કુરબાનીની કથાઓ
ઝવેરચંદ મેઘાણી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.પૂજારિણી
૨.શ્રેષ્ઠ ભિક્ષા
૩.ફૂલનું મૂલ
૪.સાચો બ્રાહ્મણ
૫.અભિસાર
પુજારિણી
અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે ‘‘હે દેવ ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.’’
‘‘એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ ?’’ બુધ્ધે હસીને પૂછ્યું.
‘‘એક જ ધતિંગ, પ્રભુ ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.’’
રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઊઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઊઠશે, એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.
રોજ સાંજ પડે ત્યારે મહારાજનાં મહારાણી અને રાજબાળાઓ સ્નાન કરે, શુધ્ધ વસ્ત્રો પહેરે, છાપડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલોની માળા રાત્રિભર મહેકી રહે, અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોઢ સુધી ઝળહળી રહે.
સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ. વર્ષો વિત્યાં. બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના બે ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવી, ને પિતાનો ધર્મ ઉખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બોધ્ધ ધર્મના શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે ‘‘ખબરદાર ! પૂજાનાં ત્રણ જ પાત્રો છે, વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કોયની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.’’
નગરીનાં નરનારીઓ કમ્પી ઊઠ્યાં, બુધ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો, યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉંખાઉં કરતી આકાશમાં ચડવા લાગી.
સાદ પડ્યો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી. ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી, એના હોઠ ઉપર બુધ્ધદેવના નામચ્ચાર રમતા હતા.
એવી તે નારી કોણ છે ? કાં એને ભય નથી ? એણે શું રાજ-આજ્ઞા નથી જાણી ?
શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તૂપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી હાથમાં ઉપાડી પૂજારીઓના સાથે જતી, જઈને આઘે એક ખૂણામાં ઊભી રહેતી, કાંઈ આવડે તો નહિ, પણ આંખો મીંચીને ઊભીઊભી રોજ એ કાંઈક બબડ્યા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાં સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીમાની હસ્યા કરતી.
રાજ-આજ્ઞા એણે સાંભળી હતી.
ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી, બોલી કે ‘‘બા ! પૂજાનો સમય થયો.’’
મહારાણીનું શરીર થથરી ઊઠ્યું. ભયભીત બનીને એ બોલ્યાં. ‘‘નાદાન ! નથી જાણતી ? સ્તૂપ ઉપર ધૂપદીપ કરનારાંને કાં તો શૂળી મળશે, કાં તો કાળું પાણી મળશે. ભાગી જા ગોલી ! પૂજાનું નામ હવે લેતી ના !’’
શ્રીમતી પાછી વળીને રાજરાણી અમતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં, ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.
શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં, હાથ હલી જવાથી એનો સેંથો વાંકોચૂંકો થઈ ગયો.
શ્રીમતી કહે, ‘‘રાણીજી ! પૂજાનો સમય થયો.’’
રાણી બોલ્યાં : ‘‘સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું ? જલદી ચાલી જા અહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે. મૂરખી ! પૂજાના દિવસો તો ગયા.’’
આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુક્લા એકલાં પડ્યાં પડ્યાં કવિતાનું પુસ્તક વાંચવામાં મગ્ન હતાં. ઝાંઝરનો ઝણકાર સાંભળી બારણા સામે જુએ - ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી !
‘‘કુંવરીબા ! ચાલો પૂજા કરવા.’’ ‘‘જા એકલી તું મરવા !’’
•
નગરને બારણેબારણે શ્રીમતી રખડી, એણે પોકાર કર્યો કે ‘‘હે નગરનારીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવો ? રાજાજીની શું આટલી બધી બીક ? પ્રાણ શું આટલા બધા વહાલા ?’’
કોઈએ બારણાં ભીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઊભુંઊભું જાણે કોઈ કહેતું : ‘‘સમય જાય છે, પુત્રી
શ્રીમતી ! પૂજાનો સમય જાય છે.’’ શ્રીમતીનું મોં પ્રકાશી ઊઠ્યું, એ ચાલી. દિવસની છેલ્લી પ્રભા અંધારામાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન
અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરેધીરે બંધ પડ્યો. રાજાજીના
દેવાલયમાંથી આરતીનાં ડંકા સંભળાયા. રાત પડી. શરદનાં અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઊઠ્યા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે ‘‘કચેરી બરખાસ્ત !’’
એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઊઠ્યા ? એમણે શું જોયું ? ચોર ? ખૂની ? કે કોઈ ભૂતપ્રેત ?
ના, ના ! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુધ્ધદેવના સ્તૂપની ચોપાસ કોઈક દીપમાળા પ્રગટાવી રહ્યું છે.
ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોતા આવ્યા. સ્તૂપ પાસે જઈ જુએ છે, તો એક સ્ત્રી સ્તૂપની સામે ઘૂંટણ પર બેઠી છે, એની બિડાયેલી આંખો અને કાંઈક બબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરુણી ?
નગરપાલે આવીને એ ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું, સવાલ કર્યો કે ‘‘મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી ! કોણ છે તું ?’’
‘‘હું શ્રીમતી : બુધ્ધ ભગવાનની દાસી.’’
ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તૂપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.
શરદ ઋતુની એ નિર્મળ રાત્રીએ, રાજબાગના ખૂણાની અંદર એકાકી ઊભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો, પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.
શ્રેષ્ઠ ભિક્ષા
‘‘શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ ! જાગો છો કોઈ ? આંખો ઉઘાડશો ? બુદ્ધ પ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું. ભિક્ષા આપશો ?’’
આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગનઅડતી અટારીઓ ઉપર પરોઢિયાની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોનાં
પ્રભાતગાન હજુ નથી મંડાયાં. સૂર્ય ઊગશે કે નહિ ઊગે, એવાં સંદેહથી કોયલ હજુ ધીરું ધીરું જ ટહુકી રહી છે.
એ કોણ છે ? આવા વખતે, આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં નગરીના માર્ગેમાર્ગે અને શેરીએ શેરીએ એ કોણ ટેલી રહ્યું છે ? મેઘગર્જના સમાન એ કોનું ગળું ગુંજે છે ?
એ તો શ્રી બુદ્ધપ્રભુનો શિષ્યઃ ભિખ્ખુ અનાથપિંડદ.
સૂતેલાં સ્ત્રી-પુરુષો એ સૂર સાંભળી સળવળ્યાં, સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો. ભિખ્ખુએ ફરી પોકાર્યુંઃ ‘‘સુણો, ઓ લોકસંઘ ! વર્ષાની વાદળીઓ પોતાના દેહપ્રાણ ગાળીગાળીને જગતમાં જળ આપે છે. ત્યાગધર્મ એ જ સકળ ધર્મનો સાર છે. ઓ ભાવિક જીવો !’’
કૈલાસના શિખર પરથી દૂરદૂર સંભળાવતી, ભૈરવોના મહાસંગીત સમી એ ભિખ્ખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલાં લોકોને કાનેકાને ગુંજવા લાગી.
સૂતેલાં સ્ત્રી-પુરુષો બેઠાં થયાં. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદૌલતઃ ગૃહસ્થો ભાવે છે, કે મિથ્યા છે આ આળપંપાળઃ ને કોમળ દિલની રાણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડાં પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે, કે ઓહ ! આ અમનચમન આખરે તો કેવાં છે ! ગઈ રાતે પહેરેલી ફૂલમાળાનાં પ્રભાતે છુંદાયેલાં સુકાયેલાં ફૂલો જેવાં જ ને !
ઊંચીઊંચી અટારીઓનાં દ્વાર ઊઘડ્યાં. આંખો ચોળીને સહુ અંધારા પંથ ઉપર કૌતુકથી નિહાળી રહ્યાંઃ સૂના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી ઝોળી ફેરવતો, ‘જાગો ! ભિક્ષા આપો !’ એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે.
ઓહો ! આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડીઃ એ ઘડી કોણ અભાગી ભૂલે ?
રમણીઓએ મુઠ્ઠીઓ ભરીભરી રત્નો વેર્યાંઃ કોઈએ કંઠનાં આભૂષણો તોડીતોડી ફેંક્યાં, તો કોઈએ વેણીનાં મોતી ચૂંટી ચૂંટી ધરી દીધાં, લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો.
પરંતુ ભિખ્ખુનો પોકાર તો ચાલુ જ રહ્યોઃ ‘‘ગૌતમ પ્રભુ માટે ભિક્ષા આપો !’’ તે ચાલ્યો. આભૂષણો અને લક્ષ્મીનાં પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું.
ઓ અજબ ભિખ્ખુ ! તને શાની ભૂખ રહી છે ? તારે શું જોઈએ છે ? પ્રભુની શી ઈચ્છા છે ?
‘‘નગરીનાં ઓ નરનારીઓ ! તમારો પ્રભુ મણિમુક્તાનો ભૂખ્યો ન હોય, તમારો પ્રભુ સુંદર વસ્ત્રાભૂષણો ન વાંચ્છે. ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે, એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે.’’
ચકિત બનેલાં નરનારીઓ નિઃશ્વાસ નાખતાં નિહાળી રહ્યાં. બુદ્ધ પ્રભુનો ભિખ્ખુ ખાલી ઝોળી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુ-પક્ષીઓને, વૃક્ષને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યોઃ ગૌતમ પ્રભુને માટે ભિક્ષા આપો !
ધોમ મધ્યાહ્ન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું ? કોણે ઉત્તર આપ્યો ? ત્યાં જુઓ - એક કંગાળ સ્ત્રી ભોંય પર સૂતી છે. એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણી, એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલીઃ ‘‘હે ભિક્ષુ ! ઊભા રહેજો. એ દેવના પણ દેવને આ રંગ નારીની આટલી ભેટ ધરજો.’’
એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ, અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર હાથ બહાર કાઢ્યો. એ હાથમાં શું હતું ! તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો.
ફાટેલું વસ્ત્ર એણે ભિખ્ખુની ઝોળીમાં ફગાવ્યું.
‘‘જય હો ! જગત આખાનો જય હો ! મહાભિખ્ખુનું હ્ય્દય આજે ધરાવાનું. આજે ગૌતમી અવતાર સફળ થયો. જય હો, ઓ જગજનની !’’
જૂના ને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી, બુદ્ધ દેવના ખોળામાં ધરાવવા માટે ભિખ્ખુ ચાલ્યો ગયો.
ફૂલનું મૂલ
શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈને ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઊભાં હતાં.
પણ પેલું સરોવર કોનું ? એ સરોવર વચ્ચોવચ એક કમળ ઊઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાં યે ન ખીલે.
સુદાસ આનંદથી છલકાઈ ઊઠ્યો. એના મનમાં થયું કે ‘રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ. ફૂલોના શોખીન રાજાજી એજે અકાળે આ કમળ જોઈને મને મોંમાગ્યાં મૂલ આપશે.’
વાયુનો એક હિલોળો વાયો, કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હીંચકો ખાધો, માથા ઉપરથી એક કોયલ ટહુકતી ગઈ, માળીએ માન્યું કે મંગળ શુકન થયાં.
સહસ્ત્ર પાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઊભો છે, રાજાજીએ સમાચાર કહેવરાવ્યા છે. હમણાં જ રાજા બોલાવશે. મૂલનો લોભી સુદાસ એ ફૂલને શી શી જતના કરી રહ્યો હતો ! એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિન્દુ પણ સુદાસે ન પડવા દીધું.
એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતોજોતો એ પુરુષ પાસે આવ્યો, સુદાસને પૂછ્યું, ‘‘ફૂલ વેચવાનું છે ?’’
‘‘રાજાજીને ધરવાનું છે.’’ સુદાસે ટૂંકો ઉત્તર દીધો.
‘‘મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યા છે. બોલો, શું દામ લેશો ?’’
‘‘પણ હું એક માષા (સોનું તોળવાનું એક પ્પ્રાચીન કલાનું માપ) સુવર્ણની આશા કરીને નીકળ્યો છું.’’
‘‘કબૂલ છે.’’
ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુંમકુમચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજિત પગે ચાલતા બુદ્ધદેવનાં દર્શને ઊપડ્યા છે. નગરની બહાર પ્રભુ ગૌતમ પધાર્યા છે.
કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની ઊણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યુંઃ ‘‘ફૂલનું શું મૂલ લઈશ, સુદાસ ?’’
સુદાસ કહે : ‘‘મહારાજ ! ફૂલ તો આ સજ્જને રાખી લીધું.’’ ‘‘કેટલી કિંમતે ?’’
‘‘એક માષા સુવર્ણ.’’
‘‘હું દસ માષા દઉં.’’
રાજાજીને માથું નમાવીને પેલો પુરુષ બોલ્યો : ‘‘સુદાસ ! મારા વીસ
માષા.’’
રાજાજીનું મોં પડી ગયું. તેમનું હ્ય્દય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો : ‘‘મહારાજ ! હું અને આપ બન્ને પ્રભુ બુદ્ધના દર્શને ચાલ્યા છીએ, મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરાવાનું છે. આ પુષ્પને માટે જ આંહીં આપણે રાજા-પ્રજા રૂપે નથી ઊભા, બે ભક્તોરૂપે ઊભા છીએ. રોષ કરશો મા, હે સ્વામી ! આજે ભક્તિનાં પૂર દુનિયાદારીની મર્યાદા માનતાં નથી.’’
હસીને રાજાજી બોલ્યા : ‘‘ભક્તજન ! હું રાજી છું. સુખેથી માગણી કરો. તમે વીસ માષા કહ્યા, મારા ચાળીશ.’’
‘‘તો મારા...’’
એટલું બોલવા જાય ત્યાં તો સુદાસ બોલી ઊઠ્યો : ‘‘માફ કરજો, મહારાજ ! માફ કરજો, સજ્જન ! મારે આ ફૂલ વેચવું જ નથી.’’ એટલું કહીને તેણે દોટ મૂકી. બન્ને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યા.
સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઊભોઊભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખરચે, એ પુરુષ પોતે કેટલો ધનવાન હશે ! કેટલા દિલાવર હશે ! એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે !
પદ્માસન વાળીને વડલાની છાંયે બુદ્ધ બેઠા છે. ઉજ્જવલ લલાટઃ મોં પર આનંદઃ હોઠમાંથી સુધા ઝરે છેઃ આંખમાંથી અમી ટપકે છેઃ જેવો વાદળાંનો ઘેરો ગંભીર ઘરઘરાટ એવો જ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે.
સુદાસ સ્તબ્ધ બનીને ઊભો. એના મોમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્યો છે પેલા સાધુ સામે.
ભોંય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું. વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું, વાયુની એક લહરી વાઈ, કમળની પાંદડીઓ ફરીફરીને હસવા લાગી. સુદાસને શકુન ફળ્યાં.
હસીને બુદ્ધે મીઠે સ્વરે સવાલ કર્યોઃ ‘‘હે વત્સ ! કાંઈ કહેવું છે ? કાંઈ જોઈએ છે ?’’
ગદ્ગદ્ સ્વરે માળી બોલ્યોઃ ‘‘બીજું કંઈયે નહિ, તમારી ચરણરજની
માત્ર એક જ કણી.’’
સાચો બ્રાહ્મણ
સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.
જંગલમાં છાણાં લાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે. કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નહાઈ ધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાનાં આસન પાથરી ટપોટપ બેસી ગયા છે. વચમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે. અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે કોઈ શાંત મહર્ષિની આસપાસ નાના સુકુમાર તારાઓની મંડળી, શિષ્ય-મંડળીની માફક, ચૂપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે.
હોમાગ્નિમાં ઘી હોમાતું ગયું તેમ અગ્નિની જ્વાલાઓ તપોવનની ઉપર ઝબૂકી ઊઠી. અરણ્યમાં આઘે આઘે - કેટલે ય આઘે - એ જ્યોતિનાં દર્શન કરીને વટેમાર્ગુઓ ચાલતાં હતા. એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતોલપાતો ઊભો રહ્યો. નાના હાથની ગુલાબી હથેળીઓની અંદર અર્ધ્ય લીધેલું છે. પાસે આવીને એ બટુકે ઋષિજીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીધાં. બહુ જ ભક્તિભર્યા પ્રણામ કર્યા. ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી. કોકિલકંઠે બાળક બોલ્યોઃ ‘‘ગુરૂદેવ ! મારું નામ સત્યકામ, મારું ગામ કુરુક્ષેત્રઃ મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે.’’
હસીને બ્રહ્મર્ષિ મીઠી વાણીમાં બોલ્યાઃ ‘‘કલ્યાણ થાઓ તારું, હે સૌમ્ય ! તારું ગોત્ર કયું, બેટા ? તને ખબર નહિ હોય કે બ્રાહ્મણવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શિખવાય.’’
ધીરે સ્વરે બાળકે કહ્યુંઃ ‘‘મારા ગોત્રની તો મને ખબર નથી. મહારાજ ! હું મારી માને જઈને પૂછી આવું ? પૂછીને તરત પાછો આવીશ.’’
આતુર બાળક એટલું કહીને ગુરુને નમન કરી ચાલી નીકળ્યો, અંધારામાં એકલો ચાલ્યો, જંગલ વીંધીને ગયો. વનનાં પશુઓની ત્રાડો એને થરથરાવી ન શકી. આશ્રમમાં જઈને ભણવાની એને બડી આતુરતા હતી.
નદીને કિનારે ગામ હતું. ગામને છેડે પોતાની માનું ઝૂંપડું હતું. ત્યાં બાળક પહોંચ્યો. ઘરમાં ઝાંખો દીવો બળે છે, ને એની મા જબાલા બારણામાં ઊભીઊભી દીકરાની વાટ જુએ છે.
પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછ્યુંઃ ‘‘ઋષિએ શું કહ્યું, બેટા ?’’
સત્યકામ કહેઃ ‘‘માડી ! ઋષિજી તો પૂછે છે કે તારું ગોત્ર કયું ?’’
એ સાંભળીને માતાનું મોં શરમથી નીચું ઢળ્યું. કોમળ કંઠે એ દુઃખી નારી બોલીઃ ‘‘બેટા ! મારા પ્રાણ ! આ તારી મા એક વખત જુવાન હતી, ગરીબીની પીડામાં પડી હતી. તારે કોઈ બાપ હતો જ નહિ, દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી. દેવતાઓએ દયા કરીને તને મારે પેટે જન્મ આપ્યો. તારે ગોત્ર ક્યાંથી હોય, વહાલા ! તારે બાપ જ નહોતો.’’
•
તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડ્યું છે. એ વૃદ્ધ વડલાને છાંયડે વૃદ્ધ ઋષિજી બેઠા છે. એમને વીંટળાઈને પીળાં વસ્ત્રોવાળા બટુકો બેસી ગયા છે. તાજું સ્નાન કરેલું તેનાં જલબિન્દુઓ એ બટુકોની જટામાંથી ઝરી રહેલ છે. તપોવનના પુણ્યની નિર્મળ કીર્તિ એ કુમારોનાં મોં પરથી કિરણો કાઢી રહી છે. વડલા ઉપર પંખીઓ ગાય છે, ચોપાસનાં ફૂલો પર ભમરાઓ ગાય છે, સરસ્વતીનો પ્રવાહ ગાય છે, ને આશ્રમના કુમારો બધા એક સાથે શાંત સામવેદની ગાથાઓ ગાય છે. એ ચતુરંગી ગાને કેવું ? એકલી બેઠી બેઠી કુદરત ચોતારું કોઈ વાજિંત્ર બજાવી રહી હોય તેવું.
તપોવનના અનેક બટુકો જ્યારે કુદરતના વાજિંત્રની સાથે સૂર મેળવી સંગીત કરી રહ્યા છે. ત્યારે સરસ્વતીને તીરે ચાલ્યો આવતો પેલો સત્યકામ શાં શાં રુદન કરી રહ્યો છે ? એના મનમાં થાય છે કે ‘રે, હું ગોત્રહીન ! મારે કોઈ બાપ નહિ. જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો તારો ! હું માત્ર સત્યકામ ! અર્થહીન એક શબ્દ ! આ મારા જેવા જ અનેક કુમારો અહીં ગાન કરી રહ્યા છે. ઋષિ એને ખોળામાં બેસાડે છે, છાતીએ દાબે છે. ચુંબન કરે છે. બટુકોની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે. હું ગોત્રહીન !’
શરમાતો શરમાતો એ બાળક આઘે ઊભો રહ્યો. ઋષિજીની નજર પડીઃ સત્યકામને બોલાવ્યો.
‘‘અહીં આવ, બેટા ! તારું ગોત્ર કયું, હે સુંદર બાળક ?’’
બાળકે નીચું વળેલું મસ્તક ઊંચું કર્યું. એની કાળી કાળી બે મોટી આંખોની પાંપણો આંસુથી ભિંજાઈ. એ બોલ્યોઃ ‘‘મહારાજ ! માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો. માએ દેવતાની બહુ ભક્તિ કરેલી, એટલે દેવતાએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો. મારે કોઈ ગોત્ર જ નથી.’’
બુટકોની મંડળીમાં હસાહસ ચાલી. મધપૂડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણબણી ઊઠે, તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો.
કોઈ મશ્કરી કરતો કરતો સત્યકામની સામે હસે છે.
કોઈ કહે છે કે, ‘‘અરર ! એને બાપ જ નહિ !’’
કોઈ બોલ્યોઃ ‘‘ધિક્કાર છે ! એને ગોત્ર જ ન મળે !’’
કોઈ કહેઃ ‘‘શું મોઢું લઈને એ અહીં આવ્યો !’’
કોઈ કહેઃ ‘‘ગુરૂજી એની સાથે કાં વાતો કરે !’’
સત્યકામની આંખોમાંથી અશ્રુની ધાર ચાલી. મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યોઃ ‘હું પિતાહીન ! હું ગોત્રહીન !’
ઋષીના કામ મંડાયા છે પેલા બટુકોના ટીખળ તરફ, ઋષિની આંખો ચોંટી છે આ નબાપા બાળકના સુંદર ચહેરા તરફઃ બ્રહ્મર્ષિનું હ્ય્દય વિચારે છે કે ‘ધન્ય છે તને, હે સત્યવાદી બાળક !’
આસન ઉપરથી આચાર્ય ઊભા થયા. બાહુ પસારીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું. વેદીની પાસે એને ખેંચી લીધો ને કહ્યુંઃ ‘‘તું ગોત્રહીન નહિ, પિતાહીન નહિ, તું અબ્રાહ્મણ નહિ, હે બેટા ! તું જ શુદ્ધ બ્રાહ્મણ, તારા ગોત્રનું નામ સત્યગોત્ર. એ નામ કદાપિ ભૂલીશ નહિ, હો તાત !’’
સ્તબ્ધ બનીની બટુકો જોઈ રહ્યા. એમનાં મોઢાં નીચાં નમ્યાં. તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો. ગરુદેવનો સૌથી વહાલો બાળ એ સત્યકામ બન્યો.
અભિસાર
મથુરા નગરીના ગઢની રાંગે સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત.
શ્રાવણ મહિનાની ઘોર રાત્રિ જામતી હતી. નગરનાં દીવા પવનને ઝપાટેઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરેધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથી. ઘનઘોર આકાશમાંયે તારા નથી.
એકાએક એ સૂતેલો સંન્યાસી અંધારામાં કેમ ઝબકી ઊઠ્યો ? ઝાંઝરના ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો ?
ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખો ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડ્યું. એ કોણ હતું ?
એ તો મથુરાપુરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તાઃ આજ અંધારી રાતે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરથી યૌવન ફાટફાટ થતું તોફાને ચડ્યું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલાં છે. મદોન્મત્ત એ રમણી આજ તો વળી વહાલાને ભેટવા સારુભાન ભૂલેલી છે. પૂરજોશમાં એ ઘસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કોમળ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું. વાસવદત્તા થંભીને ઊભી રહી.
ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહાળી રહી. સુકુમાર ગૌર કાંતિઃ હાસ્યભરી એ તરુણાવસ્થાઃ નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છેઃ ઉજ્જવળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે. શાં અલૌકિક રૂપ નીતરતાં હતાં !
હાય રે રમણી ! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે ! એને ઢાંકવાં તારે પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે ? શામાં ગરક થઈ ગઈ છે. હે નારી ? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઊભો તલખતો હશે.
સંન્યાસીનાં ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલીઃ ‘‘હે કિશોરકુમાર ! અજાણ્યે આપને વાગી ગયું. મને માફ કરશો ?’’
કરુણામય કંઠે સાધુ બોલ્યાઃ ‘‘કંઈ ફિકર નહિ, હે માતા ! સુખેથી સિધાવો. તમારે વિલંબ થતો હશે.’’
તોયે આ અભિસારિકા કાં હટતી નથી ? એના પગ કોણે ઝાલી રાખ્યા છે ?
ફરી વાર એ દીન અવાજે બોલીઃ ‘‘હે તપસ્વી ! આવું સુકોમળ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો ? નિર્દય લોકોએ કોઈએ એક સુંવાળું બિછાનું ય ન કરી આપ્યું ?’’
સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું.
‘‘મારે ઘેર પધારશો ? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.’’
‘‘હે લાવણ્યના પુંજ ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિનાબોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સિધાવો જેને કોલ કીધો છે તેની પાસે.’’
એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડ્યાં. આકાશનું હ્ય્દય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફૂંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઊઠી. કોને માલૂમ છે કે ક્યાં સુધી એ કોલમાંગી ભિંજાણી હશે, થરથર કાંપી હશે ને રડી હશે ! એનો અભિસાર એ રાત્રીએ અધૂરો રહ્યો.
શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણા યે મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કૂંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઊઠ્યાં છે. મથુરા નગરીના તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશનો ચંદ્ર મલકી ગયો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળામાં નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે ? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત, પણ એ સંન્યાસી રાત્રીએ કાં રખડે ?
દૂર દૂરથી બંસીના સ્વરો આવે છેઃ માથે વૃક્ષોની ઘટામાં કોયલ ટહુકે છેઃ સામે ચંદ્ર હસે છેઃ આજે એ તપસ્વીની અભિસાર-રાત્રિ આવી પહોંચી કે શું ?
નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડ્યું હતું ?
દુર્ગંધ મારતું એક માનવશરીરઃ આખા અંગના રોમરોમમાં શીતળાનો દારુણ રોગ ફૂટી નીકળેલો છે. આખો દેહ લોહી-પરુમાં લદબદ થઈ ગેગી ગયો છે. કાયા સળગીને જાણે કાળી પડી ગઈ છે.
ગામના લોકોએ ચેપી રોગમાં પિડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે.
પાસે બેસીને સંન્યાસીએ બીમારનું માથું ઉપાડી ધીરેધીરે પોતાના ખોળામાં ધર્યું. ‘પાણી પાણી’નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડ્યું, કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું ને પછી દરદીને મધુર અવાજે પૂછ્યુંઃ ‘‘કાંઈ આરામ મળે છે, હે સુંદરી ?’’
‘‘તમે કોણ, રે દયામય ! તમે ક્યાંથી આવ્યા ?’’
દુર્બળ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો, એની આંખોમાંઓથી આંસુની ધરા છૂટી.
મંદમંદ મુખ મલકાવીને સાધુ કહે છેઃ ‘‘ભૂલી ગઈ, વાસવદત્તા ? શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રીએ આપેલ કોલ શું યાદ નથી આવતો ? આજે મારા અભિસારની આ મીઠી રાત્રી આવી છે, વાસવદત્તા !’’
આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી, કોયલ ટહુકી, ચંદ્ર મલક્યો, યોગીનો અભિસાર ઊજવાયો.