Ek Cup Cofee Ane in Gujarati Poems by Dinesh Kanani books and stories PDF | Ek Cup Cofee Ane

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

Ek Cup Cofee Ane

એક કપ કોફી અને...

દિનેશ કાનાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

એક કપ કોફી અને .....

કોઈએ સંવેદન આપ્યા !

કોઈએ સમજણ આપી !

કોઈએ સથવારો આપ્યો !

કોઈએ સ્મરણ આપ્યા !

તો કોઈએ સંતાપ આપ્યો ! !

કોઈે આંગળી ચીંધી અજવાસની દિશામાં...

તો કોઈ સાથે ચાલ્યા મંઝિલ તરફ...

તો વળી કોઈએ પ્રેમ, સ્નેહ, લાગણી અને પીડાઓ પાથરી !!!!

એ બધાનો હું ઋણી છું ! ! ‘કવિતા’ ગાલગાગાની

આ ક્ષણે, આટલું કહેવું છે .....

હોય શંકા તો કહી દે

કાં હથેળીમાં સહી દે

હું ન આળું સ્વર્ગ જોવા

દઈ શકે તો, તું અહીં દે !

લગભગ સત્તર વર્ષની આયુએ, નર્યા આક્રોશ, આક્રોશ અને આક્રોશથી ઉમ્રનો એક તબક્કો સમાજના, સંજોગોના તાર્કીક ચોકઠામાં અથડાય રહ્યો હતો !

સૌંદર્ય, સવાલો

અચરજ, અવસાદ

હક અને હિસ્સાની આ વેળાએ, હિન્દીના પ્રસિદ્ધ કવિ

અજ્ઞેયજીની પંક્તિઓ હાથ લાગી !

“મેરા વિદ્રોહ ગલત હો શકતા હૈ

મગર મેરી પીડા સચ્ચી હૈ !”

બસ, ખલ્લાસ !!

એક લાવા

શાંત, સ્થિર અને રોમાંચિત થઈ ગયો !!!!

આશરે છ એક મહિનાની

આંતરિક ઘૂંટન પછી

ઈશ્વરે મારી પાસે બે પંક્તિઓ લખાવી૪

“પથ્થર સમજ કે હમે મત ઠુકરાઓ

કલ હમ મંદિર મેં ભી હો શકતે હૈ !”

શું કહેવું હવે !! સમાજ પ્રત્યેના, સંબંધો પ્રત્યેના અને સૌંદર્ય પ્રત્યેના ‘આક્રોશ’ અને ‘તીવ્ર વહાલ’માં સ્થિરતા પ્રદાન કરી ‘કવિતા’ એ !! લખાતું ગયું...

“સાથ ફક્ત આપ્યો છે

વેદના તો વાંસળીની છે !!”

હવે, વિદ્રોહ, અસંતોષ શારીરિક કક્ષાનો મટી કલાત્મક શબ્દોમાં ઢળી ગયો, ઈશ્વરી આદેશથી !! બેશક !!

જીવનની પ્રથમ

અછાંદસ કવિતા પ્રકટી

અંધકાર

દિલમાં હતો ને

દીવો પ્રગટાવવા

ચાલ્યાં મંદિરમાં !

આદરણીય કવિ સુરેશ દલાલે ‘કવિતા’ માં પ્રગટ કરી,

ને ગુજરાતી સાહિત્યની કેડીએ સમય, સંજોગ અને સંચિત કર્મના સથવારે કવિતા ગાલગાગાની સફર શરૂ થઈ !

બસ, આમ જ

સિદ્ધિ, પ્રસિદ્ધિ, સન્માન,

વ્યથા, સૌંદર્ય, વલવલાટ અને

પરમ આનંદની શબ્દસ્થ ક્ષણો

એટલે

“એક કપ કૉફી અને... ! !”

***

આભથી ઊંચા તને સપનાં ગમે છે

ને મને આ ધરતીના તરણાં ગમે છે !

***

આંગળીમાં જેટલા નખ હતા

બસ, અમારે એટલા દખ હતા

***

(૧)

એક કપ કૉફી અને તાજી હવા દે,

કાં મને રાજીખુશીથી તું જવા દે !

જો તને ગમતું નથી તો શું કરું;

સૂર્યના કિરણ મને તો વાંચવા દે !

આપણે બેઠાં રહીએ વૃક્ષ નીચે,

ચાલ આજે પંખીઓને બાલવા દે !

પાન લીલાં તોડવાનો શોખ રાખે,

કોણ એને આંગણાંમાં આવવા દે ?

શું લખ્યું છે પાંદડાની કોર પર તેં,

બે જ અક્ષર હું કહું છું વાંચવા દે !

રોજ તારી વાત હું તો સાંભળું છું,

તું મને ક્યારેક તો કૈં બોલવા દે !

હું તને તારા જ ત્યાં દર્શન કરાવું,

આ હૃદયને એટલું તો ખોલવા દે !

(૨)

એક માણસ હારવાનો વારતાના અંતમાં

હું દિલાસો આપવાનો વારતાના અંતમાં

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો

હું પુરાવો માગવાનો વારતાના અંતમાં

પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા

ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં

હું તમારી જીતનો હિમાયતી છું એટલે

સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં

કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણવા

રાત આખી જાગવાનો વારતાના અંતમાં

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે

હું તમારો લાગવાનો વારતાના અંતમાં

(૩)

ન ખૂલેલાં બારણાંઓ દાનમાં દીધાં,

જા તને સંભારણાઓ દાનમાં દીધાં

વાયરાએ પાનખરની હાક પાડી તો,

ડાળખીએ પાંદડાઓ દાનમાં દીધાં

કમનસીબી એટલે શું ? એમ પૂછ્યું ત્યાં,

એમણે આ ઝાંઝવાઓ દાનમાં દીધાં

બીજું તો પાસે હતું શું આપવા જેવું ?

દીકરીએ ડૂસકાંઓ દાનમાં દીધાં.

જ્યાં જ્યાં મારી વેદના પ્હોંચી હતી ત્યાં ત્યાં,

મેં ગઝલના દીવડાઓ દાનમાં દીધાં

(૪)

રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે !

ને બધાને સાદ કરવાની પ્રથા ખોટી છે !

મન વચન ને કર્મથી જે લોક બદલી ગયા છે,

એમને આબાદ કરવાની પ્રથા ખોટી છે.

પ્રેમ છે ? તો આપજે ખોબો ભરીને ફૂલો,

પ્રેમમાં ફરિયાદ કરવાની પ્રથા ખોટી છે.

થઈ શકે તો એક વત્તા એક અગિયાર કરજે,

એકથી એક બાદ કરવાની પ્રથા ખોટી છે .

થઈ ગયું છે એ થઈ ગયું, શું થઈ ગયું એમાં ?

બિનજરૂરી વાદ કરવાની પ્રથા ખોટી છે !

(૫)

આપવીતી લખાવ તો આપે

આ અહમને હટાવ તો આપે

તું બધાનું લઈને ઊભો છે,

કૈંક તારું વટાવ તો આપે

આપવાનો ભદાયને એ તો,

તું શરાફત બતાવ તો આપે

ભાગ્ય ઊભું છે હાથ ફેલાવી

તું કદમને ઉઠાવ તો આપે

આટલો વલવલાટ શેનો છે !

તારી શ્રદ્ધા બચાવ તો આપે

(૬)

કૈં અજબ ખેંચાણ લઈને જીવતા’તા,

હાથમાં સૉ પ્રાણ લઈને જીવતા’તા.

શું કરીએ બીજું તો માણસ થઈને ?

રોજની મોકાણ લઈને જીવતા’તા.

એ જ લોકોને ખરેખર સંત કહીએ,

સૌનું જે કલ્યાણ લઈને જીવતા’તા.

એટલે તો ના પહોંચ્યા શિખરો પર,

મન મહીં મેલાણ લઈને જીવતા’તા.

એક બે જો હોય તો એ થાય પુરા,

સ્વપ્નની સૌ ખાણ લઈને જીવતા’તા.

ડૂબવા દીધી નહીં આ જિંદગીને,

બસ, ગઝલનું વ્હાણ લઈને જીવતા’તા !

(૭)

હો નિકટ ને તે છતાંયે દૂર લાગે,

મન બધાનાં કાયમી મજબૂર લાગે !

વાત મારી કેમ સમજાવું હું તને ?

તું નહીં તારી અપેક્ષા ક્રુર લાગે !

શું હતું સંતે ફકીરો સાધુ પાસે,

કંઈ નથી ને તોય એ ભરપૂર લાગે !

માત્ર પીડા માત્ર પીડા માત્ર પીડા,

માત્ર પીડા પ્રેમનો દસ્તુર લાગે !

એકસરખી એ જ રામાયણ બધે છે,

પોતપોતાના દુઃખો ઘેઘૂર લાગે !

આ ગઝલની એ જ મોટી ખાસિયત છે,

પીઓ તો મય ચાખો તો અંગૂર લાગે !

(૮)

સાવ સીધો ને સરળ ઉપાય છે,

આંખ મીંચો તો બધું સમજાય છે !

છે હૃદયમાં એટલું તોફાન કે,

આજ દરિયો આંખમાં છલકાય છે !

હા, બધું સંધાય છે એ સાચું પણ,

ક્યાંતૂટેલું મન ફરી સંધાય છે ?

પૂછવાનું મન ઘણુંયે થાય પણ,

‘કેમ છો ?’ બસ એટલું બોલાય છે !

છે લખેલું તો ઘણુંયે આસપાસ,

આપણાથી ક્યાં કશું વંચાય છે !

(૯)

અજવાળે અંધારે માણસ રમતા કાતર કાતર

આ કોના ઈશારે માણસ રમતા કાતર કાતર

આંસુઓના ધક્કે-ધક્કે આગળ જઈને બેસે

જીવ મૂકી મઝધારે માણસ રમતા કાતર કાતર

મુઠ્ઠીમાં અંધારુ લઈને સૂરજ સામે ફેંકે

શ્વાસોના પડકાર માણસ રમતા કાતર કાતર

ધારી ધારી દરિયો જોતાં મોજાં સામે હસતા

કોઈ દિવસ ના હારે માણસ રમતા કાતર કાતર

ગમતું પંખી પાડોશીની ડાળે બેસી ટહુકે

જીવન લાગે ભારે માણસ રમતા કાતર કાતર

હળવા હૈયે ઈચ્છાઓના ભારા લઈને ફરતા

સાચું કદી ના ધારે માણસ રમતા કાતર કાતર

ના કૈં જાણે ના કૈં માણે એક જ કામ કરે છે

આજે ને અત્યારે માણસ રમતા કાતર કાતર

(૧૦)

સભ્યતાથી વાત કરતાં આવડે તો આવજે

ને ઉદાસી જો અમારી પરવડે તો આવજે

તું કહે તો હું લખેલું ભૂંસવા તૈયાર છું

પણ ભૂસેલું વાંચતા જો આવડે તો આવજે

(૧૧)

શ્રીમંતાઈ પેશ કરવાની મના છે,

આમ બારોબાર ફરવાની મના છે.

તેં છલાંગો મારી દીધી, પણ ખબર છે ?

આટલામાં ક્યાંય તરવાની મના છે !

આ જગામાં સાચ છે સંકટમોચનનો !

પૂછ નહિ કે કેમ ડરવાની મના છે ?

ઉન્નતિના શિખરો સર કર લડીને,

આમ ઘાંઘા થીને ખરવાની મના છે.

એટલી મેં ચૂપકીદી ત્યાં નિહાળી,

એમ લાગે શ્વાસ ભરવાની મના છે !

(૧૨)

રોજ પડતર કિંમતે લીધી હતી;

એ જ પીડા આપને દીધી હતી !

સ્હેજ મારા આંસુઓનો ભાર છે;

ડાળ ફૂલોની પ્રથમ સીધી હતી.

શ્રી ૧ા ને શ્રી ગણેશાય નમઃ લખ;

બસ જરૂરી આટલી વિધિ હતી.

આપનું મુખ બે ઘડી જોયા પછી;

એમ થયું કે રોશની પીધી હતી !

એટલે મદહોશ છે વાતાવરણ;

હોઠ પર મેં વાંસળી લીધી હતી.

તે છતાં છૂટી ગયા છે સુખ તમામ;

આંગળી પાંચેય મેં ચીંધી હતી !

(૧૩)

કૈંક હો’ મંજૂર ત્યારે આવજે

ઢળતી સાંજે કે સવારે આવજે

આ બધાં તો બે ઘડીના ખેલ છે

છોડીને સઘળું, કિનારે આવજે

કોઈ કારણ ના જડે તો શું થયું;

તું અનાયાસે જ દ્વારે આવજે

મારી ફરતે આવરણ છે મૌનનું

હું ન બોલું કૈં, ઈશારે આવજે

આવવું ને આવવું જો હોય તો

કોઈ મનગમતાં વિચારે આવજે

(૧૪)

ચામડાના પર્સમાં તું ફૂલ રાખે !

મહ્‌ક છે મારી કને એ વ્હેમ રાખે ! !

જીવવાનું હોય કાયમ કૂમપળો જેમ;

તું ઠઠારો પાનખરનો કેમ રાખે !

હું નિખાલસ થાઉં છું એવી ઘડીએ;

ગત વખતની, તું ખતાનો ખાર રાખે.

અડચણો રાખે, વિવશ રાખે મનોમન;

મનમનાવી સાથ દે ઉપાય રાખે.

ધૂપ રાખે છાંવ રાખે ને સફરમાં-

ઘાવ કાયમ દૂઝતો એકાદ રાખે.

જાનલેવા મ્હેકની સંભાળ રાખે;

ચામડાના પર્સમાં તું ફૂલ રાખે !

(૧૫)

બેઉ હાથે દાન કરતા આવડે છે

ને વ્યથાઓ મ્યાન કરતા આવડે છે

સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું

એટલી ઉડાન કરતા આવડે છે

હું નદીની જેમ વહ્રેતો રાત-દિવસ

એ જ રીતે ધ્યાન કરતા આવડે છે

એટલે તો પાંદડા ગણતો નથી હું,

વૃક્ષનું સન્માન કરતા આવડે છે

એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે,

જીવ જાજરમાન કરતા આવડે છે

(૧૬)

સાવ ખાલી હાથ લઈને ક્યાં જવું ?

આજ ભીની આંખ લઈને ક્યાં જવું ?

કોઈ મારી હસ્તરેખામાં નથી,

આ ફકીરી હાલ લઈને ક્યાં જવું ?

આપણાથી કર્મ એવા થાય છે,

કે બચેલી શાખ લઈને ક્યાં જવું ?

છું પ્રવાસી એકલો એકાંતનો,

ભીડનો સંગાથ લઈને ક્યાં જવું ?

હોય ચિનગારી તો એ ચાંપી શકાય,

પણ ઠરેલી આગ લઈને ક્યાં જવું ?

રોજ વસ્ત્રો હું ય બદલી આવું પણ,

કાયમી સ્વભાવ લઈને ક્યાં જવું ?

(૧૭)

પહેલા આશ્વર કેટલો ઓરો હતો,

ગામ વચ્ચે ગામનો ચોરો હતો !

તે છતાંયે આંખ ભીની થઈ ગઈ,

એક કાગળ હાથમાં કોરો હતો !

ગૂંથી લેતી રોજના ઘટના બધી,

‘મા’ ની પાસે દૃષ્ટિનો દોરો હતો.

કોણ આવે પીરસેલી થાળ પર ?

આપણો કંસાર પણ મોળો હતો !

ઊંચકીને કાં બધાં હાંફી ગયા ?

જીવ મારો આમ તો ફોરો હતો !

(૧૮)

તમારો અહીંથી જવાનો સમય છે,

સમયને હવે બોલવાનો સમય છે.

વિસામો બધેથી પલાયન થયો છે,

દિવસ રાત, બસ હાંફવાનો સમય છે.

ન ગમતું ફરી પાછું ગમતું બને તો ?

બરાબર બધું રાખવાનો સમય છે !

ક્ષણોના સહારે ક્ષણોના ઈશારે,

સમયને સતત કાપવાનો સમય છે !

અમોને ખરેખર હવે એમ તાતું,

તમારું કહ્યું માનવાનો સમય છે !

(૧૯)

હાથે કરી હથિયાર લીધાં હાથમાં,

કેવા પછી પડકાર લીધા હાથમાં !

આપી બધાને હૂંફ ત્યારે એમ થયું,

સાચા હવે ધબકાર લીધા હાથમાં !

તો પણ તમે ના વાત મારી સાંભળી,

અંગાર વારંવાર લીધા હાથમાં !

કેવું પછી મન સાવ હળવું થઈ ગયું,

ઝાકળ સમા આધાર લીધા હાથમાં !

સીધા જ એના દ્વાર પણ ઉઘડી ગયા,

તંબુરના જ્યાં તાર લીધા હાથમાં !

(૨૦)

પાછો પેલો ભાર ઉપાડું

ઈશ્વરનો અણસાર ઉપાડું !

આઘો પાછો થાય ભલેને,

એનો છે, સંસાર ઉપાડું !

(૨૧)

અઘરું છે; પણ કાગડાઓ રામ બોલે,

એની અંદરની વ્યથાઓ રામ બોલે !

સાચું ખોડું રામ જાણે; હું કહું કે,

વૃક્ષના સૌ પાંદડાઓ રામ બોલે !

વાદળાંઓ સાવ અમથા ના વહે કૈં;

વ્હેતાં-વ્હેતાં વાયરાઓ રામ બોલે.

ઘર અમારું એટલું પાવન હતું કે,

ભીંત, બારી, બારણાંઓ રામ બોલે !

બીજું તો શું બોલવાનું હોય એણે,

ચાંદ સૂરજ તારલાઓ રામ બોલે !

રોજ દિલમાં એ જ રાખી ઝંખના કે,

જીવની સૌ ઝંખનાઓ રામ બોલે !

આમ અઘરો લાગતો માણસ ભલેને,

સાંભળે જો એ કથાઓ રામ બોલે !

વૃદ્ધ માતા ને પિતાની એક ઈચ્છા

કોક દિ’ બસ દીકરાઓ રામ બોલે !

(૨૨)

બંધ મુઠ્ઠીમાં શું ધારી શકો ?

ભાગ્ય આખુંયે વિચારી શકો !

લાખ કોશિશ તો કરો છો તમે,

તોય મનને ક્યાં સુધારી શકો !

એ જ સાચો ધર્મ બનશે કદાચ,

કોઈનું સારું વિચારી શકો !

ગાંસડી સંદર્ભની ખોલીને,

આગ અફવાનીય ઠારી શકો !

ત્યાં જ કરજો વાત દિલની તમે,

જ્યાં ઉદાસીને ઉતારી શકો !

(૨૩)

એ તરંગો થઈ બધે લહેરાય છે,

જિંદગી ક્યાં કોઈને સમજાય છે ?

સાવ જનદીક આવવાનું મન થાય છે,

મન પછીથી એકદમ બદલાય છે !

હાથ લંબાવું અને પીડા મળે,

આમને આમ જ ઘણઉં જીવાય છે !

સાંજ મારી એકલાની હોય છે,

ક્યાં બધાની આંખ અહીં છલકાય છે ?

બે ઘડીનો સાથ આપી જાય ને,

કાયમી સંભારણાં સચવાય છે.

છેક ઊંડે ઊતરીને જોયું છે,

તું મળે ને આયખું સંધાય છે !

(૨૪)

શ્વાસની સંભાવનાઓ ત્યાંય સારી હતી

પથ્થરોની ભીંત વચ્ચે એક બારી હતી

માત્ર તારા ઘરમાં બત્તીઓ જ ઠારી નથી

તે નગરની લાંબી આ સડકોય ઠારી હતી

સાગરોના ઘૂઘવાટ, પર્વતોની અદા

ને પ્રવાસોના પવનમાં યાદ તારી હતી

બાંકડા પર બેસું કે હું પાંદડાઓ ગણું ?

સાંજના વાતાવરણમાં સાંજ ભારી હતી

સર્જકોના અંતમાં ને એના આરંભમાં

કોઈ પીડાનામની બે ચાર નારી હતી

(૨૫)

આ હયાતી પાઘડીના વળ નથી,

જિંદગીને જીવવાની કળ નથી.

દૂર હડસેલી દઈએ ક્રોધને,

આપણામાં એટલુંયે બળ નથી.

છે બધુંયે આપણી પાસે ઘણું,

આપણી પાસે હવે એક પળ નથી.

આખરે બસ એટલું સમજાય છે,

ઝંખનાઓને ખરેખર તળ નથી.

એટલાં ખૂલી ગયાં છે બારણાં,

કે હવે કોઈ કને સાંકળ નથી.

(૨૬)

હળવું મળવું ઝાકળ જેવું ને જંતર મંતર,

જીવશું પળ પળ વાદળ જેવું ને જંતર મંતર.

માણી લઈએ આ પળ બે પળના સપનાંઓને,

છોડી દઈએ સાંકળ જેવું ને જંતર મંતર.

અંદર અથડાતા કૈં અક્ષરનાં ટોળે ટોળાં,

કોણ લખાવે કાગળ જેવું ને જંતર મંતર.

નાના મોટા, સાચા-ખોટા સંબંધોમાં જો ને,

ઊગી ગયું શું બાવળ જેવું ને જંતર મંતર.

પાંખ અમારી એના પાલવમાં બસ અટવાતી,

જઈએ ક્યાંથી આગળ જેવું ને જંતર મંતર !

(૨૭)

મૂળમાંથી ડાળમાં બેસી ગયા

ને ફફડતી ફાળમાં બેસી ગયા

ઓરડો ભરચક હતો કે મન હતું ?

આમ કાં પરસાળમાં બેસી ગયા !

પૂછવાને જે ખબર આવ્યાં હતાં

એ જ તો સંભાળમાં બેસી ગયા

એ જ લોકો ટોચ પર ઉભા હતા

જે સમયના ઢાળમાં બેસી ગયા

જીવવાના સેંકડો ઉન્માદ લઈ

આપણે બસ કાળમાં બેસી ગયા

(૨૮)

થઈ ગયું છે વેર જેવું ભાઈ સાથે

બોલું છું શમશેર જેવું ભાઈ સાથે

મા કહે કે બોલ બેટા શું થયું છે !

કેમ કાળા કહર જેવું ભાઈ સાથે

માફ કરતા એમને પણ એવડે છે

હું ય ઈચ્છું મહેર જેવું ભાઈ સાથે

એટલે સહમત થવાતું ના કદીયે

હોય છે મનફેર જેવું ભાઈ સાથે

શું કરું તો, શું કરું તો, શું કરું તો

થાય લીલાલહેર જેવું ભાઈ સાથે

(૨૯)

એ જ રીતે દ્વારને ખોલાય છે

સ્વપ્ન જોવા આંખ તો મીંચાય છે

કૈં નવું તો થાય શું આ ઝાડમાં

કૂંપળોથી પાનખર ભૂંસાય છે

કોઈ સાથે આવતા મંઝિલ સુધી

કોઈથી ક્યાં આંગળી ચીંધાય છે !!

એટલે તો હું અવાચક થઈ ગયો

ઠેસ રૂપે ઉંબરો દેખાય છે

વાંચવાનું જ્યારે પણ મન થાય છે

માત્ર તારા કાગળો વંચાય છે

(૩૦)

દાવ છેલ્લો રાખજે મારો મને મંજૂર છે

જેટલા પણ આપ પડકારો મને મંજૂર છે

સાથ આપે કે ન આપે ફર્ક કૈં પડતો નથી

મારી અંદરનો જ સથવારો મને મંજૂર છે

(૩૧)

આખેઆખું જીવતર અગડમબગડમ,

મળસે ક્યાંથી વળતર અગડમબગડમ.

સપનાં, ઈચ્છા, કાલાવાલા કંકર;

મૃગજળ મોટી કળતર અગડમબગડમ ?

શબ્દો સાચા કલ્પન સાચાં ખળખળ,

બાકી સઘળું નડતર અગડમબગડમ.

પંકી, ઝરણાં, કલરવ, ટહુકા સંગે,

થાય નહીં કૈં ભણતર અગડમબગડમ.

કારણ સાવે ખોટા લઈને મબલક,

માણસ જીવે બદતર અગડમબગડમ.

કાલીઘેલી આંટીઘૂંટી લઈને,

કર મા મારું ચણતર અગડમબગડમ.

ફૂરસદના ફોટાઓ લઈ જાવું ક્યાં ?

સંબંધો છે પડતર અગડમબગડમ.

(૩૨)

થાય, એવું તો બધાને થાય છે

જીવ્યા એવું ક્યાં ફરીથી જીવાય છે !

જે અહમથી ઊંચકાયા હોય છે

ઠોકરો પર ઠોકરો બસ ખાય છે

જિંદગી ઘૂંટાય છે એવું ન માન

આ સમયથી આયખું ભૂંસાય છે

હું પ્રતીક્ષા એટલે કરતો નથી

જે હશે મળવાનું, મળતું જાય છે

એટલો લાંબો થયો દિવસ હવે,

રાત પણ બે-ચાર પળ રોકાય છે !

(૩૩)

જડ થયેલી માન્યતાને રામ રામ !

ખોખલી સૌ સભ્યતાને રામ રામ !

લે, હવે મેળો ભરે છે મન બધે,

તે દીધેલી શૂન્યતાને રામ રામ !

હસ્તગત હોતી નથી આ તક અને,

તક તરફની શક્યતાને રામ રામ !

હું શિખર પર સ્થિર જ્યાં થાતો ગયો,

આ ધરાની ધન્યતાને રામ રામ !

વાદળોમાં શૂર્ય ઠેબા ખાય છે,

ઝળહળી એ દિવ્યતાને રામ રામ !

(૩૪)

પૂર્વમાંથી નીકળીને આવશે,

આવશે તો ઝળહળીને આવશે.

આવશે તો આવશે ને આવશે,

એ બધેથી ખળભળીને આવશે.

આ અહીંયા તો ગમે છે એટલે,

ક્યાં જશે ? પાછા વળીને આવશે.

ક્યાં ફિકર છે કઈ તરફથી આવશે ?

ઢાળ છે અહીં તોઢળીને આવશે !

ઘર સફરનો આખરી મુકામ છે,

ઘર તરફ એ ટળવળીને આવશે !

(૩૫)

ઈશ્વરી સંકેત મળતા નથી,

દોસ્ત ! મંદિરોય ગમતાં નથી !

આ થયું શું બાળકોને, જુઓ;

રમકડાંથીય રમતાં નથી ! !

કોઈનો હોઈ શકે એ પ્રભાવ,

આપમેળે ફૂલ ખરતાં નથી !

ક્યાં જવાનું હોય ને ક્યાં ગયાં !

આ જખમ તો ક્યાં ઠરતા નથી.

લાગણી છે એથી ઝૂકી ગયાં,

આમ કોઈથીય ડરતાં નથી.

તું બધાનાં ભાગ્ય વાંચી શકે,

પણ લખેલા લેખ ફરતા નથી.

એ મનોમન હોય છે હુ ઉદાસ,

પણ મને કંઈ વાત કરતાં નથી !

(૩૬)

રૂમ નંબર પાંચ તારી યાદ લઈને બૂક છે,

વરસોજૂની એક-બે ફરિયાદ લઈને બૂક છે !

આમ તો મળતો નથી આ રૂમ નંબર પાંચ પણ,

એક અંગત આગવો અપવાદ લઈને બૂક છે !

ત્યાંથી દરિયો સાવ સીધો ને સરળ દેખાય છે,

ખાસ કારણ એ જ બસ એકાદ લઈને બૂક છે !

“એક, બે કે પાંચ ગણુંયે આપશું ભાડું અમે,”

અમે એવા રોકડા સંવાદ લઈને બૂક છે !

વાહ !કેવી મોજ આવી રૂમ નંબર પાંચમાં,

એકસરખી બેઉની આ દાદ લઈને બૂક છે !

(૩૭)

પૂછું કોને હું હથેળી ધરીને

ક્યાં ગઈ છે આ લકીરો સરીને !

રોજ હું મળવા તને આવવાનો

એકસો ને આઠ દરિયા તરીને !!

ચાંદામામા જાય છે ક્યાં સવારે

બાળકો પૂછે વહાલી પરીને !

પ્રશ્ન મારો છે અને છે બધાનો

શું ગણે છે પાંદડાં ફરીફરીને ?

હા, સમયસર કાલ પણ આવજે તું

આપવા છે ફૂલ ખોબો ભરીને !

(૩૮)

ચીસ પાડી એક ટહુકો માંગવો;

ને પછી કોયલનો માળો બાંધવો !

રોજ એની એજ સમસ્યા લઈ ફરું,

રોજ મારે કોનો રસ્તો કાપવો ?

બાદશાહીમાંય ઈશ્વર જાપવો;

હોય છે મિજાજ મારો આગવો !

કામ સોંપ્યું છે ખરા દિલથી તમે;

ઝાંઝવાનો એક ફોટો પાડવો !

અવસરોનું સાવ એવું હોય છે,

હોય મતલબ, ત્યાં લગી છે માંડવો.

ફક્ત તોરણ પૂરતાં ક્યાં હોય છે ?

આંગણે ટહુકો ય પડશે ટાંગવો !

જંગ પૂરો ક્યાં થતો આ શ્વાસનો

હક અને હિસ્સો ય ક્યારે માંગવો !

દ્વાર પર ઊભા રહીને શબ્દના;

જાતનો પરિચય પડે છે આપવો !

નખ વધે છે કે સમજદારી જુઓ;

કાં ગમે માણસને માણસ ફાડવો ?

(૩૯)

ગામ આખું હીબકાંઓ ભરે છે,

એક મવાલી ટુચકાઓ કરે છે !

એક સરખી ભાવનાથી કરે છે,

કામ કપરું કાંસકાઓ કરે છે !

ઘરનાં સભ્યો હોય છે સરભરામાં,

જમનાથી પારકાંઓ ડરે છે !

ખિસકોલી કે પતંગિયાઓ થઈ,

આંગણાંમાં ભૂલકાંઓ ફરે છે.

આંસુઓમાં એમ સપનાં સરે કે,

સરવરોમાં હોડકાંઓ તરે છે !

(૪૦)

પૂર્વજોની માલમિલકત ભાગમાં આવી નથી

એટલે તો જિંદગીને ક્યાંય લલચાવી નથી.

હું સતત એવી દશામાં કાયમી જીવ્યો અહીં

હાર મેં માની નહીં ને જીત અપનાવી નથી ! !

(૪૧)

ભર વસંતે પાનખરની યાદ આળે,

અંધજનની આંખમાં કાં ચાંદ આવે ?

ત્યક્તાના થીજી ગયેલા કંઠમાંથી,

‘આવશો ક્યારે તમે ?’ એ સાદ આવે !

સાંજ પડતર હોય છે કાયમ અહીંયા,

રોજ સાંજે માણસો બરબાદ આવે !

વાર લાગે છે અને રસ્તો જતો રહે,

ને ઉપરથી આપનો અવસાદ આવે !

આંખ ખાલી થઈ ગયેલો કોઈ કૂવો,

તોય પનિહારી અહીં એકાદ આવે !

ક્યાં વધારે કોઈ મારી માગણી છે ?

હો જરૂરી એટલો ઉન્માદ આવે.

(૪૨)

ટોળટપ્પા મારવાનું બંધ કર

આ સમયને હાંકવાનું બંધ કર

એક દિવસ રણ તરફ એ લઈ જશે

ડાળ લીલી કાપવાનું બંધ કર

વિશ્વ આખું હું સમાવી લઉં એમાં

તું હૃદયને માપવાનું બંધ કર

લઈ શકું છું એટલો ખાલી નથી

તું સલાહો આપવાનું બંધ કર !

છે ખરેખર એ જ તો તારો વિજય

તારા મનથી હારવાનું બંધ કર!

(૪૩)

રોજ નાટક કરે છે સૌ પડદા વગર

ક્યાં સુધી આમ મળવું ઉમળકા વગર

પર્વોત, વૃક્ષો, ઝરણાં, સમંદર નદી

એમ હું પણ જીવું છું અપેક્ષા વગર

આભ જોતા નથી કોઈ વરસાદમાં

સૂર્ય ગમતો નથી દોસ્ત ! તડકા વગર

એટલે ભૂલતાં આવડે છે તને

તેં શીખ્યું છે બધું સાવ ઘૂંટ્યા વગર

શું કહું એમની એ અદાને હવે !

સ્મિત આપે મને આંસુ લૂછ્યા વગર ! !

(૪૪)

જિગરની વચોચવ ખુમારી પડી છે

મને જિંદગીની સવારી નડી છે !

રહે સહુ ખખડતા ક્ષણોની થપાટે

ખરેખર સમયજી તમારી ઘડી છે

પડી સવારે વિસારે બધીયે દિશાઓ

ગગનમાં પતંગો અમારી ચડી છે

નયનમાં હવે ઊંઘ પણ જાગવાની

સળગતી હંમેશાં પથારી જડી છે

નથી દર્દ બીજું કશુંયે અમોને

તમારા વિરહની કટારી અડી છે !

(૪૫)

ચાંદ, સૂરજ, તારલાઓ આવશે,

સાદ દઉં તો ઝાંઝવાઓ આવશે !

તું ઉઘાડાં બારણાંઓ રાખ માં,

પાનખરનાં પાંદડાંઓ આવશે !

ફોન કરજો, શ્વાસ એટકે એટલે !

કાંધ દેવા દીકરાઓ આવશે !

રોજ ‘માણસ’ને મળું છું એટલે;

રોજ તાજી વારતાઓ આવશે !

અડકો દડકો દહીં દડુકો એટલું;

ગણગણો ત્યાં ભૂલકાંઓ આવશે.

(૪૬)

લાલ જાજમ પાથરીને બેઠાં છીએ.

કે ગુનાઓ આચરીને બેઠાં છીએ !

જોવા મળશે વાદળોના હાડપિંજર;

એમ દરિયા આંતરીને બેઠાં છીએ !

ફેફસામાં પ્રાણ ફૂંકાશે ગુલાબી;

એટલી છે ખાતરી ને બેઠા છીએ

જડ અને ચેતન બધું આફરીન આફરીન,

એક ચીલો ચાતરીને બેઠાં છીએ.

દિલથી આદતવશ હતાં એવા અમે કે -

દુઃખ બધાનાં છાવરીને બેઠાં છીએ.

(૪૭)

હું સલામત સ્થળની શોધ કરતો હતો,

ફેફસામાં દર્દને ભરતો હતો !

મેં તમારી માન્યતાઓ અવગણી,

તે પહેલાં જાતથી ડરતો હતો !

થઈ દિશાહીન આ તરફ ને એ તરફ,

હું અનાવૃત એકલો ફરતો હતો !

ઠેસ વાગી દોસ્ત ! દરિયામાં મને !!

‘ટાઈટેનિક પ્યાર’ ત્યાં તરતો હતો ! ! !

કેટલો ગમગીન થઈ ગ્યો ઓરડો ?

વાત હું એકાંતની કરતો હતો !

(૪૮)

રંગ લઈને રોજ તારી યાદના

ચિત્ર દોરું છું હવે વરસાદના

આ સમયની એ જ મોટી ધાક છે

કારણો શોધ્યા કરે સંવાદના !

વૃક્ષથી ખરતાં રહેલાં પાંદડાં

છે પુરાવા સેંકડો ઉન્માદના !

જિન્દગીને આવકારો આપવા

બંધ રાખ્યા બારણાં ફરિયાદના !

થઈ શખે તો દોસ્ત કર તું એટલું

જીવને અજવાળજે એકાદના !

(૪૯)

તું ફરી શૈશવ સમું બોલાવ ‘મા’

એ જ હાલરડાં ફરી સંભળાવ ‘મા’

રોજની ઘટના બધી પજવે મને,

થાક એનો સાંજના ઉતરાવ ‘મા’

જે દિશામાં કર્મ મારા ઓફખાય,

એ દિશામાં તું મને દોડાવ ‘મા’

હું જ સાચો હું જ સાચો હું જ સા...

આ ખયાલો એકદમ અટકાવ ‘મા’

રોજ એની એ જ આપે છે મને,

તું શિખામણ એક-બે બદલાવ ‘મા’

હું બધાના દર્દજ સમજી શકું,

આંખ મારી એટલી છલકાવ ‘મા’

કૈંક ખૂટે છે ખરેખર જીવમાં,

તું મને પહેલા સમું હરખાવ ‘મા’ !

(૫૦)

આપરણા મતભેદ થોડા દૂર રાખીએ

ચાલને આજે બધું મંજૂર રાખીએ

આવકારો જિંદગીને આપવો જો હોય

આહૃદયમાં વાંસળીના સૂર રાખીએ !

(૫૧)

કેટલો સુંદર સુકોમળ ચાંદ લાગે,

કોઈ તાજાં સ્વપ્નની સોગાદ લાગે !

એ તરફ કાયમ તું હિસ્સેદાર લાગે,

આ તરફ તું કાયમી અપવાદ લાગે.

છે ઘણાં આબાદ યારો ! આ પળે પણ,

પળ પછીની પળ મહીં બરબાદ લાગે.

ખૂબ ઊંડા હોય ચિંતન ને મનન તો,

આ ગઝલ પણ નવ્ય નૂતન વાદ લાગે.

લાગણીનું નામ લઈ બેઠાં રહ્યાં ને,

મીણ જેવા માણસો પોલાદ લાગે !

(૫૨)

કોક અંદર અવતરે છે ક્યાંક તો

કોક જીવે ને મરે છે ક્યાંક તો

કોક હૂંફાળા સમીપે આવતાં

કોક થર થર થર ડરે છે ક્યાંક તો

કોક હસતાં ગીત ગાતાં મોજથી

કોક ડૂસકાંઓ ભરે છે ક્યાંક તો

કોક છૂપાવે હૃદયની વાતને

કોક તન મન ધન ધરે છે ક્યાંક તો

કોક ભીતર વિસ્તરે છે કાયમી

કોક ખીલી ને ખરે છે ક્યાંક તો

કો ઊંચા કંઠ રેલે રંગમાં

કોક છાના કરગરે છે ક્યાંક તો

કોક મૂંગા સાવ મૂંગા થઈ જતાં

કોક ઝટ વાતો કરે છે ક્યાંક તો

(૫૩)

કોઈ રસ્તાની ઉદાસી લઈ ફરું છું,

રોજ હું તારી તલાશી લઈ ફરું છું, !

જ્યારથી ઊડી ગઈ તું પંખી થઈનેત્યારથી

ફળિયું આગાશી લઈ ફરું છું !

ખૂબ ચાહું વેદનાઓ ખાનગીમાં,

તોય ફૂલો બારમાસી લઈ ફરું છું !!

આ હતાશા, આ નિરાશા, પંથ લાંબો-

ને ચરણમાં હું કપાસી લઈ ફરું છું !

એટલે દરિયાના જળ કામય મળે છે,

જન્મથી હું મીન રાશુ લઈ ફરું છું !

(૫૪)

સાપસીડીની રમત રમતાં હતાં,

એકબીજાથી અમે ડરતાં હતાં !

તારા ફળિયે તું હલાવે ડાળને,

ફૂલ મારા આંગણે ખરતાં હતાં !

હસ્તરેખા સ્થિર રહીને કરગરે !

ચોઘડિયાં રોજના ફરતાં હતાં !

ત્યાં વહેલાસર બધાં આવી ગયા,

શ્વાસ મારા ધીરેથી સરતાં હતાં.

સાવ નજદીક એટલા આવી ગયા,

એકબીજાથી અમે ડરતા હતા ! !

(૫૫)

કેટલા છે આળસું આ શ્વાસ મારા

ચોતરફ ફરતા રહે આભાસ મારા

જીવવાનું બળ મળે છે એટલે તો

સાચવું છું જીવ જેમ વિશ્વાસ મારા

રોજ આપે છે તરોતાજા જખમ એ

ને કહે છે : બસ તમે છો ખાસ મારા

નિત્ય રહે છે પાનખરની જેમ ખરતા

આ હૃદયમાં હોય જે ઉલ્લાસ મારા

ફૂલ ઝાકળ આંસુ વાદળ વૃક્ષ ઝરણાં

આ બધાં છે કાયમી કૅન્વાસ મારા

(૫૬)

સાંજના હડતાલ પૂરી થઈ જશે,

આપણી વચ્ચેય દૂરી થઈ જશે.

નખ વધે ને હાથ આખો કાપવો,

એ સમજદારી જરૂરી થઈ જશે.

છે તરસ બહુ ખેતરોના કંઠમાં,

આ નદીઓ અધૂરી થઈ જશે.

આ રમત છે સૂર્યની ઊભા રહો,

દોડશો તો ચાલ બૂરી થઈ જશે.

સાચવો જો શબ્દનેતો મોજ છે,

હાંકશો તો શબ્દ છૂરી થઈ જશે !

(૫૭)

ઝીણું ઝીણું જીવમાં કંતાય છે,

મન પછીથી કાવ્યમાં સંધાય છે !

તોરણોને ક્યાં હવે અવકાશ છે.

ધારણાઓ દ્વાર પર બંધાય છે !

માપદંડો દૃષ્ટિના ગાયબ થતાં,

એમ દૃશ્યો આંખમાં છંટાય છે !

તું રહેવા દે બધાયે તર્કને,

ગીત ગઝલો આજ પણ વંચાય છે.

રાત પણ બસ ડોકિયું કરતી હવે,

રોજ દિવસ એટલો લંબાય છે !

(૫૮)

ઠોકરો પર ઠોકરો મળશે તને,

જ્યાં જશે ત્યાં ઉંબરો મળશે તને !

પર્વતોની ઝંખનાઓ કર અને,

હાથમાં એક કાંકરો મળશે તને !

ડાળ કાપી, મ્હેક કાપી, ને હવે,

કૈં સવારે મોગરો મળશે તને !

તેં સદાયે અવગણી છે વાંસળી,

સાદ કાયમ ખોખરો મળશે તને.

ને ફરે સપનાંઓ ચીંથરેહાલ થઈ,

એટલો ઉજાગરો મળશે તને !

(૫૯)

હાડપિંજર થઈ ગયેલા શ્વાસમાં

હું જીવું છું જિંદગીની પ્યાસમાં !

વાદળોમાં સૂર્ય ઠેબા ખાય છે

ચાંદ ઊભો ખખડધજ આકાશમાં !

તોલમાપક યંત્ર જેવા માણસો

કેવા બેઠા છે નિરાંતે ઘાસમાં ! ?

વૃક્ષની હત્યા કરે જે એ બધાં

ભૂખરા પથ્થર થશે વનવાસમાં !

ઈશ્વરે ઢોળ્યાં પતંગિયામાં એમ

રંગ ઢોળે બાળકો કેન્વાસમાં !

હું ગઝલના વસ્ત્ર પહેરાવું અને

શબ્દ આવી જાય છે ઉલ્લાસમાં !

ટાઢ તડકો ને પછી વરસાદમાં

મેં તને ઝંખી છે બારે માસમાં !

(૬૦)

કૈંક બોલું તો ખરેખર આભ ફાટે

દિલને ખોલું તો ખરેખર આભ ફાટે

દર્દ પીડા રંજ ને સંતાપ મારા

હું ઉકેલું તો ખરેખર આભ ફાટે

(૬૧)

પોલ ખોલીને તમે ભારે કરી

હોઠ ભીડીને તમે ભારે કરી

પાનખર વિના ખરે છે પાંદડાં

ડાળ તોડીને તમે ભારે કરી ! !

આખરે આશા બધી એળે ગઈ,

હાથ જોડીને તમે ભારે કરી

આંગણું ને ઉંબરો ભૂલી ગયાં! !

માર્ગ મોડીને તમે ભારે કરી

દૂરતા વીંટળાઈ પગલામાં બધી

સાથ છોડીને તમે ભારે કરી

(૬૨)

જ્યાં કહો ત્યાં આવવા તૈયાર છે,

આ સમય પણ કેટલો લાચાર છે !

સાદ પાડું ? ચીસ પાડું ? શું કરું ?

એક ધડકન જેટલો વિસ્તાર છે !

નમ્રતા ને સાદગી રાખી જુઓ,

એ જ સાચા આપણા શણગાર છે !

જિંદગી ચોતરફ ભટક્યા કરે,

મન બધાનું કાયમી બેકાર છે !

જીવ નામે સાવ સીધો ને સરળ,

આપણામાં એક ચોકીદાર છે !

ધ્યાન, તપ ને સાધના તો ઠીક છે;

મન રહે વશમાં તો બેડો પાર છે.

આજનું આજે નહીં પણ કાલ પર,

જીવવાનો એ જ શું આધાર છે ?

(૬૩)

એક એની યાદ આવે તોય બસ

દૂરથીયે સાદ આવે તોય બસ

કોઈ મારી આંખ સામે ઊઘડે

એટલો વરસાદ આવે તોય બસ

(૬૪)

એ જ થાશે ખાસ મારા

તોડે જે આભાસ મારા

હું ભલેને થાકી જાઉં

દોડશે વિશ્વાસ મારા

ફૂલ થઈને ખીલ્યાં છે જો

આંગણે ઉલ્લાસ મારા

આપ આવો રૂ-બ-રૂ તો

ઝળહળે અજવાસ મારા

ફૂલ ઝરણાં પંખી પગરવ

પ્રેરણા ને પ્રાસ મારા

(૬૫)

કેટલા વિહ્‌વળ બનીને આવતા

પાનખરની પળ બનીને આવતા

એમને શું આવકારો હોય, જે

ઝાંઝવાનાં જળ બનીને આવતા

હાથ મિલાવી હજી હમણાં ગયા

એ જ પાછા છળ બનીને આવતા

એમ લાગે કે મહેમાનો બધાં

પાઘડીના વળ બનીને આવતા

જે હૃદયથી નીકળે એ શબ્દને

જોઉં છું ઝળહળ બનીને આવતા

સ્હેજ અમથું જળ અડે ને કે તરત

પથ્થરો ખળખળ બનીને આવતા

એ જ સાચા ને સહજ છે મિત્ર જે

જીવવાનું બળ બનીને આવતા

(૬૬)

પીપળાનાં પાન જેવા શ્વાસ છે,

જિંદગીના જર્જરિત આભાસ છે.

શાશ્વતીનો અર્થ એનો અ જ પણ,

આ બળી રહી છે એ કોની લાશ છે !

પત્ર પરથી એટલું સમજાય છે,

એ મનોમન કેટલાં ઉદાસ છે !

પાંખ છે, મન છે, પવન છે, પણ કહોક્યાં

હવે કોઈ કને આકાશ છે ?

છે ચરણને ચાલવાના ઓરતા,

ને નયનમાં ધારણાંની ફાંસ છે !

કેટલાં સ્વપ્નોની કત્લેઆમ થઈ,

આંખ મારી જીવતો ઈતિહાસ છે !

(૬૭)

દઉં પુરાવા કોઈ ભીની યાદના

મોકલું ફોટા તને વરસાદના

ગીત ગાયાં મેં ઉદાસીના અને

ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના

છે હથેળી મખમલી સૌની ભલે

છે બધાના આંગળા પોલાદના

પત્ર, ફૂલો, મોસમી આબોહવા

છે ઘણાંયે કારણો સંવાદનાં

સેંકડો લાગી ગયા છે દાવ પર

ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !

(૬૮)

ત્યાં, જતાં ને આવતાં બસ ઠેસ વાગે છે,

કોઈને સમજાવતા બસ ઠેસ વાગે છે !

ખૂબ સુંદર છે તમારા સૌ વિચારો પણ,

એમને અપનાવતા બસ ઠેસ વાગે છે !

રંગ રૂપે સર્વમાં છે સામ્યતા તોયે,

કોઈથી સરખાવતા બસ ઠેસ વાગે છે !

ચૂપ રહે, તો ફૂલ જેવા માણસો લાગે;

એમને બોલાવતા બસ ઠેસ વાગે છે.

એટલે તો આમ ગઝલો રોજ લખતો હું,

ઊર્મિને અટકાવતા બસ ઠેસ વાગે છે.

જો સહજતાથી અવાતું હોય તો આવો,

આપને શરમાવતા બસ ઠેસ વાગે છે !

(૬૯)

માત્ર તારા નામના દીવા કરું છું

હું હવે ક્યાં સૂર્યની પરવા કરું છું ?

કોઈના એકાંત વિશે હું લખું છું,

ને મનોમન કેટલો રોયા કરું છું ! !

છેક તારા ઘર સુધી આવી ગયો છું,

કોણ ખોલે બારણું જોયા કરું છું !

ને સ્મરણની ચાંદનીમાં લીન થઈને,

શ્વાસ મારા, બે ઘડી ખોયા કરું છું.

રોજ પૂછે છે મને વ્હેલી સવારે,

કેમ એના સ્વપ્નમાં આવ્યા કરું છું !?

(૭૦)

બંધ મુઠ્ઠી ખોલવાનો હું નથી

શબ્દ એક પણ બોલવાનો હું નથી

આવ, મારા ભાગ્યને બદલાવ તું;

તું કહે ત્યાં, દોડવાનો હું નથી

(૭૧)

આંગણે અંધાર શેનો છે ?

બોલ, આ અણસાર શેનો છે ?

આજ એની યાદ આવી છે

ના પૂછો, ઝબકાર શેનો છે !

આવો પાસે, બે ઘડી બેસો;

આટલો ઈન્કાર શેનો છે !

ટોચ પર ઊભા છે પર્વતની

ટોચ પર આધાર શેનો છે ?

શબ્દ સાથે હોઉં છું કાયમ

જાણું છું, પડકાર શેનો છે !

(૭૨)

ક્યાંક દરિયા ક્યાં રણ જેવા હતાં,

માણસો તરસ્યા હરણ જેવા હતાં.

રોજ વાંચીને તરોતાજા થઉં,

પત્ર પણ લીલાં પરણ જેવાં હતાં.

એટલે તો મેં ઉઠાવી આંગળી,

પ્રશ્ન પણ જીવન મરણ જેવા હતા.

એમ લાગે છે કે બધાંયે વૃક્ષ તો,

રામના પાવન ચરણ જેવા હતાં.

એ પ્રથમ ને આખરી ઉન્માદમાં,

રાત-દિવસ જાગરણ જેવા હતા.

દર્દ, પીડા, રંજ ને સંતાપમાં,

ગીત, ગઝલો, અવતરણ જેવાં હતાં.

(૭૩)

આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો

આવશે પાછી પરત બસ બૂમ પાડો

સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ

વાત ખૂટે તે તરત બસ બૂમ પાડો

આમ તો ટહૂકા જ ગમતા હોય સૌને

પણ પહેલી છે શરત બસ બૂમ પાડો

અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા

છોડી શબ્દોની મમત બસ બૂમ પાડો

ફાવશું કે ડૂબશું એ કોણ જાણે

ભાગ્યની છે આ રમત બસ બૂમ પાડો

(૭૪)

હું બળીને રાખ થાતો જાઉં છું !

તોય તારાં ગીત ગાતો જાઉં છું !

તોય તારાં ગીત ગાતો જાઉં છું !

ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું !

ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું !

પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું !

પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું !

ને પળે પળ હું રૂઝાતો જાઉં છું !

ને પળે પળ હું રૂઝાતો જાઉં છું !

હું બળીને રાખ થાતો જાઉં છું !

(૭૫)

ઊંઘ આવે ચોય જાગે છે બધાં,

સ્વપ્ન પાછા રોજ માગે છે બધાં.

સાવ પોલા વાંસ જેવા થઈ ગયા,

સહેજ અડકો ત્યાં જ વાગે છે બધાં.

મન મહીં તો સાવ મેલા માનવી,

પણ રૂપાળા ખૂબ લાગે છે બધાં.

જિંદગીનું રૂપ પણ કેવું હશે ?

જઈ નિકટ મે દૂર બાગે છે બધાં.

પૂછું છું હું જેને જેને એ કહે,

દોટ મૂકો, ક્યાંક આગે છે બધાં.

(૭૬)

રોજ તારી વાટ દેખી

પી લીધી મેં ચાય આખી !

જાઉં છું પીવા સમંદર

આજ તારું માન રાખી

લાલ પીળો જાંબલી દે,

છાંટમાં તું રંગ ખાખી

થોડી થોડી એય પજવે

જિંદગીને કાળી માખી

કાગડો તો ખૂબ રોયો

લીમડાની ડાળ ચાખી !

આજ તારી વાટ દેખી

ચાય મેં તો ઢોળી નાખી !

(૭૭)

ધીર ને ગંભીર થાતા જાય છે,

એ નદીના નીર થાતા જાય છે.

જિંદગીને જીવવાની હોંશમાં

દ્રૌપદીના ચીર થાતા જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે,

એ બધાં તસ્વીર થાતા જાય છે !

લાગણીને પ્રેમના સંબંધ પણ

સાંકડી ઝંઝીર થાતા જાય છે.

શબ્દને હું ચાહતો રહું તે છતાં,

શબ્દ પોતે તીર થાતા જાય છે !

(૭૮)

ઘોર છે અંધાર ને હું એકલો છું,

ખૂલતાં છે દ્વાર ને હું એકલો છું !

મન વચન ને કર્મથી અળગો થયો જ્યાં,

તેં કર્યો પડકાર ને હું એકલો છું !

હા ગમે છે ઊંચકીને ચાલવાનું

સ્વપ્નનો ભાર છે ને હું એકલો છું !

લો ફરીથી આજ પાછો હું વિવશ છું

સામે છે સંસાર ને હું એકલો છું !

એકસરખી છે કથા સૌની અહીંયા,

છે સમય ખૂંખાર ને હું એકલો છું !

બંફિકર થઈ ઘૂમવાનો બસ હવે હું,

ખુદનો છે આધાર ને હું એકલો છું !

સૌ ઊભા છે પોતપોતાની વ્યથા લઈ,

જીવ છે લાચાર ને હું એકલો છું !

થઈ ગયો છું સાવ ડામાડાળ આજે,

છે દિશાઓ ચાર ને હું એકલો છું ! !

એકલો છું એકલો છું એ જ છે બસ-

જિંદગીનો સાર ને હું એકલો છું !

(૯૫)

મૂળમાંથી ડાળમાં આવી ગયા

એ બરાબર લાગમાં આવી ગયા

એમ લાગે આ અમાસી રાતમાં

વાદળાઓ ચાંદને ચાવી ગયા

કમનસીબી આ નજરની એ જ છે

ઝાંઝવાઓ આંખ છલકાવી ગયા

ફૂલ જેવી લાગણીના માણસો

જોયું, તો એ કંટકો વાવી ગયા !

બે ઘડીનો સાથ દઈ ચાલ્યા ગયા

ભાગ્ય મારું એ જ બદલાવી ગયા

કોઈ કોઈનું નથી એવું બધું

કોણ, કોને, ક્યારે સમજાવી ગયા ?

(૯૬)

જ્યારે જ્યારે વાત તારી થાય છે

આંખ ભીની એકધારી થાય છે

તું ઉદાસી મોકલે છે પત્રમાં

ને અહીંયા હાડમારી થાય છે

તું નથી તો પાયમાલી હોય છે

હાથ ખાલી ને ઉધારી થાય છે

પર્વતોની આડમાં બેઠાં પછી

ધુમ્મસો વચ્ચેય બારી થાય છે

વૃક્ષની હત્યા થઈ છે એ તરફ

એક રસ્તો રાહદારી થાય છે

એમ દોડે છે પવન વરસાદમાં

જળ મહીં જળની પથારી થાય છે

એક દરિયો પી જવાની હોડમાં

આ નદીઓ રાજ ખારી થાય છે

ને પતંગિયાઓ મળે જ્યાં સ્મિતના

એક બે પીડા ફરારી થાય છે

યાદ લઈને જાઉં છું એકાંતમાં

તોય નિંદા રોજ મારી થાય છે

(૯૭)

આપવીતી સાંભળીને શું કરું ?

તારી સાથે ખળભળીને શું કરું ?

આપવાનું હોય એ આપ્યું નહીં

તો હવે પાછા વળીને શું કરું ?

પ્રશ્ન એનો એ જ કાયમ હોય છે

એષણાઓ સાંકળીને શું કરું ?

ના સમજ થઈ નામ વેચે છે બધે

એમને ત્યાં ટળવળીને શું કરું ?

જે સમયની આડ લઈને બોલતા

એ બધામાં હું ભળીને શું કરું ?

(૯૮)

અપેક્ષા કરી, તો કરી છે

હથેળી ધરી, તો ધરી છે

નથી પામવું, કંઈ કશુંયે

છલાંગો ભરી, તો ભરી છે !

***

બાકી કશું હોતું નથી

પંખી કદી રોતું નથી

મનમાં વસેલું રહે સદા

મન તો કશું ખોતું નથી !

***

નિતનવા અવઢવ રહે છે શું થશે ?

આંગણે પગરવ રહે છે શું થશે ?

સાવ ખાલી હાથ છે મારા અને

મન મહીં વૈભવ રહે છે શું થશે ? ?

(૯૯)

હું અડીખમ પર્વતોની શૂન્યતાને ઓળખું છું

આ નગરની લડખડાતી સભ્યતાને ઓળખું છું

હું કલાનો વારસો લઈને જવાને કાળ પાસે

બે ઘડીની સાવ જૂઠ્ઠી ધન્યતાને ઓળખું છું !

***

ત્યાં સવાલોના જવાબો મળે છે

ને હસોને, તો ગુલાબો મળે છે

જાઉં છું તો જાઉં છું એ તરફ બસ

વાંચવાને જ્યાં કિતાબો મળે છે

***

ક્યાંય પણ તારા વગર ફાવે નહીં

છે બધાંયે તું નજર આવે નહીં

એટલે તો ચીસ પાડી મૌન છું

શબ્દ પણ ધારી અસર લાવે નહીં

(૧૦૦)

એક દરિયો ખળભળે છે તું જરા આઘો ખસી જા

દોસ્ત ! કાં પાછો વળે છે ! તું જરા આઘો ખસી જા

ઠુકરાવી દીધી છે મેં કૈંકની જાહોજલાલી

કોઈના દીવા બળે છે તું જરા આઘો ખસી જા

***

સમયથી સવાયો થયો છે

બધાંથી પરાયો થયો છે

કહીએ શું માણસ વિશે તો

પળેપળ ભવાયો થયો છે !

***

આ સમયનું હાડપિંજર લઈ ઉભો છું

તું ખસી જા, હું ય ખંજર લઈ ઉભો છું

કયા જખમની વાત કરશું, બોલ પ્રિયે !

હું ઘણાંયે ઘાવ અંદર લઈ ઉભો છું !

૯૨

(૧૦૧)

અંદર અંદરથી એ અકળાયો છે

માણસને, માણસ ક્યાં સમજાયો છે ! !

ભૂલી ગયો છે મનથી મનનો મારગ

ને જગ આખામાં એ પથરાયો છે !

***

મારી ઈચ્છાના તને પરચા આપીશ

એક બે સપનાં તને સાચા આપીશ

તુંય ઓળંગી શકે મરજી મુજબ

બંધનો હું એટલા નીચા આપીશ

***

ને નજર આજે ઢળી છે

માનતા મારી ફળી છે !

આવ સઘળાં ભાન ભૂલી

આજ હોઠે વાંસળી છે !

૯૩

(૧૦૨)

સૂર લય ને તાલ જેવું હોય છે

સ્મિત એનું રૂમાલ જેવું હોય છે

રોજ ઉડે રંગ એની યાદના

બારણે ગુલાલ જેવું હોય છે

***

આ ચરણને હાંફતા રાખી શકે

તું અધુરી વારતા રાખી શકે

તું જ મારી આંખ સામે ઊઘડે

ને પછી પણ દૂરતા રાખી શકે !