નિષ્ટિ
૮. એપોઈન્ટમેન્ટ..
‘બોલોને... શું અડચણ છે સર?’ નિશીથ થોડોક વ્યગ્ર સ્વરે બોલ્યો.
‘અડચણ તો ખાસ કઈ નહિ પણ તમે જે સેલેરી એક્સ્પેકટ કરી રહ્યા છો એમાં જામશે નહિ..’
‘કઈ વાંધો નહિ સર... તમે કેટલી આપી શકો છો... સર?’
‘તમે જે અપેક્ષા રાખી રહ્યા છો એના કરતાં માત્ર ડબલ.....’
‘ઓહ ભગવાન!!!!!! આ શું સાંભળી રહ્યો છું હું? શું આ ખરેખર સાચું છે?’ નિશીથે જે સાંભળ્યું એના પર એને વિશ્વાસ જ નહોતો બેસતો. એણે એના જમણા હાથ વડે ડાબા હાથે ચીમટો ભરી જોયો. એમ છતાં વિશ્વાસ ના બેસતાં નજીકમાં ઉપસ્થિત એક નાના બાળક જોડે ચીમટો ભરાવ્યો.. હવે એને વિશ્વાસ બેઠો કે એણે જે સાંભળ્યું એ સાચું જ હતું.... એકદમ સાચું...
‘થેન્ક યુ... થેન્ક યુ... થેન્ક યુ... થેન્ક યુ... થેન્ક યુ... થેન્ક યુ વેરી મચ સર.... મને તો ખરેખર વિશ્વાસ જ નથી બેસતો સર... આટલી જબરદસ્ત ઓફર... ઓહ... માય.... ગોડ!!!!!!’ નિશીથ ખૂબ જ રોમાંચિત હતો.
‘હા નિશીથ... તે જે સાંભળ્યું એ એકદમ સાચું જ છે.... અને હા.. તારી એપોઇન્ત્મેન્ટ સ્ક્રીપ્ટ રાઈટર તરીકે નહિ પણ ક્રિએટીવ ટીમના હેડ તરીકે થઇ રહી છે.... મેં તારી આંખોમાં કામ કરવા માટેની ધગશ પારખી લીધી છે. મને મારા ક્રિએટીવ ડીપાર્ટમેન્ટ માટે જે લીડરની તલાશ હતી એમાં તું સંપૂર્ણ ફીટ થાય છે.’
‘થેંક યુ વેરી મચ સર’ નિશીથ રીતસર ગળગળો થઇ રહ્યો....
‘ઓકે નિશીથ અત્યારે તું અત્યંત રોમાંચિત છે એટલે વધુ વાત નથી કરતો... કાલે શાંતિથી વાત કરીએ... ઓલ ધ બેસ્ટ.. નિશીથ..’
‘થેન્ક્સ અ લોટ સર’ કહી નિશીથે ફોન મુક્યો.. હવે એને શું કરવું એ સુઝતુ નહોતું. થોડીવાર માટે એ બાંકડા પર બેસી રહ્યો. હવે આગળ શું કરવું.. કેવી રીતે કરવું એ વિચારી રહ્યો.. ખરા અર્થમાં અત્યારે એ કઈ વિચારવા માટે સક્ષમ જ નહોતો એટલો ઉત્સાહ વ્યાપી રહ્યો હતો એના રોમ રોમમાં. થોડી વાર પછી નિશીથ ઊભો થયો અને ઘર ભણી બાઈક દોડાવી ગયો..
ઘરમાં પ્રવેશ કરતાં વિચારી રહ્યો હતો કે મમ્મી પપ્પાને કેવી રીતે વાત કરવી.. એમ વિચારી રહ્યો હતો પણ ઘરમાં પ્રવેશતાં જ જોયું તો એના પપ્પાના કાકાના દીકરા... પશાકાકા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા.
‘ચલો... આજે તો હવે વાત કરવાનો કઇ મેળ નહિ પડે...’ એમ વિચારી એણે પશાકાકાને પાયલાગણ કર્યા અને ખબરઅંતર પૂછ્યા.
‘અલ્યા નીશલા આઈ જ્યો તું? ‘પશાકાકા નીશીથના પપ્પા કરતાં ઉંમરમાં મોટા હતા એટલે એમનું કુટુંબમાં ઘણું માન હતું. પણ એ જે રીતે પોતાનો કક્કો ખરો કરાવતા હતા એ બાબત પુરતો કાકા માટે નિશીથને એમના પ્રત્યે થોડો અણગમો હતો. એટલે એણે નક્કી કર્યું કે જ્યાં સુધી કાકાની ઘરમાંથી વિદાય ના થાય ત્યાં સુધી નોકરી વાળી વાત ઘરમાં કરવી જ નથી.
‘હા કાકા... મજામાં છો ને?
‘એકદમ અલમસ્ત..’
‘સારું હું જરા ફ્રેશ થઈને આવું’
નિશીથ પોતાની રૂમમાં ઓફિસબેગ મુકીને વોશરૂમમાં ફ્રેશ થઇ ડ્રોઈંગ રૂમમાં આવી નિરાતે બેઠો. શાંતિથી પશાકાકા જોડે ગામની વાતે વળગ્યો. નિશીથના સગા કાકા તો પહેલેથી જ અમદાવાદ રહેતા હતા એટલે ગામમાં રહેતા પશાકાકા જોડે સારો એવો ઘરોબો કેળવાયો હતો. ગામમાં જેટલા લોકોને એ ઓળખતો હતો એ બધાના હાલચાલ પૂછ્યા. દસમા ધોરણ સુધી એ પોતાની ગામડાની શાળામાં જ ભણ્યો હતો. અગિયાર બાર સાયન્સ નજીકના શહેરમાં ગામડેથી અપ ડાઉન કરીને કર્યું. એન્જીનીયારીંગમાં અમદાવાદની કોલેજમાં પ્રવેશ મળ્યો એ દરમ્યાન પોતાના ગામની જ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા એના પપ્પા રીટાયર્ડ થઇ ગયા એટલે એના મમ્મી પપ્પાએ પણ અમદાવાદ આવીને ઘર વસાવી લીધું જેથી નિશીથને કોઈ તકલીફ નાં પડે.. દિવાળી અને હોળી પોતાના ગામડે જઈ ઉજવવાનો શિરસ્તો હજુ જાળવી રાખવામાં આવ્યો હતો. નિશીથે જાણી જોઇને આડી અવળી વાતો ચાલુ રાખી કે જેથી કરીને પશાકાકા એમની ટેવવશ લગ્ન માટે છોકરીઓના પ્રસ્તાવની વાતો ચાલુ ના કરી દે.
એટલા માટે જ જમ્યા પછી તરત જ ‘કંપનીનું કામ લઈને આવ્યો છું’ એવું બહાનું ધરીને પોતે રણમેદાન છોડી દેશે એવો પ્લાન નિશીથ બનાવી રહ્યો હતો. ત્યાં નિશીથના પપ્પા બોલ્યા...
‘અરે નિશીથ બેટા, આ પશાકાકા અઆવ્યા છે તો આજે પિક્ચરની ટીકીટ લઇ આવ. મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે હજુ સુધી મલ્ટીપ્લેક્સમાં એક પણ વાર પિક્ચર નહિ જોયું હોય. એમને પણ મજા આવશે અને અમને પણ ઘણો સમય થયો પિક્ચર જોયે તો અમારે પણ જોવાઈ જાય.’
‘ઓ કે... પપ્પા... ખૂબ સરસ આઈડિયા છે તમારો. હમણાં જ જઈને ટીકીટ લઇ આવું છું.’ નિશીથ હરખાઈ રહ્યો હતો કે ભલે એ મમ્મી પપ્પાને નવી નોકરીની વાત આજે કરવા નહોતો માગતો પણ આજનો દિવસ જ શાનદાર પાર્ટી આપીને એ એની એવી ખુશી કે જે એણે હજુ સુધી કોઈની જોડે શેર નથી કરી એની ઉજવણી કરવા માગતો હતો. એમ વિચારતાં એ ટીકીટ લેવા માટે બાઈક લઈને નીકળી પડ્યો અને પાછા વળતાં આઈસ્ક્રીમ પણ લેતો આવ્યો.
‘આ તે સરસ કામ કર્યું.. તને કહેવાનું મારા તો મગજમાંથી જ નીકળી ગયું હતું.’ નિશીથના પપ્પા હરખાતાં બોલ્યા.
જમી લીધા પછી આઈસ્ક્રીમની જયાફત ઉડાવતાં નિશીથની મમ્મી એ કહ્યું..
‘પશાકાકાને પરમદિવસે સવારે ગામમાં કામ છે એટલે કાલે બપોરે એમનું કામ પતાવીને એ સીધા જ ગામ જવા નીકળી જવાના છે. બેટા તું એક કામ કરીશ? કાલે સવારે તું મોર્નિંગ વોક કરવા માટે કાંકરિયા જાય ત્યારે કાકાને પણ લેતો જજે. એમને પણ મજા આવશે’
‘સારું મમ્મી...’ નિશીથે જવાબ વાળ્યો. જેમ નિશીથના પપ્પા ગુણવંતભાઇ પશાકાકાને સગા મોટા ભાઇ જેવું માન આપતા હતા નિશીથ માટે પણ એ પ્યારા કાકા હતા પણ જ્યારથી એન્જિનીયરીંગ પતાવ્યું ત્યારથી પશાકાકા એને લગ્ન માટે છોકરીઓ બતાવ્યા કરતા એટલે નિશીથ એમની હાજરીમાં અસ્વસ્થ થઇ જતો.
પિક્ચર જોઇને ચારેય જણા ઘરે પરત આવીને સુઈ ગયા. સવારે ઉઠીને નિશીથ મોર્નિંગ વોક માટે નિકળતો હતો ને એને ગઈકાલે રાત્રે મમ્મીએ કહેલી વાત યાદ આવી. આમ તો એ રોજ ઘરેથી જ ચાલતો નીકળી કાંકરિયાનો એક રાઉન્ડ મારી પાછો ચાલતો જ ઘરે પહોચતો. પણ આજે પશાકાકાને જોડે લઇ જવાના હતા એટલે એણે બાઈકની ચાવી લઇ લીધી. કાંકરિયા પહોચીને બાઈક પાર્ક કર્યું ને એ પશાકાકા જોડે વાતે વળગ્યો.
‘કાકા, તમે પહેલાનું કાંકરિયા તો જોયેલું જ હશે. એ વખતે કોઈ પ્રવેશબંદી નહોતી. બધી બાજુએ થી રસ્તા ખુલ્લા હતા, પણ જ્યારથી કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલપ કર્યો છે ત્યારથી અંદર પ્રવેશવા માટે બધી બાજુના રસ્તાઓ પર દરવાજા બનાવી દેવાયા છે. અને તમે અંદર વાહન લઈને ના જઈ શકો. અંદર પ્રવેશ કરવા માટે હવે ટીકીટ પણ ખરીદવી પડે.’
નિશીથ બોલી રહ્યો એટલે કાકા એમના ખિસ્સા ફંફોસવા માંડ્યા.. ટીકીટ લેવા માટે..
‘અરે તમે ચિંતા ના કરો કાકા. મોર્નિંગ વોક માટે તદ્દન ફ્રી પ્રવેશ છે. કોઈ જ ચાર્જ ચૂકવવો પડતો નથી.’ નિશીથ હસી પડ્યો
‘એ હારું કહેવાય.. અલ્યા નિશીથ.. આ અત્યાર ના પોર માં આટલી બધી નાસ્તા ની લારીઓ?? તે મારા હારાઓ હેડવા માટ્અઅઅઅઅ આવ સ ક ખાવા માટ્અઅઅઅઅ!!!’
‘કાકા એ તો એવું જ હોય... ચલો હવે અંદર જઈએ..’ બંને જણા અંદર પ્રવેશ્યા.
‘ઓહો હો હો... હવારના પોરમો આટલું બધું મોણહ? બધો ન પાતરા થવા ના બઉ અભરખા લાગ સ’
‘હા કાકા આજકાલ બધાને પાતળા થવું હોય છે.. એના માટે એ લોકો સવારના પહોરમાં તકલીફ વેઠીને ચાલવા માટે કે કસરત કરવા માટે પણ આવે છે. પણ ચરબી બચાઓ અભિયાન વાળાની મોહજાળમાં ઘણા અટવાઈ જાય છે.’
‘ચરબી બચાવો અભ્યાન? એ વળી હુ સ નીશલા?’
‘અરે કાકા.. આ તમે બહાર ના જોઈ હમણાં? નાસ્તાની લારીઓ?’
‘હ હ.... તે ઈમ કે ન... તું ય જબરો વાંકાબોલો સ’
એમ કરતા કરતા પશાકાકા અને નિશીથ કાંકરિયાનો રાઉન્ડ મારવાનું ચાલુ કરે છે. ગરમીની સિઝનમાં પણ સવારની આછેરી ઠંડક વાતાવરણની રમણીયતાને માણવાનો મૂડ બનાવી રહી છે. અને આકાશમાં હમણાં જ ઉદિત થયેલ ભાસ્કરના પ્રકાશમાં ઉંચે ઉડતાં અને અવનવા આકાર રચતાં પંખીઓનાં વૃંદ આહલાદકતામાં ઓર ઉમેરો કરી રહ્યાં છે, ત્યાં સામેથી મરક મરક હસતાં આવતાં પચાસની ઉંમર વટાવી ચૂકેલાં એક મહિલા એમનું ધ્યાનાકર્ષિત કરે છે. તેમની દોડવાની ગતિ એકદમ ન્યારી છે. તેમની દિશામાં ચાલીને આવતા લોકો પણ તેમને ઓવરટેક કરી રહ્યા છે. પણ તેઓ પોતાની પ્રવૃત્તિને જે રીતે માણી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. ચારપાંચ વર્ષના ટેણીયાઓ થી માંડીને પંચોતેર-એશી વર્ષના વૃદ્ધો મોર્નિંગ વોક માટે આવ્યા છે. કેટલાક બાળકો સ્કેટિંગ કરી રહ્યા છે તો કેટલાક બેડ મીન્ટન રમી રહ્યા છે. ઘણા લોકો પ્લાસ્ટીકની નાનકડી દડીને લાત મારતા મારતા ચાલી રહ્યા છે. અમુક લોકો મંથર ગતિએ ચાલી રહ્યા છે તો કેટલાક લોકો અનબીટેબલ સ્પીડથી ચાલી રહ્યા છે. કેટલાક લોકો દોડી પણ રહ્યા છે. ઘણા ખરા લોકો ટ્રેક સ્યુટમાં છે તો ઘણા ઝભ્ભો લેંઘો પહેરીને પણ આવ્યા છે. એક ટોળું તો એવું પણ મળ્યું કે જેના દરેક સભ્યએ એક જ સરખા રંગની જર્સી પહેરેલ છે.
ચાલવા દરમ્યાન જ નિશીથ પશાકાકાને બટરફ્લાયપાર્ક, ટોય ટ્રેન સ્ટેશન... હોટ એર બલૂન.. પ્રાણી સંગ્રહાલય.. બાલ વાટિકા... કિડ્સ સીટી... નગીનાવાડી.. માછલીઘર વગેરે બતાવે છે.
‘નીશલા... વર્ષો પહેલાં ઓય તારી કાકી ન લઇ ન આયો’તો.. અવ.. તો ઘણું બદલઈ જ્યું સ કોંકરિયા હો?’
‘હા કાકા. ઘણો ફરક છે પહેલા કરતા હવે..’
કાંકરિયાનો રાઉન્ડ હવે પૂરો થવા આવ્યો છે. એક કાકા વોકિંગ પથ પર આવેલ લેમ્પ પોસ્ટને એવી રીતે પકડીને કસરત કરી રહ્યા છે કે જાણે તેને ઉખાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે.
‘અલ્યા ઓમ નો ઉખડઅઅ થોમ્ભલો.. ઉ મદદ કરું? આવા તો ચેટલાય ઉખેડી નોખ્યા..’ નિશીથ સહીત આસપાસ ઉભેલા લોકો ખડખડાટ હસી પડ્યા. પેલા કાકા થોડા છોભીલા પડી ગયા અને પશાકાકા તરફ ગુસ્સાસભર નારાજગીથી જોઈ રહ્યા..
થોડા આગળ ગયા તો એક ભાઇ પગથીયા ચડતો હતો અને પાછો રીવર્સમાં ઉતરતો હતો.પશાકાકા થોડી વાર લગી જોઈ રહ્યા પછી નિશીથ તરફ વળીને બોલ્યા..
‘અલ્યા નીશલા....જોઈ હું રયો સ? આ ભાઇ ન પગથિયોં ચડવામો મદદ કર. જરૂરિયાત વાળાઓન મદદ કરીએ તો ભાગવોન આપણી હોમે જોહે.’
નિશીથ પોતાનું હસવું રોકી નહોતો શકતો.. એણે પશાકાકાને માંડ માંડ સમજાવ્યા કે એ ભાઇ એક પ્રકારે કસરત કરી રહ્યા છે.
‘હશે ત્યારે ઈમ મોની લ્યો.’ પશાકાકા પુરી રીતે કન્વીન્સ નહોતા...
એટલામાં ત્યાં કાગડાઓનું ટોળું ‘કા.. કા...કા... કા..’ કરતુ હતું એ જોઇને પશાકાકા ખીલી ઉઠ્યા...
‘જો નીશલા.. આપડ બે જણા આટલી વારથી કોંકરિયામો હેડીયે છીએ.. ચેટલા બધા મોણસો મલ્યા હોમે? કોઈ એ પણ ચ્યમ સો કાકા... એવું કયું? અનઅઅ જો આ કાગડા... મારા ભત્રીજા બની ન કાકા... કાકા... મંડ્યા સ’
નિશીથ હસી હસીને લોટ પોટ થઇ ગયો.. એ ત્યાં પાળી પર જ બેસી ગયો અને કાકાને પણ બેસવાનો ઈશારો કર્યો.. અચાનક એની નજર તળાવમાં ગઈ. એણે એ તરફ ઈશારો કરીને પશાકાકાને કહ્યું..
‘જુઓ કાકા ત્યાં... તમારા ભત્રીજાઓ શું કરે છે ત્યાં?’
કાકા એ એ તરફ જોયું તો એક મૃત માછલીનું શરીર તળાવના પાણીમાં તારી રહ્યું હતું અને કાગડાઓ એક પછી એક એના પર સહેલ માણી રહ્યા હતા.
‘અલ્યા મારા દિયોર જબરા સ આ ભત્રીજાઓ તો.. તમે તો કાકાનું નોમ બોળ્યું’
અને નિશીથ ગણગણી રહ્યો....
‘તારા વિરહની વ્યથા વ્યર્થ...
ઝુરાપો બનીને રહી જશે.
લખી રાખજે લાશ તારી..
તરાપો બનીને રહી જશે...’
‘વાહ.. વાહ.. નીશલા.. વાહ... દિલ ખુશ કરી દીધું.. ટાઢક થઇ જી... તારી હોશિયારી મન પેલોથી જ બઉ ગમ સ.... ‘ નિશીથની તાજી રચિત કવિતા એ પશાકાકાની આંખોના ખૂણા ભીના થયા.
હજુ થોડી વાર સુધી એ લોકો પાળી પર બેસી રહ્યા હતા ત્યાં થોડી વાર પછી એમની નજર તળાવથી વિરુદ્ધ બાજુએ વોકિંગ લેન અને ટોય ટ્રેનની પારની લોન પર પડી. તો કાંકરિયામાં પ્રવેશતાં એકસરખી જર્સી પહેરેલું ટોળું મળ્યું હતું એ વેસ્ટર્ન મ્યુઝિકના તાલે ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પંદરેક જણના ટોળામાં એક ક્ષણ માટે પણ કોઈ પણ બે જણાની લય મળતી નહોતી. પણ એમનો ઉત્સાહ ખરેખર ખૂબ જ વખાણવા લાયક હતો. થોડી થોડી વારે ટીમના બધા સભ્યો એકબીજાની પીઠ થાબડીને એકમેકના ઉત્સાહમાં વધારો કરી રહ્યા હતા. પશાકાકાપણ ઊભા થઇ એમનાથી શક્ય મહત્તમ સ્પીડે એમની તરફ દોડી બધાની પીઠ થાબડીને પાછા આવી ગયા.. નિશીથને પણ પશાકાકાનું આ અભીપ્રેરણનું કામ ખૂબ ગમ્યું.
‘કાકા મજા આવી ને?... તમારો ચહેરો જ બતાવી આપે છે કે તમેં બહુ ખુશ છો’
‘હા. નીશલા.. તે તો મારી હવાર સુધારી દીધી. બઉ જ મજા આઈ જી’
‘હા તો હવે કાકીને લઈને આવો એક વખત રવિવારનો મેળ પાડીને.. ખૂબ મજા આવશે..’
‘ચોક્કસ.. પેલા હવારે આપડ આજ ની જેમ ચાલવા આઈશું ન પછી ઓઈ પ્રાણી સંગ્રાલય ન એવું બધું જોવા ફરીથીઆઈશું..’
‘ચોક્કસ.. ચોક્કસ..’
‘અલ્યા તાર.. મોડું તો ની થાય ન નોકરીએ જવાનું? નઈ તો પાસો કે હે ક કાકાએ મોડું કરી આલ્યું.’
‘ના ના કાકા.. પણ હવે ઊભા થઈએ.’
નિશીથ અને પશાકાકા ગેટ નંબર એકથી બહાર નીકળે છે અને કાકાની નાં છતાં નિશીથ એમને મસ્કા બન ખવડાવે છે અને પછી બંને જણ પાઈનેપલ જ્યુસ પીએ છે. ત્યાર બાદ સામે આવેલી પ્રખ્યાત ખમણની દુકાનેથી ખમણ પેક કરાવીને બંને જણા ઘરે પરત ફરે છે.
ઘેર ગયા પછી ફટાફટ નહિ ધોઈ ટીફીન લઇ પશાકાકાને જયશ્રીકૃષ્ણ કહી નિશીથ ઓફીસ નોકરીના સ્થળે જવા માટે નીકળી ગયો...
ક્રમશ:...