પેલી અજાણી છોકરી
રૂચિતા ગાબાણી
ભાગ – ૧
આર્યન, ૨૪ વર્ષનો યુવાન, દેખાવડો, ૬ ફૂટ ની હાઈટ, ડ્રેસિંગ સેન્સ પણ ઉમદા, છોકરીઓ ને ઈર્ષા થાય તેવા મસ્ત, મુલાયમ અને જરાક લાંબા કાળા વાળ, હસે અને બોલે તો પણ ગાલોમાં ખંજન પડે.
એકદિવસ આર્યન કાનોમાં ઇઅરફોન લગાવીને, કોઈ સોંગ સાંભળતા સાંભળતા, પોતાની જ ધૂનમાં બાઈક પર જતો હતો. ત્યારે જ તેની નજર, રોડની સાઈડ પર એકટીવા લઈને, તડકાને લીધેથી ગ્રીન કલરનો દુપટ્ટો બાંધેલી છોકરી પર પડી. બાય ચાન્સ તે છોકરી એ પણ તે જ સમયે આર્યન સામે જોયું. આર્યનની નજર તે છોકરીની આંખો પર પડી, એકદમ બ્રાઉન, પાણીદાર આંખો, આંખોમાં કાજલ અને સાથે છલકતી માસુમીયત. બંનેવની નજરો એકસાથે મળી અને આર્યનના દિલમાં તે છોકરીની નજરોએ બરાબર ઊંડો વાર કર્યો. આર્યન ફક્ત તે છોકરીની આંખોથી રીતસર ઘાયલ થઈ ગયો હતો.
આમ તો કોઈ અજાણ્યા સાથે નજરો મળવી એ સામાન્ય વાત છે. કેમકે શહેર એટલા બધા લોકોથી ભરેલું છે કે આ ભીડભાડમાં, ઈચ્છા ના હોવા છતા કેટલાય અજાણ્યા ચહેરા આ આંખોમાં સમાય જાય છે અને ભૂલાય પણ જાય છે. આવી જ સામાન્ય ક્ષણમાં ક્યારેક એવું પણ થાય છે કે કોઈની માટે આ ક્ષણ ના ભૂલાય તેવી બની રહે છે.
આર્યન સાથે પણ કઈક એવું જ થયું હતું. ઈચ્છવા છતા તે છોકરીની આંખો આર્યનથી ભુલાતી જ નહતી. અરે તે છોકરીનો ચહેરો પણ આર્યને જોયો નહતો, અને ચહેરો સુંદર હોય કે ના હોય એનાથી આર્યનને ફરક પણ ક્યાં પડતો હતો, તે બસ પેલી છોકરીને મળવા માંગતો હતો, કહેવા માંગતો હતો કે તેની આંખો એ પોતાના શું હાલ કર્યા છે.
આર્યનને પોતાને પણ નવાઈ લાગતી હતી કે કોઈની આંખો પોતાની પર આટલી બધી અસર કેવી રીતે કરી શકે છે ? ફક્ત આંખો જોઇને પ્રેમ થઈ જાય તેવો એનો સ્વભાવ તો નહતો જ, અરે પોતે આટલો રૂપાળો હોવા છતા તેણે ક્યારેય કોઈ છોકરી પર લાઈન મારવાની આજ સુધી કોશિશ પણ નહતી કરી. તો પછી એવું તો શું હતું તેની આંખોમાં કે તે આટલો બદલાઈ ગયો અચાનક ? તેનાથી કામ કરવું પણ મુશ્કિલ થઈ રહ્યું હતું, મન જ નહતું લાગતું કામમાં, ધ્યાન લગાવા જાય અને પેલી આંખો યાદ આવી જાય.
તે દિવસે પણ તો એવું જ થયું હતું, આખા રસ્તામાં પેલીની આંખો વિષે વિચાર્યા કર્યું. વિચારોમાં એટલો ખોવાઈ ગયો કે જવાનું હતું બેંક અને પહોચી ગયો પોતાના ઘરે. આવુ કેમ થતું હતું ? શું થતું હતું એ તો આર્યનને સમજાતું નહતું, પણ, જે પણ હતું એ માણવાની મજા આવી રહી હતી.
આર્યનને જાણવું હતું કે કોણ છે એ છોકરી ? ક્યાં રહે છે ? શું કરે છે ? કેવી છે ? સવાલો તો ઘણા બધા હતા, પણ જવાબ એકપણ નહતો. ફક્ત આંખોના સહારે કોઈ છોકરીને શોધવી એ લગભગ અસંભવ જ છે. એવી બ્રાઉન આંખોવાળી તો કેટલી બધી છોકરીઓ હશે. આર્યનને પણ અફસોસ થતો હતો, કાશ, તેની એકટીવાનો નંબર નોટ કર્યો હોત.
આખી આખી રાતો જગ્યા કરતો, વિચાર્યા કરતો કે કેવી રીતે શોધી શકાય તેને ? આ દિલ પણ જોને કશું સાંભળતું નહતું, એના જ વિચારો કર્યા કરતુ. હવે એક જ રસ્તો હતો તેને શોધવાનો. પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવનાર આર્યન, પોતાનું કામ પડતું મુકીને, તે છોકરી બપોરના સમયે જેટલા વાગે દેખાણી હતી, તે સમય પર રોજ પેલા રોડ પર જતો, બે-ત્રણ કલાક ત્યાં બેસતો, આજુબાજુના લોકોને પૂછતો, “શું તમે એકટીવા લઈને જતી કોઈ ગ્રીન દુપટ્ટાવાળી છોકરીને જોઈ છે ?” પાગલપન હતું આ. અમુક લોકો હસતા પણ ખરા આવા સવાલથી. હસે જ ને, કેમકે આર્યનની પાસે તે છોકરી વિષે એટલી જ જાણ હતી, બ્રાઉન આંખો, એકટીવા અને ગ્રીન દુપટ્ટો. આવા તડકામાં છોકરીઓ દુપટ્ટો બાંધે અને એકટીવા હોય તે સાવ સામાન્ય વાત હતી. આવી કેટલી છોકરીઓ ને યાદ રાખવી ? આર્યન જે છોકરીને શોધતો હતો તે બાકી બધા માટે તો એ જ હજારો સામાન્ય છોકરીમાંથી એક હતીને.
ઉદાસ ચહેરાને પણ સ્માયલ કરવા મજબુર કરી દે તેવી આર્યનની ખંજનોથી ભરેલી ક્યુટ સ્માયલ ગાયબ થઈ ગઈ હતી. અઢી-ત્રણ મહિના સુધી રોજ કોશિશ કરવા છતા પેલી છોકરીની હજી કોઈ ખબર ના મળતા આર્યન થાકી ગયો હતો, હારી ગયો હતો. ક્યારેક લોકોથી પોતાના મનની વાત છુપાવવા નકલી હસીનો ચહેરો ઓઢીને તે સામાન્ય રહેવાનો પ્રયત્ન કરતો રહેતો, કામમાં અને પોતાની જવાબદારીમાં ધ્યાન લગાવાની કોશિશ કરતો.
મનમાં હજી કોઈક ખૂણામા આશા હતી કે ક્યારેક તે છોકરી જરૂર મળશે.
આર્યન જે બિલ્ડીંગમાં રહેતો હતો તે હજી નવી જ બની હતી. બધા એકબીજા માટે અજાણ્યા હતા. ઓળખાણ થાય અને મનમેળ થાય એટલે બધાએ ભેગા મળીને ડીનર પ્લાન કરેલું જે બિલ્ડીગના જ ગ્રાઉન્ડમાં હતું. બધા જેન્ટ્સ શાક, પૂરી, રોટલી, દાળ વગેરે ના કાઉનટર પર સર્વ કરવા માટે ઉભા હતા. આર્યન શાક ના કાઉનટર પર ઉભો હતો.
આર્યન પોતાની મસ્ત સ્માયલ સાથે પ્રેમથી સર્વ કરી રહ્યો હતો, ત્યારે બિલ્ડીંગની જ એક છોકરી શાક લેવા માટે આવી. તે છોકરી એ સ્માયલનો જવાબ સ્માયલથી આપવા આર્યનની સામે જોયું, થોડી ક્ષણ માટે બંનેવની આંખો મળી, આર્યન ઘડીભર તેની આંખોને જોય રહ્યો. કદાચ એ આંખોમાં પેલી બ્રાઉન આંખોવાળીને શોધવાની કોશિશ કરી રહ્યો હતો. ના, આ છોકરીની આંખો તો બ્રાઉન નહિ, પણ બ્લેક હતી. આર્યન થોડો ઉદાસ થઈ ગયો. પોતાના વિચારોને ખંખેરીને, તે પોતાનું ધ્યાન શાક આપવામાં લગાવાની કોશિશ કરવા લાગ્યો.
જેની આંખોમાં આર્યન ગ્રીન દુપટ્ટાવાળી છોકરીને શોધી રહ્યો હતો તે છોકરી સુહાની હતી. સીધી, સરળ, ખુશ મિજાજી, હસતી, રમતી, બધાનું ધ્યાન રાખતી, મળતાવડી સુહાની. આર્યન અને સુહાની ઉમરમાં આમ તો સરખા જ હતા, પણ આર્યન કોઈ છોકરી સાથે વાત કરવામાં કે તેની સાથે ફ્રેન્ડશીપ કરવામાં ક્યારેપણ ઇન્ટરેસટેડ હતો જ નહિ. પેલી ગ્રીન દુપટ્ટાવાળી સાથે તો અજાણતા જ તેની નજરો મળી અને સીધાસાદા આર્યનને તેની સાથે પ્રેમ થઈ ગયો. આર્યન હજિપણ તે છોકરી ને શોધી રહ્યો હતો, પણ કાય હાથમાં આવતું નહતું. આર્યન હાર તો માનવાનો જ નહતો, હાથમાં લીધેલું કામમાં સફળ ના થાય ત્યાં સુધી તેને ના છોડવું, એ તેનો સ્વભાવ હતો.
આર્યન અને સુહાની જયારે એકબીજાની આંખોમાં થોડી ક્ષણ માટે ખોવાઈ ગયા હતા, તે મોમેન્ટ આર્યનની ભાભીની નજરોમાં આવી ગઈ હતી. ભાભી એ તો મનમાં પ્લાનિંગ પણ શરુ કરી દીધી, સુહાનીને પોતાના લાડકા દિયર સાથે લગ્ન કરાવીને, પોતાની દેરાણી બનાવાની. સુહાની હતી જ એવી, હજી બિલ્ડીંગમાં બધા એકબીજા માટે નવા જ હતા, પણ ફક્ત સુહાની એવી વ્યક્તિ હતી જેણે પોતાના સ્વભાવથી બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આર્યનની ભાભીને તો પહેલેથી જ સુહાની આર્યન માટે ગમી ગઈ હતી.
બસ, ભાભી એ આ વાત ઘરમાં બધા વડીલોને કરી, આર્યનના પેરેન્ટ્સને તો આ વિચાર ખુબ જ ગમ્યો. આર્યન આ લગ્ન માટે ના નહિ પડે, એમ વિચારીને, આર્યન સાથે આ વિષે વાત કર્યા વિના, બીજા જ દિવસે લગ્નની વાત લઈને આર્યનના પેરેન્ટ્સ સુહાની ના ઘરે પહોચી ગયા.
સુહાનીને તો આ વાત સાંભળીને ખુશીથી નાચવાનું મન થઈ ગયું. હવામાં ઉડતી હોય તેવું લાગવા લાગ્યું. ખુશ તો થાય જ ને, કાઈ પણ કર્યા વિના, કોઈને કશું કહ્યા વિના, તેનું સપનું સાચું થવાનું હતું. જેને સુહાની દિલથી ચાહવા લાગી હતી, તે જ વ્યક્તિ સાથે સુહાની ના લગ્ન થવાના હતા. આર્યનને પણ હું ગમી હોઈશ તો જ તેના પેરેન્ટ્સ લગ્નની વાત લઈને આવેને, એ વિચાર આવતા સુહાની ના ગાલ ગુલાબી થઈ ગયા. સુહાની એ કાંઈક શરમાતા, પોતાની ખુશી છુપાવાની કોશિશ કરતા, નજરો ઢાળીને, હા પાડી દીધી.
સુહાની જેટલી સારી છોકરી માટે આર્યન ના જ નહિ પાડે એમ વિચારીને, લગ્નની વાત પાક્કી કરતા, નવા સંબંધના ગોળધાણા પણ ખાઈ લીધા.
આર્યનને જયારે આ વાતની ખબર પડી ત્યારે એક મિનીટ માટે એને એવું લાગ્યું કે, બધું ગોળ ગોળ ફરી રહ્યું છે, હમણાં જ તેને ચક્કર આવી જશે અને તે પડી જશે. બીજાને પ્રેમ કરતો હોવા છતા, કોઈ બીજી જ છોકરી સાથે લગ્ન કરીને તેના સપના તોડવા, એવું કરવું તો સાવ ખોટું કહેવાય.
ઘણીવાર સુધી વિચાર્યું, સુહાની ઘરમાં બધાને ગમી છે, અમુક સમય પછી હું પણ કદાચ પેલી બ્રાઉન આંખોવાળીને ભૂલી ને, સુહાની ને પસંદ કરવા લાગીશ. પેલી છોકરીની રાહ માં, ઘરના લોકોના તેની સાથે જોડાએલા સપના તોડવા, એમની લાગણીઓ દુભાવવી એ ક્યાંયથી બરાબર ના જ કહેવાય. પણ હું ક્યારેય પેલી છોકરીને ભૂલી ના શક્યો તો ? એકવાર આ સવાલ પણ આર્યનના મનમાં આવી ગયો. એટલે હા પડવાની સાથે, સુહાની ને પહેલા પેલી છોકરી માટે પોતાને થએલી લાગણી વિષે પણ જણાવી દેવું એવું આર્યને નક્કી કરી લીધું.
આર્યન અને સુહાનીના ઘરના લોકોએ ભેગા થઈને એક બ્રાહ્મણને લગ્નનું મુહુર્ત જોવા માટે પણ બોલાવી લીધા. બ્રાહ્મણે પોતાના ચોપડાઓમાં જોઇને, કઈક ગ્રહો વગેરે ચકાસીને, કહ્યું, “આજ થી એક અઠવાડિયા પછીનું સૌથી ઉત્તમ મુહુર્ત છે. અને જો ત્યારે લગ્ન ના કરવા હોય તો, તેના પછી આવા ગ્રહવાળું મુહુર્ત સીધું ૬ મહિના પછી આવશે, તોપણ આ મુહુર્ત જેટલું શ્રેષ્ઠ તો નહિ જ હોય.” બંનેવના ફેમિલી મેમ્બર્સ એટલા ઉતાવળા હતા આ લગ્ન માટે, કે જો લગ્નનું મુહુર્ત કાલનું આવે અને સાદાઈથી લગ્ન કરવા પડે, તોપણ કોઈ વાંધો નહતો. એટલે લગ્ન એક અઠવાડિયા પછી જ કરવા એમ નક્કી થયું, અને સગાઈ સંગીત ના દિવસે કરી લેવી.
લગ્નની તય્યારીઓમાં બંનેવના પરિવારો મશગુલ થઈ ગયા, દિવસો ઓછા અને કામ વધારે હતા. લગ્ન પહેલા આર્યન અને સુહાની એકલામાં મળી જ ના શક્યા, અને એટલે આર્યન જે કહેવા ઈચ્છતો હતો તે ના કહી શક્યો.
લગ્નનો દિવસ પણ આવી ગયો. શાંતિ અને ઓછા મહેમાનોની હાજરીમાં સાદાઈથી લગ્ન પૂર્ણ થયા. સુહાની મનમાં અગણિત સપનાઓ લઈને, આર્યનના ઘરે ગૃહપ્રવેશ કર્યો. લગ્ન પછીની અમુક રસમો થઈ.
સુહાની, સુંદર લાલ પાનેતર ઓઢી, આંખોમાં પોતાને ગમતી વ્યક્તિને જીવનસાથીના રૂપમાં પામી શકવાની ખુશી સાથે, અને થોડી બેચેની સાથે, બેડ પર આર્યનની રાહ જોતી બેઠી હતી. અને કોઈનો પગરવ સંભળાયો, તે આર્યન હતો. સુહાની હજી આર્યનની સામે સરખી રીતે જોવે, અને કાઈ કહે, તેની પહેલા જ, આર્યન કહેવા લાગ્યો,
આર્યન – (ખચકાતા) સુહાની, મને નથી ખબર કે આ સાંભળીને તને કેવું લાગશે ? પણ તને આ વાત કહેવી જરૂરી છે. મને સમજવાની કોશિશ કરજે. આ વાત ક્લીઅર કરવી આપડા બંનેવ માટે જરૂરી છે. જો, તું અને હું, આપડે એકબીજાને સરખી રીતે ઓળખાતા પણ નથી, અને આપણે એકબીજાને સમજીએ, જાણીએ કે વાત કરીએ તેની પહેલા જ આપણા ફેમેલીએ આપડા લગ્ન કરાવી દીધા.
(સુહાની ધ્યાનથી બસ ચુપચાપ સાંભળી રહી હતી.)
આર્યન – મને આ લગ્નથી કાઈ પ્રોબ્લેમ છે કે એવું કશું નથી, પણ મને એવું લાગે છે કે હું આ જવાબદારી માટે હજી પૂરી રીતે તય્યાર નથી. મારે તને આ લગ્ન પહેલા જ કહેવું હતું, પણ મને તારી સાથે વાત કરવાનો મોકો જ ન મળ્યો. હું તને ખુશ રાખવાની ચોક્કસ કોશિશ કરીશ, પણ તને પત્નીના રૂપમાં સ્વીકાર કરવા મને, અમમ...મને બસ થોડો સમય જોઈએ છે.