અંજામ – ૧૬
( આગળ આપણે જોયુઃ- ચીતરંજન ભાઇ વીજય સાથે સંમત તો થયા હતા કે તે વીજયને હોસ્પિટલમાંથી બહાર કાઢશે પરંતુ એ બાબતે તેઓ ભારે દુવીધા પણ અનુભવી રહયા હતા-----મોન્ટી અને રીતુ જે જગ્યા એ બંધ હતા ત્યાં અચાનક કોઇ આવી ચડે છે----અને માધોસીહ ઇન્સ.ગેહલોત સમક્ષ પોતાના ગુનાની કબુલાત કરવી શરૂ કરે છે....હવે આગળ વાંચો...)
“ સાહેબ... રૂપીયાની લત બહુ બુરી હોય છે. જ્યારે એ તમારી પાસે નથી હોતા ત્યારે તમને તેની ખરી કિંમત સમજાતી નથી પરંતુ એક વખત રૂપીયા આવવા લાગે પછી જાણે તમે એના ગુલામ બની જાઓ છો. થોડી દોલતથી તમને સંતોષ થતો નથી. હજુ વધારે, હજુ વધારેના ચક્કરમાં અજાણતા જ તમે એક એવા વમળમાં ફસાઇ જાવ છો કે જેમાંથી બહાર નીકળવાની તમે ખુદ અસમર્થતા અનુભવો છો. દારૂ, જુગાર, ડ્રગ્સ કરતા કયાંય વધુ ભયાનક આ રૂપીયાની લત છે... મારી સાથે પણ એમ જ થયુ. રઘુએ મને તેની સાથે જોડાવાની ઓફર કરી અને હું તેની સાથે કામ કરવા રાજી થયો... મારા જીવનમાં એ ક્ષણે જ પરીવર્તન આવવાનુ શરૂ થયુ. અચાનક મળતા થયેલા મબલખ રૂપીયાએ મારા અંદરની દોલતની ભૂખને જાણે દીવાસળી ચાંપી. હું વધુને વધુ ઉંડો ઉતરતો ગયો...” માધોસીંહે કહયુ.
“ તમારી મોડસ ઓપરેન્ડીસ શું હતી...? મતલબ તમે કામ કેવી રીતે કરતા હતા...?” ગેહલોતે પુછયું. તે મુળ વાત જાણવા માંગતો હતો. માધોસીંહની ફીલોસોફીમાં તેને કોઇ રસ નહોતો.
“ અને સુંદરવન હવેલીમાં શું થયુ હતુ....? શા-માટે તે સામેથી પોલીસને ફોન કર્યો...?”
“ હું રઘુને દરરોજ નવી-નવી જગ્યાઓ બતાવતો જ્યાં કોઇ આવતુ ન હોય... રઘુ અને તેના માણસો એ જગ્યાએ તેમનો માલ સંતાડતા. મારુ કામ ફક્ત એટલુ જ રહેતુ. એ સીવાય બીજુ કાઇ કામ રઘુ મને સોંપતો નહી. તેમ છતાં ધીમે-ધીમે ઘણા ટૂંકા સમયમાં મેં ઘણુ બધુ જોયુ, સમજ્યુ હતુ. રઘુનુ કામ બહુ સફાઇથી ચાલતુ... તેની પાસે ઘણા માણસો હતા અને એ તમામ માણસો વચ્ચે અલગ-અલગ કામ વહેંચાયેલા હતા. કયા માણસને કયુ કામ સોંપાયુ છે એ બીજો માણસ કયારેય જાણતો નહી... પરંતુ મને બધી ખબર પડતી હતી. મેં મારી આંખ અને કાન ખુલ્લા રાખ્યા હતા અને મોં બંધ...”
“ તું વાતને લંબાવ નહી માધોસીંહ. સીધેસીધુ કહે કે આખરે આ મામલો છે શું...? ગેહલોત આખરે અકળાતા બોલ્યો.
“ મેં તમને પહેલા જ કહયુ સાહેબ કે જો તમે વિસ્તારથી સાંભળશો તો જ તમે મારી પરિસ્થિતિ સમજી શકશો... પણ ખેર, જો તમે ઇચ્છતા હો કે હું ટુંકાણમાં કહુ તો એમ કરુ...”
“ એ જ ઠીક રહેશે... જલ્દી બોલ...”
“ રઘુ મોટાભાગે ગાંજો અને ચરસની હેરાફેરી કરતો. એ માલ તેની પાસે આવ્યા બાદ તરત ડીલીવર થતો નહી એટલે તેને એક કે બે દિવસ કયાંક સલામત રીતે સંતાડી રાખવો પડતો. એ માલ તે દરેક વખતે એક જ જગ્યાએ સંતાડે તો પકડાઇ જવાની બીક રહેતી એટલે દર વખતે તે નવી-નવી જગ્યાઓ શોધતો રહેતો. એ જગ્યાઓ હું તેને શોધી આપતો હતો. કારણ કે આ આબુ પર્વતની ઇંચે-ઇંચ જમીનની જાણકારી મારી પાસે હતી. હું દર વખતે તેને નવી દિશા, નવી જગ્યા ચીંધતો જ્યાં તે તનો માલ છુપાવી શકે. એ માલ જેટલા દિવસ એ જગ્યાએ સંતાડેલો રહે એટલા દિવસ હું મારા ઘેટા-બકરા એ જગ્યાની આસ-પાસ ચરાવતો જેથી મારુ ધ્યાન સતત ત્યાં રહે... રઘુ એ કામના મને પુષ્કળ રૂપીયા આપતો... મારા આનંદની કોઇ સીમા નહોતી. હું રૂપીયાની લાલચમાં લપેટાયો હતો અને વધુ ઝનુનથી મારુ કામ હું કરવા લાગ્યો... મેં કહયુને સાહેબ કે હું મારા આંખ-કાન ખુલ્લા રાખતો... બસ, એટલે જ મને રઘુના નેટવર્કની જાણકારી મળી... તે ચરસ, ગાંજા ઉપરાંત હશીશ, હેરોઇન, કોકેન, એલ.ડી.એચ. જેવી નશાકારક ચીજો ભારતભરમાંથી ઉપરાંત નેપાળ અને પાકિસ્તાન બોર્ડરથી મંગાવતો અને દેશના જુદા-જુદા સ્થળે સપ્લાઇ કરતો. એક કંપનીમાં ચાલતુ હોય એટલી સફાઇથી તેનું નેટવર્ક ચાલતુ હતુ... રઘુ જેવા તો કેટલાય માણસો આમાં સંકળાયેલા હતા... આ રઘુ રાજસ્થાનનું નેટવર્ક સંભાળતો અને બખુબીથી સંભાળતો. તેમાં હું તો માત્ર નાનું એવું એક પ્યાદુ હતો..”
“ સુંદરવન હવેલીમાં શું થયુ હતુ...?” ગેહલોતે પ્રશ્ન દોહરાવ્યો.
“ એ જ કહુ છુ સાહેબ...” માઘોસીંહ શૂન્યમાં તાકતો એકધારુ બોલ્યે જતો હતો. તે જાણે પોતાની સાથે એકલો વાતો કરતો હતો.
“ એક મહિનામાં તો મેં રઘુનો વિશ્વાસ જીતી લીધો હતો. એકદમ સરળતાથી અમારુ કામ ચાલી નીકળ્યુ હતુ. હવે હું તેમના નેટવર્કની એક કડી બની ચુકયો હતો... મારા ચીંધેલા તમામ સ્થળોએ રઘુનો માલ એકદમ સલામત રહયો હતો. એક દિવસ તે મારી પાસે આવ્યો અને મને કહયુ કે એક બહુ મોટુ કન્સાયમેન્ટ આવવાનું છે જેના માટે તેને આબુ શહેરની સાવ નજદીક હોય એવી જગ્યાની તલાશ છે. એવુ ઠેકાણુ કે જ્યાંથી સરળતાથી માલની હેર-ફેર થઇ શકે... માત્ર એક જ દિવસ એ કન્સાયમેન્ટ સાચવવાનું હતુ. અને પછી આગળ મોકલી દેવાનું હતું...”
“ શું છે એમાં રઘુ...?” મેં રઘુને પુછયુ હતુ. આ એક સ્વાભાવિક સવાલ હતો અને રઘુને મારા ઉપર ભરોસો હતો એટલે તેણે મને જણાવ્યુ.
“ આ વખતે બહુ મોટુ કન્સાયમેન્ટ આવ્યુ છે. એમ સમજને કે અબજો રૂપીયાનો માલ છે...” રઘુ બોલ્યો.
“ અબજો રૂપીયાનો માલ...?” મારી આંખો પહોળી થઇ.
“ પણ છે શું...?” મેં પુછયું.
“ દશ મોટી સુટકેસ ભરાય એટલુ હેરોઇન છે... થોડા હથીયારો છે અને દવા છે...” રઘુ બોલ્યો.હથીયારો અને દવાનુ નામ સાંભળીને હું ચોંકયો હતો કારણ કે આ પહેલા કયારેય તેની પાસે હથીયારો કે દવાઓ આવી નહોતી. તે મોટાભાગે ગાંજા અને ચરસની જ હેરાફરી કરતો.
“ દવા... એ શું વળી...?”
“ એ તને નહી સમજાય માધો...”
“ તો સમજાય એવુ કહે...”
“ આ એક નવા પ્રકારની દવા છે... નવું સંશોધન છે. આ દવાનું બજારમાં વિતરણ સૌ પ્રથમ આપણે જ કરવાનું છે. મતલબ એમ સમજ કે આ નવી દવાનું લોન્ચીંગ આ રઘુ કરવાનો છે. જો આમાં સક્સેસ થયા તો રૂપીયાના ઝાડ ઉગશે... તું અને હું, આપણે બધા ઝન્નતમાં “સેર” કરીશું”
“ એવુ તો શું છે એ દવામાં...?” મેં સંશયથી પુછયુ.
“ વધુ તો મને ખબર નથી પરંતુ આ દવાનું પ્રીસ્કીપશન ખુદ ડોકટરો કરશે અને દવા ખુલ્લેઆમ મેડીકલ સ્ટોર કે સામાન્ય જનરલ સ્ટોરમાં મળશે...અરે, ટીવી અને રેડીયો ઉપર તેની બા-કાયદા જાહેરાત પણ આવશે. “ રઘુ બોલ્યો હતો.
“ એવુ કેમ શક્ય બને રઘુ....? નશાકારક ચીજો એમ ખુલ્લે આમ થોડી વેચી શકાય....? “ મને આશ્ચર્ય થયુ હતુ.
“ વેચી શકાય માધો....વેચી શકાય. આ આપણો ભારત દેશ છે. અહી જે વિચારીએ તે કરી પણ શકાય. અહી બધુ શક્ય છે..” તે કંઇક અજબ આત્મવિશ્વાસથી બોલ્યો હતો. અને તેની એ વાતમાં તથ્ય પણ હતુ.
“ પણ એ દવામાં એવુ તો છે શું....?”
“ તે એક પ્રકારની નશાકારક ડ્રગ્સ જ છે પરંતુ આપણે તેને સામાન્ય શરદી ખાંસીની દવા તરીકે બજારમાં વેચવાની છે. જે પણ વ્યક્તિ એકવાર આ દવા લેશે પછી તેને આની આદત પડી જાશે એટલે તે કાયમ દવા લેતો થશે.”
“ અરે પણ પોલીસ આની તપાસ નહી કરે...? અને ડોકટરો કંઇ એમ ને એમ થોડા આ દવા લખી આપશે...?” મેં પુછયુ હતુ. મને હજુ કંઇ સમજાતુ નહોતુ.
“ એ બધુ થશે માધો....તુ એ પંચાત છોડ અને એવુ ઠેકાણુ બતાવ કે જ્યાં કમ-સે-કમ બે દિવસ પુરતો આ માલ સંતાડી શકાય. અને એ સ્થળ નખી લેકની આસપાસ ક્યાંક હોય તો વધુ સરળતા રહેશે...” રઘુએ કહ્યું. હું વિચારમાં પડયો.
“ રઘુ...એક જગ્યા છે.” સાવ અચાનક જ મારા મનમાં ઝબકારો થયો.
“ તો કહેતો કેમ નથી...? બોલ કઇ જગ્યા છે..?”
“ સુંદરવન....” હું બોલ્યો.
“ સુંદરવન....?” રઘુ હેરતથી બોલ્યો. “ તુ સુંદરવન હવેલીની વાત કરે છે માધોસીહ...? પણ ત્યાતો કંઇક કામ ચાલે છે ને...? રીનોવેશનનું...? એ જગ્યા આપણા શું કામની...? ત્યા તો ઘણા બધા માણસો આવતા-જતા હશે. એવી જાહેર જગ્યાએ આપણું કંન્સાઇમેન્ટ થોડુ સંતાડાય...?”
“ સુંદરવન હવેલીમાં અત્યારે કોઇ આવતુ-જતુ નથી રઘુ. હવેલી હમણાં સાવ ખાલી પડી છે. અને હજુ થોડા દિવસો ત્યાં કોઇ આવે એવા સંજોગો નથી.” મેં રઘુને જણાવ્યુ.
“ કેમ વળી...? હવેલી ખાલી કેમ થઇ...? હજુ હમણા સુધી તો ત્યાં કામ ચાલુ હતુ ને....? “
“ કામ ચાલુ હતુ પણ હવે નથી. અને ફરીવખત કામ ચાલુ થાય તે પહેલા તો આપણે આપણો માલ ત્યાંથી ખસેડી લેશું..”
“ પણ એવુ તે શું થયુ કે કામ બંધ થયુ...?”
“ અરે રઘુ....કઇ દુનીયામાં જીવે છે તું...? સુંદરવન હવેલી વાળો કિસ્સો તો જગ-જાહેર છે. તુ આબુના નાના છોકરાને પુછીશ તો પણ કહેશે અને તને નથી ખબર..?”
“ હવે સીધી રીતે કહેને કે વાત છે શું...?”
“ રઘુ...હજુ હમણા થોડા દિઁ પહેલા એ સુંદરવન હવેલી ઉપર મધમાખીઓએ જબરદસ્ત હુમલો કર્યો હતો. એમાં ત્યાં કામ કરતા કારીગરો એ મધમાખીઓની ઝપટમાં આવી ગયા. ત્રણ કે ચાર માણસો તો બહુ બુરી રીતે ઘાયલ થયા છે. બાકી ના માણસો ત્યાંથી ભાગી ગયા છે. મે મારી સગ્ગી આંખે એ દ્રશ્ય જોયુ હતુ...”
“ શું વાત કરે છે મોધો....?” રઘુએ આશ્ચર્ય ઉછાળ્યુ હતુ. તેને આ વાતની ખરેખર ખબર નહોતી.
“ હાં....મધમાખીઓનો હુમલો થયો ત્યારે હુ હવેલીના ઢોળાવમાં બકરા ચરાવી રહ્યો હતો....તને શું કહુ રઘુ..? મધમાખીઓનો એ હુમલો બહુ જોરદાર અને ખૌફનાક હતો. તું વિચારતો કર, એક સાથે હજ્જારો-લાખ્ખો કાળી ભમ્મર ભમ્મરીયા મધમાખીઓના ઝુંડ ના ઝુંડ જ્યારે આંધા-ધુંધ ચો-મેર ઉડતા હોય અને જે તેની ઝપટમા આવે તેની ઉપર ભયંકર રીતે હુમલો કરતી હોય ત્યારે શું હાલત થાય...? બસ, એવુ જ કંઇક તે દિવસે બન્યુ હતુ....એ ઘટના વિશે વીચારીને આજે પણ મારા રૂંઆટા ખડા થઇ જાય છે...”
“ અચ્છા... પણ એ ઘટના સાથે આપણે શું લેવા-દેવા...?
“ અરે રઘુ... તે દિવસથી એ હવેલી ખાલી પડી છે અને મારુ માનવુ છે કે હજુ થોડા દિવસ ત્યાં કોઇ આવશે નહી... આપણા સામાન એટલા દિવસ પુરતો આરામથી ત્યાં સચવાઇ રહેશે...” મેં રઘુને રસ્તો બતાવ્યો હતો.
“ હંમ્મ્.... તો એમ વાત છે... પરંતુ એ ઘટનાની કોઇ ફરીયાદ નથી થઇ...?” થોડા સંશયથી રઘુએ પુછયુ.
“ હવે એની શું ફરીયાદ થાય...? એ એક કુદરતી ઘટના હતી. જંગલમાં તો મધમાખી અને એવુ ઘણુબધુ હોય. આ વાત પોલીસ પણ જાણતી હોય એટલે કદાચ કોઇ આવી ફરીયાદ લઇને પોલીસ સ્ટેશને જાય તો પણ પોલીસવાળા માત્ર જાણવાજોગ નોંધ કરીને તેનું ફીંડલુ વાળી નાંખે... સુંદરવન હવેલીમાં તો એ પણ નથી થયુ. તેની કોઇ ફરીયાદ નથી લખાવાય. અને મને પાક્કી ખાતરી છે કે હમણા બે-ચાર દિવસ ત્યાં કોઇ ફરકશે પણ નહી...”
“ ઓ.કે.... તું કહે છે એટલે હું માની લઉ છુ નહિતર આવી જાહેર જગ્યાએ જ્યાં લોકોની અવર-જવર થતી હોય ત્યાં આપણો માલ મુકાય નહી.”
“ હું એ કયાં નથી જાણતો રઘુ... પરંતુ મેં જે કહયુ છે એ પણ સાચુ છે.તું બેફીકર રહે...” મેં રઘુને સમજાવ્યુ હતુ. તે આખરે સુંદરવન હવેલીમાં માલ સંતાડવા રાજી થયો હતો. માધોસીંહ ભુતકાળમાંથી વર્તમાનમાં પાછો ફર્યો.
“ સાહેબ... એ મારા જીવનની મોટામાં મોટી ભુલ હતી. મારે રઘુને એ ઠેકાણુ ચીંધવા જેવુ નહોતુ. પરંતુ તેને શહેર નજીકની કોઇ એકાંત જગ્યાની તલાશ હતી અને મને પણ સુંદરવન હવેલી સીવાઇ બીજુ કંઇ ધ્યાનમાં આવતુ નહોતુ એટલે અમે જે કન્સાયમેન્ટ આવ્યુ એ બધો માલ સુંદરવન હવેલીના ભોંયરામાં સંતાડયો. આ કામ જે દિવસે મધમાખીઓએ હવેલી ઉપર હલ્લો કર્યો હતો તે દિવસે રાત્રે જ કર્યુ હતુ...”
“ ધેટ મીન્સ કે એ માલની એ જુવાનીયાઓને ખબર પડી ગઇ એટલે તમે એના ખુન કર્યા...?” ગેહલોતના મનમાં માધોની વાત સાંભળીને કડીઓ જોડાઇ હતી એટલે તે બોલી ઉઠયો.
“ ના... ના... સાહેબ... એવુ બીલકુલ નથી. મેં કે રઘુએ એ ખુન નથી કર્યા. અમને તો એ ખુન કેવી રીતે થયા અને એ છોકરાઓ સુંદરવનમાં કેવી રીતે આવી ચડયા એની પણ જાણ નથી. જો મને ખબર હોત કે કોઇક ત્યાં આવવાનુ છે તો મેં કયારેય રઘુને સુંદરવન માં માલ સંતાડવાનું કહયુ નહોત...”
“ તો પછી એ છોકરાઓના ખુન કોણે કર્યા...? તમે જ કર્યા હોવા જોઇએ કારણકે ખુન કરવા માટે સૌથી સબળ કારણ તમારી પાસે હતુ. હવે સીધી રીતે એ પણ જણાવી દે કે એ ખુન કેવી રીતે કર્યા...? નહિતર મારી પાસે બીજા રસ્તા પણ છે.” ગેહલોતે કરડાકીથી કહયુ. ઘણા દિવસોથી તેના મનમાં જે સવાલો રમતા હતા તેના જવાબો માધોની વાતથી મળી રહયા હતા... તે સમજી જ નહોતો શકતો કે આમ સાવ અચાનક સુંદરવન હવેલીમાં ખૂના-મરકી કેવી રીતે મચી હશે...? આ સવાલે તેની દિવસ- રાતની ઉંઘ હરામ કરી નાંખી હતી પરંતુ અત્યારે માધોસીંહે જે બયાન આપ્યુ તેમાં તેને રોશની થઇ હતી. જાણે આ સમગ્ર કેસ ઉકલી ગયો હોય એવી રાહત તેના દિલમાં ઉદભવી. હવે ખૂની હાથવેંત તેનાથી દુર હતા... અહી ખૂન કેસ સીવાય પણ તેના હાથમાં બીજી સફળતા એ લાગી હતી કે રઘુ વર્ષોથી જે ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો એની જાણકારી સાવ અનાયાસે જ તેના હાથ લાગી હતી...
હવે રઘુ કે માધો, બે માંથી એકપણ તેના હાથમાંથી છટકી નહી શકે એની ગેહલોતને ખાતરી થતી જતી હતી. માધોસીંહના જણાવ્યા પ્રમાણે સુંદરવન હવેલીમાં તેમણે અબજો રૂપીયાનું ડ્રગ્સ અને હથીયારો સંતાડયા હતા. આ માહિતી વિસ્ફોટ સર્જવાની હતી... આખા રાજસ્થાનને ખળભળાવી મુકે એવા સગડ તેના હાથે ચડયા હતા. કારણ કે ડ્રગ્સ અને હથીયારોનો એ ઝઝીરો એમ ને એમ તો અહી આબુ સુધી પહોંચ્યો ન હોય એ સ્પષ્ટ વાત હતી. આમાં ઘણા મોટા હાથીઓ પણ સંડોવાયા હશે જ... તો જ આટલી મોટી માત્રામાં ગેરકાનૂની સામાનની હેરફેર શક્ય બને... ગેહલોત માટે તો આ બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ હતો. તે હવે માધો કે રઘુ ઉપર સહેજ પણ રહેમ રાખવાના મુડમાં નહોતો.
“ હવે ફટાફટ એ પણ કહી દે કે તમે લોકોએ એ છોકરાઓના ખુન કેવી રીતે કર્યા...? અને તેમાંથી હજુ એક છોકરો મોન્ટી અને એક છોકરી રીતુ મીસીંગ છે એને તમે ક્યાં સંતાડયા છે...? બોલ હરામખોર નહીતર તારી ખેર નથી...” અચાનક ગેહલોતના તેવર બદલ્યા હતા.
“ સાહેબ... હું જે જાણતો હતો એ બધુ જ તમને કહી દીધુ. મેં રજ માત્ર કંઇ પણ છુપાવ્યુ નથી. ડ્રગ્સકાંડમાં હું સંડોવાયેલો છુ એ હું કબુલ કરુ છુ પણ આ ખુન મેં નથી કર્યા. ભગવાનના સોંગધ સાહેબ... એ ખુન વીશે મને કાઇ જ નથી ખબર. અને તમે જ વિચારો સાહેબ, કે આટલી કબુલાત પછી હું જો એ ખૂન વીશે જાણતો હોવ તો એ સ્વીકારવામાં મને શું વાંધો હોય...? આમપણ હું હવે અહીથી છુટવાનો નથી તેની મને પુરી ખાતરી છે. જો મેં ખૂન કર્યા હોત તો જરૂર કબુલ્યુ હોત... પણ એમાં મારો કોઇ હાથ નથી સાહેબ...” કરગરતા અવાજે માધોસીંહ બોલ્યો. તેની આંખોમાં પાણી ઉભરાઇ આવ્યુ હતુ. તે જાણે હારી-થાકી ગયો હોય એમ તેનો ઘરડો દેહ સંકોચાઇ ગયો હતો... ગેહલોતને તેને જોઇને ગુસ્સો આવતો હતો અને સાથોસાથ દયા પણ ઉપજતી હતી. પરંતુ અત્યારે દયા દેખાડવાનો સમય નહોતો. માંડ-માંડ આ કેસની ગુથ્થીઓ સુલઝી રહી હતી... તેણે ભવાની સામે જોઇને ઇશારો કર્યો... ભવાની એ ઇશારો સમજ્યો અને તેણે સોટી રમ- રમાવી... લોક-અપ માધોની ચીખોથી ગુંજી ઉઠયુ.. લાગ-લગાટ અડધી કલાક સુધી એ સીલસીલો ચાલ્યો. ત્યાં સુધી ગેહલોતનાં પ્રશ્નો અને માધોસીંહ ની ચીખો ગુંજતી રહી.
આખરે ભવાની પુરોહીત થોભ્યો. માધોસીંહ માર ખાઇ-ખાઇને બેવડ વળી ગયો હતો તેમ છતાં તેણે કબુલ્યુ નહી કે એ છોકરાઓના ખૂન તેમણે કર્યા છે. તે લગભગ જડતાની હદ સુધી પહોંચી ગયો હતો. તેણે એક જ રટણ રટયે રાખ્યુ હતુ કે ડ્રગ્સ તેણે સંતાડયા છે પરંતુ ખુન તેણે નથી કર્યા. આનાથી વધારે તે કંઇ બોલતો નહોતો. જાણે આ વાક્ય ઉપર તેની જીભ અટકી ગઇ હતી. ગેહલોતનો પિત્તો ફાટીને આસમાને પહોંચ્યો હતો પરંતુ આથી વધારે તે કશું કરી શકે તેમ નહોતો. રખેને માધોસીંહ લોક-અપમાં મરી જાય કે વધુ પડતો ઘવાય તો તેનો જવાબ તેણે જ આપવો પડે...
જો કે છેલ્લે સરવાળે વાત તો ત્યાં જ આવીને ઉભી રહી ગઇ હતી કે એ કોલેજીયન છોકરાઓનાં ખૂન કોણે કર્યા...? અને કયા ઇરાદાથી કર્યા...? સુંદરવન હવેલીનાં માલીક શ્યામલાલ અગ્રવાલનો દિકરો મોન્ટી અને તેની ફ્રેન્ડ રીતુ આખરે છે ક્યાં...? શું આ મામલામાં તેઓનો કોઇ હાથ હતો કે પછી તેઓ ખુદ આ ઘટનાનો શીકાર બન્યા હતા...?
ગેહલોત પ્રશ્નોના ઘેરામાં ગુંચવાઇ ગયો હતો.. આખરે તેણે એક નિર્ણય લીધો. સૌથી પહેલા રઘુ અને માધોએ હવેલીમાં સંતાડેલા ડ્રગ્સ અને હથીયાર જપ્ત કરવા... અને ત્યારબાદ ફરીથી સમગ્ર મામલાની નવેસરથી જાંચ કરવી.
મન મક્કમ કરીને તે માધોને ત્યાં જ રહેવા દઇ લોક-અપમાંથી બહાર નીકળ્યો... બરાબર એ જ વખતે તેના ટેબલ ઉપર પડેલા ફોનની રીંગ વાગી... તે નજદીક ગયો અને ફોન ઉઠાવી કાને મુકયો.
“ હેલ્લો... નખીલેક પોલીસ સ્ટેશન...” તેણે ફોનમાં કહયુ.
“ હેલ્લો... સાહેબ...” સામેના છેડે વીજયની દેખરેખ માટે રાખવામાં આવેલો કોન્સ્ટેબલ હતો. તેનો અવાજ ધ્રુજતો હતો.
“ શું છે વીરજી...?” ગેહલોતે પુછયુ.
“ સાહેબ... પેલો... પેલો... કેદી.... વીજય તેના રૂમમાં નથી...” તેણે ગભરાહટ ભર્યા અવાજે કહયુ.
“ વોટ...?” ગેહલોત ઉછળી પડયો.
(ક્રમશઃ)
પ્રવીણ પીઠડીયા
વોટ્સએપઃ-૯૦૯૯૨૭૮૨૭૮
ફેસબુકઃ-Praveen Pithadiya.