નિષ્ટિ
૧૧ ઓવર ટુ મુંબઈ
પાર્ટી પતાવીને નિશીથ એના મમ્મી પપ્પાને લઈને ઘેર આવ્યો. ઘરે પહોચતાં સુધી કારમાં પાર્ટીની જ વાતો ચાલી. રાત્રે મોડે સુધી નિશીથને ઊંઘ આવી નહિ.. કાલે તો રાત્રે એણે મુંબઈ જવા માટે નીકળવાનું હતું. મુંબઈ ગયા પછી ત્યાં સેટ થવા માટે કંઈ તકલીફ તો નહિ પડે ને... પોતાનું કામકાજ કઈ રીતે ચાલુ કરવું.. વગેરે વિચારોમાં એ પડખાં ફેરવતો ક્યાર ઊંઘી ગયો એ જ એને ખબર ના પડી.
બીજા દિવસે સવારે મુંબઈ લઇ જવા માટે બેગ પેક કર્યા પછી જ એ ઓફિસે ગયો જેથી સાંજે આવવામાં મોડું થાય તોય કંઈ વાંધો ના આવે. આજે ઓફીસમાં ખાસ તો કંઈ કામ નહોતું. દિવસભર ઓફિસનું કામ રાબેતા મુજબ કાર્યાન્વિત રહ્યું પણ આજે બધા જ સ્ટાફ મેમ્બર્સની વાતો અને તેમના વિચારોનો ફોકલ પોઈન્ટ નિશીથ હતો... અને હા... ગઈ કાલની શાનદાર પાર્ટીનાં હેંગ ઓવરમાં થી પણ બધા બહાર નહોતા આવી શક્યા. અને શ્રોફ સાહેબની કેપ્ટનશીપમાં રાજેશે જે ગુગલી નાખીને નિશીથને પાર્ટીની યજમાનીના ફિલ્ડમાં જે રીતે આબાદ બોલ્ડ કર્યો હતો એ વાત તો બધા માટે આશ્ચર્યજનક હતી.... નિશીથને કામ અંગે આજે કોઈ જવાબદારી નહોતી બનતી છતાંય પૂરી ખંતથી એ કામમાં ડૂબેલો રહ્યો. અને આમને આમ સાંજે સાડા પાંચ સુધી ચાલુ રહ્યું. અને પછી અચાનક બધા એક પછી એક આવીને નિશીથને ગુલદસ્તા અને શુભેચ્છાઓથી નવાજિત કરતા રહ્યા... નિશીથ હવે અત્યંત ભાવુક બની ગયો. સાડા છ વાગી ગયા હતા.. હવે ઓફિસમાં થોડા જ લોકો બચ્યા હતા... શ્રોફ સાહેબે નિશીથને એમની કેબીનમાં બોલાવ્યો.
નિશીથે સૌપ્રથમ શ્રોફસાહેબના ચરણ સ્પર્શ કર્યા અને પછી એમની બાજુમાં ઊભો રહ્યો..
‘ઓલ ધ બેસ્ટ.. નિશીથ.... આશા રાખું કે હવે તને મનગમતી જોબ મળી છે તો અહી કરતાં અનેકગણો સફળ થાય. ઓલ ઓફ અસ વિલ મીસ યુ અ લોટ..’
‘થેંક યુ સર... અને સ્પેશિયલી ફોર યસ્ટરડે’ઝ ફેન્ટાસ્ટિક પાર્ટી. મારા મમ્મી પપ્પાએ ખાસ કહેવડાવ્યું છે તમારો આભાર માનવા માટે. રીયલી.... વોઝ એન અનબિલીવેબલ ટ્રીટ. મને જિંદગીભર યાદ રહેશે સર.’
‘અરે આભાર માનવો હોય તો રાજેશનો માન... એની મદદ વગર હું કશું ય કરી શક્યો ના હોત.’
‘હા.... મને ખ્યાલ આવ્યો...’
‘ઓકે નિશીથ.. ઓલ ધ બેસ્ટ અગેઇન..’
નીશિથ શ્રોફસાહેબને બે હાથ જોડી આંખમાં આંસુ સાથે એમની કેબીનની બહાર નીકળી ગયો.
હવે રાજેશનો વારો હતો... રાજેશ.... નિશીથનો ખાસ દોસ્ત...નિશીથની રજેરજથી માહિતગાર... નિશીથ એને ભેટીને રડી પડ્યો પણ રાજેશ હજુ હસતો હતો..
નિશીથે એણે મુક્કો મારીને કહ્યું.. ‘એટલે મારા જવાથી તું ખુબ ખુશ છે એમને?’
‘હા ખુશ તો હોઉં જ ને... તમારી પ્રગતિ માટે મને ખુશી ના હોય એવું બને?’
‘અરે એમ નહી!!’
‘એમ નહિ તો કેમ?’
‘કઈ નહિ... જા તું તારે અહીંથી...’
‘અરે એમ ક્યાં જઈશ... મેં માસીને કહી દીધું છે કે મારા માટે ખાવાનું બનાવે. અને બંદા તમને મૂકવા સ્ટેશન સુધી આવશે’
‘હં... તો ઠીક. એ વધુ સારું રહેશે. તો પછી આપણે મારી કાર લઈને સ્ટેશને જઈશું અને તું અમને વળાવ્યા પછી કાર લઈને પાછો આવી જજે’
‘ભાઇ.... એટલા માટે તો ગોઠવ્યું છે’
નિશીથને આ વાત બહુ ગમી. એનો કઝીન ભૂષણ અમેરિકા ગયો ત્યારથી ઘરના કામોમાં એને જે તકલીફ પડતી હતી અને એ મુજબ જ આજ માટેનો પ્રોગ્રામ બનાવ્યો હતો પણ રાજેશની વાતે એને ઘણી રાહત આપી.
પછી ઓફિસમાં હાજર લોકોની વિદાય લઈને નિશીથ અને રાજેશ પોત પોતાની બાઈક લઈને ઘરે જવા રવાના થઇ ગયા. ઘેર ગયા પછી હાથ-મ્હોં ધોઈ બંને જણા ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠા. થોડી વાર ગપ્પા માર્યા પછી નિશીથે ચેક કરી લીધું કે બધી વસ્તુઓ બરાબર પેક થઇ ગઈ છે કે નહિ. સ્ટેશને જવા માટે નીકળવા હજુ દોઢેક કલાકની વાર હતી. નિશીથ માટે આજે એનું ભાવતું ભોજન ભાજીપાઉં પીરસાઈ ગયું. નિશીથના કાકા કાકી એટલે કે ભૂષણના મમ્મી પપ્પાને પણ નિશીથના ઘેર જમવાનું હતું. તેઓ પણ નિશીથના પ્રોગ્રેસથી ઘણા ખુશ જણાતા હતા.
નિશીથે ભાજી પાઉં બરાબરનું ઝાપટ્યુ... હવે એને ખબર નહોતી કે ફરી ક્યારે ઘરનું ખાવાનું મળશે. રાજેશને પણ નિશીથની મમ્મીના હાથે બનેલ ભાજી પાઉં બહુ સ્વાદિષ્ટ લાગ્યું.. હવે બધાએ જમી લીધા પછી રેલ્વે સ્ટેશને જવાનો સમય થઇ ગયો હતો.
ઘરેથી નીકળ્યા ત્યારે ટ્રેન ઉપાડવામાં એક કલાકનો સમય બાકી હતો અને નિશીથના ઘેરથી રેલ્વે સ્ટેશન પહોચવામાં વીસેક મીનીટનો સમય લાગતો હતો એટલે ટેન્શનનું કોઈ કારણ નહોતું. સામાન ડેકીમાં મુકીને બધા કારમાં ગોઠવાયા, રાજેશ ડ્રાયવર સીટ પર બિરાજિત થયો. માંડ અડધે રસ્તે પહોચ્યા અને જોયું તો ટ્રાફિક જામ....
‘ઓહ..... ટેરિફિક ટ...રા..ફી..ક’ રાજેશ ઉવાચ..
‘હવે શું કરીશું?’ નિશીથના પપ્પા બોલ્યા...
‘ટ્રેન ચૂકી તો નહિ જવાય ને?’ નિશીથની મમ્મી ચિંતાગ્રસ્ત..
‘હજી ટ્રેન ઉપડવાને ઘણી વાર છે. ચિંતાનું કોઈ કારણ નથી’ નિશીથ શાંત ચિત્તે બોલ્યો.
‘જોઈએ ત્યારે...’ રાજેશ..
દસ પંદર મિનીટ થઇ ગઈ પણ ટ્રાફિક ઓછો થવાનું નામ નહોતો લેતો. ટ્રાફિક હવે ખરેખર ચિંતાનું કારણ બનતો જતો હતો... હવે પ્લાન B અમલમાં મૂકવાનો સમય આવી છોક્યો હતો. નિશીથે કહ્યું...
‘રાજેશ તું મમ્મીને લઈને ટ્રાફિક હળવો થાય એટલે અહીંથી જ પરત થઇ જજો. હું અને પપ્પા અહી જ ઉતરી જઈને ચાર રસ્તાની પેલી બાજુથી રીક્ષા પકડી લઈએ છીએ.’ આટલું બોલીને નિશીથ કારની નીચે ઉતારવાની તૈયારી કરતો જ હતો ને જોયું તો હવે વાહનો પસાર થવા લાગ્યા હતા.
‘હાશ.....’ કહીને નિશીથ પાછો સીટ પર ગોઠવાયો. ટ્રાફિક જામ હળવો થતાંની સાથે વાહનોમાં જાણે જોમ આવ્યું. કાર હવે સડસડાટ દોડવા લાગી. સ્ટેશને પહોચ્યા ત્યારે ટ્રેન ઉપાડવામાં પંદર મિનીટની વાર હતી અને ટ્રેન સાત નંબરના પ્લેટફોર્મ પરથી ઉપડતી હતી એટલે નિશીથને લાગ્યું કે મમ્મી અને રાજેશ માટે પ્લેટફોર્મ સુધી આવવાનો કોઈ અર્થ નથી.
‘રાજેશ હવે સમય ઓછો હોવાથી તમારે અંદર આવવાની જરૂર નથી. અમે અહીંથી જતા રહીશું.’
‘ઓ કે મોટાભાઈ.. તમે કહો એમ..’ કહી રાજેશે કાર એક બાજુ ઉભી કરી.. નીચે ઉતરીને ડેકીમાંથી સમાન ઉતારવામાં મદદ કરી. એ દરમ્યાન નિશીથે એની મમ્મીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. રાજેશ નિશીથને ભેટીને રોઈ પડ્યો...
બંને ભાઈબંધો છુટા પડ્યા અને નિશીથે સામાન સહિત સ્ટેશનની અંદર ડગ માંડ્યા. નિશીથ અને એના પપ્પાએ હવે એમના નિર્ધારિત થ્રી ટીયર એ સી કોચમાં પ્રવેશ કરી લીધો હતો. બંનેએ પોતાની સીટ પર સ્થાન જમાવ્યું. ટ્રેન હવે ઉપડી ચૂકી હતી. ટ્રેન માંડ મણીનગર પહોચવા થઇ હશે ત્યાં સામેની સીટ પર બેઠેલી એક સુંદર છોકરીએ નિશીથને પૂછ્યું.’
‘એક્સ્ક્યુસ મી..... આર યુ સિંગલ?’
નિશીથ તો આવા અચાનક સવાલથી થોથવાઈ ગયો. એને ખબર નહોતી પડતી કે શું જવાબ આપવો. એ મનોમન વિચારી રહ્યો હતો કે આવું કઈ રીતે બની શકે કે કોઈ છોકરી એક છોકરાને આમ જ સીધું પ્રોપોઝ કરે? અને એ પણ કોઈ જાતની ઓળખાણ વગર?
‘તમને કંઇ વાંધો હોય તો.... નો પ્રોબ્લેમ’ નિશીથને પ્રત્યુત્તર આપવામાં વાર લાગતાં છોકરી બોલી...
‘હ્અ્અ્અ્અ્અ્અઅઅઅઆઆઆઆ......... હ્અ્અ્અ્અ્અ્અઅઅઅઆઆઆઆ... બટ’
‘અમે બંને સાથે છીએ.... પણ બોલને બેટા શું પ્રોબ્લેમ છે?’ નિશીથના પપ્પાને ગાડી આડા પાટે જઈ રહેલી જણાતાં તેમણે વચ્ચે જંપલાવ્યું.
‘ઓહ એમ વાત છે? તો પછી કંઇ વાંધો નહિ.... ઈટઝ ઓ કે.. અંકલ’
‘ના કંઇ વાંધો નહીં બેટા.. બોલ... શું તકલીફ હતી?’
નિશીથને હવે એહસાસ થયો કે આખું કોળું શાકમાં ગયું છે એટલે એ છોભીલો પડી ગયો.. એ એના પપ્પા જોડે નજર નહોતો મિલાવી શકતો.
‘કંઇ નહિ અંકલ.. મારી જોડે મારા પાપા છે. જેમની સીટ બાજુના કમપાર્ટમેન્ટમાં છે. એમને હાર્ટની તકલીફ છે એટલે જો તમને વાંધો ના હોય તો સીટ એક્સચેન્જ કરવી હતી..’
‘કંઇ વાંધો નહિ બેટા..... મારો પુત્ર નિશીથ બાજુના કમપાર્ટમેન્ટમાં જતો રહેશે. જા તારા પપ્પાને બોલાવી લાવ અહીં. અરે એક કામ કર... આ નિશીથને પણ લેતી જા...’
નિશીથની જે હાલત હતી.. એ એના પપ્પા કે પેલી છોકરી કોઈનો પણ સામનો કરવા માનસિક રીતે તૈયાર નહોતો..... એને લાગ્યું ચાલો સારું થયું...
‘સ્સ્સ્સસસસોરી.... રીયલી વેરી સોરી’ નિશીથ હજુ થોથવાતો હતો.
‘ઈટઝ ઓકે... હોતા હૈ... હોતા હૈ...’
સીટ એક્સ્ચેન્જ થઇ ચૂકી હતી... નિશીથના મોબાઈલ સ્ક્રીન પર સિન્હા સાહેબનો SMS ઝબકયો.
‘Contact Mob.No. 9455xxxx09 on reaching Borivali.’
નિશીથ અને એના પપ્પાએ જ્યાં સુધી બીજી સગવડ ના થાય ત્યાં સુધી દહિસરમાં રહેતાં નિશીથના ફોઈના ત્યાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખી હતી અને એ મુજબ એમને ફોન પર જણાવી પણ દીધું હતું. બોરીવલી પહોચીને ફોન કરવાની વાતથી નિશીથને એ વાતની રાહત થઇ કે એટ લીસ્ટ ટ્રેનમાંથી ઉતરીને સવારના પહોરમાં રીક્ષાવાળાને નહિ ગોતવો પડે.
“Thanks a lot, sir’ નિશીથે સિંહ સાહેબને ઉત્તર વાળ્યો..
હવે રાત પણ ઝાઝી થઇ ચૂકી હતી... પેસેન્જર્સ હવે પોત પોતાની સીટ પર લંબાવી ચૂક્યા હતા... સવાર પડી..... ટ્રેન મુંબઈમાં પ્રવેશી ચૂકી હતી. નિશીથ એના પપ્પા હતા એ કમપાર્ટમેન્ટમાં પહોંચી ગયો. એના પપ્પા પણ જાગી ગયા હતા. નિશીથે સિન્હા સાહેબના મેસેજ અંગે વાત કરી. ટ્રેને દહીસર વટાવ્યું એટલે નિશીથે સિન્હા સાહેબે આપેલા નંબર પર વાત કરી લીધી. સામે છેડે સિન્હા સાહેબનો ડ્રાયવર હતો જે ઓલરેડી બોરીવલી સ્ટેશને પહોચી ચૂક્યો હતો. બોરીવલી સ્ટેશને પહોચી ટ્રેન તેના નિર્ધારિત પ્લેટફોર્મ પર ઉભી રહી.
ટ્રેનમાંથી સામાન સહિત નીચે ઊતર્યા પછી નિશીથે ફરી ડ્રાયવરનો નંબર જોડ્યો. નસીબજોગે તરત જ ડ્રાયવરનો ભેટો થઇ ગયો. બધા થોડી મિનિટોમાં સ્ટેશનની બહાર પહોચી ગયા... સમયના આધારે જોઈએ તો અમદાવાદની સરખામણીમાં વધુ ચહલ પહલ જણાતી હતી.
‘સાહબ, આપ યહાં ખડે રહીએ મેં ગાડી લેકે આતા હૂં’ કહી ડ્રાયવર કાર લેવા માટે ગયો...
‘સીન્ગલભાઈ, આપણે ડ્રાયવર આવે ત્યાં સુધી તારી ફોઈને ફોન ઉપર જણાવી દઈએ કે હવે થોડીવારમાં આપણે એના ઘેર પહોચી જઈશું’ કહી નિશીથના પપ્પાએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો.
‘બરાબર છે’ નિશીથે મૂંઝવણ સાથે જવાબ વાળ્યો.
પણ ગુણવંતભાઇ ફોન જોડે એ પહેલાં ડ્રાયવર કાર લઈને આવી પહોચ્યો.
‘ચલિયે બેઠીએ સા’બ’
સામાન ડેકીમાં મૂકીને બંને કારમાં ગોઠવાયા.
‘ભાઇ સા’બ... કાંદિવલી ઈસ્ટ લે ચલો... બાદમેં બતાતા હૂં એડ્રેસ’ ગુણવંતભાઈએ સીટ પર ગોઠવાતાં ડ્રાયવરને જણાવ્યું..
‘નહી સા’બ.. આપ કો સિન્હા સા’બ ને કુછ બતાયા નહિ હૈ ક્યા? મુઝે તો ઉન્હોને આપ કો બોરીવલી વેસ્ટ મેં જો ખાલી ફ્લેટ પડા હૈ વહાં છોડને કે લિયે બોલા હૈ..’
‘નિશીથ, તારે આવી કંઇ વાત થઇ છે સિન્હા સાહેબ સાથે?’
‘ના પપ્પા, મારે તો ફ્લેટ અંગે કોઈ વાત નથી થઇ”
‘તો પછી પૂછી જો એમને ફોન કરીને.. ક્યાંય લોચો નાં વાગે’
‘ઓ કે પપ્પા.. હમણાં જ ફોન કરીને પૂછી લઉં છું.’ કહીને નિશીથે મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો અને જોયું તો સિન્હા સાહેબનો SMS રીસીવ થયેલ હતો.
‘A fully furnished flat is waiting for u. don’t argue with driver.’ નિશીથે મેસેજ વાંચ્યા પછી ફોન એના પપ્પા આગળ ધર્યો. મેસેજ વાંચ્યા પછી ગુણવંતભાઇ પણ આશ્વસ્ત થયા. બંનેએ એક સાથે ડ્રાયવરને કહ્યું... ‘ઓ કે .. લે લો ફ્લેટ પે...’
ગુણવંતભાઈએ એમની બેન જોડે વાત કરી લીધી કે તેઓ અત્યારે એમના ઘેર નથી આવતા.. સાંજે આવશે અને એ વખતે માંડીને બધી વાત કરશે.... ‘
થોડીવારમાં કાર બોરવલી વેસ્ટમાં આલિશાન એપાર્ટમેન્ટ આગળ જઈને ઊભી રહી. ત્રણે જણા સામાન સાથે લીફ્ટમાં ગોઠવાયા. દશ માળના ફ્લેટમાં લીફ્ટ પાંચમા માળે જઈને ઊભી રહી. ફ્લેટ પર પહોચીને જોયું તો નિશીથ અવાક થઇ ગયો. શું જબરદસ્ત ફ્લેટ હતો..... આમ તો ત્રણ BHKનો ફ્લેટ હતો પણ બે બેડ રૂમ્સ લોક રાખેલા હતા.. નિશીથ એકલો જ હોવાથી એના માટે ૧ BHK પર્યાપ્ત હતો. નિશીથ નાહી ધોઈને તૈયાર થયો એટલામાં ડ્રાયવર એમના માટે ગરમા ગરમ ઈડલી સંભાર લઇ આવ્યો. તેણે નિશીથને કહ્યું, ‘આપ કે લિયે ટીફીન કા ઇન્તજામ ભી કર દિયા ગયા હૈ. હર રોજ આપ કો ટીફીન કી હોમ ડીલીવરી મિલ જાયેગી. આજ હમ દોનો તો અભી થોડી દેર મેં નિકાલ જાયેંગે પર બાબુજી કે લિયે બારહ બજે તક ટીફીન આ જાયેગા’
નિશીથે ચા નાસ્તો પતાવીને એના પપ્પા જોડે મસલત કરી લીધી કે એ આવતી કાલે એમને ઓફિસે લઇ જશે.. આજે રાતભરની મુસાફરીના લીધે એ આરામ કરે એ જ હિતાવહ રહેશે. નિશીથ હવે ઓફિસે જવા માટે તૈયાર હતો. ડાર્ક બ્લેક ટ્રાઉઝર અને આછા લીલા રંગના શર્ટમાં આજે એ અત્યંત સોહામણો લાગતો હતો. નીકળતા પહેલાં એણે ચરણ સ્પર્શ કરીને એના પપ્પાના આશીર્વાદ લીધા.
‘ખૂબ ખૂબ સફળ થાઓ બેટા’ કહી ગુણવંતભાઈએ નિશીથને આશીર્વાદ આપ્યા. નિશીથની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યની આત્મવિશ્વાસી ખુમારી હતી તો એના પપ્પાની આંખોમાં ખુશાલીની ચરમસીમા સમી સ્નિગ્ધતા....
કાર હવે ઓફીસે જવા માટે નીકળી ચૂકી હતી. પણ માંડ દોઢેક કિલોમીટર આગળ ગયા હશે ને ડ્રાયવરે કાર ઊભી કરી દીધી.........
ક્રમશ:...