Cheearsh laila in Gujarati Magazine by Amit Radia books and stories PDF | ચીયર્સ લૈલા

Featured Books
Categories
Share

ચીયર્સ લૈલા

ચીયર્સ લૈલા

ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. તેઓ ચોસઠ કળાઓના સ્વામી અને ભૂત, ભવિષ્ય, વર્તમાન, બધું જ જાણનાર હતા. તેમની પહેલાં કે તેમના પછી કોઈ પૂર્ણપુરુષે અવતાર લીધો નથી. જીવનમાં આવી સંપૂર્ણતાની પ્રાપ્તિ કોને ન ગમે? પરંતુ આજે કૃષ્ણના દેહોત્સર્ગનાં પાંચ હજાર વર્ષ પછી પણ માણસની પૂર્ણતા મેળવવાની આ દોડ હજી ચાલુ જ છે. વિજ્ઞાને અપ્રતિમ પ્રગતિ કરી છે, માનવી મંગળ સુધી પહોંચી ગયો છે અને ત્યાં જીવનના વિકાસની શક્યતાઓ શોધી રહ્યો છે. આમ છતાં આજ સુધી કોઈ પૂર્ણતા પામી નથી શક્યું અને તેનો સતત અસંતોષ માણસને રહ્યા કરે છે.

આમ જોવા જઈએ તો સમગ્ર મહાભારત એ આવી અપૂર્ણતામાંથી જન્મતા અસંતોષની ગાથા છે. રાજા શાંતનુને પુત્ર જોઇએ છે, પરંતુ તેના માટે પત્ની ગંગાને ગુમાવવી પડી, ભીષ્મનું બ્રહ્મચર્ય અને કુરુકુળના વારસદારનો પ્રશ્ન, મત્સ્યગંધાના પ્રથમ પુત્ર વેદવ્યાસ દ્વારા પુત્રપ્રાપ્તિ, નેત્રહીન ધૃતરાષ્ટ્ર, રોગિષ્ઠ પાંડુ, કુંતીપુત્ર હોવા છતાં આજીવન સૂતપુત્ર હોવાનું દુ:ખ વેંઢારતો કર્ણ, હસ્તિનાપુરનું રાજ્ય મેળવવા મથતો દુર્યોધન, અર્જુન સૌથી વધુ પ્રિય હોવા છતાં પાંચ પતિઓ સાથે રહેતી દ્રૌપદી, ચક્રવ્યૂહનો આઠમો કોઠો ન જાણવાની અભિમન્યુની વિડંબણા હોય કે સંપૂર્ણ ગુરુજ્ઞાન ન મેળવ્યાનો એકલવ્યનો વસવસો. સમગ્ર કથા અપૂર્ણતાની જ છે. આ તમામ પાત્રોમાં એકમાત્ર પૂર્ણ પુરુષ છે, કૃષ્ણ. પરંતુ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, બધું જાણવા છતાં એ બધું જ જોવું અને જીરવવું કૃષ્ણ માટે કદાચ સૌથી વધુ દુ:ખદાયક હતું.

અપૂર્ણતા સામેની માણસની આ લડાઈ આજે પણ ચાલુ છે. તે જન્મે ત્યારથી કોઇ ને કોઇ પ્રકારના અસંતોષથી પીડાતો રહે છે. બાળક નાનું હોય, ત્યારે તે દૂધ માટે રડે છે, વિદ્યાર્થી અવસ્થામાં બીજા વિદ્યાર્થી કરતાં ઓછા ગુણ મેળવ્યાનું દુ:ખ રહે છે, કોલેજમાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ન હોવાની ચિંતા સતાવે છે, નોકરીમાં પગાર અને પ્રમોશનનો પ્રશ્ન માથે ઝળુંબતો રહે છે, લગ્ન થયાં પછી પતિ-પત્નીની કેમિસ્ટ્રીમાં પણ કંઈક ખૂટતું હોવાની લાગણી સતત થયા કરે, તો વૃદ્ધાવસ્થામાં પણ સંતાનો તરફથી સંપૂર્ણ સુખ-શાંતિની અપૂર્ણતા મોટાભાગના વડીલોને રહે છે. વિશ્વની દરેક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારના અસંતોષ-અપૂર્ણતાથી સતત પીડાતી રહે છે.

અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, અમેરિકાના 44 ટકા નોકરિયાતો તેમની નોકરીથી નાખુશ છે, તો 65 ટકા લોકોને ગવર્નમેન્ટ સિસ્ટમ પસંદ નથી. દેશની 52 ટકા મહિલાઓ એવું માને છે કે તેમના પતિ તેમને સંતોષ નથી આપી શકતા અને પરિણામે તેમની સેક્સ્યુઅલ લાઇફ સંતોષકારક નથી. 73 ટકા સ્ત્રીઓ તેમના દેખાવ અને ફિગરથી નાખુશ છે. મતલબ, બાકીની વ્યક્તિઓ ખુશ છે એવું જરા પણ નહીં. તેમને બીજી કોઈ મુશ્કેલી હોય છે. કેટલાક લોકોને પોતાનું વજન વધારે લાગે છે, તો કેટલાકને પાડોશી સાથે તકલીફ છે. કોઇને મોટું ઘર જોઇએ છે. કોઇને બિઝનેસમાં વધારે વૃદ્ધિ જોઇએ છે. વિશ્વની કદાચ જ કોઈ વ્યક્તિ એવી હોય જે પોતાની જન્મદત્ત કે પરિસ્થિતિજન્ય ખામીઓ કે અપૂર્ણતાઓ સાથે સંતુષ્ટ હોય... અલબત્ત, આવી અપૂર્ણતા જ કંઇક નવું કરવાની પ્રેરણા આપે છે એ ખરું. પરંતુ પૂર્ણતા પામ્યા પછી કરવાનું શું? કંઇ નહીં!

આવી જ અપૂર્ણતાઓથી ભરેલી જિંદગી છે લૈલાની. તેને પણ જીવનમાં કંઈક ખૂટતું હોવાની લાગણી સતત રહ્યા કરે છે. કૉલેજમાં તેના ઘણા મિત્રો છે, પણ તે બધાથી અલગ છે. તે ઇચ્છે છે કે તેને પણ બોયફ્રેન્ડ હોય, જે તેની સાથે ફ્લર્ટ કરે, તેની સંભાળ રાખે, તેને પ્રેમથી હગ કરે, કિસ કરે. પણ ના, આવું કંઈ નથી તેની જિંદગીમાં. કદાચ... શક્ય નથી, કારણ... તે સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે, એટલે. મમ્મી જ રોજ તેને નવડાવે છે. ‘પી’ કરવા માટે પણ તેને કોઈની મદદ જોઈએ છે. આમ છતાં, લૈલા માનસિક રીતે એટલી મુક્ત અને મક્કમ છે, કે પોતાની જેમ જ સેરેબ્રલ પાલ્સીથી પીડાતા છોકરાને કિસ કરી શકે છે, દુકાનદાર પાસેથી વાઇબ્રેટર ખરીદતા તે શરમાતી નથી અને તેની શારીરિક અપૂર્ણતા યાદ કરાવનારને મિડલ ફિંગર બતાવવાથી પણ અચકાતી નથી. પોતાની પ્રાઇવસી માટે કે ઇન્ટરનેટ પર પોર્નસાઇટ જોવા બદલ ગુસ્સે થનારી માતા સાથે ઝઘડો પણ કરી લે છે.

પરંતુ ભૂખ આખરે ભૂખ હોય છે, શરીરની હોય કે પેટની. લૈલા પણ આખરે માણસ જ છે ને? શી વોન્ટ્સ ટુ એન્જોય સેક્સ. લૈલા જેને સૌથી વધુ પસંદ કરતી હોય છે એ છોકરો મિત્ર તરીકે રહેવા તૈયાર છે, પણ સ્વીકારવા તૈયાર નથી. આખરે લૈલા અભ્યાસમાં મન પરોવવા ન્યૂયોર્ક ચાલી જાય છે. જ્યાં તેને એક ગર્લફ્રેન્ડ મળે છે! યસ્સ્સ, ગર્લફ્રેન્ડ. ખાનુમ, જેને આંખો નથી. ખાનુમ પાકિસ્તાની છે. 21મી સદીમાં પણ સંસ્કૃતિના નામે નાકનું ટેરવું ચઢાવતા દંભી લોકોના સમાજમાં બંને યુવતીઓ લેસ્બિયન સંબંધ બાંધે છે. અૉફકોર્સ, એ વખતે તેઓ ન્યૂયોર્કમાં હોય છે. એકાએક લૈલાના જીવનમાં એટલી બધી ખુશીઓ આવી જાય છે કે તેને પૂર્ણતાનો અનુભવ થવા લાગે છે. પણ,.. એમ સરળતાથી ચાલે તો એ જીવન કેવું? કેન્સરથી પીડાતી માતા મૃત્યુ પામે છે. અને... અને... ખાનુમ પણ છોડીને ચાલી જાય છે. હવે..? લૈલા હાર નથી માનતી, તે પોતાનો રસ્તો શોધવા મથે છે.

...અને છેલ્લે. લૈલા બ્યૂટિપાર્લરમાં જાય છે, અૉફકોર્સ, ડેટ માટે તૈયાર થવાં. રેસ્ટોરન્ટમાં જઈને વેઇટરને ડ્રિન્ક ઓર્ડર કરે છે. માર્ગારિટા ડ્રિન્કનો ગ્લાસ પોતાના હાથમાં લે છે અને સામેની વ્યક્તિને ચીયર્સ કરે છે. કોણ છે સામે? સામે છે આદમ કદનો અરીસો. યસ્સ્સ, લયલાને હવે કોઈની જરૂર નથી. તેને એકલાં ખુશ રહેતાં આવડી ગયું છે, પોતાની ખામીઓ સાથે.

આ વાત છે ફિલ્મ ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ની. અહીં ફિલ્મનું વિવેચન કે વિવરણ કરવાનો મુદ્દો નથી, મુદ્દો છે સંતુષ્ટિનો. આપણને પણ સતત અાવી અપૂર્ણતા સાલતી રહે છે, જીવનમાં હંમેશાં કંઈક ખૂટતું હોવાનો અહેસાસ થયા કરે છે. જિંદગીના તમામ સુખ મેળવવા મન ઝંખતું રહે છે. અલબત્ત, આવી જ અપૂર્ણતા આપણને કંઈક નવું, કંઈક વધારે સારું કરવાની પ્રેરણા આપે છે. પરંતુ આવાં તમામ સુખ મેળવ્યા પછી ખાલીપો જ ખાલીપો ભાસે છે. તો પછી ભયંકર દુ:ખ અને ગ્લાનિ લાવતી સંપૂર્ણતા કરતાં અપૂર્ણતા શું ખોટી? અપૂર્ણતાનો આનંદ અનેરો છે, જે ક્યારેય સંપૂર્ણતામાંથી ન મળે. વાસ્તવિક સંતુષ્ટિ અને સંપૂર્ણતા આપણી અંદર જ છે. શું આપણી પાસે જે છે તેમાં ખુશ ન રહી શકીએ?

પિંચિંગ થોટ:

‘Be thankful for what you have; you'll end up having more. If you concentrate on what you don't have, you will never, ever have enough.'

- Oprah Winfrey

‘તમારી પાસે જે છે તેના બદલે કુદરતનો આભાર માનો, વધુ ને વધુ મેળવવાની ઝંખના છોડી દો. જો તમે તમારી પાસે જે નથી તેના વિશે જ સતત ધ્યાન રાખ્યા કરશો, તો તમે ક્યારેય પૂરતું નહીં મેળવી શકો.

- ઓપ્રા વિન્ફ્રે