેલા બજાર જેવા મુંબઈના વાતાવરણથી વખત છે ને જરા માનસિક ફેરફાર થાય એ સ્વાભાવિક હતું. મારા સ્નેહને લીધે મેં તેનામાં સ્પષ્ટ દેખાઈ આવતા અધઃપતન તરફ આંખ આડા કાન કર્યા.

રઘુનંદન અને એક સુશીલ બાલિકા વચ્ચે કંઈક પ્રીતિ હતી. તે તેના ગુણો વિષે હમેશ મને પત્રમાં લખતો અને જતેદહાડે તેની સાથે જ તે પરણશે એમ મેં ધાર્યું હતું; પણ તે છોકરીના બાપની સ્થિતિ સારી ન હોવાથી પરણવાનું મોકૂફ રાખ્યું હતું એમ મને કહેવામાં આવ્યું હતું.

બેએક મહિના પછી મારા પર પત્ર આવ્યો કે રઘુનંદને એક શ્રીમંતની છોકરી સાથે વિવાહ કર્યો છે. મેં પહેલાં માન્યું નહીં. રઘુનંદનને લખ્યું, પણ તેને કંઈ જવાબ વાળ્યો નહીં. રઘુનંદન જેવો ઊંચી ભાવનાવાળો માણસ એક સ્નેહલગ્ને પોતાની કરેલી પ્રિયતમાને છોડી બીજીને પરણે એ મારા માનવામાંઆવ્યું નહીં. એ અરસામાં મારે મુંબઈ જવાનું થયું. હમેશ પત્ર લખતાં જ રઘુનંદન દોડતો સ્ટેશન પર આવતો. આ વખત એ મારા ગયા પછી પણ એક દિવસ સુધી આવ્યો નહીં. મારા મનમાં અનેક વહેમ ઉત્પન્ન થયા. મારું હૃદય ઘણું દુઃખાયું. રઘુનંદનની ભવિષ્યની મહત્તા અને દેશોપયોગિતા પર મારી એટલી શ્રદ્ધા હતી કે એનું અધઃપતન જો થાય તો દેશને અને સમાજને કારી ઘા લાગે એમ હું માનતો હતો.

દોઢ દિવસે ભાઈસાહેબ જણાયા. વિલાયતી ફેશન અને મોંઘાં વસ્ત્રોમાં દીપતા રઘુનંદનને જોઈ મને આશ્ચર્ય લાગ્યું. સાદું જીવન અને ઉચ્ચ વિચારની પવિત્ર ભાવનાના સાધકને આટલો દમામ શો ? સાહેબ બેઠા, ઊંચી સોસાયટીની કહેવાતી ચાલાકીથી થોડો વખત આમતેમ વાતો કરી. મારાથી ન રહેવાયું. મેં પૂછ્યું.

‘હા, ફલાણા શેઠિયાની એકની એક છોકરી સાથે મારાં લગ્ન આવતે મહિને થશે.’ આંગળી પર વીંટીનું ઝળકતું નંગ ઉપર લાવતાં તેણે કહ્યું. ‘તારે પણ આવવું પડમે વાલકેશ્વર. તારી ઓળખાણ કરાવશું.’ વાત છુપાવી, અતડાપણું દર્શાવી, કરેલો મિત્રદ્રોહ-ગરીબ મા-બાપની નિરાધાર છોકરીને દગો દઈ વહોરેલો પ્રેમદ્રોહ-પૈસાની લાલચમાં સ્વીકારેલા નવા સંબંધમાં તેમજ ફેશનમાં ડૂબી અંતરનું કરેલું આચ્છાદાન અને આત્મદ્રોહ, આ સઘળું મેં જોયું અને શરમાયા વિના આટલી નફટાઈમાં તેને નાચતો જોઈ મને તિરસ્કાર આવ્યો. આ રઘુનંદન ! તેને મેં ઊધડો લીધો. કલાક સુધી મેં કહેવાય તેટલું તેને કહ્યું, તિરસ્કારનો આખો શબ્દોકોષ ઠાલવ્યો; પણ તેણે હસ્યા જ કર્યું.

આખરે તેણે જવાબ દીધો : ‘જો ભાઈ ! એ બધાં આપણાં સ્વપ્ન હતાં. આપણામાં કંઈ લ્યુથર કે શંકરની પ્રતિભા છે ? આપણે અલ્પ શક્તિવાળા છીએ. તે છતાં પણ જો આપણી પાસે સારો પૈસો હોય તો આપણે કંઈક અંશે તેનો સદુપયોગ કરીએ, તેનાથી દેશનું ભલું કરીએ. એકલા ભાષણ કરતાં પૈસાનો ત્યાગ કરી દેશસેવા કરવામાં વધારે શોભા છે. તું જરા થોભ. મન થોડું મારવું તો પડે; છતાં આપણે એનાથી કેટલો લાભ જનસમાજને આપી શકીએ !’ આ ખ્યાલ જરા હલકો હતો; પણ ઠીક દેખાતો. મને થયું કે રઘુનંદન હજી કંઈ કરશે. લક્ષાધિપતિ થઈ ઉચ્ચ ત્યાગનો દાખલો બેસાડી, લક્ષ્મી અને સરસ્વતી બંનેને પ્રસન્ન કરી, ખરેખર એની ભાવનાઓ થોડેક અંશે પૂરી પાડશે.

થોડે વખતે રઘુનંદન ધામધૂમ સાથે પરણ્યો. સાંભળ્યા પ્રમાણે છ મહિને એણે તરછોડેલી તેની પ્રિયતમા વિરહથી રિબાઈ સ્વધામ ગઈ. તે વખતે રઘુનંદન મહાબળેશ્વરમાં મોજ માણતો હતો. નવી સ્ત્રીના સઘન સ્નેહમાં નિર્ધન અભાગણીના અકાળ મરણની લાગણી થાય ? કાગળ વાંચી, કચરાની ટોપલીમાં તેનું વિસર્જન કરી, પત્ની સાથે ટેનિસ રમવા રઘુનંદન ચાલ્યો ગયો.

ત્યાર પછી ત્રણ વર્ષે હું મુંબઈ આવ્યો. મારે માટે મોટર હાજર થઈ હતી. અખૂટ પૈસાના વિલાસમાં લહેર કરવાનો અનુભવ મને નવો હતો. ઝપાટાબંધ અમે વાલકેશ્વર ગયા. માણસોએ આવી મારે માટે રાખેલો ઓરડો દેખાડ્યો. આખા મકાનનો વૈભવ રાજાઓનો ગર્વ ઉતારે તેવો હતો. જો ફક્ત બંગલાનો નકામો સરસામાન વેચી પૈસા એકઠા કર્યા હોય તો પણ ત્રીજી સાલના દુકાળમાં એક પણ જીવ કે ઢોર મરવા પામત નહીં ! એક જીવ જે કાઠિયાવાડમાં ફૂટી બદામને અભાવે અન્નજળ વિના તરફડિયાં મારતો મરણપથારીમાં પડ્યો હતો તેનાથીય વધારે નાપાક જીવને ખુશ રાખવા, તેની લિપ્સા સંતોષવા કેટલો ખરચ ! કેટલી મહેનત ! કેટલી ખુશામત !

પછી રઘુનંદનને હું મળ્યો. મારા વિદ્વાન બાળસ્નેહીની માનસિક ઉત્સાહથી ચમકતી આંખો, ઊંચી અભિલાષાથી ધ્રૂજતો તેનો શબ્દ, અભ્યાસના ગૌરવથી ઓપતું કપાળ; એ બધાની જગ્યાએ આળસમાં ગરક થયેલી વિષયી આંખો, ફેશનેબલ ગણાતી પારશીશાઈ ભાષા, બોલતાં તસ્દી પડતી હોય એવો લંબાતો સ્વર અને અનેક સુવાસિત પ્લાસ્તરોથી ચકચકિત કરેલું મોઢું આ બધો ફેરફાર જોઈ હું તો ચમક્યો.

પછી જાણપે ઈંટમરોડી કે કાચ-લાકડામાં કંઈ ભવ્યતા હોય તેમ એનો બંગલો દેખાડવા તેણે મને સાથે લીધો. તેના વર્ણનથી કોને લાભ થવાનો હતો? મને ગ્રીસનો એક મહાત્મા સાંભળ્યો. એક પૈસાદાર શિષ્યે ડાયોજીનીસને પોતાનો ભવ્ય મહેલ દેખાડી, પ્રશંસાની આશાએ તે તત્ત્વવેત્તાનો અભિપ્રાય પૂછ્યો. ડાયોજીનીસ શિષ્યના મોં ઉપર થૂંક્યો અને હસીને કહ્યું; ‘આ બધું સુંદર છે. માત્ર ગલીચ જગ્યા આટલી જ છે.’ મને પણ રઘુનંદનને એવો કાંઈ સરપાવ આપવાનું મન થયું.

આ ફલાણો ‘હૉલ’ ને આ ઢીંકણો ‘રૂમ’ કરતાં કરતાં અમે કહેવાતી લાઈબ્રેરીમાં આવ્યા. અનેક ચળકતાં કબાટોમાં ઘણાં જ સારાં પૂઠાં અને સોનેરી નામોથી સુશોભિત, કોઈ એક અસ્પર્શ્ય, વિષયી જમાનાની વાસના તૃપ્ત કરવા લખાયેલી વાર્તાઓ મેં દીઠી. થોડાંએક કબાટોમાં સાહિત્યના ગ્રંથો જેમના તેમવગર પાનાં કપાયે-શોભતા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ પણ તેને અડક્યું હોય એમ લાગતું નહોતું.

‘રઘુનંદન, તારી કૉલેજની નાની ચોપડીઓનું શું થયું ? એ તો તારી જીવજાન ચોપડીઓ હતી !’

‘કઈ પેલી છ છ આનાની ! હં - એ તો તદ્દન નકામી પડી. તે મેં ફેંકાવી દીધી.’ ખરેખર, ઊંચા વિચારોની જનેતાઓ ગઈ. પછી ભાવનાઓ ક્યાંથી રહે ?

એટલામાં એક નોકરે આવી કહ્યું કે જોસફાઈન માંદી થઈ ગઈ છે. એ નામ સાંભળીને મને મહાન નેપોલિયનની સ્ત્રીનું સ્મરણ થયું, અને રઘુનંદનું ચિંતાવાળું મોં જોતાં એ વ્યક્તિ કોણ હશે તે જાણવા જિજ્ઞાસા થઈ. હાંફતાં હાંફતં અમે એક ઓરડામાં આવ્યા. તે ઓરડો કંઈ કૂતરાની પાંજરાપોળ જેવો લાગતો હતો. કારણ કે ૧પ-ર૦ કૂતરાં મોજ કરતાં ત્યાં મેં જોયાં અને મારા અત્યંત તિરસ્કાર વચ્ચે જોસફાઈન એક કૂતરી છે એમ મેં જાણ્યું. આ ભાગ્યશાળી જાનવર માટે મોટરમાં ડૉક્ટર આવ્યા અને તેને શાંતિ થઈ ત્યારે રઘુનંદન જંપ્યા. એ વખતે પેલી સ્વર્ગસ્થ પ્રેમાળ બાળા જે રઘુનંદનની અધમતાને લીધે બાળપણમાં મરી ગઈ હતી તેનું સ્મરણ મને થયું. મને કમકમાં આવ્યાં. ત્યાર પછી દરેક કૂતરાની જાત, કુટુંબ, ગુણ વગેરેનો ઇતિહાસ મને તેણે કહ્યો. ખરેખર, આટલી યાદદાસ્ત બીજે ઠેકાણે વાપરી હોત તો હિંદુસ્તાનનો ઇતિહાસ લખાત.

ત્યાર પછી અમારી તબેલાની મુસાફરીનું અને ઘોડાઓના ગુણનું વર્ણન લખી વાંચનારને કંટાળો આપીશ નહીં. મને એટલું જ થયું કે રઘુનંદન કૂતરાં કે ઘોડાગધેડાંનો વેપારી હોત તો ઘણું સારું કામ કરી દુનિયાને કાંઈ વધારે ઉપયોગી થાત. બધું જોયું. પછી રઘુનંદને પોતાની સમૃદ્ધિ અને વસ્તુઓનાં વખાણ કર્યાં : ‘કેમ દોસ્ત ! બધું ફક્કડ છે ને ? એક જ સાલી પીડા છે !’

‘શું ?’ મેં તિરસ્કારથી પૂછ્યું.

‘આવક પહોંચતી નથી. શું કરું મહામુશ્કેલીએ આવી રહે છે.’

પળ વાળ પર જોયેલા ડઝન ઘોડા, બે ડઝન કૂતરાં ને પાંચ ડઝન ખાસડાં મને યાદ આવ્યા; પણ હું બોલ્યો નહીં.

‘ત્યારે બીજા કંઈ કામમાં તો પૈસા ક્યાંથી જ વપરાતા હોય ?’ મેં પૂછ્યું.

‘અરે નહીં રે ! એક દમડી પણ બચતી નથી. હું શું કરું ?’ જાણે એમાં દમડીનો વાંક હોય તેમ તેણે કહ્યું. ‘પણ નહીં દોસ્ત ! ખરું કહે, બધી વસ્તુ ગોઠવાઈ તો મજાની છે ને ?’

‘ખરેખર રઘુનંદન, બધાની જગ્યા મેં જોઈ, પણ એક વસ્તુ મૂકવાની જગ્યા ક્યાંય દેખાઈ નહીં.’

‘શાની ?’

‘શાની ! અહીંયાં બધું છે, પણ તારી ભાવના, પુરુષાર્થના ઊંચા આદર્શ, ત્યાગ અને સેવાના શુદ્ધ સંકલ્પનું સ્થાન કંઈ અહીંયાં દેખાતું નથી. તેને માટે કંઈ જગ્યા નથી. તે બધાં તું પહેલાં રહેતો હતો તે કાબલાદેવીની નાની ગંદી ઓરડીમાં રહી ગયાં એમ ભાસે છે, અને જૂનો રઘુનંદન પણ ત્યાં જ રહ્યો, નહીં વારુ ?’

‘મારા નાના ગામમાં, અને ટૂંક વગારમાં મેં મારી ભાવનાઓ વધારે સારી રીતે જાળવી હતી.’

પાંચ-છ દિવસ સુધી ભોગવેલી અત્યંત મોજથી ગૂંગળાઈ મારે ગામ જવા નીકળ્યો. બંગલો છોડતાં મને ભર્તુહરિ યાદ આવ્યો :

ગક્રબ્દ્યઅસ્ર્ - ગધ્ટક્રટ્ટભ - ઙ્ગેંૐક્રબ્દ્યટ્ટઌઃ ગક્રદ્રક્રક્રભૅ ઽક્રળ્ઃ ળ્હૃન્બ્ક્રદ્ય્ક્રદ્યટ્ટઌઃ ત્ન

ભઢ્ઢદ્ય્ક્રધ્ ઌ ક્રઘ્પ્તક્રબ્ પટ્ટઌૠક્રક્રઌજીભઘ્ૅ ઼ક્રક્રટક્રમશ્વસ્ર્ધ્ થ્ૠક્રધ્ ઽક્રઠ્ઠઌક્રૠક્રૅ ત્નત્ન

૩. કોકિલા

મારી સ્ત્રીના મરણને બે-ત્રણ મહિના વીત્યા એટલે સ્થળફેર કરી બેચેની મટાડવાનો કંઈ ઉપાય લેવા મેં નિશ્ચય કર્યો. મે મહિનામાં રજા પડી એટલે હમેશના નિયમ પ્રમાણે મુંબઈ છોડી બહારગામ જવાનું મન થયું.

અદાલતના વાતાવરણમાંથી થોડો વખત છૂટા થવું અવશ્યનું છે. માણસની અધમતાના ઇતિહાસો છોડી કવચિત્‌ કવચિત્‌ કુદરતને ખોળે જઈ બેસવું પણ જરૂરનું છે પણ હવાફેરનાં પ્રખ્યાત સ્થળોથી મને કંટાળો આવતો. મુંબઈની ધમાચકડી છોડી સ્વાભાવિક રીતે મન નિરંકુશ આનંદ અને વિનોદના સ્થાનમાં જવા ઈચ્છે, પણ પાશ્ચાત્ય સુધારાની અનંત પ્રવૃત્તિમાં કોણ જાણે એવી તો ખૂબી છે, કે તેમાં ભમતો કીડો કદી પણ તેના વિકારને છોડી શકતો નથી. માથેરાનમાં ફેશનની તુચ્છ કૃત્રિમતા; મહાબળેશ્વર જાણે બીજું વાલકેશ્વર; અસંતોષી ડુમ્મસ પણ એ જ પંથે પધારવાની હોંશ ધારતું ! જો એમ કરતાં ભૂલેચૂકે આપણે સ્વર્ગે ભૂલા પડીશું તો મારી ખાતરી છે, કે પુરાણા બિચારા ઈશ્વર ભગવાનને પણ કોઈ એક ફેશનેબલ સંમેલનનું પ્રમુખપણું આપી સુધરેલી રીતભાતો શીખવી દઈશું.

આ બધાં કારણથી આ વખત મેં પાવાગઢ પસંદ કર્યું. ચાંપાનેર, મારી પ્રાચીન રળિયામણી ગુજરાતનું ઐતિહાસિક રાજનગર મારા મનમાં ઊછળતા ઉલ્લાસો પ્રેરતું. તેને જોઈ મારા દેશની જૂની જાહોજલાલી નજર આગળ ખડી થતી; નવો જ ઉત્સાહ આવતો. તે દિવસોનું શૌર્ય અને તેજ, તે સમયની કંપાવતી જીવનકથા, તે વીર સમયનું આત્મસમર્પણ, આ વેપારી વખતમાં અસ્ત થયાં છે. ખંડિયેરો જોઈ વિચારો કરીએ એજ.

રજાના બાકી રહેલા દિવસો માંચીમાં જ નિર્ગમન કરવા મેં વિચાર કર્યો. પાવગઢની માતાના પૂજારીની સિફારસથી મને દરેક જાતની સગવડ કરી આપવામાં આવી હતી. મેં નક્કી કર્યું હતું, કે દુનિયાથી દૂર જઈ ઘણા દિવસનો ચઢેલો કાટ મન પરથી ઉતારીશ; અંતરની ગહનતામાં તેને ઝબોળી ચિરકાલથી ઈચ્છેલી નિવૃત્તિ અનુભવીશ. મારા સિવાય બીજું કોઈ ત્યાં હોય એમ મને લાગ્યું નહીં, પણ મને જ્યાં ઉતારો આપ્યો હતો તેની સાથે કેટલીક ઓરડીઓ હતી. ત્યાં કોઈ રહે છે કે નહીં, તે તપાસવા નીકળ્યો. છેલ્લી ઓરડીમાં કંઈ વસ્ત્ર જેવું દેખાયું, મારા જેવો બીજો કોઈ ધૂની પણ નિર્જનતાનો લહાવો લેવા અહીંયાં આવ્યો છે, એમ ધારી તે તરફ ગયો. બારણું ઉઘાડ્યું. ચમક્યો ને ઊભો. ત્યાં પડેલી કોઈ બાહોશ સૌંદર્યસેવકને છાજતી સામગ્રીઓ અને તે વળી ઘરડા પાવાગઢમાં જોઈ હું સ્તબ્ધ થયો. રસના અવતાર સુવિખ્યાત શૈલીનાં અંગ્રેજી કાવ્ય; સ્ત્રી-ઉપયોગી વસ્ત્રો; ખૂણામાં પડેલી તરછોડેલી જેવી વીણા, એક અપૂર્ણ ચિત્ર ! હું વિચારમાં પડ્યો. કંઈ સ્વપ્નનો ભાસ જરા થયો.

ઘરવાળી બાઈએ બૂમ મારી મારું ધ્યાન ખેંચ્યું : ‘ભાઈ, ત્યાં જશોમા. ત્યાં તો કોકિલા રહે છે.’

કોકિલા ! રમણીય વસંતના શણગારનું મધુરું નામ ! મારું આશ્ચર્ય વધ્યું.

‘કોકિલા કોણ ?’ મેં પૂછ્યું

‘એમના કોઈ દોસ્તારની છોકરી થોડાએક દિવસ થયાં અહીં આવીને રહી છે. આ એસ્તો તમરા ભણતરની પીડાઓ.’ ઘરડી જીભે લપલપાટથી વાત શરૂ કરી.

મીઠુંમરચું બાદ ભાવાર્થ એ નીકળ્યો, કે કોઈ બિચારી કેળવાયેલી કુમારિકા ગાંડી થઈ ગઈ છે, અને ડૉક્ટરની સલાહથી હવાફેર કરવા અહીંયાં રહેલી છે અને તેને હાલ જરા આરામ છે.

ગુજરાતી છોકરીઓમાં આ હોશિયાર, આ નામ અને ગાંડપણ ! કંઈ અરેબિયન નાઈટ્‌સની વાત લાગી. મારું મન ‘ચમત્કારી વ્યક્તિ જોવા એકપગે થયું, પણ કાશીબાઈએ કહ્યું, ‘એ તો સવારે બહાર નીકળે છે, તે ભાગ્યે જ સાંજ પહેલાં આવે છે.’ એ પણ ખરું. આખરે મન ન રહ્યું, ને બહાર નીકળ્યો. કંઈ પણ પત્તો લાગ્યો નહીં. આખરે થાકીને સૂતો. સવારે ઊઠતાં વાર કોકિલાના ઓરડા તરફ ગયો; પણ મારી અત્યંત નિરાશા વચ્ચે ત્યાં કોઈ પણ હતું નહીં એમ માલૂમ પડ્યું. સૂર્યોદયને જરા વાર હતી, પણ આ અસાધારણ સુંદરીને જોવા તરસ વધવા માંડી. અરણ્યમાં જળ વિના તરફડતા તૃષાર્ત્ત મુસાફરની માનસિક સ્થિતિ કંઈ યાદ આવી. ક્યાંય સુધી ખોળ નિષ્ફળ ગઈ. આખરે પાપી પત્તાઈના તૂટેલા મહેલમાં જઈ બેસવાનો વિચાર કર્યો ને તે તરફ વળ્યો. તેનાં ખરતાં, ઘસાયેલાં જીર્ણ પગથિયાં ઊતરી નીચે આવ્યો. અગાશી તરફ નજર કરતાં મારી આંખે અવર્ણનીય દેખાવ જોયો.

અગાશીની કોર પર અખંડ યૌવના ઉષાની આરસની મૂર્તિ જોઈ હું ચમક્યો. ઊગતા સૂર્યનાં સોનેરી કિરતો તેના સફેદ વસ્ત્ર પર દિવ્યતા પાથરતા કાંતિને અદ્‌ભુત તેજે દીપાવતાં હતાં. આ કોકિલા ! ગુજરાતની ઘણીયે રૂપવતી રમણીઓ મેં જોઈ છે, વખાણી છે, પણ કાબેલ કસબીની કોરી કાઢેલી અપૂર્વ પ્રતિમા જેવું, શરીરસૌંદર્યની પરિસીમાએ પહોંચેલું આ મુખ સ્વપ્ને પણ મેં જોયું ન હતું. રંભાઓનો રૂપગર્વ ન હતો; વિલાસવતીઓની ટાપટીપ ન હતી; જડ જગત પર અમૃત સીંચતી રૂપેરી ચંદ્રિકા માફક તેનું સૌંદર્ય અજાણતાં આહ્‌લાદ પ્રસારતું, કોઈ અલૌકિક ભાસ કરાવતું. તેનું શરીર જાણે પ્રથ્વીતત્ત્વવિહીન કોઈ દેવાંગનાનું સૂક્ષ્મ તેજોમય રૂપ લાગતું. જો પાશ્ચાત્ય વિદ્યાનો જડવાદ જરા મારામાં ઓછો હોત તો હું જરૂર તેને કોઈ ભૂલી પડેલી વનદેવી અથવા પાસે સુકાઈ ગયેલા મુખમાંથી સૂર્યનું આરાધન કરવા નીકળી પડેલી સાગરકન્યા વિશ્વામિત્રી જાણત. કોકિલાનું ધ્યાન ન હતું. મેં છાનામાના પાછા જવાનો વિચાર કર્યો; પણ આટલે પ્રયાસે કોકિલા મળી અને હવે તક ચૂકવી કામની નહીં.

મેં ખાંસી ખાધી. કોકિલાએ ફરીને મારી સામે જોયું. કોઈએક સોનેરી સ્વપ્નમાં અર્ધભૂલેલાં સુંદર સ્મરણોનાં જાણે પ્રતિબિંબ પડતાં હોય એવાં તેજસ્વી રસાલ નયનોએ મારા તરફ આકર્ષક જ્યોતિ નાખી.

‘માફ કરજો. આપના વિચારમાં કંઈ ખલેલ તો થઈ નથી ને ?’

સ્થિર નયનોએ પલક્યા વગર મારી સામે જોયા કર્યું. આ સુંદરીને ખરેખર ચિત્તભ્રમ હશે ?

‘તમારું જ નામ કોકિલા કે ? કાશીબાઈ કહેતાં હતાં.’

‘હા.’ ધીમે મીઠે સ્વરે તે જવાબ આપ્યો. ‘તમે કોણ છો ?’

‘હું મુંબઈમાં વકીલ છું. મારું નામ કિશોરલાલ.’

જાણે ડરતી હોય, મનમાં કંઈ વહેમાતી હોય તેમ ધીમે ધીમે વાત કરી. સાથે સાથે અમે બહાર આવ્યાં. કોકિલાને જેમ વધારે જોતો તેમ આશ્ચર્યચકિત વધારે થતો. તેનું રૂપ, સ્વર, પહેરવેશ, સર્વ પર એક જાતનું લાવણ્યમય વ્યક્તિત્વ દેખાતું. તાજમહેલનો પથ્થર જેમ પૂર્ણ સૌંદર્યથી શોભે છે તેવાં જ એનાં દરેક કર્મ અપૂર્વતાથી દીપતાં. અમે સાથે ચાલ્યાં, પણ જ્યારે એના તરફ હું જોતો અને એની ડોલનભરી ચાલ મારે નજરે પડતી ત્યારે શરમાઈ હું મારી પોતાની તરફ જોતો અને જાણે ગુલાબ સાથે ઘોડાના દેશમાં જઈ હું તેમની રવાલ શીખી ચાલતો ન હોઉં, એમ મને લાગતું.

આ લાવણ્યે મારી જિજ્ઞાસા એટલી વધારી દીધી હતી, કે કંઈ પણ પૂછવાનું મન થયું. એક-બે સવાલો કર્યા તેના પ્રત્યુત્તર ઠીક મળ્યા નહીં; પણ વકીલાતની ટેવ ને કૂતરાની પૂંછડી બે એકસરખાં. ઊલટતપાસમાં જરા હું પંકાતો એટલે આ ઘડીએ પણ જીભ ચળવળી.

‘તમે પરણ્યાં છો કે કુંવારા ?’ આ ભંડારનો ક્યો ભાગ્યશાળી ભર્તા છે, એ જાણવાને ઉત્કંઠા થાય એ તો સ્વાભાવિક; પણ મારા શબ્દોએ કંઈ જુદી જ અસર કરી. કોકિલા મારા તરફ ફરી; તેજોમય આંખો જરાક ચળકી, સખત થઈ. મિજાજમાં જરાક મોં પર લાલી આવી. માથું ફેરવી ગુસ્સામાં મને છોડી બાજુની એક પગથીએ તે ઝપાટાબંધ ચાલી ગઈ. હું તો શરમાઈ, જાંસા ખાધેલા બાળક જેવો ફિક્કે ચહેરે ઊભો. મારું અડધું આયુષ્ય આપ્યે જો આ પ્રશ્ન પાછો ખેંચાતો હોત તો તેમ કરત. હું નીચું જોઈને ઘર તરફ ગયો. હૃદય ચણચણતું રહ્યું.

થોડા વખતમાં જ કોકિલાની મોહક ભવ્યતાએ મને ભાન વગરનો કર્યો હતો. એને તે વખતે ચાહતો હતો - ભાગ્યે જ. આટલા દિવસને અંતરે કંઈ કહી શકતો નથી, પણ શું કરવું એ સૂઝતું નહીં. કંઈ ચેન પડ્યું નહીં. રાતે વિચારમાં નિરાશામાં બેઠો હતો ત્યાંથી જાગ્યો.

‘મિ. કિશોરલાલ ! -’

ઘણા દિવસનું ગુમાવેલું રત્ન હાથ લાગતું હોય તેમ ધ્રૂજતી અભિલાષાથી મે ઊંચું જોયું. હૃદય ધબક્યું, કંઈક હરખાયું, બારણામાં કોકિલા ઊભી હતી. જેઓએ એ આકૃતિને જોઈ નથી, જેઓ એ નયનો આગળ નમ્યા નથી, તેઓએ મારા હૃદયમાં સ્ફુરતા માનાંકુરોનો ભાગ્યે જ ખ્યાલ આવશે. કોકિલાએ આવીને સવારની વર્તણૂક માટે માફી ચાહી. કોકિલા માફી માંગે ! મારા વાંક માટે મેં પણ પશ્ચાત્તાપ દર્શાવ્યો. કોકિલાની વાત કરવાની છટા કંઈ ઓર જ હતી. નિર્જન એકાંતમાં પથરાતી જ્યોત્સ્નાની અમૃતમય વિમલતામાં દૂરથી વેણુ વાગ્યે અને હૃદય આનંદ વર્ષાવે એવો કંઈ કોકિલાના મધુરા રસમય આલાપનો ભાસ થતો.

તે ગઈ, પણ આખી રાત સ્વપ્નસૃષ્ટિમાં મારી સહચરી થઈ રહી. નિર્દય સૂર્યે એ સુખમાંથી મને ખેંચી લીધો. પછી સાંજ સુધી મારા કમનસીબે ફરી મેળાપ થયો નહીં. છેક સાંજે એક ખંડિયેર પાસે પડેલા પથ્થર પર તેને બેઠેલી દીઠી. દૂર દૃષ્ટિથી જાણે વાદળની પેલી મેર જોતી હોય એમ લાગ્યું, કોઈ વિશ્વવેત્તા વિશાળ જ્ઞાનીના પ્રફુલ્લ દિવ્યચક્ષુનું તેજ તેની આંખોમાં ચળકતું હતું. અમે વાતો કરી. એકબીજાના વિચાર જાણવાની તક અમને મળી. વનવગડામાં વાત કરનાર અમે બે એકલાં; એટલે એવી તકો ઘણી મળી. દરેક પ્રસંગે હું કંઈ નવું નવું જોતો અને નહીં ધારેલી ખૂબીઓ નજરે પડતી.

કોકિલાની રીતભાતમાં અને વાતમાં એક નવીનતા હતી. એક પુરુષ જોડે વાત કરે તેવી હિંમત, સ્વાતંત્ર્ય અને ગૌરવથી તે વર્તતી; એટલે આપણાં શરમાતાં, ગભરાતાં બૈરાંઓની ખોટી લજ્જાનો અંશ પણ તેનામાંન હતો. આથી સમાનતાનો ભાવ થતો, અને વાતમાં રસ પડતો. તીવ્ર જ્ઞાનેન્દ્રિયો અદ્‌ભુત રસબંધ પેખતી. જે સૌંદર્ય, જે ભેદ આપણે સૃષ્ટિમાં, કાવ્યમાં કે સ્વરમાં ભાગ્યે જ ભાળતા તે તેની સૂક્ષ્મ બુદ્ધિ પારખતી, અને તેનો સ્વાદ જ્વલંત શબ્દથી પણ મને ચખાડતી. કોઈ એક વખત અગમ્ય વિચાર આવતાં સ્વર થડકતો, ચહેરો ઉદાસ થતો ને દૃષ્ટિ દૂર ફેંકી ઊંઘમાં ચાલતા માણસ જેવી થઈ જતી.

કોકિલાની જીવનની ભાવના અસાધારણ હતી. થોડાક પરિચયે મને તે જણાઈ. ઘણી વખત તે કહેતી : ‘આપણા લોકોના જીવનાદેશ શા તુચ્છ હોય છે ! આપણે અલ્પ નથી, ભવ્ય છીએ. આ ભવ્ય સૃષ્ટિની ભવ્યતા આપણામાં છે; એ મહાપ્રાણનું સૌંદર્ય આપણા પ્રાણમાં છે; ફક્ત તે પારખવાને ઈચ્છા નથી - પ્રયત્ન કરવા હિંમત નથી. આપણી જીવનવીણા વિશ્વવીણા જોડે સંવાદી બનાવો. તેના સૂરેસૂર અંતરમાં જાગશે. એ સંવાદ એ જ જીવન. ઘણાખરા અસંસ્કારીને તો પોતાના બેસૂરા જીવનના કઠોર સ્વરો જ ઠીક લાગે છે.’ આનાં વાક્યો, તેનું રૂપ, તેનું કાવ્યમય સૌંદર્યસેવી જીવન મારામાં નવી ભાવનાઓ પ્રેરતાં, મને બદલતાં, મારા અંતરના ઊંડાણમાંથી ચમકતાં રત્નો ખેંચતાં.

આ નવા તત્ત્વજ્ઞાને મારું માન ઉતાર્યું. ટાઈટેનિક સ્ટીમરના અભિમાની બનાવનારાઓએ એ કદી નહીં તૂટે એવી રચના કરી. મહામાયાના એક રમકડા જેવા આઈસબર્ગે - બરફના ડુંગરાએ એ ગર્વને એક વિપલમાં હતો - ન હતો કરી દીધો. આવખતે એ બડાઈ બતાવનારો ને હું આત્મસંતોષી વકીલસાહેબ જોડે બેઠા. દોઢિયાં કમાવાં, મોટરોમાં બેસી વાલકેશ્વરની અમરાવતીમાં લહેર મારી, સ્થૂળ વિષયલાલસાને પ્રભુ બનાવી, જિંદગી પૂરી કરવાની અશા રાખનારું જીવન આ સાદી, રસમય જીવનની પવિત્ર ભાવના આગળ હાર્યું, નમ્યું. મારી સ્થૂળ જિંદગી પર મને તિરસ્કાર અવ્યો. જિંદગીમાં પૈસા મોજ અને સત્તાનાં કહેવાતાં સુખો શું સુખ છે ? કોકિલાના જેવું કોમળ હૃદય બનાવી રસસરિતાના ઊછળતા તરંગો સાથે વહેવું એ જ સુખ; પ્રેમ, સૌંદર્ય, એનો અનુભવ એ જ સુખ, આવા અનેક પાઠો કોકિલાના ગુરુપદ નીચે હું પઢ્યો. એની ટીકાથી જૂના કવિઓમાં નવો રસ દેખાયો, મારી જૂની સૃષ્ટિ પર નવવસંત છાયો. બેચાર દિવસમાં જગતના સૌંદર્યસાગરની કંઈએક લહેરીઓ મારા હૃદયને આરે અવી.

ધીરે ધીરે હું કેદી થતો ગયો. પ્રેમની સુખમય સોનેરી ગુલામગીરીમાં સપડાતો ગયો. મારી સ્વર્ગસ્થ સ્ત્રી ઘણી ભલી હતી; મને પરમેશ્વર લેખતી. તેને માટે મને ભાવ હતો, પણ અ નવું આવતુું પૂર અદ્‌ભુત હતું. જે માનસિક સહૃદયતાથી કોકિલા માટે મને ભાવ પેદા થતો ગયો, લાગણીઓ એનાં રૂપ, લાવણ્ય અને સંસ્કારી વિચારોથી પેદા થઈ હતી, તે ‘શુદ્ધ સાત્વિક પ્રેમ’ની ઊર્મિઓ મારા હૃદયમાં નવી જ સ્ફુરવા માંડી.

આ સ્વર્ગીય સંગતિમાં પાંચસાત દિવસ ગયા. કોઈ વખત દેખાઈ આવતા ધૂનીપણા સિવાય બીજી કોઈ જાતનું ગાંડપણ મારા દેખાવમાં આવ્યું નહીં, પણ આવી વિચિત્ર સ્થિતિ માટે તપાસ કરવાની સ્વાભાવિક ઉત્કંઠા વધવા માંડી. વધારે પરિચય થતાં આટલું બધું પ્રાવીણ્ય ક્યાં મેળવ્યું હતું તે મેં પૂછ્યું. વાત પરથી માલૂમ પડ્યું કે કોકિલાનો બાપ મુંબઈમાં કોઈ અંગ્રેજી પેઢીમાં કારભારી હતો; બધો કારભાર તેનાથી જ ચાલતો. તેના સાહેબની ઘણી જ મહેરબાની હતી. કોકિલા ચાર વર્ષે મા વિનાની થઈ. જૂના જમાનાનો ‘ઈમ્પીરિયાલિસ્ટ’ વિચારોથી અજ્ઞાત અંગ્રેજ અને તેની સુશિક્ષિત બાઈએ પોતાના નિમકહલાલ નોકરની એક છોકરીને પોતાની પાંખમાં લીધી; તેને પોતાની છોકરીઓ ભેગું શિક્ષણ આપ્યું. દરેક બાબતમાં કોકિલાએ અશા પૂરી અને ધાર્યા કરતાં વધારે બાહોશી મેળવી. વૃદ્ધ ધણીધણિયાણી વિલાયત ગયાં તો પણ પોતાનો અચલ પ્રેમ પોતાની ‘કાળી’ પુત્રી તરફ અવારનવાર દર્શાવતાં અને કોકિલા પણ પોતાના હિંદુ હૃદયની કૃતજ્ઞતાથી પુત્રી કરતાં પણ વધારે પૂજ્યતા તેમના તરફ રાખતી.

વાત કરતાં કોકિલાને નાનપણ સાંભર્યું, હૃદય ઊભરાયું અને બોલીઃ ‘તે જ અરસામાં આ દિવ્ય પ્રેરણા મને થઈ. મારો દૃઢ નિશ્ચય એવો થયો કે જીવનને પૂર્ણ લાવણ્યે મઢવું. દરેક વિચાર, દરેક કાર્ય સંવાદી સૌંદર્યથી શોભતાં કરવાં. મારી અસાધારણ શક્તિઓએ કામ સહેલથી ઉપાડ્યું. ફતેહ નજર આગળ રમી રહી.’ અવાજ બદલાયો : ‘પણ ઈશ્વરને ન ગમ્યું... એક વસ્તુ ખૂટી... ને ખૂટતાં બધું, છે...’ શબ્દો અટક્યા. મોટાં નેત્રોમાં છુપાયેલાં આંસુઓ ચળક્યાં; કોકિલાએ ડૂસકું ખાધું.

હું દુખાયો - અકળાયો; પણ કોકિલા તરફની મારી માનની લાગણી એટલી પ્રબળ હતી, કે આશ્વાસન આપવાની હિંમત રહી નહીં. મને ખાતરી થઈ, કે અ નિર્દોષ બિચારીનું કોમળ હૃદય કોઈ વજ્રાઘાતથી ભેદાયું છે. શું તે એ નહીં વીસરે ? મેં નિશ્ચય કર્યો કે જીવ સાટે પણ તેમ થાય તો મારા જીવવાનું સાર્થક.

સહૃદયી સોબતમાં સમય પણ શરમાય છે. આનંદસ્વરૂપ મોક્ષમાં કાળનો અભાવ હોય છે. કોકિલાને ચરણે બેસી નવા જીવનાદેશો શીખતાં વખત વીતી ગયો. બોલ બોલતાં દિવસો ગયા ને રજા પૂરી થઈ. ગાંસડાંપોટલાં બાંધ્યાં અને પાવાગઢના મીઠા અનુભવોને રામ-રામ કર્યા. કાવ્યરસિકા કોકિલાને છોડતાં આંખમાં આંસુ આવ્યાં.

મોં પર તમાચા મારી, ગાલ લાલ કરી, મુંબઈ અવ્યો. બજારુ મુંબઈની દુન્યવી પ્રવૃત્તિઓ કાળબાણ લાગી; પણ કોકિલાએ શીખવેલા કાવ્યમય જીવનના પાઠ થોડા થોડા અમલમાં મૂકવા લાગ્યો. મિત્રો હસતા; અસીલો જરા ડોકું ધુણાવી વિચારમાં પડતા; હું જ ફક્ત મનમાં મગ્ન થઈ, હૃદયને સૌંદર્ય માટે કેળવવા લાગ્યો. જીવનાકાશમાં નવા નવા મેઘધનુષના આકર્ષક રંગો ખીલવા માંડ્યા, તો પણ કોકિલા વિના તો હૃદય-જીવન બધું શૂન્ય લાગ્યું. ખરેખરા સહૃદય સાથીની જરૂર મને લાગવા માંડી. સંસારમાં ઘણા, પ્રેમની તીવ્ર અભિલાષા વગર પાર તરી શક્યા છે; તેમાંથી કેટલાક હૃદયહીન અને બાકીના અલ્પસંતોષી, પણ જ્યારે અંતરના સંસ્કાર ખીલે છે ત્યારે તરસ્યો અવાજ નીકળે છે-પ્રણયી વિના પ્રાણ તરફડે છે. અને કોકિલા જેવા મનુષ્યદેવીને જોયા પછી અસંતોષ સબળ થાય એમાં કંઈ નવાઈ જેવું નથી. બધી વ્યક્તિઓ ખામીભરી દેખાય છે. તે જ રમ્ય મૂર્તિ નજર આગળ રહે છે. શ્વાસેશ્વાસમાં તેનું જ રટણ ચાલે છે.

ક્યાંય સુધી કંઈ ખબર આવી નહીં. દિવસ ને રાત એ જ ધ્યાનમાં હું રહેતો. અખરે સ્વાતિબિંદુ પડ્યું. કોકિલાનો પત્ર આવ્યો. તે મુંબઈ આવી હતી. અક્ષર જોતાં જ મન બાવરું બન્યું. મારું ચાલત તો દરેક શબ્દ અંતરમાં કોતરત. ને પત્રના સ્પર્શે કંઈક શાંતિ, કંઈક અશાંતિ પ્રેરી, મળવ મન તલસ્યું.

કોકિલાને હું મળ્યો. તે પહેલાં કરતાં જરા અશક્ત વધારે હતી, માનસિક જુસ્સો પણ જરા ઓસર્યો હતો. તે સાંચાકામની પૂતળી માફક પોતાની ફરજ બજાવતી. ફક્ત ગાતાં કે અભ્યાસ કરતાં જરાક અંતઃકરણ ઓપતું ને નવાં કિરણો નીકળતાં. તેનો બાપ ઘણો માયાળુ, કેળવાયેલો, અસલી માણસ હતો. તેનું માનવું હતું, કે બહુ કેળવણીથી આવાં માઠાં પરિણામ આવ્યાં હતાં, પણ તે હિંમત અને ધૈર્યથી બધું વેઠતો અને પોતાની એકની એક દીકરીના અશાંત મનને બનતો દિલાસો આપવામાં જ પોતાની કૃતકૃત્યતા માનતો. થોડા સમયમાં તેની સાથે પણ મારો ગાઢ સ્નેહ બંધાયો. હું વારંવાર ત્યાં જવા માંડ્યો અને પાવાગઢ પછી ભૂલેલા પાઠો તાજા કરવા માંડ્યા.

મારી જિંદગીમાં ફેરફાર થવા માંડ્યો. પૈસા લૂંટવાની શુષ્ક પ્રવૃત્તિમાં પ્રવીણ પુરુષો ! હસશો ના ! તમારી રજોગુણી અનંત ધમચકડ; તમારા નીરસ, એકમાર્ગી વિચારો; તમારાં સંકુચિત ઊર્મિ વિનાનાં હૃદયો; જો એ જ જીવનનો હેતુ હોય તો નરક શ કામે સરજાયું હશે ? દુનિયાની સ્વાર્થી પ્રવૃત્તિમાં પણ કાવ્યમય જીવનનાં અમૂલ્ય ઝરણાં વહે છે. તેને શોધો, ત્યાં સંતોષાઓ; અરણ્ય સંસારમાં પણ સ્વર્ગની લહેરો આવશે. શેલીના રસસાગરમાં-નિર્બંધ હૃદયપ્રવાહમાં નાહવું-સૃષ્ટિસૌંદર્યના સત્ત્વ સરખા સૂરોની તાલબદ્ધ લહરીઓના ડોલન-ભાતભાતના અદ્‌ભુત ઈશ્વરી રંગોએ આત્માને ઊજળો કરવો, એ જ જીવનનું સાર્થક. નહીં તો જીવવું તો બધાં જ જાનવરને છે.

પણ કોકિલાનું વધતું જતું વીલાપણુ અને વધારે અશક્ત થતું શરીર મારા મનમાં કંઈ ધ્રાસકો પાડતાં. પહેલાં તો કોઈ દેવાંગનાનું સૂક્ષ્મ દૈવી શરીર તે ધારતી; પણ વધારે નબળાઈથી જાણે તેજની ક્ષણભંગુર અવર્ણનીય પ્રતિમા હોય તેમ દેખાતું; આપણા હાથમાંથી ક્યારે સરી જશે તેવી બીક ઉત્પન્ન થતી. ફક્ત જ્ઞાનેન્દ્રિયો વધારે તીક્ષ્ણ થતી; અને કોઈ રસિક દેવાંશીની ભવ્ય દૃષ્ટિથી બધું ભાળતી ને વધારે તેજસ્વી શબ્દોમાં તેના અર્થ કહેતી.

મારા મનની ઊર્મિઓએ કંઈક સ્વરૂપ લેવા માંડ્યું. મારી સ્ત્રીને ગુજરી ગયાને કેટલાક મહિના વીત્યા હતા અને તેના મરણથી ઊપજેલી દિલગીરીની કોકિલા માટે જે પ્રેમ થયો હતો તેમાં ઝાંખી થતી ગઈ હતી. સંસારલગ્નથી ઉદ્‌ભવેલો ભાવ ક્ષણિક જ હોય છે. બૈરી પાછળ ‘સત્તા’ થનારાઓને વરસમાં જ પાણિગ્રહણ કરતા જોઈએ છીએ. સગવડ માટે પરણેલી સ્ત્રીની ગેરહાજરીમાં અગવડ ડુબાવવા બીજી પરણવા તરફ નજર જાય એ કંઈ ગુનો ન કહેવાય. આ બધા વિચારો મને આવ્યા, અને ખોટા કે ખરા વિચારોનું કેન્દ્રસ્થાન કોકિલા હતી. સંસારી સંબંધથી તેને મારી કરવા સંકલ્પ આવવા માંડ્યા. મને એ રસ્તો ઘણો જ ઉત્તમ લાગ્યો. પ્રેમ મેળવી હું પ્રભુતા પામીશ - કોકિલાની અશાંતિ ઓછી થશે. લગ્નથી જોડાઈ અમારી ઊંચી ભાવના સિદ્ધ કરવાનું સહેલું થ પડશે એમ પણ લાગ્યું, પણ કોકિલા જેવી સ્વર્ગીય સુંદરી દેવીને પરણવાનું કહેવું એ કેમ હિંમત થાય ? એ તેજસ્વી સ્વરૂપ જ્યાં હોય ત્યાં સાધરણ વિચાર પણ આવવા ન પામે તો પછી આ કહેવાય કેમ ? હિંમત ભીડી અને રમણીય એકલતામાં અટૂલી ફરતી કોકિલાના ચરણારવિંદમાં મારું હૃદય, મારી અશઓ, મારું સર્વસ્વ સોંપી કૃતાર્થ થવા નિશ્ચય કર્યો. તેની તબિયત પણ ખરાબ ચાલતી-મન કરમાતું જતું. તેને પણ રસ લગાડી પુનર્જીવિત કરવા ઉમેદ હતી.

એક સાંજે અમે વાત કરતાં બેઠાં હતાં. મારા સ્વભાવની ઉત્ક્રાંતિ વિશે વાત ચાલતી હતી. મારી નવી રસજ્ઞતા ઉપર કોકિલા વિવેચન કરતી હતી.

‘પણ કોકિલા ! હજી હું ઘણે ભાગ અપૂર્ણ છું.’ મેં કહ્યું.

‘અપૂર્ણતા હમેશ રહેશે. પૂર્ણત આવતી જ દેખય છે, પમાતી નથી. દરેક શિખરે પહોંચતાં એથી ઊંચી ટોચો દેખાય છે. થશે, મહેનત કરો, ફળશે.’ જરાક હસી ઉમેર્યું :

‘આપણામાં કહેવત છે ને, નરના નારાયણ થાય.’

‘હું તમારો કેટલો આભાર માનું ? આ સ્થિતિ પણ તમારા વડે જ મેં જોઈ છે, અને હજી આગળ વધવું તે પણ તમારા હાથમાં છે.’ મારા અવાજમાં-શબ્દોમાં કંઈ નવું તેણે જોયું. વિક્સિત નયનોએ મારી સામે જોયાં કર્યું અને બોલી : ‘મારા હાથમાં ?’

હવે વિલંબ કરવો એ ખોટું હતું. મેં ઝંપલાવ્યું. ‘તમારા જ હાથમાં! હા, તમે જોતાં નથી કોકિલા ! આજે કેટલા દિવસ થયા તમારી દર્શાવેલી ભાવનાથી જ હું જીવું છું. તમારો દાસ થવાને લાયક તો નથી, પણ -’

જાણે મેં કંઈ ઘા કર્યો હોય એમ મોં પર ફિકાશ ફેલાઈ, ઊંડી તેજ રશ્મિઓ આંખમાંથી ફૂટી અદૃશ્ય થઈ, પહેલાં જ્યારે પણ લગ્નની વાત થતી ત્યારે તે મૂંગી રહેતી; હમણાં તો જાણે ભયે આઘો ઠેલતી હોય તેમ આડા હાથ કર્યા, એક પ્રેત ઊભું થાય તેમ ઊઠી, ગાંડા માણસની દૃષ્ટિથી આસપાસ જોયું, ને ચાલવા માંડી. મેં જોયું કે મારા શબ્દોએ તેને બહુ જ દુઃખ આપ્યું. મેં અટલો સખત ફેરફાર થશે એમ ધાર્યું નહોતું. હું ઊઠ્યો. કોકિલાનો હથ ઝાલ્યો-ઝાલ્યો. ‘અરે ! શું તમને માઠું લાગ્યું ?’ મેં ઓશિયાળા થઈ જઈ પૂછ્યું.

મારું કહેવું તે સાંભળી શકી નહીં. તેનું ચિત્ત વર્તમાનમાં નહોતું. હું બોલ્યો : ‘કોકિલા ! કોકિલા !’ મારી આંખમાં આંસુ આવ્યાં. દુઃખમય ઘડીનો અનુભવ કરાવવા કરતાં તો પાંચ વાર વગર પરણે મરવાનું હું ઠીક ધારત. કંઈક જાગૃતિ આવી.’ કાલે હમણાં નહીં.’ શબવત્‌ કોકિલા એમ કહી ગઈ.

મારી અંખે અંધારા આવ્યાં. બેસી ગયો, રડતે હૃદયે ઘેર આવ્યો. આગલી રાતે જાગેલા આનંદમય ઉમળકાઓ દબાઈ ગયા. ઊંડી ગમગીની ફરી વળી. ઓ પ્રભુ ! કઈ દુર્ભાગી ઘડીએ મને આ વાત કરવાનો વિચાર આવ્યો! શું કોકિલા હવે મારી સાથે નહીં બોલે ? મારી પ્રાણેશ્વરી મારી સામે નહીં જુએ ? નહીં હસે ? પાપી જીવને ખેંચી કાઢતાં જો માફી મળે તો તેમ કરવા હું તૈયાર હતો. જો કોકિલા મારા જીવનમાંથી અસ્ત થાય તો પછીના અંધારા દિવસો કરતાં અનંત મૃત્યુસમાધિની નિર્વિકલ્પતા શી ખોટી ? આખી રાત ટળવળ્યો-રડ્યો, એક પળ પણ ઊંઘ આવી નહીં.

અધીરો, ગભરાતો હું કોકિલાને ત્યાં ગયો. તેના પિતાએ ગંભીર મુખથી મને બોલાવ્યો, ‘કોકિલા કાલે સખત માંદી થઈ ગઈ હતી. તમારા ગયા પછી બેભાન થઈ ગઈ હતી.’

‘હાલ કેમ છે ?’

‘જરા ઠીક છે. મને કહ્યું છે કે તમે આવો ત્યારે ઉપર મોકલવા.’

હું જવા ઊઠ્યો. ડોસાએ પાસે બોલાવ્યો : ‘કિશોરલાલ, મારી છોકરી ગમે તેવી છે, પણ મારી આંખની કીકી છે. એને સંભાળજો.’

આ વાક્ય પરથી મને લાગ્યું, કે ડોસાને કાને ગઈ કાલની વાતનો પડઘો ગયો છે, પણ ખોટો જવાબ દેવાની મારામાં તાકાત નહોતી. ફાંસીની શિક્ષાની આશા રાખનાર ગુનેગારની માફક ધ્રૂજતો હું કોકિલા પાસે ગયો.

તેનું શરીર નિસ્તેજ થયું હતું - એક રાતમાં તે ઘણી જ અશક્ત થઈ ગઈ હતી. તે આંખો મીંચી આરામખુરશી પર પડી હતી. હું ગયો ને તેણે આંખો ઉઘાડી.

‘કિશોરલાલ ! માફ કરજો,’ કોકિલાનો કંઠ આજે લુખ્ખો ને નિર્બળ હતો. ‘કાલે મેં તમારા બોલવાની અવગણના કરી હોય તો. મારું ભાન જતું રહ્યું હતું; મને એ વિષય બહુ અપ્રિય છે, તે તમે જાણો છો.’

‘મેં ભૂલ -’ આર્દ્ર હૃદયથી હું બોલ્યો.

‘ભૂલ તમાીર નથી. મોટો ઉપકાર થયો. કિશોરલાલ ! હું નકામી છું -ગાંડી છું. દુનિયા મને ભાન વગરની ગણે છે તે ખરું છે. મારા જેવું ઝોડ વળગાડવાની તમે હોંશ કરી તેમાં તમારી મોટાઈ છે.’

‘મારી મોટાઈ ? નકામા એવા શબ્દો નહીં બોલશો. મેં તમને આવું અસહ્ય દુઃખ આપ્યું તે છતાં આવું કહો છો ? હું લાયક નથી. ભલે મારી પ્રાર્થના તમે નહીં સ્વીકારો, પણ તમારો ગુલામ થઈને હું સુખ પામીશ, એવું સુખ બીજા કશાથી મને મળવાનું નથી.’

‘સુખ ! હું સુખ આપું ?’ જરાક ફિક્કું હસી તે બોલી : ‘મારામાં શક્તિ નથી. હું હૈયા વગરની છું. મારો સ્વભાવ અને કેળવણી એવાં કૃત્રિમ પ્રકારનાં છે, કે સંસારની ઘટમાળમાં હું સુખ મેળવી શકીશ નહીં - કોઈને આપી શકીશ નહીં,’ જરા નીરસ હસી ફરી બોલી : ‘મંગળફેરા ફરી રહેતાં પહેલાં જ હું અકારી થઈશ- તમારો સંસાર અકારો કરીશ. તમે મારા પર પ્રેમ રાખો છો તે હું જોઉં છું. કેટલા દિવસની તમારી મૌનભક્તિ મને અજાણ નથી; પણ મને પરણવામાં પસ્તાવાનું જ છે.’

આ બોલ ઉપરથી મારા મનમાં જરા આશા થઈ. ‘આ જ કારણ છે? તો તેની મને પરવા નથી. તમે મને ક્યાં કહો છો ? હું તમને કહું છું, હું કરગરી, હાથ જોડી કહું છું; અવો કોકિલા ! મને પાવન કરો.’

કોકિલાએ ડોકું ધુણાવ્યું. ધીમે સાદે જવાબ વાળ્યો : ‘તમે જોતા નથી? હું એકલપેટી છું. મને આત્મસંતોષ વહાલો છે. સૌંદર્યતત્ત્વના અભ્યાસમાં પ્રેમનું ભાન હું ભૂલી છું. પત્ની થઈ પતિને રીઝવવાની મારામાં શાક્તિ નથી. ગૃહિણી થઈ ઘર જાળવવાની મારામાં બુદ્ધિ નથી. માતા થઈ છોકરાં કેળવવાની મારામાં હોંશ નથી. હું ઘેલી છું; દુનિયા બહારની છું. ઈશ્વરી સત્તાની મનુષ્યરૂપી ભૂલ છું; મારા પાલવે એકલતા જ નિર્મેલી છે.’

‘બહું થયું, મારે વધારે સાંભળવું નથી. જો તમારે આ જ કારણ હોય તો મારે પગ ચાંપવા પત્ની જોઈતી નથી, ઘર ગોઠવવા ગૃહિણી જોઈતી નથી. મારે તો જોઈએ છે દેવી-પૂજવા-ફૂલ ચઢાવવા - તેને ખોળે માથું મૂકી સ્વર્ગ અનુભવવા - દેવપદ પામવા. ભાર્યાની પરવા નથી : ભગવતી જીવનેશ્વરી જોઈએ છે, - આ તમારા હાથમાં છે. તમારામાં પ્રેમ નથી ? કોકિલા !તમારા પવિત્ર મુખે તમે મને અંતરના ઉમળકા સાથે સૌંદર્યસૃષ્ટિનો સંવાદ શીખવ્યો. તમે જ કહ્યું કે એવો એકતાર બે સંસારી હૃદયમાં થાય ત્યારે જ એકતા-દિવ્ય પ્રેમ પમાય. શું તે ભૂલી ગયાં ? તમે દેવી છો. મારી સાથે ઐક્ય નહીં થાય, પણ હું કરીશ-કરવા પ્રયત્ન આદરીશ. આવો, આવો, ના ન કહેશો - મારાં દેવી !’ ઊછળતા ઉમળકાએ શબ્દનું પૂર આણ્યું. આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. પગે પડ્યો - કોકિલાનો હાથ લીધો - લેવાઈ ગયો. એ જ સુકોમળ હાથ ઝાલી તરીશ એવી ઉમેદ હતી. તેની આંખમાં પણ ઝળઝળિયાં આવ્યાં.

‘દુઃખી સાદે-અડધાં ડૂસકાં ખાતાં તે બોલીઃ ‘કિશોરલાલ ! તમે આવું બોલો નહીં. મારું હૈયું ફાટી જાય છે. આ સ્નેહાંજલિ મારાથી સ્વીકારાય તેમ નથી; માફ કરો.’ જાણે બીતી હોય તેમ અવાજ મંદ થયો. તે ફરી બોલી : ‘માફ કરો, કિશોરલાલ ! હું તમને દુઃખી કરું છું; પણ પ્રેમ મારાથી અપાય તેમ નથી -’ ‘કેમ નહીં ?’

ખરતી અશ્રુધારાથી કાંપતા સ્વરે કોકિલાએ કહ્યું : ‘પૂછો છો તો સાચું જ કહીશ. તમને પ્રેમ નહીં આપી શકું, ને પ્રેમ વિના પરણવું એ તો નકામું.’

મનમાં કંઈ અભિમાન આવ્યું. ‘જરા પણ પ્રેમ નહીં આપી શકો ? દયા, મહેરબાની કઈ પણ ? મેં છેક આવું નહોતું ધાર્યું.’ મારું સ્વમાન છંછેડાયું. હું ટટ્ટાર થયો ને ઊભરાતે અંતઃકરણે ત્યાંથી ખસ્યો; પણ ખસાયું નહીં. હું થોડે દૂર જઈ બેઠો - દબાયેલી લાગણીઓ બહાર નીકળી. હાથમાં માથું મૂકી ડૂસકે ડૂસકાં ખાતો રડ્યો.

કોકિલા ઊઠીને મારી પાસે આવી. સ્નેહથી મારે વાંસે હાથ મૂક્યો. ‘કિશોરલાલ ! આશું ? ઊંચું જુઓ. આ તમને ન શોભે. તમે ખોટું સમજ્યા; મેં તમારે માટે નથી કહ્યું, પણ મારે માટે. હું હૃદયશૂન્ય છું. શા માટે ? મને કોઈ જાણતું નથી. અસંખ્ય જખમે મારા જીવનને ખુવાર કરી નાખ્યું છે. ઘણા થોડા માણસો તે જાણે છે. હું પ્રેમશૂન્ય નહોતી. હું પણ પ્રેમાળ હતી. મારું હૃદય પણ અંતરની તીવ્ર અભિલાષાઓએ ધબકતું હતું; પણ ઈશ્વર કોપ્યો. બિચારું કૂણું હૃદય છૂંદાયું - કચરાઈ ગયું, અને મનની મનમાં રાખી પશુવત્‌ જીવન મેં સ્વીકાર્યું. ક્યાં એ હું - ને ક્યાં આ ?’

આ શબ્દોથી મને કંઈ ભાન આવ્યું. કોકિલાના મનની અસ્થિર સ્થિતિનાં કારણો અંધકારમાં હતાં ત્યાં અજવાળું પડ્યું. હોઠ પર હોઠ પીસી, જરા સ્થિર થઈ, કોકિલા બોલી : ‘સાંભળો, આટલું કહ્યું છે ત્યારે બધું જ કહું. હૃદય ચિરાઈ જાય છે, પણ હું ટૂંકમાં કહીશ. ઘણાં વર્ષ થઈ ગયાં. કોણ ગણે છે? કૉલેજમાં હતી ત્યારે હું સુખી હતી. તે વખતે મારો એક મિત્ર હતો. તેની મોહક છબી, બહારથી દેખાતો સ્નેહાળ સ્વભાવ, છટાદાર અને કેટલીક કાલું કાલું બોલવાની રીત - એ બધાથી મારું બિનઅનુભવી હૃદય વશ થયું. અમે સાથે ફરતાં - સાથે વાંતાં. મારી બુદ્ધિ, મારી શક્તિ, સબળ હતાં; હૃદય પ્રણયી હતું. તેણે તેને પ્રભુ બનાવ્યો. કિશોરલાલ ! હું અભિમાન નથી કરતી; પણ મારી ઊર્મિઓ અપૂર્વ હતી. એવી કોઈક જ મેળવત. મારો એ દેવ એ ઉપહરને લાયક નહોતો, પણ હું આંધળી હતી ને તેને સર્વ વાતે પૂર્ણ માનતી.’

આંસુ લૂછી ફરીથી સખત અવાજે તેણે શરૂ કર્યું; ‘મારા અહોભાગ્યનોપાર રહ્યો નહીં. બાપાજીએ મારો વિવાહ તેની સાથે કર્યો. પ્રેમઘેલછાના વિમાને વિરાજી હું સ્વર્ગે પહોંચી; સૌંદર્યાનુભવમાં એક ખામી હતી તે પૂરી થઈ. ટૂંકમાં જ પતાવવા દો. વિવાહ થયાથી અમે વધારે ગાઢ સંબંધમાં આવ્યાં. સૌંદર્યસતત્વ જોવાની મારી તીવ્ર શક્તિએ સમાગમથી થોડાક દોષો દીઠા. મારો દેવ જરા મનુષ્યત્વ પામ્યો. વિવાહ થયાથી તેણે પણ માલિકીનો ડોળ ઘાલવા માંડ્યો. આ ડોળની મને સમજ નહોતી, હું મૂંઝાઈ. આપણા સંસારની ગાય જેવી બાળાઓનું વ્યક્તિવ વિનાનું ગરીબડાપણું - જે હાલ સ્ત્રીઓનું મુખ્ય ભૂષણ ગણવામાં આપણે આપણી બહાદુરી સમજીએ છીએ તે, દુર્ભાગ્યે મારામાં નહોતું. ધણી મળવાથી હું વેચાયેલી ગુલામ થઈશ તેનું મને ભાન નહોતું. પ્રસંગે મારા ભવિષ્યના સ્વામીનાથ એમના સ્વામીત્વનો સ્વાદ મને ચખાડતા ગયા; તે વખતે હું અકળાતી ને રડતી, પણ ઘણડ વખત કરગરતી - વિનવતી, ને એક સ્નેહમય શબ્દ સાંભળતાં પાછી રિઝાઈ જતી. મને ભવિષ્યનું ભાન નહોતું. તેના અગમ્ય ખોળે શાં શાં સુખદુઃખો પડ્યાં હશે તે હું જાણતી નહોતી. મારો નાથ એટલે હું પ્રેમ અને સુખ જ સમજતી.’

તેણે સાદ જરા ખોંખારી સાફ કર્યો. એક અશ્રુબિંદુ લૂછ્યું અનેપછી બોલી : ‘અનુભવે બીજું દેખાડ્યું. મારી વૃત્તિઓ માનસિક હતી. એની બધી સ્થૂળ અને સ્વાર્થનિષ્ઠ હતી. શારીરિક શોખની જડ અભિલાષાઓ સંતોષવામાં જ તેનો જીવનાદેશ સમાતો હોય એમ લાગ્યું. સ્વાર્થી, હલકા વિચારો જણાયાથી જરા મારી માનસિક સમતાને ધક્કો પહોંચ્યો. જ્યારે હું ઉચ્ચ ભાવનાના વ્યોમમાં વિહરતી ત્યારે મારા ભવિષ્યના ભરથાર જીભના રસ કે શરીરનો આરામ શોધવામાં ગૂંથાતા. હું મારા કલ્પનાસંસારમાંથી અવતરી - આંખો ઉઘડી. દેવના રંગ પારખ્યા. ઓ ભગવાન ! તે દિવસનું દુઃખ મનમાં યાદ આવતાં મારું બધું જીવન ઝેર થઈ જાય છે.

‘જવા દો એ વાત; બહુ લંબાણ થયું. હું મગરૂર થવા લાયક રૂપાળું જાનવર હોઉં તેમ મને તે ગણતા. એક દિવસ કેટલાક શબ્દો મારે કાને પડ્યા. કેટલાક મિત્રોને એણે કહી દીધું કે, ‘હું પરણીશ પછી એને ઠેકાણે લાવીશ.’ મને સમજ ન પડી; માત્ર ભવિષ્યના ભયંકર પડછાયા પડતા દેખાયા. મેં ખુલાસો પૂછ્યો. માલિકે માલિકાઈ દર્શાવી, મારી સ્ત્રી તરીકેની સ્થિતિ સમજવા કહ્યું. પહેલી જ વખત આ ભેદ મારા આગળ ખૂલ્યો. જાતિભેદ, ધણીધણિયાણી વચ્ચે સ્થિતિનું અંતર, સંસારની આ કૃત્રિમ ગોઠવણ, મારા સ્થૂળ સ્વભાવના સ્વામીનાથનો સ્વાર્થી અહંકાર, આ બધા નવા દેખાવોએ મારું હૃદય ભેદ્યું; મારું મગજ ખસી ગયું; હું માંદી પડી. દૈવે દયા લાવી તે વખતે મારી પણ ન નાંખી. સ્વામીનાથ ચિડાયા. એમણે રમાડવા ધારેલું માંકડું વધારે સમજુ લાગ્યું. તેણે વિવાહ તોડ્યો. ત્રણ મહિને ભયંકર માંદગીથી બચી ત્યારે મને આ બધી ખબર પડી. આ મારું જીવન ! કિશોરલાલ, હું હતભાગિનીનો આ ઇતિહાસ છે. ઓ કિશોરલાલ ! હું હરું છું, ફરું છું, બધું કરું છું, પણ તે દિવસથી મારા સુખનું સત્યાનાશ વળી ગયું છે.’ આમ કરી દબાવેલા જુસ્સાને પૂરો માર્ગ આપી મારે ખભે માથું મૂકી તે છાતીફાટ રડી.

‘જરાક હિંમત રાખો. આમ શું કરો છો ?’

જરા શાંત થઈ ફરી કોકિલા બોલી : ‘હિંમત કેટલી ? ક્યાં સુધી ? વધારામાં તમને ના પાડી તમને દુઃખી કરીશ. મારા મહેરબાનને ધિક્કારું છું; પણ તૂટેલું હૃદય ફરી સંધાવા ના પાડે છે. તમારા પ્રેમ માટે અનહદ ઉપકાર; તેના બદલામાં કહો તો જિંદગી આપું - પણ પ્રેમ નહીં. એક વખત હું મૂઈ હતી, તમને મારી ફરીથી મરીશ; પણ તમને પરણી પ્રેમ - પૂરેપૂરી એકતા ન અર્પી શકું તો પછી ખાલી શુષ્ક સંબંધ શા કામનો ?’

તે બોલતી અટકી. મારું હૃદય નિરાશાની દુઃખમય લાગણીથી ભેદાયું. શું કહું ?

‘કોકિલા ! પ્રેમ ન આપો તો ભલે; જરાક દયાની નજર રાખો તો બસ. બને તેટલાં તમને સુખી કરવાને મથીશ.’

જરાક હસી તે બોલી : ‘કિશોરલાલ ! આ તમને ન શોભે હોં ! શું લગ્નમાં જ બધું સમાયું છે ? તમારા તરફ મારો ભાવ નિશ્ચલ છે. આપણે આમ શું ખોટાં ? શું આમ રહી તમારાથી સુખી ન થવાય ? મારા હૃદયનું ખાલી ખોખું જો કોઈને વરમાળ આરોપવાને ધારે તો તે તમને જ, પણ પ્રેમ વિનાનાં લગ્નના ખાલી ઢોંગને સ્વીકારી અસત્ય આદરવું એમાં શો સાર ?’

હું જિતાયો; અમારી મિત્રાચારી વધી. ત્યારથી મારી સગી બહેનથી અધિક હોય તો કોકિલા. માીર નિરાશાને બનતી મહેનતે ઓછી કરવા તે પ્રયત્ન કરતી. મારા પ્રેમનો નિર્મળ પ્રવાહ પણ પૂર વેગમાં વહેતો ને કોકિલાની સેવા કરવામાં જ સાર્થક્ય સમજતો, પણ કોકિલાની તબિયત તો વધારે ને વધારે જ બગડવા માંડી. અમે દરેક સારે સ્થળે ફર્યાં, દરેક વિદ્વાન ડૉક્ટરની મદદ શોધી; પણ કંઈ ઠેકાણું પડ્યું નહીં. બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. આખરે દૂરથી યમરાજનાં પગલાં સંભળાવા માંડ્યાં. મારી સુંદર-રસિક પ્રાણેશ્વરીની ઘડીઓ ગણાવા માંડી. દીપ ઝંખવાતો ગયો.

ચાર-પાંચ રાતના અખંડ ઉજાગરાથી થાકી હું જરા ઝોખા ખાતો હતો. કોકિલાના પિતા તેની પાસે બેઠા હતા. એ બિચારાના તો હોશકોશ જ ઊડી ગયા હતા, એટલામાં કોકિલાએ આંખો ઉઘાડી ને નિર્બળ સાદે કહ્યું : ‘બાપા ! કિશોર !’

થોડાક વખતથી મને ટૂંકે નામે તે બોલાવતી. અવાજ સાંભળી હું જાગ્યો ને તેની પાસે ગયો. કેટલાક દિવસથી કોકિલા બહુ બોલતી નહીં. આજે કંઈ બોલવાનું મન દેખાયું. તે બોલી : ‘બાપાજી ! તમને બહુ લાગશે. હવે મને અંત નજીક આવતો દેખાય છે હોં. આખું શરીર જાણે, છે જ નહીં એમ લાગે છે, બાપાજી ! વહાલા બાપાજી ! મેં બહુ દુઃખ દીધું, ને તમારા ઘડપણમાં તમને ગરદન મારતી જઈશ. કિશોર ! બાપાજીને સાચવજો.’ આ બોલ બિચારા ડોસાથી ન ખમાયો; એકદમ તે બહાર ગયા ને દૂરથી રડવાનો અવાજ આવ્યો. કોકિલાએ આગળ ચલાવ્યું :

‘કિશોર ! તમને પણ ઘા સખત લાગશે. મેં જીવતાં પણ કંઈ બાકી નથી રાખ્યું. મને માફ કરજો. મારે વિશે ખોટું ધારશો નહીં; મારાથી બન્યું તેટલું તમારે માટે કર્યું.’ જાણે મા એકના એક દીકરાને બોલાવતી હોય તેમ મારું માથું પાસે લીધું, નમેલા માથા પર હાથ ફેરવ્યો અને બોલી : ‘કિશોર! ભાઈ ! હવે હું જઈશ હોં. દુનિયાએ બાકી ન રાખી, હવે છૂટીશ.’ મારું માથું તેણે વધુ પાસે લીધું, કપાળે હોય અડકાડ્યા. મારું ઉર ચિરાતું હતું, હું મૂંગો રહ્યો.

થોડી વાર તે કંઈ બોલી નહીં. મેં માથું ઊંચું કર્યું, કોકિલાનાં નયનો ફાટેલાં હતાં - સ્થિર હતાં. મેં હાથ ઝાલ્યો - તે શબનો હતો, મરણની અણીએ મને પવિત્ર આશિષનું ચુંબન દઈ મારી દેવી સિધાવી ગઈ. તેના નિર્જીવ હાથ પર માથું મૂકી મેં પોક મૂકી. મારું ચાલત તો બારણાં બંધ કરી મારી કોકિલાના શબ પર મારું શબ પડત ત્યાં સુધી ત્યાં રડ્યા કરત.

વરસો વીત્યાં; પણ મારી કોકિલા જાણે અહોનિશ સાથે જ હોય તેમ મારી પ્રેમજ્યોત અચલ રહી - વધતી ગઈ. બધે જોતો, પણ મારી પ્રિયતમાનું મુખ જડતું નહીં. બાવરો રહેતો, ઘણી વખત દરિયાકિનારે બેસી દૂર દૂર નજર નાખતો. બદલાતાં વાદળોના વ્યૂહમાં, સાગરની ગંભીર ગર્જનામાં મારી કોકિલાનું મુખ હું જોતો, તેનો સ્વર સાંભળતો, આખરે થાકી નિસાસો નાખી રડતા હૃદયે ઘેર આવતો. મારો સંસાર તો સૂનો જ હતો.

૪. મારો ઉપયોગ

ત્રણેક વર્ષથી હું મારા મિત્ર પ્રોફેસર શિવલાલને મળ્યો નહોતો. અમે કૉલેજના ગોઠિયા હતા : ફેર ફક્ત એટલો જ કે એ યુનિવર્સિટીમાં પહેલે કે બીજે નંબરે આવે અને હું સાધારણ રીતે ગોલ્લામહાજનના વર્ગ (સપ્લિમેન્ટરી લિસ્ટ)ને જ શોભા આપતો; ને જો ભૂલેચૂકે પૂરા ૩૦ ટકા મેળવવા ભાગ્યશાળી થતો તો તે પ્રતાપ બધો મારી ચાલાક આંખ અને પડોશીની ચતુરાઈનો જ હતો, પણ વિદ્યાના અનાકર્ષક ક્ષેત્ર સિવાય બધે મારો નંબર પહેલો હતો. બજારમાંથી કંઈ લાવવું હોય અને દુકાનદારો - પછી લે તે મેમણ હો, - તેમને છેતરવા હોય કે બનાવવા હોય, પ્રોફેસરને પજવીને પાછા વાળાવ હોય, કે કોઈ પ્રકારે કોઈને દુઃખ દેવું હોય કે બનાવવા હોય તો, તેમાં હું એક્કો ગણાતો.

શિવલાલમાં દુનિયાના સામાન્ય જ્ઞાનની ખોટ તો કંઈ અજબ જ હતી; પણ ભાગ્યશાળીને ભૂત રળે, એમ એમ.એ.માં ચેન્સેલરનો મેડલ અને તરત જ પ્રોફેસર તરીકે મનગમતી નોકરી તેને મળ્યાં, અને નસીબનો કટોરો જાણે હજી અધૂરો હોય તેમ એક-આપણા હિંદુ સંસારના પ્રમાણમાં ભણેલીગણેલી સ્ત્રી જોડે લગ્ન પણ થયાં.

ત્યાર પછી બે-એક વર્ષે હું તેને મળ્યો. તે વખતે મને શિવલાલનો ઘરસંસાર બહુ વિચિત્ર લાગ્યો. અમારાં અનસૂયાભાભી રૂપનાં અવતાર અને ફેશનનાં ખાં; બોલવા, ચાલવા, દરેકમાં ઝમકદાર અને સ્વભાવે જરા લપલપિયાં એટલે એમને જોઈ પતંગિયાનો ભાસ થતો, અને પ્રોફેસરસાહેબ - જોકે મારા મિત્ર થાય તો પણ મારે કહેવું જોઈએ કે તે અભ્યાસખંડની બહાર નીકળ્યા કે, બે પગ ઉપર ઊભા રહે એટલું જ. બાકી તો ૠક્રઌળ્ષ્ઠસ્ર્સ્શ્વદ્ય્ક્ર ૠક્રઢ્ઢટક્રક્રથ્બ્ર્ભિં ત્ન વધારે તો શું કહું; પણ આવું સારું કજોડું તો વિધાતાએ પણ મહામશ્કેલીએ ઘડ્યું હશે. નવલરામ બિચારા નહોતા, નહીં તો એમને જોઈ કંઈક ગરબીઓ ઘસડી કાઢત.

હું ઘણે દિવસે તેમને મળવા ગયો. એટલે હવે એમનો ઘરસંસાર કેમ ચાલે છે તે જોવાની આકાંક્ષા સ્વાભાવિક રીતે મને થઈ. ઘરમાં પેસતાં વાર સામાં અનેક રંગના અદ્‌ભુત અને રસિક મિશ્રણમાં ઈંદ્રધનુષ્ય જેવાં શોભતાં અનસૂયા મળ્યાં. બીજાં ઘણાંય જણ કીમતી કપડાં ખરીદી ધણીઓનાં ગજવાં ખાલી કરતાં; પણ તે બધાં તો માત્ર સીંચે-પહેરતાં આવડે તો અમારાં અનસૂયાભાભીને જ.

ત્રણ વર્ષે પણ તેનો સ્નેહ અને આવકાર તેવો જ હતો. પાંચ મિનિટમાં દરેક વાત સંબંધી તેણે પ્રશ્ન કર્યા. અનસૂયાની જોડે વાત કરતાં જવાબ આપવાની જરૂર ન હતી. એ તો એક પર એક ઉપરા-ઉપરી સવાલો કરવામાં જ મજા માનતી. મેં પણ એની તથા શિવલાલની તબિયત સંબંધી પૂછ્યું. જવાબ જેવો તેવો મળ્યો. ગમે તેટલો લપલપાટ કર્યો; પણ તેના આંતરજીવન પર કંઈક વાદળ છવાયું હતું એ તે છુપાવી શકી નહીં. પહેલાં જેવું તેનું હસવું સૂર્યકિરણ સમું-ગુલાબના ખીલેલા ફૂલ જેવું આનંદમય, નિર્દોષ, સ્વચ્છંદી વિનોદવાળું નહોતું. દુઃખમય જીવનના અકથ્ય અનુભવોએ તેમાં જરાક ગંભીર સૂર મેળવ્યો હતો - અનસૂયાની નિર્દોષ વાતમાંથી નિખાલસપણું ગયું હતું - તેના મુખ પર, સ્ફટિકશા કપાળ પર વિચારની, ચિંતાની, સહનશીલતાની સખત લીટીઓ હતી.

પ્રોફેસર ક્યાં છે તે પૂછતાં તેણે અભ્યાસખંડ તરફ આંગળી કરી. હું તે તરફ જવા જતો હતો યાં અનસૂયાએ રોક્યો : ‘જોજો ત્યાં જતા. સાહેબ હમણાં ઊંડા અભ્યાસમાં છે. મને પણ આવવાની મના કરી છે.’ છેલ્લા શબ્દો મશ્કરીમાં બોલાયા હોય એમ લાગવા છતાં તેના સ્વરથી, શબ્દના ઉચ્ચારણથી અજાણ્ય, ઊંડા અસંતોષનો લાંબો ઇતિહાસ તેણે કહ્યો-કહેવાઈ ગયો.

‘કંઈ નહીં, હું જાઉં તો ખરો.’ એમ કહી બારણું ઉઘાડી હું અંદર ગયો. એક વિશાળ ટેબલ પર અનેક પુસ્તકોના મોટા ઢગમાં એક ઊંધું રાખેલું માથું જ ફક્ત પ્રોફેસરના અસ્તિત્વનું ચિહ્ન દેખાડતું હતું. હું પાસે જઈને ઊભો. મારા મનમાં હતું, કે હમણાં ઊંચું જોશે. આખરે હું થાક્યો.

‘કેમ પ્રોફેસરસાહેબ ! શું કરો છો ?’ મેં પૂછ્યું. અભ્યાસમાં ગરકાવ થઈ ગયેલા પ્રોફેસર સાંભળે જ શાના ?

‘કેમ શિવલાલ ! ઓળખો છો કે નહીં ?’

પાછળ મારો આવકાર જોવા આવેલી અનસૂયાનું દાબેલું હસવું કાન પર આવતું હતું.

પ્રોફેસર ઊંઘમાંથી - વિચારના નશામાંથી જાગ્યા. ‘કોણ, રમણિક ! તું ક્યાંથી ? - અરે, હા ! મેં જ તને આવવાનું લખ્યું હતું. શું એટલામાં સાડા ત્રણ વાગ્યા ? માફ કરજે હોં. હું તો વીસરી જ ગયો. અનસૂયા, રમણિકને ચાપાણી કંઈ આપ્યાં ?’

‘નહીંજી !’ જરા મશ્કરીમાં નીચું નમી અનસૂયા બોલી : ‘ઘરના માલિક માટે જ રહેવા દીધાં છે ! તમે આવો એટલી જ વાર.’

પ્રોફેસરે માથું ખંજવાળ્યું. ‘મારે એક જ કલાકનું કામ છે, તે પતે કે આવું.’ એટલું કહી ચોપડીઓમાં પ્રોફેસરે ફરીથી ડબકું ખાધું અને અમે બહાર અવ્યાં.

અમે કલાક દોઢ કલાક વાટ જોઈ; પણ પ્રોફેસરનાં દર્શન કંઈ થયાં નહીં. અનસૂયાએ કહ્યું, કે એ વાતનું તેમને વિસ્મરણ જ થઈ ગયું હશે; એટલે પછી અમે ચા લીધી અને બહાર જઈ બેઠાં. ઘર આગળ એક નાનો સરખો ભાગ અનસૂયાના શોખની સાક્ષી પૂરતો હતો. એ તો ઠીક હતું, કે અનસૂયાના મોઢામાં ચાર પોપટ જેટલું નકામું, પણ મનગમતું બોલવાની શક્તિ હતી. નહીં તો એકલાં એકલાં બેસી રહેવું કંટાળાભર્યું થઈ પડત. ગમે તેટલું છુપાવવા પ્રયત્ન કરે, પણ વાત પરથી અનસૂયાના મનની સ્થિતિ સહેજે પરખાય એમ હતી. આવી રસિક યુવતીને આવું એકલું જીવન ગાળવું પડે તે ગમે તો નહીં જ; પણ સદ્‌ગુણી ગૃહિણીના ડહાપણથી સ્વાભાવિક રમતિયાળપણાને પોતાનો હમેશનો સાથે બનાવી જીવનમાર્ગ પર આનંદમય સૂર્યકિરણો તે પાથરતી અને બને તેટલા સુખમાં દિવસ ગુજારતી; પણ મારાથી પૂછ્યા વિના ન રહેવાયું :

‘પણ આમ એકલાં તમારા દહાડા કેમ જતા હશે ?’

‘એ જ અમારી ખૂબી છે ને ! અમે કોણ ? તત્ત્વજ્ઞાનીનું ડાબું અંગ અને પ્રોફેસરના પણ પ્રોફેસર. પ્રોફેસરને તો ચોપડીઓ પણ જોઈએ. અમારે તો અખંડ એકાંત સિવાય બધું નકામું !’ હસતાં હસતાં અનસૂયા બોલી. મૃદુ સ્વરમાં છુપાયેલી - ક્વચિત જ બહાર પડતી કઠોરતા હૃદયની છૂપી વેદનાનો ભાસ કરાવતી હતી.

અડધો કલાક થયો હશે, એટલામાં પ્રોફેસર આવ્યા - પાંચેક મિનિટમાં ત્રણ વર્ષની ખબરઅંતરો પૂછી નાંખી અને મૂંગા ફરવા માંડ્યું. તેમના મોં પરથી એમ લાગતું હતું કે મને રસ પડે એવી કંઈ મારા લાયક વાત ખોળવાનો ભગીરથ પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. ‘તેં હેગલ વાંચ્યો છે કે ?’ પાંચેક મિનિટે પ્રોફેસરે આ રસિક પ્રશ્ન શોધી કાઢ્યો.

‘પ્રોફેસરસાહેબ ! એ વાત માંડી જ વાળજો. તમારી સોબતથી કૉલેજમાં હેગલ કોણ હતો તે જાણતો હઈશ તો તે પણ હાલ તો ભૂલી ગયો છું. હાલ તો મિલમાં છું ને કહો તો તેની સ્થિતિ વિશે વાત કરું.’ ન છૂટકે મારે પ્રોફેસરની વાતને પાણીચું આપવું પડ્યું. કારણ કે જો એક વખત એ તત્ત્વજ્ઞાનની વાત પર ચડે તો પાછા સાધારણ વિષયની સપાટી પર ક્યારે ઊતરે એ વિચારવાનું હતું.

એટલામાં અનસૂયા ફૂલ લઈને આવી. થોડાં મને આપ્યાં અને થોડાં પ્રોફેસરને આપ્યાં. અનસૂયા ફૂલ આપવા જેવી નજીવી બાબતને પણ એક એવી ખૂબી અર્પતી કે જે ખૂબી બીજી સ્ત્રીઓ જિંદગીનાં સુંદરમાં સુંદર કૃત્યોને પણ આપી શકતી નહીં. જાણે કોઈ અભ્યાસીએ ન્યાયનો સિદ્ધાંત બતાવતાં કરેલી ભૂલને સુધારતા હોય તેવા ભાવહીન સ્વરે શિવલાલ બોલ્યા :

‘અનસૂયા ! તું તો ફૂલોનો કાળ છે !’ બાપડી અનસૂયાનું મોં ઊતરી તો ગયું, પણ હિંમતથી જવાબ દીધો. ‘તમે ચોપડીના ને હું ફૂલની ! કોઈને કંઈ ને કંઈ જોઈએ તો ખરું જ કેની ?’

‘પ્રોફેસર ! આજે નાટકમાં જાઉં ?’ અનસૂયા રજા માંગતાં થોડી વાર રહીને બોલી : ‘રમણિકભાઈ સાથે આવશે. આજે કેટલા દિવસ થયા ગઈ નથી.’

‘અરે અનસૂયા ! તું હજી તેવી ને તેવી જ રહી. નાટકમાં શી મજા આવે છે ? વખતની ખરાબી થાય એટલું જ.’

અનસૂયાએ મારી સામું જોયું. આમ ને આમ આવા સૂકા વાતાવરણમાં આ રસઝરતી ફૂલવેલ કરમાતી હશે. અમારી અજ્ઞાનતા પર મોટી દયા આવતી હોય તેવી મહેરબાનીથી પ્રોફેસરસાહેબે નાટક જોવા જેવું ભયંકર પાપ કરવાની અમને રજા આપી.

નાટકની અસર અનસૂયાના કુમળા મન પર ઘણો લાંબો વખત રહી. સવારથી નાટકના શબ્દો અને ગાયનનું તેણે ભજન જ કરવા માંડ્યું, મારા કે પ્રોફેસરના સવાલના જવાબમાં નાટકનાં જુદાં જુદાં પાત્રોનાં અભિનય અને વાક્યોના આબેહૂબ ચાળા પાડવા માંડ્યા. ઘણે દિવસે મનભાવતો આનંદ મેળવી, તે અજબ રીતે ખીલી. સવારે જમતી વખતે પ્રોફેસરની જડ લાગણીની શીતળતા પર પણ તેનાં આનંદ-રશ્મિઓએ અસર કરી. ‘અનસૂયા ! આજે તો કંઈ બહુ કૂદવા માંડ્યું છે ને ? પહેલાં પણ આમ જ ગાંડાં કાઢતી હતી. રમણિક ગાંડી કહેશે.’ પ્રોફેસર જ્યારે આવું કહેતા ત્યારે ઘણી જ માયાથી કહેતા; પણ માયા જ, એથી કંઈ વધારે નહીં.

‘માફ રાખો મારા મહેરબાન ! હું તો હંમેશાં જ ગાંડાં કાઢું છું. એમ કહો, કે તે જોવાની આંખો જ તમને આજે આવી.’

‘કેમ, પહેલાં હું નહોતો કહેતો ?’

‘હા ! તે વખતે આંખો હતી. પછી આપે તત્ત્વજ્ઞાનનાં ચશ્માં એવાં ચડાવી દીધાં કે કશું દેખાતું જ નથી.’

પ્રોફેસર પછી મૂંગા રહ્યા. ગ્રીષ્મને પ્રચંડ સૂર્ય તપે ત્યારે હિમાલયનો બરક તો તેના પ્રમાણમાં જરા જેટલો જ ઓગળે.

ખાઈને ઉપર ચડ્યા પછી હું બહાર ઊભો હતો અને પ્રોફેસર અને અનસૂયા લાઈબ્રેરીમાં હતાં. પ્રોફેસરને તો ખાનગીમાં અને જાહેરમાં શું બોલવું અને શું નહીં, તેનું ભાન જરા ઓછું હતું. એનો અવાજ સંભળાતો : મર્યાદાથી અનસૂયા ધીમેથી જવાબ દેતી. ‘આજે આ ચોપડીઓ બધી વેરણખેરણ પડી છે... મગજ ચસકી ગયું લાગે છે. આખો દહાડો બકબક કર્યા કરે છે... કોઈ સાંભળનાર આવ્યું, કે પારાયણ ચાલ્યું...’

બિચારી અનસૂયાને એક દિવસ પણ આનંદ ભોગવવાની પરવાનગી નહીં ! એમાં પ્રોફેસરનો પણ શો વાંક ? એનું મન અખો દહાડો તત્ત્વજ્ઞાન અને ન્યાયના ઊંચા, અસ્પર્શ્ય વાતાવરણમાં ભમતું-એનો આનંદ, ચિંતા સુખદુઃખ બધાં વિચારનાં જ હતાં. સાધારણ માણસનો સ્વભાવ કેવો હોય છે, તેની શી જરૂરિયાતો છે, તેનું તેનું સુખ શામાં સમાયેલું છે, તેનો ખ્યાલ એમને નહોતો. અનસૂયા ગંભીર ચહેરે બહર આવી. અંખમાં આંસુનો ભાસ હતો - આંસુ નહોતાં. મેં જાણે કંઈ જોયું - સાંભળ્યું જ ન હોય તેમ હું બારી આગળ ઊભો. થોડો વખત મારા તરફ તેણે નજર કરી. એકાએક કંઈ વિચાર આવ્યો હોય એમ જોરથી ડોકું ધુણાવી, જરા હસતી હસતી તે ઊઠીને હેઠળ ચાલી ગઈ.

બપોરે ચા વખતે પણ અનસૂયાનો ભપકો અને લટક કંઈ ઓર જ હતાં; સવાર કરતાં ઉલ્લાસ વધારે હતો, પણ પ્રોફેસર તરફ પહેલાં જે વારંવાર જોઈ ગાંડુંઘેલું બોલતી તે તેણે છોડી દીધું ને તે માનનો પાત્ર મને બનાવ્યો. પ્રોફેસર તો ઘણી વખત ગંભીર ચહેરે બેસી જ રહેતા, કોઈક જ વખતે જરાક હસી જે ચાલે છે તે પોતે સાંભળી શકે છે, તેની ખાતરી આપતા.

‘રમણિકભાઈ ! ચાલો હવે બહાર ફરીએ. પ્રોફેસરસાહેબ ! આપ તો લાઈબ્રેરીમાં સિધાવશોની ? સાહેબજી !’

થોડી વાર ફરી બાગમાં એક બાસ્ટી હતી, તે પર અમે બેઠાં. સામે અભ્યાસખંડની બારીમાંથી પ્રોફેસર આમતેમ વિચારગ્રસ્ત ફરતા દેખાતા હતા; કોઈ કોઈ વખત તે અમારી તરફ જોતા. જ્યારે જ્યારે તેમની નજર અમારા પર પડતી ત્યારે ત્યારે અનસૂયા જાણે મારી જોડે ઘણી જ ખાનગી વાત કરતી હોય તેવો ડોળ કરતી; પણ તે વખતે તેનો મર્મ હું સમજી શક્યો નહીં.

બીજે દિસે આમ ને આમ જ ચાલ્યું. પ્રોફેસરમાં ધીમે ધીમે કંઈ જુદો જ ફેરફાર દેખાતો હતો. તેમની આંખો નિસ્તેજ હતી - વારંવાર અનસૂયા તરફ તે ફરતી : પણ બને ત્યાં સુધી અનસૂયા તે દેખતી ન હોય એમ જ વર્તતી. તેઓ કપડાં તરફ હમેશ કરતાં વધારે ધ્યાન આપતા દેખાયા; એક વખત તો તકતા સામું જોઈ કોલર ઠીક કરતા, પણ પકડ્યા. પ્રોફેસર માટે તો આટલી બધી દરકાર અસાધારણ કહેવાય.

ચા પછી ટપાલ આવી, અને તે લાઈબ્રેરીમાં ગયા. જમતી વખતે તો પ્રોફેસરની તબિયતમાં કંઈ અજબ બગાડો થયો હોય તેમ લાગ્યું. તેમની આંખો લાલ, ચહેરો ફિક્કો અને મન વ્યાકુળ દીસતું. છુપાવવાની ઘણી મહેનત કરતાં છતાં પણ વ્યાકુળતા તે છુપાવી શક્યા નહીં. ખાતાં ખાતાં તેમના હાથ ધ્રૂજતા હતા; પણ અનસૂયાએ કંઈ જોયું નહીં - અને જોયું હોય તો કંઈ બોલી નહીં. કાં તો ઘણે દિવસે મારા માયાળુપણામાં અંજાઈ ગઈ હોય કે કાં તો આતિથ્યસત્કારની ઊંચી ભાવના સિદ્ધ કરવાનો વિચાર હોય; ગમે તેમ, પણ તે મારી જ પાછળ ધ્યાન આપતી.

મહામહેનતે પ્રોફેસરે ખાધું અને અમે અભ્યાસખંડમાં ગયા.

‘હા ! તું મારો મિત્ર છે કે નહીં ?’ મારી સામે જોઈ ધ્રૂજતે અવાજે તે બોલ્યા. તેમના ચહેરા પરથી મનમાં કંઈ મોટો ખળભળાટ ચાલતો હોય તેમ સ્પષ્ટ દેખાતું હતું.

‘શિવલાલ ! આટલે વર્ષે સવાલ ?’

ઘણે દયામણે ચહેર તેમણે કહ્યું : ‘હા ! હું મૂર્ખ જ છું. વિદ્યાના વ્યસનમાં દુનિયાના ભાન વગરનો છું. ખરું-ખોટું કે સાચું-જૂઠું પારખવાની મારામાં શક્તિ નથી.’

શો જવાબ દેવો તે મને સૂઝયું નહીં. થોડો વખત ઊંડો વિચાર કરી પ્રોફેસર ફરીથી બોલ્યા : ‘રમણિક ! કેટલાક માણસને સોબત વગર ચેન નહીં પણ પડે એવું હોય ?’

‘શો સવાલ ? અરે, વાહ રે પ્રોફેસર ! બધા કંઈ તમારા જેવા હોય? કેટલાક શું, પણ ઘણાખરા સોબત વગર જવી પણ શકે નહીં.’ જાણે કોઈ બહુ મોટો ખુલાસો કર્યો હોય - કંઈ બહુ મોટી સમજણ પડી ગઈ હોય એમ તેણે ડોકું ધુણાવ્યું. બીજો કોઈ આવી વાતો પૂછે તો મશ્કરી મનાય, પણ આવી બાબતમાં એમની અજ્ઞાનતા કંઈ હાસ્યાજનક હતી.

થોડી વાર મૂંગા રહ્યા પછી કોલંબસની બાહોશીની જાણે બીજી મોટી શોધ કરી હોય તેમ બોલ્યા, ‘મોજ, શોખ, સારાં લૂગડાં વિના કેટલાકને સુખ નહીં મળે કેમ ?’

‘ના.’ મારાથી લાંબા જવાબ આપી શકાય એમ નહોતું, કારણ કે આવું સાદાઈ, વિદ્વત્તા અને મૂર્ખાઈનું પૂતળું ભાગ્યે જ બીજું નજરે ચડે એમ હતું, અને આવા સવાલોથી ગંભીર ચહેરો રાખવો એ પણ મુશ્કેલીનું કામ હતું. અનસૂયા સંબંધી એ વાત કરતા લાગતાહતા. જો આવા વિચાર પર વધારે ધ્યાન આપે તો અનસૂયાનું ભાગ્ય કંઈ ઊઘડે ખરું. કંઈક ભયંકર છૂપી વાત કહી નાખતા હોય તેમ ધીમેથી તેમણે મારા કાનમાં કહ્યું, ‘હું એને દુઃખી કરું છું. મારે એને વધારે સુખ આપવું જોઈએ.’ વળી નાના છોકરાની નિર્દોષતાથી તેણે પૂછ્યું, ‘કેમ સુખ આપું ? મને કંઈ સમજણ પડતી નથી.’

‘પ્રોફેસર ! આવા નકામા વિચારો ન કરો. જરા જરા અનસૂયા જોડે બોલો, બેસો તો તમને બંનેને વધારે સુખ મળશે.’

એક ઊંડો નિઃશ્વાસ મૂકી પ્રોફેસર ત્યાંથી ઊઠ્યા.

સવારના છ વાગ્યે અનસૂયા હું સૂતો હતો ત્યાં આવી.

‘રમણિકભાઈ !’

‘કેમ, બહેન ?’

‘જરાક એક કામ કરોની. પ્રોફેસરના પેટમાં બહુ દુઃખે છે. જરા દવા વેચનારને ત્યાં જશો ?’

‘બેલાશક, પ્રિસ્ક્રિપ્શન છે ?’

‘હ, આ રહ્યું. જલદી જાઓ હોં.’

‘પણ દવા વેચનારની દુકાન ક્યાં છે ?’

‘જુઓની, આ સીધે રસ્તે જશો એટલે થોડેક આઘે વચ્ચે ફુવારો આવશે. તેની બાજુમાં જ દુકાન છે.’

ઝપાટાબંધ મેં કપડાં પહેર્યાં અને દવા વેચનારની દુકાન ખોળવા માંડી. કાં તો અનસૂયાએ ઠેકાણું દેખાડવાની ભૂલ કરી કે કાં તો મેં રસ્તો ખોટો લીધો, પણ અર્ધો કલાક ચાલતાં પણ રસ્તા વચ્ચે ફુવારો જોયો નહીં. આખરે પગ થાક્યા અને વધારે વખત લાગે તો શિવલાલ બિચારા પીડાઈ મરે તેની બીકથી તપાસ કરવા માંડી. થોડી વારે બીજો દવાવાળો હાથ લાગ્યો અને દવા આપી. દવા આપતાં બોલ્યો : ‘કેમ, મિસ્ટર ! તુમને ડીસપેપ્સીયા ઘંનો જ છે નહીં ?’

‘નહીં રે; આ તો મારા મિત્રના પેટમાં દુઃખે છે તેને વાસ્તે છે.’

‘શું કોચ ? ટમારી ભૂલ છે, મિસ્ટર ! આટો ફક્ત ડીસપ્સીઆની જ દવા છે, સમજીઆ ?’

મને વિચાર થયો, કે કંઈ અનસૂયાએ ભૂલ તો નહીં કરી હોય ? એમ પણ હોય! તે છતાં ‘ઠીક, સાહેબજી !’ કહી ત્વરાથી ઘર તરફ જવાનો રસ્તો લીધો.

હું ઘેર ગયો ત્યારે હંમેશની માફક પ્રોફેસર લાઈબ્રેરીમાં જ હશે એમ મેં ધાર્યું. ત્યાં જોઉં છું તો જાણે નવા ફાટેલા જ્વાળામુખીએ ધરતી ઉઠાવી મૂકી હોય તેમ બધી ચોપડીઓ વેરણખેરણ પડેલી હતી. પ્રોફેસરની પ્રિય સખીઓકીમતી, વહાલી ચોપડીઓ ગમે તે પાને ઊઘડેલી, કોઈકે ફેંકતાં ફાટી ગયેલી, જ્યાં ત્યાં પડી હતી. શિવલાલનું પુસ્તકાલય - જે તેમની આખી દુનિયા કહીએ તો ચાલે - તેના પર સિતમ ગુજર્યો લાગતો હતો. ત્યાંથી નીકળી ઉપર ગયો. અનસૂયાના ઓરડામાંથી કંઈ અવાજ આવતો હતો. પ્રોફેસર ત્યાં સૂતા હશે એમ ધારી હું ત્યાં ગયો.

પ્રોફેસર નિરાશાની મૂર્તિસમા ભોંય પર પગ લંબાવી બેઠા હતા. તત્ત્વજ્ઞાનથી હમેશ તેજ મારતી આંખો સૂજેલી હતી. તેમાંથી ચોધાર અશ્રુઓ વહેતાં હતાં. નાનું છોકરું ધૂળમાં બેસી, મૂઠીઓથી આંસુ લૂછે તેમ હાસ્યજનક નિર્દોષતાથી મૂઠીથી તેને તે લૂછતા હતા. બીજો હાથ તેમણે ભોંય પર ટેકવેલો હતો. એક હાથથી પાસેના કબાટમાંથી ભભકતાં વસ્ત્રો તેમણે ખેંચી કાઢી તેની રંગબેરંગી શોભાથી આખો ઓરડો ભરી કાઢ્યો હતો. એમના મોં આગળ અનસૂયાની એક છબી પડેલી હતી. પ્રોફેસરને માટે જો મને માનની લાગણી ન હોત - જો એમની આવી દયાજનક સ્થિતિનું કારણ જાણવાની ઊછળતી આકાંક્ષા મને ન હોત તો જરૂર હું ખડખડ હસી પડત.

‘અનસૂયા ! તને આ શું સૂઝ્‌યું ?’ પ્રોફેસર રડવાથી ફાટી ગયેલ ઘાંટે બોલ્યા. પછી તેમણે પોતાનું કપાળ કૂટ્યું; ‘અરે મૂર્ખા !’

આ દુઃખના શબ્દોએ મને ગભરાવ્યો. શું અનસૂયાને કંઈ અનિષ્ટ થયું છે ? ‘શું છે ?’ પૂછતો હું ઓરડામાં પેઠો. મને જોતાં જ પ્રોફેસરના ચહેરા પર ગુસ્સાનો સખત આવેશ આવ્યો. વિદ્વત્તા અને ભલાઈથી ઓપતા મોં પર એક વાર જવલંત રોષનું વિકરાળ સ્વરૂપ દેખાયું.

‘શું છે ? રમણિક ! ચોર !’ કહીને ઊભા થયા; પણ પ્રોફેસરના કોમળ હૃદય માટે આટલો જુસ્સો ઘણો હતો. પાસેની ખુરશી પર બેસી જઈ રડતે અવાજે તે બોલ્યા : ‘અરે તું ! આવો નિમકહરામ ! અરે ભગવાન !’

‘અરે, પણ છે શું ? હું તો તમારે માટે દવા લેવા ગયો હતો.’ આ આક્ષેપ ન સમજવાથી ઘણો અજાયબ થઈ મેં કહ્યું,

‘દવા કેવી ?’

‘અનસૂયાભાભીએ કહી હતી તે.’ ‘પણ અનસૂયા ક્યાં છે ?’ ‘તે તમને ખબર કે મને ? હું તો આ બહારથી ચાલ્યો આવું છું. મને શી ખબર ?’ ન માનતા હોય, મારું કહેવું બહુ વિચિત્ર હોય, તેમ પ્રોફેસરે ડોળા ફાડ્યા.

‘શું તારી સાથે નથી આવી ?’

‘મારી સાથે શું કામ આવે ?’

‘તું લઈને નાસી નથી ગયો ?’

‘નાસી ક્યાં જાઉં ?’

‘ક્યાં ગઈ ત્યારે ? ઓ રમણિક, મશ્કરી નહીં કર. અનસૂયા ક્યાં?

તું જ તેને લઈ ગયો છે -’

‘અરે, પણ હું ક્યાં લઈ જાઉં ? કંઈ ગાંડા થયા છો ? અને હું લઈ ગયો હોઉં તો પાછો શું કરવા આવું ?’

‘ત્યારે આ શું ? કહી બે કાગળ ધર્યા. એક ટાઈપ કરેલો હતો. એમાં

આટલું જ હતું કે,

‘તારા મિત્રથી ચેત. તારી બૈરીને સુખ નહીં આપશે તો દુઃખી થશે.’

‘આ કાગળ કાલે ટપાલમાં આવ્યો.’

‘તમે મારી જોડે વાત કરી તે પહેલાં ?’

‘હા.’ કાલે જે ગંભીર વાત કરવા પ્રોફેસર આવ્યા હતા તેનું કારણ હવે મને સમજાયું. ‘આ બીજો જો !’ કહી બીજો કાગળ તેમણે ધર્યો. બીજો અનસૂયાના હાથનો હતો. તેમાં લખ્યું હતું કે, વહાલા પ્રોફેસર !

આપને ચોપડીઓ બહુ ગમે છે; મને તમારી સોબત બહુ ગમે છે. એ બે ન બને. તમને મોજશોખ નથી ગમતા; મને તેના વગર નથી ગમતું. ત્યારે આપને છેલ્લી સલામ.

લિ. આપની

અનસૂયા

‘આ ક્યારે મળ્યો ?’

‘આજે સવારે મારા ટેબલ ઉપર પડ્યો હતો.’

‘ખરેખર ?’

પ્રોફેસરના મગજ પર કંઈ નવું તેજ પડ્યું. એકદમ તે ઊભા થયા. તેમનું મોં હતું તેના કરતાંય વધારે પડ્યું. ‘રમણિક, હું સમજ્યો. તે ગઈ. તેણે આત્મઘાત કર્યો.’

‘ગઈ કાલના ઢાળાચાળા પરથી અનસૂયાનો કંઈ એવો વિચાર દેખાતો નહોતો, પણ કંઈ તોફાનનો ભાસ થતો હતો. કાગળ મરતું માણસ લખે તેના કરતાં મશ્કરી કરનાર લખે તેવું વધોર લાગે છે.’ પ્રોફેસરને કહ્યું. પણ તે તો દુઃખની પ્રતિમા જેવી માથે હાથ દઈ બેસી રહ્યા; અને હું કહેતો તે ધ્યાન આપ્યા વગર ડોકું ધુણાવ્યા કરતા હતા.

‘તું ન સમજે રમણિક ! એ તો મરી ગઈ ! હું ગધેડો છું. આજે ત્રણ ત્રણ વર્ષનાં વહાણાં વાયાં; પણ મેં ન તેને બોલાવી ને ન કંઈ સુખ આપ્યું-ન ઓઢવા દીધું ને ન પહેરવા દીધું. હું તો જાનવર છું. વાંચવામાં ને વાંચવામાં અનસૂયા ગઈ.’

‘અરે જરા ધીરજ તો રાખો. મને તો મજા...’

‘અરે મૂર્ખા ! મશ્કરી ન હોય. આવું જાણત તો હું મારો અભ્યાસખંડ ફૂંકી મકત. ઓ મારી અનસૂયા !...’ કહી રડી પડ્યા.

‘અરે ઓ...’ તેવે જ ઘાંટી જવાબ દેતી, તોફાનમાં હસતી, કૂદતી અનસૂયા કબાટ પછાડીથી આવીને પાછળથી પ્રોફેને ગળે વીંટળાઈ. પ્રોફેસરે ડોકું ઊંચું કર્યું. તરત જ અનસૂયાના હાથ તેની આંખો પર બિડાઈ ગયા ને પાછળથી મારી સામે તે આંખો નચાવવા મંડી.

‘કોણ અનસૂયા ?’ - ફાટેલા ઘાંટાથી રડતાં, હસતાં, પ્રોફેસરે પૂછ્યું. અનસૂયાએ જવાબ દીધો નહીં. ધીમેધીમે, ડરતા હોય તેમ પ્રોફેસરે આંખ પરના સુકોમળ હાથ તપાસ્યા - તે હસી પડ્યા.

‘અનસૂયા ! છોડ.’

‘ના-આ-આ.’

‘તું ક્યાં ગઈ હતી ?’

‘મરી.’

‘સાચું બોલ. હું તો ગભરાઈ ગયો હતો.’

‘નસીબ તમારાં.’

‘બોલની, ક્યાં ભરાઈ હતી ? આ તોફાન શું કરવા ? તને ખબર છે કે હું જીવતો મરી ગયો હતો ?’

‘શું કામ ? મારી શોક્ય તમને સોંપી હતી, પછી શું ?’

‘શોક્ય કોણ ?’

‘તમારી ચોપડીઓ.’

‘ચૂલામાં પડી ચોપડીઓ. મારી આંખો છોડ. હું તો ગૂંગળાઉં છું.’

‘મને ત્રણ વર્ષ ગૂંગળાવી તેનું કેમ ?’

‘તેની શિક્ષા કરે છે, લુચ્ચી !’ બંધ આંખોએ તેને પકડવા પ્રોફેસર મથતા; પણ અનસૂયા તેના માથાની હતી.

‘નહીં, બીજી તે તો બાકી છે.’

‘શું ?’

‘હું પહેરાવું તેવાં લૂગડાં પહેરવાં. હું લઈ જાઉં ત્યાં ફરવા આવવું. હું કહું ત્યાં સુધી મારી જોડે બેસવું.’

‘અરે, વાહ રે, મારા માસ્તર !’ કહી પ્રોફેસરે જોરથી હાથ ખેંચ્યો અને અનસૂયાને પોતાના બાથમાં લીધી. ઘણ દિવસની ભૂખી બિચારી અનસૂયા સુખી મુખડે ત્યાં લપાઈ ગઈ. બે પ્રચંડ પર્વતોનાં શિખરો વચ્ચે સુધાભર્યો ચન્દ્ર જેમ ચમકે તેમ રસાળ મુખડું પ્રોફેસરના હાથ વચ્ચે શોભી રહ્યું. આપણું કામ પતી ગયું મને લાગ્યું, એટલે આપણે ત્યાંથી છાનામાના બહાર નીકળ્યા.

તમે હવે પ્રોફેસરને જોયા છે ? તેમના શિષ્યો કહે છે, કે અનસૂયા તેમને માથે છાણાં થાપે છે.

પ. એક પત્ર

મારા નાથ ! મરણપથારીએ પડી પડી એક વાર ફરી તમારે ખોળે મારું માથું મૂકું છું. આ કાગળ ન લખત. હજારો વાર કરગરી કરગરી કહેલા હૃદયભેદક બોલોની કંઈ અસર થઈ નહોતી, તે કંઈ હવે થશે ? નહીં થાય, મને ખાતરી છે; પણ મારા વિચારો, મારા અનુભવો જણાવવાથી હું દુઃખમાંથી છૂટીશ; અને તેથી કોઈ ભવિષ્યની તમારી પત્નીના સદ્‌ભાગ્યે જો આપના મગજમાં કંઈ સદ્‌બુદ્ધિ આવશે તો જે દશા મારી થઈ તે તેની થશે નહીં અને મારી માફક કુમળી વયમાં તે કાળશરણે જશે નહીં.

‘મારી સોળ વર્ષની જિંદગીમાં બહુ બહુ દુઃખ પડ્યું. કોણે પાડ્યું તે પ્રભુ જાણે, પણ એક વખત તો મારે કહેવું પડશે, - શરમ છોડી, ડોસાઓની મર્યાદા મૂકી કહીશ કે જો એ દુઃખને માટે કોઈ જોખમદાર હોય, જો કોઈ એ દુઃખ મટાડી શકત તો તે મારા સ્વામીનાથ - મારા દેવ - તમે હતા, પણ તમે મારો હાથ ઝાલ્યો, દુનિયાએ તમને કોમળ બિનઅનુભવી બાળા સોંપી; પણ તમે તેનો વિચાર પણ ન કર્યો - મારી આ દશા થઈ - મારા પ્રાણ જવા, મારું ખૂન થવા વખત આવ્યો.

‘હું આપને ત્યાં આવી તે વખત યાદ છે ? પ્રેમાળ માતાપિતાની લાડલી છતાં પણ તેમનો ભાવ તરછોડી હું તમને ઝંખતી. પરણ્યા પહેલાં પણ નિશાળે જતાં જો મારી નજર તમારા પર પડતી તો મારા હૃદયમાં કંઈ અવનવા ભાવો ઊગતા; મને એમ થતું કે ક્યારે તમને મળું ? ક્યારે તમારી સેવા કરી જીવન સફળ કરું ? પાછળથી તમે મને અનેક દોષ દેતા; તમારે માટે બેદરકાર રહેવાનો ક્રૂર આરોપ મૂકતા. એવું કંઈ બને ? હિંદુ સંસારમાં પતિ અને પ્રભુ એ બેમાં પતિની પ્રભુતા મોટી છે. બાળપણથી જ નાની બાળકીઓ પતિદેવની આરાધના માંડે છે. ફેર માત્ર એટલો કે તે દેવ, દેવાધિદેવ ઈશ્વર કરતાં પણ આડંબર મોટો રાખે છે અને ભક્તવાત્સલ્ય ઓછું ધરાવે છે.

‘હું જ્યારે તમારે ત્યાં આવી ત્યારે કેટલી નાની હતી ? મહિના પહેલાં નિશાળે જતી, કોઈ નિર્દોષ હરણીના સ્વચ્છંદ અને આનંદથી કૂદતી. સાસુનો રોફ ને ધણીની ગુલામગીરી એ બંને શબ્દો પણ મારા કાન પર નહોતા પડ્યા; છ મહિનામાં મારું મન કેવું રૂંધાશે, મારું હૃદય કેટલું ઘવાશે તેનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. આવતાં વાર જ શા માટે મારા નિર્દોષ મનને ખાટાંતીખાં મહેણાંથી જાતીણું કર્યું ? હું કંઈ પણ કરતી કે કહેતી કે મારાં મા-બાપ વિશે ચર્ચા કરવાની શી જરૂર હતી ? મને ન આવડે તો સાસુજીની તો શીખવવાની ફરજ હતી. શું હું રાક્ષસી છું ? શું છોકરાને મા-બાપને માટે ભાવ, માન હોય અને હેતાળ છોકરીને પોતાની જનેતા અને પૂજ્ય પિતાને માટે જરાય લાગણી ન હોય ? અને ‘તારી મા અને તારા બાપ અને તારી ઉખાત !’ તમને કોઈ એમ કહે તો તમે સામાને તમાચો મારી શકો, જ્યારે નિર્દોષ બાલિકાને પૂજ્ય માવિત્રોના પર પડતા શુકનો સાંભળવા પડે, મન અકળાય, પણ વેઠવાં પડે; હૃદય રડે પણ ખમવાં પડે.

‘બે-ત્રણ મહિનામાં કઠણ કાળજું કરી એ સાંભળવાની ટેવ પાડી ત્યારે નવી ખૂબી શરૂ થઈ. વહાલા ! તેર વર્ષમાં મારું શું ગજું ? પારકે ઘેર ઊછરેલી નાદાન છોકરીને તમારી રીતિઓ ક્યાંથી આવડે ? જેમ તમારી બહેન તમારી માને લાડકી તેમ હું પણ મારી માને હતી. મારાં કોમળ અંગોની તેમને દરકાર હતી. ત્યારે શું વીશ વર્ષની દીકરીનાં સુકોમળ અંગો જરા કામ કરતાં શેકાઈ જાય અને તેર વર્ષની વહુનું શરીર આખા ઘરનું કામ ઉઠાવી શકે ?

‘શું હિંદુ સંસારમાં સાસુ અને વરને જરા પણ ન્યાયના અંકુરો મનમાં નથી હોતા ? મારું પણ શરીર હતું, કંઈ લોઢું-લાકડું નહોતું. વળી આખા દિવસની મહેનત મજૂરી પછી તમારી પતિ તરીકે શી દરકાર ?

‘આખી જિંદગી મેં સાંખ્યું છે, પણ હવે બોલીશ. તમને શું ખબર નહોતી કે હું પણ નાદાન અશક્ત બાળક છું ? આખો દિવસ ગધ્ધાવૈતરું કરું છું. નથી સૂતી કે નથી બેસતી. તમે બોલબેટ રમીને આવો, ઑફિસમાં જઈ આવો તેમાં શું થયું ? અમે ઘરમાં શું ઊંધ્યાં કરીએ છીએ ? આખો દિવસ મજૂરી કરતાં, પળેપળ ગાળો ખાતાં, આખા ઘરના વધેલે ધાને પેટ ભરતાં, અસંતોષમાં અહોનિશ જીવન ગાળતાં, થાક્યાંપાક્યાં બે પ્રેમલ શબ્દની લાલસાથી તમારી પાસે આવીએ તો તમારાથી એક શબ્દ પણ સ્નેહનો ન બોલાય ? સાધારણ વસ્તુ જોઈએ તો પણ તરત ઊઠી હાજર રહેવું, પળવાર લાગતાં તમારા ઘાંટા સાંભળવા. તમારામરદના મજબૂત પગ ઑફિસમાં બેઠે બેઠે દુઃખે તેને મારા નિર્બળ હાથે દાબવા અને તમને પરસેવો થાય તો કંપતી કેડે અડધી રાતે પવન નાંખવો ! શું તે વખત તમારા મનમાં એમ પણ ન આવ્યું, કે આ તમારા કરતાં વધારે કોમળ બાળા કેમ આ શારીરિક દુઃખ વેઠશે ? પણ ક્યાંથી આવે ? હું તો ગુલામડી.

‘વહુ તો ઘરનું એક બિલાડું. બિલાડું પણ સારું કે નિરાતે ઊંઘે ને બે વખત નિરાંતે ખાય. તમને મરદોને અમારાં દુઃખોની શી ખબર ? ઘણા દિવસો એવાય ગયા છે, કે આખો દિવસ અથાગ કામ કરી પેટની નસેનસ દુખતી હોય, બેસાતું ન હોય, સૂવાનું તો ક્યાંથી જ હોય ? એ દુઃખ સાથે પણ તમારી સેવા કરી, મૂંગે મોઢે જ્યાં ત્યાંથી નિદ્રાદેવીનો આશરો લેવાની જ આકાંક્ષા હોય; તેવા વખતે તમારો સખત બોલ, અણઘટતી ધમકી, અને કવિચ્ત બે-ચાર લપડાક પણ સહન કરતી; તે આંસુ પડે તેમાં પણ ગુનેગારી!

‘પિયેર જવાની બંધી; સાસુનો સદાનો કોપ; તમારું હંમેશનું સ્વામીત્વજુલમી બેદરકાર સ્વામીત્વ; આ બધું પંદર વર્ષની છોકરીને તમે સહન કરાવ્યું! હજારો મારા જેવી કરે છે તેમ મેં પણ કર્યું.

‘ભૂલેચૂકે એક દિવસ મારી માને મોંએ મારાથી કંઈ કહેવાઈ ગયું, તેનો તમારી માને કાને ઊડતો સંદેશો આવ્યો. તેણે વાતનું વતેસર કરી તમારા કાન ભર્યાં. તમે તે રાતના મને મારી. એ દિવસ યાદ છે ? ફાટતી છાતીએ ઉશીકા પર બહુયે આંસુ વરસાવ્યાં - મોત માગ્યું. આ રીતે અસલની બૈરી-નદીએથી આખો દિવસ પાણી ભરી લાવનારી પુષ્ટ શરીરવાળી - આખો દિવસ કૂથલી કરી દિવસ ગુજારી જડ મગજની માત્ર કહેવાતી અબળાઓ, આ બધું સહન કરતી હોય તો ભલે; પણ ભણેલીગણેલી સુકોમળ શરીર અને હૃદયની હાલની બાળાઓ આ ક્યાંથી વેઠી શકે ?

‘જો તમે સ્નેહ દેખાડ્યો હોત - તમને ખાવાપીવાનો મોજશોખ કરાવનારી લૂંડી તરફ મહેરબાની નહીં - જો જરા પણ દરકાર, મારા તરફ જરા પણ સહનશીલતા કે ન્યાય દર્શાવ્યાં હોત તો સંસારે તો તમને મારા શરીરના માલિક બનાવ્યા હતા, પણ હું તમને મારા અંતરના પ્રભુ બનાવત -તમારી સૃષ્ટિને ફૂલ પાથરી સુખની સીમાનો અનુભવ કરાવત. પણ મનની બધી મનમાં જ રહી. તમારે પલ્લે પડીને ન મળ્યો ન્યાય, ન મેળવ્યો સ્નેહ કે ન પામી સુખ. મારું અંતર રિબાઈ રિબાઈ શરીર સુકાયું અને આખરે તમારા શબ્દો અને કૃત્યોથી જ આજે મરું છું.

‘એક દહાડો તો તમારા સ્વાર્થ સિવાય બીજી વાત કરવી હતી ? એક પળ તો શુદ્ધ પ્રેમનો સ્વાદ ચખાડવો હતો ? એક વાર તો જમ્યા પછી પૂછવું હતું કે, પાછળ ધાન રહ્યું છે કે પોપડા ? એક દહાડો તો સાથે બેસી કંઈ રસિકતાનો, કંઈ ઊંચા વિચારોનો ખ્યાલ કરાવવો હતો ? પણ એવી ક્યાંથી આશા ? ખાઈ પી, પેટ ભરી, જિંદગી ગાળવામાં એવા વિચારો ક્યાંથી આવે ? અસલ સતીઓ આવતે ભવે તે જ સ્વામી માગતી. હું માગું, પણ તે લાયકાત તમે દેખાડી છે ? તેવી સતીઓને તેવા પતિ હતા. આ ભવે છૂટી-પ્રભુ ફરી આપણો સાથ ન કરાવે !

‘સાસુજીને કહેજો, કે ફરી કોઈ ભણેલી સ્ત્રી ન લઈ આવે !’

અભાગિણી.

૬. ગૌમતિ દાદાનું ગૌરવ

સમાનતાની વાત કરવા તો બધા શૂરા છે. કંઈ લોકશાસનની વાતો કરી તેથી આપણું કુલાભિમાન અને જાતિઅભિમાન છોડી દેવાં ? નહીં જ. એ દોષ હોય તો પણ પ્રશંસનીય છે, ‘મહાન નરનું છેલ્લું કલંક’ છે. તો પછી, રા. સુમતિશંકરનું કુટુંબ આ દોષથી ભૂષિત હોય તો શો વાંધો ?

આજે બધે શું છે ? બીજા બધા બેચાર પેઢીની વાતો કરે છે; સુમતિ તો શુદ્ધ ઋગ્વેદી, આશ્વલાયની શાખાઓ અને અત્રેયસ ગોત્રનો ઊંચો અસ્પર્શ્ય બ્રાહ્મણ ! જ્યારે સુમતિનું વંશપરંપરાનું ગૌરવ જોઈએ; અને જ્યારે દહાડામાં ત્રણ વખત તસ્દી લઈ, નામ અને કુળ ન ભુલાય માટે પેઢીધર ત્ત્શ્ક્રશ્વસ્ર્શ્વગટક્રક્રશ્વશ્ક્રક્રશ્વઅપ્તક્રક્રશ્વદ્યધ્ કરી બાપદાદાઓ અનસૂયાના જ પેટમાંથી નીકળેલા હતા તેનો ચોખ્ખો દીવા જેવો પુરાવો જોઈએ; અને જેમ કોઈ નદી જમીનમાં થઈને, અથવા ઝાડપાનથી ઢંકાઈ વહેતી હોય અને દેખાતાં ન દેખાતાં છતાં આખરે પર્વતમાં જ એનું મૂળ છે એમ માનીએ; પેઢીનામું ખોવાતાં-ભુલાતાં, જ્યારે મૂળ પુરુષ અત્રિને પકડી શકીએ; જ્યારે તે અત્રિ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને ખોળામાં રમાડનારના ભરથાર હોય; અને જ્યારે આમ બ્રહ્મા સુધીનો અસ્ખલિત દાખલો ચોક્કસ થાય, તો પછી કોની મગદૂર છે, કે સુમતિશંકરનું કુલાભિમાન વાસ્તવિક નથી એમ કહેવાની હિંમત કરે ?

આ ચોક્કસ પેઢીનામા આગળ ચીનના પદભ્રષ્ટ રાજાના વંશગૌરવનો પણ હિસાબ નથી. તેમાં જો સુમતિનાં ફોઈ અને કાકાને અત્રિ સંબંધી વાત કરતાં સાંભળો તો તમને તો એમ જ લાગે, કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અનસૂયાએ ખોળામાં સંતાડ્યા ત્યારે સુમતિનાં ફોઈ અને કાકા બારણાં પાછળ ભરાઈ, અનસૂયા દાદીનું પરાક્રમ નિહાળી રહ્યાં હશે; અને જ્યારે કોઈ શુભાશુભ પ્રસંગે સપ્તર્ષિનું સાત સોપારી મૂકી આવાહન થયું ત્યારે સુમતિના કાકા વિમતિશંકરની છાતી એક વેંત ઊંચી આવતી; અત્રિ બનેલા સોપારીને ચંદનના ચાર વધારે છાંટા અને ફૂલની બે મોટી પાંખડી ચઢાવ્યા વિના તે રહેતા નહીં; તે ઉપરાંત તરત જ આમતેમ મગરૂરીમાં જોતા અને ધીરમતિ ફોઈની સામે જોઈ ‘અત્રિ-સોપારી’ દેખાડી ‘આ આપણા દાદા’ એવું કૈંક નજરથી સૂચવતા.

પણ જો કુલગૌરવનું કારણ આટલું જ હોત તો તેમાં કંઈ એટલી બધી નવાઈ નહોતી; કારણ કે બ્રહ્માના ઋષિપુત્રોથી જ હિંદના બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ છે; અને બાકી બીજા દેશોમાં તો બ્રહ્માના આંગળીએ આણેલા પુત્રોથી થઈ હોવાથી, આપણા સદ્‌ભાગ્યે કરોડો ભૂદેવો બારોબાર સૃષ્ટાથી જ આવેલા એ વાત સિદ્ધ છે, પણ સુમતિશંકરના કુટુંબના ગર્વનું કંઈ બીજું પણ કારણ હતું, તે અને એમના કુટુંબીઓ ધીમે, માનભર સાદે જ જણાવતા, નહીં તો માંહોમાંહે સમજતા. પહેલાં તો જાણે એમનામાં મતિ ન હોય તેમ છોકરા અને છોકરીઓ-બધાંનાં નામ પાછળ ‘મતિ’ રાખવામાં આવતું, સુમતિના કાકા વિમતિ, ફોઈ ધીરમતિ, બાપ શંકરમતિ, વગેરે, વગેરે.

કારણ એમ હતું, કે કોઈ એમનો પૂર્વજ ‘ગૌમતિ’ ઘણો પ્રતાપશાળી થઈ ગયો હતો, અને તેના વંશજ બીજા બધા કરતાં કોઈ અજબ રીતે ચડતા હોય તેમ બધા વર્તતા. એમને ત્યાંનાં બધાં અતડાઈ અને રોફમાં રહેતાં. એમના કાકાઓ ન્યાતમાં, સ્મશાનમાં, વરઘોડામાં આગળ આગળ ચાલતા. એમની ફોઈઓ કૂટવામાં, ફટાણામાં બધાં કરતાં જુદે જ રાગે ને જુદી જ તીખાશથી રસ ભેળતાં. એમના છોકરાઓને બીજાની જોડે રમવા દેવાની સખત મનાઈ હતી. નિશાળોમાં માસ્તરને ચોક્કસ હુકમ હતો, કે ખરબદાર અમારા છોકરાને બીજા સાથે બેસવા દીધો કે ફરવા દીધો તો ! કારણ કે, તેઓ ‘ગૌમતિના પેટ’ના હતા. એમના કુટુમ્બનાં બધાં ઊંચી મોર જેવી ડોકી કરી ચાલતાં, અવારનવાર વાત કરતાં.

‘હું ગૌમતિના પેટનો હોઉં તો’ આમ અને તેમ કર્યા કરતા. વારંવાર ‘ગૌમતિ’નું કુલ લજાવાની ધાક બધાથી વધારેમાં વધારે દેખાડતાં.

સુમતિ નાનો હતો ત્યારે તેને બહુ ચીડ ચડતી; કારણ કે ‘ગૌમતિ’ કુલોત્પન્ન થયા છતાં એનામાં તેનો વા જરા ઓછો હતો. સમજ નહોતી પડતી, કે એનામાં એવું શું છે, કે જેથી ફળિયાનાં છોકરાં જોડે ન રમાય, નિશાળમાં સાથે ન બેસાય, તેની સાથે ન ચણામમરા ખવાય ને ન વરસાદમાં ઝીલવા જવાય. ધીરમતિ ફોઈ અને હરમતિ ફોઈ બે અને બહુ ધમકાવતાં, અને ‘ગૌમતિ કુલકલંક’ ઊઠવાની ભયાનક આગાહી આપતાં.

તેમાં હરમતિ ફોઈમાં કુલાભિમાન ઘણું સતેજ હતું. તેમનો ધણી જીવતો હતો; પણ સાસુ અને વર જોડે સાત વર્ષ સુધી પોતાનું કુલ મોટું છે એમ અનેક વાદવિવાદો કર્યા પછી પણ તેઓની મોભાગ્ર બુદ્ધિ ‘ગૌમતિ’ કુલની મહત્તા ન સમજી શકી. અને તેવાં છીછરડાં લોકો જોડે રહેવા કરતાં કુલદીપિકા હરમતિ ફોઈએ જીવતા ધણીએ રંડાપો વેઠી, પિયરમાં બાકીની જિંદગી પૂરી કરવાનો આગ્રહ આદર્યો હતો. ઘણી વખત ફોઈને સુમતિ પૂછતો, કે કેમ ફલાણું નહીં કરું ? પૂછતાં જ ફોઈઓનો મિજાજ જતો. છોકરાની કુબુદ્ધિનો નાશ કરવા માટે ઈશ્વર પાસે યાચનારૂપે તેમની આંખો આકાશ તરફ ફરતી, અને બહુ થાય તો ધીમો ઘાંટો કાઢી ફોઈઓ પૂજાની ઓરડી તરફ આંગળી કરતી. આમ કરવાનું એક મોટું કારણ હતું.

પૂજાની ઓરડીમાં અદ્‌ભુત ભેદ હતો. ‘ગૌમતિ’નું નામ દેતાં બધાંની નજર તેના તરફ જતી, જાણે ‘ગૌમતિ દાદા’ સદેહે ત્યાં બેઠા હોય તેમ તેનો ત્રાસ લાગતો, અને વર્ષમાં એક દિવસે-વૈશાખ વદ ચૌદશે-ઘરમાં મોટાં ભેગાં થતાં, છોકરાંઓને ઓરડીમાં પૂરતં અને ઘીનો દીવો કરી બધાં પૂજાની ઓરડીમાં જઈ કશાને નૈવેદ્ય ધરાવતાં.

સુમતિને તે શું છે એ જોવાનું મન તો બહુ થતું; પણ કાકાનો હુકમ તોડાય તેમ નહોતું. જ્યારે તે મોટો થયો ત્યારે તેને વાત કહેવામાં આવી, કે પૂજાની ઓરડીમાં ‘ગૌમતિ’ દાદાનાં પહેરેલાં કપડાં, મુગટ અને શણગાર છે. અને કુટુંબમાં એવી પણ કહેણી હતી, કે જ્યાં સુધી એ વસ્ત્રાલંકાર આમ રહેશે ત્યાં સુધી કુટુંબની મહત્તામાં કંઈ વાંધો કદાપિ પડનાર નથી. ન્યાતના લોકો ગમે તે કહેતા, પણ તેઓમાં પણ કંઈ દંતકથા ચાલતી; અને તેથી ‘ગૌમતિ કુલતિલકો’ને ઘણું માન મળતું અને યજમાનો દક્ષિણા પણ સારી આપતા. ધીમેધીમે ફોઈઓએ એને સમજાવ્યો, કે જ્યારે બાવીશ વર્ષ પૂરાં થાય ત્યારે જ ‘ગૌમતિ’ દાદાનો પહેરવેશ જોવાનો લાભ પહેલી વખત દરેક છોકરા-છોકરીને મળે.

સુમતિ જેમ જેમ મોટો થયો તેમ તેમ તે પણ કુલદીપક નીવડશે એમ લાગ્યું. એનું માથું આકાશે ગયું, એનો સ્વભાવ અતડો થયો, એ પણ ‘ગૌમતિ’ના પેટને વારંવાર સંબોધતો થયો. બાવીશ વર્ષનો થયો ત્યાં સુધી પૂજાની ઓરડીમાં જવાય એમ નહોતું; પણ કલ્પનાના ઘોડા દોડાવી શો રેશમી પહેરવેશ, શાં ચમકતાં જવાહીરો, શો લચકતો શિરપેચ, શી વૈજયંતી માલા અંદર પડ્યાં હશે, તેનો વિચાર કરતો. તેણે મનમાં ધાર્યું જરૂર, ‘ગૌમતિ’ દાદા વિક્રમ કરતાં તો બે-ચાર દરજ્જે મોટા હશે જ. અંગ્રેજી ભણવા માંડ્યું ત્યારથી મેટ્રિકમાં ચાલતા રૂપિયા રૂપિયાના હિંદના ઈતિહાસો લઈ લીટીઓ લીટીએ ‘ગૌમતિ’ શબ્દ ખોળવાનો તેણે પ્રયાસ શરૂ કર્યો તે મેટ્રિકમાં આવ્યો ત્યારે પૂરો થયો; કારણ કે તેને સમજ પડી, કે રૂપિયાના ઈતિહાસો તો અપૂર્ણ હોય છે. પછી શ્રદ્ધા બેઠી અને નિશાળના પુસ્તકાલયમાંથી ‘મિલ’નો ઈતિહાસ ઘેર લાવી લીટીઓ તપાસવી તેણે શરૂ કરી.

એક યજમાનની ખોટી સલાહથી સુમતિને કૉલેજમં મૂકવાનો નિશ્ચય થયો. બોર્ડિંગમાં ભ્રષ્ટાચાર હોવાને લીધે યજમાનોને ત્યાં સુમતિને મૂક્યો, અને પોતાની જ્ઞાતિ અને કુલશુદ્ધતા સાચવવા સાથે પેટને અર્થે અધર્મી પાશ્ચાત્ય કેળવણી લેવી તેણે શરૂ કરી.

અંગ્રેજી કેળવણીની અશુદ્ધતાએ સુમતિના પવિત્ર ‘ગૌમતિ’ સ્વભાવને બગાડ્યો. ધીમેધીમે ‘સ્વાતંત્ર્ય’, ‘વ્યક્તિત્વ’; એવા એવા પાશ્ચાત્ય તોફાનના ભણકારા તેના કાનમાં વાગવા માંડ્યા અને ગંગાની માફક એ નીચે ને નીચે પડવા માંડ્યો.

એક ઘણી ખાનગી વાત છે - એક વખત ત્રણ દિવસ લાગલાગટ સંધ્યા સુધ્ધાં તેણે ન કરી. એક વખત કૉલેજની ‘ડિબેટિંગ સોસાયટી’માં માણસ બધાં સરખાં છે એવી ચર્ચા કરવા ઊભા થવાનું નિર્લજ્જ પગલું લીધું; અને અધમતાની સીમાએ પહોંચી, એક વખત હિંમત ધરીને બાપદાદાની મોટાઈ વખાણી જીવવું એ પોતાની ક્ષુદ્રતા કબૂલ કરવા જેવું છે, એવું કહી નાંખ્યું !

એના અધઃપાતની પરંપરાની હદ વળી ગઈ. ‘ગૌમતિ’ કુલમાં એ અંગાર ઊઠ્યો. સ્વર્ગમાં કે જ્યાં હોય ત્યાં ગૌમતિનો આત્મા ગાજી ઊઠ્યો. બ્રહ્મલોકમાં અત્રિ ઋષિના હાથમાંથી ગૌમુખી સરી ગઈ. તેની અર્ધાંગના અનસૂયાની આંખમાંથી આધ્યાત્મિક આંસુ ખરવા માંડ્યાં !

જેમ જેમ આ છોકરો બગડતો ગયો તેમ તેના મનમાં પૂજાની ઓરડીમાંનો ભેદ ફોડવાની આકાંક્ષા વધી; કારણ કે ક્યાંય પણ ઐતિહાસિક મુદ્દો હાથ નહીં લાગવાથી તે કોઈ ઠાકોર કે જમીનદાર હશે એમ તેને લાગ્યું. વીશ અને બાવીશ વર્ષ વચ્ચેનું અંતર જીવલેણ લાગ્યું. આખરે બાવીશ વર્ષ પૂરાં થવા આવ્યાં. કાકા મરી ગયા હતા એટલે ફોઈઓએ તેને આ ગૌરવનો મોટો ભેદ દેખાડવા હા કહી. ગમે તે વિચાર હોય, પણ સુમતિશંકરનું હૃદય ઊછળી રહ્યું. મન પર માનનું દબાણ થયું.

શુભ દિવસે તે ગામ આવ્યો - ઘરની વહુઓ પિયર વળાવી - નાનાં છોકરાંને પડોશીને ઘેર બેસાડ્યાં - બારણાં વાસ્યાં, ફોઈ-ભત્રીજો છાનાંમાનાં ‘ગૌમતિ’ દાદાનો પહેરવેશ નિહાળવા પૂજાની ઓરડી પાસે ગયાં. ત્રણેએ શ્વાસ ખાધો - માન, કૃતજ્ઞતા, પિતૃભક્તિ એ બધાંની લાગણીને મહામહેનતે ટોળે મેળવી અત્રિ અને અનસૂયાની માનસિક આરાધના કરી, જાણે ‘ગૌમતિ દાદા’ અંદર ઊંઘતા હોય તેમ ધીમેધીમે બધાં અંદર ગયાં. એક ફોઈના હાથમાં ઘીનો દીવો હતો, બીજીના હાથમાં નૈવેદ્ય હતું. પૂજાની ઓરડી અંધારી હોવાથી વંદા વગેરેની વસ્તી ભરચક હતી; છતાં એક ઊંડા ગોખલામાં એક પેટી હતી તે એક ફોઈએ કાઢી.

સુમતિના કાનમાં રણશિંગાં ફૂંકાયાં. બાવીશ વર્ષનાં સ્વપ્નોનું કેન્દ્રસ્થાન આજે નિહાળવાનો વખત આવ્યો. તેનો હાથ ધ્રૂજ્યો. મોંમાં થૂંક સુકાઈ ગયું. એક ફોઈએ ધીમે રહીને પેટી કાઢી; તેને બાંધેલી કટાયેલી કૂંચી છોડી, લગાડી, પેટી ઉઘાડી, બંને ફોઈઓ ‘મોટેક્રીસ્ટો’ની તિજોરી બતાવતાં હોય તેમ ગર્વભેર સુમતિને જોવા કહ્યું. અંધારામાં સુમતિએ નીચા વળી નિહાળ્યું. ખરેખર, લીલો મખમલનો પોશાક, કંઈક રૂપાનાં ચમકતાં - એવું કંઈ દેખાયું. જરીનો વાઘો ને શિરપેચનાં સ્વપ્નાં ખોટાં ઠર્યાં. એક ચકતા પર કંઈ ‘જીેટ્ઠિં’ કોતરેલું દેખાયું. સુમતિ નીચો વળ્યો; કંઈ સુરત જેવું વંચાયું.

‘ધીરમતિ ફોઈ ! આપણે બહાર કાઢી જોઈએ. આના પર કંઈ લખ્યું છે ?’

‘ના-ના ! બહાર કેમ કઢાય ?’

‘જુઓ તો ખરાં, ‘ગૌમતિ દાદા’ કોણ હતા તે તો જોઈએ. ચોક્કસ થાય.’

જોયું ? આ અંગ્રેજી કેળવણીની અસરની પીડા. ફોઈઓએ હા-ના કરતાં હા કહી. સુમતિના મનમાં કંઈ કંઈ વિચાર આવ્યા. વખત છે, ગૌમતિ દાદા સુરતના દીવાન હોય ! સુરત બક્ષિસ પણ મળ્યું હોય !! વખત છે ને, સરકાર સામે દાવો માંડી પાછું પણ લેવાય !!! વિલાયત સુધી લડવું પડે તો ભલે; પણ ગયો હક તો મળે. એમ વિચાર કરતાં તેણે પેટી બહાર અજવાળામાં કાઢી. રખેને સુરત શહેર હાથમાંથી સરકી જાય તેમ ધીરે રહીને તેણે કોટ ઊંચો કર્યો. કોટ પર રૂપાના અક્ષરો હતા. તેને અજવાળે ધર્યા - નુ સુમતિની આંખે અંધારાં આવ્યાં.

‘જીેટ્ઠિં હ્લટ્ઠષ્ઠર્િંઅ, સ્િ. ર્ૐુટ્ઠઙ્ઘિ’જ ૐટ્ઠદ્બટ્ઠઙ્મ.’

‘સુરતની કોઠી. મિ. હાવર્ડનો હમાલ.’ તેણે વાંચ્યું.

સુમતિ બેભાન જેવો થઈ ગયો, તેના હાથથી પોશાક પડી ગયો. ‘ગૌમતિ દાદા’ શું કરતા હતા તેની ખાતરી થઈ. જરા ભાન આવ્યું અને તે ખડખડાટ હસી પડ્યો.

ફોઈઓ ખિજવાઈ; ભત્રીજાએ ભરમ ભાંગ્યો, ફોઈઓએ અને ભત્રીજાએ કુલાભિમાનને જેમ તેમ કરતાં સરખું કર્યું.

રાત્રે બે ફોઈ ને ભત્રીજો પાછલે બારણેથી બહાર નીકળ્યાં. એક પોટલી સાથે ઘંટીનું પડ બાંધ્યું અને પડોશમાં કૂવો હતો ત્યાં ‘ગૌમતિ દાદાનું ગૌરવ’ વિસર્જન કીધું !

૭. શામળશાનો વિવાહ

પ્રિય વાચક ! જરા ધીમેથી. ઉપરનું નામ વાંચી સાક્ષરતાની સીડીએ ચડી, મહાકાવ્યની આશા રાખતો હો, કવિરત્ન નરસિંહના પુત્રનો ઈતિહાસ સાંભળવા તલસતો હો, ભક્તિનો સ્વાદ ચાખી ઈશ્વરનું નામ સાંભળવા તને ઉલ્લાસ થતો હોય-તો મારો લેખ વાંચવો બંધ કરી દે.

મારે સાક્ષરમાં ગણાવું નથી - ગરીબ બિચારા શબ્દોનું સત્યાનાશ વાળવું નથી. કવિ થઈ રવિ ન પહોંચે તેવા અંધારામાં જવું નથી. ભક્ત થઈ, સ્વર્ગે જઈ તેત્રીસ કોટિ દેવતાઓને જોઈ, અહોનિશ નમસ્કાર કરી ટાંટિયા તોડવા નથી.

મારે તો એક સાદી વાત કહેવી છે. વાત ભલે સાદી હોય; પણ શ્રેષ્ઠતામાં ઊતરે એમ નથી. શું નરસિંહ મહેતાના પુત્રે પુણ્ય કરેલાં અને મારા શામળશાએ ગુનેગારી ? નહીં જ. આ તો પ્રજાસત્તાના દિવસો છે. ગરીબ ભિખારી ઉમરાવના સરખો છે, દારૂ પી લથડતા મજૂરોની વિચારશક્તિ પરથી ગ્લેડસ્ટરનો જેવાની લાયકાત નક્કી થાય છે, તો શા સારુ મારા શામળશા નરસિંહ મહેતાના દીકરા સમાન નહીં ?

ગયા માહ મહિનામાં હું મુંબઈથી અમદાવાદ થતો હતો. શું કામ તે કહેવામાં સાર નથી. ગાડીમાં મારી સાથે એક મારો જૂનો મિત્ર બેઠો હતો. ક્યાં સુધી તો અમે ટોળટપ્પાં માર્યાં - પાન ચાવ્યાં - જૂની નવી સંભારી હસ્યા. મારો મિત્ર રૂની દલાલી કરતો હતો, એટલે લેબાસમાં કંઈ ઊતરે એવો નહોતો.

ધીમે ધીમે આગગાડી એક સ્ટેશન પાસે આવવા લાગી, એટલે મારા મિત્રમાં જાદુઈ ફેરફાર થવા માંડ્યો. બગલાની પાંખ જેવું પહોળી કોરનું અમદાવાદી ધોતિયું, કડકડતો કસવાળો અંગરખો, કસબી કોરનો દુપટ્ટો, અને લાલ કસૂંબી પાઘડી ધીમે ધીમે નીકળ્યાં, અને ગાંડાભાઈના શરીર પર ચડવા માંડ્યાં.

‘કેમ ગાંડાભાઈ ! સાપ કાંચળી ઉતારે તેમ તમે પણ -’

‘હા ભાઈ ! આ ગામના શેઠ શામળશાનાં લગ્ન છે. તેનો હું

આડતિયો એટલે કંઈ છૂટકો છે ? ચાલો તમે પણ.’

‘કોણ હું !’ અચંબાથી મેં પૂછ્યું. ‘હું તો તમારા શેઠને ઓળખતો નથી. તેનું નામ જ આજે સાંભળ્યું.’

‘તેમાં વાંધો નહીં. શેઠે તો બધાને કહ્યું છે, કે મિત્રમંડળ સહિત આવજો. ચાલો તો ખરા, જરા મોજ આવશે. અમદાવાદમાં એટલું બધું શું કામ છે ?’

‘ના રે ! કામ તો કંઈ નથી; પણ નકામાં પારકે ઘેર -’

‘અરે પારકું શું અને પોતાનું શું ભલા માણસ ? ક્યાં લાંબી વાત છે? આજે સાંજનાં ગોધાં લગન છે. લગન જોઈને સવારે જજો.’

‘ગોધાં લગન’ શું હશે તેના વિચારમાં હુું હતો એટલામાં સ્ટેશન આવ્યું અને ગાંડાભાઈને તેડવા માણસો આવ્યા.

‘રણછોડભાઈ ! ના, મારા સમ ! અમારા શેઠને ખોટું લાગશે.’ ગાંડાભાઈએ કહ્યું. આખરે મેં પણ હા કહી અને વગર નોતરે શામળશાનાં લગ્નનો લહાવો લેવા ઊતર્યો.

પોટલાં ઉતાર્યાં અને અમે સ્ટેશનથી બહાર નીકળ્યા. ‘આ ગાલ્લી તમારે હારુ હોંકે’ કહી તેડવા આવનાર માણસે એક નાનું, ઉઘાડું ગાડું દેખાડ્યું. તેમાં ચાર જણ તો બેઠેલા હતા. અમે બે, તેમજ ગાડીવાળો ક્યે ખૂણે બેસીશું એ મને વિચાર થયો. આખરે અમે સાત જણ ગમે તેમ સિંચાયા. ગાડીવાળાએ હાથમાં પરોણી લઈ, બળદિયાનું પૂંછડું આમળી ‘તારો પાળતો મરે’ની શુભાશિષથી ગાડું હંકાર્યું. સંકડાઈને બેઠા એ તો ઠીક, પણ અવારનવાર રસ્તાની અવનવી ખૂબીઓ આવતાં અમે એકમેકના ખોળામાં જઈ પડતા, અને નાક પર સરી પડતી પાઘડીઓ મહામુશ્કેલીએ સીધી કરતા.

આખરે મહેમાનોને ઉતારવાની વાડી આવી. અમારી ‘ગાલ્લી’ ઊભી રહી. અમને ત્યાં ઉતારી ગાડીવાળો ચાલ્યો ગયો, અને તમને તેડવા આવનાર તો ક્યારનો અંતર્ધાન થઈ ગયો હતો. એટલે, બબ્બે હાથમાં પોટલાં લઈ ચોર બાજુએ આવકાર દેનારની વાટ જોતા, કઈ દિશામાં જવું તેનું નિરાકરણ કરવાની શક્તિ વગર અમે ઊભા. અવારનવાર વાડીમાંથી કોઈ અબોટિયું પહેરી, તો કોઈ પાઘડી પહેરી, જતું આવતું; પણ કોઈ ઓળખીતું નીકળ્યું જ નહીં.

‘ગાંડાભાઈ, આમ તપ ક્યાં સુધી કરવું છે ? મારા તો હાથ રહી ગયા. ચાલો તો ખરા, અંદર.’

‘હા ચાલો.’ કહી મને નોતરી આણી, માનભંગ થયેલા ગાંડાભાઈ અને હું વાડીમાં પેઠા. વાડીમાં પેસતાં નીચેના ખંડમાં એક હીંચકા પર, છ-સાત ગૃહસ્થો હા-હા-હી-હી કરતા બેઠા હતા અને ગાયનો ગાતા હતા. ચારપાંચ જણા ભોંય પર પથારી પાથરી બપોરની નિદ્રાને માટે તૈયારી કરી રહ્યા હતા. ત્યાં અમે પોટલાં મૂક્યાં અને કોઈક નવરો ખૂણો ખોળવા માંડ્યો. બાજુની નાની ઓરડીમાં પાંચ જણાનો સામાન પડ્યો હતો. ઉપર માળ પર વીશેક ગૃહસ્થો - કોઈ ગપ્પાં મારતાં તો કોઈ ઝોકાં ખાતાં-પડ્યા હતા. વાડીમાં જાણે કિલ્લાં ઊભરાતા હોય તેમ લાગતું. એક માણસ સૂએ એટલી પણ જગ્યા મળવી કઠણ લાગી.

આખરે અમે પાછા નીચેની ઓરડીમાં આવ્યા. અમે આમતેમ ફરતા; પણ કોઈને પૂછવાની પરવા નહોતી.

‘ગાંડાભાઈ ! અહીંયાં તો બધા જ મારા જેવા ભાડૂતી લાગે છે.’

‘હા ભાઈ !’ ગાંડાભાઈ બિચારા શું બોલે ?

‘ત્યારે એક કામ કરીએ. આ ઓરડીમાં જ ધામા નાખીએ. બધા જ ભાડૂતી છે, એટલે કોઈ પૂછનાર નથી.’ કહી મેં એકની પથારી, બીજાની ટ્રંક, ત્રીજાની ઝોયણી ઊંચકી એક ખૂણામાં નાંખ્યાં, અને જગ્યા કરી. ચપોચપ બહાર બેઠેલા ગૃહસ્થો આવ્યા અને અમારી હિંમત જોઈ, અમને વધારે હકદાર ધારી, રસ્તો કરી આપ્યો. પછી મેં અને ગાંડાભાઈએ મસલત કરી અને પેટની પરોણાગત માટે પણ આ જ કાયદો લગાડવો શરૂ કર્યો. એક જણને પકડ્યો, થોડે દૂર રસોઈની તજવીજ હતી ત્યાં તેને લઈ જવા કહ્યું. સામે કૂવા પર નાહ્યા અને જમવા બેઠા.

પચ્ચીશ જમી ગયેલાની જગ્યા પર, ઉંકડા ઉંકડા, સારો મજાનો ટાઢો ભાત, શી વસ્તુ છે ન સમજાય એવી આણી પાણી જેવી દાળ, માથાના વાળ ઊભા થાય એવું તીખું શાક અને ગંધાતા ઘીથી લચપચતો લાડુ ખાઈ અમે પરવાર્યા. પછી ગાંડાભાઈ મને શેઠ પાસે લઈ ગયા.

શામળશા જાડા, વૃદ્ધ, કાળા અને ગોળમટોળ ગૃહસ્થ હતા. પરસેવો અને પીઠીના મિશ્રણથી જાણે વાર્નિશ દીધું હોય એવા લાગતા. ઘરેણાંના ગાંસડા ઠાલવી એમની ડોક, હાથ અને કાન શણગારવામાં આવ્યાં હતાં. તેમના મોં પર સુખ દેખાતું હતું; કારણ કે હાથમાં આરસી લઈ તે મૂછો તપાસતા હતા. હમણાં જ હજામ એમની મૂછોને કલપ લગાવી ગયો હતો.

‘ઓહો ! કોણ ગાંડો ! - આવની ભાઈ. તારી જ ખોટ હતી.’

‘ના જી ! એમ તે હોય. હું તો ખરોસ્તો, આ મારા મિત્ર રણછોડભાઈ.’

‘પધારો પધારો ! સારા માણસો છે ક્યાં દુનિયામાં ? આ વખતે તો પ્રભુની મહેર છે. ગઈ વખત હું પરણ્યો - આ કીલાની માને - ત્યારે તો બાર જણ પણ નહોતા. એ તો જીવ્યા કરતાં જોયું ભલું.’ જેમ ડૉક્ટર મરી ગયેલા દર્દીની વાત કરે તેવી બેદરકારીથી જૂની સ્ત્રીને સંભારતાં શેઠ બોલ્યા.

‘ખરી વાત છે શેઠસાહેબ ! લગ્ન સાંજના છે ?’

‘અરે આ સમરથ જોષીને કહીને થાક્યો. દર વખતે આમ ને આમ વાર તે કેટલી ?’

સમરથ જોષી ઘરડા ઘુવડ જેવા દૂર બેઠાં બેઠાં દક્ષિણા ગણતા હતા. તેમણે ઊંચું જોયું. ‘શેઠ ! એ તે કંઈ મારા હાથમાં છે ? તો પણ, હવે ફરી વખત જોઈ લઈશ - આ વખતે ભૂલ થઈ તે થઈ.’

‘કેમ રે સમરથ ! આ પાંચમી વહુ તો આણીએ છીએ. હજુ કેટલી બાકી છે ?’

‘હવે યજમાન રાજા, એમ બોલીએ નહીં. લલાટે લખ્યા લેખ તે કંઈ મિથ્યા થાય ?’ જરા હસતાં સમરથ જોષી બોલ્યા.

એટલામાં બહાર સુરતથી મંગાવેલું ‘બેંડ’ આવ્યું અને અમે કલાકને માટે રજા લીધી.

‘ગાંડાભાઈ ! શેઠને કેટલાં થયાં ?’

‘પચાસ કે ઉપર એકબે-કંઈ વધુ નથી. એમના બાપ સાઠ વર્ષે ઘોડે ચડ્યા હતા.’

હજુ શામળશાએ બાપની બરોબરી કરી નહોતી, તો સવાઈ તો ક્યાંથી જ કરે ? પણ હાલની સ્ત્રીને, ન કરે નારાયણ, અને કંઈ થાય તો બાપદાદાની આબરૂના રક્ષણાર્થે સવાઈ કર્યા વિના આ શેઠ રહે એમ લાગતું નહોતું.

‘વહુની શી ઉંમર છે ?’ મેં પૂછ્યું.

‘હશે પાંચ-છ વર્ષની. અહીંયાંના દેસાઈની છોકરી છે. કુટુંબ ઘણું ખાનદાન ને આગળ પડતું છે.’

‘એમ,’ કહી હું ચૂપ રહ્યો. વાડીએ આવી અમે કપડાં બદલ્યાં. હું પણ જરા દોપટ્ટોબોપટ્ટો અડાવી શેઠના માનમાં શણગારાયો, અને પાછા અમે હવેલીએ ગયા. ત્યાં વરઘોડાની ધામધૂમ ચાલી રહી હતી. કોઈ નાટક કંપનીની હરાજીમાં ખરીદેલા, કટાઈ ગયેલી જરીના પહેરવેશમાં શોભતા વાજાંવાળાઓ ગમે તે બહાને વધારેમાં વધારે કાન ફાડે એવો ઘોંઘાટ પેદા કરી, પોતાની હોશિયારી દેખાડતા હતા. બીજી તરફ સ્વદેશી ‘બેંડ’ હતું. આઠ-દશ તાંસાવાળા તાનમાં વગાડતા હતા. બે હીજડા ત્રણ શરણાઈના તીણા અવાજે ફાવે તે તાલમાં નાચતા હતા. લોકોની ઠઠ તે તરફ વધારે જોઈ મને લાગ્યું, કે આપણો સ્વદેશપ્રેમ હજુ ચુસ્ત છે - આપણું જ સંગીત આપણને ગમે છે.

એટલામાં એક પાસે ઊભેલો ગૃહસ્થ બોલ્યો : ‘શાબાશ ! શેઠે ઠીક કર્યું. ચાળીશ ગાઉથી તો હીજડા બોલાવ્યા છે. શાબાશ’ શેઠની હવેલી આગળ નાના સરખા ચોગાનમાં આવી સૂરપૂર્ણ હવામાં દરેક ઘર આગળથી નીકળતી, બદબો મારતી ગંગા-જમનાઓ આગળ પડોશીના ઓટલા પર અમે બેઠા.

શેઠ કંઈ ક્રિયા કરતા હોય એમ લાગ્યું; કારણ કે બ્રાહ્મણોના થોડી થોડી વારે ‘હો-હા-હા’ના અવાજો આવતા હતા. ધર્મ પ્રમાણે શેઠ લગ્ન કરવા લાયક થઈ ચૂક્યા એવી ખાતરી થાય તેટલા માટે પૈસા મળ્યા એટલે ક્રિયા પૂરી થઈ જણાઈ. થોડાઘણા પુરુષો હતા તે બહાર નીકળ્યા અને વરરાજાના ઘોડાને બોલાવ્યો.

ઘોડો મહામહેનતે ખોળી કાઢ્યો હોય એમ લાગતું. સિકંદરના ‘બ્યુસેફેલસ’, કે નેપોલિયનના જગજાહેર ધોળા ઘોડાને લાયકાતમાં શરમાવે એવો આ હતો. ડોન કવીકઝોટના ‘રોઝીનાંત’થી પણ એ ચડતો લાગ્યો. તેને આંખ એક હતી, અને જીર્ણતાને લીધે લબડતા હોઠમાંથી સતત લાળ ટપકતી. તેની ખાંધે સાજ અને પગે ઘૂઘરીઓ હતી; પણ ‘આ પળે મરું કે બીજી પળે મરું’ એવો ઈરાદો તેની કાઠી અને તેની ઊભા રહેવાની ઢબ પરથી દેખાઈ આવતો. થોડીઘણી માખીઓ પણ બિચારાને પજવતી; છતાં દૃઢતાથી-શાંતિથી-સ્થિરતાથી શામળશા જેવાનો ભાર વહેવાના ગર્વમાં જાણે એક પૂરી દેખતી આંખ મીંચી, તે ઊભો.

શેઠ આવ્યા. મોંમાં પાનનો ડૂચો, આંખમાં કાજળના બિલાડા, ભૂગોળની ભવ્યતાવાળું પણ જરીનાં જામા-પાઘડીમાં ઝગમગતું શરીર, મોંઢા પર ખૂંપ અને હાથમાં નાળિયેર ! શું સૌંદર્ય ! શી છટા ! પરદેશીઓને કહીએ, કે આવો અને જુઓ - છે તમારે ત્યાં આવો કળાનો આદર્શ ? ગમે તેવા પણ અમે શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ.

શેઠ ઓટલાની કોર પર ઊભા - ઘોડાને ઓટલાની કોર પાસે આણ્યો.

પણ કાં તો શેઠનું સ્વરૂપ જોઈ કંઈ કાળકા માતાના સ્મરણથી ઘોડો ચમક્યો હોય - કે કાં તો જાનવરની લગ્નની પવિત્ર ભાવનાની દૃષ્ટિથી શેઠના કૃત્યને ઠપકો આપી, સુધારાનો હિમાયતી થયો હોય - કે કાં તો સંન્યસ્ત અવસ્થામાં આવી રહ્યો હોઈ શેઠને પણ તેમ સૂચવતો હોય : ગમે તે કારણ હોય, પણ જ્યાં શેઠ ઓટલા પરથી પગ ઊંચકે કે ઘોડો ફું કરે, ડોકી હલાવે કે ખાંધ ખંખેરે. શેઠ તો બિચારા જ્યારે જ્યારે પરણવા જતા ત્યારે જ ફક્ત ઘોડે બેસવાનો મહાવરો રાખતા હોવાથી ઘોડાની આ દગલબાજીથી બીને, તરત પગ પાછો ખેંચતા. શેઠે એક વાર-બે વાર-સાત વાર મહાન ભગીરથ પ્રયત્ન આ ઘોડાને પલાણવા કર્યા; પણ હતા ત્યાંના ત્યાં ! આખરે બે જણે અશ્વરાજને મોં આગળથી ઝાલ્યો, બે જણ પૂંછડીની તપાસ રાખવા પીઠ પાછળ ઊભા રહ્યા, અને શેઠને કહ્યું, ‘ચાલો શેઠ ! હવે ફિકર નથી.’

લોકો બધા એકીટશે જોઈ રહ્યા. અર્જુને મત્સ્ય વીંધ્યું ત્યારે પણ આટલી એકાગ્રતા દ્રુપદના રાજદરબારમાં નહીં દેખાઈ હોય. બેફિકર થવાનાં વચનોથી શેઠે હિંમતને બે હાથે પકડી. અરે હા ! પણ બંને હાથમાં તો નાળિયેર હતું - શેઠે પણ ઉઠાવ્યો - હંમેશ કરતાં વધારે - અને મૂક્યો અશ્વરાજની વૃદ્ધ પીઠે; પણ જાત ઘોડાની અને તેમાં પુરાણો, પછી પૂછવું શું? તરત ફરી ગયો - મોઢું શેઠ તરફ કર્યું - કાન ઊંચા કર્યા. શેઠ ગભરાયા -જીવ બ્રહ્માંડની લગોલગ જીઈ પહોંચ્યો - પાછળ હઠ્યા - હાથ જોડી જીવ બચાવવા નાળિયેર જતું કર્યું - પાછળ હઠતાં એકદમ પાઘડી ભીંતમાં અથડાઈ -ખસી આગળ આવી-પડી ગઈ.

વરરાજા તાજનષ્ટ થયા. લોકોમાં હાહાકાર કે પછી હ-હ-હકાર વ્યાપ્યો. શેઠે ઊંચું જોયું-દયાર્દ્રતાથી લોકો તરફ જોયું - તિરસ્કારથી ઘોડા તરફ જોયું ગૌરવથી કીચડમાં પડેલી પાઘડી સામું જોયું - ઠપકામાં, મિજાજમાં આકાશ તરફ - ઈશ્વર સામું જોયું. કોણ જાણે શું દેખાયું; પણ એકદમ હોઠ ખેંચાયા અને આખી મેદનીમાં પહોંચે એવો સૂર તેમના ગળામાંથી નીકળ્યો.

‘એં-એં-એં’

લોકો બધા વીંટળાઈ વળ્યા. ઘણા ખરાએ મોઢે રૂમાલ કે ખેસ દીધો. મને લાગ્યું, કે તે શરમમાં હોવું જોઈએ. શેઠ કેમ રડ્યા તે કોઈ સમજ્યું નહીં. શેઠ રડતે રાગે કહ્યું, કે કીલાની બા સાંભરી. પછી મહામહેનતે શેઠને ઠીક કર્યા અને ચાર મજબૂત સાજનિયાઓએ ઊંચકી અશ્વરાજ પર બેસાડ્યા. મને ઘોડાને દ્વેષબુદ્ધિ થઈ હોય એમ લાગ્યું. તેની આંખો ઘડપણના પાખંઢથી ભરેલી લાગી.

શેઠને ઘરડે ખભે, નીકળતાં નીકળતાં, વળી એક તલવાર મૂકી. રખે ઘોડા પરથી પડી જાય, કે મ્યાનમાંથી નીકળી તલવાર વાગ્યે - કે હાથમાંથી નાળિયેર સરી જાય; એવી અનેક ફિકરમાં વરરાજા કેમે કરીને બેઠા. આખરે બેંડના અવાજથી અને હીજડાના નૃત્યથી, તાલબદ્ધ થઈ વરઘોડો નીકળ્યો.

આખરે અમે વેવાઈને ઘેર આવ્યા. વેવાઈનું ઘર જરા નીચાણમાં હતું એટલે ત્યાં જતાં પહેલાં ઢોળાવ ઊતરવાનો હતો. તાંસાંવાળા તાનમાં, હીજડાઓ ગાનમાં અને સાજનિયાઓ ગુલતાનમાં ઢોળાવ ઊતર્યા-ઊતર્યા અને પાછા ફર્યા. ઉપર ઢોળાવ શરૂ થાય ત્યાં કોઈ પર્વત પર ફિરસ્તો ઊભો હોય તેમ-શેઠ અને એમનો ઘોડો ઠમકીને ઊભા હતા. ઘોડો બળવો કરવાની તૈયારી કરતો હોય તેમ, જાણે તેના મનમાં તે કરવાનો સર્વાનુમતે ઠરાવ થયો હોય તેમ, નિશ્ચલતાથી, એક જ પગે ઢોળાવ પર મૂકી-દુનિયાને દબાવતો, શેઠને ગભરાવતો ઊભો હતો. અરે ઘોડા ! જમાનાની અસર તારા પર પણ !

બે-ચાર જણ દોડી ગયા અને ઘોડાને પકડી ખેંચવા માંડ્યો, પણ તે વળી એકનો બે થાય ! શેઠ કહે, કે ઊતરી પડું, લોકો કહે, વળી એમ તે ઊતરાય ? બે-ત્રણ જણે લગામ ઝાલી અને એકે પાછળથી બે-ત્રણ સપાટા ઘોડાને અડાવી દીધા. ઘોડો હિંમત હાર્યો, બળવો કરવાનો ઈરાદો છોડ્યો. ત્યાગવૃત્તિથી-માર ન સહન થવાથી તેણે ગતિ સ્વીકારી, ડગલાં લીધાં એક, બે, ત્રણ ઉપર શેઠ ગભરાયા-ઢોળાવને લીધે ઘોડાની ડોક પર નમ્યા. ઘોડાના આગલા પગ ધ્રૂજ્યા - તેણે જોખમદારી છોડી-તેના આગલા બે પગ મરડાયા, વળ્યા અને ગુરુત્વાકર્ષણના પ્રભાવે તે સર્યો, નીચે અમે ઊભા હતા ત્યાં એ અને ડોકે વળગેલા શેઠ એમ ઝપાટાબંધ ઊતર્યા - આખરે નીચે અટક્યા.

સ્વાર્થી સાજનિયાઓ જોઈ રહ્યા - મદદે દોડતાં પહેલાં આ દૃશ્ય ફરી નહીં જોવા મળે એવા વિચારે તેને હૃદયમાં ઉતાર્યું. આખરે શેઠને ઊંચક્યા અને હવે વેવાઈનું ઘર આવ્યું હતું. એટલે પગે જ તે ત્યાં પહોંચ્યા.

વરરાજા પોંખાયા-વહેવાણો રિસાઈ - અને આપણા પુરાણા શિરસ્તાઓ મુજબ વરરાજા ચોરીમાં પધારાયા. નાનું સરખું પાનેતરમાં વીંટાળેલું ઢીમચું હોય એવી કન્યાને તેના મામા ઊંચકી લાવ્યા અને ચોરી સામે બેસાડી. શ્લોક પર શ્લોક ભણાવા માંડ્યા; દૂર જ્યાં હું ઊભો હતો ત્યાં સમરથ જોષી તપેલામાં જોઈ ઘડી ગણતા હતા અને ગમે તે શ્લોકની લીટીઓ ભેગી કરી શેઠને ‘સાવધાન’ કરતા હતા.

મને જોષીની સ્થિતિ વિચિત્ર લાગી. તેમની આંખોમાં કંઈ જુદું જ તેજ હતું - અને તેમની જીભ જરા લથડાતી. મને લાગ્યું, કે જોષી બુવાએ ‘વિજ્યા’ની આરાધના કરી હતી. દૂર એક લીલા પાણીનો ભરેલો હોય એવો લોટો જોઈ ખાતરી થઈ. પ્રસંગની મહત્તાના માનમાં અને મહાદેવને પ્રસન્ન કરવાના સ્તુત્ય હેતુથી, જોષીજી ચકચૂર થયા હતા. મેં પાણીથી ભરેલા તપેલામાં -જે તરફ જોષી એકી નજરે જોઈ રહ્યા હતા તે તરફ-જોયું. પાણી પર કંઈ નહોતું. જોષી જોતા હતા ખરા-પણ ઘડી માંડી જ નહોતી. ભાંગની ધૂનમાં કાલ્પનિક ઘડીઓ જ ગણતા. આખરે જોષીએ થાળી લીધી, વગાડી-વાજાં વગાડ્યાં - શામળશા સજોડ થયા - તેમની હોંશ પૂરી પડી.

થોડી વારે જગ્યા થઈ એટલે હું ચોરી પાસે ગયો. કન્યા ઊંઘી ગઈ હતી અને મા તેને ખોળામાં લઈ બેઠી હતી. સપ્તપદી, અમારા શાસ્ત્રના કહેવાતા અમર કોલ, જેની મહત્તા પર અમારાં લગ્નની પવિત્રતાના બુરજો ચણાયા છે. તેનો વારો આવ્યો. મને ધાર્મિક લાગણીઓએ પુનિત કર્યો. હું તો આઠ વર્ષે પરણ્યો હતો અને ઘરવાળી હજુ તેની તે જ હતી; એટલે તે વખતની મારી શી લાગણીઓ હતી તે મને યાદ નહોતી; મને આજે અનુભવ થયો. પાટલા નીચે હાથ મૂકી - ટેકવી, શેઠ ઊઠ્યા. કન્યા કેમે કરી જાગી જ નહીં. આખરે તેની મા ઊઠી, હાથમાં દીકરીને લીધી - અને શેઠની સાથે ચોરીની આસપાસ ફરી. આખરે પવિત્ર સપ્તપદી પૂરી થઈ.

લખવાનું હજુ બહુ છે, પણ સ્થળનો અભાવ છે. હું બહાર નીકળ્યો તો જાણે ભીલડીઓ, નશામાં ગાળો ભાંડતી હોય તેમ, લૂગડાં કે અવાજ કે ચાળા કે શબ્દોની મર્યાદા અને છટા રાખ્યા વિના દરરોજ વેંત આઘું ઓઢી, ડાહી ઠકરાણી ગણાવા ધીમે ધીમે બોલતી સ્ત્રીઓ ગાઈ રહી હતી. બહુ જોવાની હવે મારામાં અભિલાષા રહી નહોતી. અમે વાડીએ ગયા અને રાતની ગાડીનો વખત થયો એટલે મેં ગાંડાભાઈની રજા લીધી, ‘હવે તો હું જઈશ જ.’

‘પણ રણછોડભાઈ ! શેઠને મળીને જાઓ. નહીં તો તેમને ખોટું લાગશે. કાલે મને વઢશે.’

‘ઠીક ભાઈ’, કહી હું પાછો વેવાઈને ત્યાં આવ્યો. શેઠની ભાળ પૂછી તો મને જણાવવામાં આવ્યું, કે માતાના ઓરડામાં વરકન્યા પૂજા કરે છે. લોકો જમણની ખટપટમાં હતા એટલે ઘર સૂનું લાગતું હતું. હું દેખાડેલા ઓરડા તરફ ગયો અને ત્યાં જઈ જોયું અને ઊભો.

ભીંતને રંગી, માતા કરી, તેની પૂજા કરવા અને ભટનું તરભાણું ભરવા, ચોખા અને ઘઉંના ઢગલા મારેલા હતા. સામે શેઠ અને નવાં શેઠાણી અત્યારે જાગતાં હતાં - બેઠાં હતાં, ગોર કંઈ લેવા બહાર ગયા હોય એમ દેખાયું.

હું અંદર પેસવા જતો હતો અને ઠમક્યો - મર્યાદાનો બાધ આવ્યો. શેઠ સંવનન (ર્ઉર્ૈહખ્ત) કરતા હતા - ધીમે ધીમે છ વર્ષની કોડીલી કન્યાનો ઘૂમટો તાણતા હતા. પેલી અંદરથી ‘ખીખી’ કરી હસતી હતી. હું જોઈ રહ્યો. કોણ કહે છે, કે આપણે ત્યાં સંવનન નથી ?

હું તો ચિત્રવત્‌ થઈ ઊભો - જોયાં જ કર્યું. શેઠે ઘૂમટો કાઢ્યો ને તેમની ઝીણી, ઘરડી આંખે કટાક્ષ માર્યું. શેઠ ધીમે રહી શેઠાણીની હડપચીને અડકવા ગયા. તેણે કહ્યું : ‘ના-હી’, અને જરા આઘી ખસી ગઈ. શેઠ જરા પાસે ગયા - શેઠાણીએ ધમકી દીધી. ‘બાને બોલાવીશ.’ શેઠ હિંમત હાર્યા નહીં - ‘હવે બેશની.’ કહી હાથ લંબાવ્યો, શેઠાણીને ગલીપચી કરી. શેઠાણીનો તીણો ઘાંટો ગાજી ઊઠ્યો :

‘ઓ બા ! બા ! આ ડોસો મને મારે છે.’

શું કહું ? મેં-રણછોડે રણ છોડ્યું : હું મૂંગે મોંએ નાઠો. જતાં જતાં બૈરાંઓનો બેસી ગયેલો, પણ દૂર સંભળાતો સ્વર આવ્યો :

‘એ વર નહીં પરણે, નહીં પરણે.’

‘અમે જીત્યા રે જીત્યા.’

૮. શકુંતલા અને દુર્વાસા

મારા જેવી ભાગ્યશાળી સ્ત્રીઓ ઘણી ઓછી હોય છે. મેં અંગ્રેજી પાંચ-છ ચોપડીઓનો અભ્યાસ કર્યો તે પહેલાં ડૉ. વિશ્વનાથ જોડે મારાં લગ્ન થયાં. તે પણ તરત જ પાસ થયા હતા, અને તેમની બુદ્ધિ અને વાકચાતુર્ય જોઈ તેમનો ધંધો થોડા વખતમં ધીકશે એવી બધાએ આશા રાખી હતી. જે પળે મારો હાથ તેમના હાથમાં મેં સોંપ્યો ત્યારથી તેમણે મારા પર અદ્‌ભુત જાદુ ચલાવ્યો હોય એમ લાગ્યું. જાણે સોળ વર્ષ થયાં તેમને ઓળખતી હોઉંજાણે પૂર્વજન્મનો અમારો ગાઢ સંબંધ હોય તેમ મારું જીવન તેમનામાં સમાઈ ગયું.

તરત જ મને સાસરે વળાવી. મારા ડૉક્ટરના પિતાની સ્થિતિ ઘણી ગરીબ હતી. તેઓ ગુમાસ્તાની નોકરી કરતા હતા, અને તેમની નિમકહલાલી પર ખુશ થઈ તેમના શેઠે મારા પતિને ભણાવ્યા હતા. મારે સાસુનણંદની ખડખડાટ કંઈ હતી જ નહીં; મારા નાનકડા ઘરની હું જ ગૃહદેવી હતી. મારા ડૉક્ટર પણ તે વખતે મને જ ઝંખતા - મને ભણાવવામાં, મને કેળવવામાં મોજ માનતા; અને હું તો તેમની એટલી ભૂખી હતી, કે પળેપળ તેમના વિના મને ઝેરી લાગતી.

‘પ્રેક્ટીસ’ પણ સારી ચાલવા માંડી અને અમરા સુખની સીમા દેખાઈ જ નહીં. દિવસ અને રાત અમારી માત્ર સુખમય પળો જ ભાસતી. ફક્ત વાંધો એક જ લાગતો. ડોસા-મારા સસરા ઘડપણને લીધે ઘેર બેઠા. તેમની જૂની રીતો, ગામનું ગમે તેવું અસંસ્કારી બોલવાનું, તેમની જૂની ખણખોદ કરવાની નિંરતર ટેવ અમારા જીવનતાનમાં બેસૂરો રણકાર જગાવતાં. આખો દહાડો આ રહી ગયું, પેલું ઉઘાડું રહ્યું, લાકડાં છાંટવાનાં રહી ગયાં ને સાવરણી વહેલી પૂરી થઈ ગઈ; આવાં આવાં છીંડાં કાઢી પજવ પજવ કરતા. પહેલાં તો હું જરા રાજી રાખું; પણ મારું મન જોઈએ તો મારા ડૉક્ટરમાં, એટલે મને થાય, કે નકામા આ ડોસા શું કામ પીડા કરતા હશે ? પછી સાચું પૂછો તો મેં પણ વહેતું મૂક્યું. એ શું આખો દહાડો ? તેમને બડબડ કરવા દીધા. હોય તો મારા ડૉક્ટરને પીડા. તેના આગળ ડોસા તે શું ?

જુવાનીમાં સુખ મળે પછી છલછલાટનો શો પાર ? મારે મન ભલો ભૂપતિ પણ કંઈ હિસાબમાં નહોતો. મારા પગ તો થનગન થનગન થઈ રહેતા. સવારે જરા મોડી ઊઠું-જેવું તેવું કામ કરી પછી રાંધું-બપોરે કંઈ વાંચું ને સાંજે અમે ફરવા જઈએ. મારા ડૉક્ટર પણ મને ને મને જ જોઈ રહ્યા હતા. ડોસા તો વહેલા પાંચ વાગ્યાના ઊઠે ને પોતે જ્યાં બેસતા હતા ત્યાં વાસીદું કાઢે. નોકર વાળે તે તેમને ગમે નહીં, પછી હું તે શું કરું ? પછી તે ટાઢે પાણીએ નાહ્યા ને પૂજામાં બેસે તો બપોરે બાર વાગ્યે ઊઠે. બપોરે કંઈ જેવો તેવો હિસાબ લખે; સાંજના લાકડી ઝાલીને બહાર જાય, તે છેક રાતે આવે.

બીજી બધી રીતે તો ડોસા સારા; પણ એમની જીભથી તો હું તોબા થઈ ગઈ; કંઈ ને કંઈ વાંધો તો હમેશ ખરો જ. તેમાં એમની પૂજા અને ફરવાનું બે બહુ દુઃખ દેતાં. મારા ડૉક્ટર જમે તેની સાથે જમવાનું મૂકી મારે કલાક વાટ જોવી પડે ત્યારે ડોસાની પૂજા પતે. રાતે ફરીને આવે ત્યાં સુધી મારે બેસી રહેવું પડે. અમને તો એમ થાય, કે ક્યારે આ ડોસા હવે અમારા સુખમાં ખલેલ કરતા રહેશે ? એક વખત તો ખરું પૂછો તો મારાથી એમ બોલાઈ ગયું, ‘ક્યારે ડોસા મરે ને અમે ઠરીએ.’ આવો સોના જેવો મોજ માણવાનો વખત જાય અને તેમાં આ પંચાત !

આખરે મારા ડૉક્ટરથી પણ નહીં રહેવાયું. ‘ડોસા ! આ શી ટકટક? આખો દહાડો પંચાત ! છાનામાના તમે બેસોની ! ક્યાં સુધી બિચારી બેસી રહે ?’ જરા ડૉક્ટર તોછડાઈથી બોલતા; પણ અમને ડોસાની ટેવો લાગતી પણ એવી જીવલેણ, કે તે પણ બિચારા શું કરે ? ડોસા તે વખતે તો કંઈ બોલ્યા નહીં, બીજે દિવસે ડોસા મારી પાસે આવ્યા.

‘લક્ષ્મી ! દીકરી ! આજથી વહેલી જમી લેજે.’

‘કેમ ?’

‘ના બહેન ! મારે આજથી જપ કરવો છે એટલે બહુ મોડું થશે. તું ક્યાં સુધી વાટ જુએ ?’ ડોસાનો અવાજ દયામણો હતો. આંખમાં એક અદીઠ અશ્રુ આવી રહ્યું હતું.

‘ના સસરાજી.’

‘બહેન ! હું કહું તેમ કરની.’

હું પણ કંઈ બોલી નહીં. ચાલો, નિરાંત થઈ. જરા મારા હૃદયમાં વિચાર આવ્યો : ગાયને સારુ ધાન કાઢીએ તેમ મારા ડૉક્ટરના પિતા કે જેને લીધે તે ભણ્યાગણ્યા-તેને માટે કાઢી મુકાય ? પણ મારા ડૉક્ટરે સંદેહ તોડ્યો. ‘તું જમી લે ને. કંઈ નહીં. ચાલ ઘણે દિવસે સાથે બેસી જમીએ,’ અમે બેઠાં; ઘણા દિવસનો રહી ગયેલો લહાવો લીધો. મેં ડોસાને સારુ ભાણું કાઢ્યું અને ઉપર ચઢી ગઈ.

ક્યાં સુધી મને ચેન પડ્યું નહીં. ટેબલ પર પડેલી એક ચોપડી લઈ મેં ઉઘાડી. ચોપડી કાલિદાસનું ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટક હતું. પ્રવેશ દુર્વાસાના શાપનો હતો. દુષ્યંતના વિરહથી રિબાતી શકુંતલા અતિથિ થઈ આવેલ દુર્વાસાનો સત્કાર કરવો ભૂલી જાય છે. દુર્વાસા ગુસ્સામાં બેદરકાર શકુંતલાને શાપ આપે છે :

રે અતિથિની અવગણના કરનારી ?

(શાલિની છંદ)

હૈયાસૂની જેહ ધ્યાને બની તું,

આવી ઊભો ના જુવે આ તપસ્વી.

(વસંતતિલકા છંદ)

જા, દૈશ યાદ પણ ભૂલી જશે તને એ,

કેફી જ જેમ નિજ કેફ વિષે કહેલું.•

• રા. રા. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનો તારજુમો.

શકુંતલા કેવી મૂર્ખી ? મેં વિચાર કર્યો. આટલી બેદરકારી માટે કેટલું સોસવું પડ્યું ? ધણીએ કાઢી મૂકી; આખરે રખડતાં રઝળતાં ધણી મળ્યોય. હું હોઉં તો કોઈ દિવસ એવું ન કરું.

તે દિવસથી તો ડોસાની તો આડખીલી નીકળી જ ગઈ. એમણે તો બોલવાનું જ બંધ કરી દીધું. સવારના તે પોતાની મેળે ઊઠે, નાહ્ય, પૂજા કરે, મેં ઢાંકી રાખ્યું હોય તે બે વખત જમી લે ને મૂંગા મૂંગા ઘરમાં પડી રહે. અમારે તો એટલું જ જોઈતું હતું. શી મજા ? શું સુખ ? એક બે વખત મને થયું, કે આ બિચારો ડોસા મૂંગા મૂંગા જ પડી રહે છે; પણ મારા સુખની અવધિ આગળ ક્યાં હું એની પીડા કરવા બેસું ?

ડોસા જરા સુકાવા માંડ્યા. મેં ધાર્યું : હોયસ્તો; ઘડપણની અવસ્થા છે.

મારે બાબુ આવ્યો ત્યારે જરા ડોસા બોલવા માંડ્યા. બારો બાબુ એવો રૂપાળો ને અલૌકિક હતો; પણ જરા રડતો બહુ. ડોસા તો તેને જ ચોંટ્યા. આખો દહાડો નાકે ચશ્માં ચડાવી, ભાગવતનું થોથું લઈ, તેને હીંચકા નાખ્યા કરે, ને તેની જોડે ગાંડાં કાઢ્યાં કરે. નવી નવી મા થયેલી એટલે મારામાં અનુભવ ઓછો; પણ પાછી ડોસાએ પંચાત કરવા માંડી, ‘બહેન લક્ષ્મી ! આ બાબુ ભૂખ્યો છે !’ ‘જો, આ બરાબર નવરાવ્યો નથી !’ પણ આ વખતે તો મારા ડૉક્ટરે વાત વધવા જ ન દીધી; એક વખત કહી જ નાંખ્યું : ‘ડોસા, એની મા તે તમે કે એ ?’ ડોસા પાછા કહેતા બંધ થઈ ગયા.

અમારી લહેરમાં જરા પણ વાંધો આવ્યો નહીં. આખો દિવસ બાબુને ડોસા જ રાખતા, એટલે હું તો નવરી જ. પછી અમે ગમે ત્યાં ફરીએ હરીએ. હું નાટકમાં જાઉં તો પણ ડોસા રાતના ત્રણ વાગતા સુધી નીચું જોઈ, હીંચકો હલાવ્યા જ કરે.

અમારા સુખમાં ફરી વિઘ્ન આવ્યું. રામદાસ ફોજદારની અમારા ગામમાં બદલી થઈ. તે મારા ડૉક્ટરનો જૂનો મિત્ર હતો, તે આવ્યો અને મારી પાસેથી મારા ડૉક્ટરને આકર્ષી લઈ ગયો. થોડા દિવસમાં તેમની જૂની મૈત્રી સુદૃઢ થઈ. દવાખાને પણ ગયા વગર તેને ત્યાં ડૉક્ટર જતા. સાંજે અમારું ફરવાનું પણ બંધ થયું. ધીમે ધીમે રાત્રે પણ મોડા ઘેર આવવા લાગ્યા. મારો જીવ તો અકળાઈ ઊઠ્યો. મારા ડૉક્ટર વિના મને પણ ચેન નહોતું, અને મેં ધાર્યું હતું, કે તેમને પણ એમ જ હશે; પણ આ નવીન અનુભવે જુદો જ ખ્યાલ આપ્યો.

હવે મારા ડૉક્ટર મારી જોડે બોલતા નહીં. અમારું સંગીત, અમારો અભ્યાસ, અમારી નાની રસિકડી ગમતો-બધું ગયું. મને શું કરવું તે સૂઝ્‌યું નહીં. જેવું સુખ હતું તેવું જ દુઃખ આવશે કે શું, એવી ધાસ્તી લાગી. તેમાં બાબુ પણ એવો રડકણો બલા જેવો થઈ ગયો, કે મને તો જાણે દૈવના ઘરની વેઠ લાગતો. પણ મેં મારી સહનશીલતા જાળવી રાખી. કંઈ નહીં, એક મહિને, બે મહિને મારા ડૉક્ટર પાછા હતા તેવા થશે અને મારો સૂર્ય ફરી ઊગશે.

એક દિવસ રાતે બે વાગ્યે ડૉક્ટરે બારણાં ઠોક્યાં - મેં ઉઘાડ્યાં. તેમને જોયા ને હું ગાંડા જેવી થઈ ગઈ. તેમના ડોળા ફાટેલા હતા, કપડાં ધૂળવાળાં હતાં ને મોંમાંથી મદિરાની દુર્ગંધ ઊડતી. મને ચક્કર આવ્યાં. આ મારા સંસ્કારી ભણેલા પતિ ! તે લથડતા અંદર આવ્યા. મારો હાથ પકડ્યો; આખરે તૂટેલે અવાજે ગાયું :

‘બૈયાં...ન...પકડ...મેરી’

મેં હાથ તરછોડી નાખ્યો. ‘ડૉક્ટર ! આ શું ? ચાલો ઉપર.’

‘ચલબે રંડા ! ક્યા...અરે હાં...બૈયાં ન પકડ -’

બોલતા, જેમ તેમ કરતા ઉપર ચડ્યા, અને ભુસ દઈને ભોંય પડ્યા. હું બેસી ગઈ, માથે હાથ દઈ પોક મૂકી રડી. મારા ડૉક્ટર આ અધોગતિએ! પ્રભુ પ્રભુ ! આજે મહિના થયાં દુઃખે દબાવેલી ઊર્મિઓ વહી. હું કલાક સુધી રડી : ‘મારા પ્રભુજી ! મેં શું કર્યું ? હું નિર્દોષ લક્ષ્મી ! -’

ઊંચું જોતાં મારી નજર મારાં પ્રિય પુસ્તકો પર પડી. મારા ડૉક્ટર સાથે શા રસથી તે હું વાંચતી ! મને કમકમાં આવ્યાં. એક ચોપડીના સોનેરી અક્ષરો વંચાયા : ‘અભિજ્ઞાન શાકુંતલ.’ મારું મન શકુંતલાની દુઃખી સ્થિતિ પર દોડ્યું - દુર્વાસાનો શાપ સાંભળ્યો :

‘હૈયાસૂની જેહ ધ્યાને બની તું,

આવી ઊભો ના જુવે આ તપસ્વી

જા, દૈશ યાદ પણ ભૂલી જશે તને એ,

કેફી જ જેમ નિજ કેફ વિષે કહેલું.’

મારું પાપ મારી નજર આગળ ખડું થયું. મેં શકુંતલાને મઢુલીમાં જોઈ -શકુંતલાનું મોઢું મારા જેવું હતું. દૂર દુર્વાસાને અતિથિરૂપમાં ક્રોધથી શાપ આપી જતા જોયા, પણ દુર્વાસાનું મોં મારા સસરાજી જેવું હતું ! એક હાય મારી હું ઊભી થઈ ગઈ. મને ભાન થયું. શકુંતલાના પાપનો મારા ઘોર પાહપાચાર આગળ હિસાબ નહોતો. મેં મારા ધણીની પાછળ ગાંડી થઈ તેના બાપને-તેના હેતાળ ઘરડા બાપને-તેની વૃદ્ધાવસ્થામાં દુઃખ દીધું, મૂંગા કર્યા, મહિનાના મહિના સુધી તેને જાનવરની માફક ગણ્યા. મારા પ્રભુ ! એક અડધો કલાક જમતાં ખોટી થઈ હોત, જરા વહેલી ઊઠી પાણી ઊનું મૂકી આપ્યું હોત તો આજે આ દશા ન આવત, દુર્વાસના ભયંકર શબ્દો મારા કાનમાં અથડાઈ રહ્યા.

હેઠળ બાબુ રડ્યો. તે દશ મહિનાનો થયો ત્યારથી સસરાજીને જ ચોંટ્યો હતો; અને હેઠળ તેમની પાસે જ સૂતો. હું ઊઠી, હાથમાં દીવો લઈ ઊતરી. દિવેલના ઝીણા દીવા આગળ સસરાજી બાબુને હાથમાં લઈ બેઠા હતા અને અનિર્વાચ્ચ મમતાથી તેની સામું જોઈ રહી હાથથી હીંચોળતા હતા. મને ભાન આવ્યું, કે આમ જ મરા ડૉક્ટરને કોડભેર સસરાજીએ હુલાવ્યા હશે અને આજે ડોસાનું મોં કોઈને ગમતું નથી ! મારી આંખમાંથી દડદડ આંસુ પડ્યાં.

‘સસરાજી !’

‘કેમ બહેન ?’

‘હું શું કહું ?’ તેમણે ડૉક્ટરને આવતા જોયા હતા; મારી સ્થિતિ જાણી ગયા હતા. એક શબ્દ તે બોલ્યા નહીં. તેમની હંમેશની સ્નેહાળ રીતે કહ્યું;

‘લક્ષ્મી, બેસ બહેન ! જરા કીકાને લે.’ કહી મને બાબુને આપ્યો. મેં તેને હાથમાં લીધો અને મને બીજી ફાળ પડી. આટલા દિવસની બેદરકારીમાં મેં બાબુ સામું પણ જોયું નહોતું. તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું.

‘સસરાજી ! બાબુને કંઈ થયું છે ?’

‘મને એમ લાગે છે, બહેન.’

આખી રાત અમે બેઠાં. પતિની દુઃચાલી દુઃખી થઈ મેં મારું ત્યાર પછીનું જીવન ગાળવા માંડ્યું. મારા સસરાજીની ચાકરી કરવા માંડી; જેટલી હું પહેલાં બેદરકાર હતી, તેટલી હવે મેં કાળજી રાખવા માંડી. જો જરા ચૂકું તો દુર્વાસાનો શાપ સાંભરતો.

મારા ડૉક્ટરને તો જાણે ઘેલું જ લાગ્યું હોય એમ લાગતું. તેમને મન તો રામદાસ ફોજદાર જ દેવ ! ધીમે ધીમે કમાણી પણ ઘટતી ગઈ. બાબુને તપાસવાનું પણ મેં ઘણી વખત કહ્યું; પણ તેમણે માન્યું નહીં. આખરે એક દહાડો સાંજના બાબુ ઘણો માંદો થઈ આવ્યો. તેના હાથપગ ઠંડા થવા માંડ્યા. ડૉક્ટર ઘરમાં હતા નહીં; સસરાજી એક બીજા તેમના મિત્ર ડૉક્ટર ઘરમાં હતા તેમને બોલાવી લાવ્યા, બાબુ છેક ગભરાઈ ગયો હતો.

તે ડૉક્ટર આવ્યા. બાબુને જોયો-ને ડોકું ધુણાવ્યું. મારી છાતી ફાટી ગઈ. મારું નાનું નાજુકડું ફૂલ !

‘ના કાકા ! મને કંઈ આશા જેવું નથી લાગતું. મને લાગે છે, કે એને બરોબર પોષણ નથી મળ્યું.’

મેં હાથથી કપાળ કૂટ્યું. હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં. મેં જનનીએ તેને રઝળાવી મારી સ્વાર્થી મજામાં ભૂલી, ભૂખે માર્યો ! હાય ! હાય મારો બાબુ ! શું કરવું ? અડધે કલાકે બાબુને ભોંય નાંખ્યો, ને તે મરી ગયો. દુર્વાસાનો શાપ ! અરે ભગવાન ! ધણી ભટકેલ થઈ ગયા - છોકરો મરી ગયો. મેં છાતીમાથું કૂટી નાખ્યાં. સસરાજી પણ બહુ રડ્યા. ડૉક્ટર તો બહાર ગયા હતા; રાતના બાર વાગતા સુધી અમે બેસી રહ્યાં. આખરે નશામાં લથડતા ડૉક્ટર આવ્યા.

‘ક્યું બે ?’ કહી મને હડસેલી.

‘ડૉક્ટર !’ ધ્રૂસકાથી તૂટતે અવાજે મેં કહ્યું; ‘બાબુ મરી ગયો !’

‘હેં !’ જાણે સ્મૃતિ સમેટતા હોય તેમ તેમણે પ્રયત્ન કર્યો; શુદ્ધિ કંઈ ઠેકાણે આવી; ‘શું કહે છે ?’

મારાથી ન કહેવાયું; હું રડી પડી. ‘ડૉક્ટર, ડૉક્ટર, શું શું શું કરો છો ? તમારો ને મારો છોકરો-બાબુ-ગયો ને આપણે જ પાપે.’

હું તેમને પરસાળમાં લઈ ગઈ. કરમાયેલ પુષ્પશો બાબુ પડ્યો હતો. સસરાજી પાસે બેસી સાચવતા હતા. મારા ડૉક્ટરના હૃદયમાં પિતાપ્રેમ ઊછળ્યો. તેમની આંખમાં આંસુ આવ્યાં.

‘હાય હાય ! કેમ મરી ગયો ?’

‘કેમ ? મારે પાપે-ને તમારે.’ મારાથી કહ્યા વિના ન રહેવાયું. ‘પાપી માને પ્રેમમાં દીકરાનું ભાન ન રહ્યું. પિતા ડૉક્ટર હતા તે છતાં કુસંગતિમાં દીકરાને જોવાનું પણ તેમને મન ન થયું. હાય ! હાય ! ઓ મારા બાબુ ! -’ કહી મેં ફરી છાતીમાથું કૂટી કાઢ્યાં.

મારા ડૉક્ટરના મન પર તરત ફેરફાર થયો. થોડા મહિનાની સોબતની અસર ગઈ, અને કેળવણીના ઊંચા સ્વભાવની ઊર્ભિઓ પાછી ઊભરાવા માંડી; મારી પાસે આવ્યા. મારા ખભા પર હાથ મૂક્યો.

‘લક્ષ્મી ! મને માફ કરજે ! હું ઘાતકી થયો છું, નહીં ? હું પોતે થયો -તને ભૂલ્યો. મારું પાપ -’

‘ડૉક્ટર ! પાપ બીજું છે.’ મેં રડતે અવાજે કહ્યું.

‘શું ?’

‘શકુંતલાનો શાપ લાગ્યો હતો તેવો જ આપણને પણ લાગ્યો.’

‘શકુંતલા !’

‘હા, તેણે અતિથિનો અનાદર કર્યો - આપણે -’

‘આપણે ?’

‘આપણે સસરાજીનો.’

ડૉક્ટરે જોયું, સમજ્યા, દયામણા થઈ સસરાજી પાસે ગયા, પગે પડ્યા.

‘બાપા ! મને માફ -

સસરાજીએ તેમને બોલવા દીધા નહીં.

‘બેટા ! શતં જીવો-ને તમારું જોડું સુખી રહો.’

મારા ડૉક્ટર રડી પડ્યા. રડી પાપનું પ્રાયશ્ચિત કર્યું.

૯. ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર

થોડા દિવસ પર નવસારીથી મુંબઈ આવતો હતો. ભોગજોગે મને એક એકાંત ડબ્બો મળ્યો; એટલે મેં નિરાંતે સૂવાનો વિચાર કર્યો. માથા નીચે પોટલી મૂકી, બગાસું ખાઈ, પગ પસારવાની તૈયારી કરી, એટલામં વલસાડ આવ્યું અને એક સુક્કો, જરા આધેડ વયનો, જરા બાંયેથી થીંગડાવાળો કોટ પહેરેલો એક ફોકસ બહાર થયેલાં ચશ્માંથી સુશોભિત ગૃહસ્થ ગાડીમાં આવ્યો.

પહેલાં તો મેં તેની દરકાર કરી નહીં; પણ તેનો વિચાર અજાણ્યા રહેવાનો હતો નહીં. તે બીજે ખૂણે બેઠો, ખાંસી ખાધી, પતખીર સૂંઘી પાન કરવા લાગ્યો. આંખ પર ચશ્માં ગોઠવ્યાં ને બોલ્યો : ‘કેમ મિસ્તર ! ક્યાં રહેવું ?’

‘મુંબઈ.’ મેં કહ્યું અને મૂંગો રહ્યો.

આગલી રાતે ચાર-પાંચ દોસ્તો જોડે મોડે સુધી જાગ્યો હતો એટલે આંખો ઘેરાવા લાગી હતી; પણ મારા સાથીની જીભને કળ વળે એમ નહોતું. તેણે પહેલાં એક ચોપડી કાઢી અને કંઈ ગણગણવા માંડ્યું. મેં સૂતાં સૂતાં જરા ઊંચા થઈ જોયું તો ‘કલાપીનો કેકારવ’ દેખાયો.

હવે સાચું પૂછો તો હું જરા કવિઓનો ભક્ત છું. સાક્ષર થવાનો આકાંક્ષી છું, એટલે મારા અંતરનો સાક્ષરી કીડો જરા ચળવળી ઊઠ્યો. મને આ રસિક પુરુષની ઓળખાણ કરવાનું મન થયું; પણ એટલામાં તેમણે એક નોટબુક કાઢી અને ઝપાટાબંધ કંઈ લખ્યું. પછી પોટલીમાંથી બીજી ચોપડી કાઢી પાછું કંઈ ગણગણવા માંડ્યું.

મેં જરા નજર કરી જોયું તો રા. નરસિંહરાવનો ‘નૂપુરઝંકાર’ - શું કહું ? - સંભળાયો કે દેખાયો ? - દેખાયો. પછી પાછું એણે કંઈ લખ્યું. અને તરત દરમ્યાનમાં કાવ્યો કાઢી ગણગણવા માંડ્યું. હું જરા દિંગ થઈ ગયો ગુપ્ત સાક્ષરરત્ન મારે સદ્‌ભાગ્યે મારો સાથ કરી રહ્યું છે તે પારખવા એકપગે થઈ રહ્યો; એટલે કે હું સૂતેલો હતો તે બેઠો થઈ ગયો, અને સામે બેઠેલી વ્યક્તિની મુખરેખામાં કંઈ અણદીઠી ભવ્યતા, કંઈ અણસૂઝતી રસિકતા ખાળવા માંડી.

‘આપ ક્યાં જાઓ છો ?’ મેં ડરતાં ડરતાં પૂછ્યું. મેં હજી આવા કવિવરોને કોઈ વખત જોયા નહોતા એટલે આક્યો મહા સાક્ષર-ક્યો ગુર્જરગિરાનો લાડકવાયો હશે, તે વિચારતાં મારા ક્ષોભની સીમા રહી નહીં.

‘મુંબઈ.’ આંખો ઊંચી કર્યા વિના, ચટપટ નોટમાં લખતાં મારા સાથીએ કહ્યું.

‘આપ ક્યાં ઊતરવાના છો ?’

ડાબો હાથ ચેતવણી દેવા ઊંચો કરી લેખકે મને થંભાવ્યો. સરસ્વતીનો કંઈ પ્રસાદ તેની કલમની અણીમાંથી ઊતરતાં અટકી જાય તેવે ભયે, મેં આકાંક્ષા દાબી જીભ પકડી. તે લખી રહ્યો - નોટ ઊંચી કરી - ચશ્માં ઠીક કર્યાં અને મારા તફર ફર્યો.

‘બોલો મિસ્તર ! માફ કરજો. શું પૂછતા હતા ?

‘જી ! એટલું જ કે આપ કોઈ લેખક છો ?’

‘જરા જરા પ્રભુપ્રસાદથી સરસ્વતીની સેવા બજાવું છું.’

અહાહા ! શી ઉત્તમ નમ્રતા - તેમની આંખમાં શું અનેરું તેજ ! ‘આપ કવિતા લખો છો ?’

‘થોડી ઘણી-અવારનવાર.’ જરા મોં મલકાવી, બેત્રણ ખૂટતાં દાંતો સિવાયની દૃઢ દંતાવલિ દેખાડતાં કવિએ કહ્યું. મારી ઉત્કંઠા વધી. શો લાભદાયક તર્ક ! શો વાર્તાલાપનો રસદાયી પ્રસંગ ! શો આત્મોન્નતિ પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ ! મારી છાતી ઊછળી રહી.

‘આપ કલાપી વિશે શું ધારો છો ?’ મેં હિંમત રાખી વાત શરૂ કરવા માંડી. મારા સાથીનું નસકોરું જરા ચડ્યું. નાની આંખોમાં તિરસ્કારનાં કિરણો ફૂટવા લાગ્યાં. ‘ઠીક છે. ખોટો નથી.’

‘ત્યારે રા. નરસિંહરાવ કેમ છે ?’

‘ઠીક ઠીક.’

‘ત્યારે આપ રા. નાનાલાલની નવી પ્રણાલિકા પસંદ કરતા હશો.’

‘બધા ઠીક છે, પણપૂરો એકે નહીં.’

‘હેં !’ મારો પિત્તો ઊકળી આવ્યો. શું આટલો બધો તિરસ્કાર ! મારા મનની લાગણી ડગમગવા લાગી. ‘ત્યારે તમે પૂરો શ્રેષ્ઠ કોને કહો છો?’

‘એ સવાલ જરા અંગત છે.’

‘કેમ ?’

‘શ્રેષ્ઠતા તમે કોને કહો છો ? એક જાતની ટેવ પડી જાય એટલે તે પ્રમાણે ઘસઘસ કરવું તેનું નામ શ્રેષ્ઠતા ? પચ્ચાસ વર્ષે એક રીતે લખ્યા કરી સારા કહેવરાવવું તેમાં વડાઈ શી ? એ તો રસ્તાનો ચાલનાર પણ કરે.’

મારા સાથીની વાત મારે ગળે ઊતરી. તેની બુદ્ધિ માટે માન વધ્યું. પાછા નમ્ર બની હું પૂછવા બેઠો : ‘પણ ત્યારે આપ શ્રેષ્ઠ કોને ગણો છો ?’

‘કવિમાં શ્રેષ્ઠતા નક્કી કરવી એ કઠણ કામ છે; પણ ખરો કવિ તો ત્યારે કહેવાય, કે દરેક કવિતાની પદ્ધતિમાં એક્કો ગણાય, દરેક રસ એક જ રીતની સરળતાથી ઊભરાવે, દરેક ખૂબીને કલમની અણી પર ધારે.’

‘ખરું,’ વિદ્વતાના દરિયામાં ડૂબકાં ખાતાં મેં કહ્યું, ‘પણ આપે મારા સવાલનો જવાબ ન આપ્યો.’

‘નથી આપતો; કારણ કે જવાબ આપતાં શરમાઉં છું.’ મારા સાથીના કરચલીવાળા મોં પર શરમના શેરડા પડ્યા. મને કંઈ સમજ પડી. ગુજરાતના કોઈ કવિશિરોમણિ તો મારા સમક્ષ નહીં બેઠા હોય ?

‘ના ! ના ! કહો તો ખરા ?’

‘શું કહું ? જુઓ, કલાપી મોટો કવિ છે, નહીં ? પણ ધારો કે કોઈ કલાપી જેવી પણ કવિતા લખે અને સાથે રા. નાનાલાલ જેવી પણ લખી શકે તો તે કવિ બંનેથી શ્રેષ્ઠ ખરો કે નહીં ?’

‘જરૂર.’ જોરથી ડોકું ધુણાવી મેં કહ્યું.

‘વારુ ! ત્યારે તેની સાથે તે માણસ દયારામની ગરબીઓને શરમાવે એવી ગરબીઓ લખતો હોય તો ?’

‘તે તો વળી તેથીય શ્રેષ્ઠ.’

‘અને સાથે પ્રેમાનંદની પણ લઢણ લાવે ત્યારે ?’

‘ત્યારે પૂછવું જ શું ? પણ ક્યાંથી લાવવો એવો કવિવર ?’

‘સેવક આ રહ્યો.’ જરા મોટાઈના ગર્વમાં, શરમની નરમાશમાં કવિરાજે કહ્યું.

‘હેં !’ કહી, હું ઊભો થઈ ગયો. આ કોણ ? આ રા. નરસિંહરાવ કે રા. મણિશંકર કે કોઈ છૂપું, સંતાતું ફરતું રત્ન ?

‘હા જી, આ સેવક. આ બધું હું કરી શકું છું, અને તેથી જ મારી જાતને હું નમ્રતાપૂર્વક શ્રેષ્ઠ કવિવર માનું છું. એટલું જ નહીં, પણ આમાંથી કોઈ પણ કવિઓના જેવી કવિતા બનાવતાં સહેલાઈથી શીખવી શકું છું.’

‘શું ખરી વાત ?’ અચંબાના દરીઆવમાં ગોથાં ખાતાં મેં પૂછ્યું, ‘આપ ક્યાં લખો છો ?’

‘ક્યાં ? બધે. દરેક માસિકમાં, દરેક સાપ્તાહિકમાં, દરેક દૈનિકમાં, દરેક જ્ઞાતિપત્રમાં-જુદાં જુદાં તખલ્લુસથી.’

‘પણ આપનું નામ મેં સાંભળ્યું નથી, એ અજાયબ જેવું છે.’

‘કારણ કે હું સર્વવ્યાપી છું. મારા મિત્રો મને અવારનવાર ઑર્ડરો લખી મોકલે છે, અને જોઈતી શૈલીમાં કવિતા લખવાની મેં નિશાળ કાઢી છે.’

‘ક્યાં ?’

‘હું તે નિશાળ પત્રવ્યવહારથી જ ચલાવું છું, અને કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા ઉપર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.’

હું આશાસાગરના ઊંચામાં ઊંચા મોજા પર જઈને પડ્યો. કલ્પનાશક્તિના ઘોડા ચારે પગે ઊપડ્યા. આ મહાત્મા પાસે કવિતા કરવાનો મંત્ર શીખી કવિ બનું, ગામોગામમાં મશહૂર થાઉં, ભવિષ્યની પ્રજાને માથે ઉપકારનો બોજો નાંખું, ભવિષ્યના વિવેચકોને આ કાવ્ય મારું છે, કે મારા કાકાનું વગેરે પ્રશ્નોમાં અહોનિશ ગરકાવ રાખું ! પણ એક સંશય રહ્યો.

‘પણ કવિતા કરવી એ તો ઈશ્વરની બક્ષિસ છે; પછી દરેક માણસ કેમ લખી શકે ?’

‘ભલા ભગવાન ! એ તો અસલી વિચાર. આ તો સાયન્સના દિવસો છે. હાલની લડાઈએ બધી દુનિયાને તેની સીધી રેલ પર ચડાવી દીધી સિસ્ટમ-સિસ્ટમ ! ઈશ્વરની બક્ષિસ એ તો મૂર્ખાઓનાં સ્વપ્નાં. બધાને સિસ્ટમ લગાડો તો ઈશ્વરના માટે સ્થાન જ ક્યાં છે ?’

હું ખુશ થયો. વાત મને ઠીક લાગી.

‘વારુ ! ત્યારે આપ મને કંઈ બે બોલ કહેશો ? હું પણ કવિ થવાની આશા ધરાવું છું, ગુર્જરગિરાની ચાકરી કરવા હોંશીલો છું.’

‘ઠીક ! પહેલી ટેવ પાડવી હોય તો નાટકનાં ગાયન લેવાં અને તેના જેવાં લખવાં. હાલ આપણો રસ ઘણો વિકાસ પામ્યો છે, એટલે ગદ્ય જેવું પદ્ય લખવું તેમાં જ મોટાઈ છે. તેમાં નાટ્યશાસ્ત્ર સુધારવાના ભગીરથ પ્રયત્નો ચાલી રહ્યા છે, અને બે પાત્રો વારાફરતી લીટીઓ બોલે એટલે માત્રાબાત્રાની પરવા રહેતી નથી. દાખલા તરીકે નીચેનો સંવાદ તેર વખત ‘વન્સમોર’ થઈ મુંબઈની રસિક અને રસજ્ઞ પ્રજાને પ્રિય થઈ પડ્યો છે. તે મારો લખેલો છેઃ’

‘તમે કોણ છો ?’

‘હું રાણી.’

‘તમારું શું નામ-કેવું છે તમ કામ-ક્યાંથી આવ્યા આ ધામ -’

‘હું આવી-પ્રીતિ લાવી-તન મન ભાવી-વાહ ! વાહ ! વાહ ! આહા ! આહા ! આહા !’

‘હવે અહીંઆં વાહ અને આહાનો પ્રયોગ જોજો અને તેની ઝમકની કદર કરજો. શું સુંદર લાગે છે ?’

મેં ડોકું ધુણાવ્યું. ‘વારુ પછી ?’

‘હવે આ જાણે પહેલું પગથિયું. પછી આજકાલ દોહરા ચોપાઈ તો જૂનં થઈ ગયાં છે; પણ કોઈ એક એવો સહેલો છંદ લેવો; કેટલાક ઊગતા કવિવરો હરિગીત વધારે પસંદ કરે છે; કારણ કે વાતમાં પણ તે બનાવી શકાય છે :’

‘બેઠો હતો હું, તે જ વખતે વાત ત્યાં એવી થઈ.’

‘જરા જરા હરિગીતો બેચાર મોઢે કરી તેનો લય મગજમાં આવશે એટલે પછી બધું સહેલું લાગશે.’

‘પણ વિષય ક્યાંથી લાવવો ?’

‘શી ગાંડી વાત કરો છો ? હજુ તમે ઘણા જૂના વિચારના છો. આજકાલ તો સ્વાભાવિકતા જોઈએ. મહાકવિ વર્ડ્‌ઝવર્થના પ્રતાપ છે. જેમ પ્રસંગ નિર્જીવ તેમ કવિતા વધારે સુંદર, અને વિષયશૂન્યતા હોય તે તો શ્રેષ્ઠ છે; પણ શરૂઆતમાં તે લાવવી અઘરી પડશે. ‘ત્રાટિકા’ ત્રૈમાસિકમાં મારો ફીફલાં (વાંદા)નું હરિગીત જગવિખ્યાત છે.’

મને શરમ આવી. શું આવી જગવિખ્યાત વસ્તુથી પણ હું અજ્ઞાત છું? ધિક્કાર પડ્યો મારા ભણતરને અને જીવતરને.

‘તેની પહેલી લીટી આમ હતી :’

‘સૂતો હતો, શય્યામહિં ત્યાં આવિયું એક ફીફલું.’

‘સ્ટેટના નામદાર મહારાજાએ તો નોકરોને સંબોધવા આ કાવ્યા મોંએ રાખ્યું છે.’

‘હશે, પછી ?’

‘હવે આપણે મોટા કવિઓ તરફ વળીએ. આવાં હરિગીત બનાવતાં આવડ્યાં એટલે તમે કવિતાશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયા. પછી કલાપી લો. એવું લખવું હોય તો ઘરમાં કોઈની સાથે લડીને બેસો તો વધારે સારું. હમેશાં જુદાજુદા કવિઓના ખાસ શબ્દો હોય તેની એક નોટબુક રાખવી, કે તેવાં કાવ્ય લખતી વખતે શબ્દો સારી રીતે વાપરી શકાય. કલાપીના શબ્દોમાં જુઓ -ઈશ્ક, દિલ, જિગર, સ્મરણ, રડવું, આંસુ વગેરે ઘણી વખત આવે છે. લખતી વખતે આ શબ્દો બે-ચાર વાર વાંચવા, અને બને તો ગઝલ જમાવવી; મને કલાપી એવો છે, કે પા કલાક વાંચો કે તેના જેવું લખવાની ધૂન લાગે.’

‘અરે મારા હૃદય પ્યારા, રહે તું બાપુ ! રહે છાનું.’

‘શું આ લીટીમાં કેકારવના પડઘા રહ્યા છે ખરા કની ? અને કલાપીની ઢબમાં લખવાને વિષય આપવો નથી પડતો. ‘ઈશ્ક’ અને ‘પ્રિયા’ બેને પકડી રાખ્યાં, કે બેડો પાર. બધા વિષયો ઘરડા થાય છે, આ વિષય કોઈ દિવસ થયો છે ?’

‘નહીંસ્તો, તેમ નહીં હોય તો કવિઓનો રોજગાર ક્યાં રહે ?’

‘બરાબર છે ! શું સ્ટેશન આવ્યું ? વાંદરા. હજુ ઘણો વખત છે. ઊભા રહો, હું જરા બીડી ચેતાવી લઉં.’ કહી કવિરાજે વાત કરવા માંડી : ‘જુઓ, હવે આધુનિક કાવ્યો તરફ ફરીએ. લલિતની શૈલીમાં મારી પૂર્ણતા અદ્‌ભુત છે. લાલિત્ય એ મારી ખાસ મિલકત છે. અરે, તેની હાલની ખૂબી કંઈ ન્યારી જ છે. એક જ શબ્દને આમતેમ ગોઠવી જે કાવ્યમયતા લલિતનં કાવ્યો પ્રસારે છે તેની બરોબરી કોણ કરી શકે એમ છે ? તેમાં હમણાં એ રીત પૂર્ણતાએ પામી છે અને ખાસ કરીને જ માસિક પત્રોંમા લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણ કે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી. એક શબ્દ લો; ‘દુખ્યું.’ હવે આપણે કાવ્ય કરીએ :

‘હા-આ દુખ્યું.

શું શું દુખ્યું ?

મુજ મન દુખ્યું.’

નહીં તો નાટકનો રાગ લો. ધારો કે ‘ગોવિંદ ગુણ ગાઉં રે.’ હવે મારે આ રાગની કવિતા કરવી હોય તો આ રહી :

‘બેઠા શું બેઠા બેઠા રે, બેઠા, શું બેઠા બેઠા ?’

‘શું રસ ઝરે છે ?’

મેં તે વાત કબૂલ રાખી - ‘પણ રા. નાનાલાલ જેવાની શૈલી ઉતારવી સહેલી નથી.’

‘સાહેબ ! હું ઘણો શરમાળ માણસ છું. જો મરામાં તે શક્તિ નહીં હોય તો શ્રેષ્ઠ કવિવર કહેવરાવવાનો કોઈ દિવસ દાવો કરું ? રા. નાનાલાલની કવિતા પર તો મારો અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઓર્ડર ઘણા આવે છે.’

‘ત્યારેતે કેમ લખાય ? મેં ઘણી માથાકૂટ કરી પણ એવું લખાતું નથી.’

‘કારણ કે તમે મારી પાસે શીખ્યા નથી. જુઓ, એ કવિતા કરતાં પહેલાં તો ભાષાને ઊંચી કરવી જોઈએ; ઊંચી કહેતં નાનાલાલીઆ-મીઠી, મધુરી, ઝમકતી. જીભને ચુંથાવતી, બુદ્ધિને ગભરાવતી. એવા શબ્દોને ભેગા કરવા. કેટલાક શબ્દો વિના તો તે થાય જ નહીં. જુઓ, પહેલાં ‘અનેરું’, ‘સ્વ’, ‘મંજુલ’, અને ખાસ કરીને ‘ય’ આ શબ્દો જ્યાં અને ત્યાં વાપરવામાં જ ખૂબી છે. પછી બીજી પંક્તિના શબ્દો પણ બહુ જ ભેગા કરવા : ‘મનુદેહ, સમાધિ, બ્રહ્મયોગ.’

‘પણ મને તત્ત્વજ્ઞાન નથી આવડતું.’

‘તેની શી ફિકર છે ? તમારે તો કવિતા બનાવવી છે, કે તત્ત્વજ્ઞાન સમજવું છે ?’

‘પણ સમજ્યા વગર કેમ વપરાય ?’

‘ભલા માણસ ! જેમ સમજ્યા વગર વાપરો તેમ જ તમરી વિદ્વત્તાની વધારે કિંમત થાય. હશે જુઓ, સાથે ‘ડ-ડા’ની પણ ભરતી રાખવી. ‘નાનકડુંલીલમડી-ભેંસલડી’ વગેરે. હવે આ રસિક શબ્દોનો સમુચ્ચય ભેગો થયો કે તમે અડધી મુશ્કેલી જીત્યા; તમે સજ્જ થયા - યુદ્ધમાં ઊતરવું જ રહ્યું.’

‘તે કેમ કરવું પણ ?’

‘તેને માટે પહેલાં વેણુઓ વાગ્યે, ચાંદરણીઓ ચમકે, ફૂલડાં વિણાય, એવા એવા સરસ પ્રસંગો ખોળી રાખવા અને જો અંગ્રેજી પર કાબૂ સારો હોય તો શેલી અને કીટ્‌સની કેટલીક ઉપમાઓ અને કલ્પનાઓ ભેગી કરી રાખવી, કે તેનો તરજુમો થાય અને કાવ્યની સમૃદ્ધિ વખણાય.’

‘પણ એ લખવાનો રસ્તો શો ?’

‘બે રસ્તા છે. પહેલો રસ્તો એ છે, કે એક કાગળ પર ગદ્યમાં એવા પ્રસંગનું, એવા શબ્દોથી સીંચેલું, એવી કલ્પનાઓથી કૂદતું કંઈ લખી નાખવું. પછી કાગળ લઈ એને સીધો ન ફાટે એમ ફાડી બે કકડા કરવા. આમ કરવાથી તમારી લીટીઓનું માપ વહેંચાઈ જશે, અને પછી તો ફક્ત જે પ્રમાણે કાગળ ફાડવાથી વાક્ય તૂટ્યું હોય તેમ જ લખી દેવું, એટલે રા. નાનાલાલના જેવી રસિક કૃતિ તૈયાર થઈ. હવે બીજી રીત જરા કઠણ છે.’

‘તે કેવી ?’

‘એક કાગળ લઈ જેમ શેત્રંજની બાજીનાં ખાનાં હોય એમ તેના પર પાડવા. આઠ ઊભાં અને આઠ આડાં ખાનાં પાડો તો ચોસઠ ખાનાં થાય, પછી ગમે તે કોઈ ખાનામાં અનેરું, આલ્હાદ, કોયલ, ટહુકો, વેણુ, મંજુલ રવ, પમરવું; એમ ચાર-પાંચ શબ્દો લખી નાંખવા. આ કર્યું કે બધી સામગ્રી તૈયાર થઈ. વાક્યો પાંચ કે છ શબ્દોથી તો લાંબાં કરવાં અશાસ્ત્રીય જ છે, એટલે બાકી રહેલાં ખાનામાં ઉપલા શબ્દોની જોડે કાનને રુચિકર લાગે એવા શબ્દો ગોઠવી દેવા. એટલે તમારી કવિતા તૈયાર થઈ ગઈ. એટલું ધ્યાનમાં રાખજો, કે કંઈ વિચિત્રતા તો રહે જ. નહીં તો નકામા.’

મારા હર્ષનો પાર રહ્યો નહીં. કવિ થઈ અમર નામ મેળવવાની મારી આશા હવે પરિપૂર્ણ થશે એવી મને ખાતરી થઈ. મારા ગુરુ તરફ હું સાભાર નયને ફર્યો.

‘પણ ત્યારે તમે નામ સાથે શા માટે કાવ્યો નથી પ્રગટ કરતા ? શા માટે અમર થવાનો લહાવો ચૂકો છો ?’

‘કેટલાક પ્રસંગ પર મારે સ્મોલ કૉઝ કોર્ટના બેલીફોથી છુપાતા ફરવું પડ્યું હતું; પણ હવે મારો વિચાર શહેરમાં બહાર આવવાનો છે.’

‘ખરેખર ! આપ બહાર આવશો તો ગુજરાતનો બેડો પાર થઈ જશે અને પછી ગુર્જરી દેવીની શી ખૂબી ?’

‘હા ! ગુર્જરી દેવી અદ્‌ભુત છે, સૌંદર્યભાર્યા છે. જ્યારે જ્યારે સાહિત્ય મંદિરની હું કલ્પના કરું છું ત્યારે ત્યારે મારું મન વ્યોમ ફોડી ક્યાંનું જતું રહે છે.’

‘હા ! જતું જ હશે.’

‘મારી કલ્પનાના તેજસ્વી પ્રદેશમાં ગુર્જરીની સાહિત્યવાટિકા મને હંમેશ દેખાય છે. ગુજરાતનાં કવિરત્નોને તેમાં હું નીરખી રહ્યો છું. આમતેમ અનેક ‘ઈશ્ક’ અને ‘કફની’ના ભક્તો દગ્ધ દિલ પર રાખ શોભાવી રખડતા હું ભાળું છું. તે સુંદર વાડીને એક ખૂણે મઢુલીમાં હું લલિતને ગાતા જોઉં છું. એક ખૂણે આંબાવાડીઓમાં કોયલના ટહુકા સાથે તાન લગાવતી વેણુના વાદનથી કોઈ નૈષ્ઠિક બ્રહ્મચારિણીનું હૃદય પમરાવતા રા. નાનાલાલ નજરે ચડે છે; ત્રીજી તરફ સાહેબલોકના પહેરવેશનું ગૌરવ ધારણ કરી રા. નરસિંહરાવ નૂપુરઝંકારનો રસિક રવ પ્રસરી રહ્યા છે. અહાહા ! શું સૌંદર્ય ! શું ખૂબી !’

મેં કવિરાજના ભવ્ય મોં સામું જોયું - તેના પ્રભાવની ભક્તિમાં લીન થયો. ‘પણ ! આ વાટિકામાં આપનું સ્થાન ક્યાં ?’

‘મારું-મારું ? આ ગુર્જરીના પુત્રો મારે મન બાળકો.’

‘ગ્રાંટરોડ ! ગ્રાંટરોડ.’ બહારથી બૂમ પડી.

બધો વિચર છોડી હું મારાં પોટલાં ભેગાં કરવા ઊઠ્યો.

૧૦. હું શું કરું ?

વાચકને એક ખાનગી પ્રશ્ન પૂછું છું કે, ‘હવે હું શું કરું ?’ કોનો વાંક કાઢું ? મને કંઈ પણ રસ્તો સૂઝતો નથી. તેનું કારણ માત્ર એવું છે, કે જેને કહું છું તે હસે છે. જે વસ્તુમાં બધા મારું સદ્‌ભાગ્ય સમજે છે તેમાં દુર્ભાગ્ય સમાયેલું છે. અને તે-મારી સ્ત્રી.

આ ઉપરથી એમ નહીં સમજશો, કે મારી સ્ત્રી કોઈ કદરૂપી કે જૂના વિચારની, કે અભણ કે નીરસ, બેદરકાર કે નિમકહરામ કે શંખણી છે. તેમાં આ બધી ખોટોનો અભાવ છે, એ જ મારા દુઃખનું કારણ છે. તે શરીરે, સ્વરૂપે રૂપવતી છે - એથી વધારે કહેવું હું દુરસ્ત ધારતો નથી; વિચારમાં તે મહાદેવ ગોવિંદ રાનડેને પણ બે-ચાર સુધારાના સિદ્ધાંત શીખવે એમ છે. તેની બુદ્ધિની ધાર વિલાયતી ચપ્પુ જેવી છે; મુંબઈ યુનિવર્સિટીની ઈન્ટરમિડિયેટ પરીક્ષા પસાર કરી છે, એટલે હોશિયારીમાં વાંધો કાઢતાં જીભ કરડી ખાવી પડે એમ છે, રસજ્ઞતામાં જાણે નથી કહેતો; ટૂકાણમાં, આખા હિંદુસ્તાનમાં, કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં જડવી મુશ્કેલ પડે એવી ડાહી શાણી, રસજ્ઞ, ચતુર અને શીલવતી સ્ત્રીનો ભરથાર થવાને હું ભાગ્યશાળી બન્યો છું. રા. ડાહ્યાભાઈ ધોળશાજી કહી ગયા છે કે,

‘જે ઘર નાર સુલક્ષણી, તે સુખે સૂનાર’

એના લેખક માટે મને ઘણું માન છે, છતાં મારે કહેવું પડે છે, કે એ વાત તદ્દન ખોટી છે. મારે સુલક્ષણી સ્ત્રી છે-છતાં એક દિવસ હું સુખે સૂતો નથી. કહો હવે હું શું કરું ?

મૂળ વાત આમ થઈ. હું બી.એ.માં પાસ થયો ને એ (તમે સમજી ગયા હશો કોણ) ઈન્ટરમિડિયેટમાં પાસ થઈ. હું કૉલેજમાં છોકરાઓનો સરદાર ગણાતો. એની પાછળ બધાં ગાંડા થઈને ફરતા હતા. કોઈ એની ચોપડીઓ ઊંચકતું, તો કોઈ એને સ્ટેશન સુધી વળાવવા આવતું, તો પ્રોફેસરો બધા એને ચાપાણીએ બોલાવતા. તે વખત તો ઠીક-પણ પછી અમે પરણ્યાં ને પીડાઓ શરૂ થઈ !

ઘરમાં, બહાર, મિત્રોમાં, મિજબાનીમાં તે મારી બૈરી ન લેખાય. પણ હું તેનો ધણી ગણાઉં. હું રસ્તે જતો હોઉં ને કોઈ આંગળી કરી દેખાડેઃ ‘આ મિસ્તર ! હં. એ તો મિ. ક્ષ-આપણે પેલી મિસ મેના છે ને, તેના વર. મિસિસ ઘણી જ હોશિયાર છે. ખરેખર આદર્શરૂપ છે.’ એટલે સેવકનો હિસાબ હોય જ ક્યાંથી ?

ઘણે દિવસે કોઈ મિત્ર મળે તો પૂછે : ‘ઓહો ! મિ. ક્ષ ! કેમ મિસિસ ‘ક્ષ’ કેમ છે ?’ ભલો માણસ મારી તો તબિયત પૂછતો જ નથી. મને ઘણી વખત જવાબ દેવાનું મન થાય છે, કે મિસિસ ‘ક્ષ’ ગયાં જહાન્નમમાં.

કોઈ ઠેકાણે જો ચાર જણ વાત કરતા હોય ને ત્યાં જાઉં કે વિચિત્ર રીતે બધા વાત બદલી નાંખે. હિંદુ કુટુમ્બજાળ કેટલું દુઃખમય છે, સ્ત્રીઓ કેટલી અભણ છે, ધણીઓને કેટલું સહેવું પડે છે, વગેરે, વગેરે, એમ વાતો થાય. આ વાત નીકળી કે હું મૂઠીઓ વાળી અગિયારા ભણી જાઉં; કારણ કે બીજું વાક્ય નક્કી જ આ આવે : ‘હા ભાઈ ક્ષ તો નસીબદાર છે. તેને કંઈ આવી અડચણો પડે છે ? તેને તો મિસ...મેના.’ મને ગમે તેમ થયું તેમાં દુનિયાના બાપનું મેં શું ચોરી ખાધું કે આટલો જુલમ ?

મિત્રો કાગળ લખે તો પણ બાજુ ભરીને મિસિસ ક્ષ પર જ સંદેશા મોકલાવે, એટલે સેવક તો જાણે એક સંદેશા પહોંચાડનારો હમાલ ! કેટલાક તો છેક નફ્ફટ થઈ બારોબાર પત્ર લખે છે : ‘દ્બઅ ઙ્ઘીટ્ઠિ દ્બજિ.’ નવા જમાના પ્રમાણે એ પણ મારે વેઠવં પડે છે. હું શું કરું ?

જાણે હું તો એક અંટોલ કાટલું હોઉં, મોંઘા મૂલ્યની એક સિંહણનો રખેવાળ હોઉં, જાણે કોઈ મહરાણીનો ખાનગી કારભારી હોઉં, એમ જ બધાં મને ગણે છે; અને છતાં પણ હું એમ.એ. છું અને ધંધાની મારા પર સારી મહેર છે, એ પણ નસીબ !

ઘરમાં પણ મારા ભોગ છે. એક વખત મિસિસ ક્ષનું માથું દુખવા લાગ્યું. હવે એમાં મારો કંઈ વાંક હતો જ નહીં. છતાં હું ઑફિસ જવા દાદર ઊતરવા લાગ્યો અને અમારી બજુમાં રહેનાર પડોશીઓ હેઠળ વાત કરતા હતા તે સાંભળી ઊભો રહ્યો.

‘બિચારી આજે ઘણી માંદી લગે છે.’

‘માંદી તો શું ? પણ એનો ધણી જાનવાર જેવો છે. કંઈ વઢ્યો કર્યો હશે. આપણા લોકો કેળવાયા તો પણ.’ વગેરે, વગેરે. હવે મિસિસ ક્ષનું માથું દુઃખે તેમાં પણ મારા ભોગ ! અને ધારો કે હું વઢ્યો ? તેમાં કોઈને શી પંચાત ? મારી બૈરી છે ને હું વઢ્યો. ઘરમાં મા અને બાપનો પણ તેટલો જ ત્રાસ.

‘ભાઈ ક્ષ, આ મેનાને માટે તું આટલું તો કરતો નથી. તું એને બહુ પજવે છે, વગેરે, વગેરે.’ એટલે મારા ઘરમાં માલિક એ ને હું તો વૈતરો.

આટલેથી પીડા અટકતી હોય તો વધારે સારું; પણ સાંજના થાક્યોપાક્યો ઘેર આવું અને સહધર્મચારિણી જોડે બે પળ નિરાંતે બેસવાની આશા રાખતો હોઉં ત્યાં કોઈ મિત્ર બારણું ઠોકતો આવીને ઊભો જ રહે. ‘કેમ! કેમ છો મિ. ક્ષ ? કેમ મિસિસ ક્ષ, ખુશીમાં તો ખરાં ? આ તે મને કંઈ ચેન ન પડ્યું તે મેં કહ્યું, ચાલ મેનાબહેનને ત્યાં જરા જતો આવું !’

‘કેમ કંઈ ખાસ કામ ?’

જરા આકર્ષણ રીતથી : ‘ના રે, ખાસ કામ તો નથી. મેનાબહેન ! પણ જાણો છો ને તમારી ભાભી ! અમારું ઘર તો ઠીકાઠીક છે. મનને ઉદ્વેગ ઘણો થયો એટલે જરા તમારી પાસે આવ્યો.’

થયું ? ભાઈને બૈરી ઠીક ન મળી એટલે મારે ઘેર આવ્યા. પછી એવા મિસ્તરો નિરાંતે બેસે, મેના જોડે વાત કરે અને સેવક મૂંગે મોઢે બેસી રહે -નહીં તો હાજી હા પૂરવાનો ધંધો શરૂ કરે; અને મેના ઠંડે પેટે તેનાં દુઃખ સાંભળે, આશ્વાનસ આપે અને ધીમે રહીને વિદાય કરે. એટલે શું બીજા બધાને જોઈએ તેવી બૈરીઓ ન મળે માટે મારું ઘર ગામનો ચોરો કરી મૂકવો?

એક દિવસે રાતના અગિયાર વાગ્યે મેના ગાવા બેઠી. એક પછી બીજું ગાયન તેણે લલકારવા માંડ્યું. ઘણે દિવસે આવા સુખનો લહાવો લેતો હું બેઠો. થોડીક વારે બારીએ અમસ્તો ગયો અને જોઉં તો નીચે પંદર વીશ જણાઓ ઊંચું ડોકું કરી અમારી બારી સામે જોઈ રહ્યા હતા. મેં ગુસ્સાના આવેશમાં ભડ દઈને બારી બંધ કરી. અમારું ઘર પહેલે માળે હતું. બીજે દિવસે મેં માળાવાળાને નોટિસ આપી. હવે તો છેક પાંચમે માળ રહું, કે જેથી મેનાનો અવાજ સાંભળનારા ભાગીઆઓ વધે નહીં.

આવા આવા અનેક પ્રસંગો અહોનિશ બનવાથી મારો સ્વભાવ બગડતો ગયો. હું શું કરું ? કોઈ મિત્રનું મને મોં ગમતું નથી, કોઈ ઠેકાણે જવું ગમતું નથી. ઘેર બેસવું રુચતું નથી. આખો દહાડો રખેને કોઈ મેનાની જોેડે વાત કરી જશે, કોઈ એનું હાસ્ય સાંભળી જશે, એવા એવા વિચારો આવે છે, પણ બધાથી મોટી પીડા તો બીજી છે. એ દુઃખ કહું કોને ? મેનાને કહેવા જાઉં તો તેને ખોટું લાગે. બીજા કોઈને કહેવા માંડું તો તે હસે; ન હતું તો અંદર બળી મરું છું. ઘણી વખત મેના પર ચીડ ચડે છે; સ્ત્રીકેળવણી પર ધિક્કાર આવે છે. મેના કરતાં કોઈ અજ્ઞાન કે કદરૂપી પરણ્યો હોત તો એટલી નિરાંત તો રહેત, કે મારા સિવાય કોઈ તેની સામું ન જોત-પણ આ તો પાછા કેળવણીના દિવસો, અને બધા સ્વાતંત્ર્યના ભગતો. જો જરા સખતાઈ કરવા જાઉં તો કહેશે, ‘આ મોટા કેળવાયેલો જોયો, બૈરીને બહાર પણ નથી કાઢતો !’

ન કરે નારાયણ ને હું મોટો બાદશાહ થાઉં તો તરત પહેલો કાયદો જનાનો દાખલ કરવાને કરું, અને માત્ર નાકકાન કપાયેલી સ્ત્રીઓને જ ખુલ્લે બજાર જવાની રજા આપું. હવે મને જૂના જમાનાના રિવાજોનું રહસ્ય સમજાય છે. જ્યાં સુધી એવો કાયદો થાય નહીં, કે દરેક જણે પરકી સ્ત્રીની સામું ન જોવું, તેની વાત ન સાંભળવી, તેનું ગાયન સાંભળી કાન બંધ કરવા અને તે કાયદો તોડનારને દેહાંતશિક્ષા ન થાય ત્યાં સુધી બસ જનાનો બધે દાખલ કરી દેવો; અને નહીં તો દૃઢ નિશ્ચય કરવો, કે અભણ અને કદરૂપી સ્ત્રી સિવાય બધીને બસ ત્યાજ્યા જ ગણવી. આ શું ? પણ શું કરવું ? હવે બાદશાહ થવાની લાઈન દહાડે દહાડે ઓછી થતી જાય છે. જન્મ્યો તો શા સારુ હજાર વર્ષ પહેલાં ન જન્મ્યો ? હશે.

માત્ર સદ્‌ભાગ્ય મારું એટલું જ છે, કે મેના આ બધું સમજે છે અને મારી લાગણી ન દુખાય અને ઓછું ન આવે તે માટે અનેક પ્રયત્નો કર્યા કરે છે; પણ તેથી શું ? મારી મેના તે મારી પોતાની એકલાની માલેકીની છે શા માટે બીજા બધા આ પ્રમાણે કનડે છે ? સુખ જોઈને આશ્વાસન જોઈએ અને ન જડે તો નસીબ. તેમાં હું શું કરું ? પણ કોઈ સમજતું નથી, દુઃખ દે છે અને મારો જીવ વધારે ને વધારે કચવાય છે, પણ કંઈ રસ્તો છે ? રસ્તો જલદી ખોળવો પડશે અને નહીં ખોળો તો જોજો સ્ત્રીકેળવણી વધતી જાય છે; આજે મારો વારો તો કાલે તમારો.

૧૧. નવી આંખે જૂના તમાશા

હું અને મારા મિત્ર મિ. રેવડીઆ શિષ્ય અને ગુરુ હતા; બોસ્વેલ અને જોન્સન કહો તો પણ ચાલે. તેમની રીતભાત, કપડાં, બોલી, હું અનુકરણ કરતો કારણ મારે મન તે મહાત્મા હતા. તેમના જીવનસિદ્ધાંતોમાં મને શ્રદ્ધા હતી, વાક્ચાતુર્ય પર હું ફિદા હતો. હું તેમને દુર્જેય માનતો હતો.

મિ. રેવડીઆનો જીવનસિદ્ધાંત ચાલુ જમાનો હતો. તે તેના પૂજક હતા. તેની રહેણીકરણીના ભક્ત હતા અને તેનાથી કંઈ પણ જુદું હોય તેના કટ્ટા વેરી હતા. પોતે પૈસાદાર હોવા ઉપરાંત યુરોપ અને અમેરિકા વગેરેમાં તેમણે મુસાફરી કરી હતી; અને હાલના જમાનાનું સાહિત્ય તેમણે સારી રીતે વાંચ્યું હતું. તેઓ ઘણા જ ચતુર, ઘણા જ વિદ્વાન, ઘણા જ નવા અને સુધરેલા, ઘણા જ ફેશનેબલ અને આપણા મતિમંદ પૂર્વજોની કારકિર્દી તરફ પુષ્કળ તિરસ્કાર ધરાવનાર હતા. મારી આર્થિક સ્થિતિ અને બુદ્ધિબળ પ્રમાણે તેમનો અનુયાયી હું પણ થવા મથતો.

અમે બે-ઘણા જ ઊંડા તથા બહોળા વિચાર પછી દૃઢ, ચોક્કસ અને નિષ્પક્ષપાત નિર્ણય પર એકદમ અને જોસભેર આવી ગયા હતા. અને તે નિર્ણય એ હતો, કે બધુું ડહાપણ, બધી વિદ્યા અને બધી અક્કલ હાલના જમાનામાં જ ટપ દઈને પેદા થઈ ગઈ છે. અમને ખાતરી થઈ ગઈ હતી, કે અસલ હિંદમાં જંગલી લોકો હતા; તેમની કારકિર્દી અક્કલહીન અને કાયર હતી. તેમની બુદ્ધિ પર કાટ ચડ્યો હતો. અને અમારા જેવા હોશિયાર, સુધરેલા, બાહોશ અને ચાલાક સપૂતો પેદા કર્યા સિવાય તેમણે કંઈ પણ વધુ કર્યું નથી.

આ નિર્ણય અને આ ખામી વિશે અમે અનેક વખત વાતો કરતા. હાલની સંસ્કૃતિની ખૂબીઓ વખાણતા; પહેલાંની મૂર્ખાઈ પર હસતા. ઘણી વખત મિ. રેવડીઆ સવારના દશ વાગ્યે ઊઠતા. મોંમાં સિગાર અને હાથમાં ચાનો પ્યાલો રાખતા અને ડ્રેસિંગ ગાઉનમાં સજ્જ રહીને પડ્યા પડ્યા અનેક તર્કો ચલાવતા. તેવે વખતે હું ત્યાં જઈ ચડતો, અને કઢંગા પૂર્વજોએ બનાવેલી તમેની કાળી ચામડી વીસરી જઈ તે કેવા સુંદર, ફેશનેબલ અને અપ-ટુ-ડેટ છે તે વિશે મનમાં પ્રશંસા કરવા લાગતો. નહીં તો અમે બંને ફેશનેબલ કપડાં પહેરી બેન્ડ સ્ટેન્ડની લટાર મારતા તે વખતે અમે પોતે ઘડી બે ઘડી ભૂલી જતા, કે અમે જંગલી અને અસંસ્કારી દેશના રહીશ છીએ. માત્ર પંચાત એટલી હતી કે કોઈ મૂર્ખ માણસ મને મિ. રેવડીઆને ગોઆનીસ ગૃહસ્થ ધારતા; પણ તેમની અમને પરવા નહોતી.

મિ. રેવડીઆમાં પ્રશંસાપાત્ર ગુણ એક બીજો હતો. તે માત્ર આત્મસંતોષી નહોતા. તેમનો ઈરાદો તેમના સિદ્ધાંતોને આખી સૃષ્ટિમાં ખૂણે અને ખાંચરે પ્રસારવાનો હતો. તે એમ પણ ચોકકસ માની બેઠા હતા, કે ભૂતકાળના હિંદીઓ અક્કલ વગરના હતા. એટલું જ નહીં, પણ ચાલુ જમાનાના સિદ્ધાંતો જો કેટલાક તેમને શીખવ્યા હોત તો તેઓ ચોક્કસ માણસાઈમાં આવત. એમને પોતાના વાક્ચાતુર્ય ઉપર પણ વિશ્વાસ એટલો બધો હતો કેતે ઘણી વખત સૂચવતા કે એમના જેવા બાહોશ અને બુદ્ધિશાળી નરરત્ને જનકવિદેહી કે અશોકના સમયમાં જન્મવાની તસ્દી લીધી હોત તો જરૂર હિંદુસ્થાનનો બેડો પાર થઈ જાત - આપણે બધા જંગલી રહેવાને બદલે સુધરી જાત અને ઈતિહાસક્રમનું પૈડું કંઈ જુદી જ રીતે ગબડવા માંડત.

એક દિવસ રાતના આ વિષય પર અમે ઘણા ઊંડો વિચાર કર્યો. તેને અંતે મારે કહેવું પડ્યું : મિ. રેવડીઆ ! તમે આટલા બધા ઉત્સાહી છો અને છેવટે સ્વર્ગે જાઓ તો કંઈ નવુંજૂનું થાય.’

‘કેમ વારુ ?’

‘સ્વર્ગમાં સડતાં ડોસાં ડગરાંઓને પણ તમરા અભિપ્રાયોનો લાભ મળે અને તે બિચારાં સુધરે.’

‘ખરી વાત છે. મ્ીંીંિ ઙ્મટ્ઠીં ંરટ્ઠહ હીદૃીિ. સ્વર્ગમાં તો સ્વર્ગમાં, પણ ડોસાંડગરાંમાં કંઈ અક્કલ તો આવે.’

‘એ પણ વાત સાચી. બોલો સાહેબજી.’ મેં રજા લધી.

હું મારે ઘેર ગયો; પણ મારા મગજ આગળથી આ વાત ખસી નહીં. ઊંડો ને ઊંડો વિચાર કરતાં અનેક તરંગો થવા લાગ્યા અને મિ. રેવડીઆ સ્વર્ગમાં જાય અને સદ્‌ગત મહાત્માઓને મળતાં તેમના પુરાણા જીવનમાં શા ફેરફારો થાય તે પર મનની પાંખડી ચાલી. એ વિચારો ઘણો જ લાંબો વખત મેં કર્યા અને પછી હું સૂતો-સૂતો અને પાછો જાણે જાગ્યો. આંખો મીંચેલી હતી કે ઉઘાડી તેનું ભાન રહ્યું નહીં.

મને એમ લાગ્યું, હું સૂતો હતો ને એક જણ કોઈ આવ્યો અને મારા મિત્ર અને પૂજ્ય ગુરુમિત્ર રેવડીઆનો પેગામ લાવ્યો.

‘આજે પાંચ પાંચ યુગ થયાં તેઓ સ્વર્ગમાં સુધારો કરવા મચ્યા રહ્યા છે અને આપને તેડે છે.’

‘મને શું કામ ?’

‘તે સુધારો જોવાને. આવવું હોય તો વિમાન તૈયાર છે.’

મારી પૂજ્યતાની બુદ્ધિએ ઉછાળો માર્યો. મિ. રેવડીઆ જોડે થોડા કલાક પહેલાં કે થોડા યુગ પહેલાં વાત કરી હતી તે હું ભૂલ્યો, પણ તેમનો વિજય જોવા એકપગે થઈ રહ્યો. ઝટ દઈ કપડાં પહેર્યાં અને વિમાન પર ચડ્યો. અમે ઊડવા માંડ્યા. આખરે મારા સાથીએ કહ્યું, કે આ સ્વર્ગ આવ્યું.

સ્વર્ગ જોઈ મને અસંતોષનો પાર રહ્યો નહીં. મને કંઈ મોટા રસ્તા, ઊંડી ગટરો, ઊંચા મકાન, બાગ-બગીચા, મિલનાં ભૂંગળાં વગેરે જોવાની આશા હતી, ત્યારે આ તો એક વિશાળ ઊંડું વન લાગ્યું.

‘આ સ્વર્ગ ! નોન્સેન્સ !’

‘હા ! આ તેનો હિંદીવિભાગ છે.’

‘અહીંયાં પણ લોકોમાં અક્કલ હોય એમ લાગતું નથી !’

‘મહારાજ !’ મારા સાથીએ કહ્યું, ‘અહીંયાં હજુ જોઈએ તેવો સુધારો થયો નથી. આ થોડાએક યુગ થયા મહાત્મા રેવડીઆને પ્રતાપે ઝાડોની ગણતરી થવા લાગી છે, અને પછી કંઈ કંટ્રાક્ટ આપવાનો વિચાર ચાલે છે.’

હું હરખાયો. મારા મિત્ર તો ખરેખરા નવા જમાનાના જ. શાબાશ! આનું નામ કેળવણી !

‘મિ. રેવડીઆએ કેવી રીતે આ સુધારો કરવા માંડ્યો ?’

‘પહેલાં તો એ સાથે બને એટલો સરસામાન લઈને આવ્યા અને ધીમે ધીમે બધાને સુધારાનો સ્વાદ ચખાડવા લાગ્યા.’

‘એમ ! વારુ. ચાલો. મને જલદી બધું બતાવો. હું કંઈ અસલના જેવો આળસુ નથી. વખત ઘણો કીમતી છે.’

‘જી હા ! આ તરફ ચાલો.’ કહી મારો સાથી મને લઈ વનમાં દાખલ થયો.

મારા મિત્રે શા શા નવા ફેરફાર કર્યા હશે, હું કોને જોઈશ અને તેઓ કેવા હશે તે સંબંધી મેં વિચાર કરવા માંડ્યો. મુંબઈ જેવા સુધરેલા શહેરમાં રહ્યા પછી જંગલ કંઈ આકરું લાગવા માંડ્યું છતાં મારા પૂજ્ય મિ. રેવડીઆનો પ્રતાપ જોવા ખાતર હું આગળ ચાલ્યો. ક્યાં સુધી ગયો, કેટલીવાર ચાલ્યો તેનો હિસાબ રહ્યો નહીં.

દૂરથી એક બેસૂરી ફિડલનો અવાજ આવ્યો, અને તે તરફ ફરતાં એક તેજસ્વી વૃદ્ધ અને આપણા અજ્ઞાન લોકો જેને મહાત્મા કહે છે એવા દેખાતા પુરુષને ફિડલ વગાડતા જોયા. તેમની આંખમાં તેજ દેખાતું હતું, પણ મારા પોતાના અભિપ્રાય પ્રમાણે દાઢી આટલી મોટી વધવા દઈ તેઓ પોતે અણસુધરેલા છે. એમ પુરવાર કરતા હતા. અમારા રેવડીઆ પંથ પ્રમાણે સવારના પહોરમાં, અડધી ઘડી સૂર્યોદય પહેલાં દરેક મનુષ્યે પોતાની દાઢીમૂછ કાઢી સ્વચ્છ થઈ જવું જોઈએ. ફિડલ વગાડનાર મહત્મા મૃગચર્મ ઉપર રૂનો એક ગદેલો નાંખી બેઠા હતા. તેમની સામે એક તરફ જુદી જુદી સેંટની શીશીઓ પડી હતી. પાસે તરભાણામાં કંઈક આલીસક્રીમ જેવું દેખાયું. હું ચમક્યો; આ વિચિત્ર મૂર્તિ કોણ હશે તે જાણવાની ઊત્કંઠા થઈ. હું પાસે ગયો અને નમ્યો. ડોસાએ ફિડલ બંધ રાખી.

‘મહારાજ ! આપ શું કરી રહ્યા છો ?’

‘બેટા ! આટલું સમજતો નથી ?’

‘ના.’

‘અર્થશાસ્ત્રનો નિયમ છે કે માણસે પોતાની જરૂરિયાતો વધારવી. તે

વધારવાથી માણસ મહેનતુ થવાથી દુનિયામાં સુધારો થાય છે.’ મારી અજાયબી વધી. આ તો મિ. ફોસેટના અર્થશાસ્ત્રનું ટાંચણ

લાગ્યું. એ વળી અહીંયાં ! જરૂર આ મારા મિત્રના પ્રતાપ હોવા જોઈએ.

‘પણ આ શું કરો છો ?’

‘આટલું સમજતો નથી ? હું મારી ઈન્દ્રિયો કેળવું છું. વિષય-લાલસા વધ્યા વિના જરૂરિયાતો વધે નહીં. રસ કેળવવા આ આઈસક્રીમ છે, ગંધ માટે આ સેંટ રાખ્યું છે, સ્પર્શ સુખ ભોગવતાં શિખાય માટે આ ગાદી રાખી અને આ ફિડલે કંઈ સંગીતના સંસ્કાર મારામાં રેડવા માંડ્યા છે.’

‘માત્ર હવે રહ્યું રૂપ જ.’ મારાથી કહ્યા વગર રહેવાયું નહીં.

‘તેં કંઈ હું ચૂકું એમ નથી. મેં ગ્રીસ દેશના શિલ્પીઓનાં કેટલાંક

નગ્ન પૂતળાં મંગાવ્યાં છે.’

‘તે અહીંયાં ક્યાંથી ?’

‘તને ખબર નથી ? નવો આવ્યો લાગે છે. હાલ થોડો વખત થયાં એક મહાત્માની પ્રેરણાથી અહીંયાં એક મોટો આશ્રમ નીકળ્યો છે, અને તેમાં અનેક જાતનાં સાધનો મળે છે.’

‘એ મહાત્મા કોણ ?’

‘એક રેવડીઆ કરીને છે.’

‘હેં !’ હું હર્ષઘેલો થતાં બોલ્યો.

‘હા, પહેલાં તો અમને આ બધું ભાન નહોતું; પણ એ ગૃહસ્થના આવવાથી અમારી આંખો ખૂલી ગઈ. હવે અમે સુધરવા લાગ્યા.’

‘પણ મહારાજ ! રૂપ, રસ, ગંધ વગેરેની મોજમજા મેળવવા આટલો તે વળી અભ્યાસ કરવો પડે ! અમને તો એ બધું સહેલાઈથી આવે છે.’

‘ભાઈ ! તમે બધા નીસબદાર છો. અમે તો જંગલી હતા. તેમાં હું તો બધાનો શિરોમણિ. નાંખી દેતાં છ હજાર વર્ષ થયાં. મેં એક ધતિંગ કાઢ્યું હતું જેથી હું મૂર્ખો રહ્યો, અને બીજાને રાખ્યા.’

‘શું ધતિંગ ?’ તિરસ્કારથી ડોસા સામે જોતાં મેં પૂછયું.

‘મારા મૂર્ખ મનને એમ લાગ્યું કે રૂપ, રસ વગેરેનો ત્યાગ કરવો. વૈરાગ્ય કેળવે ત્યારે માણસ સુધરેલો ગણાય. ભાઈ, એમ માનતાં છ હજાર વર્ષ ગયાં; અને તેની પીડાએ આ બધી ઈન્દ્રિયો વિરાગી થઈ ગઈ છે. હવે કેળવતાં મુશ્કેલ પડે છે. કોણ જાણે હું સુધરેલો ક્યારે થઈશ ?’ નિસાસો નાંખતાં તેણે કહ્યું.

‘મહારાજ ! ક્ષમા કરજો, પણ આપ પૂર્વાશ્રમે કોણ હતા ?’

‘હું ! ભાઈ, જવા દે ને. મને બધા વસિષ્ઠને નામે ઓળખતા.’

‘કોણ મહાત્મા વસિષ્ઠ !’ હું બોલી ઊઠ્યો. ‘પ્રભુ !’ કહીને હું એકાએક મારા સિદ્ધાંતો ભૂલી એ આદિ ઋષિને દંડવત્‌ પ્રણામ કરવા જતો હતો, પણ તેમણે રોક્યો.

‘છોકરા ! તું મૂર્ખો છે. હું એ માનને લાયક નથી. મહાત્મા રેવડીઆએ મારી ખાતરી કરી દીધી છે, કે હું મૂર્ખો છું - હવે બહુ થયું - આ એક શિષ્ય ગ્રીક પૂતળાંઓ લઈ આવ્યો. મારા અભ્યાસમાં ખલેલ પહોંચે છે.’

હું મૂંગે મોંઢે ત્યાંથી ખસ્યો - મને હર્ષ થયો. આ પ્રમાણે રેવડીઆ પંથ વધશે તો ચોક્કસ સ્વર્ગ સુધરશે ખરું. ધીમે ધીમે ફિડલનો બેસૂરો અવાજ કાન પર પડવા લાગ્યો. હું મારા સાથીને લઈ પાછો ઘૂમવા અને મિ. રેવડીઆની બુદ્ધિનાં વખાણ કરવા લાગ્યો.

થોડે દૂર જતાં એક મહા વૃક્ષના થાળા પર એક બીજો ડોસો ટાંટીઆ મરડી નાંખી પદ્માસને બેઠો હતો. તેની તેજોમય ક્રાંતિ, સફેદ લાંબી દાઢી, માનની લાગણી સ્ફુરાવે એવી હતી. આસપાસ ઘણા લોકો હાથમાં નાની કોથળીઓ લઈ ઊભા હતા અને તે એક કોઈ શિષ્ય જોડે વાતો કરી રહ્યો હતો. હું પાસે ગયો, નમન કર્યું અને ઊભો રહ્યો. મહાત્માએ મને જોયો અને પૂછ્યું.

‘નવો આવ્યો છે ?’

‘જી હા ! આપનાં દર્શનનો લાભ મેળવવા અહીંયાં આવ્યો છું.’

‘જો ! મને ફુરસદ નથી. આ બધા લોકો મને મળવા તલસ્યાં કરે છે એટલે તારી વાત ટૂંકેથી પતાવ.’

‘મહારાજ ! હું તો માત્ર આ બધાં શું કરી રહ્યાં છે તે જ પૂછવા આવ્યો છું.’ મેં કહ્યું.

‘એટલી ખબર નથી ? આ બધાંને ધર્મ અને આચાર વિશે અભિપ્રાય જોઈએ છે, માટે મારી પાસે આવવા મથે છે.’

‘તેમાં આ કોથળીઓ શાની ?’

‘કેમ ? આમાંથી જે વધારે પૈસા આપશે તેના લાભનું ધર્મવચન હું કહીશ. હું સૃષ્ટિમાં આદિ સ્મૃતિકાર હતો.’

‘કોણ, મહાત્મા મનુ ?’ મેં ફરીથી પ્રણિપાત કરતાં કહ્યું.

‘હા ! પહેલાં મેં એક ધર્મશાસ્ત્ર રચ્યું હતું પણ તે વખતે હું જરા જંગલી હતો. તેથી બધાંને માટે શાસ્ત્ર રચી ગયો હતો. હું એમ સમજતો, કે બિનસ્વાર્થે ધર્મ ખીલવવો તે જ સાર્થક છે.’

‘ત્યારે હવે આપ તે શાસ્ત્રના સિદ્ધાંતો આમ વેચાતા આપો છો ?’

‘ગાંડા ! પહેલાં હું જંગલી હતો તે મફત ધર્મ શીખવતો, હવે એક મહાત્માને પ્રતાપે અમે બધા સુધર્યા છીએ અને જે વધારે કિંમત આપે તેના લાભમાં મારો અભિપ્રાય આપું છું; કારણ કે જ્યાં પૈસા ત્યાં ન્યાય.’

‘એ મહાત્મા કોણ - રેવડીઆ ?’ હું હરખાઈને બોલી ઊઠ્યો.

‘હા તે જ ! ઊઠો. મારો કીમતી વખત જાય છે.’ પણ એ વધુ કહે તે પહેલાં તો હું ત્યાંથી ચાલ્યો ગયો. મારા મિત્ર રેવડીઆની અસર આટલે સુધી પહોંચશે એવો મને જરા પણ ખ્યાલ નહોતો. શાબાશ મારા વીર ! સુધરેલા જમાનાના હિમાયતી તરીકે તારું નામ ઈતિહાસમાં રહી જવાનું.

‘ભાઈ !’ મને એક સંશય થતાં મારા સાથી તરફ ફરતાં કહ્યું. ‘આ બધા આટલા બધા કચવાયલા કેમ રહે છે ?’

‘કોણ જાણે. આ બધા હિંદવિભાગનાં સ્ત્રી-પુરુષો એ જ પ્રમાણે કરે છે. વાસનાઓ છોડી, ઈન્દ્રિયનિગ્રહ કરી, એમનો સ્વભાવ એવો વિચિત્ર થઈ ગયો છે, કે મહાત્મા રેવડીઆના સિદ્ધાંતો સ્વીકારતાં તેમને બહુ જ કચવાટ લાગે છે.’

‘હરકત નહીં ! આખરે સુધર્યા વગર ક્યાં જવાના હતા ? મારી ઠોકી એમના જૂના જંગલીપણામાંથી બધાંને બચાવવાં જ જોઈએ.’ મેં ઉત્તર દીધો.

હવે શું વધારે કહું ? અમે બહુ રખડ્યા. બહુ જોયું, અને બધે રેવડીઆ પંથનો દિગ્વિજય દેખાયો. મારી છાતી વેંત ઊંચી આવી. તેમાં એકબે દેખાવો ઘણા રસમય હોવાથી તે ચીતરી, મારી સ્વર્ગની મુસાફરીનું વર્ણન પૂરું કરીશ.

મેં ભગવાન ચાણક્યને જોયા. મિ. રેવડીઆની શીખ પ્રમાણે તેઓ કાર્યદક્ષતા (ીકકૈષ્ઠૈીહષ્ઠઅ)નો પાઠ કરતા દેખાયા. જે મહાત્મા સમસ્ત ઈતિહાસમાં મુત્સદ્દીના શિરોમણિ હતા, જેમણે એક જિંદગીભરમાં આખા ભરતખંડમાં-મૌર્યની રાજસત્તા જમાવી હતી, તે પણ હાલના જમાનાની રીતે જ કાર્યદક્ષતા આવે છે એમ કબૂલ કરતા જોયા. તેમણે મૃગચર્મ છોડી ખુરશી ટેબલ સ્વીકાર્યાં હતાં, પણ મદ્માસનની ટેવ હોવાથી ખુરશી પર ચડી પદ્માસન વાળ્યું હતું. ધોતિયાથી કાર્યદક્ષતા ન આવવાથી તેમણે પાટલૂન અને મોટા બૂટ પહેર્યાં હતાં. જટાથી રખેને બેદરકારી પેસી જાય એમ માની તેના પર ટોપહેટ ચડાવી હતી ! આહાહા ! શું અમારા સિદ્ધાંતોનો દિગ્વિજય ! કારણ કે જ્યાં સુધી માણસ ખુરશીટેબલે બેસે નહીં, પાટલૂનબૂટ પહેરે નહીં અને હેટ માથે લગાવે નહીં, ત્યાં સુધી કાર્યદક્ષતા અને મુત્સદ્દીપણું તેનામાં આવે નહીં. જો મહાત્મા ચાણક્યને આ બધી પહેલાં ખબર હોત તો જરૂર ભરતખંડને બદલે એશિયાખંડ પર મૌર્ય મહારાજાઓનો વાવટો ફરકત.

વળી એથી વધારે અસરકારક પ્રસંગ તો એક બીજે ઠેકાણે મળ્યો. મેં આઠ-દશ જણનું એક ટોળું જોયું.

‘ભાઈ !’ મારા સાથીને મેં પૂછ્યું, ‘આ બધા કોણ છે ? માત્ર આ અણિયાળી દાઢીવાળા ઓળખાય છે.’

‘હા ! એ તો મુસ્લિમ ગૌરવનો ભંગ કરનાર મહારાજા શિવાજી. આ પેલા પાવડીએ ચડી હાથમાં કુહાડી લઈ ઊભા છે મહાવીર પરશુરામ; પેલા ગ્રીક સત્તાને તોડનાર પ્રતાપશાળી ચંદ્રગુપ્ત મૌર્ય, જેનો ડંકો દિગંતે સંભળાતો હતો તે; પેલા ઝાડને અઢેલી ઊભા છે એ મહારાજાધિરાજ શ્રીહર્ષ.’

‘ઓહોહો ! પણ આ પેલો સાધુડો આટલા જોસથી એમને શું કહી રહ્યો છે ?’

‘આ સાધુ જેવો મહાત્મા છે તે જડભરત. એ પહેલાં કંઈ પણ જીવજંતુ દુખાય નહીં માટે જમીન પર પગ મૂકતાં પણ ડરતા હતા.’

‘એમ ! તે હવે શું કહે છે ?’

‘તે આ યોદ્ધાઓને ભાષણ આપે છે.’

‘શા ઉપર ?’

‘આ ભરતે નવો પંથ સ્વીકાર્યો છે, અને તે બધાને કહે છે, કે

‘આર્યો બાયલા છે, કાયર છે, કારણ કે તેઓ ભાજીપાલો ખાઈને રહે છે.’ તે આ બધા વીરોને માંસાહારી થવાનું સૂચવે છે; કારણ કે તે વગર શૌર્ય અને હિંમત આવે નહીં.’ હું સમજ્યો.

‘એમ ! શાબાશ મારા રેવડીઆ ! શું તમારી સ્તુતિ કરું ?’ કહી હું રવાના થયો. કહેતા હતા, કે ‘ભોગ તારા, તું માંદો થયો તે. વિશ્વનિયમ પ્રમાણે લાયક માણસ જ જીવે. દુનિયામાં રસાકસી જોઈએ, મારામારી જોઈએ, અને નબળાં હોય તેના ભોગ.’ મને ડાર્વિન સાંભર્યો અને ભગવાન બુદ્ધે આ શબ્દો મિ. રેવડીઆ પાસે જ સાંભળ્યા હોય એમ ચોક્કસ લાગ્યું.

એમ ફરતાં ફરતાં છેલ્લો અનુભવ ઘણો જ નમૂનાલાયક હતો અને હલના જમાનાના સિદ્ધાંતો સ્વર્ગલોકમાં કેવા પ્રસરી ગયા છે તેની ખાતરી આપતો હતો.

એક નબળો માણસ ભોંયે પડ્યો હતો. એક વલ્કલ પહેરેલી સુંદર યુવાન સ્ત્રી પગમાં ઊંચી એડીના બૂટ પહેરી નાકે ચશ્માં ચઢાવી પાસે ગુસ્સામાં ઊભી હતી.

‘સતી ! મારો જીવ જવા બેઠો છે. મને જરા પાણી આપો.’ મહામહેનતે શ્વાસ લેતાં પુરુષે કહ્યું.

‘મરવા પડ્યા તોયે જંપતા નથી ! સત્યવાન ! તમે માંદા હતા, તો પરણ્યા શા માટે ? તમારામાં મારું પૂરું કરવાની શક્તિ નહોતી તો શું કામ મોકલ્યો હતો નારદને માગું કરવા ? તમારા જેવાને બૈરીનો અધિકાર શો ?’ હાથ પછાડી સાવિત્રીએ કહ્યું.

‘સાવિત્રી ! જે થયું તે થયું.’ મરણની અણી પર આવી રહેલા સત્યવાને કરગરતાં કહ્યું : ‘પણ જરા તો મહેરબાની કર. તું કહે તે હવે કરું. ગમે તેવો પણ હું તારો પતિ.’

‘તેમાં શું ? હું કંઈ ગુલામ નથી. તમારા માટે મારી જિંદગી બગાડવાનો તમને શો હક હતો ? ઠીક, લો પાણી, આપું; પણ તમારી જે મિલકત હોય તેનું મારા લાભમાં વિલ કરી આપો.’

‘આ તેનો વખત છે ? પહેલાં ધનની ચિંતા ! અરેરે ! આ વખતે આ શું કહે છે !’ સત્યવાને કહ્યું.

એટલામાં યમરાજ આવ્યા. સત્યવાનને પકડ્યો. સાવિત્રીએ સત્યવાનનો પગ પકડ્યો.

‘બાઈ, બાઈ !’ યમરાજે કહ્યું : ‘આ શું કરે છે ? આમ મરતા માણસને ખેંચે છે ! શું કામ પગ છોડતી નથી ? તારા પતિનું મૃત્યુ આવી લાગ્યું છે.’

‘જવા કેમ દઉં ? ક્યારની કહું છું; પણ એ માનતા નથી. જ્યાં સુધી મારા લાભમાં એ વિલ નહીં કરે ત્યાં સુધી નહીં છોડું. એનો પગ પકડી હું આવવાની.’

‘પણ તારે બીજું કંઈ જોઈએ તો માગ, હું આપું. પણ આને છોડ. મારે ઉતાવળ છે.’

‘ઠીક ! ત્યારે એક બીજો વધારે સુંદર અને સશક્ત પતિ...’

એક પળમાં યમરાજ અંતર્ધાન થયા; સત્યવાન અને સાવિત્ર અદૃશ્ય થયાં. મારા ઓરડામાં પથારીમાં હું પડ્યો હતો. હું ઝબકીને જાગ્યો. સ્વર્ગ ગયું, સદ્‌ગત મહાત્માઓ ગયા, છતાં હું હરખાયો. રેવડીઆ પંથનો જયજયકાર ચારે દિશામાં હતો. મિ. રેવડીઆ જેવા સપૂતો પૂર્વજો કરતાં સુધરતા જતા હતા.

૧ર. મારા બચાવમાં

કોણ જાણે મારો જન્મ થયો તે વખતે મારાં મા-બાપ કોઈ કારણથી ત્રાસતાં હોય-કે કાં તો ગ્રહ, નક્ષત્ર કે રાશિનો કોપ થતાં તે ધ્રૂજતાં હોય કે અજ્ઞાન દાયણે ઉતાવળમાં મારી ખોપરીમાં આગળ આવી રહેલુું હિંમત અને મર્દાઈનું હાડકું દાબી નાખ્યું હોય, પણ મારા જેવો, જેના સ્વભાવમાં હિંમત જેવી વસ્તુ બિલકુલ જ નહીં એવો નર આખા ભૂતલમાં ભાળવો અઘરો પડશે.

મારી મા જો સાચું કહેતી હોય તો બાળપણમાં મારા જેવો શાંત છોકરો બીજો એક નહોતો; અને હું રડતો તો માત્ર એકલો હોઉં ત્યારે જ. મને રડવાની હોંશ તો ઘણીયે થતી હશે, અને તે એકલો એકલો પૂરી પાડવા પ્રયત્ન કરતો હોઈશ; પણ કોઈ આવે એટલે મારા હાંજા ગગડે અને જીભ તાળવે ચોંટી જાય, પછી રડાય તે કેમ ?

હું નિશાળમાં પણ શાંત અને આશાસ્પદ છોકરો ગણાતો. છોકરાઓની બીકથી નવ વાગ્યામાં બધાના પહેલો જાઉં. ઘણી વખત તો નિશાળના ફરાસે તે વખતે બારણાંય ન ઉઘાડ્યાં હોય; પણ તેની હરકત નહીં. રસ્તે કોઈ ઓળખીતો મળે તો નહીં ! નિશાળમાં પણ રખેને માસ્તર મારું નામ દે તેની બીકે હું તૈયાર રહું ને ઉપલો નંબર રાખું, અને સાંજના બધા છોકરા જાય ત્યાર પછી કલાકે ઘેર જવા પાછો નીકળું. કંઈ બધા છોકરાઓની સાથે જવાય? વિચાર આવતાં મને કંપારી થઈ આવતી.

એક દિવસ મારા બાર વાગી ગયા. હું પહેલે નંબરે આવ્યો. એટલે શિરસ્તા મુજબ મોનિટર બન્યો ! હું મોનિટર ! મારાં ગાત્રેગાત્ર તૂટવા લાગ્યાં, તાવ ભરાવવાની તૈયારી થઈ, મહામુશ્કેલીએ હું ઘેર નાઠો, ને માંદાનું બહાનું કાઢી સૂતો. હવે શું થશે - આખું અઠવાડિયું કેમ કલાસમાં જવાશે - બીજા છોકરાઓ સાથે કેમ બોલાશે; આ બધા વિચાર કરતાં આખી રાત ગઈ. સવારે ઉજાગરાનો ખરેખરો તાવ આવ્યો. કેમ કરતાં પાંચ દિવસ પૂરા થયા, અને ત્યારથી હંમેશાં એક બે છોકરા કરતાં ઓછા જ માર્ક આવે એવી વેતરણ કર્યા કરતો.

મેં કૉલેજ જેમ તેમ વટાવી અને નોકરી લીધી; અને બને ત્યાં સુધી કોઈની જોડે સમાગમમાં ન જ અવાય એવો લાગ શોધ્યો. અમારી ઑફિસમાં જૂનાં કાગળિયાંના કોઠાર માટે એક ખાસ કારકુન હતો. બસ, તેને તો એક મોટા ઓરડામાં બેસી જ રહેવાનું, બહુ બહુ તો વળી એકાદો ઉંદર આવે -પણ વીશ-પચ્ચીસ કારકુનોના લશ્કર કરતાં સારોે. તે કારકુન મરી ગયો કે આપણે તો છાનામાના એક કાગળ અમારા ઉપરી સાહેબને લખ્યો અને રાત પડી, કે જનરલ પોસ્ટ-ઑફિસમાં જઈને નાંખી આવ્યો. મારા સાહેબની મારા પર ઘણી મહેરબાની છે. તે મારી વાત જાણી ગયા હતા, એટલે તરત મને ત્યાં નીમ્યો. દસ રૂપિયા પગર ઓછો; તો ઓછો, પણ કોઈની બેક તો નહીં.

એક તો મુંબઈથી હું થાક્યો. પહેલાં તો મને ભોંયતળિયે રહેવાનું મન થતું. ઉપલે માળે રહીએ ને ધારો કે આગ જ લાગી વચલે માળે. તમે તો ઉપર આકાશમાં જ રહો કે ? ધારો કે દાદર સાંકડો હોય ને તમે વીશ જણ રહેતા હો તો બધા જ સામટા ઊતરવા લાગો. ત્યાં તમારો પત્તો ક્યાં? એ તે શું કહેવાય ? એના કરતાં વાત જ છોડવી !

પણ નીચેલે માળે હું રહ્યો ત્યાં બીજી પીડા જાગી. પહેલે જ દિવસે એક કોઈ મળ્યો. હું તે વખતે મારી ઓરડીનું બારણું ખોલતો હતો. ‘કેમ ભાઈ ! આજે આવ્યા ?’ તેણે પૂછ્યું. મારા હાથ ધ્રૂજી ઊઠ્યા. કેમ કેમ કરું; પણ તાળામાં કૂંચી ન ફરે. પેલો વળી કંઈ સખણો રહે ? ‘ક્યા ગામના છો?’ હું તો એવો ગભરાયો, કે અંદર કૂદ્યો ને એકદમ બારણું વાસી દીધું. અંદર જઈ હું બેસી ગયો. મારે શરીરે પરસેવો વળી ગયો હતો.

એણે મને પૂછ્યું ? એ છૂપી પોલીસ તો નહીં હોય ? વખત છે ને મારું નામ કોઈ કાવતરામાં તો નહીં આવ્યું હોય ? પછી બે-ત્રણ કલાક હું બેસી રહ્યો - બારણું જરાક ઉઘાડ્યું - આમ તેમ જોયું ને ત્યાં કોઈ ન દીઠું એટલે ઝપાટાબંધ તાળું મારતોને નાઠો. થોડે દિવસે મને સમજ પડી, કે કેટલાક લોકોને વગર જાણપિછાણે કોદ જ કરવાની ટેવ હોય છે, તે કંઈ મને પાલવે ? મેં બહુ વિચાર કર્યો. કોઈ કાતરિયામાં જોઉં તો એકાંત મળે; પણ ત્યારે ઉપર બતાવેલો ભય નડે તેનું કેમ ? આખરે નિશ્ચય કર્યો, કે ભલે જે થવાનું હોય તે થાય; પણ આ બધા વાતો કરવા આવે તે કેમ સહેવાય ? મને તો રોજ ટાઢીઓ આવે છે.

મેં તરત નોટિસ આપી ને હાલ રહું છું ત્યાં પાંચમે માળે એક કાતરિયું રાખ્યું. હવે મને નિરાંત થઈ ! તેમાં અમારી ચાલની ખૂબી છે. નીચે વખાર-ઉપલે બે માળે પેઢીઓ-ત્રીજા માળવાળો પરદેશી છે તે વરસમાં ત્રણચાર દહાડા આવે છે ને જાય છે - એને ચોથે માળે કોઈ રહે છે તેના ઘરમાં બે જણ ગાંડા છે, એટલે તેમની પંચાત કરવામાં કોઈને મારી સામું જોવાની ફુરસદ જ નથી મળતી.

આ આટલી મુંબઈની ખૂબી ! આવી નિરાંત પણ અહીંયાં જ મળે. એક પીડા માત્ર આ શહેરના રસ્તા આપે છે. ટ્રામવાળે રસ્તે જવાય જ નહીં, વખત છે ને વીજળીનો તાર તૂટે કે મોટર ને ટ્રામ અથડાય. તેમાં મોટરો ! જાણે તેના હાંકનારને સરકારે ખૂબ કરવાનો પરવાનો આપ્યો હોય તેમ આડું જોયા વગર તે તો હાંક્યે જ જવાનો. મને તો કોઈ મોટર શબ્દ બોલે કે રૂંવાં ઊભાં થઈ જાય; તેનું શિગડું ફૂંકાય કે મારી સાથે સાથે ફૂંટણ અથડાઈ પડે છે. એટલે આપણે નિયમ જ કર્યો છે, કે જરા તેનો અવાજ થયો, કે છેક એક બાજુની ભીંત પાસે ઊભા રહીને આંખો મીંચી દેવી. આથી જરા રસ્તા પર જતાં વાર થાય; પણ એ તો અડધો કલાક વહેલી નીકળીએ. એમાં ગયું શું? ઑફિસ જવું હોય તો હું તો એકદમ બહારની ચોપાટીએથી જ જાઉં, જરા તડકો તો લાગે; પણ કશો ડર તો નહીં અને આવતી વખતે બેલાર્ડ પિયર થઈને બહારને રસ્તે આવવું કે કોઈ ઓળખીતું પાળખીતું મળે જ નહીં.

કોઈ એમ ન સમજશો કે હું કંઈ કમઅક્કલ છું. હું જાણું છું, કે હું બીકણ છું, ને હું ખાતરીપૂર્વક માનું છું, કે જ્યાં સુધી મારા જેવા મતના અને સ્વભાવના માણસો દુનિયામં વધે નહીં ત્યાં સુધી કદી સુખ થવાનું નથી. હું એમ માનું છું, કે આપણા આર્ય-ઋષિમુનિઓ જંગલમાં જતા, અહિંસા વગેરે શીખવતા; તેનો આખર ઉદ્દેશ પણ એં જ હતો. અત્યારે જુઓને મારા જેવા વધારે નથી તેમાં સરકારને કેટલા કાયદા કરવા પડે છે ? આ વિષય ઉપર મેં એક પુસ્તક લખવા માંડ્યું છે. છપાઈને બહાર પડશે ત્યારે આ સિદ્ધાંતો ઉપર બહુ અજવાળું પડશે એવી મારી ખાતરી છે.

તેમ એમ પણ કોઈ ભૂલ ન ખાશો, કે હું ઘણી ઊંચી ભૂમિકા પર ચડી ગયો છું અને ચડતો જાઉં છું. હવે આ વિષય પર છું ત્યારે એનો બહોળો પ્રસાર, સંશોધન અને અભ્યાસ થાય માટે કેટલાક વિચારો દર્શાવું છું. મારા વિચારોની મેં છૂટીછવાઈ નોંધ કરી રાખેલી છે; અને ઉપર કહેલું ઘણું જ જરૂરી પુસ્તક પૂરું થાય, કે આ બીજો વિષય હાથ લેવાને હું ઈચ્છું છું.

૧. અધમમાં અધમ ભૂમિકાના અધિકારીઓ તે જે કશાથી ડરતા નથી, જાનવર જેવા ગમે ત્યાં રખડે તે. આફ્રિકામાં જવું હોય, ઉત્તર ધ્રુવ પહોંચવું હોય, મંગળના ગ્રહમાં જવું હોય ત્યારે આ પંક્તિના માણસો એકદમ આગળ નીકળે છે. લોકો આવાને વખાણે છે; હું ધિક્કાર કરું છું, કવિત્વશક્તિની માફક બીન અનુભવવાની શક્તિ પણ ઈશ્વરપ્રેરિત છે, તે કારણથી માણસ વધોર સૂક્ષ્મ, રસિક અને કંઈક અનુભવો ભોગવી શકે છે. જેનામાં શક્તિ નથી, તે જડ છે -‘ગક્રદ્રક્રક્રભૅ ઽક્રળ્ઃ ળ્હૃન્બ્ઽક્રક્રદ્ય્ક્રદ્યટ્ટઌઃ’

ર. અધમ બીકણ : જે વસ્તુસ્થિતિ વિનાશક બની જાય તે પહેલાંથી વિનાશક થઈ જ ગઈ છે એમ માની બેસી તે પ્રમાણે વર્તનાર. દાખલા તરીકે ચૂંક થતાં મૃત્યુ થશે એમ ધારી વિલ કરવા જાય તે.

૩. મધ્યમ બીકણ : જે વસ્તુસ્થિતિ વિનાશક બની જાય તે પહેલાંથી વિનાશક થઈ જ ગઈ છે એમ માની બેસી તે પ્રમાણે વર્તનાર. દાખલા તરીકે ચૂંક થતાં મૃત્યુ થશે એમ ધારી વિલ કરવા જાય તે.

૪. બીકણ : જેટલી બને તેટલી વસ્તુથી-દાખલા તરીકે, ભૂત, ગડગડાટ, વીજળીથી બીએ તે.

પ. ઉત્તમ બીકણ : પોતાને બીવાનું કારણ મળ્યા વિના બીએ તે.

૬. શ્રેષ્ઠ બીકણ : કારણની જરૂર નહીં, એટલું જ નહીં, પણ જે કારણ અકલ્પ્ય હોય તેનાથી પણ બીએ. આ ભૂમિકા ઉત્તમોત્તમ છે, અને મારા માનવા પ્રમાણે નિર્વિકલ્પ સમાધિ જોડે ઘણો ગાઢ સંબંધ ધરાવે છે. આ ચોક્કસ કરવા આવતે વર્ષે હું પતંજલિનું યોગદર્શન વાંચવાનો છું, અને આ સ્થિતિ શેક્સપિયર જેવાની કવિત્વશક્તિને કંઈ મળતી છે એમ મારી ખાતરી છે. આ ભૂમિકાએ હું તો પહોંચ્યો છું એ કહેવાની ખાસ જરૂર નહીં રહી હોય.

મારે હવે વધારે કહેવું ન જોઈએ. માત્ર બે-ચાર નમૂના મારી પોતાની ઊંચી અને અભ્યાસની તીવ્ર થયેલી બેક અનુભવવાની બુદ્ધિના આપ્યા વિના ચાલે એમ નથી. આથી ભવિષ્યમાં મારે પગલે ચાલતા કોઈ ઉત્સાહી બીકણને ખબર પડે, કે તે કેટલી ડિગ્રી આ હોશિયારીમાં આગળ વધ્યો છે.

ત્રણ વર્ષ પર એક પ્રસંગ બન્યો. મારાં ધણિયાણીની તબિયત દિનપ્રતિદિન સુધરી હૃષ્ટપુષ્ટ થઈ. હું પરણ્યો, મારી અર્ધાંગના જોડે કેવી રીતે પરિચય થયો એ વિષય એટલો વિશાળ છે, દરેક પ્રસંગ એવા ગંભીર રસમય, ભયંકર છે, કે તેને માટે એક પુસ્તક જોઈએ અને એ બધા પ્રસંગો નાનપણમાં થઈ ગયા હોવાથી હવે તેના પર ઘણાયે થર ચઢ્યા છે. ત્રણ વર્ષ પર મારી ધણિયાણી ફાલ્યાં, તેમનાથી શરીર ઊંચકવું પણ કઠણ થયું. હું ગભરાયો. કંઈ ગંભીર રોગ તો નહીં હોય ? ડૉક્ટરને ત્યાં જવા તેમને વીનવ્યાં; પણ તે એકનાં બે થાય નહીં, તેમ તેમ હું ઘણો ગભરાયો.

મેં કોઈ ઠેકાણે વાંચ્યું હતું, કે સ્ત્રીઓ પોતાના રોગ છુપાવવા ડૉક્ટર પાસે જતી નથી. મને ચોક્કસ ખાતરી થઈ, કે ઘણો ભયંકર રોગ હોવો જોઈએ. મારાં ઘરવાળાંનો રંગ વધારે લાલ થતો ગયો. હડપચી બેની ત્રણ થઈ જશે કે શું એવું લાગ્યું. અતિશય ચરબીથી હૃદય અટકી જાય છે તે યાદ આવ્યું

-યાદ આવતાં કંપારી છૂટી. કંપારી છૂટતાં વેચાતી ચોપડી લઈ આવ્યો ને મહિના સુધી રોગોની ચિકિત્સાનો અભ્યાસ કર્યો. અર્ધાંગના તો ચોવડાંગી થવા લાગ્યાં. મને તેનું મૃત્યુ પાસે આવતું જણાયું. રાત-દિવસ મને ઊંઘ આવે નહીં. તે મરી જશે તો શી સામગ્રીઓ જોઈશે તેનો હું વિચાર કરવા બેઠો. ન્યાતમાં લોક તેરમું વર્ષી કરવાનું કહે તો કરવું કે કેમ, તેનો સંશય ઊઠ્યો.

સગાંવહાલાં બીજી સ્ત્રી કરવાનું કહે તો શો જવાબ દેવો, તે ખોળવા માંડ્યો. મારી ઠોકી બીજી પરણાવે તો તે કેવા પ્રકારની નીવડશે, તે ચોક્કસ કરવા બેઠો. આ બધા વિચારે મને ગભરાવ્યો. અકળાવ્યો. દિવસોના દિવસો સુધી એકલા ત્રાસતાં ફર્યા કર્યું. ચિંતાએ તાવ આવ્યો. તાવથી રજા લેવાની જરૂર જણાઈ. તે ઉપરથી ઉપરીએ જાંસા તોડ્યા, ત્યારે પેલો ડર ગયો.

બીજી એક વખત હું એક સભાગૃહ આગળથી જતો હતો; ‘દરેક માણસે હિંમત રાખવી જોઈએ, હિંમતવાન થવું જોઈએ.’ મારે કાને એ શબ્દો અથડાયા - અને જાણે વીજળી પડી હોય એમ હું ચમક્યો. દરેક માણસ હિંમતવાન એટલે શું ? સરકારે આવા ભયંકર ખૂનખાર અભિપ્રાયો સખતાઈથી દબાવી દેવા જોઈએ.

બધા હિંમતવાન ! પછી મારું શું ? મારા જેવાઓનું શું ? અમારી તીવ્ર થયેલી સંસ્કારી બીકણ વૃત્તિનું શું ? આ વિચારો આવતં મને લાગ્યું, કે આવા ભાષણકારોથી દુનિયા ત્રાસે છે. તેમને અટકાવવા કંઈ કરવું જોઈએ. શું ? મારે શું કરવું ? મને વિચાર થયો. ભાષણ કરું ? હાય હાય, તે કેમ થાય ? કંઈ લખું : મારો નિશ્ચય રદ થયો. હિંમત સામે વિગ્રહ આરંભું ?

પણ પછી ? પીનલ કોડ યાદ આવ્યો. બદનક્ષી કાયદો-નુકસાનીનો દાવો-હાઈકોર્ટ-સોલિસિટર-બારિસ્ટર-કાયદાકાનૂનોની ઝપાઝપી - આ બધું મારા લેખમાથી નીકળે તો ! ત્રણ દિવસ હું ગભરાતો-ગભરાઈને એક વકીલ મિત્રને ત્યાં ગયો અને ચોપડીઓ લઈ આવ્યો. એ વિષયના કાયદાનો અભ્યાસ કર્યો. બીજા સંશય થયા - અને ડરવા લાગ્યો. આમ એક લખ્યું; છેકતાં અને લખતાં અગિયાર વર્ષ ગયાં. પાંચ ગીની ખરચી એડવોકેટ જનરલનો અભિપ્રાય લેવાનો વિચાર થયો. આખરે મારો લેખ મેં લખ્યો.

મારાં બારણાં કોણ ઠોકે છે ? રખેને પોલીસ વોરંટ લઈને તો નહીં આવી હોય, કે આ શું લખે છે ? એ એમ નહીં હશે તો જરૂર આ મારો બચાવ બહાર પાડીશ.

૧૩. સ્મરણદેશની સુંદરી

જનકવિદેહીએ ઋષિ અષ્ટાવક્રને પૂછ્યું કે, ‘આ ખરું કે તે ખરું ? ઋષિએ જવાબ દીધો : ‘બંને ખોટાં.’

શું ઋષિ ખોટા નહિ હોય ? તત્ત્વજ્ઞાનની વિકટ ઝાડીમાં રસ્તો ભૂલી, ભ્રમણામાં તો જવાબ નહીં દીધો હોય ? બંને ખરાં શા માટે ન હોય - ખરી કહેવાતી સૃષ્ટિ અને ખોટી મનાતી સ્વપ્નની કે કલ્પનાની સૃષ્ટિ ? મીરાંબાઈને મન શું ખરું ? પ્રભાવશાળી ચિત્તોડનો પથ્થર ગઢ કે કલ્પનાસૃષ્ટિનું વૈકુંઠ હજાર વીરનો નેતા રાણો કુંભો કે મનમાં જ કલ્પેલો નટવર ગિરિધારી ?

સ્મૃતિપૂજક, વિયોગી, પ્રેમના સંન્યાસીને મન શું ખરું - વર્ષો પહેલાં એક નજીવી પળે લીધેલું એક નાનકડું ચુંબન કે પચાશ વર્ષ સાથે રાખેલી, ન છૂટકે સ્વીકારેલી, સ્થૂળ દેહની સહધર્મચારિણી ? મીરાંબાઈએ તો વૈકુંઠ વિહરવા ચિત્તોડ ત્યાગ્યું; પ્રેમયોગીઓએ તો ચુંબન યાદ રાખવા સંસારસુખ નીરસ ગણ્યાં. કોણ કહેશે, કે બંને સૃષ્ટિઓમાં કઈ ખરી અને કઈ ખોટી ?

મુંબઈનો વરસાદ રૂપગર્વિતા લડાવેલી પ્રિયતમા કરતાંય બૂરો છે. આકાશમાં ચાંદની ચમકતી હોય, અને ‘આ પાછો આવું છું.’ કહી છત્રી વગર બહાર જવાની હિંમત કરી, કે બીજી પળે ગોવર્ધન પર્વતની જરૂર પડે એવો મુશળધાર વરસાદ પડે. વાદળાંની ગંભીર ગર્જનાથી ડરતાં ડરતાં ઓવરકોટ પહેરી, હાથમાં છત્રી લઈ સાત દહાડા ફર્યા જ કરો, પણ છાની ન રહે ગર્જના કે ન પડે એક પાણીનો છાંટો.

એક વખત હું નાટક જોવા ગયો ત્યારે મુંબઈના આકાશને આવો એક મચકો કરવાનું મન થયું. એક વાગ્યે નાટકશાળામાંથી બહાર પડતાં આકાશ શાંત, રૂપેરી લાગ્યું, અને મારા ગજવામાં પૈસાની સદાયે ઓટ રહેતી હોવાથી મારી ઓરડી સુધી ચાલી નાંખવાનું જ પસંદ કર્યું. પણ ગિરગામ પોસ્ટ ઑફિસ પહોંચ્યો ન પહોંચ્યો અને વાદળ તૂટી પડ્યું; જાણે બીજી સવારે પ્રલય થવાનો છે એવો કંઈક ભાસ લાગવા માંડ્યો. અત્યારે ક્યાં જવું, કેમ બેસવું તેનો કંઈ રસ્તો સૂઝયો નહીં. છત્રીમાંથી આવતી ધારાઓએ મારાં કપડાં પર રુદ્રી કરવા માંડી. મારા કોટની અંદરનું ખમીસ પણ પલળી ગયું છે. એમ મારા શરીરે અંદરથી સાક્ષી પૂરવા માંડી. ન છૂટકે ઘણાં જ અડગ વૃત્તિ ધારણ કરી, હું ઝપાટાબંધ નીચું માથું ઘાલી આગળ ચાલ્યો.

થોડેક આગળ ચાલતાં એકદમ મારી ગતિ રોકાઈ; મારો હાથ કોઈએ પકડ્યો. મારા હાથમાંથી છત્રી વાંકી થઈ ગઈ અને વરસાદના ઝપાટાએ મને આંધળો બનાવી નાંખ્યો. હું ચમક્યો. આ અંતરાયનું કારણ શું હશે તે હું સમજ્યો નહીં. પછી જળબિંદુના પડદામાંથી મેં નજર નાંખી. દૂર આવેલા ફાનસના અજવાળે કંઈક પ્રકાશ આપ્યો. કોણે મારો હાથ ઝાલ્યો હોય તે જોતં મારા હોશકોશ ઊડી ગયા - મેઘ મહારાજાની ભયંકર મહેક પ્રસરતી હતી તે વીસરી ગયો. એક સ્ત્રીએ મારો હાથ પકડ્યો હતો. હું ધ્રૂજી ઊઠ્યો.

વરસાદનાં ટીપાં અને દીવાના અજવાળાથી પ્રગટેલા સ્વપ્નના વાતાવરણ સરખા આછા, મીઠા, કંપતા પ્રકાશમાં, મેં એક સુંદર-બાલિકા જોઈ. મેં તેને જોઈ ન જોઈ અને તેનું અપૂર્વ સૌન્દર્ય મારા મનમાં સદાને માટે વસી ગયું. તેના વદન પર વિધિએ અપૂર્વ છટાથી સુકુમારતાની રેખાઓ પાડી હતી. તેની દયામણી બીધેલી આંસુભરી આંખોની કામણગારી કમાનો, જાણે તૂટવાની તૈયારી કરતી હોય તેમ ધ્રૂજી રહી હતી. ત્રાસથી તેના હોઠ ફિક્કા પડી ગયા હતા. અનેક ઉમળકાઓના ઉછળાટથી ધબકતું મુખ-રૂપના અંબારથી ઓપતું છતાં નિરાશા અને ભયથી વીલું મુખ ન કહી શકાય, ન લખી શકાય એવી દીનતાથી મારી સામું જોઈ રહ્યું હતું. શરપાતના ત્રાસથી નાસતી હરણીની મરણઅણીએ જેવી મુખમુદ્રા હોય તેવી આ બાલિકાની હતી. એક પળમાં આ બધું મેં જોયું.

હું સ્વાર્થી હતો. તે પળે હું વિચાર મારો પોતાનો કરતો હતો. અત્યારે મારો હાથ ઝાલનાર સ્ત્રીથી હું કેમ છૂટું ? દુનિયાના પાખંડથી પરિચિત મને કંઈ કંઈ શંકાઓ ઊભી થઈ.

વરસાદના ઝાપટાથી, દુઃખના આવેગથી, તેના કરપલ્લવો કાંપતા હતા. ‘ભાઈ ! ભાઈ ! મને લઈ જાઓ, તમારે પગે પડું ! આ બધા મને મારી નાખશે. ઓ ભાઈ ! પ્રભુ તમને સુખી કરશે.’ સ્વરમાં વીણા વાગતી હતી; પણ ભાંગી જતી વીણાના બેસૂરા થઈ જતા સૂરોનો પડઘો હતો.

મેં શંકાઓ દૂર કરી ફરી તેની સામું જોયું. કારણ સમજ્યા વિના તેની દુઃખી અવસ્થાનું કંઈ ભાન થયું.

‘બેહન ! શું દુઃખ છે ?’

‘પછી કહીશ ! હમણાં કોઈ આવશે.’ ઉતાવળે સ્વરે તેણે કહ્યું, ‘મને પાછી લઈ જશે, મને લઈ જાઓ, મને બચાવો.’ તેણે બીતાં બીતાં પાછળ જોયું. કોઈ પાછળ આવી લાગે તેની ધાક તેના મોં પર સ્પષ્ટ જણાતી હતી.

મેં પણ નિરાધાર થઈ તેણે જોયું તે દિશામાં જોયું. દુઃખની મારી અબળાને લઈ જઈ હું ક્યાં રાખું ? તેની શી અવસ્થા, શો ઈતિહાસ હશે તે કોને ખબર ? બીજે દિવસે પોલીસ કોર્ટમાં સ્ત્રી-સંગ્રહણ માટે ઊભા રહેવું પડે તેનો શો ઉપાય ? અસલના વીરોની હિંમત મારામાં નહોતી; આ સુધરેલા જમાનાનો સ્વાર્થી બીકણ જંતુ હું તો હતો. સામી અબળા હતી, તેવો હું બળહીન હતો.

વરસાદે દેમાર પડ્યા જ કર્યું. પાંચ પળ-દશ પળ થઈ ગઈ. મેં મહામુશ્કેલીએ કહ્યું, ‘આમ આવો.’

‘અરે ભાઈ ! શું વિચારો છો ? મારો જીવ જશે. જરા દયા છે કે નહીં ?’

હું અધમ, પાપી, બાયલો હતો; તેવા જ નિરાધાર સ્વરે પૂછ્યું : ‘ક્યાં લઈ જાઉં ?’

હું ગભરાઈ ગયો હતો. હું શું બોલું છું. તેનું પણ મને ભાન નહોતું. આમ પાંચ કીમતી મિનિટો ગઈ.

‘ક્યાં શું ? ગમે ત્યાં.’ કહી ગભરાયેલી નજરથી પાછળ જોયું. તેની આંખમાં ભય વધ્યો. તેણે મારો હાથ છોડ્યો. પાછળથી કોઈ દોડતું આવતું હોય એવો અવાજ સંભળાયો. મને કંઈ પણ સૂધસાન રહી નહીં.

બાલિકા મારો હાથ છોડી દોડી. કીચડમાં તેનો પગ સરક્યો. તે પડી ગઈ. પાછળથી કછોટો મારી, હાથમાં ડાંગ લઈ એક પુરુષ દોડતો આવ્યો. હું કંઈ પણ કહું તે પહેલાં પડેલી નિરાધાર બાલિકા પર જોયા વગર તેણે એક ફટકો માર્યો. બાલિકાની ચીસે મારા કાન ચિરાઈ ગયા.

‘અરે-રે’ કહી હું હિંમતહીન, વખત વીત્યા પછી હિંમત ધરી આગળ આવ્યો.

‘ચાલ, તું તું તારે રસ્તે જા. ધણીધણિયાણીની વાતમાં તારે શી પંચાત ?’ કહી પેલા યમદૂતે લાકડી હાથમાં ફેરવી.

જાણે તેના શબ્દોમાં શ્રુતિવાક્ય સમાયું હોય તેમ મેં માથું નીચું કર્યું, અને ગભરાતો, રખેને આમાં શું મારા બાર વાગી જશે એમ ડરતો હું ત્યાંથી નાઠો. જતાં જતાં હું તે પડેલી બાલિકાની સામું જોઈ શક્યો નહીં.

હું પચાશ ડગલાં ચાલ્યો અને ઊભો રહ્યો. મારી અધમતાનો મને ખ્યાલ આવ્યો. માણસાઈની પરીક્ષામાં હું નકામો નીવડ્યો હતો. તે બાલિકાનું મુખ, તેનું ત્યાંથી પડેલું શરીર મારી આંખ આગળ રમી રહ્યું. મેં પાછળ જોવા પ્રયત્ન કર્યો; પણ વરસાદની ધારાઓના પટને લીધે કંઈ દેખાયું નહીં. પાછા જવાની ઈચ્છા થઈ; હીચકારા હૈયાએ તે ઈચ્છા પરિપૂર્ણ થવા દીધી નહીં. હું કંઈ આજકાલના સામાન્ય પુરુષોથી ઊતરતી હિંમતનો નથી; પણ હિંમત કરી ગમે તેવા દુઃખમાં છતાં અજાણી બાળાને તેના ધણીની પાસેથી પોતાને ઘેર કોણ લઈ આવે ? આધુનિક જમાનો, આધુનિક કેળવણી એમ કરવા દે એવું મને લાગતું નથી. આપણે ડાહ્યા વધારે થતા જઈએ છીએ.

હું ઘેર પહોંચ્યો; પણ પળવાર ઊંઘ્યો નહીં. ને નિરાધાર બાળાનું મુખ મને આખો વખત દેખાયા કરતું. દરેક પળે દયામણી રીતે મને પૂછી રહી હતી; ‘દયા છે કે નહીં ?’ હું નાસી આવ્યો તે માટે મેં મારી જાતને હજાર ધિક્કાર દીધા; મારા હીચકારાપણાએ કરેલી અવધિ સાલવા લાગી.

સવાર પડી કે હું ઘરમાં રહી શક્યો નહીં. સૂર્યોદય થતાં રાતનાં સ્મરણો સ્વપ્ના જેવાં લાગ્યાં. હું ભૂલેશ્વર આગળ ગયો. જે જગ્યાએ હું ઊભો હતો, જે જગ્યા પર તે બાળા પડી હતી; તેને યાદ કરવા લાગ્યો. શું આ અનુભવ ખરો હતો કે મનની ભ્રમણા ? ના, ભ્રમણા કેમ હોય ? દિવસ છતંં લોકોની ભરચક અવરજવર છતાં, એક રસીલું, પણ દુઃખથી ત્રાસેલું મુખ મારી નજર આગળ દેખાતું હતું. કોઈ મારવા પડેલી કોકિલાને સ્વરે પૂછતું : ‘દયા છે કે નહીં ?’ એક કારમી ચીસ મારા કાનમાં સંભળાયા કરતી હતી.

મેં આજુબાજુ જોયું. એક ગંજાવર ચાલમાંથી તે નીકળી હતી. તેમાં જઈ કેવી રીતે પૂછું ? અચાનક કંઈ મેળાપ થશે એમ ધારી હું ઊંચેનીચે જોઈ રહ્યો. ઉપર જઈ શું કરું ? ખિન્ન હૃદયે હું પાછો આવ્યો.

મારી ભ્રમણા વધવા લાગી. એ મુખ, એ પ્રશ્ન, એ ચીસ સદા મારા મનમાં રમી રહ્યાં. મારો ધંધો કરતાં પળેપળ એ ચીસ સંભળાતી, જરા શાંતિ થતાં તે પ્રશ્ન કાનમાં અથડાતો. ગમે તેની વાત કરતો હોઉં ત્યાં તે દુઃખ આડે આવતું. સવાર, બપોર, સાંજ, કોઈક વખતે તો મધ્યરાત્રે જાણેઅજાણે પગ ભૂલેશ્વર તરફ જતા, તે જ અણવીસરેલે ઠામે થોભતા અને તે રાત્રે ભજવાયેલો ખેલ પાછો ફરીથી ભજવાતો અને નિસાસો નાખી અધમતામાં ડૂબી મારા કાયરપણા પર ફિટકાર કરતો હું પાછો આવતો. મારી ઊંઘ ગઈ; મારાં શાંતિ, સ્વાસ્થ્ય, સુખ ગયાં. તેને બદલે રહ્યાં એક મુખ, એક પ્રશ્ન અને એક ચીસ.

મારી ઊંઘ સમૂળગી ગઈ, અને ઊંઘના નામથી હું ત્રાસવા માંડ્યો. જો પળ બે પળ ઊંઘ આવે તો મારો જીવ જતો; મારા મનમાં સ્વપ્નોનાં વહાણ ફાટતાં. દરેક સ્વપ્નું તે બાળાનું આવતું. હું ભયંકર, ઘોર જંગલો જોતો; હજાર બાલિકાઓને તેમના હજાર ધણીઓ માર મારતા જોતો. બધીની દર્દભેદી ચીસો સંભળાતી અને આ બધા મારનું, આ બધા દુઃખનું કારણ હું -હીચકારો, અધમ હું જ ? સ્વપ્ન-સૃષ્ટિ આખી મને દોષ દઈ ગાજી ઊઠતી. ધ્રૂજતી કાયે અને ગૂંગળાતે જીવે જાગતો, પણ જાગતી સ્થિતિના વિચારો સ્વપ્ન પરંપરાના ત્રાસને આઘે બેસાડે એવા હતા.

એક મહિના સુધી આમ ને આમ મારી સ્થિતિ બગડતી ગઈ. મારા માથામં સતત ઘોંઘાટ થવા લાગ્યો; એક પ્રિય થઈ પડેલી જીવલેણ ચીસ જ સ્પષ્ટ સંભળાતી. તે અપરિચિત અબળા મારાં બધાં સંબંધીઓ કરતાં વધોર નિકટની સંબંધી હોય તેવું લાગ્યું. પળવાર તેનું ભાન ભૂલી જતો તો મને વેદના ઊલટી વધતી. મને લાગતું કે મારું શરીર એક ઠેકાણે પડ્યું છે; પણ પ્રાણ છૂટો થઈ દૂર ગયો છે.

મારી સ્ત્રી, મારા મિત્રોએ મારી બદલાઈ ગયેલી સ્થિતિ જોઈ. મને હવાફેર કરવા સૂચવ્યું. મને પણ તેમનું કહેવું વાસ્તવિક લાગ્યું. મેં બહારગામ જવાનો દિવસ નક્કી કર્યો અને મારા કુટુંબને આગલે દિવસે વળાવ્યું. તે દિવસે મારી બેચેની વધી, મારા માથામાં ઘોંઘાટ વધ્યો. મારું મોં વધારે સુકાવા લાગ્યું; મારી આંખ આગળથી પેલું મુખ વધારે દયામણી આંખો સહિત જરાયે ખસ્યું જ નહીં.

રાત પડી ત્યારે મને ગૂંગળામણ થવા લાગી. હું ત્રણ-ચાર વખત ભૂલેશ્વર આગળ જઈ આવ્યો. કોઈ કોઈ વખત હિંમત ધરી હું ચાલમાં પણ કોઈ કૃત્રિમ મિત્રનું ખોટું નામ દઈ જઈ આવતો તેમ આજે પણ ગયો. હંમેશની માફક કોઈ દેખાયું નહીં. આખરે મારાથી ઘરમાં રહેવાયું નહીં. વધારે હવા લેવા હું ચોપટી પર ગયો. મધરાત વીતી ત્યાં સુધી હું ત્યાં જ પડી રહ્યો. આખરે થાક્યો, હાર્યો, બેભાન જેવો પાછો આવ્યો. મારા મનમાં માત્ર પેલી રમણીનું જ રટણ ચાલતું હતું.

હું મારા માળા આગળ આવ્યો. ઉપર સૂવા પ્રયત્ન કરું કે એક વખત પાછો ભૂલેશ્વર જઈ આવું, તે વિચાર કરતો હું જરા ઊભો. મારી નજર પગથિયાં પર પડી. પગથિયા પર અંધારામાં કોઈ સ્ત્રી હાથમાં માથું મૂકી રડતી હતી. હું દિગ્મૂઢ જેવો ઊભો રહ્યો; મારા માથામાં હથોડા ઠોકાવા લાગ્યા. મારું માથું ઠેકાણે છે કે કેભ, તે મને સામજાયું નહીં - મેં તે બેઠેલી સ્ત્રી સામું ટીકી ટીકીને જોયું.

જોતાં મારું હૃદય જાણે ધબકતું અટકી પડ્યું હોય એમ લાગ્યું. તે સ્ત્રીની અંગરેખા પરિચિત લાગી. મેં આંખો ફાડીને જોયા કર્યું. ધીમેથી તે સ્ત્રીએ મોં પરથી હાથ લઈ લીધા. હું એક ડગલું પાછળ હઠ્યો. મારે કપાળે હાથ મૂક્યો. આ કોણ ? તે દિવસે મધરાતે મળેલી બાળાનું ભયંકર રીતે પરિચિત થઈ રહેલું મુખ મેં દીઠું. તે જ મરણઅણીએ આવેલી મૃગલીની ભયવ્યાકુળ આંખો; તેમાં ચમકતી તે જ દયામણી યાચકવૃત્તિ; તે જ વદનની અપૂર્વ રેખાઓ ! શું આ સ્વપ્ન કે સાચું ?

આટલા દિવસ થયા અનુભવેલું મારું દુઃખ અદૃષ્ટ થયું; સુખનો ઉત્સાહપ્રેરક સુસવાટો મારા ગાત્રમાં, હૃદયમાં વાયો. મારા માથામાં થતો નિરંતર ઘોંઘાટ મટ્યો - તેને બદેલ સુમધુર સંગીત થતું હોય એવું લાગ્યું.

પેલી બાળાએ દયામણે મુખે જોયા કર્યું. મને લાગ્યું, કે આમ એ વધારે જોયા કરશે તો મારા માથામાં તણાતા તારો જાણે હમણાં તૂટશે; પણ મારાથી કંઈ બોલાયું નહીં. તેણે પહેલાં પૂછ્યું હતું એવા જ આક્રંદ કરતા સૂરે ફરીથી પૂછ્યું : ‘દયા છે કે નહીં ?’ તે જ પ્રશ્ન. મને કંપારી આવતી હતી; છતાં હર્ષ થયો - આખરે હું તેને મળ્યો પણ જવાબ દીધા પહેલાં તેનાં મોહક લોચનો સામું જોઈ રહ્યો. તે પલક માર્યા વિના મારી સામું ને સામું જ જોઈ રહ્યાં હતાં. હું જવાબ દેવા ગયો. હું બોલવા જતો હતો કે, ‘હા ! આવો, ઘર તમારું છે.’ પણ શબ્દો કંઈ નીકળી શક્યા નહીં; છતાં તે બાળા મારી આંખના આવકારથી સમજી. હું આગળ ચાલ્યો. તે પાછળ પાછળ ઉપર ચડી. મેં મારું ઘર ઉઘાડ્યું અને તેને આદરથી અંદર બોલાવી. એક વખત હું હીચકારો થયો હતો. હીચકારાપણાની ભયંકર શિક્ષા વેઠી હતી. શું હવે ફરીથી હીચકારાપણું બતાવું ?

મેં હેતભર્યા આદરથી તેને બોલાવી. ગઈ વખતે કરેલા ઘોર પાપનું પ્રાયશ્ચિત્ત માગ્યું; મારા પોતાના કાયરપણાને નિંદી ક્ષમા ચાહી. તે બાળા મૂંગે મોંએ, દયામણા, અશ્રુપૂર્ણ, નિશ્ચળ નયને મારી સામું જોઈ જ રહી. બહુ બહુ તો તેના ફિક્કા મ્લાન મુખ પર એક દયામણું મૃદુ હાસ્ય જ આવતું, અને પળમાં જતું રહેતું. આટલા દિવસ થયા મનમાં રાખી મૂકેલા કંઈ કંઈ વિચારો મેં દર્શાવ્યા. તેણે બધું સાંભળ્યું. પછી મને પૂછ્યું : ‘દયા છે કે નહીં ?’

‘દયા ? એ શું પૂછ્યા કરો છો ? તમેં જે કહો તે કરવા તૈયાર છું; પણ શા માટે આમ મૂંગે મોંએ બેસી રહ્યાં છો ? બોલો, કંઈ તો બોલો, તમે કેમ આવી શક્યાં ? મને ક્યાંથી ખોળી શક્યાં ?’

તેણે જવાબમાં કંઈ કહ્યું. શું કહ્યું તે યાદ નથી. મેં પણ વધુ કંઈ કહ્યું તે યાદ નથી. આખરે તેણે મૌન છોડ્યું; ઘણીય વાત કરી. મારા હર્ષનો પાર રહ્યો નહીં, મને ઊઠીને નાચવાનું મન થયું. હર્ષથી કે કોણ જાણે શાથી આખો ઓરડો ચક્કર ચક્કર ફરતો લાગ્યો. હું તે બાળાના અનુપમ લાવણ્યને મારા હૃદયમાં ઊંડું ઊંડું કોતરી રાખવા લાગ્યો. મિનિટ, કલાક, કેટલાંક ગયાં તેનું ભાન નથી. મારી નસોમાં અગ્નિ ફરતો હોય તેમ લાગ્યું. પેલી બાળા તેનું દયામણું હાસ્ય હસી જોઈ રહી. હું બેઠો હતો ત્યાંથી ઊઠ્યો, તેની પાસે આવ્યો - પગે પડ્યો - તેનો હાથ લેવા પ્રયત્ન કર્યો.

તેના હાથ બરફ જેવા ટાઢા હતા. તેની આંખોમાં-દયામણી, મોહક, જીવલેણ આંખોમાં-તેનું માથું ચપટું લાગતું હતું કે મને માત્ર દેખાતું હતું ? મૃદુ હાસ્ય હતું; પણ સ્થિર હતું. મેં તેનો જ સવાલ ફરીથી પૂછ્યો : ‘દયા છે કે નહીં ?’ સવાલ પૂછી મેં તેને ચરણે માથું નમાવ્યું. જવાબમાં મારા કાનમાં સતત ગાજતી હતી તે તેની કારમી ચીસ ગાજી રહી. હું ધ્રૂજ્યો. મેં ઊંચું જોયું. મારી આંખે ઝાંખ વળેલી હતી. માત્ર તેની આંખો સ્થિર, મિથુન રાશિના બે તારા હોય તેમ ચમકી રહી. હું તેનો હાથ પકડવા ગયો - મારા હાથમાં કંઈ ન આવતાં હું કેટલીક વાર પડી રહ્યો તે કેમ કહી શકાય ?

હું ઊઠ્યો, મારા પગમાં કંઈ ન સમજાય તેવું જોર આવ્યું. મેં યાચકવૃત્તિથી પૂછ્યું : ‘દયા છે કે નહીં ?’ જવાબમાં પેલી બાળા ક્યાં ગઈ? જે ખુરશી પર હમણાં બેઠી હતી તે ખાલી લાગી. હું ઊઠીને બારણું ઉઘાડી હેઠળ ગયો. મેં આમ જોયું. તેમ જોયું, અને હું ઝપાટાબંધ ભૂલેશ્વર તરફ દોડ્યો.

પેલી જગ્યા - જે જગ્યા પર તે પહેલાં મળી હતી ત્યાં લોકની ઠઠ ભેગી થઈ હતી. ‘આ શું છે ? આ બધા કેમ ભેગા થયા છે ?’ એક પાસે ઊભેલા માણસને મેં પૂછ્યું. મને જોઈ ચમક્યો; જાણે હું કોઈ જાનવર હોઉં તેમ ક્યાં સુધી મને જોઈ રહ્યો. મેં સવાલ ફરીથી પૂછ્યો. આખરે તે બોલ્યોઃ ‘અહીંયાં એક બૈરી રાતના બારીએથી પડી મરી ગઈ.’

મારા ડોળા ફાટી ગયા - હું ઠઠમાં આગળ ધસવા લાગ્યો : મને જોઈ કેટલાક ખસી ગયા. ચાલની અંદર એક બીજું કૂંડાળું કરી માણસો ઊભા હતા ત્યાં હું ધસ્યો. આસપાસ કોઈનું રુદન-હા ! પેલી ચીસો સંભળાતી હતી. હું આગળ આવ્યો. કૂંડાળામાં ઊભેલા લોકોને ધક્કો મારી ખસેડ્યા. કેટલાકોએ મને પાછળ તાણ્યો. કૂંડાળામાં ભોંય પર લોહીના ખાબોચિયામાં એક લાશ પડી હતી. ભગવાન ! તે જ પરિચિત અંગરેખા, તે જ નિશ્ચિળ નયનો, તે જ મ્લાન સુંદર વદન - અને ગઈ રાતે જોયેલું તે જ ચપટ માથું !

હું શું જોઈ રહ્યો હતો ? હું ઘાંટો પાડી પૂછવા માગતો હતો; પણ ગળામાંથી જરાયે અવાજ નીકળતો નહોતો. એક ભયંકર અગ્નિજ્વાળા મારી આંખ આગળ-આંખમાંથી કૂદી. પછી શું થયું તેનું મને ભાન નહીં રહ્યું. માત્ર તે જ મુખ, તે જ પ્રશ્ન, તે જ ચીસ મારા મગજમાં રમી રહ્યાં.

જ્યારે મને કંઈ પણ ભાન આવ્યું ત્યારે તેને તે જ લાગ્યું. હું ઘાંટો પાડી બોલવા લાગ્યો : ‘દયા છે કે નહીં ?’ કંઈ ઉત્તર ન મળ્યો. પાછું બધું અંધારું થઈ ગયું.

ફરીથી ભાન આવ્યું ત્યારે મારા ઘરમાં હું હતો. મારી સ્ત્રી મારે માથે બરફ ફેરવતી હતી. મારો એક ડૉક્ટર મિત્ર સામો ખુરશી પર બેઠો હતો.

‘દયા છે કે નહીં ?’ મેં બેઠેલ ઘાંટે પૂછ્યું.

‘હા, હા, પૂરેપૂરી દયા છે.’ કોઈએ જવાબ આપ્યો. અવાજ અપરિચિત હતો; પછીથી ઓળખ્યો - તે મારી સ્ત્રીનો હતો.

‘કોણ નિર્મલા ?’

તેણે કહ્યું, ‘હા !’

‘તું ક્યારની આવી ? તને તો ગઈ કાલે વળાવી હતી.’ ‘ના, મને આવ્યાને તો અગિયાર દિવસ થયા.’ ‘હેં !’ ‘હા ! હું ગઈ તેને બીજે જ દિવસે તમારા મિત્રે તાર કરી બોલાવી.

તમે ઘણા માંદા થઈ ગયા હતા.’ બે મહિને હું સારો થયો. શરીરમાં જોર આવ્યું. પાછો કામધંધે લાગ્યો. છતાં, એક રાતનું હીચકારાપણું, બીજી રાતનો આનંદ વીસરાતાં નથી. આટલે વર્ષે પણ હજી મનમાં રમી રહે છે તે મુખ, તે પ્રશ્ન અને તે ચીસ.

૧૪. અગ્નિહોત્રી

તે પુરાણકાળની પ્રતિમા હતો. આર્ય સંસ્કૃતિની ભાવનાનું કેન્દ્રસ્થાન લાગતો. તેનાં ભવાં પર યોગાભ્યાસ દેખાતો, કપાળ પર પિનાક જેવું પ્રતાપી ત્રિપુંડ વિરાજતું. તેનાં નયનમાં નિર્મળતા હતી. તેના મુખ પર મીઠી શાંતિ પ્રસરી રહી હતી. તેની જિહૃવાગ્રે શ્રુતિ હતી. તેને કંઠે શંકરનો જાપ હતો. તેના શ્વાસેશ્વાસે ઓમકારનો મહામંત્ર ગાજતો.

તે હતો આ જમાનાનો, પણ ગયા જમાનાના પ્રતિશબ્દરૂપ. તેનો દેહ વીસમી સદીમાં, તેનું મન હતું મનુના કાળનું.

તે અગ્નિહોત્રી હતો. માત્ર ગુજરાતના ગામડાનો એક ગરીબ વિપ્ર; પણ તેના જીવનમાં ભારતની પવિત્ર ભાવનાઓ સજીવન થઈ હતી. સાઠ વર્ષ સુધી જપ, તપ ને ધ્યાન સેવી તે શૌચ અને સંયમના શિખરે પહોંચ્યો હતો. મન, વાણી ને કર્મે તે રહ્યો હતો આર્ય સંસ્કૃતિના પરિપક્વ ફળ સમો આદર્શ બ્રાહ્મણ.

ગુજરાતના એક ખૂણામાં બેઠો બેઠો તે સનાતન ધર્મના પુનરુદ્ધારનાં મોહક સ્વપ્નો નીરખી રહ્યો હતો. બ્રાહ્મણના તપ પર સૃષ્ટિનો આધાર છે. એમ તેની ખાતરી હતી. બ્રાહ્મણના કર્મથી તે ધર્મનો ઉદ્ધાર છે, એવી તેની માન્યતા હતાી. આર્ય ધર્મના પુનર્જીવનની પહેલી પળ નીરખવા તે આતુર નયને જોઈ રહ્‌ હતો અને આતુર નયનો જોતજોતાંમાં સંતોષાશે એવું આશ્વાસન એનું શ્રદ્ધાળુ હૃદય દેતું હતું.

માત્ર મનમાં જ તેના મહેલો ચણતો નહીં; પણ ભગીરથ પ્રયત્ને તેણે ગામનું વાતાવરણ શુદ્ધ ને ધાર્મિક બનાવ્યું હતું અને મહાઉત્સાહે પોતાના એકના એક પુત્રને ભણાવીગણાવી પોતાની ભાવનાની સુવાસ ચારે દિશામાં ફેલાવવા પરગામ - મુંબઈ મોકલ્યો હતો. છોકરો તેને આશાસ્પદ લાગતો હતો. બ્રાહ્મણના શુદ્ધ સંસ્કારો તેને જન્મથી મળ્યા હતા. વેદ ને સ્મૃતિ તેનાં રાત ને દિવસનાં સાથી બનાવ્યાં હતાં. તેનામાં બુદ્ધિ હતી, ઝનૂન હતું, વરાહસ્વરૂપ બની અધમતા પામી રહેલી અવનિને ઉદ્ધારવાની શક્તિ હતી, એમ તે પિતા માનતો.

બાપે તેને દિગ્વિજ્ય કરવા મોકલ્યો હતો. પહેલાં તો તે વિજયના આરંભના ડંકાના ગડગડાટ ટપાલ મારફતે તેને મળતા તેથી સંતોષ પામતો, તેનું હૃદય પ્રફુલ્લ થતું અને મનની આશાઓ ફળીભૂત થવાનો સમય પાસે ને પાસે આવતો હોય એમ લાગતું.

ધર્મનો ઉદ્ધાર ને આર્ય સંસ્કારનું પુનઃ સ્થાપન, ચતુર્વર્ણી સમાજ અને શુદ્ધ તેમજ તપસ્વી બ્રાહ્મણની શ્રેષ્ઠતા, સરળ ને સત્યાચારી જનસમાન અને ત્યાગી તથા ધર્મમાર્ગી રાજા; આ વસ્તુઓ સિદ્ધિને ઝપાટાબંધ ઘસડાઈ આવતી ભાળી. તે ભોળો બ્રાહ્મણ કલાસાગરમાં ખેંચાઈ આવતી વધાઈઓને હેતથી સ્વીકારવા શ્રદ્ધાળુ અને આકાંક્ષી હૃદયે ઊભો હતો.

પણ પછી આશાજનક પુત્રની કંઈ પણ ખબર આવવી બંધ થઈ. વસંતની સવારના વ્યોમશા તેના નિર્મળ હૃદયમાં શંકાનો સંચાર થઈ આવતો; પણ ‘ૠક્રબ્સ્ર્ ગક્રષ્ટબ્દ્ય્ક્ર ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગધ્ર્સ્ર્ક્રિંજીસ્ર્ક્રર્સ્ર્ક્રિઅૠક્ર નશ્વભગક્ર’નું સૂત્ર ભણી તે હૃદયને આશ્વાસતો.

અવારનવાર નવા, અશુદ્ધ પરદેશી પવનની કંઈ ઓછી લહેર તે અગ્નિહોત્રીના ગામમાં આવતી; પણ સનાતન ધર્મમાં તેને શ્રદ્ધા હતી, ભારતના ભાગ્યમાં તેને વિશ્વાસ હતો. આર્યોના ઉત્સાહ ને હિંમતની તેને ખાતરી હતી. પોતાના જેવા અનેક બ્રાહ્મણ વીરોના પરોપકારી પ્રયત્નોના પ્રભાવમાં તે માનતો હતો. તેની શ્રદ્ધા હતી અડગ ને અગાધ, ભારતના ભાગ્યમાં ને ભાગ્યના વિધાતા ભગવાન ગોવર્ધનધારીના વચનમાં :

સ્ર્ઘ્ક્ર સ્ર્ઘ્ક્ર બ્દ્ય મૠક્રષ્ટજીસ્ર્ ટૐક્રબ્ઌૠક્રષ્ટબ્ભ ઼ક્રક્રથ્ભ ત્ન

ત્ત઼્સ્ર્ળ્અબક્રઌૠક્રમૠક્રષ્ટજીસ્ર્ ભઘ્ક્રઅૠક્રક્રઌૅ ગઢ્ઢપક્રૠસ્ર્દ્યૠક્રૅ ત્નત્ન

વર્ષો વીતી ગયાં; પણ એકબે પૌત્રની પધરામણીના શુભ સમાચાર સિવાય દીકરાવહુની બીજી કંઈ ખબર આવી નહીં, એટલે અગ્નિહોત્રીજીના જીવનમાં ચટપટી થઈ. વંશવૃદ્ધિથી આનંદ થયો તેના કરતાં પોતાની ભાવના સજીવન કરવાનાં સાધનો વધ્યાં જોઈ તે પુરાણો આત્મા આનંદમગ્ન થઈ રહ્યો, અને તે સાધનો સબળ થાય એવા હેતુથી પોતાના દીકરાને બે-ચાર વખત વતન આવી જવાનું લખ્યું; પણ તે પત્રોનો કંઈ જવાબ જ આવ્યો નહીં, ત્યારે અગ્નિહોત્રીજીએ પોતે જ મુંબઈ જવાનો નિશ્ચય કર્યો અને આ નિશ્ચયના પરિણામે એક સવારના આઠ વાગ્યે મહામહેનતે ખોળી કાઢેલા ગિરગામના એક વિશાળ માળાની સામે આવી અગ્નિહોત્રીજી ઊભા રહ્યા.

મુંબઈ આવતાં રસ્તામાં અગ્નિહોત્રીજીને ઘણું શોષવું પડ્યું હતું. તેને ભયંકર, ન સમજાય એવી, ન ખમાય એવી નવી દુનિયામાં થઈને આવવું પડ્યું હતું. તેણે એક ડબ્બામાં અનેક વર્ગોનો શંભુમેળો જોયો, બ્રાહ્મણ કહેવડાવતા પુરુષોને સ્ટેશન પરના નળમાં મોંઢું ઘાલી પાણી પીતા જોયા અને તેના જેવા શુદ્ધ ને પવિત્ર બ્રાહ્મણ તરફ તિરસ્કારથી નજર નાંખતા લોકો જોયા. દુનિયા ધારી હતી તેના કરતાં તેને અધમ, ધર્મભ્રષ્ટ થતી લાગી. જે સનાતન ધર્મના સજીવન થવા પર તેણે જીવનનો મદાર બાંધ્યો હતો, તેની પરખાય એવી લાશ પણ તે મહાત્માને હાથ લાગી નહીં, અને અત્યારે આ ગંદી ગલી, માનવજંતુઓથી ઊભરાતી ચાલીઓ, અને સંસ્કારહીણાં દેખાતાં સ્ત્રીપુરુષોને તેણે જોયાં, ને ન સમજાય એવાં કમકમાં તેને આવ્યાં.

તેણે ગોવિંદરામ અગ્નિહોત્રી વિશે પાંચસાત જણને પૂછ્યું અને આખરે પત્તો મળ્યો. એક ઓરડી કોઈએ દેખાડી. જે પુત્રને પોતે ધર્મધુરંધર માનતો હતો તેનો આ નિવાસ ? એક તરફ જાજરૂઓની હાર હતી. બીજી તરફ કોઈ ઊભો ઊભો સામો અરીસો ટાંગી હાથે હજામત કરી રહ્યો હતો.

અનિશ્ચિત અવાજે પેલા હજામત કરનારને પૂછ્યું : ‘ગોવિંદરામ અગ્નિહોત્રી ક્યાં રહે છે ?’ હજામત કરનારે જમાર મોં ફેરવ્યું અને તિરસ્કારમાં જ પૂછ્યું : ‘કેમ શું છે ?’

‘મારે મળવું છે.’ તેની તોછડાઈથી ખિજાઈ જરા સખતાઈથી અગ્નિહોત્રીએ કહ્યું.

‘પેલા છોકરાને પૂછો.’ કહી એ હજામત કરવા લાગ્યો.

અગ્નિહોત્રીએ ઓરડામાં બેઠેલા એક છ-સાત વર્ષના છોકરા તરફ જોયું. છોકરો ભોંય પર બેઠો હતો. તેની સામે એક ચાનો પ્યાલો હતો અને તેના હાથમાં એક નહીં રોટલો, નહીં રોટલી; પણ ઘઉંની કંઈ જાળીજાળીવાળી બનાવટ હતી. સ્ટેશને સ્ટેશને અગ્નિહોત્રીએ મુસલમાનોને આ ચીજ વેચતા જોયા હતા, તેથી તે ચીજને ઓળખી. છોકરો તે ચામાં બોળતો હતો ને ખાતો હતો. છોકરાને મોંએ મેલના ઓઘરા હતા અને તેની આંખમાં ચીપડા હતા.

છોકરાથી થોડે દૂર મેલાંઘેલાં લૂગડાંમાં સજ્જ થયેલી એક સ્ત્રી બેઠી બેઠી માથું હોળતી હતી. એને જોયા પછી અગ્નિહોત્રીને સંશય રહ્યો નહીં. આઠ વર્ષ પહેલાં જે બ્રાહ્મણકન્યા દીકરાને પરણાવી હતી, તે જ આ સુધારાવધારા સાથે હતી. ભારે હૈયે તેણે તેને પૂછ્યું : ‘ગોવિંદરામ છે ?’

‘કોણ છે ?’ પરગામની બાળક કન્યા વર્ષો પહેલાં જોયેલા સસરાને ક્યાંથી ઓળખે ? ‘ગોવિંદરામ બહાર ગયા છે. શું કામ છે ?’

‘હું એમના ગામનો છું; મારે મળવું છે.’

‘બેસો હમણાં આવશે.’ કહી બેશરમ સ્ત્રીએ માથું હોળવું શરૂ કર્યું.

અગ્નિહોત્રીજીએ ઘરમાં ચારે તરફ નજર નાંખી. એક નાની ઓરડી, તેમાં એકાદ બે ભાંગેલી ખુરશી, બે-ત્રણ પેટી, જૂનાં વાસણ, ફાટેલાં લૂગડાં અને કચરાના ઢગલા સિવાય બીજું કંઈ નજરે પડ્યું નહીં. તેના ગામની કુંભારણનું ઝૂંપડું પણ આવું તો ગંદું અને અવ્યવસ્થિત નહોતું.

‘દાતણ આપશો ?’ ડોસાએ થોડી વાર નછૂટકે માગ્યું.

‘થઈ રહ્યાં છે, આ મીઠું છે - જોઈએ તો.’

અગ્નિહોત્રીએ મીઠું લીધું ને મોં સાફ કરી કોગળા માટે પાણી માંગ્યું.

‘પેલો રહ્યો નળ.’ જાજરૂ પાસે એક ચોકમાં એક સ્ત્રી એંઠાં વાસણ માંજતી હતી, ત્યાં એક નળ હતો તે દેખાડી ગોવિંદરામનાં પત્ની બોલ્યાં.

અગ્નિહોત્રી તે તરફ ગયાં. પેલી સ્ત્રીને એંઠે હાથે નળ બંધ કરતાં જોઈ અને મૂંગે મોંએ પાછા આવ્યા. એ વખતે પેલો છોકરો હાથમાંના બીસ્કુટનો કકડો ચાવતો એની માના વાળ ખેંચવા લાગ્યો, અને ‘બા, બીજી ચા આપ’ એમ કહેતો હતો.

અગ્નિહોત્રીએ પૂછ્યું, ‘નાહવાનું પણ એ નળે જ કે ?’

‘અહીં કંઈ નળ બેસી રહેતો નથી. પેલા મોટા વાસણમાંથી પાણી લઈ નાહી લેજો.’ નળ પાસે પડ્યું રહેતું એક સાર્વજનિક વાસણ બતાવી, ગોવિંદરામનાં પત્નીએ કહ્યું.

એક પળવાર અગ્નિહોત્રી મૂંગા રહ્યા. આંખો મીંચી. તેની સંધ્યાનો સમય જતો હતો, પણ શું કરે ? બહાર નીકળી પેલા વાસણ તરફ જોઈ રહ્યા.

વાસણ માંજતી સ્ત્રી નિરાંતે વાસણ માંજતી હતી અને નળ બંધ થઈ ગયેલો હોવાથી એંઠે હાથે પેલા મોટા વાસણમાંથી પાણી લેતી હતી. એક-બે ગંદા છોકરાં પણ એ પાણી ચૂંથતાં હતાં.

અગ્નિહોત્રીની વિચાર કરવાની શક્તિ થંભી ગઈ. તે પાછા આવ્યા અને બારણામાં પળવાર ઊભા રહ્યા. ‘આ ગોવિંદરામ અગ્નિહોત્રીનું ઘર ? અને આવા અહીંના આચાર ? આ તે કેમ સહેવાય અને આમાં શી રીતે રહેવાય ?’ શું કરવું તેનો વિચાર કરતા હતા, એટલામાં તેમનું ધ્યાન ઘરમાં ગયું. ચૂલા પરની દાળ ઊભરાઈ, પેલી સ્ત્રી ઊઠી અને એમ ને એમ - ન હાથ ધોયા ન અબોટિયું પહેર્યું ને ચૂલે જઈ દાળ ઉતારી આવી. આ જોઈ અગ્નિહોત્રીનો સમવિષમ વિરમી ગયો. તેણે પાઘડી માથે મૂકીને પોટલું હાથમાં લીધું. આ અધોગતિ જોઈ તેનું માથું ફરવા લાગ્યું.

‘હું જરા જઈ આવું, પછી આવીશ.’ કહી એ ચાલી નીકળ્યા.

અગ્નિહોત્રી ત્યાંથી બહાર નીકળ્યો. તેની તીક્ષ્ણ આંખનું તેજ ખંડાયું. તેની કમરનું જોર ભાંગ્યું. તેને ભાન ન રહ્યું, કે પોતે કઈ દુનિયામાં હતો. તેને યાદ ન આવ્યું, કે આવી દુનિયામાં તે શા માટે આવ્યો ? કઈને માર્ગ પૂછી દરિયા તરફ તેણે ચાલવા માંડ્યું.

સાગર જોઈ એના મનનું જરા સાંત્વન થયું, અને સ્નાનસંધ્યા કરી એણે સ્વસ્થતા મેળવી. પોતે જોયેલી સ્ત્રી તથા છોકરો પોતાના ગોવિંદરામનાં? માન્યા વિના છૂટકો નહોતો. ગૂંગળાઈને એણે ચારે તરફ જોયું. સામે થોડે દૂર શંકરના મંદિરના ગગનચુંબિત શિખર પરથી ભગવી ધ્વજા તેને આમંત્રી રહી હતી. તેના હૃદયને કંઈ આશ્વાસન મળ્યું. ભોળાનાથ અંતે બ્રાહ્મણની વહારે ધાયા ખરા. ધીમે ધીમે તે બાબુલનાથના મંદિરે ગયો ને શંકરની પૂજા કરી. પછી સ્વસ્થ ચિત્તે વિચાર કરવા લાગ્યો; પણ કંઈ સૂઝ્‌યું નહીં. પોતાનું એકનું એક ઘર બળીને રાખ થઈ ગયેલું જોઈ માણસને જેવું થાય તેવું તેને થયું. તેને લાગ્યું, કે પોતે બળીને ભસ્મ થઈ ગયો હતો.

સાંજના બાબુલનાથની નજીક ચોપાટી પર તેણે માણસની મેદની જોઈ, ભાગ્યશાળીની ભભક ને દમામ જોયાં, ગાડી ને મોટરની મજા જોઈ; પણ તેના હૃદયમાં કંઈ ફેરફાર ન થયો. સંસાર ને સ્મશાન વચ્ચે જે અંતર હોય તેટલું અંતર પોતાની ને આ બધાની વચ્ચે તેને લાગ્યું.

સાંજના એક દોરીએ તેનો જીવ તણાયો - જાણ્યેઅજાણ્યે તે ગિરગામ તરફ, પેલી ચાલ તરફ ગયો - ખેંચાયો. સ્પષ્ટ વિચાર કર્યા વિના તે પાછો પુત્રનાં ઘર તરફ ગયો.

ચાલ આગળ આવ્યો, પણ ઉપર ચડી ન શક્યો. ચાલનો દેખાવ, શોરબકોર અને માથું ફાડી નાંખતી ગંદકી જોઈ આગળ ડગલું ભરવાની એની હિંમત ન ચાલી. એ ત્યાં ક્યાં સુધી ઊભો રહ્યો તેની તેને સમજ ન પડી. આખરે તેને કાને કંઈ પરિચિત અવાજ પડ્યો ને તે વિચારનિદ્રામાંથી જાગ્યો. અવાજ તેની પુત્રવધૂનો હતો. તેની સાથે કોઈ પુરુષ હતો. અગ્નિહોત્રીએ ધ્યાનપૂર્વક જોયું અને પાછળ હઠી અંધકારનો આશ્રય લીધો. તે પુરુષે મેલાં, ગંદાં કોટપાટલૂન પહેર્યાં હતાં. એક ફાટેલી જૂની હેટ માથે લગાવી હતી. તેના મોઢામં સિગારેટ શોભતી હતી. અગ્નિહોત્રીની આંખે ચક્કર આવ્યાં. આ ગંદા, સંસ્કારભ્રષ્ટ દેખાતા નરવાનરને તેણે ઓળખ્યો. તે હતો, તેની આશાઓના આધાર સમો એકનો એક પુત્ર - ગોવિંદરામ. લાંબો વિચાર કર્યા વિના તે તેમની પાછળ ચાલ્યો. તેઓ આગળ ચાલ્યાં.

‘ચાલ આજે તને ઈરાનીની દુકાને લઈ જાઉં.’ ગોવિંદરામે પોતાની પત્નીને કહ્યું.

‘ના.’ સ્ત્રીએ કહ્યું, ‘મને ત્યાંનું કંઈ નથી ભાવતું.’

‘તું આટલાં વર્ષ મુંબઈમાં રહી, પણ સુધરી નહીં; ચાલ, ચાલ.’ કહી ગોવિંદરામ આગ્રહપૂર્વક તેને ઈરાનીની દુકાનમાં ઘસડી ગયો.

અગ્નિહોત્રીની આંખોમાં જુદું જ તેજ આવ્યું. અંધકારમાં પણ તે ચમકવા લાગી. પેલી દુકાનમાંથી બે મિયાંભાઈ નીકળ્યા ને લથડાતા ચાલ્યા ગયા. અગ્નિહોત્રીએ નિઃશ્વાસ મૂક્યો ને શિવાલય તરફ પાછો વળ્યો. તેને લાગ્યું, કે સૃષ્ટિ બળીને ભસ્મ થઈ ગઈ છે. ત્યાં ફરતાં માત્ર ચિતામાંથી ઊડી આવેલાં શબ છે. મંદિરની ભવ્યતા તેને સ્મશાનથી પણ બીભત્સ લાગી. તેણે મંદિરના ગર્ભદ્વાર પર જઈ શંકરને પ્રણામ કર્યા; પણ શંકરે કંઈ કૃત્રિમ લાગ્યા. આસપાસનો વીજળીનો પ્રકાશ અંધકારથી પણ અકારો લાગ્યો. પૂજારી બ્રાહ્મણને જોઈ રૂંવેરૂંવા ઊભાં થયાં. એક ખૂણામાં હાથ જોડીને તે ઊભો રહ્યો. પાસે બે બ્રાહ્મણો બેઠા બેઠા વાત કરતા હતા :

‘ભાઈ, કાલે શેઠને ત્યાં સંવત્સરી છે. છે વિચાર ?’

‘હેં !’ બીજાએ કહ્યું, ‘અરે રામ !’

‘કેમ ?’

‘મને સૂતક છે.’

‘તે કોણ જાણવાનું હતું, તારો બાપ ? રૂપિયા પચીસ શું કામ ખુએ છે ?’

‘ઠીક ત્યારે, પણ કોઈ જાણે નહીં હો.’

‘એક સરત કબૂલ હોય તો -’

‘શી ?’

‘પંદર તારા ને દશ મારા.’

‘ભાઈ એ તો બહુ કહેવાય.’

‘ત્યારે તારી મરજી.’

‘ઠીક ત્યારે.’

‘વારુ ત્યારે, કાલ સવારે વાલકેશ્વર -’

અગ્નિહોત્રીનાં ભવાં સંકોચાયાં. તેની આંખો ગાંડા માણસની આંખોની માફક કારણ વિના ચમકી રહી. તે એમ જ થંભી ગયો. આખરે ભૈયાએ તેને ત્યાંથી ખસેડ્યો, અને બહાર ધર્મશાળામાં આવી તે પડ્યો, પણ ઊંઘ આવી નહીં. અનેક અવાજો તેને સંભળાવા લાગ્યા. આખી પૃથ્વી તેની મશ્કરી કરવા લાગી. તે ઊભો થયો. આમતેમ ફરવા લાગ્યો.

ઉષાનું પહેલું કિરણ મંદિરના શિખર પર પડેલું અગ્નિહોત્રીનાં અનિમિષ નેત્રોએ જોયું. તેણે આકાશમાં ચારે તરફ નજર કરી. દૂર સાગરની મર્યાદા તરફ દૃષ્ટિ નાંખી, પાછા ફરી ઊંઘતા શહેર તરફ જોયું અને ધીમે ધીમે મંદિરનાં પગથિયાં ઊતરી સાગર તરફ ચાલ્યો.

તે નાહ્યો, સંધ્યા કરી, સાઠ વર્ષ થયાં સહેલથી જીભે ચઢેલાં શ્રુતિવાક્યો ઉચ્ચાર્યાં. દૂરથી શિવાલયની ધ્વજા ફરકતી ધ્યાનથી નિહાળી. જે શ્રદ્ધાના આધારે, જે આશાએ તે જીવતો હતો તેનાં જડ કે મૂળ પણ તેના જોવામાં આવ્યાં નહીં. જે ભાવના શ્વાસ તથા પ્રાણને પોષતી હતી તે ભાંગી ગઈ. તેણે ઊગતા સૂર્યને અર્ધ્ય આપ્યો ને મૂંગા મૂંગા ઠપકો દીધો : ‘ભગવાન ! તારું તેજ પણ પરવાર્યું.’ તેણે શંકરની ધ્વજા તરફ નિરસ્કારની દૃષ્ટિ નાંખી તે દૃષ્ટિ કહેતી હતી : ‘પિનાકપાણિ ! તારું ત્રિશૂળ પણ ઘસાઈ ગયું છે, નહીં ?’

તેની આંખમાં સહસ્ત્ર પેઢીનું બ્રહ્મતેજ પ્રકાશ્યું. તેના તેજસ્વી કપાળ પર સાક્ષાત્‌ સરસ્વતી વિરાજ્યાં. તેનો સંસ્કારી ને ધર્મપરાયણ આત્મા શાંત ને સ્વસ્થ થયો; પણ તેના કાનમાં સમુદ્રના તરંગો કંઈ કંઈ હાસ્ય કરતા હતા. રણયજ્ઞમાં હોમાઈ ગયેલા યોદ્ધાઓમાંથી રહી ગયેલા શૂરા યોદ્ધાની માફક ઝનૂનથી તે પોતાનું સ્વાતંત્ર્ય સાચવી રહ્યો, તે સમુદ્રમાં આગળ ને આગળ વધ્યો, સૂર્યબિંબ પર નિશ્ચલ નયનોનું તેજ વર્ષાવ્યું અને મોંએથી બોલ્યો : ભભૅગબ્ભળ્ષ્ટથ્શ્વદ્ય્સ્ર્ધ્’ મોજાં તેના મોં સુધી આવ્યાં, આગળ વધ્યાં, આંખ સુધી આવ્યાં, તે સ્થિર નયને આગળ વધ્યો. આંખો મીંચાઈ ગઈ. શિખા અદૃશ્ય થઈ. તેના માથા પર પાણી ફરી વળ્યાં.

તે સંસ્કારી આત્માએ અનેક રંગ જોયા. તેની આંખ આગળ સૂર્યનું બિંબ રમ્યા કર્યું. તેમાં ઓમકાર લખેલા તેણે જોયા. કાનમાં અવાજ આવ્યા, તેમાં મશ્કરીમાં કોઈને બોલતાં સાંભળ્યું :

સ્ર્ઘ્ક્ર સ્ર્ઘ્ક્ર બ્દ્ય મૠક્રષ્ટજીસ્ર્ ટૐક્રબ્ઌ઼ક્રષ્ટબ્ભ ઼ક્રક્રથ્ભ ત્ન

ત્ત઼્સ્ર્ળ્અબક્રઌૠક્રમૠક્રષ્ટજીસ્ર્ ભઘ્ક્રઅૠક્રક્રઌૠક્રૅ ગઢ્ઢપક્રૠસ્ર્દ્યૠક્રૅ ત્નત્ન

તેણે ભભૅ ગબ્ભળ્ બોલવા માંડ્યું; પણ સૂર્યબિંબ હોલવાઈ ગયું. નાદ બંધ થઈ ગયો, ને દશે દિશામાં અંધકાર છવાઈ ગયો અને અગ્નિહોત્રીની આહુતિઓ પૂરી થઈ.

૧પ. ખાનગી કારભારી

ધી ઓનરેબલ સર મોહનલાલ નાઈટ, કામગરાં મુંબઈમાં પણ કાર્યદક્ષતામાં એક્કા હતા - એક મહા છપ્પન વખારી ને ભારો કૂંચી હતા.

એ એક મોટી પેઢીના માલિક, છ કંપનીના મેનેજિંગ એજંટ, ને છત્રીશ કંપનીના ડિરેક્ટર હતા. એ કેટલી પેઢીમાં ભાગીદાર હતા તે પોતે પણ મદદનીશની મદદ વગર કહી શકે એમ ન હતા.

સાથે સાથે તે જાહેર જીવનના કીડા હતા. વાયસરૉયની કાઉન્સિલ ઑફ સ્ટેટ, શહેર સુધરાઈ, શહેર સુધારાનું ટ્રસ્ટ વગેરે સરકારી સભામાં બિરાજતા હતા, અને તેમની પેટાકમિટીઓમાં રસભર્યો ભાગ લેતા હતા. એ ઉપરાંત એમના નામ વગર ભાગ્યે જ કોઈ સંસ્થા બહાર પડવાની ધૃષ્ટતા કરતી. પ્રેસિડંસી એસોસિયેશન, રૅડિકલ લીગ, સંસારસુધારા કલબ ને ઉદ્યોગવર્ધક મંડળ, દેવી વેપારી ચેમ્બર અને કાપડ, શેર, ખાંડ, ગોળ, શાક, મમરા વગેરે બજારનાં એસોસિયેશન, વિદેશી વ્યાપારવર્ધક મંડળ અને રેંટીઆપ્રચારિણી મહાસભા, મિલમાલિકોની લીગ અને મજૂર વર્ગોદ્ધારક સમિતિ, સામ્રાજ્ય સભા અને અસહકાર પ્રવર્તક મહાસેના; એવી એવી અનેકાનેક સંસ્થાના તે કાં તો પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ઉપમંત્રી, સહમંત્રી, ખજાનચી, સભ્ય કે સહાયક હતા.

સર મોહનલાલ આ બધી પ્રવૃત્તિઓ ચોક્કસ રીતે પાર પાડવામાં ગુજરાતનું આખું ગામ વસે તેટલા માણસોને પોતાની નોકરીમાં રાખતા અને દરેક વિષય, સંસ્થાની પ્રવૃત્તિ જુદા જુદા માણસોના તાબામાં તેઓ એવી રીતે રાખતા અને એવી કુનેહથી તેમની પાસેથી કામ લેતા, કે એ બધાનાં જીવન, બુદ્ધિ અને બાહોશાઈ શેઠની ઘાણીમાં પિલાઈ જતાં અને પરિણામે, શેઠના પૈસા ને કીર્તિની સરિતા પહોળી ને પહોળી થતી.

થોડો વખત થયાં શેઠને એક મુશ્કેલી ઘણી નડતી. કેટલીક નજીવી સંસારી બાબતોમાં તેમનો કીમતી વખત જતો; નહીં તો એ ઘણી બાબતો કરવી રહી હતી. લોકોની કંકોતરી આવતી, અને લગ્ન ને વરઘોડામાં વખતસર જવાનું રહી જતું, કેટલાક ઓળખીતાઓ મરી જતા, અને શેઠની હાજરી વિના તેમનાં ઊઠમણાં સૂનાં રહી જતાં, કેટલાંક સગાંસંબીધીઓને માથે દુઃખ આવતાં તો શેઠને જાતે જઈ આંસુ લૂછવાનો જશ મેળવવો રહી જતો. પૈસાને માટે અનેક ભિક્ષુકો પ્રાર્થના કરતા; પણ શેઠની કીર્તિને છાજે એવા મીઠા અને આશ્વાસનભર્યા પત્રો લખવાનો વખત કે હથોટી હતી નહીં. તેમની નવી બૈરી ડુમ્મસમાં અસાધ્ય રોગથી પીડાતી હતી, અને ડૉક્ટરો કહેતા હતા કે તેનું માનસિક સમતોલપણું વધારે વખત જળવાઈ રહે તે માટે દર ત્રીજે દિવસે શેઠે ભાવભર્યા પત્રો લખવા; પણ ઘણી વખત આ કરવું રહી જતું અને શેઠને ડૉક્ટરો દાંપત્યની ભાવના પર ભાષણો આપતા.

આવાં જરૂરી કામો ઑફિસના ભાડૂતી માણસો જીવ દઈ કરતા નહીં અને પોતાની કાર્યક્ષમતાને કલંક લાગતું જોઈ સર મોહનલાલને કચવાટ અનુભવવામાં વખતનો વ્યય કરવો પડતો. એક દિવસ આ વિટંબના ફેડવાનો રસ્તો હાથ લાગ્યો. જેમ તેમની બીજી પ્રવૃત્તિઓમાં જુદાં જુદાં ખાતાં હતાં, અને તે પર એક કારભારી અધ્યક્ષસ્થાને બીરાજતો તેમ એક સાંસારિક પ્રવૃત્તિનું ખાતું ખોલી તેને એક ખાનગી કારભારીને સોંપવાનો નિશ્ચય કર્યો. તેમણે તરત ખાનગી કારભારી મેળવવા જાહેરખબર આપી અને તેના જવાબમાં અત્યારે કેટલાક ઉત્સાહી ઉમેદવારો શેઠે રચેલા સ્વયંવરમાં વરમાળા પહેરવાની આશાએ આવ્યા હતા.

અત્યારે શેઠ એમની ઑફિસમાં ત્રણ જણ માટે સહેલાઈથી ખાટલા તરીકે વપરાય એવા એક વિશાળ ટેબલ આગળ બેઠા હતા. તેમના હાથમાં ચાનું પ્યાલું હતું. તેમની આંખો રોજનીશી પર હતી ને તેમનું ચિત્ત ૩-૩૯એ મળનારી શહેર સુધરાઈની સભાના કાર્યક્રમમાં હતું.

રોજનીશી પર ૩-૧પ સામે લખેલા ‘ખાનગી કારભારીની ચૂંટણી’ એવા શબ્દોએ શેઠનું ધ્યાન ખેંચ્યું અને તરત ટેબલ પર પડેલી એક બ્રોંઝની ગિલોડીની પૂંછડી દબાવી શેઠે ઘંટડી વગાડી.

તેના જવાબમાં એક હમાલ આવ્યો.

‘હમાલ !’ શેઠે આડું જોયા વગર કહ્યું, ‘દલાલ શેઠલા બોલવ.’

હમાલ ગયો ને એક આધેડ વયનો ચબરાક કારભારી આવ્યો.

‘પેલા અમલદારો આવ્યા છે કે ?’

‘જી, હા.’

‘કેટલા લે ?’

‘તેર.’ ‘

ેંહઙ્મેષ્ઠાઅ હેદ્બહ્વીિ. ઠીક, એક પછી એક મોકલ.’

‘જી,’ કહી દલાલ ગયો ને બીજી પળે એક પારસી યુવક આવ્યો. ઊંચો, રૂપાળો ને ચંચળ હતો. કપડાંનો ભભકો જોઈ કોઈ એમ પણ ભ્રમમાં પડે કે, વ્હાઈટવે લેડલોની જાહેરખબરના પાટિયા પર ચીતરેલા ફક્કડોમાંનો એક સજીન બની અહીંયાં ચાલી આવ્યો કે શું ? તેના વાળ ગૂંછળિયાળા હતા. તેના નાક પર કિનાર વિનાનાં ચશ્માં હતાં. તેની પાટલૂનની ધાર વણતૂટેલી હતી. દરજી એનો દેવ હતો, એમ જોનારને તરત લાગે એમ હતું.

તે નમ્યો, જરા હસ્યો ને છટાથી કપાળ પરના વાળ જરા ઊંચા કર્યા.

શેઠે ઊંચે જોઈ પૂછ્યું : ‘નામ ?’

‘પેલી સુલતાન !’ કહી ઉમેદવાર પાસે આવ્યો.

શેઠે અરજીઓની થોકમાંથી તેની અરજી કાઢી.

‘ઉંમર ?’

‘અઠ્ઠાવીસ.’

શેઠે અરજી બાજુ પર મૂકી. ‘ઠીક. જો તમને નીમવા હશે તો હું તમને કાલે લખી જણાવીશ.’ કહી શેઠે ડોકા વતી તેને રજા આપી.

સુલતાને ત્રણ દિવસથી આ મેળાપ માટે તૈયારી કરી રાખી હતી, વાક્યો ગોખ્યાં હતાં ને અભિનયોનો અભ્યાસ કર્યો હતો; છતાં શેઠે તેને પોતાની મોહિની અજમાવવાની જરાયે તક આપી નહીં. આ અણધારેલી પીડા આવી પડેલી જોઈ સુલતાન સ્તબ્ધ બની ઊભો. શેઠે અસ્પષ્ટ તિરસ્કારથી ઊંચું જોઈ કહ્યું, ‘જાઓ.’

નિરાધાર બનેલા સુલતાને ન છૂટકે રજા લીધી.

તરત એક દક્ષિણી ગૃહસ્થ દાખલ થયા. તેમની લાલ પાઘડીથી લાલ જોડા સુધી તેમના પર પેશ્વાઈની અદ્‌ભુત છાપ પડેલી હતી. તેમની ઉંમર જરા મોટી હતી અને તેમનો અનુભવ વિશાળ હતો એમ લાગતું હતું. ચારપાંચ પ્રશ્નો પૂછી તેમને પણ શેઠે રજા આપી. આ ગૃહસ્થ કંઈ ચાલશે એવો શેઠનો અભિપ્રાય થયો.

પણ બીજી પળે ત્રીજા ઉમેદવારને જોતાં જ આ અભિપ્રાય બદલાયો. નવા આવનારનું વદન ગંભીર હતું. તેનાં પગલાં ધીમાં હતાં. તેનાં નેત્રો નિસ્તેજ હતાં. તેની કમર લચકાતી હતી.

શેઠે તેની સામું જોયું અને તેની સ્થિર આંખોમાં ન કળાય એવું હાસ્ય આવ્યું.

‘તમારું નામ ?’ શેઠે ગુજરાતીમાં પૂછ્યું.

‘જી, મધુપર્કશંકર શાસ્ત્રી.’

‘ક્યાંના છો ?’ લગ્ન વખતે મધુપર્કનું આચમન કરતા હોય તેવો સ્વાદ મોઢામાં આવવાથી શેઠે પૂછ્યું.

‘નડિયાદનો.’

શાસ્ત્રીનો ઢાળોચાળો જોઈ કંઈ સ્ફુરણા થઈ.

‘તમે સાક્ષર છો ?’

‘મારી અલ્પમતિ પ્રમાણે ગુર્જરી દેવીને અવારનવાર ‘પુષ્પં પત્રં ફલં તોયં’ ધરું છું.’ મધુપર્કશંકરે ગાંભીર્યથી તેમજ સગર્વ નમ્રતાથી જણાવ્યું.

સર મોહનલાલના શાંત મુખ પર હાસ્ય છવાઈ રહ્યું. આખરે તેને રોકી શેઠે પૂછવા માંડ્યું : ‘શો પગાર લેશો ?’

‘મુંબઈના જીવન-’

શેઠે ઘડિયાળ સામું જોઈ વચ્ચે પૂછ્યું : ‘બૈરીછોકરાં છે ?’

‘છે,’ જુબાની આપતા હોય તેવી છટાથી મધુપર્કશંકરે કહ્યું, ‘પણ

હાલ મુંબઈમાં નથી.’

‘દોઢસો રૂપિયા ને મારે ઘેર રહેવું-ખાવું, કેમ લેશો ?’

શાસ્ત્રીએ આંખો ફાડી અને ‘જેવી ઈચ્છા’ આખરે જણાવ્યું.

‘આજથી શરૂ કરશો ?’

‘હમણાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી.’

‘બેસો ત્યારે. આ પેલું ટેબલ તમારું.’ શેઠે વીજળીની ઝડપથી નિમણૂક કરી હુકમ આપવા શરૂ કર્યા, ‘હું હમણાં જાઉં છું. સવા પાંચે આવીશ. આ કાગળ લો. એને પચ્ચીશ રૂપિયા મોકલવાના છે. સાથે મોકલવાનો એક સારો કાગળ લખી કાઢો. માણસ જરા મગરૂર છે, તેને એમ ન લાગે કે આપણે ધર્માદો કરીએ છીએ.’

શેઠે એક કાગળ આપી બીજો લીધો.

‘જુઓ આ બીજો કાગળ. એ મનોરમાનો છે.’ શાસ્ત્રીની આંખો ગભરાટમાં ફાટી.

‘મારી સ્ત્રી ડુમ્મસમાં માંદી છે. એને જરા ઠીક લાગે એવો એક

કાગળ લખી કાઢો.’

‘હું ?’

‘હા. તેમાં શું ? હું આવીને સુધારીશ.’ કહી શેઠે ઘંટડી વગાડીને

હમાલને બોલાવ્યો.

‘હમાલ ! તે બેગ મોટર મધી ઠેવ -’

‘દલાલ ! -’

દલાલ ફરીથી પાછો આવ્યો.

‘સર -’

‘જુઓ, મિ. શાસ્ત્રીનો પગાર દોઢસો રૂપિયા આજથી ચાલુ કર્યો છે. એમનું નામ નોંધો ને અહીંયાં બેઠક આપો. બાકીના ઉમેદવારોને તમે મળી, રજા આપો.’ કહી શેઠ ચાલી ગયા.

શેઠ તો ચાલી ગયા, પણ મધુપર્કશંકર ચિતરામણ બની ગયા.

પોતાની નિમણૂક - દોઢસો રૂપિયા ને ખાવાપીવાનું મહેનતાણું શેઠના હુકમો - અને શેઠાણીને આપવાનો પ્રત્યુત્તર - આ અણધારેલા પ્રસંગની પરંપરાએ શાસ્ત્રીની સ્વસ્થતા હરી લીધી. દલાલે હસીને કંઈક સવાલો પૂછ્યા; પણ તેના રીતસર જવાબ ન મળવાથી શાસ્ત્રીને મગરૂર સમજી તે ચાલ્યો ગયો અને શાસ્ત્રી તો હાથમાં શેઠાણીનો પત્ર લઈ ઊભા જ થઈ રહ્યા.

પણ જે મધુપર્કશંકરને બરોબર ઓળખે નહીં, તેને આ ગૂંચવાડાનું રહસ્ય સમજાય એમ નહોતું.

મધુપર્કશંકર ન્યાતે બ્રાહ્મણ, વાસે નડિયાદી ને અભિલાષે સાક્ષર હતા. એટલું જ નહીં પણ સૃષ્ટિનું હૃદય ગુજરાત, તેનું મધ્યબિંદુ નડિયાદ, અને તે બિંદુતાના આધાર કંઈક અંશે પોતે; એમ દૃઢતાથી માનતા. જગવિખ્યાત ગોવર્ધનરામાદિ નડિયાદી સાક્ષરોનો કીર્તિમુકુટ તેના માથા પર પડવાને લટકી રહ્યો હતો, એવી એમના અંતરને ખાતરી હતી.

તેને મન દુનિયા નડિયાદનું માત્ર એક પરું હતી. દુનિયાનું સાહિત્ય તેના ગામના સાક્ષરોની ગર્જનાનો આછો પ્રતિશબ્દ હતું. તેનાં માનસિક ચક્ષુઓ સદાય મનઃ સુખરામના આસ્તોદયથી ચંદ્રશંકરની ‘પાંચ કથાઓ’ની ખાણનાં કીમતી પેબલનાં ચશ્માં જ ચઢાવી ફરતી.

મધુપર્કશંકરને જેવી શ્રદ્ધા પોતાની સાક્ષરતા ને નડિયાદની મહત્તામાં હતી તેવી જ પત્નીપૂજામાં હતી. તે ગુજરાતની સ્ત્રીઓને સંસ્કાર અને સૌંદર્યમાં સૃષ્ટિ પર શ્રેષ્ઠ માનતા, અને પોતાની સહધર્મચારિણીને ભૂત, વર્તમાન ને ભવિષ્યની સુંદરીઓમાં રહેલી અણમોલી ખૂબીઓનું સંગ્રહસ્થાન ગણતા.

જ્યારે સર મોહનલાલે તેને પોતાની પત્નીનો પત્ર આપ્યો ત્યારે તેનું હૃદય ફટકી ગયું. જ્યારે તેનો જવાબ લખવાનું કામ પોતાને સોંપવામાં આવ્યું ત્યારે પાપી પૃથ્વી રસાતાળ કેમ નહીં ગઈ તેનો વિચાર થઈ આવ્યો. દુનિયામાં શું એવા અધમ પતિઓ પણ વસતા હશે, કે કોમળહૃદયી અર્ધાંગનાના પ્રેમપૂરેલા પત્રનો જવાબ ભાડૂતી કારભારી પાસે લખાવે ! મુંબઈમાં અધોગતિનાં ઊંડાણોમાં પડેલા અનેક પ્રકારના નરાધમો રહે છે એમ એણે સાંભળ્યું હતું; પણ આ ધનાઢ્યના પત્નીદ્રોહ આગળ તે બધા પણ પુણ્યાત્મા લેખાય ! શી હોંશ, શા ઉત્સાહથી, શા અનેરા ભાવોથી, આ કોમળાંગીએ સંદેશો પાઠવ્યો છે ! અને શી શાંતિથી, શી ક્રૂરતાથી, શી ભાવહીનતાથી તેનો નિર્લજ્જ પતિ સંદેશાનો જવાબ લખાવતો હતો ! મધુપર્કશંકરની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો, અને જે ઉગ્રતાથી દુર્વાસા મુનિ લોકોને બાળી ભસ્મ કરતા હતા તે જ ઉગ્રતાથી શેઠના ટેબલ સામું તે જોઈ રહ્યા.

ટેબલ પર નજર જતાં શેઠની રોજનીશી પર નજર પડી. તેમ કરતાં શેઠ હમણાં આવશે એમ ભાન થયું. સાથે દોઢસો રૂપિયા ને ખાવુંપીવું - એ મહેનતાણું યાદ આવ્યું અને વળી કર્તવ્યપરાયણતા ચૂકવાથી શું કલંક લાગશે તેનો ખ્યાલ આવ્યો. તરત તેણે હાથમાંનો પત્ર વાંચવા માંડ્યો :

ડુમ્મસ, તા.

‘વહાલા !

તમારો પત્ર વાંચ્યો. મારી તબિયત હવે સુધરતી જાય છે. હવે ક્યારે મળીશું ?

લિ.

તમારી મનોરમા.’

શો નાનો, પણ રસભર્યો પત્ર ! શો અક્ષરનો મરોડ ! શી લખવાની ઢબમાં સંસ્કારિતાની છાયા ! શી નામમાં છૂપાયેલી સુકુમારતા !

મુંબઈના પાષાણહૃદયના ધનાઢ્યો લોકોની દરકાર નથી કરતા એ નોકર માત્ર જાણે છે; પણ પોતાની કોડભરી સ્ત્રીઓ તરફ પણ આ પ્રમાણે વર્તે છે ! આ વિચારથી શાસ્ત્રીને ચક્કર આવવા માંડ્યાં.

તે ટેબલ આગળ બેઠા. તેણે એક કોરો કાગળ લીધો ને જવાબ લખવા માંડ્યો : અનેક મથાળાં કર્યાં, છેક્યાં, સુધાર્યા, અનેક વાર કાગળો બદલ્યા. બે વાર કલમો બદલી. તેમના રસાળ મગજમાં વિચારનાં ગૂંછળાં પર ગૂંછળા વળવા માંડ્યાં. આખરે તેમની પરમાર્થબુદ્ધિ વારે ધાઈ. આ સ્થિતિ, આ નોકરી ઈશ્વરે જ સર મોહનલાલની રસિકતાના ઉદ્ધાર માટે તેમને સોંપી હતી એવું કંઈક સ્પષ્ટ જણાયું; અને જે સાક્ષરોના મંડળમાં પોતે અગ્રગણ્ય સ્થાન લેવાના છે, તેમની મહત્તાને છાજે એવી રીતે આ કાર્ય પૂરું કરવાનો સંકલ્પ તેણે કર્યો અને કાગળ પર કલમ દોડાવી.

‘પ્રિય મનોરમે !’

તમારા સમાચાર મળ્યા અને મારું કરમાતું હૈયું ફરીથી પ્રફુલ્લ થયું. દેવી ! તું ક્યારે સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય, તેનો જ વિચાર હું અહોનિશ કરું છું. મારું હૈયું તને મળવાને કેવું તલસે છે તેનો ખ્યાલ નથી; પણ થોડા દિવસમાં જાતે જ મળી તેની સાક્ષી પૂરીશ.

લિ.

તારો અધીરો.’

મધુપર્કશંકરે સો વાર વાંચી, સુધારી આ પ્રેમપત્ર તૈયાર કર્યો, પણ સંશય એક જ રહ્યો. શુષ્ક શેઠ આ કાગળની શી કિંમત આંકશે ?

પણ શેઠ આવ્યા - એક વંટોળિયો આવે તેમ. પાંચ હુકમો દલાલને

કર્યા, પાંચ બીજાને કર્યા ને શાસ્ત્રી તરફ ફર્યા

‘શાસ્ત્રી !’

‘જી.’

‘પેલો ડુમ્મસ કાગળ લખ્યો ?’

‘જી, તૈયાર છે.’

‘ઠીક, પેલા ગુજરાતી ટાઈપરાઈટર પર ટાઈપ કરી મોકલી આપ. મારી સહી પણ ટાઈમ કરજે. સાંજની મારી મોટર આવશે તે લઈ તારો સામાન લઈ આવી વાલકેશ્વર આવજે.’

આ શબ્દોના અર્થના ઉજાસ શાસ્ત્રીના મગજ પર પડે તે પહેલાં શેઠ ખંડની બહાર ગયા. આ હુકમનો અર્થ સમજાયો. જ્યારે આ પત્ર વાંચવા જેટલી પણ શેઠે તસ્દી લીધી નહીં એમ ભાન થયું, ત્યારે શાસ્ત્રીના તિરસ્કારનો પાર રહ્યો નહીં.

જ્યાં સામે સાગર કંઈ કંઈ ગાઈ અને સામે જ્યાં અનેરી ચંદ્રિકા શાંત જગત પર અમી વર્ષાવી મધુપર્કશંકરના સંસ્કારી હૃદયમાં રસની રેલમછેલ કરે એવો એક નાનો ખંડ તે રાતે તેને સોંપવામાં આવ્યો.

મનોરમા વીશ વર્ષની અને શેઠની બીજી વારની પરણેતર હતી, અને માંદગીને લીધે આજે વર્ષ દિવસ થયાં ડુમ્મસ રહેતી હતી. માંદગી કંઈક ભેદભરી હતી; કારણ કે તે વિશે બીજા નોકરો ખુલ્લે દિલે વાત કરતા નહીં, અને હાલ શેઠની આગલી બૈરીનો છોકરો વૃંદાવન પણ ત્યાં હતો. સાંજના આવી મધુપર્કશંકરે આટલી માહિતી મેળવી હતી, અને દીવાનખાનામાં મનોરમા શેઠાણીની છબીને એક ચિત્તે નીરખી હતી.

પોતાના ખંડના મોહક એકાંતમાં અને આવી સામગ્રીઓથી ઉત્તેજિત થઈ મધુપર્કશંકરે પોતાની કલ્પનાનો ઘોડો મારી મૂક્યો.

શેઠાણી સુંદર ને રસઘેલી છે, એ ચોક્કસ લાગ્યું, શેઠ શુષ્ક ને રસહીન છે તે પણ નિર્વિવાદ હતું. અને આ બે વચ્ચે શો વિરોધ હતો ? શેઠ મનોરમાને શા માટે દૂર રાખતા હતા ? શહા માટે તેની સાથે આવી ક્રૂરઘાતકી ચાલ ચલાવતા હતા ?

અને કેવી સુંદરી ! તેનો ખ્યાલ આવતાં શાસ્ત્રીના સંસ્કારી હોઠ પર મહાકવિ કાલિદાસના કાવ્યનું ગુર્જર મહાકવિ નાનાલાલનું ભાષાંતર યાદ આવ્યું

‘નાજુક, યૌવન ઉગતી, અધરે બિમ્બશો, નાભિ ઊંડી,

દાડમી દન્ત જ, ચકિત મૃગી શી દૃષ્ટિ, કટિ પાતળી

ને સ્તન ઝોલે કંઈ નમી, મલપતી ચાલ નિતમ્બ ભારે.

એવી હશે ત્યાં યુવતિ સૃજતાં સર્જી વિધિએ શું પ્હેલી.’•

• ઉત્તરમેઘ.

આવા વિચારો કરતા, આ શ્લોક બબડતા શાસ્ત્રી સૂતા ને કંઈ કંઈ સ્વપ્નાંઓ જોવા લાગ્યા.

શું થશે; કેવો જવાબ આવશે; જવાબ વાંચી શેઠ શું કહેશે; રખેને આવી સારી નોકરી છોડવાનો વખત આવો : આવા સંકલ્પ-વિકલ્પ ત્રીજે દિવસે મધુપર્કશંકર ટપાલની રાહ જોવા લાગ્યા.

આખરે ટપાલ આવી, અને સર મોહનલાલે એક વગર ફોડેલો કાગળ મધુપર્કશંકરના ટેબલ પર નાંખ્યો.

‘શાસ્ત્રી ! આ વાંચી એનો જવાબ લખી દેજે. આજે જરૂર જાય હો!’ શાસ્ત્રીને શાતા વળી, અને શેઠ તરફ વધારે તિરસ્કાર છૂટ્યો. શું આ તો માણસ કે રાક્ષસ ? પ્રભુ શું એને હૃદય આપવાનું જ ભૂલી ગયા છે ?

જેવા શેઠ બહાર ગયા, કે મધુપર્કશંકરે કાગળ ફોડ્યો.

ડુમ્મસ તા.

‘વ્હાલા !

પત્ર મળ્યો. આપના પત્રમાં રમી રહેલી ઊર્મિઓને કઈ અભાગણી નહીં વધાવી લે ? આટલા બધા વ્યવસાયમાં, આટલે વર્ષે પણ દાસીને માટે આવી લાગણી ધરાવો છો એ જોઈ હું ઘેલી બની છું. આપ દર્શન આપી મને ક્યારે કૃતાર્થ કરશો ?’

લિ. વિરહિણી.

મનોરમા.

મધુપર્કશંકરની નાની આંખોમાં વિજયનાં તેજ સ્ફુર્યા. તેની ધારણા ખરી ઠરી. મનોરમા રસિક હતી; કોડીલી હતી; માત્ર આ ભાવહીણા ભરથારને પાને પડી ઝુરાઈ મરતી હતી; અને પ્રભુએ આ કરમાતી વેલી સજીવન રાખવા વાદળી બનાવી પોતાને મોકલ્યા હતા.

દુનિયાનાં દુઃખ ટાળવા ઈસુખ્રિસ્તને શૂળીએ ગયો ત્યારે જે સંતોષ તેના હૃદયમાં થયો હતો તેવો કંઈ મધુપર્કશંકરના હૃદયમાં અત્યારે થયો. શુદ્ધ અને સાત્ત્વિક હેતુથી પણ તેણે શી ચાણક્યનીતિ ચલાવી હતી !

એણે ગોવર્ધનરામ સ્મર્યા, નાનાલાલનું માનસિક આવાહન કર્યું, અને કલમ લઈને

‘પ્રિયે !

તારો પત્ર મળ્યો. અહા ! શું પત્ર ! ધંધાની ધમાલમાં મેં કેવું રત્ન અણપારખ્યું રહેવા દીધું ! શા અનેરા સુખના લહાવા જતા કર્યા ! મારો પસ્તાવો હું પત્રમાં શી રીતે વ્યક્ત કરું ! તારો ક્ષમાશીલ સ્વભાવ એ જ મારી એક પૂરી આશા છે.

હવે માત્ર થોડા જ દિવસ છે; પછી હં આવીશ. નહીં તો જ્યાં આપણે સાથે, એકમેકથી પ્રેમલહાણ લેતાં દેતાં, સુખસરિતામાં વહી શકીએ એવા રમ્ય સ્થળમાં વસીશું; ને -’

‘વિરહ ગુણ્યા વિવિધ નિજના કોડ સૌ આપણે બે

પછી પુરીશું ઉતરી શરદે રાત્રિએ ચંદ્રિકામાં’

લિ. તારો,

મોહન.’

આ પત્ર ગયો અને મધુપર્કશંકર મહમુશ્કેલીએ જીવ ઠેકાણે રાખી શક્યા. ઊઠતાં, બેસતાં, જાગતાં, ઊંઘમાં, તે મનોરમાનું રટણ કરવા લાગ્યા. માત્ર પરમાર્થબુદ્ધિથી જ. ત્રીજે દિવસે ફરીથી જવાબ આવ્યો :

ડુમ્મસ, તા.

‘વહાલા !

પત્ર મળ્યો, હું ખુશીમાં છું. બે વખત થયાં તારા પત્રો વાંચી અ તૃષાર્ત ચાતકીને સ્વાતિનો સ્વાદ મળ્યો છે. તારા શબ્દોમાં રહેલો રસ, તારા ભાવોની નિર્મળતાએ મને ઘેલી કરી છે. શુદ્ધ અને સાત્ત્વિક પ્રેમની આ પ્યાસી બાળાને તેં આજ સુધી શા માટે રઝળાવી ? હશે, પણ હવે ન રઝળાવવી તારા હાથમાં છે.

રસીઆ ! ક્યારે મળીશ ? પત્ર જેવા શુષ્ક સાક્ષી વિના ક્યારે તારા શબ્દો સાંભળીશ ?

લિ. અધીરી,

મનોરમા.’

આ પત્ર વાંચી મધુપર્કશંકરના હૃદયમાં આહ્‌લાદના વંટોળિયાની આંધી ચઢી. પા કલાક સુધી તેના અભિપ્રાયો ઊખડી ગયા, વિચારનાં તેજ બુઝાઈ ગયાં; માત્ર આનંદનો સુસવાટો થઈ રહ્યો. તેણે પત્ર સામું જોયા કર્યું. તે માત્ર મનોરમાનું નામ જ રટી રહ્યા.

આ આંધીનું જોર નરમ પડતાં અનેક સંકલ્પવિકલ્પો પેદા થયા. આ જાતનો પત્રવ્યવહાર શેઠની જાણમાં આવે અને નોકરી જાય તો ?

વળી એમ પણ ફરી પ્રશ્ન થયો, કે પરસ્ત્રી જોડે આવો વ્યવહાર શું વાસ્તવિક ગણાય ? આ પ્રશ્ને ક્યાં સુધી તો તેમને પજવ્યા; પણ જવાબ લખવાનો વખત થયો એટલે તેનું નિરાકરણ ઝટ દઈને થવા લાગ્યું. તેમને એટલું તો સ્પષ્ટ લાગ્યું, કે પોતે નિર્વિકાર હતા, માત્ર એક શુષ્ક જીવનમાં અમી રેડવાના નિઃસ્વાર્થ હેતુથી જ આ પ્રકારનો પત્રવ્યવહાર ચાલુ રાખવાનો રંજ વેઠતા હતા, અને શેઠે તેમને પત્રવ્યવહાર કરવાનું કામ સોંપ્યું હોવાથી તે સંપૂર્ણ ને સરસ રીતે બજાવવું તેમાં કર્તવ્યપરાયણતા સિવાય બીજું કંઈ પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિને દેખાયું નહીં.

મધુપર્કશંકર આવ સ્તુત્ય વિચારોથી પ્રેરાઈ જવાબ લખવા બેઠા.

ડુમ્મસ ને મુંબઈ વચ્ચે રસ ને સાહિત્યની રેલમછેલ મચી રહી અને મધુપર્કશંકર સાતમા આસમાનમાં ઊડવા લાગ્યા. સવારે ઊઠી તે મનોરમાના પત્રોનું પારાયણ કરતા. બપોરે તેને ગજવામાં રાખી તેનું સ્મરણ સતેજ રાખતા. રાત્રે પાછું પારાયણ કરી સ્વપ્નામાં તે ફરીથી વાંચતા. બાકીનો વખત આવતા કાગળમાં ક્યા ભાવો લખવા, ક્યા કવિની લીટીઓ ટાંકવી, કયા શબ્દોએ મનોરમાને સંબોધવી એવા વિચારોમાં જતો.

તેને પોતાની કર્તવ્યપરાયણતામાં શ્રદ્ધા અડગ હતી; અને તે શ્રદ્ધા સફળ થતી જોઈ તેમનો સાક્ષરી કીડો નાચી રહ્યો. જાણે પથ્થરની પાળ તૂટતાં પાણી ચોમેર જોશમાં ફરી વળે તેમ શેઠની શુષ્કતા જતાં મનોરમાનાં હૃદય અને લેખિનીએ પણ ચારે દિશા રસ સાકાર કરવા માંડી હોય એમ લાગ્યું. એક સાધારણ ગુજરાતણને આવી છટાથી ને સંસ્કારિતાથી પ્રેમપત્રો લખતી જોઈ ગુજરાતઘેલા મધુપર્કશંકરની દેશપ્રેમી આંખોમાં ગર્વનાં ઝળઝળિયાં આવ્યાં. તેમાં તેના છેલ્લા કાગળે તો હદ કરી.

‘ઘેલા મારા મોહન,

તારી વિરહિણી મનોરમાનાં પ્રેમસ્મરણો સ્વીકારજો. હવે તો રોમેરોમ તારું નામ રટે છે ને સાક્ષરશિરોમણિના શબ્દોમાં હૃદય રટે છે, કે

ગોપિકા ઘણી ઘણી રુવે છે કુંજ કુંજમાં

રોતી મૂકી સર્વને તું કૃષ્ણચંદ્ર ક્યાં ગયો ?

પદ્મમાળ પાણીમાં ઊંચા વિકાસી મુખને

જોઈ રહેતી વ્યોમમાં રસિક ભ્રમર ક્યાં ગયો.•

• સરસ્વતીચંદ્ર.

એ રટણ ક્યારે ફળ થશે ? એ ઊર્મિઓનું તોફાન ક્યારે શમશે ? આવતે શનિવારે તમે અહીંયાં આવવાનું વચન આપ્યું હતું. આવશો ? હવે મારાથી ધીરજ રખાતી નથી. નહીં તો હું આવીશ.

લિ. અધીરી.

મનોરમા.’

આ કાગળ વાંચતાં મધુપર્કશંકરના હાથમાં પરબીડિયું હતું તેમાંથી બીજો કાગળ નીકળ્યો.

‘મારા હૃદયની કરમાતી વાટિકાના રસિક માળી, તું ક્યાં સુધી મારો અજાણ્યો મોહન રહેશે ? હૃદયની ઓળખાણ ને નયનોની ઓળખાણની સિદ્ધિ અપાવે એવી તક આવતે શનિવારે પ્રભુ અપાવશે. હું મધરાત્રિએ બાર વાગ્યે પહેલે માળે મારા ખંડમાં તારા નામની જપમાળા જપતી બેસીશ.’

આ પત્ર વાંચતાં મધુપર્કશંકરનું મગજ ચક્કર ફરવા લાગ્યું. પહેલાં તો જાણે પગ નીચે ઝેરી નાગ ચગદાયો હોય ને થાય એવો માનસિક આઘાત થયો અને બીજી પળે જીર્ણ ઝુંપડીને રત્નજડિત મહેલ બની જતાં જોતા કોઈ અલાદીન જેવી તેની સ્થિતિ થઈ. આ બધા રસિક પત્રો સર મોહનલાલ માટે નહોતાં; તેમાં સ્પષ્ટ દેખાતી અધીરાઈ તેનેમળવા માટે નહોતી. આ ચતુર પદ્મમાળ તો મારા પરાગઘેલા ભ્રમર માટે તલસતી હતી. આ ખાતરી થતાં તેનું હૈયું થનગન નાચવા માંડ્યું.

પણ મધુપર્કશંકર ડહાપણનો ભંડાર હતો; અને તેના ને મનોરમાના સંબંધે નવું ને ભયાનક પકડ્યું તો તેના ધ્યાન બહાર નહોતું. પહેલાં તો શેઠાણીને આમ છૂપી રીતે મળવું તે સારું કે નહીં એ સવાલ હતો. વળી નડિયાદમાં કૂવા પરથી બેડું વહેતી નિર્દોષ સહધર્મચારિણીની છબી જે ગઈ વખતે હૃદયમાં છપાઈ હતી તે નજર આગળ ખડી થવાથી બીજો પ્રશ્ન ઊભો થયો.

એક તરફ રસિક, પ્રણય વિના ઝૂરી મરતી મુંબઈની સુંદરી, બીજી તરફ પતિપરાયણા ગામડિયણ. એક તરફ કાવ્યમયતા, રસિકતા ને આત્માના અનેરા આહ્‌લાદ; બીજી તરફ પત્નીવ્રત, ડહાપણ ને ભાવિ પ્રજાને ખોટો બોલતો દાખલો !

મધુપર્કશંકરે પોતાના પ્રિય લેખકો સંભાર્યા. તેમનાં કથનો ને દાખલા સંભાર્યાં; પણ કોઈ પણ સાક્ષર કે તેણે પેદા કરેલો કોઈ પણ નાયક આવી વિટંબનામાં ફસ્યો હોય એવું લાગ્યું નહીં. તેણે આંખો મીંચી, ને તેના જેવા દુનિયાના એક આધારરૂપ સાક્ષરને છાજે એવો રસ્તો દેખાડવા તેત્રીસ કરોડમાંથી જે દેવને ફુરસદ હોય તેને વિનંતી કરી. આખું ભાવિ જગત આ નિશ્ચય પર મદાર રાખી એક પગે થઈ રહ્યું હોય, એમ તેને લાગ્યું. મહાભિનિષ્ક્રમણ કરતી વખતે ગૌતમ બુદ્ધની પણ આટલી ગંભીર સ્થિતિ નહીં હશે, એવો પણ કંઈ ખ્યાલ થયો.

આખરે પરમાર્થ બુદ્ધિનો વિજય થયો. સ્વર્ગલોકમાં દેવતાનાં દુંદુભિ ગગડ્યાં. મધુપર્કશંકરના હૃદયે ચોખ્ખો માર્ગ દીઠો.

મનોરમા માત્ર દર્શનાભિલાષી હતી અને નિષ્પાપ હતી. તેને તો માત્ર પોતાના રસિક હૃદયની સરિતા ન સુકાય માટે જ કોઈ રસેશ્વરનાં દર્શન કરવાં હતાં. એમાં શું ખોટું ? એમાં ક્યાં પાપ સમાયું ?

પોતાનું પણ હૃદય શુદ્ધ અને સાત્ત્વિક હતું. પોતે નિષ્કામ હતા; ફળની આશા રાખ્યા વિના કર્મયોગ આચરતા હતા. વળી તે જો મનોરમાને

મળી બે વચન કહેશે તો તેનું પણ મન શાંત થશે. આમાં સહધર્મચારિણી પ્રત્યે કંઈ દ્રોહ ન હતો. પોતે તો તેના જ હતા ને તેના જ રહેવાના.

ઊલટું, જો કોઈ પ્રકારની કાયરતાને વશ થઈ આ રસ્તો તે ન લે તો શું શું થાય ? કાં તો મનોરમાની ઊગતી રસિકતા દબાઈ જાય અથવા કોઈ અપાત્ર તરફ વળે, ને પોતે કર્તવ્યપરાયણતાથી ભ્રષ્ટ થાય, સદાને માટે ભાવિ જીવનચરિત્ર લેખકોની નિંદાને પાત્ર થાય, અને સાક્ષરતા સફળ કરવાનો અનેરો લહાવો ખોઈ બેસે !

વળી, આવો નિર્મળ ને રસિક પ્રસંગ મેળવવાને કોઈ પણ સાક્ષર ભાગ્યશાળી થયો નહોતો, તેમ તેમનાં છપાયેલાં ને અણછપાયેલાં જીવનચરિત્રો ઉપરથી પુરવાર થતું હતું, અને વિધિએ આવો પ્રસંગ તેને જ મોકલ્યો તેનો લાભ લઈને સાક્ષરતાની અસ્પર્શ્ય ટોચે તે ચડી શકે.

આ વિચારે તેનું ઢીલું મન દૃઢ થયું. મનમાં ભર્તૃહરિનો શ્લોક સ્ફુર્યોઃ

ત્ત્ઙ્મહ્મ સ્ર્ક્ર ૠક્રથ્દ્ય્ક્રૠક્રજીભળ્ સ્ર્ળ્ટક્રક્રર્ભિંથ્શ્વ ક્ર

આ વિચારમાળા શેઠ આવ્યા ને તૂટી.

‘શાસ્ત્રી, પરમ દહાડે શનિવારે મારી જોડે તમારે ડુમ્મસ અવવાનું છે.’

શેઠ ચાલ્યા ગયા ને હૃદય કૈં ગણગણ્યું;

‘પ્રેમીએ પ્રેમપંથિ પારખ્યો,

જાણે આત્માએ આત્મનને ઓળખ્યો -’

પણ તરત તેણે ભર્તૃહરિની કડી પૂરી કરી :

‘ર્સ્ર્ક્રિંધસ્ર્ક્રઅબ ત્બ્નૐબ્ર્ભિં ઘ્ધ્ ઌ મટ્ટથ્ક્રઃ ત્નત્ન

જાણે ફિરસ્તાની પાંખ પર મુસાફરી કરતા હોય તેમ શનિવારે સાંજના મધુપર્કશંકર ડુમ્મસ પહોંચ્યા.

તેણે બંગલાના દરવાજા આગળ ‘યુવતિ સૃજતાં સર્જી વિધિએ શું પહેલી’ - ને જોવાની આશા રાખી હતી; પણ તેને બદલે શેઠનો છોકરો વૃંદાવન મળ્યો. તે જરા ઉદ્ધત, તોફાની ને અસંસ્કારી લાગ્યો. તેની વાત ને હાસ્ય કંઈક અપમાનભર્યાં જણાયાં, પણ પોતાના મનમાં જ મશગૂલ બની રહેલા મધુપર્કશંકર આવી નજીવી ચીજોની દરકાર કરે એમ નહોતા.

મધુપર્કશંકરને ભોંયતળિયે દાદરની પાસે એક ખંડ આપવામાં આવ્યો. પહેલે માળે એક બાજુ પર મનોરમાનો ખંડ હતો, ને બીજી બજુએ નર્સનો ખંડ હતો. શેઠ અને વૃંદાવન બીજે માળ સૂવાના હતા.

વાતમાં એમ પણ એણે જાણ્યું, કે મનોરમાની તબિયત જરા અસ્વસ્થ હોવાથી તે પોતાના ખંડમાંથી બહાર આવી નથી, અને સુરતમાં કંઈ કામ હોવાથી નર્સ રાતે ત્યાં જવાની હતી. મધુપર્કશંકરને પરિસ્થિતિ ઘણી જ સાનુકૂળ્‌ લાગી. મધુપર્કશંકર આનંદની લહરીઓ પર હીંચતા હતા, અને શેઠને વૃંદાવન શું કહેતા તે પણતે પૂરેપૂરું સાંભળતા નહોતા. તેમને સદ્‌ભાગ્યે વનુ એટલો વાતુડીઓ હતો, કે બીજાને બોલવાની ઝાઝી તસ્દી પડતી નહીં. કેમે કર્યા તેઓ જમીને ઊઠ્યા. થોડી વારે શેઠ મનોરમાના ખંડમાં ગયા.

વનુએ મધુપર્કશંકરની સાક્ષરતા ન સમજાય એવી રીતે વખાણી. તેના કેટલાક શબ્દોથી તો શાસ્ત્રીને પળવાર ફાળ પણ પડી, કે તેનો પત્રવ્યવહાર આ ચિબાવલો છોકરો વાંચી ગયો છે કે કેમ ? પણ મનોરમા જેવી બુદ્ધિશાળી સ્ત્રી એમ ન થવા દે એમ માની તે વહેમ મનમાંથી દૂર કર્યો. આખરે ન સમજાય એવી મશ્કરી કરતો વનુ પણ સૂવા ગયો.

હજુ તો નવ વાગ્યા હતા અને મધુપર્કશંકર ઓટલા પર ઘડીઓ ગણવા બેઠા, પણ જેમ જેમ વખત પાસે આવતો ગયો તેમ તેમ હૃદયના ધબકારા ધીમા પડતા ગયા અને હિંમત શોધતાં જડવી મુશ્કેલ થઈ પડી. જ્યારે શેઠ પોતાના સૂવાના ખંડમાં ચાલી ગયા અને નોકરોએ દાદર પરની બત્તી બુઝાવી નાખી ત્યારે તો એમનું હૈયું બુઝાઈ ગયું હોય એમ લાગ્યું. અને નિરાંતે પથરીમાં સૂઈ જવાનું મન થયું.

પણ તેમનો રસિક જીવડો જંપીને તેમને બેસવા દે એમ નહોતો.મનોરમાને નીરખવાની ને મળવાની તક, તેના જેવી રસિક યુવતી જોડે વાર્તાલાપનો અમૂલ્ય લહાવો, પોતાની સાક્ષરતા ને રસિકતા દાખવવાનો આવો વિરલ પ્રસંગ; આ છોડવાં એ હીચકારાપણું હતું, એટલું જ નહીં; પણ પોતાની ભાવનાઓને અને ભાવિ પ્રજાને દ્રોહ કર્યા બરાબર લાગ્યું. વળી આવી અદ્‌ભુત રસિકાએ સ્વાભાવિક શરમાળપણું છોડી તેને આવું નિમંત્રણ આપ્યું હતું, ભારે નયને ધ્રૂજતે હૈયે તે અત્યારે તેની વાટ જોતી હશે, તેના પત્રો વાંચી વાંચી પળો વિતાવતી હશે, પોતે ન જાય તો જરૂર તે રોઈ રોઈ આખી રાત ગાળશે -ને સંસ્કારી આત્માના અનેરા સંબંધ વગર ઝૂરી ઝૂરી મરશે - આવા વિચારે પીગળી જવાની અણી પર આવેલા પોતાના સંકલ્પને તે દૃઢ રાખી રહ્યા.

હૉલની ઘડિયાળમાં સાડા અગિયાર થયા અને મધુપર્કશંકર બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા. ક્યાં સુધી ‘હૅમલેટ’ની માફક જવું કે ન જવું તેનો ફરી વિચાર કર્યો; ક્યાં સુધી પોતે રખેને સ્વાર્થબુદ્ધિથી તો આ પગલું નથી ભરતા તેનું નિરાકરણ કર્યું; ક્યાં સુધી દૂર વસતી સહધર્મચારિણીનો દ્રોહ તો નથી થયો તે શંકાનું સમાધાન કર્યું; ક્યાં સુધી ઉપર જઈ કેવા પ્રકારનો વાર્તાલાપ કરવો તેનો વિચાર કર્યો.

તે ઊભા થયા ને આખા ઓટલા પર નજર નાખી - પણ કોઈ નહોતું. દાદર પર નજર નાખી - ત્યાં પણ કોઈ નહોતું. સમય ને સ્થળ સાનુકૂળ હતાં. તેમણે ધીમેથી દાદર પર ચડવા માંડ્યું. દાદર કેમ વટાવ્યો તેનું ભાન રહ્યું નહીં. ઉપર જઈ દાદરનો કઠેરો પકડી, મનોરમાના સૂવાના ખંડ તરફ નજર નાખી મધુપર્કશંકર ઠરી ગયા.

તેનું ડગલું હાલ્યું નહીં. તેના હૈયાનો દીપ હોલવાઈ ગયો. તેને અંગે અંગે પરસેવો થઈ રહ્યો. તેનું માથું ખભા પર હતું કે નહીં તેનો સ્પષ્ટ નિર્ણય થઈ શક્યો નહીં. મધુપર્કશંકર, ભગવાને ગીતા ભણવા માંડી તે પહેલાં અર્જુનની હતી એવી સ્થિતિમાં આવી પડ્યા.

તેમણે ચિત્તને જેમ જેમ સ્થિર કરવાની મથામણ કરી તેમ તેમ ચિત્ત ચારે તરફ સરી જવા લાગ્યું. તેમને એક જ દિશા દૃષ્ટિએ પડવા લાગી - નીચે ઊતરી જવાની.

પણ પગ નહોતા આગળ ચાલતા ને નહોતા પાછળ ચાલતા. કપાળ પરથી પરસેવાના રેલા ઊતરવા માંડ્યા - મહામહેનતે તેમણે ધોતિયા વડે તે લૂછી નાંખ્યા.

થોડી વાર આમ ને આમ મધુપર્કશંકર ઊભા. ચારે તરફ શાંતિ હતી, તેથી કંઈક સ્વસ્થતા આવી. આવે પ્રસંગે શું કરવું તે તેને સૂઝ્‌યું નહીં. અંતરમાં તો એવી અકળામણ થવા લાગી કે ચીસ પાડવાનું મન થયું.

આવી ભયાનક પળે મરતો માણસ જેમ પોતાના દેવને સંભારે મરતો યોદ્ધો જેમ પોતાના દેશને યાદ કરે - તેમ તેમણે તેમના જીવનની જ્યોતરૂપ સાક્ષરોને સંભાર્યા - પણ દુર્ભાગ્યે તે બધામાં ન્યૂનતા દેખાઈ.

કોઈએ આવું અટપટું ભયસ્થાન જીવનમાં અનુભવ્યું નહોતું. કોઈએ આવો પ્રસંગ કલ્પ્યો નહોતો, ચીતર્યો નહોતો. તે અંધકારમાં તેણે દયામણે ચહેરે આ બધા મહત્માઓની હૃદયમાં સ્થાપેલી મૂર્તિઓને મૂંગી પ્રાર્થના કરી -તેમને નિઃશબ્દ ઠપકો દીધો. ભક્તને આવો નિરુપાય રાખ્યો તેથી તેમના તરફ તિરસ્કાર દાખવ્યો, રસગૂંચવાડામાં પડેલા રસિકના ઉદ્ધાર અર્થે એક મોક્ષમંત્ર શું તેમને નહોતો જડ્યો ? સરસ્વતીચંદ્રને કંઈક આવો ઓછો પ્રસંગ મળેલો-પ્રિયતમા અને પોતાની વચ્ચે બારણું બંધ રાખી ક્યાં સુધી તેણે સંકલ્પવિકલ્પ કરેલો; પણ તે વીર પોતાના ખંડમાં નિરાંતે હતો - દાદરનો કઠેરો ઝાલી ખુલ્લી ચાલમાં તે ઊભો નહોતો; અને તે તો સ્વાર્થબુદ્ધિથી હાથથી ગયેલી પ્રિયતમાને પોતાની ઊર્મિઓ જણાવવા માગતો હતો - તે કંઈ કરમાઈ જતી વેલીને સજીવન કરવા હાથમાં રસકુપ્પો લઈ કર્તવ્યપરાયણતામાં મચ્યો નહોતો !

એકદમ દૂરથી એક અવાજે શાંતિનો ભંગ કર્યો - મધુપર્કશંકરની વિચારમાળા તૂટી ને તે અંગઅંગ કાંપવા લાગ્યા. પણ તરત ભાન આવ્યું, કે એ તો માત્રા ભૂલા પડેલા ગધેડાનો ભુંકાર હતો.

પણ અલ્પ પ્રાણીને પણ ગુરુ કરવાની નમ્ર મહત્તામાં મધુપર્કશંકર ગુરુ દત્તાત્રેયથી ઊતરે તેમ નહોતા; અને આ નાદ જાણે રસયુદ્ધમાં પાછા પડતા પ્રાર્થના પ્રોત્સાહન માટે હૃષીકેશે પાંચજન્ય વડે જ કર્યો હતો, એવો કંઈક ખ્યાલ મધુપર્કશંકરના હૃદયમાં ઉદ્‌ભવ્યો. તે ઉદ્‌ભવતાં જ જાણે રસેશ્વર ભગવાનને કાનમાં મંત્ર ઉચ્ચારતા સાંભળ્યા :

બ્ઌથ્ક્રઽક્રટ્ટન્કઌૠક્રષ્ટૠક્રક્રશ્વ ઼ક્રઠ્ઠઅક્ર સ્ર્ળ્રજી બ્ટક્રભરુથ્ઃ

હિંમતથી તેણે એક ડગલું ભર્યું - બારણ ધકેલ્યું - ને બારણું ઊઘડતાં ઉમરા પર જઈ ઊભા. ઉપર જોયું, નીચે જોયું, ચારે દિશામાં જોયું - બધું શાંત હતું. તે ખંડમાં પેઠા. એક ઝીણો દીવો બળતો હતો - સુંદર પથારીમાં કોઈ સૂતું હતું.

મધુપર્કશંકરે દયા ખાધી. વાટ જોતાં જોતાં બિચારીને ઊંઘ આવી ગઈ. પોતે કેવો દયાહીણો !

તે આગળ વધ્યા. ઓરડામાં બધું શાંત હતું - માત્ર ખાટલા પરથી કોઈનો શ્વાસોચ્છ્‌વાસ સંભળાતો.

તે ખાટલા પાસે આવ્યા, ઊભા રહ્યા અને ઓઢવાનાંને સ્પર્શકરી ‘મનોરમે’ સંબોધવા જાય છે ને પથારી પર માણસ કૂદ્યું.

તે માણસ નહોતું - ડાકણ હતી. રોગથી કાળી પડેલી ચામડી - ક્ષીણ થયેલા શરીરની ભયાનક રેખા - બહાર નીકળેલા દાંત, ને ફાટી, ગાંડપણભરી મોટી આંખો - આ ભયંકર લાલિત્ય ધરાવતી મનોરમાએ સુકાયેલા આંગળાના પંજા વડે મધુપર્કશંકરને પકડ્યા.

બેઠેલા કઠોર ઘાંટે તે બોલતી હતી; ‘મુઆ વનીઆ, સાવકી માને ઝેર પાવા આવ્યો છે - મૂઆ તારો પ્રાણ લઉં.’

મધુપર્કશંકર કાંપી રહ્યા, શરીર પરસેવાથી તરબોળ થઈ રહ્યું. મનોરમા તો વાઘણ જેવી સળગી તેને નખોરીઆં દેવા લાગી. ન બોલાય, ન મદદ મંગાય એવી કઢંગી સ્થિતિમાં રસયુદ્ધ પર ચડેલા રસિકે કેમ કેમ દ્વંદ્વયુદ્ધ આરંભ્યું.

મનોરમાનો જુસ્સો જબરો હતો - શાસ્ત્રીજી પણ જીવલેણ ઝપાઝપી કરતા હતા.

પાંચ મિનિટ આ યુદ્ધ ચાલ્યું. તેમને યાદ ન રહ્યું, કે આ દૈવી યુદ્ધ ચાલ્યું તે વખતે સદ્‌ગત સાક્ષરોએ આકાશમાં ઊભા રહી તેમનું દાક્ષિણ્ય વખાણ્ય્‌ કે નહીં. આ મહાભારત પ્રસંગ જોઈ પ્રણયીની વારે ધાનાર કોઈ દેવે અક્ષરધામમાંથી પડતું મૂકવાની તૈયારી કરી કે કેમ, તેનો પણ નિર્ણય તે કરી શક્યા નહીં.

આખરે મનોરમા થાકીને પડી ગઈ. એક ફલંગે દાદરનું છેલ્લું પગથિયું હાથ લાગ્યું એમ ભાસ્યું.

ફાટલે પહેરણ ને ધોતિયે, નખચંદ્રથી ઘવાયેલે શરીરે, જીવતા મૂએલા મધુપર્કશંકર દાદર આગળ પડી રહ્યા.

ઘરમાં શાંતિ હતી.

થોડી વાર બીજે માળથી જાણે વૃંદાવનનો હોય એવો અવાજ આવ્યોઃ

‘મધરાતના પહોર અઘોર હતા

અંધકારના દોર જ ઓર હતા

તારાં નયનોમાં મોર ચકોર હતા

રસ તેજ નિહાળી નમું હું નમું.’

મનોરમાને કયો ગેબી રોગ થયો હતો અને કયે હાથે તેના પત્રો લખાયા હતા એ જ્ઞાનનું તેજ મધુપર્કશંકરના મગજમાં પ્રસર્યું એટલે કયા કવિએ એ વાક્ય લખ્યું છે તે વિચાર્યા વિના તે મનમાં બબડ્યા : ‘઼ક્રટક્રબ્ભ ગળ્ધ્ મથ્શ્વઘ્શ્વબ્દ્ય ૠક્રશ્વ બ્થ્ૠક્રૅ ત્ન’

પરોઢિયે સુરતના સ્ટેશન પર થાક્યોહાર્યો યુવક, મોઢા પરના ઉઝરડા સંતાડતો મુંબઈની ટિકિટ લેતો હતો.

૧૬. એક સ્વપ્નું

એક પળમાત્રહું જોઈ રહ્યો. સમી સાંજના શાંત વાતાવરણમાં પક્ષી સરે એમ હું સરી રહ્યો હોઉં એમ લાગ્યું...

તે મારી સામે બેઠી હતી. ખંડ મારો હતો એમ લાગતું હતું - તે ઘણો પરિચિત ને પ્રિય લાગતો.

પ્રકાશ ચંદ્રનો પણ નહોતો ને નહોતો સંધ્યાનો - પણ કંઈક બેરંગી હતો. વિશ્વકર્માએ સરજનકાલે કંઈક આવા સ્વયંભૂ તેજમાં નક્ષત્રગણો ઘડ્યાં હતાં. તેમાં હતાં આહ્‌લાદ, મીઠાશ ને મદ - પણ ચીજો એકસરખી કે સ્પષ્ટ દેખાતી નહીં.

પણ આ પ્રકાશમાં તેના આકર્ષક કાળા કેશ મારી આંખ આગળ તરી રહ્યા હતા. ઉષાના આભાસમાં અસ્પષ્ટ થતા ચંદ્રમા જેવું તેનું મુખ હતું. તેનાં સુકુમાર અંગોનું રેખાલાલિત્ય અદ્‌ભુત હતું જ એ તો ચોક્કસ લાગે છે.

વિગત નોંધવાનું મને સ્વાસ્થ્ય નહોતું; પણ તેના લાલિત્યની મોહિનીએ મને મહાન કર્યો હતો. હું તેના માધુર્યની પ્રસદીથી પરમાનંદ અનુભવતો હતો. મારી રગોમાં અભિનવ નૃત્ય ચાલતું હતું. મારા હૈયામાં પૂર આવ્યું હતું. આગલી કે પાછલી પળનો વિચાર કર્યા વિના હું સહજીવનની સનાતન ઈચ્છાના પ્રબળ પ્રવાહમાં તણાતો હતો. તેના જ હાસ્ય પર આખા જીવનની ઉમેદ રચી હતી. તેના મીઠા વચનામૃતને પાને જ પ્રાણ ટકાવી રહ્યો હતો.

આ બધું આકર્ષણ શાથી હતું, ક્યારે શરૂ થયું, શા હેતુથી આદર્યું; તે કંઈ સમજાયું નહીં. મારે પત્ની હતી કે નહીં, બીજાં સંબંધીઓ હતાં કે નહીં, તેનો વિચાર કરવાની મને નહોતી ફુરસદ કે નહોતી ઈચ્છા. જેમ કૌમુદીમાં કમલ વિકસે તેમ હું વિકસ્યો. મારી જીભે કોઈ અપરિચિત સરસ્વતી આવીને બેઠી. મારા વિચારોનાં ગૂંછળાં કંઈ અણધાર્યાં ઊકલ્યાં. મારી રસિકતાની સમૃદ્ધિ ઊભરાઈ રહી. કદી ન દીઠો હતો એવો પ્રભાવ અનાયાસે મરાથી દર્શાવાઈ ગયો.

અમે હસ્યાં. અપરિચિત છતાં વાર્તાલાપમાં મજા માની રહ્યાં. મારા હૃદયમાં વિજયની પ્રબળ લાલસા પ્રગટી. જહાંગીર ને એંટનીની સૌંદર્યસેવાનો તો મારે મન કંઈ હિસાબ રહ્યો નહીં. મારી તે કોણ હતી તે કંઈ યાદ નહોતું. તે ક્યાંથી આવી હતી તેની ખબર નહોતી. કોઈ મોટા કર્મવીર, ધનવીરની તે કંઈ સંબંધી હતી એવું કંઈ જ્ઞાન મગજમાં હતું. ક્ષણેક્ષણનું સૌભાગ્ય હું ભોગવતો હતો. બીજી ક્ષણની પરવા નહોતી...

હું ફાલ્યોફૂલ્યો રહ્યો હતો. જીવન મઘમઘી રહ્યું હતું. હું તેની સાથે ફર્યો - એક વખત તો ચોક્કસ. ડગલે ડગલે તે દેવાંગનાનો ભાસ દેતી. દિશા ને કાલથી હું તો વ્યતિરિક્ત જેવો લાગતો હતો એટલે સ્થળ કે સમયનું કંઈ ઠેકાણું નહીં રહ્યું. એક નિર્જન મોટો રસ્તો; પળમાં ચારે તરફ મોટાં મકાન ને બીજી પળે ઘટાભર્યાં વૃક્ષો; ને પેલો બેરંગી સૂર્ય સરજાયો તે પહેલાંનો પ્રકાશ... ને છતાં જાણે એવું ભાન કે આ તો મુંબઈ.

કંઈક એવું પણ સ્મરણ હતું, કે મારા મિત્રો-નામમાં બુદ્ધિ ને સત્તાની હાક વગાડનારા મિત્રો - મારું ભાગ્ય જોઈ અદેખાઈ કરતા હતા. એકે તો મશ્કરી કરી. મેં જાણે તે સાંભળી; પણ શી હતી તે મને સમજાયું નહીં; ને છતાં મને તે સાલી...

કોઈ દૂર દેશથી તે તેના ધનાઢ્ય સંબંધીને મળવા આવી હતી. તેને મળ્યા વિના તેને ચાલે એમ નહોતું; તેને મન તે પિતાતુલ્ય હતો. તેણે મને સાથે આવવાનું કહ્યું, કે સાથે જવા તૈયાર થયો તે કંઈ સ્પષ્ટ સમજાયું નહીં -પણ હું તેની સાથે ગયો...

મારું મિત્રમંડળ હતું. આ શક્ય સંયોગ કંઈ સ્વાભાવિક રીતે થઈ ગયો હતો. જે માળે મારું પંખી જઈ બેસવાનું હતું. ત્યાં ઊડવાનો અધિકાર -કોઈ જાણે કેવી રીતે - થયો. મારી પાંખમાં ગરુડરાજનો ગર્વ આવ્યો હતો; અને જાદુભર્યા પરમ આનંદના વ્યોમમાં હું મસ્ત બની વિહર્યો.....

એક ઊંચી ભીંતમાં આવેલા બંધ બારણા આગળ આવીને અમે ઊભા. ભીંતની ટોચ ક્ષિતિજની માફક ગગન સાથે મળી ગઈ. તે મારી પડખે હતી ખરી- દીઠી યાદ નથી. બારણા પરનું નામ વાંચ્યું - કંઈક બારણું ઊઘડ્યું કોણે ઉઘાડ્યું તે સમજાયું નહીં ને અમે અંદર પેઠાં.

મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું લાગ્યું - કારણ કે તેના પર દુઃખની ક્ષણિક છાયા આવી પડી. તેની આંખમાં આતુરતા હતી, તેની વાતમાં ઉમળકો હતો - તેના સંબંધી માટે તે જતી હતી, તેની સ્નેહસૃષ્ટિમાં - હું તેમાં હતો સ્થાન વિનાનો પરભાર્યો....

હું કોના કહ્યાથી, કોણ જાણે કેમ, તે વિશાળ રંગભૂમિસમા સુશોભિત ને ભવ્ય ખંડ આગળ પડેલા સોફા પર બેસી ગયો. બારીમાંથી કિરમજીઓ પ્રકાશ આવતો હતો, ને ભોંય પર પડતાં લીલાશ પકડતો હતો... તે અપાર્થિવ પ્રકાશમાં મને ધોતિયું, ચંપલ, કાળો કોટ ને ટોપી પહેરીને નિરાશ ચહેરે બેઠેલો મેં જાતો જોયો.

તે તો મારી સામું જોયા વિના કૂદતી કૂદતી અંદર ગઈ. જતાં તો મેં તેને બરોબર જોઈ નહીં; માત્ર મોહક માથાનો અંબોડો જતો જોયો - ધોળાં પુષ્પશાં બૂટ ધોંય પર જોયાં - કંઈ કરમની મનોહરી લચકે આંજ્યો - અને તે પળ વારમાં અલોપ થઈ ગઈ...

વળી પારદર્શક પડદાના રંગબેરંગી ચમકાટમાંથી મેં તેને ઊડતી, થનગનતી જોઈ; યુરોપીય પોશાકની કાળી ને સંસ્કારી ભવ્યતામાં શોભતા એક ઊંચા ને વૃદ્ધ પુરુષને ગિરિશિખરને શ્વેત વાદળી વળગે તેમ વળગેલી જોઈ. બંને જણાંને અંદરના ખંડમાં જતાં મેં પડદામાંથી જોયાં...

એક દૂર દેખાતા અસ્પષ્ટ ખંડમાં બિલિયર્ડના ટેબલ પરના લીલા મથાળ પર કૂદીને તેને બેસતાં જોઈ... પછી તો માત્ર વીજળીની માફક હાસ્યથી ચમકતી દંતાવલિ સ્પષ્ટ રીતે જોઈ - બાકીનું બધું પડદાના રંગમાં મળી ગયું...

મારા પગ આગળ બે જણ બેઠેલા દીઠા. પહેલાં તે હતા નહીં, ને આવતા તેને જોયા નહીં. એક દક્ષિણી બ્રાહ્મણ હતો ને બીજો કાઠિયાવાડી હતો. બંને મુફલિસ લાગતા. બંને વચ્ચે એક ખોલેલી પોટલી પડી હતી.

આ બેને આ પાશ્ચાત્ય વિલાસ ને વૈભવભર્યા રંગમહેલમાં જોઈ મારું હૈયું કંઈ બેસી ગયું. મેં નજર અંદર કરી તો આંખે અંધારાં આવ્યાં.

‘ભાઈ ! આ તમારી માળા પડી ગઈ.’ કાઠીયાવાડીએ કહ્યું હોય, એમ મને સમજાયું. મેં ચમકીને જોયું તો મારા પગ આગળ એક રુદ્રાક્ષની માળા પડી હતી. પેલી પોટલી પણ રુદ્રાક્ષની ભરેલી લાગી.

‘મારી ?’ મેં પૂછ્યું.

‘હા,’ ને અસંબદ્ધ વાક્ય ઉમેર્યું, ‘અમે રુદ્રાક્ષ વેચીએ છીએ.’

હું આમાળા ક્યારે લાવ્યો, મેં ક્યારે પાડી તે પ્રશ્નોનો કંઈ જવાબ જડ્યો નહીં. ઉત્કંઠાભરી આંખે મેં ફરી અંદર જોયું; પણ પડદાના ચમકાટ ને પારદર્શકતા જતાં રહ્યાં હતાં. મને નિરાશાનાં શીત છૂટ્યાં. મૃત્યુના ભયથી પણ મોટા ભયના ધ્રાસકાથી હું કંપી ઊઠ્યો.

મેં માળા લીધી ને મારા અધમ પહેરવેશનું ભાન આવ્યું. હું તો વીજળીના પંખા નીચે પુષ્પસજ્જિત ટેબલ પર છરીકાંટે જમવા આવ્યો હતો. આવેશમાં હૃદય અકળામણનું માર્યું અટકવા લાગ્યું.

પેલા બે પુરુષોના પહેરવેશ ગાલીચા જેવા થતા ગયા. તે તો માત્ર ગાલીચા પરનાં ફૂલોમાંથી આંખો મટમટાવતા હતા. મારા પગ આગળ પેલી માળા પડી હતી એ તો ચોક્કસ.

એક માણસે મને ઉપર આવવા સૂચવ્યું; કારણ કે કે મારા મિત્રો મારી વાટ જોતા હતા. મારા જીવમાં જીવ આવ્યો. પેલી સુંદરીનાં પુનર્દર્શનની આશે મારું નિશ્ચેતન બનતું શરીર કંઈક ચેતન રાખી રહ્યું એમ લાગ્યું.

તે માણસ મને એક ભાંગેલા દાદર પર થઈ ઉપર લઈ ગયો. એક ખંડમાં મારા મિત્રો ટેબલ પર જમવા બેઠા હતા. મારે માટે તે વાટ જોતા હતા, પણ મારી નજર તો મારી આંખની કીકી જોવામાં પડી હતી. તેના સંબંધીને ત્યાં એક ખૂણે સફેદ લૂગડાં પહેરીને બેઠેલા જોયો. કંઈ સ્ત્રીઓ પણ ત્યાં આવવાની હતી એમ મને એની મેળે સમજાઈ ગયું. મને કળ વળી.

એક અજબ પ્રેરણા મને થઈ હોય એમ સ્પષ્ટ લાગ્યું. કોઈએ મને કહ્યું નહીં, મેં કોઈને કહ્યું નહીં; પણ આ પરદેશી પોશાક પહેરેલાઓના જમણમાં દાખલ થતાં મને મારાં બૂટ કાઢી આવવાનું મન થયું. ત્યાંથી એકદમ બહાર નીકળ્યો ને પાસે બૂટ કાઢવા ગયો. એક તો નીકળ્યો; પણ બીજો નીકળતાં વાર લાગી. આખરે ઉઘાડે પગે હું ગયો.

હું ઉતાવળમાં ઓરડો ભૂલ્યો લાગ્યો. વીજળીના પ્રકાશ ને પુષ્પની સુગંધને બદલે કામડાના છાપરામાંથી સૂર્યનાં કિરણો ને ભોંય પર ઢળેલી દાળ દીઠી. ત્યાં ભોંય પર પીતાંબર પહેરી જમનારા બેઠા હતા. હું ચમક્યો, ભાન ભૂલ્યો, પેલી સુંદરી હાથથી ગઈ એવું ભાન થતાં ધ્રાસકો પડ્યો. મેં ચારે તરફ જોયું તો વિપ્રવર્યો સ્વસ્થતાથી ભોજન આરોગતા હતા.

હું પાછો ફર્યો. ટેબલ પર જમતા મારા મિત્રોને શોધવા માંડ્યા. નજરે માત્ર બે-ચાર જ્ઞાતિબંધુ હાથમાં કમંડળ લઈ પીરસવા આવતા જોયા. હું કંપી ઊઠ્યો. મારી પાછળ પિશાચો પડ્યા હોય તેમ મેં નાસવા માંડ્યું; પણ નસાયું નહીં. મારું હૃદય ધબકતું અટકી પડ્યું. મારો કંઠ રૂંધાઈ ગયો, હું ઊભો રહ્યો.

નિરાશાએ મને ચગદ્યો. સો કબરના ભાથી સૃષ્ટિનો સંહારકાળ આવ્યો. અગણિત શંકરોના તાંડવથી નક્ષત્રગણોની કચ્ચરો ઊડતી લાગી. અનંત ભવિષ્યકાલની ભયાનક રાત્રિ અવનિ પર ઊતરી. મેં નિરાધારતામાં, નિરાશામં હાથમાં હથ પકડ્યો.

બે હાથ વચ્ચે કોણ જાણે ક્યાંથી આવેલી રુદ્રાક્ષની માળા મારા બંને હાથમાં વાગી. મારો જીવ ઊંડો ગયો.

ભયથી કાંપતો હું પથારીમાં બેઠો થઈ ગયો.

૧૭. મારી કામચલાઉ ધર્મપત્ની

હે વીસમી સદીના પત્નીપરાયણ રામચંદ્રો ! આ મથાળું જોઈ ભડકશો મા. એની ચમકથી અંજાઈ આંખો મીંચશો નહીં. તેમાં રહેલું રહસ્ય શું છે તે શોધવા તમારી બેશરમ કલ્પનાથી પ્રયત્ન કરશો નહીં. હું પણ ચુસ્ત પત્નીવ્રત પાળનાર છું, અને ન હોઉં તો પણ મારા ઘરમાં રહેલાં જગદંબા એ અસિધારાવ્રતમાંથી મને ચકાસવા જેટલી ફુરસદ કે તક આપે તેમ નથી. માટે બેધડક આગળ વધજો.

એ તો બધાને યાદ હશે, કે સંવત ૧૯.....ના વૈશાખ મહિનામાં ગુજરાતમાં લગ્નસરાનો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો; અને જેનાથી જેટલાં બને તેટલાં દીકરાદીકરી પરણાવવાના પ્રયોગ થયા હતા.

તે પહેલાં બે વર્ષ ઉપર જ્યારે હું રેવન્યુ ખાતામાં સર્કલ ઈન્સ્પેક્ટર તરીકે ઘોડું પલાણી, તલાટીઓના લાડુ, દૂધપાક જમવાની ઉત્તમ નોકરી કરતો હતો, ત્યારે બારકૂવા ગામના દયાળજીભાઈ જોડે મારો ઘણો સારો નાતો હતો. એ નાતો કેવા પ્રકારનો ને કયા કારણસર થયો હતો તે હવે હું વૉરલોનના પ્રતાપે મામલતદાર થયો હોવાથી કહી શકતો નથી; પણ એટલું કહેવું બસ થશે, કે આ મોસમમાં તેને ત્યાં ત્રણ છોકરાં પરણે અને હું જાઉં તો એના ગણપતિ પણ સીધી સૂંઢ રાખીને બેસે નહીં, એવો અમારો સંબંધ હતો.

આ વખતે હું અવલ કારકુની સુધી પહોંચી ગયો હતો, અને પૂનેથી સરકારી કામ કરી પાછો આવતો હતો, એટલે ભથ્થુંભાડું પણ બારોબાર નીકળે એમ હતું. આ કારણથી જે ફલેગ સ્ટેશન - નામ દેવાની જરૂર નથી -થી બારકૂવા જવાતું હતું, તેની થર્ડ ક્લાસની (સરકાર તો મને સેકંડ ક્લાસનું ભાડું આપતી હતી, પણ તેમાં શું ?) - ટિકિટ લઈ હું જે રગશીઆ ગાડી સવારે નવ વાગ્યે નીકળે છે તેમાં બેઠો.

એ ગાડીમાં અનેક સુખ છે. એક તો એમાં નવરો હોય તે આવે; અને હાલમાં પાકેલા મુસાફરીના અભરખાથી પીડાતા ધરપચીઆઓ પગ મૂકે જ નહીં. એટલે પગ લંબાવવાની જગ્યા મળે. બીજું તો ઉપરી અમલદાર એમાં ભાગ્યે જ બેસે એટલે થર્ડ ક્લાસમં કેમ બેઠા, આજે મુસાફરી કેમ કરો છો, હેડક્વાર્ટર્સ પર કેમ નથી, એવી અનેક ખણખોદ કરી એમનો સ્વભાવ બગાડવાની તક એમને મળે નહીં.

હું તો ચર્નીરોડથી આગગાડીમાં ચડ્યો, અને જે તરફથી ચડ્યો તેની બાસ્ટી પર, વીશેક વર્ષની, જરા શરમાતી, જરા ઠસ્સાદાર ને જરાક હસમુખી એક બાઈ બેઠી હતી. તેની પાસે તેનું બેએક વર્ષનું, તૂમડા જેવું છોકરું બેઠું હતું; અને બાકીની બાસ્ટી રોકીને એક લંબૂસ જુવાન પોતાના પગ સ્ત્રી તરફ લંબાગી ઘોરવાની શરૂઆત કરી રહ્યો હતો. આ જુવાન પેલી સ્ત્રી ને બાળકનો માલિક હતો એમ સ્પષ્ટ લાગતું હતું.

ગ્રાંટરોડથી અસલી જમાનાના, લીલી પાઘડી ને પાનની ઝોરણીવાળા એક દેસાઈ ને તેમનાં વયોવૃદ્ધ દેસાણ ડબ્બામાં ચડ્યાં; અને દેસાઈ મારી પાસે ને એમનાં ધણિયાણી છેક નાકે, એમ મારી બાસ્ટી પર બેઠાં.

આપણે છીએ તો જરા વાતુડીઆ; તેમાં ડિસ્ટ્રિક્ટ ફરી દોસ્તી કરવામાં બની ગયા છીએ એક્કા; એટલે આપણે દેસાઈને ઝપ દઈને રંગ પર ચડાવ્યા, ને ઓલીપેલી વાતો કરી તેની જોડે ભઈબંધી બાંધી દીધી.

પાલગઢ આવ્યું ને મને ખૂભ લાગી. રાતના તો બારકૂવે ભારે ઝાપટવું જ હતું, એટલે ફલાહાર કરી પેટની શક્તિ વધારવા મેં તો માત્ર અડધો ડઝન કેળાં જ લીધાં અને તંમાથી પણ ત્રણ-ચાર ખાઈ બાકીનાં પગ આગળ મૂક્યાં.

અત્યારે તૃણનો મેરુ, રાઈનો પર્વત વગેરે કહેવાતો યાદ આવતાં, વાચક તને કહ્યા વિના ચાલતું નથી કે જો પાલગઢ પર મેં કેળાં નહીં લીધાં હોત, અથવા લઈને બધાં જ ખાઈ ગયો હોત, અથવા બાકી રહેલાં કેળાં મારા ને પેલી જુવાન સ્ત્રીનાપગ વચ્ચે નીચે ન મૂક્યાં હોત - તો મને કામચલાઉ ધર્મપત્ની પ્રાપ્ત કરવા કે મારે આ વાત લખવાનો પ્રસંગ આવત નહીં.

પણ ખેર ! થનારું થઈ ગયું ને પેલું વિચક્ષણ છોકરું, ક્યારે બાસ્કી પરથી ભોંય પર ઊતર્યું તેની મને ખબર નથી. ધીમે ધીમે પગ ઘસતું, હીસીઆ મારતું, પેલાં બાકીનાં કેળાં તરફ જવા લાગ્યું.

હું તો કેળવાયેલો, બી.એ.ની ડિગ્રીને ધરનાર અને એક વખત કૉલેજમાં બર્કના સ્ત્રીસન્માનના અસ્ત ઉપર રચેલા ડહાપણનું પારાયણ કરવાનું પણ સોશિયલ ગેધરિંગ (મેળાવડા)માં માથે લીધેલું, એટલે મારા અંતરમાં સ્ત્રીસન્માનનાં બીજ હતાં તે, ફટ દઈને એકદમ ફાટ્યાં, ને રોપો ઊગી નીકળ્યો. હું નીચો વળ્યો, એક કેળું તોડ્યું, ચટ કરતું તેને છોલ્યું, કટકો કરી પેલા છોકરાને આપ્યો ને આનંદથી હસતે મુખે જોઈ રહ્યો.

છોકરાની માએ જરાક નીચું જોયું. ને જરાક છેડામાં હસી ને બબડીઃ ‘રહેવા દો ને, ઝભલું બગાડશે.’

મેં પણ જરા મલકાઈને કહ્યું : ‘હરકત નહીં.’ અણજાણમાં મોંકાણ મંડાઈ ગઈ ! મારા પડોશી દેસાઈ શેરલોક હોમ્સ બની ગયા. એના ઘરડા મગજમાં એણે ગણતરી કરી અને અનુમાન કર્યું, કે હું બાપ, પેલી સ્ત્રી મા ને આ અમારું !

પાલગઢ ગયું એટલે દેસાઈએ તો ઝોરણી કાઢી પાન કરવા માંડ્યાં ને બીડી કરી એક, બે, ત્રણ ને ચાર ! વાતો કરતાં, હસતાં ડોસાએ એક પોતાનાં ધણિયાણીને આપી; બીજી પોતાના મોંમાં મૂકી; ત્રીજી આપી મને, ને હાથથી નિશાનીથી મને સૂચવ્યું, કે ચોથી સ્ત્રીને આપું !

મારે દિલે તો કંપારી થઈ આવી. હું પરણેલો પષ્ટેલો, જુવાન ને અવલ કારકુનનો મોભો ભોગવનાર, પેલી જુવાન અપરિચિત છોકરી - નહીં ઓળખાણ, નહીં બોલવા વ્યવહાર ને ઊંચકીને હું પાનની બીડી આપું ! મારું તો માથું ફરવા માંડ્યું. મેં પણ હાથ વતી દેસાઈને સૂચવ્યું કે, એ પાન આપવાનું માન આપ જ લો. અનેક વખત અમે હાથની નિશાનીથી પાન આપવા વિશે નાહક વાદવિવાદ કર્યો; પણ દેસાઈ એકના બે શાના થાય ? ‘ભલા આદમી ! એ હું કરતા છો રે ? એ હરમાવાના દિ તો ગયલા જો.’ અરે પણ મૂર્ખ, હું મનમાં બોલ્યો. આ મારા જેવા ભલા આદમીનાં ભાગ્ય ઊઘડેલાં હોય, ને પેલો સૂતેલો જવાંમર્દ જાગે, ને મને તેની સ્ત્રીને પાન આપતાં જુએ તો ? મારાં હાડકાંનો કચ્ચરઘાણ થાય. ને મારી આબરૂનું ઘમસાણ નીકળે તેની કોઈ જામીનગીરી આપે ?

પણ મારી નજર પેલી સ્ત્રી પર પડી. તેણે પણ આ રંગ જોયો ને દેસાઈએ કરેલો ગોટાળો સમજી. ન તેનાથી ઊંચું જોવાય, ને નહીં મોં હસતું બંધ રખાય ! તેણે બારીએથી મોં બહાર કાઢી, મહામુશ્કેલીએ હસવું ખાળવાના પ્રયત્નો કર્યાં જ કર્યા. અને, મારાથી તો હસવું કે રડવું તેનો નિશ્ચય જ થઈ શક્યો નહીં.

‘અરે તમે તો અજબ આદમી દેખું !’ દેસાઈ બોલ્યા. અરે ભાઈ હા! હું કહેવાનો વિચાર કરતો હતો; પણ મને તો એની જીભનો ડર લાગ્યો કે, અડધી આંખ પેલા સૂતેલા પહેલવાન પર ને અડધી આંખ પેલી સ્ત્રી પર રાખી પાનની બીડી લઈ ગભરાતાં ગભરાતાં મેં પેલી સ્ત્રીની પાસે મૂકી.

પેલી સ્ત્રીને પણ ગમ્મત પડી. ધીમેથી છેડામાંથી હાથે કાઢી તેણે બીડી લીધી. મોંમાં મૂકી ને આ ગોટાળાથી આવતું હસવું રોકવા પાન ચાવવા લાગી. પણ હસવું રહે શાનું ? થોડી વાર થાય ને અમારી નજર ભેગી થાય, નજર ભેગી થાય ને મનમાં કંઈ થાય, અને ન છૂટકે હસી દેવાય.

આમ કલાક ને કલાક વિતાવ્યા, ને મારે ઊતરવાનું સ્ટેશન આવ્યું. દેસાઈ પણ ત્યાં જ ઊતરવાના હતા. પેલા પહેલવાન પણ થોડી વારથી ઊંઘમાંથી જાગ્યા હતા ને તે જ સ્ટેશને ઊતરવાની તૈયારી કરતા હતા, પેલી

સ્ત્રી પણ સાથે જ ઊતરવાની તૈયારી કરવા લાગી. છેલ્લા બે કલાકના ગભરાટ ને હાસ્ય રોકવાના સહયોગથી મને કંઈ એવો આનંદ લાગ્યો, કે સ્ટેશન આટલું વહેલું કેમ આવ્યું તેની સમજ પડી નહીં.

પણ શું કરવું ? જેવી ગાડી ઊભી રહી કે દેસાઈ ઊતર્યા. ને તરત પાછળ હું ઊતર્યો. મને તેડવા આવનાર હું ક્યા કલાસમાંથી ઊતરું છું તે જુએ તે પહેલાં ગાડીમાંથી ઊતરી સેકંડ ક્લાસ ક્લાસ આગળ જઈ ઊભા રહેવું એવો મારો નિયમ હતો; એટલે વધારે વાર મારાથી થોભાય એવું નહોતું; પણ જતાં જતાં મેં પાછળ નજર નાખી, અને જરાક પેલીને જોઈ લીધી. ઊતરતાં ઊતરતાં પેલા લાંબા ગૃહસ્થને ઊંઘથી ઘેરાયી ઘાંટે મેં બોલતા સાંભળ્યાઃ

‘આ પેલી કોટડી આગળ ઊભી રહે. છગનિયાનું ધોતિયું રહી ગયું છે તે હું આપી આવું.’

આ નાનકડા સ્ટેશન પર ગિરદી ને ધમાચકડી ઝાઝી હતી. બેએક જાનો કંઈ આવતી હતી, અને ચાર જાન થાય એટલા લોકો તેને તેડવા આવ્યા હતા. એટલામાં હું તો ચપ દઈને સેકંડ ક્લાસ આગળ જઈને ઊભો. મારા મિત્રનો ભત્રીજો હાંફળો ફાંડળો આવી લાગ્યો; ‘હો હો, રાવસાહેબ ! રાવસાહેબ !’

‘કેમ મકનજી ઠીક છે ને ?’ મેં જવાબ આપ્યો ને તેને મારી બેગ આપી, પણ મારી નજર પેલા લંબૂસ તરફ હતી. તે દોડતો દોડતો હાથમાં ધોતિયું લઈ એન્જિન તરફ દોડ્યો. તેણે બે-ચાર બૂમ મારી. આખરે તેને ‘છગનિયો’ જડ્યો; અને તેની જોડે વાત કરવા તે તેના ડબ્બામાં ચડ્યો.

તેની વાત પૂરી થઈ નહીં ને એન્જિનની સીટી વાગી. ગાર્ડે આવીને ધડ દઈને પેલા ડબ્બાનું બારણું બંધ કર્યું. અંદરથી ‘બેસ ! ઘેરવાલીને પૂછીને આવ્યો છે ? મરી જસે ! પારસી ગાર્ડે સાવચેતી આપી. ગાડી ચાલી ગઈ ને પેલા ભાઈ ગાડીમાં જ રહ્યા રહ્યા આગળ ઘસડાયા !’

પેલી સ્ત્રી ને બાળકનું શું થશે ? તેને કોઈ તેડવા આવ્યું હશે કે કેમ? આ લંબૂસને તે ક્યાં શોધશે ? આવા આવા અનેક પારમાર્થિક વિચારો મને આવ્યા. પણ મકનજીએ મને કહ્યુંઃ

‘રાવસાહેબ ! પેલી દમણી પાસે આવી પહોંચો. હું બીજા પરોણાને લઈ આવું.’

મેં રોફમાં કહ્યું : ‘હા.’

મકનજીએ જતાં જતાં કહ્યું : ‘સાહેબ ! એમાં બેસજો. હું બધાંની ગોઠવણ કરી આવું છું.’ કહી મકનજી ત્યાંથી બીજા પરોણા તરફ વળ્યો.

દયાળજીભાઈને ત્યાં આ આગગાડીમાંથી દશેક દમણીઓ ભરાય એટલાં પુરુષ અને સ્ત્રી પરોણાઓ આવ્યાં લાગતાં હતાં. ઘાંટાઘાંટ, ખેંચાખેંચ થઈને દમણીઓ ભરાઈ. બધા વચ્ચે મકનજી ચક્કર ચક્કર ફરતો હતો. વળી મારી સાથે ડબ્બામાં હતા તે દેસાઈને પણ મેં કંઈ કારભાર કરતા દીઠા.

આખરે દૂરથી મકનજીએ રાડ પાડી : ‘રાવસાહેબ ! આપની સાથે આ માસ્તર ને આ શેઠ આવશે. આપ ચાલતા થાઓ.’

એક અમદાવાદી વાણિયો ને સુરતી પાઘડીવાળો માસ્તર મારા તરફ આવ્યા. અમે ત્રણે એક દમાણીમાં બેઠા. પેલી સ્ત્રીનું શું થયું હશે તેની ફિકર કરતો હું રહ્યો ને અમારી દમણી ઝપાટાબંધ આગળ ચાલી.

થોડી વારે અમારી આગળ બીજી દમણી નીકળી. તેમાં પેલા દેસાઈ ને તેનાં દેસાણ બેઠાં હતાં. દોડતી દમણીમાંથી દેસાઈએ મને કહ્યું : ‘રામ રામ ભાઈસાહેબ ! બધાંને બરાબર બેહરાવ્યાં છે.’ એવા કંઈ તેના શબ્દો મને સંભળાયા. બીજાં બધા બેઠાં કે નહીં તેનો મને શા માટે રિપોર્ટ આપવાની જરૂર જણાઈ, તે તે વખતે તો કંઈ સમજાયું નહીં.

અમે તો ડોલતી શિંગડીએ ધૂળ ખાતા ખાતા, પાંચ માઈલ કાપી બારકૂવા આવી પહોંચ્યા. મારા મિત્રને ત્યાં ચાંલ્લો શો કરવો, મારા મામલતદાર સાહેબે ગઈ વખતે મારી સામું ડોળા શા સારું.

કાઢ્યા હતા, હું મામલતદારી કેટલે વર્ષે મેળવીશ એવા અનેક વિચારો કરી; પેલી સ્ત્રીનું હસતું, શરમાતું મોં નજર આગળથી ખસેડવાની મહેનત કરી; પણ બધી વ્યર્થ ગઈ.

જ્યારે મારા મિત્રને ત્યાં અમે પહોંચ્યા ત્યારે તેણે મને વધાવી લીધો. તેના બધા પરોણાને માથે હું મોર હતો એમ લાગ્યું. તેણે લગનની ધામધૂમમાં પણ મારે માટે ચાપાણી તૈયાર રાખ્યાં હતાં. ત્રણ-ચાર જણને ત્યાં પણ રાતનાં ચાપાણી ને ગમતમાં મારે જવાને નિમંત્રણ લઈ રાખ્યાં હતાં; અને એના ઘરની સામેના ઘરનો મેડો મારે માટે ખાસ અલાયદો મુકરર કરી રાખ્યો હતો.

આ બધાં માનથી હું તો ખુશ થઈ ગયો, ને આ તાલુકામાં મામલતદાર થવાને ભાગ્યશાળી થાઉં તો જરૂર મારા મિત્રને કંઈક બદલો વાળું એવો દૃઢ સંકલ્પ કર્યો.

દયાળજીભાઈ સામેની મેડીએ મારી સાથે આવ્યા. મેં મારી બેગ ત્યાં મૂકી; તેમાંથી એકલપક્કાનો નવો કોટ, નવું ધોતિયું, નવો ખેસ ને નવો ફેંટો -કારણ કે મેં નવા જમાનાની રીત પ્રમાણે પાઘડી કાઢી ફેંટો લગાવ્યો હતો -કાઢીને હું લગ્નસમારંભની શોભામાં અભિવૃદ્ધિ કરવા તેયાર થઈ ગયો. મારા મિત્રે ધીમે રહીને પૂછ્યું : ‘રાવસાહેબ ! હુકમ મળી ગયો ?’

‘શાનો ?’ મેં આશ્ચર્ય પામી પૂછ્યું.

‘કેમ તમે તો અમારા કલેક્ટર સાહેબના ચિટનીસ થવાના છો ને ?’ તેણે આ સવાલમાં સાકર રાખી પૂછ્યું.

ઓત્તારી ! હવે આ બધા અસાધારણ માન ને પાનનું કારણ સમજાયું. એવી મારી નિમણૂક થોડી વખતમાં તો થવાની જ નહોતી; પણ મારા મિત્રની આશાના કિલ્લા તોડી પાડવા, તે આશા પર રચેલી ધામધૂમને બિલકુલ બિનઅવેજી કરી નાખવી, ને ચિટનીસની મહત્તા છોડી માત્ર બીજા જિલ્લાના અવલકારકુન તરીકે જ ગણાવું એ મને રુચ્યું નહીં. મેં ભરમ ચાલુ જ રાખ્યો; ‘તેથી જ હું પૂને ગયો હતો; પણ કોઈને કહેશો નહીં.’

‘અરે ! શું કહો છો સાહેબ ?’ કહી દયાળજી મને પોતાના મકાનમાં ચાપાણી વાસ્તે લઈ ગયો.

ત્રણ ઠેકાણે મિજલસ, બે જણને ત્યાં વરઘોડા, મારા મિત્રને ત્યાં નાતિયા બધી ગરબડો પતાવતાં રાતના અગિયાર વાગ્યા અને છેલ્લી બીજી મિજલસમાંથી હું ને મકનજી પાછા આવ્યા ત્યારે મારા મિત્રના ઘરમાં ઘણાખરા સૂઈ ગયા હતા. ને સામે મારે માટે રાખેલી મેડીમાં જ માત્ર દીવો બળતો હતો. મકનજી મને ત્યાં લઈ ગયો.

‘રાવસાહેબ ! આ નીચે કોઢ છે, તે વખત છે ને દૂધ દહોવા આવે

તેથી આપ ઉપર જાઓ એટલે આ દાદરબારી હું ખેંચી દઈશ. આપને કોઈ સવારે ઉઠાડે નહીં.’ મકનજીએ કહ્યું.

‘વારુ,’ કહી હું દાદર ચડ્યો ને તેની પાસે બારી હતી ત્યાં થૂંકવા ગયો. મકનજીએ તરત દાદરબારી ખેંચી લીધી ને નીચેનું બારણું દઈને જતો રહ્યો, ને હું સૂવા ફર્યો. ને મારી આંખે અંધારાં આવ્યાં. હું જાગતો હતો કે નહીં તે પણ સમજાયું નહીં. મેડીમાં પડેલી એક જ પહોળી તળાઈ પર પોતાનું છોકરું થાબડીને ઉઘાડતી પેલી જુવાન સ્ત્રી બેઠી હતી.

‘હેં !’ મારું મોં પહોળું થઈ ગયું. મારો અવાજ સાંભળી પેલી સ્ત્રી ચમકીને ઊભી થઈ. ‘હાય ! હાય ! તમે ક્યાંથી ?’ તેણે કહ્યું.

અમે બંને ગભરાટમાં એકબીજા સામું જોઈ રહ્યા. એક નાની મેડી, અંધારી રાત, ઝાંખો દિવેલનો દીવો, દાદરબારી બંધ ને વગર સમજતું છોકરું બાદ કરતાં અમે બંને એકલાં !’

‘તમે અહીંયાં ક્યાંથી ?’ થોડી વારે પૂછવા જેટલી મને શુદ્ધિ આવી.

‘કમે ! અમે અહીંયાં લગનમાં આવ્યાં છીએ.’

‘તમે પણ બારકૂવે જ આવવાનાં હતાં ?’ બીજું શું કહેવું તે ન

સૂઝવાથી મેં પૂછ્યું. ‘ના, ના; આ તો વાવકોઠી છે.’ બૈરાંઓને દરેક બાબતમાં ખાતરી હોય છે તેમ તેને પણ હતી.

‘ના; આ તો બારકૂવાના દયાળજીભાઈનું ઘર છે.’

‘હાય હાય ! ત્યારે અહીંયાં કેમ લઈ આવ્યા ?’

‘પણ તમારા વર તો આગગાડીમાં જ રહ્યા.’ મેં કહ્યું.

‘હેં !’ પેલીએ તો ગભરાઈ જઈ પૂછ્યું.

‘હા - પેલા તમારા છગનિયાને ધોતિયું આપવા રહ્યા એટલે ગાડી ઊપડી ગઈ. મેં જતા જોયા.’

‘અરે શું કહો છો ? મને પેલા દેસાઈ કહી ગયા કે કીકાના બાપા આગલી દમણીમાં બેઠા છે; ને કોઈ મકનજીભાઈ મને દમણીમાં બેસાડી ગયા.’ પેલી સ્ત્રીએ તો ફિક્કી થઈ જઈ કહ્યું.

મને સમજ પડી. ઓત્તારી દેસાઈની ! માથે હાથ દઈ હું બેસી ગયો. મારાથી આ વિટંબનામાં પણ હસ્યા વગર રહેવાયું નહીં, ‘ભલા ભગવાન !’

‘પણ આ શું ? મને તો કંઈ સમજ પડે ?’

‘અરે ઘેલા ડોસાએ ઘમસાણ ઘાલ્યું ! મને આવી તે કહી ગયો કે બધાંને બેસાડ્યાં છે, તે હવે સમજાયું. તે વખત તો મારા મનમાં કે એ કોણ જાણે શું લવી ગયો.’

‘એટલે મને તમા...’ કહી શરમની મારી ફિક્કે મોંએ પણ રસીલું હસતી તે નીચું જોઈ રહી. ‘હાય રે ! શો ગોટાળો !’

‘હા, એ જ ગોટાળો. પેલું પાન અપાવ્યું તે નહીં જોયું ?’

‘હાય ! હાય ! પણ એમનું શું ?’

‘અરે, એ તો બીજી ગાડીએ પાછા આવશે.’

‘પણ આપણું શું ?’

‘ત્યારે આ બધાં મને ચાપાણી ને ફૂલ ને પાન બધું મળ્યું, તે એ તમારે લીધે જ - એ ગોટાળામાં જ કે ?’

‘હા.’

અમે બંને મૂગાં રહ્યાં. સ્ત્રીની સ્વાભાવિક અશક્તિથી તે પ્રસ્તુત વિષય પર આવી શકતી નહીં.

ફરીથી મેં સંભાર્યું. ‘પણ હવે શું ?’ કહી મૂંગે મોંએ, માત્ર નજરથી જ મેડી બતાવી. પણ તે હસવા લાગી. મારાથી પણ ન રહેવાયું, એટલે હું

એકદમ હસવા બેઠો. પછી આ મુશ્કેલીમાંથી કેમ રસ્તો કઢાય તે જોવા હું બારીએ ગયો.

‘ભાઈ ! કોઈને કહેસો...’ પેલી કહેવા જતી હતી,

‘બધાં ઊંઘી ગયાં છે.’ મેં નિરાશથી પાછા આવીને કહ્યું, ‘પણ

અત્યારે કોને કહીશું ? આબરૂ નહીં જાય ?’ હું પાછો ગૂંચવાઈ ભોંય પર બેસી ગયો.

‘ખરી વાત ! અત્યારે કોઈને પણ કહીએ શું ? ને કીકાના બાપ જાણે તો જીવ લે.’

‘ને આ બધા લોકો જાણે તો મારો ફજેતો થાય. હું તો રાવસાહેબ છું.’ મેં ચિંતાથી મારી મૂંઝવણ જણાવી.

‘ત્યારે આખી રાત દુઃખે-સુખે કાઢી નાખીએ.’ પેલી સ્ત્રીએ કહ્યું.

‘હું હેઠળ સૂવા જાઉં ?’ તેણે પૂછ્યું.

‘હેઠળ તો કોઢ છે, ને દાદરબારી ઉઘાડીએ તો આખો મહોલ્લો જાગે.’ મેં મુશ્કેલી બતાવી.

‘ને પાછું લગનનું ભરેલું ઘર.’ તેણે પુષ્ટિ આપી.

હું મૂંગો રહ્યો.

‘પણ સવારે શું કહીશું ?’ તેણે નવી મુશ્કેલી શોધી કાઢી અને અઘરી વાત ઉડાવી.

‘તે તો કંઈ પણ થશે. તમને વાવકોઠી મૂકી આવું ?’

‘હા - એ ખરું.’ પણ આ મુશ્કેલી શમતાં તેણે ચારે તરફ જોયું. મેડીની નાનકડી લંબાઈ-પહોળાઈ નજરથી માપી દીવાના ઝીણા પ્રકાશની કિંમત આંકી, ને મારી સામું જોઈ રહી. મેં પણ તે સમયમાં તેટલું બધું કર્યું ને તેની સામું જોયું. મારું મોં મલક્યું. તે જરા હસી; રહી. તેણે જરા નીચું જોયું. ને

મેં જરા આડું જોયું; અને અમે બંનેએ એક ન દબાય એવા હાસ્યના વિશાળ ‘ખો-ખો’થી આખી મેડી ગજવી મૂકી.

મેં જોયું કે અમારો હસવાનો અવાજ સાંભળી કોઈએ સામા ઘરની અધઉપાડી બારી પોણી ઉઘાડી કરી અને અમારો ‘દંપતી વિનોદ’ જોવા માંડ્યો.

મેં જીભ કાઢી-કઢાઈ ગઈ. પેલી બોલી : ‘મૂઆ.’

હું ધીમે રહીને ઊઠ્યો, અને બારી બંધ કરી આવ્યો. અમારે ક્યાં ને કેમ સૂવું તે પ્રશ્ન તો નિર્ણય વગરનો જ રહી ગયો.

ફરી હું આવીને બેઠો. પછી અમારી બંનેની નજર આખા ઓરડા તરફ ફરી; દીવાને નીરખી આવી, અને આ વખત તો એકી વખતે, એકી સામટી સૂવાની તળાઈ પર પડી.

પરોણાની ભરતીને લીધે દયાળજી અમને માત્ર એક જ લાંબીપહોળી તળાઈ આપી શક્યો હતો. આખા ખંડમાં નહોતું એક ઓશીકું કે જાજમ.

અમારા બંનેના મગજમાં, એકી વખતે કેમ સૂવું તે પ્રશ્ન ઉદ્‌ભવ્યો. એ પ્રશ્ન સામાના’ મગજમાં પેદા થયો છે તે બંનેને એકી જ વખતે સમજાયું, અને અમે બંને નીચું ઘાલી હસવા લાગ્યાં.

‘મકનજીને ઉઠાડી બીજું ગોદડું માગુું તો ?’

‘હા, પણ લોક ઘણા જાગશે.’ પેલીએ મુશ્કેલી જણાવી.

‘ને બીજું વધારાનું ન હોય તો ?’ મેં કહ્યું.

‘હાય હાય !’ કહી ઘણી જ મોહક રીતે પેલીએ ગૂંચવડામાં પોતાના હાથેહાથ મેળવ્યા.

હસ્યા વિના બીજો ઉપાય નહોતો, એટલે હસ્યા વિના અમને ચાલ્યુ નહીં.

‘કોઈ જાણશે તો ?’ પેલી સ્ત્રીએ પાછો સવાલ કર્યો.

‘પણ તે જ હું વિચાર કરું છું.’ મેં કહ્યું, ને પાછાં અમે હસ્યાં, મને થોડી વારે એક નિરાકરણ સૂઝ્‌યું.

‘એક કામ કરીએ તો ?’

‘શું ?’ પેલીએ પૂછ્યું.

‘આ તળાઈની એક ગમ તમે માથું મૂકો, ને બીજી ગમ હું મૂકું. માથા નીચે કંઈ મૂકવાનું મળશે એટલે મને તો ઊંઘ આવશે.’

‘હા, મને પણ એમ આવશે.’ તેણે કહ્યું.

‘આ કીકો છો વચમાં સૂતો.’ જાણે કેમ આડી વચ્ચે ભીંત હોય તેમ

મેં કહ્યું. ને કપડાં-કોટ, જેકેટ ને પાઘડી-ઉતાર્યાં.

‘હું તો આ ચાપાણીથી થાકી ગયો છું.’ મેં કહ્યું.

‘અરે ! ના બા લો લો, ના બા લો, કરી મને પણ ચા પિવડાવી જીવ લીધો.’ પેલીએ કહ્યું.

અમે તળાઈને આઘે આઘે છેડે માથાં સૂતાં, ને ઊંઘવાના પ્રયત્ન કરવા માંડ્યાં.

પણ એ પ્રયત્ન સફળ થાય તે પહેલાં પેલો છોકરો ‘બેં -’ કરતો બેઠો થઈ ગયો; એટલે ‘ઓ મા’ કરતી તેની મા બેઠી થઈ, અને ઊંઘવાનો પ્રયત્ન છોડી ઈશું છે ?’ કરતો હું બેઠો થઈ ગયો.

પેલી સ્ત્રીએ તો બહુ બહુ ફોસલાવવાને મહેનત કરી; પણ પેલું પોરીઉં તો એકનું બે થયું જ નહીં.

આખરે મારાથી ન રહેવાયું : ‘પણ એને જોઈએ છે શું ?’ જવાબમાં પેલીનું ઠસ્સાદાર મોં શરમાઈ ગયું ને હસવા લાગ્યું.

‘પણ શું ?’ મેં આમાં કંઈ ભેદ હતો ધારીને પૂછ્યું.

‘એને તો એના બાપા રોજ પંપાળીને સુવાડે છે. તેથી એ તો રડે છે.’ પેલીએ ધીમેથી, નીચું જોઈ કહ્યું. ઓત્તારીની !

‘અહો ! લાવો હું પંપાળું - જોઈએ ઊંઘે છે.’ કરી મેં છોકરાને મારી તરફ ખેંચ્યો ને વગર દીકરાનો દીકરો પંપાળવા બેઠો.

છોકરું પણ જબરું. જ્યાં મારો હાથ ફર્યો કે ટપ દઈને ઊંઘી ગયું. મેં પેલીના સામું જોયું - ને શું અમને હસવું આવ્યું છે ! જાણે આખા ભવના બેળાં નહીં બાંધ્યાં હોય ?

પાછાં અમે એક તળાઈએ માથું મૂકી સામસામીદિશા તરફ લંબાવ્યું, ને ઊંઘ આણવાની મહેનત કરવા માંડી. સાધારણ રીતે હું ઊંઘણશીમાં એક્કો છું. અને આજના જેવો અથડામણ ને પરોણાચાકરીનો લાભ બીજે કોઈ દિવસ મળ્યો હોત તો જરૂર આંખ મીંચતાં ઊંઘી જાત; પણ કાં તો જગ્યા અજાણી, કે કાં તો ચા પીવાઈ ગઈ ગજા ઉપરાંત, કે કાં તો શય્યાની ભાગિયેણ અપરિચિત - ગમે તે હો, પણ માથું દુખ્યું, વાંસો તપ્યો, પાંસળાં ચમચમ્યાં, પગે ગોટલા ચડ્યા અને હું એકડેએક બોલ્યો, રામનામ જપ્યાં, પીનલકોડની કલમો વારાફરતી સંભારી, પણ આંખો તો એવી જ કોડા જેવી રહી. અને પેલી સ્ત્રીએ પણ ઊંઘવાનો આરંભ કર્યો હોય એમ દેખાયું નહીં.

જ્યારે પાકીને પડવા જેવો થયો ત્યારે એક ધડ દઈને ગોથડિયું ખાધું; પણ એટલામાં પેલું છોકરું સળવળ્યું એટલે એક હાથ તેના પર પંપાળવા નાંખ્યો.

પેલી સ્ત્રીએ પણ થાકીને એક પાસું બદલ્યું, ને છોકરું સળવળતું સાંભળી સ્વાભાવિક રીતે હાથ લંબાવ્યો. ને છોકરાના વાંસા પર મારો હાથ હતો તેના પર પોતાનો હાથ મૂક્યો.

હું બેઠો થઈ ગયો. ‘ઓ ભગવાન !’ મેં બૂમ પાડી.

પેલી સ્ત્રી પણ બેઠી થઈ ગઈ. ‘ઓ મારી મા !’ તેણે કહ્યું.

અમે બેએ એકબીજાની સામું જોયું ને ઉજાગરા છતાં, થાક છતાં હસ્યાં.

‘મોઈ સવાર ક્યારે પડશે ?’ પેલીએ પૂછ્યું.

‘હું પણ તે વિચાર કરું છું.’

જાણે અમારા સવાલનો જવાબ દેતો હોય તેમ દીવો જરો મોટો થયો.

અમે ધાસ્તીથી એકબીજા સામું ને પેલા દીવા સામું જોયું; અને તે બિચારો પણ હોલવાઈ ગયો.

સવારના પાંચ વાગ્યે મેં દાદરબારી ઉઘાડવાની હિંમત કરી. હું દયાળજીને ખોળવા નીકળ્યો.

‘દયાળજીભાઈ ! મારે તો અત્યારે જવું પડશે.’

‘કેમ સાહેબ ?’ આભા બની જઈ તેણે કહ્યું. તેને લાગ્યું કે હું ગુસ્સે થયો કે શું ?

‘અરે અહીંઆં આવવાની ઉતાવળમાં આજે કમિશનર સાહેબે જોડે મળવાનું રાખ્યું છે એ તો હું વીસરી જ ગયો.’

‘અરરર. હવે ?’

‘કંઈ નહીં. એક ગાડી સવારે આવે છે ને તેમાં ચાર વાગતે મુંબઈ જવાશે.’

‘અરે રામ રામ ! પણ ભાભી તો રહેશે ને ?’

‘ના તે પણ બને એવું નથી. કીકાને ડૉક્ટરને બતાવવો રહી ગયો છે.’

બિચારો ડોસો ઘણો ખિન્ન થયો; પણ કામનું મહત્ત્વ જોઈ ચા કરાવી, બળદ જોડાવ્યા, અને મકનજીને અમારી સાથે આવવા કહ્યું. મને તે કેમ પરવડે ? મહામુશ્કેલીએ મેં માંડી વળાવ્યું. આખરે ચા પી, ચાંલ્લો કરી, હું ને મારાં કામચલાઉ ધર્મપત્ની હસતાં, બધાના જયજય ઝીલતાં ત્યાંથી નીકળ્યાં.

રસ્તામાં પણ અમે નિરાંતે વાતો કરતાં ચાલ્યાં, કારણ અંધકાર જતાં અમારો ક્ષોભ ને શરમ પણ જતાં રહ્યાં હતાં. આખરે સ્ટેશન આવ્યું, એટલે દમણીવાળાને પણ રાખવો કામનો નહીં, એમ ધારી રૂપિયો બક્ષિસ આપી તેને વિદાય કર્યો. હવે અમે લગભગ નિશ્ચિંત થઈ ગયાં કેમ કે એક વખત આગગાડીમાં બેઠાં એટલે કોણ પૂછનાર છે ?

અમે તો પોર્ટરની કોટડી તરફ જઈને ઊભાં, ને પોર્ટરને કહ્યું કે ગાડી ઊભી રખાવે.

ગાડી દેખાઈ, પણ જ્યાં તે સ્ટેશનની લગભગ આવી કે પોર્ટરની કોટડીનાં બારણાં ઊઘડ્યાં, ને અંદરથી કોઈએ બુલંદ અવાજે પોકાર કર્યો :

‘અરે ! તું ક્યાં મરી ગઈ હતી ?’

મારા હૈયામાં તેલ રેડાયું. હું ફર્યો ને કાળા નાગ જેવો લંબૂસ ફું કરતો ઊભેલો જોયો.

મોંકાણ થઈ. આપણે પણ વિચાર કર્યો કે અત્યારે રાવસાહેબીઆ રોફ વગર માર્યા જઈશું; એટલે પટાવાળા ને વરતણીઆ વગેરેને માટે રાખેલો સીનો ને દમામ દેખાડી, ઊંચી ડોક કરી, કેડે હાથ રાખી, મેં કહ્યું : ‘અરે મિસ્ટર ! કાલે તો તમે ગાડીમાં જ રહી ગયા ? આ તમારી બૈરી બિચારી.’

‘અરે મિસ્તરની મા !’ પેલા લાંબાએ મારા રોફનો હિસાબ ગણ્યા વગર કહ્યું, ‘હું તો તરત આગગાડી થોભાવી ઊતરી આવ્યો, પણ તું ક્યાં ગઈ ગયો હતો મારી બૈરીને કે કાલે આખી રાત શોધી શોધીને થાક્યો. ક્યાં લઈ ગયો હતો, બોલ ?’

મારા રોફની તો કંઈ અસર જ નહોતી; સાથે કોઈ પટાવાળો પણ નહોતો કે મારી પોઝિશનની પેલાને સમજ પાડે. એટલે ગૂંચવાડામાં હું કહેવા જતો હતો કે હું તાલુકાનો મામલતદાર હતો, પણ મોઢામાંથી તો હું શબ્દ ઉચ્ચારું છું એટલે તો પેલો લંબૂસ, ઉરાંગઉટાંગની ચાલે, મૂઠી વાળી મારી પાસે આવ્યો. અને તેની પાછળ નીકળ્યો તેનો એક મિત્ર-ખાદીની ટોપીવાળો! મૂઆ ! હવે મામલતદાર તો શું, પણ કલેક્ટર કહીશું તો પણ નહીં માને.

પેલા મિસ્તરના ડોળા બૈરીથી મારા તરફ ફરે તે પહેલાં મેં જોયું કે આગગાડી ઊભેલી છે, ને મારી પાસેના ડબ્બાનું બારણું પોર્ટરે ઉઘાડીને રાખ્યું હતું. વધારે વખત મોભ્ભો ને જાન જોખમમાં નહીં રાખતાં, હું કૂદીને ગાડીમાં બેસી ગયો, ને બારણું બંધ કર્યું અને કલેક્ટર સાહેબ સાથે જે ગરીબડો સીનો રાખીએ છીએ તે રાખી મેં અદૃષ્ટ દેવતાઓને સંબોધ્યા.

‘જુઓ તો ખરા ! ઉપકારનો બદલો અપકાર ? બિચારી ભૂલી પડી હતી તેને મેળવી આપી, એ તો કહેતો નથી.’ મેં ગાડી ચાલી એટલે કહ્યું. ‘હત્તારી.’ જતાં જતાં પણ મેં પાછળ જોયું ને અમારી મળી દ્રષ્ટોદ્રષ્ટ !’

ને મારી પંદર કલાકની પત્ની ગઈ તે ગઈ જ.

૧૮. સ્ત્રીસંશોધક મંડળનો વાર્ષિક સમારંભ

મને જૂનાં સેકંડહેંડ ને હસ્તલિખિત ચોપડાં ભેગાં કરવાનો ઘણો શોખ છે. આવી ચીજોમાંથી અવનવું મળી આવે છે, અને તેથી જૂના પ્રશ્નો પર નવું અજવાળું પડે છે. ઘણી વાર તેના હાંસિયામાં કોઈ અજ્ઞાત હૃદયના ઉમળકા ઊભરાતા દેખાય છે. કોઈક વાર પાના વચ્ચે દબાયેલું સૂકું ગુલાબ, કાળો કેશ અથવા પાનાં પર પડેલાં અશ્રુબિંદુઓ, કુમકુમના છાંટા કે બીડીની રાખ, કોઈ રસિક વાચકના જીવનના પ્રસંગો આંખ આગળ ઊભા કરે છે. આવાં અવશેષાચિહ્નો મારી કલ્પના ઉત્તેજે છે. હું કોઈ પુરાતત્ત્વશાસ્ત્રીની માફક તેના પર જીવંત ઈતિહસની ઈમારત રચું છું. ઘણી વખત આ ઈતિહસનાં પાત્રો મારી કલ્પનાસૃષ્ટિમાં મિત્રસમાં બની રહે છે.

એક વખત એક નવાં ચોપડાંનો ટોપલો ખરીદતાં એક તાજી હસ્તલિખિત નોટબુક મને મળી આવી. તાજી, હાથની લખેલી નોટબુક પર મને પ્રેમ નથી, એટલે હું તેને પાણી ઊના કરવાના બંબામાં વિસર્જન કરવા જતો હતો, એટલામાં મારું ધ્યાન તે નોટબુકના પહેલા પાના પર ગયું, ‘ગુર્જર સ્ત્રી... મંડળની રીપોર્ટ બુક !’ પહેલાં તો મને લાગ્યું કે ‘ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ’ના ઉત્સાહી મંત્રીઓએ આવકનો નવો રસ્તો શોધ્યાથી આ નોટબુક મને સાંપડી કે શું ? પણ મેં નામ ફરીથી વાંચ્યું : ‘ગુર્જર સ્ત્રીસંશોધક મંડળની રિપોર્ટ બુક.’

મેં આંખ ચોળી. સંશોધક ! સ્ત્રીઓને સંશોધક ક્યો માડીજાયો નથી હોતો ? પણ એક મંડળ આવી સમગ્ર પ્રવૃત્તિ આદરે એ કંઈ વિચિત્ર લાગ્યું. હું તો ચોપડી વાંચવા બેઠો અને પૂરી ત્યારે હાથમાંથી છોડી શક્યો.

એ ચોપડી વાંચતાં એ મંડળ... સભ્યોનું લાગ્યું; અને એ ઉપરાંત બીજા સભ્યોને ન દાખલ કરવા એવો તેનો સખત નિયમ લાગ્યો. મંડળનો ઉદ્દેશ નીચે પ્રમાણે આપવામાં આવ્યો હતો :

‘જત અમને-સ્થાપક સભ્યોને ખાતરી થઈ છે કે ગુર્જર સ્ત્રીત્વના સંશોધન, વિકાસ અને પોષણ માટે જોઈએ તેટલાં યોગ્ય પગલાં લેવાતાં નથી, અને જત અમને એમ પણ લાગ્યું છે, કે જ્યાં સુધી એવી પ્રવૃત્તિ આદરવામાં આવે નહીં ત્યાં સુધી ગુજરાતના અડધા ભાગમાં પક્ષપાતની શરૂઆત થયા વિના રહેવાની નથી. અમે નીચે સહી કરનાર સ્થાપક સભ્યો આજથી આ મંડળ સ્થાપીએ છીએ તે એવા ઉદ્દેશથી કે દરેક સ્થાપક સભ્ય ગુર્જર સ્ત્રીઓના ગુણદોષનું નિરીક્ષણ કરી શાસ્ત્રીય પદ્ધતિસર ચર્ચા કરી, તેના વિકાસાર્થે યોગ્ય પગલાં લે.’

અંગ્રેજી દસ્તાવેજમાંથી લીધેલા જેવા વાક્યમાં રહેલો ઉત્સાહ પણ કંઈ વિચિત્ર લાગ્યો. એક નિયમ એવો હતો, કે સ્ત્રીઓને મંડળની સભામાં આવવા નહીં દેવી; બીજો એક નિયમ પણ જાણવાજોગ હતો :

‘જો કોઈ સભ્ય એક સ્ત્રી તરફ અંગત પક્ષપાત કે દ્વેષના કારણથી તેના ગુણદોષ વિશે ચર્ચા કરશે અથવા કરાવશે તો તેને મંડળની બહાર મૂકવામાં આવશે.’

શો અસાધારણ નિયમ ! ક્યો માનવી એવો છે કે જે અંગત પક્ષપાત કે ઉદ્દેશથી સ્ત્રીના ગુણદોષ વિશે ચર્ચા કર્યા વિના રહે ? આ મંડળના સભ્યો બધા યોગીપદ તો નહોતા પામ્યા એવો મને સંશય થયો.

સભ્યોની યાદી પણ તેમાં હતી; પણ તે જોતાં એમ લાગ્યું કે દરેક સભ્યને મંડળના નિયમ પ્રમાણે કોઈ એક તખલ્લુસ સ્વીકારવું પડતું. તેથી એ યાદીમાં મને નીચેનાં રંગબેરંગી નામો જડ્યાં : પુરુરવા, હેમલેટ, ફુલ્સહેડ, ડૉન જુઆન... !

ત્યાર પછી અનેક ચર્ચાઓ ને સભાઓની નોંધ હતી પણ તે એવી રસિક હતી; કે દરેક વિશે એક આખો લેખ લખ્યા વિના ચાલે નહીં પણ બધાથી આકર્ષક તો વાર્ષિક સમારંભનો રિપોર્ટ હતો. વધારે ટીકા નહીં કરતાં તે હું વાચક સમક્ષ રજૂ કરું છું. અને જો વાચકને વખત નકામો ગાળેલો લાગે તો તેની શી લાયકાત છે તે લખી મારી લેખિની અપવિત્ર કરીશ નહીં.

રિપોર્ટ

‘ગઈ શ્રાવણ વદ આઠમ સંવત ૧૯૭૮ને દિવસે પ્રમુખને ત્યાં રાતના ૧૧ વાગ્યે મંડળની એક ખાસ સભા મળી હતી, જે વખતે બધા સભ્યો હાજર હતા. પ્રમુખ મહાશયે સભાનો કાર્યક્રમ ચંડીપાઠમાંથી એક સ્ત્રોત ગાઈ શરૂ કર્યા પછી નીચેનું અગ્ર સંભાષણ કર્યું :’

‘સ્ત્રીસંશોધક મંડળના સભ્ય મહાશયો ! આજે આપણી સભાનો વાર્ષિક સમારંભ છે. ગોપીજનવલ્લભની ગઈ જન્મતિથિએ સ્થપાયેલી આપણી સભાએ આજે અકે વર્ષનું આવરદા પૂરું કર્યું છે. અત્યારે સ્ત્રીસંશોધનમાં કુશળ એવા શ્રી કૃષ્ણપરમાત્માનો જન્મસમય યોગ્ય રીતે ઊજવવા મેં આપને દરેકને ‘તમે કેવી

સ્ત્રીને અર્ઘ્ય આપશો ?’ એ કઠણ પ્રશ્ન પર તમારો ખરો લેખી અભિપ્રાય દર્શાવવાને નિમંત્રણ કર્યું છે. મને આશા છે કે તમે તે કાર્ય કરવા તૈયાર હશો. વધારે સમય ખોયા વિના હું ભાઈ પુરુરવાને નિમંત્રણ કરું છું.’

તાળીઓના ગડગડાટ વચ્ચે ભાઈ પુરુરવા ઊભા થયા; જરા ખાંસી ખાધી; એમની ચકરી પાઘડી માથા પર દાબીને મૂકી અને નીચેનો લેખ વાંચ્યોઃ

‘પ્રમુખ મહાશય અને સભ્યો ! મારો અર્ઘ્ય હું કેવી સ્ત્રીને આપું છું એ પ્રશ્ન મને ઘણો અઘરો લાગે છે. મેં એની પાછળ દિવસ ને રાત વિચાર કર્યો છે; પણ આખરે મને લાગે છે, કે હું દૃઢ નિર્ણય પર આવી ગયો છું. એટલે મારો અભિપ્રાય દર્શાવતાં મને બિલકુલ સંકોચ થતો નથી.’

‘જે સ્ત્રીને હું મારા અંતરનો અર્ઘ્ય આપું છું તે સિત્તેર વર્ષની છે, (હસાહસ) બાળવિધવા છે, શરીરે સશક્ત છે, ને સ્વભાવે જલદ છે (તાળીઓ), તે સગાંવહાલાંને કંપાવે છે, પડોશને ધ્રુજાવે છે, નાત ને ગામમાં ત્રાસ પ્રસારે છે. તેને કોઈની પરવા નથી, કોઈનો ડર નથી, કોઈના પર હેત નથી, કોઈની શરમ નથી; તે કોઈને સુખે રાચતી નથી, કોઈની કીર્તિથી અંજાતી નથી. તેને પોતાના સુખની પરવા નથી. દુઃખ તેને સ્પર્શતું નથી. તેના જીવનનો એકમાત્ર ઉદ્દેશ બધાંને દુઃખી કરવાનો છે.’

‘તે સ્ત્રી અનેક કલા પર કાબૂ ધરાવે છે. તે અનેક પ્રકારે રડી શકે છે. તે વૃદ્ધથી તે ગઈ કાલે જન્મેલા બાળકના મૃત્યુને છાજે એમ કૂટી શકે છે; પ્રસંગાનુસાર રાજીપા પણ લલકારી શકે છે. તે ગાલિપ્રદાન, અનેક સંબંધને અનુસરીને કરી શકે છે, તે અનેક વિધિનું રાંધણ રાંધી શકે છે; અને દરેક જમણ-ખાસ કરી નાતનાં જમણ પર સર્વાંગે ચટકદાર એવી ટીકા કરી શકે છે. તે ઘરેણાં, લૂગડાં પારખવામાં એક્કો છે; અને દરેક જણનાં ઘરેણાં લૂગડાંમાં ઝીણામાં ઝીણા દોષ જોઈને વર્ણવી શકે છે.’

‘પોતે વિધવા છે, છતાં દરેક વિધવામાં દૂષણ દેખે છે. દરેક ગૃહસ્થાશ્રમી સ્ત્રીને કુલટા માને છે કે ને દરેક બાલિકાને પથ્થરને બદલે અવતરેલી માને છે.’

‘જો કોઈ દુઃખી થાય તો તેના પર દુઃખ વર્ષાવવામાં જ તે શોભા સમજે છે, જો કોઈને દેખે તો તેને દુઃખી કરવાની પોતાની ફરજ સમજે છે. જો કોઈ સંપીને રહે તો તેને તે વઢાવી શકે છે. જે લડે તેને સદાનાં વિખૂટાં પાડી શકે છે. તેણે અનેક લોકોને રડાવ્યા છે, તેમનાં ઘર ભંગાવ્યાં છે; તેમનાં જમણમાં ધૂળ ભેળવી છે; તેમની લગ્નસરામાં આગ મૂકી છે. કોઈ સ્ત્રી ભણે, વાંકો સેંથો પાડે, સારાં લૂગડાં પહેરે, ગાયન ગાય, વરને કાગળ લખે કે સાસુને સુખી કરે, ઘર સાચવી ચાલે કે પુરુષ જોડે વાત કરે તો તે ખીલે ને અપરાધીનાં પીછેપીંછાં પીંખી નાખે છે. પુરુષો ચહેરો રાખે, ચાંલ્લો ન કરે, ચોથી વારનાં લગ્ન કરવા ના પાડે, જોમોપાઘડી પહેરવા ના કહે, બૈરી જોડે બહાર જાય, કે મા જોડે સંપથી ચાલે તો તેનો પિત્તો ઊછળી આવે છે, ને અપરાધીને તે દંડ દેવા માંડે છે. અને આ બધું કરવામાં તેને તસ્દી પડતી નથી. જળ ભીંજવે છે, ચંદ્રિકા અમી વર્ષાવે છે, તેવી જ સ્વાભાવિકતાથી આ નારીરત્ન આ બધા પ્રયોગો ચારે તરફ કરી શકે છે અને તેને માટે તેને એક જ શસ્ત્રની જરૂર છે - તે તેની જીભ. તેમાં વિષ સ્વીફટ૧ સમું છે, શક્તિ સુરેન્દ્રનાથ સમી છે, ચપળતા એની બેસંટ સમી છે, તેની જીભ થાકતી નથી; તેનું વૈવિધ્ય ઘટતું નથી; તેનું વિષ મોળું પડતું નથી (તાળીઓ). વ્યવસ્થા સાચવવા સરકાર કરોડો રૂપિયા ખરચે છે, તે આ બાહોશ સ્ત્રી એકલી જીભે વગર ખરચે રાખી શકે છે.’

૧. એક અંગ્રેજી લેખક.

‘હું તેને અર્ઘ્ય આપું છું. તે આપણા પુરાણ ને પુનિત સંસારની ધારક છે; આપણી પવિત્ર ને પ્રાચીન પ્રણાલિકાઓની રક્ષક છે. તે ન હોય તો સમાજની વ્યવસ્થા તૂટી જાય, સ્વચ્છંદ પેસી જાય, નાતો તૂટી જાય, બૈરાં બગડી જાય, મરદો વહી જાય. તેના વિના આપણે આજે વંઠી ગયા હોઈએ, કે ખ્રિસ્તી થઈ ગયા હોઈએ. એના વિના સમાજ નાબૂદ થઈ જાત, ધર્મનો લોપ થઈ જાત, સંસ્કૃતિ સ્મરણમાં પણ નહીં રહી હોત (તાળીઓ).’

‘આપણા સદ્‌ભાગ્યે આપણા સંસારમાં આવી એક સ્ત્રી નથી, પણ અનેક છે. આવી સાધ્વી ક્યા કુટુંબને પાને નથી પડી ? કઈ નાતને નથી સાંપડી ? ક્યું ગામ નથી શોભાવતી ?’

‘આવી શેષનાગ સમી સમાજધારિણી, જગજ્જનની સમી પરોપકારી, કાલિકા સમી પ્રતાપી, ને શ્રીકૃષ્ણ સમી નિષ્કામ કર્મયોગની સાધી રહેલી સ્ત્રીને હું મારા અંતરનો અર્ઘ્ય આપું છું. આશા છે, કે તમે પણ બધા આપશો.’ (તાળીઓ)

સભામાં શાંતિ પ્રસરી ગઈ, અને થોડી વાર બધા સ્ર. ભાઈ પુરુરવાએ કરેલું સ્ત્રીનું વર્ણન હૃદયમાં ધારી રહ્યા. આખરે પ્રમુખે ઊઠી રા. ભાઈ હેમલેટને પોતાનો અભિપ્રાય વાંચી સંભળાવવાની સૂચના કરી. રા. ભાઈ હેમલેટે પોતાનો લેખ કાઢી વાંચવા માંડ્યો :

‘સભાપતિ મહશય ને સભ્યો ! આખું વર્ષ ‘કેવી સ્ત્રીને હું અર્ઘ્ય આપું ?’ એ વિષય પર મેં વિચાર કર્યો. હું અનેક ગામો ફર્યો અને અનેક સ્ત્રીઓ મેં નીરખી; પણ આ કામ જેવું કઠણ કામ બીજું મને લાગ્યું નહીં. અર્ઘ્યાર્હ સ્ત્રી શોધી કાઢવા જેવા ભગીરથ કામ આગળ વેળુમાંથી ખાંડની કણી શોધી કાઢવી અથવા દૂધમાંથી પોરા કાઢવા - અરે સસલાનું શિંગડું શોધવું એ પણ રમત વાત છે. મેં કરેલી શોધની વિગત હું કેમ કરીને આપું ? મેં ગરીબોની ઝૂંપડીઓ જોઈ ને તવંગરના મહેલો તપાસ્યા; મેં શહેરો શોધ્યાં ને ગામડાંની જડતી લીધી; કેળવણી પામેલાં કુટુંબોમાં ફર્યો, ને અભણની વેજ્યાઓને મળ્યો - અને જોયું તો, કોઈક સ્ત્રી છીછરી તો કોઈક ઢોંગી; કોઈક હરામખોર તો કોઈ ભલાની બેન ભૂંડી; કોઈના મિજાજનો પાર નહીં તો કોઈનાં અભિમાનનો આરો નહીં; કોઈ જીવન ગાળે ઘર વેચવામં ને કોઈ બજાર વેચાતું લાવવામાં; કોઈ કૃતઘ્ની, તો કોઈ કદરૂપી; કોઈ ડોળઘાલુ તો કોઈ દિલ વિનાની, જ્યાં જુવાની ત્યાં રસ નહીં; જ્યાં રસજ્ઞતા ત્યાં મોહિની નહીં; જ્યાં ચમક ત્યાં કુમાશ નહીં; જ્યાં આર્દ્રતા ત્યાં અક્કલ નહીં - આવી દશામાં મારા જેવા ખરા સ્વભાવના માણસને અર્ઘ્ય આપવાલાયક સ્ત્રી ક્યાંથી મળે ? પણ આખરે હું મારી શોધમાં ફતેહમંદ થયો. મને એક અર્ઘ્યાર્હ મળી.’

‘તે ફૂલની કળી સમ સુકુમાર છે. તેના ગાલ પર ગુલાબના પુષ્પની કુમાશ છે. તેની આંખના નિર્દોષ ઊંડાણમાં આકાશનું ગાંભીર્ય છે. તેના હાસ્યમાં પક્ષીઓનું ઉલ્લાસગાન છે. તે ચાલતી નથી પણ બાલ હરિણી સમી થનગને છે. તે બોલતી નથી, પણ ટહુકે છે.’

‘સભ્યો ! તે આઠ વર્ષની છે. જ્યારે મેં તેને જોઈ ત્યારે એક દશ વર્ષના છોકરા સાથે તે રમતી હતી. તે બંનેના આત્મા લગ્નાયા લાગતા હતા. તેમના સંબંધમાં સ્થૂળ દેહના વિલાસની લિપ્સા નહોતી; સ્વાર્થ સાધવાની ઈચ્છા નહોતી. તે બે પાસેપાસે ઊગી રહેલાં બે પુષ્પોની માફક એકબીજા પર નમી રહ્યાં હતાં.’

‘પેલા છોકરાની આંખોમાં તેની આંખ હસતી હતી. તે હાસ્યમાં, કોઈને લોભાવાનો ઉદ્દેશ નહોતો, જાનવરશાસ્ત્રના સિદ્ધાંતોની શિખવણી નહોતી; સામી આંખો શું કહેશે તેની પરવા નહોતી.’

‘તેનો સ્વચ્છંદ વાયુની લહેરીનો હતો; તેનો ઉલ્લાસ ઊડતા પંખીનો હતો; તેનો ચમકાટ પાણીની લહેર તરતી ચંદ્રિકાનો હતો. તેને તે ક્ષણના જ જીવનમાં રસ હતો, તેને પળની જ મોજમાં મુક્તિ જણાતી. તેનું શરમાળપણું અપૂર્વ હતું. તેમાં સામાને વશ કરવાનો મુદ્દો નહોતો, ક્ષોભ દબાવવાનો હેતુ નહોતો, જેવી તે હસતી તેવી તે શરમાતી.’

‘જુવાનીનો આડંબર, મુગ્ધાનો ઢોંગ, પ્રૌઢાની હરામખોરી, વૃદ્ધાની નીરસતા તેને સ્પર્શ્યા નહોતાં; વધૂતાનો વિલાસશોખ તેણે જાણ્યો નહોતો; માતાપદનો વિકાર તેણે અનુભવ્યો નહોતો. સંસારમાં પુરુષને પૂરવા માટે તેણે શૃંખલાનું સ્વરૂપ લીધું નહોતું. ચોમેરનાં પાપો અને દુઃખો તેને દેખાતાં નહોતાં. પુરુષોની નીચતા ને સ્ત્રીઓની અધમતા તે સમજી નહોતી. તે સંસારમાં કલ્લોલ કરતી ઊડતી હતી. જ્યાં તે ઊડતી ત્યાં પુષ્પોના પરાગ પ્રસરતા.’

‘મને તે બાલિકાની નિર્દોષતામાં આખી સૃષ્ટિનું સત્ત્વ સમાયેલું લાગ્યું. તેના ટહુકામાં અમર ભૂમિની આશા સરખી મીઠાશ સંભળાઈ.’

‘મેં સ્તબ્ધ બની તેને જોયા કરી - ને તે અપૂર્વ ને અણખીલ્યા આત્માના અનિયંત્રિત આનંદની અનુભવિકાને મેં મારા અંતરનો અર્ઘ્ય આપ્યો.’

રા. ભાઈ હેમલેટના ભારણમાં લીન થયેલ સભ્યોને તાળી પાડવાનું ભાન ન રહ્યું. પળવાર શાંતિ પ્રસરી રહી. ભાષણનો જાદુ બીજી પળે તૂટ્યો અનેસભાએ તાળીઓના ગડગડાટ સાથે આ ભાષણ વધાવી લીધું.

ત્યાર બાદ રા. ભાઈ ડોન જુઆન ઊભા થયા :

‘પ્રમુખસાહેબ અને મારા સ્ત્રીઘેલા સહસભ્યો ! હું અર્ઘ્યાર્હ એવી ગત યુગની એક સ્ત્રીનું વર્ણન તમારી આગળ રજૂ કરવાની રજા લઉં છું.’

‘તે વૃદ્ધ છે. ઊંચા કુટુંબના બહોળા પરિવારની તે જનેતા છે. અનેક કુટુંબોની મદદગાર ને સલાહકાર છે. તે ગૌરવનો અવતાર છે : ગૌરવ અભિમાનનું, અસ્પર્શ્યતાનું નહીં પણ ડહાપણનું, વિવેકનું - સ્નેહભીનું ને સખતાઈ વિનાનું, એકએક કાર્યમાં સ્વમાન ને પરમાન બંને જળવાય એવું અવર્ણનીય ગૌરવ. તેની સ્નેહાળતા અનુપમ છે. તેમાં ઉમળકાના કુદકારા નથી, પણ વિવેકની શાંતિ ને નિખાલસપણું છે. અણજાણ્યા મળનારને પળવારમાં તે ઘર જેવો ભાસ કરાવી શકે છે. લાડકવાયાં છોકરાં પણ તેનો અણઘટતો લાભ લઈ શક્તાં નથી.’

‘એનો જીવનક્રમ સચોટ, વ્યવહરાુ ને પ્રમાણબુદ્ધિ પર રચાયો છે. પોતાનો તેમજ પારકા સોંપે તે બધો કારભાર ખુશીથી, ઊંડી નજરથી, વ્યવહારુ બુદ્ધિથી ને વિશાળ અનુભવથી મેળવેલા જ્ઞાનની મદદ વડે તે કરે છે. હિંદુ જીવનમાં એકે પ્રસંગ એવો નથી કે જેની તેને માહિતી નથી. ઘરમાં એકએક ચીજ પર તેની નજર રહે છે. ભવિષ્યમાં કઈ વખતે શું જોઈશે - એ બધાની તેને તરત સૂઝ પડે છે, ને બીજાને પાડી શકે છે.’

‘દસકા પહેલાં ગરીબી હતીત્યારથી તે તેને ત્યાં પૈસાની આવજા થઈ ત્યાં સુધીનો તેણે ચોક્કસ હિસાબ રાખ્યો છે. દરરોજ તે રોજમેળ લખે છે. દર મહિને ખાતાવહી ખતવે છે; વર્ષેવર્ષોના હિસાબની તુલના કરે છે. મહિને ૧પ રૂપિયામાં પણ જે વગવ્યવસ્થા નો મોભ્ભાથી તેણે ઘર ચલાવ્યું તેવી જ રીતે મહિને પ૦૦૦ રૂપિયામાં તે ચલાવી શકે છે. તેના પ્રતાપે દરેક રીતની કસર થાય છે; દરેક રીતનો વિવેકહીન ખરચ અટકે છે. તેની વ્યવહારુ બુદ્ધિ અટપટા કાર્યથી ડરતી નથી. મિલકતની વ્યવસ્થા, જમીનની ઉસ્તેવારી, વેપારીઓના હિસાબની સમજૂતી તે મદદનીશ વગર કરી શકે છે. કુટુંબમાં કોર્ટની કે દરબારી આફત આવતાં કાબેલ લડાયકની કલાથી દસ્તાવેજો એકઠા કરે છે; જુબાનીઓ તૈયાર કરે છે; વકીલોને વિગતો પૂરી પાડે છે.’

‘હિંદુ સ્ત્રીના ઉદાત્ત જીવનનું એક પણ ક્ષેત્ર તેણે અણખેડ્યું રહેવા દીધું નથી. કાગળ ખાંડી તેણે ટોપલીઓ કરી છે; વાનીવાનીમાં પકવાન રાંધ્યાં છે; જાતે માથે બેસી ઘરેણાં કરાવ્યાં છે; નજર હેઠળ ઘર બંધાવ્યાં છે.’

‘અને સાથે નવયુગની સ્ત્રીની કલાઓ વર્ષો પહેલાં તેણે હાથ કરી છે. તે ભરી જાણે છે, ગાઈ જાણે છે ને ભજનો રચી શકે છે. ત્રીસ વર્ષ પહેલાં તે થોડું અંગ્રેજી શીખી અને સ્વાભાવિક બુદ્ધિથી છબીઓ ચીતરવી શરૂ કરી. ગુજરાતી કવિઓ, પુરાણો ને કથાઓ, યોગવાસિષ્ઠ ને ગીતા, આજની નવલકથા ને ચાલુ ક્રમિક સાહિત્ય ને રસ લઈને વાંચી શકે છે. તેણે પારમાર્થિક જીવન સ્વીકાર્યું નથી; પણ જેને તેણે મદદ નહીં કરી હોય તેવું તેના સંબંધમાં ભાગ્યે જ કોઈ હશે. ઘણાના સંસાર તેની સલાહથી ચાલે છે : કેટલાકનાં ઘરતંત્રો તેની દેખરેખ હેઠળ ચાલે છે. તેને દેશી ઉપાયો ને વિલાયતી સામાન્ય ઉપચારોની ખબર છે; અને તેની સેવાચાકરીને પરિણામે કેટલાક જીવો યમસદનનું આતિથ્ય સ્વીકારતા રહી ગયા છે.’

‘તે છોકરાને-છોકરીઓને દરેક યોગ્ય સંસ્કાર બાળપણથી જ અર્પી શકે છે, ને મોટા છોકરાઓના જીવનવિકાસમાં મદદ પણ કરી શકે છે. આવેલાં દુઃખો તેણે સહ્યાં છે, પડેલી વિટંબનાઓ ફેડી છે. અને આ ઉંમરે તે જિંદગીમાં રસ લઈ વાત કરી શકે છે, ને નવયુવતીઓને રસિકતાના માર્ગ અને દુઃખીઓને વૈરાગ્યજીવનનો પાઠ શીખવી શકે છે. આ ઉંમરે ગૌરવની છરી વળી છે; છતાંતેની મૃદુતા તેવી ને તેવી છે; અને નિખાલસ અંતરની ઊર્મિઓ અનુભવતાં તે આંસુ સારી શકે છે.’

‘ગૃહસ્થો ! આ વર્ણનમાં અતિશયોક્તિ નથી. હાલના જમાનાની ઢીંગલીઓના પરિચય પરથી જ તેઓને સ્ત્રીઓનું જ્ઞાન છે તેને આ ચિત્ર કાલ્પનિક લાગશે અને જેમ જેમ અજ્ઞાન ને છીછરાપણાની વૃદ્ધિ થતી જાય છે -મોજ ને શોખમાં સ્ત્રીઓનું જીવન સમાપ્ત થતું જાય છે, તેમ તેમ આવા નમૂન કલ્પનાસૃષ્ટિની બહાર ન જડે તો તેમાં નવાઈ નથી.’

‘ગયા જમાનાના અવશેષરૂપ આ અપ્રતિમ સ્ત્રી આજકાલની તેની બહેનોને ઝાંખી ને ફિક્કી પાડે છે, અને તેથી તેને હું મારા અંતરનો અર્ઘ્ય આપું છું.’ પછી રા. ભાઈ દુષ્યંતે ઊભા થઈ પોતાનો અભિપ્રાય સભા સમક્ષ રજુ કર્યો :

‘પ્રમુખસાહેબ ને સભ્યો ! આ કલિકાલમાં, આ સ્વચ્છંદના જમાનામાં અર્ઘ્ય આપવાલાયક સ્ત્રી મને એક જ લાગે છે.’

‘તે પતિપરાયણતાની મૂર્તિ છે. બાળવય છોડ્યા પછી પતિ સિવાય બીજાની તેણે પરવા કરી નથી. બીજામાં તેને રસ પડ્યો નથી. બીજાનું દૃષ્ટિબિંદુ જોઈ શકી નથી. પતિની બેદરકરી હતી, છતાં તેણે અસંતોષનો એકે નિઃશ્વાસ મૂક્યો નહીં. પતિ તેના પર નારાજ રહેતો; પણ તેણે પોતે તો નારાજ થવાનું કારણ આપ્યું જ નહીં. તે ઘણી વખત પતિના વિચારો જાણવા પામતી નહીં, છતાં તેનો રદરોગ નહીં. તે માત્ર પતિભક્તિમાં જ લીન રહેતી, ને પતિસેવામાં મગ્ન બનતી. પતિને આજ્ઞા કરવાનો અવકાશ રહેતો નહીં, કારણ કે તે પોતાની ઈચ્છા બહાર પાડે તે પહેલાં તે તેની ઈચ્છા વર્તી તે પ્રમાણે અભિપ્રાય ને આચરણ બદલતી. કદી તેની ને તેના પતિ વચ્ચે મતભેદ, વિરોધ, કે તકરાર થઈ હોય એમ કોઈના સાંભળ્યામાં નથી. લોકોને, ઘરનાં માણસોને તેના વ્યક્તિત્વનું પ્રાબલ્ય દેખાતું; છતાં પતિ પાસે તે એની મેળે વગર પ્રયત્ને, વગર દુઃખે, અદૃષ્ટ થઈ જતું. પતિ ઘણી વાર આશા રાખતો, કે એક વખત તે સ્ત્રી તેનો હુકમ ન માને, એક વખત ધર્યું ન કરે, એક વખત સામું માથું ઊંચકે; પણ બિચારા પતિની આશા નકામી ગઈ. યોગ્ય પળે તે હાજર રહેતી ને યોગ્ય કામ કરતી. પતિ સામે તેનો સ્વતંત્ર અભિપ્રાય કદી શોધ્યો જડતો નહીં. પતિ સાથે મનસ્વી આચરણ તેણે કદી કર્યું નહીં. પતિની તે ફરિયાદ કરતી નહીં, ને તેની સેવામાંથી ચળતી નહીં.’

‘પતિદેવતા જ્યારે રીઝ્‌યા ત્યારે પણ તે ફુલાઈ ગઈ નહીં. પતિની સ્થિતિ સુધરી તો પણ તેને સરપાવની આશા રાખી નહીં. છોકરાં થયાં, પણ તેમને પતિ કરતાં વહાલાં ગણ્યાં નહીં. જો પતિ રોગિષ્ઠ થાય તો નર્મદાની માફક તેને તે માથે લઈ નીકળ્યા વિના રહે નહીં. જો વૈરાગ્ય સ્વીકારે તો તે ભભૂતી લગાવી સંસાર છોડવો શરૂ કરે, ને જો પુરૂરવાની માફક પતિ કોઈ ઉર્વશી પાછળ ઘેલો થાય તો ચાંદ્રાયણ વ્રત કરી, પતિને ફતેહ ઈચ્છતાં પણ પાછી પાની કરે નહીં.’

‘આ લાલસાના, અસંતોષના, સ્વચ્છંદના સ્વાતંત્ર્યના જમાનામાં આ સ્ત્રીએ આર્ય સતીઓની શોભારૂપ તાદાત્મ્ય સાધ્યું છે. તે આ જમાનાથી નથી; પણ ભવ્ય ભૂતકાળમાંથી ઊતરી આવેલી હોય એમ લાગે છે. તેને જ હું અર્ઘ્યાર્હ ગણું છું.’

ત્યાર બાદ રા. ભાઈ જયંતે ઊભા થઈ પોતાનું ભાષણ વાંચવું શરૂ કર્યુંઃ

‘પ્રેસિડેંટ સાહેબ ને સાહેબો ! આટલો વખત મેં જુદાં જુદાં ભાષણો સાંભળ્યાં તેમાં તમે જે જે સ્ત્રીઓને અર્ઘ્ય આપ્યા છે તે જોઈ તમારી મનોદશા વિશે મને ખેદ થાય છે. તમે બધાએ ખરું દૃષ્ટિબિંદુ ખોયું છે એમ મારે કહ્યા વિના ચાલતું નથી.’

‘ગંભીર નજરે જીવન જોઈ રહેવું તેનાથી વધારે મોટી ઘેલછ મેં બીજી જોઈ નથી. ગાંભીર્ય પ્રસરશે તો દુનિયાનું શું થશે ? એ ઘેલછા ચારે તરફ પ્રસરતી જોઈ મને ઘણી વખત જનતા તરફ તિરસ્કાર આવે છે. ગૃહસ્થો ! આ જગત મિથ્યા અને સંસાર માયાજાળ છે. ઈશ્વર છે કે નહીં તેનો નિર્ણય થઈ શક્યો નથી. આત્માના અસ્તિત્વમાં મૃગજળ જેટલું સત્ય રહ્યું છે. પુરુષ ને સ્ત્રી માત્ર પરપોટા છે.’

‘આ પરિસ્થિતિમાં જેમ પરપોટો પહોળો વધારે તેમ જ વધારે સરસ મનાવો જોઈએ. જે માણસ જૂઠમાં જૂઠ મેળવી દે એ જ માયાનું રહસ્ય પામ્યો મનાય. તમે સત્ય કે સંસ્કાર કે સહનશીલતા શોધતા ફરો છો ! માયાવી જગતના પરપોટારૂપ મારા મિત્રો ! અસત્યમાં સત્ય જોઈ તમને કંપારી છૂટતી નથી ? માયાવી જગતમાં સનાતનની શોધ આદરી વિસંવાદ શા સારુ દાખલ કરો છો ? જરા વિચાર તો કરો. જો સ્ત્રીઓ તમે કહો છો એવી જ હોય તો આ ભૂતલ પર રહેવું ભારે પડી જાય.’

‘અઘ્યાર્હ સ્ત્રી તો તે જ કે જે આ જગત જોડે એકતાનતા સાધી રહી હોય. તે જૂઠનો અવતાર છે. તેની ઉંમર પચીસથી પિસ્તાલીશની હદમાં નક્કી ન કરી શકાય એવી છે. તેના માથાના કેશના કલાપથી તે પગના ત્રણ ઈંચ ઊંચી એડીના બૂટ સુધી તે ઢોંગી છે. શું વાળ તેના પોતાના છે ? શું આંખોની ભભક તેની છે કે સુરમાની છે ? શું દાંતની રેખાઓ તેનાં પોતાનાં હાડકાંની કે કોઈ બીજાની ? શું તેનો મોહક રંગ તેનો પોતાનો કે પાઉડરનો ? ગૃહસ્થો! એ વિશે સંશય ધરવાનું કારણ નથી. આ બધાં જ પારકાનાં ભાડૂતી છે.’

‘પોતાના ને પારકા વચ્ચે તેણે ભેદ ગણ્યો નથી. દરેકના પૈસા તેના પોતાના માન્યા છે. દરેકની મોજમજાહમાં ભાગ લેવાના તેના અધિકાર વિશે તેને સંશય છે નહીં. શરમ, મર્યાદા જેવી ચીજ તેણે જન્મીને જાણી નથી.’

‘આ સ્ત્રીનાં કેટલાંક લક્ષણો ઘણાં જ આકર્ષક છે. તે છટાથી હડહડતું જૂઠું બોલી શકે છે. વચન આપે છે માત્ર ભાંગવાનો લહાવો લેવા માટે જ. નિમકહલાલીનું નામ સાંભળતાં તેને હસવું આવે છે. એક ને એક સંબંધનો કંટાળાભર્યો ભાર તેનાથી પળવાર સહન થતો નથી. તેના જીવનમાં પતંગિયાના વિવિધ રંગો પુરાયેલા છે; પણ એક રંગ એકથી બીજી વાર નજરે ચડતો નથી.’

‘શી તેની મોહભરી વાતચીત ! તે વાદળ વિશે, ચાની કડકાઈ વિશે, તેના આભૂષણ વિશે બેચાર ખાટાતીખા ટહુકાર નફટાઈથી ટહુકી શકે છે, પણ એક મિનિટથી વધારે વાર એક વસ્તુ પર તે ટકી શકતી નથી. તેને ગંભીર બાબત પર કંટાળો આવે છે. કવિતા ને ભાવના તરફ તે તિરસ્કારની નજરે જુએ છે. ડહાપણ તરફ તેનો અણગમો ભારે છે. તેના અવાજમાં વૈવિધ્ય કૃત્રિમ છે. તેનામાં ભાવનાદર્શકતા જણાય છે, તે પણ પોકળ છે. ભાવ અનુભવવો તેને મન અક્ષમ્ય નિર્બળતા છે. ઉત્સાહ કે પ્રેમને તે અધોગતિનાં ચિહ્ન લેખે છે. પુરુષો તેને મન રમકડાં છે, અને પોતાને તે રમકડું જ માને એવું ઈચ્છે છે. તેની હાજરીમાં જગતના મોહક મિથ્યાપણાનું ભાન આપણને થાય છે, અને જિંદગીમાં ગંભીર બની રહેવાની નિરર્થકતા સ્પષ્ટ સમજાય છે.

‘આ રસભરી સુંદરી કલાવિધાયક છે. જીવનમાં અસત્ય ઉતારવાની તેની કલા ગાંધીજી સત્ય ઉતારે છે તે કલાથી પણ ચડે છે. તેનું અસત્ય ગાંધીજીના સત્ય જેવું તરી નીકળે છે. આ સત્ય પાછળ ફાંફાં મારતા સંસારરણમાં એ એક જ માત્ર લીલી વેલ મેં જોઈ અને ગૃહસ્થો, તેને હું મારો અર્ઘ્ય આપું છું.’

ત્યાર બાદ રા. ભાઈ ચંદ્રાપીડે પ્રમુખની સૂચનાથી પોતાનો અભિપ્રાય જણાવ્યો :

‘સભ્યો ! સ્ત્રીઓના પરિચય કરતાં અને તેના ચારિત્ર્યનું નિરીક્ષણ કરતાં વખત વ્યર્થ ગયો હોય એમ લાગે છે. તેમના સ્વભાવની ચંચલતા, તેમના ચારિત્ર્યની કચાશ, તેમના અંતરની અણઘડતા મને એવી સાલે છે, કે હું તેમની સોબતનું દુર્ભાગ્ય સહી શકતો નથી, પણ આખરે એ બધાંમાંથી મને એક અપવાદરૂપ જડી, અને તેને મેં અર્ઘ્ય આપવા માંડ્યો.’

‘દેવી સમાન તે સુંદર ને તેજસ્વી છે. તે આવે છે ભપકાથી, તેના છટાદાર શરીરને જરાક ડોલાવતી - તેનાં નયનોના તેજે આખા ખંડને ઉજ્જવળ કરતી. તેનું તેજસ્વી રૂપ બધાની નજર આકર્ષે છે; તેની શરમાળ રીતભાત બધાંને માન ઊપજાવે છે.’

‘તે દરેક વિષય પર જાણે ખેંચાતી હોય, જાણે જ્ઞાન મેળવવા માગતી હોય તેવી રીતે વાત કરે છે, સવાલ પૂછે છે; અને તેનો ધીમો મીઠો અવાજ મોહિની પ્રસારે છે. દશ મિનિટની વાત પછી મળવા આવનાર આટલી બધી હોશિયારી, ગૌરવ, છટા ને નમ્રતા જોઈ ગૂંચવાય છે, કે આની પ્રશંસા કરવી કે માન આપવું કે આશિષ માગવી ?’

‘પણ મળનારને ભાન નથી કે આ નમ્રતા, આ શરમાળપણું, આ જિજ્ઞાસા માત્ર સાધનરૂપ છે. તેની પાછળ ભયંકર ને તીક્ષ્ણ બુદ્ધિ મળવા આવનારની કિંમત કરે છે. નિશ્ચલ સ્વાસ્થ્ય તેનામાંરહેલી નબળાઈ શોધી રહ્યું છે, ને પ્રચંડ ઈચ્છાશક્તિ પોતાની જીવનઘટનામાં તે ક્યાં મુકાય તો વધારેમાં વધારે ઉપયોગી થઈ શકે તેનો નિર્ણય કરી રહી છે.’

‘બિચારા કોઈ આવનારનું કંઈ વળવાનું નથી. સુશીલતા તેને માત કરશે, મીઠાશ તેની સાન ભુલાવશે, આતિથ્ય તેની સાવચેતી વિસરાવશે. જો આ બધાથી તે આ ભાગ્યવિધાતાની જાળમાં ન પડ્યો તો પણ આખરે તે બચવાનો નથી. તેના ચારિત્ર્ય, તેની શક્તિ, તેની બુદ્ધિના એકેએક વિભાગને ન્યાય મળવા માંડશે. આસપાસનાં સગાંસંબંધી આ બાજીગરની ઈચ્છા અનુસાર વાતાવરણ તે બિચારાની આસપાસ પ્રસારવા મંડી જશે. નહીં તો, નજીવી બાબતમાં તેની મદદ માગી સ્ત્રીસંરક્ષણક વૃત્તિઓ ઉત્તેજી મૂકશે પણ આખરે તેને શરણ થયા વિના છૂટકો નથી.’

‘આ બધાનો મુદ્દો એવો ગહન છે, કે સમજતાં બે વર્ષ સહેજે નીકળી

જાય. તે દૃઢ પતિપરાયણતા છે; તે પૈસેટકે સુખી છે; તેને મોજમજાહ ઘણી પ્રિય નથી. તેને સત્તાનો જ માત્ર શોખ છે. તેને માટે જ તે જીવે છે. તેના પ્રશંસકો અને અનુચરોનું સૈન્ય વધારવું એ જ તેનો હેતુ છે.’

‘આ હેતુ પૂરો પાડવા તે ભગીરથ મહેનત ઉઠાવી શકે છે. અને મહેનત એવી સ્વસ્થતાથી, એવી દૂરંદેશીથી, ને એવી અડગતાથી કરે છે, કે ક્ષણિક વિજય મળતાં તેને વાર લાગતી નથી. કોઈક જ વાર તેનો જીવ અશાંત હોય, હૃદય ક્રોધગ્રસ્ત હોય અથવા પ્રયત્ન નિષ્ફળ ગયો હોય ત્યારે તેના શાંત સ્વરૂપની ધગધગી રહેલી વિનાશક અગ્નિજ્વાળાઓનું ક્ષણિક દર્શન થાય છે. બીજી પળે સ્વરૂપ પલટાય છે - તે શાંત ને સૌમ્ય બને છે.’

‘તેના સ્વજન ને મિત્રનું ગ્રહમંડળ જ્યાં સુધી તેનું મંડળ કહી શકાય ત્યાં સુધી તેની જ આસપાસ ફરે છે અને એ મંડળ તરફ તે અદ્‌ભુત મમતા દાખવી શકે છે, પણ વાદળના રંગ ફરે તેમ તેના મોં પરના ભાવ ફરે છે, ને કોઈ વાર બુદ્ધિનો ચમકાટ બુદ્ધિશાળીને પણ આંજે છે. તેની પાકાઈ ને મુત્સદ્દીપણાનો પાર કોઈ જોઈ શકતું નથી. જરૂર પડ્યે પ્રેરાયેલા પેગંબરની વાક્પટુતાથી તે બોલી શકે છે, પ્રસંગે ઝેરીમાં ઝેરી મહેણાંથી ડામી શકે છે. ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં તે મિસરમાં હોત તો બાપડા એંટની પાસે ત્રણ ભુવનનું સામ્રાજ્ય ખોવડાવત; જહાંગીરના દરબારમાં હોત તો બિચારી નૂરજહાંના ભાગ્યમાંથી સમ્રાજ્ઞીપદ ખૂંચવી લેત. વિલાયતાં હોત તો એક ભ્રૂભંગે પાર્લામેંટો વિસર્જન કરાવત. વીસમી સદીના ગુજરાતમાં તે સુશીલ ને પ્રતિષ્ઠિત ગૃહિણી થઈ રહી અમર ઈતિહાસમાં નામ લખાવવાની આકાંક્ષા છોડી બેઠી છે.’

‘તેને જ હું મારો અંતરનો અર્ઘ્ય અર્પું છું.’

પછી રા. ભાઈ ચારુદત્તે પોતાનો લેખ વાંચી સંભળાવ્યો :

‘પ્રમુખસાહેબ ! મારા મિત્રો પોતાનો અર્ઘ્ય આમ દરેક પ્રકારની

સ્ત્રીઓને આપતા જોઈ મને ખેદ થાય છે. આ દુઃખમય સંસારમાં જ્યાં, ‘સહન કરવું એ જ લહાણું છે’ ત્યાં જેણે આંસુ સારી જીવન વિતાવ્યું હોય અને ઈસુ ખ્રિસ્તની માફક જીવતાંજીવત ‘ક્રોસ’ સહ્યો હોય તેને અર્ઘ્ય તો માત્ર ઘટે.’

‘એક સ્ત્રી એેવી મેં જોઈ હતી. તે કોમળ વયે વિધવા થઈ ત્યારથી સેવા ને સહનશીલતાનાં વ્રત આચરવાનો અધિકાર તેને પ્રાપ્ત થયો. તે નિરાધાર હતી. તેને આખા ઘરનું દળણું દળવું પડતું. લૂગડાં ધોવાં પડતાં, રાંધવું પડતું ને સગાંવહાલાંનાં છોકરાં રાખવાં પડતાં. તેને પેટ પૂરતું ખાવાનું મળતું નહીં, અને અંતર સળગી ઊઠે એવાં મહેણાં પડતા. કોઈના સુખમાં, સૌભાગ્યમાં કે આનંદમાં તેને ભાગ મળતો નહીં. આખા ગામના દુઃખને માટે તે ગુનેગાર છે એમ પણ ઘણી વખત ગણાતું.’

‘આમ દુઃખની પરિસીમા અનુભવતાં વર્ષો વીત્યાં. દેવોનાં હૃદય રાક્ષસી બની જાય એવા પ્રસંગો તેને પ્રાપ્ત થયાં છતાં તેની શાંતિ ડગી નહીં, તેનું ધૈર્ય ખૂટ્યું નહીં, તેની મૃદુતા પલટાઈ નહીં, તેના આનંદી સ્વભાવમાં કર્કશતાનો સંચાર થયો નહીં. તે હસતે મોંએ જીવન વિતાવી રહી હતી.’

‘તેનું મૃદુ, મ્લાન ને ગંભીર હાસ્ય બધાનું હૃદય પિગળાવતું. પૂજ્યભાવ જેણે કદીય જાણ્યો નહોતો તે તેની સાથે આદરથી વર્તવા લાગ્યાં; અને દુઃખ દેનારાઓ તેની પાસે કૃતજ્ઞતાના અણજાણ્યા પાઠો શીખવા લાગ્યા.’

‘તેને સમ ખાવાને એક પૂરું સંતાન હતું. બીજાં છોકરાં વચ્ચે ને આ સંતાન વચ્ચે તેણે ભેદ ગણ્યો હોય એવું કોઈની જાણમાં નથી. પોતાના સંતાનને ઘણી વખત અન્યાય થતો જોઈ તેની આંખમાં અદેખાઈ કે ક્રોધ આવ્યાં હોય એમ કોઈએ સાંભળ્યું નથી.’

‘છોકરાની વહુ આવી; પણ તેણે સાસુને સંતોષી નહીં. પણ આજન્મસમર્પિણીની અદ્‌ભુત કલાથી તેણે હસ્યાં કર્યું. મરણ સુધી તેની મીઠાશ તેવી જ અમીભરી રહી. ત્યાં સુધી સરપાવની તેણે આશા રાખી નહીં.’

‘સહનશીલતાની સિદ્ધિ એ જ છેલ્લે સુધી તેના જીવનનો મહામંત્ર હતો. સેવાધર્મનું અસ્ખલિત આચરણ એ જ તેણે મુક્તિ માની હતી. દુઃખથી અધીરી બનેલી, ફફડતી આ દુનિયાને શીખ અને શાંતિ દેવા અવતરેલી પેગંબર સમી તે મારા સ્મરણમંદિરમાં શોભે છે. તેને જ હું મારો અર્ઘ્ય આપું છું.’

ત્યાર બાદ રા. ભાઈ ફાંકડા ફિતૂરીએ પોતાનો અભિપ્રાય વાંચી સંભળાવ્યો :

‘પ્રમુખસાહેબ ! સ્ત્રીની ભાવના પુરુષોએ બગાડી મૂકી છે. સ્ત્રી, પુરુષની સમોવડિયણ, સહચરી ને મિત્ર થવાને સરજાઈ છે ત્યારે સ્ત્રીએ શા માટે શરમાવું જોઈએ ? પુરુષથી જાતે મર્યાદી કે સંસ્કારી શા માટે થવું જોઈએ? પુરુષ જાતિએ રચેલા સ્વાર્થી નિયમોએ સ્ત્રીઓના સ્વભાવને એવો વિકૃત કરી નાંખ્યો છે, કે ગમે તે ઉપાય કરે, પણ એ સ્વભાવ બદલવો અશક્ય થઈ પડેયો છે. આવા વિકારમાંથી બચી ગયેલી એક જ સ્ત્રી મને મળ. તે જ મને અર્ઘ્યાર્હ લાગે છે.’

‘તે કેળવાયેલી છે. તે પરણીને સુખી છે. તેને છોકરાં છે. સગાંસંબંધીઓનો સ્નેહ તેણે મેળવ્યો છે. છતાં તે ‘ટોમ-બોય’ (તોફાની છોકરા)નો ભાસ કરાવી શકે છે. પુરુષને રીઝવવા નક્કી કરેલી વસ્ત્રપરિધાનની રીતિઓની તેને પરવાનથી. તે આકર્ષક લૂગડાં પહેરતી નથી. ઘરેણાંને અડકતી નથી. માથે ઓઢવું જ જોઈએ એવા શિષ્ટાચારની તે સદાય અવગણના કરે છે.’

‘પુરુષો જોડે વાત કરતાં તે નથી ખંચાતી કે કૃત્રિમ શરમાળપણાનો ડોળ કરતી. પુરુષો સાથે સ્નેહીભરી મૈત્રી રાખવામાં તે દૂષણ દેખતી નથી.’

‘ગૃહિણીપદનો આડંબર વહોરવા તે ખુશી નથી. તેનું ઘર સંસ્કાર ઉગાડવાનું ઉષ્માગૃહ નથી, પણ કૉલેજના છોકરાઓની ‘બોર્ડિંગ’નો ખંડ લાગે છે. એક ખૂણે બૂટનો ઢગલો, એક ખીંટી પર સ્ત્રીપુરુષના પોશાકના સંગ્રહ, લખવાના ટેબલ પર ચા કરવાનો સ્ટવ અને રોટલી વણતાં વણતાં વાંચવા માટે ખુલ્લું પડેલું પુસ્તક-ગુજરાતમાં તેના સિવાય બીજા ઘરમાં આ વસ્તુઓ નજરે ચડતી નથી. કૉલેજ છોડ્યા પછી આવી નિર્દોષ બટુતા મેં બીજે ઠેકાણે જોઈ નથી. તેના પતિ જોડેનો તેનો સંબંધ ભક્તિનો, સંસ્કારી સ્નેહાલતાનો નથી; પણ બે સમોવડિયા ને તોફાની મિત્રોનો છે. ધણી ઘેર આવતાં શિષ્ટાચાર પ્રમાણે તે તેની ખબરઅંતર નથી પૂછતી; પણ સવારે જતી વખતે જે વાત અધૂરી રહી હતી, તે પાછી શરૂ કરે છે. જરૂર પડે તો તેના પતિને છોકરું લઈ છાનું રાખવાની સૂચના કરી દે છે, અને છતાં પતિ જોડે અભેદ્ય મૈત્રી તેણે સાધી છે. પતિને શાંતિ, વખત છે ને, નહીં મળતી હોય, પણ સહચાર તો જરૂર મળે છે.’

‘આ સ્ત્રીથી વધારે નિખાલસ, પ્રામાણિક સાચો મિત્ર મળવો અશક્ય છે. મિત્રો જોડે જાતીય ભિન્નતા પર રચાયેલા સ્ત્રીપુરુષ વચ્ચેના અસ્વાભાવિક અંતરને આણતી નથી. તેની હાજરીમાં સ્ત્રીઓના આચારવિચારને પુરુષોના આચારવિચારથી જુદા નિયમો લાગુ પાડવા સંસારે સદીઓ થઈ પ્રયત્ન કર્યા છે, તેનો ખ્યાલ તેને આવતો નથી. તે પુરુષોની દૃષ્ટિએ સંસાર જોઈ શકે છે; તે સજાતીય મિત્રની માફક સલાહઆપી શકે છે. આશ્વાસન શોધતા મિત્રને નમ્રતા, મીઠાશ કે પ્રેરણા મળતાં નથી, પણ અનુભવી, સંસારની સચોટ પાકાઈ, ને તીક્ષ્ણ દૃષ્ટિનો લાભ મળે છે. તેની વ્યવહારુ શક્તિ ગજબ છે, એટલે શાંત ને કૃત્રિમ ડહાપણમાં બેસી શકતી નથી. તે તરત ઊઠી કામે લાગે છે, મુશ્કેલીઓ ફેડે છે, ન જડતો રસ્તો દેખાડે છે.’

‘તમે તેના તરફ સ્ત્રીસન્માન વૃત્તિ રાખી શકતા નથી; કારણ કે નિર્બળતા કે સુકુમારતા તે દેખાડતી નથી. તમાીર પાસે કૃત્રિમ સન્માનની આશા રાખતી નથી; પણ તમારા સમોવડિયાને આપો તેવું માન પોતાની કલાથી લે છે.’

‘સાધારણ રીતે પુરુષો સ્ત્રીઓ પાસે શાતા કે પ્રેરકતા માગે છે; અને જે સ્ત્રીઓ તે આપી શકે તેને અર્ઘ્ય આપે છે. શાતા ને પ્રેરકતા માગવી એ મારે મન નિર્બળતાનું લક્ષણ છે, ખરા પુરુષને મિત્ર જોઈએ છે, તે પદ આવી જ સ્ત્રી લઈ શકે, માટે હું મારો અર્ઘ્ય તેને જ આપું છું.’

પછી પ્રમુખનું નિમંત્રણ સ્વીકારી રા. ભાઈ ફુલ્સહેડ ઊભા થયા અને તેમણે પોતાનું ભાષણ વાંચી સંભળાવ્યું :

‘જે સ્ત્રીને હું મારો અર્ઘ્ય આપું છું તે નવીન ગુજરાતનું અનેરું પુષ્પ છે. પંકજની માફક તે પરિસ્થિતિ છોડીને ઊંચી ઊગી રહી છે. તેના આહ્‌લાદજનક ડોલમાં નવયુગનાં સંસ્કાર તે સ્વાતંત્ર્ય બંને જણાય છે.’

‘તે યુવતી સુંદર નહીં, પણ સ્વરૂપવાન છે. તેની આંખો દરેક ભાવે ચમકી શકે છે. તેનો મીઠો અવાજ દરેક લાગણી દર્શાવી શકે છે. તેના હાસ્ય્માં મોહકતા વધારે છે કે તોફાન, તેનો નિર્ણય થઈ શકતો નથી; પણ તે હસે છે એ નિઃસંશય છે. દરેક કલા હાથ કરવાનો ઉત્સાહ તેનામાં છે. તરતાં, મોટર હાંકતાં, ટેનિસ રમતાં, ચીતરતાં, ગાતં, લેખ લખતાં કે ભાષણ કરતાં એકદમ શીખી જાઉં એવી હોંશ તેને દિનરાત થયા કરે છે. તેણે સારી રીતે કેળવણી લીધી છે, અને તેને વધારે સારી કરવા મથે છે.’

‘મોટા મોટા લેખો ને પુરુષોને તે સમજવા પ્રયત્ન કરે છે; અને તેના પર કોઈએ વિવેચન કર્યું હોય તો સમજી શકે છે, અને થોડુંક પોતે પણ કરી શકે છે. વાતમાં ઝમક આણવા પૂરતી સમજ તેને રાજકીય બાબતમાં પણ છે એવી છાપ પાડી શકે છે.’

‘તે હિંમતે બહાદુર છે. જૂની પ્રણાલિકાઓને તોડવામાં તેને મજાહ પડે છે. લોકવાયકોને ડરાવવામાં તેને રસ પડે છે. પુરુષોની પ્રવૃત્તિ અને જીવનનું નિરીક્ષણ કરવામાં મજાહ પડે છે; અને તેમની સાથે સમાનતાથી વર્તવા માગે છે. કોઈ પુરુષ રખેને સ્ત્રીજાતિ પર ચલાવાતી સૃજનજૂની હકૂમત ચલાવી દે એવા ભયથી તે શબ્દેશબ્દમાં પોતાનું સ્વાતંત્ર્ય દર્શાવ છે.’

‘તે એક મોહક બંડખોરિણી છે. તેના સુકુમાર સ્વભાવમાં તોફાન કરવાનો અસ્પષ્ટ ઉત્સાહ રાખ્યા કરે છે. તે તોફાનમાં દ્રૌપદીનું ગૌરવ ને શર્લીની રસજ્ઞતા શમાવી શકે છે. ઘણા લોકો આ ઉત્સાહ તરફ તિરસ્કારની નજરે જુએ છે. મને તે એની મોહકતાનું પ્રથમ લક્ષણ લાગે છે.’

‘તેનો આત્મા પરમ સંસ્કારી છે. તેનો પરાગ ચારે તરફ પ્રસરે છે; અને અશાંતને શાતા મળે છે, અણઘડ ઘડાય છે, સંસ્કારીને સૃષ્ટિમાં એકતાનતા પ્રસરતી લાગે છે, તેની હાજરીમાં આવતાં સંસ્કૃતિનાં સોપાન પર ચડ્યાં હોઈએ એવો ખ્યાલ થાય છે.’

‘સામાન્ય જનોને આ સ્વાતંત્ર્ય ને સંસ્કારિતાનું વિલક્ષણ મિશ્રણ સમજાતું નથી. જે ચીજ ન સમજાય તેમાં દૂષણ માની લેવું એ અંધકારગ્રસ્ત મગજનો પહેલો સિદ્ધાંત છે. આ સ્ત્રીની સંસ્કારિતા તે જ તેની વિશુદ્ધિની જનેતા ને સંરક્ષણ છે. છેલ્લે શ્વાસે પણ તે સંસ્કારિતા પમરાવશે એમ તેને જોનારને તરત લાગે છે.’

‘તેનાં હિંમત, બુદ્ધિ, સ્વાતંત્ર્ય ને સંસ્કારથી આકર્ષાઈ સંસ્કારી પુરુષો તેની પાસે સહાનુભૂતિ ને પ્રેરણા યાચે છે. તેની એક દૃષ્ટિ, એક હાસ્ય, એક અભિનંદન પ્રયત્ન પ્રેરે છે. પુરુષત્વને કસોટીએ ચડાવે છે. તેની પ્રેરણા પામેલ પુરુષોની મગજની સ્થિતિ અસલની રાજકુંવરીઓના સ્મિતથી પ્રેરાયેલા યોદ્ધાઓની મનોદશાનો કંઈક ખ્યાલ આપે છે.’

‘પ્રેરણાનું ઝરણું તે રોકી શકતી નથી, છતાં તે કોઈને પ્રેરવાની ઈચ્છા રાખતી નથી; રખેને સ્વાતંત્ર્ય ઓછું થઈ જાય એવી કંઈક બીક તેને રહેતી લાગે છે. પ્રેરણા યાચતા પુરુષો તરફ તે મદારીની દૃષ્ટિએ જુએ છે. આ નવા પ્રકારનો સિંહ; આ નવા ચટાપટાનો વાઘ આ નવી શક્તિવાળું માંકડું; એ બધાં મારી ડુગડુગીના અવાજથી નાચે છે, એમ એને લાગે છે. પણ ડુગડુગીનો અવાજ સાંભળી સ્વમાનભંગ થયેલા પુરુષો નાસી જાય છે, ને તેનો સુંવાળો આત્મા દુઃખ પામે છે. તે બિચારાના આત્માને ભાન નથી, કે પ્રેરણાના યાચકો પ્રેરણામૂર્તિને આરાધવા મથે છે, મદારીને નહીં; તેમને ઉત્સાહમંત્ર જોઈએ છે, ગુલામગીરી નહીં.’

‘આ નવયુગની પ્રતિમા જેવી અદ્‌ભુત પ્રેરક શક્તિ છે. જેવા અનુપમ સંસ્કાર છે તેવો જ તેનો આત્મા વ્યોમવિહારી છે. જો એ કોઈને ખરા અંતરથી પ્રેરવાને સંકલ્પ કરે તો તેનામાં અનન્ય પ્રભાવ ને વીરતા પ્રગટાવે. જો સાહિત્ય કે રાજકીય પ્રવૃત્તિને ધર્મ ગણે તો નવો સંપ્રદાય સ્થાપે. જો તેનો સંસ્કારી આત્મા કોઈ બીજા આત્મા જોડે નિર્મળ ને અભેદ્ય સહચાર સાધે તો અવનિ પર અમરાપુરી ઉતરે.’

‘સભ્યો ! આ ચિત્રમાં ખોડ ઘણી છે. ખોડ ન હોય તો મનુષ્યજાત વહાલી કેમ લાગે ? છતાં આ નવયુગની મનોહારી સ્ત્રીને મારો અર્ઘ્ય આપું છું.

ત્યાર પછી રા. ભાઈ રસનિધિ પોતાનાં ચશ્માં લૂછી પોતાનો લેખ વાંચવા તત્પર થયા :

‘મહેરબાન પ્રમુખસાહેબ ને સભ્યો ! મારા જેવો એક વિજ્ઞાનવિલાસી અભ્યાસી, પ્રમુખસાહેબે પૂછેલા પ્રશ્નોનો નિર્ણય ઉતાવળમાં કે ઉમળકાથી આપી શકે એમ નથી. સ્ત્રી એ સૃષ્ટિવિકાસનું પરમ સાધન છે, અને એવા અત્યંત ઉપયોગી બળનું નિરીક્ષણ એ દરેક દૃષ્ટિએ ઘણી જ અટપટી વસ્તુ છે.’

‘પ્રથમ પ્રકૃતિ અમર થવાને માટે સ્ત્રીને સાધન બનાવી સંવનન ને આકર્ષણનું શાસ્ત્ર તેના હાથમાં મૂકે છે, અને તે શાસ્ત્રથી પોતાની જોડી ખોળી તે જાતિને અમર કરવા મથે છે. મનુષ્યવિકાસમાં સ્ત્રી રક્ષક બળ છે; પુરુષ સંવર્ધક બળ છે. પુરુષજાતિની આબાદી સ્ત્રીજાતિની શક્તિ પર અવલંબે છે.’

‘જાતિજાતિ વચ્ચે ભયંકર રસાકસી ચાલી રહી છે. જે જાતીઓ સશક્ત ને પ્રભાવશાળી હોય છે તે જીવે છે. પૃથ્વીને પ્રતાપી ને સુખી કરવાને સાધનભૂત બને છે. જ્યં સુધી પૃથ્વી પર નિર્બળતા અને દુઃખ વ્યાપી રહ્યાં છે, ત્યાં સુધી સશક્ત જાતિઓ વધે એવા ઉપાયો યોજવા જોઈએ. તે જ પ્રમાણે અશક્ત જાતિઓનું પૃથ્વી પરથી ઉન્મૂલન કરવું જોઈએ. જ્યાં સુધી નબળી, રોગિષ્ઠ, અવિકસિત કે ટૂંકજીવી જાતિઓ પૃથ્વીને ભારે મારે છે, ત્યાં સુધી સુખ, શક્તિ કે ખરો આનંદ દુનિયામાં દેખાવાનો નથી.

‘જાતિ રક્ષવાનું કે વિનાશ કરવાનું પ્રથમ સાધન સ્ત્રી છે, તે હું આગળ કહી ગયો. જેટલે અંશે સ્ત્રી સશક્ત જાતિને અમર કરે છે, એ અશક્ત જાતિનો વિધ્વંસ કરે છે તેટલે જ અંશે શાસ્ત્રીય દૃષ્ટિમાં દેખાવાનો નથી.’

‘હવે એવી પૂજનીય કે અર્ઘ્યાર્હ સ્ત્રીનો નિર્ણય કરીએ.’

‘ગુજરાતી એવી નિર્બળ કે અશક્ત જાતિ પૃથ્વી પર ભાગ્યે જ મળશે.

આપણું સરાસરી આવરદા પૂરું પચ્ચીશ વર્ષનું પણ નથી. આપણી સરાસરી ઊંચાઈ પાંચ ફૂટ પણ નથી. આપણે ત્યાં બાળકોના મૃત્યુની સરાસરી સેંકડે રપ ટકા; આપણે ત્યાં રોગ વગેરેનો પ્રચાર બીજા બધા દેશોથી વધારે છે. આપણા યુવકવર્ગમાં ૮૯ ટકા નબળા, રોગગ્રસ્ત ને નિર્જીવ હોય છે. આપણી કાર્ય કરવાની શક્તિ બધી પ્રજાથી કમ છે, એ મેં મારા એક જાણીતા લેખમાં સિદ્ધ કર્યું છે, અને એ વાત જેણે ગુજરાતી તેમજ બીજી જાતિના નોકરો રાખ્યા છે તેમને વિદિત છે. આવી શરીરિક નિર્માલ્યતાને પરિણામે આપણા દેશમાં બુદ્ધિનો કે ચારિત્ર્યનો વિકાસ સંભવતો નથી. દ્વેષ, ક્રોધ, લોભ અને ધનસંચયની ઈચ્છાનું પ્રાબલ્ય ચારે તરફ વધે છે; અને અપૂર્વ પશુ (ર્મ્ઙ્મહઙ્ઘી મ્ીટ્ઠજં) આ જાતિમાં પાકે એ અશક્ય થઈ પડ્યું છે.’

‘તેથી તમે મારા મતે જોડે સંમત થશો, કે આપણી અશક્ત ને નિર્માલ્ય જાતિ પૃથ્વી પરથી વહેલી ઊખડી જાય તેમાં જાતિવિકાસ ને ઉત્ક્રાંતિના લાભો સમાયા છે. જ્યાં સુધી આવી જાતિની વૃદ્ધિ થવા દઈશું ત્યાં સુધી મનુષ્યજાતિની ઉન્નતિ થવાની નથી, અને રોગ અને દુઃખ નિર્મૂલ કરવાના બધા ઉપાયો નિષ્ફળ જ જવાના.’

‘મનુષ્યજાતિના સદ્‌ભાગ્યે ગુજરાતી પ્રજાનું ઉન્મૂલન ઝપાટાભેર થતું જાય છે; અને ભાવિ અપૂર્વતાનો અરુણોદય પાસે આવતો જાય છે. ત્યારે આ ગુજરાતી વિશાળ ભૂમિકામાં બાપડા બિચારા મનુષ્યજંતુની નિર્માલ્ય જાતિ નહીં વસે, પણ કોઈ બીજી પ્રતાપી જાતિનાં સશક્ત, વિજયી ને સ્વતંત્ર સંતાનો વસશે. જે સાધન આ અરુણ વહેલો ઉગાડે, ઉત્ક્રાંતિક્રમની નેમ વહેલી સાધે તેની કિંમત કરી કરાય તેમ નથી.’

‘આ પ્રકારની સ્ત્રી મળવી મુશ્કેલ નથી. દરેક શહેરમાં, ને ખાસ કરીને કેળવાયેલા વર્ગમાં, ફરવાની જાહેર જગ્યામાં અને સ્ટેશન વગેરે સ્થળમાં તે તરત દેખાઈ આવશે. તેનાં લક્ષણો નીચે પ્રમાણે છે :’

‘તે રંગે ફિક્કી છે. તેની કમર સીધી રહી શકતી નથી. તેનું મોં નિસ્તેજ છે. તેની આંખો મોટી છે અને તેમાં અસ્વાભાવિક તેજ દેખાય છે.

તેના શરીરનો ઘાટ બે સીધી રેખાનો જ બનેલો હોય છે. સ્તન કે નિતંબની તે સીધી રેખામાં વિકાર થતો નથી.’

‘અઠવાડિયામાં ત્રણ દહાડા તેનું માથું દુઃખે છે. પંદરમા વર્ષે તેને હિસ્ટીરિયા થાય છે. ઉત્ક્રાંતિક્રમનું પરમ સાધન જે સ્ત્રી તેના અસ્તિત્વનો હેતુ સંતાન જણવાં. એ સ્વાભાવિકમાં સ્વાભાવિક કાર્ય તે સાધારણ રીતે કરી શકતી નથી.’

‘તે દુઃખ સહી શકતી નથી. તે ખાઈ શકતી નથી. તે ચાલી શકતી નથી. તે બીજાને દુઃખી કરે છે. કૃત્રિમ ભાવમયતા અનુભવી શકે છે. પતિનો વિયોગ પળવાર વેઠી શકતી નથી. તે જીવનમાં રસ દેખાડે છે, છતાં એક પણ કામ રસ લઈને કરી શકતી નથ. નિર્દોષ ઉત્સાહ ને તોફાનથી તે કંટાળે છે. આ બધાં રોગિષ્ઠ માનસિક દશાનાં લક્ષણો છે.’

‘આ સ્રી છોકરાં નથી ઉછેરી શકતી કે નથી કેળવી શકતી. તેને છોકરાં ગમતાં નથી; પણ દૈવના ઘરની વેઠ લાગે છે.’

‘તે શારીરિક કસરત કરતી નથી અને તે તરફ આકર્ષાતી નથી.’

‘ગૃહસ્થો ! શાસ્ત્રીય દૃષ્ટિએ આ સ્ત્રી જ ખરી સેવા બજાવી રહી છે. એ આપણી નિર્જીવ જાતિનો અંત ઝપાટાભેર પાસે આપણી જાય છે - ને તેટલે અંશે મનુષ્યજાતિનો વિજય સાધતી જાય છે. અને તે કેવી રીતે ?’

‘તે સંતાન જણતી નથી, જણે છે તો તે કાર્યમાં જ મરણ પામે છે. જો ભૂલેચૂકે તે અને સંતાન જીવે છે તો સંતાન ટૂંકજીવી ને રોગિષ્ઠ હોય છે, ને પોતે પાંચ વર્ષ સુધી સ્પ્રુથી પીડાય છે. ઘણે ભાગે તે અને સંતાન બંને થોડે વર્ષે મરી જાય છે, અને એક નિર્જીવ જાતિના કુટુંબની સમાપ્તિ થાય છે.’

‘આમ દર વર્ષે અનેક સ્ત્રીઓ આ સૃષ્ટિક્રમનું અપૂર્વ કાર્ય કરી રહી છે; અને તે દિવસે દિવસે એટલું ઝપાટાભેર ચાલતું જાય છે, કે ગુજરાતી પ્રજાનો અંત થોડાંએક વર્ષોમાં આવી રહેશે એમ મને જણાય છે.’

‘એક નિર્જીવ જાતિનું ઉન્મૂલન સાધવા અને મનુષ્યવિકાસનો વિજય સાધવા તત્પર બનેલી આ ગુજરાતી સ્ત્રીને જ માત્ર અર્ઘ્ય ઘટે છે. તેથી આ પ્રસંગે ઈતિહાસમશહૂર, પણ જીવવાને નાલાયક પ્રજાનું નિકંદન કાઢવા કાર્યસાધક સંહારિણીને હું અર્ઘ્ય આપું છું; અને અનેકાનેક વાર પ્રાર્થું છું, કે તેના ખપ્પરમાં બધાંને લઈ આ ભૂમિ યોગ્ય પ્રજાને વસવા લાયક જલદી બનાવે.’

સભામાં કંપારી વછૂટી. એકાગ્ર ચિત્તથી સાંભળી રહેલા શ્રોતાજનોને કાને પ્રલયકાળનો ઘુઘવાટ સંભળાયો. કોઈને બોલવાના હોશકોશ રહ્યા નહીં.

પણ પ્રમુખ મહાશયે સ્વસ્થતા મેળવી અને ત્રાસથી આવેલો પરસેવો લૂછ્યો.

તેણે ખુરશી ખસેડી અને ડૉ. રસનિધિના ભાષણનો જાદુ તૂટ્યો. બધાએ નિઃશ્વાસ મૂકી, ગુજરાત હયાત છે તેનો પુરાવો જોવા ચારે તરફ જોયું, અને પ્રમુખને ઊભા થતા જોઈ તાળીઓથી તેમને સૌએ વધાવી લીધા.

પ્રમુખ રા. ભાઈ એડી પોલોએ પછી પોતાનું ભાષણ મોટેથી શરૂ કર્યુંઃ

‘સભ્યો ! અત્યારે બોલવા ઊઠતાં મને આનંદ થાય છે. આવા વિદ્વાનોની સભાનું પ્રમુખસ્થાન હું કદી પણ લેવા લાયક હોઈશ એવો મને અત્યાર સુધી ખ્યાલ નહોતો (તાળીઓ). મેં બધાનાં ભાષણ ધ્યાનથી સાંભળ્યાં છે. અને મને આ મંડળ માટે એક રીતે ખેદ થાય છે. મારે કહેવું પડે છે, કે તમે બધા આજે મંડળમાંથી બરતરફ થઈ ગયા છો ! (અજાયબીનો ઘોંઘાટ) કાનૂન સત્તરમાના શબ્દોમાં કહું તો તમે અંગત પક્ષપાત કે દ્વેષથી વિવેચન કર્યું છે. (ના, નાના પોકારો.)’

‘તમે ના કહો, પણ હું હા કહું છું. તમારા જીવનના સવાલો ઉકેલી તમારી અર્ઘ્યાર્હ સ્ત્રી કોણ છે તે હું નક્કી કરવા માગતો નથી. એટલે તમે બરતરફ થવા લાયક છો; પણ તેમ કરનારને અભાવે તમે સભ્યો તરીકે કાયમ છો, ને આપણું મંડળ જીવતું રહ્યું છે. (તાળીઓ)’

‘આપણા મંડળને સદ્‌ભાગ્યે એક સભ્ય એ કાનૂન તોડી શકે એમ

નથી. તે હું છું અને મારે જ નસીબે ઉપસંહાર કરવાનું આવ્યું છે તે જઈ મને ચોક્કસ લાગે છે, કે ગુર્જર સ્ત્રીઓનું ભાવિ સોને મઢેલું છે (તાળીઓ). ગૃહસ્થો! હું તમારા જેવો એકદેશીય નથી. તેમ રા. ભાઈ પુરુરવા જેવો હું જૂના વિચારનો નથી. રા. ભાઈ રસનિધિ જેવો જનાવરશાસ્ત્રી નથી. મારું દૃષ્ટિબિંદુ પુરુષનું છે - સર્વદેશીય છે. (તાળીઓ)’

‘ગૃહસ્થો ! કોને અર્ઘ્ય આપવો એ વિષય મોર મન - ખરા પુરુષને મન - અઘરો નથી. મારું હૃદય વિશાળ છે. (તાળીઓ) મને સ્ત્રીપૂજા વિના ચાલી શકતું નથી. જ્યાં સ્ત્રી છે ત્યાં હું અર્ઘ્ય આપવા તલસું છું (તાળીઓ) જ્યાં સ્ત્રીનો પગરવ સંભળાય છે ત્યાં મારું હૈયું પૂજાઘેલું થઈ જાય છે. (તાળીઓ)’

‘હું ગુણદોષ જોવા રહેતો નથી, (તાળીઓ), હું ચારિત્ર્યનું પૃથક્કરણ કરતો નથી, (તાળીઓ) હું રૂપ ને ખોડ જોઈ શકતો નથી. જ્યાં ઉત્ક્રાંતિક્રમના પરમ સાધનરૂપ જગજજજની, જગદ્વિલાસિની, જગન્મોહિનીનાં દર્શન થાય છે, કે હું પ્રણિપાત કરું છું, અર્ઘ્ય આપું છું ને ઉચ્ચારું છું :’

નમામિ કમલામ્‌

અમલામ્‌ સુસ્મિતામ્‌

ધરણીમ્‌ ભરણીમ્‌

માતરમ્‌

(ઘણી જ તાળીઓ)

૧૯. કંડુ આખ્યાન

ટીકાકારની નોંધ

(જેમ બીજા ધર્મોના પવિત્ર ગ્રંથોમાં પુરુષ અને સ્ત્રીના સર્જનનો ઈતિહાસ મળીઆવે છે તેમ આપણા ગ્રંથોમાં પણ મળી આવે છે, પણ આપણો ધર્મ સનાતન હોવાથી, અને આપણા ગ્રંથો ત્રિકાલક્ષ મહાપુરુષોથી જ રચાયેલા હોવાથી આપણે ત્યાં મળી આવતો ઇતિહાસ ચોક્કસ અને સપ્રમાણ છે અને નિર્વિવાદ છે. બધા ધર્મો માને છે, કે સૃષ્ટિનો સમ્રાટ પુરુષ તો તે પહેલાં જ બન્યો, પણ સ્ત્રીઓને પાછળથી ઈશ્વરે રચી એમ જે બીજા ધર્મગ્રંથોની માન્યતા છે તે આપણા ગ્રંથોનો આધાર જોતાં ખોટી નીકળે છે. સ્ત્રીમાત્ર કંડુ મુનિએ કરેલી ભૂલથી જ પ્રગટી એમ આપણો ઇતિહાસ કહે છે. ઇતિહાસ ટૂંકમાં વિષ્ણુપુરાણ અંશ પહેલો, અધ્યાય પંદરમામાં મળી આવે છે.

એક દિવસ એક વિદ્વાનના પુરાણા પુસ્તકાલયમાં હું પુરાણોની જુદી જુદી પ્રતો જોતો હતો ત્યાં એક વિષ્ણુપુરાણની જર્જરિત પ્રત હાથ લાગી. તેમાં કંડુ મુનિના આખ્યાનનો અને સ્ત્રીના સર્જનનો અધ્યાય કંઈ જુદી જ રીતે લખાયેલો લાગ્યો. એ આખ્યાન આપણા ધર્મનું-બલકે બધા ધર્મોનું અને કેટલેક અંશે આપણા સમાજનું સ્ત્રીઓ તરફનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. એ આખ્યાનનું સંશોધન કરી તે સટીક પ્રગટ કરવાની મને તરત હોંશ થઈ આવી, અને મેં આ કાર્ય આરંભ્યું. આશા છે, કે એમાં રહેલું રહસ્ય વાચકને સમજાશે. તરજુમો કરવાની મારી શક્તિ નબળી છે; છતાં દોષ તેટલા મારા ને ગુણ તેટલા અસલના એ સિદ્ધાંતે વાચક ચાલશે, તો આ આખ્યાન એમાં કહ્યું છે તે પ્રમાણે ‘શ્રોતવ્ય અને વક્તવ્ય’ બંને લાગશે. આપણા જમાનામાં સાક્ષરવર્ગે પિતા પુત્રી આગળ વાંચી શકે એવું જ સાહિત્ય પ્રગટાવવાનું ધોરણ બાંધેલું છે. એ ઉત્તમ ધોરણ સંસ્કૃત સાહિત્યના રચનારના સમયમાં કાં તો માન્ય ન હોય, કે કાં તો પિતા ને પુત્રી સિવાયના બીજા સંબંધીઓ વચ્ચે સાહિત્યના આનંદની લહાણ તે વખતે થતી ન હોય એમ આ આખ્યાન પરથી લાગે છે.

આ આખ્યાનમાં જે શ્લોક પર ફુદરડી મૂકી છે તે કે તેમાંનો ઘણો ભાગ પ્રચલિત પ્રતોમાં મળી આવે છે - ઈતિ શિવમ્‌

-સંશોધક ને ટીકાકાર.

મૈત્રેય ઉવાચ :

મુનિઓમાં શ્રેષ્ઠ ! સ્ત્રી કોણે સરજાવી અને એને સરજાવવાનો હેતુ શો ? એ પુરુષને અધમ કેમ કરે છે, અને એને ત્યાગેથી જ કેમ મોક્ષ મળે છે ? ૧

હે પરાશર ! જીવનમાં ને ધર્મમાં સ્ત્રીનું સ્થાન શું ? બ્રહ્મચર્યથી જ તપની સિદ્ધિ કેમ ? અને સ્ત્રીના ત્યાગથી જ તપની સિદ્ધિ છે તો સ્ત્રી પેદા કેમ થઈ ? અને પેદા થઈ તો તેને અનધિકારી કેમ ગણી છે ? ર

હે વેદવિદોમાં શ્રેષ્ઠઃસ્ત્રીઓના ત્યાથી જ મોક્ષ મળે છે, એમ શ્રુતિ કહી ગયા છે એમ અમે સાંભળ્યું છે. તો એવા ત્યાગીઓમાં પહેલો કોણ ? અને તેણે શા સારુ સ્ત્રીને ત્યાગી ? આ બધા પ્રશ્નોનો ઇતિહાસ ને નિરાકરણ અમે ધ્યાનપૂર્વક સાંભળવા માગીએ છીએ. ૩

પરાશર ઉવાચ :

સ્ત્રી જ સૃષ્ટિમાં કલંકરૂપ છે; અને એને ત્યાગે જ મોક્ષ મળે છે. એને ઘડ્યાથી સૃષ્ટિની સંપૂર્ણતા પણ દોષવાન દેખાય છે - એમ હે મૈત્રેય ! પરાપૂર્વથી વિબુધો કહી ગયા છે. ૪

સ્ત્રીઓને ત્યાજ્ય ગણવી એ અનાદિકાળથી સાંપડેલી ચેતવણી છે. એને પુરુષો વીસરે છે એ જ તેમના નિર્બળતા અને અધઃપતનના સાધનની સબળતા દર્શાવે છે. પ

બધી ઊર્ધ્વગામી પ્રેરણાઓની શત્રુ; તપની વિનાશક; મોક્ષ માર્ગમાં અંતરાય - એવી રાક્ષસી તે સ્ત્રી છે; એમ જ્ઞાનીઓનાં વચન સપ્રમાણ છે. ૬

દર્શનથી તે ચિત્ત હરે છે; સ્પર્શથી તે બલ હરે છે,....•નારી પ્રત્યક્ષ રાક્ષીસી છે. ૭

• આ જગ્યાએ પ્રત ફાટેલી છે.

આ જ્ઞાન આદ્ય ત્યાગી કંડુ મુનિના આખ્યાનથી મળે છે. બ્રહ્મચર્યના રહસ્યની પ્રતીતિ થાય એવું આ આખ્યાન પૂર્વે બ્રહ્માએ સનકાદિ ઋષિઓને કહી સંભળાવેલું છે. ૮

આ કંડુ મુનિ પ્રજાપતિ દક્ષની માતા આદ્ય સ્ત્રી મારિષાના પિતા હતા, એમના વડે જ સ્ત્રીઓ અને બ્રહ્મચર્ય બંને પ્રગટ્યાં. એમના વડે આખી સૃષ્ટિ પેદા થઈ. ૯

એ શ્રોતવ્ય અને વક્તવ્ય છે; એના શ્રવણથી મોક્ષ મળે છે; એ ત્રણ કાળ સમરવા જેવું છે અને એનાથી સંસારસાગર સહેલાઈથી તરી શકાય છે. ૧૦

મૈત્રેય ઉવાચ :

હે પરાશર ! તમે અમારી ઉત્કંઠા ઘણી વધારી છે. મોક્ષના માર્ગનું સાધન એવું એ આખ્યાન અમને શ્રવણ કરાવો. અમે એકાગ્ર ચિત્તે તે સાંભળવા ઉત્સુક બન્યા છીએ. ૧૧

પરાશર ઉવાચ :

હે મૈત્રેય ! સૃષ્ટિના પ્રારંભમાં ગોમતીન રમ્ય તીરે સ્વચ્છ ને નાનકડી પર્ણકુટિમાં શાંત ને એકલા આ મુનિઓમાં મોર અડગ રીતે તપ આચરતા હતા. ૧ર

પ્રાણને રોધી, ઇંદ્રિયોને દમી, નાસિકાગ્રે નયનો રાખી પૃથ્વીના વિશાળ એકાંતમાં અપૂર્વ નિર્લેપતા તે અનુભવી રહ્યા હતા. ૧૩

સ્ત્રી કે સંસાર, તેમનાં અનુગામી પાપ તે દુઃખો હજી ઉદ્‌ભવ્યાં નહોતાં; અને છતાં જાણે ભાવિના ભારને વહેતા હોય તેમ મુનિવર્ય સદોષ સૃષ્ટિને પહેલેથી જ દોષરહિત કરવા મથી રહ્યા હતા. ૧૪

આ મહાત્માના સાથીઓમાં સૂર્ય, ચંદ્ર ને તારાગણ હતા,૧ ગોમતીનાંનીરનું સુસંગીત તેમના આત્મામાં ઊર્મિ આણવા પૂરતું હતું. ૧પ

૧ દક્ષ પ્રજાપતિથી બધાં પ્રાણીઓ થયાં એટલે કંડુ મુનિના સમયમાં ઝાડ, બીડ ને પૃથ્વી સિવાય બીજું કંઈ હોવાનો સંભવ નથી -

સૂર્યોદયની જ નવીનતા તેમના હૃદયમાં હોંશનો સંચાર કરતી. મન થતું તે તે ખાતા. મોજ થતી ત્યાં તે વિચરતા. દુઃખના પડઘા તેમના જીવનમાં કદીય પડતા નહીં. ૧૬

બધાં પાપનું મૂળ જે સ્ત્રી, તેના સંચાર વિનાની સૃષ્ટિના તે એકાકી ભોક્તા હતા.• .....૧૭

• અહીંયાં એક ચરણ બરોબર વંચાતું નથી.

કોઈક વખત નિર્જન સૃષ્ટિની એકલતા તેમને આકરી લાગતી; પણ માનુષી નિર્બળતાનું એ પરિણામ છે એમ માની શમ, દમ, જપ ને તપ વડે તે પોતાના સ્વભાવને જીતી રહ્યા હતા. ૧૮

એક દિવસ સવારે ભગવાન કંડુ મુનિએ નિદ્રા ત્યાગી પર્ણકુટિની બહાર જોયું તો પરોઢિયું થવા આવ્યું હતું. ૧૯

‘આ રોજ ઊઠવું શું ?’ એમ કંટાળો આવતાં મુનિએ જમણા ને ડાબા નસકોરા આગળ આંગળી ધરી શ્વાસે માપ્યો, અને આ પ્રશ્નમાં રહેલી નિર્બળતા તેમના પ્રૌઢ હૃદયમાં કેમ વસી તેનો તર્ક કર્યો. ર૦

ટીકાકાર

આખરે તે ઊઠ્યા. વિધિનું ધાર્યું કદી મિથ્યા થતું નથી. હાથમાં કમંડળ લઈ તે ગોમતી તરફ પ્રાતઃસંધ્યાકરવા ચાલ્યા. ર૧

શુદ્ધ જળથી સ્નાન કરી, તેમણે પ્રાણાયામે પ્રાણ રોધ્યા. ઊગતા સૂર્યને અર્ઘ્ય આપતાં તેમણે અનિમિષ નેત્રો સૂર્યબિંબ પર ઠાર્યા. રર

સવિતાના બિંદુનું ધ્યાન કરતાં વચમાં અંતરાય આવ્યો. મુનિની એકાગ્રતા ગઈ. નરમાં શ્રેષ્ઠ ને તપસ્વીઓમાં પ્રથમ એવા તે મુનિના શાંત હૃદયમાં ગભરાટ પેઠો. ર૩

ને સમયે એમણે સૂર્ય ને તેમની વચ્ચે એક નાનું વાદળું ઊતરી આવતું જોયું અને સ્ત્રીથી અપરિચિત એવા તે મુનિના અચંબાનો પાર રહ્યો નહીં. ર૪

તે અભ્ર તેમના જેવા ઘાટનું છતાં સુરમ્ય હતું. બે હાથ ને બે પગ તેને હતા એમ લાગ્યું; છતાં તેમના જેવા વાળથી તે આચ્છાદિત નહોતું. રપ

તેનું સ્વરૂપ સંધ્યાના સુવર્ણરંગી વાદળના જેવું રમણીય હતું અને છતાં તે વાદળમાં પૂર્ણ ચંદ્રનું બિંબ પણ દેખાયું. ર૬

આવું રમણીય ને અપરિચિત દૃશ્ય જોઈ મુનિનું રોમેરોમ ખડું થઈ ગયું. તે બીધા; તેમને જરા રસ પડ્યો; ને કંઈક ઉત્સાહ આવ્યો. ર૭

મુનિને લાગ્યું, કે આ દર્શન ક્ષણમાં અદૃષ્ટ થઈ જવાનું. તેથી જેમ તરસ્યો માણસ પી પી ધરાય નહીં તેમ મુનિનાં નેત્રો તેને જોઈ ધરાયાં નહીં. ર૮

તે અપાર્થિવ ને તેજસ્વી વાદળ ચંદ્રના બિંબ સહિત ગોમતીને તીરે ઊતર્યું અને સરિતાના નીરથી પણ વધારે હૃદયભેદક એવં સંગીત મુનિના હૈયામાં શરૂ થયું. ર૯

આ વાદળમાં રહેલા ચંદ્રબિંબની આસપાસ વાળ, કાળા સુંવાળા ને લાંબા હતા; અને તે પવનમાં સ્વચ્છંદે વિહરતા, અને વાદળની સુરમ્ય રેખાઓને અવારનવાર ઢાંકતા. ૩૦

ચંદ્રબિંબ મીઠું હસતં, તેની સુમધુર મોહકતા ન જોઈ શકવાથી મુનિએ વાદળાની રેખાઓ તરફ નજર કરી, અને અપૂર્વ આનંદભર્યો ઉત્સાહ તેમની રગેરગમાં ઊછળી રહ્યો. ૩૧

આ ઉત્સાહ અપરિચિત હતો; છતાં આવા આનંદનો અનુભવ તેમના તપની પરમ સિદ્ધિ દાખવતો હોય એમ બ્રહ્મ પામવા મથતા એ યોગીંદ્રને લાગ્યું. ૩ર

મુનિએ સૂર્ય તરફ જોયું તો તે ઝાંખો લાગ્યો; પૃથ્વી તરફ જોયું તો તે નિસ્તેજ દેખાઈ. માત્ર અંધારી થતી સૃષ્ટિમાં તેજનું મૂળ પેલું વાદળું જ હતું, અને તપથી તેજસ્વી બનેલી મુનિની દૃષ્ટિ એ તેજ સિવાય બીજે ઠરી નહીં. ૩૩

‘શું કરો છો ?’ એમ સુમધુર સ્વરે પેલા વાદળાએ પૂછ્યું. અને ચારે દિશામાં આનંદના તરંગો સૃષ્ટિને વીંટી વળ્યા. ૩૪

મુનિએ અંતરનાદ, પ્રકૃતિનાદ ને બ્રહ્મનાદ એમ ત્રિવિધનાદ સાંભળ્યા હતા. ને પોતાનો અવાજ ઝાડોની ઘટામાં ને ગુફાના અંધકારમાં પ્રતિશબ્દ કરતો સાંભળ્યો હતો; પણ આવો અવાજ તેમણે કદી સાંભળ્યો નહોતો. ૩પ

તેમને તે અવાજ બ્રહ્મનાદના સાર સમાન લાગ્યો. તેમની નસેનસમાં અદ્‌ભુત સંગીત પ્રસરી રહ્યું. તેમના અંતરમાં અજબ પ્રેરણા થઈ. હસીને તે પાણીની બહાર નીકળી પેલા અભ્ર તરફ આવ્યા. ૩૬

પણ પાસે જઈ મુનિ સ્તબ્ધ બની ઊભા. રમણીય વાદળના આકર્ષણનું પ્રાબલ્ય વધવાથી તે હાલી શક્યા નહીં. માત્ર તે ચંદ્રબિંબથી સ્તન, સ્તનથી૧ તે પગ સુધીની રમણીયતા જોઈ જ રહ્યા. ૩૭

૧. અહીંયાં પ્રત ફાટી ગઈ હોવાથી કંઈક શબ્દો ખૂટે છે.

વાદળું હસ્યું; તેના હાસ્યથી તો સ્થિતપ્રજ્ઞના રોમાંચ ખડા થયા. તેમણે વાદળમાં રહેલા મુખ જેવા ચંદ્રબિંબ પર નજર ઠારી તો તેના હોઠમાં કંઈ નવીનતા જણાઈ. સ્પર્શે એ હોઠ કેવા લાગશે એવો સ્વાભાવિક વિચાર અહિંસાદિ યમ જેમણે સંપૂર્ણ રીતે સાધ્યા છે એવા તપસ્વીના ચિંતનશીલ મગજમાં સ્ફુર્યો. ૩૮

મુનિએ પણ હસી દીધું. હસવું જાણે એક લહાવો હોય તેમ તેમણે હસ્યા જ કર્યું. તે પાસે આવ્યા તો જોયું, કે વાદળું પારદર્શક નહોતું; પણ તેમના જેવું સ્થૂળદેહી હતું. તેમના અંચબાનો પાર રહ્યો નહીં. ૩૯

વાદળનો સ્વભાવ વાયુ જેવો સૂક્ષ્મ છે એવા જ્ઞાનવાળા આ મહાતપસ્વીને આ રમણીય વાદળને બે હાથે સ્પર્શ કરી તેની સ્થૂળતાની ખાતરી કરવાની અત્યંત ઉત્કંઠા થઈ. ૪૦

‘તમે અહીંયાં એકલા જ છો ?’ એવા મધુર અવાજે પ્રશ્ન કરતું તે વાદળ આશ્ચર્યચકિત નયનોથી તે મુનિને જોઈ રહ્યું. ૪૧

મુનિ એકલા જ રહેતા હતા અને એકલા જ મરવાની આશા રાખી રહ્યા હતા. તેમના જેવા આજન્મ આત્મનિષ્ઠને સાથીની આકાંક્ષા હતી જ નહીં. ૪ર

પોતાના સિવાય બીજા કોઈના સ્વરથી અપરિચિત મુનિ વાદળના સુંદર સ્વર સાંભળી બ્રહ્મનાદની સિદ્ધિ અનુભવવા લાગ્યા. ૪૩

છતાં મુનિને આ સવાલ દુઃખદ લાગ્યો. આ પ્રશ્નથી જાણે હૃદયના ઊંડાણમાં એકલતાનો ત્રાસ પેસી ગયો હોય તેમ તેમને લાગ્યું. ૪૪

તેમણે દયાજનક દૃષ્ટિપાત પેલા વાદળ તરફ નાંખી ખિન્ન અવાજે પ્રત્યુત્તર વાળ્યો : ‘હું શું કરું ?’ ૪પ

‘કેમ, તમારે કોઈ નથી ?’ એમ સવિસ્મય પ્રશ્ન પૂછતા રમણીય વાદળને ‘બીજું કોણ હોય ?’ એવો જવાબ મુનિએ વાળ્યો. ૪૬

આ પ્રશ્ન સાંભળી તે વાદળના હસવાનો પાર રહ્યો નહીં, અને અધઃપતનની ભવિષ્યવાણી કરતું હોય તેમ તેણે પૂછ્યું : ‘તમારે સ્ત્રી નથી ?’

સ્ત્રી શી વસ્તુ છે, એ વાતથી અણજાણ એવા શુદ્ધહૃદયી કંડુ મુનિ, સ્ત્રી એટલે શું, શા સારુ સ્ત્રી તેમને હોવી જોઈએ એવા તર્કોનું નિરાકરણ કરવાને અશક્ત, માત્ર જોઈ જ રહ્યા. ૪૮

મુનિને આમ નિઃશબ્દ જોઈ વાદળું ખડખડ હસ્યું. કોઈની જોડે વાત કરવાના અનુભવ વિનાના તપસ્વીએ મહામહેનતે પૂછ્યું : ‘તમે કોણ છો ?’ ૪૯

‘હું અપ્સરા છું. દેવલોકમાં મને પ્રમ્લોચા કહે છે.’ એવા સુંદર શબ્દથી તે વાદળ પોતાનું ઓળખાણ આપતું હતું. પ૦

‘પ્ર - મ્લો - ચા’ એમ મહામહેનતે શબ્દ ઉચ્ચારતાં મુનિ ‘દેવલોક શું છે ?’ એવો પ્રશ્ન પૂછી રહ્યા. પ૧

જવાબમાં પ્રમ્લોચાનું તિરસ્કારયુક્ત હાસ્ય સાંભળી મુનિ સ્તબ્ધ થઈ મૂંગા રહ્યા અને બોલવાનું તેમને ભાન ન રહ્યું. પર

‘મુનિશ્રેષ્ઠ ! આ પેલા વ્યોમને પેલે પાર દેવોની ભૂમિ છે. ત્યાં સદા આનંદમાં દેવદેવીઓ ને અપ્સરાઓ વિહરે છે.’ એમ અપ્સરાએ કહ્યું. પ૩

‘તમારા જેવાં ?’ પોતાની એકલી સ્થિતિથી ખિન્ન બની મુનિએ પૂછ્યું, ને ગદ્‌ગદ કંઠે કહ્યું : ‘ને હું અહીંયાં એકલો જ ?’ પ૪

આમ આત્મનિષ્ઠ મુનિસત્તમ પાપના પ્રારંભથી થતી વેદના હોય તેમ પોતાની એકલતાથી તીવ્ર દુઃખ અનુભવવા લાગ્યા. પપ

‘પ્રમ્લોચા !’ નામ ઉચ્ચારણથી જ માધુર્ય ઝરતું હોય એમ રસથી મુનિએ તેને સંબોધી, અને જન કે જાનવર વિનાની સૃષ્ટિના તે ધણીના આર્ય હૃદયમાં અતિથિયજ્ઞની ભાવનાનો સંચાર થયો. પ૬

અને ‘પેલા આશ્રમમાં આવશો ? હું થોડાં ફળ આપું,’ કહી તે મહાત્માએ આદરથી અપ્સરાને નિમંત્રણ આપ્યું. પ૭

‘ના, મારે દેવલોકમાં પાછાં જવું છે.’ એમ કહી તે સુંદર અપ્સરાએ ત્યાં રહેવાની નારાજી બતાવી. પ૮

આ શબ્દ સાંભળી તે સ્થિતપ્રજ્ઞનાં ગાત્રો ગળી ગયાં, અને મુખ સુકાઈ ગયું. કાયાને કંપારી છૂટી અને રોમાંચ ખડો થયો.• પ૯

• આમાં ‘ગીતાજીના અધ્યાય પહેલાના શ્લોક ર૮-ર૯નો ધ્વનિ જણાય છે. આ આખ્યાનની તિથિ નક્કી ન થઈ શકવાથી ક્યો શબ્દ અને ક્યો પ્રતિશબ્દ તે નક્કી કરવાની અશક્તિ દર્શાવતા ટીકાકારને ખેદ થાય છે.

તેમને લાગ્યું, કે પ્રમ્લોચાથી જ શરીરમાં પ્રાણ છે ને વ્યોમમાં સૂર્ય છે અને તેના જ વડે તે જીવે છે, ને તેના જવાથી તે નક્કી મરવાના. ૬૦

આ જ્ઞાનની પ્રાપ્તિ થતાં મુનિની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં, અને પ્રણિપાત કરી ન જવાની પ્રાર્થના તેમણે ગદ્‌ગદ કંઠે કરી. ૬૧

મુનિની પ્રાર્થના જેના હૃદયમાં વસવા માંડી છે એવી તે અપ્સરાએ આખરે પૂછ્યું : ‘હું અહીંયાં રહું, પણ કરું શું ?’ ૬ર

‘હું ફળ આપીશ, ફૂલ આપીશ, પવન ઢાળીશ.’ એવાં વચનો કાઢ્યા છતાં પણ તે અપ્સરા રિઝાઈ નહીં, એમ જોતાં તે મુનિના ખેદનો પાર રહ્યો નહીં. ૬૩

‘હું તારા પગની રજ થઈ રહીશ. હું તને નિરંતર રીઝવ્યા કરીશ ને તું જશે તો હું દેહ આપીશ.’ એવા શબ્દો વડે હાથ જોડી તે અરજ ગુજારી રહ્યા. ૬૪

ને અપ્સરા કઠણ હૃદય કરી રખેને ચાલી જાય એવો ભય જેને વ્યાકુળ કરી રહ્યો છે એવા મુનિ, તેના પગ પર માથું મૂકી અનેક વાર તેને વીનવવા લાગ્યા. ૬પ

કોમળ હૃદય જેનું આર્દ્ર થયું છે એવી અપ્સરા છટાભરી કમરમાંથી નીચી વળી : ‘આ શું કરો છો ?’ એમ બોલતી તે મુનિને ઉઠાડવાનો ઉદ્યુક્ત બની. ૬૬

અપ્સરાનો સ્પર્શ થતાં રોમેરોમ જેને અગ્નિ વ્યાપ્યો છે એવા મહાત્મા કૂદીને ઊભા થયા અને યાચકની નમ્રતા વીસરી તે અપ્સરાને વળગી પડ્યા.

દેવાંશી અપ્સરાનો દેહ આકાશ તત્ત્વનો છે, કે પાર્થિવ તત્ત્વનો, દાબે એ દેહ રહે છે કે, પીગળી જાય છે, એનો કંઈ નિર્ણય કરતા હોય તેમ તે મુનિ અપ્સરાને જોરથી દાબી રહ્યા. ૬૮

આ અપ્સરાના મુખચંદ્રમાંથી સુધા વહે છે કે નહીં, એ પરમ ગહન વિષયનું એકાગ્રતાથી નિરાકરણ કરતા હોય તેમ મુનિ તેના અધરનું પાન કરતા હતા. ૬૯

આ ઉત્સાહ ને અધીરાઈ જોઈ તે કોમળાંગી અપ્સરાએ હસતે નયને અને ‘હું રહીશ, હું રહીશ,’ એવે શબ્દે તે મુનિને આશ્વાસન આપ્યું. ૭૦

પછી મુનિ અને અપ્સરા નિર્જન સૃષ્ટિની ફાલેલી કુંજોમાં વિહરવા લાગ્યાં, અને પુષ્પોના હારથી એકમેકને શોભાવવા લાગ્યાં. ૭૧

પર્વતનાં શૃંગો પર અને નદીઓને તીરે એ બેનું સુમધુર ને ભાવભીનું સંગીત દશે દિશામાં મોહક પ્રતિશબ્દ પાડવા લાગ્યું. ૭ર

હસીહસીને બોલાવવાથી, એકબીજા પાછળ રમતમાં દોડવાથી ઉદ્‌ભવેલા અને પરસ્પર દીધેલાં ચુંબનોના અવાજથી બધી ખીણો સશબ્દ થઈ રહી. ૭૩

દિવસે વૃક્ષની શીતળ છાયા નીચે અને રાતે ગોમતી તીરની રેત પર એકબીજાની કર-લતામાં, અપ્સરાના કેશથી આચ્છાદિત બની હૃદય પર હૃદય ને અધર પર અધર રાખી તેમણે સમય વિતાવવા માંડ્યો. ૭૪

ગોમતીના નીરનાં ફોર ઉડાવી એકબીજાને ભીંજવતાં, અને પાણીમાં ડૂબકી મારી એકબીજાને વિહ્‌વળ બનાવતાં એમનો મધ્યાહ્ન ઝપાટાભેર ચાલ્યો જવા લાગ્યો. ૭પ

સ્વપ્નમય જાગ્રત અવસ્થામાં, અને જાગ્રતસમ સ્વપ્નાવસ્થામાં, અભિન્નતા અનુભવતાં એમને રાત્રિઓ હતી ન હતી લાગવા માંડી. ૭૬

હે મૈત્રેય ! આમ એકબીજાથી ન ધરાતં નિર્જન સૃષ્ટિને પોતાના કલ્લોલથી પૂરી દેતાં, અને અણદીઠા નિરંતર આનંદોમાં નિમગ્ન બની રહેતાં તે કાલનિર્ગમન કરતાં હતાં. ૭૭

મૈત્રેય ઉવાચ :

હે પરાશર ! આમ ને આમ આ મુનિ અને અપ્સરાએ ક્યાં સુધી વિહાર કર્યો અને આખરે શું થયું તેની સવિસ્તાર કથા અમને કહો. ૭૮

પરાશર ઉવાચ :

આ પ્રમાણે સંયમીઓનાં શ્રેષ્ઠ એવા કંડુ મુનિને પ્રમ્લોચા અપ્સરા સાથે નિરંતર વિહરતાં સમયનું કિંચિત્‌માત્ર પણ ભાન રહ્યું નથી. ૭૯

આમ ને આમ સાથે ને સાથે રહેતાં શત શરદો વહી ગઈ અને દેવલોકમાં જવાની ઇચ્છાવાળી પ્રમ્લોચાએ કરગરીને રજા માગી. ૮૦

પ્રમ્લોચા જ જેના પ્રાણનો આધાર છે એવા મુનિને આ યાચનાથી જાણે જીવ જતો હોય એમ લાગ્યું. એકલા રહેવાની બીકે તે થરથર કાંપવા લાગ્યા અને તેમણે સાશ્રુનયને અપ્સરાને વીનવી. ૮૧

કંડુ ઉવાચ :

ચંદ્રકિરણની શાંતિને સૂર્યકિરણના ઉલ્લાસની દાતા ! તારા આ શબ્દથી મારું હૃદય કંપે છે, ને મારા જીવમાં ફાળ પડી છે. ૮ર

મારા તપની પરમ સિદ્ધિરૂપ પ્રમ્લોચા ! અનેક સદીઓ સુધી મેં તારે સારુ વાટ જોઈ તને મેં પ્રાપ્ત કરી તે શું ભૂલી ગઈ ? ૮૩

હું તારે જ જીવ્યે જવું છં. તારા સહચાર વિના હું પળ વાર પણ પ્રાણ ધારી શકું એમ નથી. તું મને છોડી જવાની ક્રૂર વાત શા સારુ ઉચ્ચારે છે ? તારા વિના જીવિત નકામું છે. ૮૪

ચંદ્રમુખી ! મારું તું જ સર્વસ્વ છે. તું જશે તો સૃષ્ટિ પર મારો સૂર્ય સદાનો અસ્ત થશે. મારા પ્રાણના આધાર ! તું જા નહીં, મારા પર દયા કરી અહીંયાં જ રહે. ૮પ

પરાશર ઉવાચ :

મુનિને આ પ્રમાણે કરગરતા સાંભળી પ્રમ્લોચાની આંખો સજળ થઈ. તેને કંડુ મુનિનાં આંસુ લૂછી પોતાની કરલતાઓ તેમને ભીડી આશ્વાસન આપ્યું ૮૬

પ્રમ્લોચા ઉવાચ :

મુનિશ્રેષ્ઠ ! મને પ્રિય એવો દેવલોક મને સાંભરી આવે છે. સો વર્ષ થયાં ત્યાગેલા પિતૃગૃહનાં મને સદૈવ સ્વપ્નાં આવે છે. ૮૭

તમારો સાથ ને સૃષ્ટિનું નિરંકુશ સ્વામીત્વ રુચિકર છે; પણ મારાં સગાંસહોદરથી દૂર રહેવાનું દુઃખ કેમે કરી વિસરાતું નથી. ૮૮

મેં મારાથી બન્યું તેટલું સુખ આપ્યું છે; પણ હે સ્વામિન્‌ ! મને હવે જવાની રજા આપો ને આપ આપના નિત્યકર્મમાં પ્રવૃત્ત થાઓ. ૮૯

કંડુ ઉવાચ :

હે પ્રમ્લોચે ! હું તને કેમ જવા દઉં ? જેમ આંખ જવાથી આંધળો માણસ નિરાધાર થઈ રહે તેમ હું તારા જવાથી થઈ રહીશ. મારે સુભગે ! તું રહી જા. ૯૦

હે સુકેશી ! હું તપસ્વી છું. તું મારી યાચના નથી સ્વીકારતી તો તને આજ્ઞા કરું છું, અને તું તે નહીં માને તો હું તને શાપ આપીશ. રહી જા. ૯૧

પરાશર ઉવાચ :

આ પ્રમાણે પુનઃ પુનઃ પ્રાર્થિત એવી પ્રમ્લોચા યાચકની દયા ખાઈ અને શાપના ભયથી મુનિની સાથે રહેવાને કબૂલ થઈ. ૯ર

હૈ મૈત્રેય ! આમ ને આમ એકબીજાની સાથે ને સાથે રહેતાં ને વિહાર કરતાં તે મુનિ અને અપ્સરાએ બીજાં સો વર્ષ ગાળ્યાં. ૯૩

તે સો વર્ષમાં પણ દિવસ અને રાત, ઋતુ અને સ્થળની પરવા કર્યા વિના તેઓ નિરંતર આનંદનો અનુભવ કરી રહ્યાં. ૯૪

બે દેહમાં એક જ પ્રાણ હોય, બે દીપકમાં એક જ જ્યોત બળતી હોય, બે ભુવનમાં એક જ સૂર્ય શોભતો હોય તેવું તેમનું સાહચર્ય દેવોને પણ દુર્લભ હતું. ૯પ

પ્રત્યેક પ્રભાતે પ્રમ્લોચાને નીરખીનીરખીને દરરોજ અર્ઘ્ય આપતાં જેમ સવિતા તરફ ભક્તિ વધે તેમ મુનિની પ્રીતિ વધતી ચાલી. ૯૬

બીજાં સો વર્ષ પૂરાં થયાં ત્યારે પોતાને સ્વગૃહે જવાને ઉત્સુક એવી અપ્સરાએ ફરીથી રજા માગી; પણ આસક્તિના બળથી અને શાપની ધાકથી મુનિએ તેને જવા દીધી નહીં. ૯૭

એવી રીતે જ્યોર જ્યારે એ સ્ત્રી સ્વર્ગ પ્રતિ જવાની ઈચ્છા કરે ત્યારે ઋષિ તેને ‘રહે રહે’ કહી રાખતા. ૯૮

ભયથી નિરંતર બીજાની મરજી પ્રમાણે ચાલવું, અને પુરુષ યાચનાકરે તો તેની ના ન કહેવી એવો જેનો સ્વભાવ છે એવી તે સ્ત્રીએ ઋષિનો ત્યાગ ન કર્યો. ૯૯

ઋષિવર્યને અપ્સરાનાં અંતઃકરણ પરસ્પરના આકર્ષણથી ઘેલાં જેવાં થવા માંડ્યાં અને રાત્રિ ને દિવસ રમણ કરતાં કરતાં તેમને નવા નવા પ્રેમ ઉત્પન્ન થવા લાગ્યા. ૧૦૦

હે મૈત્રેય ! એકબીજાના હાથમાં હાથ રાખી, મૂંગે મોંએ વાર્તાલાપ કરવો અને એકમેકની આંખ પર આંખ ઠેરવી સંભાષણ જેવો જ સંતોષ લેવો; ૧૦૧

એકબીજાના શરીરના માત્ર સ્પર્શથી પરમ આનંદ પ્રાપ્ત કરવો ને એકબીજાનો સ્વર સાંભળી અવર્ણ્ય ઉલ્લાસો અનુભવવા; ૧૦ર

એકબીજાના ખોળામાં સૂઈ એકબીજાનાં નયનોને અર્ઘ્ય આપતાં સૂર્ય દેવતા વીસરવો, અને એકબીજાને ભુજમાં ભીડી ભિન્ન છતાં અભિન્નતા અનુભવવી; ૧૦૩

એકબીજાના અધર પર અધર રાખી સુધાની સરિતાનો સંગમ કરવો;૧ ૧૦૪

૧. આ જગ્યાએ પ્રત ફાટી ગઈ છે. પ્રત અહીંયાં સલામત હોત તો અસ્ખલિત તરજુમો કરનારના અરિધારાવ્રત વચ્ચે અને આધુનિક જમાનાના પ્રગટકર્તાના શિષ્ટાચારની સુંવાળી ભાવના વચ્ચે દારુણ યુદ્ધ થવાનો સંભવ થયો હોત એમ લાગે છે.

હે મૈત્રેય ! આ બધા વિલાસો કંડુ મુનિએ શોધ્યા, અને આ બધી પ્રથા એ સર્વશાસ્ત્રજ્ઞની બુદ્ધિથી સ્થપાઈ. હે તપસ્વી ! તું એ નક્કી માનજે. ૧૦પ

આથમતા અર્ધચંદ્રની શોભામાં સંધ્યા સમયે ગિરિશૃંગે અપ્સરાને અંકમાં લઈ બેસતા મુનિ પર્વતદુહિતાને રીઝવતા એવા શંકર જેવા લાગતા હતા. ૧૦૬

જ્યોત્સ્નાથી શુભ્ર થયેલી મધ્યરાત્રિએ વેળુની પથારીમાં પડી પ્રમ્લોચા પાસે પગ ચંપાવતા એવા તે ક્રીડાથાકથી થાકેલા જ્ઞાનીની શોભા શેષશાયી વિષ્ણુની શોભાને પણ વિસરાવવા લાગી. ૧૦૭

પ્રભાતે શરમાતી અપ્સરાને પકડવા દોડતા ઋષિ સરસ્વતી પાછળ દોડતા બ્રહ્માના પરાક્રમી ઉત્સાહની અદ્વિતીયતા છીનવી લેતા લાગ્યા. ૧૦૮

જ્યારે આમ ને આમ ચાર સદીઓ વહી ગઈ ત્યારે અપ્સરાની ગેરહાજરીથી ક્રુદ્ધ એવા ઇંદ્રે દૂત મોકલી પ્રમ્લોચાને દેવલોકમાં પાછાં ફરવાની આજ્ઞા કરી. ૧૦૯

દૂધ ઉવાચ :

હે પ્રમ્લોચા ! તારા વિરહથી પીડાઈ અને તારા આવવાની રાહ જોતાં જોતાં શતક્રતુનું શરીર સુક્કું અને વદન મ્લાન થઈ રહ્યું છે. ૧૧૦

પણ હે અપ્સરાઓમાં શ્રેષ્ઠ ! જ્યારથી એ દેવના પતિએ માનવી સાથેના તારા સહચારની ખબર સાંભળી છે ત્યારથી તેમની ખિન્નતાની સાથે ક્રોધ ભળી ગયો છે. ૧૧૧

ત્યારથી તે શચીના પતિની આંખ લાલ થઈ રહી છે, ભવાં ભેગાં થઈ ગયાં છે, હૃદય ધબકે છે ને હાથ ધ્રૂજે છે. ૧૧ર

ને અમરાવતીનો નાથ આજ્ઞા કરે છે, કે તારે દેવલોક પાછું આવવું અને આ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યાથી તું તે વજીના ભયંકર ક્રોધની ભોગ થઈ પડીશ. ૧૧૩

પરાશર ઉવાચ :

આ પ્રમાણે ઇંદ્રના ક્રોધની હકીકત દૂતને મુખે સાંભળી પ્રમ્લોચા થરથર કાંપવા માંડી અને ભયથી ત્રાસતી, અને છતાં મુનિને છોડવા તૈયાર નહીં એવી વિરોધસ્વભાવની તે સ્ત્રી મુનિની સોડમાં લપાઈ રહી. ૧૧૪

પ્રમ્લોચા ઉવાચ :

હે દેવના દૂત ! તે શચીના પ્રતાપી પતિને પ્રસન્ન કર અને જઈને કહે, કે આ પ્રમ્લોચા અપ્સરા હમણાં જ આપની સેવામાં હાજર થઈ કૃતાર્થ થશે. ૧૧પ

પરાશર ઉવાચ :

અપ્સરાના આ શબ્દ સાંભળીને જેનાં રૂંવાં ક્રોધથી ઊભાં થઈ ગયાં છે એવા કંડુ મુનિ મોટો બરાડો મારી આ પ્રમાણે બોલતા હતા. ૧૧૬

કંડુ ઉવાચ :

હે નિર્લજ્જ ! તું પાછી દેવલોકમાં જવા માગે છે તે સાંભળી મારા ક્રોધને આહુતિ મળી છે. તારે માટે સર્વસ્વ તજી દીધું; છતાં તું મને તજવા માગે છે. માટે હે પ્રમ્લોચા ! હું તને શાપ આપવા તૈયાર થયો છું. ૧૧૭

તું મને છોડી ઇંદ્ર પાસે જશે એ વિચારે તું આનંદ પામતી હોઈશ; પણ તું અહીંયાંથી જાય તે પહેલાં તને કૃતધ્નીને હું મારા તપના પ્રભાવ વડે બાળીને ભસ્મ કરીશ. ૧૧૮

પરાશર ઉવાચ :

આ પ્રમાણે સંબોધાયેલી તે અપ્સરા સ્ત્રીના સ્વાર્થી સ્વભાવ પ્રમાણે બેમાંથી ક્યું દુઃખ વહોરવું તેનો નિર્ણય કરવાને અસમર્થ આંસુ પાડી રડવા લાગી. ૧૧૯

તેને ભયથી ત્રસ્ત ને દુઃખથી રડતી જોઈ તે મહાનુભાવ તપસ્વીના અંતઃકરણમાં દયાનો સંચાર થયો. ૧ર૦

કંડુ ઉવાચ :

હે અપ્સરા ! રાત ને દિવસ આનંદ કરતાં આપણે કાલનિર્ગમન કર્યો છે. હે સુંદરી ! દેવલોકમાં ઇંદ્રને તો અનેક સાથી છે. તું મારી એકલી સહચરી છે, માટે રહી જા. ૧ર૧

પરાશર ઉવાચ :

નિર્ણય કરવાને અશક્ત એવા અસ્થિર મનની અપ્સરાએ આખરે કંડુ મુનિની સાથે જ રહેવાનો, અને ઇંદ્રના ક્રધની અવગણના કરવાનો નિશ્ચય કર્યો. ૧રર

હે મૈત્રેય ! આ ઉપરથી સ્ત્રીજાતિનાં ચારિત્ર્યની તને પૂરેપૂરી માહિતી મળશે, હે તપોધન ! ઇંદ્રની પાસે જવાનું મૂકી તે અપ્સરા મુનિનું અધઃપતન સાધવા તેની પાસે જ રહી. ૧ર૩

ત્યાર પછી પહેલાંની માફક એકબીજામાં જ જેમનું જીવન સમાયું છે એવાં તે ઋષિ અને અપ્સરા સ્વેચ્છાએ વિહાર કરતાં હતાં. ૧ર૪

મૈત્રેય ઉવાચ :

હે મુનિઓમાં શ્રેષ્ઠ ! ત્યાર પછી એ બેનું શું થયું તે અમને કહો. એ વૃત્તાંત સાંભળવાને અમે આતુર થયા છીએ. પ્રસન્ન થાઓ હે પરાશર ! ૧રપ

પરાશર ઉવાચ :

ઘણો સમય વીત્યા પછી એક દિવસ તે મુનિ ઝપાટાબંધ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યાં. તે વખતે પ્રમ્લોચાએ પૂછ્યું, કે આપ ક્યાં જાઓ છો ? ૧ર૬

કંડુ ઉવાચ :

હે પ્રિયે ! સૂર્ય અસ્ત થવા માંડ્યો છે એટલે મારે સંધ્યોપાસના કરવી જોઈએ; તપસ્વી પોતાનું નિત્યકર્મ ન કરે તો તેના કર્મનો સદૈવ લોપ થાય છે એમ શાસ્ત્રોનું વચન છે. ૧ર૭

પરાશર ઉવાચ :

કંડુ મુનિનાં આ વચન શ્રવણ કરનારી તે અપ્સરા પ્રમ્લોચા મદઆલસભર નયનોને સૂર્યોદય જેમ કમલ વિકસાવે તેમ વિકસાવી આ પ્રમાણે હસીને તેમને સંબોધી રહી. ૧ર૮

પ્રમ્લોચા ઉવાચ :

હે સર્વ શાસ્ત્રને જાણનાર ! શું આજે જ તમે સંધ્યાકાળ આવ્યો એમ દેખો છો ? ખરું છે ભગવન્‌ ! કેટલાંયે વર્ષો વીત્યા છતાં તમને એક જ દિવસ થયો એમ લાગ્યું. એ જોઈને મને આશ્ચર્ય થાય છે. ૧ર૯

કંડુ ઉવાચ :

હે ભદ્રે ! આજે પ્રાતઃકાલે તું નદીના તટ ઉપર આવી હતી, અને ત્યાર પછી તું મારા આશ્રમમાં આવી અને અત્યારે સંધ્યાકાળ થયો છે. છતાં તું અસત્ય કહી મારી મશ્કરી શા માટે કરે છે ? ૧૩૦

પ્રમ્લોચા ઉવાચ :

હે બ્રહ્મન્‌ ! હું પ્રાતઃકાલે આવી એ તમારું વચન યથાર્થ છે; પણ તે પ્રાતઃકાલને આજે સેંકડો વર્ષ વીતી ગયાં. હે મુનિ ! પ્રેમના ઉલ્લાસમાં સેંકડો વર્ષ ક્ષણભર લાગે છે. ૧૩૧

પરશર ઉવાચ :

તે અપ્સરાને આ પ્રમાણે બોલતી સાંભળી તપોધન તે મુનિના હૃદયમાં ભય ઉત્પન્ન થયો અને આ નારીના પાપે વિષયસુખમાં વર્ષો વિતાવી તેણે કર્મનો લોપ કર્યો એવું જ્ઞાન થવા લાગ્યું. ૧૩ર

કંડુ ઉવાચ :

અસત્ય બોલવું એ જેનો સ્વભાવ છે એવી હે સ્ત્રી ! શું તું સત્ય કહે છે ? કેટલાં વર્ષ થયાં હું કર્મ લોપી રહ્યો છું ? મને તો લાગે છે, કે માત્ર હું આમ એક જ દિવસ રહ્યો છું. ૧૩૩

પરાશર ઉવાચ :

મુનિનાં આવાં વચનો સાંભળી, રખેને મુનિ છોડી દે એવા ભયથી વ્યથિત અને રખેને ખોટું બોલીશ તો મુનિ શાપ દેશે એવા ભયથી સત્યવક્તા તે અપ્સરા હાથ જોડી આ પ્રમાણે બોલી. ૧૩૪

પ્રમ્લોચા ઉવાચ :

ભગવન્‌ ! નવસો સત્યાસી વર્ષ, છ મહિના, ત્રણ દિવસ - એટલો સમય મારી સાથે વિહાર કરતાં વીત્યો છે. આખરે મારા પરથી પ્રીતિ ઓછી થવાથી આપનું ભાન આવ્યું છે. પ્રેમીઓને સમયનું ભાન હોતું નથી. ૧૩પ

પરાશર ઉવાચ :

જેની કર્તવ્યપરાણતા સતેજ થઈ છે, ને જેને સ્ત્રીજાતિની અધમતાનું જ્ઞાન થયું છે એવા તે તપસ્વી ‘મને ધિક્‌ છે, ધિક્‌ છે’ એમ બોલી પોતાની નિંદા કરવા લાગ્યા. ૧૩૬

કંડુ ઉવાચ :

હે કપટી ! શું મને સમયનું ભાન ન રહ્યું ? શું મેં સેંકડો વર્ષ કર્મનો લોપ કર્યો ? મેં આ બધું તારે લીધે કર્યું, માટે તને પણ ધિક્કાર છે. ૧૩૭

મારી તપશ્ચર્યા નષ્ટ થઈ. બ્રહ્મવાદીનું ધન અને વિવેક નાશ પામ્યાં. મને મોહ ઉપજાવવા માટે તને કોણે ઉત્પન્ન કરી હશે ? ૧૩૮

ક્ષુધા, તૃષ્ણા, શોક, મોહ, જરા ને મૃત્યુ એ છ ઊર્મિઓનું અતિક્રમણ કરનાર હું મારા મનને વશ કરી પરબ્રહ્મનો માર્ગ લઈ રહ્યો હતો; પરંતુ ધિક્કાર હોજો તને, કે મારા જેવા શુદ્ધહૃદયી તપસ્વીને એ માર્ગમાંથી તેં પછો આણ્યો. ૧૩૯

પરાશર ઉવાચ :

આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી તે ભયમાં પણ પોતાનું કપટ કદી છોડતી નથી એવી અપ્સરાએ ધ્રૂજતે અંગે અને સાશ્રુનયને આપ્રમાણે કહ્યું. ૧૪૦

પ્રમ્લોચા ઉવાચ :

હે ભગવન્‌ ! મેં શો અપરાધ કર્યો, કે આપ આમ ગુસ્સે થાઓ છો? આપના આગ્રહથી અને આપનું દુઃખ ભુલાવવા હું આપની સાથે વિચરીઃ આપને આ એકલી સૃષ્ટિમાં દુઃખ ન પડે તે માટે મેં મારું ઘર ને સ્વજન ત્યાગ્યાં, અને આપને રીઝવવા મેં ક્રુદ્ધ થયેલા ઇંદ્રની પણ અવગણના કરી. ૧૪૧

હે બ્રહ્મન્‌ ! ઇંદ્રિયોના દમનથી કે બ્રહ્મમાર્ગના આચરણથી જેવો આનંદ

ન મળ્યો તેનાથી અનેકગણો વધારે આનંદ મારા સહચારથી આપને મળ્યો. ૧૪ર

આપને માટે મેં મારું સર્વસ્વ તજી દીધું; પણ તમે તો મારે માટે નહીં, પણ મારા સંગથી થતા આનંદ માટે દુઃખમય એવી તપશ્ચર્યા છોડી. હે મુનિ ! તેમાં મારો શો વાંક ? ૧૪૩

મારાં સ્વજનથી વિખૂટી પડેલી અને ઇંદ્રે જેનો બહિષ્કાર કર્યો છે એવી હું નિરાધાર અને સગર્ભા છું તે અત્યારે ક્યાં જાઉં ? ૧૪૪

પરાશર ઉવાચ :

અનૃતભાષિણી અપ્સરાએ આ પ્રમાણે મુનિ કોઈ પણ પ્રકારે તેને રાખે એવા હેતુથી આમ કપટી વચનો ઉચ્ચાર્યાં. ૧૪પ

કંડુ ઉવાચ :

હે દુષ્ટા ! નરક ગ્રામના માર્ગ જવા તારા સંગથી વેદવિદ્યાની પ્રાપ્તિમાં સાધનભૂત મારા બ્રહ્મચર્યાદિ વ્રતનો વિનાશ થયો છે; છતાં તું આ પ્રમાણે ધૃષ્ટ સંભાષણ કરે છે. ૧૪૬

તેં મારાં બધાં તપનો નાશ કરી નાખ્યો છે; તેથી તું કેવળ અકલ્યાણ એવી ભયંકર મોહની પેટીરૂપ છે. તને અનેકાનેક ધિક્કાર છે. ૧૪૭

સ્ત્રીથી અજ્ઞાત એવા મને શી ખબર કે નારી આવી કપટી ને દુષ્ટ છે? અને તેની સંગતથી મારા જેવો તપોનિધિ પણ આટલી અધમતા પામે છે ? ૧૪૮

હે સ્ત્રી ! મારા જેવા તપસ્વી જોડે ગાઢ સંબંધથી પુનિત થયેલી તને હું મારા ક્રોધના અગ્નિ વડે બાળીને ભસ્મકરતો નથી; કારણ કે સજ્જન જોડે સાત પગલાં ચાલે તોપણ તે તેનો મિત્ર થાય છે, તો તું તો ઘણાં વર્ષો સાથે રહી છે. ૧૪૯

હે પાપિની ! મને તારી કે તારા ગર્ભની પરવા નથી. તારે જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જા. તેં મારા હાવભાવ, રૂપને ચેષ્ટા વડે મારું અકલ્યાણ સાધ્યું છે. ૧પ૦

પણ હે પાપિની ! તારા ગર્ભથી તારા જેવી અધમ અને પાપિની

સ્ત્રીનો વેલો વધશે, એમ હું મારાં જ્ઞાનચક્ષુઓથી જોઈ શકું છું, માટે ભવિષ્યની પ્રજાના ઉદ્ધાર અર્થે હું તેમને સાવચેતી આપું છું. ૧પ૧

પરાશર ઉવાચ :

કર્મનું અને સ્ત્રીસ્વભાવનું પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું છે એવા મુનિ સ્ત્રીઓને આ પ્રમાણે શાપ આપવા લાગ્યા. ૧પર

કંડુ ઉવાચ :

જ્યાં જ્યાં સ્ત્રી હશે ત્યાં ત્યાં નરકનાં દ્વાર ઉઘાડાં રહેશે, વિનાશ થશે અને બુદ્ધિનો નાશ થશે. ૧પ૩

જ્યાં સ્ત્રીનો સહવાસ થશે ત્યાં સંયમ જશે. જ્યાં સ્ત્રી પર પ્રીતિ થશે ત્યાં બ્રહ્મચર્ય જશે. જ્યાં સ્ત્રી સેવા કરશે ત્યાં દેહદમન, નીતિ, વ્રત, જશે; જ્યાં સ્ત્રીનું હાસ્ય સંભળાશે ત્યાં બ્રહ્મજ્ઞાન અદૃષ્ટ થશે. ૧પ૪

જે આત્માને બ્રહ્મમય રહેવું હોય તેણે અવતરવું નહીં; કારણ કે સ્ત્રી વિના અવતાર થશે નહીં, અને જેણે અવતરી શુદ્ધ રહેવું હોય તેણે સદેહે આનંદની આશા રાખવી નહીં, કારણ કે સ્ત્રી સહેલાઈથી ક્ષણિક આનંદ આપી શકે છે. ૧પપ

જેણે બ્રહ્મવિદ્યા મેળવવી હોય, જેણે મહા કાર્યારંભ કરવો હોય, જેણે જ્ઞાન અને ધર્મ પ્રચારવાં હોય તેણે સ્ત્રીનો સંગ કરવો નહીં, અને થયો તો તે રુચિકર છે એમ કદી કબૂલ કરવું નહીં. ૧પ૬

પરાશર ઉવાચ :

હે મૈત્રેય ! આ પ્રમાણે શાપ દઈ પરમ કૃપાળુ એવા કંડુ મુનિએ તે કપટી અપ્સરાને જવાની આજ્ઞા કરી. ૧પ૭

ઋષિના ઉગ્રશાપથી ત્રાસતી, અને પોતાનું પ્રયોજન નિષ્ફળ થવાથી નિરાશ એવી પ્રમ્લોચાએ નિરાધાર બની નિઃશ્વાસ પર નિઃશ્વાસ નાખવા માંડ્યા. ૧પ૮

ઘણાં વર્ષોના આનંદથી પ્રિય થયેલો એવો આશ્રમ છોડતાં, મુનિથી તિરસ્કારાયેલી તે અપ્સરાનું હૃદય ફાટી જવા લાગ્યું. ૧પ૯

તે આશ્રમમાંથી ચાલી જતાં જે જગ્યાએ તેની દૃષ્ટિ પડતી ત્યાંનાં સ્મરણો તેને તાજાં થઈ આવતાં અને તેમ થતાં તેની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ૧૬૦

મૈત્રેય ઉવાચ :

હે પરાશર ! પછી મુનિથી તિરસ્કારાયેલી પ્રમ્લોચાનું શું થયું તે અમને કહો, કે જેથી અમારી જિજ્ઞાસા સંતોષાય. ૧૬૧

પરાશર ઉવાચ :

પ્રમ્લોચાની કથા ધ્યાનપૂર્વક સાંભળો. હે મૈત્રેય ! મુનિએ આ પ્રમાણે તિરસ્કાર કર્યો હોવાથી તે અપ્સરા સ્વર્ગમાં જવાના માટે અંતરીક્ષમાર્ગે ગમન કરવા લાગી. ૧૬ર

દયા ઊપજાવી પોતાનું કાર્ય સાધવું એવો જેનો સ્વભાવ છે એવી તે અપ્સરા નિઃશ્વાસ નાંખી દુઃખી થઈ હોય એમ ચારે તરફ જોવા લાગી. ૧૬૩

સ્ત્રીઓના સ્વભાવથી અપરિચિત અને કંડુ મુનિની મહત્તા પારખવાને અશક્ત એવી જડસૃષ્ટિને તે અપ્સરાને આમ નિઃશ્વાસ નાખતી જોઈ આર્દ્રતા આવી. ૧૬૪

આ કપટી અપ્સરાનું આક્રંદ ન સાંભળી શકવાથી, અને ઋષિના ક્રોધને લીધે ભયવ્યાકુળ થવાથી વ્યોમે મેઘ વડે મોઢું સંતાડ્યું. ૧૬પ

મરુતોએ ભેગા મળી, મંદ અને ખેદયુક્ત સુસવાટથી દશે દિશા શોકપૂર્ણ કરી મૂકી અને વેગથી સરતી ગોમતી દયાર્દ્ર અંતરની વ્યથા અનુભવતી ક્ષણવાર થંભી રહી. ૧૬૬

અપ્સરા જેમ જેમ અંતરીક્ષમાં જવા લાગી તેમ તેમ ભયથી તેના શરીરમાં ઋષિએ સ્થાપેલો ગર્ભ પરસેવા વાટે બહાર પડવા માંડ્યો. ૧૬૭

તે ગર્ભનાં બિંદુઓને, આર્દ્ર એવી પલ્લવકરાંગુલિથી વૃક્ષોએ સાચવ્ય્‌ અને દુઃખિનીને મદદ કરવા તત્પર થયેલા વાયએ તે બિંદુઓને ભેગાં કર્યા. ૧૬૮

આર્દ્રતા જેનું પરમ લક્ષણ છે એવા સોમે પોતાનાં અમૃતમય કિરણોથી તે ગર્ભનું પોષણ કર્યું, અને આ પ્રમાણે વૃક્ષાગ્રના ગર્ભાશયમાંથી મારિષા નામની અપૂર્વ કન્યા ઉત્પન્ન થઈ. ૧૬૯

સોમે આ વાર્ક્ષ્યેયી મારિષને દશ પ્રચેતાઓને પરણાવી, અને તેમાંથી દક્ષ પ્રજાપતિ જન્મ્યા, જે બ્રહ્માના પુત્ર થયા. ૧૭૦

હે મૈત્રેય ! સ્ત્રીની અધમતા જે સમજ્યા છે, અને સ્ત્રીનો જેણે ત્યાગ કર્યો છે એવા મહાત્મા કંડુ મુનિ સૃષ્ટિના એકાકી ભોક્તા બની નિરંકુશપણે જપ, તપ, શમ, દમથી આ ભવે મરેલા જેવા થઈ રહ્યા. ૧૭૧

હે મૈત્રેય ! સંસારનાં સુખ બધાં ત્યાગી મરેલાની માફક જ જે જ્ઞાની જીવે છે તેને જ આવતા ભવનાં સુખ મળે છે એમ વેદવિદોનું પ્રમાણ છે. ૧૭ર

આ પ્રમાણે બધાં સુખનો ત્યાગ કરી, પ્રમ્લોચાના સહચારાના સ્મરણરૂપી વિકારને પણ વશ કરી, તપથી દેહ ગાળતા તે મુનિનો આખરે વિષ્ણુલોકમાં વાસ થયો. ૧૭૩

હે મૈત્રેય ! આ પ્રમાણે બ્રહ્મચર્યના આદ્ય પ્રતિપાદક, સ્ત્રીના દ્વેષ્ટા

અને મુનિઓમાં શ્રેષ્ઠ કંડુ મુનિનું આખ્યાન મેં તમને શ્રવણ કરાવ્યું. એ આખ્યાનનું રહસ્ય હું ટૂકામાં કહું તે સાંભળો. ૧૭૪

બધા જીવો સ્ત્રીમાંથી ઉત્પન્ન થાય છે. આ બધા ક્ષણિક આનંદો એના સહચારથી પેદા થાય છે. સ્ત્રીથી જ જીવન છે એમ વિબુધો કહી ગયા છે. ૧૭પ

માટે બ્રહ્મને પામનાર, તપને આદરનાર જ્ઞાનીએ આ દેહે મૃત્યુસમાન જીવન પસંદ કરી સ્ત્રીનો સદાય ત્યાગ કરવો ઈષ્ટ છે. ૧૭૬

ઇતિ શ્રી વિષ્ણુપુરાણે પ્રથમ અંશે પંચદશ અધ્યાય અંતર્ગત કંડુ આખ્યાન સંપૂર્ણ.

ર૦. ભવિષ્યના તંત્રીશાસ્ત્રીઓ માટે

રા. રા. ભાઈ રાયચુરાએ તંત્રી અંક માટે લખવાને નિમંત્રણ મોકલ્યું. તેને ના કહેવાતી નથી, અને શું લખું તે સમજાતું નથી. તંત્રીઓનો અંક કેમ હોઈ શકે ? જીઘ્શ્વઽક્રશ્વ ઠ્ઠરુસ્ર્ભશ્વ થ્ક્રપક્ર કે નહીં ? દરેક તંત્રી પોતાના પત્રમાં રાજા કેમ ન હોય ? એ બધાને ભેગા કરવાથી શો ફાયદો ? નવ ગ્રહ ભેગા થાય ને જે પરિણામ આવે એવું કંઈ આવે તો ? આવા વિચારોના વમળમાં શું લખવું તે સૂઝતું નથી.

હવે થોડાક મૌલિક વિચારો થાય છે. માણસ તંત્રી શા માટે થાય છે? કેટલાક એમ સમજે છે, કે ઈશ્વરે તેમને જ ખાસ મંત્ર લઈ જન્માવ્યા છે એટલે તંત્રી થઈ એ મંત્રનો પ્રચાર કરવા તે તંત્રીપદ લે છે. કેટલાક એમ સમજે છે, કે તેમના જેવાની સેવા વિના જનતા સુકાઈ મરે છે - એટલે એ ખોટ પૂરી પાડવા કેટલાક એ પદ સ્વીકારે છે. કેટલાકને પોતાના લેખ છાપામાં જોવાની ઈચ્છા હોય છે. કેટલાકને મિત્રોને મદદ કરવી હોય છે, ને શત્રુને શરમિંદા બનાવવાના હોય છે. કેટલાકને ઊછરતા લેખકને ડામવાની આકાંક્ષા હોય છે. કેટલાકને મોટા લેખકો જોડે દોસ્તીદાવો કરવાની ઈચ્છા હોય છે. કેટલાકને એમ લાગે છે, કે એમના વિના સાક્ષર કે પ્રજાજીવન સૂનું થઈ જાય છે. કેટલાકને એમ હોય છે, કે એમને જાહેરખબર આપનારા કરશે શું ? કેટલાકને પૈસા કમાવાનું મન થાય છે. કેટલાકને દોઢિયાં બગાડવાની હોંશ થઈ આવે છે.

આ બધાનું વિજ્ઞાનની દૃષ્ટિએ વર્ગીકરણ થઈ શકે એમ છે. બાયોલોજી (વનસ્પતિશાસ્ત્ર) અને ઝુઓલોજી (પ્રાણીશાસ્ત્ર) માફક તંત્રીઓલોજી -તંત્રશાસ્ત્રની ખાસ જરૂર છે. અને અનેક તંત્રીશાસ્ત્રીઓ સતત અભ્યાસથી આ માનવજંતુના પ્રકાર નક્કી કરે નહીં ત્યાં સુધી જ્ઞાનનો આ મોટો વિષય અણખેડાયેલો રહી જવાનો ભય રહે છે. અત્રે થોડીક કંઈ રૂપરેખા આપવાનો પ્રયત્ન નિષ્ફળ નહીં જાય.

તંત્રી એટલે નિરભિમાની વૃત્તિથી પોતાની મહત્તા જન્મસિદ્ધ માની બીજાના વિચારોને પોતાના હુકમ પ્રમાણે બહાર પાડવાનો ઈજારો રાખે તે.

તંત્રીના બે પ્રકાર હોય છે : (૧) ઉચ્ચ અને (ર) નીચ.

(૧)ઊંચા પ્રકારનો તંત્રી પોતાને ઈશ્વરદત્ત સત્તાનો અધિકારી માને છે. તેને પોતાની કલમમાં, ડહાપણમાં, વિદ્વત્તામાં, વિવેકમાં ને સંપૂર્ણતામાં શ્રદ્ધા હોય છે. દરેક વિષય પર, દરેક લેખ પર પોતાનો અભિપ્રાય તે જ બ્રહ્મવાક્ય; એમ તે સમજે છે.

(ર)નીચા પ્રકારનો તંત્રી પોતાની સેવાથી દુનિયાનો બેડો પાર થઈ ગયો છે એમ માને છે. તેની દુનિયામાં અને ખાસ કરીને તેના વાચકવૃંદનાં ટૂંકબુદ્ધિ, અજ્ઞાન, અશક્તિ ને જડતાનું તેને ઘણું જ તીવ્ર ભાન હોય છે. દરેક પ્રશ્ન તેની સલાહ લીધા વિના નિર્ણય વગરના રહી જવાના, એવો તેને સદાય ભય રહે છે.

ઉચ્ચ તંત્રીને મિજાજ ઘણો હોય છે, નીચ તંત્રીની અહંતાનો પાર હોતો નથી. ઉચ્ચ તંત્રી બધાના લેખો તરફ તિરસ્કાર રાખે છે, નીચ તંત્રી તેમની તરફ માયાભરી મહેરબાનીથી જુએ છે. ઉચ્ચ તંત્રી વાચકોને અક્કલહીણા ગમાર સમજે છે, નીચ તંત્રી તેમને ભોળાડોળા ને કાનના કાચા ગણે છે. બંને પ્રકારના તંત્રીને મન બે પ્રકારની દુનિયા હોય છે - સારી ને ખોટી; ને બે પ્રકારના અભિપ્રાય હોય છે - ખરા ને ખોટા. જે તેના પત્રના લાભમાં હોય તે સારી દુનિયા - બાકીની બધી ખોટી. જે અભિપ્રાય તેને ઉપયોગી હોય તે ખરા - બાકીના બધા ખોટા.

લેખકના દૃષ્ટિબિંદુથી તંત્રીઓ ત્રણ પ્રકારના છે :

(૧)જે લેખકની અવગણના કરે તે.

(ર)જે લેખકની જોડે સહચાર વધારે તે.

(૩)જે લેખકની ખુશામત કરે તે.

જે લેખકની અવગણના કરે તેને જેટલા જોઈએ તેટલા લેખો મળે છે. જે લેખક જોડે સહચાર સાધે તેને મહામહેનતે લેખો મળે છે. જે લેખકની ખુશામત કરે તેને એકપણ લેખ મળવો મુશ્કેલ થઈ પડે છે. પણ પહેલા તંત્રી અપ્રિય હોય છે, બીજા તંત્રીનો કોઈ હિસાબ ગણતું નથી ને ત્રીજાની વાહવાહ બોલાય છે. આ વિચિત્રતામાં શો મહાન નિયમ રહ્યો છે, તે ભાવિ તંત્રીશાસ્ત્રીએ શોધવાનો છે.

તંત્રીનો એક પ્રકાર વાચકની વિરુદ્ધ જાય છે, બીજો તેને રીઝવવાને અનેક તપ આચરે છે, ત્રીજો પોતાને મદારી સમજે છે અનેવાચકવૃંદને હજાર શિશવાળું રીંછડું સમજે છે, ચોથો તેમને નાનાં છોકરાંની નિશાળ સમજી પોતાને સાતમા ધોરણના મોટા મહેતાજી માને છે.

આ ઉપરાંત તંત્રીઓનો સ્વભાવ, ખાસિયત, વલણ, દૃષ્ટિબિંદુ વગેરે અનેક વિષયો ઉપર વિવેચન કરી શકાય. ભય એક જ લાગે છે, કે હું વધારે લખું તો ભાવિ તંત્રીઓલોજિસ્ટો કરશે શું ? અત્યારે તો માત્ર એટલું જ થઈ શકે, કે જેમ ઊછળતા બાગમાં વિજ્ઞાનશાસ્ત્રી દરેક ઝાડ પર ટિકિટ મારે છે તેમ ગાંધીજીથી માંડી અમારી સ્કૂલબોર્ડિંગના હસ્તલિખિત ચોપાનિયાના તંત્રી ગાંડાભાઈ સુધી દરેક પર ટિકિટ લગાવી દેવી, અને પોતાની ટિકિટ તૈયાર કરવાનું કામ દરેક તંત્રીને સોંપવું. ટિકિટ તૈયાર કરવાનું કામ સરળ થાય તે માટે નીચેનું ખોખું - ક્ષમા ચાહી - રજૂ કરું છું.

૧. પ્રકાર - ઉચ્ચ કે નીચ.

ર. લેખક તરફ દૃષ્ટિ.

૩. વાચક તરફ દૃષ્ટિ.

૪.તંત્રી થવાનો ઉદ્દેશ.

પ. વગેરે વગેરે.

ખાસ નોંધ - ટિકિટ ભરનારે શરમના માર્યા પોતાના તરફ અન્યાય કરવો નહીં.

દરંક તંત્રી પૃથ્વીનો પ્રલય કરવાના ઈરાદાથી કાર્ય આરંભે છે, થોડા વખતમાં સાગરમાં એક જળનું બિંદુ પણ વધતું કે ઘટતું નથી તે જોઈ આશ્ચર્ય પામે છે, પછી માનવજાતિની કૃતધ્નતા તરફ કેળવે છે, અને આખરે આત્મસંતોષી બની પ્રલયની જરા પણ પરવા કરતો નથી કે ઈચ્છા રાખતો નથી. પહેલાં બે વર્ષ તે દુનિયા સુધારવા ઉત્સુક હોય છે; ને બાકીનો ભવ દુનિયા સુધરે કે ન સુધરે તેની પરવા વિના નફટ બની રહે છે.

તંત્રીના જ્ઞાનને સીમા હોઈ શકતી નથી. મંગળના ગ્રહ ને હડકાયેલાં કૂતરાં મારવાના મંત્ર સુધી દરેક વસ્તુ તે જાણે છે, એમ વાચકને લાગવું જોઈએ. જો વાચકને એમ ન લાગે તો તંત્રી જ્ઞાન નહીં. જ્યાં સુધી આ કલા હાથ ન હોય ત્યાં સુધી તંત્રીપદનું જોખમ ખેડનાર, તંત્રીપદને લાયક નથી, એ નિર્વિવાદ લાગે છે.

તંત્રીને એક જ સામગ્રીની જરૂર છે. તે રદ્દી કાગળનો ટોપલો. આ ટોપલો જો મોટો ન હોય તો તંત્રીનું જીવન જોખમમાં આવે છે. જો એ ટોપલો પૂરતો ન હોય તો ઊછરતા લેખકો, ઊગતા કવિઓ, વિદ્વત્તાના અજીર્ણથી ગભરાયેલા ડાહ્યાઓની કૃતિઓથી તંત્રી ગૂંગળાઈ કરે છે, અને નકામા લેખોના ભારથી પૃથ્વી રસાતાલ જવાનો સંભવ રહે છે.

તંત્રીને એક ગુણની જરૂર હોય છે, તે ભુલકણાપણું. કાલે શું લખયું હતું તે આજે યાદ ન રહેવું જોઈએ. ગયે વર્ષે કોને મહાન લેખ્યો હતો તે આ વર્ષે ભૂલવું જ જોઈએ. જો આ ગુણ તે ન કેળવી શકે તો નાલાયક બને છે, અને પોતાના અને વાચકના મગજ પર દુઃસહ બોજો નાખી દે છે.

તંત્રીઓ વ્યક્તિની સમાનતામાં માને છે - પણ પોતાના સિવાય બીજાની. તે મનુજોને બંધુ માને છે - પણ પોતાને જયેષ્ઠ બંધુ ને કુટુંબનો વડીલ ને કર્તા ગણ્યા પછી જ. તંત્રીઓ માંહ્યોમાંહ્ય સમાનતા કેમ રાખી શકે તે તેને સમજાતું નથી; કારણ કે દરકને પોતાનું સિંહાસન તો પોતાની અભેદ્ય સંપૂર્ણતા પર રચાયું છે એમ ખાતરી હોય છે.

કેટલાક જેઓ તંત્રીશાસ્ત્રી થવાને સર્જાયા છે તે એમ માને છે, કે અત્યાર સુધી રાજ્યતંત્રો એકશાસન, વર્ગશાસન ને લોકશાસનની પદ્ધતિ પર ચાલે છે; પણ ભવિષ્યમાં તંત્રીશાસન પર જ બધાં રાજ્યતંત્રો ચાલશે, અને હવે પછી દેશ ભૌગોલિક કે રાષ્ટ્રીય એકતા પર રચવાને બદલે તંત્રીઓની હકૂમત પર રચાશે. હિંદી, અંગ્રેજી એવા વિભાગને બદલે લોકો ‘શારદીય’ કે ‘નવજીવનીય’ કે ‘યુગધર્મીય’ નામના વિભાગ પાડશે, તે વખતે રાષ્ટ્રીય અસ્મિતા આવા વિભાગોમાં જ ખીલશે, અને વિગ્રહો પણ આવ સમૂહો વચ્ચે જ થશે. અને જેઓ એક કરતાં વધારે તંત્રીની પ્રેરણાથી જીવતા હશે તેને લોકો ‘અરાષ્ટ્રીય’ કે ‘નમાલા’ કહી સંબોધશે.

તંત્રીઓની વૃદ્ધિ ‘એમીબા’ નામના જંતુની રીતે થાય છે. ‘એમીબા’ જંતુની અભિવૃદ્ધિ માદામાંથી થતી નથી. દરેક એમીબાના યોગ્ય વખતે બે કટકા થાય છે, અને એક જંતુ બે થઈ ફરે છે. એ બેના ચાર થાય છે, અને એમ એમનાં ગોત્ર વધ્યાં જ જાય છે. તે જ પ્રમાણે તંત્રીઓ વધે છે. તંત્રીઓનો વિનાશ પણ એ જ રીતે થશે, એમ કેટલાક વિજ્ઞાનશાસ્ત્રીઓ માને છે. આમ ફાટતાં ફાટતાં દરેક તંત્રી ‘એકોહં બહુસ્યામ્‌’ થતો જાય છે, અને ચાલતે દિવસે કોઈ એક એવું છાપવાનું યંત્ર નીકળશે, કે જેથી ત્રણ રૂપિયા, પાંચ આના, છ પાઈની કિંમતમાં એક ચોપાનિયાની હજાર નકલ દરરોજ નીકળે. આથી દરેક વાચક, લેખક થશે, ને દરેક લેખક તંત્રી થશે. દરરોજ દરેક લેખક પોતાના પત્રની હજાર નકલ છાપીને કાઢશે. આ ક્રિયા વિજ્ઞાનની શોધથી દિનપ્રતિદિન ઝપાટાબંધ ચાલશે. દરેક ગામમાં દરેક ઘરમાં માણસદીઠ એકેકું પત્ર નીકળશે ને તંત્રીઓની અભિવૃદ્ધિ જીવાત કરતાં વધશે. પછી વાચકવર્ગ નાબૂદ થશે ને માત્ર તંત્રીવર્ગ જ રહેશે. પોતે પોતાનો જ લેખ લખી, છાપી, પ્રગટ કરીને વાંચશે, અને એકબીજાનાં પત્રો તો આવા કોઈક પ્રસંગે જ વંચાશેઃ તંત્રી-શેઠાણી રસોઈયાને ‘રસોડાજીવન’ના ૧ર૪૦૯ના અંકથી રાંધવાનું ફરમાન કરશે, ને રસોઈયો તંત્રી ‘રાંધણકલા’ - ના ૩૪૬ર૧ ના અંકથી જમવાનો વખત થયો છે એમ સૂચવશે. પછી માવનજાતિ આખરે તંત્રીજાતિને નામે ઓળખાશે. ધર્મનું સ્વરૂપ ને ‘ત્ત્દ્યધ્ ખ્ક્રત્ક્રિક્રબ્જીૠક્ર’ ને બદલે ‘ત્ત્દ્યધ્ ભધ્શ્સ્ર્ક્રશ્વભ્બ્જીૠક્ર’નો જાપ થશે, વૈજ્ઞાનિકોને કાગળ ને મુદ્રણયંત્ર બનાવવા સિવાય બીજો ધંધો જ નહીં રહેશે.

આખરે તંત્રીપદે પહોંચેલી આખી જનતા કાગળ ને યંત્રો ખૂટવાથી નિર્વીર્ય ને હતાશ થશે, અને તાંત્રિક આત્માનું બળ ખૂટવાથી ભગ્નહૃદય બની રહેશે. અને આખરે ‘તંત્રીનાશ’ નામનો વિક્રમ સંવત્સર આવશે, જ્યારે બધી જનતાનો વિનાશ થશે; અને સંવત્સરમાં જ્યારે સિંહરાશિનો નશિ થશે ત્યારે છેલ્લો તંત્રી ભાંગેલાં યંત્ર ને વપરાયેલા કાગળના ઢગ પર સૂઝેલી આંખમાંથી તાંત્રિક આંસુ પાડતો આ દેહ છોડી ‘નિસ્તંત્રી’ થયેલી દુનિયાનો ત્યાગ કરશે.

ર૧. વૈકુંઠથી વૃંદાવન

વૈકુંઠમાં સૂર્યનારાયણ ખુશમિજાજથી તપતા હતા.

વૈકુંઠનાથના ઉદ્યાનમાં એક સ્વર્ગીય પીપળા નીચે રત્નના આસન પર લક્ષ્મીજી બેઠાં હતાં. સૃષ્ટિના અઢળક ભંડારોના નાથની સ્ત્રીને છાજે એમ તે સોને મઢાયાં હતાં. એક ઇંડા જેવડી મોતીની વાળી તેમને નાકે ઝૂલતી હતી.

સામે સરસ્વતીજી તિરસ્કારથી લાકડીની માફક વીણા ઝાલી ઊભાં હતાં. પૈસાદાર પડોશણના ઠાઠ જોવા પુરાણાં પ્રતિસ્પર્ધી પધાર્યા હતાં એમ લાગતું હતું. હીરલે મઢેલું નાનકડું રસબુલબુલડું પીપળાની ડાળીએ રસટહુકાથી રસ રેલાવતું હતું.

‘કેમ !’ ગર્વથી લક્ષ્મીજી ઓચર્યાં, ‘તમારે ભક્તો રહ્યા છે કે ?’

ભગ્નગૌરવ સરસ્વતીજીએ જવાબ વાળ્યો : ‘અમને કોણ પૂછે છે ? આજ તો જેને ઘરવાળા તે ગૌરવવાળી.’

‘ખબર છે ?’ લક્ષ્મીજીએ મિજાજથી પૂછ્યું, અને ગર્વોચ્છ્‌વાસથી નાકનું મોતી હાલી રહ્યું. ‘ખબર આવ્યા છે. છેલ્લી ઘડીમાં એક લાખ, અઠ્ઠાવીશ હજાર, ત્રસો નવ, તમારા ભક્તોએ મારી સેવા સ્વીકારી છે.’

‘છેલ્લો સંદેશો મેં વાંચ્યો છે,’ તિરસ્કારથી સરસ્વતીજીએ કહ્યું, ‘હું તો જોતજોતાંમાં અપૂજ થઈ રહેવાની છું. મારું નામ મુખે રાખવાના પણ અંતરમાં તો તમારો જ ધખાતો રાખે છે. મને સંતોષ એટલો જ છે -’

‘શો ?’

‘મારી પૂજા થશે એટલે પૃથ્વી પર જીવવા જેવું કશું રહેશે જ નહીં.’

‘ઓહો !’ નારાયણનાં પટરાણી બોલ્યાં, ‘તમે પણ અભિમાન કરતાં શીખ્યાં ખરાં !’

સરસ્વતીજીએ ગુસ્સામાં હોઠ કરડ્યા. ‘હવે મારે એ જ રહ્યું છે ને?’

મહાન એરોપ્લેન ફડફડ આવતું હોય તેવો અવાજ થયો. વાદળ ઘેરાયું. ગરુડજી ઊડતા ઊડતા આવ્યા, અગાસી ઉપર ઊભા રહ્યા, ને કનકથી ચમકતા એમના ખભા પરથી ભગવાનને ઉતાર્યા.

વિષ્ણુ ભગવાનનો ભ્રૂભંગ કારમો હતો. જે હાથે તેમને ગદા ગ્રહી હતી તે કાંપતો હતો. કમળનયનોમાં લાલ સેરો ફૂટતી હતી. રાધાતરસ્યા હોઠો ગુસ્સામાં બિડાયા હતા.

લક્ષ્મીજીએ નજર કરી અને ત્રિલોકાધિપતિની સ્ત્રીને છાજે એવી બેદરકારીથી તે આ ગુસ્સો જોઈ રહ્યાં. ઘરવાળાના ગુસ્સાથી ગભરાયા જેવી અલ્પતા તે અનુભવે એવાં મૂર્ખ નહોતાં.

‘ત્રિલોકનાથ !’ સરસ્વતીએ જરાક મજાકમાં પૂછ્યું, ‘કેમ આજે ગરમ લાગો છો ?’

મૂંગે મોંએ, એકાગ્ર નયને વિષ્ણુએ બલિરાજા ચાંપવા મારી હતી એવી ત્રણ ફલંગ ભરી; મોઢે પાંચજન્ય લગાડ્યો, ને શંખનાદ કર્યો.

તબેલે જઈ ગરુડ જોડે ગપ્પાં મારવા બેઠેલા ગરુડજી પલકમાં હાથ જોડી આવી ઊભા રહ્યા. વૃદ્ધ વૈનતેયની પાંખો ઢીલી પડી દેખાતી હતી. ‘કૃપાનાથ !’

‘ગરુડ !’

‘અન્નદાતા !’

‘પેલી રાધાને મોકલ.’

લક્ષ્મીજી તિરસ્કારથી હસ્યાં. એ હાસ્યથી ભગવાનની આંખોનાં કમળ

લાલ કરેણ થઈ ગયાં. સુદર્શન સાહેલો હાથ ગુસ્સામાં કાંપતો હતો.

‘શું થવા બેઠું છે ?’ ત્રિભુવનના નાથ બબડ્યા.

‘મિજાજી સ્ત્રી સામે કોઈનું ચાલ્યું છે ?’

‘શું છે ?’ સરસ્વતીજીએ પૂછ્યું.

‘શું - શું ? તું તદ્દન નકામી છે - પેલી રાધા તારાથી નકામી છે, ને આ -’ લક્ષ્મીજી તરફ ઘૂરકીને, ‘મારી દુનિયાની મોકાણ માંડી નાખવા બેઠી છે.’

‘અહં - તેથી આ ગુસ્સો કે ?’ શ્રીએ મીઠાશથી ટહુકો કર્યો.

‘મેં સૃષ્ટિ બનાવી ત્યારે આ પ્રદ્યુમ્નની બાને મેં સ્પષ્ટ કહ્યું કે સહસ્ત્ર માનવે દશ સરસ્વતીનાં ને એક રાધાનું. પણ એના લોભનો થોભ નથી.’

લક્ષ્મીજીએ ગર્વમાં નાક ચઢાવ્યું. ‘હું કંઈ તમારા જોર પર નથી કૂદતી.’

‘તેથી જ મારે જોઈ રહેવું પડે છે ને ? પણ શું થવા બેઠું છે ? હવે તો હજારે હજાર એની સેવા કરે છે.’

‘હું તે જ કહેતી હતી ને -’ સરસ્વતીજીએ લક્ષ્મી તરફ તિરસ્કારથી જોઈ, દ્વેષી પડોશણને સુલભ મીઠાશથી કહ્યું, ‘થોડા વખતમાં હું અપૂજ થઈ રહેવાની.’

‘કહેતાં શરમ નથી આવતી ?’ ગુસ્સામાં વૈકુંઠનાથે કહ્યું, ‘ગરુડો ક્યાં ગયો ?’

તેમણે પાછો પાંચજન્ય ફૂંક્યો ને પાછો ગરુડ પંજા જોડીને આવી

ઊભો. ‘ક્યાં ગયો હતો ?’

‘રાધાજી કહે છે કે આવું છું.’

‘ચાલ આ વૈજ્યંતી લે. ઠેકાણે મૂકજે.’ ગળામાં જરા ભાર લાગવાથી

ભગવાને માળા કાઢી નાખી.

‘જી !’

એટલામાં નૂપુરનો ઝણકાર થયો, ને સોળ વર્ષનાં રાધિકાજી હસતે

મોઢે આવી ઊભાં. વૈકુંઠમાં પણ વસંત આવી.

‘હવે આ હિસાબ તમે એકલા જ કરો. હું જાઉં છું.’ લક્ષ્મીજીએ કહ્યું. ગુસ્સામાં ભગવાન જોઈ રહ્યા, ને તોરમાં જગજ્જનની મચકો કરી

ચાલી ગયાં. ‘કેમ છો ?’ હસીને રાધાજીએ પૂછ્યું, ને તેમનાં નયનો નાચ્યાં. ‘કેમશું ? કપાળ મારું.’ વૈજ્યંતી ઉતારી, પીતાંબરથી પરસેવો લૂછતાં

ભગવાને કહ્યું. ‘કહો તો ખરા.’ ‘રાધા ! હું થાકી ગયો છું. એવું થાય છે, કે મહાદેવભાઈને કહી આ

પૃથ્વીનો નાશ કરાવું.’ ‘કરાવો ને તો પીડા ઓછી !’ સરસ્વતી એકદમ બોલ્યાં. ‘અરે એમ તે કંઈ હોય ?’ રાધિકાજીએ કહ્યું, ‘પછી મારા ભક્તોનું

શું થાય ?’ ‘તારે કોઈ રહ્યા છે ખરા કે ?’ સાશ્ચર્ય સરસ્વતીએ કહ્યું. ‘મારે તો છે તેટલા છે જ.’ ‘તું તો મૂરખ છે. લક્ષ્મી પળે પળે સૃષ્ટિની માલિક થતી જાય છે !’ ‘વૈકુંઠનાથ ભૂલ કરો છો, ભૂલ !’ હસતાં હસતાં કળી જેવા દાંત દેખાડી રાધિકાજી બોલ્યાં. ‘કેમ ?’ ‘જે લક્ષ્મીના લાડકા છે તે મારે માટે તલસે છે. જે સરસ્વતીના ભક્ત છે તે મને ગાય છે -’ ‘હે !’

‘હા, ને જે મારા પૂજક છે તે તો મારા છે જ.’

‘ખરેખર ! હું માનતો નથી. લક્ષ્મી પૃથ્વી પર વૈકુંઠ વસાવે છે. તે કોણ છોડે ?’

‘ગોપીજનવલ્લભ ! એ ભલે વૈકુંઠ વસાવે. તમે ભૂલી ગયા ? વૈકુંઠ છોડી તમે વૃંદાવન આવ્યા હતા તે ?’ હસીને રાધિકાજીએ કહ્યું, તેનાં નયનો ફરીથી નાચ્યાં. વૈકુંઠનાથનાં નયનો પણ હસ્યાં; છતાં તેમણે વળી નિઃશ્વાસ મૂક્યો.

‘હા રાધે ! વૃંદાવન સમ વન નહીં, ને તારા સમી સખી નહીં.’

‘ત્યારે જ્યાં વૃંદાવન થઈ શકે ત્યાં વૈકુંઠની કોને પરવા હોય ?’

‘રાધે ! તારાં વચનો મારા અંતરમાં આનંદ પ્રસારે છે. સરસ્વતી મૈયા ! તમે શું ધાર્યું ?’

‘એમાં મને શું ? પહેલાં રાધાના ભક્તો મારી મદદ લઈ કાવ્ય ને નાટક વડે ઉદ્‌ગાર કાઢતા. હવે ટેલિફોન થયા છે - ચપ દઈને બે શબ્દોમાં ઉદ્‌ગારો કાઢી પ્રિયતમાને સંભળાવે છે. મારું તો કોઈ રહ્યું જ નહીં.’

‘જો, સરસ્વતી માસી ! આવું કહો છો ? પેલો લાઠીનો ઠાકોર મારો ભક્ત છતાં તમારી સેવામાં રાખ્યો હતો, તે ભૂલી ગયાં ?’

‘એવા કેટલાક ?’

‘એ વાત રહેવા દે.’ કચવાઈને ભગવાને કહ્યું, ‘રાધા ! તું ખરું કહે છે કે ખોટું, તે જોવું છે - ચાલ.’

‘ક્યાં ?’

‘નીચે પૃથ્વી પર.’ હૃષીકેશે પંચજન્ય વગાડ્યો. ગરુડ આવીને ઊભો રહ્યો. એનાં વૃદ્ધ ગાત્ર આટલી કઠણ સેવા કરતાં કાંપતાં હતાં. ‘વૈજ્યંતી લાવ. તૈયાર થા.’

‘જી હાજર.’ ગરુડ જઈ વૈજ્યંતી લઈ આવ્યો ને તે ભગવાને પહેરી.

‘ચાલ, રાધે ! ગરુડે ચડીએ.’ બંને ગરુડે ચડ્યાં.

‘હું આવું ?’ સરસ્વતીએ પૂછ્યું.

‘ના,’ મોંના ચાળા કરતી રાધાએ કહ્યું, ‘હું ને નંદલાલ બે જ જઈશું. તમે આખરે પણ બાળકુંવારાં. અમારાથી આમન્યા રખાય - ન રખાય.’ તે હસી.

ગરુડ ફરક્યો ને ઊડવા લાગ્યો,

લક્ષ્મીજી હાંકળાંફાંફળાં આવ્યાં. ‘એ ને રાધિકા ક્યાં ગયાં ?’

‘પૃથ્વી પર. તમારો પરાજય જોવા.’

‘એ ચાર આંગળીનીને કહીએ કે ખાંડ ખા ખાંડ,’ કહી તિરસ્કારથી લક્ષ્મીજી ચાલ્યાં ગયાં.

ગરુડની પીઠે રાધાકૃષ્ણ વિહરવા લાગ્યાં. વ્યોમમાં ગરુડજીએ અધ્ધર ઊભા રહેવાની વૈકુંઠનાથી આજ્ઞા કરી.

‘આ ક્યો પ્રદેશ વારુ ?’ ત્રૈલોક્યનાથે આંખો ઝીણી કરી પૂછ્યું, ‘હું ઘણે દહાડે આવ્યો તેથી યાદ નથી.’

‘આ તો તમારા યાદવોનું આનર્ત.’

‘કેટલું ફેરવાઈ ગયું છે ! ને આ શું ? બધા મહેલોનું નગર હોય એવં.’

‘એ મોહિનીનગર. મહા આનર્તનું પાટનગર.’

‘આ તો લક્ષ્મીનાં મંદિર. અહીંયાં તો લક્ષ્મીભક્તો ઊભરાય છે.’

‘તમને બધે લક્ષ્મીજી જ દેખાય છે. ચાલો તમને બચાવું. ગરુડજી ! આ પેલી તોપો જેવું દેખાય છે ત્યાં અમને ઉતારો.’

ગરુડજી ઊભા રહ્યા ને રાધા ને ગોવિંદ ઊતાર્યાં. ‘તમને વાર લાગશે કે ?’ ખગેશ્વરે પૂછ્યું. ‘કેમ ?’ ભગવાને પૂછ્યું. ‘મને ખૂભ લાગી છે, ને આ પેલા ખડકોમાં એકબે કુમળા સાપ દેખાય છે.’

‘જા - જા !’ હસીને રાધાએ કહ્યું.

‘આ જૂના નોકરોના આ જુલમ બહુ.’

‘હોય, હવે આપણે માનુષી દૃષ્ટિ ન જુએ એવું સ્વરૂપ લેવું જોઈએ.’

રાધાજીએ કહ્યું.

‘વારુ.’ રસપડવાથી વિઠ્ઠલવરે કબૂલ કર્યું. બંને અદૃશ્ય થઈ આગળ ચાલ્યાં.

એક રેવડીવાળો બેઠો હતો. બીજો ગંડેરીવાળો બેઠો હતો. તેને છોડી દૈવી ડગલાં ભરતાં તે આગળ ચાલ્યાં.

બંને જરા ચાલ્યાં ને એક ગાડી આગળ ઊભાં રહ્યાં. ગાડીમાં એક ઘરેણાં લાદેલી સ્ત્રી બેઠી હતી. તેનો મિજાજ માતો નહોતો. પાસે એક ઈશ્કી પુરુષ ઊભો હતો. એકનું મોં દરિયા તરફ હતું. બીજાનું સામી બાજુએ હતું.

‘જુઓ, આ લક્ષ્મીજીના પ્રતાપ.’ રાધાજીએ કહ્યું. ‘આ બે જણ દશ

વર્ષ એકબીજામાં લીન રહ્યાં.’

‘અત્યારે તો કંઈ એવાં દેખાતાં નથી.’

‘શાનાં દેખાય ? પહેલાં આ મિસ્તર આઠ રૂપિયાની ઓરડીમાં રહેતા

ને આ શેઠાણી જાતે વાસણ માંજતી. થાક્યાં, હાર્યા બંને રાતે એકબીજાના પ્રેમમાં આનંદ લેતાં. બંને સુખી હતાં.’

‘પછી ?’

‘પછી શું ? તમારાં પટરાણી પ્રસન્ન થયાં. આભાઈ અઢળક ધન

કમાયા. આ બાઈ હીરામોતીમાં આળોટવા માંડ્યાં. હવે ક્લબ ને પાર્ટી ને જિમખાનામાં બેમાંથી કોઈને બીજાને માટે પરવા નથી.’

‘હું નહોતો કહેતો કે લક્ષ્મી જીતે છે.’

‘ખોટી વાત, જુઓ.’

પેલા પુરુષે શાંત અવાજે સ્ત્રીને કહ્યું, ‘ડિયર, હું ક્લબમાં જાઉં છું.’

સ્ત્રીએ તિરસ્કારથી જવાબ વાળ્યો, ‘છઙ્મિૈખ્તરં, (ઠીક). આવો ત્યારે ગરબડ નહીં કરશો. મને ઉજાગરા થાય છે.’ ‘તારી બ્રિજપાર્ટીથી ઉજાગરા નથી થતા ?’ પુરુષે કહ્યું. ‘તમારા ડ્ઢટ્ઠહષ્ઠી (નાચ) જેટલા નહીં,’ સ્ત્રીએ તોરમાં કહ્યું. ભગવાનનું મોં કચવાયું. ‘તે કહે છે, કે આ પ્રણયી હતાં.’ ‘હતાં ને છે. માત્ર લક્ષ્મીજી આડે આવે છે.’ ‘જા, જા !’ ‘જોવું છે ?’ રાધાજીએ કહ્યું. ‘શું ?’

‘જુઓ,’ કહી રાધિકાજીએ ભગવાનનું સુદર્શન લઈ ગાડી પાસે નાખ્યું. ઘોડો ચમક્યો; એક દોડતી આવતી મોટર વાંકી વળી, ને બીજી પળે પેલા ફક્કડ મોટરની નીચે ચીસ પાડતા પડ્યા.

‘શું કરે છે ?’ ગોવર્ધનધારીએ પુછ્યું.

‘જુઓ તો ખરા.’

પેલી સ્ત્રીએ એકદમ પતિને પૈડાં નીચે જોયો ને તોર ને મોભો છોડી

ઊભી થઈ ગઈ. લૂગડાંની કોર ને પાઉડરની ભભક વીસરી તેણે ગાડીમાંથી

ભૂસકો માર્યો ને લોહીલુહાણ પતિને હાથમાં લીધો.

‘અરરર ! આ શું કર્યું ?’ ‘વિજય મેળવવાની આ રીત છે.’ હસીને રાધાજીએ કહ્યું. ‘કેવી રીત ?’ ‘આ પેલો ફાંકડો હવે કદરૂપો ને મૂર્ખ થશે - પૈસા કમાતો અટકશે

ને પેલાં શેઠાણી પટરાણી મટી પ્રણયી થશે. ક્લબ, જિમખાનાં છોડી દિવસ ને રાત તે તેની ચાકરી કરશે ને પેલો નાચ છોડી પેલીની કોટે વળગી સુખ પામશે.’

‘અરે, વાહ રે મારી રાધા !’

‘ચાલો હવે બીજા કોઈને મળીએ.’

થોડેક ચાલ્યાં એટલે એક મોટી રોલ્સ રોયસમાં એક આધેડ વયનો પુરુષ બેઠો હતો. તે એક મોટી સિગાર પીતો હતો.

‘આ તો ખરો લક્ષ્મીભક્ત છે.’ વિષ્ણુજીએ કહ્યું.

‘આખો અવતાર લક્ષ્મી સિવાય કોઈનીયે એણે સેવા કરી નથી.’

‘આવા આ નગરમાં કેટલાયે હશે !’

‘તમે એમ માનો છો, કે આ લક્ષ્મીદાસ ખરી રીતે લક્ષ્મીજીને પૂજે છે?’

‘ત્યારે બીજું શું ? પૈસાકમાવા ને ખરચવા સિવાય એણે કંઈ કર્યું છે?’

‘ઠીક, ઊભા રહો. એના ગજવામાં એની ડાયરી છે તે વાંચીએ.’

રાધામાધવે દિવ્ય ચક્ષુઓ ચડાવ્યાં ને ડાયરીઓ વાંચી રહ્યાં :

‘આજે સડસઠ લાખ પૂરા થયા, કરોડ ક્યારે થશે... આજે છોકરીઓ આવી હતી, પૈસા માગવા. તાનુબાઈ પણ મોતીની સેર માગતી હતી. બધાંને મારી પાસે તો પૈસા જ જોઈએ. ઠીક છે કે પૈસા છે, નહીં તો મારી સામું કાળું કૂતરું પણ જુએ નહીં... છોકરી, છોકરાં, તાનુબાઈ, નોકરો... પણ બધાં પૈસાનાં સગાં ! મારે માટે, વગર ધને મારે માટે તલસતું તો કોઈ મળે જ નહીં. કોઈ એવું નહીં કે મને જોઈ... મારા પૈસાના લોભ વગર હેતથી બોલાવે... એવું કોઈ મળશે ? અરે રામ, કોઈ ન મળે.’

‘રાધા !’ ભગવાને કહ્યું, ‘મને ખબર નહીં કે તું આવી જબરી છે.’

‘હવે આ તરફ જુઓ,’ દરિયાના ખડક પર ખાદીનો પહેરવેશ પહેરી એક જણ બેઠેલો હતો તેને દેખાડી રાધિકાજીએ કહ્યું, ‘આ કોણ છે તે ઓળખ્યો?’

‘ના.’

‘આ મહા તત્ત્વજ્ઞાની ! એણે આખું જીવન સરસ્વતીને ચરણે ધર્યું છે. એણે. સુકોમળ સ્ત્રી ત્યાગી અડગ બ્રહ્મચર્યા ધર્યું છે. એણે ધનમાલ છોડી અપરિગ્રહનું વ્રત લીધું છે.’

‘ત્યારે સરસ્વતીના સેવકો હજુ છે ખરા.’

‘જરા ઊભા રહો. આ પેલો એનો મિત્ર આવ્યો. સાંભળો !’

‘અહો પંડિતજી ! શું કરો છો ?’

‘કંઈ નહીં.’ પંડિતજીએ કહ્યું.

‘હું એક પૂછવા આવ્યો છું.’

‘શું ?’

‘તમારા અભિપ્રાય પ્રમાણે દુનિયાના સાહિત્યમાં સરસમાં સરસ પંક્તિ કઈ ?’

‘સાંભળજો,’ રાધિકાજીએ મુરારિના કાનમાં કહ્યું.

‘મને તો લાગે છે :

ગથ્બ્ગપૠક્રઌળ્બ્રધ્ ઽક્રહ્મૐધ્ઌક્રબ્ થ્ૠસ્ર્ધ્

ૠક્રબ્ૐઌૠક્રબ્ બ્દ્યૠક્રક્રધ્ઽક્રક્રશ્વૐષ્ટદ્રૠક્ર ૐદ્રૠક્રટ્ટૠક્રૅ ભઌક્રશ્વબ્ભ ત્ન શ્નષ્ટસ્ર્ૠક્રબ્મઙ્ગેં ૠક્રઌક્રશ્વજ્ઞ્ક્રક્ર દઙ્ગેંૐશ્વઌક્રબ્ ભર્િંટ્ટ

બ્ઙ્ગેંબ્ૠક્ર બ્દ્ય ૠક્રમળ્થ્ક્રદ્ય્ક્રક્રધ્ ૠક્રદ્ય્ભ્ઌધ્ ઌક્રઙ્ગેંઢ્ઢભટ્ટઌક્રૠક્રૅ ત્નત્ન૧

૧. સેવાળથી વીંટળાયેલું હોય તોયે કળમ રમ્ય લાગે છે; ચંદ્રનું કલંક મિલન છે, છતાંય તેની શોભામાં વૃદ્ધિ કરે છે. આ સુંદરીએ વલ્કલ પહેરેલાં છે; છતાં અધિક સુંદર લાગે છે ! મધુર આકૃતિના અલંકારરૂપ શું નથી ?

‘ઓત્તારી !’ કહી ભગવાન ફર્યા, ‘તું તો આને મોટો બ્રહ્મચારી કહેતી હતી.’ ‘તમારા જેવો બાળબ્રહ્મચારી !’ રાધિકાજી હસ્યાં. ‘એનું શરીર ને બુદ્ધિ સરસ્વતીને ચરણે છે ! અંતર ને કલ્પના મને ઝંખે છે !’ ‘મને શી ખબર કે તું સર્વવ્યાપી છે.’ આગળ ચાલી એ ઊભાં રહ્યાં. એક યુવક બેઠો હતો, તેનો ચહેરો ચિંતાગ્રસ્ત હતો, તેની આંખ દૂર ક્ષિતિજ પર હતી. ‘ગોપાલ !’ રાધાજીએ કહ્યું, ‘આને ઓળખ્યો ?’ ‘હા,’ દિવ્યચક્ષુનો ઉપયોગ કરતાં ભગવાને કહ્યું, ‘આ પેલો જેના દરેક કાર્યમાંથી પૈસા ઝરે છે તે વેપારી -’ ‘હા, ને જેના દરેક કાવ્યમાંથી સરસ્વતીના પ્રસાદ ઝરે છે તે.’ રાધાજીએ હસીને ઊંચું જોયું. ‘છોગાળા ! આ જોયું કે ?’ વિષ્ણુ ભગવાને ઊંચું જોયું. અંતરીક્ષમાં મયૂર પર બેસી સરસ્વતીજી ઊતરી આવતાં હતાં. ‘અરે ! પણ આ તો લક્ષ્મી પણ આવી. જોની એનું કમલાસન ઊતર્યું.’ વિષ્ણુએ બીજી તરફ દેખાડી કહ્યું. રાધા ખૂબ હસ્યાં. ‘નિસર્ગભિન્ના શ્રી અને સરસ્વતીએ આ યુવક માટે સંધિ કરી છે.’

‘કેમ ?’ ‘બે મળી મને હંફાવવા માગે છે તેથી.’ ‘હવે સમજ્યો,’ ત્રૈલોક્યનાથે કહ્યું, ‘આમાં રાધા, તારો પત્તો ક્યાં લાગવાનો ?’

‘ગભરાવો છો શું ? આ પેલી તરફ જુઓ.’ રાધિકાજીએ આંગળી કરી. એક ગાડી ઊભી રહી ને એક યુવતી નીકળી પેલા યુવકની પાસે આવી.

‘જુઓ ! આ પેલા યુવકનું મુખ જુઓ. એની આંખોમાં મારો વિજય દેખાય છે કે નહીં ! ઉપર જુઓ, લક્ષ્મીજી ને સરસ્વતીના મુખ પર પ્રસરેલો ભયંકર નિશ્ચય તો જુઓ ! બંને કેવાં કદરૂપાં લાગે છે !’ રાધાજીએ હસીને ક્યું.

‘જુઓ, જુઓ, આ લક્ષ્મીજી પેલી સ્ત્રીના આત્મામાં પેઠાં. સાંભળો!’

પેલી યુવતી પેલા યુવક જોડે વાત કરી રહી હતી.

‘વહાલા, તું એ વાત છોડી દે. તું મને સ્વીકારશે તો શું થશે ?’

‘શું થવાનું છે ?’

‘તારે તારો ધંધો છોડવો પડશે,’ યુવતીએ લક્ષ્મીજીની પ્રેરણાથી કહ્યું.

‘તે તો મેં ક્યારનું ધારી જ મૂક્યું છે.’

‘પણ તું ધનવાન છે ને ધનાઢ્ય થશે. તારે શાની ખોટ રહેશે ?’

‘તારી !’ હસીને યુવકે કહ્યું.

‘પણ ધન છોડીને તું કેમ રહેશે ? તારા સુંવાળા શરીર ને સુકુમાર

ગાત્રોનું શું થશે ?’ ‘તું છે ને.’

‘ધન વિના પ્રતિષ્ઠા નથી; પ્રતિષ્ઠા વિના આબરૂ નથી; આબરૂ વિના

જીવન નથી.’ ‘ગાંડી ! ધન, પ્રતિષ્ઠા ને આબરૂથી કોઈ સુખી થયું છે ? તેમ હોત તો ધનાઢ્યો ઝેર શા માટે ખાત ! પ્રતિષ્ઠાવાળા હાય શા માટે પુકારત -’ લક્ષ્મીજી ગભરાયાં, ને સરસ્વતીજીની સહાય માગી. સરસ્વતીજી પેલી

યુવતીના આત્મામાં ઊતર્યાં. ‘જુઓ વિઠ્ઠલવર !’ રાધાજીએ કહ્યું, ‘પેલા જૂનાં વેરી એક થયાં ને!’ ‘હવે તારું શું થશે ?’ ‘કંઈ નહીં, જુઓ !’ પેલી યુવતીએ યુવકને કહ્યું, ‘પણ ભોળા ! મારે લીધે સંસાર છોડશે

તો તારા આત્માનું શું? તારી કાવ્યમયતાનું શું ? તને બધા અધમ લેખશે તો તું ઊંચે કેમ ઊડશે ? તું ઊંચે નહીં ઊડશે તો દૈવી સંદેશ કોણ પાઠવશે ?’

‘પ્રાણ !’ યુવકે કહ્યું, ‘હું શા માટે ગાઉં છું - સુખ મેળવવા. હું શા માટે કાવ્યો રચું છું - આનંદ અનુભવવા. તારું સાહચર્ય સુખ ને આનંદ બંને આણશે, તો પછી કાવ્યોની શી પરવા રહેશે ?’

સરસ્વતી ને લક્ષ્મીજીએ સામસામું જોયું : બંનેએ પેલી બાળાને સાથે પ્રેરી. ‘પણ વહાલા ! દુનિયા તને ગભરાવશે - ડારશે ડામશે ! ત્યારે-’ ‘તો તારું નામ જીભ પર રાખી હસતે મોંએ ચિતાએ ચડીશ -’ ‘જોયું !’ રાધિકાજીએ ભગવાનને કહ્યું. ‘પ્રાણ !’ પેલી યુવતીએ કહ્યું, ‘તું અજબ છે, જેવી હું છું તેવી તારી -’ બંને ભેટ્યાં. લક્ષ્મીજી ને સરસ્વતીજીની આંખમાં ઝેર આવ્યું. તેમણે છેલ્લો પ્રયત્ન કર્યો.

‘પ્રાણ !’ યુવતીએ કહ્યું, ‘આજથી આપણને લક્ષ્મી ને સરસ્વતી બંનેનું વેર થશે.’

‘ગાંડી !’ યુવકે યુવતીને પાસે ખેંચી. ‘રાધારમણ કંઈ વિસારશે ?’

રાધિકાજી ગર્વમાં જોઈ રહ્યાં. લક્ષ્મી ને સરસ્વતીએ વાહનારૂઢ થઈ ચાલવા માંડ્યું.

પેલો યુવક ને યુવતી જાણે સંસારનું બહારવટું લેતાં હોય તેમ ઊઠ્યાં. કાલ સવાર પછી તેમને સૃષ્ટિ નિર્જન થઈ જવાની એવી ખાતરી હતી, છતાં તેમનાં મોં પર તેજ હતું.

‘આ લોકોનું શું થશે ?’ ભગવાને પૂછ્યું.

‘કાલે એ રઝળતાં થશે, ભૂખે પેટે એ નિર્જન અરણ્યમાં ભટકશે.’

‘અરરર -’

‘માત્ર હું જ એમની સંભાળ લઈશ; પણ એ બેમાંથી એકે વીફરેલાં શ્રી કે સરસ્વતીને રીઝવવા નહીં મથે.’

ત્રૈલોક્યનાથની આંખ ચમકી, હોઠ બિડાયા, માથે વાળ ઊભા થવાથી મુકુટ હાલી ઊઠ્યો. તેમણે પાંચજન્ય પકડ્યો, ને એક, બે ને ત્રણ નાદ કર્યા. દિશાઓ ધ્રૂજી, સાગર ગજર્યો, હાં-હાં કરતા દિગ્પાલો આવ્યા, ગરુડજી અડધો કરડેલો સર્પ પગમાં લઈ હાજર થયા.

ત્રિભુવનનાથની આંખ આકાશમાં ઠરી હતી; તેમાંથી ધૂમકેતુના પૂંછડા જેવી તેજની રેખા નીકળતી હતી.

ઝંઝાવાત શરૂ થયો, ને જોતજોતાંમાં સરસ્વતીજીનો મયૂર ને લક્ષ્મીજીનું કમળ ગોથાં ખાતાં ઊતરી આવ્યાં; અને તેના પર ભયગ્રસ્ત કમળા ને શારદા, એક કમળની નાળ ને બીજાં મોરની ડોક પકડી બેઠેલાં હતાં.

‘લક્ષ્મી ! શારદા !’ ગર્જના કરતા ભયંકર અવાજે ભગવાને કહ્યું,‘પેલાં યુવક ને યુવતી જોયાં ! ખબરદાર જો એના પર ક્રોધ કર્યો તો.’

‘મુરારિ !’ રાધિકાજી ટહુક્યાં, ‘જવા દો એ બેને. લક્ષ્મી ને સરસ્વતીની કૃપા એ બિચારાં પર થશે તો એમને ભારે થઈ પડશે. હવે કોઈ ગામડામાં જઈ ઝરણાના કલ્લોલ સાથે એમને આત્મગુંજન કરવા દો.’

‘એમ !’ ક્રોધને સમાવતાં ભગવાને કહ્યું, ‘ઠીક, જાઓ.’

‘હવે પાછા ઘેર ચાલો છો કે ?’ લક્ષ્મીજીએ જરા તિરસ્કારથી પૂછ્યું.

ભગવાને જવાબ દીધો નહીં, ને તે બોલ્યા, ‘રાધા ! ચાલો વૃંદાવન. જૂનાં સ્મરણો તાજાં કરીએ. નહીં તો મારું શું થશે ? ગરુડા, ચાલ !’

ગરુડજી આવ્યા. તેને રાધાકૃષ્ણે પલાણ્યા ને તે ઊડ્યા.

વૃદ્ધ ગરુડજીએ નિઃશ્વાસ મૂક્યો. એ પોતે ‘ગલિતમ્‌ પલિતમ્‌ મુંડમ્‌’ થયો ત્યારે યુગ - જૂના માલિકને આ નવી ઉત્કંઠાઓ ક્યાંથી સ્ફુરી ? તેની વૃદ્ધ કલ્પના ગરુડીનું ચિત્ર પણ ઊભું કરવા અશક્ય હતી; ત્યારે એના માલિકઃગશ્વક્રમૠક્રષ્ટ થ્ૠક્રટક્રદ્યઌક્રશ્વ સ્ર્ક્રશ્વટક્રટ્ટઌક્રૠક્રતસ્ર્ટક્રૠસ્ર્ઃ ત્ન

રર. ફોજદારસાહેબ

ગાંધીયુગના મધ્યાહ્નનું અમદાવાદ હતું. આખી દુનિયાની નજર, આખા હિંદની આશા અમદાવાદ પર, સાબરમતી તીરે, એક રાષ્ટ્રવિધાતા પર ઠરી હતી. એક પરમ યોગીશ્વર સમરાંગણે ચડ્યા હતા.

બ્રિટિશ સલ્તનત કાંપતી હતી, કાલે સવારે ગાંધીજી શું બોલશે ને કરશે તેના પર નજર ઠેરવી તે બેઠી હતી.

અમદાવાદ - આ દૈવી નાયકનું પાટનગર - આત્મબળનાં શસ્ત્રો ધારી વિજયપ્રયાણ આરંભવા એકપગે થયું હતું. બધાને ખાતરી હતી, કે જોતજોતાંમાં આ જુલમગાર સલ્તનત પડવાની જ. અમદાવાદમાં તે દિવસે કોઈ બાપડું બિચારું નહોતું. તેમ જ કોઈ હિંદી રાજભક્ત નહોતો - એક અપવાદ સિવાય ને તે અપવાદ પ્રમોદરાય ફોજદાર.

ચાલીશ વર્ષ થયાં તેમણે બ્રિટિશ સલ્તનતની સેવા ઉઠાવી હતી; અને પોતે પોલીસના સિપાઈમાંથી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ થયા હતા. આ ચાલીશ વર્ષમાં તેમણે વ્યવસ્થા, ધારા અને શાંતિને ધર્મ માન્યાં હતાં, અને બ્રિટિશ સલ્તનતને તેની પ્રતિપાલક માની હતી. પીનલકોડના નિયમોનો ભંગ એ તેમને મન મોટામાં મોટું પાતક હતું. વિક્ટોરિયા, પછી એડવર્ડ, ને પછી જ્યોર્જ; આ સમ્રાટપરંપરાની વફાદારી એ જ તેમને મન મોટામાં મોટું પુણ્ય હતું. કોઈ ગુનેગારને પકડવા ને શિક્ષા કરવા તે જતા ત્યારે ડગલે ડગલે, અડસઠ તીરથની પરકમ્મા પગે કરનારની માફક, તેમને ગર્વ ને તપોમયતાનું ભાન થતું. જેમ બ્રાહ્મણને પુણ્યે પૃથ્વી રસાતાલ જતી અટકે છે, તેમ એમની સેવાથી જ તે સાતમે પાતાલ જતાં અટકે છે, એમ પણ એમને ખ્યાલ હતો.

એમની વફાદારીમાં સ્વાર્થની છાંટ નહોતી. વ્યવસ્થા ને વફાદારી એ એમને મન તો વિશ્વનો મોટામાં મોટો નિયમ હતો. જો પોલીસ ચોકી ન કરે, જો મેજિસ્ટ્રેટ ગુનેગારને શિક્ષા ન કરે તો સૃષ્ટિનું શું થાય તે પોતે કલ્પી શકતા નહોતા. જે પૃથ્વી પર ધારા ને વ્યવસ્થા ન હોય તે પૃથ્વી હોય તોય શું ને ન હોય તોય શું ? એક મહાપુરુષે હિંદમાં ‘વફાદારી’ની વ્યાખ્યા આપી હતીઃ જે બિનવફાદારીના ગુના માટે ગુનેગાર ઠર્યા નહીં હોય તે. પ્રમોદરાયને આ વ્યાખ્યાની જરૂર નહોતી. એમની વફાદારી તો જ્વલંત, ભક્તિભરી, શ્રદ્ધાપૂર્ણ હતી. જેમ ગીતાકારે આખી જનતાને સાધુ ને દુષ્કૃત્યોમાં વહેંચી નાંખી તેમ ફોજદારસાહેબે પણ વ્યવસ્થાશીલો ને વ્યવસ્થાવિરોધીઓમાં જનતાને વહેંચી નાંખી હતી.

તેમનું જીવન પણ વ્યવસ્થામય હતું. એમના કાગળો, એમનાં કપડાં ને એમનાં શાસ્ત્રોમાં પણ અડગ વ્યવસ્થા હતી. તેમણે વ્યવસ્થામય સંસાર માંડ્યો હતો, અઠવાડિયામાં કયાં શાક ને કયા કઠોળ કરવા તે વર્ષો થયાં નિશ્ચિત થયું હતું. પરસન કાકી મહિનામાં નક્કી કરેલે દિવસે ચાર વાર રાત પડે, સારાં લૂગડાં - ઘરેણાં પહેરતાં.

ફોજદારસાહેબને એકે મિત્ર નહોતો; તેમ તેમના કામ ઉપરાંત તેમને કશામાં મજા આવતી નહીં. એમનાં કામ કલાકારની દૃષ્ટિથી ઉકેલાતાં. એમનું મીઠાશભર્યું મુખ, ને સ્નેહથી ઊભરાતો અવાજ ગુનેગારોને પરહેજ કરવામાં વપરાતો. એમની છટાભરી રીતભાત સખતમાં સખત હુકમ કાઢવામાં ને તેનો અમલ કરવામાં વપરાતી.

બધી રાજકીય ચળવળ તરફ કરડી નજરે તે જોતા, અને તેમાં ભાગ લેનાર બધા ભાવિ કેદી છે એમ માની તે ચાલતા. તેમના તરફ મીઠાશથી તે મિત્રાચારીથી વર્તતા - માત્ર એક કલા - દૃષ્ટિવાળા ધારા ને વ્યવસ્થાના પ્રતિનિધિની કુનેહથી. ઘણા અમલદારો પ્રમાણપત્ર મેળવવા, પગાર વધારવા, ખિતાબ પામવા, ઉપરી અમલદારોને રીઝવવા રાજકીય જીવનમાં ભાગ લેનારને કનડતા. ફોજદારસાહેબ તો એવા ઘોર પાપીઓનો વીણી વીણીને વિનાશ સાધવા તલસતા હતા - પણ ખૂબીથી.

કોઈ વિલાસી પુરુષ સુંદર ઉપવનમાં બેઠો હોય, શીતળ સુગંધભર વાયુની મોજ લેતો હોય, સુંદરીના સુકોમળ હાથે સ્પર્શેલા તારોમાંથી નીતરતું સુમધુર સંગીત સાંભળતો હોય, અને જ્વાલાભર્યા ફૂંફાડા મારતા, પગ પછાડતા, પાડા પર બેસી વિકરાળ યમરાજ વિનાશ પ્રસારતા આવે તેમ શાંત, સુવ્યવસ્થિત અમદાવાદમાં શાંતિ સાચવવા ફોજદારસાહેબના રાજ્યમાં અસહકારનાં ફૂંફાડા કરતા, અનુયાયીઓ પર હુકમ ચલાવતા મહાત્માજી ઊતરી આવ્યા.

આ વિનાશ અટકાવવા તેમણે મગજમાં યુક્તિ રચી, કમરપટો સખત કર્યો અને ઘરમાં ત્રણ હાથકડીઓ હતી તેની છ રાખવા માંડી.

સભાઓ, છાપાંઓ, સ્વયંસેવકોનાં સૈન્યો વ્યવસ્થાનો વિરોધ કરવા લાગ્યાં.

જેમ દિવસો જતા ગયા તેમ તેમના પૃથ્વીનાં મૂળિયાં ઊખડી જતાં લાગ્યાં. કાયદાનો ભંગ - સવિનય કે વિનયવિહોણો - કાયદાનો ભંગ જ હતો. અને તેને પરમ કર્તવ્ય કહેનારાઓ ધોળે દહાડે ફરતા જોઈ તેમના કચવાટનો પાર રહ્યો નહીં. આ કંટકો ઉખેડી નાખવા તે તૈયાર હતા; પણ ઉપરી અમલદાર તેમને શાંત રહેવા આજ્ઞા કરતા હતા, એટલે ઊભરાતા હેતનો ડોળ કરી તે માત્ર સાવધાન બની બેસી રહ્યા.

ગાંધીજીએ સળગાવેલા ઉત્સાહની ભયંકર જ્વાળાઓ ચારે તરફ દાવાનળ પ્રસારતી હતી; પણ તેમને તેની ઊની આંચ પણ લાગતી નહીં; પોલીસનું ન્યાયી ધર્મશાસન, અને પીનકોડનાં વેદવાક્યોની પવિત્રતામાં નિશ્ચલ શ્રદ્ધા રાખતા આ મહાત્માનો જીવ આવો દાવાનળ જોઈ ઊકળી આવ્યો, તેને હોલાવવા તેમનામાં તાકાત હતી; પણ કોણ જાણે કેમ, તેમને કોઈ તાકાત અજમાવવા દેતું નહીં. દુનિયાનું શું થવા બેઠું હતું ?

આ પાપાચારીઓનો વિજય; ચારે તરફ થતો વ્યવસ્થાભંગ; પોતાની નિષ્ક્રિય અશક્તિ; બ્રિટિશ સલ્તનતની ભીરુતા - આ બધાનો વિચાર તે સદાય કર્યા કરતા. આ વિચારો કરતાં એમની અક્કડ ચાલ વધોર અક્કડ થતી. રખેને ધારા ને વ્યવસ્થાનું ગૌરવ ઘટી જાય એ બીકે તે પોતાનાં કપડાં સ્વચ્છ રાખતા, પટો - તરવાર ચમકાવતા ને મૂછોના વધારે ને વધારે ફક્કડ આંકડા વાળતા. સાથે સાથે મોં પર મીઠાશ, અવાજમાં મૃદુતા, રીતભાતમાં સૌમ્ય છટા વધારે આવવા લાગ્યાં. એમની સાવધાનતા સર્વગ્રાહી થવા લાગી, અને એમના હેતભર્યા હાસ્યથી અંજાઈ સત્યાગ્રહીઓ સાવધાનતા વીસરવા લાગ્યા.

દિનેશ ઠાકોર ઊછરતો વકીલ હતો. કોંગ્રેસનો નેતા હતો. સ્વયંસેવક સૈન્યનો નાયક હતો અને ગાંધીજીનો જમણો હાથ ગણાતો. ચકલે ચકલે તેણે અસહકાર પ્રેર્યો હતો, ઘેર ઘેર કાયદાનો સવિનય ભંગ શીખવ્યો હતો; હોટેલો હોટેલે તેણે ચા માટે સત્યાગ્રહ આદર્યો હતો. એ ઘણો જબરો કહેવાતો; લોકપ્રિય હતો. ફોજદારસાહેબે ઘણી વખત તેને જોયો હતો. નિરાંતે ઊંઘતો માણસ એકદમ કંઈ કરડવાથી જાગી ઊઠે અને હાથ પર માંકડ ચાલતો જુએ ને જે લાગણી તેને થાય તેવી જ ફોજદારસાહેબને દિનેશને જોતાં થતી; અને ત્યારથી દિનેશ જોડે તેમણે સાલસાઈ કેળવી, અને તેના સગા કાકાથી વધારે તેના જીવન ને આદર્શમાં રસ દર્શાવવા લાગ્યા.

કોઈ વાર રાતના જ્યારે છએ છ હાથકડીઓ તૈયાર છે કે નહીં તે તપાસતા; ત્યારે તે કઈ કડી દિનેશને હાથે, કઈ કડી વલ્લભભાઈને હાથે ને કઈ ગાંધીજીને હાથે શોભશે તેનો ખ્યાલ કરતા.

ફોજદારસાહેબ - ખરું જોતાં ડી.એસ.પી. સાહેબના ઉત્સાહનો આજે પાર રહ્યો નહીં. દિનેશને પકડવા માટે આજે તેમને વોરંગ સોંપવામાં આવ્યું હતું. હવે આ તોફાન શમશે, અને વ્યવસ્થાની પુનઃ સ્થાપના થશે - આજે દિનેશ, કાલે વલ્લભભાઈ, પરમ દહાડે ગાંધીજી - ફોજદારે વિચાર્યું. પછી આ ધ્રૂજતી ધરણી સ્થિર થશે, અને વિનાશ અટકશે.

આખો દિવસ તેને દિનેશના ને દિનેશના જ વિચાર આવ્યા. એ હાથકડીમાં કેવો લાગશે, તે પકડાતી વખતે શું બોલશે, તેને કેટલી શિક્ષા થશે, એ બધા ખ્યાલો તેમણે કર્યા. કઈ વખતે તેને પકડવો એનો પણ તેમણે વિચાર કર્યો.

ધારાબદ્ધ જીવન ગાળનાર ફોજદારસાહેબની કલાદૃષ્ટિ સૂક્ષ્મ થઈ રહી.

રાતના આઠ વાગ્યે દિનેશ જમવા ઊઠતો હોય, તેની સ્ત્રી પિરસણ લઈને ઊભી હોય ત્યારે જઈ તેને પકડવો, એવો એમણે મગજ આગળ પ્રસંગ કલ્પ્યો. દિનેશ માત્ર પંચિયું જ પહેર્યું હશે. એની સ્ત્રીએ મુગટો પહેર્યો હશે. થાળી આગળ ફાનસ પડ્યું હશે કે મીણબત્તીનું વાલસીટ ? ખાવાનું શું હશે?...

નીચે બારણું ખખડયું. અત્યારેકોણ આવ્યું ?

પરસન કાકીએ બારણું ઉઘાડ્યું તે તેમણે સાંભળ્યું.

‘ભાઈ છે ?’ કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો.

‘હા છે, કેમ કમળાબહેન.’ પરસન કાકીનો અવાજ આવ્યો.

‘ભાઈનું જરા કામ છે.’ બોલી, આવનાર દાદર ચડવા લાગ્યું.

ફોજદારસાહેબની આંખો ચમકી. તેમના હોઠ બિડાઈ ગયા. દિનેશ ઠાકોરની મા ! તેમણે ટેબલનું ખાનું ખેંચ્યું ને તેમાં પડેલાં વ્જોંરંટ ને હાથકડી જોયાં; ખાનું પાછું દીધું, અને દુષ્ટ વ્યવસ્થા - વિનાશીની માને મળવા આગળ આવી ખુરશી પર બેઠા અને મુખ પર સુમધુર હાસ્યનું આવરણ છવાઈ રહેવા દીધું.

સફેદ ડ્રેસ; ચમકતાં બટનો અને પટો; જોધપુરી બ્રિચીસ; આંકડીઆળી સફેદ મૂછો; તાલ પડેલું તેજસ્વી માથું; સખત નિશ્ચલ મોટી આંખો - આ બધું આ આદર્શ ફોજદારની વ્યવસ્થાને અદ્‌ભુત, આદર્શરૂપ બનાવી રહ્યાં. એને જોઈ કોઈ પણ કહી શકે નહીં કે બ્રિટિશ સલ્તનત જોખમમાં છે.

ભારે શરીરનાં કમળાબહેન ઘૂંટણ પર હાથનો ટેકો દેતાં ઉપર ચડ્યાં.

‘ભાઈ, આવું કે ?’ હસીને તે દાદર ચડી શ્વાસ ખાવા ઊભાં.

‘આવો.’ ફોજદારે ઉમળકાભર્યો આવકાર આપ્યો.

જે યુગ દશ શેરમાં કલ્લાં પહેરી મગનભાઈના કૂવાનાં પાણી વહી લાવતો અને આખી દશ રાત વેંત વેંત કૂદી ભદ્રમાં સંભળાય એવા રાજિયા ગાતો તે યુગનો નમૂનો કમળાબહેન હતાં. હાલનો અધોગતિ પામેલો નિર્માલ્ય યુગ એમનામાં કદી પણ આકર્ષણ હશે એમ કલ્પવા અશક્ત બનતો; પણ જુવાનીમાં ઢબ્બુ જેવડો ચાંલ્લો કરી, પૈસા જેવડો કાંટો પહેરી કમળાબહેને કેટકેટલાં હૃદયો વશ કર્યાં હતાં, તેની ફોજદારને ખબર હતી, પણ આ સ્મરણથી અધિકારીના સખત વ્યવસ્થાપૂર્ણ હૃદયમાં આર્દ્રતાનો કંઈ પણ સંચાર થયો નહીં.

‘કેમ કમળાબહેન, કંઈ ઘણે દહાડે ?’ ફોજદારસાહેબે પૂછ્યું. તેમની આંખો જ માત્રહસી.

‘ભાઈ !’ કમળાબહેને ફોજદારના પગ આગળ બેસતાં કહ્યું, ‘આજે મારા દિનુનો જન્મદિવસ છે.’ તે થોભ્યાં, પણ ફોજદારના હસતા મુખ પર કાંઈ ફેર પડ્યો નહીં. તેણે માત્ર મૂછને એક વળ ચઢાવ્યો. કમળાબહેને વૃદ્ધ મોં મલકાવી પૂછ્યું, ‘ભાઈ ! ગામમાં આ ગપ ચાલે છે તે ખરી ?’

‘શી ?’ જાણે ગપ જેવી વસ્તુ માત્રથી પોતે અપરિચિત હોય તેમ નિર્દોષતાથી આંખો ફાડી તેમણે પૂછ્યું.

‘કે દિનુને આજે પકડવાનો છે ?’

ફોજદારસાહેબે મૂંગે મોંએ મૂછને વળ ચઢાવ્યા કર્યા.

‘ભાઈ ! આજે દિનુનો જન્મદિવસ છે.’

‘તમે તે કહી ગયાં.’ મીઠાશથી ફોજદારસાહેબે કહ્યું.

‘ને ભા ! એની વહુ સુરત જણવા ગઈ હતી તે અત્યારે જ છોકરો લઈને આવી છે.’

‘અંહં.’

‘ભાઈ ! આજની રાત કોઈ એને પકડે નહીં, એટલું કરોની. કમળાબહેને કરગરીને કહ્યું, ‘કાલે પછી એનું જે કરવું હોય તે કરજો.’

‘કમળાબહેન ! સત્યાગ્રહીને જેલ સમાન સુખ ક્યાં ?’ ફોજદારની

આંખો હસી.

‘ભાઈ ! હમણાં તો એ ગાંધીઘેલો થઈ ગયો છે; પણ ગમે તેવો પણ મારો એકનો એક.’

ફોજદારસાહેબે જવાબ નહીં આપ્યો. એનો એકનો એક તેમાં તેમને શું ? ધારા ને વ્યવસ્થા કેટલાય એકના એકને સંરક્ષતાં હતાં.

‘ભાઈ ! આટલું મારું ગરીબનું નહીં કરો ? એક રાતમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે ?’

‘કાયદાને જન્મદિવસની શી પરવા ?’ જાણે ઘણા જ હરખની વાત

પૂછતા હોય તેમ તેમણે પૂછ્યું.

‘પણ મને તો ખરી ને ?’

‘પણ તેમાં હું શું કરું ?’

‘તમે ચાહ્ય તે કરો એમ છો.’

‘મારા હાથમાં હોય તોય હું દિનુ માટે કાંઈ નહીં કરું.’

‘ભાઈ ! એમ શું કઠોર થાઓ છો !’

‘શાંતિ ને વ્યવસ્થાનો એ શત્રુ થઈ બેઠો છે. એને કોઈ મદદ કરી શકે કેવી રીતે ?’ ન છૂટકે મુશ્કેલી રજૂ કરતા હોય તેમ ફોજદારે કહ્યું. પળવાર ખિન્ન મુખે કમળાબહેન જોઈ રહ્યાં. ફોજદારસાહેબે પટામાં આંગળી ફેરવી.

‘ચાલો બીજું કંઈ ?’ ફોજદાર સાહેબે હસીને ખુરશી પરથી ઊઠવા બે હાથ ખુરશીના હાથા પર મૂક્યા.

‘ભાઈ, આટલું તો કરવું જ પડશે.’ કમળાબહેને નીચું જોઈ કહ્યું. ફોજદારસાહેબે મૌનથી ના પાડી.

‘હું હીણભાગી તે આખો અવતાર હીણભાગી જ રહી.’ કમળાબહેને કહ્યું ને ઊઠવા માંડ્યું. ‘જુઓની, નહીં તો વળી આપણો વિવાહ તૂટત ?’

ફોજદારસાહેબ જાણે યાદદાસ્ત તાજી કરતા હોય તેમ આંખ ફાડી જોઈ રહ્યા. તે જરા હસ્યા, ‘ભલું તમને યાદ રહ્યું છે ?’

‘મને કેમ યાદ ન હોય ? કેમ, હું પણ વાડીએ આવી હતી ત્યારે તમે મને છાનામાના સિગરામમાં બેસી શેરડી કાપી આપી હતી તે.’ કમળાબહેનના કઠોર સ્વરમાં સ્મરણભીની મીઠાશ આવી.

અચાનક ફોજદારસાહેબની નજર પોતાની આંગળી પર પડી. એમની આંગળી પર એક ઘા સ્પષ્ટ રીતે દેખાતો હતો. તેમનું મુખ હસું હસું થઈ રહ્યું. તેમની આંખોમાં ખંધાઈ આવી. થોડી વાર તે કમળાબહેન તરફ જાણે મજાકમાં હોય તેમ જોઈ રહ્યા. ‘ભલું તમને બધું યાદ છે ?’ તેમણે તે ને તે જ વાક્યમાં પોતાનો ભાવ બદલ્યો. ‘હજુ એ શેરડી કાપતાં પડેલો ઘા મારી વચલી આંગળી પર છે. જુઓ -’ કહી તેણે આંગળી ઊંચી કરી.

કમળાબહેને તેને પાસે આવી તપાસી. ‘હા, હજુ છે.’ તે હસ્યાં, પણ તરત ગંભીર સ્વરે તેમણે ઉમેર્યું : ‘ભાઈ ! એ તો બધાં સમણાં થઈ ગયાં. મારે નસીબે તમે નહીં લખેલા તે પરણીને રાંડી-દળણાં દળી પેટ ભર્યું, ને જેમ તેમ કરતાં છોકરો ઉછેર્યો, ને આજે આ દશા !’ કમળાબહેન છેડો આંખ આગળ લઈ ગયાં. ‘ભાઈ, તમે સુખી થવાને સરજાયા ને હું ન થઈ.’

ફોજદારસાહેબના હૈયામાં જાણે ફાટ પડી હોય તેવા દેખાવથી તે જોઈ રહ્યા. પરસનને બદલે કમળા તેની ગૃહિણી થઈ હોત તો તેમના જીવનના પ્રવાહમાં અવર્ણનીય કાંઈક આવ્યું હોત. એ શેરડીના કકડાનાં સ્મરણો આટલાં સુંદર છે, તો પછી વાસ્તવિક જીવન કોણ જાણે કેવુંયે હોત : આવા વિચારો ફોજદારના મુખ પર સ્પષ્ટ રીતે વંચાતા હતા. કમળાબહેને તે વાંચ્યા ને નિસાસો નાંખી બોલ્યાં, ‘ને દિનેશે બાપનું સુખ ન જોયું તે અત્યાર સુધી જોત.’ અને પાછાં બેસી ગયાં.

પ્રમોદરાય ન સમજી શકાય એમ જોઈ રહ્યા. તેમના સ્વસ્થ અંતરમાં અપરિચિત વાયરો વાવા માંડ્યો હતો, એમ દેખાતું.

તેમણે કમળાબહેન તરફ જોયું, ને તેમની આંખમાં અદ્‌ભુત આર્દ્રતા આવી. શીતળ પવનની લહરી દૂરથી ગીતધ્વનિ લઈ આવતી હોય ને અંતરમાં આહ્‌લાદ પ્રસારે તેવો આહ્‌લાદ તેમના હૈયામાં પ્રસરી રહ્યો હોય એમ તેમના મોં પર જણાતું.

બંને એકબીજાની સામું જોઈ રહ્યાં. આ ક્ષણની મોહિની હાથમાં આવેલી રખે સરી જાય એવી બીકે ફોજદારસાહેબ નિઃશબ્દ બેસી રહ્યા હતા એમ કમળાબહેનને લાગ્યું. આ બધાની નોંધ લઈ થોડી વારે કમળાબહેન બોલ્યાં, ‘ભાઈ ! હું જાઉં છું. મને મોડું થાય છે. આજે દિનુને જન્મદિવસ છે ને ઘેર મેમાનો તેડયા છે ને વહુદીકરો પણ આવ્યાં છે.’

ફોજદારસાહેબે મૂછને આંકડો ચડાવ્યો.

‘ભાઈ ! આજે દિનુને પકડશો નહીં,’ હસીને કમળાબહેને કહ્યું. ‘જો જો હોં.’ ફોજદારસાહેબે માત્ર ગળું ખંખાર્યું, પણ ગળામાંથી અવાજ નીકળ્યો નહીં.

‘કાલે સવારે જે કરવું હોય તે કરજો,’ કહી કમળાબહેને દાદરના કઠેરા પર હાથ મૂકી ઊતરવાની તૈયારી કરી.

‘વારુ...’ ફોજદારસાહેબના ગળામાંથી નીકળ્યું ન નીકળ્યું ને કમળાબહેન દાદર ઊતરી ગયાં.

ફોજદારસાહેબ અક્કડ થઈ ઊભા રહ્યા. ધારા ને વ્યવસ્થાનં બધાં બળો તેમના અંતરમાં ઊછળી આવ્યાં : તેમનું મુખ સખત - નહીં ઓળખાય એવું થઈ ગયું. વ્યવસ્થાનો વિરોધ અને સાથે છેતરપિંડી ! કમળાએ કહ્યું હતું તે કડવાશથી તેણે ફરી ફરી સંભાળ્યું.

તેમણે ખાનું ઉઘાડ્યું, વોરંટ ફરીથી વાંચ્યું; તે અને હાથકડી ગજવામાં મૂક્યાં.

તે નીચે ઊતરી, ખાડિયાની અંધારી ગલીઓમાં ગયા. તેમનાં દૃઢ ડગ, સચોટ દૃષ્ટિ, તરવારની મૂઠ પર હાથ જોતાં, અંધકારની અવ્યવસ્થા પર દોર ચલાવતી ધારાની સજીવ મૂર્તિ તે લાગતા.

તે દિનેશને ઘેર ગયા. તેનું ઘરનાનું ને જૂનું હતું. તેનો ધંધો મોટું ઘર બાંધવા જેટલો હજુ ધીક્યો નહોતો. બારણું ઠોકતાં પહેલાં તેમણે જાળીમાંથી નજર કરી.

ચોકમાં દિનેશ અને તેના બે મિત્રો જમવા બેઠા હતા. સામે કમળાબહેન હેતભરી આંખોએ દીકરાને જોઈ રહ્યાં હતાં. તેમના ખોળામાં બે મહિનાનો પૌત્ર હતો. દિનેશની વહુ શરમાતી, મલકાતી પીરસતી હતી. એક અગરબત્તીની સુવાસ ચારે તરફ પ્રસરતી હતી.

ફોજદારસાહેબે થોડી વાર જોયા કર્યું. વ્યવસ્થાવિરોધીઓને જોઈ તેમણે હોઠ પીસ્યા. કમળાએ કરેલી વાતથી તેમને ઝનૂન આવ્યું.

‘કોણ એ ?’ કમળાબહેને પૂછ્યું.

ફોજદારસાહેબે ધ્યાનથી જોયું. દિનેશ ને તેના મિત્રો સ્તબ્ધ થઈ ગયા હતા. દિનેશની વહુ ફિક્કી પડી ગઈ. કમળાબહેનની આંખમાં વેદના હતી અને ઠપકો હતો.

‘જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે એને શેરડીના કકડા કરી આપ્યા હતા !...’ તેમણે કમળાબહેનની વાત સાંભરી ને ખડખડ હસ્યાં. ‘કોઈ નહિ, એ તો હું.’

‘કોણ પરમોદકાકા !’ દિનેશનો સ્વસ્થ અવાજ આવ્યો.

‘આવો હીંચકા પર બેસો. બૂટ ચાલશે. હું સમજ્યો કેમ આવ્યા છો તે. મને જમી લેવા દો. બા ! કાકાને દૂધ તો આપ... ના-ના કાકા, નહીં ચાલે. આજે મારો જન્મદિવસ છે.’

આખી સૃષ્ટિ ફોજદારસાહેબની આંખ આગળ નાચવા માંડી. અગરબત્તીની સુવાસ તેમને વશ કરતી હતી. તેમની અને દિનેશની વચ્ચે પારદર્શક પડદો પડ્યો હતો.

તે હીંચકે બેઠા - બેસી પડ્યા. કેવો હેતાળ આવકાર !

‘વહુ ! કાકાજીને સારું દૂધ લાવ.’ કમળાબહેનનો અવાજ આવ્યો. આ જ અવાજે સાઠ વર્ષ પર શેરડી માગી હતી.

‘ભાઈ !’ પાછો તે જ અવાજ આવ્યો, ‘આ દિનુનો કીકો.’ તેમની જીભ અટકી ગઈ, માત્ર હાથ જ લાંબા થઈ શક્યા. તેમની ઝાંખ વળેલી આંખે એક નાનું છોકરું પોતાના હાથમાં દેખાયું... ને તે હસ્યા. તેમની આંખોમાં હરામખોરીનું તોફાન ચમક્યું. જો સાઠ વર્ષ પર બધું સીધું ઊતર્યું હોત તો તેમનો છોકરો હોત ને આ છોકરું - તે મનમાં બબડ્યા ને ન કળાય તેવી રીતે જોઈ રહ્યા.

‘કાકા, મને લઈ જવાની ઉતાવળ છે ?’ દિનેશનો અવાજ આવ્યો.

‘ઉતાવળ શેની ? શા માટે ? કશી ઉતાવળ નથી. તારો જન્મદિવસ છે એમ સાંભળ્યું તેથી હું તો આવ્યો.’

કમળાબહેનની આંખો હર્ષથી સાભાર ચમકતી તેમણે જોઈ. જ્યારે તેમણે શેરડીના કકડા આપ્યા હતા ત્યારે પણ એ જ આંખો એવી રીતે ચમકી હતી; નહીં ?

ફોજદારસાહેબે પોતાના મન સાથે મજાક કરી. અને હસ્યા. તેમણે દૂધ લીધું, પીધું ને હસ્યા - બધાં હસ્યાં. તે બોલ્યા - બધાં બોલ્યાં. પેલું છોકરું રડવા લાગ્યું. એમને તો ત્યાં ને ત્યાં જ બેસવું હતું. ક્ષણે ક્ષણમાં કે પછી અગરબત્તીમાં ઘણી માદકતા હતી.

દિનેશ જમીને ઊઠ્યો ને તે અને તેના મિત્રો પાન ખાવા બેઠા. સામું કમળાબહેન ને દિનેશની વહુ જમવા બેઠાં.

ફોજદારસાહેબની બુદ્ધિ કર્તવ્ય કરવાનો હુકમ કરતી હતી. ‘ધારા ને વ્યવસ્થા સનાતન દૈવી ધર્મ છે. એ ધર્મ ઉલ્લંઘનારને શિક્ષા થવી જ જોઈએ.’ પણ દિનેશને પોતે અત્યારે પકડે તો આ આનંદમાં ભંગ પડે. કમળાની વાત યાદ આવતાં હસવું આવ્યું... જો કમળા તેની સ્ત્રી થઈ હોત, દિનેશ તેનો પુત્ર હોત, તો આ નાનું બાળક તેનો પૌત્ર થાત... અને પોતે આ આનંદી ને સ્નેહાળ કુટુંબનો પિતા હોત... તેને મનમાં ને મનમાં હસવું આવ્યું. કમળા તેની ભલમનસાઈનો લાભ લેવા આવી હતી. તે, દિનેશ, તેની વહુ ને છોકરો.

એમને પોતાનું જીવન મરુભૂમિ જેવું લાગ્યું. તેમાં દિવસમાં બે વખત ખાવાનું, ને મહિનામાં એક વખત પગાર લઈ આવવાનો એટલો જ આનંદ!

પણ ધારા અને વ્યવસ્થાનું શું ?...

તેમણે નિશ્ચય કર્યો અને તડાકા મારવા શરૂ કર્યા. ઘરના સ્નેહાળ વાતાવરણમાં તેમની જીભે પણ ઓર ખૂબી આવીને વસી. એ એમની જુવાનીના ને બાળપણના ટુચકા કહેવા લાગ્યા. વાત કરતાં વાત નીકળી.

‘દિનુ ! એક વાતની ખબર છે કે ? કમળાબહેને મારો હાથ કાપી નાખેલો.’

‘મારી બાએ ? એ કેવી રીતે ?’ દિનેશે પૂછ્યું. કમળાબહેનના અંતરાં ધ્રાસકો પડ્યો ને ગભરાઈને જોઈ રહ્યાં.

‘તને ખબર નથી. તારી બાનો મારી જોડે વિવાહ થયેલો.’

‘શું કહો છો ?’ દિનેશનો એક મિત્ર બોલ્યો.

‘તે હું જાણું કે આજકાલના તમે જાણો ?’ ફોજદારસાહેબે કહ્યું, ‘કમળાબહેન એક દહાડો વાડીએ આવ્યાં ને અમે બે સિગરામમાં ભરાઈ છાનાંમાનાં શેરડી ખાવા બેઠાં.’

બધાં હસ્યાં. કમળાબહેન નીચેથી ઊંચું જોઈ શક્યાં નહીં. દિનેશની વહુ શરમની મારી રાતીચોળ થઈ રહી. ‘શેરડી કાપતાં મારી આંગળી કપાઈ ગઈ.’ બધાં હસ્યાં. કમળા નીચું જોઈ રહી.

‘એની શેરડીએ કપાવી ભાઈ, થયું ?’ ફોજદારે કહ્યું. એમને પોતાને અજાયબ લાગે એવો હેતાળ ને હસમુખો અવાજ તેમના ગળામાંથી નીકળ્તો હતો. ‘આ રહી તે આંગળી,’ કહી ડાબા હાથની વચલી આંગળી ફોજદારે ઊંચી કરી; અને દિનેશના એક મિત્રે દીવો ધર્યો અને કમળાબહેન સિવાય બધાં ફોજદારસાહેબની આંગળી જોવા આવ્યાં. તેમની વાત ખરી લાગી. તેમના ડાબા હાથની વચલી આંગળી પર પહેલા વેઢા આગળ ઊંડો જબરો ઘા હતો. વર્ષો થયાં, પણ ઘા સ્પષ્ટ દેખાતો.

ફોજદારસાહેબની મોટી આંખો વિચિત્ર રીતે કમળાબહેન પર ઠરી હતી; અને તે નીચેથી ઊંચું જોઈ શકતાં નહોતાં. દિનેશ આ બંનેને જોઈ રહ્યો. પછી વાત બદલાઈ. ફોજદારસાહેબ ને કમળાબહેને કંઈ કંઈ જૂની વાતો કાઢી; અને જુવાનિયાં બધાં મજાહ કરતાં, સાંભળી રહ્યાં.

બાર વાગ્યા અને બધાં વીખરાયાં. બારણા સુધી કમળાબહેન ને દિનેશ વળાવવા આવ્યાં.

‘પ્રમોદકાકા ! મને ક્યારે પકડવો છે ?’ દિનેશે પૂછ્યું. કમળાબહેન ચિંતાતુર મુખે જોઈ રહ્યાં.

‘તને ?’ હસીને ફોજદારસાહેબે કહ્યું ને ન સમજાય તેમ જોઈ રહ્યા. ‘સ્અ ર્હ્વઅ ! હું અમદાવાદમાં પોલીસમાં છું ત્યાં સુધી તો નહીં જ.’ ફોજદારસાહેબનો અવાજ ગળગળો થયો હતો. કમળાબહેનની આંખમાં કૃતજ્ઞતા દેખાઈ. દિનેશની નજર ફરી આ બે જણ પર પડી.

‘્‌રટ્ઠહા ર્એ’ દિનેશનો અવાજ આવ્યો.

‘આવજો ભાઈ !’ એક અવાજ આવ્યો.

બારણું દેવાઈ ગયું, અને ચારે બાજુ અંધકાર વ્યાપી રહ્યો. ફોજદાર પોતે શેરીમાં હતા; પગ તેમને લઈ જતા હતા; પણ અંતર અંદર વસતા વહાલસોયા આનંદી કુટુંબમાં હતું.

ઠંડો પવન વાતો હતો. તેમણે ટોપી કાઢી મગજ ઠંડું કરવા માંડ્યું...

...ન કલ્પેલા આહ્‌લાદો જાણે પાછળ રહી ગયા હોય તેમ તેમણે પાછળ જોયું. અંધકારમાં સામું જોયું. એક પોલીસમેન ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને સલામ કરી રહ્યો હતો. એ કોને સલામ કરતો હતો - તેમને વિચાર થયો.

તે એકદમ નિશ્ચય પર આવ્યા. પોલીસમેન પાસે તેમણે ભાડૂતી ગાડી મંગાવી, અને ગાડીમાં બેસી ક્લેક્ટરને ત્યાં ગયા. રાતના એક વાગ્યે તેમણે કલેક્ટરને જગાડ્યા, અને ક્યાં સુધી તેમની સાથે વાત કરી. જ્યારે બે વાગ્યે તે પોતાને ઘેર આવ્યા ત્યારે તેમનું મોં હસતું હતું. તે રાતના જેવી સુખી રાત તેમણે ગાળી નહોતી. • બીજો દિવસે ગામગપાટાના વાયરાઓ વાયા.

એક વાયરો વાત લાવ્યો, કે દિનેશ ઠાકોરને કેદ પકડવાના હતા, પણ પ્રમોદરાય ફોજદારે કલેક્ટર પાસે જઈ રાજીનામાની ધમકી આપી વોરંટ રદ કરાવ્યું.

એક વા એવો હતો, કે દિનેશે રાતના ફોજદારસાહેબને ઘેર બોલાવી સત્યાગ્રહ છોડવાનું વચન આપી વોરંટ રદ કરાવ્યું. એક વા એવો વાયો, કે ફોજદારસાહેબને દિનેશની માએ સમજાવ્યા ને વોરંટ રદ કરાવ્યું. આ વાયરાઓ જોરથી વાયા, અને બપોર પહેલાં તો રાજીનામું

ફોજદારે કેમ ફાડ્યું, તે અને કમળા રોજ સિગરામમાં બેસીને શેરડી કેમ ખાતાં હતાં, દિનેશે કેવા શબ્દોમાં સત્યાગ્રહ છોડ્યો એ બધી હકીકતની ચોક્કસ ખાતરી આપનારા જાણકારો પોળે પોળે થઈ ગયા.

આ વાયરાઓમાં કહીકત એટલી તો ખરી જ હતી, કે બીજે દિવસે દિનેશને કોઈએ પકડ્યો નહીં. શા કારણથી તે દરેકને શોધવાની છૂટ હતી.

દિનેશે રાત આનંદમાં ગાળી ને સવારે તે નિરાંતે ઊઠ્યો. તેને ફોજદારના શબ્દોમાં વિશ્વાસ નહોતો, એટલે પોતે પકડાશે એમ ખાતરી હતી. આઠ થયા, નવ થયા, અગિયાર થયા, ને કોરટમાં ગયો - પણ વોરંટ આવ્યું નહીં; એટલે તે નાસીપાસ થયો, સત્યાગ્રહીના શિરોમણિ તરીકે બધાથી પહેલાં પકડાવાનું માન તે મેળવતો રહી ગયો, એ વિચારે તે ખિન્ન થયો.

પછી તેણે ગામગપાટા સાંભળ્યા. પહેલાં તો તેને ગણ્યાં નહીં. પછી અઢી વાગ્યે ગુજરાત કલબમાં તે ચા પીવા ગયો. ત્યાં પણ એની એ જ વાત થતી હતી તે સાંભળી.

એક ચિબાવલાએ ડામ દીધો : ‘મારી મા પણ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સામું બેસી તેને શેરડી ખવાડતી હોત તો મને પણ કોઈ નહીં પકડત.’

આ શબ્દો દિનેશને કાને પડ્યા ને તે ચમક્યો. શું એમાં કંઈ સત્ય હતું ? તેના હૃદયમાં શંકાઓ ઉદ્‌ભવી.

ફોજદારસાહેબ કોઈ દિવસ નહીં ને તેને ત્યાં કાલે ક્યાંથી ? કોઈ દિવ્સ નહીં ને તેની મા જોડે આટલી બોલવાની છૂટ ક્યાંથી ? કાલે ફોજદાર હસતા હતા ત્યારે તેની મા નીચું કેમ જોતી હતી ? ‘હું પોલીસમાં છું ત્યાં સુધી’ એવી ખાતરી આપવાની શી ગરજ ? અરે ભગવાન ! ને તેમણે તેને ‘માઈ બોય’ કહી સંબોધ્યો હતો... ને પેલી કપાયલી આંગળી.

તેના ક્ષુબ્ધ મગજમાં અજવાળું પડ્યું. તેની માને લીધે ફોજદારે તેને જવા દીધો, ને કલેક્ટર પાસે વોરંટ રદ કરાવ્યું ! તેની આંખે અંધારાં આવ્યાં. તેની મા !... પોતે કોનો છોકરો હતો ? દિનેશ ભાવનાશીલ હતો, નીતિમાન હતો; પોતાની જાતને સત્યાગ્રહી માનતો, પણ તેની મા... ‘ઓ ભગવાન !’ તે બબડ્યો, ‘મને શી ખબર ?’

જેમ જેમ તેણે રાતના પ્રસંગની વિગતો સંભરાી તેમ તેમ તેને ખાતરી થતી ગઈ. તેનું માથું ફરવા માંડ્યું. તેનું લોહી ઊકળી રહ્યું. માથું દુખવાનું બહાનું કાઢીને વહેલો કોરટમાંથી ઘરે જવા નીકળ્યો; પણ ઘેર જવાનું મન થયું નહીં. આ ઘેર જવું - જ્યાં આવી મા વસે ત્યાં !

તેના અંતરમાં માત્ર પેલી કપાયલી આંગળી જ દેખાયા કરી. તોફાન ઊઠ્યું; અંધકાર છવાઈ રહ્યો. સાબરમતીમાં પુલ પરથી પડતું મૂકવાનું તેને મન થયું. ‘અરે મા ! મને દૂધપીતો કેમ નહીં કર્યો ? મને ભૂખે કેમ ન માર્યો? મને શા માટે દળણાં દળી ભણાવ્યો, ને પરણાવ્યો ? મને સારા સંસ્કાર શા માટે દીધા ?’

પગ એને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં બૈરીછોકરાંને મળી, સાબરમતી આશ્રમ જઈ, ગાંધીજીના પૂજ્ય પાદારવિંદમાં આશ્વાસન શોધવાનો તેણે નિશ્ચય કર્યો. ઘેર ગયો ત્યારે કમળાબહેન તેના છોકરાને લઈ બેઠાં હતાં, તેમનો ખોળો એના પુત્રને કલંકિત કરતો જોઈ એનો જીવ ઊછળી આવ્યો; પણ તે કંઈ બોલી શક્યો નહીં, તે ઉપર ચાલી ગયો. અને માથું પકડી સૂઈ રહ્યો. તેની નજર આગળ ફોજદારસાહેબની કપાયેલી આંગળી દેખાઈ. ‘શેરડીના કકડા ! ઓ પ્રભુ ! હું કેમ જીવીશ ?’ તેણે આક્રંદ કર્યું. તેને ચેન પડ્યું નહીં; તે ટોપી પહેરી નીચે ઊતર્યો. માને જોઈ તેના ઝનૂનનો પાર રહ્યો નહીં; તેનં ચાલત તો - અરે તેની પૂજ્ય માતા ! પણ આ પૂજ્ય ! ને પોતે કોનો છોકરો? ‘માઈ બોય !’ ‘ઓ પ્રભુ !’ તે બબડ્યો. તેને કમકમાં આવ્યાં.

તેના મગજમાં ધબકારા થતા હતા. તે બહાર નીકળ્યો; પણ ક્યાં જવું તે સૂઝ્‌યું નહીં. આશ્રમમાં અત્યારે બધા કામમાં હશે, ત્યાં જવું તેને ગમ્યું નહીં. ક્યાં જવું ? તે ચાલતો કોચરબ તરફ ગયો. જ્યાં સુધી ચલાયું ત્યાં સુધી ચાલ્યો. રાત પડી, પણ તેણે ચાલ્યા જ કર્યું. પણ તેના હૈયાની હોળી શમી નહીં.

એને લાગ્યું કે તેને કપાળે ભયંકર કલંક હતું. એને પોતાની નિર્બળતા, પોતાની વાસનાઓનું મૂળ હવે સમજાયું. તેના લોહીમાં અનીતિનો ડાઘ હતો. કાલ સુધી તે પોતાને દૈવી અંશ માનતો; અત્યારે તેની અધમતાની સીમા રહી નહોતી.

તેનું જીવન અકારું થઈ ગયું. તેણે એવું ધાર્યું હતું કે પોતાના આત્મબળથી તે ગાંધીજીની સેવા કરશે. સત્યાગ્રહી સૈન્યને વિજય અપાવશે, આર્યાવર્તનું સ્વાતંત્ર્ય સાધશે. તે કડવાશથી હસ્યો. તેનું આત્મબળ ! એક અધમતાના પરિપાકરૂપ પોતે, તેનું તે વળી આત્મબળ !

તેણે કોઈ પણ પ્રકારે જેલમાં જવા, કે મરી જવાનો નિશ્ચય કર્યો. શા માટે ન જવું ? માના પાપ માટે પ્રાયશ્ચિત નહીં કરવું ? ખરી વાત, પોતે અધમ ભલે હોય, પણ તેની આહુતિથી માતૃભૂમિનો ઉદ્ધાર શા માટે નહીં સાધવો ? પોતે જન્મવો નહોતો જોઈતો, સ્વદેશના સ્વાતંત્ર્ય માટે નહીં મરવું? તેના હૃદયને કાંઈક આશ્વાસન મળ્યું. તેણે સંકલ્પ કર્યો - માના પાપનું પ્રાયશ્ચિત કરવાનો. ફોજદારસાહેબની કપાયેલી આંગળી આ સંકલ્પની અધિષ્ઠાતા હતી. તે બારોબાર આશ્રમે ગયો, ને ઘેર સંદેશો કહાવી દીધો.

બીજે દહાડેથી દિનેશ સત્યાગ્રહની જ્વાલા થઈ રહ્યો. ખાવું, પીવું, સૂવું, બધું તેણે છોડી દીધું. તેણે આત્મબળથી બ્રિટિશ સલ્તનત ઊથલાવી દેવાનું વ્રત લીધું. તેની આંખ આગળ ફોજદારસાહેબની કપાયેલી આંગળી સદાયે દેખાતી, અને તેની વ્રતનિષ્ઠા દૃઢ ને દૃઢ કર્યે જતી. અમદાવાદના રમખાણમાં, પંજાબના જુલમોની તપાસમાં, બારડોલી સત્યાગ્રહમાં, સૌને મોખરે દિનેશ ઠાકોર હતો. આખા હિન્દમાં તેની કીર્તિ પ્રસરવા માંડી. જેમ તેની કીર્તિ વધતી, તેમ તેને પોતાની અધમતાનું ભાન વધારે તીવ્ર થતું; અને તેમ તે પોતાની આહુતિ આપવા વધારે ને વધારે તત્પર થતો.

આ પ્રાયશ્ચિત કરવામાં તેણે કુટુંબીઓને વિસારી દીધાં. દિનેશની આવક બંધ થતાં તેમની વિટંબણાઓ વધી.

પણ ફોજદારસાહેબ બે-ત્રણ દિવસે દિનેશના કીકાને રમાડવા જતા; અને કલાક બે કલાક ગાળી આવતા. આ પ્રસંગો તેમના શુષ્ક જીવનને લીલું કરી રહ્યા. આખરે પોતે એક કુટુંબીજન તરીકે કમળાબહેનની આર્થિક વિટંબણાઓ ફેડવાનો અધિકાર માગી લીધો; અને એ અધિકારનો ઉપયોગ તેમણે કરવા માંડ્યો.

આ વાત દિનેશને કાને આવી ત્યારે તેનો આત્મા કાંપી ઊઠ્યો. તેના પ્રત્યુત્તરમાં પ્રાયશ્ચિત કરવાની પ્રતિજ્ઞા તેણે દૃઢ કરી. જીવનમાં એ પ્રતિજ્ઞા ને તેની સાકાર મૂર્તિ-ફોજદારસાહેબની કપાયેલી આંગળી; બેયે તેને ત્યાગીઓનો પણ ત્યાગી બનાવ્યો.

ગાંધીજીએ બારડોલીના બળવાનું ફરમાન કાઢ્યું હતું. ગર્વથી તેમણે બ્રિટિશ સલ્તનતને પડકાર કર્યો હતો. તેમના અંગત અનુયાયીઓ તે ફરમાન પાળવાને કટિબદ્ધ થયા હતા. વાતાવરણમાં પ્રબળ ઉત્સાહ હતો. સત્યાગ્રહીઓ અને સરકાર, બંને પક્ષો પોતપોતાનાં બળ એકાગ્ર કરતા હતા. બે દહાડા થયા પ્રમોદરાય સ્પેશિયલ ડ્યુટી પર બારડોલી આવ્યા હતા, એમ દિનેશે સાંભળ્યું હતું.

ઈ.સ. ૧૯રરની અગિયારમી ફેબ્રુઆરી હતી. તે આશ્રમમાંથી બહાર નીકળ્યો. તેનું અંગ સુકાઈ ગયું હતું; તેની આંખો અસ્વાભાવિક રીતે ચમકતી હતી. થોડા દિવસમાં પોતે કાં તો જેલમાં જશે, કે કોઈ પોલીસમેનની બંદૂકનો ભોગ થશે. એના જીવનના ઉગ્ર સમારંભની પૂર્ણાહુતિ થવા આવી હતી.

કંઈ આડે ઊભું હતું. તેણે ઊંચું જોયું. ફોજદારસાહેબ કદાવર, વૃદ્ધ ને ગૌરવશીલ વચ્ચે ઊભા હતા. તેમનું મુખ વાત્સલ્યભાવથી પ્રફુલ્લ હતું. દિનેશ ચમક્યો - જાણે કાળીનાગ સામે ઊભો હોય તેમ.

‘દિનેશ, કેમ છે ?’ ફોજદારસાહેબે પૂછ્યું.

‘તમે ક્યાંથી ? કેમ આવ્યા છો ?’ દિનેશે પૂછ્યું. ગાંધીજીની સોબતથી અપમાન કરવાની તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી.

‘તને બચાવવા.’ ‘મને ! શા માટે ? તમને શું ?’ ‘તારી મા, વહુ ને દીકરાને લઈ સોંપવો છે.’ ‘સોંપી રહ્યા !’ તિરસ્કારથી દિનેશે કહ્યું : ‘કાલે સવારે હું તો પહોંચી જવાનો.’

‘હા. અમદાવાદ !’ હસીને ફોજદારસાહેબે કહ્યું.

‘તમને શું ભાન ?’ કડવાશથી દિનેશે કહ્યું. ‘સરકારી અમલદારને સ્વદેશે શું, સત્યાગ્રહ શું ને સ્વાતંત્ર્ય શું ?’ કહી દિનેશ પાછો વળ્યો.

ફોજદારસાહેબનું મીઠું હાસ્ય તેના કાન પર અથડાયું.

તે ગાંધીજીને આશ્રમે પાછો આવ્યો.

ત્યાં ગડબડ મચી રહી હતી. સત્યાગ્રહસેનાનીઓનાં ટોળાં ઊભાં હતાં, અને છાનાંમાનાં અકલાઈને વાત કરતાં હતાં. દરેક મુખ પર વ્યગ્રતા હતી. દરેક આંખમાં અકળામણ હતી.

રાષ્ટ્રના જન્મમરણ જેવો એક ભયાનક પ્રસંગ હતો. ચૌરીચૌરાના રમખાણ વિશે વિચાર કરવા મહાત્માજી એકાંત સેવતા હતા.

એક માણસ પર, એક પળ પર આખા દેશના ઇતિહાસનો, ભાવિનો આધાર રહ્યો હતો. તે માણસ પર ને તે પળ પર શાસન ચલાવવાની કોઈને સત્તા નહોતી. શું થશે ?

સમયનો પ્રવાહ પળવાર થંભી ગયો.

એક સુપરિચિત ને મીઠા પ્રતાપી અવાજે બહાર ઊભેલાઓને બોલાવ્યા.

બધા અંદર ગયા. અહિંસાના પેગંબરના મુખ પર ગ્લાનિભર્યું હાસ્ય હતું. વિપ્લવવૃત્તિ ને અહિંસાવૃત્તિ બે વચ્ચે થયેલા તુમુલ યુદ્ધના ત્યાં પડઘા પણ રહ્યા નહોતા.

‘બેઠો બળવો બંધ કર્યા વિના છૂટકો નથી,’ રાષ્ટ્રવિધાતાએ કહ્યું, અને ઇતિહાસનાં અનેક પ્રકરણો લખવાનો અધિકાર લઈ લીધો.

કેટલાક ખુશ થયા, કેટલાક દિલગીર થયા. દિનેશે ગૂંગળાતી છાતી પર હાથ મૂક્યા. સત્યાગ્રહ નહીં - બળવો નહીં - કેદ નહીં - રમખાણ નહીં -બંદૂકના બહાર નહીં - મૃત્યુ નહીં.

‘તે ત્યાંથી નાઠો - નિરાશાથી ગૂંગળાતા હૃદયને કોઈ પણ પ્રકારે શાંત કરવા. ફોજદારસાહેબની કાપેલી આંગળી જાણે જ્વાલામય સત્ય હોય તેમ તેની આગળ દોડતી.’ મરણિયો કદી મરતો જ નથી એ ખરી વાત ઠરી. મૃત્યુ પાછળ ફાંફાં મારતાં પણ તે તેને આવી મળતું નહોતું. તેને નસીબે તો નિરાશારૂપી જ મરણ લખાયું હતું.

‘ક્યાં જાય છે ?’

દિનેશ ચમક્યો - જાણે ભૂત વળગ્યું હોય તેમ. ફોજદારસાહેબ તેની પાસે આવ્યા.

‘કેમ ભાઈ ? હવે તો અમદાવાદ આવશે ને ?’

‘શું કામ આવું ? તમારી શેરડીની વાતો સાંભળવા ? કદી નહીં. હું તો મરવાનો,’ દિનેશના અવાજમાં આક્રંદ હતું. ફોજદારસાહેબ આંખ ફાડી જોઈ રહ્યા. ‘શું ?’ તેમણે સખતાઈથી પૂછ્યું. ‘કંઈ નહીં.’ દિનેશે ગળગળે અવાજે કહ્યું. ‘તમારાં કાળાં મોં મારે જોવાં નથી.’ એક કદમ ફોજદાર આગળ ને દિનેશના બે ખભા પર હાથ મૂક્યા.

‘મૂર્ખા ! શું બકે છે ? તું પણ બદમાશોના ગપાટા માનવા લાગ્યો? મૂર્ખા ! તેમાં મરવા માગે છે ?’ ફોજદારસાહેબને સમજ પડી.

‘હા - હા.’

‘મૂરખ,’ ફોજદારે દિનેશને જોરથી હલાવ્યો. ‘તારા પેલા જન્મદિવસ પહેલાં કમળાબહેન ને હું ભાગ્યે જ બે અક્ષર બોલ્યાં હતાં આખા અવતારમાં.’

‘તમારો તો વિવાહ’

‘ગાંડા ! ખોટી વાત. તને ખબર છે, કે કમળાબહેન મને કહેવા આવ્યાં હતાં કે તારો જન્મદિવસ હતો, માટે તને એક રાત નહીં પકડવો.’

‘હા, મને કહીને જ આવી હતી.’

‘પણ શા હકથી કહેવા આવ્યાં હતાં તે ખબર છે ?’

‘ના.’

‘એમણે અસલ અમારો વિવાહ થયો હતો એમ વાત જોડી કાઢી. મેં પણ એ વાત કબૂલ કરી.’

‘શા માટે ? ને રાજીનામાની ધમકી આપી વોરંટ રદ શા માટે કરાવ્યું?’

‘દિનેશ, પહેલાં તો વિવાહની એ વાત ગમતમાં કબૂલી. પછી તોર ત્યાં આવ્યો. તારું સુખ ને તારાં કુટુંબીઓનું હેત જોયું. તે કુટુંબજાલમાં ગૂંથાવા મેં એ વાતને પુષ્ટિ આપી. અને રખે એ કુટુંબ દુઃખી થાય માટે વોરંટ રદ કરાવ્યું. તું વકીલ છે, છતાં આવી મૂર્ખા જેવી વાત કરે છે. મને છોકરો નહોતો, તે મેં જાણ્યું કે હું છોકરો મેળવીશ.’ ફોજદારસાહેબે મ્લાન વદને કહ્યું.

દિનેશે ઊંચું જોયું. સખત એકલવાયા વૃદ્ધ ફોજદારના મુખ પર ને અવાજમાં જણાતા ભાવ ને સ્નેહલાલસા તેણે જોયાં. આ વૃદ્ધ માણસે સૂકા જીવનમાં લીલોતરી ઉગાડવા આ ઉપકાર કર્યો હતો. અત્યારે તે અહીંયાં આવ્યો હતો, અને તેને પાછો લઈ જવા મથતો હતો, ને તેની માની જોડી કાઢેલી વાત સ્વીકારી હતી. પણ - પેલી કપાયલી આંગળી. ફોજદાર હસ્યા ને થોડી વાર થોભ્યા.

‘મૂરખા ! ચાલ મારી જોડે.’

આગળ ફોજદાર ને પાછળ દિનેશ એમ તે ગામમાં આવ્યા ને ફોજદારને ઉતારે આવ્યા. ત્યાં જઈ ફોજદારસાહેબે જૂની ફાઈલ લીધી ને ફેરવવા માંડી.

‘સારું થયું કે આજે જ બારડોલી કચેરીમાંથી મારા જૂના કેસ વાંચવા આ ફાઈલ લાવ્યો.’ તેણે પાનાં ફેરવી એક કાગળ વાંચવા આપ્યો. બેભાન જેવો દિનેશ વાંચી રહ્યો. પ્રમોદરાયનો રિપોર્ટ હતો :

‘ચોરને પકડતાં તેના હાથમાંનું ધારિયું જરાક પકડાઈ જવાથી મારા ડાબા હાથની વચલી આંગળીને સખત ઘા વાગ્યો છે. ડૉક્ટરના કહેવા મુજબ એ આંગળીને રુઝાતાં દશ દહાડા થશે.’

‘દિનેશની આંખે અંધારા આવ્યાં. જ્યારે તે સ્પષ્ટ જોઈ શક્યો ત્યારે ફોજદારસાહેબે વાત્સલ્યભાવથી હસતા હતા.’

દિનેશની આંખમાં આંસુ આવ્યાં. તેણે ઊભા થઈ હાથ જોડ્યા. ‘પ્રમોદકાકા, તમારો દીકરો થઈ રહેવાનો અધિકાર આપશો ?’ તેનો અવાજ ગળગળો થઈ ગયો.

‘ફોજદારસાહેબ ઊભા થયા, પટો ઠીક કર્યો, ગળું ખંખાર્યું, કોટની બાંય વતી આંખો લૂછી ને દિનેશને ભેટી પડ્યા.’

ર૩. પ્રયણ - જૂનો અને નવો

તે સૈકાના સ્વાસ્થ્યથી ઊભેલો ગૌરવાન્વિત પથ્થરિયો મહાલય આવ્યો.ત્યાં આવીને હું ઊભો, પહેરેગીરોથી રક્ષાયેલો. દરવાજા ઉપર સંગેમરમરમાં કોઈ શ્રદ્ધાળુ ઇસ્લામીએ સુંદર અને મરોડદાર અરબી અક્ષરો કોતર્યા હતા. બારણાં ઊઘડ્યાં, હું અંદર ગયો, અને મારી કોટડી મળી - ઊંચી ને નાની. બે વર્ષ માટે આ જ હતો મારો આવાસ, મારું શયનગૃહ ને અભ્યાસખંડ. એમાં જે હતું તે જ મારી સમૃદ્ધિ; ને એની સફેદ સાદી ભીંતો, કબરની ભીંતો સમી, જગત જોડે મારા સંબંધની આડે ઊભી હતી.

રાત ને દિન હું તેમાં બેસતો, ને ઘણી વાર એ ભવ્ય કરુણ કથાનો વિચાર કરતો. ગુનેગારોનું પાંજરું થવા એ સર્જાયો નહોતો. કોઈ એક ઉદાર સુલતાને હર્ષ ને ગર્વના આવેશમાં દેશદેશના મુસાફિર માટે એને ઘડ્યો હતો. એક દિન એવો હતો કે જ્યારે એની સામેના વિશાળ ચોગાનમાં ઊંટો, ઘોડા ને બળદો દૂર દેશના અતિથિઓને આણી, થાકેલાં, થોડા દિન થાક ખાતાં. એના જબરદસ્ત દરવાજામાંથી ત્યારે જતાં ને આવતાં વૃદ્ધો, જુવાન ને બાળકો. ઇસ્લામી દુનિયાના વટેમાર્ગુઓ એની કોટડીઓમાં વિશ્રાંતિ લેતા.

મારી કોટડી પણ કોઈ દિન ગાજી હશે, કોઈ પેયગમ્બરપૂજક પીરની પ્રાર્થનાથી, ને કોઈ જુવાન હોંશીલાના આશાભર્યા હૈયાના ધબકારને આ ભીંતો પણ ધબકી હશે. ને ક્વચિત્‌ સમરકંદની કોઈ સ્વરૂપવતી, પ્રણયમસ્ત કાળી આંખોથી, એના અંધકારને વીજચમકે ભેદતી હશે. અને હવે એ કોટડીમાં આવી રહેતા હતા મૃત્યુની વાટ જોતા, ન્યાયના ભોગ બનેલા ખૂનીઓ... સમો બળવાન કે પુરુષ, મેં વિચારર્યું. જ્યાં રૂસ્તમ ને સોહરાબનાં શૌર્ય ગાજતાં ત્યાં ગિલોડીઓ આજે રઝળે છે. જ્યાં સિકંદરની જયઘોષણા થતી ત્યાં ચામાચીડિયાંની કારમી ચીસોનો પ્રતિશબ્દ થાય છે.

હું ઊંડા વિચારમાં બેઠો, ને જીવનમરણના અણઊકલ્યા કોયડા ઉકેલી રહ્યો. સમય શું ? ને વિજ્ય શું ? ને માનવીની મહત્ત્વાકાંક્ષા શી ? ને માનવીને કર્મે જેમ હર્ષ ને શોક લખાયાં છે તેમ મહાલયોને પણ કર્મે હશે ? જો આ પથ્થરોમાં પ્રાણ કોઈ પૂરે તો તેની જીભો શી શી કથા ઉચ્ચારે ? આ ખંડનો આત્મા જો મૂર્ત થાય...મેં વિચાર્યું :

તેલ ખૂટ્યું ને ઝીણો ને ઝીણો થતો દીવો, મરતાના ચેતન સમો ઓલવાઈ ગયો. મારી કલ્પનામાં મશગૂલ હું નિશ્વેષ્ટ બેસી રહ્યો. પ્રસરેલા અંધકારમાં હું આ ખંડમાં મઢેલા સંસ્કારોને મારા પ્રશ્નો પૂછી રહ્યો... ઘડી વહી ને બે ઘડી... આ કોટડીનો કોણ હશે અધિષ્ઠાતા ? જગત બધું શાંત હતું. મારું હૃદય પણ જાણે થંભી ગયું હતું. બહારથી એક મયૂર બોલ્યો... ને ખંડમાં આછું, અસ્થિર અજવાળું આવ્યું. હું ઝબકીને જાગ્યો.... ને આંખો ચોળી. એક વૃદ્ધ મુસલમાન ધીમે પગે મારા ખંડમાં આવ્યો.

એ વૃદ્ધનો વેશ અપરિચિત હતો. એની લાંબી લાલ દાઢી એની છાતી પર પ્રસરતી. લીલી મોટી પાઘડી સુંદર વાર્ધક્યે રમણીય થઈ રહેલી કપાળની રેખાઓ પર છત્ર કરતી. સુરમે શાહી સરખી બનેલી પાંપણોમાંથી મદમસ્ત નયનો ચમકતાં. એના હાથમાં તેલનો એક લટકતો દીપક હતો ને બીજે હાથે તે હુક્કો ગગડાવતો. તે આવ્યો તે સાથે અત્તરની મઘમઘતી ખુશબો ખંડમાં પ્રસારતો આવ્યો.

હું ગભરાયો. અત્યારે કારાવાસનાં દ્વાર કોણે ખોલ્યાં ? ન વૉર્ડર, ન જમાદાર ને ન જેલર, પણ આ કોઈ ઓમર ખય્યામના મિત્રોમાંથી ચાલી આવતો જઈફ ! હું બોલવા ગયો, પણ બોલાયું નહિ. ધીમે પગલે તે આવ્યો, ભીંતે ટેકવીને દીપક મૂક્યો, ને હું બેઠો હતો ત્યાં, મારા સામું, મારા ક્ષોભની મંદ હાસ્યે ઠેકડી કરતો તે, પગ બેવડ વાળી બેઠો. અપરિચિત માણસોની પધરામણી રાત્રે એકલા ખંડમાં કોને ગમે ? ને તેમાં આ દરવેશવેશી, પુરાણા હુક્કાબાજને સાંનિધ્યે મારું હૈયું કાંપ્યું.

‘તમે કોણ છો ?’ મેં થોડી વારે પૂછ્યું.

‘બચ્ચા, જેને તેં બોલાવ્યો તે - આ ખંડનો અધિષ્ઠાતા.’ તેણે મજાકમાં કહ્યું.

‘નામ શું તમારું જનાબ ?’ ન છૂટકે મેં વિનય સ્મર્યો. અપરિચિતોના બચ્ચા બનવાનું સદ્‌ભાગ્ય મને રુચ્યું નહિ.

‘મારું નામ હાફિઝ.’ જઈફે કહ્યું.

‘હાફિઝ’ - મેં મારો સ્મરણકોષ ખંખોળ્યો, પણ એ નામ મને જડ્યું નહિ.

‘શી વાત ! મારી ગઝલે તો જગત પ્રણયગાનના પાઠ શીખે છે.’

‘હાફિઝ-હાફિઝ -’ કંઈક પરિચય પડ્યો - ‘હાફિઝ જેણે સનમના તલ માટે સમર્પ્યું હતું સમરકંદ ને બોખારા તે -’ વૃદ્ધ ખડખડ હસ્યો.

‘હા, તે જ હું - તે જ હું હાફિઝ, બચ્ચા.’ પણ સંશયાત્મા હું શિર ધુણાવી રહ્યો.

‘પણ કવિરાજ, તમે ક્યાંથી અહીંયાં બિજાપુરમાં ?’

‘અહીંયાં બેટા એકાદ વસતો હતો મારો એક પરમ શાગિર્દ. તે મારી ગઝલો ગાતો ને શબ્દેશબ્દનો સાર સમજતો, ને પળેપળે તેનું ઈશ્કી દિલ તેના રસથી તરબોળ રહેતું. હજુ આ ભીંતો તેના અવાજના પ્રતિશબ્દ સંભળાવે છે -મધુરા, કંપાયમાન, ગ્લાનિભર. હજી આ કમાનોમાં છુપાયો છે. એ દીવાનાનો છેલ્લો નિઃશ્વાસ. જે મેં ગાયું તે એણે અનુભવ્યું. જે મેં શીખવ્યું તે એણે સુધાર્યું. હું તો સનમને ખાતર સમરકંદ અને બોખારા ખોઈ બેઠો હતો. એણે તો ખોઈ જોબનમસ્ત એની જિન્દગાની; અને તેથી હું આવું છું - મારો આત્મા સંતોષવા ને મારાં ગીતોને ફરી સાંભળવા.’

પ્રણયની પરીક્ષામાં મને પ્રવીણ ધારતો હું, આ જૂના ઈશ્કની આત્મશ્લાઘા ન સાંખી શક્યો. જવાબ ! પ્રણય ગાવો સહેલ છે, લેવો ને દેવો એ તો છે મહામોંઘો લહાવો. સમરકંદ ને બોખારા આપનાં નહોતાં એટલે તેનાં લહાણાં તો સદાય સહેલાં. મેં પણ સહ્યાં છે પ્રણયના ઘા ને સેવ્યાં છે પ્રણયનાં પતને. મેં પણ થોડું એક શીખવ્યું છે પ્રણયઘેલાં નરનારીઓને.’

વૃદ્ધની આંખો ચમકી, ને તેણે દાઢી પર હાથ ફેરવ્યો. ખંડમાં હીનાનો મઘમઘાટ વધ્યો, ને હુક્કો જાણે હસતો હોય એમ ગડગડ્યો.

‘નાદાન ! જિગરની જંજાલોને તું શું જાણે, ઈશ્કના મોહવૈવિધ્ય. કહે, કેટલી નાઝનીનોની કરી છે તેં કદમબોસી ?’

હું ખભો ઊંચકી હસ્યો - આ જમાને શોભે એવી છટાથી, ‘મુરબ્બી! અમે અર્વાચીનો નથી રાચતા એ કદમબોસીની ગુલામગીરીથી. ને અમારી રીતિઓ નથી કહેવા દેતી અમે પૂજેલી નાઝનીનોની યાદીઓને.

કવિરાજ હસ્યા, ‘જે જાણે છે તે જ કહી શકે છે. જે કહી શકે છે તે જ જાણે છે. જે જાણતો નથી ને કહેતો નથી, તે ઈશ્કને પહેચાનતો નથી.’ ને હુક્કો તિરસ્કારથી ગડગડ્યો.

‘અર્વાચીનના અભિમાનનો પાર નથી. પણ અમે જોયું, જાણ્યું ને અનુભવ્યું, તેનો તો અંશ પણ તમારે કર્મે નથી લખાયો. સરુના ઝાડની સાંકડી છાયામાં ઘાસ પર બેસી, વહી જતા ઝરણામાં દિલદારનાં ચશ્મ જોયાં છે ? એક શરાબના જામમાંથી બંનેએ ઇશ્ક પીધો છે ? અને ચેરાગ શો ચંદ્ર જ્યારે મસ્જિદના મિનાર પર ઠરી રહે ત્યારે કાળી અણિયાળી આંખમાં જોઈ છે તારી છબી ?’

‘મેં શું કર્યું તે કહેવા માગતો નથી,’ મેં કહ્યું, ‘યુગે યુગે મદન સ્વરૂપ બદલે છે, આત્મા પણ બદલે છે.’

‘અને અંધારી રાતે સંગેમરમર સમી શ્વેત કોકેસસની સુંદરીના હૈયા પર માથું મૂકી તારા ગણ્યા છે ? ને પૂર્ણિમાની મધ્ય રાતે ઈરાની રમણીના ગાલના તલ પર જીવન ઓવાર્યું છે ? ને ઊગતે આફતાબે કાશ્મીરી ?’

‘બહુ થયું કવિરાજ ! અમે અર્વાચીનો તો છીએ ચુસ્ત.’ અમારો પ્રણય એ તો છે ધર્મ - એક ભવમાં એક જ વાર સ્વીકારેલો, એમાં જ અમે મરીએ ને એમાં જ અમે જીવીએ.

‘શી કમનસીબી ! એક ગુલાલ ચૂટે કોઈ બાગબાન થયો છે ? એક મરીમહેરના કદમ ચૂમે કોઈ ઇશ્કી થયો નથી. આજની એ નાઝનીનાં નેનોમાં જુદા જાદુ ભર્યાં છે.’

‘મિયાંસાહેબ ! અમે અર્વાચીનો તો છીએ અમારી પ્રિયતમાના ગુલામ. તેના સિવાય અમે બીજીના જાદુ જોતા નથી ને વખાણતાય નથી. અમે અમારે ઘેર બાન્દીઓ નથી બેઠી કે અમે પરીમહોરોનાં કદમ ચૂમવા જઈએ ને સાંખી રહે. એ તો છે જોગમાયાઓ - અમને ખાઈ જાય, આખા ને આખા.’

‘મને લાગતુું હતું કે આ જમાનામાં કંઈક એવી બેવકૂફી હોવી જોઈએ. બેવકૂફો !’

‘કવિરાજ ! અમારો જમાનો પૂરતો છે અમારે માટે.’અનુક્રમણિકા

‘કવિરાજ ! અમારો જમાનો પૂરતો છે અમારે માટે.’