Lapata patnini Lash in Gujarati Short Stories by Vipul Rathod books and stories PDF | લાપતા પત્નીની લાશ !

Featured Books
Categories
Share

લાપતા પત્નીની લાશ !

લાપતા પત્નીની લાશ !

-વિપુલ રાઠોડ

યોગેશ આજે ઉતાવળે ઘરનો દરવાજો બંધ કરતાં બહાર નીકળ્યો. કોલોનીમાં બધા મકાનોનાં ફળિયાની દિવાલો નાની એટલે આડોશ-પાડોશમાં રહેતા લોકો જતા-આવતાં પોતપોતાના ફળિયામાંથી જ હાઈ-હેલ્લો કરી લેતાં. જો કે આજે યોગેશે ફટાફટ ડેલી ખોલીને સ્કૂટરને કિક મારી. બાજુવાળા રમેશભાઈ ફળિયામાં ઝાડને પાણી પાતા હતાં. તેમનું ધ્યાન પડ્યું એટલે તેમણે બહાર નીકળતા યોગેશને અટકાવતાં મોટા અવાજે કહ્યું, 'આજે પાછા ઓફિસ માટે મોડા પડ્યા લાગો છો. ગુડમોર્નિગ કર્યા વગર જ ચાલતી પકડી એમ ને... ખેર, કાલે રાત્રે મે તમને ફોન કરેલો, પાર્ટી કરવી હતી પણ તમારો ફોન જ બંધ આવ્યો...' પાર્ટીનું નામ પડતાં જ યોગેશનાં કાન સરવા થયા. 'મારા ફોનની બેટરી ઉતરી ગઈ હતી. પણ ફોનની વાત સારી યાદ કરાવી... આ ઉતાવળમાં હું શેઠાણીનું રીચાર્જ કરાવવાનું ભૂલી જાત. ચાલો પહેલા એ કરતો આવું. નહીંતર કૃતિ આજે તો મારો વારો જ પાડી દેશે.' પોતાની પત્નીનો ફોન રીચાર્જ કરાવવાની વાત કરવાં સાથે જ યોગેશ આગળ બોલ્યો, 'મેળ હોય તો પાર્ટી આજે રાત્રે કરીએ સો ટકા...'. રમેશભાઈને પણ કંપની જોઈતી હતી એટલે તેણે કહ્યું 'આજે પણ કાલની જેમ જ ઘરે એકલો છું. આવો એટલે બેસીએ. મગાવી રાખું છું માલ' યોગેશ તેને સામે 'ઓ.કે.' કહીને રવાના થયો.

રસ્તામાં કૃતિનું રીચાર્જ કરાવીને યોગેશ ઓફિસ પહોંચ્યો. અંદર પગ મુકતા સાથે જ તેના ભાઈબંધ બની ગયેલા સાથી કર્મચારી જીતેશે ચેતવતાં કહ્યું, 'આજે જોખમ છે તારા ઉપર મોટા... બોસને આવતાં વેંત તારુ કોઈ કામ હતું પણ તું નહોતો એટલે ગરમી પકડીને ચેમ્બરમાં જતાં રહેલા.' યોગેશ થોડો મુંજાયો અને સીધો જ પોતાનો થેલો જગ્યા ઉપર મુકીને બોસની ચેમ્બરમાં ગયો અને કહ્યું 'સોરી સર... આજે વાઈફની તબિયત થોડી ખરાબ હતી તો લેઈટ થઈ જવાયું. કંઈ કામ હતું?' તેના સાહેબે ખુલાસા ઉપર વધુ ધ્યાન આપ્યા વગર એક ફાઈલ તેને પકડાવી અને આજના દિવસમાં એ કામ પતાવી આપવા સુચના આપી. યોગેશને ઠપકાની બીક હતી પણ એવું કંઈ બન્યું નહીં એટલે તેને રાહત થઈ પણ એક જ દિવસમાં આખી ફાઈલનો હિસાબ માથે આવી પડતાં થોડી અકળામણ પણ અનુભવાઈ.

બહાર આવીને પોતાની જગ્યાએ ગોઠવાતા બાજુમાં જ બેઠેલા જીતેશને ઠોસો મારતાં કહ્યું, 'આપણું બહાનું ચાલી ગયું હો... કૃતિની માંદગીનું કહી દીધું, જો કે મારા બેટાએ આ આખી ફાઈલ પકડાવી દીધી.' બે ઘડી વાતો કરીને બન્ને પોતપોતાના કામમાં વળગી ગયા. બપોરે જમવાનો સમય થયો ત્યારે જીતેશે કહ્યું 'ચાલ હવે છોડ, જમી લઈએ.' જીતેશની વાત સાંભળી યોગેશે કામ પડતું મુક્યું અને પોતાનું ટીફીન કાઢવા થેલો ખોલ્યો અને તેને ઝબકારો થયો 'અરે શીટ યાર... કૃતિ આજે તેનું રીચાર્જ કરાવવાનું યાદ કરાવતાં કરાવતાં મારું ટીફીન નાખવાનું જ ભૂલી ગઈ લાગે છે...' જીતેશે કહ્યું 'અરે વાંધો નહીં, મારું તો છે... જમી લેશું બેય ભાઈ...' બપોરનાં ભોજન પછી ઓફિસનાં મિત્રો સાથે થોડીવાર રીલેક્સેશનમાં ગપાટા માર્યા પછી બન્ને ફરી કામે વળગી ગયા.

સાંજે છૂટવાનાં સમય પહેલા યોગેશે એક કોલ જોડ્યો 'અરે કૃતિ આજે ઘેર રસોઈ નહીં બનાવતી. હું ઘેર આવતાં કંઈક લેતો આવીશ. રમેશભાઈ પણ એકલા છે આજે તો અમારે પાર્ટી છે. અમે બન્ને એને ત્યાં જ જમીશું. ઓ.કે.?' યોગેશની વાત અનાયસે સાંભળી રહેલા જીતેશને થોડી નવાઈ લાગી હોય તેમ તેણે પુછ્યું 'લ્યા... તું પીએ છે એ પણ ભાભીને ખબર છે? કંઈ બોલતાં નથી?' યોગેશ ગર્વ લેતાં કહ્યું 'અમારા વચ્ચે કંઈ છુપું નથી' જીતેશે માથું આશ્ચર્યમાં ધુણાવ્યું અને બન્ને પોતપોતાના કામ આટોપવામાં લાગી ગયા. જીતેશ દારૂ પીતો નથી એટલે યોગેશે તેને સાચોખોટો આગ્રહ કરવાનો પણ કોઈ સવાલ ન હતો.

ઓફિસ પતાવીને બન્ને પોતપોતાના રસ્તે રવાના થયા. રસ્તામાંથી યોગેશ પિત્ઝા પાર્સલ કરાવતો ગયો. ઘેર જઈને એક-દોઢ કલાક જેવો સમય કાઢ્યો હશે ત્યાં જ તેના ફોનમાં રમેશભાઈનો મિસ્ડકોલ આવી ગયો. યોગેશ તરત જ એક પાર્સલ લઈને ફળિયામાં આવ્યો અને દિવાલ ટપતાં મોટેથી અવાજ માર્યો 'કૃતિ હવે તું જમી લેજે. અમે રમેશભાઈને ત્યાં બેઠા છીએ. વાર લાગશે અમારે અને અહીં જ જમી લેશું '

સાંજે સાડા સાતેક વાગ્યાથી શરૂ થયેલી પાર્ટી બે-ત્રણ કલાક ચાલી. યોગેશ અને રમેશભાઈ આરામથી પીતા-પીતા અલક-મલકની વાતોમાં પરોવાઈ ગયેલા. બન્ને પીવાનો કાર્યક્રમ પુરો થયા પછી બન્ને સાથે જમ્યા. ભોજન પછી યોગેશ પોતાનાં ઘરે સુવા માટે જતો રહ્યો.

બીજા દિવસે સવારે યોગેશ ઘરની બહાર નીકળતાં દરવાજે ઉભો રહીને બોલતો હતો 'કૃતિ આજે તો ટીફીન મુકવાનું ભૂલી નથી ને?' પોતાના ફળિયામાંથી સ્કુટર બહાર કાઢતા રમેશભાઈ રમેશભાઈએ યોગેશની વાત પુરી થવાની વાટ જોઈ અને પછી કહ્યું 'કાલે જલ્સો પડી ગયો ને ! ચાલો મારે તમારી ઓફિસ તરફ જ આવવાનું છે. સાથે ચાલ્યા જઈએ...' યોગેશે પણ પોતાનું સ્કુટર બહાર કાઢ્યું અને પછી બન્ને સાથે ગયા. રમેશભાઈ પોતાના કામ માટે જતા રહ્યા પછી યોગેશ ઓ॥ફિસ પહોચીને પોતાના કામમાં લાગી ગયો. આજે બપોરે પણ તેણે પોતાનો થેલો ખોલ્યો ત્યારે તેમાં ટિફિન નહોતું. એટલે તેણે ફોન જોડીને કૃતિ ઉપર નારાજગી ઠાલવી. આગળના દિવસની જેમ જ આજે પણ ફરીથી તે જીતેશનાં ટીફીનમાં જમ્યો. જમતાં જમતાં જીતેશે પુછેલું કે ભાભી સાથે કોઈ ઝઘડો નથી થયો ને? કારણ કે લાંબા સમયથી બન્ને સાથે નોકરી કરતાં પણ જીતેશની પત્ની ટીફીન ભૂલી હોય તેવું ક્યારેય બનતું નહીં. જો કે યોગેશે જીતેશની વાત નકારી. સાંજે યોગેશે ઘરે રવાના થવા પહેલા કૃતિને ફોન કર્યો કે કંઈ લાવવાનું હોય તો રસ્તામાંથી તે લેતો આવશે. પોતે કાગળ ઉપર બે ચાર વસ્તુઓ ટપકાવી. પછી ઓફિસથી નીકળી નજીકમાં જ આવતી કરિયાણાની દુકાનેથી તેણે થોડો સામાન ખરીદ્યો. જીતેશ પણ તેની સાથે હતો કેમ કે બન્ને ત્યાંથી એક મિત્રની ચાની હોટેલે થોડીવાર બેસવા જવાનાં હતાં. સાંજની ચા બન્નેએ સાથે માણી અને એકાદ કલાક સુધી હળવાશભરી વાતો કરીને બન્ને પોતાના ઘેર રવાના થયા.

પછીની સવારે યોગેશ નોકરી ઉપર જવા ઘરમાંથી બહાર નીકળતાં મેઈન ડોરને તાળું મારતો હતો. ત્યાં જ બાજુંમાંથી અવાજ આવ્યો... 'યોગેશભાઈ કૃતિ ક્યાય બહાર ગઈ છે? કેમ તાળું?' યોગેશે તાળું મારતાં જ રમેશભાઈનાં પત્ની સંગીતાબેનને કહ્યું 'અરે ભાભી તમે આવ્યા અને એ ગઈ... તેની એક બહેનપણીનાં ઘેર કંઈક પ્રસંગે રાજકોટ ગઈ છે. કાલે રાત્રે જ એનો કાર્યક્રમ નક્કી થયો.' સંગીતાબેને કાર્યક્રમ શબ્દ પકડી લેતાં વળતો કટાક્ષ કર્યો 'તમે અને તમારા ભાઈ પણ રાત્રે કાર્યક્રમમાં વ્યસ્ત હતાં ને?' યોગેશે હળવી મુસ્કાન કરી અને તાળું મારીને ઓફિસ જવા રવાના થયો.

આજે પણ તે ટિફિન લઈને ગયો ન હતો. જો કે તેણે સવારમાં જ ફોન કરીને કૃતિ બહારગામ નીકળી હોવાનું જણાવીને જીતેશને બે ટિફિન માટે કહી દીધેલું. બપોરે જમ્યા પછી નિંરાતનાં સમયમાં તેણે કૃતિને ફોન જોડ્યો. બે ત્રણવાર રીંગ આખી પુરી થઈ ગઈ. પણ કોલ રીસીવ ન થયો. આખરે કંટાળીને તેણે રાજકોટ કૃતિની ફ્રેન્ડ રુચાને ફોન કર્યો. જો કે રુચાએ યોગેશને જોરદાર આંચકો આપ્યો. રુચાએ કહ્યું કે તેને ત્યાં કોઈ પ્રસંગ નથી અને કૃતિ ત્યાં આવી જ નથી. યોગેશનાં હોશકોશ ઉડી ગયા. તેણે ફોન કર્યો ત્યારે જીતેશ પણ સાથે જ હતો. બન્નેને કંઈક અમંગળનાં એંધાણ આવ્યા.

યોગેશ રઘવાયો બન્યો પણ જીતેશે તેને થોડી શાંતિ રાખી કૃતિની બધી જ બહેનપણીઓ અને સગાવ્હાલાઓમાં કોલ કરવાં સલાહ આપી. ઓફિસનો સમય પુરો થવા સુધીમાં યોગેશ લાગતા-વળગતા તમામ લોકોને ફોન કરી ચુક્યો હતો અને તેને કૃતિનાં કોઈ જ વાવડ મળ્યા નહીં. તેનાં માથા ઉપર ચિંતાની લકીરો અને પરસેવો વધતાં જતાં હતાં. જીતેશે પણ પોતાના ઘરે જવાને બદલે યોગેશની સાથે રહેવાનું મુનાસીબ માન્યું. બન્નેએ કૃતિને શોધવાનાં પ્રયાસો મોડી રાત સુધી કર્યા પણ તેના કોઈ જ સગડ મળ્યા નહીં. થાકી હારીને યોગેશને તેના ઘરે મુકીને જીતેશ પોતાના ઘરે નીકળી ગયો અને સવારે કંઈક વિચારવાનું બન્નેએ નક્કી કર્યુ. રાત્રે જ જીતેશે પોતાના બોસને ફોન કરીને સ્થિતિ જણાવી દીધેલી અને બન્નેની રજા માગી લીધેલી. વહેલી સવારમાં તે યોગેશનાં ઘરે દોડી આવેલો. ત્યારે રમેશભાઈ અને તેના પત્ની પણ યોગેશ પાસે હતાં. આખરે બધાએ લાંબી ચર્ચા પછી પોલીસમાં ગુમશુદાની જાણ કરવાનું નક્કી કર્યુ.

આમછતાં બપોર સુધી બધાએ કૃતિને શોધવાનાં પ્રયાસો કર્યા અને આખરે સાંજ પહેલા-પહેલા પોલીસચોકીએ જઈને જાણ કરી. પોલીસે તેમની ફરિયાદ સાથે કૃતિના ફોટો સહિતની ઘણીબધી વિગતો મેળવી. પોલીસને ફરિયાદ કર્યા પછી પણ બધા લોકો કૃતિને શોધવાનો પ્રયાસ કરતાં રહ્યા પણ નિરાશા જ હાથ લાગતી. માંડ-માંડ રાત પડી. બીજા દિવસે પણ ફરી એ જ ક્રમ આગળ વધ્યો અને રાત સુધી કૃતિનો કોઈ પત્તો લાગ્યો નહીં. ટેન્શનમાં યોગેશ ડીપ્રેસ થતો જતો હતો...

ત્રણ દિવસની આ દોડાદોડીમાં કૃતિ સાથે કોઈ અણબનાવ બન્યો હોવાની ભીતિથી યોગેશ મુંજાયો હોવાનું જાણતો જીતેશ સતત તેની સાથે રહીને તેની ચિંતા

ઓછી કરાવવાનાં પ્રયાસો કરતો રહ્યો હતો. જો કે જીતેશ પણ જાણતો હતો કે યોગેશની ચિંતા ગંભીર હતી અને તેમાં કૃતિનો પત્તો ન લાગે ત્યાં સુધી કોઈ ઉકેલ ન હતો. બન્ને પોતાના મિત્રની ચાની હોટેલ ઉપર બેઠા હતાં ત્યારે જ અચાનક અજાણ્યા નંબર ઉપરથી યોગેશને ફોન આવ્યો. એ પોલીસનો કોલ હતો. યોગેશને તાત્કાલિક સરકારી હોસ્પિટલનાં શબઘરમાં બોલાવાયો અને યોગેશ ઘડી બે ઘડી ધબકારા ચુકી ગયો. બેભાન થવાની હાલતમાં આવી ગયેલા યોગેશને જીતેશ અને તેના મિત્રો માંડમાંડ સંભાળીને શબઘર તેડી ગયા.

પોલીસે અહીં મળેલી એક મહિલા લાશ તેને બતાવી. યોગેશ તો બેબાકળો બની ભાન જ ભૂલી ગયેલો. તેના મનમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આવેલા અનેક ડરામણા ખયાલો જાણે સાચા પડ્યા હોય તેમ તેની આંખો ફાટી ગઈ હતી અને તે ભાંગી પડ્યો હતો. જીતેશ અને તેના અન્ય મિત્રોને બેરહેમીથી ચગદી નાખવામાં અાવેલું લાશનું માથું ઉબકા લાવી ગયું. અમુક લોકો તો એ મૃતદેહની હાલત જોઈને મોઢા ફેરવી ગયા. જીતેશ થોડી હિંમત રાખીને યોગેશને સંભાળી રહ્યો હતો. ચોધાર આંસૂએ રડતા યોગેશને બધા બહાર લઈ ગયા અને પછી પોલીસે મૃતદેહ ઓળખની કાર્યવાહી શરૂ કરી. પોલીસને એ લાશના પર્સમાંથી એક પાકિટ મળેલું. જેમાં એક ડાયરીમાં નામ, સરનામું લખેલું હતું. પોલીસે તેના આધારે જ યોગેશને ફોન કરેલો. જો કે પોલીસે કપડાથી માંડીને ધડ સુધી ઘણી બધી વિગતોની પૃચ્છા કરીને મૃતદેહ તેની પત્નીનો જ હોવાની ખાતરી કરવાં યોગેશને ઘણી બધી વાતો નરમાશથી પુછી. જેમાં કપડા વિશે યોગેશને ખાતરી ન હતી પણ પર્સ અને કાનની હાથની બંગડીનાં આધારે તેણે કૃતિ જ હોવાની પુરી સંભાવના વ્યક્ત કરેલી. પોલીસને આ લાશ કૃતિની જ હોવાની ખાતરી થઈ ગયા બાદ તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી.

સ્હેજ સ્વસ્થતામાં આવ્યા બાદ પોલીસે પ્રાથમિક જાણકારીઓ મેળવવા માટે યોગેશ સાથે વાતચીત કરી. જેમાં તેમને જાણવા મળ્યું કે યોગેશે બે દિવસ પહેલા જ પોતાની પત્ની ગૂમ થયાની જાણ પોલીસમાં પણ કરેલી. એ પહેલાનાં દિવસોનાં ઘટનાક્રમ વિશે પણ પોલીસે આછોપાતળો અંદાજ મેળવ્યો. સાંજ સુધીમાં હોસ્પીટલે યોગેશના સગાસંબંધીઓ પણ ઉમટી પડ્યા હતાં. યોગેશની પૂછપરછ પછી પોલીસે તેના પાડોશી રમેશભાઈ અને તેમના પત્ની સહિતનાં લોકોને પણ ઘણા સવાલો કર્યા. જીતેશ સહિતનાં મિત્રોની પણ પુછપરછ થઈ. બધા લોકો પાસેથી પોલીસે એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે યોગેશ અને તેની પત્ની વચ્ચેનાં સંબંધ સામાન્ય હતાં કે નહીં. તેમના વચ્ચે કોઈ મોટો ઝઘડો કે બીજી કોઈ માથાકૂટ તો ન હતી ? યોગેશ અને તેની પત્નીનાં ચારિત્રયથી માંડીને તેમના વ્યવહાર-વર્તન સહિતનો તાગ મેળવવાનો પ્રયાસ પોલીસે આ લોકોની પુછપરછમાં કર્યો. જો કે પોલીસને તેમાં શંકા ઉપજાવે તેવી કોઈ વાત હાથ લાગી નહીં.

પોસ્ટમોર્ટમ પછી મૃતદેહની યોગેશ અને તેના પરિવારને સોંપણી કરી દેવામાં આવી. બીજા દિવસ સવારે અગ્નિદાહ આપવામાં આવ્યો. બીજીબાજુ પોલીસને હાથમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો. તપાસનીશ અધિકારી ઉસ્માન કુરેશીને આ રિપોર્ટ જોઈને કંઈક ભેદી બન્યાની ગંધ આવી ગઈ. તેણે તાબડતોબ જીતેશ અને રમેશભાઈ સહિતનાં યોગેશનાં મિત્રોને તેડાવ્યા અને છેલ્લા ચાર-પાંચ દિવસનાં ઘટનાક્રમો વિશે તેમની પાસે જેટલી જાણકારી હતી તે બધી જ મેળવી. જેમાં યોગેશે પોલીસમાં પત્ની લાપતા બન્યાની જાણ કરી ત્યારથી માંડીને તેના આગલા દિવસની શોધખોળ અને એ પહેલાનાં બે-ત્રણ દિવસમાં બનેલા ઘટનાક્રમો વિશે કુરેશીએ જાણ્યું. આ લોકોની પુછપરછ પછી કુરેશીનું દિમાગ વધુ ચક્કર ખાઈ ગયું. તેણે તાત્કાલિક કૃતિનાં મોબાઈલ નંબરની ડીટેઈલ પણ કઢાવી. એ જોયા બાદ કુરેશીને દાળમાં કંઈક કાળું નહીં પણ આખી દાળ કાળી હોવાનું દેખાવા લાગ્યું. કુરેશીએ અંતિમસંસ્કારની વિધિ પછી સીધા જ યોગેશને પોલીસ ચોકીએ તેડાવી લીધો અને પછી તેની પુછપરછ શરૂ કરી. જીતેશ અને રમેશભાઈ સહિતનાં લોકોએ કહેલી વાતોનો તાળો યોગેશનાં જવાબોમાં બરાબર મેળ ખાતો હતો. આમછતાં કુરેશીએ જીતેશની ધરપકડ કરી !

વાસ્તવમાં જીતેશે તેની પત્ની ગુમ થયા વિશે જે જાણકારી લોકોને આપી હતી તેને પોસ્ટમોર્ટમ રીપોર્ટ સાથે જરા પણ મેળ બેસતો ન હતો. કારણ કે ચાર દિવસ પહેલા જ ગુમ થયેલી વ્યક્તિ છ દિવસ પહેલા મૃત્યુ કેવી રીતે પામી શકે એ સવાલનો જવાબ માત્ર યોગેશ પાસે જ હોવાનું પોલીસે કળી લીધું હતું. જીતેશ અને રમેશભાઈએ વર્ણવેલા ઘટનાક્રમો મુજબ એ લોકોએ પણ કૃતિને પોલીસમાં લાપતાની ફરિયાદ અગાઉનાં બે દિવસોમાં પ્રત્યક્ષ જોઈ ન હતી. ફક્ત યોગેશના મોઢે બે દિવસ તેની વાતો સાંભળેલી. જીતેશે જણાવ્યા મુજબ યોગેશે તેની પત્ની સાથે આગલા બે દિવસમાં ફોન ઉપર વાતો કરેલી પણ કૃતિનાં ફોનમાં છેલ્લા છ દિવસથી કોઈ જ કોલ રીસીવ થયેલો નહતો. એટલે પોલીસને સો ટકા ખાતરી થઈ ગઈ હતી કે આ હત્યા પાછળ યોગેશનો હાથ છે અથવા તો તે કંઈક છુપાવી રહ્યો છે. પોલીસને યોગેશની આકરી પુછપરછ કરવાની પણ જરૂર ન પડી. આ તથ્યો સામે મુકવામાં આવતાં જ યોગેશ ભાંગી ગયો. તેણે પોતાનો અપરાધ કબુલી લીધો. જો કે યોગેશે કરેલા એક ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી. યોગેશે કૃતિ સાથે બીજી એક હત્યા પણ કરેલી. તેણે કૃતિ કરતાં ય વધુ ક્રૂરતાથી જીજ્ઞેશને પણ ખતમ કરી નાખેલો. જેની લાશ તેણે કૃતિની લાશ જ્યાથી મળી ત્યાં જ દાટી દીધેલી. કૃતિની લાશ તેણે ઈરાદાપુર્વક રઝળતી મુકી દીધેલી જેથી તે પત્ની ગૂમ થયા બાદ તેની કોઈએ હત્યા કરી હોવાનું નાટક ચલાવી શકે. કૃતિ અને જીજ્ઞેશનાં આડા સંબંધે આ હત્યાકાંડ સર્જ્યો હોવાનું પણ યોગેશે કહ્યું. પોલીસે તેની કબૂલાત મુજબ બીજી લાશ ખોળી કાઢી અને હત્યાનાં હથિયારથી માંડીને અન્ય પુરાવાઓ એકત્ર કરી લીધા.

...................................................