Chaar Laghukathao in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | ચાર લઘુકથાઓ

Featured Books
Categories
Share

ચાર લઘુકથાઓ

(૧)

ભાઈબંધ

‘મમ્મી, ખાવાનું થઈ ગયું?’

‘થાય છે દીકરા.’

‘કેટલી વાર? બહુ ભૂખ લાગી છે.’

‘બધું તૈયાર જ છે. આ રોટલી ઉતારું એટલી વાર છે.’

‘મમ્મી, તમારી આ રોજની રામાયણ છે. ખાવા ટાઇમે ખાવનું ન મળે. મને કશોક નાસ્તો હોય તો આપી દો.’

‘નાસ્તો કરીશ તો જમવાનું બગડશે. થોડી શાંતિ રાખ. નહિ વાર લાગે.’

‘ભૂખ લાગી છે ને શાંતિ રાખવાની વાત કરો છો?’

...અને અકળાયેલા દીકરાના મોબાઇલમાં રિંગ વાગી. એણે કોઈની સાથે વાત કરી. પછી...

‘મમ્મી, હું થોડી વારમાં આવું છું.’

‘ક્યાં જાય છે?’

‘મારો પેલો ભાઈબંધ ખરોને સરદાર. એને સ્ટેશને મૂકવા જવાનું છે. મૂકીને આવું છું. વાર લાગે તો ચિંતા ન કરતાં. તમે જમી લેજો.’

‘બેટા, ખાઈને જા. આ થાળી કાઢું છું.’

‘મમ્મી, મને ભૂખ નથી.’ કહેતાં કહેતાં દીકરો ભાગ્યો.

‘હમણાં તો બહુ ભૂખ લાગી એવી બૂમો પાડતો હતો, અને હવે ભૂખ નથી. ભાઈબંધની રિંગ આવી એટલે?’ મમ્મી બોલી, પણ સાંભળે એ બીજા.

આવું છે!

ભૂખ ભાંગે એ મમ્મી અને...

ભૂખ ભગાડે એ ભાઈબંધ.

***

(૨)

બોણી

નવલકુમાર એક વખત અમરેલી એમના સાળા બળવંતને ત્યાં ગયા. બળવંતનું ઘર શહેરથી દૂરના વિસ્તારમાં હતું. ત્યાંથી નવલકુમારને એક કામ માટે શહેરમાં જવાનું થયું. બળવંતની પાડોશમાં જ એક રિક્ષાવાળા ભગુભાઈ રહેતા હતા. બળવંતને ભગુભાઈ સાથે ઘર જેવો સંબંધ.

નવલકુમાર અને બળવંત બંને ઘરની બહાર નીકળ્યા ત્યારે ભગુભાઈ ધંધો કરવા માટે એમની ઘરેથી રિક્ષા લઈને નીકળી રહ્યા હતા.

‘ભગુભાઈ, કઈ તરફ?’ બળવંતે એમને પૂછ્યું.

‘સિટિ સિવાય બીજે ક્યા જવાનું હોય? હાલો આવવું હોય તો.’ ભગુભાઈ બોલ્યા.

‘મારે નથી આવવું પણ આ મારા સંબંધીને લેતા જાજો.’

‘ભલે’

‘મારા સંબંધી છે એટલે પૈસા લેતા નહિ.’

‘ભલે.’

બળવંતે નવલકુમારને ભગુભાઈની રિક્ષામાં બેસાડીને ધીરેથી કહ્યું: ‘આમેય એમને શહેરમાં જાવું છે એટલે પૈસા નહિ લે.’

નવલકુમારે કહ્યું: ‘ગમે એમ તોય એ ધંધો લઈને બેઠા છે. લે તોય વાંધો નહિ.’

‘અરે, અમારે ઘર જેવો સંબંધ છે. તમે પૈસા આપશો તો પણ લેશે નહિ.’

‘મને કોઈની રિક્ષામાં એમનમ જવું એ ઠીક નથી લાગતું. ભાડું તો આપવું જ પડેને.’

‘અરે આ ભગુભાઈ રોજ ખાલી રિક્ષા લઈને જ સિટિમાં જાય છે. મનેય ઘણી વખત એમનમ લઈ જાય જાય છે એટલે તમે ડહાપણ કરતા નહિ.’

‘સારું, જેવી તારી મરજી. જય શ્રીકૃષ્ણ.’ નવલકુમારે રજા લીધી અને રિક્ષા ઉપડી.

રસ્તામાં નવલકુમાર અને ભગુભાઈ વચ્ચે રાજકારણની અને મોંઘવારી વિષે થોડીઘણી વાતો થઈ.

નવલકુમારને ઉતરવાની જગ્યા આવી.

તેઓ ઊતર્યા ત્યારે ભગુભાઈ બોલ્યા: ‘આમ તો તમારી પાંહેથી પૈસા નો લેવાય. પણ હજી બોણી નથી થઈ એટલે વધારે નહિ, દસ રૂપિયા આપી દ્યો.’

નવલકુમારે કહ્યું: ‘ભાઈ, દસ જ નહિ, તમતમારે વહેવારે જે થતા હોય ઈ લઈ લ્યો.’

પણ કાઠિયાવાડી જબાનના પાકા હોય એટલે એ ભગુભાઈએ ફક્ત દસ જ રૂપિયાને વળગી રહ્યા. નવલકુમારે કહ્યું: ‘ભગુભાઈ, આવું ન ચાલે. તમે જે ભાડું થતું હોય એ લઈ લો.’

તો ભગુભાઈનું લોહી ઉકળી ઊઠયું. એમણે નવલકુમારને સંભળાવ્યું: ‘વધારે મગજમારી રહેવા દ્યો. આપવા હોય તો દસ રૂપિયા આપી દ્યો. વધારે નથી જોઈતા. તમે બહુ પૈસાવાળા છો ઈ મને ખબર છે.’

***

(૩)

દવા!

એ ખુશ હતી. ફિલ્મમાં કામ કરવાનું એનું સપનું સાકાર થયું હતું. એક ફિલ્મમાં એને મહત્ત્વનો રોલ મળ્યો હતો. એણે એક પત્રકાર યુવતીનો રોલ કર્યો હતો જે રોલમાં એ અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવતી હતી. આક્રોશમાં આવીને એક ભ્રષ્ટાચારી ઓફિસર પર ચંપલ ફેંકવાના દ્રશ્યમાં એણે ખૂબ જ અસરકારક અભિનય કર્યો હતો. ફિલ્મ રજૂ પણ થઈ ગઈ હતી અને ખૂબ જ ચાલી હતી. નિર્માતાને સારી કમાણી પણ થઈ હતી.

પરંતુ, ફિલ્મ રજૂ થયાને ત્રણ ત્રણ મહિના થઈ જવા છતાં અને નિર્માતાની ઓફિસમાં વારંવાર ધક્કા ખાવા છતાં એને પેમન્ટ નહોતું મળ્યું. અસિસટન્ટ તરફથી દર વખતે એક જ જવાબ મળતો હતો કે, ‘ચેક તૈયાર છે પણ સરની સાઇન બાકી છે.’ સરની સાઇન ન થવાનાં કારણો જુદાં જુદાં રહેતાં...નવો પ્રોજેક્ટ હાથ પર લીધો હોવાથી સરને ટાઇમ નથી મળતો, સરના પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, સરના ઘરનું રિનોવેશન ચાલે છે, સરના વાઇફ અમેરિકા જાય છે!

એને હોંશ હતી કે, ‘મારી પહેલી કમાણીમાંથી મમ્મીને એક સારી સાડી લઈ આપીશ. પપ્પાને એક બ્રાન્ડેડ શર્ટ લઈ આપીશ. નાના ભાઈને એક ગિટાર લઈ આપીશ.’ પરંતુ સરને ચેક પર સાઇન કરવાનો ટાઇમ જ નહોતો મળતો.

એને પોતાની જાત માટે એવા વિચારો આવવા લાગ્યા હતા કે, ‘મેં ભલે અન્યાય સામે લડનારી મહિલાનો અસરકારક રોલ કર્યો હોય પણ હકીકતમાં તો હું એક લાચાર બાઈ જ છું. અરે! ઘરકામ કરનારી બાઈ પણ મારાં જેટલી લાચાર નથી હોતી.’

પરંતુ, આજે એ નક્કી કરીને આવી હતી કે, ગમે તે થાય, પોતે પેમન્ટ મેળવીને જ રહેશે. આજે કોઈ પણ જાતનું બહાનું નહિ ચાલે.

‘આજે સર ચેક પર સાઇન કરવાના મૂડમાં નથી.’ ઓફિસ અસિસટન્ટ બોલતાં તો બોલી ગઈ પણ પછી એણે ભૂલ સુધારી લીધી, ‘આજે સરની તબિયત સારી નથી.’

સાંભળતાંની સાથે જ એ ઊભી થઈ ગઈ. ‘સર ચેમ્બરમાં છે?’ એણે પૂછ્યું. એનાં અવાજમાં આક્રોશ હતો. અવાજમાં જ નહિ, એની આંખોમાં, એના લોહીમાં, એની નસેનસમાં, એના સમગ્ર શરીરમાં, એના સમગ્ર અસ્તિત્વમાં આક્રોશ હતો. એ ધ્રૂજતી હતી.

અસિસટન્ટ એને શાંત પાડે એ પહેલાં તો સર એની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. સરને જોઈને એ ‘સર...સર’ એવી બૂમ પાડતી દોડી. પરંતુ સર એના તરફ ધ્યાન આપ્યા વગર જ ઓફિસની બહાર જવા લાગ્યા.

‘સર, એક મિનિટ. મારી વાત તો સાંભળો.’ એણે આખી ઓફિસને ધ્રુજાવી નાંખતી ત્રાડ નાંખી. સર ઊભા રહી ગયા. ‘બૂમો ન પાડો. આ ઓફિસ છે. શાકમાર્કેટ નથી.’

‘સર, મને હજી મારું પેમન્ટ નથી મળ્યું.’ એની આંખોમાં આંસુ આવું આવું થઈ રહ્યાં હતા.

‘તમે અસિસટન્ટ સાથે વાત કરી લો.’

‘અસિસટન્ટ કહે છે કે, ચેક પર તમારી સાઇન નથી થઈ.’

‘કાલે થઈ જશે.’

‘આજે કરી દોને. વાર નહિ લાગે.’

‘કહ્યુંને? આજે નહિ થાય.’

‘કેમ નહિ થાય? સર, તમારી તબિયત સારી નથી એટલે? તમે આજે મૂડમાં નથી એટલે?’ એણે પોતાનાં સમગ્ર અસ્તિત્વમાંથી આક્રોશને જાણે કે જાકારો આપી દીધો હોય એમ પૂરી નરમાશથી પૂછ્યું.

‘હા.’ સરના જવાબમાં હજી પણ તિરસ્કાર હતો.

‘સર, તમારો મૂડ સારો થાય એવી એક દવા મારી પાસે છે.’ એના અવાજમાં એકલી મીઠાશ હતી.

એની વાતમાંથી અનેક અર્થ નીકળી શકે એમ હતા. સર નક્કી ન કરી શક્યા કે, એ ખરેખર શું કહેવા માંગતી હતી.

‘કઈ દવા છે?’અનિર્ણાયક સ્થિતિમાં જ સરથી પુછાઈ ગયું.

‘આ’ એવો જવાબ આપતાંની સાથે જ એણે પોતાનામાં હતી એટલી તાકાતથી એક જોરદાર તમાચો સરના ગાલ પર ચોડી દીધો. સટાક!

***

(૪)

માથાકૂટ

‘કઉ સું કે આંયા હુધી આવ્યો સું તો બાઘાનેય મળી લઉં. હાલ મારી હાર્યે.’

‘ના હો. ઇ નો બને.’

‘કાં?’

‘બાઘા હાર્યે મારે હમણાં બાટી ગ્યું સે. બોલવા વેવાર નથી રયો.’

‘લે કર્ય વાત! સેમાંથી બાટી ગ્યું?’

‘આમ તો વાતમાં કાંઈ માલ નહોતો. ઓલી ફિલમ આવી સે ને? ‘બાહુબલી ટુ’. ઈ ફિલમ મને બઉ ગમી અને એને જરાય નો ગમી. એમાંથી માથાકૂટ થઈ ગઈ.’

‘બહુ મોટું કારણ! આની પહેલાંય કોઈ દી માથાકૂટ થઈતી?’

‘હા. તઈં વાત એમ હતી કે, એનું કેવું એમ હતું કે ગુજરાતમાં જરાય વિકાસ નથી થ્યો ને મારું કેવું એમ હતું કે વિકાસ તો થ્યો સે. ઓસોવધતો થ્યો હશે, પણ સાવ નથી થ્યો એમ નો કેવાય. ઈ વાતમાંથી સંબંધ બગડી ગ્યોતો.’

‘પછી કોણે સમાધાન કરાવ્યુંતું?’

‘કોઈએ નઈ. એમાં એવું થ્યુંતું કે એની તબિયત બગડી ગઈ’તી ને એને દવાખાનામાં દાખલ કરવો પડ્યો’તો. એટલે હું ખબર કાઢવા ગ્યોતો. એની જેવું કોણ થાય?’

‘પસી તમે બોલતાં થઈ ગ્યાતા?’

‘હા. બીજું સું થાય?’

‘પસી પાસું બાહુબલીને લીધે બાટી ગ્યું એમને?’

‘હા.’

‘હવે પાસા ક્યારે બોલતાં થાહો?’

‘હું એની જ રાહ જોઉં સું. ઈ પાસો દવાખાને દાખલ થાય એટલી વાર સે.’

***