અજાંમ—૧૩
( આગળ આપણે જોયુઃ ઇન્સ. વિક્રમ ગેહલોત ભારે જહેમતથી રઘુને ગીરફતાર કરે છે. એ અથડામણમાં તે બન્ને બહુ ખરાબ રીતે ઘાયલ થાય છે. ગેહલોત રઘુને લઇને પોલીસ સ્ટેશન જવા નીકળે છે....હવે આગળ વાંચો.....)
માઉન્ટ આબુ પર રાત ઢળી ત્યારથી ખતરનાક ઘટનાઓનો સિલસિલો આરંભાયો હતો. કોન્સટેબલ ભવાની પુરોહીતે માધોસીંહને સુંદરવન હવેલીની પાછળ આવેલી પરથી ગીરફ્તાર કર્યો. એ ઘટનામાં તે અને માધોસીંહ બંને બુરી ઘાયલ થયા હતા. જો કોન્સ્ટેબલ જાનું પુરોહીત સાથે ન હોત તો માધોસીંહ ત્યાંથી ભાગવામાં જરૂર સફળ થયો હોત... પરંતુ તે પકડાયો અને તેને જીપમાં બેસાડીને બાંઘવામાં આવ્યો હતો. એવુ જ કંઇક ગેહલોત અને રઘુ વચ્ચે ઘમાસાણ મચ્યુ હતુ. એ લડાઇમાં તે બંને જખ્મી થયા હતા. આખરે રઘુ ગેહલોતની ગીરફ્તમાં આવ્યો અને અત્યારે ગેહલોત તેને લઇને નખીલેક પોલીસ થાણે આવવા રવાના થયો હતો. તે મહા-મુસીબતે જીપ ચલાવી રહ્યો હતો. ગનીમત એ હતુ કે જે પગમાં રઘુએ ચાકુ માર્યુ હતુ એ ડાબા પગ બાજુ જીપનો ક્લચ આવતો હતો એટલે એ પગને તેણે વારે-વારે હલાવવો પડતો નહોતો. એમ સમજોને કે તે અત્યારે માત્ર બ્રેક લીવરથી જ આબુના ભયાનક વળાંકોમાં જીપ ચલાવી રહ્યો હતો. ચાલતી જીપે જ તેણે ફોન કાઢ્યો અને પુરોહીતને લગાવ્યો....
“ પુરોહીત... ત્યાંની શું પોઝીશન છે...?” ફોન લાગતા જ તેણે પુછ્યુ.
“ સર... માઘોસીંહ પકડાયો છે અને તેના સીવાય બીજુ કોઇ અહી આવ્યુ હોય તો તેની તપાસ ચાલુ છે....” પુરાહીતે કહ્યુ.
“ એની જરૂર નથી પુરોહીત... ત્યાં બીજુ કોઇ નહી હોય. તુ માધોસીંહને લઇને થાણે પહોંચ. હું પણ થોડીવારમાં જ પહોંચુ છું....”
“ જી સાહેબ... સુંદરવન હવેલીએ કોઇને પહેરા માંટે મુકવો છે...?”
“ નહી... આપણે એ કાલે કરીશુ. રઘુ મારી સાથે છે. રઘુ અને માઘોસીંહ આ બે જ આપણને ઘણુ બધુ જણાવશે. તું પહોંચ... આજે રાત્રે જ આ કેસનો ઉકેલ આપીશું...”
“ ઓ.કે. સાહેબ... હુ નીકળુ છુ...”
ગેહલોતે ફોન મુક્યો અને રઘુ સામે જોયુ. તેને ખ્યાલ હતો કે રઘુએ ફોન પર થતી વાતચીત સાંભળી છે અને તેને સમજાયુ હશે કે માધોસીંહ પણ ગીરફ્તાર થઇ ચુક્યો છે.
“ તારો ખેલ ખતમ રઘુ...” ગેહલોતે કહ્યુ. રઘુ કંઇ બોલ્યો નહી. ખામોશ નજરએ તે જીપની હેડલાઇટમાં કપાતા રસ્તાને જોઇ રહ્યો. ગેહલોતની વાત સાંભળી તેના ચહેરા પર હળવુ હાસ્ય આવ્યુ હતુ. ગેહલોતે એ જોયુ અને તેના મનમાં રઘુના એ ઉપહાસ ભર્યા સ્મિતથી ઝાળ લાગી. તે ઉકળી ઉઠ્યો.
“ તારા ચહેરા પરનું આ હાસ્ય હું લોક-અપ રૂમમાં જોવાનુ પસંદ કરીશ રઘુ...”
“ તું ફીફા ખાંડે છે ગેહલોત... તારા હાથમાં કંઇ જ નહિ આવે.” આખરે રઘુ બોલ્યો.
“એ તો સમય જ કહેશે. ચાર-ચાર ખુન કર્યા છે તમે. તમારો ભગવાન પણ તમને બચાવી નહી શકે...”
“ એ તો જોયુ જશે... સૌથી પહેલા તો તારે મને હોસ્પિટલમાં દાખલ કરવો પડશે... અને તું સારી રીતે જાણે છે ગેહલોત કે એકવાર હું દવાખાનામાં એડમીટ થયો પછી શું થશે... કાલે સવારે મારો વકીલ અમારા બંનેની જમાનત લઇને હાજર હશે . અને...”
“ હા...હા..હા...હા...” અચાનક ગેહલોતે રઘુની વાત કાપીને મોટેથી હસી પડ્યો.
“ તું મને એટલો કાચો ખેલાડી ગણે છે. તારી પહોંચ ઘણી લાંબી છે... પણ, રઘુ... આ વખતે તું ખોટા હાથમાં આવ્યો છે. હા...હા...હા...હા...” ગેહલોત ફરીથી હસ્યો.
“ હું તને દવાખાને લઇ જઇશ તો તું કંઇક કરીશને...?” તેણે કહ્યુ. ગેહલોતની વાત સાંભળી રઘુનો ચહેરો તરડાયો તે પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો પરંતુ ગેહલોતની વાતોમાં તેને કોઇ ષડયંત્રની ગંધ આવતી હતી.
“ તું એવુ ન કરી શકે ગેહલોત... કાયદા મુજબ તારે મને સૌથી પહેલા હોસ્પિટલ ભેગો કરી મારી સારવાર કરાવવી પડે અને ત્યારબાદ જ તું મારી પુછપરછ કરી શકે...”
“ હા... હા... હા... તુ મને કાયદો શીખવે છે રઘુ....? એક ગુનેગાર એક ફરજપરસ્ત પોલીસવાળાને કાયદાના પાઠ ભણાવે છે... વાહ...વાહ... માન ગયે રઘુ...” ગેહલોતને ખરેખર આનંદ આવી રહ્યો હતો. “કાયદો કાયદાનું કામ કરશેજ... પણ મારી મનસુફી પ્રમાણે સમજ્યો...” તેણે કહ્યુ અને સાવ અચાનક જ એક વળાંક આગળ તેણે જીપ અટકાવી. લંગડાતા પગે તે નીચે ઉતર્યો અને ઝડપથી ચાલતો રઘુ પાસે આવ્યો. રઘુને સમજાયુ નહી કે અચાનક ગેહલોતને શું થયુ. તેણે જીપ કેમ ઉભી રાખી...?
રઘુ પાસે આવીને ગેહલોતે રઘુના પેન્ટના ખિસ્સા તપાસ્યા. અચાનક તેની આંખોમાં ચમક ઉભરી. થોડીવારમાં રઘુને પણ લાઇટ થઇ કે ગેહલોત શું કરવા માંગતો હતો. રઘુ કોઇ હરકત કરે એ પહેલા તેનો મોબાઇલ ગેહલાતના હાથમાં રમતો હતો. રઘુએ ભારે નિરાશાથી માથુ ધુણાવ્યુ. આ વાત તેને પહેલા સમજાવી જોઇતી હતી પણ હવે મોડુ થઇ ચુક્યુ હતુ. ગેહલોતે રઘુનો મોબાઇલ પોતાની પેન્ટના ખિસ્સામાં સરકાવ્યો, જીપની ડ્રાઇવીંગ સીટ પર ગોઠવાયો અને જીપને નખીલેક બજાર તરફ મારી મુકી.
**************************
કોન્સ્ટેબલ જીવન અને તેની સાથેના માણસો આભા બનીને નીચે જમીન ઉપર પથરાયેલો સામાન જોઇ રહ્યા. ઇન્સ.ગેહલોતે તેમને રઘુના ગોડાઉનની જડતી લેવાનુ કામ સોંપ્યુ હતુ અને લગભગ અડધા-એક કલાકથી તેઓ આ ભંગારનુંમાં ગોડાઉનને ઉપર-નીચે કરી રહ્યા હતા. ગોડાઉન લગભગ વીસ ફુટ પહોળુ અને સો-એક ફુટ લાંબુ હતુ. તેમાં એક કબાડીની દુકાનમાં હોય એવો તરેહ-તરેહના સામાનનો ગંજ ખડકાયેલો પડયો હતો. એ સામાનની તલાશવામાં અચાનક તેમના હાથમાં એક ખૂણામાં ટૂટેલા લાકડાના ઢેર નીચે વ્યવસ્થિત મુકેલા આઠ થી દશ કોથળા આવ્યા હતા. એક કોન્સ્ટેબલને એ કોથળા જોતા શંકા ઉદભવી. તેણે જીવનને કહયુ અને થોડીવારમાં એ કોથળાને બહાર કાઢી દુકાનની વચ્ચો-વચ ખાલી કરવામાં આવ્યા. બધા જ કાથળામાં ગાંજાના થોકબંધ પેકેટો ભરેલા હતા. આટલો બધો ગાંજો એકસાથે જોતા કોન્સ્ટેબલ જીવન હેરત પામી ગયો અને તેણે જડપથી ઇન્સ. ગેહલોત ને ફોન લગાડયો. એ ગાંજો આખા રાજસ્થાન અને ગુજરાતને નશામાં ડોલાવે એટલી માત્રામાં હતો.
******************
“ નહી પુરોહીત....આ મામલો આપણે સમજીએ છીએ એટલો સરળ નથી. કશુંક તો છે જે હજુ મને ખટકે છે. કંઇક ખુટતું લાગે છે આખા ચિત્રમાં....” ગેહલોતે તેની સામે ઉભેલા પુરોહીતને સંબોધતા કહયુ.
તેઓ હજુ થોડીવાર પહેલાજ પોલીસ ચોકીમાં આવ્યા હતા. પુરોહીત માધોસીહને અને ગેહલોત રઘુને પકડી લાવ્યા હતા....તે બન્નેને ઘાયલ અવસ્થામાં જ કોટડીમાં પુરવામાં આવ્યા હતા.
ઢળતી રાતનો એક વાગ્યો હતો. માઉન્ટ આબુ કાતીલ ઠંડીમાં ઠુંઠવાઇને શાંત પડયુ હતુ. સમગ્ર આબુમાં અત્યારે ફક્ત એક નખી તળાવનું પોલીસ થાણુ જ જાગતુ હતુ. ગેહલોતે રઘુ અને માધોસીહની પુછપરછ કરવાનુ હાલ પુરતુ મોકુફ રાખ્યુ હતુ અને તમામ કોન્સ્ટેબલોને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે આખી રાત દરમ્યાન કોઇએ પણ એ કોટડી નજીક ફરકવુ પણ નહી. રઘુ અને માધોસીહ ભલે ગમે તેટલા બુમ બરાડા પાડે કે આજીજીઓ કરે તો પણ તેમની વાત સાંભળવી નહી. આખી રાત તેમને ઘાયલ અવસ્થામાં જ ઠંડીમાં ઠુંઠવાવા દેવા. ગેહલોતની આ એક સાયકોલોજીકલ ચાલ હતી. તે જાણતો હતો કે આવુ કરવાથી તે બન્ને ધુંધવાઇ ઉઠશે.....બુમ-બરાડા પાડશે.....ગાળો બોલશે....અને આખરે હતાશ થઇને આજીજીઓ કરશે.... તે બન્ને સખત રીતે ધાયલ થયા હતા. ઉપરાંત જેમ-જેમ રાત વધતી જાશે તેમ-તેમ ઠંડી ભયાનક રીતે વધતી જશે. શરીરનુ દર્દ અને ઠંડીના પ્રકોપના કારણે તેઓ માનસીક રીતે ભાંગી પડશે ત્યારે તેઓ સવાલ ના જવાબ આસાનીથી આપશે..... જે કામ થર્ડ ડીગ્રી ટોર્ચરથી શક્ય બનવાનું નહોતુ એ કામ ગેહલોત તેમને હાથ લગાવ્યા વગર પાર પાડવા માંગતો હતો. અને તેને પુરી ખાતરી હતી કે તે સફળ નીવડશે.
ગેહલોત ખુરશીમાં ગોઠવાયો અને ભવાની પુરોહીતને સંબોધતા બોલ્યો...
“ તને શું લાગે છે પુરોહીત...? આ બન્ને તુટશે....?”
“ જરુર તુટશે સાહેબ....હવે બાકી શું રહ્યુ...? કત્લમાં મુખ્ય શકમંદ તે બન્ને છે અને તે આપણી ગીરફ્તમાં છે. ઉપરાંત રઘુના ગોડાઉનમાંથી એક મીની ટ્રક ભરાય એટલો ગાંજો મળ્યો છે એટલે તેમના ઉપર કેસ બરાબર ફીટ કરી શકાય. હવે આપણે કેસ ફાઇલ કરીએ તેટલી વાર છે...હવે આમાં શું ઘટે....?”
“ મોટીવ.......પુરોહીત મોટીવ ઘટે.....એવુ તો શું છે જેના કારણે એ જવાનડાઓના ખુન થયા. અને તું જો પુરોહીત.....કે હજુ સુધી માધોસીહ કે રઘુએ એ લોકોના નામ પણ લીધા નથી. આ આશ્ચર્યની બાબત નથી...? ખરેખર તો આપણે તે બન્નેને એ ખુન સબબ ગીરફતાર કર્યા છે પરંતુ એ બન્નેએ હજુ મગ નુ નામ મરી પાડતા નથી. આ જ બાબત મને ખટકે છે પુરોહીત.....સામાન્ય રીતે જ્યારે કોઇપણ અપરાધી પકડાય ત્યારે સૌથી પહેલા તે પોલીસ સમક્ષ કરગરવા માંડે છે કે માઇબાપ આ અપરાધ મેં નથી કર્યો. જ્યારે અહી એવુ કંઇજ નથી થયુ.....કેમ....? આ પ્રશ્નનો જવાબ મળતો નથી. “
“ બની શકે કે તે બન્નેએ પોતાના બચવાનો માર્ગ તૈયાર રાખ્યો હોય....તેમને વિશ્વાસ હોય કે તે બચી નીકળશે. “
“ કેવી રીતે.....? “
“ જુઓ સાહેબ....હવેલીમાં ખુન થયા. આપણને ત્યાં આ બન્ને વિરુદ્ધ એક પણ સબુત મળ્યો નથી. કદાચ તેઓ પણ આ બાબત સારી રીતે સમજ્યા હશે. આપણે તો તેમને ફક્ત તેઓના કોલ ડીટેલના આધારે જ પકડયા છે. હવે જો તેઓ આપણી સમક્ષ કરગરે તો સ્વાભાવિક પણે આપણને પાક્કી ખાતરી થઇ જાય કે એ ખૂનમાં તેઓ ઇન્વોલ્વ છે. આ કારણે જ કદાચ તે ચૂપ હોય શકે....અને ગાંજાના કેસમાં તો તેઓ પોતાની ઓળખાણ લગાવી જલદી છુટી શકે છે. તમે જાણો જ છો કે આ રઘુ કેટલી પહોંચેલી માયા છે...”
“ હંમમ્.......” ગેહલોતે હુંકાર ભણ્યો. તે ભારે ગડમથલ અનુભવી રહયો હતો.
“ સુંદરવન હવેલીમાં રઘુ કે માધોસીહ વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી....એવુ કેમ બન્યુ....? કેમ બને....? તું જરા વિચાર પુરોહીત. જ્યાં ચાર-ચાર ખૂન થયા હોય ત્યાં એ અપરાધી કંઇક તો ભુલ કરે જ....કોઇક તો સબુત મુકતો જાય. ગમે તેટલી તકેદારી રાખવા છતા કંઇક તો છુટી જ જાય. પરંતુ એવુ નથી થયુ. સુંદરવનમાંથી આપણને મળ્યુ શું.....? વીજય નામનો એક છોકરો....અને એ પણ અર્ધ-પાગલ અવસ્થામાં. હવે ખૂન કાં તો રઘુ અને માધોસીહે કર્યા છે અથવા તો આ વીજયે....”
“ સાહેબ....એ છોકરાનું પણ જબરુ છે હોં....જુઓને ઘડીકમાં રડે છે, ઘડીકમાં બેહોશ થઇ જાય છે. તેનુ નામ તેને યાદ છે પરંતુ તેના મિત્રો સાથે શું થયુ એ તેને યાદ નથી. આ થોડુ અજુગતુ નથી લાગતુ તમને...?” પુરોહીતે કહયુ.
“ સાલુ.....મારુ તો માથું ધમધમે છે અત્યારે. તું એક કામ કર.....મસ્ત ચા ની વ્યવસ્થા કરાવ. ચા પીવાની જબરદસ્ત ઇચ્છા થઇ છે. અને હાં....ડો. શેઠને જગાડી લાવ. મારા પગની મરંમ્મત કરવી પડશે નહીતર સવાર થતા સુધીમાં હું ખુદ બેહોશ થઇ જઇશ. “
“ હો સાહેબ.....” પુરોહીતે પહેલા ડો. શેઠના ઘરે ફોન ઘુમાવ્યો અને તેમને પોલીસ સ્ટેશને તેમના સર-સામાન સાથે આવવા જણાવ્યુ. પછી તે પોલીસ ચોકીની બહાર નીકળ્યો. ત્યાં નજીકમાં જ રહેતા ચા ની કીટલીવાળાને જગાડયો અને તેને એકદમ કડક ચા બનાવવાનું કહ્યું. ચા વાળાએ ઉંઘરેટી આંખે જ પ્રાયમસ ધમધમાવ્યો હતો.
****************************
“ મોન્ટી આઇ એમ સોરી યાર... તું મને એક વખત માફ ન કરી શકે...?” રીતુએ કરગરતા અવાજે કહયુ.
“ તારી ભુલ માફીને લાયક નથી રીતુ. અને તું જે કહે છે એ સત્ય જ છે એની શું ખાતરી...? તારા કારણે મેં મારા જીગરજાન દોસ્તો ગુમાવ્યા છે. કેવા અનુપમ મિત્રો હતા. અમે દોસ્તી ખાતર તો એકબીજા પર જાન પણ કુર્બાન કરી નાખતા હતા. પરંતુ તે તો દોસ્તીમાં જાન લઇ લીધા... આઇ હેટ યુ રીતુ... આઇ હેટ યુ. મારી મજબુરી છે કે હું તારા જેવો બની શકતો નથી નહિતર મેં તને કયારની મારી નાંખી હોત...” મોન્ટીએ ચિલ્લાઇને કહયુ. તેનું મગજ ફાટતુ હતુ. રીતુના નામ માત્રથી તેને નફરત થતી હતી. સખત ભુખ અને તરસે તેને બેબાકળો બનાવી દીધો હતો અને તેમાં પણ રીતુની કેફીયત સાંભળીને તેના રૂંએ-રૂંએ આગ સળગી હતી.
“ કાશ, મારો ફોન મારી પાસે હોત તો આ વાત હું બધાને જણાવી દેત... કે જુઓ એક વ્યકિત કેટલી હદ સુધી અધમતા આચરી શકે છે...”
“ તારો ફોન મારી પાસે હતો મોન્ટી...” રીતુએ ધડાકો કર્યો.
“ વોટ...? તું શું બોલી હમણા...?” મોન્ટીને જાણે તેના કાન ઉપર વિશ્વાસ આવ્યો નહી.
“ હાં મોન્ટી, તે દિવસે રાત સુધી તારો ફોન મારી પાસે હતો.”
“ ક્યાં છે એ ફોન...? લાવ મને આપ.”
“ તે બરાબર સાંભળ્યુ નહી મોન્ટી, મેં “હતો” કહયુ. અત્યારે નથી.”
“ તો કોની પાસે છે મારો ફોન...? યુ બીચ. તું જણાવતી કેમ નથી... ઓહ ગોડ... હવે મને સમજાય છે કે તે મારા ફોનનો શું ઉપયોગ કર્યો હશે...” મોન્ટીને ખરેખર આઘાત લાગ્યો.
“ મને ખબર નથી કે અત્યારે તારો ફોન કોની પાસે હશે. પરંતુ જે દિવસે કોલેજમાં રજા લઇને હું મારા ગામ આવી હતી તે દિવસે સાંજે તારો ફોન મારી પાસે આવ્યો હતો અને છેક અમે સુરતથી નીકળી આબુ તારી હવેલીએ પહોંચ્યા ત્યાં સુધી ફોન મારી પાસે જ રહયો હતો. પછી એ રાતે શું થયુ અને એ ફોન કોણ લઇ ગયુ એ હું જાણતી નથી...” રીતુએ કહયુ.
“ ઓહ, તો એ ફોનથી જ તે બધાને આબુ બોલાવ્યા હતા એમને...?”
“ હાં...”
“ શાબાશ... માની ગયો તારા શેતાની દિમાગને. શું ચાલ ચાલી છે તેં... હું અહી બેહોશ પડયો હતો અને તું મારા મિત્રો સાથે ખુની ખેલ રમી રહી હતી.” મોન્ટુએ ઉપહાસભર્યા અવાજે કહયુ.
એ ભંડાકીયા જેવા બંધ કમરામાં ભારે દુર્ગંધ ફેલાયેલી હતી. ઘોર અંધકાર અને અવવારૂ પડેલી જગ્યામાંથી ઉઠતી દુર્ગંધના કારણે રીતુ અને મોન્ટીથી શ્વાસ પણ લેવાતો નહોતો તેમ છતાં તે બંને વાતો કરી રહયા હતા. મોન્ટી જેવી જ હાલત રીતુની હતી. ખબર નહી તેઓ કેટલા સમયથી અહી બંધ હતા. આ સમય દરમ્યાન કોઇ જ હલચલ થઇ નહોતી. કોઇ ત્યાં આવ્યુ નહોતુ. જાણે તેમને આ કમરામાં પુરીને ભુલી જવામાં આવ્યા હતા.
“ મેં તને હું જે જાણતી હતી એ બધુ કહી દીધુ મોન્ટી. હું મારી ભુલ સ્વીકારુ છું.”
“ આ ભુલ નહી, ક્રાઇમ કહેવાય રીતુ. એ ક્રાઇમની સજા વહેલી-મોડી તારે ભોગવવી જ પડશે.”
“ હું ગમે તે સજા ભોગવવા તૈયાર છુ મોન્ટી. પણ એ માટે આપણે અહીથી જીવતા બહાર નીકળવુ જરૂરી છે. બહાર નીકળી પોલીસ સમક્ષ હું બધુ જ કબુલી લઇશ...” રીતુએ દ્રઢતાથી કહયુ. “ પ્લીઝ... ડુ સમથીંગ અને અહીથી બહાર નીકળવાનો રસ્તો કાઢ.”
મોન્ટીને પણ રીતુની વાત સમજાતી હતી. અહીથી બહાર નીકળ્યા વગર તે કશું કરી શકે તેમ નહોતો. તે ફરી કામે વળગ્યો. કમરાની ઇંચે-ઇંચ જગ્યા તેણે ખંખોળવાનું શરૂ કર્યુ. ધુળીયા ફર્શ અને દિવાલોને હાથ ફેરવી-ફેરવીને તેણે તપાસી. રીતુએ પણ તેમાં સાથ પુરાવ્યો હતો. થોડી જ વારમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે કમરાની દિવાલોમાં દરવાજો કે બારીની વાત તો દુર રહી નાનકડી એવી તિરાડ પણ નહોતી. ઘોર નીરાશા તેઓને ઘેરી વળી.
થાકી હારીને મોન્ટી ફર્શ પર બેસી પડયો. રીતુ તેની પાસે જઇને બેઠી. તે બંનેની છાતીના ઘબકારા એ સુમસાન ખામોશ વાતાવરણમાં પડઘાઇ રહયા હતા. કોઇ આવે અને તેમને બહાર કાઢે એ ઇંન્તજાર કરવા સીવાય તેઓ કશું કરી શકે તેમ નહોતા.
**************************
સવારે આબુનું તાપમાન ૧ ડીગ્રી હતુ. સમગ્ર આબુ ઠંડીમાં ઠુંઠવાઇ ગયુ હતુ. પહાડો ઉપર ઝાકળના વાદળો ઉતરી આવ્યા હતા અને હળવી બુંદા-બુંદી ચાલુ થઇ હતી. કાતીલ ઠંડી અને ઉપરથી વરસતા હળવા વરસાદે માઉન્ટ આબુને થીજાવી દીધુ હતુ. બજારો હજુ ખુલી નહોતી. જે થોડી ઘણી ચહલ-પહલ વર્તાતી હતી એ અહીના સ્થાનીક રહેવાસીઓની દીનચર્યાને લીધે હતી. આબુ સહેલગાહે આવેલા સહેલાણીઓએ હોટલની રૂમોમાં જ ભરાઇ રહેવાનુ મુનાસીબ માન્યુ હતુ. શૂન્ય ડીગ્રીએ પહોંચવા આવેલા તાપમાનને કારણે નખીલેકનું પાણી પણ થીજવા માંડયુ હતુ. સખત ઠંડીએ આબુને જાણે બાનમાં લીધુ હતુ.
ઇન્સ.ગેહલોત હજુ પોલીસચોકીમાં જ હતો. રાતભર ઉજાગરો કરીને તે આ કેસ વીશે જ વીચારતો રહયો હતો. પોતાના ઉપરી સાહેબ આખી રાત હાજર રહયા હતા એટલે ચોકીના કોન્સ્ટેબલોએ પણ ફરજીયાત ખડેપગે હાજર રહેવુ પડયુ હતુ... અત્યારે વહેલી સવારના સાત વાગ્યા હતા. પોલીસચોકીના કોર્નર ઉપરના ચાની કીટલીવાળાએ પણ રાતભર ઉજાગરો કરીને સાહેબને ચા પીવડાવ્યે રાખી હતી. બે દિવસથી સતત એકધારી ચાલતી દડ-મજલથી લગભગ તમામ વ્યકિતઓ હવે થાકી હતી... એક માત્ર ગેહલોત જ થોડો સ્વસ્થ હતો. તેની ઉપર આ કેસને સોલ્વ કરવાની જવાબદારી હતી. આ કંઇ નાનો-સુનો કેસ નહોતો... તેની ઉપર સતત દબાણ વધી રહયુ હતુ. તેના ઉપરી સાહેબ મીનીટે-મીનીટનો હિસાબ માંગી રહયા હતા. ગેહલોત કોઇ ચૂક કરવા માંગતો નહોતો એટલે જ તે ભારે જહેમત ઉઠાવી રહયો હતો અને ઓલમોસ્ટ તેમાં તે સફળ રહયો હતો. રઘુ અને માધોસીંહ તેની ગીરફ્તમાં આવી ચુક્યા હતા. રઘુના ગોડાઉનમાંથી ભારે માત્રામાં ગાંજાનો જથ્થો હાથ લાગ્યો હતો... જેના કારણે તે એવુ માનવા પ્રેરાયો હતો કે જરૂર આ ખુનો રઘુ અને માધોસીંહે જ કર્યા છે. રાતભર વિચારીને તે આ તારણ પર આવ્યો હતો. તેના મનમાં કંઇક ખટક્તુ જરૂર હતુ પરંતુ આખરે કંટાળીને તેણે સ્વીકારી લીધુ કે આ ખુનો તેમણે જ કર્યા છે... જો કે ગેહલોતે એવુ માનવુ જોઇતુ નહોતુ.
“ પુરોહીત તું અને અબ્દુલ ચાલો મારી સાથે...” આખરે ગેહલોતે ખુરશી પરથી ઉભા થઇ લોક-અપ તરફ ચાલતા કહયુ.પુરોહીત અને અબ્દુલ તેની જગ્યાએથી ઉભા થયા અને હાથમાં ડંડો લઇને સાહેબની પાછળ ચાલ્યા. લોક-અપ રૂમમાં શું કરવાનું છે એ તે બંને સારી રીતે જાણતા હતા. લોક-અપ રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો એટલે ગેહલોત અંદર પ્રવેશ્યો.
કોટડીના એક ખુણામાં રઘુ ટુંટયુવાળીને પડયો હતો અને બીજા ખુણામાં માધોસીંહ. તેઓની હાલત બુરી હતી. માધો અને રઘુ બંનેની કરોડરજ્જુમાં સખત માર વાગ્યો હતો એટલે તેઓ સરખી રીતે બેસી પણ શકતા નહોતા. ભયંકર ઠંડીના કારણે બંનેના શરીર અકડાઇ ગયા હતા.ઘાયલ અવસ્થામાં લોક-અપની ઠંડી ફર્શ પર એક જોડી કપડામાં તેઓએ આખી રાત વીતાવી હતી. તેમણે ડોકટરની માંગ કરી હતી, ઓઢવાનું પણ માંગ્યુ હતુ પરંતુ ચોકીમાં જાણે બધા બહેરા માણસો ભેગા થયા હોય એમ તેમની એકપણ વાત કોઇએ સાંભળી નહોતી. માધોને તો તાવ ચડયો હતો અને તેનુ શરીર ધખવા માંડયુ હતુ.રઘુની હાલત પણ ખસ્તા થઇ હતી. તે બંનેને એક વાત તા સમજાઇ ગઇ હતી કે તેઓ જે જાણે છે એ તમામ હકીકત ગેહલોતને જણાવ્યા વગર તેમનો છુટકો નથી. કારણ કે ગેહલોત આસાનીથી તેમને છોડશે નહી એ નક્કી હતુ. રઘુએ પણ ગેહલોત આગળ ઘુંટણ ટેકવ્યા હતા. વગર થર્ડ ડીગ્રીએ તેમને તેના વડવાઓ યાદ આવવા લાગ્યા હતા.
ગેહલોતે ખુણામાં ભરાઇને બેઠેલા રઘુ અને માધો તરફ નજર નાંખી...
આ બંનેને અહી વચ્ચે લઇ આવો... અને એક ખુરશી પણ લાવો...” તેણે હુકમ કર્યો.
થોડીવારમાં પુરોહીત રઘુને ઉંચકીને લઇ આવ્યો અને અબ્દુલ માધોને....બહારથી એક કોન્સ્ટેબલ આવીને ખુરશી મુકી ગયો. રઘુ અને માધોને કોટડીની વચ્ચો-વચ બેસાડવામાં આવ્યા. ગેહલોત તે બન્નેની સામે ખુરશી નાંખીને ગોઠવાયો. તેણે એક વેધક નજર રઘુ અને માધો ઉપર નાંખી. માધોએ બે હાથ જોડેલા હતા અને રઘુના ચહેરા પર સંતાપ અને નિરાશાના ભાવો રમતા હતા.
“ તો......શરૂ કરીએ રઘુ......? “ ગેહલોતે ઉપહાસ ભર્યા સ્વરમાં પુછયુ અને ભવાનીના હાથમાંથી ડંડો લઇ નીચે ફર્શ પર પછાડયો. રઘુ કંઇ બોલ્યો નહી.
“ ચૂપ રહેવાની કિંમત તુ જાણે છે રઘુ....પહેલો ચાન્સ તારો છે. તું જો નહી બોલે તો પછી મારો આ ડંડો બોલશે. અને માધો પણ અહીં જ છે. પહેલા તું પછી માધો.....વધુ સમય નથી મારી પાસે એટલે ફટાફટ બોલવા માંડ....” ગેહલોતે કહયુ.
“ શું જાણવુ છે તમારે.....ગાંજા વીશે...? “ રઘુ બોલ્યો.
“ હાં.....પરંતુ સૌથી પહેલા..... ખૂન કોણે કર્યા....? “
“ મને ખબર નથી....”
“ તો જેણે કર્યા હોય તેના નામ આપ....”
“ હું નથી જાણતો....”
“ જો તું સીધી રીતે કહેવાનો ન હોય તો આ ચર્ચાનો કોઇ મતલબ નથી. પછી હું મારી રીત અપનાવીશ....” ગેહલોતે કહ્યુ અને ડંડો ઉંચો કરી રઘુના પગે અફળાવ્યો. રઘુ ધ્રુજી ઉઠયો.
“ મેં કહ્યુને.......મને નથી ખબર.......મતલબ નથી ખબર......” તે એકદમ આવેશમાં આવીને ઉંચા સાદે બોલ્યો. તે ગુસ્સે ભરાયો.
અને........ગેહલોત હસ્યો. તેને આ જ જોઇતુ હતુ. તે ઇચ્છતો હતો કે રઘુ અથવા માધો બે માંથી એક ગુસ્સો કરે....બરાડા પાડે. આ એક મેન્ટાલ પ્રેશર હતુ. કારણકે તે જાણતો હતો કે ગુસ્સામાં માણસનો પોતાના ઉપર કંન્ટ્રોલ રહેતો નથી અને તે આસાનીથી સામેવાળાની ચાલમાં ફસાઇ જાય છે. અત્યારે પણ એમજ થયુ હતુ. ગેહલોતના મનમાં આનંદ વ્યાપ્યો હતો.
( ક્રમશઃ )
પ્રવીણ પીઠડીયા
વોટ્સઅપઃ ૯૦૯૯૨૭૮૨૭૮
ફેસબુકઃ Praveen Pithadiya