Bhikhma Shikh in Gujarati Short Stories by Vipul Rathod books and stories PDF | ભીખમાં શીખ !

Featured Books
Categories
Share

ભીખમાં શીખ !

ભીખમાં શીખ !

-વિપુલ રાઠોડ

જ્વેલરીનો શોરૂમ ધરાવતાં દિલસુખ શેઠ અત્યંત ધામિર્ક અને શ્રદ્ધાળુ. પોતાના ધંધે જતાં પહેલા રોજ સવારે તેમની દિનચર્યા ઘરમાં ભક્તિમય માહોલમાં પૂજાઅર્ચનાથી થાય. પ્રાત:કિ્રયાઓ શરૂ કરવાં સાથે જ તેમની મ્યુઝીક સીસ્ટમમાં ભક્તિમય સંગીતની સૂરાવલીઓ રેલાવા લાગતી. વહેલી સવારની ટાઢકમાં હૂંફાળી સુગંધ ફેલાવતી અગરબત્તી સાથે મોટા અવાજે મંત્રોચ્ચાર અને પ્રાર્થના કર્યા પછી તેઓ સીધા જ શહેરનાં મધ્યભાગે આવેલા એક ઐતિહાસિક મંદિરમાં દર્શને જતાં. આ મંદિરે દર્શન કરવાનો સિલસિલો જાણે તેમને વારસામાં મળેલો. તેમના પિતા પણ ધંધાની પેઢીએ જતા પહેલા આ મંદિરે અચુક દર્શન કરતાં. તેમના પિતાને પગલે દિલસુખ શેઠે પણ આ નિત્યક્રમ અપનાવ્યો. જો કે આ ક્રમમાં તેમને ક્યારે એ મંદિરમાં અપાર શ્રદ્ધાનો સંચાર થઈ ગયો તેનો તેને ખ્યાલ ન હતો. તેમને એવી ભાવના ઘર કરી ગઈ હતી કે આ મંદિરમાં તેમની દરેક મનોકામનાઓ ફળે છે અને પોતે આજે જે કંઈપણ છે એ આ મંદિરમાંથી મળતાં આશિર્વાદ થકી જ છે.

તેઓ ભાગ્યે જ આ મંદિરમાં દર્શન કર્યા સીવાય પોતાનો કોઈ દિવસ શરૂ કરતાં. અનાયાસે આવું કરવું પડ્યું હોય તો આખો દિવસ તેમને બેચેની રહેતી. કાળક્રમે આ મંદિરમાં ભાવિકોનો ધસારો વધતો જતો હતો. શેઠની જેમ જ અનેકાનેક લોકોને અહીં સવારે દર્શનાર્થે આવી પહોંચતા અને હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે કોઈપણ વ્યક્તિ અડધો કલાકનો સમય લઈને ન આવે તો સંતોષકારક દર્શન કરી શકે નહીં. જો કે શેઠને આ સમય ફાળવવામાં કોઈ વાંધો ન હતો. કારણ કે તેમની વરસો જૂની આબરુદાર પેઢીને હવે ખાસ ધ્યાન આપવા પણું ન હતું. માટે શેઠ મોડા પહોંચે તો પણ ધંધો તેની રીતે ચાલ્યા જ રાખતો.

જો કે શેઠને આ મંદિરમાં કોઈ બાબત અકળાવતી હોય તો એ માત્ર બહાર લાંબી કતારોમાં બેઠેલા ભિક્ષુકો હતાં. મંદિરમાં અઢળક દાન આપતાં શેઠ આ લોકોને ક્યારેય એક ફદિયાનું પણ દાન આપતાં નહીં. કારણ કે તેઓ પરિશ્રમનાં દ્રઢાગ્રહી છે. તેમનું માનવું હતું કે આ મંદિરમાં અને બહાર થતી ગંદકી આ લોકોનાં પ્રતાપે જ છે. વહેલી સવારે પ્રભુનાં દર્શન કરવાં આવનારા ભાવિકોને ફરજિયાતપણે આ લોકોનાં ગંદા મુખારવિંદ જોયા પછી જ અંદર પ્રવેશ મળે તે શેઠને વક્રતા લાગતી. વળી મંદિરમાં દિવસે-દિવસે વધતી ભીડ અને ઉપરથી રસ્તામાં વચ્ચે બેઠેલા આ ભિક્ષુકો દર્શનાર્થીઓની મુશ્કેલી વધારતા હોવાનું પણ તેમને લાગતું.

મોટા દાતા હોવાનાં કારણે મંદિરનાં સંચાલકોમાં પણ શેઠનો પ્રભાવ ખુબ સારો. તેમણે એકથી વધુ વખત રજૂઆતો પણ કરેલી કે આ ભિક્ષુકોને હટાવવા માટે કોઈ રસ્તો સંચાલકોએ કરવો જોઈએ. જો કે આમાં હજી સુધી તેમની કોઈ સફળતા મળી નહોતી. કારણ કે ભીખારીઓ માટેનો તેમનો અણગમો હવે સંચાલકો માટે નવી વાત નહોતી રહી. એ લોકો શેઠની આ વાત સાંભળી-ન સાંભળી કરી નાખતા. ચારેકોરથી માગ-માગ કરતાં લોકો વચ્ચેથી અકળામણ સાથે પસાર થતાં શેઠ અવાર-નવાર એ લોકોને આઘા ખસવાની ગુસ્સાભરી લવારી પણ કરતાં અને મંદિરમાં પ્રવેશતાં. અમુક ટીખળખોર ભીખારીઓ તો હવે ઈરાદાપુર્વક શેઠનો દિમાગ ફેરવવા માટે જ તેમની પાસે ભીખ માગતાં.

એક દિવસ તો ભીખુ નામના એક માગવાવાળાએ ટિખળની હદ કરી નાખી. ક્યારેક તો કઁઈક આપો શેઠ... બોલતો બોલતો તે શેઠનો સફેદ ઝભ્ભો ઝાલીને છેક મંદિર સુધી પહોંચી ગયો. શેઠ દર્શન કરીને બહાર આવ્યા પછી પણ તેણે કેડો મુક્યો નહીં. જાણે બીજા કોઈ પાસે કશું માગવાનું જ ન હોય એમ તેનાં નિશાનમાં માત્ર દિલસુખ શેઠ જ હતાં. શેઠ બહાર આવ્યા કે તરત જ ભીખો ફરીથી તેમના રસ્તામાં આડો પડ્યો અને એકધારી માગણી ચાલુ રાખી. પોતાની સવાર બગડતા શેઠનો પીતો ગયો અને બે-ચાર વાર ભીખાએ તેમને અડકી-અડકીને ભારપુર્વક માગણી કરતા શેઠ આગબબૂલા બની ગયા હતાં. બેકાબૂ બનીને તેણે ભીખાને એક જોરદાર તમાચો ચોડી દીધો. આખા મંદિરની ભીડમાં જાણે સન્નાટો પ્રસરી ગયો. શેઠે ભીખાનાં ફાટેલા શર્ટનો કોલર ઝાલીને મંદિરનાં કાર્યાલય ખેંચી ગયા અને અંદર જઈને સંચાલકો સમક્ષ ગુસ્સાભેર ફરિયાદોનો અસ્ખલિત ધોધ વહાવ્યો. જો કે સંચાલકોએ શેઠને બેસાડીને ચા-પાણી કરાવી મામલો શાંતિથી રફેદફે થાય તેવા પ્રયાસો કર્યા. પણ ભાન ભૂલેલા શેઠે ભીખા ઉપર ગાળોનો ધોધ વરસાવતા ન બોલવાનાં શબ્દો કહ્યાં. સ્વમાન ફક્ત શેઠને જ થોડું હોય ! અત્યાર સુધી મુંગા મોઢે માર અને ગાળો ખાઈ ચુકેલો ભીખાની જીભ આખરે બોલવા માટે સળવળી.

ભીખાએ સંચાલકોની હાજરીમાં જાણે પ્રતિજ્ઞા લેતો હોય તેમ લલકાર કર્યો કે આજ પછી આ મંદિરનાં આંગણે દિલસુખ શેઠ પાસે ભીખ માગે એ બે બાપનો. ભીખો આ હુંકાર કરીને છાતી ફુલાવીને ત્યાંથી રવાના થયો અને પછી બીજા લોકોએ શેઠને માંડમાંડ શાંત પાડીને ધંધે રવાના કર્યા.

આ દિવસ પછી ભીખા સહિતનાં કોઈ જ ભીખારીઓ મંદિરનાં આંગણે શેઠને વતાવતા નહીં. શેઠ શાંતિથી મંદિરમાં દર્શન કરી આવતાં અને પોતાના ધંધે રવાના થતાં પણ કોઈ જ માગણ તેમની સામે પણ જોતો નહીં. જો કે શેઠને આ શાંતિ મળવા સાથે બીજી એક સમસ્યા પીડવા લાગી. ભીખો મંદિરનાં આંગણે તો શેઠ સામું ય જોતો નહીં પણ દિવસ દરમિયાન તે કમસેકમ બેથી ત્રણવાર દિલસુખ શેઠનાં જ્વેલરી શોરૂમ ઉપર પહોંચી જતો અને ન મળવાની હોવા છતાં ભીખ માગતો.

પહેલા બેચાર દિવસમાં તો શેઠે ભીખાને ભારે ઉગ્રતાથી ખધેડી મુકેલો અને વધુ માર મારવાની ધમકીઓ પણ દીધી હતી. જો કે ભીખાએ તેમની ધમકીઓને કાને ધર્યા વિના જ પોતાનો ક્રમ ચાલુ રાખ્યો. દિવસો હવે અઠવાડિયાઓમાં બદલાઈ ગયા. ભીખાએ પોતાના ક્રમમાં ક્યારેય ચૂક કરી નહીં. હવે તો ભીખો આવીને કશું માગે નહીં તો પણ શેઠનો મગજ જ્વાળામુખીની જેમ ફાટતો. જો કે મોટાભાગે ભીખો આવે ત્યારે શોરૂમમાં ગ્રાહકો હોવાના કારણે આબુર ધ્યાને રાખીને તેઓ ભીખાને ગણકારતા નહીં અથવા તો પોતાના કોઈ માણસને સુચના આપી દેતા કે આને દૂર કરો દુકાનેથી.

જો કે એક સવાર ભીખા માટે ભારે ઉગી. ગઈકાલે સાંજે ભીખાએ શોરૂમ ઉપર આવીને હદ કરી નાખી હતી. ગ્રાહકો સામે શેઠને ઉતારી પાડતા કહ્યું હતું કે 'આ શેઠ છે કે ભીખારી? ક્યારેક તો કાગડો રામ બોલે !' શેઠ એ વખતે તો ગમ ખાઈ ગયેલા પણ આજની સવારે પોતાના પૂજાપાઠ પણ કર્યા વગર શેઠ સીધા મંદિરે ધસી ગયા હતાં. ભીખારીઓની હરોળમાં અંગારા ઓકતી એમની આંખ ભીખાને શોધતી હતી. અચાનક તેમનુ ધ્યાન ભીખા ઉપર પડી ગયું. તેમણે સીધી દોટ જ મૂકી અને નીચે બેઠેલા ભીખાને કાંઠલો ઝાલી ઉભો કર્યો. 'સાલ્લા... હરામી...' બોલીને તેમણે ભીખાને મારવા માટે હાથ ઉગામ્યો ત્યાં તો ભીખાએ પણ આજે પ્રતિકાર કર્યો. શેઠનો હાથ એક હાથે રોક્યો અને મોટેથી શેઠને 'ભીખારી...' કહીને એક મુક્કો ઝડી દીધો. હેબતાઈ ગયેલા હવે તો શેઠ ગુસ્સાથી કંપી ગયા. એ ભીખા ઉપર તૂટી પડ્યા કે તરત જ આસપાસનાં લોકોએ એમને અટકાવ્યા અને ભીખાને પણ છૂટો પાડ્યો. શેઠને ઘણા લોકોએ પકડી રાખેલા પણ ભીખાને મારવા દોડી જવા તાકાત લગાડતા શેઠ બૂમો પાડતા હતાં કે 'આ ભીખારીની ઓલાદ મારા ધંધા ઉપર આવીને રોજ મને ભીખારી કહે છે. સાલા આજે તો તને છોડીશ નહીં.'

ભીખો પણ આજે નમતું ઝોખે એમ નહોતો પણ એણે પોતાને રોકનારા લોકો સામે જોર ઓછું કર્યુ અને સ્વસ્થતા દેખાડી. એટલે અન્ય લોકોએ તેને છુટ્ટો મુક્યો. એ શાંતિથી શેઠની નજીક આવ્યો અને કહ્યું 'હું તો જન્મે અને કર્મે ભીખારી છું જ. પણ તારા અને મારામાં કંઈ ફર્ક નથી. હું તારી પાસે ભીખ માગું છું અને તું મંદિરમાં અંદર જઈને માગેશ. તારી દુકાને હું થોડા દિવસો માગવા આવ્યો એમાં તો તું એટલો ઉશ્કેરાઈ ગયો કે ખાસ મને મારવા માટે દોડી આવ્યો. આ મંદિરે તો તું કેટલા વરસોથી માગવા આવેશ. વિચાર કર ઉપરવાળા દાતાનો કોપ કેવો હશે તારા ઉપર? અહીં મંદિરે અમે તારી પાસે માગીએ પણ એ તું અહીથી પસાર થા અને અમારા ધ્યાને આવ તો જ. અમે તારી પાસે તારા ઘરે માગવા નથી આવતાં. અને તું તો આ મંદિરમાં રોજ આવીને ઉભો રહેશ, જેવી રીતે હું તારી દુકાને થોડા દિવસ આવ્યો. તને ભીખ આપવી કે નહીં એ ભગવાન નક્કી કરે છે પણ તને મારવા તો નથી જ દોડતા, તારુ અપમાન તો નથી જ કરતાં. હવે આટલામાં તને કંઈ સમજ પડે તો મારા તરફથી તને ભીખમાં શીખ માની લે...જા'

દિલસુખ શેઠનું માથું ક્ષોભથી ઝૂકી ગયું. ગુસ્સો શાંત થયો. ભીખાએ આજે શેઠને ભીખમાં મોટી શીખ આપી દીધી !!

........................................