Niyati Nu Chakra : Part-1 in Gujarati Short Stories by Rupali Shah books and stories PDF | Niyati Nu Chakra : Part-1

Featured Books
Categories
Share

Niyati Nu Chakra : Part-1

રૂપાલી શાહ

dalalrupali@hotmail.com

701/b wing, samir bldg.

Opp. Children’s academy school,

Atmaram sawant marg,

Kandivali east,

Mumbai- 400101

Contact number- 9833056181

નિયતિનું ચક્ર

ભાગ- ૧ અને ભાગ- ૨

પ્રકરણ- ૧

‘હાય આકાશ....’

‘હાય, હું ઇઝ સ્પીકીંગ?’

‘અવાજ પરથી ઓળખે તો જાણું’ રૂપલે અવાજમાં બને તેટલી મીઠાશ ઘોળી બોલવાનો પ્રયત્ન કર્યો.

‘અં.... કોઇ ક્લૂ તો આપો’

‘ચાલ આપું. કોલેજ....’

‘કોલેજ? મિરાજ, સેજલ પાર્થ્વી.....

‘ના, તારાથી જુનિયર હતી.’

‘ઓ....હ, રૂ....પલ’ આકાશની જીભ જરા થોથવાઇ.

‘યેસ, યુ આર રાઇટ, પણ ઓળખવામાં આટલી બધી વાર?’

‘ચોવીસ વર્ષ વીતી ગયાને....’

‘વાહ, આંકડો તો બરાબર યાદ છે ને.... તો પછી બોલ, આટલા વર્ષો સુધી ફોન કે સંપર્ક કેમ ન કર્યો? ખાસ તો સાવ અચાનક જ કોલેજમાંથી નીકળી ગાયબ થઇ ગયો. એકવાર પાછું ફરીને સુદ્ધાં જોયું નહીં.’

‘ઇચ્છા તો ઘણી થતી હતી પણ....’

‘પણ શું? કેમ અચકાઈ ગયો?’

કોઇ નહીં તો તારા વગરની તર્જનીના ઝૂરાપાના સાક્ષી બનવા પૂરતી તો એકવાર એની ખબર કાઢી જવી’ તી.... પણ હોઠ પર આવેલા શબ્દો ગળી જઇ રૂપલે ચાલ જવા દે કહી વાત ફેરવી દીધી.

‘બોલ કેટલા દિવસ રોકાવાનો છે? ન્યૂજર્સી ફાવી ગયું?’

‘અરે, તને તો મારી બધી જ ખબર છે. જાસૂસ બની ગઇ છે કે શું?’

‘એવું જ સમજ. જોકે અમુક લોકોની ખબર અનાયાસે જ મેળવી લેવાતી હોય છે. હવે બોલ, ક્યાં અને ક્યારે મળે છે? વર્ષો પહેલા આપણે અડ્ડો જમાવતા હતા એ પ્લેસ કેવી રહેશે?’

‘હમમમ્ ઓકે.... કેટલા વાગ્યે?’

‘આવતી કાલે સાંજે સાત વાગ્યે’

‘ઓ.કે. ડન, બાય.’ કહી આકાશે ત્વરાથી ફોન મૂકી દીધો.

પણ રૂપલ નજરથી જાણે આકાશને વીંધી નાખવાની હોય એમ ફોનને ધારદાર તાકી રહી અને મનોમન બબડી, ‘અત્યાર સુધી તો તને જાસૂસ જ લાગી પણ હવે પછીની તારી કુંડળીની માલિક પણ હું જ બનીશ.’

શિયાળાની સાંજનું અંધારું ધરતી પર પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું હતું. રૂપલ ધીમું ધીમું ગણગણી રહી, ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મારને કા ઇરાદા હૈ.’ નીચલો હોઠ દબાવી એ જરા કડવું હસી અને મોબાઈલ ફોન બાજુ પર મૂકી રસોઈ માટે આવતા મહારાજને પલ્લવને ભાવતી રસોઇ બનાવવા માટેનાં સૂચનો આપી બેડરૂમમાં પાછી ફરી. ટીવીનું રિમોટ હાથમાં લઇ કિંગ સાઇઝના ડબલ બેડ પર રેશમ રૂની ભરાવદાર નરમ નરમ ગાદી પર એણે લંબાવ્યું. ધોળી બાસ્તા જેવી ચાદરમાં થોડાં સળ પડ્યા. મનમાં પણ કંઇ એવા જ સળ પડેલા હતા. જોકે, બહારના વાતાવરણ સાથે ખંડની અંદરનું વાતાવરણ જરા ય મેળ નહોતું ખાતું. સફેદ રંગની દીવાલો અને સિલ્વર સિમર મટિરિયલનાં પરદાં સાથે રાતનો અંધકાર શ્વવેત- અશ્વેત વિરોધાભાસ રચતો હતો. હવાની લહેરખીથી વીન્ડ ચાઇમ ધીમું ગુંજતું હતું. ચેનલનું સર્ફિંગ કરતાં કરતાં રૂપલની નજર એક ચેનલ પર આવતાં કોલેજના દૃશ્ય પર પડી અને એ સમયનું પડ વીંધી ભૂતકાળમાં સરી પડી.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સ્થળઃ મુંબઇનો પ્રાઇમ એરિયા- ચર્ચગેટ સ્ટેશન નજીકની એક હોટલ

હોટલ સાવ સાદી નાનકડી- બીએસટીની કેન્ટિન જેવી. થોડાં ઓફિસ કર્મચારીઓ અને કોલેજના છોકરાં છોકરીઓથી ચાર પાંચ ટેબલો ભરાયેલા હતા. એમાં સાવ છેવાડાનું ટેબલ.

“નિખાલસ મનનો નિખાર અલગ હોય છે

દોસ્તીનો અને દુનિયાનો વ્યવહાર અલગ હોય છે

આંખો તો હોય છે બધાની એકસરખી

બસ જોવાનો અંદાજ અલગ અલગ હોય છે.”

બોલતાં જ આકાશે તર્જની સામે આંખ મીંચકારી અને એ શરમાઇને નીચું જોઇ ગઇ. બાજુમાં બેઠેલી રૂપલે એને ધીરેથી ચૂંટી ખણી. તર્જનીની હળવી ચીસ સાથે બધાનું ખડખડાટ હાસ્ય વાતાવરણમાં છવાઇ ગયું. આકાશ, મિરાજ, તર્જની, સાર્થક અને રૂપલ કોલેજના પાંચ તારલા. રૂપલ અને તર્જની આર્ટ્સ કોલેજની જૂનિયર સ્ટૂડન્ટ્સ અને આકાશ, મિરાજ અને સાર્થક સાયન્સ ફેકલ્ટીના સિનિયર ક્લાસના સ્ટૂડન્ટ્સ. પણ આ બધામાં એક સામ્યતા. બધાનો સાહિત્ય રસ એકસરખો. એમાં ય શેર- શાયરીમાં તો આકાશનો અવ્વલ નંબર. આ સાહિત્ય રૂચિએ જ એ બધાને ભેગા કર્યા હતા. કોલેજની સાહિત્ય ગુજરાતી પરિષદનો કાર્યક્રમ હોય, સાહિત્યિક સ્પર્ધા હોય કે પછી નાટક ચેટક.... પંચ પરમેશ્વરની આ ટોળકી સાથે જ હોય. ભણવામાં તેજસ્વી એટલે પ્રોફેસરોની પણ માનીતી ટોળી. જોકે, પાંચેયમાં આકાશનો તર્જની પ્રત્યેનો ઝુકાવ સ્પષ્ટ દેખાય. હોય પણ કેમ નહીં. તર્જની હતી જ એવી. એની સરળતા અને સુંદરતાનો સુમેળ કોઇને પણ આકર્ષવા માટે પૂરતો હતો....

અતીતની ગાડી સડસડાટ દોડતી જતી હતી ત્યાં જ રસોડામાંથી મહારાજે બૂમ પાડી.

‘બે...ન ઓ બેન, ચાલો જમવામાં મોડું થશે.’

મહારાજે ખલેલ ન પહોંચાડી હોત તો ફરી એકવાર રૂપલ આખોને આખો ભૂતકાળ જીવી લેતે. ઊંડો નિસાસો નાખી એ હળવેથી ઊઠી. બેડરૂમની બહાર ડાબી બાજુનો પેસેજ વટાવી બે પગથિયાં ઉતરી એ વિશાળ રસોઇ ઘરમાં આવી. રસોડાના જમણા ખૂણે મોટું ડાયનિંગ ટેબલ અને સામી તરફ સી આકારનું લાલ ગ્રેનાઇટનું ચળકતું પ્લટેફોર્મ બનાવાયું હતું. કેટલી માવજતથી એણે અને એના પતિ વિશાલે મળીને એક એક ચીજોની પસંદગી કરી હતી. જોકે, આજે વિશાલ હયાત નહોતો છતાં ય રૂપલ અને પલ્લવના જીવનમાં એ એક અવિભાજ્ય અંગની જેમ સતત જોડાયેલો રહ્યો હતો. કોઇ ઇચ્છે તો પણ વિશાલને તેના જીવનમાંથી છૂટો ન પાડી શકે. વિશાલ, પલ્લવની જેમ તર્જની પણ તો રૂપલનું વિશ્વ હતી. નાનપણથી જ તો બંને જણ સતત પડછાયાની જેમ સાથે જ રહેતા. ફ્રેન્ડ ગણો તો તેમ અને બહેન ગણો તો એમ એ બંને સાથે મોટા થયા હતા. અને આજે પણ એ સગપણ અકબંધ હતું. એમાં ય આજે તો રૂપલને અતીતના તેના અને રૂપલના અનેક કિસ્સાઓ સિવાય બીજું કશું યાદ આવતું જ નહોતું.

‘મહારાજ, પલ્લવ હજુ સુધી નથી આવ્યો?’ હાથ ધોતાં રૂપલે પૂછ્યું,

‘ના, એમનો ફોન આવ્યો હતો, પણ તમે સૂતાં હશો એમ માની મેં મેસેજ લઇ લીધો. એમણે જમવાની ના પાડી છે.’ મહારાજનો જવાબ સાંભળી રૂપલે ચૂપચાપ જમવા માંડ્યું. આ મહારાજ અને મહારાજની પત્ની- સુનંદા બંને મળીને ઘરની સાફ સફાઇથી માંડી રસોડાનું તેમ જ બહારનું લાવવા મૂકવાનું કામ કરતાં. મહારજ રસોઇ પણ સ્વાદિષ્ટ બનાવતા. બે દિવસ પહેલાં પલ્લવ અમેરિકાથી તેનું ભણતર પૂરું કરી પાછો ફર્યો ત્યારે રૂપલે મહારાજની પત્ની સુનંદા સાથે બેસીને ખાસ પલ્લવને ભાવતી વાનગીઓની યાદી બનાવી હતી. આજે બટેટાનું શાક, ચણા મસાલા, દાળ ભાત, ગરમા ગરમ ઉતરતી રોટલી સાથે ગરમ પકોડાં ને ગાજરનો હલવો બનાવાયો હતો. પણ પલ્લવ જમવાનો નહોતો. ખેર.... ફરી પાછો પલ્લવ રૂપલના વિચારોમાં ઘોળાઇ રહ્યો.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

પલ્લવ- વિશાલ અને રૂપલનું એકમાત્ર સંતાન તો તર્જનીનાં જીવનનો એકમાત્ર આધાર ગણી શકાય. ચાર વર્ષ પહેલાં પલ્લવ વિદેશ ભણવા ગયો ત્યારે આ ઘર કેવું સૂનું અને ભેંકાર થઇ ગયું હતું. પણ પલ્લવના આવતાંની સાથે જ ઘરની બંધિયાર હવાને મોકળાશ મળી હતી.... હવામાં જાણે એક છૂપો તરવરાટ અનુભવાતો હતો. પલ્લવને અમેરિકા ભણવા મોકલવાની રૂપલની જરા પણ ઇચ્છા નહોતી. તર્જનીમાસીને પણ તેની અમેરિકા ભણવા જવાની વાત ખૂંચી હતી, પણ પલ્લવની ઊંચી ઊડાનમાં તેઓ બાધારૂપ નહોતા બનવા માગતા. રૂપલની વિચારધારા તૂટી અને તેને તર્જનીને ફોન કરવાનું મન થયું. પલ્લવ આવ્યો એ દિવસે તર્જની, તેણે અને પલ્લવે સાથે ડિનર લીધું હતું. પછી બે દિવસથી એ એને મળી જ ક્યા હતી? મળે પણ કેવી રીતે? એ પોતે જ અસંમજસમાં હતી. બીજે દિવસે વહેલી સવારે પલ્લવ સાથે જે વાત થઇ હતી એનાથી એનું મન દ્વિધામાં અટવાઇ ગયું હતું.

સ્ક્રીન પર તર્જનીનો નંબર ઉપસ્યો. શું કરવું અને શું ન કરવુંની ગડમથલમાં લાંબી રીંગ પછી પણ ફોન ન ઉંચકાયો તો તેણે થોડો હાશકારો અનુભવ્યો. જાણે તર્જની સાથે વાત કરવાનું ટળ્યું. જોકે, છેવટે એક નિર્ધાર પર તો એ આવી જ હતી. બસ, કમસે કમ એક વાર તો આકાશને મળીને માપી જ લઉં. એ ફોન કટ કરવા જતી હતી ત્યાં જ સામે છેડેથી તર્જનીનો અવાજ સંભળાયો. તર્જનીનું હલો સાંભળતાં જ રૂપલ સીધી મૂળ વાત પર આવી ગઇ.

‘તર્જની સાંભળ, આકાશ મુંબઇમાં છે, મેં એને ફોન કર્યો હતો.’ સામે છેડે સ્તબ્ધ્તા વ્યાપી ગઇ. રૂપલને ખબર જ હતી એટલે એ આગળ બોલી, ‘અજાણતાં જ મારી શોધ પૂરી થઇ.’ છતાં પણ સામે છેડેથી તર્જનીને એ જાણવાની ય ઉત્કંઠા નહોતી કે આકાશ મુંબઇમાં છે એ વાત રૂપલને કેવી રીતે ખબર પડી.

‘તને તેને મળવાની હજુ ય ઇચ્છા છે? આટલા વર્ષે પોતાની અતિ પ્રિય વ્યક્તિ વિશે જાણવાની તાલાવેલીએ અંદરથી હચમચી ગયેલી તર્જની તટસ્થતા જાળવી ધીરા ગંભીર અવાજે બોલી.

‘હા’ રૂપલનો જવાબ તો એકાક્ષરી હતો પણ એમાં રહેલી દૃઢતા કળી જઈ તર્જની છેડાઈ પડી.

‘અરે, પણ શું કામ? જે પ્રકરણ પર પરદો પડી ગયો છે એ ગરેલા મડદાં ફરી શું કામ ચૂંથવા છે તારે અને એ પણ આટલા વર્ષે? હવે એનો કોઇ અર્થ જ નથી રહ્યો.’

‘એ માણસને તે આખી જિંદગી જેટલી ઉત્કટતાથી ઝંખ્યો હતો- અને હજુ ય દિલનાં એક ખૂણે જેની ઝંખના અકબંધ રાખી છે તેને કદાચ વિધાતાએ મારી પાસે આગળનો હિસાબ સરભર કરવા જ સામે ચાલીને મોકલી આપ્યો છે.’

સામે છેડે થોડી ચૂપકીદી રહી અને વળતી પળે તર્જનીએ ફોન કાપી નાખ્યો.

ઊંડો નિઃસાસો નાખી રૂપલ બેડ પર આડી પડી. એની આંખ સામે તર્જની તરવરી રહી. તર્જની એની બાળપણની ગોઠિયણ. બંનેના ઘર બાજુ બાજુમાં. બંને વચ્ચેનો સેતુ એટલો મજબૂત કે એકને વેદના થાય તો બીજી રડી ઊઠે. છેક બાળમંદિરથી પા- પા પગલી માંડતા, જીવતરના પાઠ ભણતા તેઓ જીવન યૌવનના ઉંબરે આવી ઊભા. કોલેજમાં તર્જની અને આકાશની વચ્ચે પાંગરતો પ્રેમ મિત્રવૃંદમાં દરેકને ખબર હતો. રૂપલ પણ આ સંબંધ પર ન્યોચ્છાવર હતી. જોકે, આકાશ અને તર્જની વચ્ચેનો એક મસમોટો વિરોધાભાસ રૂપલને હંમેશાં ખૂંચતો. આકાશ સાધારણ ઘરનો એટલે મહત્વકાંક્ષી હોય એમાં ખાસ નવાઈ ન કહેવાય, છતાં વાતે વાતે શેર- શાયરીની ભાષા બોલનારા આકાશની આંખોમાં પૈસા કમાવવાનું ઝનૂન પણ સતત ડહોળાતું રહેતું. એની સામે તર્જની ઓછી મહત્વકાંક્ષી. એને સરળ જીવવામાં વધુ રસ. તેમ છતાં જીવન બે ય કાંઠે છલોછલ વહેતું હતું. જોતજોતામાં કોલેજના ચાર વર્ષ વીતી ગયા. આકાશની કોલેજ પૂરી થવાનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસની દરિયા કિનારાની ખુશનૂમા સાંજે ભીની રેતમાં હાથમાં હાથ પરોવીને તર્જની સાથેના સંબંધને લગ્ન બંધનમાં બાંધવાનો નવો મોડ આપવાની વાત કરતો આકાશ અચાનક જ તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી એ દરેકના જીવનમાંથી અદૃશ્ય થઇ ગયો. એવું તે શું થયું કે કોલેજ પત્યા પછી કે મમ્મી પપ્પાને મળવા ગયેલો આકાશ પાછો આવ્યો જ નહીં? કેમ એણે તર્જનીને મળવાની એકે ય વાર કોશિશ ન કરી કે પછી પોતાની મનગમતી દુનિયા વસાવવા તે જાણી કરીને ખસી ગયો? આકાશ- પાતાળ એક કરીને આકાશને શોધવાના તર્જની- રૂપલ સહિતના તમામ મિત્રોના બધાં જ પ્રયત્નો એ વખતે વિફળ ગયા?

શા માટે?---- શા માટે? આકાશે તર્જનીને છેહ દીધો? પ્રશ્નો અનેક હતા, પણ ઉત્તર નહોતા મળતા. બેડ પર આડી પડેલી રૂપલની આંખ લાગી ગઇ. ચિત્ર- વિચિત્ર આકારો આખી રાત એના સપનાંમાં સરતાં રહ્યા.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સવારે ઊઠવામાં મોડું થયું હતું આંખ પર ગઈ રાત્રિના વિચારોનો ભાર હતો. શરીરમાં થોડો થાક પણ વર્તાતો હતો. રૂપલ ઊભી થઇ. બેડરૂમની બહાર નીકળી. જમણી તરફ આવેલા પલ્લવના બેડરૂમમાં જઇ ડોકિયું કર્યું. એ હજુ ઘસઘસાટ ઉંઘતો હતો. પલ્લવના માથા પર અને વાળમાં આંગળીઓ ફેરવી એ ધીમેથી બેડરૂમનું બારણું અટકાવી હોલમાં આવી. પલ્લવને આવ્યાને બે દિવસ જ થયા હતા. અમેરિકામાં ભણતાં પલ્લવનું આ છેલ્લું વર્ષ હતું. રવિવારની સવાર હતી એટલે આમે ય કોઇ પણ પ્રકારની ઉતાવળ નહોતી. છાપાનાં મથાળાં પર નજર ફેરવતા એનું મન બે દિવસ પહેલાંની પલ્લવ સાથે થયેલા સંવાદની ઘટનાને તાજું કરી રહ્યું. એ દિવસે પલ્લવ સાથે અઢળક વાતો કરવાના ઇરાદે તેણે પલ્લવના રૂમમાં અછડતું ડોકિયું કર્યું હતું. પલ્લવ કમ્પ્યૂટર પર બેસી સામે છેડે કોઇ છોકરી સાથે ચેટિંગ કરતો હતો.

‘એય પલ્લવ, હવે આ છોકરીઓ સાથે ચેટિંગ કરવાનું બંધ કર અને ડેટિંગ શરૂ કર.’

પલ્લવે છેલ્લો મેસેજ લખી છોકરીને બાય કરી કમ્પ્યૂટર બંધ કર્યું અને મમ્મી તરફ ફરી હસીને બોલ્યો,

‘સારું થયું મોમ, તેં આ વાત કાઢી. હું તને કહેવાનો જ હતો.’ અને પછી પલ્લવે જે વાત કહી એ સાંભળી રૂપલ સ્તબ્ધ રહી ગઇ. પલ્લવની જિંદગીનો નવો વળાંક તર્જનીના અતીતનાં પાનાં સાથે જોડાયેલો હતો.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ- ૨

રૂપલ પલ્લવે કહેલી ઘટનાને મમળાવતી હતી ત્યારે જ સુનંદાએ આવીને ચા ટિપોય પર મૂકી. સુનંદાના પગરવથી અને ચાના કપના ખખડાટથી રૂપલની વિચાર તંદ્રા તૂટી. આડાઅવળા અને ઉડાઉડ કરી રહેલા વિચારોને જેમ તેમ મનનાં ભંડાકિયામાં ચસોચસ બંધ કરી રૂપલ મનને મક્કમ કરી નિત્યક્રમમાં પરોવાઇ. સાંજે તો આકાશને મળવાનું હતું.

‘હેય, આકાશ તું ખાસ બદલાયેલો નથી લાગતો. વેલ.. વેલ.. વેલ, માથાનાં વાળ ઘણાં આછા થઇ ગયા છે અને શરીર પર પૈસાનો ઘેરાવો દેખાય છે.’ આંખ મિચકારી ખડખડાટ હસતાં રૂપલે વર્ષોથી બટકી ગયેલા સંબંધને ખૂબ જ સાહજિકતાથી જોડવાનો પ્રયત્ન કરતાં વાતનો દોર શરૂ કર્યો.

‘હા, પણ તું નખશીખ બદલાઇ ગઇ છે. અચાનક સામે મળી જતે તો કદાચ ઓળખી પણ ન શકાય એટલી હદની.’

‘ના. જે ટાઢકથી તું અબાઉટ ટર્ન થઈ આપણાં સંબંધનું પાનું ફાડી જતો રહ્યો એટલી હદે તો હું નથી જ બદલાઈ.’ રૂપલના અવાજમાં અજાણતાં જ કડવાશની ધાર ઉમેરાઈ ગઈ. જોકે, તેણે અવાજને થોડો સંયત કરી બાજી વાળી લેતાં હળવાશથી કહ્યું,

‘એની વેઝ, બોલ શું લઇશ?’

‘કોફી વીથ ગાર્લિક બ્રેડ’

વેઇટર આવ્યો અને ઓર્ડર લઇ ગયો, પણ શરૂઆતની હળવાશની પળો બાદ તે બંને વચ્ચે ચૂપકીદી પ્રસરી ગઇ. આંખોમાંના ભાવ ચહેરા પર ચાડી ન ખાઇ જાય એની તકેદારી રાખતા બંને પક્ષે સ્વસ્થતાનો અંચળો ઓઢાયેલો રહ્યો. અંદર તો વાવાઝોડું ફૂંકાતું હતું. કદાચ આ વાવાઝોડું તહસનહસ કરી નાખે અથવા તો પછી જિંદગીને એક નવી દિશા આપે. ખબર નહીં. છેવટે રૂપલે ધારદાર મૌન તોડ્યું.

‘બોલ આકાશ’ આપણે રિવર્સથી શરૂ કરીએ? કોલેજ પત્યા પછી તે શું કર્યું?’

વર્ષોથી નકાબનો અંચળો ઓઢાડી કોઈ ક્ષણને આપણે ટાળી રહ્યા હોય અને એ ખુલ્લંખુલ્લાં આવીને ઊભી રહે તો શું થાય? એવો જ અનુભવ આકાશને થયો. એ જરા ઝંખવાયો પણ તેણે તરત જ સ્વસ્થતા કેળવી. ખોંખારો ખાધો અને પોતાને ડિફેન્સ કરતો હોય તેમ નજાકતતાથી વાતની રજૂઆત શરૂ કરી.

‘ગામ ગયો ત્યારે તો મમ્મી પપ્પાને હું મારી અને તર્જનીની વાત કરવા જ ગયો હતો. પણ વિધિએ કશું જૂદું જ ઘડી રાખ્યું હતું. ત્યાં ગયો અને પપ્પાને હાર્ટ એટેક આવ્યો. હું મારા આગળના ભાવિ વિશેના કોઇ પણ સપનાં વિશે પપ્પાને કહું એ પહેલાં તો પપ્પાએ તેમનાં અમેરિકા વસીને ઠરીઠામ થયેલા મિત્રની દીકરી સાથે મારા લગ્નની ઇચ્છા વ્યક્ત કરી. માંદગીને બિછાને સૂતેલા પપ્પાને હું ના ન કહી શક્યો. અને છેવટે એમણે નક્કી કરેલી છોકરી સાથે લગ્ન કરી હું અમેરિકા સેટ થઇ ગયો. તો સામે પક્ષે તમારી ખાસ કરીને તર્જનીની સામે આવવાની પણ મારી હિંમત નહોતી. લગ્ન બાદ પંદર દિવસમાં જ પપ્પાનું મૃત્યુ થયું.’ એકધારું બોલ્યા પછી આકાશ જરા અટક્યો.

‘તર્જની.... તર્જની કેમ છે?’ એનો અવાજ જરા તરડાયો પણ રૂપલની તો દુખતી નસ દબાઇ ગઈ. ટીપે ટીપે એકઠી થયેલી વેદના, અધૂરી રહી ગયેલી ઝંખનાની એ તડપ, લાચારી આ બધાનો ચિતાર એક વાક્યમાં કેવી રીતે આકાશને આપી શકાય? આકાશ એ ક્ષણોની તીવ્રતા અનુભવી શકશે ખરો? તર્જની સચવાઇ તો ગઇ હતી પણ શરીરમાં ઝમતી રહેલી એ તરછોડાયેલાની વેદના એને રૂંવે રૂંવે ફરી વળી હતી. અને આ વાત એનાથી વધુ સારી રીતે કોણ જાણી કે અનુભવી શક્યું હતું? રૂપલે જવાબ આપવાને બદલે સામો સવાલ પૂછ્યો.

‘આટલા વર્ષ મુંબઇ આવ્યો જ નહીં? આજે જે ચિંતા તને સતાવી રહી છે એ તું પહેલાં પણ વ્યક્ત કરી શક્યો હોત, કમસે કમ....’ રૂપલ વાક્ય ગળી ગઈ.

‘હું સમજું છું તું શું કહેવા માગે છે. પણ મારો અપરાધ ભાવ મને જંપવા નહોતો દેતો. તર્જનીને છેતરવાનો ડંખ સતત મને કોતરતો રહ્યો છે. રાતોની રાતો હું જાગતો. સતત એક અજંપો મને ઘેરી વળતો. તર્જનીને છેહ દીધાનો વસવસો મારા હૃદયને ડંખતો રહેતો. ઇશ્વર એનો સાક્ષી છે. પણ છેવટે મેં એ દિશા તરફ જોવાનું જ માંડી વાળ્યું. તું માની શકતી હોય તો માનજે. પણ દરિયાની સપાટી પર બધું શાંત દેખાતું રહે છે. પણ એના ઊંડાણમાં કેટલી ઉથલપાથલ થતી હોય છે એની જાણ કોઈને નથી હોતી. એવું જ મારી સાથે બનતું રહ્યું. બસ, હવે તો એક જ ઇચ્છા છે.’ એણે ઊંડો નિશ્વાસ નાખ્યો. ‘એકની એક દીકરી છે- સાક્ષી. કોલેજના છેલ્લા વર્ષમાં. એનું ભણતર પૂરું થાય એટલે સારું ઠેકાણું જોઇ એના હાથ પીળા કરી મારી જિંદગીની સૌથી મોટી જવાબદારીમાંથી મુક્ત થાઉં.’

એક જવાબદારીમાંથી છટકી બીજીને સુપેરે પૂરી કરવાની ઇચ્છા વ્યક્ત કરવાની વાત પર કંઇક ચોપડાવી દઉં એવી ઇચ્છા હોવા છતાં રૂપલના મોં માંથી સહસા થડકાર સાથે નીકળી પડ્યું,

‘ને તારી પત્ની?’

‘તર્જની સાથે જીવવાનું સપનું પિતાના પ્રેમ આગળ તૂટી ગયું. પણ સામે મારી મહત્વકાંક્ષાને પાંખ મળી. અમેરિકામાં પત્નીના સાથે હું સફળતાના શિખર ચઢ્યો. પણ કુદરત એક હાથે સુખ આપતી તો બીજી બાજુ કશું ક છીનવી લેતી હોય એમ સાક્ષીના જનમ સાથે જ મારી પત્નીનું મૃત્યુ થયું.’ આકાશનો અવાજ જરા તરડાયો.

વેઇટરે આવીને પ્લેટ્સ મૂકવા લાગ્યો. બંને સ્વસ્થ થયા.

‘દીકરી માટે છોકરા જોવા અહીં આવ્યો છે?’ રૂપલે ધીમેથી વાતનો તંત સાધ્યો.

‘ એક્ચ્યુઅલી સાક્ષીની જ યુનિવર્સિટિમાં ભણતાં એક છોકરા સાથે સાક્ષી ગળાડૂબ પ્રેમમાં છે. વર્ષોથી ધરબી રાખેલી ભારઝલ્લી વાતો પરથી પરદો ઊઠતાં આકાશ હળવાશ અનુભવી રહ્યો હતો. એણે ખેલદિલી પૂર્વક હવે વાતને આગળ વધારી. ‘છોકરાને એક બે વાર મળ્યો છું. ખૂબ જ સાલસ અને સંસ્કારી કુટુંબનો લાગે છે. પલ્લવ- પલ્લવ નામ છે છોકરાનું. બીજું તો ખાસ કંઇ ખબર નથી. ખરેખર તો મુંબઇ હું એની તપાસ કરવા જ આવ્યો છું. બધું બરાબર હોય તો....’

રૂપલ ખડખડાટ હસી પડી. અને વચ્ચેથી જ આકાશને કાપી બોલી. ‘તારી જાણ ખાતર તારી દીકરી જે છોકરાના પ્રેમમાં છે એ પલ્લવ બીજો કોઇ નહીં મારો જ દીકરો છે.’ રૂપલની આંખમાં આગ લબકારા મારી રહી હતી.

હવે ચમકવાનો વારો આકાશનો હતો.

‘શું વાત કરે છે પલ્લવ.... પલ્લવ તારો દીકરો છે?’

‘હા અને વર્ષો પહેલાં તે જે દગો તર્જની સાથે કર્યો હતો એ તર્જનીની તરછોડાયેલાની વેદના અને આજ સુધી એની આંખોમાં અટવાતાં અનેક મૂક પ્રશ્નોની હું એક માત્ર સાક્ષી રહી છું. એનો જ બદલો લેવા કદાચ વિધાતાએ મને આજે તારી સમક્ષ ઊભી કરી દીધી છે. હું ચાહું તો એનો બદલો બહુ સિફતથી તારી સાથે લઈ શકું છું.’ રૂપલના શબ્દો અને અંગેઅંગમાંથી આગ ઓકાઈ રહી હતી.

‘આ જ છળ મારો દીકરો પલ્લવ તારી દીકરી સાક્ષી સાથે કરી શકે એમ છે…. જો હું ચાહું તો. ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. ફક્ત પાસા અને પાત્ર ઉલટપુલટ થઇ ગયા છે. મિસ્ટર આકાશ....’

અને આકાશને યાદ આવી ગઇ પેલી શાયરી

“સંબંધોના હસ્તાક્ષર કોઇ ઉકેલી નથી શકતું,

એમાં જોડણીની ભૂલ કોઇ શોધી નથી શકતું

ખૂબ સરળ લાગે છે વાક્ય રચના પણ

એમાં પૂર્ણવિરામ કોઇ મૂકી નથી શકતું.”

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx