ઝીંદગી ઓન ધ રોક્સ
ભુમિકા કેયુર શાહ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમ
૧.ઝીંદગી ઓન ધ રોક્સ - ૧
૨.ઝીંદગી ઓન ધ રોક્સ - ૨
૩.આઝાદી માણસ બની રહેવાની
૪.આ ચોમાસે આભ વરસશે કે તમે ?
૫.શિક્ષણનો સમાનાર્થી એટલે ? “મલાલા”
૧. ઝીંદગી ઓન ધ રોક્સ - ૧
‘‘આજકાલની જનરેશનને કોણ જાણે શું થઈ ગયું છે ?’’
‘‘આ બધો ડાટ વાળ્યો છે - ઈન્ટરનેટ અને ટીવીએ.’’
‘‘અરે હું તો કહું છું આ પિક્ચર જોઈ જોઈને આ ડબુડીયાઓ પણ ના શીખવાનું શીખે છે !’’
‘‘હોય કઈ ? ઈન્ટરનેટ, ટીવી અને મુવીસમાં સારું શીખવા જેવું પણ બતાવે જ છે ને ?’’
આ ચર્ચા અનંત અને વિવાદાસ્પદ છે.
પરંતુ માતા-પિતા બન્યા બાદ સંતાનોના ઘડતર માટે શું કરવું અને શું નહિ એ ચિંતા આદિકાળથી ચાલી આવે છે. માત્ર ભારતીય પેરેન્ટ્સ જ નહિં, પરંતુ દેશ-વિદેશના માતા-પિતાઓ પોતાના સંતાનોમાં આવી રહેલા માનસિક બદલાવ અને એને માટેના કારણો શોધી રહ્યા છે.
ભારતીય માતા-પિતાઓની સામાન્ય ફરિયાદો અને એ ફરિયાદોના સોલ્યુશન આપણે સુપેરે જાણીએ છે. આવો આજે જાણીએ દુર-સુદૂર ન્યુયોર્કમાં વસતા અને બે સંતાનોના લાગણીશીલ પ્રેમાળ અને જવાબદાર પિતા ‘‘કોલીન સ્ટોક’’નો અનુભવ અને એ અનુભવગત સમસ્યાઓનું પૃથક્કરણ !
•
એક પાંચેક વર્ષની દીકરી અને ત્રણેક વર્ષના દીકરાના પિતા કોલીન, સામાજિક સ્તરે વધી રહેલી હિંસકતા અને આક્રમકતા અંગે ચિંતિત છે. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો કોલીન જાણે છે કે દરેક પાંચ સ્ત્રીઓ પૈકી એક ને જિંદગીમાં ક્યારેક ને ક્યારેક સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનવું જ પડે છે ! એક દીકરીના ચિંતાતુર પિતા તરીકે અને એક દીકરાના જાગૃત પિતા તરીકે કોલીનને પ્રશ્ન થાય છે કે આ શારીરિક છેડતી કે સેક્સ્યુસ્લ એસોલ્ટ કરનાર શું આપણા કરતા જુદા હોય છે ? કે પછી તેઓ કૈક અલગ ઘડતર અને ભણતર મેળવે છે ?
કોલીન પોતાના બંને સંતાનો સાથે રેગ્યુલરલી કિડ્ઝ મુવીઝ જોવે છે, અને આ કિડ્ઝ મુવીઝ જોતા અને થયેલા અનુભવો અને કૈક શીખવાડી જાય છે !
‘‘ધ વિઝાર્ડ ઓફ ઓઝ’’, ‘‘સ્ટાર વોર્સ’’ અને ‘‘બ્રેવ’’ મુવીઝ દીકરી અને દીકરા સાથે જોયા પછીના કોલીનના અનુભવો એને વાલી તરીકે સંતાનોનું ગ્રાસ્પિંગ અને ઈન્ટરનેટ ફેક્ટર સમઝવામાં મદદ કરે છે. કોલીન અનુભવે છે કે એના બંને સંતાનો મુવીઝને એની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જવાય એટલી તન્મયતાથી એન્જોય કરે છે. કોલીનની દીકરીને ‘‘ધ વિઝાર્ડ ઓફ ઓઝ’’ મુવીમાં બતાવેલું ગ્લીંડા (સારી વિચ - ડાકણ)નું કેરેક્ટર અને ‘‘સ્ટાર વોર્સ’’માં ઓબી-વેન-કેનોબી નામનું કેરેક્ટર ગમે છે. આ બંને પાત્રોમાં એ સમાનતા કોલીનને સમઝાય છે કે બંને પાત્રો હકારાત્મક સારા છે અને બુરાઈ અને બદીના નાશ માટે મદદ કરે છે. કૈક અંશે બંને એક મેજીકલ ફ્લેર પણ ધરાવે છે ! જ્યારે માત્ર ત્રણ વર્ષનો ક્લીનનો પુત્ર આ મુવીઝમાં કૈક અલગ તત્ત્વ પકડે છે અને પસંદ કરે છે જે છે મેઈલ હિરોઈઝમ, પુરુષત્વ અને હિંસા ! ખુબ નાની ઉમરથી જ બાળકોની મુવીઝ અજાણતા જ કૈક ખોટા પાઠ આપણા બાળકોને ભણાવે છે. એ કોલીનને સમજાય છે. કઈ રીતે ?
અલીઝન બેચ્દ્લ નામક પ્રખ્યાત અમેરિકન કાર્ટુનિસ્ટ દ્વારા સ્થાપિત ‘‘બેચ્દ્લ ટેસ્ટ’’ જે કોઈ મુવી પાસ કરે એ મહાદ અંશે બાળકો માટે સકારાત્મક છે એમ કરી શકાય. આ ટેસ્ટમાં ખુબજ સામાન્ય મુવી વિષયક પ્રશ્નો ચકાસવાના છે જેવા કે... શું આ મુવીમાં એક કરતા વધુ સ્ત્રી પાત્રો છે ? શું આ સ્ત્રી પાત્રોને મુવીમાં કોઈ સંવાદ બોલવાનો આવે છે ? શું આ સ્ત્રી પાત્રો મુવીમાં એક બીજા સાથે કોઈ વાત (પુરુષ વિષયક નહિ એવી) કરે છે ? જો હા, તો જે તે મુવી આ બેચ્દ્લ ટેસ્ટ પાસ કરે છે ! કોલીન પૂછે છે કે શું એકબીજા સાથે સામાન્ય ટોપિક્સ (પુરુષ સિવાયના) પર વાત કરતી સ્ત્રીઓ આપણી આસ-પાસ જોવા મળે છે ? તો મુવીમાં કેમ નહિં ?
કોલીન બાળકો સાથે જોયેલી, બાળકોની મુવીઝનું વિશ્લેષણ કરીને સમજે અને સમજાવે છે કે આપણી ફિલ્મો ઈવન બાળ ફિલ્મોમાં પણ હંમેશા સ્ત્રી પાત્રો સજાવટ માટે જ હોય છે ! મોટેભાગે મુશ્કેલીમાં ફસાયેલી સ્ત્રી (પ્રિન્સેસ) પોતાની જાતને બચાવવા અને મસીહા-તારણહાર એટલે કે પુરુષ(પ્રિન્સ)ને યાદ કરે છે ! અને એનો પ્રિન્સ ચાર્મિંગ બુરાઈઓ સામે લડીને, એને બચાવે છે ! કોલીન જાતને અને આપણને સૌને પૂછે છે. શું બાળકોની મુવીઝમાં એકલી મહેલમાં કેદ પ્રિન્સેસ (જે અપ્રતિમ સુંદર છે અને હંમેશા એકલી, અટુલી અને વિવશ હોય છે.) અને એને ઉગારવા આવતા પ્રિન્સ ચાર્મિંગના ઉદાહરણ દીકરાઓમાં હિંસા પુરુષપ્રધાન વિચારસરણી નથી પોષતા ?
કોલીન પોતાના અનુભવગત જ્ઞાનથી સમજાવે છે કે આજે વિશ્વસ્તર પર સ્ત્રી અને પુરુષની જવાબદારીઓ બદલાઈ રહી છે ત્યારે આ બદલાવ આપણા ઘરોમાં અને કિડ્ઝ મુવીઝમાં જરૂરી છે ! ઉદાહરણ રૂપે ડીઝની પ્રિન્સેસ મુવીઝમાં હિરોઈન પ્રિન્સેસ જ હોય છે જે પોતાની સુઝબુઝ અને તાકાતથી દુનિયાને બદીઓથી બચાવે છે ! પરંતુ દુર્ભાગ્યવશાત આ પ્રિન્સેસ મુવીઝ દીકરાઓને ટાર્ગેટ કરતી જ નથી ! કોલીન બદીઓથી બચાવે છે ! કોલીન સમજાવે છે કે જરૂરિયાત એવા વાતાવરણની છે જેમાં મારી દીકરી પોતે ટીમ સમાજને લીડ કરી રહી છે અને બદલાવ લાવી રહી છે એવું સ્વપ્ન સાકાર કરી શકે, અને સાથે સાથે મારો દીકરો પણ પોતે પુરુષ છે એટલે હીરો જ હોય એવી આક્રમકતા ત્યજી, સ્ત્રી-નેતાવાળી ટીમમાં સામેલ થવા ઉત્સુકતા બતાવે !
સિફર :
‘‘હિરોઈઝમ’’ કાલ્પનિક છે. પ્રેમ અને લાગણીઓ જીતવા સુપર હીરો નહિ, પરંતુ સામાય અને સંવેદનશીલ બનવું પડે છે !
૨. ઝીંદગી ઓન ધ રોક્સ - ૨
‘‘બેટા, તને કેટલી વાર કીધું ચપ્પુ અડવાનું નહી ! વાગી જાય તો લોહી નીકળે !’’
(બેટો કે બેટી મનમાં વિચારતા હોય, જેમ ડ્રાઈવિંગ, વોટિંગ કે લગ્ન માટે કાયદાકીય રીતે ઉમર જોવાય એમ આ ચપ્પુ પકડવાની પણ ઉંમર હોતી હશે ? ચપ્પુને પણ મ્યુઝીયમમાં મુકેલી તલવારની જેમ જોઈને જ ઓળખવાનું ?)
‘‘દીકરા, દાઝું થાય ! જો ત્યાં ફાયર છે તેની નજીક નાં જવાય !’’
(દીકરો કે દીકરી મનમાં અચૂક ગુંગળાતા હોય કે આ પેરેન્ટ્સ કેમ ડિસ્કવરી ચેનલ નહિ જોતા હોય ? અમે ભલે નાના રહ્યા અમને બધી સમઝ પડે છે ! અભણ આદિવાસીઓ અને જાનવરો પણ આગને કેમ વપરાય એ જાણે છે ! આ આદિ-માનવોએ બે પથ્થર ઘસીને આગ શોધેલી ત્યારે ચોક્કસ એમના મમ્મી-પપ્પા આજુબાજુમાં નહિ હોય. નહીતો નીચે મુક દાઝું થશે. એવું બધું કહીને આગની શોધ જ કેન્સલ કરી દીધી હોત !)
‘‘બેબુ, હજુ તને વાર છે એક્ટીવા ચલાવવાની ! હમણાં ભૂલમાં ચાલુ થઈ જસે તો એક્સીડન્ટ થઈ જશે અને વાગશે ! ઉતર નીચે !’’
(અને કન્ફ્યુઝ્ડ સંતાન એક્ટીવાને સ્પેસશટલ કે રોકેટ હોય એવા અહોભાવથી જોઈ રહે...)
ઉપર લખેલા ડાયલોગ આપણે સૌએ બોલ્યા-સાંભળ્યા કે જીવ્યા છે ! સંતાનોની કાળજી લેવામાં અને એમની સુરક્ષિત રાખવાની ચિંતામાં અજાણ્યે આપણે એમની આસપાસ એક સુરક્ષા-રેખા બનાવીએ છે, જેની અંદર સંતાન સુરક્ષિત છે ! પણ આપણે એ ભૂલી જઈએ છે કે વહેલા કે મોડા આ સુરક્ષારેખાને ક્રોસ કરવી આપણા સંતાન માટે જરૂરી બનવાનું છે. જે આગ, ચપ્પુ, વાહનો, ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ, ગેજેટ્સ વિગેરેથી આપણે એમને એમના ભલા અને સુરક્ષા માટે દુર રાખીએ છે - એક દિવસ એનો સામનો અને વપરાશ બાળકોએ કર્યે જ છુટકો છે !
તો બાળકોને સાવચેતી અને સુરક્ષાના કિલ્લામાં કેદ રાખવું કે પછી પ્રકૃતિ-કુદરતના ખોળે છુટું મૂકી (અલબત્ત કેટલીક સલાહ-સુચનો આપતા રહીને !) દિલથી જીવવા દેવું ?
આ કોમ્પલેક્સ સવાલનો પ્રેક્ટીકલ જવાબ એટલે ‘‘્ૈહાીિૈહખ્ત જીષ્ઠર્રર્ઙ્મ’’. વ્યવસાયે કમ્પ્યૂટર સાયન્ટીસ્ટ એવા ગેવર ટુલેચે બાળકોને નવતર રીતે પ્રકૃતિના પાઠ અને લાઈફ લેસન્સ શીખવાડવા આ ‘‘ટીંકરીંગ સ્કૂલ’’ની શરૂઆત કરી છે. એક વીકના સમર સ્કૂલના કન્સેપ્ટથી ચાલતી આ અજબગજબ સ્કૂલમાં ગેવર બાળકોને એ બધુજ કરવાની આઝાદી આપે છે જે એમના ઘડતર માટે ઉપયોગી છે પરંતુ માં-બાપ સાવચેતી અને સુરક્ષાને અનુલક્ષીને કરવા નથી દેતા !
તો આવો જાણીએ શું કહે છે ગેવર ટુલેય !
•
ગેવર ટુલેય પાંચ એવી જોખમી વસ્તુઓ વિષે વાત કરે છે જે બાળકોને સામાન્ય રીતે આપણે વાપરવાની મનાઈ કરીએ છે. પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે જેનો વપરાશ મદદરૂપ થઈ શકે છે.
‘‘ગેવરના પાંચ જોખમી વસ્તુઓ જે તમારે તમારા બાળકોને અચૂક વાપરવા દેવી જોઈએ’’ - એમ સમઝાવતા લીસ્ટમાં પહેલી વસ્તુ છે ‘‘આગ’’.
ગેવર કહે છે કે અગ્નિ એ પૃથ્વી અને માનવજાતની ઉત્પત્તી સાથે સંકળાયેલ એક મૂળભૂત પરિબળ છે. આગ કેવી રીતે લાગે છે ? કયા પરિબળોકારણોથી આગ વધી/ઘટી શકે ? આગ શું અને કેટલું નુકશાન કરી શકે છે ? આગને કઈ રીતે કાબુમાં લઈ શકાય છે ? આ મૂળભૂત પ્રશ્નો બાળકો આગની આસપાસ રહીને કે આગનું નિરીક્ષણ કરીને વધુ સારી રીતે સમજી શકશે. અલબત્ત જરૂરી સલાહ-સુચનો અનુસરીને.
ગેવરના ‘‘ડેન્જરસ ફાઈવ’’ના લીસ્ટમાં બીજી વસ્તુ છે. છરી, ચપ્પુ કે પોકેટ નાઈફ. ગેવર પ્રકૃતિસહજ સ્વભાવ સમજાવે છે કે પોતાના બાળકને એની પાસે કે સાથે પોકેટ નાઈફ કે છરી રાખવાની કે વાપરવાની છૂટ આપવી એ બાળકને થ્રીલ ફીલ કરાવે છે. ઘણા ધર્મોમાં અને જાતિઓમાં નાનપણથી બાળકને એક હથિયાર સાથે રાખવાની છૂટ હોય છે. સાથે રાખેલું એ હથિયાર ભલે કટાયેલી પોકેટ નાઈફ હોય, બાળકને સુરક્ષિત અને પાવરફુલ ફીલ કરાવે છે. સાથે સાથે બાળક એનાથી થતા નુકશાન અંગે જાતે જાણે પણ છે.
ગેવરની ગણાવેલી થર્ડ ડેન્જરસ વસ્તુ ઝે ધારદાર અને ફેંકી શકાય એવી વસ્તુઓ જેવી કે ડાર્ટ-તીર-ભાલો. ડાર્ટબોર્ડથી રમતા બાળકોની નિશાનેબાજી-કોન્સનટ્રેશન અને આત્મસૂઝ સચોટ વિકસે છે. વળી કોઈ વસ્તુને ફેંકવાથી હાથના મસલ્સ મજબુત થાય છે અને એનાલીટીકલ અને ફીઝીકલ સ્કીલ્સ ડેવલપ થાય છે.
ગેવર જે ચોથી વસ્તુને ડેન્જરસ હોવા છતાં બાળકોના હાથમાં આપવા સૂચવે છે એ છે ઘરના બગડેલા સાધનો-એપ્લાયન્સીસ ઘરમાં બગડેલું ટીવીમિક્સર-કમ્પ્યૂટર કે અન્ય કોઈ પણ સાધન હોય જેને તમે પાણીના ભાવે વેચવાના છો કે ફેંકી દેવાના છો એને પેહેલા બાળકોના હાથમાં આપી દો. બાળક માટે એ જાદુનો પટારો છે. જેમાં અઢળક રહસ્ય છુપાયેલા છે. બગડેલા અને ફેંકી દેવાના ઈલેક્ટ્રોનિક્સના સાધનોમાંથી બાળકો એ બધું જ શીખશે જે બુક્સ કે સિલેબસમાં એને ક્યારેય શીખવા નહી જ મળે !
અને પાંચમી ડેન્જરસ વસ્તુ જે ગેવર કહે છે એ છે - બ્રેકિંગ રૂલ્સ ! મોબાઈલ કે કમ્યૂટર પર સોંગ્સ ડાઉનલોડ કરીને બિન્દાસ્ત સાંભળતા બાળકોને મ્યુઝિક પાયરસી વિષે શીખવાડવું છે ? એને એક ઓથેન્ટિક મ્યુઝિક સીડીનું સોંગ કેટલી ઈઝીલી દસ રૂપીયાની સીડીપર બર્ન કરી શકાય છે એ (જાતે એકવાર રૂલ તોડીને) જાતે કરીને બતાવો ! બાળકોને એ પણ સમજાશે કે કાયદો શું કહે છે અને એ પણ સમજાશે કે ઘણીવાર અજ્ઞાનમાં કે એક્સીડન્ટથી પણ નિયમ-કાયદો તૂટી શકે છે. કાયદાકીય રીતે નાના બાળકો માટે ટુ-વ્હીલર કે કાર ચલાવવી ગેરકાનૂની છે, છતાં એકવાર મોટા મેદાનમાં જ્યાં કોઈ જોખમ નથી ત્યાં બાળકને વાહન ચલાવવાની છૂટ આપી જુઓ. કાયદો તોડવાની થ્રીલ સાથે એ કાયદો બનાવવા પાછળના લોજીકલ કારણો કઈ કહ્યા વગર એને સમજાઈ જશે !
તો આ છે ગેવરનું ડેન્જરસ ફાઈવનું લીસ્ટ તમને પણ ફરી એક વાર બાળક થઈને આ લીસ્ટ જીવવાનું મન થયું કે નહિ ?
સિફર : ‘‘પ્રકૃતિ સૌથી મોટી શિક્ષક છે !’’
૩. આઝાદી માણસ બની રહેવાની
અચાનક ઢગલો ફ્રેન્ડ્સના વોટ્સએપ ડીપી અને ફેસબુક પ્રોફાઈલ પીકમાં તિરંગો ગોઠવાઈ ગયો. મોબાઈલની કોલર ટ્યુન અને રીંગટોનમાં પણ દેશભક્તિના ગીતો વાગવાના શરુ થઈ ગયા. ૧૫ ઓગસ્ટ આવી અને આપણે સૌ ફરીથી તિરંગા, દેશપ્રેમ અને આઝાદીના રંગે રંગાઈ ગયા. અને કેલેન્ડરમાં ૧૬મી ઓગસ્ટ દેખાય ત્યાં સુધીમાં તો પાછા - ‘‘આ દેશનું કઈ થવાનું નથી ! બધા જ ચોર છે ! આઈ વોન્ટ ટુ મુવ અબ્રોડ !’’ - ના રોદણા શરુ !
આપણી જનરેશને ‘‘ગુલામી’’ કે ‘‘આઝાદી’’ને માત્ર મુવીઝમાં જ જોયા સાંભળ્યા છે ! ડોન્ટ વરી, હું હવે તમને આઝાદીની વ્યાખ્યા કે ગુલામીની પરિભાષા સમઝાવવા નહિ બેસું ! ારો પ્રશ્ન આઝાદી અને ગુલામી કરતા વધુ બેઝીક છે કે - આપણે આપણી જાતને માણસમાં ગણીએ છીએ ? (કે મશીનમાં ? કે પછી જાનવરમાં ?)
આવો આ સ્વતંત્રતા દિવસે આપણી જાતને એક ટેસ્ટ લઈએ - ‘‘હ્યુમન ટેસ્ટ’’ ! ડોન્ટ વરી આપણે આપણી જાત પર કોઈ મહા નિબંધ નથી લખવાનો ! માત્ર થોડા પ્રશ્નોના પારદર્શકતા અને સચ્ચાઈથી જવાબ આપવાના છે ! તો ચાલુ કરીએ ટેસ્ટ ?
પ્રશ્ન-૧ ઃ શું તમે કૈક શર જનક બનાવ કે ઘટના યાદ આવવાથી અચાનક જાહેરમાં કોઈક વિચિત્ર અવાજ (જેમ કે ડચકારો, શીટ સાઉન્ડ, એફ વર્ડ બોલી જવું વિગેરે) કર્યો છે ?
પ્રશ્ન-૨ : શું તમે ક્યારેય ઉદાસ કે દુઃખી મુડમાં કૈક લખતી વખતે જાણીજોઈને ગંદા હેન્ડરાઈટિંગ કાઢ્યા છે ?
પ્રશ્ન-૩ : શું તમે ક્યારેય પ્રિયજનને આપેલા એસ.એમ.એસ.ના કે ચેટના જવાબમાં ગુસ્સો કે અણગમો પ્રદર્શિત કરવા જાણી જોઈને ફૂલ સ્ટોપ વાપર્યું છે ? (જમે કે ‘‘ઈટ્સ ઓકે’’ની જગ્યાએ ‘‘ઈટ્સ કે.’’ લખવું.)
પ્રશ્ન-૪ : કોઈ વ્યક્તિ તમને કૈક બહુ જ ખરાબ લાગે કે દુઃખ પહોંચે એવી વાત કહે અને છતાં તમે અચાનક હસ પડ્યા હોવ - એવું ક્યારેય તમારી સાથે બન્યું છે ?
પ્રશ્ન-૫ : તમે ક્યારેય કોઈ મીટીંગ કે કાર્યક્રમમાં જવા ઉતાવળે તૈયાર થયા હોવ અને જે તે સ્થળે પહોંચ્યા પછી ખ્યાલ આવે કે ભૂલમાં ઉંધા કપડા પહેલાઈ ગયા છે - એમ ક્યારેય તમારી સાથે થયું છે ?
પ્રશ્ન-૬ : શું કોઈ વાર તમે કોઈના ઈ-મેઈલ કે ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ ધારીને (ગેસ કરીને) એટલી બધી વાર ખોટો એન્ટર કર્યો છે કે જે-તે વ્યક્તિનું એકાઉન્ટ થોડા સમય માટે લોક થઈ જાય ?
પ્રશ્ન-૭ : ક્યારેય તમને અચાનક એવી ફીલ આવે છે કે તમે જન્મજાત મહાન છો, માત્ર દુનિયાને એ જાણ મોડી થવાની છે ?
પ્રશ્ન-૮ : શું કોઈ વાર તમને કોઈ દુઃખદ ઘટના, પેસીવ વ્યક્તિ કે અપ્રિય વસ્તુને તમારી લાઈફમાંથી ‘‘અન્ડુ’’ કે ‘‘ડીલીટ’’ના બટન વળે કાઢી નાખવાની ઈચ્છા થઈ છે ?
પ્રશ્ન-૯ : શું તમે ક્યારેય કોઈ બીજા શહેર કે દેશમાં ઓફીશીયલ મીટીંગ એટેન્ડ કરવાની મરજી બતાવ્યા બાદ, ત્યાં મીટીંગ કે કામ કરવાની જગ્યાએ વેકેશન માણવાના કે ફરવાના સપના જોયા છે ?
પ્રશ્ન-૧૦ : ક્યારેય તમને એક ખુબ સાધારણ અને તુચ્છ લાગતી હતી એવી કોઈ વસ્તુ કે વ્યક્તિ અચાનક ખુબ અદ્દભુત કે ગમતીલી લાગવા લાગી હોય - એવું બન્યું છે ?
પ્રશ્ન-૧૧ : શું ક્યારેક કોઈ વ્યક્તિના મેસેજ કે કોલની રાહમાં તમે ઉલ્લુની જેમ આંખો મોટી કરીને, મોટી મોટી સ્માઈલ આપીને (બ્લશ કરતા કરતા) મોબાઈલને ઘુરી ઘુરીને જોયો હોય એમ બન્યું છે ?
પ્રશ્ન-૧૨ : ક્યારેય તમને કોઈના મોબાઈલને ખાનગીમાં ચેક કરવાની ઈચ્છા થઈ હોય અને તમે કઈ વિચાર્યા વગર લાલચમાં આવીન એ મોબાઈલને ફંફોળ્યો પણ હોય એમ બન્યું છે ?
પ્રશ્ન-૧૩ : તમે ક્યારેય તમારી જાત સાથે વાત કરી છે ? અને પોતાની જાત સાથે વાતો માંડતા ક્યારેય તમને સમઝાયુ છે કે તમે જ તમારી જાતને ખુબ ખરાબ રીતે ટ્રીટ કરી રહ્યા છો ?
પ્રશ્ન-૧૪ : ક્યારેય એવું થયું છે કે કોઈ પ્રિયજન સાથે મોબાઈલ પર વિવાદ થઈ જતા અચાનક કોઈ મુદ્દે તમે બેફામ બોલી ગયા હોવ અને અચાનક મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હોય, કે જેથી સામેની વ્યક્તિને એમ લાગે કે તમે ગુસ્સામાં ફોન કટ કરી દીધો છે ?
પ્રશ્ન-૧૫ : તમને ક્યારેય કોઈ કામમાં ખુબ બધા દિલથી પ્રયત્નો કર્યા પછી એમ અનુભવાયું છે કે આ બધું મિથ્યા છે. અંતે તો જે નસીબમાં છે એમ જ થવાનું છે ?
પ્રશ્ન-૧૬ : શું તમે કોઈ સુંદર સવારે એકદમ ખુશનુમા મિજાજમાં ઉઠ્યા હોવ અને અચાનક કોઈ સ્નેહી-સ્વજનના છોડીને જતા રહ્યાની તીવ્ર વેદનાથી તડપી ઉઠ્યા હોવ એમ ક્યારેય થયું છે ?
પ્રશ્ન-૧૭ : જે પ્રિયપાત્ર વિના જીવન જીવવું નહિ વિચારવું પણ શક્ય નથી, એ જ સ્નેહી-સ્વજન હવો પોતાની લાઈફમાં નથી એવો સ્વીકાર સુદ્ધાં કરવાની હિંમત તમારા દિલ અને દિમાગેના બતાવી હોય એવું ક્યારેય થયું છે ?
તમારો ટેસ્ટ પુરો થયો !
અને જો ઉપરના પ્રશેમાંથી એક પણ પ્રશે (કે બહુબધા પ્રશેનો) જવાબ તમે જો ‘‘હા’’માં આપ્યો હોય તો - ‘‘મુબારક હો ! કોગ્રેચ્યુલેશન્સ ! તમે સર્ટીફાઈડ માણસ છો !’’
કારણ ?
આઝાદી એટલે માત્ર કોઈના રાજ-કબજા-નિયમોની બહાર રહેવું હોવું માત્ર નથી !
આઝાદી એટલે સમાજની સો કોલ્ડ મિથ્યા મર્યાદાઓ, શાલીનતા અને સભ્યતાના નામે બનાવેલી પોલી પાબંદીઓ, ઠોકી બેસાડેલી આદર્શતાની વ્યાખ્યાઓ, યે મત કરો, યહાં મત જાઓની રુલ બુક આ બધાને ફગાવીને દિલ ઈચ્છે એમ ખુલીને ખીલીને જીવવાનો અવસર !
આઝાદી એટલે ગાંડાની જેમ પ્રેમ કરવાની આઝાદી, મૂર્ખની જેમ પ્રેમમાં છેતરાવાની આઝાદી, પ્રેમમાં છેતરાયા છતાં એજ પ્રિયજનને માટે તડપવાની આઝાદી, ભૂલ કરવાની આઝાદી, ભૂલમાંથી નવું શીખવાની આઝાદી, ગુસ્સો કરવાની આઝાદી, કોઈને હર્ટ કરીને સોરી કહેવાની આઝાદી, બાળકોની જેમ બાલીશ વર્તન કરવાની અને એમાં શરમનાં અનુભવવાની આઝાદી, શીખવાની આઝાદી, ભૂલી જવાની આઝાદી, બોલવાની આઝાદી, રડવાની આઝાદી, લાઈફમાં ખોટા નિર્ણયો કરીને ગૂંચવાડા વધારવાની આઝાદી, મેસ્ડઅપ ઝીન્દગીને ઘૂંટડે-ઘૂંટડે લિજ્જતથી માણવાની આઝાદી !
આઝાદી એટલે મશીની પરફેક્શન અને જાનવર સહજ જડતાબર્બરતાની વચ્ચેના આકાશમાં સંવેદના-પ્રેમ-દુઃખ-ભય-માયા-ક્રોધવાસનાના સપ્તરંગી ઈન્દ્રધનુષને પરફેક્ટ ઈમપરફેક્શન સાથે માણસ બનીને જીવી જવું !
૪. આ ચોમાસે આભ વરસશે કે તમે ?
વહેલી સવારે મેસેજની બીપ વાગી અને તમે બાવરા થઈને મોબાઈલ હાથમાં લીધો. તમારી લાડલી ટીનએજ દીકરી સિવાય આટલી વહેલી સવારે તમને કોણ યાદ કરે એ વિચારે તમે હસી પડ્યા. અને દીકરીના આગ્રહવશ થઈને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી મેસેજિંગ એપ્લીકેશનમાં એના શબ્દો વાંચી બેકગ્રાઉન્ડમાં એનો મીઠડો ચહેરો અને તોફાની અવાજ કલ્પી રહ્યા....
‘‘મોમ, આઈ હેવ અ હોમવર્ક ફોર યુ. ઈટ્સ પેરેન્ટ્સ વિકએન્ડ ધીસ ટાઈમ. એટલે વિકેન્ડ પર પેરન્ટ્સને સોંપેલા ક્રિએટીવ હોમવર્ક ચેક થશે. જેમના પેરેન્ટ્સ બીજી કન્ટ્રીમાં છે એમને લખવાના એસાઈનમેન્ટ આપ્યા છે. યુ હેવ ટુ રાઈટ અબાઉટ ‘‘રેઈનીંગ એન્ડ બોલીવડ’’ એટલે કે વરસાદ અને બોલીવુડ’’. ડુ વન થિંગ, તારી રેઈન સાથેની બધી ફિલ્મી મેમરીઝ મને લખીને મોકલ. હું એને ફોરમેટ કરીને કમ્પાઈલ કરી દઈશ. અને હા, ડોન્ટ વરી અબાઉટ લેન્ગવેજ. હું ટ્રાન્સલેટ કરી દઈશ. લવ યુ મોમ ! મુઆહ.’’
દીકરીના ટૂંકા શબ્દો પણ તમને અઢળક વ્હાલ અને હુંફ આપી ગયા અને તમે ધીમે ધીમે ટાઈપ કરીને રીપ્લાય કર્યો - ‘‘ઓકે પ્રિન્સેસ. કાલ સવાર સુધીમાં મેઈલ કરી દઈશ. બાય ધ વે, આઈ ફિલ તારી ફોરેનની યુનિવર્સિટીના નખરા પણ ઈમ્પોર્ટેડ છે ! ચાલ, કાલે સ્કાઈપ કોલ કરીશ, હમણાં ઈમ્પોર્ટેડ હોમવર્ક શરુ કરું.’’
અને તમે આદુ-ફુદીનાવાળી ચાની સાથે બાલ્કનીમાં ગોઠડી માંડી. તમે વિચારી રહ્યા કે વરસાદ પડે છે અને પોતાની પ્રોક્સીમાં ઠંડા અને તોફાની એવા મિસ્ટર સમીર એટલે કે પવનને મોકલે છે. અને આવા દિલથી જીવવાની મોસમને વળી શબ્દોમાં કે હોમવર્કના પેજિસમાં કેમ કરીને કેદ કરાય ?
વરસાદી હોમવર્કના ખયાલોમાં ભીંજાયેલા તમે અનાયાસે જ જવાબદારીઓ અને રૂટીનમાં લાંબા સમયથી વિસરાઈ ગયેલા દિલોજાન ખાસમખાસ મિત્રોના વટ્સએપ ગ્રુપમાં મેસેજ કરો છો. ‘‘ચોમાસું, વરસાદ અને પલળવાનું એટલે...? રેઈની સીઝનની ડેફીનેશન આપવી હોય તો તમને કયું સોંગ, સીન, બોલીવુડ મુવી યાદ આવે ?’’
અને કાયમ બીઝી રહેતા તમારા બેસ્ટ બડીઝ તમારો તોફાની મેસેજ વાંચીને ફુલ મૂડમાં આવી ગયા.
પહેલો રીપ્લાય તમારા બાળપણથી ખાસ મિત્ર અને સ્વભાવે સર્ટિફાઈડ રોમીઓનો આવ્યો. ભીની માટીની સુગંધ આવતા અંદર સુધી અનુભવાય એવો હુંફાળો જવાબ - ‘‘વરસાદમાં ભીંજાવું એટલે રેઈનકોટ અને છત્રીની રુક્ષ ફોર્માલીટી ફગાવીને, પરિસ્થિતિ, ઉમર, જવાબદારી, સમાજના ટોપલા થોડી વાર દુર ફેંકીને, ટીપે ટીપે ઓગળતા ઓળઘોળ થતા મેઘ સાથે રુએ-રુએ તરસીને અને ધોધમાર વરસીને કરવાનો રોમાન્સ. કુછ કુછ હોતા હૈ મુવીમાં મુશળધાર વરસાદમાં જેમ વર્ષો જુના પ્રેમને ફરીથી જીવી રહેલા શાહરૂખ અને કાજોલ એકબીજાને શરીરથી આત્મા સુધી તૃપ્ત કરતી કિસ કરે છે કૈક એવું.’’
‘‘પહેલા વરસાદમાં મન મુકીને પલળવું એટલે...’’ હાયે એસા સમા ફિર હોગા કહાં. જી લુ મેં ઈસે ખુલ કે... સાવન મેં ઝરા ધુલ કે... ભાગે રે મન કહી, આકે રે મન... ચલા જાને કિધર જાનું નાં... બહેકા હે મન કહી... કહા જાનતે નહિ... કોઈ રોક લે યહી...’’ - ગાતા ગાતા નફ્ફટ અને અલ્લડ બની, દિલ અને ડીલથી ભીંજાઈને, ચમેલીની કરીના કપૂરની જેમ લાલ સાડીથી લાલ લીપસ્ટીક સુધી બધુય તરબતર અનુભવવું અને વરસાદના ટીપે ટીપે વહી જવું...’’ - મિસ. બોલીવુડનો સીઝલીંગ જવાબ સાથે ગ્રુપમાં જુદા જુદા કલરના હાર્ટના સ્માઈલ્સનો જાણે વરસાદ થઈ ગયો.
અન ગ્રુપના સ્કોલર અને સૌથી બીઝી એવા મિસ્ટર પરફેક્ટનો જવાબ વોઈસ મેસેજથી આવ્યો. તમે સૌએ ઉત્સાહ અને ઉત્કંઠાએ વોઈસ મેસેજને ડાઉનલોડ કર્યો જે કહી રહ્યો - ‘‘આઈ ફિલ, ચમેલીની કરીના ભલે વરસાદમાં પીગળતી જતી હોય એવી સેક્સી લાગે જ છે. પણ ‘‘પ્યાર હુઆ ઈકરાર હુઆ હે, પ્યાર સે ફિર ક્યું ડરતા હે દિલ...’’ ગાતા અને એક છત્રી શેર કરતા રાજકપૂર અને નરગીસના નિર્દોષ છતાં દિલમાં ઉતરી જતા વરસાદી રોમાંસની તોલે નાં જ આવે ! હું જેટલું સમઝું છું એમ ચોમાસું એટલે વર્ષની ગરમી, અકળામણ, ઉકળાટ, રુક્ષતા અને ફરિયાદોને વરસાદમાં વહાવીને પ્રિયજન સાથે એક છત્રી અર્થાત દિલી આત્મીયતા શેર કરી થોડું પલળવાની (પ્રેમ કરવાની) અને થોડું કોરા રહેવાની (સાથે અને પાસે રહીને રાહ જોવાની) મઝા...’’
અને જાણે વર્ષો પછી ચાની કીટલીએ બધા ભેગા થયા હોય એમ વોટ્સએપના ગ્રુપમાં મેસેજીસ થકી, સૌ દિલ ખોલીને ખીલી રહ્યા...
અને આવ્યો એક સૌથી તોફાની જવાબ - ‘‘ગાયઝ, આ ફિલ ચોમાસું એટલે મોરની જેમ પાર્ટનરને રીઝવવાની મોસમ. ‘‘રીમઝીમ ગીરે સાવન સુલગ સુલગ જાયે મન... ભીગી આજ ઈસ મોસમ મેં લગી કેસી યે અગન...’’ ગાતા અમિતાભ અને મૌસમીની તડપ એટલે ચોમાસું. ઋત્વિક રોશનને ભુલાવી દે એટલી હોટનેસ સાથે રાકેશ રોશન જ્યારે ગાય કે ‘‘જલતા હે જીયા મેરા ભીગી ભીગી રાતો મેં, આજા ગોરી ચોરી ચોરી અબ તો રહા ના જાયે રે...’’ ત્યારે રીના રોયની જગ્યાએ આપણને પણ કુછ કુછ થવા લાગે. અને હા, શર્મિલા ટાગોરની સુપર સીઝલીંગ અદાઓ સાથેનું ચુપકે ચુપકેનું સોંગ કેમ ભૂલાય ‘‘અબકે સાવનમેં, આગ લેગેગી બદન મેં...’’ ! અને સાચું કહેજો અમિતાભ અને સ્મિતા પાટીલના નમક હરામના મુવીના સોંગ ‘‘આજ રપટ જાયે તો હમે ના ઉઠૈયો...’’ને જોઈ કે સાંભળીને વરસાદ વગર પણ લપસી પડાય નહિ ? મારા માટે તો વરસાદ એટલે લપસવું પ્રેમમાં-લસ્ટમાં-લાગણીઓમાં-માંગણીઓમાં-સપનાઓમાં-હકીકતોમાં...’’
અને છેલ્લે તમે ટાઈપ કરી રહ્યા તમારો જવાબ... ‘‘મારા માટે તો વરસાદ એટલે ‘‘રીમઝીમ રીમઝીમ રુમઝુમ રુમઝુમ ભીગી ભીગી ઋતમેં તુમ હમ હમ તુમ...’’ - ગાતા અનીલ કપૂરની દીવાનગી... ‘‘એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મેં જાગી સી, મિલિ એક અજનબી સે કોઈ આગે ના પીછે તુમ હી કહો કોઈ બાત હૈ.’’ - ગાતા કિશોર કુમારની અલ્લડતા અને તોફાન, ‘‘ના જાને કહાં સે આઈ હૈ ના જાને કહાં કો જાયેગી, દિવાના કિસે બનાયેગી યે લડકી’’ - ના નોટોરીયસ તાલે ટ્રાન્સપરન્ટ રેઈનકોટ પહેલીને મદહોશ કરતી શ્રીદેવીની ચાલબાઝી, ‘‘ભીગી ભીગી રાતોમેં ફિર તુમ આઓના, એસી બરસાતોમેં આઓના...’’ ના શબ્દે શબ્દે મૂડ બનાવી દે તો અદનાન સમીનો ઘૂંટાયેલો અવાજ... ‘‘સાવન બરસે તરસે દિલ, ક્યું ના નિકલે ઘર સે દિલ... બરખા મેં ભી દિલ પ્યાસા હૈ, યે પ્યાર નહિં તો ક્યા હૈ...’’ કહીને સોનાલી બેન્દ્રે માટે પ્રેમમાં અને વરસાદમાં પલળતા અક્ષય ખન્નાનો ઈન્તેઝાર, ‘‘કાટે નહિ કટતે યે દિન યે રાત કહેની થી તુમસે જો દિલકી બાત... લો આજ મેં કહેતી હું...’’ કહીને વરસાદમાં ઓગળીને પ્રેમનો એકરાર કરતા અનીલ કપૂર અને શ્રીદેવી. ઈન શોર્ટ વરસદા એટલે પલાળવામાં પ્રેમ, ઓગળવાનું તોફાન, તરસાવવાનું અને વરસાવવાનું પેશન.’’
અને વરસાદની રાહમાં, આજે તમને મિત્રો સાથે હવે ક્યારેય માણવા નહિ મળે એવી મોંઘેરી વરસાદની યાદગાર સાંજ મળી. ગમતા રેઈની સોન્ગ્સ માણતા-વખાણતા, એ પણ કોલેજ ટાઈમના અડ્ડા જેવી ચાની કીટલીએ...
‘‘મેરા મન તરસા રે પાની ક્યું બરસા રે તુને કિસકો યાદ કિયા...’’ -સાચું કહેજો, આ વાંચીને ભીંજાયેલી એક સાંજ, ધોધમાર વરસાદ સાથે તમે કોને યાદ કર્યા ?
૫. શિક્ષણનો સમાનાર્થી એટલે ? “મલાલા”
જો તમારો જન્મ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના કોઈ રૂઢીચુસ્ત કસ્બાના મુસ્લિમ પરિવારમાં થયો હોય તો ? શું હોઈ શકે તમારી જિંદગી ? ચાલો વિચારી જોઈએ.
રૂઢીચુસ્ત મુસ્લિમ દેશોમાં સ્ત્રી-શિક્ષણ અને સ્ત્રી-સ્વતંત્રતા જેવા શબ્દો પણ વર્જ્ય છે ત્યાં એક સ્ત્રી તરીકે જન્મ લઈને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ વિકસાવવું શું આપણા માટે શક્ય બની શકે ? રૂઢીચુસ્ત મુસ્લિમ દેશોમાં જ્યાં દીકરીનો જન્મ જ જાણે અભિશાપ છે ત્યાં કોઈ દીકરી દેશમાંવિશ્વમ ાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરી શકે એ શક્ય છે ખરું ? જે દેશોમાં દીકરીને ફરજિયાત બરખો પહેરવાનો છે, ભણવાની સદંતર મનાઈ છે, પોતાના સપના-વિચારો-મંતવ્યો વ્યક્ત કરવાની મનાઈ છે, પિતા-ભાઈ કે પતિ વિના ઘરની બહાર સુધ્ધા નીકળવાની છૂટ નથી, ત્યાં શું કોઈ દીકરી આખું વિશ્વ મોઢામાં આંગળા નાખીને જોઈ રહે એવી બહાદુરી અને સાહસ બતાવી શકે ?
૧૨, જુલાઈ, ૧૯૯૭ના રોજ પાકિસ્તાનના સુન્ની મુસ્લિમ પરિવારમાં એક દીકરીનો જન્મ થાય છે. પાકિસ્તાનના રૂઢીચુસ્ત પરિવારો કરતા તદ્દન અલગ, આ પરિવારમાં દીકરીના જન્મને હર્ષોલ્લાસથી વધાવવામાં આવે છે. ખૂબ પ્રેમ, લાગણીઓ અને સંસ્કાર સીંચીને આ નોખા મુસ્લિમ પરિવારમાં દીકરીને ઉછેરવામાં આવે છે. વ્યવસાયે શાળાના સંસ્થાપક, શિક્ષક અને દિલથી કવિએ એવા ઝીયાઉદ્દીન યુસુફઝાઈ ખૂબ ૩ પ્રેમથી ખ્યાતનામ પશ્તુન કવિયત્રી તેમજ સાહસિક યોદ્ધા એવા મલાલાઈજીના નામ પરથી પોતાની પ્યારી દીકરીનું નામ “મલાલા” રાખે છે. ઝીયાઉદ્દીન પોતે શિક્ષણ અને એના દ્વારા બદલાવ-વિકાસના હિમાયતી હોઈ પોતાની દીકરીના શિક્ષણ અંગે પુરા સજાગ રહે છે. ઝીયાઉદ્દીન રૂઢીચુસ્ત વાતાવરણમાં રહીને પણ દીકરીને દીકરા જેવું ભણતર, સમાન વિકાસની તક, પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા અને સાચું હોય એ બધું જ બોલવા-લખવાની આઝાદી આપે છે. અને નાનીસી મલાલા માતા અને પિતાના સંસ્કારોની સાથે સત્ય અને સાહસના પાઠ ભણતી જાય છે ! સપ્ટેમ્બર ૨૦૦૯માં માંડ અગિયારેક વર્ષની મલાલા પોતાના પિતા સાથે પેશાવરના એક સ્થાનિક પત્રકાર-સંઘમાં પોતાની તેજસ્વીતાના તણખા બતાવે છે. શિક્ષણના અધિકારીની હિમાયત કરતી નાનીસી મલાલા પ્રશ્ન ઉઠાવે છે કે, “શિક્ષણ મેળવવું એ મારો મૂળભૂત હક છે. કઈ રીતે તાલિબાનો મારી પાસે આ મૂળભૂત હક છીનવી શકે ?” અને વિવિધ ન્યૂઝપેપર્સ અને ટીવી ચેનલ્સ દ્વારા મલાલાના આ તીખા પ્રશ્નને આખા પ્રાંતમાં રજૂ કરવામાં આવે છે.
૨૦૦૮ના અંતમાં બીબીસી ઉર્દૂની ટીમને એક નવતર વિચાર આવે છે, તાલિબાનોના વધતા જતા પ્રભાવ અંગે સ્થાનિક એવી પીડિત સ્કૂલગર્લ પાસે એની જ કથની બ્લોગ સ્વરૂપે લખાવવી, અલબત્ત ઓળખાણ છાની રાખીને ! ખૂબ પ્રયત્નો છતાં તાલિબાનો અંગે લખી એમનો રોષ વહોરી લેવાનું જોખમ લેવા જ્યારે કોઈ તૈયાર નથી થતું ત્યારે ઝીયાઉદ્દીન બીબીસી- ઉર્દૂની ટીમને પોતાની દીકરી મલાલા પાસે લખાવવા સૂચન કરે છે. એજ સમયે તાલિબાનોના આગેવાન મૌલાના ફઝલુલ્લાહે સમગ્ર પ્રાંતમાં ટી.વી.- રેડિયો પ્રસારણ, સ્ત્રી-શિક્ષણ તેમજ મહિલાઓના બહાર નીકળવા સુદ્ધાં પર પ્રતિબંધ લગાવી દીધો હતો ! “ગુલમકાઈ”ના પેનનેમ સાથે મલાલાએ તાલિબાનોના બેશુમાર આતંક અને નિર્દોષોની પીડાને બ્લોગ પર ડાયરી સ્વરૂપે લખવાનું શરૂ કરી દીધું. ૧૫ જુલાઈ, ૨૦૦૯થી સ્વાતની ઘાટીઓમાં ૪ કન્યા શિક્ષણને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવે છે. તાલિબાનો દ્વારા બર્બરતાની બધી સીમાઓ પાર કરીને, ઘણી શાળાઓ સળગાવી દેવામાં આવે છે અને મિલીટરીના જવાનો, નિર્દોષ નાગરિકો તેમજ પોલીસવાળાઓને મારીને જાહેરમાં લટકાવી દેવામાં આવે છે ! રોજ-બ-રોજના તાલીબાની આતંકને મલાલા હિંમતપૂર્વક પોતાના બ્લોગ પર લખતી રહે છે.
બીબીસી બ્લોગ-ડાયરીની સફળતા સાથે જ મલાલાને ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી એક ડૉક્યુમેન્ટરી માટે પસંદ કરવામાં આવી. મલાલા બ્લોગ, ડૉક્યુમેન્ટરી, પેપર - જુદા જુદા માધ્યમો દ્વારા કન્યા-શિક્ષણને પ્રમોટ કરતી રહી અને સાથે સાથે પોતાના અભ્યાસમાં પણ સારા પરિણામો સાથે ઉત્તીર્ણ થતી રહી. રૂઢીચુસ્ત મુસ્લિમ દેશોમાં કન્યા-શિક્ષણને પ્રોત્સાહન આપવામાં નાનીસી મલાલાએ પોતાના સણસણતા શબ્દો, સત્ય કથની અને સાહસિકતાના દાખલા દ્વારા અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ઓક્ટોબર ૨૦૧૧માં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થનાર મલાલા, આ ઍવોર્ડ માટે નોમિનેટ થનાર પહેલી પાકિસ્તાની કન્યા બે છે. ડિસેમ્બર ૨૦૦૧માં મલાલાને પાકિસ્તાન યુથ પીસ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો. મલાલાના કન્યા-શિક્ષણ માટે વધતા પ્રદાનના કારણે તેના માટે તાલિબાનોની ક્રૂર નજરો અને રોષ વધતા ગયા. ૨૦૧૨નાં ઉનાળામાં આખરે તાલીબાનોએ મલાલાના મોતનું રમાન જાહેર કર્યું. ૯ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ પીરક્ષા આપીને શાળાએથી ઘરે પાછી જઈ રહેલી મલાલાની સ્કૂલબસ તાલીનાની આતંકીઓ દ્વારા આંતરવામાં આવી. “તમારા બધામાંથી મલાલા કોણ છે ? મલાલા સામે નહિ આવે તો બધાને મારી નાખીશું !” એવું ભયાનક હુકુમનામું સાંભળતા જ પોતાના સહપાઠીઓને બચાવવા મલાલા હિંમતપૂર્વક સામે આવી ગઈ.
અને માથામાંથી થઈને ગળાને છેદીને તાબિલાનોની ગોળી મલાલાના જવાબદાર અને સાહસિક ખભાઓમાં ખૂંપી ગઈ. મલાલાને પેશાવરની મીલીટરી હૉસ્પિટલમાં દાખલ કરાવમાં આવી. મગજના ડાબા ૫ ભાગને ખૂબ નુકસાન થયું હોવા છતાં લડાયક મિજાજની મલાલા મોત સામે બાથ ફીડતી રહી ! પેશાવર-રાવલપિંડીથી મોતની સામે ઝઝૂમી રહેલી મલાલા આખરે બર્મિંગહામની ક્વીન એલીઝાબેથ હૉસ્પિટલ ખાતે સપનાઓ અને જિંદગી સાથે જીતી ગઈ ! ૩ જાન્યુઆરી, ૨૦૧૩માં મલાલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
અને માથામાંથી થઈને ગળાને છેદીને તાબિલાનોની ગોળી મલાલાના જવાબદાર અને સાહસિક ખભાઓમાં ખૂંપી ગઈ. મલાલાને પેશાવરની મીલીટરી હૉસ્પિટલમાં દાખલ કરાવમાં આવી. મગજના ડાબા ૫ ભાગને ખૂબ નુકસાન થયું હોવા છતાં લડાયક મિજાજની મલાલા મોત સામે બાથ ફીડતી રહી ! પેશાવર-રાવલપિંડીથી મોતની સામે ઝઝૂમી રહેલી મલાલા આખરે બર્મિંગહામની ક્વીન એલીઝાબેથ હૉસ્પિટલ ખાતે સપનાઓ અને જિંદગી સાથે જીતી ગઈ ! ૩ જાન્યુઆરી, ૨૦૧૩માં મલાલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
મલાલા સામે થયેલા આ તાલિબાની હુમલાની સામે આખા વિશ્વમાંથી આકરા પ્રતિભાવ આવ્યા. મલાલાના સમર્થનમાં અને મલાલાએ શરુ કરેલી કન્યા-શિક્ષણની ઝેહાદમાં અસંક્ય હાત અને હૈયા જોડાઈ ગયા. ધીમે ધીમે મલાલા એક સામાન્ય પાકિસ્તાની કન્યામાંથી અપ્રતિમ સાહસ અને સકારાત્મક એજ્યુકેશન એક્ટિવીસ્ટનું વૈશ્વિક ઉદાહરણ બની ગઈ.
પાકિસ્તાન સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાનું સબળ નવીનીકરણ કરવામાં આવ્યું.
મલાલા અને વૈશ્વિક શિક્ષણના સમર્થનમાં વિશ્વમાં વિવિધ જગ્યાએ “આઈ એમ મલાલા” નામે પીટીશન ફાઈલ કરવામાં આવી. આ પીટીશનનો મુખ્ય સૂર એ હતો કે વિશ્વમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ના જ રહેવું જોઈએ. “આઈ એમ મલાલા” સોંગ દ્વારા આ પીટીશન અને ચળવળ વૈશ્વિત સ્તરે સફળતાના નવા પરણામો મેળવી ગઈ.
૧૨ જુલાઈ, ૨૦૧૩ના દિવસે પોતાના ૧૬મા જન્મદિવસે મલાલાએ યુ.એન.માં વૈશ્વિક શિક્ષણ અને શિક્ષણના મહત્ત્વ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા. અને યુ.એન. દ્વારા મલાલાના શિક્ષણ જગતમાં અભૂતપૂર્વ યોગદાન માટે ૧૨, જુલાઈના દિવસે “મલાલા ડે” ઘોષિત કરવામાં આવ્યો.
૫, સપ્ટેમ્બરના રોજ આપણે ટીચર્સ ડે ઉજવીએ છે, આ અવસરે મારી આ નાનકડી શબ્દાંજલિ છે. શિક્ષણની કસકમાં સળગેલી, મહેકેલી અને ચહેકેલી મલાલાની સાહસિકતાની સુવાસ માટે !