નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર
email id –
તૃષ્ણા
વિષય : નવલકથા
પ્રકરણ : 10
દગો,છલ,કપટ અને તેની સજા
લાખી તો ચુપચાપ જતી રહી ત્યાં થોડીવારમાં નિકિતા આવી અને બોલી , “એમ હવે તારામાં એટલી હિમ્મત આવી ગઇ કે તુ તારા માલિકો સામે જુબાન ચલાવે? ચલ ચુપચાપ આ કપડા પહેર જેને તુ લાયક છે અને આ આરામ અને સુખદાયક જીવનના સ્વપ્ના જોવાનુ બંધ કરી અને બની જા મારી નોકરાણી તેમા જ તારી ભલાઇ છે,સમજી??રાજેશ્વરી એ નિકિતાની વાતનો જેવો ઇન્કાર કર્યો કે તરત જ નિકિતાનો પિતો ગયો અને તેણે રાજેશ્વરીને ઢોર માર માર્યો,તેના બધા ઘરેણા ઉતારી લીધા અને જતી રહી.ઘરમાં જઇ તેણે બધા નોકરોને સુચના આપી દીધી કે જો રાજી કામ ન કરે તો તેને કાંઇ જમવાનુ આપવાનુ નથી નહી તો તેનો અંજામ બહુ ખરાબ આવશે. નિકિતાના ગયા પછી રાજેશ્વરી ખુબ રડતી રહી,તેને કાંઇ સુઝતુ ન હતુ કે હવે તે આ મુસિબતમાંથી કઇ રીતે રસ્તો કાઢે.આમ ને આમ રાત થઇ ગઇ પણ કોઇ નોકર તેને જમવાનુ આપવા પણ ન આવ્યા,રાજી બસ ગુમશુમ બની બેઠી રહી.અડધી રાત થતા તેને કડકડતી ભુખ લાગી.આખા શરીરમાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો.તે આવતી કાલે જ કોઇ પણ ભોગે અતુલભાઇને મળીને બધુ જણાવવાનુ વિચારવા લાગી.દુ:ખમાં અને દુ:ખમાં તેને ક્યારે ઊંઘ આવી ગઇ તેનો તેને ખ્યાલ ન રહ્યો. સવાર થતા જ નિકિતાએ પગથી લાત મારીને રાજેશ્વરીને ઉઠાડતા કહ્યુ, “ઓ,મહારાણી સાહીબા,ઊઠો હવે,સવાર થઇ ગયુ છે.હજુ પણ અક્કલ નથી આવી લાગતી તને?એક વાત યાદ રાખજે કે જ્યાં સુધી તું તારી અક્કડ નહી છોડે ત્યાં સુધી જમવાનુ તો નહી જ આપુ.અને બહુ હોશિયારી કરી તો જે પાણી આપુ છુ પીવાનુ તે પણ બંધ થઇ જશે.ચાલ હવે જલ્દી તૈયાર થઇ સફાઇના કામ કરવા માંડ.” નિકિતા ગુસ્સામાં જતી રહી પણ રાજેશ્વરી ના રૂમનું બારણુ બંધ કરવાનુ ભુલી ગઇ.આ તક રાજેશ્વરીએ ઝડપી લીધી,તે તરત જ દોડીને ગેઇટ બાજુ ભાગી તો ચોકીદાર તેને પકડીને તેને નિકિતા પાસે લઇ આવ્યો.નિકિતાએ રાજેશ્વરીને ફરીથી ઢોર માર માર્યો.આમ રાજેશ્વરી થોડા દિવસ ભુખી તરસી માર સહન કરતી રહી. રાજેશ્વરીને બહાર જવાનો કોઇ રસ્તો મળતો ન હતો.ચોવીસ કલાક તેના પર નિકિતાની અને નોકરોની નજર રહેતી હતી.તે કયાંય પણ જઇ શકતી ન હતી.અને કોઇનો સંપર્ક પણ કરી શકતી ન હતી.આખરે તેની હિમ્મત વાજ આવી ગઇ.તેણે હવે ઘરકામ કરવાનુ શરૂ કરી દીધુ.તેણે વિચાર્યુ કે નિકિતા સામે બળથી કામ લેવાથી તેને ફાયદો નહી થાય,તેના કરતા તે યોગ્ય મોકાની રાહ જોવા માટે ઘરકામ કરવામાં લાગી ગઇ અને મોકો મળતા જ તે અતુલભાઇ પાસે જઇ આ બધુ એમને જણાવશે.કામ શરૂ કરતા તેના પર નિકિતાનો માર ઓછો થઇ ગયો અને હવે તેને જમવાનુ પણ મળવા લાગ્યુ. નિકિતા અને વિકાસ તેને કામ કરતી જોઇ ખુશ થયા અને નિકિતાએ હવે એ માની લીધુ કે રાજીએ તેની સામે હાર માની લીધી છે છતા પણ રાજેશ્વરી પર હજુ નિકિતાનો કડક ચોકી પહેરો રહેતો હતો.તેથી તે ક્યાંય જઇ શકતી ન હતી.કોઇને ફોન પણ ન કરી શકતી હતી.આમ ને આમ મહિનો વીતી ગયો.રાજેશ્વરી વિચારશુન્ય બની ગઇ તેને કોઇ પણ જાતના વિચાર આવતા ન હતા.તે જીવતી લાશ બનવા લાગી હતી.મુંગા મુંગા કામ કરીને લુખુ સુકુ ખાઇને પડી રહેતી હતી.કયાંય બહાર જવાનુ મળતુ પણ ન હતુ. એકાદ મહિના બાદ વિકાસના ભાઇની દીકરી રાજલક્ષ્મી ઘરે આવી.રાજેશ્વરી તેણીને જોતા વખતે જ ઓળખી ગઇ કે આ તો રાજલક્ષ્મી છે પરંતુ રાજલક્ષ્મી નોકરના વેશમાં રહેલી રાજેશ્વરીને ઓળખી ન શકી.રાજેશ્વરીને ઇચ્છા થઇ કે રાજલક્ષ્મીને પોતાની સાથે થયેલ બધી વાત કરી દે અને તેની મદદથી પોલીસને ખબર પહોંચાડે પરંતુ વળી એમ થયુ કે રાજલક્ષ્મી પણ નિકિતાની જ ભત્રીજી છે અને જો તે પોલીસને બદલે આ બધી વાત નિકિતાને કહેશે તો વધુ મુશ્કેલી ઊભી થશે.તેના પર ભરોસો થોડો મુકી શકાય.?? આમ અને આમ દિવસો વીતતા જતા હતા.કોઇ પણ રસ્તો કયાંય દેખાતો જ ન હતો.એમાં એક દિવસ નિકિતા અને વિકાસ તેના દિયરના ઘરે એટલે વિકાસના ભાઇ-ભાભીના ઘરે ગયા હતા.હેડ સર્વન્ટ લાખી અને ભલાકાકા પણ પ્રસંગ અર્થે બહારગામ ગયા હતા.આ તક રાજીએ ઝડપી લીધી અને તે બજારમાંથી સફાઇનો સામાન લેવા જવાનુ બહાનુ કરીને નીકળી ગઇ.બહાર જઇ દોડીને તે પ્રથમ તો એસ.ટી.ડી. બુથ પર જઇને અતુલભાઇનો ફોન નંબર જોડયો.પરંતુ ઘરનો નંબર કોઇએ ઉપાડયો નહી.મોબાઇલ આઉટ ઓફ કવરેજ બતાવતો હતો.રાજેશ્વરીએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ફોન લાગ્યો જ નહી.ફોન ન મળતા તે ઝડપથી રિક્ષા કરીને અતુલભાઇના ઘરે ગઇ. અતુલભાઇના ઘરે જઇ તેણે જોયુ તો તાળુ લટકાવેલુ હતુ એ જોઇ રાજેશ્વરી એકદમ નિરાશ થઇ ગઇ.આસપાસના પડોશી પાસે તપાસ કરી તો રાજેશ્વરીને ખબર પડી કે અતુલભાઇ તો કાયમ માટે ઓસ્ટ્રેલિયા જતા રહ્યા છે.તેણે પોતાનુ ઘર પણ વેચવા માટે કાઢી નાખ્યુ છે.આ વાત જાણી રાજેશ્વરી એકદમ ભાંગી પડી.તેના પડોશીનો ફોન લઇ તેણે ફરી અતુલભાઇના અને ત્યાર બાદ વિભાબહેનનના નંબર જોડયા પરંતુ તે લાગતા જ ન હતા.એડવોકેટ રાહુલને ફોન જોડયો તો તે બિઝી મળતો હતો.ઘણીવાર સુધી એડવોકેટ રાહુલને નંબર જોડયા રાખ્યો પરંતુ બિઝી જ મળતો હતો.આખરે નિરાશ થઇને રાજેશ્વરી ત્યાંથી નીકળવા પાછી વળી તો સામે જ નિકિતા ઉભી હતી.તેને જોઇ રાજેશ્વરી ડઘાઇ ગઇ અને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ નિકિતાએ તેનો હાથ પકડીને ખેંચીને કારમાં બેસાડી દીધી. ઘરે જઇને નિકિતાએ રાજેશ્વરીને માર મારતા કહ્યુ, “સાલી................ હું તને ઓળખુ જ છું,ઘરે આવતા જ જેવી ખબર પડી કે તુ સામાન લેવા બહાર ગઇ છે ત્યારે જ મને ખબર પડી ગઇ હતી કે તું કાંઇક ખેલ કરીશ જ.એટલે જ હું તને શોધવા આવી સીધી અતુલભાઇના ઘરે.ખબરદાર છે.જો આવો પ્રયત્ન બીજી વાર કર્યો છે તો તને હવે જીવતી નહિ છોડુ.” ખુબ જ માર મારીને ઓરડીમાં રાજેશ્વરીને પુરી દીધી.બે ત્રણ દિવસ સુધી રાજેશ્વરી પર નિકિતા અને વિકાસે અમાનુષી ત્રાસ ગુજાર્યો.તેને ખાવાનુ પણ ન આપ્યુ.રાજેશ્વરીને દેવાંશની ખુબ જ યાદ આવતી હતી.તે મનોમન આજે પોતાની જાત પર જ ગુસ્સે થતી હતી.પૈસા નિકિતાના એકાઉન્ટમાં જમા કરવા બદલ રાજેશ્વરીને ગુસ્સો આવતો હતો.બે ત્રણ દિવસ બાદ ફરીથી રાજેશ્વરી કામમાં જોડાઇ ગઇ.હવે તેને આ ગુલામીમાંથી છુટવાનો કોઇ રસ્તો દેખાતો ન હતો.તેને ક્યારેક તો એવા વિચાર આવતા હતા કે હવે તે દેવાંશની અંતિમ ઇચ્છા પૂરી કરી શકશે કે પછી દેવાંશની બધી રકમ આ લોકો પચાવી જશે..મનોમન તે ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે કોઇ પણ ભોગે આ લોકો પાસે તો દેવાંશના નાણા ન જ રહે.
આમ ને આમ સમય વીતતો જ રહ્યો,વીતતો જ રહ્યો.ક્યારેક તો રાજેશ્વરીને હવે આત્મહત્યાના વિચારો આવતા હતા.પણ તેના મનમાં એક આશા હતી કે તેનો વિચાર સારો છે એટલે ભગવાન તેને જરૂર મદદ કરશે.આ દુઃખ અને જુલમમાંથી એક દિવસ જરૂર કાંઇક રસ્તો મળી જશે એ આશા થકી જ તે જીવતી હતી. થોડા મહિના બાદ નિકિતાના બંન્ને દીકરા ભાર્ગવ અને સચિન પોતાનો અભ્યાસ પુરો કરીને ઘરે આવી ગયા.તેઓ અમેરિકામાં અભ્યાસ કરતા હતા.તેઓનો અભ્યાસ પુરો થઇ જતા તે હવે ઘરે આવી ગયા હતા. રાજેશ્વરીને ભાર્ગવ અને સચિનને જોઇ થોડી આશા જાગી કે તે તેમની પાસે મદદ માંગે.પરંતુ ફરી યાદ આવ્યુ કે ભાર્ગવ અને સચિન થોડો સમય તેના ઘરે લંડન રહેવા આવ્યા હતા ત્યારે જ રાજેશ્વરીને ખબર પડી ગઇ હતી કે ભાર્ગવ તો લાલચુ અને ઘમંડી હતો.અસલ નિકિતા જેવો જ.સચિન તો ત્યારે નાનકડો જ હતો.પરંતુ હતો તો નિકિતા અને વિકાસ નો જ દીકરો ને.તેના પર હવે મદદની આશા રાખી શકાય નહિ.રાજેશ્વરીને થોડી આશા થઇ હતી તેમાં તેના આ વિચારે પાણી ફેરવી દીધુ.તે તમામ વિચારો છોડી અને બધુ ભગવાન પર છોડી પોતાના રોજીંદા કાર્યમાં લાગી ગઇ.
રાજેશ્વરીને કયાંય કોઇ આશાની નાનકડી કિરણ પણ દુર દુર સુધી દેખાતી ન હતી.એમ કહેવાય છે ને કે દુ:ખની રાત્રિ ગમે તેવી લાંબી હોય પરંતુ એક દિવસ સુખનો સુરજ જરૂરથી ઉગે જ છે.પરંતુ રાજેશ્વરી માટે એક એક પળ ગુજારવી હવે ખુબ જ મુશ્કેલ બનતી જતી હતી.તેના માટે સુખનો સુરજ તો જાણે કયારે ઊગશે તે તેના માટે પણ એક મોટો પ્રશ્ન હતો.સારા કાર્યની સરૂઆત કરવાનુ નેમ લઇને આવી હતી અને વિચાર્યુ હતુ કે ત્યાં જઇ સમાજસેવાના કાર્ય કરી અને તે દેવાંશને શ્રધ્ધાંજલી આપશે છતા પણ તેના આવા હાલ થયા હતા.રાજીને હવે તો ઇશ્વર પરથી પણ વિશ્વાસ ઉડી જવા લાગ્યો.પ્રભુ કેમ સારુ કાર્ય કરનારાઓ અને સારા રસ્તા પર ચાલનારાઓને આટલુ દુ:ખ આપે છે? જીવન દુષ્કર બનવા લાગ્યુ હતુ.પાપીઓ અને અધમીઓ જલસાથી જીવતા હતા અને હજારો લોકોની મદદ કરવાની ટેક ધરાવતી પોતે અપાર યાતના વેઠતી હતી. દિવસે દિવસે રાજેશ્વરીની આશા તૂટવા લાગી હતી.તેને હવે જીવવુ જરાય ગમતુ જ ન હતુ.જીવનમાંથી એકદમ રૂચિ ઓછી થવા લાગી હતી.પરાણે થોડુંક ખાઇને કામ કર્યા કરતી હતી તે સુકાઇને કાંટા જેવી બની ગઇ હતી.કોઇ તેને જોય તો સહેલાઇથી ઓળખી પણ ન શકે તેવા તેના હાલ થયા હતા.તેને તેના મા-બાપની પણ ખુબ જ યાદ આવતી હતી.
એક દિવસ પ્રશાંત ઘરે રોકાવા આવ્યો.બે-ત્રણ દિવસ રોકાયા બાદ તેણે નિકિતાને વાત કરી કે ,”આન્ટી હું,ભાર્ગવ અને સચિન ટુર પર જવા ઇચ્છીએ છીએ.અમે મુંબઇ, મહાબળેશ્વર, માથેરાન, શિરડી અને નાસિક ફરવા જવાનુ નક્કી કર્યુ છે.” “અરે,ના બેટા ના,હજુ તમે એટલા પણ મોટા નહી થયા કે આમ એકલા ટુર પર જઇ શકો.એવુ હશે તો વિકાસ કામમાંથી ફ્રી થશે તો આપણે સૌ સાથે જશુ.”તો નિકિતાએ જવાબ આપતા કહ્યુ,
“આન્ટી,અમે કાંઇ એટલા પણ નાનકડા નથી.વી આર ગ્રોઇગ અપ નાઉ.અને તમને અને મને બન્નેને ખબર જ છે કે વિકાસ અંકલ કેટલા બીઝી રહે છે.તે ક્યારે ફ્રી થાય અને ક્યારે આપણે સૌ સાથે જઇએ તેના કરતા અમને જવા દો ને?અમારી સાથે બીજા અમારા ફ્રેંડસ પણ આવવાના છે.” પ્રશાંતે દલીલ કરતા કહ્યુ. “બેટા તમે જ્યારે ૫૦ વર્ષના થશોને ત્યારે પણ અમારા માટે તમે નાના બાળકો જ રહેવાના.આમ તમને ક્યારેય એકલા મોકલ્યા નથી તો અમારો જીવ ન ચાલે.તુ જીદ રહેવા દે એકલા જવાની” નિકિતાએ પ્રત્યુતર આપ્યો.
“આન્ટી પ્લીઝ અત્યારે અમારા હરવા ફરવાના દિવસો છે.એક વખત નોકરી-ધંધો અને સંસારની ઝંઝટમાં ફસાઇ ગયા પછી આવા સોનેરી અવસરો કયાંથી પાછા મળશે?અમે પણ અંકલ અને મારા ડેડીની જેમ જ બીઝી બની જશુ.તેના કરતા અત્યારે જવા દો ને પ્લીઝ.” પ્રશાંતે ફરી દલીલ કરી. આ વખતે નિકિતાને પ્રશાંતની ઇચ્છા સામે ઝુંકવુ પડ્યુ અને તે બોલી , “ઓ.કે.....ઓ.કે.......જઇ આવો તમે ટૂર પર.બસ હવે તો ખુશ છે ને તું?અને બીજી વાત કે તે તારા મમ્મી-પપ્પાની પરમિશન તો લીધી જ છે ને?” પ્રશાંત , “હા આન્ટી તેઓ એ તો હા પાડી દીધી છે બસ તમારી રજાની વાર હતી અને હવે તે પણ મળી ગઇ છે તો હું સચિન અને ભાર્ગવ સાથે મળી પ્લાન કરી લઇએ.અને એવી ઇચ્છા છે કે અમે આવતીકાલે જ નીકળી જઇએ.”
નિકિતા , “કાલે જ??? બહુ ઉતાવળા તમે બધા તો.થોડા યુવાન શું બન્યા કે બહુ ફાસ્ટ બનવા લાગ્યા છો?”એમ કહી તે હસવા લાગી. પ્રશાંતે ભાર્ગવ અને સચિન સાથે મળી બધુ નક્કી કરી લીધુ અને બીજા દિવસે રાત્રે નીકળવાનુ ડીસાઇડ કર્યુ.
નક્કી કરેલા સમયે ત્રણેય ભાઇઓ ગાડી લઇને જવા નીકળ્યા.નિકિતા અને વિકાસ બન્ને તેને ગુડ બાઇ કહેવા બહાર આવ્યા,ત્યાં નિકિતા બોલી , “પ્રશાંત જો બેટા ભાર્ગવ અને સચિન વિદેશમાં જ અભ્યાસ કરતા હતા તેથી તેઓને ઇન્ડિયામાં ડ્રાઇવિંગનો કોઇ ખાસ અનુભવ નથી,માટે તેને ડ્રાઇવિંગ કરવા દેતો નહી.એવુ હોય તો એક કામ કરો તમે અહીથી એક ડ્રાઇવરને સાથે લઇ જાઓ. પ્રશાંત , “અરે ડોન્ટ વરી આન્ટી.હું છુ ને ડ્રાઇવિંગ કરવા વાળો.અને તમને તો મારો અનુભવ જ છે કે હું ડ્રાઇવિંગમાં કેવો પાવરધો છું?ચિંતા ન કરો,હુ તેમને બન્નેને ડ્રાઇવિંગ કરવા નહી આપુ.ચાલો હવે અમે નીકળીએ.
“હા,બેટા નીકળો તમે એન્ડ એન્જોય યોર સેલ્ફ.પણ ધ્યાન જરૂર રાખજો તમે.તમારી ચિંતા છે અમને તો સમયે સમયે ફોન કરતા રહેજો.ક્યાંક તમારી એન્જોયમેન્ટના ચક્કરમાં ફોન કરવાનુ ભૂલી ન જતા.” વિકાસે કહ્યુ. બાય અંકલ બાય આન્ટી.....બાય બાય મમ્મી પાપા....પ્રશાંત,ભાર્ગવ અને સચિન બધા નીકળ્યા.ડ્રાઇવિંગ પ્રશાંત કરતો હતો.ત્રણેય જણા ખુશ થતા ફરવા નીકળી ગયા.
નિકિતા અને વિકાસ અંદર આવ્યા,ત્યાં નિકિતાએ ફોન હાથમાં લઇ બોલી , “વિકાસ હુ પ્રશાંતને જરા ફોન કરી કહી દઉ કે અત્યારે રાત્રી છે તો કાર જરા ધીમે ચલાવે. નિકિતા ફોન કરવા જતી જ હ્તી કે વિકાસે ફોન લઇ લીધો અને બોલ્યો , “અરે નિક્કી,આટલી ચિંતા ન કર.હજુ તો તેઓ ગયા તેને પાંચ મિનિટ પણ થઇ નથી ને તુ ફોન કરવાનુ કહે છે??અરે,હવે આપણા સંતાનો યુવાન બની ગયા છે તેને થોડુ તેની રીતે જીવવા દે.અને આમ પણ પ્રશાંત બહુ સારી રીતે કાર ચલાવી જાણે છે તેનો મને અનુભવ છે.સો ડોન્ટ વરી ડીઅર.” “હા વિકાસ પ્રશાંત કાર સારી રીતે ચલાવી જાણે છે તે મને પણ ખબર છે,પણ મા છું ને......ચિંતા તો થવાની જ.....અને તેઓ પહેલી વખત આમ બહાર આઉટ ઓફ ગુજરાત જઇ રહ્યા છે તો જરા ટેન્શન તો રહેવાનુ જ છે.” નિકિતા બોલી. “ઓ.કે. બાબા ઓ.કે. ફોન કરવો જ હોય તો પછી કરજે અને જે સુચના આપવાની થતી હોય તે બધી એક કાગળ પર ટપકાવી લે એટલે ભુલાઇ નહી અને બધી સુચના સાથે આપી દેજે.” વિકાસ હસતા હસતા બોલ્યો. “હા,હવે બહુ મજાક કરવાનુ રહેવા દો અને ચાલો હવે આરામ કરવા.”નિકિતા હસતા હસતા બોલી અને બન્ને આરામ કરવા જતા રહ્યા. રાત્રે ઓચિંતો બે વાગ્યે નિકિતાના મોબાઇલ પર કોઇક નો ફોન આવ્યો.બે વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવતા નિકિતા અને વિકાસની ઊંઘ ઊડી ગઇ.વિકાસે કૉલ રીસીવ કરી વાત કરી.ફોન પર વાત કરી વિકાસના હોંશ ઊડી ગયા.ફોન કટ કરી વિકાસે નિકિતાને જલ્દી રેડી થવા કહ્યુ. “વિકાસ શું થયુ?કેમ આટલો ચિંતામા છે?ફોન પર કોણ હતુ?શું વાત થઇ એ તો બતાવ મને???” નિકિતા ઉતાવળે બોલી ગઇ. “તુ અત્યારે પ્રશ્ન કરવાનુ રહેવા દે અને ફટાફટ ચાલ મારી સાથે.તારા બધા પ્રશ્નના જવાબ હું રસ્તામાં આપુ છું.હવે ચાલ જલ્દી.” વિકાસે ગુસ્સામાં કહ્યુ એટલે નિકિતા પણ જેમતેમ રેડી થઇ અને બન્ને ઓચિંતા ક્યાંક જવા રવાના થયા.
વિકાસ અને નિકિતા આમ ઉતાવળે જવા નીકળ્યા તે રાજીએ જોયુ અને તે પણ વિચારમાં પડી ગઇ કે આ બન્ને અત્યારે મોડી રાત્રે આમ ઉત્તાવળે પગલે ક્યાં જઇ રહ્યા છે???પણ વધુ વિચાર કર્યા વિના રાજી સુઇ ગઇ.
.