Youddh in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | Youddh

Featured Books
Categories
Share

Youddh

યુદ્ધ

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


યુદ્ધ

દસ વરસમાં કોઈ માણસ, બાહ્ય રીતે કેટલો બદલાય ? કબૂલ કે એનો ચહેરો થોડો રૂક્ષ અને કરડો બની ગયો હતો, ગાલ થોડાં દબાઈ ગયાં હતાં, આછી મૂછ થોડી ભરાવદાર બની હતી, આમ તો તે એવો જ હતો જેવો દસ વરસ પહેલા હતો.

ગામનો કોઈ પણ જૂનો માણસ એને તરત જ ઓળખી લે, અને કદાચ કહે પણ - ‘અરે, તું - એ સાંજે બાબુસા’બને છરી મારીને નાસી ગયો હતો એ ?’

સાંજે વહેલી પડતી હતી, પહાડી પ્રદેશમાં. પણ હજી પૂરતો પ્રકાશ તો. દૂર સુધી જોાવ માટે. એ થાકી ગયો હતો કારણ કે છેક આઠ કલાકથી આમ ચાલી રહ્યો હતો. એ ચાહીને એના સાથીઓથી અલગ પડી ગયો હતો. એને અલગ પડવું જ હતું. એણે સંકેત તો આપ્યો જ હતો - ‘હું આ પ્રદેશનો ભોમિયો છું. તમે આરામ કરો. હું કામ પતાવીને આવી જઈશ.’

કદાચ એ લોકો રાવટી નાખીને અંતરિયાળ પડ્યાં પણ હોય કોઈ કોતરામાં !

એ થાક્યો હતો, ભૂખ પણ લાગી હતી અને એથી પમ વિશેષ એને એની મા સાંભરતી હતી. દસ વરસ પહેલાં તો એ એકી શ્વાસે મુઠ્ઠીઓ વાળીને ભાગ્ય હતો, આ જ માર્ગ પર ! એનો જમણો હાથ, પહેરણ, ગાલ... એ બધું લાલ લોહીથી ખરડાયેલું હતું.

જમણે હાથે એણે કચકચાવીને છરી મારી હતી, એ સમયે એના હાથમાં અજબનું જોશ આવી ગયું હતું. સત્તરની ઉંમર હતી. પહાડી પ્રદેશનો સત્તર વરસનો છોકરો ખડતલ જ હોય, ઊંચોય હોય અને આવેગવાળો હોય. અને છોકરીઓ ગોરી, શાંત અને ડહાપણવાળી.

એ તો બસ ભાગ્યો જ હતો - પહાડી રસ્તા પર. કદાચ ધૂળમાં એના નિશાન પડ્યા પણ હોય, લોહીના છાંટા પગદંડીઓ પર પણ પડ્યાં હોય પણ એને એનું ભાન જ નોતું. બસ, આંખો દૂરદૂર જોતી હતી ને પગો દોડતાં હતાં.

તે કેટલીક ભેખડો ઓળંગીને, ખીણ સોંસરવા થઈને છેક જંગલમાં પહોંચી ગયો હતો. ઢાળ પર ઊંચા વૃક્ષો હતાં, અંધારું હતું, કેડીઓ નહોતી. એ થંભ્યો હતો. હાંફ શમતાય થોડી વાર લાગે ને ? ત્યાં સુધીમાં તેણે ગુલાબોને અને એણે જેને છરી મારી હતી, એ બગીચાના માલિકને યાદ કરી લીધા.

ઓહ ! કેવું બન્યું ? એ ચીસ સાંભળીને ત્યાં પહોંચી ગયો હતો, આ ચીસ તો ગુલાબોની જ ! એને થયું હતું.

એ અને ગુલાબો - બેય ચાના બગીચામાં કામ કરતાં હતાં. એની બેન પુલોમા હજી કામ કરવા માટે નાની હતી. મા કામ માટે હાક પાડે ત્યારે એ તો શેરીમાં રમતી હોય ! પછી મા ગુસ્સે થાય જ ને ? પણ તે માનો સમજાવતો - ‘હજી કેટલી નાની છે, પુલોમા ? માંડ મરા ખભા સુધી જ પહોંચે છે.’

મા હસી પડતી, કહેતી - ‘બહુ દાઝે છે, પુલોમાનું ? પરણાવજે ધામધૂમથી.’

એને પુલોમા ગમતી હતી અને ગુલાબો પણ.

એ તો એની સાથે જ કામ કરતી હતી, રાવસાહેબના બગીચામાં. સખત કામ કરતી હતી. કામ દરમ્યાન, એક હરફેય ના બોલે. એ મળી જાય તો મીઠું હસી પડે ને પાછી કામમાં જોતરાઈ જાય. જરા સરખીએ કામચોરી નહીં.

એ કેટલો ખુશ હતો, ગુલાબો પર ? સાંજે કામ પરથી છૂટી મળે ત્યારે બેય, વાતો કરતાં કરતાં ગામમાં આવે. ઢાળ પર પહેલું ઘર ગુલાબોનુ આવે. સાવ સાદું, એક જ ઓરડાનું. કાકા-કાકી અને એ ગુલાબો... માત્ર એની સાથે જ વાતો કરે, હસે, ક્યારેક રડે પણ ખરાં. ગુલાબો કહેતી - ‘આ તું છું એટલે જીવું છું બાકી કેટલું રડવું પડે છે ઘરમાં ?’

એ કહેતો - ‘ એક વાર તારા કાકાને ગોળીએ જ દઈશ ! પછી તને એ શું કરશે ?’

ગુલાબો મુગ્ધ બનીને એને જોયા કરતી. એને ઇચ્છા થતી કે વળગી પડે એને, એના તારણહારને.

પણ પ્રસંગ તો બીજો જ બન્યો. એણે માલિકના ગળા આરપાર ચીક્ષ્ણ છરી, સોંસરી ઉતારી દીધી.

ગુલાબો એના ઘરેય આવતી હતી. પુલોમાને પણ ઓખે.

મા તો પાસે બેસાડે. ખૂબ જ સરસ છોકરી. એક વાર પુલોમાએ ગુલાબોને કહ્યું હતું - ‘તમે જ ભાઈને પરણશોને ? મને તો ખૂબ ગમશે.’ ગુલાબો લાલ લાલ થઈ ગઈ હતી, લજ્જાથી.

પુલોમાએ ઉમેર્યું હતું - ‘હું કાંઈ ખોટું નથી કહેતી. મા કહેતી હતી ભાઈને.’

એણે ચીસ સાંભળી ગુલાબોની, માલિકના ઓરડામાંથી.

એ સમયે તો સહુ કામ કરનારાંઓ તો ચાલ્યા ગયા હતા. ચાનું ખેતર સૂમસામ હતું. સૂરજ ઢળી રહ્યો હતો. એ કાગળોનું બંડલ વાળીને કબાટમાં મૂકી રહ્યો હતો.

એકાંતમાં એક હળવી ચીસ થરથરી હતી. એ તરત જ દોડ્યો હો, એ ચીસ ભણી. માલિકની ઑફિસનો ખંડ હતો એ તરફ. બારણુંય ખૂલ્લું હતું. અથડાતું હતું, પવનમાં આમતેમ.

એ ધસી ગયો હતો - માલિકના કમરામાં. જોયું તો માલિક ગુલાબોને પોતાના દેહ ભણી ખેંચી રહ્યા હતા. વસ્ત્રો તો એ પહેલાં જ...! ઓહ ! હચમચી ગયો હતો એ.

‘માલિક... રહને દો યે મેરી ગુલાબો હૈ.’ તે બોલ્યો હતો - આજીજીના સ્વરમાં.

પણ પેોલ કાંઈ માને ?

‘કૌન... અબે ? ચલે જા વરના...’ અને એ શબ્દો પાછળ ગંદી ગાળ નીકળી હતી.

પછી જે બન્યું એ અકલ્પનીય હતું. ક્યારે એના હાથમાં ફળોની તાસકમાંની છુરી આવી, અને ક્યારે એ કામાતુર માલિકના ગળા સોંસરવી ઊતરી ગઈ - એ એની સમજમાં પણ નહોતું આવ્યું.

માલિકનો દેહ લથડ્યો હતો; એના હાથ, પહેરાણ લાલ, ગરમ રક્તથી ભીના હતા, અને ફરસ પર રક્તના રેલાં થયાં હતાં.

એણે ગુલાબોને કહ્યું - ‘તું કપડાં સાથે ઘરે જા. હું આવું છું.’ બસ... એને એટલું જ યાદ હતું.

ગુલાબો... એ બગીચા વચ્ચેની નેળમાંથી ભાગી હતી. એનું ભાન હતું પરંતુ એ પોતે, બીજી દિશામાં મુઠ્ઠીઓ વાળતો ભાગ્યો હતો, એ ભાન તો મોડેથી જ થયું હતું.

અત્યારે એ એ જ કેડીઓ પરથી સરકતો હતો - એના ગામ ભણી. દસ વરસોનો સમયગાળો વહી ગયો હતો - આ ડુંગરાઓ પરથી. જેમ જેમ ગામની નજીક આવતો જતો હતો તેમ તેમ બધું જ, અતીતનું યાદ આવતું હતું. મા, પુલોમા, ગુલાબો... અને આખ્ખુંય ગામ ! કેડી સરખાં રસ્તાઓ, ઢળતાં છાપરાંઓ, એ પરથી વહી જતો વરસાદ !

એ રક્તભર્યા વસ્ત્ર સાથે જંગલમાં પહોંચ્યો હતો, એક વ્હેણમાં તરસ છિપાવી હતી. અને પાસેની અપૂજ દેરીની ઓટલી પર કાયાને લંબાવી હતી. થાક એટલો હતો તરત જ ગાઢ નિંદરમાં સરી ગયો હતો.

સવારે આંખો ખૂલી ત્યારે વૃક્ષોાંથી ગળાઈને આવતો થોડો તડકો એના શરીર પર પડતો હતો, પક્ષીઓ ચહેકી રહ્યાં હતાં અને બે કરડા પુરુષો એની પાસે ઊભાં હતાં જેમના હાથમાં બંદૂકો હતી. એણે બંધૂક તો જોઈ જ હતી, ગામના સિપાઈ પાસે હતી એ ! ચામડાની અને પિત્તળની, ચકચકતી અને નળીવાળી. એ નળીમાં ગોળી છૂટે ને સામે જે હોય એ... ફટાક કરતું વિંધાઈ જાય !

તે જડવત્‌ પડ્યો પડ્યો એ લોકોને જોઈ રહ્યો ટગર ટગર ! બીજી કશી ગમ પડી નહીં કે શું કરવું !

બેમાંથી એકે જરા કરડા અવાજમાં પૂછ્યું હતું - ‘કિસકા ખૂન કરકે આયે હો ?’

એ હેબતાઈ ગયો હતો. શું એની પાછળ તપાસ કરતી પોલીસ પડી હશે ? તો એ પકડાઈ જ જવાનો હતો ! કશો માર્ગ નહોતો નાસી જવાનો.

તરત બીજાએ કહ્યું હતું - ‘બહાદુર લગતા હૈ. હમારે કામકા લડકા હૈ.’

અને એને સમજ પડી કે એ લોકો પોલીસ તો નહોતા જ. એણે જવાબ વાળ્યો હતો - ‘બગીચાવાલે કો મારકે આયા હૂં.’

બસ, પતી ગયું. એ લોકોએ એને ઊંચકી લીધો હતો, એમની ટોળીમાં લઈ ગયા હતા.

ઓહ ! કેટલાં લોકો હતાં ત્યાં, સાવ અજાણ્યાં જ, અને કરડા ચહેરાઓવાળા.

લશ્કરી છાવણી જેવો જ માહોલ હતો. આસપાસ ગાઢ જંગલ હતું. એક એ લોકોનો સરદાર હતો. પાતળો, ઊંચો ને લાલઘૂમ આંખો-અંગારા સરખી !

થોડાં પ્રશ્નો પૂછ્યાં એ સરદારે ખાતરી તો કરી જ લીધી કે એ કોઈનો મોકલ્યો નહોતો આવ્યો !

એ દિવસથી, એ એનો હિસ્સો બની ગયો. રજળપાટ વચ્ચે એની તાલીમ શરૂ થઈ. બંદૂક ચલાવવાના પાઠો, ઝાડની ડાળીઓમાં સંતાઈ જવાના પાઠો, દુશ્મનો પર છાપો મારવાના પાઠો.

એના પિતા જીવતા હતા ત્યારે એક વેળા ભવિષ્યવાણી ભાખી હતી - ‘ભારે બળુકો છે. જોજે, એક દિવસ આર્મીમાં જાશે - તારો છોકરો.’ ને એણે બંધૂક તો પકડી પણ હતી.

શરૂઆતમાં, મા, બેન, ગુલાબો, બગીચાનો માલિક - એ બધાં જ સાંભર્યા હતાં પણ દિવસે દિવસે એ બધાં ઝાંખાં થઈ જતાં હતાં. એ લોકોને યાદ કરવા જેટલો સમય મળે તો ને ?

એ લોકો છૂપાઈ જતાં હતાં ને રાતે કમાન્ડર કહે એ રીતે ક્યાંય છાપો મારતાં હતાં.

કોઈ કશું જ જાણતું ન હોય. બસ, માત્ર કમાન્ડર જ.

લોહી રેડવું એ સાવ સહજ બની ગયું હતું. લોહીનો ફૂવારો થાય ને એ હસી પડે!

માર દો કુત્તો કો બગીચાવાલે કો - એવા નારાઓ થતાં, આવેશ જન્મે એવી વાતો થતી એ છાવણીમાં. રજળપાટો તો કાયમની હતી. આજે એક સ્થાન તો કાલે બીજું, જંગલોમાં સંતાકૂકડી રમ્યા કરવાનું હતુ. આમાં લાગણીઓ પ્રવેશવાનુ શક્ય જ નહોતુ.ં એ પૂરેપૂરો રંગાઈ ગયો એ માહોલમાં. મન અને પાંપણો રક્તના લાલ રંગથી જાણે અંજાઈ ગઈ હતી !

કેટલી વાર બંધૂક ચલાવી હતી એણે ? અને નિયમ હતો - એકેય ગોળી નિષ્ફળ ના જવી જોઈએ. શસ્ત્રો કેટલી મહેનત પછી મળતાં હતાં ?

રાતોની રાતો વૃક્ષોની આડશમાં ગુજારવી પડતી હતી. એને ગુલાબો દેખાતી અને એના પર ઝળુંબતો બગીચાનો માલિક, એ પછી એ ગમે તે કરી બેસતો !

કમાન્ડર એની પીઠ થાબડતો હતો, ‘શાબાશ, શેરકા બચ્ચા !’

બસ... એ એની કમાણી હતી, એનું સુખ હતું, જિંદગીની સાર્થકતા હતી. એ ધન્ય ધન્ય બની જતો હતો.

દિવસ પછી રાત, રાત પછી દિવસ પસાર થતાં થતાં સાથીઓ બદલાતાં હતાં, મરતાં હતાં, પકડાઈ જતાં હતાં પણ એ તો હતો જ, અડીખમ ! શા માટે આમ કરતો હતો, એ પ્રશ્ન જ ક્યાં ઊઠતો હતો ?

અને એક વાર કમાન્ડરે એને ખાસ કામ સોંપ્યું હતું. જોખમી હતું ને ? અમુક વિસ્તારની લશ્કરી છાવણીઓની તપાસ કરવાનું એમાં પકડાઈ જવાનો, ગોળીએ વિંધાઈ જવાનો ડર હતો.

એણે એ સ્વીકાર્યું હતું. કારણ હતું જ એને મૃત્યુનો ડર તો લગાર પણ નહોતો. દસ વરસના સંસ્કારે એને લાગણીહીન કરી મૂક્યો હતો. બસ, ગમે તે કરવું. ટોળી ખાતર.

નાયકે ખૂબ વખાણ કર્યા હતા. બસ, એક તૂ હી હૈ શેર હૈ, સચ્ચા શેર !

પણ એક બીજું કારણ પણ હતું. જે છાવણીની તપાસ કરવાની હતી, એ સંભવતઃ એના જ ગામમાં નખાઈ હતી.

હા, એને મા યાદ આવી હતી. શું કરતી હશે મા ? અને પુલોમા, ગુલાબો ! ભીતરના એક ખૂણામાં આર્દ્રતા જન્મી હતી. સાવ નવી જ અનુભતિ હતી. ગામ નજીક આવતું હતું તેમ તેમ એ ભાવવિભોર બનતો જતો હતો. પેલી - દસ વરસથી વળગેલી જડતા અળગી થતી જતી હતી.

બસ... હવે ગામના ઘરોના છાપરાઓ દેખાતાં હતાં. એ આત્મીય બનીને જોઈ રહ્યો, એ દૃશ્યને.

બે બગીચા વચ્ચેની ઢાળવાળી પગદંડી જ્યાંથી એ સાંજે ગુલાબો ભાગી હતી, એ હવે તો પાકી બની ગઈ હતી. એના પગલાંનો અવાજ સંભળાતો હતો.

ચાના બગીચાઓના આઉટ-હાઉસોમાં બત્તીઓ જલતી હતી, એ લોકોના પાળેલાં કૂતરાો ભસી રહ્યાં હતાં. ઉપરવાસ વરસાદ પડ્યો હશે એનું પાણી ઢાળ પરથી વહી રહ્યું હતું.

લાલ રંગના છાપરાઓ ચમકી રહ્યાં હતાં - સૂર્યના છેલ્લાં પ્રકાશમાં અને જોતજોતામાં ઉજાશ ઓગળવા લાગ્યો.

એના પગ ગામની ધરતીને સ્પર્શ્યા ત્યારે તો અંધકાર જામવા લાગ્યો હતો. છેવાડાના ઘરોમાં પ્રકાશ ટમટમતો હતો. બેચાર હાટોમાં તો ઝળાંઝળાં હતાં - પેટ્રોમેક્ષ - દીવાના.

કોઈ ઓળખાણવાળું મળશે ખરું ! પ્રશ્ન થયો. પરંતુ તરત જ જાગી જવાયું હતું - અરે, એ શા માટે આવ્યો હતો અહીં ? નાયકે એને કામ સોંપ્યું હતું એ પાર પાડવા સ્તો ! એણે મનને કાઠું કર્યું. ના, છતાં થવાનો કશો અર્થ નહોતો.

એ ત્વરાથી એ હાટો એ ઓળંગીને પાછલી શેરીમાં સરી ગયો. ત્યાં ધારણા મુજબ અંધકાર જ હતો - એ પારખી શકે એવો અંધકાર. એ એમાંથી માર્ગ જોઈ શકે એમ હતો.

અરે, કેટલીય વાર અહીંથી રાતે પસાર થયો હતો ? ક્યાંક ક્યાંક બત્તીઓ જલતી હતી. મકાનો હજી એના એ જ હતાં. કદાચ મરામત કરાવી પણ હોય, પણ એ તો દિવસના અજવાશમાં જ જામી શકાય એમ હતું. અને એ દિવસ થાય એ પહેલાં તો અહીંથી ચાલ્યો જવાનો હતો. મગજમાં બધું જ ગાડાવાટના ચીલા જેવું જ અંકાઈ ગયું હતું. નાયકનો ચહેરો અચાનક ઝબકી જતો હતો. ગામની, રસ્તાની વચોવચ.

ના, કોઈ પરિચિત ના મળ્યું. થોડાં લોકોની આવ-જા પણ થતી હતી પણ એકેય નહોતો ઓળખવાળો.

વચ્ચે એક મિત્રનું ઘર આવ્યું, ને પગ ધીમાં થયાં. બારીમાં એક સ્ત્રી ઊભી હતી. સાવ અજાણી લાગી. એના ઘરમાં તો એની મા સિવાય, કોઈ સ્ત્રી તો નહોતી જ. એ વિચારમાં પડ્યો.

પણ પછી તરત જ અક્કલ આવી ગઈ. શું એ પરણ્યો ન હોય ? એની પત્ની જ હશે કદાચ ! ગુલાબો જેવી ! ને ગુલાબો ઝબકી ગઈ.

શું કરતી હશે ગુલાબો ? તરત વિષય બદલાઈ ગયો. દસ વરસ પહેલાં જોયેલી ગુલાબો સજીવન થઈ ! એના વિચારમાં ને વિચારમાં રસ્તો કપાઈ ગયો. પરિચિત માર્ગ પર પગ આપોઆપ ચાલવા માંડે. છેક, ઘરની પછીતે પહોંચી જવાયું.

આ ઘર, એનું પોતાનું ઘર. હૂંફ મળે એવો ઓરડો, બંધ પરસાળ ને રસોડું. ભૂખરા રંગનું ઢળતું છાપરું, માળિયું જ્યાં બેસીને એ ભણવાની ચોપડીઓ વાંચતો હતો. નીચે બાપા સગડી કરીને તાપતા હોય. એ બાપા તો હવે નહોતા, પણ મા, પુલોમા ?

આગળના ઝાંપા પાસે તો ચાર-પાંચ વ્યક્તિઓ બેઠી જ હોય હંમેશાં. એ પછીતથી છાપરા પર ચડ્યો હતો. મહાવરો હતો - વરસો પહેલાંનો. એ ઘણી વાર પાછલા રસ્તે, છાપરા પરથી ઘરમાં જતો. સાવ સરળ હતું. છાપરામાં એક ગરકબારી હતી. સીધું માળિયામાં જ ઊતરી શકાય. ને પછી તો... કેટલું સરળ ?

મા એને ઓળખશે તો ખરી ને ? સાથોસાથ પ્રશ્ન થયો હતો. હવે એને જંગલ ક્યાં યાદ આવતું જ હતું ? પેલો નાયક પણ નહીં.

એ માળિયાાં ઊતર્યો, નીચે જોયું. ઓરડો ખાલીખમ હતો. હા, પ્રકાશનો એક લિસોટો રસોડામાંથી ખંડની ભીંત પર પડતો હતો, જ્યાં એના મૃત બાપાની તસવીર ટિંગાતી હતી.

એ તો ઓળખે જ ને ? હળવેથી નીચે આવ્યો ને તરત જ સાદ પડ્યો ઓરડામાંથી, કોણ છે ?

આ કાંઈ માનો અવાજ નહોતો. તો પછી પુલોમા...?

તરત જ રસોડામાંથી એક સ્ત્રી અંદર આવી - ચીમની સાથે. એ પણ ઉંબર ભણી આગળ વધ્યો. બેયની નજરો મળી.

‘ગુલાબો...!’ એ બોલી ઊઠ્યો હા, એ ગુલાબો હતી જેના ભરેલાં ગાલો હવે બેસી ગયાં હતાં. ચહેરો થોડો કરમાયો હતો પણ એ હતી તો ગુલાબો જ, એ જ ગુલાબો જે એના ચિત્તમાં હતી.

‘વાહ ! તું આવ્યો !’ ગુલાબો નખશિખ ખીલી ઊઠી હતી.

અને પછી એને વળગી, રડી પડી હતી - દસ દસ વરસનું સામટું. એણે કોમળ હાથે પંપાળી, માથા પર, વાંસામાં. એના મેલાં વસ્ત્રો ભીનાં થઈ ગયાં. એની આંખોય ભીની થઈ - પહેલી જ વાર. કશુંક પીગળવા લાગ્યું ભીતર.

આ તો મોટી સ્ત્રી બની ગઈ. દસ વરસમાં વિચારી રહ્યો કે એનામાંય ફેરફાર તો થાય જ ને !

આખાં, દસ વરસ ગુલાબોના આંસુઓમાં ટપકતાં હતાં. શું નહોતું વીત્યું ? બગીચામાં કાયાને ચીંથરે વિંટતી ઘરે આવી તો કાકીએ જાકારો આપ્યો. અંતે પુલોમા પાસે આવી. માએ પુલોમાના વસ્ત્રો આપ્યા પહેરવા. હકીકતો જાણી માએ પુત્ર વિશે.

ઓહ ! આમ થયું ? ક્યાં છે એ ?

માલિકને છૂરી મારી ? આઘાત લાગ્યો વૃદ્ધાને. ના એ અત્યારે મર્યો નહોતો, બહુ વરસ પછી મર્યો.

પત્નીએ કલ્પાંત કર્યું હતું. ઓહ ! આ પુરુષે - પુત્રી જેવી ગુલાબો પર...?

અમોલાદીદીએ જ ગુલાબોને સાચવી, સંભાળી. પુલોમાના લગ્ન પણ કરી દીધાં. અને એની માની અંત્યેષ્ટિ પણ બગીચાનો વહીવટ એ જ સંભાળતાં હતાં.

લોકો ગુણો ગાતાં હતાં એ સ્ત્રીના.

એ રાતે ગુલાબોએ હળવે હળવે એ બધી જ વાતો એને કહી.

‘પુલોમા સાસરે છે. તારા જેવો જ વર મળ્યો છે એને. એક છોકરી આવી પણ ઝાઝું ન જીવી. હજી પણ આવે છે અમોલાદીદીને મળવા.’ તે બોલતી હતી ને એ સાંભળતો હતો.

એની ભીની આંખોમાં ચીમનીનો પ્રકાશ થરથરતો હતો. ગુલાબો ઓગાળતી હતી, જાતને, શબ્દોથી.

‘મા તને જોવા આમતેમ દૃષ્ટિ ફેરવાતં હતાં - મૃત્યુ સમયે પણ તને ક્યાંથી કાઢવો ? હું એમની પાસે જ હતી, ઠેઠ સુધી !’

ગુલાબો જાણતી જ હતી, જંગલોમાં ફરતી ટોળીઓ વિશે. એ લોકો બગીચાવાળાઓને, ધનિકોને દુશ્મનો ગણતાં, એમના પર છાપા મારતાં, બગીચાઓ ઉજ્જડ કરતાં, મકાનોને આગ લગાડતાં.

એની ભેટમાં પણ એક પિસ્તોલ હતી જ. ખ્યાલ આવી ગયો એ સવાર સુધીનો જ મહેમાન હતો !

ભીતર કેટલું ખળભળી ? પીડાય અનુભવી, પાર વિનાની.

ને એય વિચારતો હતો. વિચાર તો આવે જ ને ? ગુલાબોના કપાળ પર બિંદી નહોતી, સેંથીમાંય વેરાન હતું. પરણી શકી હોત પુલોમાની માફક. એ એની જ પ્રતીક્ષા કરતી હશે ને ?

આ તો અકસ્માત જ હતો. એ આવ્યો એ. તો શું ગુલાબો જિંદગીભર આમ જ રહેત ?

પરિતાપ અસહ્ય થઈ પડ્યો. ભીતર ઘમાસાણ યુદ્ધ ચાલ્યું. અમોલાદીદીએ તો અપકાર પર ઉપકાર કર્યો. પુલોમાનું લગ્ન, માની અંત્યેષ્ઠિ, ગુલાબોની સંભાળ...!

અને એ લોકો તો બગીચાવાળાઓ વિરુદ્ધ નારાં લગાડતાં હતાં. ગલીચ ગાળો દેતાં હતાં. ખરેખર તો... એ લોકો ખરાબ નહોતાં. હા, કોઈ કોઈ જરૂર...

એમ તો ટોળીના સાથીઓ પણ ક્યા, બધાય સારાં હતાં ? અરે, કેટલાંક તો કેવાં હીન કામો કરતાં હતાં અને બડાઈ પમ મારતાં હતાં.

પણ એ તો નર્યા ઘેનમાં હતો, એ લોકોના એ ભાષણોના.

અંતે પરોઢ થયું, એ પહાડી ગામનું. ચેતનાનો સંચાર થયો.

એ ઊભો થયો. કાયમની ટેવ મુજબ જ ફળીમાં આવ્યો. સ્નાન કર્યું.

ગુલાબોએ આપેલી જૂની લુંગી પહેરી.

ગુલાબોએ હિંમત કરી. તેણે નિર્ણય કરી જ લીધો હતો. તે કોરા કંકુની કંકાવટી લાવી.

‘અહીં આવ તો...’ તે મૃદુતાથી બોલી. તે નવાં વસ્ત્રોમાં હતી. એ ગયો, સહજતાથી. કશો ખ્યાલ પણ નહોતો કે શું બનવાનું હતું ત્યાં.

‘લે... મારી સેંથીમાં કંકુ પૂર. મારે કુંવારા મરી જાવું નથી. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવા મુક્ત છે.’ ગુલાબો બોલી. એના ચહેરા પર અપાર પ્રસન્નતા હતી.

એણે કંકુ લીધું અને એના નતમસ્તકની સેંથી પર પૂર્યું સાવ હળવે હાથે.

ગુલાબોએ નીચા નમીને એની ચરણરજ લીધી.

‘પુલોમાનું ગામ કેટલે દૂર છે ?’ એણે પૂછ્યું ગુલાબોને.

ગુલાબો એક યુદ્ધ જીતી ચૂકી હતી, લાગણીનું !

(કુમાર)