Prem in Gujarati Love Stories by Juli Vyas books and stories PDF | પ્રેમ

Featured Books
Categories
Share

પ્રેમ

પ્રેમ

પ્રેમ એટલે લાગણી,સ્નેહ આવા અનેક પર્યાય આપણે મળી રહે પરંતુ ખરા અર્થમાં પ્રેમ કોને કહેવાય આપણને કોઈને પણ ખબર નથી. આપણે પ્રેમની પરિભાષાને બિલકુલ સમજતા જ નથી. પ્રેમ શબ્દનો અર્થ આપણે સાવ બગાડી બેઠા છીએ. પ્રેમ તો માત્ર પ્રેમી પ્રેમિકા વચ્ચે કે નાયક અને નાયિકા વચ્ચે જ હોય એ સિવાય તો પ્રેમ હોઈ જ ન શકે? હા માતા પિતા બાળકો ભાઈભાડું આ બધા પ્રત્યે પણ પ્રેમ તો હોઈ જ શકે પરંતુ ઘણીવાર નિકટનાં સંબધમાં પણ સ્વાર્થી પ્રેમ આવી જાય છે તો તેને શું પ્રેમની વ્યાખ્યા આપી શકાય ખરી? તો પ્રેમની વ્યાખ્યા શું? તો જવાબ મળે કે જેમાં બિલકુલ સ્વાર્થ નથી અને જેને સાચો પ્રેમ કરતા હોઈએ તેની કોઈ પણ વાતથી આપણે ખોટું ન લાગે અને હદયના એક ખૂણામાં કાયમી વસવાટ આપ્યો હોય અને તે સતત આપણી સાથે જ છે એવો આભાસ થયા કરે તે પ્રેમ.
આવો પ્રેમ તો બહુ ઓછા કરી શકે અને જે કરી શકે તે જીવનમાં ક્યારેય એકલા પડી જતા નથી. પ્રેમનો સંબંધ તન સાથે નહીં મન સાથે હોવો જોઈએ. રંગ રૂપ દેખાવમાં સારા લાગે છે જેને એનો મોહ છે તેને સાથ ઓછો મળે છે પણ જેનું મન પવિત્ર છે તે આજીવન પ્રેમને પાત્ર છે. રંગ રૂપ ઉપર ઘણા લોકો કામણ કરી બેસે છે પરંતુ મન પર કોઈ પ્રભુત્વ મેળવી શકતું નથી.
પ્રેયસીમાં પ્રેમ તો રાધા જેવો નિઃસ્વાર્થ કરવો દોસ્તીમાં કૃષ્ણ સુદામા જેને લોકો આજે પણ યાદ કરે છે અને જ્યાં સુધી માનવ સૃષ્ટિ છે ત્યાં સુધી તેના દાખલા અપાતા રહેશે. શું આપણે પણ પ્રેમની પરિભાષા સાર્થક કરી ભવિષ્યના ઉદાહરણ રૂપ ન બની શકીયે? ચોક્કસ બની શકીએ જરૂર છે માત્ર આપણી નજર બદલવાની . જો આપણી વિચારસરણી હકારાત્મક થઈ જશે તો આપણે પ્રકૃતિના દરેક તત્ત્વને નિઃસ્વાર્થ પ્રેમ કરી શકશું.
પ્રેમની વેલને પાગરવાનું કામ આપણે જાતે જ કરવાનું છે કેમ કે હેત કોઈને હાટમાં જડતું નથી કે જોઈએ એટલું લઇ આવીએ એતો આપણી અંદર ધરબાયેલું છે જેને દરેક ધબકારમાં બહાર આવવા દઇએ અને લોકો સુધી પહોચાડીએ જો આ કામનું બીડું આપણે નહીં ઝડપીએ તો આવનાર બે થી ત્રણ પેઢીમાં પ્રેમનો પર્યાય બદલાઈ જશે. શું આપણે આપણી પેઢીને પાડવી છે કે આપણે મળેલો વારસો આપણી નવી પેઢીને આપવો છે? તો આપો જવાબ અને પ્રેમનાં પગરવથી કરીયે મંડાણ અને પ્રેમરૂપી નાનું બીજ વાવી તેનો ઉછેર કરી ઘર, ગામ, સમાજ,દેશ અને વિશ્વ સુધી પહોંચાડી દરેકને તેમાં ઝુલતા કરી દેવા છે...
પ્રેમ એટલે જેમાંથી પ્રેરણા મળે તેમજ જેની હાજરી જ આપણા માટે પૂરતી હોય. પ્રેમ એટલે એ નહીં કે તમે કેટલું મેળવ્યું પણ પ્રેમ એટલે એ કે તમે કેટલું જતું કર્યું છે. પ્રેમ જેવા પવિત્ર સંબંધના નામે જેટલાં ધતીંગ થયા છે એટલા તો કદાચ કોઈ લાગણી જોડે નહીં થયા હોય.
ભારતનો ભવ્ય ભૂતકાળ જોવો તો ખ્યાલ આવશે કે પ્રેમ શું હતો? એ કાલિદાસની કેવી કલ્પના કે જેમાં મેઘને વાહન બનાવી પ્રેમિકા સંદેશો મોકલાવે છે. પ્રેમને ખરી કસોટી એટલે વિરહ. મેઘદૂતમાં બતાવેલ વિરહ અને રામ સીતાના વિરહની વેદનાનું વર્ણન રૂંવાટી ઉભીં કરી દે એવું છે જરા જોજો માત્ર પૂજા કરવાથી કશું નહીં થાય થોડું વાંચી પણ લઈએ..
કયારેક કોઈનો થોડો પ્રેમ પણ જીદગી જીવવામાં મદદ રૂપ બનતો હોય છે અને એના ભરોંસે ક્યાંક તરી પણ જવાય છે. સાથો સાથ એ પણ જોવવું રહ્યું કે દરેક પુરુષ સ્ત્રીનો પ્રેમ એ કાંઈ લગ્નની મંજીલ પ્રાપ્ત ન પણ કરે અને એ શક્ય પણ નથી. કાજલ ઓઝા કહે જ છે ને મારા પુરુષ મિત્રોની સંખ્યા ઘણી જ છે જેમને મને બહુ જ સાથ આપેલો છે.
આ સમાજ વ્યવસ્થાને લીધે સ્ત્રીને આગળ વધવા એક પુરુષની જરૂર પડે છે લગભગ દરેક ભારતીય નારી એની ફરિયાદ કરવાને બદલે સહર્ષ ભાવે સ્વીકાર કરે છે એમને પુરુષની સાથે પાંગરવું ગમે છે એ ભલે નાની ઉમરમાં પિતા હોય યુવાનીમાં ભાઈ અને લગ્ન પછી પતિ. તો શું એના જીવનમાં બીજા કોઈ પુરુષનું સ્થાન જ નહીં!? પ્રેમને વેલેન્ટાઇન ડે માંથી વિસ્તારિયે અને ફ્રેન્ડશિપ ડે સુધી લઇ જઇયે તો સમાજ ફાયદામાં રહેશે.
દ્રૌપદી નામની બુકમાં બહુ સરસ કહેલું છે કે કૃષ્ણનો દ્રૌપદી જોડેનો પ્રેમ એટલે મંગલની કામના એના શુભની પ્રાર્થના. જેનો સાથ મળતા જ જો તમારા વિચારો ભળી જાય તો એ પ્રેમ જ છે જેને તમારા વિચારો કહેવામાં કાંઈ પણ સંકોચ ન થાય. તમારા વેદના વ્યથા કહી શકો એ પ્રેમ...
પ્રેમ થયા બાદ તેંને ઉછેરવો તેને પાંગરવા દેવો મોટી વાત છે. આ લાગણી લજામણીના છોડથી વધુ સંવેદનશીલ છે જેને અવિશ્વાશ શંકા જેવા પરિબળો છિન્ન ભિન્ન કરી દે છે. પ્રિયજનની હાજરી જ પાનખરમાં વસંતની લાગણી કરાવે છે. આ હાજરી ક્યારેય નશો બની જાય એ ખ્યાલ નથી રહેતો માત્ર પ્રિયપાત્રની માટે જીવવા માટે મજબૂર કરી દે છે. ત્યારે તો કહેવાય છે ને love is blind.
ખરેખર પ્રેમમાં અંધ બનીને જીવવું જ તેનો અહેસાસ કરાવે છે. તે ક્યારેય સ્વપ્નથી સત્ય બની જાય છે એનો ખ્યાલ નથી રહેતો. પ્રેમ કરવાંની વસ્તુ નથી એ તો થઇ જાય આ વાત હજી આધુનિક કહેવાતા સમાજને પચતી નથી. લગ્ન અને પ્રેમ બને અલગ વિષય છે લગ્ન કરેલી વ્યક્તિ તરફ પ્રેમ થાય એ બાબત દરેક વખતે સાચી ન પણ પડે. ખરેખર લગ્ન આપણે એકબીજાની જરૂરીયાત પુરી કરી કરવા કરતા હોઈએ એવું લાગે છે આવા સંજોગોમાં ક્યાંથી પ્રેમ ઉછરે?..
અનિવાર્ય સંજોગો લગ્ન સમારંભ રદ કરી શકે પણ પ્રેમને આવા બંધન નથી નડતા. પ્રેમની શોધમાં થોભવું પણ આહલાદક લાગે તો પ્રેમની પીડા પણ જીરવી ગમે છે જેવી પીડા બાજીરાવ અને મસ્તાની બાઈએ જીરવેલી તો કૃષ્ણના પ્રેમમાં કેટલી ગોપી દીવાની હતી સતત અવિરત ઝંખના કરતી રાધા તો પ્રેમની પ્રતિમા છે.
જય વસાવડાએ એક વાર લખેલું
"હું જાદુમાં નથી માનતો" એક નવજાત યુવાને કહ્યું
વૃદ્ધ અનુભવીએ કહ્યું
"માનતો થઇ જઇશ જયારે તું છોકરી જોઈશ."
માત્ર એટલું મારુ ઉમેરીશ કે આ પ્રકિયા છોકરીના કેસમાં પણ એટલી જ સાચી છે
ક્યારેક પ્રેમમાં દિલ તૂટી જાય એવા પણ કિસ્સા બનતા હોય છે. કોઈને સાચો પ્રેમ આપી બેઠા હોઈએ પણ તે વ્યક્તિ રમત રમી જાય અને આપણી લાગણી દુભાવી જાય છે ત્યારે ક્યાંક મન ખાટું થઈ જાય છે. જીવન જીવવા યોગ્ય નથી લાગતું. આ વસ્તુ પણ શિખવા જેવી છે 21મી સદીની ફાસ્ટ લાઈફમાં ક્યાંક દિલ તૂટે તો ગભરાયા વિના ચાલતા રહેવું આપણી ફરજ છે..... ચાલો પ્રેમ કરીયે......

  • જુલી વ્યાસ ઠાકર