Manju - 4 in Gujarati Short Stories by Nivarozin Rajkumar books and stories PDF | મંજુ : ૪

Featured Books
Categories
Share

મંજુ : ૪

બાને ખાતરી જ હતી કે બંસરી સુતી તો નહી જ હોય …એટલે પથારીમાંથી ઉઠતી બંસરીએ જાણે કપડા સાથે જૂની યાદો પણ સંકેલી લીધી હોય તેવું લાગ્યું ….બાથરૂમમાં મોં ધોતી વખતે અરીસામાં બંસરીને એ ૧૬ વર્ષની બંસરીએ ‘તું ઠીક તો છે ને?’ એમ પૂછી લીધું હોય અને જવાબ ન આપવો હોય તેમ ….જોરથી માથું ધુણાવી એણે જ એક ઝાટકા સાથે એ યાદોનો કેડો મૂકી દીધો અને બહાર આવી ગઈ ….

ભાઈ આવી ગયો હતો એટલે બધા પોતાના વર્તનને સામાન્ય રાખવામાં સફળ રહ્યા ….અને આડીતેડી વાતો કર્યા પછી બંસરીએ અવિનાશને ફોન જોડ્યો ….સામેથી ‘તું તો તારા જુના દિવસોમાં પાછી ફરી હોય તેમ અમને સદંતર ભૂલી જ ગઈ છો’ એવી મીઠ્ઠી ટકોર સાંભળી બંસરીનાં મનમાં એક ટશર જન્મી ગઈ ….બંને બાળકો સાથે આખા દિવસનો હિસાબકિતાબ કરી અને જરૂરી સૂચનાઓ આપી ….બંસરીએ એ એમને મિસ કરે છે એ ભૂલ્યા વગર જણાવી દીધું …..

ભાઈ ટીવીમાં સમાચાર જોવામાં વ્યસ્ત થઇ ગયો …એટલામાં બાને કોઈએ ટહુકો કર્યો એટલે એ બહાર ઓટલે જઈને ઉભા રહ્યા ….અને નિયતિએ કહી જ દીધું …”
બા કહેતા હતા કે આટલી સરસ રીતે રહેવા આવીને આ પીડા ક્યાંથી એના મન પર હાવી થઇ છે …!! તો બેન , જવા દોને એ વાતને …અને આમ પણ તમે કે હું હવે શું કરી શકવાના છીએ ? આવ્યા છો તો ખુશ રહો ..કાલે બજાર જવાનો કાર્યક્રમ બનાવીએ ? ”

બંસરીએ ફિક્કું હસીને હા પડી દીધી …એના પ્રેમ પ્રકરણમાં નિયતિએ આપેલા સાથ અને સમજદારીના કારણે ભાભીએ સાથે બહુ હુંફ અનુભવતી …. ..બાથી જરીક જ ઓછો …પણ સખીથી અનેક ગણો વિશેષ સંબંધ બંને વચ્ચે હતો ….ફોઈબા આવ્યા છે એ જાણી હોસ્ટેલમાં રહેતી નિયતિની દીકરીઓ રવિવારે આવશે એ જાણી એ ખુશ પણ થઇ હતી ….

રાત પડી …બાએ કહી દીધું કે”
અને બંસરી તો આજે ઘરમાં જ સુઈ જઈશું ”
પણ બંસરીને ખબર હતી કે બાને ગરમીના દિવસોમાં ઘરના ઉકળાટમાં સુવું ગમતું નથી ..અને આમ પણ આ વૈભવ બાને બાકીના આઠ મહિના ક્યાં મળવાનો હોય છે ..એટલે એણે”
ના, આપણે અગાશી પર જ સુઈશું ”
એમ કહી દીધું ….
ભાઈને ઓફિસનું થોડું અઘૂરું કામ કોમ્પ્યુટર પર કરવાનું હતું એટલે એમના સિવાયના ત્રણેય આજે રેડિયો અને પત્તા વગર જ અગાશી પર ગયા .

થોડી વાર પછી ફરી પાછુ અનાયાસે વાતનું અનુસંધાન થઇ ગયું ….. ને બંસરી બોલી ..

” બા , સ્કુલના દિવસો દરમ્યાન એની માનસિક હાલત સમજતા મને ઘણી વાર લાગી હતી …

આટલું બોલતા બંસરીની આંખોમાં ભીનાશ ફેલાઈ ગઈ . બા અને નિયતિ બંસરીને શાંતિથી સાંભળતા હતા ….એના મનનો ઉભરો આમ જ શમશે એમ ધારીને …!!!

તમને તો ખ્યાલ જ છે એ મારી ખાસમખાસ બહેનપણી ન હતી ……કે જેની સાથે હું ફિલ્મ જોવા કે ખરીદી કરવા જાઉં ….પણ સાથે રહેતા રહેતા એક જાતનું બોન્ડીંગ બની ગયું હતું ….એના આગ્રહના કારણે હું એના વિષે તમને ક્યારેય કહી ન શકી ….

એક દિવસ મંજુએ મને “તું બંને ટાઈમ જમે છે ?” એવો વિચિત્ર લાગે એવો સવાલ પૂછ્યો હતો . મેં પણ એને સામો સવાલ પૂછ્યો હતો “કેમ આવું પૂછે છે ? બધા બે ટાઈમ જમતા જ હોય” ..ત્યારે મંજુએ જવાબના સ્થાને બીજો સવાલ પૂછી લીધો હતો કે ….

“તારા ઘરે છે એ તો તારા સાચા મમ્મી છે ને ? ”

બંસરીએ નિયતિ સામે જોઇને કહ્યું ,”
ભાભી , આ સાંભળીને મને સજ્જડ આધાત લાગ્યો અને બસ …..આખી વાતનો ,એના વર્તનનો , એની ઉદાસીનો , એના વાસી ખોરાકના ડબ્બાનો , બધી જ વાતનો તાળો બેસી ગયો હતો ….એ વખતે , ૧૬ વર્ષની ઉંમરે મને કશું જ સમજાયું નહી કે મારે આને શું કહેવું ..શું પૂછવું ….. થોડી વાર સુનમુન રહ્યા પછી મંજુએ જાતે જ મને એના ઘરની બધી જ વાત કોઈને ન કહેવાની શરતે કહી દીધી …
બે નમાઈ દીકરીની ચિંતામાં એના પપ્પાએ બીજા લગ્ન તો કરી લીધા….પોતે પૈસાદાર હોવાથી કુંવારી સ્ત્રીને એ પરણી લાવ્યા ….પણ નવી મમ્મીના આગમનથી આખું ચિત્ર બદલાઈ ગયું …..નાની બેન અંજુને બધા ભયસ્થાનો સમજાઈ જતા એ મમ્મીની કહ્યાગરી બની ગઈ અને અજાણતા જ પોતાની જ મોટીબેનની દુશ્મન ….આમ પણ પ્રમાણમાં મોટી થઇ ગયેલી મંજુને આ નવી માનો સ્વીકાર કરવામાં વાર લાગતી હતી એટલે નાની નાની ભૂલોની ફરિયાદ અને ચુગલી અંજુ કરતી અને મંજુને કારમી શિક્ષા મળતી …..એટલામાં એક પછી એક બે દીકરાઓ થતાં ઘરનો દોરીસંચાર નવી મમ્મી પાસે આવી ગયો અને પપ્પા ફક્ત મમ્મીની ગેરહાજરીમાં ‘શું કરી શકાય ? તારા મમ્મીનો સ્વભાવ તું તો જાણે છે …અને તું તો સમજદાર દીકરી છે ‘ એવા સુંવાળા શબ્દોથી મંજુના ઝખમ પર મલમ લગાડી દેતા …હાથ પરના દાઝ્યાના નિશાન અકસ્માતના નહિ ડામના હતા ….વધે તો જ જમવા મળે એવો નિયમ હતો ..એટલે ક્યારેક મંજુ જાણી જોઇને રસોઈ થોડી બેસ્વાદ બનાવતી એ એણે મારી પાસે રડતા રડતા કબુલ્યું …..”

આટલું બોલતા ફરી પાછી બંસરીની આંખો ચૂવા લાગી …પાસે પડેલી પાણીની બોટલ ઉઠાવી બે ઘૂંટ ભરી ઊંડો શ્વાસ લઇ એ બોલી …

” કેટલીય વાર તમારી જાણ બહાર હું ડબ્બામાં વધુ નાસ્તો લઇ જતી અને મંજુને ખરાબ ન લાગે તે રીતે એના વાસી …ક્યારેક બગડી ગયેલા નાસ્તા સાથે અદલાબદલી કરીને એ સ્કુલની કચરા પેટીમાં ફેંકી દેતી …. બા , એ છોકરી એના પપ્પાને અપાર પ્રેમ કરતી અને એટલે આ બધું સહ્યા કરતી …એની અવદશા અને પીડા જાણી મને સખ્ત ગુસ્સો આવતો ….એના પપ્પાને ‘નમસ્તે’ કહેવાનું તો મેં ક્યારનું બંધ કરી દીધું હતું ….પોતાની દીકરીની રક્ષા ન કરી શકે એવા માણસ તરફ મને એક અણગમો થઇ આવ્યો હતો … અને એ પછી બીજી મદદ શું થઇ શકે પણ મંજુને …એની પીડાને સાંભળીને એનું મન હલકું કરવાનો મેં નિશ્ચય કરી લીધો ….કશું સમજ્યા વગર હું જાણે કે એનો સહારો બની ગઈ હતી. ”

આ બધું સાંભળીને બાને પોતાની દીકરી પર નવેસરથી ગર્વ થઇ આવ્યો …અને એમની આંખ પણ એ દિવસોની કલ્પના કરતા છલકાઈ આવી …. ત્યાં જ ભાઈ પોતાનું કામ આટોપી સુવા માટે આવી ગયો ….“
અરે , તમે બધા હજુ જાગો છો ?”

કહીને પોતાની પથારી પર આડો પડ્યો અને

“ના ના , એ તો અમસ્તું જ ….ઘરની વાતોમાં હતાં ..તું થાક્યો હોઈશ ..આરામ કર ”

એમ કહી બા બંસરી સામે જોઈ રહ્યા …આંખોથી વાતની ગડી વાળી બંસરીએ એના શરીર પર ચાદર લપેટી …બા અને નિયતિ ઘણી ખરી વાત જાણતા હતા પણ ઘણી વાતો સમજવાની બાકી હતી એટલે આગળની વાત સાંભળવા માંગતા હતા ….પણ એમ ક્યાં કોઈને ઊંઘ આવવાની હતી ….!!

બંસરી ફરી પાછી એના એ જ વિચારોમાં ખોવાઈ ગઈ …..

૧૨મું ધોરણ ૭૬% સાથે પાસ કરીને મંજુ કોલેજમાં દાખલ થઇ ગઈ ….એટલે બંસરી અને મંજુનું મળવાનું પ્રમાણમાં ઓછું થઇ ગયું ….પણ બંસરીના ઘર સામે ગ્રોફેડમાં બદલી થતા રહેવા આવેલા અરોરાઅંકલ મંજુના પપ્પાના ખાસ મિત્ર નીકળ્યા એટલે એમને અને આંટીને મળવા ક્યારેક મંજુ આવતી અને બંસરીને પણ ત્યાંજ બોલાવી લેતી ….બંસરીના ઘરે સાંજે એનો ભાઈ પણ હોય એટલે આવતા મંજુ સંકોચાઈ જતી…. પછીના વર્ષે બંસરી પણ એ જ કોલેજમાં દાખલ થઇ ઉછળતી કુદતી ..તોફાની બંસરી સ્કુલની જેમ જ કોલેજમાં પણ બધા જ કાર્યક્રમોમાં એક્ટીવ થઇ ગઈ અને એના કારણે ખાસી બધી જાણીતી અને લાડકી પણ …..પણ બંનેના વિષયો અને સમય અલગ હોવાથી આમ જ મળી લેતા …..મંજુના વર્તન પરથી બંસરીને લાગતું કે એ આજકાલ ખુશ રહે છે …એનું કારણ એની પાડોશમાં રહેતો ઉદય છે એ બંસરી જાણી ગઈ હતી …એટલે એના નામ સાથે જોડી મંજુની બહુ ખીંચાઈ થતી …ગોરી મંજુના ગાલ પર આ સાંભળીને સુંદર લાલી પથરાઈ જતી ……….એ ઉપરાંત મંજુએ કહ્યું હતું કે આજકાલ નવા મમ્મી એની સાથે ઘણું સારું વર્તન કરે છે …અને ઘરકામમાં પણ મદદ કરે છે …. એટલે એ ખુબ ખુશ છે …….બંસરીને લાગતું કે અંતે મંજુના સોનેરી દિવસો આવ્યા ખરા …

અડધી રાત સુધી પોતાની પાસે સુતેલી બંસરીને વારેઘડીએ પાસા ફેરવતી જોઈ …નિયતિએ ધીમેથી એના હાથ પર હાથ મુક્યો … નિયતિને પણ ક્યાં ઊંઘ આવતી હતી …. .બંસરીએ નિયતિ સામે જોયું અને એને એ દિવસ યાદ આવ્યો …..એ સંગીતના ક્લાસમાંથી આવી પાણી પીતી હતી ત્યાં નિયતિએ આવીને કહ્યું હતું ….

“બંસરીબેન , ……અરોરાઆંટીએ તમને તાત્કાલિક બોલાવ્યા છે …..મંજુબેનને સખ્ત ઘાયલ અને લોહીલુહાણ અવસ્થામાં દવાખાનેથી ત્યાં લાવ્યા છે ……!!! ”

ક્રમશ :