Paschatap in Gujarati Short Stories by Kevin Patel books and stories PDF | Paschatap

Featured Books
Categories
Share

Paschatap

"એ શું કામ આવી રીતે ચાલી ગઈ?સૌને એકલા મુકીને ..એને એક વાર પણ વિચાર નહિ આવ્યો હોય કે મારું શું થશે?" તપને ગળામાં રૂંધાયેલા શબ્દોને વાચા આપી.

" તું ક્યાં સુધી વિચારતો રહીશ એના વિશે?..ક્યાં સુધી તું આમ ભૂતકાળની ભૂતાવળમાં અટવાયેલો રહીશ ?...તારો ભૂતકાળ તને માત્ર અને માત્ર દુ:ખ અને અફસોસ આપશે." કૃપાલે સાંત્વના આપતા કહ્યું.

તપન ખોબામાં ચહેરો આવી જાય એવી રીતે ત્યાં ફૂટપાથ પર આવેલા બાંકડા પર બેસીને રોવા લાગ્યો.રાતના લગભગ સાડા અગિયાર હતા.રોડ પર વાહનોની અવરજવર ઓછી થતી જતી હતી.તપનના અફસોસમાંથી જન્મેલા રુદનના ડુસકા શિયાળાની ગુલાબી ઠંડીમાં ઓગળતા રહ્યા.અને કૃપાલ વારંવાર સાંત્વના આપતો રહ્યો.

*******

લગ્ન પછીનું હનીમૂન અને પછીના સાડા ત્રણ મહિના તો ખુબ સુખ અને શાંતિથી પસાર થઇ ગયા.અને અચાનક એક દિવસ નાની એવી વાતમાંથી એક મોટો ઝઘડો થયો.ઘરનું જમવાનું તો દુર રહ્યું પણ તપને ત્રણ દિવસ સુધી સામસામે રહીને અનન્યા સાથે વાત પણ ન કરી.પછી ચોથા દિવસે બંને ઝઘડો ભૂલીને એકબીજા સાથે બોલતા થઇ ગયા.એ દિવસે અનન્યાએ તપનને ભાવતી વઘારેલી ખીચડી અને મીઠી કઢી બનાવી હતી.તપન તો જાણે વર્ષોથી ભૂખ્યો હોય એમ આંગળા ચાટી ચાટીને ખાતો હતો.તપનને આવી રીતે નાના બાળકની જેમ જમતો જોઈને મનમાં ને મનમાં જ એ ખુશખુશાલ થઇ ગઈ.એ દિવસે રાતે બેડરૂમમાં અનન્યા તપનની છાતી પર માથું મુકીને રાતે મોડા સુધી વાતો કરતી રહી અને તપન અનન્યાના માથાના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતો રહ્યો.

લગ્નજીવનની ગાડી વળી પાછી પાટે ચડી ગઈ.બંને પાછા પતિ પત્નીના સ્વરૂપમાં નાના બાળકો બનીને જીવવા લાગ્યા.પણ નાની નાની વાતમાં ગુસ્સે થઇ જતા તપનને ઘણી વાર સંભાળવો મુશ્કેલ થઇ જતો.ઓફીસના ન ગમતા કામથી નાસીપાશ થઇ જતો તપન ક્યારેક ઓફિસનો બધો ગુસ્સો અનન્યા પર ઠાલવી દેતો.વળી પાછા એટલા જ પ્રેમ અને વાત્સલ્યથી અનન્યાને મનાવી પણ લેતો અને અનન્યા માની પણ જતી.

પણ એક દિવસ એ અનન્યાને ન મનાવી શક્યો.કદાચ દરેક વખતનો અનન્યાએ દબાવેલો પોતાનો ગુસ્સો આજ લાવરસ બનીને બહાર આવ્યો.જે દિવસે ઝઘડો થયો એ રાતે જ અનન્યા ઘર છોડીને તેના માતાપિતા ને ત્યાં ચાલી ગઈ.એક અઠવાડિયા સુધી બંનેમાંથી કોઈએ પણ એકબીજાને ફોન કે મેસેજ સુધ્ધા ન કર્યો.બંને પક્ષે વડીલોએ સમજાવ્યા પછી અનન્યા ઘરે પછી ફરી.ફરી પાછુ એ જ જીવન ચાલુ થયું.બંને પાછા હળીમળીને જીવવા લાગ્યા.

એક દિવસ અનન્યા બીમાર પડી.શરીરમાં તાવનો પારો ચડતો જ ગયો.શરીર વધુને વધુ ગરમ થતું ગયું.એ દિવસે રાત્રે તપન ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે ઘરમાં બધું એમ જ અસ્ત વ્યસ્ત પડ્યું હતું જેવું સવારે હતું.કઈ સમજાયું નહિ.તપન બેડરૂમમાં ગયો.અનન્યા ધાબળો ઓઢીને બેડ પર સુતેલી હતી.આખા શરીરમાં જીણુંજીણું કંપન થઇ રહ્યું હતું.

તપન એનું ઓફીસ બેગ રૂમના બારણે જ મુકીને બેડ તરફ દોડ્યો.અનન્યા પાસે બેઠો અને એના કપાળ પર હાથ મુક્યો.કપાળ એકદમ ગરમ હતું.અનન્યાનું આખું શરીર પરસેવે રેબજેબ થયેલું હતું.અનન્યાએ હળવેકથી આંખોના પોપચા ઉઘડ્યા.એની આંખોમાં થાક હતો..અને કીકીની આજુબાજુનો ભાગ એકદમ લાલચોળ થઇ ગયો હતો. તપન એનું ઓફીસ બેગ રૂમના બારણે જ મુકીને બેડ તરફ દોડ્યો.અનન્યા પાસે બેઠો અને એના કપાળ પર હાથ મુક્યો.કપાળ એકદમ ગરમ હતું.અનન્યાનું આખું શરીર પરસેવે રેબજેબ થયેલું હતું.અનન્યાએ હળવેકથી આંખોના પોપચા ઉઘાડ્યા.આંખોમાં થાક હતો..અને કીકીની આજુબાજુનો ભાગ એકદમ લાલચોળ થઇ ગયો હતો.અનન્યાની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું.

તપનને કઈ સમજાતું ન હતું.એ દોડીને બેડરૂમમાંથી બહાર આવ્યો.પાડોશમાંથી રમણભાઈને ઉઠાડીને લઇ આવ્યો.તપને બેડરૂમની ભીંત પર લટકાવેલી ઘડિયાળમાં જોયું.રાતના ૧૧ વાગ્યા હતા.રમણભાઈ પાછા દોડીને પોતાના ઘરે ગયા અને ગાડી બહાર કાઢીને તપનના ઘરની બહાર ઉભી રાખી.તપન અનન્યાને બે હાથ વડે ઊંચકીને બહાર લઇ આવ્યો અને અનન્યાને ગાડીની પાછળની સીટમાં બેસાડી અને દોડીને ઘરનો દરવાજો લોક કરીને પાછો ગાડી પાસે આવ્યો.ત્વરાથી એ ગાડીની આગળની સીટ પર બેઠો અને રમણભાઈએ ગાડી તીવ્ર ગતિએ શહેરના રસ્તા પર હંકારી મૂકી.

હોસ્પિટલના મુખ્ય દરવાજા સામે રમણભાઈએ ગાડી ઉભી રાખી.તપન હોસ્પીટલની અંદરની તરફ દોડ્યો.રિસેપ્શન પર કોઈ હતું નહિ એટલે એણે ત્યાં ખુરશી પર બેસીને ઝોલા ખાતા કમ્પાઉડરને ખભે હાથ મુકીને સહેજ ઝટકા સાથે હચમચાવ્યો.કમ્પાઉડર ઝબકી ગયો.

"એક દર્દી છે બહાર ગાડીમાં...ખુબ તાવ છે શરીરમાં..." તપને હાંફતા હાંફતા કહ્યું.

"ચાલો..." માથા પરની સફેદ ટોપી સરખી કરતા કમ્પાઉડરે કહ્યું.

બંને ઝડપભેર બહાર આવ્યા.અનન્યા બેહોશ થઇ ગઈ હતી.કમ્પાઉડરે બુમ પાડીને સ્ટ્રેચર મંગાવી.કમ્પાઉડરે અને નર્સે મળીને અનન્યાને સ્ટ્રેચર પર સુવડાવી અને ચેકઅપ રૂમમાં લઇ ગયા.રાતપાળીના ડોક્ટરની ટુકડી દોડીને આવી.રમણભાઈ અને તપન ચેક અપ રૂમની બહાર ઉભા હતા.અંદર અનન્યાની તપાસ ચાલુ હતી.

એક નર્સ ચેક અપ રૂમમાંથી બહાર આવી.બહાર બેઠેલા તપન અને રમણભાઈ ત્વરાથી નર્સ પાસે આવ્યા.

"દર્દીને આઈ.સી.યુ.માં લઇ જવા પડશે..." નર્સે કહ્યું.

તપનને પહેલા તો કઈ સમજાયું નહિ.એને શોક લાગ્યો હોય એવી રીતે રમણભાઈની સામે જોયું.

"તમારામાંથી જેને અનન્યા સાથે નજીકનો સંબંધ હોય એ મારી સાથે ચાલો....અમુક પેપર ફોર્માલીટી કરવી પડશે અને સવાર થતા ૫૦,૦૦૦ જેટલા એડવાન્સ જમા કરાવવા પડશે.." નર્સે કહ્યું.

" તમે પૈસાની ચિંતા ન કરશો..સવાર સુધીમાં અમે પૈસા ભરી દઈશું..અનન્યાની જે પણ ટ્રીટમેન્ટ કરવાની હોય તે તમે ઝડપથી ચાલુ કરો..." તપને કહ્યું.

એક તરફ નર્સ,રમણભાઈ અને તપન રીસેપ્શન તરફ ત્વરાથી ચાલવા લાગ્યા..બીજી બાજુ સ્ટ્રેચર પર સુવાડાવેલી અનન્યાને ચેક અપ રૂમમાંથી બહાર લાવીને આઈ.સી.યુ. તરફ લઇ ગયા.

બધી ફોર્માલીટી પૂરી કરીને તપન અને રમણભાઈ આઈ.સી.યુ. પાસે આવ્યા.અંદર ડોક્ટરની ટુકડી અવિરતપણે અનન્યાને હોશમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા.અનન્યાના નાક ઉપર ઓક્સીજન માસ્ક લગાવેલું હતું.માથાના અમુક સુંવાળા,મુલાયમ વાળ છુટ્ટા છવાયેલા એના ગુલાબી ગાલ પર પથરાયેલા હતા. એના કોમલ હાથની એક લીલી નસમાં અણીદાર સોય ભોંકેલી હતી.તપનને યાદ આવ્યું કે અનન્યા ઇન્જેક્શનથી બહુ જ ડરતી હતી.તો પછી આજે કેમ એ ચુપચાપ હતી.? કેમ આજે ઇન્જેક્શનથી ડરીને હોબાળો ન કર્યો.?? તપન મનોમન વિચારતો રહ્યો.

આઈ.સી.યુના દરવાજાની વચ્ચે આવેલી કાચની નાનકડી બારી માંથી અંદરનું દ્રશ્ય બહુ ભયાનક લાગતું હતું. અંદર ડોકટર ,નર્સ ,સૌ કોઈ અનન્યાની તબિયત સુધારવામાં લાગેલા હતા.થોડી થોડી વારે નર્સ બહાર આવતી.તપન કે રમણભાઈ કઈ પૂછે એ પહેલા તો એ દવા ,ઇન્જેક્શન વગેરે લઈને પાછી આઈ.સી.યુમાં ચાલી જતી.

સવાર સુધી લગભગ આવી રીતે જ ચાલતું રહ્યું.સુરજ હજુ ઉગાવામાં હતો.ડોક્ટરની ટીમ હજુ આઈ.સી.યુ.માં જ હતી.તપન વારંવાર કાચની નાનકડી બારીમાંથી અંદરનું દ્રશ્ય જોતો ઉભો રહેતો.

અનન્યા આખી રાત સુઈને ઉઠી હોય એમ સહેજ આંખો ખોલી.અજાણી દુનિયામાં આવી ગઈ હોય એમ એણે આજુબાજુ જોયું.તપન ટગર ટગર એની આંખો સામે જોઈ રહ્યો.કદાચ અનન્યાએ તપનની સામે જોયું હોય એવું લાગ્યું.ડોક્ટરની ટીમને જરાક શાંતિ થઇ.અનન્યાએ વળી પાછી આંખો બંધ કરી દીધી.શ્વાસ થોડા સામાન્ય થતા હોય એવું ડોકટરને લાગ્યું.અચાનક અનન્યાના શ્વાસ ભારે થવા લાગ્યા.એ ઝડપભેર શ્વાસ લેવા માંડી.બહારથી તપનને દોડીને અંદર જવું હતું પણ દરવાજો અંદરથી લોક હતો.અને પછી અચાનક જ અનન્યાના શ્વાસ એકદમ ધીમા થયા. વધુ ને વધુ ધીમા થતા ગયા.અને છેલ્લે એકદમ જ બંધ પડી ગયા.ડોક્ટરની ટીમ સ્તબ્ધ બનીને ઉભી રહી ગઈ.

તપનને પણ કઈ સમજાયું નહિ.કદાચ સમજાયું પણ ખરાબ સપના જેવું લાગ્યું.ડોક્ટર બહાર આવ્યા.

"વી આર સોરી....અમે દર્દીને ના બચાવી શક્યા..." ડોકટરે તપનના ખભે હાથ મુકીને કહ્યું.તપન મૂંગો થઈને ત્યાં જ ઉભો રહી ગયો.જે આઈ.સી.યુ રૂમની અંદર થોડી ક્ષણ પહેલા દોડીને જવું હતું એ રૂમ અત્યારે ખુલ્લો હતો.પણ એના પગ ત્યાં જ જડાઈ ગયા હતા.

****

એ દિવસ અને આજની વચ્ચે પૂરું એક વરસ પસાર થઇ ગયું હતું.

તપનની આંખો સુકાઈને લાલચોળ થઇ ગઈ હતી.કૃપાલે તપનની આંખમાં જોયું.એક પસ્તાવો હતો આંખોમાં ..પશ્ચાત્તાપ હતો...કદાચ અનન્યાને ઘણો બધો પ્રેમ કરી શકાયો હોત...અનન્યાના મૃત્યુને રોકવું એના હાથમાં ન હતું પણ છેલ્લી ક્ષણ સુધી એને પ્રેમ કરવો એ તપનના હાથમાં હતું.