Nishti-9 : Rajinamu in Gujarati Fiction Stories by Pankaj Pandya books and stories PDF | નિષ્ટિ - ૯ - રાજીનામું

Featured Books
Categories
Share

નિષ્ટિ - ૯ - રાજીનામું

નિષ્ટિ

૯. રાજીનામું

ઓફિસે જતાં જતાં બાઈક પર નિશીથ વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવું. ‘હવે રાજીનામું આપવાનું અઘરું કામ કરવાનું છે. બધું હેમખેમ પતી જાય એટલે નવી લાઈફ શરુ.’ એમ વિચારતો વિચારતો નિશીથ ઓફિસે પહોચ્યો.

પોતાના સ્થાને બેસતાં જ એણે રાજેશને બોલાવ્યો. નિશીથના ચહેરા પર છલકતો ઉત્સાહ જોઈ રાજેશને ખ્યાલ આવી ગયો કે દાળમાં જરૂર કંઇક ફૂલ ગુલાબી છે.

‘રાજેશ બેસ અહી’ રાજેશ આવતાં નિશીથે હાથ લંબાવી રાજેશને બેસવાનો ઈશારો કર્યો.

‘એક ગૂડ ન્યુઝ છે’ નિશીથ બોલ્યો...

‘ક્યારે રાજીનામું આપો છો નિશીથ ભાઇ...’

રાજેશના સીધા હુમલાથી નિશીથ રીતસર ચોકી ગયો.

‘તને કેવી રીતે ખબર પડી?’

‘આ તમારો ખુશ્ખુશાલ ચહેરો જ બતાવી આપે છે. બસ હવે કેટલા દિવસના મહેમાન છો?’

‘લે.. મને શું થયું છે?’

‘અરે... હવે તો તમે અહી રાજીનામું આપવાના એટલે જેટલા દિવસ રોકાઓ એટલા દિવસ માટે અહીના મહેમાન જ કહેવાઓ.’

‘હજુ આજે બપોરે સિન્હા સાહેબ જોડે વાત કરીશ પછી નક્કી કરીશ.’

‘ઓહ...... એમ વાત છે!!!!!!!!’

‘હા... એમ વાત છે...’

‘આમવાત તો નથી ને?’

‘ના જરાય નહિ..’ બંને જણા હાઈ ફાઈવ આપીને ખડખડાટ હસી પડ્યા. પછી રાજેશ નિશીથને ભેટી પડ્યો.. જયારે એ છૂટો પડ્યો ત્યારે એની આંખોમાંથી પડું પડું થઇ રહેલા આંસુને નિશીથની નજરથી બચાવી નાં શક્યો. નિશીથે તેના ગાલે હળવેથી ટપલી મારી.

બપોરે જમી લીધા પછી નિશીથે સિન્હા સાહેબને ફોન જોડ્યો.

‘ગુડ આફટર નૂન સર... નિશીથ હીયર’

‘વેરી ગુડ આફ્ટર નૂન.. નિશીથ.. હાઉ આર યું..’

‘ફાઈન સર.. થેન્ક્સ’

‘હા બોલ નિશીથ.. કેમ ફોન કરવો પડ્યો?’ સિન્હાસાહેબની વાતથી નિશીથ થોડો ઝંખવાણો પડી ગયો..

‘એ તો સર....... તમે..... કાલે.... કહ્યું.... હતું.... ને..... કે... કાલે.... શાંતિથી વાત કરીશું..’

‘હા.. હા... હા હા... હા... હા.. હા.. વોઝ જસ્ટ જોકિંગ.... ઇટ્ઝ ફાઈનલ ફ્રોમ માય એન્ડ.... યુ આર સિલેક્ટેડ... નાઉ ઈટ્ઝ ઓલ અપઓન યુ વેધર ટુ અસેપ્ટ ઓર ડિનાય...’

‘ઓહ.. થેન્ક્સ સર... હજુ મેં આગળ શું કરવું એ વિચાર્યું નથી.... હજુ સુધી ઘેર પણ કોઈને વાત કરી નથી. હું એક બે દિવસમાં ઘરે વાત કર્યાં પછી અહી રાજીનામું આપીશને પછી ક્યારથી જોઈન કરી શકું એ તમને જણાવીશ.. અને હા સર... એપોઇન્ટમેન્ટ લેટર..’

‘ડોન્ટ વરી.... આઈ હેવ જસ્ટ સાઇન્ડ યોર અપોઈન્ટમેન્ટ લેટર... એન્જોય... અને કોઈ પણ જાતની ચિંતા ના કરતો.. અહી તારી બધી જ વ્યવસ્થા થઇ જશે.’

‘થેન્ક્સ અ લોટ સર’ કહી નિશીથે ફોન મૂક્યો. ‘આજે રાતે જ મમ્મી પપ્પાને વાત કરીને કાલે રાજીનામું આપી દઉં એટલે જલ્દીથી અહીની બાકીની વિધિ પતાવી શકાય.’ એમ વિચારી નિશીથ કામે વળગ્યો...

સાંજે ઘેર પહોચ્યા પછી જમતી વખતે એણે વાત છેડી...

‘મમ્મી.. પપ્પા... મારે એક વાત કરવી છે’

નિશીથના મમ્મી ગીતા બેનને લાગ્યું કે એ લગ્નની વાત કરવા માગતો હશે એટલે એ હરખાઈને કંઇક બોલવા જતાં હતાં એટલામાં ગુણવંતભાઇ બોલ્યા..

‘બોલ નિશીથ.. શું હતું?’

‘ગયા મહીને હું મુંબઈ જે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો.. એ કંપનીના માલિકનો ગઈકાલે ફોન હતો. ‘

‘હા.. તો શું કહ્યું એમણે ફોન પર?’

‘એમણે મને જોબ માટે સિલેક્ટ કરી દીધો છે.’

‘હશે.. પણ તું અહિયાં સેટ થઇ ગયો છે અને પગાર પણ ઠીક ઠીક મળે છે.. આપણે હવે એવી જોબ માટે મુંબઈ લાંબા થવાની કઈ જરૂર નથી.’

‘પણ પપ્પા પૂરી વાત તો સાંભળો?’

‘પણ ને બણ.. મારે કંઈ નથી સંભાળવું.... એવા સ્ક્રીપ્ટ રાઈટરની જોબમાં શું ઉકાળવાનું.... એ વખતે તો તું જીદે ચડ્યો હતો એટલે ઇન્ટરવ્યુ માટે જવા દીધો. પણ નોકરી માટે તો તારે નથી જ જવાનું.. બસ કહી દીધું...’

‘પણ મને સ્ક્રીપ્ટ રાઈટર નહિ પણ ક્રિએટીવ હેડ તરીકેની પોસ્ટ મળી છે.’

‘એમ વાત છે.. પણ એ તો બહુ જવાબદારી વાળું કામ કહેવાય.. જવાબદારી માટે વાંધો નહિ પણ અનુભવ વગર તું આખા ડીપાર્ટમેન્ટની જવાબદારી નિભાવી શકીશ?’

‘એ તો સિન્હા સાહેબ એ ક્ષેત્રના આટલા અનુભવ વાળા માણસ છે.. એમણે મારામાં એવું કંઇક જોયું હશે તો જ મને સિલેક્ટ કર્યો હશે ને?

‘તો પછી સરસ કહેવાય બેટા... કરો કંકુના..’ નિશીથના પપ્પાએ તો આશીર્વાદ આપી દીધા..

‘પગાર કેટલો આપશે?’ મમ્મીનો સવાલ

‘અત્યારે મળે છે એના કરતાં ચાર ગણો’ નિશીથનો જવાબ સાંભળી ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. નિશીથે ઊભો થઈને મમ્મી પપ્પાને પગે લાગીને આશીર્વાદ લીધા.

‘ખૂબ ખૂબ સુખી થાઓ.’ બંનેની આંખમાં ખુશીના આંસુ છલકાતા હતા. નિશીથ પણ ભાવુક બની ગયો. તેના મમ્મી પપ્પા તેને ભેટી પડ્યા અને હર્ષનાં આંસુઓનું જાણે પૂર ઉમટી પડ્યું.

‘ચલો આજ તો પાર્ટી હો જાય.. નિશીથ ચલ ફટાફટ જમી લે અને પછી તને મનગમતો આઈસ્ક્રીમ લઇ આવ.’

‘પપ્પા, આઈસ્ક્રીમ પાર્ટી તો ગઈ કાલે જ થઇ ગઈ.. કાલે હું આ નવી નોકરીની ખુશીમાં જ આઈસ્ક્રીમ લઇ આવેલો’

‘તો પછી તે કંઈ કહ્યું કેમ નહિ?’

‘વાત એમ હતી કે ગઈ કાલે હું ઘેર પાછો આવ્યો ત્યારે પશાકાકાને આવેલા જોયા એટલે તમને કહેવાનું માંડી વાળ્યું અને આમેય હું જોઈન ના કરું ત્યાં સુધી તમેં પણ કોઈને જણાવતા નહિ. નહીતર એન્જીનીયર થઈને આવી જોબ કરતી હશે... એક વખત વિચારી જોજે.... આવી બધી સલાહોનો મારો ચાલશે... એના કરતાં મને એક વખત મુંબઈ જતા રહેવા દો પછી તમે બધાને જણાવજો.’

‘ભલે જેવી તારી ઈચ્છા...... પણ ગઈકાલે તને ખબર પડી એટલે તે આઈસ્ક્રીમ ખવડાવેલો તો આજે અમને ખબર પડી છે એના માનમાં આઈસ્ક્રીમ તો ખાવો જ પડશે.’ નિશીથના પપ્પાની આંખોમાં આનંદોત્સાહ સમાતો નહોતો. અને આઈસ્ક્રીમ એમની મોટામાં મોટી નબળાઈ હતી.

‘એક કામ કર આઈસ્ક્રીમ ઘેર લાવવાની કંઈ જરૂર નથી.. ગાડી કાઢ.. આપણે બહાર જઈને આઈસ્ક્રીમ ખાઈએ... અરે સોરી.... ઝાપટીએ...’ ગુણવંતભાઈએ નિશીથને ગાલે પપ્પી કરીને રીતસર ઊંચકી જ લીધો...

‘મને સૌથી ખુશી એ વાતની છે કે મારા બેટાને એની મનગમતી ફીલ્ડમાં નોકરી મળી છે અને એ પણ પુરા માનસન્માન સહીત....’

ઘરમાં આજે આંસુઓની આવન જાવન તો ચાલુ જ હતી...

ત્રણેય જાણ ગાડી લઈને ઉપડી ગયાં અને મનપસંદ આઈસ્ક્રીમની મજા માણી.. ગુણવંતભાઈએ તો નક્કી કર્યા મુજબ આઈસ્ક્રીમ માત્ર ખાધો નહિ..... રીતસર ઝાપટ્યો જ... ઘરે પાછા આવ્યા પછી એમણે નિશીથને કહ્યું...

‘જો બેટા.. તને આટલી સરસ નોકરી મળી એ તો બરાબર છે પણ એના માટે થઈને હાલની ઓફિસમાં કોઈનું મન ખાટું થાય એવું નાં કરતો. તારામાં ક્રિએટીવી તો પહેલાંથી જ છે પણ એના બળ ઉપર તને માત્ર સ્ક્રીપ્ટ રાઈટરની જ નોકરી મળી શકત. તારી સ્કીલ માટે મને કોઈ શક નથી પણ તારી હાલની જોબનો મેનેજર તરીકેનો વહીવટી અનુભવ તને આટલી મોટી જોબ અપાવવામાં મદદરૂપ રહ્યો છે એવું મારું દ્રઢપણે માનવું છે’

‘તમારી વાત સો ટકા સાચી છે પપ્પા. અને એવું કંઈ નાં હોય તો પણ મને સંબંધ બગડવાનું ના પાલવે.. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા બંને ડાયરેક્ટર ને આ સમાચાર જાણીને મારા કરતા પણ વધારે ખુશી થશે.’

‘સરસ..સરસ.. તો પછી એક કામ કર.. તું અત્યારે જ રાજીનામું લખી નાખ... અને એ રીતે લખજે કે કોઈને કંઈ ખોટું નાં લાગે. પણ એક વાત યાદ રાખજે.. જ્યાં સુધી એપોઇન્ટમેન્ટ લેટર ના મળે ત્યાં સુધી રાજીનામું આપતો નહી. તને રાજીનામું આપવામાં કંઇ સંકોચ જેવું લાગતું હોય તો હું આવું તારા સાહેબને મળવા.’

‘ના પપ્પા, હું બધું સંભાળી લઈશ’

‘વેરી ગુડ... છતાં ય ક્યાય પણ અટકે તો તરત મારો સંપર્ક કરજે’

‘ઓકે પપ્પા..’ નિશીથે થમ્સ અપ આપીને સહમતી દર્શાવી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. થોડીવાર માટે શું લખવું તે વિચારીને પછી લેપટોપ ખોલીને બેસી ગયો... અને રાજીનામું લખવાનું ચાલુ કર્યું..

Dear Sir,

No journey in the life is endless and it ends at some point or another. And the same is the case of my journey with this organisation. . Thanks for providing me such a great experience working with your esteemed organization within my tenure of a span of four years. I hope the success of this company gains new high year after year as it has done so far.

I deeply regret if I have hurt any one within this organisation even unintentionally.

Thanking for your co-operation for last few years.

Yours Faithfully

Nishith Mehta

નિશીથે રાજીનામું લખીને પેન ડ્રાઈવમાં કોપી કરી લીધુ. લખતાં લખતાં નિશીથ વ્યાકુળ થઇ ગયો હતો. એણે પોતાના પ્રાણ રેડી દીધા હતા કર્મયોગી બનીને આજ પર્યંત પોતાના કાર્યક્ષેત્રને ઉત્કૃષ્ટતા બક્ષવા માટે. એક ઊંડો શ્વાસ લઈને એણે લેપટોપ એક ખૂણે મૂકી પથારીમાં લંબાવ્યું..

ક્રમશ:...