Peli Ajani Chhokari - 3 in Gujarati Short Stories by Ruchita Gabani books and stories PDF | પેલી અજાણી છોકરી : ભાગ - 3

Featured Books
Categories
Share

પેલી અજાણી છોકરી : ભાગ - 3

પેલી અજાણી છોકરી

રૂચિતા ગાબાણી


Chapter – 3

દિવસો વિતતા ગયા. બધું નોર્મલ રીતે ચાલી રહ્યું હતું. એકદિવસ સુહાની પોતાનો રૂમ સારો કરી રહી હતી. એમાંથી કેટલી બધી વસ્તુઓ નીકળી, સાફ કરતા કરતા એમાં ખોવાઈ જતી હતી વચ્ચે વચ્ચે. ફ્રેન્ડસ સાથેના જુના ફોટા, સ્લેમ બુક, સ્કુલનું આયકાર્ડ, મમ્મી-પપ્પાનો ફોટો, અમુક કોમ્પીટીશનના સર્ટીફીકેટ, કેટલું બધું હતું. સુહાની યાદ કરીને, મમ્મીના ઘરેથી એ બધા સંભારણા લઈ આવી હતી.

આ બધી વસ્તુમાં, તેનું ધ્યાન તેના ફેવરેટ, જીણી જીણી ડીઝાઈનવાળા, ડાર્ક ગ્રીન કલરના દુપટ્ટા પર પડી. આ દુપટ્ટો તેની માટે લકી છે એવું સુહાનીને હમેશા લાગતું. હા આ તેનો વહેમ જ હતો, કારણકે કોઈ વસ્તુ પર તમારું નસીબ આધાર નથી જ રાખતું. આ વાત સુહાની પણ સારી રીતે જાણતી હતી, છતા પણ કોઈ ખાસ કામ કરવા, અથવા ક્યારેક અમસ્તા જ તે આ ગ્રીન દુપટ્ટો બાંધીને અચૂક જતી. એ આશામાં કે કદાચ કઈક સારું અને નવું થઈ જાય.

પેલા દિવસે પણ તો એવું જ થયું હતું, કેટલો સારો હતો એ દિવસ, હું કેટલી ખુશ થએલી. તે દિવસ યાદ આવતા સુહાનીના ચહેરા પર અત્યારે પણ હળવી મુસકાન આવી ગઈ.

“ઓ શીટ !! મને તે રાત્રે જ આ વાત કેમ યાદ ના આવી ?”, સુહાનીને કઈક યાદ આવતા, બંનેવ હાથ પોતાના મો પર મુકતા, તેનાથી બોલાઈ ગયું. અને એ વાત યાદ કરીને તે એટલી બધી ખુશ થઈ ગઈ કે એકલા એકલા જ તે કેટલી મીનીટો સુધી હસતી રહી, એટલું બધું હસી કે તેની આંખોમાં ખુશીથી પાણી આવી ગયું. સુહાનીનું મન થઈ રહ્યું હતું કે હમણાં જ આર્યનને જઈને કહે કે, “તું જે બ્રાઉન આંખોવાળી ને શોધી રહ્યો છે તે બીજું કોઈ નહિ, હું જ છુ. તારી આંખો સામે હોવા છતા તું મને એટલે ના ઓળખી શક્યો કેમકે, કેમકે તે દિવસે મેં બ્રાઉન કોન્ટેક લેન્સ પહેર્યા હતા, અને આમ મારી આંખો નો રંગ બ્લેક જ છે. કેવી રીતે કહું કે એ ક્ષણ મારી માટે પણ કેટલી યાદગાર હતી. ઓ આર્યન, તું જેને પ્રેમ કરે છે, જેને શોધી રહ્યો છે, તે હું જ છુ.”

સુહાની ને સમાજ માં નહતું આવતું કે તે શું કરે ?? તેના હાથ પગ કંપી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જે વાત સાંભળીને તે આટલું બધું રડી હતી, તે જ વાત તેને આટલી બધી ખુશ કરી દેશે એવું તો તેણે ક્યારેપણ નહતું વિચાર્યું. સુહાની ઉભી થઈ, પોતાના વાળ સરખા કરતી, આર્યનની ઓફીસ જવા માટે તય્યાર થવા લાગી.

ઘરની બહાર જતી જ હતી અને તેના કદમો રુકી ગયા, અચાનક તેને એવો વિચાર આવ્યો કે, “આર્યનને કહી તો દઉં કે તું જેને શોધે છે, ચાહે છે તે હું છુ, પણ, પણ તો એવું થશે કે આર્યન મને ફક્ત એટલે એક્સેપ્ટ કરશે કેમકે હું તે બ્રાઉન આંખોવાળી છુ. જે આમ જોવા જઈએ તો હકીકત માં હું છુ જ નહિ, કારણકે મેં તો કોન્ટેક લેન્સ પહેર્યા હતા. અને હું નથી ઇચ્છતી કે આર્યન બસ મને એટલે પ્રેમ કરે કેમકે એની શોધ પૂરી થઈ છે. એને પ્રેમ થાય તો હું જેવી છુ તેનાથી થવો જોઈએ. આવી રીતે પ્રેમ મેળવવો, તેના કરતા, જીવનભર મારે ફક્ત તેની ફ્રેન્ડ બનીને રહેવું પડે તોપણ મને મંજુર છે.” અને સુહાનીએ આર્યનને કાઈ જ ના કહ્યું.