Postmortem in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | પોસ્ટમૉર્ટમ

Featured Books
Categories
Share

પોસ્ટમૉર્ટમ

“પોસ્ટમોર્ટમ”

શહેરનો હાર્દ સમો ભરચક વિસ્તાર. રોશની ઝગમગાહટ અને નવાવર્ષને વધાવવાની ઈંતેઝારી વચ્ચે બધાંયને જાણે ક્યાંકને ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય એમ ટ્રાફિકની લાંબી ભરમાર, ટીં..ટીં.. પીં..પીં..ના અવાજ, ટ્રાફિક સિગ્નલ પર ઝબૂકતી પીળી લાઈટો અને ચારે દિશામાં ઉભરાતું માનવ મહેરામણ. આ બધાંને ચીરતી એક સફેદ રંગની ‘+’ નિશાની વાળી ગાડી ઝડપથી આગળ વધી રહી હતી.

એક તો રાતનો સમય અને ઘરમાં ઉપરાછાપરી બનેલાં અનિચ્છનીય પ્રસંગો. એના કારણે વ્યથિત હૈયાની વેદના સાથે આમ અચાનક આવવાનું ડૉ. જે.ડી.ને જરાપણ ગમ્યું તો નહોતું પણ થાય શું??? શહેરના એસ.પી. વાઘેલા સાહેબ સાથેની મિત્રતા પણ તો એવી ઘનિષ્ઠ હતી ને!!!!

“સોરી સોરી!! વાઘેલા સાહેબ, આઈ એમ લેટ બટ યુનો, આ ટ્રાફિક ઉફ..... કહેવું પડે બાકી આખા શહેરના ચોર, પાકીટમાર અને ઉઠાવગીરો ઉપર તારી જબરજસ્ત પકડ છે, પણ યાર.... આ બેફામ ને બેલગામ ટ્રાફિક ઉપર તારી કડપ અજમાવ તો જાણીએ કાંઈ!!! પણ હવે શું?? આવતીકાલથી તો આપ રિટાયર્ડ થઈ રહ્યા છો ને મહાનુભાવ!!! વેલ વેલ જોક્સ અપાર્ટ, કેસ શું છે?? બોડી કોની છે?? મેલ કે ફિમેલ?? ઉંમર?? કારણ??” હળવા મૂડમાંથી પોતાની ફરજ પરસ્ત વાણીમાં પ્રશ્ર્નોનો મારો ચલાવતાં ડૉ. જે.ડી. બોલ્યા.

“જે.ડી., ૨૨-૨૫ વર્ષના છોકરાની બિનવારસુ લાશ છે. બિનવારસુ એટલા માટે કે, એના પૉકેટના ખિસ્સામાંથી અમને એવું કંઈ મળ્યું જ નથી કે જેને કારણે એની ઓળખ શક્ય બને. વેલ, આવતીકાલે અખબારમાં જાહેરાત અપાવી દઉંછું... જોઈએ કોઈ સગું-વ્હાલું નીકળી પણ આવે મે બી...” એસ.પી. વાઘેલા સાહેબે લાશની વિગત આપતાં કહ્યું.

“સ્યુસાઈડ... ઓર...??”

“નોટ એક્ઝેટ્લી, મે બી ઓર મે બી નોટ. ચાલતી ટ્રેન તળે આપઘાત કે પછી એક્સીડૅન્ટનો કેસ છે. બંને પગ કપાઈ ગયા છે. પણ યાર.. મોઢાનું તેજ જોતાં કોઈ ખાનદાન કુટુંબનો નબીરો હોય એવું માલુમ પડેછે. હં...ઉં..... જેવી ઈશ્ર્વરની ઈચ્છા!! આપણે શું કરી શકીએ?? ચલ, ત્યારે તું તારું કામ પતાવ. આ તો શું હું કાલે રિટાયર્ડ થાઉંછું એટલે મને એમ કે જો તું પોસ્ટમોર્ટમ કરીને એકાદ-બે કલાકમાં એનો રિપોર્ટ આપી દે તો હું એને સબમીટ કરીને મારું કામ પૂર્ણ કરી શકું. અધરવાઈસ યાર..., તારા પર્સનલ પ્રોબ્લેમથી હું ક્યાં વાકેફ નથી....??”

“ઓ...કે.... ઓ...કે.... એ તો ચાલ્યા કરે યાર... ચલ કંઈ વાંધો નહીં, પણ એક પ્રોબ્લેમ છે. હમણાં મારો પૂરેપૂરો સ્ટાફ હાજર નથી એટલે પ્લીઝ! તું ઉતાવળ ન કરજે. સહેજે બે થી અઢી કલાકનો સમય નીકળી જશે. અને એની વચ્ચે મને કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ. માટે તું તારે શાંતિથી તારી ઑફિસે જા, કામ પતી ગયા પછી હું તને સામેથી ફોન કરીશ.” ડૉ. જે.ડી.એ હાથમોજા ચડાવતાં કહ્યું.

વાઘેલા સાહેબના ગયા બાદ ડૉ. જે.ડી.એ વોર્ડબૉય દ્વારા તૈયાર કરી રાખેલા કપડાં પહેરીને પોસ્ટમૉર્ટમ રૂમમાં નિર્લેપ ભાવે પ્રવેશ કર્યો. ટેબલ પર લાશ પડી હતી જેની પગથી માથા સુધી ઓઢાળાયેલી સફેદ ચાદર કમરથી નીચેના ભાગે લાલ થઈ ગઈ હતી. એ જોતાં ભલભલાનું હ્રદય દ્રવી ઉઠે પણ અત્યાર સુધીમાં અગણિત લાશોનું પી.એમ. કરવાને કારણે એમનું હ્રદય પથ્થરનું અને ચહેરો ભાવશૂન્ય બની ગયા હતા.

શહેરની પ્રતિષ્ઠિત હૉસ્પિટલના કાબેલ અને એકમાત્ર પી.એમ. સ્પેશિયાલિસ્ટ ડૉ. જે.ડી.એ પોસ્ટમૉર્ટમ રૂમમાં ટિંગાળેલા વૉલક્લોકમાં નજર કરી. “બરાબર નવના ટકોરા.... ભ’ઈસાહેબ, આપનું હેપ્પી ન્યુ યર આજે આ ડેડબોડી સાથે મનાવવાનું જ લખ્યું લાગેછે તમારા નસીબમાં.... ચલો ત્યારે...” સ્વગત બબડતાં તેઓ પી.એમ. કરવાની તૈયારીઓ કરવા લાગ્યા.

“હં..અ.. હં... બંને પગ કપાઈ ગયા છે હં.., પે’લો ચેકો માથા પર જ લગાવવો પડશે એટલે ચાદરને માથા પરથી.......” આદત મુજબ પોતાના આસિસટન્ટને સંબોધતાં તેઓ બોલ્યા. પણ ૩૧મી ડિસેમ્બરની રાત હોતાં એમનાં બંને આસિસ્ટન્ટ રજા ઉપર હતાં અને બાકીના બે વોર્ડબૉય પોતાનું કામ પૂરું કરીને બહાર છાંટો-પાણીમાં વ્યસ્ત હતાં.

એ વાતનો ખ્યાલ આવતાં કંટાળાના ભાવ સાથે એમણે પોતે જ લાશના મોઢા ઉપરથી ચાદર ખસેડી. અને ચાદર ખસેડતાં જ જાણે એમના પગ નીચેની જમીન સરકવા લાગી.

“અરે!!... આ.. તો... આયુ.... ના.. ના.. એ એ અહિંયા ક્યાંથી હોય?? એ આવું... એની સાથે આવું... નો નો ઈટ ઈઝ ઈમ્પોસિબલ યાર..” પાષાણ હ્રદયના ડૉ. જે.ડી. પણ હબક ખાઈ ગયા. “આ તો કોઈ બીજું.... ના.. પણ.... એ જ ચહેરો, એ જ સોનેરી ઝુલ્ફોં, લાંબુ અણિયારું નાક, હડપચીમાં પડતો ખાડો ને ખાડામાં શોભતો કાળો તલ.... હા.. હા... આ તો એ જ છે આયુષ્યમાન.... મા....” બાકીના શબ્દો એમના ગળામાં જ રહી ગયા.

થોડીવાર માટે ભાવુક થઈ ગયેલા ડૉ. જે.ડી.ના ચહેરા પર સ્વભાવગત કડકાઈ આવી ગઈ. “હજુ બે-ચાર મહિના પહેલાની જ તો વાત છે. આજ હૉસ્પિટલમાં.... હા.. હા.. મારી કેબિનમાં મને મળવા આવેલો. સોનેરી ઝુલ્ફોં ઉડાડતો, ચહેરા પરની વેદના સંતાડતો, કરગરતો, હિબકે ચડેલો.... પણ હું તો હું છું ને!!! ક્યાં એકનો બે થયેલો હતો ત્યારે પણ....????” ભૂતકાળમાં સરી પડતાં ડૉ. જે.ડી. સ્વગત બોલ્યા.

***********

“જુઓ ડૉ. સાહેબ, હું આજે જે કામ માટે આવ્યો છું એના માટે મારે કોઈ લાંબી પૂર્વભૂમિકા બાંધવાની જરૂર નથી. મારી માં મરવા પડી છે અને એની છેલ્લી ઈચ્છા તમને મળવાની, તમારા હાથે મુખાગ્નિ પામવાની અને સમાજની સામે મારો સ્વીકાર......”

“...સ્વીકાર...??? નો.. નેવર.. ઈટ ઈઝ ટોટલી ઈમ્પોસિબલ.. ગોટ ઈટ યંગ મેન..??” વાતને અધવચ્ચેથી જ કાપતાં ડૉ. જે.ડી. તાડૂકીને બોલ્યા.

“આયુષ્યમાન... મારું નામ આયુષ્યમાન રાખ્યું છે મારી માં એ, સર..” આંખોમાં એક અજબની ચમક સાથે તે બોલી ગયો.

“હા.. હા.. એ જે હોય તે. સાંભળી લે મારી એક વાત. તારી માં નું મને મળવું અને એના ફળ સ્વરૂપ તારું આ દુનિયામાં આવવું એ જસ્ટ એન એક્સીડૅન્ટ હતું મારા માટે. અને આ વાત હું તમને બંનેને હજારો-લાખો વાર સમજાવી પણ ચૂક્યો છું. તો એના પછી પણ મને વારેઘડી ઈમોશનલી બ્લેકમેલ કરવા તું અહિંયા શું કામ આવી ચડે છે??? નાઉ લિસન પ્રોપર્લી યંગમેન, સો વાતની એક વાત, ગેટ લોસ્ટ એન્ડ ડોન્ટ કમ અગેઈન.”

“ચલો માની લઈએ કે, બીજા બધા સંબંધને તમે ભૂલી જાઓ પણ એક ડૉકટર હોવાને નાતે કમસેકમ માણસાઈનો ધર્મ તો...”

“કયો ધર્મ નિભાવવો ને કયો ન નિભાવવો એની સલાહ તારી પાસેથી લેવાની મારે કોઈ જરૂરત નથી, સમજ્યો?? તારી માં સાથેનો સંબંધ મારી ટીનએજની જસ્ટ ફોર ફન સમાન.... વેલ, સમાજમાં મારી આબરૂ છે, રુતબો છે યુ નો અત્યારે હું એક વેલસૅટલ્ડ પોસ્ટમૉર્ટમ સ્પેશ્યાલિસ્ટ ડૉકટર છું.....”

“પોસ્ટમૉર્ટમ સ્પેશ્યાલિસ્ટ.... હં...ઉં.... સોરી ટુ સે, પણ સર તમે લાશોનું પી.એમ. કરતાં કરતાં પોતાના હ્રદયને પણ નિષ્ક્રિય બનાવી દીધું છે જેની અંદર કોઈપણ જાતની લાગણીઓના અંકુરને પાંગરવાનો કોઈ અવકાશ જ નથી રહ્યો. પણ અમારી લાગણીઓનું શું??? તમે તો પોતાની જેમ અમારા હ્રદય, અમારી લાગણી, અમારી સંવેદના.... એ તમામને પણ મૃત:પ્રાય સમજીને એની સામે જોવા સુધ્ધાંની દરકાર રાખતાં નથી એનું શું???”

“લિસન ટુ મી, જે મરી ગયું છે તે પાછું કયારેય પુર્ન:જીવિત થઈ શકવાનું તો નથી જ તો પછી શામાટે....????”

“નાઉ લિસન ટુ મી... સર.., ઓકે હવે હું તમને તમારી ભાષામાં જ સમજાવું.. તમારા કહેવા મુજબ તમે એક પોસ્ટમૉર્ટમ સ્પેશ્યાલિસ્ટ છો તો પછી ડૉકટર સાહેબ તમે કયારેય આ મૃત લાગણીઓનું પી.એમ. કરી જોયું છે??”

“..........................”

“નહીં ને...??? જો તમે કર્યું હોતતો તમને એ લાગણીઓના મરવાના કારણો, એના મૃત:પ્રાય થવાની વેદના અને એને મૃત:પ્રાય થતી બચાવવાના ઉપાયો વિષેનો અચૂક ખ્યાલ આવ્યો જ હોત... ખેર, જિંદગીમાં કયારેક એવો મોકો મળે તો એક વધુ પી.એમ. કરવાનું છે એમ સમજીને આના કારણો શોધવાની જહેમત જરૂરથી ઉઠાવજો સાહેબ...”

વાત પોતા ઉપર આવીને ઊભી રહી એટલે ડૉ. જે.ડી.નો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠયો. એમણે આયુષ્યમાનને બોચીથી પકડીને ગાલ ઉપર એક તમાચો ઝડી દીધો અને ત્રાડ પાડીને બોલ્યા, “ગેટઆઉટ.......”

“તમારી કેબિનમાંથી મને ગેટઆઉટ કહેવાનો તમને પૂરેપૂરો રાઈટ છે સર, પણ તમારી જિંદગીમાંથી મને કયારેય સંપૂર્ણપણે આઉટ નહીં જ કરી શકો. એક દિવસ તો એવો ઉગશે જયારે તમારે આ સ્વીકારવું જ પડશે. બસ પ્રભુને એજ પ્રાર્થના છે કે, એ દિવસ જોવા મને જીવતો જરૂર રાખે. કારણકે, તમારા તુચ્છકારથી મારી માં ને જો કાંઈ થયું તો હું પણ...... અને એની સમ્રગ જવાબદારી ફક્ત ને ફક્ત તમારી, તમારી ને તમારી જ રહેશે.”

***************

“જવાબદારી...... સાવ સાચી વાત કહી’તી આ છોકરાએ. ખરા અર્થમાં જવાબદારી કોને કહેવાય એ તો હું સમજી જ ક્યાં શક્યો હતો. જવાબદારી, લાગણી, પ્રેમ, સંવેદના... આવા શબ્દોને તો મેં મારી ડિક્ષનેરીમાંથી કયારનાયે કાઢીને ફેંકી દીધા હતાં. લત્તા સાથેના સંબંધને તો ટીનએજની ભૂલ ગણીને ભુલાવીદીધો પણ ત્યારબાદ શું કર્યું મેં......???? પૈસાની લાલચમાં એક ગુંગી છોકરી સાથે લગ્ન, અને તેના થકી બે સંતાન.... પણ... એમની લાગણીઓની પણ મેં કયારે પરવા કરી હતી??? એમની લાગણીઓને મારી નાખવાની જવાબદારી પણ ક્યાં સ્વીકારી હતી??? એના રિએકશન સ્વરૂપે જ તો મારી બંને દીકરીઓએ ઘર છોડયું ને પત્નિએ દુનિયા... હં....”

એક ઊંડો નિસાસો નાખીને ડૉ. જે.ડી. આયુષ્યમાનના મૃત ચહેરાને તાકી રહ્યા. તેના ઠંડાગાર કપાળ પર હળવેકથી હાથ ફેરવતાં ડૉ. જે.ડી. ગળગળા સાદે બોલી ગયા. “મેં મારી આખી જિંદગીમાં જે બોલ્યો તે કરીને જ બતાવ્યું હતું એમ તે પણ તારું બોલેલું પાળ્યું નહીં??? અંતે તું મારો જ દીકરો....” ભૂતકાળમાં કરેલી ભૂલોને યાદ કરતાં એમની આંખોમાંથી વહી રહેલી અશ્રુની અસ્ખલિત ધારા આયુષ્યમાનના નિર્જીવ શરીરને ભીંજવી રહી.

*******************

“ડૉકટર... ડૉ. જે.ડી., અલ્યા લાશ સાથે વાતે વળગી ગ્યો’કે શું???” બે-અઢી કલાક જેટલો સમય વીતવા છતાં ડૉ. જે.ડી. તરફથી કોઈ મૅસેજ ન આવતાં વાઘેલા સાહેબે રૂબરૂ આવીને રિપોર્ટ લેવા માટે પી.એમ. રૂમનો દરવાજો ખટખટાવતાં પૂછ્યું.

ઘણીવાર સુધી દરવાજો ખટખટાવ્યા છતાં પણ કોઈ જવાબ ન મળતાં વાઘેલા સાહેબના ઑર્ડર મુજબ હવાલદારે દરવાજાને ધક્કો મારીને તોડી પાડ્યો. “ડોકટર આર યુ ધેર....????” બૂમ પાડતાં તેઓ અંદર ધસી આવ્યા.

“ડોકટર......” વાઘેલા સાહેબનો અવાજ ફાટી ગયો. અંદરનું દ્રશ્ય જોતાં જ તેઓ આભા બની ગયા. સ્ટ્રેચર પડેલી લાશની બાજુમાં રહેલી ખુરશી પર ડૉ. જે.ડી.નો નિષ્પ્રાણ દેહ ઝૂલી રહ્યો હતો. એમના એક હાથથી લાશના હાથનું પ્રગાઢ મિલન થયેલું હતું અને બીજા હાથમાં પી.એમ.નો રિપોર્ટ હતો. વાઘેલા સાહેબે એને પોતાના હાથમાં લઈને વાંચવા લાગ્યા.... એમાં લખ્યું હતું…….

વ્યકિતનું નામ = આયુષ્યમાન જીવનદાસ સોયવાલા

ઉ.વર્ષ = ૨૩ વર્ષ ને ૪ મહિના

મૃત્યુનું કારણ = લાગણીઓની નિર્મમ હત્યા

હત્યારો =ડૉ. જે.ડી. ઉર્ફે જીવનદાસ સોયવાલા

******************** અસ્તુ ************************