દેશ-રાગ
સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ખેંચતાણ વચ્ચે આપણે આપણા ભારત અને ભારતીયોના મુળ સંસ્કારો એકદંરે ભૂલી રહ્યા છીએ.સુરક્ષા અસુરક્ષાની વગર ફોગટની દલીલો વચ્ચે આપણે એ ભૂલી રહ્યા છીએ કે અત્યારે ક્યાંક કોઇ લોકલ ટ્રેનના ડબ્બાની વિન્ડો સીટ પર બેઠેલા કોઇ ટોપી દાઢીધારી કોઇક ઉસ્માનભાઇ પાલિતાણાના જૈન દેરાસરોની કલાકૃતિઓ કે મંદીરમાં અનુભવાતી એક અલૌલિક શાંતિનો મહીમા આંખોમાં ચમક અને ઉત્સાહ સાથે અસ્ખલિત પ્રવાહમાં વર્ણવી રહ્યા હશે.
ક્યાંક કોઇ પોળ ના નાકે અથવા ઘરના ઓટલે ઉભેલા રામજીભાઇ દિકરા કે દીકરીના લગ્નની કંકોત્રી કોઇ રહિમભાઇને આપતી વખતે પુરા હકથી ધમકીના સ્વરમાં લગ્નમાં હાજરી પુરાવા માટે ધમકાવી રહ્યા હશે.તો સામે છેડે હસતા હસતા રહીમભાઇ પણ પોતાના બચાવમાં એક દિવસ અગાઉ આવી જવાની બાંહેધારી આપી રહ્યા હશે.
ભારત ક્યારેય અસહિષ્ણુ થઇ જ ના શકે માન્યુ કે અલગ અલગ વિચાર,સંપ્રદાયો કે ભાષાના કારણે મતભેદો છે પણ એનો અર્થ એ ક્યારેય નથી કે આપણે ભારતીય નથી.મુળ ભારતીયો નદીના બે કિનારા જેવા છે ગમે તેટલા આંતરીક અંતરો હોવા છતા ભારતીય સંસ્કૃતિ નામની નદી સમાજના બે કિનારાઓ ને સાથે ચાલવા માટે વિવશ કરે છે અને જેને મોટાભાગે સરેરાશ ભારતીયોએ સ્વીકારી પણ લીધુ છે.સાધારણ જનસમુહએ આટઆટલા મતભેદો કે ભૂતકાળના અસંખ્ય વિખવાદો છતા ક્યારેય ના અસુરક્ષાની લાગણી અનુભવી છે કે ના અસહિષ્ણુતાની પણ જ્યારે કોઇ XYZ+ સુરક્ષા ધરાવતા V. I.P. ઓ આપણા દેશમાં અસુરક્ષાની વાતો કરે ત્યારે તેઓ એ જનસામાન્યના વ્યવહાર વિચાર અને રહનસહન પરથી ધડો લેવાની ખાસ જરુર છે.સેક્યુલીરીઝમ કોઇ ઉસ્માનભાઇ કે કોઇ રામજીભાઇ જેવા કોમનમેનોની નસોમાં ગળથૂથી માંથી જ ઘુંટાયેલુ હોય છે જે આપણા ભારતની અસલી સંસ્કૃતિના બ્રાન્ડએમબેસડરો છે.
એ.સી ચેમ્બરોમાં કે મિડીયા સામે સંસ્કૃતિ ની સહિષ્ણુતાની ગુલબાંગો હાંકવી સહેલુ છે પણ એને ખરા અર્થમાં દંભ વગર જીવવી અઘરી છે જે આપણા ભારતનો નાગરીક રોજ જીવે છે માટે ના તો એને સેક્યુલીરીઝમ શિખવાડવુ પડે એમ છે ના તા સહિષ્ણુતા માત્ર ભારતીયતા જ આ બન્ને નો પર્યાય બની રેહવા માટે પુરતી છે!
-કૃણાલ દરજી