કુદરતની ક્રૂર મઝાક
પટેલ જીજ્ઞા
લેખક પરિચય:-
પટેલ જીજ્ઞા વ્યવસાયે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.નાનપણથી જ વાંચનમાં શોખ ધરાવતા લેખિકા વાંચનના તેના અનુભવોને કલમથી કંડારવાના કામ સાથે સલગ્ન છે.શાળામાં આવતા ઘણા શામયીકોમાં પોતાના લેખોને પ્રકાશિત કરી ચુક્યા છે.આ ઉપરાંત માતૃભારતી માં પણ તેમની બુક ઉપલબ્ધ છે. પોતાની સ્વતંત્ર વિચારધારાથી વાંચકોનું દિલ જીતનાર લેખિકા વઘુ સફળતાના શિખરો સર કરે તે માટે વાંચકોનો સાથ સહકાર જરૂરી બની રહે છે. માટે તમારા અભિપ્રાયો આપવા અપીલ છે.જેથી ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય અને સાથે-સાથે લખાણને ઉત્કૃષ્ઠ બનાવી શકાય.
કુદરતની ક્રૂર મઝાક.........
શિક્ષણ જગત માં બનતી કેટલીક હ્ર્દયદ્રાવક ઘટનાઓનું તલસ્પર્શી અવલોકન,અર્થઘટન કરીને હું આપની સામે ફરી એક વાર ઉપસ્થિત થાવ છું. ખરેખર, જ, વાંચકોના પ્રતિભાવોથી ભીતર માંહ્યલો સાગર વધુ મોજા ઉછાળે અને ફરી ફરીને આપની સામે હું કોઈક નવી વાર્તા દ્વારા કોઈ સંદેશો ખૂણે-ખૂણે પોહ્ચાડવા માટે મોટીવેટ થાવ છું.
અક્ષર એવું બનતું હોઈ છે કે કોઈ વ્યક્તિ નાના એવા સારા કામ બદલ પ્રસંશા નથી મેળવી શકતો, તેનું એક નેક કામ બધાની ધ્યાન બહારું રહી જાય છે.સાબાશીના બે બોલની પાત્રતા ધરાવનાર આવા વ્યક્તિ માટે “નેકી કર દરિયા મેં ડાલ” વાળો ઘાટ બની જાય છે.એનો મતલબ એમ પણ નહિ કે બધાને એવોર્ડ મળે,મીડિયામાં તેની વાહ-વાહ થાય,પણ એક સારા કામ માટે કોઈને બિરદાવવાથી બીજા સો નવા સારા કામ કરવા વાળા જન્મ લે છે.એવા જ એક શિક્ષકની કહાની છે.જેના માટે સાચે જ હેટ્સ ઓવ કરવાનું મન થાય.
પ્રકૃતિના ખોળે રમતું નગર એટલે વલસાડ.ત્યાં કુદરત મન મુકીને ખીલી છે.નાની-નાની ડુંગરમાળોએ ઓઢેલી લીલી ચુંદડી બારે માસ લેહરાતી રહે છે.અને નદીઓનો તો પાર જ નહિ.માન-તાન-પાર-ઓરંગા-સ્વર્ગ્વાહીની આવી તો ઘણી નાની મોટી નદીઓ અહી જંગલને કાયમી લીલકાવતી રહે છે.ક્યારેક કુમારી બનીને લોકોનું દિલ જીતી લેતી તો ક્યારેક માં જગદંબાનું સ્વરૂપ લઈને પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવતી.પોતાના ઉદરની અમીધારાથી તૃપ્ત કરતી આ નદીઓ ક્યારેક અતૃપ્ત આત્મા જેવું બનીને પોતાના ઉદરમાં તળિયે સુધી લઇ જનાર જીવોનો ભોગ લેતી.પણ નદી તો નદી જ કેહવાય.બસ એક ક્ષણ પણ બગડ્યા વગર બસ વહ્યા કરે.
આવી જ એક નદી ‘પાર’.પારનેરાના ડુંગરો માંથી નીકળતી હોવાથી આ નદીનું નામ પણ એટલે જ ‘પાર’ એવું પડ્યું.અને પાર નદીને કાઠે વસવાટ કરતુ શહેર પારડી.શહેરથી થોડે જ દુર આવેલું એક ગામ.જ્યાંથી પાર નદી શાંત પારેવા જેવી લાગતી.અને નદીને કાઠે જ નાની એવી શાળા.નદીનો વિશાળ તટ,ફરતે નાના-નાના ડુંગરો,વ્રુક્ષોનો પણ પાર નહિ અને સાદા નળીયાવાળા ૩ ઓરડાઓ.આ બધું જોઈ ઋષિ પરંપરાની આશ્રમ શાળા યાદ આવી જાય તેવી આ સરકારી શાળા આખો દિવસ નાના-નાના બાળકોના કોલાહલથી ધમધમતી લાગે.શાળામાં ૨૨ જેટલા જ બાળકો અને એક શિક્ષક. શાળા કરતા એ એક ઘર જેવું વધારે લાગતું હતું. જેમ બાળકોને માં વહાલી હોઈ તેવા જ વહાલા શિક્ષક તરુલતાબેન.
તરુલતાબેન પારડી શહેરમાં રેહતા.ઉમર પણ હજી નાની જ હતી. એકલા હાથે શાળાનો દોર સંભાળતા હતા,પણ આજુ બાજુની શાળાઓ માટે એક આદર્શ શાળાનો દાખલો પૂરો પડતા હતા.એમનો હસમુખો સ્વભાવ જ બાળકોને આકર્ષતો.નાના નાના બાળકોને હુલામણા નામથી બોલાવે ત્યારે બાળકો આનંદમાં આવી જતા.ક્લાસની મોનીટર જૈનાક્ષીને જયુ કહી ને બોલાવે એટલે જયુ તો માંડે ઠેકડા મારવા.પ્રાર્થના પૂરી થતા જ બાળકો ભજન...ભજન ની બુમો પાડે અને તરુબેન કોયલના જેવા મધુર કંઠથી.....
“ વડલો કહે છે વાનરાઓ સળગી....
મેલી દિયો જુના માળા....
કે ઉડી જાવ...પંખી પાંખું વાળા......”
જયારે ગાતા ત્યારે બસ બે ઘડી એક મૌન છવાઈ જતું.જાણે બાળકો પર કોઈ જાદુ ચલાવ્યો હોઈ તેમ હાથ-મો હલાવ્યા વગર એક ચિતે ભજન સાંભળી બેસી રેહતા.
બાળકોનો જીવ બેનમાં અને બેનનો જીવ બાળકોમાં.શાળામાં બેનની ગેર-હાજરીમાં પણ હાજરી જેવું જ વર્તન.સ્વયં શિસ્ત અને સ્વયં સંચાલનથી ચાલતી આ શાળામાં સફાઈ,પ્રાર્થના,શિક્ષણકાર્ય બધુ જ નિયમિત અને પદ્ધતિસરનું. વિશાળ પટાંગણમાં રોપેલા છોડ અને દરેક છોડ પર એક નામ.એ નામ હતા વિદ્યાર્થીઓના જેમણે એ છોડ રોપેલા હતા.તેમને ઉછેરવાની જવાબદારી સાથે નામ લગાવેલા હતા.
શાળાનો સમય થતા જ બાળકો વેહલા આવીને શાળાના દરવાજેથી દેખાતી નદીના પુલ પર મિટ માંડી ને ઉભા હોઈ.બેન ને આવતા જોઇને હરખાઈ જતા આ ભૂલકાઓ ખરેખર નિર્દોષ અને માસુમ ભગવાનના રૂપ જેવા જ મોહક લાગે છે.બાળકો ખરેખર ભગવાનનું જ રૂપ છે.તેની બધી જ પ્રવૃતિઓ સ્વાર્થ રહિત હોઈ છે. ક્યારેક કંટાળીને થાકી જૈયે ત્યારે એક બાળકને ઘડી ભર જોઈ લેજો મન પ્રસન્ન થઇ જશે. જગજીતસિંહ ની એક પ્રખ્યાત ગઝલના શબ્દો મને યાદ આવી જાય છે.
“ યે દોલત ભી લે લો,
યે સોહરત ભી લે લો,
મગર લૌટા દો મુજે વો બચપન સુહાના,
વો કાગઝ કી કશ્તી, વો શીશે કા પાની....”
કુદરત પુરેપુરી રીતે મહેરબાન હતો આ બાળકો પર.કેમ કે માં જેવી મમતા અને બાળકો જેવું વહાલ, આવી આપ-લે જ્યા થતી હોઈ એવી શાળા તો ભાગ્યે જ જોવા મળે.પણ એ જ કુદરત એક દિવસ વિફરી ગઈ.
જુલાઈ મહિનો જામ્યો હતો.ફરતે દેખાતા ડુંગરાઓ કાળા વાદળોને માથે મેહમાન બનાવ્યા હતા.પાંદડું પણ ના હિલચાલ કરે એટલી સ્તબ્ધતા વર્તાઈ રહી.ગરમીએ માઝા મૂકી.અને જોતજોતામાં આભમાં દિશા ચીરતો એક વીજળીનો ચમકારો થયો. ચમકારાની સાથે જ વાદળોના બધા જ બંધનો તૂટી પડ્યા હોઈ તેમ સાંબેલા ધારે માંડ્યો વર્ષવા.વરસાદ પછી ભીંજાતી માટીની ભીની-ભીની સોડમ ચારે દિશામાં પ્રસરી ગઈ.ખાડા-ખાબોચિયા-તળાવ-સરોવર અને ધીમે ધીમે નદીને નવા નીર મળ્યા.
શાળાનો સમય પણ થઇ ગયો હતો.બાળકો પ્લાસ્ટીકની કોથળીમાં દફતર ભરીને આવી પહોચ્યા હતા.વર્ગની બારીમાંથી બેનના આવવાની રાહ જોઈ રહ્યા હતા.તરુબેન પણ ઘરેથી સમયસર નીકળી ગયા હતા. શાળામાં બાળકો વરસાદમાં પલળતા હશે એવી ચિંતામાં આજે ટીફીન પણ ઘરે જ ભૂલી જવાયું.મનમાં એક જ વાત ઘૂંટાતી હતી બાળકો વરસાદમાં ક્યાંક પલળીના જાય.કોઈ ને કઈ થઇ જશે તો આવા વિચારો સાથે ઉતાવળે રિક્ષા કરાવીને ગામમાં પોહચી ગયા.સ્ટેન્ડથી સ્કુલ થોડી દુર હતી એટલે ચાલીને જવાનું હતું.વરસાદ બંધ થવાનું નામ નતો લેતો. મોટા-મોટા છાંટે અવિરત ચાલુ જ હતો.આકાશનો કાળોતરો રંગ વધુ ડરામણો લાગતો હતો.વીજળીના સેળકા આભથી ધરતી સંસોરવા રેલાતા હતા.સાથે ફૂંકાતો પવન પણ એટલો જ ઝીદ્દી હતો.છત્રીને બે હાથે કસીને પકડી હોવા છતાં તેનું બેલેન્સ સરખું નતુ જળવાતું.નદીમાં પાણી વધ્યે જતું હતું. તરુબેન પવનના ઝાપટા ઝીલતા અડધા ભીંજયેલી હાલતમાં નદીના કાંઠા સુધી પહોંચી ગયા હતા.મનમાં બસ એ જ વિચારો ચાલતા હતા ‘ કે આવા વરસાદમાં બાળકો ગભરાઈ જશે.વીજળીથી ડરતા હશે.સ્કૂલમાં જઈને રજા જ આપી દવ.’
નદીમાં પાણી હવે પુલની સપાટી સુધી પોહચી ગયું હતું.તરુબેને છત્રી ઉંચી કરીને સામે નજર કરી.બાળકો તેમની રાહ જોતા સામે દરવાજા પાસે ઉભા હતા.સ્પષ્ટ દેખાતું નતુ. પણ નાના-નાના ભૂલકાઓ તો ડરના માર્યા ત્યાંથી ખસશે પણ નહિ.એટલે બસ હવે થોડી જ વારમાં ત્યાં પોહ્ચીને તેમને ઘરે રવાના કરી દઈશ.બાળકોને પણ પરિચિત લાલ સાડીમાં બેનને જોઈ જીવમાં જીવ આવ્યો હોઈ તેવો હાશકારો અનુભવવા લાગ્યા.અને પોતાના બાળકો માટે તરુબેન પુલની નીચેથી જતા ધસમસતા પ્રવાહની પરવા કાર્ય વગર જ ચાલવા લાગ્યા.ગાંડી તુર બનેલી નદી આજે કોઈ ની વાત સાંભળે એમ ક્યાં હતી! પાણીનો વેગ પણ ખુબ તેજ હતો.ઠેકડા મારતું પાણી ગામ આખાનો કચરો લઈને દોહળુ થઇ ગયેલું. બે...ચાર..કદમ ચાલ્યા ત્યાં પાણી થોડું વધતું લાગ્યું. પુલની અધ વચ્ચે આવી ગયેલા તરુબેને પુલની ડાબી બાજુએ નઝર કરી.પાણીનો એકસામટો પ્રવાહ ઉછાળા મારતો જઈ રહ્યો હતો.અને પછી જમણી બાજુએ જોતા જ માં જગદંબાનું બિહામણું રૂપ.....અધધધ.....વિશાળ રેલમાં આવતું પાણી જાણે તેમણે ખેચવા જ આવે છે.પાણીમાં રહેલો કાળો રક્ષાસ તેના સામે અટ્ટ હાસ્ય કરે છે. સાડીમાં પાણી ભરાઈ રહ્યું હતું.પગ ઉપાડતા નતા. ઉપરથી ધોધમાર વરસાદ અને પવનની થાપટો સામે છત્રીના રામ તો રમી ગયા.સામે મોત ખડું છે એવો ભણકારો તરુબેનને થવા લાગ્યો.હવે પાછુ પણ વળી શકાય તેમ પણ નતુ.પાણી થોડું ઊંચું આવ્યું.દરરોજ બેનને આવતા જોઈ બુમો પડતા હતા એ બાળકો આજે મૌન હતા.અને આગળનું કદમ ઉઠાવવા જતા જ પાણી પોતાના પ્રવાહમાં તરુબેનને તાણી ગયું......સેકંડના છઠા ભાગમાં જ બધું બની રહ્યું હતું.જે નદીને જોઇને તરુબેને ક્યારેક પુર વિષે નિબંધ લખાવ્યો હશે એ નદી આજે પ્રેક્ટીકલ બની ગઈ.બાળકોની પોકો શરુ થઇ..બેન...બેન...બેન......પણ બેન ક્યાંય દેખાયા નહિ.ગળી ગયો એ કાળ નામનો રક્ષાસ.બસ કાગળો થયેલી છત્રી અને એક ઊંધું ને એક ચતુ પાણીમાં તરતા બેનના ચપ્પલ.
કુદરતની આ ક્રૂર મજાકને કુમળા છોડ જેવા બાળકોએ આંખની સામે નિહાળી અને તેમના વહાલસોયા બેન તેમની સામે જ ગુમાવી દીધા. તેમણે ગાયેલા ભજન ના શબ્દો ફરી યાદ આવી ગયા.
“વડલો કહે છે વાનરાઓ સળગી મેલી દિયો જુના માળા
હે ઉડી જાવ પંખી પાંખો વાળા.....”
અને પાંખ વગરનું પંખીડું ઉડી ગયું.