Doast Mane Maf Karis Ne - Part-9 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne : Part-9

Featured Books
Categories
Share

Dost Mane Maf Karis Ne : Part-9

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૯

મારે માટે એટલું ન કરી શકે ?

નીલમ દોશી

E-mail : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૯. મારે માટે એટલું ન કરી શકે ?

“અહીં સાદ કોના નામના સંભળાય છે ગઈ કાલના,

આવ્યા કરે છે સાંભરણની વેલ પર ભીના ફૂલો.’’

બાળક માટેની ઈતિની ઝંખના અપૂર્ણ જ રહી. અરૂપે દત્તક લેવાની ના પાડયા પછી ઈતિ એકલી પડતી ત્યારે કદીક ઉદાસીનતા જરૂર અનુભવતી. નાનકડાં શિશુની કિલકારીથી આ બંગલો વંચિત જ રહ્યો. બાળક માટેની ઈતિની હોંશ અધૂરી જ રહી. જોકે અરૂપને એ ઉદાસીની જાણ સુધ્ધાં કયારેય થવા ન પામતી. તે તો એવા ભ્રમમાં જ રહ્યો કે ઈતિ પણ હવે પોતાની માફક બાળકની વાત ભૂલી ગઈ છે.

સૂર્ય વાદળા પાછળ સંતાઈ ગયો હતો. જાણે દુનિયાના લોકોથી નારાજ થયો હોય અને પોતાના કિરણો તેને આપવા ન માગતો હોય તેમ જીદ કરીને વાદળની બહાર ન આવવા મથી રહ્યો હતો. નામ તો વાદળનું આવતું હતું કે તેણે સૂર્યને ઢાંકી દીધો હતો. પણ સાચી વાતની કોને જાણ હતી કે સૂર્ય ખુદ વાદળ પાછળ છૂપાઈ ગયો છે. આજે જાણે તેને વિશ્વને અજવાળવાની કોઈ તમન્ના નહોતી. આજે વિરામ... તો જ વિશ્વને તેનું મહત્વ સમજાય... એવું વિચારતો હશે કે શું ?

સૂર્ય તો વિચારે કે નહીં... પણ ઈતિ તો આવું જ કંઈક વિચારતી હતી. ઈતિની અંદર પણ કોઈ સ્મૃતિએ વિરામ લીધો હતો... બહાર ન આવવાની જીદ પકડી હતી કે શું ? જે દરિયો મનની અંદર ઉછળતો રહ્યો હોય... એની જાણ હોય કે નહીં... પરંતુ એ કયારેય દૂર જઇ શકે ખરો ? ભલેને સવાર થઈ ગઈ હોય પરંતુ પાંપણને ખોલીને જોવું નથી

ઈતિના મનમાં એવી એક જીદ પ્રગટી હતી કે શું ? પરંતુ ઈતિ તો કયારેય જીદી નહોતી અને છતાં આજે આમ કેમ ? પોતાની અંદર એક-એક ક્ષણની છબી આજે દસ વરસ પછી પણ આટલી હદે જીવંત હતી ? અને પોતે બેખબર હતી ?

‘અનિકેત આવ્યો છે..’

આજે મમ્મીના આ એક વાકયે તેની સમગ્ર ચેતના જાગી ઉઠી હતી ? એક ચિનગારી પરની રાખ ઊંડી રહી હતી કે શું ? મનની કિલ્લેબંદી તૂટી રહી હતી? એક શબ્દ.. અને એ કિલ્લાના કાંગરા ખરવા લાગ્યા હતા કે શું ?

માટીની ઝાકળભીની ગંધ દિલની તિજોરીમા સચવાઈને પડી હતી ને તેનું ભાન પણ પોતાને નહોતું ?

આ કયો રંજ, કઈ ઉદાસી જિંદગીની સપાટી ઉપર તરી આવી હતી ? જેને ભૂલી ચૂકી હોવાનો દાવો દસ વરસથી કરતી આવી છે એ ફકત એક ભ્રમ હતો ? જાત પાસે કરેલી છેતરપિંડી માત્ર હતી ? પોતે આજ સુધી આત્મવંચનામાં જ રાચતી હતી ?

આ દસ વરસમાં તેના હોઠ પર કયારેય અનિકેતનું નામ સુધ્ધાં નથી આવ્યું. તે સંપૂર્ણ અરૂપમય બની રહી હતી. અરૂપ પણ તેનાથી ખુશ હતો. જીવન શાંત વહેતા પાણીની જેમ કોઈ અવાજ વિના વહેતું હતું કોઈ વમળ નહીં.. કોઈ આંદોલન નહીં. ઈતિ કદાચ પૂર્ણ સમર્પણની ગાથા હતી અરૂપનો શબ્દ ઈતિની ઈચ્છા બની રહેતો. ઈતિના જીવનની એક એક પળ અરૂપની હતી. ઈતિના અસ્તિત્વની આસપાસ સુખ સગવડનો એક અભેદ કિલ્લો અરૂપે ચણી દીધો હતો. જયાં અંદર તો સઘળુ મોજુદ હતું. ફકત કિલ્લાની બહાર એકલા કશું જોઈ શકાતું નહોતું. જોવાની જરૂર જ કયાં પડતી હતી ? ઈતિનો દરેક શબ્દ અરૂપ પ્રેમથી ઝિલતો. ઈતિ વિના તેને થોડી વાર પણ કયાં ચાલતું ? ‘ઈતિ, ઈતિ‘ કરતાં અરૂપ થાકતો નહીં. ઈતિ તેને માટે સર્વસ્વ હતી. ઈતિને ખુશ રાખવા તે સતત મથતો. જોકે તેની દ્રષ્ટિ અને દુનિયા અલગ હતી. ઈતિની દ્રષ્ટિથી તે કયારેય જોઈ ન શકતો... તે વાત અલગ હતી. પરંતુ હવે ઈતિની દ્રષ્ટિ કે દુનિયા પણ અલગ કયાં રહી હતી ? અરૂપ તેને જેટલું બતાવવા ઈચ્છતો તેટલું જ તે જોતી. અને ઈતિના વધુ પડતા સરળ સ્વભાવને લીધે ઈતિને કોઈ ફરિયાદ નહોતી. કોઈ અભાવ નહીં.. બસ.. જીવન જીવાતું જતું હતું... કોઈ અવરોધ વિના.

અરૂપ ઓફિસે જાય ત્યારે ઈતિને કંટાળો આવતો. તે એકલી એકલી શું કરે ?કામ કરવા માટે ચોવીસ કલાકના કામવાળા ઘરમાં હતા. ઈતિને થયું પોતે નોકરી કરે... થોડી બહાર નીકળે... તો મજા આવે. તેણે અરૂપને વાત કરી જોઈ. અરૂપ તો જાણે કોઈ જોક સાંભળતો હોય તેમ ખડખડાટ હસવા લાગ્યો..

’નોકરી..? મારી ઈતિરાણી નોકરી કરે ? અરે,તારે નોકરી કરવી પડે તો તો મારે ડૂબી મરવું જોઈએ..’’

’ના, અરૂપ, એમ નહીં... પણ તું નથી હોતો ત્યારે આખો દિવસ ઘરમાં બોર થવાય છે. ‘

’અરે, ટી,વી. જો... છાપા મેગેઝિનો વાંચ... ઘરમાં તારી બહેનપણીઓને બોલાવ... કોઈ કલબમાં જવું હોય તો જા. મારી ઈતિરાણી જલસા કરે એ જ મને ગમે.‘

’પણ...’

’ઈતિ, મારે માટે તું એટલું ન કરી શકે ?‘

અરૂપનું આ હમેશનું ધ્રૂવ વાકય. ઈતિને કયારેક કોઈ વાત ન ગમે તો પણ અરૂપનું આ વાકય આવે અને ઈતિ ઓગળી જાય. બધું ભૂલી અરૂપમય... તેના વિચારોમય બની રહે...

ઈતિને થયું પોતે ડાન્સ કલાસ ચાલુ કરે. એ બહાને પોતાને પણ થૉડી પ્રેકટીસ રહે અને પોતાનું મગમતું કામ કર્યાનો આનંદ અને સંતોષ પણ મળે.

પરંતુ ડાન્સનું નામ તો અરૂપની કોર્ટમાં દાખલ થતાની સાથે જ રીજેકટ થઈ ગયું.

‘ઈતિ, મને મારી પત્ની ડાન્સ કરે એ જરાયે ન ગમે. નાચવું એ કંઈ આપણા જેવા લોકોનું કામ છે ?‘

અને ઈતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને ?

સોનાના મોટા પિંજરમાં પંખીને બધા લાડ લડાવવામાં આવતાં હતાં. પંખીને તો આ પિંજર છે એવો અહેસાસ સુધ્ધાં નહોતો. પાંખો જેટલી ફફડાવવી હોય, ફફડાવી શકાતી. અને આ જ ઉડડયન છે... આસમાન આવું અને આટલું જ હોય... એ સ્વીકારી લેવામાં આવ્યું હતું. તેથી કોઈ અફસોસનો સવાલ જ નહોતો ઉઠયો.

જીવન જીવાતું ગયું... અરૂપની રીતે... કોઈ ખાસ ફરિયાદ સિવાય...

હા, વચ્ચે વચ્ચે મનોઆકાશમાં અનિનો... અનિની યાદનો એક ઝબકાર જરૂર ઉઠતો. પરંતુ બહાર કયારેય ડોકાતો સુધ્ધાં નહીં. જીવન એટલે કલબ, પાર્ટી, પિકચર,પીકનીક, ઈતિ અને અરૂપ..!

ઈતિને પિયર નિરાંતે રોકાવાની કયારેક ઈચ્છા થાય પરંતુ અરૂપને ઈતિ વિના ગમે જ નહીં. તે પણ ઈતિ સાથે તેને ઘેર જાય અને બે દિવસમાં ઈતિને લઈને પાછો..! ઈતિના માતા પિતા જમાઈનો સ્નેહ જોઈ ખુશખુશાલ હતા. સૌ ખુશ હતા... કયાંય કશો પ્રશ્ન જ કયાં હતો ? ઈતિનું જીવન તો સાવ પ્રશ્નો વિનાનું, સીધા સપાટ મેદાનમાં વહેતી નદી જેવું. એક જ લક્ષ્ય... આડે અવળે કશે નજર નાખ્યા સિવાય સાગરમાં ભળવાનું. ઓગળી જવાનું પોતાની મીઠાશ સુધ્ધાં મિટાવી દેવાનું..ભૂલી જવાનું... પૂર્ણ સમર્પણ...!

ઈતિને બાળકની તીવ્ર ઝંખના હતી. પરંતુ પોતાની એ ઝંખનાને પણ અરૂપની અનિચ્છા જોઈ તેણે વિસારી દીધી હતી. કે પછી વિસરી જવાનો છેતરામણો પ્રયત્ન કર્યો હતો. કયારેક કામવાળી બેનના નાના છોકરાને રમાડી લેતી હતી. બહાર જાય ત્યારે તેના માટે ઈતિ કશુંક ચોક્કસ લાવે. જોકે કામવાળા સાથે ઈતિ આમ આટલી ભળી જાય એ અરૂપને ગમતી વાત નહોતી જ. પરંતુ એવી કોઈ વાતમાં અરૂપ કશું બોલતો નહીં. ઈતિ ખુશ થાય છે ને ? ઈતિને ખુશ રાખવા મથતો અરૂપ, ઈતિની ખુશી શેમાં છે તે વિસરી જતો.ખુશ થવાની દરેકની રીત અલગ જ હોય છે ને ? દરેકની દ્રષ્ટિ અલગ અને દરેકની ખુશી પણ અલગ..એ સત્યથી અરૂપ અજાણ હતો ? કે પછી અણગમતા સત્યથી તે દૂર ભાગતો રહેતો.? ખુશીની જરૂરિયાત પણ બધાની અલગ જ હોવાનીને ?

આજે ઈતિના મનમાં વિચારોની વણથંભી હારમાળા કેમ ચાલુ હતી? હકીકતે ફોન લાગતો નહોતો અને ઈતિ એક અજંપાથી આમતેમ ફરતી હતી. શું કરવું તે સમજાતું નહોતું. કયારેય ન આવેલ વિચારો આજે મનમાં કેમ પડઘાતા હતા?

“અનિકેત“ આ એક શબ્દના ઉચ્ચારે તેની અંદર આ કયું પૂર ઉમટયું હતું? કયા પ્રવાહમાં તે તણાતી હતી? અંતરમાં કોઈ ઉજાસ ઉઘડયો હતો કે અંધકાર છવાયો હતો તેની સમજણ પણ નહોતી પડતી.

એકલી બેસીને કંટાળેલી ઈતિએ રેડિયો ચાલુ કર્યો અને રેડિયોમાંથી ગીતના સૂર રેલાઈ રહ્યાં.

’કહીં દૂર જબ દિન ઢલ જાયે...’

આ શબ્દો કાને પડતાં જ ઈતિનું મન ફરી એકવાર વરસો કૂદાવી ગયું.

ઈતિ, અનિકેતનું કોલેજનું એ છેલ્લું વરસ હતું. અને વરસનો છેલ્લા મહિનાનો છેલ્લો દિવસ હતો. એકત્રીસ ડીસેમ્બરની રાત્રે સૌ કોઈ વિદાય લેતા વરસને આવજો અને આવનાર વરસને આવકારવાની ઉજવણીમાં પોતપોતાની આગવી રીતે વ્યસ્ત હતા. ઈતિ અને અનિકેતની કોલેજના કેમ્પસમાં પણ યૌવન હિલ્લોળે ચડયું હતું. વાતાવરણમાં ઠંડીની ચમક હતી. પરંતુ કેમ્પફાયરની ઉષ્મા તેને રંગીન બનાવતી હતી.

સાંજથી શરૂ થયેલ વિવિધ પ્રોગ્રામો છેલ્લા તબક્કામાં પ્રવેશ્યા હતા. ખાણી-પીણીની જયાફતો જામી હતી. સાંજે અંતાક્ષરીની રમઝટમાં આજે ઈતિ ખીલી ઉઠી હતી.

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે...’ ઢળતા સૂર્યની સાક્ષીએ ગવાયેલ આ ગીતે ઈતિના ચહેરા પર એક આભા પ્રગટાવી હતી અને તેનો ઉજાસ અનિકેતની આંખોમાં પ્રગટયો હતો. સુમધુર ગીતોની રમઝટ હમણાં જ પૂરી થઈ હતી. બધાને પ્રતીક્ષા હતી ઘડિયાળમાં બારના ટકોરાની... પ્રિયજનોને આવકારવા, અભિનન્દવા સૌ જાણે અધીર બન્યા હતા અને હવે એ પ્રતીક્ષાનો અંત નજીક હતો. વીતેલ વરસને અલવિદા કરી, આવનાર વરસને વધાવવાનો એક અદમ્ય ઉત્સાહ સૌના મનમાં છલકતો હતો. વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. કેમ્પફાયરની ઉષ્મા સૌને મીઠી લાગતી હતી. ખુશનુમા વાતાવરણથી દરેક હૈયા છલોછલ હતા. કેમ્પફાયરની આસપાસ સંગીતના તાલે સૌના પગ થિરકતા હતા.

અચાનક ઈતિની ચીસ વાતાવરણમાં ગૂંજી ઉઠી. કેમ્પફાયરની આસપાસ ઘૂમતી ઈતિ અચાનક બેલેન્સ ગુમાવતા સીધી અંગારાની જવાળામાં જી પડી. એક ક્ષણ તો કોઈ કશું સમજી ન શકયું. અનિકેતે એક છલાંગ લગાવી... સીધો અંગારામાં... અને બીજી જ ક્ષણે ઈતિને ઉપાડી બહાર.! ઈતિ તો ભય અને પીડાથી બેહોશ થઈ ગઈ હતી. અનિકેત પોતે પણ દાઝયો હતો... પણ કયાં... કેટલું તેનું તો અત્યારે તેને કયાં ભાન હતું? વાતાવરણની પ્રસન્નતા એક પળમાં ગમગીનીમાં પલટાઈ હતી. સૌ બેબાકળા બની ગયાં હતાં. એમ્બ્યુલન્સ આવી અને ઈતિ, અનિકેતને લઈને ચાલી ત્યારે ઘડિયાળમાં બરાબર બારના ટકોરા પડતાં હતાં. નવા વરસની શરૂઆત થઈ ચૂકી હતી.

પૂરા પંદર દિવસ ઈતિને હોસ્પીટલમાં રહેવું પડયું. ઈતિના માતા પિતા ઈશ્વરનો આભાર માની રહ્યા.એક ઘાત ગઈ સમજીને અને ઘાત અનિકેતને લીધે ટળી શકી હતી તેથી તેનો આભાર માન્યા સિવાય કેમ રહેવાય? પરંતુ અનિકેતને એવી કોઈ જરૂર કયાં હતી ?

હોસ્પીટલમાં ઈતિનો ચાર્જ સ્વાભાવિક રીતે જ અનિકેતે લઈ લીધો હતો. અનિકેતને પણ થોડા દિવસ ડ્રેસીંગ કરાવવું પડયું હતું.

‘ઈતિ, એક દિવસ બે સરદારજી ચેસ રમવા બેઠા...’

ઈતિ ખડખડાટ હસી ઉઠતી.

અનિકેત ઈતિને જોક કહેતો રહેતો. સરદારજીના જોક સાંભળવા ઈતિને ખૂબ ગમતા અને અનિકેત પાસે તેનો કયાં તૂટો હતો? ડ્રેસીંગની અસહ્ય પીડા અનિકેતના જોકમાં થોડી વાર વિસરાઈ જતી.‘

‘અનિ, તને જરાયે બીક ન લાગી ? આગમાં જંપ મારતા ?’

‘એવો વિચાર કરવા જેટલો...બીક અનુભવવા જેટલો સમય કયાં હતો ?‘

’તો પણ...! અનિ, તું કયાંક વધારે દાઝયો હોત તો ?‘

’તો તારી સાથે હોસ્પીટલમાં રહીને આપણે બંને આખી હોસ્પીટલ માથે લેત. ‘બીજું શું ?‘

અને અનિકેત તરત વાતને બીજે પાટે વાળી દેતો.

‘ઈતિ, તેં મને ઓછો હેરાન કર્યો હતો? યાદ છે ? હું નાનો હતો અને મને તાવ આવેલ ત્યારે કેવી દાદાગીરી મારી પર તેં કરેલી. ? મને હોળી પણ નહોતી રમવા દીધી. હું કંઈ ભૂલ્યો નથી હૉં.‘

ઈતિને દવા પીવડાવતી વખતે અનિકેત કહેતો.

’હા, તું નાનો હતો ત્યારે....! અને હું તો ત્યારે બહું મૉટી હતી ખરૂં ને ?

ઈતિ હસતી. અને પીડાને છૂપાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી રહેતી.

‘હવે હું તો ગણી ગણીને બદલો લેવાનો.. માંડ આટલા વરસે મોકો મળ્યો છે.‘

’તું મને કેટલી પ્રાર્થના ગવડાવતો..! એ હું પણ કંઈ ભૂલી થોડી છું ?ચાલ, હવે તારો વારો.’

ઈતિ ચહેકતી.

‘હું ગાઈશ ને તો આ હોસ્પીટલમાંથી બધા દર્દીઓ અહીં તારા રૂમમાં એકઠા થઈ જશે. અને મને મારશે... માથુ દુખાડવા બદલ‘

’હું કંઈ ન જાણું.‘

અને ઈતિની ફરમાઈશ અનિકેત પૂરી ન કરે તેવું તો આમ પણ કયારે બનતું હતું ? તો અત્યારે તો ઈતિ રાજાપાઠમાં હતી.. તેનો હક્ક હતો.અને અનિકેત ધીમા અવાજે બે લાઈન ગણગણી રહેતો. ઈતિ આંખો બંધ કરી તેમાં ખોવાઈ જતી. ‘તું પ્યારકા સાગર હૈ... તેરી એક બુંદ કે પ્યાસે હમ...’

આ ક્ષણે... આ ગીત કયાંથી... કઈ દિશાથી રેલાઈ રહ્યું ? ઈતિના કાનમાં આ સ્વરો કયાંથી પડઘાઈ રહ્યા ? આ તો અનિકેતનો અવાજ...!

‘આ શું રાગડા તાણવાના? મને તો અંતાક્ષરી જરા યે ન ગમે. મન ફાવે તેમ ગમે તેવા અવાજે..ગાતા આવડતું હોય કે નહીં... બધા લલકારે... અરે, ગીતો સાંભળવા હોય તો કેસેટ કે સી.ડી.ની કયાં ખોટ છે ?‘

અનિકેતના અવાજની સાથે આ બીજો કયો અવાજ ભળી ગયો ?

આ વરસે જ અરૂપને ઘેર નવા વરસની ઉજવણી માટે બધા મળ્યા હતા અને ઈતિએ અંતાક્ષરીનો પ્રસ્તાવ મૂકયો હતો ત્યારે અરૂપ બોલી ઉઠયો હતો.એક ક્ષણ ઈતિ ઝંખવાઈ ગઈ હતી. કશું ખૂંચ્યું હતું..પણ શું..? એ વિચારવાનો સમય ત્યારે કયાં હતો ?

પછી અંતાક્ષરીને બદલે મ્યુઝિક્લ ચેરની રમત અરૂપે શરૂ કરાવી હતી. અને ઈતિ પણ તેમાં સામેલ થઈ હતી.

અરૂપ માટે ઈતિ એટલું તો કરી જ શકે ને ?

અતીતની ટેપ આગળ ચાલે તે પહેલાં ઘડિયાળમાં નવના ટકોરા પડયા. અને ઈતિ ચોંકીને વર્તમાનની ભૂમિ પર આવી. અરૂપ હજુ આવ્યો નહોતો. રોજ કરતાં તેને મોડું થયું હતું.

ફોનની અને અરૂપની રાહ જોઈ જોઈને થાકેલી ઈતિ કંટાળતી બેઠી હતી. ફરી એકવાર ફોન કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ વ્યર્થ. ફોને આજે તેની સાથે દુશ્મનાવટ આદરી હતી કે શું ? કે પછી કિસ્મતની કોઈ અગોચર ક્ષણમાં નિમિત્ત બનવાનું તેને ફાળે આવ્યું હતું ?

ઈતિએ થોડીવાર મેગેઝિનના પાનાઓ ફેરવ્યા... પણ મજા ન આવી. ઘડિયાળનો કાંટો ખસતો જ નહોતો. ઊંભા થઈ ટી.વી. ચાલુ કર્યું. આમતેમ ચેનલો બદલતી રહી. એક જગ્યાએ રામાયણની સીરીયલ આવતી દેખાઈ. બીજુ આડુઅવળું જોવાને બદલે તેણે તે ચેનલ ચાલુ રાખી.

સુવર્ણમૃગ પાછળ ગયેલ રામની બૂમ સંભળાતા સીતાજી લક્ષ્મણને રામની મદદે જવા વિનવતા હતા. લક્ષ્મણજી જવા તૈયાર નહોતાં થતાં. અંતે સીતાજીની જીદને લીધે જવા તૈયાર થયા. પરંતુ જતાં પહેલાં તેમણે સીતાજીને લક્ષ્મણરેખા દોરી આપી હતી... અને તેની બહાર નીકળવાની મનાઈ કરીને ગયા હતા.

પોતાની આસપાસ પણ શું આવી કોઈ અદ્રશ્ય લક્ષ્મણરેખા દોરાયેલી છે કે શું ? અરૂપે દોરેલી લક્ષ્મણરેખા...! જેના દાયરામાં તે... બંધ હતી. એક કેન્દ્રની આસપાસ પરિઘની મર્યાદિત ત્રિજયામાં તે ઘૂમતી રહી હતી કે શું ? અને ક્યાંકથી અનિકેતની ચીસો તેને સંભળાતી હતી ? તે ઈતિને પોકારી રહ્યો હતો કે શું ? આજે આ વ્યાકુળતા શા માટે ? આજે આવા વિચારો શા માટે ?

નાનપણમાં તેના ઘરની સામે એક ભરવાડનું કુટુંબ રહેતું હતું. તેના ઘરમાં તેણે ઘણી બકરીઓ પાળી હતી. આ બકરીઓના પગમાં એક દોરી બાંધી હોય..અને દોરીનો બીજો છેડો દૂર કોઈ મોટા પથ્થર સાથે કે કોઈ વૃક્ષ સાથે બાંધેલ હોય. કોઈની દોરી થોડી નાની હોય... કોઈની થોડી મોટી. બકરી તે સીમિત દાયરામાં ફરતી રહેતી. અને સ્વતંત્રતાનો એહસાસ કદાચ કરતી રહેતી. પોતે પણ શું આવી જ કોઈ...

આજે આવી બધી વાતો મનમાં કેમ ઘૂમરાય છે ?

અને દોરી અરૂપના હાથમાં...!

શૈશવમાં જોયેલો પેલો કઠપૂતળીનો ખેલ એક તે દિવસે સ્કૂલમાં પપેટ શોનો કાર્યક્રમ હતો. ઈતિ, અનિકેત અને બધા બાળકો હોંશે હોંશે નીરખી રહ્યા હતાં. પંચતંત્રની કેટલીય વાર્તાઓ કઠપૂતળીના માધ્યમથી બાળકો સમક્ષ રજૂ થઈ રહી હતી. બધાં ખુશખુશાલ બની તાળીઓ પાડતાં હતાં. તાળીઓના ગડગડાટ વચ્ચે નાચતું સસલું, દોડતું હરણ, બોલતો પોપટ અને ઉડાઉડ કરતાં ચકા, ચકીને જોઈ ઈતિ, અનિકેત પણ હરખાતાં હતાં. રાણીના કહ્યા મુજબ નાચતાં રાજાને જોઈ ઈતિનું હસવું રોકાતું નહોતું. રાજા પર રાણી કેવો રોફ, રૂઆબ જમાવે છે. પોતે પણ કયારેક અનિકેત ઉપર આમ જ રોફ મારે છે ને ? ન જાણે દસ વરસની ઈતિના મનમાં ત્યારે આવો વિચાર કેમ ચમકી ગયો ? તેણે અનિ સામે જોયું હતું. તે તો ખેલ જોવામાં મશગૂલ હતો. રાણીના દરેક હુકમનું પાલન કરતાં રાજાને ઈતિ પરમ આર્શ્વય અને આનંદથી નીરખી રહી હતી. હવામાં લટકતા રાજા, રાણીને જોવાની બધાને મજા પડી ગઈ હતી. ઈતિ તો જાણે પોતે એ રાણી હોય તેમ તેનો ચહેરો હસુ હસુ થઈ રહ્યો હતો.

રાણી... રાણી તો તે જરૂર બની હતી. અરૂપના ઘરમાં તે રાણીની જેમ જ રહેતી હતી. તેનો પડયો બોલ ઝિલાતો રહેતો. પરંતુ કઠપૂતળીની દોરી થોડી એના હાથમાં હોય ? એ તો સંચાલકના... અરૂપના હાથમાં હોય. તે દિવસે તો રાજાને હુકમ કરતી મહારાણી તેણે જોઈ હતી. આજે એ મહારાણી શું કોઈ એકદંડિયા મહેલમાં...!

ઈતિ ચોંકી ઉઠી... આજે પોતાને આવા ગાંડા ઘેલા વિચારો કેમ આવે છે ?

ચારે તરફથી અનિકેતનો સાદ કેમ સંભળાય છે ? અનિ તેને બોલાવી રહ્યો હોય, તેને પોકારી રહ્યો હોય તેવું કેમ લાગે છે ? કયાં છે અનિકેત ? કઈ દિશામાંથી આ સાદ આવે છે ? આ કયો પોકાર તેને હચમચાવી રહ્યો છે ? પ્રાણમાં આટલી વ્યાકુળતા કેમ જાગી ઉઠી છે ?

‘અનિ... અનિ...’ કોઈ પોકાર અને....?

અને ત્યાં તો બારણે બેલનો ધડાધડ અવાજ..!