Maru Murder in Gujarati Crime Stories by Vipul Rathod books and stories PDF | મારું મર્ડર !

Featured Books
Categories
Share

મારું મર્ડર !

મારું મર્ડર

- વિપુલ રાઠોડ

લગભગ એકાદ કલાકથી મારી લાશ હાઈવેથી થોડે ઉંડે ઝાડીઝાંખરામાં પડી હતી પણ હજી સુધી કોઈનું ધ્યાન તેના ઉપર પડ્યું નથી. વહેલી સવાર હોવાથી હાઈવે ઉપરની અવરજવર પણ ધીમી હતી. જો કે મારુ નીર્જીવ શરીર એવી જગ્યાએ પડ્યું હતું જ્યા નજીકથી જ એક પગદંડી નીકળતી હતી. એટલે કોઈ ખેતમજૂર કે માલધારી ત્યાંથી નીકળે તો તેનું ધ્યાન મૃતદેહ ઉપર અચૂક પડી જાય તેમ હતું. થયું પણ એવું જ. માખીઓનાં બણબણ અને જીવજંતુઓની ચડઉતરમાં લાશ પડી હતી ત્યાં જ એક કિશોરવયનો છોકરો ત્યાંથી પસાર થયો. તેના હાથમાં પાણીનું ડબલું હતું. કદાચ હાજતે જતો હતો. જે જગ્યાએ લાશ પડી હતી, ત્યાંથી નીકળનારનું ધ્યાન તેના ઉપર ન પડે તો જ નવાઈ હતી. આમ એ કિશોરનું ધ્યાન પણ તેના ઉપર પડી ગયું. તેની આંખો પહોળી થઈ ગઈ અને તે ત્યાંથી દોડીને પરત નાઠો. તે નજીકની એક હાઈવે હોટેલમાં કામ કરતો હતો અને પોતાના હોટલનાં માલિક સહિત કેટલાક લોકોને લઈ પરત આવ્યો. થોડીવાર થઈ ત્યાં તો આસપાસમાં આ લાશની વાત વાયુવેગે પ્રસરી ગઈ અને લોકોનું સારું એવું ટોળું મને જોવા એકઠું થવા લાગ્યું. અહીં આવ્યા પછી હોટલનાં માલિકે પોલીસને ફોન જોડીને લાશની જાણ કરી. પોલીસે ફોન ઉપર આપેલી સુચના મુજબ હોટલ માલિકે ત્યાં એકત્ર થયેલા લોકોને મૃતદેહથી અંતર રાખીને ઉભા રાખ્યા. અડધો કલાક જેટલો સમય વીત્યો હશે ત્યાં પોલીસની ગાડી આવી પહોંચી.

ખાઈબદેલો લાગતો જમાદાર જીતુભા પોતાના બે ત્રણ સાથીદારો સાથે રોફ જમાવતાં લાશની નજીક આવ્યો અને લાશની ફરતે ચક્કર લગાવ્યું. મારા પેટમાં ખુંચેલું ચાકુંને ધ્યાને રાખીને તેણે પોતાના ઉપરી એએસપી જી.કે.વેગડાને મોબાઈલ જોડ્યો. જીતુભાએ ફોનમાં કહ્યું, 'સાહેબ હાઈવે ઉપર હોટલ હરિયાળી પાસે એક લાશ મળી છે. મર્ડરનો કેસ છે. તમારે આવવું પડશે.' જીતુભાએ ફોન કર્યા પછી વીસ પચ્ચીસ મિનીટે વેગડા સાહેબ ત્યાં પહોંચ્યા. આ દરમિયાન જીતુભાએ પોતાના સાથીદારો સાથે મળીને ભીડને દૂર ખસેડી લીધી હતી અને મારી લાશને સૌથી પહેલા જોનાર છોકરા રઘુને પણ સામાન્ય સવાલો કરી લીધાં હતાં. જેમાં તેને જાણવા મળ્યું કે રઘુએ લાશ જોયા પછી પોતાના શેઠ શામજીને જઈને જાણ કરી હતી અને તેણે જ પોલીસ બોલાવેલી.

વેગડાએ આવતાં વેંત સ્થળની આસપાસનાં વિસ્તારમાં ખૂણેખૂણો ફંફોળી લેવાની સુચના પોતાના નીચલા પોલીસકર્મીઓને આપી. લગભગ બે-ત્રણ કલાક સુધી ત્યાં આસપાસમાં શોધખોળ ચાલતી રહી પણ કોઈને કશું જ હાથ લાગ્યું નહીં. બીજીબાજુ વેગડાએ પોતાની સાથે આવેલા ફોટોગ્રાફર પાસે લાશની ચોતરફી તસ્વીરો લેવડાવી લીધેલી અને મારા ગજવા ફંફોળીને તેમાંથી મારો બટવો કાઢીને મારી ઓળખ કરી લીધી હતી. મારા ડ્રાઈવીંગ લાયસન્સ થકી તેને જાણવા મળ્યું હતું કે મારું નામ રશ્મીન રામાણી છે. તેણે મારા ખિસ્સામાંથી ફોન પણ કાઢ્યો અને તેમાં કોલ રજીસ્ટરથી માંડીને ઘણા ખાંખાખોળા કર્યા. કોન્ટેક્ટની યાદીમાંથી તેને મારા ઘરનો નંબર આસાનીથી મળી ગયો. કારણ કે મે મારી પત્ની હીનાનો નંબર હોમ નામે સેવ કરેલો હતો. તેણે એ નંબર ઉપર મારાં મૃત્યુની જાણ કરી અને ઓચિંતા આવેલા આંચકાથી હતપ્રભ મારી પત્નીએ ફોન ઉપર જ કલ્પાંત કર્યો. વેગડાએ ઘટનાસ્થળની જાણ કરી એટલે બેબાકળી હીનાએ તરત જ ફોન કાપી નાખ્યો અને અમારા અન્ય સગાવ્હાલાઓને ફોન કરીને સ્થળ ઉપર પહોંચવા રવાના થઈ ગઈ. આ દરમિયાન રઘુ અને શામજી ઉપરાંત બીજા લોકોની પૂછપરછ પણ વેગડાએ હાથ ધરી હતી. કોઈએ કંઈ અસામાન્ય જોયું હોય તો તેની જાણકારી મેળવવાના પ્રયત્નો તેણે કર્યા. જો કે આમાં તેને નિષ્ફળતા જ મળી. તેણે ફોરેન્સિક નિષ્ણાંત ઉપરાંત એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી. ફોરેન્સિક અધિકારીએ ત્યાં પહોંચ્યા પછી સાવધાની પુર્વક મારા પેટમાં ખુંચેલું ચાકુ બહાર કાઢ્યું અને તેના ઉપર કોઈનાં ફિંગરપ્રિન્ટ હોય તો એ ભૂંસાય નહીં તેની ખાસ કાળજી લીધી.

ઘટનાસ્થળે મારા સગાસંબંધીમાંથી હીના અને મારો અત્યંત અંગત મિત્ર રાહીલ સૌથી પહેલા આવી પહોચ્યા હતાં. હીનાએ મને જોતાં વેત પોક મૂકીને કલ્પાંત કર્યુ હતું અને રાહીલની આંખમાં પણ ઝળઝળીયા હતાં. તે હીનાને શાંત પાડવાના પ્રયાસો કરતો હતો. પોલીસે બન્નેને થોડે દૂર મોકલી મારા મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી. જેવી મારી લાશ ખસેડવામાં આવી કે તરત જ વેગડાની આંખોમાં સ્હેજ ચમક આવી ગઈ. મારી લાશની નીચેથી એક મોબાઈલ તેને મળી આવ્યો. તેણે એ ફોન તરત જ ગજવામાં નાખીને મારી લાશ સાથે સરકારી હોસ્પિટલ ભણી ચાલતી પકડી. ઘટનાસ્થળને કોર્ડન કરી ત્યાં બે ચાર પોલીસ ડોગસ્કવોડ સાથે તપાસ કરતાં રહ્યા. જેમાં તેમને એક રબ્બરના હાથમોજા મળી આવેલા.

વેગડા અને મારી પત્ની સહિતનો આખો કાફલો લાશ લઈને હોસ્પિટલ પહોંચી ગયો જ્યા અગાઉથી મારા ઘણા સગાઓ મારી વાટ જોઈ રહ્યા હતાં. જો કે તે કોઈને મારું મોઢું જોવા મળ્યું નહીં. પત્રકારો અને ફોટોગ્રાફરોનાં ઉતરી આવેલા ધાડા પણ ફક્ત દૂરથી ભીડનાં જ ફોટા મેળવી શક્યા. મને થોડી જ વારમાં ઓપરેશનનાં ટેબલ ઉપર ગોઠવી દેવાયો અને મારી લાશ ઉપર તબીબી ચીરફાડ થઈ. પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે મારા શરીરમાં ઓછા પ્રમાણમાં ઝેર હતું. કદાચ તેનાથી મૃત્યુ ન પામતા મને છરીનાં ઘા ઝીંકીને ખતમ કરાયો હોવાનાં તારણ ઉપર તબીબો આવેલા. લગભગ સવારે સાડા છ વાગ્યાનાં અરસામાં મારુ મૃત્યું થયું હોવાનું પણ ડૉક્ટરોએ પોલીસને જણાવેલું.

મોડી રાત્રે મારી અંતિમક્રિયા પછી બીજા દિવસે મારા ઘરે જ ઉઠમણું ગોઠવાયું હતું. મારા મા-બાપ સદંતર અભાન જેવા, રોઈરોઈને અડધા થઈ ગયેલા. મારી પત્નીની આંખમાં પણ આંસૂ હતાં. મારા મોટા મિત્રવર્તુળમાંથી આવેલા સંખ્યાબંધ લોકોને મારો મિત્ર રાહીલ સાચવી રહ્યો હતો. ત્યારે જ બધાને આચકો આપતાં વેગડા સહિતની આખી પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી. આવતાં વેંત જ તેમણે સીધો રાહીલનો કાંઠલો ઝાલી લીધો. ઉપસ્થિત સમુહ સ્તબ્ધ રહી ગયો અને પોલીસ તેને ઉઠાવી ગઈ !

રાહીલ વિરુદ્ધ મારી હત્યાનાં નક્કર પુરાવાઓ મળ્યા હતાં પોલીસને. ચોકીએ જતાં વેંત સૌપ્રથમ તો રાહીલનાં ફિંગરપ્રિન્ટ લેવાયા હતાં. વાસ્તવમાં મારી લાશ નીચેથી મળેલો ફોન રાહીલનો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું એટલે જ પોલીસે તેને ઝડપી લીધેલો. લાંબી પુછપરછ દરમિયાન રાહીલ સતત પોતે હત્યા કરી હોવાનું નકારતો રહેલો પણ પોલીસ તેની પાસે કબૂલાત માટે બળજબરી ઉપર ઉતરતી જતી હતી. તેની ધોલધપાટ ચાલતી હતી ત્યારે જ ફિંગરપ્રિન્ટનો રીપોર્ટ પણ આવી ગયો અને પછી તો પોલીસ બેફામ બની ગઈ કારણ કે ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા હતાં. જો કે રાહીલ હજી પણ તૂટવાનું નામ લેતો ન હતો.

બીજા દિવસે છાપાઓમાં પણ મારી હત્યાનો ભેદ અમુક કલાકમાં જ ઉકેલાઈ ગયો હોવાનાં સમાચારો છવાઈ ગયા હતાં. જો કે મારી પત્ની આ સમાચારથી અકળાઈ ગઈ. આખરે તે પોતાની આબરુ નેવે મુકીને પોલીસ સમક્ષ હાજર થઈ અને રાહીલનાં બચાવમાં પોલીસ સામે અનેક ખુલાસા કરવા લાગી. જો કે રાહીલ સાથે તેના આડાસંબંધની જાણ થયા પછી પણ મારી હત્યા રાહીલે ન કરી હોવાનું પોલીસને માનવામાં આવતું ન હતું.

આખરે રાહીલે આપેલા એક ખુલાસાથી પોલીસને રાહીલ ઉપરની શંકા નબળી પડી. રાહીલે પોતાનો ફોન ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ બે દિવસ પહેલા જ કરી હતી. આટલું જ નહીં તેણે હત્યાનાં સમયે પોતે જ્યા ભાડેથી એકલો રહે છે તેવા પોતાના ઘેર જ હોવાનો પણ પુરાવો આપેલો. રાહીલને સવારે બ્રશ કરતાં અગાસીમાં ચક્કર મારવાની આદત હતી અને આ દરમિયાન તેણે એકાદ કલાક સુધી હીના સાથે જ પોતાના નવા ફોન અને નવા નંબર ઉપરથી વાત કરી હતી. ત્યારે તેના મકાન માલીકે તેને ત્યાં જોયેલો પણ ખરો. પોલીસે તેના નવા ફોન અને હીનાનાં નંબરનાં રકોર્ડ તપાસ્યા અને રાહીલનું ફોન લોકેશન પણ ચેક કર્યુ. બન્નેની વાતમાં પોલીસને તથ્ય જણાયું. તો પછી મારી હત્યા કરી કોણે? પોલીસ ગોટાળે ચડી ગઈ.

પોલીસને હવે કદાચ આ હત્યાનો ભેદ ઉકેલવો ભારે કઠિન બની જશે. કારણ કે મારી હત્યા મેં પોતે જ કરેલી. હીના અને રાહીલ વચ્ચેનાં પ્રેમ અને શરીર સંબંધનો ભાંડો ફૂટી ગયા બાદ હું ભાંગી ગયો હતો. હીનાને દિલોજાન ચાહી અને તેણે જ મને દગો દીધો. મારા જીગરજાન દોસ્તે મારી પીઠમાં ખંજર ભોંક્યું. એટલે મે જીંદગીનો અંત આણ્યો અને સાથોસાથ રાહીલની પણ જીંદગી આણી નાખવા કારસો કર્યો. તેનાં ઘરેથી જ મે તેનો ફોન અને તે વાપરતો એ છરી ચોરી કરી લીધેલી. હત્યાની સવારે હું હાઈવે ગયો અને મારા જ પેટમાં જનૂનભેર છરી ભોંકી દીધી. જો કે એ છરી ઉપરથી રાહીલની આંગળીઓની છાપ ભૂંસાય નહીં તેના માટે મે રબ્બરનાં મોજા વાપરેલા. જે મરતાં પહેલા મે ત્યાં જ ક્યાક ફેંકી દીધેલા.

જો કે પોસ્ટમોર્ટમમાં મારા લોહીમાંથી ઝેર કેવી રીતે મળ્યું? તેની મને પણ કંઈ ખબર નથી. વહેલી સવારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં માત્ર મારી પત્નીનાં હાથ બનાવેલી ચા જ પીધી હતી !! કદાચ તેણે જ... કદાચ હીના અને રાહીલ ઈચ્છતા હતાં એ મારું મર્ડર મેં જાતે જ કરી નાખ્યું...

.....................................