Smart Swapn in Gujarati Magazine by Manthan books and stories PDF | Smart Swapn

The Author
Featured Books
Categories
Share

Smart Swapn

સ્માર્ટ હોમ

આપણે જ્યારથી નવી સરકાર આવી ત્યારથી વાતો ચાલે છે કે સ્માર્ટ સીટી બનશે, તેમાં રહીશું વગેરે વગેરે। પરંતુ સૌ પ્રથમ એ સમજીએ કે સ્માર્ટ એટલે શું. સ્માર્ટ સીટી કેવી રીતે બનાવશું અને તેમાં પણ મહત્વની વાત એ કે આપણો ફાળો શું?

આ આર્ટીકલમાં આપણે એક સ્માર્ટ ઘર અને સ્માર્ટ ટાઉનશીપ વિષે વાત કરશું। અને સમજશું કે આ સ્માર્ટ વસ્તુ એ હકીકતમાં શું આપે છે અને શું માંગે છે.

મારા મતે સ્માર્ટ (ઘર, ટાઉનશીપ, સીટી)નો અર્થ એ થાય છે કે જે જગ્યાએ આપણને સુવિધા, સલામતી અને શિસ્તનો અહેસાસ થાય.

સુવિધા અને સલામતી કોઈ પણ પૂરી પડી શકે પરંતુ શિસ્તતો આપણે જ શીખવું પડશે।

આ આર્ટીકલમાં આપણે સ્માર્ટ સીટીતો નહિ પણ સ્માર્ટ ઘર અને સ્માર્ટ કેમ્પસની વાત કરશું।

હવે વાત કરીએ દુનિયાના મોંઘામાં મોંઘા ઘરની। .અને કદાચ આ સૌથી પહેલું સ્માર્ટ ઘર હોઈ શકે.

આપણે ઘણા ફોટા જોયા હશે અદભુત અને અકલ્પનીય ઘર ના. પણ શું ખબર છે કે આ માત્ર દેખાવો નથી. આ દરેક ઘરની અંદરની વ્યવસ્થા લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોય છે.

1. અદભુત ઘર :- "ઝાનાદુ"

દુનિયાના સૌથી તવંગર વ્યક્તિ ,બીલ ગેટ્સનું રહેઠાણ એટલે "ઝાનાદુ 2.0" . હટકે લાગતું આ નામ બીલ ગેટ્સે તેમની પસંદની એક મુવી "સીટીઝન કેન"(1941)માં દર્શાવેલ એક ઘર પરથી રાખેલ છે. આપણે આ ઘરની ચર્ચા માત્ર તેમાં વપરાયેલી ટેકનોલોજી પર કરશું

66000 sqft ના એરિયામાં બનેલું આ ઘરને બનતા 7 વર્ષ લાગ્યા હતા. તો આ 1000 કરોડથી પણ મોંઘા ઘરની એવી ખાસિયત પર નજર નાખીએ જે આપણને ચકાચોંધ કરી નાખશે

જયારે બીલ ગેટ્સ ઘરમાં પ્રવેશે તે પહેલાજ તેના મોબાઈલમાં એક મેસેજ આવે. અને તેમની પસંદગી પૂછવામાં આવે. પ્રકાશ અને તાપમાનની પસંદગી કરવાની હોય. એટલે માંનીલો કે બીલ ગેટ્સને બ્લુ કલરની લાઈટ અને 25 ડીગ્રી તાપમાન જોઈએ છે તો તે મેસેજનો રીપ્લાય કરે અને તે તાપમાન અને લાઈટ ઉપલબ્ધ હોય. પસંદગીમાં તે લાઈટ, તાપમાન ઉપરાંત મ્યુસીકની પસંદગી પણ કરે. જયારે તે ઘર માં પ્રવેશ કરે ત્યારે તે ગીત પણ વાગતું હોય. અને આ વુફર સીસ્ટમતો આપણા જેવા માટે। બીલ ગેટ્સના ઘરમાં ભીંત, વોલપપેર ઈત્યાદિની પાછળ સીસ્ટમ ઉપલબ્ધ છે. એક નવી ટેકનોલોજી અનુસાર આ મ્યુસિક એ નોર્મલ નહિ પણ "ફોલો મ્યુસિક ટેકનોલોજી" માં વાગતું હોય છે. એટલેકે જ્યાં જ્યાં બીલ ગેટ્સ જાય ત્યાં ત્યાં મ્યુસિક તેને ફોલો કરે. વોડાફોનનું કુતરું જ સમજી લ્યો। ઘરમાં દરેક જગ્યાએ લાગેલા સેન્સર બીલ ગેટ્સની હાજરીને નોંધે અને તે અનુસાર મ્યુસિક સિસ્ટમને સંદેશ પહોંચાડે। આ સુવિધા તેમના મહેમાન માટે પણ ઉપલબ્ધ છે. જો તમે બીલ ગેટ્સના મહેમાન હો તો તમે ઘરની અંદર પ્રવેશો કે તરત તમારા મોબાઈલમાં પણ પીન નંબર આવી જાય જેની મદદથી તમારા ગેસ્ટ રૂમની વ્યવસ્થા કરી શકો.

આ સ્માર્ટ ઘરની દીવાલ એ ઈંટ કે મારબલની નહિ.. પરંતુ ડીજીટલ સ્ક્રીનની બનેલી છે. આપણે 52'' TV લઈએ તો પણ સેલ્ફી લઈને આખા ગામમાં ઢંઢેરો પીટીએ।. જે સ્વાભાવિક છે. પરંતુ બીલ ગેટ્સના ઘરમાં દરેક દીવાલ એક ડીજીટલ સ્ક્રીન છે જે કોમ્પુટર સાથે કનેક્ટેડ હોય છે. એટલે ઘરની દીવાલમાં નેરોલેક પેઈન્ટનો સવાલ જ ના રે. બીલ ગેટ્સ ધારે ત્યારે ઘરની દીવાલ નો કલર બદલી શકે.અને ધારે તે ફોટોને દીવાલ પર લાવી શકે. માની લો કે દીવાલ નહિ પરંતુ કોમ્પુટરની સ્ક્રીન જ છે. એટલે ઘરમાં TV રાખવાનો સવાલ જ નહિ. ધારે તે દીવાલને TV બનાવીને બેસી જાય મેચ જોવા।

આ ઘરનું એક અદભુત નજરાણું એટલે સ્વીમીંગ પુલ. ઘરની અગાસીમાં આવેલું આ સ્વીમીંગ પૂલ મ્યુઝિક સીસ્ટમથી સજ્જ છે. સ્વીમીંગ પુલની અંદર ડૂબકી મારો તો પણ તમને એકદમ ક્લીઅર મ્યુસિક સંભળાય। અને ઘરમાંથી સ્વીમીંગ પુલમાં જવું હોય તો એકદમ સિમ્પલ। ઘરના દરેક રૂમમાં એક સ્પેસીઅલ દરવાજો હોય છે જેમાં તમે અંદર જાઓ.. એટલે ઉપર સ્વીમીંગ પુલમાંથી બહાર।.. જી હા.. અકલ્પનીય છતાં પણ દાદ દેવીપડે તેવી ટેકનોલોજી। દરેક રૂમ પાણીમાં ડૂબેલો હોય. રૂમની ઉપર સ્વીમીંગ પુલ હોય. છતાંપણ પાણી રૂમમાં ના આવે.

ઘરની આસપાસનું તાપમાન અને ઓક્સિજનની માત્રા પણ નિયમિત રીતે માપવામાં આવે છે અને વાતાવરણ ને પ્રાકૃતિક રીતે સંતુલિત રાખવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.અને મુખ્ય વૃક્ષોના જતન માટે પણ નવી કોમ્પુટરાઈઝડ ટેકનોલોજી વાપરવામાં આવે છે. કોઈ પણ વૃક્ષ તેની નક્કી માત્રા કરતા વધારે શુષ્ક થાયતો ઓટોમેટીક ફુવારા શરુ થઇ જાય.

ઘરની બહાર એક મોટું કુત્રિમ સરોવર બનાવામાં આવ્યું છે જેની રેતી વેસ્ટ ઇન્ડીઝના સેન્ટ લુસિયાથી દર વર્ષે આવે છે.

આ અદભુત ઘરને જોવા માટે ઘણી મોટી હસ્તીઓ પણ તરસતી હોય છે. કહેવામાં આવે છે કે એક વ્યક્તિએ (નામ જાહેર નથી કર્યું) બીલ ગેટ્સને 23 લાખ રૂપિયાની રકમ બીલ ગેટ્સના ચેરીટી ફંડમાં દાન કરી હતી માત્ર એક જ શરતે કે તેમને ઘરનો નજરો બસ એક વખત જોવા મળે.

2. સ્માર્ટ ટાઉનશીપ : ઈન્ફોસીસ મૈસુર DC (Development Center )

આ એક બહુજ મોટા વિસ્તારમાં આવેલી કંપની, તેનું તાલીમ કેન્દ્ર અને તાલીમાર્થી ઈજનેરની રહેવાની વ્યવસ્થા ધરાવતું મેં જોયેલું સૌંથી આહલાદક ટાઉનશીપ છે.

14000થી પણ વધારે ઇજનેરની તાલીમની ક્ષમતા ધરાવનાર આ જગ્યામાં લગભગ 80થી વધુ ઈમારત આવેલ છે. જેમાં 1 તોતિંગ ઈમારત એ તાલીમ કેન્દ્ર છે. આ ઈમારતમાં 100 થી પણ વધુ વર્ગખંડ અને નાની કેબીન આવેલ છે. જે ભારતની single unitમાં આવેલી સૌથી મોટી ઈમારત છે. કોન્ગ્રેસ્સના વડા શ્રીમતી સોનિયા ગાંધીએ આ ઈમારતનું ઉદ્ઘાટન કરેલું હતું।

અહી તાલીમ લેતા કર્મચારીઓને ઇન્ફોસિસ પોતાનું ગેસ્ટ હાઉસ રહેવા આપે છે.

હવે શરુ થાય છે સ્માર્ટ અથવાતો અત્યંત સગવડ દાયક સુવિધા। દરેક રૂમ માં 42'; TV , સેન્ટ્રલ AC , 24 કલાક ગરમ/ઠંડુ પાણીની વ્યવસ્થા, દરેક રૂમમાં વોટર હીટર (જે મેગી, ચાય, કોફી વગેરે બનાવવા ઉપયોગી થાય), ઈસ્ત્રી વગેરે ઉપલબ્ધ છે. તો સલામતી માટે દરેક રૂમમાં સેન્સર છે જે કોઈ પણ જાતના ધુમાડાને શોધીને અલાર્મ વગાડે છે. જેથી આગ લાગી હોય તો તરત ઉકેલ થાય અને એટલુજ નહી, આપોઆપ પાણીનો છંટકાવ શરુ થઇ જાય. એટલે ધુમ્રપાન પણ નિષેધ છે. હા, અગરબતી પણ ના કરી શકો. દરેક રૂમની સંભાળ રાખનાર વ્યક્તિ રૂમની ચાદર સહીત સાફ કરે. જી હા.. રૂમની ચાદર, ટુવાલ વગેરે રોજ ધોવાઇ ને નવી લાગી જાય.

જયારે તાલીમાર્થી તાલીમકેન્દ્રમાં અભ્યાસ કરતા હોય તે દરમિયાન રૂમની સારસંભાળ લેવાતી હોય છે. તો એક પ્રશ્ન ઉદ્ભવે કે આ રૂમમાં (માત્ર તાલીમાર્થી જ રહી શકે તેમના કુટુંબીજનોને રહેવાની મંજુરી નથી.) કોઈ ના હોય અને શું ખાતરી કે રૂમમાંથી કોઈ પણ વસ્તુ ઉપડી જશે નહિ? દરેક રૂમમાં ઇલેક્ટ્રિક લોકર આપેલ છે જે માત્ર પાસવર્ડથી ખુલે। એ ઉપરાંત દરેક કામકારનાર વ્યક્તિને એક ખાસ પોશાકમાં જ કામ કરવાનું અને તે પોશાકમાં ખિસ્સાની વ્યવસ્થા નથી. એટલે કોઈ પણ વસ્તુ ચોરી થવાનો ડર જ નહિ.

આ ઉપરાંત એક કમર્ચારી સંભાળ કેન્દ્ર (Employee care center) આવેલ છે જેમા દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જીવન જરૂરિયાત માટેની દરેક દુકાન એક મોટી ઈમારતમાં આવેલ છે. નાની મોટી વસ્તુઓ માટે LOYAL WORLD છે તો મોબાઈલના સીમ કાર્ડની Airtel અને Vodafone ની દુકાન છે જે ઇન્ફોસિસના કર્મચારીઓને ખાસ દરે સીમકાર્ડ આપે છે.આરોગ્યની સંભાળ માટે નાનું દવાખાનું છે તો કપડાની દુકાન માટે Indigonation નામની બ્રાન્ડની દુકાન છે. એક મોટો હોલ છે જેમાં 30થી વધારે વોશિંગ મશીન અને ડ્રાયિંગ મશીન આવેલા છે એટલે કોઈ પણ કર્મચારીને કપડા ધોવાની તકલીફ નહિ. માંમુલી દરે કપડા ધોઈ શકાય।

આ જીવનજરૂરી વસ્તુઓની કાળજી રાખ્યા બાદ ઇન્ફોસિસ એક સ્ટેપ આગળ વધીને રમતગમતની વ્યવસ્થા પણ કરી છે. અને માનશો નહિ મિત્રો, પણ ભારતમાં રમાતી દરેક રમત માટેના વિશ્વ કક્ષાના મેદાન આવેલા છે. જેમકે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ટેનીસ (8 કોર્ટ), બેડમિન્ટન, બાસ્કેટ બોલ વગેરે। જીહા મિત્રો। . આ દરેક મેદાનમાં દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. અને એટલેજ કર્નાટક ક્રિકેટ એસોસીએશન ઇન્ફોસિસ, મૈસુર ના ક્રિકેટ ગ્રાઉન્ડને જરૂર પડ્યે ઉપયોગ કરે છે. છેલ્લે રમાયેલા અન્ડર 19 વિશ્વકપની ટીમની પસંદગી પહેલા 2 દિવસનો કેમ્પ આ જ ગ્રાઉન્ડમાં રખાયેલ હતો. આ દરેક રમત ઉપરાંત એવી પણ રમતોનો સમાવેશ થાય છે જે રમતને એકંદરે આપણે બહુ ઓછી અનુસરીએ છીએ. જેમકે સ્ક્વોશ , bowling , mountain trekking . આ ઉપરાંત એકદમ વિશાળ સ્વીમીંગ પુલ નો પણ સમાવેશ થાય છે. અને સ્વીમીંગ પુલ સાથે steam bath રૂમ પણ ખરો જ. ઇન્ડોર ગેમમાં પણ કોઈ જ ચૂક નહિ , ચેસ, કેરમ, ટેબલ ટેનીસ તો ખરા જ. કર્મચરિઓતો આ બધી વસ્તુઓને નિરિક્ષણ કરવામાજ 2-3 દિવસ વિતાવી નાખે છે. આ સાથે વિશ્વ કક્ષાનું જીમ પણ ઇન્ફોસિસની શાન વધારે છે. જીમમાં દરેક પ્રકારના સાધનો આવેલ છે. અને એટલામાં પૂરું નથી થતું મિત્રો , એક શાનદાર મલ્ટિપ્લેક્ષ તો ખરું જ. દર શનિવાર અને રવિવારે એક અંગ્રેજી અને એક હિન્દી મુવી જોવાનો લહાવો મળે. આ વ્યવસ્થા માત્ર ઇન્ફોસિસના કર્મચારીઓ માટેજ ઉપલબ્ધ છે. અને શનિવાર અને રવિવારે કુટુંબીજનો પણ આવકાર્ય છે.

જમવામાટે 6 મોટા ફૂડ કોર્ટ અલગ અલગ જગ્યાએ આવેલા છે અને દરેક ફૂડ કોર્ટમાં બે અલગ વિક્રેતાઓ જમવા માટેની સુવિધા આપતા હોય. એટલે તમારી પાસે 12 અલગ વિક્રેતાઓ નો વિકલ્પ રહે. અને તે ઉપરાંત ડોમિનોઝ પિઝ્ઝા પણ ખરું જ. અને જો તમારે હોટેલની મજા લેવી હોય તો એક તરતી હોટેલ (Floating Restaurant ) પણ આવેલ છે, જે હોટેલની ફરતે ગોળાકારમાં નાની નહેર જેવી વ્યવસ્થા છે જેમાં રંગબેરંગી માછલીઓ તરતી હોય છે.

આટલું મોટું કેમ્પસ હોય તો ટ્રાંફિકનો પ્રોબ્લેમ? જી નહિ. વાહનો માત્ર અમુક સીમા સુધી જ સીમિત છે. તે પછી ચાલીને જાઓ અથવા સાઇકલનો ઉપયોગ કરો. ઇન્ફોસિસ માં લગભગ 1000થી પણ વધારે સાઇકલ આવેલ છે. જે કર્મચારીઓ માટે વિના મુલ્યે ઉપલબ્ધ છે. કોઈ પણ જગ્યાએથી સાઈકલ ઉપાડો।. મનગમતી જગ્યાએ પહોંચીને સાઇકલ મૂકી દો. આથી ટ્રાફિક પણ નિયંત્રણમાં રહે અને પ્રદુષણ પણ. માત્ર સાઇકલ નહિ વરસાદ આવે ત્યારે છત્રી પણ એવી જ રીતે ઉપલબ્ધ હોય છે.

તો મિત્રો આને કહેવાય સુવિધા। તમને માત્ર કામ કરવાનું ટેન્શન, બાકી બધું ઇન્ફોસિસ સંભાળ કરે. અને મેં આર્ટીકલની શરૂઆત કરી ત્યારે લખ્યું હતું કે સુવિધા, સૂરક્ષા અને શિસ્ત હોય તો એ જગ્યાને સ્માર્ટ કહી શકાય। અને મને નથી લાગતું કે કોઈ ફાઈવ સ્ટાર હોટેલ પણ આટલી સુવિધા પૂરી પડતી હોય. એટલે સુવિધાની બાબતમાં ઇન્ફોસીસ 100% પાસ. હવે વાત આવે છે સુરક્ષાની।

330 એકર કરતા પણ વધારે જગ્યામાં ફેલાયેલા આ કદાવર કેમ્પસની સુરક્ષા પણ એકદમ જડબેસલાક છે, એટલા વિશાળ એરીઆની ફરતે લગભગ 20 ફૂટથી પણ ઉંચી દીવાલ અને ત્યારબાદ ઇલેક્ટ્રિક વાડ આ કેમ્પસની સુરક્ષા કરે છે. દીવાલની ફરતે દર 200 મીટરે એક વોચ ટાવર અને તે દરેક ટાવર પર 2 સુરક્ષાકર્મી 24 કલાક બાજ નજર રાખે છે. એટલા વિશાળ કેમ્પસમાં માત્ર 3 મુખ્ય દ્વાર છે, તે સિવાય કોઈ પણ જગ્યાએથી પ્રવેશવું નામુમકીન છે.

પહેલો દરવાજો એ મુખ્ય દ્વાર જેમાં કોઈ પણ ઇન્ફોસીસમાં કામ ના કરતી હોય તે વ્યક્તિ સતાવાર મુલાકાતે આવેલ હોય તો મુખ્ય દ્વારથી તેમની જરૂર પુછપરછ કર્યા બાદ પ્રવેશ મળે છે. જો કોઈ પણ કર્મચારી પોતાનું ID કાર્ડ ભૂલી ગયો હોય તો તેમને કામચલાઉ પ્રવેશ પણ મળે છે.

બીજો દ્વાર તે માત્ર કર્મચારી પ્રવેશ માટે છે. રોજના 6000 થી પણ વધુ વ્યક્તિઓને પ્રવેશ માટે visual ઓળખ સુરક્ષાકર્મી કરે છે. તે બાદ ફિંગર પ્રિન્ટ ઓળખ કમ્પ્યુટર દ્વારા થાય છે. તે બાદ કર્મચારીના સામાનની પણછ થયા બાદ જ તેમને પ્રવેશ મળે છે. સામાનમાં સંદિગ્ધ વસ્તુ તો દુર ની વાત, પેન ડ્રાઈવ કે કમ્પ્યુટર CD પણ લઇ જવાની મનાઈ હોય છે. અને કેમ્પસમાં પ્રવેશ્યા બાદ ID કાર્ડ સતત પહેરીને રાખવો પડે છે. કેમ કે કેમ્પસની અંદર દર 100 મીટરને અંતરે સુરક્ષાકર્મી વોચ રાખે છે. જો તમે કર્મચારી ના હો તો તમારે પહેલા દ્વારથી મુલાકાતી કાર્ડ મેળવ્યા બાદ જ પ્રવેશ કરી શકો અને તે પણ સતત પહેરીને જ રાખવું પડે. મને એ જોઈ ને સુખદ આંચકો લાગ્યો જયારે મેં મારી નજરે જોયું કે શ્રીમતી સુધા મૂર્તિ , કે જે ઇન્ફોસીસના સંસ્થાપક શ્રી નારાયણ મૂર્તિ ના પત્ની છે, ખુદ મુલાકાતી કાર્ડ લગાવીને પ્રવેશ મેળવ્યો હતો. 24 કલાક સુરક્ષાકર્મીઓ દરેક ખૂણે ચાંપતી નજર રાખીને બેઠા હોય છે અને તે સુરક્ષાકર્મીઓમાં મહિલા કર્મીઓ પણ એટલો જ ફાળો ધરાવે છે જેટલો કે પુરુષ કર્મીઓ ધરાવતા હોય છે.

ત્રીજો પ્રવેશદ્વાર તે ઇન્ફોસીસના સફાઈ કર્મચારી, ફૂડ વિક્રેતાઓ વગેરે માટે હોય છે જેમને પોતાનો કોઈ પણ સામાન લઇ જવાની પરવાનગી નથી. તેમનો સમાન એક સુરક્ષા કક્ષમાં જમા કરવાનો હોય છે.

24 કલાક સુરક્ષાકર્મી ઉપરાંત ચારે બાજુ CCTV કેમેરાથી આખું કેમ્પસ સજ્જ છે. અને આ ઉપરાંત આર્મી ફોર્સની એક સ્પેશિયલ ટીમ એક ગાડીમાં દર કલાકે દિવસમાં 24 વખત કેમ્પસની અંદર અને બહાર પહેરો આપે છે. સામાન્ય સુરક્ષાકર્મીઓ કર્મચારીઓના શિસ્ત અને સામાન્ય સુરક્ષા પર ધ્યાન આપે છે તો આ સ્પેસીઅલ ફોર્સ આતંકવાદી હુમલાને નાથવા સજ્જ છે.

અને અખા કેમ્પસના સુરક્ષા હેડ એ બીજા કોઈ નહિ પરંતુ એરફોર્સના 30 વર્ષની સફળ કારકિર્દી બાદ રિટાયર્ડ ઓફિસર છે જેમની ઇન્ફોસીસમાં એક અલગ જ છબી છે. અને આ મહાન વ્યક્તિ માત્ર ઇન્ફોસીસના બોર્ડ ઓફ ડીરેક્ટર ને જ હાજરી આપવાની હોય છે. એટલે કે સુરક્ષાની બાબતમાં કોઈ પણ વ્યક્તિનું તે હલાવે નહિ. અને જો આવી વ્યક્તિ કે જેને દેશની સુરક્ષા 30 વર્ષ સાંભળી હોય તેમના પર લોકો ને પુરતો વિશ્વાસ છે.

ઇન્ફોસીસના કર્મચારીઓ એટલી સુવિધા મળતી હોવાથી શિષ્ટાચારનું પુરતું પાલન કરે છે. અને માત્ર ઈન્ફોસીસ નહિ, દરેક મોટી કંપની પોતાનું એક અદ્ભુત કેમ્પસ ધરાવે છે અને તેની સાર સંભાળ રાખે છે. જેમકે રિલાયન્સ જામનગર, ટાટા સ્ટીલ જમશેદપુર, અદાની મુન્દ્રા વગેરેનો સમાવેશ થાય છે.

જો આપણી સરકાર બે મૂળભૂત વ્યવસ્થા પર કામ કરે (સુવિધા અને સલામતી) અને આપણે શિષ્ટાચારનું પાલન કરીએ તો સ્માર્ટ સીટી બનાવવું અઘરું નથી.

મિત્રો।. જો લેખ ગમ્યો હોય તો જરૂર થી અભિપ્રાય આપજો।..

અને જો તમારા ગામ ને અથવા શહેરને સ્માર્ટ બનાવવું હોય અને પહેલેથી જ કોઈ સમિતિની રચના થઇ ગઈ હોય તો મારો સમાવેશ અચૂક થી કરજો। સ્માર્ટ સીટી માટે કામ કરવું એ મારા માટે સપના રૂપ છે.

manthanchhaya@gmail.com

+91 99864 17622