Mitra in Gujarati Short Stories by Ajay Oza books and stories PDF | મિત્ર

Featured Books
Categories
Share

મિત્ર

‘તું કેમ તેની સાથે વાતો કરવા જાય છે ? એ ક્યાં તારો મિત્ર છે ?’ નિરવ ઉશ્કેરાટથી કહે છે.

રાજુ વિચારમાં પડી ગયો, ‘કેમ ? હજી કાલે જ તો તેં મને એની ઓળખાણ કરાવેલી, મીટ માય ક્લોઝ ફ્રેન્ડ દીપક.. ભૂલી ગયો? ..ને આજે આમ..?’

‘હા.. તો ?’ નિરવ ખિજાયેલો જ દેખાય છે, ‘મારો મિત્ર છે એમ જ કહેલું કે નહિ ? એમાં એ તારો મિત્ર કેવી રીતે બની ગયો ?’

‘આ લે..લે !’ રાજુ હસવું રોકી ન શક્યો, ‘ઓળખાણ થાય એટલે મિત્ર જ કહેવાય ને ? મિત્ર તો આપોઆપ જ બનતા હોય.. એમાં મારો મિત્ર કે તારો મિત્ર એવું થોડું રહે ?’

‘બસ રહેવા દે હવે રાજ્યા, ઓળખાણેય મારી જ હતી કે નહિ ? આપોઆપ બનાવવા હોય તો બનાવ ને જાતે, મારી ઓળખાણ વગર બનાવ.. તો તારા મિત્ર કહેવાય... સમજ્યો ?’ નિરવ પોતાની વાતમાં તર્ક ઘોળે છે.

રાજુ વિમાસણમાં માથું ખંજવાળે છે.

થોડા દિવસ પછી વળી એકવાર નિરવે રાજુને કોઈ નવા મિત્રનો પરિચય કરાવ્યો, ‘જો રાજુ, આ ખન્નાસાહેબ છે, આર.ટી.ઓ.માં ઓફિસર છે, એમને માટે અહિ ફ્લેટ શોધી આપવાનો છે આપણે, તું પણ હેલ્પ કરજે હો !’

રાજુએ હા કહી, હાથ મિલાવ્યા.

કેટલાક દિવસો પછી રાજુએ પેલા ખન્નાસાહેબને ફ્લેટ અપાવી દીધો. ખન્નાસાહેબે બદલામાં રાજુના ભાઈના રીન્યુઅલ લાયસન્સનું એક નાનકડું કામ કરી આપ્યું.

બસ, નિરવનો પિત્તો ગયો, ‘રાજ્યા, ખન્નાસાહેબ મારા ઓળખીતા હતા, તારે કઈ કામ કરાવવું હતું મને કહેવાય ને ? એમ કોઈ સીધા કોઈના ઓળખીતાને મદદ માટે કહેવાય ?’

‘પણ મેં એમને મદદ કરેલી ને ? ફ્લેટ અપાવ્યો, રહેવાને સગવડ કરી આપી.’ રાજુ બોલ્યો.

‘તો શુ ?’ નિરવ ગુસ્સે થયો, ‘એમ તરત જ બદલો પણ લઈ લેવાનો ? ઉપકાર વસુલ ? આવુ કોઈ ન કરે.’

‘બદલો ? આમાં બદલાની વાત જ ક્યાં છે ? એકબીજાને મદદ કરી એટલું જ યાર, તું કારણ વગર આમ નારાજ થઈ જાય છે !’ રાજુ બોલ્યો.

‘કારણ વગર ? અરે મારા સંબંધો એ મારી પ્રોપર્ટી ગણાય સમજ્યો ? અને તું એ રીતે મારી પ્રોપર્ટી એટલે કે મારા બનાવેલા સંબંધો મને પૂછ્યા વગર આમ વાપરી લે એ ચાલે જ નહિ ને ! આમ કોઈના મિત્રોનો ઉપયોગ કરવો એ તો બહુ નફ્ફટાઈ જ કહેવાય.’ નિરવ નો અવાજ પણ ઊંચો થયો.

રાજુ વગર વાંકે છોભીલો પડી ગયો, ‘અરે નિરવ... નિરવ, આ તું કેવું વિચારે છે ? તું પણ મારો મિત્ર જ છો ને ?’

‘રહેવા દે રાજ્યા, હું તારો મિત્ર નથી, અને હા, જો તારે મારા મિત્ર રહેવું હોય તો હવે આવું ન થવું જોઈએ, યાદ રાખજે !’ નિરવે પોતાની તાસીર પ્રમાણે રાજુને અલ્ટીમેટમ જ આપી દીધું.

જો કે અહિ સુધી તો બધું સમુસૂતરુ ચાલતું હતું. પણ એક દિવસ નિરવ તેની ગર્લફ્રેન્ડ મનીષાને લઈ રાજુ પાસે આવ્યો, ‘રાજુ, હું તને કહેતો હતો ને તે જ આ.. મનીષા, મારી ખાસ ફ્રેન્ડ. મનીષા... આ છે રાજુ, મારો નજીકનો દોસ્તાર.’

રાજુએ હાથ મિલાવ્યા. બોલકણી મનીષા વચ્ચે જ બોલી, ‘ઓહો.. એમ વાત છે ! બધા તારા જ મિત્રો હેં ? નિરવ.. તું કોઈનો મિત્ર છો કે પછી ?’

અને ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. બસ એ હસવાના પ્રસંગે વાતવાતમાં રાજુથી મનીષાને તાળી દેવાય ગઈ ને નિરવનો બાટલો ફાટ્યો, ‘રાજ્યા...? તને કહ્યું ને કે આ મારી ફ્રેન્ડ છે..., મા..આ...રી..! ને તું એને આમ હાથતાળી..? શુ સમજે છે તારા મનમાં ?’

રાજુ તો હજુ પણ હસવાના મૂડમાં જ હતો, ‘મિત્ર ? તારી એકલાની ? તો મને શું ઓળખાણ કરાવાની જરૂર હતી ? હવે તો એ આપણી બંનેની મિત્ર કહેવાય.. ખરું ને મનીષા ?’

આ વખતે હસવામાં મનીષાએ પણ સાથ આપ્યો ને ફરી એક તાળી દેવાઈ. હવે નિરવના જાણે હોશકોશ ઉડી ગયા. ગુસ્સામાં લાલચોળ થઈ ગયો, ‘લૂચ્ચાઓ, હરામખોરો, તમે બંને એ મને દગો દીધો ? મને જ છેતર્યો ? મારા જ મિત્ર થઈ મને જ પછાડ્યો ! કેવા મિત્રો છો તમે તો સાલાઓ ! મિત્રતા નો મતલબ જ નથી સમજતા... મિત્રતાના નામ પર કલંક !’

નિરવના બદલાયેલા આ રંગને જોઈ રાજુ અને મનીષા સ્તબ્ધ થઈ ગયા. આવેશમાં આવેલો નિરવ હજુ કહેતો હતો, ‘મનીષા, તું ય ? તેં પણ બે મિનિટની ઓળખાણમાં આ રાજ્યાને સાથ આપી દીધો ? ને મને આમ ફેંકી દીધો ? હું તારો મિત્ર નહોતો શું ? આવી હતી તારી દોસ્તી ? મેં તને આવી નહોતી ધારી. તને મિત્ર બનાવીને મેં ભૂલ જ કરી.’

‘ઈનફ.. ઈનફ નાઉ નિરવ, સ્ટોપ ધિસ નોન્સેન્સ !’ કાયમ આવા સમયે ચુપ જ રહેતા રાજુની વહારે આજે મનીષા હાજર હતી, એ ગરમ થઈ ગઈ, ‘નિરવ, તને મિત્રની વ્યાખ્યાય આવડે છે ? શું ક્યારનો મિત્ર-મિત્રનું રટણ કરે છે ? જાણે અમે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો ? બીજાને કહેતા પહેલા ખુદને જ પૂછ ને, મિત્ર એટલે શુ ? જવાબ નહિ જડે, તારી અંદર મિત્ર નામનો માણસ હોય તો જડે ને !’

નિરવ તો સડક થઈ ગયો, મનીષા જાણે વરસોનો ગુસ્સો ઉતારતી હોય એમ અટક્યા વગર નિરવને ફટકારવાનું ચાલુ રાખે છે, ‘મિત્રતા નિભાવવામાં કંઈ સમજ તો પડતી નથી ને સતત આ મારો મિત્ર ને તે મારો મિત્ર – બીજું કશું આવડે છે તને ? ના ના, બધા તારા જ મિત્રો હોય ? તારો એક નો જ ઈજારો ? જાતને પૂછ કે તું કોઈનો મિત્ર ખરો કે નહિ ? ને જે તારા મિત્ર હોય એ બીજાના થઈ જ ન શકે શુ ? એ કેવું ?’

રાજુ માથું હલાવી કહે, ‘સાચી વાત છે, મનીષા, તું જ આને સમજાવી સીધો કરી શકીશ. હું તારી સાથે છું !’ કહી ફરી તાળી દેવા ઊંચો થયેલો હાથ એ પરાણે અટકાવી દે છે.

મનીષા ખડખડાટ હસી પડે છે, ને રાજુ વળી ઉમેરે છે, ‘જો ભાઈ નિરવ, એક વાત યાદ રાખી સમજી લે બરાબર, મિત્ર હો કે દોસ્ત... બીજા ને આપણાં બનાવવા કરતા પહેલા આપણે જ એના બનવું પડે છે !’

-અજય ઓઝા, ૯૮૨૫૨૫૨૮૧૧