અવઢવ : ભાગ : ૧૪ (અંતિમ ભાગ )
અને આમ પણ પોતાની લાગણી કહીને કોઈનો વસાવેલો સંસાર …આખું જીવન ડહોળી નાખવું જરાય વ્યાજબી ન કહેવાય …ને અરસપરસ પ્રેમ હોય એટલે સાથે રહેવું એવું થોડું હોય ? માબાપ , સગા સ્નેહીઓને પ્રેમ કરવા છતાં બધા સાથે …બધો સમય રહી શકીએ છીએ ? રહીએ છીએ ? ….એકમેકથી દૂર રહી ….એકબીજાને જાણ પણ કર્યા વગર એની ખુશી માટે દુવા કરવી ….એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય ……!!
જો પ્રેમ એટલે શરીર , ઉન્માદ , મુલાકાત , ઇશારા , આછકલાઈ કે એવું બધું હોય તો આવો પ્રેમ પરણ્યા પછી નકામો …………આમ પણ માબાપ, ભાઈબહેન , મિત્ર કોઈ પણ સંબંધ જૂઓ …દરેકની એક સીમા હોય છે …મર્યાદા હોય છે ..આપણી આજુબાજુ આપણે ચકરડા મૂકી એમાં સંબંધો ગોઠવી દીધા હોય છે ..કોને કેટલું નજીક આવવા દેવું એ આપણે નક્કી કરેલું જ હોય છે …પરણી ગયેલી દીકરીના સંસારમાં સગો બાપ દખલ નથી દેતો તો બીજા કેવી રીતે દખલ કરી શકે ? સમજવા જેવી વાત છે …ક્યાં ટકવું અને ક્યાં અટકવું બહુ શીખવા જેવી બાબત છે .
પણ ……
પરણ્યા પછી અન્ય તરફ થતી વિશેષ લાગણી એટલે પૂજા , શુભેચ્છા , ત્યાગ , બલિદાન , સહકાર , પ્રોત્સાહન , સહારો હોય અને એ પણ શરીર બહારની લાગણી હોય એ અપેક્ષિત છે .
લગ્ન એક સામાજિક સંસ્થા છે ….બંધન છે ..શિસ્ત છે …એક લગ્નમાં ફક્ત બે જણ નહિ … ભારતમાં તો બે આખે આખા પરિવાર જોડાઈ જાય છે … કોઈ એક વ્યક્તિની ભૂલનું પરિણામ બંને પક્ષે ભોગવવાનું આવે ….પોતાના જીવનસાથીને તો માણસ પ્રેમ કરતો જ હોય …પણ પોતાને થયેલી કોઈ વિશેષ લાગણીને કારણે બીજાને સહન કરવાનું થાય એ ક્યાંનો ન્યાય ? સંબંધમાં પ્રેમ ઉપરાંત એકબીજા તરફ માન હોવું જરૂરી હોય છે … કોઈ લગ્નબહારનો સંબંધ ખુલીને બહાર આવે પછી માન જ ન રહે ત્યાં પ્રેમ તો રહે જ કેવી રીતે ?.
પરણ્યા પછી કોઈ જુના પાત્ર તરફ ઉગી ઉઠેલી લાગણી પાપ ન કહી શકાય કારણ સાચી લાગણી કદી મરતી નથી .પ્રેમમાંથી નફરતમાં બદલાય તો નફરત પણ એક લાગણી જ કહેવાય .પણ જો પ્રેમ યથાવત હોય અને ફરી મળવાનું બને અને બંને પક્ષના જીવનસાથી તરફ અપ્રેમ , અન્યાય , બેકાળજી , ધોખો કે છેતરપીંડી થવા લાગે તેવી લાગણીને પ્રેમ નહી વ્યભિચારનું નામ આપવું પડે ……!!!!
તાળીના ગડગડાટ સાથે આ કાર્યક્રમ જોઈ રહેલા નૈતિકની તંદ્રા તૂટી ….. ત્વરા આ જ વાત કહેતી હતી …. એ ખોટું શું કહેતી હતી ? પોતે વામણો રહી ગયો…મનમાં અનુભવેલા પણ ક્યારેય ન કહી શકાયેલા એક સંબંધ માટે કારણ વગર કોકડું ગુંચવાઈ ગયું હતું .
હાથમાં મોબાઈલ લઇ અવશપણે એણે પ્રાપ્તિની પોસ્ટ નીચે લખ્યું ..
“મને પણ તારી સાથે જોડાઈ ખુબ આનંદ થયો … તારી જેવી દીકરી કોને ન ગમે ? તારી વાતો અને ખડખડાટ હાસ્ય હજુ મારા કાનોમાં ગુંજે છે . ધ્રુવ ઠીક થઇ રહ્યો છે ….તમે કરેલી પ્રાર્થના બદલ ખુબ આભાર ….પપ્પા મમ્મીને યાદી આપજે …આપણે જરૂર મળીશું. .. :) “
હાથમાં રહેલા મોબાઈલમાં આવેલા જવાબથી ખુશખુશાલ પ્રાપ્તિએ અંદર રૂમમાં ગયેલા ત્વરા અને પ્રેરકને બૂમ પાડી કહ્યું ….’ મા , નૈતિકઅંકલ અને હું હવે ફેસબુક ફ્રેન્ડસ છીએ ….એમણે મારી થેન્ક્સવાળી પોસ્ટનો જવાબ આપ્યો છે ….તમને બેયને હલ્લો કીધું છે …how cool ..!!!
રૂમમાં કપડા બદલવા ગયેલા બેય જણ એકબીજાની સામે જોઈ રહ્યા …અને પછી હસી પડ્યા. સુખ અને દુઃખ સાપેક્ષ હોય છે . આમાં કોઈ બીજાએ આપેલી વ્યાખ્યા કામ ન આવે . એક જણનું સુખ બીજા માટે દુઃખનું કારણ બને એંવું તો હંમેશા બનતું જ હોય છે …ત્વરા અને પ્રેરકે પ્રાપ્તિ અને નૈતિકની દોસ્તીને સહજતાથી લઈ લીધી .
પણ નૈતિકે આપેલો જવાબ ફ્લેશ થતા પ્રેરણા નવેસરથી ભીડાઈ ગઈ. આ જૂઠડો માણસ..!! ત્યાં જ તૃષાનો ફોન આવ્યો…. ફોન ઉપાડતા જ પ્રેરણાએ ગુસ્સો કરી લીધો … ‘ આટલી વાર ? ક્યારની રાહ જોઉં છું … તેં પોસ્ટ જોઈને ? કેટલો ખોટો છે આ માણસ ..!! ‘ તૃષાએ સીધો સવાલ પૂછ્યો … ‘કેમેરા છે ? સ્કાઇપ ઓન કર .. ‘ પ્રેરણા સ્કાઈપ પર ઓનલાઈન આવતા જ તૃષાએ કહ્યું ‘હવે બોલ …’ પ્રેરણાએ બધી જ ભડાશ કાઢવા માંડી. થોડી વાર એને બોલવા દઈ તૃષાએ શાંતિથી સાંભળી લીધું . એને ચુપચાપ જોઈ પ્રેરણા વધુ મૂડમાં આવી ગઈ. એનો ઉકળાટ ઠંડો પડતા એ ધીમી પડી … તૃષાએ ધીમેથી એક અફસોસના સ્વરે કહ્યું : ‘ તારી પાસેથી મને આ અપેક્ષા આમ તો ન હતી પણ છેલ્લા દિવસોમાં મેં તને સાવ અલગ જોઈ … આજે તો તેં હદ જ કરી નાખી …’ તૃષા બોલતી ગઈ … પ્રેરણા સાંભળતી ગઈ … એક એક શબ્દની ધાર જાણે એના મનના બારી દરવાજા પર લાગેલો વર્ષો જૂનો કાટ ઉખાડી રહ્યા હોય એવું બની રહ્યું હતું .. તૃષા બોલી રહી …
‘ત્વરાની દીકરી નૈતિકની વોલ પર પોસ્ટ મુકે એ તને દેખાયું …પણ એ કેમ ન સમજાયું કે ત્વરા જ નહી એની દીકરી પણ નૈતિકની મિત્ર છે ….એણે એના પતિ અને પરિવાર સાથે નૈતિકની ઓળખાણ કરાવી છે …. બે વ્યક્તિના ..મિત્રોના સંબંધને કારણે એમના પરિવારો પણ બંધાઈ જાય એ આદર્શ પરિસ્થતિ ગણાય .તારા ધ્રુવની માંદગીમાં એ આખો પરિવાર માનસિક સહારો બન્યો હતો ….અને નૈતિક એ સહારો બહાર એના મિત્રમાં ..હમણાં જ મળેલી ત્વરામાં શોધે છે એનો અર્થ તારે સમજવાનો છે .જીવન ગુંચવાડા ભર્યું છે જ્યાં બે પળ શાંતિ મળે ત્યાં માણસ સ્વાભાવિક ખેંચાઈ જવાનો … ત્વરા એના પરિવારથી કશું નથી છૂપાવતી પણ નૈતિક બધું છૂપાવે છે ….એવું કેમ બન્યું એ તારે વિચારવાનું છે .વિજાતીય મૈત્રી એટલે સેક્સ એવું કોને ખબર કોણે તારા મનમાં ઘુસાડ્યું છે …તારા બાળકોના મિત્રોને તું સહન નથી કરી શકતી એટલે સ્વાભાવિક છે કે તારા પતિના મિત્રો તું સહન ન જ કરી શકે …. કેમ્પમાં સાથે ગયેલા ઘણા મિત્રો જોડે મારી સાથે સાથે મારા પતિ તપન પણ વાતો કરે છે … એમને તો શંકા નથી આવતી ..!….તો તું વિચારજે તું આ ઠીક કરે છે ? ત્વરાની દીકરી નૈતિક સાથે આટલી બિન્દાસ વાત કરી શકે છે એનો મતલબ તને સમજાય છે ? એનો ઉછેર કેવો સરસ થયો હશે ….! તારી અનુષ્કાને આ મૈત્રી ગમી અને એણે પ્રાપ્તિ અને ત્વરાના વખાણ કર્યા એમાં તું હચમચી ગઈ ….એવું કેમ ? સ્ત્રીઓના પ્રમાણમાં પુરુષો પોતાના જૂના સંબંધોની વાત હસતા હસતા પણ થોડાક ખુલીને કહી શકતા હોય છે ….થોડુક અભિમાન અને ગર્વથી પોતાની બહેનપણીઓ , આકર્ષણો ,ક્રશ વિષે વાત કરી શકતા હોય છે ….જ્યારે સ્ત્રી અણગમતા સવાલોનો…સંજોગોનો સામનો ન કરવો પડે માટે ચુપકેદી રાખી એક આખા સંબંધને મનમાં દબાવી રાખે છે ..અહીં સાવ ઊંધું નથી લાગતું? ત્યાં ત્વરાએ એના પરિવાર સાથે કેવા તંદુરસ્ત સંબંધો બનાવ્યા હશે …એ સમજાય છે ? ૧૫ દિવસ મેં જે ત્વરાને જોઈ છે …થોડી ઘણી સમજી છે એ પરથી કહું છું ….એ બહુ સ્પષ્ટ વક્તા છે … એ ઓછુ બોલતી પણ બોલતી ત્યારે એને જે સાચું લાગતું એ જ બોલતી .ખબર નથી કેમ પણ મને હજુ લાગે છે કે ત્વરાએ એના પતિને જે હશે તે બધું કીધું જ હશે …. કશું જ છૂપાવ્યું નહી હોય .
અને પ્રેરણા , અને જે નૈતિક પર તું શંકાના ટોપલા ઢોળી રહી છે એ નૈતિક તારી સાથે વાત કરવા આવ્યો ત્યારે તારું વર્તન કેવું હતું યાદ છે ? શક્ય છે તેં એની વાત શાંતિથી સાંભળી હોત તો એણે ખૂલીને બધી વાત કરી હોત … તું રોજ રોજ કલ્પનાઓ કરી દુઃખી થવા તૈયાર છે ….ખુલીને વાત સાંભળવા નહી …..એ તો કેવું ? તારાથી છાનું છાનું નૈતિક ત્વરાને મળતો હશે ..ફોન કરતો હશે એવું વિચારીને તમારા સંબંધને તું પોતે ભયજનક સ્થાને લઇ જઈ રહી છે ..સમજાય છે કે નહી ? ત્વરાના ઘરે જઈ મળતાવડા લોકો સાથે વાત કરી નૈતિકને તું ને તારો સ્વભાવ અને તારું વર્તન અને તારી શંકા યાદ નહી આવતી હોય ? સંવાદ એકબીજાને નજીક રાખવા માટે કરાતો હોય છે ..જ્યારે વિખવાદને કોઈ બહાનાની જરૂર જ નથી . તને તો સંવાદ કરતા પણ નથી આવડતું … એક વાત ગાંઠે બાંધી લે …લાગણીમાં જતુ કરીને જીતી શકાતું હોય છે …ક્યારેક હાથવગું કરીને પણ હારી જવાતું હોય છે . તારી પાસે બાંધી રાખવાની લ્હાયમાં નૈતિક મનોમન જોજનો દૂર થઈ રહ્યો છે એ પણ તને સમજાતું નથી ?પરણ્યા પછી પડખે સુતેલું પાત્ર પામી લીધું છે , એના પ્રેમને પામી લીધો છે એનું કોઈ પ્રમાણપત્ર મળે ? શરીર પામવું અને મન પામવું બે સાવ અલગ વાત છે ….અને મન વગરનું શરીર લગ્નજીવનમાં ખતરાની ઘંટી જેવું હોય છે . સામે ત્વરા આટલી નિખાલસ હોય તો એના પરિવારને નાલેશી થાય એવું વર્તન એ કરે ? પ્રેરણા , આપણે બધા અલગ અલગ સમયે એક સરખા જ હોઈએ છીએ પણ મનથી અને મગજથી વિચાર કરવાના સમય અલગ અલગ હોય છે …એકાદ વાર તારી જાતને નૈતિકની નજરે જોઈ હોત તો તને શરમ આવી ગઈ હોત . પણ એક કામ તો તું કરી જ શકે …. નૈતિકની જગ્યાએ તારી જાતને રાખી જો … આખીપરિસ્થિતિ અને એનું વર્તન સમજાઈ જશે . આટલા વર્ષે મારે તને સમજાવું પડશે કે લગ્ન એટલે એકબીજાને બદલવાની કવાયત નહી પણ લગ્ન એટલે એકબીજાને જેવા છે તેવા સ્વીકારવાની કોશિશ … !! એવું જરાય જરૂરી નથી કે સરખા વિચારોવાળા યુગલો સુખી હોય છે …પોતાના વિચારો સુધારીને અને બીજાનાવિચારો સ્વીકારીને વિરોધી વિચારોને માન્યતા આપવાનો શરૂઆતમાં પ્રયત્ન કરવો પડે છે પણ એ આદત બનતા જ એક મજબૂત બોન્ડ બની જાય છે અને એકબીજાને ખુશ કરવાની કસરત કરતા કરતા બે જણ છાના છાના એકબીજાના વિચારોને સમર્થન આપવા લાગતા હોય છે ..એકમેકનું ઉત્તમ બહાર આવે ……… એ જ સંબંધ પરિપક્વ થયો કહેવાય .સાચું કહું તો તારી વાતો સાંભળીને અને પ્રાપ્તિના ફોટામાં જોઇને જ મને લાગે છે કે મારે ત્વરાને મળવું છે .’ ખુબ ગુસ્સો કર્યા પછી સામે બેઠેલી દયામણી પ્રેરણાને જોઈ તૃષાને ખરાબ તો લાગ્યું પણ ત્વરા અને નૈતિકની મિત્ર સાથે એ પ્રેરણાની બેન પણ હતી .સાચા સમયે થોડું કડવું …સાચું કહેનાર બહુ અંગત હોય છે . ‘ તને ફોન કરવામાં મોડું થયું એનું કારણ આપવાનું તો રહી જ ગયું ‘…એમ કહી ટીવીના ટોક શોનાં ટોપિક વિષે વાતો કરી .અને સવારે આ કાર્યક્રમ યુ ટ્યુબ પર આવી ગયો હશે તો જરૂર જોઈ લેવા આગ્રહ કરી તૃષા ઓફલાઈન થઇ .
સજ્જડ બંધ રહેલી બારી ઉઘડી જતા ધધુડાભેર અજવાળું પ્રેરણાના મનમાં ફેલાઈ ગયું . બહુ સાચું છે …પોતાની સાચી જાતને..મનને જોઈ શકે એવો અરીસો બનવો હજૂ બાકી છે .માણસ આખી દુનિયાને જવાબ આપીશ શકે છે પણ પોતાની જાતને જવાબ આપવો બહુ અઘરો પડે છે … પ્રેરણા એકના એક વિચારો હજાર વાર કરી રહી હતી …આટલા વર્ષ નૈતિકને ખુલીને વાત કરવાનો મોકો ન આપવા બદલ એને શરમ લાગવા માંડી. એને વિચાર આવ્યો એ કઈ રીતે બિચારી છે ?પતિ છે ,ઘર છે , બાળકો છે , નોકરી છે ,શું નથી ? સરેરાશ પત્નીઓ બહુ મોટી ભૂલ કરતી હોય છે .. સારી પત્ની બનવાની ચિંતામાં સારી મિત્ર બનવાનું ચૂકી જતી હોય છે . પોતાના પીંજરામાં કેદ થયેલો નૈતિક કદાચ પૂરાઈ પણ રહે …બહુ બહુ તો પાંખો ફફડાવશે પણ પાંખ ફેલાવાનું ભૂલી જશે . કેટલીક વાર આપણે ઈચ્છેલી પરિસ્થિતિ પણ અણગમતી બની જાય છે …. આપણે ઈચ્છીએ કે માણસ બદલાઈ જાય … આપણી ધારણા મુજબ વર્તન કરે અને જો એ બદલાઈ જાય તો સહન પણ નથી થતું …!! આવું કશુંક બને તો જીવન જીવવું બહુ આકરું બની જાય .. એનો જીવ બળવા લાગ્યો … તૃષાએ કહેલા એક એક શબ્દ એના મન પર કાંટાની જેમ વાગી રહ્યા હતા. પોતાનામાં મશગુલ રહી સમયે સમયે સંબંધની માવજત લેવાનું ચુકાઈ ગયું હતું . મગજ તો એ જ યાદ રાખે છે જે હ્રદય ભૂલી શકતું નથી . એ એને સમજાઈ રહ્યું હતું .
પ્રેરણાએ ફોન હાથમાં લીધો…. શું લખું ? શું કહું? એવી અવઢવમાં જે મનમાં સુઝ્યું એ લખી નાખ્યું અને નૈતિકને એક મેસેજ કરી દીધો . ઊંડો શ્વાસ લઇ એ બેસી રહી .
પ્રેરણાનો મેસેજ મળતા જ પ્રેરકના મનમાં સખ્ત ઉથલપાથલ મચી ગઈ …. પ્રેરણા આવે છે …. તૃષા સાથે કોઈ વાત થઇ હશે ? ..તૃષા માટે ત્વરાનો નંબર માંગ્યો એનો અર્થ એ કરવો કે એ ત્વરા બાબતે થોડી કૂણી પડી છે ? કેટકેટલું વિચારી રહી હશે પ્રેરણા ? ત્વરા સાથે થયેલી છેલ્લી વાત પછી નૈતિક પાસે ચોખવટ કરવા માટે શું બચ્યું હતું ? …એટલે વધુ વિચાર્યા વગર નૈતિક એક નિષ્કર્ષ પર પહોચ્યો કે બહુ થોડા શબ્દોમાં પ્રેરણાની ગેરસમજણ દૂર કરી નાખવી છે .પાટા પરથી ઉતરી ગયેલી ગાડીને ફરી ઠેકાણે લાવવા જે થાય તે કરી ચૂકવું છે .
એણે ફોન લગાડ્યો …પ્રેરણાનો અવાજ સાંભળતા જ ‘ ધ્રુવને કેમ છે ? ટીકીટ બૂક કરાવી કે હું અહીંથી કરાવી આપું ? છોકરાઓ આવે તો લેતી આવજે . ..અહીં જરાય ગમતું નથી … તું આવે છે …તો સારું લાગે છે . ‘ સામે છેડે પ્રેરણા આ અવાજને જાણે અંદર ઉતારી રહી હોય તેમ ચુપચાપ સાંભળી રહી. સખ્ત તાપ પછી પડી રહેલા વરસાદના ફોરા જમીનની અંદર ઊંડે ઊંડે જઈ સૂકાઈ ગયેલા બીજને કોળવા માટે ઢંઢોળી રહ્યા હોય …ઉઠાડી રહ્યા હોય તેમ એક ઠંડક એના હ્રદયમાં વ્યાપી રહી હતી.
નૈતિકના મેસેજ આવતા બંધ થઇ ગયા છે …. ચલો ઇક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો …ગીતના શબ્દો મનમાં ઘુમરાઈ રહ્યા હતા . એક સારો ..પ્રિય મિત્ર ગુમાવી દીધો એવું ત્વરાને લાગી રહ્યું હતું . એક સંબંધને બચાવવાના પ્રયત્નો હંમેશા બંને પક્ષે થવા જોઈએ . એકબીજાને એકબીજાની જરૂર છે એ જણાવવાનો એક પણ મોકો ચૂકવા જેવો નથી હોતો .પણ ત્વરાએ જે કક્ષાની અપેક્ષા આ સંબંધમાંથી રાખી હતી એ પ્રેરણાની સમજ બહાર હતી .વચ્ચે નૈતિક પીસાઈ રહ્યો હતો . ત્વરાને નૈતિક માટે લાગી આવ્યું .
તૃષા ફોન કરશે જ … એવું વિચારી નૈતિકે એક મેસેજ ત્વરાને કરી જ નાખ્યો . આ મેસેજ અંતિમ હોય તેટલો ભાર લાગી આવ્યો એને …
આજે છોકરાઓએ સ્વીટ કોર્ન ખાધા હવે મોડેથી જમશે એમ લાગતા એ ને પ્રેરક જમવા બેઠા ત્યાં જ ત્વરાના ફોનમાં મેસેજ આવ્યો ….
“ ત્વરા, પ્રેરણાનો મેસેજ હતો . તૃષાને આપવા તારો નંબર માંગ્યો ...મેં આપ્યો છે . પ્રેરણા આ વિક એન્ડમાં આવવા વિચારે છે ..આવશે જ એવું લાગે છે .ખબર નથી શું કામ ... પણ તું એક વાત જાણી લે ...તું મારા માટે ખાસ હતી ...છે અને રહેવાની છે ...સંપર્ક હોય કે ન હોય ..સાથ હોત કે ન હોય ..હવે મારામાં એ કહેવાની હિંમત આવી ગઈ છે કે તું મારી મિત્ર છે .
-- નૈતિક “
ત્વરાએ હાથ લંબાવી મેસેજ પ્રેરકને બતાવી દીધો અને આંખમાં તરવરી ઉઠેલા આંસુઓને પાછા ધક્કો મારવા પ્રયત્નપૂર્વક હસી લીધું . આંસુ .. આ આંસુ શેને માટે આવી રહ્યા હતા એ ત્વરાને સમજાતું ન હતું અને એ સમજવા માંગતી પણ ન હતી…થાળીમાંથી પહેલો કોળીયો મોમાં મૂકી ચાવ્યા વગર પાણી પી લીધું એ સાથે જ આવેલી અંતરસના ઠસકામાં બધા જ ભાવો છૂપાવી દેવા ઈચ્છ્યું પણ … ટીપું બની વિખાઈ જતા આંસુઓની અવઢવ ..ત્વરાના મોં પર આવીને ફેલાઈ જતા વિચારોની અવઢવ જોઈ પ્રેરકે ત્વરાના હાથ પર હાથ મૂકી દીધો …એક હથેળીમાંથી સમજણ અને સાથ …ઉષ્મા અને હુંફ સાગમટે બીજી હથેળીમાં પ્રવાસ કરી રહ્યા હતા.
— ક્રમશ ? લખું કે ન લખું ?
ઘણા અજાણ્યા મિત્રો મને વાંચી રહ્યા છે ..સર્વનો આભાર …. અહીં કોમેન્ટ કરી પ્રતિભાવો આપશો તો ખુબ ગમશે …
આભાર… :)
— નીવારાજ