ગ્લોબલ મેનેજમેન્ટ
દિપક ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમ
૧.ગ્લોબલ મેનેજમેન્ટ
૨.મોબાઈલ મેનર્સ
૩.હવે તમારે શ્રેષ્ઠ બોસ બનવું જ રહ્યું
૪.નોકરીનું એક જ લક્ષ્ય : પરફોર્મન્સ અને પરફોર્મન્સ
૫.ઇનોવેશન : દરેકના જીવનની જરૂરિયાત
૧. ગ્લોબલ મેનેજમેન્ટ
મેનેજમેન્ટની જ્યારે પણ કોઈ વાત કરવામાં આવે ત્યારે અચૂક સફળ કંપનીઓ, તેની લીડરશીપ સ્ટાઈલ, કર્મચારીઓ માટે કામ કરવાનું વાતાવરણ, પ્રોડક્ટ માર્કેટીંગ, કલ્ચર, ચેન્જ મેનેજમેન્ટ, કાયઝન જેવી બાબતો ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે.
વિશ્વની સફળ કંપનીઓ જેમ કે, કોકા કોલા, પેપ્સીકો, હિદુસ્તાન યુનીલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જનરલ ઈલેક્ટ્રિક, ટાટા મોટર્સ, મોટોરોલા, ટોયોટા અને મિત્સુબિશી જેવી કંપનીઓની પ્રોડક્ટ ડેવલોપમેન્ટ કરવાની રીત અને કર્મચારીઓ પાસેથી કામ કઢાવવાની પધ્ધતિઓની ચર્ચા મુખ્ય મુદ્દા તરીકે જોવા મળે છે. આ કંપનીઓ કેવી રીતે આગળ આવી અને આ કંપનીના લીડર્સમાં એવું તો શું હતું કે જેનાથી તેઓ પ્રખ્યાત થયા તે બાબત વિશેની જાણકારી લેવી ખુબ જ આવશ્યક બને છે.
આપણે જ્યારે મેનેજમેન્ટ ‘ગ્લોબલ’ શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે તેનો મુખ્ય હેતુ જળવાઈ રહે તે ખાસ જરૂરી બને છે. થોડા સમય પહેલાં એક બીઝનેસ મેગેઝીનની કવર સ્ટોરીના ટાઈટલમાં ગ્લોબલ કોર્પોરેશન, લોકલ લેસન્સ વાંચીને રોમાંચ થયો કે, પહેલી વખત મલ્ટીનેશનલ કંપનીઓના લેસન્સને ભારતમાં લોકલ લેવલ ઉપર જોવામાં આવે છે.
ગુજરાતની મોટા ભાગની કંપનીઓમાં આજે વિદેશી કંપનીઓની મેનેજમેન્ટ પ્રેક્ટીસ થતી જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ છે તે કંપનીના લીડરોની વિદેશોમાં મેનેજમેન્ટ અંગે પ્રોફેશનલ્સ જોડે થતી મુલાકાતો અને વિચાર વિમર્શ. જાપાનીઝ મેનેજમેન્ટના સિધ્ધાંતો જેમ કે, કાયઝન, ફાઈવ એસ, જસ્ટ ઈન ટાઈમ જેવી પધ્ધતિઓની પ્રેક્ટીસ આજે ગામડાની નાની એવી કંપનીઓમાં પણ થતી જોવા મળે છે. આ બાબતને એમ કહી શકાય કે, આજનો કોર્પોરેટ લીડર્સ ગ્લોબલ દ્રષ્ટીએ વિચારતો થયો છે.
આજનો યુવા ઉદ્યોગસાહસિક પોતાની કંપની કઈ રીતે આગળ વધે અને મહત્તમ નફો મળે તે બાબતને પ્રથમ ક્રમ આપે છે. વિદેશમાંથી સસ્તા ભાવે માલ મંગાવીને અહિંયા તેનુ પ્રોડક્શન વધારીને કેવી રીતે વેચાણ વધારવું તે અંગે તે હવે સભાન થયો છે. છેલ્લાં કેટલાક સમયથી લોકોની પ્રોડક્ટ વિશેની ખરીદશક્તિ અને તેની સમજણમાં પણ ફેરફાર જોવા મળે છે. આજની મહિલા કોઈપણ વસ્તુ ખરીદતાં પહેલાં તેને ચકાસીને, પાંચ જગ્યાએથી રીવ્યુ લઈને પછી ખરીદશે. જોકે, આમ કરવાથી કંપનીને વેચાણના સમયમાં થોડું નુકશાન થાય છે પરંતુ આ પ્રક્રિયામાં કંપની એક લાંબાગાળાનો ગ્રાહક બનાવી લેશે. પોતાના મૂલ્યો સાથે ક્યારેય પણ બાંધછોડ ન કરનાર કંપનીઓ હંમેશા પ્રગતિની લીસ્ટમાં આગળ જોવા મળે છે. તેના કર્મચારીઓ હંમેશા ખુશ જોવા મળે છે અને કંપનાનો નફામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે.
ભારતમાં મોલ કલ્ચર આવવાથી લોકોને ખરીદશક્તિ વિશે વધુ વિચાર કરવો પડતો નથી કેમ કે, વસ્તુની ખરીદી મોલની બ્રાન્ડ ઉપર આધાર રાખે છે. અને તેથી જ છેલ્લાં ઘણા સમયથી લોકો પ્રોડક્ટની બ્રાન્ડ કરતાં દુકાન કે મોલની બ્રાન્ડને વધુ મહત્ત્વ આપતી થઈ છે. સમાજનો અમુક વર્ગ કિંમતને પ્રાધાન્ય આપતો નથી કેમ કે તે વસ્તુની ગુણવત્તા અને તેનું ટકાઉપણું વિશે માહિતગાર હોય છે. જેમ કે અમુક ગ્રાહકને ખબર જ હોય છે કે હું જે વસ્તુની ખરીદી કરીશ તેની કિંમત વધુ જ હશે પરંતુ તેની ગુણવત્તા મને લાંબા ગાળા સુધી સંતોષ આપશે. આથીજ મોટાભાગની કંપનીઓ હવે ગુણવત્તા ઉપર ખાસ ધ્યાન આપે છે.
આજનો ગ્રાહક વસ્તુ ખરીદીને તેના સમય સાથે સરખાવતો થઈ ગયો છે. જે વસ્તુ એક નાનકડી દુકાનમાંથી લેવામાં માત્ર પાંચ કે દસ મિનીટ લાગતી હતી તે આજે મોલમાં જવાથી લગભગ એક કલાક જેટલો સમય લઈ લે છે. અને વધુમાં તેની સાથે સાથે એક કરતાં બે-પાંચ વસ્તુની ખરીદી પણ થઈ જાય છે. જે ગ્રાહકને આજે ખબર પડી ગઈ છે. પરંતુ કંપનીઓ પ્રોડક્ટ ઉપર વધુ ને વધુ પ્રલોભનો આપતી હોવાથી ગ્રાહકો હંમેશા પ્રોડક્ટને ખરીદવા માટે ઉત્સુક રહે છે.
થોડા સમય પહેલાં અમારી કંપનીમાં એક માર્કેટિંગના મેનેજરની નિમણુક કરવાની હતી ઉમેદવારોને મેં ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. એક ઉમેદવારને મેં વાત વાતમાં પૂછ્યું કે, ‘‘ભાઈ, તમારામાં ગ્રાહકને આકર્ષવાની કઈ કળા છે ?’’ તેમણે મને ઉત્તર આપ્યો કે, ‘‘સાહેબ, ગ્રાહકને શીશામાં કઈ રીતે ઉતારવો તે મને ખુબ જ સરસ રીતે આવડે છે.’’ મેં એ ભાઈને આવજો કહીને તેના બાયોડેટાને બાજુએ મુકી દીધો. જે કંપની ગ્રાહકને હંમેશા શીશામાં ઉતારવાની વાત કરે તે કંપની પાસેથી તમે ઉત્તમ કક્ષાની કસ્ટમર સર્વિસની અપેક્ષા રાખી શકો નહિ. પછી મેં વિચાર કર્યો કે, કદાચ એવું પણ બને કે આ કંપનીને તેના માર્કેટિંગ મેનેજરની આ બાબત વિશે ખબર ન પણ હોય. કંપનીએ તેના દરેક કર્મચારી ગ્રાહક સાથે કંઈ રીતે વર્તન કરે છે, પ્રોડક્ટ વિશે સમજણ આપે છે તેની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. ઘણી વખત કંપનીની પ્રોડક્ટ એકદમ ઉત્તમ કક્ષાની હોય પંરતુ તેને વેચાણ કરવા માટેની યોગ્ય કળા જો તેના કર્મચારીમાં ન હોય તો કંપનીને તેના માઠા પરિણામો ભોગવવા પડતાં હોય છે. જેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એનરોન કંપની હતી. આ કંપનીમાં કર્મચારીઓએ તેમના ગ્રાહકો સાથે કરેલાં વ્યવહારની કોઈ જ માહિતી હતી નહિ અને તેના પરિણામે આખી કંપની સમય જતાં ખોટમાં જઈને નાશ પામી. જ્યારે તમે વેશ્વિક દ્રષ્ટીએ કંપનીની પ્રગતિ ઈચ્છતા હોય ત્યારે મેનેજમેન્ટના તમામ પાસાઓનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
સૌરાષ્ટ્રની એક પ્રખ્યાત કંપનીના યુવા ઉદ્યોગ સાહસિક હાર્વર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ અર્થે ગયા હતા અને ત્યાંથી પરત આવીને તેમણે પોતાની કંપનીને ગ્લોબલ કક્ષાએ લઈ જવાનો વિચાર કર્યો અને તે મુજબના ગ્લોબલ પાસાઓને અમલમાં મુકવા માટે કંપનીમાં તેની પ્રેક્ટીસ ચાલુ કરી. કર્મચારીઓને ઓફીસના સમય સિવાય પણ બેસવાની ફરજ પાડવામાં આવતી હતી. થોડા સમય પછી તેમનો મને ફોન આવ્યો અને કહ્યું કે, ‘‘હું મારી કંપનીને ગ્લોબલ કક્ષાએ લઈ જવા માટેના પ્રયત્નો કરું છું પરંતુ મારા કર્મચારીઓ સાથ આપતા નથી.’’ મેં કહ્યું કે, ‘‘તમારા કર્મચારીઓને સૌ પ્રથમ હાર્વર્ડ યુનીવર્સીટીમાં થતી પ્રેક્ટીસ ઉપર ધ્યાન આપવાનું કહો અને તે પછી તેની ગ્લોબલ પ્રેક્ટીસને અમલમાં મુકવાનું કહો.’’ આ પ્રેક્ટીસ અમલમાં મુકીને તેમણે આજે વિશ્વના અલગ અલગ દેશોમાં પોતાની પ્રોડક્ટને પહોંચાડી છે. હું વિદેશી પ્રેક્ટીસની વિરુધ્ધમાં નથી પરંતુ તે પ્રેક્ટીસને જો તમારા કર્મચારીઓમાં લોકલ લેવલ ઉપર ઉતારવામાં ન આવે તો તે વ્યર્થ છે.
એક બહુ જ સરસ ઉદાહરણ તમને આપું.
એડોલ્ફ સેલ્ત્ઝ અમેરિકામાં વાહનોના શોરૂમમાં વિક્રેતા હતો. અચાનક એવા સંજોગો ઉભા થયા કે પોતાના નિરાશ અને વેરવિખેર થઈ ગયેલા સાથીગણમાં ઉત્સાહ પ્રેરવાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ ગઈ. એણે સેલ્સ મીટીંગ બોલાવીને તેના સાથીદારોની પોતાની પાસે શી અપેક્ષા છે તે અંગે પૂછ્યું. તેઓ જેમ જેમ કહેતા ગયા તેમ તેમ એ બધું બ્લેકબોર્ડ ઉપર લખતો ગયો. પછી એણે કહ્યું, ‘તમે જેની મારી પાસે અપેક્ષા રાખો છો, તે બધી જ યોગ્યતા હું પૂરી પાડીશ. પરંતુ હવે મારે તમારી પાસે શી અપેક્ષા રાખવી તે વિશે તમે કાંઈ કહો તે ઈચ્છું છું.’ એક પછી એક જવાબો ઝડપભેર આપવા માંડ્યા - ‘વફાદારી, પ્રામાણિકતા, પહેલ, આશાવાદ, સંયોજન, સમર્પણ...’
મીટીંગ પૂરી થઈ ત્યારે નવી પ્રેરણા અને જુસ્સાની સૌએ અનુભૂતિ કરી. કેટલાક સાથીદારોએ તો રોજના ચૌદ કલાક કામ કરવાની મહેચ્છા દર્શાવી. ત્યાર પછી શ્રી સેલ્ત્ઝનો અહેવાલ અંક પણ બહાર પડ્યો કે તે વર્ષે અદ્વુત વેચાણ થયું. સેલ્ત્ઝે કહ્યું કે, જાણે એ બદાએ મારી સાથે નૈતિક સોદાગીરી કરી હતી. જ્યાં સુધી મેં મારી બોલી જાળવી રાખી, ત્યાં સુધી તેઓએ પણ તેમના વચન પાળવાનો નિર્ધાર કર્યો હતો. જરૂર હતી એમની ઈચ્છાઓ અને અપેક્ષાઓ વિશે તેમણે વિશ્વાસમાં લેવાની અને એ વાત જ બધું કામ કરી ગઈ. તમારી ટીમમાં આત્મવિશ્વાસ જગાવવા માટે પ્રત્યેક તકનો લાભ ઉઠાવો.
૨. મોબાઈલ મેનર્સ
થોડા સમય પહેલાં મારા એક મિત્રને નોકરીની જરૂરિયાત હોઈ અલગ અલગ કંપનીઓમાં પોતાના બાયોડેટા મોકલાવેલા હતા અને તે સમગાળા દરમિયાન તેમને એક કંપનીમાંથી ઈન્ટરવ્યુ કોલ આવેલો હતો પરંતુ મારો એ મિત્ર પોતાના મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવામાં એટલો મશગુલ બની ગયો હતો કે તેમણે મોબાઈલ ફોનમાં મિસ કોલ પણ જોવાની તસ્દી ન લીધી. આ બાબતનું ગંભીર પરિણામ એ આવ્યું કે, આજે તે ફરીથી નોકરીની શોધમાં છે.
આજના સ્માર્ટ ટેલીકોમ્યુનિકેશનના યુગમાં મોબાઈલ શિષ્ટાચારને આપણે મોટેભાગે ધ્યાનમાં લેતા હોતા નથી. આને પરિણામે ઘણી વખત આપણે આપણાં ગ્રાહકો, વેન્ડર, ફેમીલી તેમજ મિત્રોમાં નારાજગી જોવા મળતી હોય છે. મોબાઈલ શિષ્ટાચાર આજે ખુબ જ જરૂરી બની ગયું છે. આપ મીટીંગમાં હોય, કોઈ જોડે વાત કરતાં હોય કે પછી રેસ્ટોરેન્ટમાં બેઠા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે બાબતને ખાસ ગંભીરતાથી સમજવી જોઈએ. કોમ્યુનિકેશનમાં હંમેશા સામેની વ્યક્તિને રિસ્પોન્સ મળે તે ખુબ જ જરૂરી બનતું હોય છે.
મોબાઈલ શિષ્ટાચાર વિશે જો આપણે સમજીએ તો,
૧) ફોનનો પ્રત્યુત્તર આપવો : ફોન કોલને માત્ર ત્રણ રીંગમાં જ ઉપાડી લેવો જોઈએ. જ્યારે પણ ફોન કોલ આવે કે ત્રણ રીંગમાં જ તેને ઉઠાવીને પ્રત્યુત્તર આપવો જોઈએ. વધારે સમય રાહ જોવાથી લોકોને કંટાળો આવે છે. જો આપ કોઈ મીટીંગમાં હોય તો તુરંત જ ફોનને કટ કરીને તેમને મેસેજ દ્વારા આપ મીટીંગમાં વ્યસ્ત છો તે અંગે જાણકારી આપવી જોઈએ. ફોન ઉપર વાતચીત શરુ કરો તે પહેલા ગુડ મોર્નિંગ અથવા કે છો જેવા શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. કોઈ પણ વાતચીતની શરૂઆત હકારાત્મક શબ્દોથી થવી જોઈએ. વાતચીત કરતી વખતે હંમેશા તમારી પાસે પેન અને એક ડાયરી રાખો જેથી બીજાનો અગત્યનો મેસેજ લખતા તમને આસાની રહે.
૨) વાતચીત કરવાની કળા : જ્યારે પણ મોબાઈલ ઉપર વાત કરો ત્યારે તમારો અવાજ એકદમ શાંત હોવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે, લોકો તમારી વાતનો પ્રત્યુત્તર તમારો અવાજ સાંભળીને આપશે. એક વાતચીત ચાલુ હોય ત્યારે બીજી વાતચીતને અટકાવવા માટે હોલ્ડ બટનનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી બંને વ્યક્તિનો સમયનો બચાવ થઈ શકે. જ્યારે વાતચીત કરતા હોય ત્યારે મુખ્ય મુદ્દાને જ ધ્યાનમાં રાખવો જોઈએ.
૩) ફોન કરતી વખતે : કોઈપણ વ્યક્તિને ફોન કોલ કરતી વખતે તમારો વાતચીતનો એજેન્ડા સ્પષ્ટ રાખવો જરૂરી છે. જે વાતચીત કરો તે સ્પષ્ટ હોવી જોઈએ. જે વ્યક્તિને ફોન કરવાનો હોય તે વ્યક્તિનું નામ, નંબર, તેમની કંપની અને હોદ્દો ખાસ યાદ રાખવું જોઈએ અથવા તમારી ડાયરીમાં નોંધી લેવું જોઈએ. ઘણી વખત બીજા કામમાં વ્યસ્ત હોવાને પરિણામે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણે કોને ફોન કર્યો છે. જો તમે ભૂલમાં કોઈ વ્યક્તિને ફોન કરેલો હોય તો તેમને માનપૂર્વક સોરી કહેવું જોઈએ.
૩. હવે તમારે શ્રેષ્ઠ બોસ બનવું જ રહ્યું
કંપનીમાં સ્ટાફન નિમણુકથી લઈને તેમને યોગ્ય કામ સોંપવું, તેમની પાસેથી વસ્તુ કેટલા પ્રમાણમાં વહેચાઈ છે તેનું માહિતી પત્રક માંગવું, સવાર પડ્યે સેલ્સના ટાર્ગેટ આપીને સાંજ પડ્યે રીપોર્ટની માંગણી કરવી, જો કોઈ ભૂલ કરે તો તુરંત જ નોટીસ અથવા ઠપકો આવો વગેરે જેવા કામો તમે કંપનીમાં દરરોજ કરો છો પરંતુ શું તમે ક્યારેય તેના શ્રેષ્ઠ બોસ બનવાનો પ્રયત્ન કર્યો છે ? તમારા સ્ટાફના શ્રેષ્ઠ બોસ બનીને તેને મોટીવેટ કરીને સાથ આપો એક મિત્ર તરીકે તેને કરિયરમાં આગળ વધવાનો મોકો આપો.
પહેલાના જમાનામાં કંપનીઓ કર્મચારીઓને પોતાની મિલકત તરીકે દર્શાવતા હતા પંરતુ આજે તદ્દન ઉલટું છે. પરફોર્મન્સ આપો અને પગારલો તેવી પરિસ્થિતિ આજે જોવા મળે છે.
તો આવા સમયમાં તમારા કર્મચારીનો જુસ્સો ટકાવી રાખવા માટે એ જોઈ શું કે શ્રેષ્ઠ બોસ કેવી રીતે કર્મચારી અને કંપનીની પ્રગતિમાં અમુલ્ય ફાળો આપી શકે છે.
કર્મચારીઓનું મહત્ત્વ સમજો :
હંમેશા યાદરાખો કે કંપનીનું સંચાલન કર્મચારીઓના પ્રયાસોથી થાય છે. જ્યાં સુધી તમે કર્મચારીને કામ અંગે સપોર્ટ નહિ આપો ત્યાં સુધી તે કામને માત્ર એક કંપનીની ગતિવિધિ તરીકે જ ગણશે. તેમણે કરેલા દરેક કામને ક્રેડીટ આપો.
તેમનું કામ તમારા આગળના કામ સાથે પરોક્ષ રીતે જોડાયેલું રહેશે. તમારો સ્ટાફ તમારી પાસે એક સારા બોસની અપેક્ષા રાખે છે તો તેવા સમયમાં ૩ તમે તેને યોગ્ય સાથ અને સહકાર આપો. જે કંપની કે વિભાગ પોતાના કર્મચારીને મહત્ત્વ આપતો નથી તે લાંબાગાળે માન-સ્વમાન ગુમાવે છે.
સ્ટાફને જવાબદાર પ્રતિનિધિ બનાવો :
જ્યારે પણ તમે લોકોને કોઈ કામ સોંપો છો ત્યારે તેમને તે કામ અંગેની જવાબદારી વિશે સભાનતા કેળવો. તમારી હાથ નીચે કામ કરતા લોકોને કામની પરિસ્થિતિની સ્થિતિસ્થાપકતા વિશે ખ્યાલ હોવો જરૂરી છે. જવાબદારી સ્વીકારવાથી કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ અને નિર્ણય શક્તિમાં એક ખાસ અભિગમ જોવા મળે છે. તેઓ કામને પોતાનું કામગણીને તેનો ઝડપથી નિકાલ લાવે છે જે કંપની માટે ફાયદારૂપ બને છે.
સ્ટાફને સ્વતંત્ર નિર્ણય લેવાની તક આપવી :
આજે દરેક કંપનીમાં બોસ ખુબજ વ્યસ્ત જોવા મળે છે. પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાનો હોય કે ટોપ મેનેજમેન્ટ ઝડપથી રીઝલ્ટ આપવાનું ોય, બોસનું કામ જે તે સમયમાં ખુબજ વધી જાય છે અને આવા સમયે તે પોતાના સ્ટાફને વધારાના કામની સોંપણી કરતા હોય છે. જો આવા સમયે બોસ પોતાના કર્મચારીને જે તે કામ અંગે નિર્ણય લેવાની સત્તા આપે તો તેમનામાં કામ કરવાનો જુસ્સો વધી જાય છે અને કર્મચારીની નિર્ણય લેવાની કળામાં પણ વિકાસ થાય છ. તમારા સ્ટાફને કામની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ આપો.
સ્ટાફને કામની બાબતમાં મદદ કરવી :
દરેક કોપ્રોરેટ કંપનીમાં કામનું પ્રમાણ વધી ગયું છે અને આવા સમયે તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ ક્યારેક કામની બાબતમાં મૂંઝવણ અનુભવતા હોય છે અને જો તે વખતે તમે તેઓને મદદ કરશો તો તેઓ પાસે તમારી હકારાત્મક છાપ ઉભી થશે. એક સારાબોસ પોતાના કર્મચારીને હંમેશા મદદ માટે તૈયાર હોય છે અને તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ સ્ટીવ જોબ્સ છે. જે હંમેશા પોતાના કર્મચારીને મદદ માટે તૈયાર રહેતા.
અસરકારક સાંભળનાર બનો :
તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ વિશ્વની મોટા ભાગની કંપનીઓમાં બોસ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને અસરકારક રીતે સાંભળતા હોતા નથી અને તેના પરિણામે કંપનીને મોટું નુકશાન થતું હોય છે.
જ્યારે પણ તમારા કર્મચારી તમને કોઈ પણ કામ બાબતે વાતચીત કરે ત્યારે બધું જ કામ પડતું મુકીને તેને ધ્યાનથી સાંભળવા જોઈએ. જો તમને સમજવામાં કોઈ તકલીફ પડે તો તેમને પોતાના શબ્દો અથવા પોઈન્ટને પુનરાવર્તન કરવાનું કહો.
આભારમાનો :
જ્યારે પણ તમારા કર્મચારી તમારું કામ કરી આપે ત્યારે આભારના શબ્દો જેવા કે થેંક્યુ, વેલડન જેવા શબ્દોનો ઉપયોગ કરો. આવા શબ્દોથી તેમનું મોટીવેશન લેવલ વધી જશે. વિલિયમ મેઝોર્કના કહેવા પ્રમાણે દિવસમાં તમે જેટલી વખત થેંકયુ અને આભાર જેવા શબ્દોનો ઉપયોગ કરશો તેટલી વખત લોકો તમને માનની લાગણીથી જોશે.
૪. નોકરીનું એક જ લક્ષ્ય : પરફોર્મન્સ અને પરફોર્મન્સ
મિત્રો, જો તમને એક લીડર તરીકે નવી નોકરી મળી તો સૌ પ્રથમ તમને અભિનંદન. કદાચ તમે એક નવી ટીમને વેલકમ કરવા માટે જ અહીં આવ્યા છો તેવું લાગે છે. હવે મને એક વાત કહો, કે શું અહિંયા તમારી ટીમ પહેલેથી જ અસ્તિત્વમાં છે કે તેને બનાવવા માટે તમને જવાબદારી સોંપવામાં આવી છે. જો ટીમ પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો તમે હવે આગામી દિવસોમાં શું કરશો તે વિશે થોડું જાણીએ. જો તમે એક સફળ નેતા બનવા માંગો છો તો સૌ પ્રથમ તમારી ટીમના સભ્યોને જીતાડવા પડશે. આજના લેખમાં આપને ઉત્તમ કક્ષાના પરફોર્મન્સ માટે તમારી ટીમની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગેની થોડી માહિતી જાણવાં મળશે. આ માહિતી નોલેજ મેનેજમેન્ટના વ્યવસાયીઓ અને પ્રોજેક્ટ મેનેજરોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે.
૧. માત્ર સમય નહિ પરંતુ પરિણામો અને ઉત્પાદકતા ઉપર ધ્યાન આપો :
જ્યારે તમે નોલેજ વર્કરોને મેનેજ કરો છો ત્યારે તમારે કામ દરમ્યાન ઘડિયાળના કાંટા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા કેવી રીતે આપવી તે અગત્યનો મુદ્દો હોવો જોઈએ અને આ માટે તમારા ટીમ મેમ્બરનો કામ અંગેનો ધ્યેય સ્પષ્ટ અને સુયોજિત હોવો જોઈએ. જ્યારે ટીમને જરૂર પડે ત્યારે મહત્ત્વનાં કામ માટે પૂરતાં સાધનો અને સવલતો પૂરી પાડો.
૨. વ્યક્તિની કાર્યક્ષમતાને અનુરૂપ કામ આપો :
જ્યારે પણ કંપનીની ખાનગી મીટીંગ હોય ત્યારે યોગ્ય લોકોનો જ સમાવેશ કરવો. તમારા કામની સફળતાનો આધાર એ તમારી ટીમની નિયુક્તિ ઉપર આધાર રાખે છે. કર્મચારીની યોગ્ય પ્રતિભાને ઓલખો અને તેને જાતે કામ કરવાનો યોગ્ય સમયે મોકો આપો. જો તેમની પ્રતિભા ખરેખર સારી હશે તો તેની ભૂમિકા કંપનીની પ્રગતિમાં મોટો ફાળો આપી શકે છે. માત્ર નોકરી કરવાની આશાએ કોઈને નિમણુક આપશો નહિ. યાદ રાખો, કર્મચારીની આવડત એ કંપનીના શ્રેષ્ઠ પરિણામોમાં પરિવર્તન પામે છે, તેના માટે હાર્ડ વર્ક કરવાની જરૂર નથી.
૩. ટીમને ગમતા પ્રોજેક્ટ સાથે સાંકળો :
ભારતની ઘણી કોર્પોરેટ કંપનીઓમાં જ્યારે કોઈ કામ હોતું નથી ત્યારે કર્મચારીઓને જે તે પ્રોજેક્ટમાં લગાવી દેવામાં આવે છે અને તે પછી તેનું પરફોર્મન્સ સારું ન આવે એટલે તેમને ટર્મિનેશન લેટર આપવામાં આવે છે. તમારા કર્મચારીઓની આવડત વિશે બને તેટલી વધુ માહિતી માંગો જેમ કે તેને શું ગમે છે, તે કયા પ્રકારનું કામ કરે તો સંતોષ થાય છે. કંપનીનું પરિણામ સારું આવે છે ત્યારે તે શું વિચારે છે, તેની કામ અંગેની વૃત્તિ કેવી છે વગેરે. આમ કરવાથી કર્મચારીઓની કામ પ્રત્યેની રૂચી-અરુચિ જાણવા મળશે અને એક ટીમ લીડર તરીકે તમને દોરવણી કરતાં ફાવશે.
૪. તમારી સૌથી મોટી તક ઉપર તમારા શ્રેષ્ઠ મેમ્બરને મુકો :
તાજેતરમાં ઈન્ફોસીસના ભૂતપૂર્વ ચેરમેન નારાયણમૂર્તિને ફરીથી કંપનીના બોર્ડ ઉપર લાવવામાં આવ્યા તેનું મુખ્ય કારણ છે તેમણે ઉભી કરેલી તકોને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી ત્યારે તેમણે અગાઉથી જ નક્કી કરીને રાખેલું હતું કે ક્યાં કામ માટે કઈ વ્યક્તિ યોગ્ય છે. તમારી પાસે રહેલી તકોની તમારે યોગ્ય વ્યક્તિ દ્વારા શ્રેષ્ઠ રજૂઆત કરવી જોઈએ તો જ તમારી ટીમ સફળ થશે
૫. આક્રમક અને વાસ્તવિક ધ્યેય વચ્ચે સંતુલન સાધો :
માર્કેટિંગના નિષ્ણાતો એમ કહે છે કે જ્યાં સુધી તમે તમારા ધ્યેય અંગે સ્પષ્ટ નહિ હોય ત્યાં સુધી તમારાથી કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ શક્ય નહિ બને. ગ્રાહક સમક્ષ આક્રમક બનવાથી વસ્તુનું વેચાણ નથી થતું પરંતુ તેને યોગ્ય માહિતી આપીને વાસ્તવિકતા સમજાવવાથી થાય છે. કર્મચારીઓમાં આક્રમક અને વાસ્તવિક ધ્યેયનું નિયમિતપણે મૂલ્યાંકન કરો. કામને માત્ર પૂરું કરવાના હેતુથી જો કરવામાં આવે તો તમે વાસ્તવિકતાને ક્યારેય પણ પ્રાપ્ત કરી શકશો નહિ. ઓછામાં ઓછા માસિક અને ત્રિમાસિક ધોરણે તમારા ધ્યેયનું મૂલ્યાંકન કરવું હિતાવહ છે.
૬. તમારી ટીમ ઉપર વિશ્વાસ રાખો :
નોલેજ વર્કરો મોટેભાગે સર્જનાત્મક ઉકેલો અને નિર્ણાયકશક્તિ માટે કામ કરતાં હોય છે. તેઓ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે પોતાની માનસિકતાને જાળવી રાખે છે અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે જે આગળ જતાં કંપનીનું હકારાત્મક વાતાવરણ બનાવવા માટે મદદરૂપ થાય છે. તમે તમારા કર્મચારીઓ પાસેથી કંઈ શ્રેષ્ઠ વસ્તુઓ કરાવી શકો છો તે અંગે તેમને માહિતગાર કરો. ઘણી વખત કર્મચારી ઉપર વિશ્વાસ સંપાદન કરવામાં મોટાભાગના લીડરો નિષ્ફળ સાબિત થાય છે અને તેનું મુખ્ય કારણ ઉપરી અધિકારીઓનો પોતાના કર્મચારીમાં રહેલો વિશ્વાસનો અભાવ હોય છે.
૭. કર્મચારીઓનો દોષ ટાળો :
આજો કોઈપણ બીઝનેસ અથવા એન્ટરપ્રાઈઝમાં જો સફળ થવું હોય તો તમારા કર્મચારીઓના દોષને ભૂલી જાઓ. વ્યક્તિને ભવિષ્યમાં કોઈ પણ ભૂલ અંગે નિયંત્રિત કરવા માટે તેમને તમારી કામ અંગેની અપેક્ષાઓ અને તેમની ભૂલોને ખાનગીમાં જણાવો. ઘણી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં કર્મચારીઓને જાહેરમાં ખખડાવતાં મોટા મોટા અધિકારીઓને મેં જોયા છે અને પછી આ જ અધિકારી પાછળથી એ કર્મચારીની ખાનગીમાં માફી માંગે છે જેથી તેમની આબરૂ ન જાય.
૮. ટીમ મેમ્બરને દરેક કામના જવાબો આપો નહિ - તેમને વિચારવા દો :
યાદ રાખો તમે નાતા છો, મેનેજર નથી. તમારા વિચારો ઉપર માત્ર તમારો અધિકાર નથી. જો તમારા કર્મચારીઓ તમને પૂછ્યા વગર કોઈ કામ કરે છે અને તેનું પરિણામ યોગ્ય આવતું નથી તો તમારે એ વિચારવું જોઈએ કે તમે તેને યોગ્ય રીતે માહિતગાર કરેલા નથી. તમારા કર્મચારીઓ યોગ્ય રીતે પોતાના નિર્ણયો લે તેવો વ્યૂહ તમારે અપનાવવો જોઈએ. તેઓ જે માહિતી તમને રજુ કરે છે અને જે પરિસ્થિતિ વિશે જાણકારી આપે છે તેના વિશે તમે શું વિચારો છો તેની અગત્યતા ખુબ જ રહેલી હોય છે. તમારા કર્મચારીઓના મંતવ્યો દરેક બાબતે લો, તમે જાતે નિર્ણય ન લો.
૯. કર્મચારીને કામની બાબતમાં માહિતગાર કરો :
કંપનીના એક જવાબદાર અધિકારી તરીકે તમારી પહેલી ફરજ એ છે કે તમારા કર્મચારીને કામ અંગેની દરેક બાબતની જાણકારી આપવી. તમારા સ્ટાફ મેમ્બરને કામ કરવાની પદ્ધતિમાં કે કોઈ એક નવા આઈડિયાને વાસ્તવિક સ્વરૂપ આપવામાં તમારે મદદરૂપ થવું જોઈએ. આમ કરવાથી તેને દરરોજની કામ કરવાની પદ્ધતિમાં ક્રયેટીવીટી આવશે અને તેમના વિચારોને પ્રોત્સાહન મળશે. જ્યારે પણ શક્ય હોય ત્યારે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લો ત્યારે તેમને લુપમાં રાખો જેથી કરીને તમારી ગેરહાજરીમાં પણ તેઓ તમારા આ કામને કરવામાં મદદરૂપ બનશે. જો તમે તેઓના તર્ક સાથે સહમત ન હો તો તમે તેની સાથે અસંમતિ વ્યક્ત કરી શકો છો.
૫. ઇનોવેશન : દરેકના જીવનની જરૂરિયાત
આજના સમયમાં કંપનીની જો કોઈ મૂળભૂત જરૂરિયાત હોય તો એ ઇનોવેશન છે. વૈશ્વિક કંપનીઓ પોતાના વાર્ષિક પરિણામો ઇનોવેશન મારફતે મજબૂત બનાવે છે. ઇનોવેશન ફાર્મા, આઈ.ટી., એન્જિનિયરિંગ કે કોઈપણ કંપની કરી શકે છે. અમેરિકામાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતમાં ઇનોવેશનનો આંક બહુ જ ઓછો છે જેની સરખામણીએ જર્મની, પોલૅન્ડ, ઇઝરાઇલ કે સાઉથ આફ્રિકા જેવા દેશોમાં આજે ઇનોવેશનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતમાં આજે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઇનોવેશનની ક્રાંતિ લાવનાર સામ પિત્રોડાને લોકો યાદ કરે છે. નેશનલ ઇનોવેશન કાઉન્સિલના ચેરમેન સામ પિત્રોડા જણાવે છે કે, ઇનોવેશન આજે વિશ્વના તમામ ક્ષેત્રમાં થઈ શકે છે અને તેને જાગૃત કરવાની જવાબદારી દરેક કંપનીની હોય છે.
તાજેતરમાં મરાઠવાડા ઇન્ડસ્ટ્રી એસોશિયેશને નવા ઉદ્યોગસાહસિકો માટે એક ઇનોવેશન સેલની રચના કરવામાં આવી છે. આજના ડિજિટલ યુગમાં ભારતના યુવાનો પાસે મોટા પ્રમાણમાં આઇડિયા હોય છે પરંતુ તેને યોગ્ય રિસર્ચ ન મળવાને પરિણામે તેઓ તેને અમલમાં મૂકી શકતાં નથી અને આ માટે નેશનલ ઇનોવેશન કાઉન્સિલે આ વર્ષે દરેક રાજ્યોમાં એક ઇનોવેશન સેલની સ્થાપના કરવાની મંજૂરી આપી છે.
ઇનોવેશનથી જે તે દેશના અર્થતંત્રને એક વેગ મળે છે. કંપનીમાં ઇનોવેશનને અમલમાં મૂકવાથી થતા ફાયદાઓ જોઈએ તો,
આંતરિક સિસ્ટમને સુધારે છે :
અત્યારના સમયમાં કોઈપણ કંપનીની સૌથી મોટી તકલીફ જો કોઈ હોય તો એ સિસ્ટમ ડેવલપમેન્ટની હોય છે. દરેક કંપનીની એક ઇચ્છા હોય છે કે તેનું ધ્યેય યોગ્ય સમયે પ્રાપ્ત થાય અને તે માટે તેઓ આંતરિક સિસ્ટમને સુધારવા માટેનાં પગલાંઓ લેવા માટે બહારની એજન્સીને એપ્રોચ કરતી જોવા મળે છે. કંપનીની ઇન્ટરનલ સિસ્ટમને સુધારવા માટે કર્મચારીઓ દ્વારા યોગ્ય કામનો ઉકેલ સમયસર થવો ખૂબ જ જરૂરી બને છે. ટોયોટા, વોલમાર્ટ, જનરલ મોટર્સ અને ટાટા જેવી મહાકાય કંપનીઓની સફળતાનું રહસ્ય તેમની મજબૂત આંતરિક સિસ્ટમ છે.
સમય અને પૈસાનો બચાવ થાય છે :
એક વખત સિસ્ટમથી કામ થશે તો બિનજરૂરી ખર્ચ ઉપર ઓટોમેટિક કાબૂ આવી જશે તેમજ સમયનો સદુપયોગ થશે. અમેરિકન ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ માત્ર અમેરિકાની સરકારી ઑફિસમાં વર્ષ ૨૦૧૩માં સિસ્ટમ અમલમાં મુકવાથી બિનજરૂરી ખર્ચ ઉપર ૬૫%નો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં જો યોગ્ય સિસ્ટમથી કામ થાય તો મોટા પ્રમાણમાં પૈસાની અને સમયની બચત થઈ શકે છે.
કસ્ટમર સર્વિસમાં સુધારો :
ઇનોવેશનથી ગ્રાહકોને આપવામાં આવતી સર્વિસમાં ચોક્કસપણે સુધારો કરી શકાય છે. ગ્રાહકો આજે પ્રોડક્ટને સુધારવા માટે પોતાના અલગ અલગ પ્રતિભાવો આપતા હોય છે તેમાં જો સિસ્ટમનો ઉમેરો કરવામાં આવે તો કંપનીને ખાસ ફાયદો થાય છે.