ઉડાન
દર્શિતા બાબુભાઈ શાહ
સખી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.ઉડાન
૨.વિસામો
૩.રાહ
૪.વાદળ
૫.દરિયો
૬.વર્ષા
૭.પરવા
૮.કાગળ
૯.અફીણ
૧૦.કેકટસ
૧૧.ગઝલ
૧૨.કસ
૧૩.મજનું
૧૪.મિસાલ
૧૫.માં
૧૬.ઝંખના
૧૭.શેષ
૧૮.ક્ષણ
૧૯.રાત
૨૦.શ્રાવણ
૨૧.પહેરો
૨૨.શહેર
૨૩.સાંજ
૨૪.કાંટા
૨૫.ઠંડક
૨૬.બહાર
૨૭.અમૂલ્ય
૨૮.પાંજરું
૨૯.એકલતા
૩૦.ચાહત
૩૧.સહારો
૩૨.અહેસાસ
૩૩.વિસ્મૃતિ
૩૪.નેત્ર
૩૫.સાગર
૩૬.ટહુકો
૩૭.તિરાડ
૩૮.સમાધી
૩૯.જીગર
૪૦.ભ્રમ
૪૧.જાળ
૪૨.અજોડ
૪૩.ફના
૪૪.સર્જન
૪૫.દિવસ
૪૬.અભિનય
૪૭.સહારા
૪૮.હાર
૪૯.આવરણ
૫૦.તેજ
૫૧.દર્શન
૫૨.વિરામ
૫૩.વાયરા
૫૪.દિલ્લગી
૫૫.વ્હાલ
૫૬.એવું ન બને
૫૭.સૂર
૫૮.મનાવવા
૫૯.ધબકાર
૬૦.ધીરજ
૬૧.હેલી
૬૨.ભસ્મ
૬૩.થાક
૬૪.ગતિ
૬૫.દિવાલ
૬૬.જમાનો
૬૭.ફીકર
૬૮.મિલન
૬૯.લહેર
૭૦.શિખર
૭૧.કારીગર
૭૨.ચાહત
૭૩.આશરો
ઉડાન
પાંખ વિના ના પંખી ને ઉડવું ઉચી ઉડાણ,
અનંત આશાઓ છે ઉડવું ઉચી ઉડાણ.
એને ધરતી શું, કે ગગન શું એક સરખા,
આજે અહીં કાલે કોણ જાણે ક્યાં ધામા.
સ્વતંત્રતા તો ગુગળાવતી એને ક્યાં જવું ?
કેવી રીતે ઉડવું તેનાથી પણ તે અજાણ.
ઘડીક નગરમાં, ઘડીક જંગલમાં રખડે,
જીવ નાનો તેમાં વળી ઝાઝુ તે રખડે.
ઉડાણ ભરતું પહોંચ્યું સુંદર નગરમાં તે,
ખૂબ ખુશ પણ ફરી ભરવી પડી ઉડાણ.
વિસામો
ઘડીભર ના વિસામો ને સરનામું ન કહેવાય,
ઘડીભર ની ઓળખ ને પ્રિતડી ન કહેવાય.
બે ઘડી માટે ઉડી ને આવ્યા હતાં પંખી,
ઘડીભરની પહેચાન ને દોસ્તી ન કહેવાય.
ઓળખી ન શક્યા દુનિયાની રીત ને,
ઘડીભરની રોશનીને સૂરજ ન કહેવાય.
પાછા ક્યારે ફરશે એ પ્યારા દિવસો,
ઘડીભરના શ્વાસને જિંદગી ન કહેવાય.
રાહ
જિંદગીનું મારે શું કરવું ખબર નથી,
મૌત આવતી નથી તેનું હવે શું કરવું.
અજાણી રાહ પર ચાલ્યા તો કર્યું,
પામ્યા કશું નથી તેનું હવે શું કરવું.
અહીં કોઈ નથી કોઈનું દુનિયામાં,
પછી મારું તારું તેનું હવે શું કરવું.
વાદળ
ચીથરા ઊડી ગયા ઠગારી આશાઓના,
વેરવિખેર થઈ ગયા ઠગારા સપનાઓ.
આશ લવાગી બેઠા વરસે આજ ગગન,
વિખરાઈ છૂટા પડ્યા દૂર ના વાદળો.
અફસોસ કેમ ? હાથે કરી લુંટાવ્યું,
સહારા છૂટી ગયા વ્યર્થ ના વચનો.
આરામ ક્યાં રહ્યો જિંદગી માં,
વહી ને ચાલ્યા બેસૂમાર આંસુઓ.
દરિયો
વરસી ગયું આજ એક વાદળ,
ભીંજવી ગયું આજ એક વાદળ.
પ્રયત્નો કર્યા ન ભીજાયા દિલ,
પલાળી ગયું આજ એક વાદળ.
સંભાળી રાખ્યું હતું આજ સુધી,
વહાવી ગયું આજ એક વાદળ.
પાંપણ બંધ રાખી છે બીકથી,
ટપકાવી ગયું આજ એક વાદળ.
ધરતી તો કોરી જ રહી ગઈ,
સૂકવી ગયું આજ એક વાદળ.
થોડા ટીપા ન ઉભરાવશે દરિયો,
વલોવી ગયું આજ એક વાદળ.
સખી કોશિશ જરુર રંગ લાવશે,
હલાવી ગયું આજ એક વાદળ.
વર્ષા
ગામમાં વરસાદ જેવુ છે કશુંક,
આભના વાદળમાં દેખાય કશુંક.
મયુરનો થનગનાટ સૂચવે કશુંક,
કોયલ નો કલરવ સૂચવે છે કશુંક.
માટી ની સુગંધ જેવું છે કશુંક,
ક્યાંક કઈ વર્ષા જેવું છે કશુંક.
ગડગડાટ સૂચવે છે કશુંક,
ગુજારવ ફેલાવે છે કશુંક.
સૃષ્ટિમાં વેરાયું છે કશુંક,
ધરતી ને પલાળે છે કશુંક.
પ્રિયતમ ની યાદ આપે કશુંક,
આગમન ના એંધાણ છે કશુંક.
સખી તરસ બુઝાવે છે કશુંક,
ગામ માં વરસાદ જેવું છે કશુંક.
પરવા
પરવા વગર નો પ્રેમ છે,
ડર્યા વગર નું પારેવડું છે.
હતી જે આંખોમાં ભીરુતા,
કંપ્યાં વગરનું હરણ છે.
સઘળી વેદનાઓ રાખ માં,
ચિંતા વગરનું જીવન છે.
આશા નથી હવે કોઈ ની,
નિરાશા વગરનું વ્હાલ છે.
નસીબ પર ભરોસો છે,
તકદીર વગરનું હૈયું છે.
સખી કોણ કરશે પરવા ?
માનવ વગરનું શહેર છે.
કાગળ
કાગળ નથી હવે હાથમાં,
પેન લખશે કવિતા શે માં ?
ક્યારેક મળ્યો અડધો ખાલી,
ક્યારેક મળ્યો પૂરો ખાલી,
ક્યારેક બસની ટિકીટ પાછળ,
ક્યારેક કોરો કોઈ પોસ્ટકાર્ડ,
લખી નાખી કવિતા ગેલ માં.
કંડારી છે એમાં વલોવાત,
કંડારી છે એમાં વેદના ઓ,
કંડારી છે એમાં હૈયાની વાત,
કંડારી છે એમાં મુલાકાત,
લખી નાખી કવિતા મસ્તીમાં.
ક્યારેક ખોવાઈ જતી ચબરખી,
ક્યારેક ખોવાઈ જતી ટિકિટ,
ક્યારેક ખોવાઈ જતું ચૈન પણ,
ક્યારેક ખોવાઈ જતું દિલ,
સખી લખી કવિતા ફુરસદ માં.
અફીણ
નશીલા શબ્દોની રમત છે પ્રેમ,
કલ્પનામાં રમવાની રમત છે પ્રેમ.
ઈતિહાસ ના વેરવિખેર પાના માં,
કંડારેલી અનોખી રમત છે પ્રેમ.
લાગણીઓના પૂર ઉમટ્યાં છે,
યાદો ની મીઠી રમત છે પ્રેમ.
હાલાત દુનિયા પૂછ્યાં કરે છે,
દુનિયા થી નોખી રમત છે પ્રેમ.
કશું પામવા નું હોતું નથી,
ગુમાવવા ની રમત છે પ્રેમ.
આંખોમાં અફીણી સૂરમો,
પલકારાની રમત છે પ્રેમ.
સખી સપનાંની માયાજાળ,
ઉધાડા હૈયાની રમત છે પ્રેમ.
કેકટસ
ભીની આંખોની ભાષા વાંચી ન શક્યો,
કોઈની આંખોના આંસુ લૂછી ન શક્યો.
ડૂબતી નૈયા ને કિનારે લાવી ન શક્યો,
ડૂબતા હૈયા ને ધારણ આપી ન શક્યો.
મુસાફર રાહ ને મંઝિલ પામી ન શક્યો,
મૃગજળ દેખી ને તરસ બુઝાવી ન શક્યો.
રણની રેતીનાં ગુલાબ ઉગાડી ન શક્યો,
કેકટસ ના છોડ પાણી આપી ન શક્યો.
ભટકેલા ને મારગ પણ બતાવી ન શક્યો,
ભૂલેલા ને પાછા રસ્તેથી વાળી ન શક્યો.
નવી આશ નવી સવાર લાવી ન શક્યો,
ચાંદની રાતમાં શિતળતા આપી ન શક્યો.
સખી તારા કાજે જીવી પણ ન શક્યો,
બંદો તારા કાજે મરી પણ ન શક્યો.
ગઝલ
ક્યારની વિચારી રહી છું,
પણ મળતાં નથી શબ્દ,
મળે જો એક શબ્દ,
લખી નાખું ગઝલ તારા નામની.
શું કહું વેદના મારી ?
તારી બેવફાઈ થી મળી,
મળે જો એક વફા,
લખી નાખું ગઝલ તારા નામની.
દુનિયા ક્યાં જાણે છે,
પ્રિત તારી અને મારી,
મળે જો એક નજર,
લખી નાખું ગઝલ તારા નામની.
કંઈક કેટલુંય કહેવાનું,
બાકી રહ્યું હજી અહીં,
મળે જો એક વાત,
લખી નાખું ગઝલ તારા નામની.
લાગણીઓમાં વહેતી,
થઈ દિલની વાત,
મળે જો એક દૃષ્ટિ,
લખી નાખું ગઝલ તારા નામની.
જાણો છતાં અજાણ કેમ ?
રહ્યાં આજ સુધી,
મળે જો એક રાહ,
લખી નાખું ગઝલ તારા નામની.
પૂછવું તો હતી ક્યારેક,
વાત મારા દિલની,
મળે જો એક સૂર,
લખી નાખું ગઝલ તારા નામની.
સખી નથી કોઈ હદ,
કોઈ પ્રેમની સીમા,
મળે જો એક પ્રેમ,
લખી નાખું ગઝલ તારા નામની.
કસ
કબરમાં ક્યાં શાંતિ છે હવે,
એમાં પણ ક્યાં શ્વાસ છે હવે.
જીવન કેરો બાગ ન ખીલ્યો,
એમાં પણ ક્યાં સુગંધ છે હવે.
મુશ્કેલીના સમંદરો કરું છું,
એમાં પણ ક્યાં તકલીફ છે હવે.
ઈન્તજાર કરું છું રાત-દિવસ,
એમાં પણ ક્યાં વફા છે હવે.
સર્વત્ર સુંદરતા પથરાયેલ છે,
એમાં પણ ક્યાં કસ છે હવે.
હૃદયના ઘા રુઝાશે ક્યારે,
એમાં પણ ક્યાં દર્દ છે હવે.
સખી પ્રેમ તરસ્યો રહ્યો છું,
એમાં પણ ક્યાં લાગણી છે હવે.
મજનું
છે એક વાત દિવાનાની જેણે દુનિયા છોડી,
છે એક વાત પરવાનાની જેણે દુનિયા છોડી.
ન મળી વફા ક્યાંયથી આશ ખોટી ઠરી,
છે એક વાત મજનુંની જેણે દુનિયા છોડી.
સંબંધો કૂણી લાગણીના ખોટા જ ઠર્યા,
છે એક વાત પીનારાની જેણે દુનિયા છોડી.
તાજમહેલ બનાવી જાણ્યો પ્રેમ નિશાની,
છે એક વાત શાહજહાની જેણે દુનિયા છોડી.
પહેલીવાર જે ઘડક્યું હતું જોતા હૃદય,
છે એક વાત માશુકની જેણે દુનિયા છોડી.
ન હતો એ ઈશ્ક, તો મીટ્યા કેમ ?
છે એક વાત શીરીની જેણે દુનિયા છોડી.
ન હતો હમદર્દ તો, કસૂર કોનો ?
છે એક વાત ખુદાની જેણે દુનિયા છોડી.
મિસાલ
કેમ લાગ્યા કરે સુનું સુનું એવી કોઈ વાત નથી,
તારા વિના લાગે સુનું સુનું એવી કોઈ વાત નથી.
જવાબ શોધતી મારી નજર ક્યાંય ન જઈ અટકી,
મળ્યા ન કોઈ સાથી અહી એવી કોઈ વાત નથી.
મળી જો હોત વફા દુનિયામાં શોધતાં કદી,
જફા તારી છે મિસાલ એવી કોઈ વાત નથી.
મજાલ ન હતી કોઈની પણ આમ ઠેસ દે,
એ તો હૈયું ઠગી ગયું એવી કોઈ વાત નથી.
માં
કોણ હાલરડાં સંભળાવશે વિના માવતર ?
કોણ પારણે ઝુલાવશે વિના માવતર ?
લાડકા નામે લાડ લડાવે ઝુલાવે નિત,
કોણ ભૂલો માફ કરશે વિના માવતર ?
સ્વર્ગથી સુંદર છે આ બાળપણ ના દિન,
કોણ પ્રેમથી નવડાવશે વિના માવતર ?
હૈયું હેતથી છલકાવી વ્હાલ નિતરતાં,
કોણ માથે ચડાવશે વિના માવતર ?
હેતના ઓવરણા લઈ પંપાળતા સૂવે,
કોણ હૂફ ખોળો આપશે વિના માવતર ?
ઝંખના
છે વિશ્વાસ હજી હવાનો,
છે વિશ્વાસ હજી જીવનનો.
સુકા રણમાં હજી શોધું,
છે વિશ્વાસ હજી મળવાનો.
અજાણ્યા શહેરમાં એકલો,
છે વિશ્વાસ હજી પરાયાનો.
આનંદ ઉલ્લાસ છે દિલમાં,
છે વિશ્વાસ હજી માનવનો.
ઝંખી રહ્યું છે દિલ જેને,
છે વિશ્વાસ હજી વફાનો.
આંખમાં નવા સપનાઓ,
છે વિશ્વાસ હજી ભલાઈનો.
સખી કમાલ કરી ખુદાએ,
છે વિશ્વાસ હજી ખુદાઈનો.
શેષ
વેરાયું જ્યાં અંતર ત્યાં ન કશી કદર,
ઉરના ઉમળકાની ક્યાં કશી કદર.
જિંદગી શેષ કાપી શું કોને ખબર,
ચેતનાના જવાળાની ક્યાં કશી કદર.
કાલનો ભરોસો ન કરશો કદી,
જિંદગીને મૌતની ક્યા કશી કદર.
ખોબા જેવડું હવે આ આયખું તે,
ઉંધને સપનાની ક્યાં કશી કદર.
ક્ષણ
નામ શેષ થઈ જતાં પહેલા જીવી લો આ ક્ષણ,
મૌત ને આવતા અહીં પહેલા જીવી લો આ ક્ષણ.
અરમાનો વિખરાતા પહેલા ઉડી લો ઉડાન,
ઉગશે ક્યાં હવે સવાર પહેલા જીવી લો આ ક્ષણ.
થાકેલા તનમનમાં આશ ક્યાં રહી હવે,
સાગર છલકી પડે પહેલા જીવી લો આ ક્ષણ.
નીત નવું પાજરું જપતું રહેતું આ મન,
આયખું ખૂટે તેના પહેલા જીવી લો આ ક્ષણ.
રાત
ઉધને પણ હવે બગાસું આવે છે,
ઓશીકાને હવે બગાસું આવે છે.
રાહ જોઈ થાક્યાં સપના કંઈક,
નિશાને હવે બગાસું આવે છે.
આંખ બંધ થવાની પ્રતિક્ષા કરે,
પાંપણ પણ હવે બગાસું આવે છે.
કેમ આવતી હશે વેરાણ રાત,
ચાંદને પણ હવે બગાસું આવે છે.
તારાઓ જાગતા રહ્યાં રાતભર,
સપ્તઋષિ પણ હવે બગાસું આવે છે.
સખી અજવાળા વાટ જુએ,
સૂરજ ને પણ હવે બગાસું આવે છે.
શ્રાવણ
શ્રાવણના ફોરા જગાવે છે વેદના,
હૈયું વલોવી ને જાય છે વેદના.
જિંદગી કેવી આ વિચિત્ર છે,
પ્રેમ કરીને મેળવે છે વેદના.
અશ્રું ઓ તો ખૂટતા જ નથી,
જફા તારી આપે છે વેદના.
ભોગ્યા તનમન વરસાદમાં,
યાદ અપાવી તડપાવે વેદના.
પહેરો
કેવી રીતે ખૂલે આ આંખ,
જ્યાં સપનાનો છે પહેરો.
બની બેઠા છે પહેરેગીર,
આવ્યા આજ યાદોના પૂર.
શમણાં સંકોચી છે લીધા,
ઉંઘને આમંત્રણ છે આજ.
કહી દો બાવરા મનને,
સંકેલી લે વલોપાતને.
ફૂલોનો થયો છે વરસાદ,
યાદો પણ ગઈ છલકાઈ.
ઈલાજ ન હોય કોઈ તો,
પંપાળો ને આજ ભીતર.
સખી આંખો ખોલી ને જો,
આવ્યા મનગમતા મહેમાન.
શહેર
આથમતી સાંજે આ શહેરમાં ક્યાંક ખોવાઈ ગયા,
રસ્તાઓ સૂના આ શહેરમાં ક્યાંક ખોવાઈ ગયા.
દિવસ અને રાત ભાગ્યા કરતાં માણસો ના ટોળા,
ક્યાં જઈને સમાઈ જશે રાતના અંધારામાં ટોળા.
મોકળાશ ક્યાંય ન મળી અહી અથડાતા સૌ એ,
અહી કોણ મારું, કોણ તારું સ્વાર્થી સગા સૌ એ.
મકાનોની માફક દિલ પણ સિમેન્ટના બનેલા,
માણસો લાગે જાણે યંત્ર અને રોબટના બનેલા.
સાંજ
સાંજ થવા આવી ચાલ,
હવે ઘર ભેગા થઈએ,
સુરજ ઢળી ગયો ચાલ,ં
હવે ઘર ભેગા થઈએ.
આથમતા સુરજ હવે,
અજવાળા લાવશે નહી,
જલ્દી પગ ઉપાડ,
હવે ઘર ભેગા થઈએ.
લાજ શરમ બાજુ પર,
મૂકી સૌ બેશરમ અહીં,
હૃદય પુકારતું ચાલ,
હવે ઘર ભેગા થઈએ.
મુઠી તો બંધ રાખી,
શ્વાસના પોટલાની,
જંજાળ છૂટી ચાલ,
હવે ઘર ભેગા થઈએ.
મેલ તંતુ વાતનો,
જીવી લે બેફીકરથી,
તૂટી આશ ચાલ,
હવે ઘર ભેગા થઈએ.
આમ જુદા પડી,
ન જીવાય એકમેકથી,
સમજી વિચારી ચાલ,
હવે ઘેર ભેગા થઈએ.
કાંટા
કાટાની વચ્ચે ખીલ્યું એક ગુલાબ
કાદવની વચ્ચે ખીલ્યું એક કમળ,
મસ્તીથી હસતું રમતું એક ગુલાબ,
સુશોભિત લાગે છે કાદવનાં કમળ.
ગુલશનમાં બહારો લાવ્યું ગુલાબ,
કાદવને શણગારીને ગયું કદમ.
ચૂભશે કાંટો તોડતા એક ગુલાબ,
રગદોળાશે પગ તોડતા એક કમળ.
ફૂલોનો રાજા છે આ એક ગુલાબ,
કાદવનો રાજા છે આ એક કમળ.
ઘર શોભાવતું, ગુલદસ્તામાં ગુલાબ,
તળાવમાં ઠેરઠેર ફેલાયું આ કમળ.
મહેકી ગયો બાગ સુગંધની ગુલાબ,
ફરી ગયા દિદાર ઉગવાથી કમળ.
ઠંડક
શીતળ છાયડો આપી,
ન શક્યું ઘટાદાર વૃક્ષ.
ઠંડીનો ચમકારો લાવી,
ન શક્યો ભર શિયાળો.
પસીને રેબઝેબ કરી,
ન શક્યો આ ઉનાળા.
ગુલાબનું ફૂલ મહેકી,
ન શક્યું કોઈ બાગમાં.
વાંસળીના સૂર ડોલાવી,
ન શક્યાં અહી દિલ.
મહેફિલ નશીલી બનાવી,
ન શક્યો મસ્ત જામ.
ધૂન મસ્તીભરી બનાવી,
ન શક્યાં સાત સ્વર.
આનંદની પળો લાવી,
ન શક્યો આ દિવસ.
રંગીલી હોળી લાવી,
ન શક્યો ફાગણ.
હૈયું મસ્તીથી નચાવી
ન શક્યું કોઈ ગીત.
બહાર
બાગમાં ફૂલ ઊગે કે ઊગે,
તો બાગને શો ફર્ક પડે ?
મહેફિલમાં જામ છલકે કે ન છલકે,
તો જામને શો ફર્ક પડે ?
તળાવમાં કમળ ખીલે કે ન ખીલે,
તો કમળને શો ફર્ક પડે ?
યાદમાં આંસુ વહે કે ન વહે,
તો યાદને શો ફર્ક પડે ?
ફોટો યાદ આપે કે ન આપે,
તો ફોટાને શો ફર્ક પડે ?
મારી ગઝલ સમજે કે ન સમજે,
તો ગઝલને શો ફર્ક પડે ?
બહારમાં ફૂલ હસે કે ન હસે,
તો ફૂલને શો ફર્ક પડે ?
જિંદગી વફા કરે કે ન કરે,
તો વફાને શો ફર્ક પડે ?
આભમાં ચાંદ ઉગે કે ન ઉગે,
તો ચાંદને શો ફર્ક પડે ?
સફરમાં આનંદ મળે કે ન મળે,
તો સફરને શો ફર્ક પડે ?
ઊંઘમાં સપનાં આવે કે ન આવે,
તો ઊંઘને શો ફર્મ પડે ?
હૃદયમાં સ્નેહ વરસે કે ન વરસે,
તો સ્નેહને શો ફર્મ પડે ?
કબરમાં વિસામો મળે કે ન મળે,
તો કબરને શો ફર્ક પડે ?
કોઈને ફર્ક પડે ન પડે આમ તો,
તો તમને શો ફર્ક પડે ?
અમૂલ્ય
સાથમાં સાથ ન રહ્યો તેથી શું ?
હાથમાં હાથ ન રહ્યો તેથી શું ?
ઘડી બે ઘડી સંબંધ નથી આ,
જન્મોજન્મના સંબંધો છે આ.
પરવા ન કરતાં દુનિયાની કદી,
કોની થઈ છે, તમારી થશે કદી.
નજરથી દૂર થયા છે આજે,
દિલથી જરા દૂર નથી આજે.
સમજશો ન બેવફા જિંદગી,
નસીબદાર ને મળે જિંદગી.
લૂંટાવશો ન દિલ અહીં આમ,
અમૂલ્ય ચીજ વેડફશો ન આમ.
હકીકતને સપનાં સમજતા,
પાસે છતાં દૂર ને દૂર રહ્યા.
પાંજરું
પંથ વિકટ છે છતાં ચાલતા જ રહેવાનું છે,
માર્ગ કઠિન છે છતાં ચાલતા જ રહેવાનું છે.
સફર કરતા હતા અને કરતાં જ રહેવાનું છે,
શ્વાસ ભારે છે છતાં ચાલતા જ રહેવાનું છે.
સપનાઓને સજાવવા દોડીને થાક્યાં છે,
સપનાં દુર છે છતાં ચાલતા જ રહેવાનું છે.
હિંમત તૂટશે તે કેમ ચાલશે અહીં ભલા,
મંઝિલ અકળ છે છતાં ચાલતા જ રહેવાનું છે.
દુનિયાની પરવા ન કરી નથી કરવા ના,
તોફાનો આવશે છતાં ચાલતા જ રહેવાનું છે.
સખી સોનાનું ભલે હોય આ પાંજરું તે,
તોડી ને પણ છતાં ચાલતા જ રહેવાનું છે.
એકલતા
કંઈક ખોજમાં અહીતહી ભાગતો રહેતો માણસ,
માનવ વચ્ચે રહેવા છતાં ભાગતો રહેતો માણસ.
આશા ના તાણાવાણા સાથે ઝઝુમતો માણસ,
હંમેશા લાગણીના વલખા મારણો રહેતો માણસ.
ભીડમાં રહેવા છતાં સફરમાં એકલો માણસ,
આમ કેમ દુનિયાથી દૂર ભાગતો રહેતો માણસ.
હૃદયમાં શૂન્યવકાશથી સદા વિચારતો માણસ,
એકલો અટૂલો દુનિયાથી ભાગતો રહેતો માણસ.
ચાહત
જિંદગીનો ભાર સહી નથી શકતો,
મૌતનો ભાર તે શું સહી શકશે ?
ખુદા ગવાહ છે આ રઝળપાટ નો,
વેદનાનો ભાર તે શું સહી શકશે ?
વફાની આશમાં દીધા છે દિલ,
જુદાઈનો ભાર તે શું સહી શકશે ?
ખોવાયેલી ચાહત પામવા ભટકેલો,
ચાહતનો ભાર તે શું સહી શકશે ?
મેળવવાને કરાર ભટક્યો છે બહું,
ચૈનનો ભાર તે શું સહી શકશે ?
સખી સપનાંમાં રાચતા રહેતા પળ,
સપનાંનો ભાર તે શું સહી શકશે ?
સહારો
શીખવ્યું ઘણું બધું આ જિંદગીએ અહીં,
શીખ્યા ક્યાં પણ અનુભવથી એ અહીં.
તરસતા રહ્યા હર ઘડી સપનાઓ,
અરમાનો ક્યાં પૂરા થયાં એક અહીં.
કદમથી કદમ મીલાવી ચાલ્યા છતાં,
મંઝિલ ક્યાં પામી શક્યાં હજુ અહીં.
વિશ્વાસ તો છે મળશે જરુર રાહ,
આ આશનો સહારો દિલમાં અહી.
સખી એટલી બૂરી પણ નથી જિંદગી,
હવે પૂરેપુરી જીવી લે તું પણ અહીં.
અહેસાસ
આંખને જામ લખો ઝુલ્ફોને વરસાદ,
હોઠને પ્યાસ લખો નીરાળી વાત લખો.
જેને મળીને ન મળ્યાંનો અહેસાસ છે,
તેની મુલાકાતની એક એક વાત લખો.
જેને જોઈ આંખની પ્યાસ નથી બુઝાતી,
તેવી મહોબ્બતની દાસ્તાન વાત લખો.
સખી આ કહાનીનો અંત કોને ખબર ?
આ કસમક્સની શરુની વાત લખો.
વિસ્મૃતિ
સ્મૃતિના વળગણમાં ધુમતું આ મન,
છોડવા ઈચ્છું તો પણ છૂટી ના શકે તે.
કેટલાય ઘા સહી લીધા સારા નરસા,
સંબંધોના ઘા ચાહું તો ભૂલી ના શકે તે.
વ્યથાઓ આ દિલની દિલમાં રહી,
ભીતરની આગ કેમેય ભૂલી ના શકે તે.
ધુમ્મસથી ધેરાયેલું ધનઘોર આકાશ,
સુરજનું અજવાળું લાવી ના શકે તે.
વિસ્મૃતિની બક્ષિસ જો ન દીધી હોત,
પહાડ જેવાં દુઃખો ભૂલી ના શકે તે.
વાગોળી વારંવાર આ સુહાની પળોને,
સ્મરણોનું તેજ કરી ઓછું ના શકે તે.
સુખી ક્ષિતિજની રેખાઓ વિસ્તરી છે,
એને પેલે પાર કેમેય જઈ ના શકે તે.
નેત્ર
વાદળ એક ભીનું યાદી તેની લાવે છે,
વર્ષાનું એક ટપકું યાદી તેની લાવે છે.
વીજળીનો ગડગડાટ અને ચમકારા,
માટીની મીઠી મહેંક યાદી તેની લાગે છે.
મયુરનું નૃત્યુ, કોયલનો કલરવ,
હવાની એક લહેર યાદી તેની લાગે છે.
ભીજાતું હૈયું નાચતું ડોલતું આ મન,
આજનું મેધઘનુષ યાદી તેની લાવે છે.
ઝીલ્વા સ્નેહ નેત્રની લાગણીભરી નજર,
પુષ્પો ભીના ભીના યાદી તેની લાવે છે.
સાગર
શબ્દોની કમાલ હવે હાંફી રહી છે,
રહી રહીને કલમ હવે થાકી રહી છે.
ક્ષિતિજ પાર હવે ઝંખના મ્હારી,
સંબંધોની ગાંઠ હવે છૂટી રહી છે.
ભીના પગલાંને અણસારે ફેલાતી,
હવાની થપાટ હવે લૂટી રહી છે.
મહાસાગરમાં જળ તો છે અપાર,
અંદરનો ખારાશ હવે ખૂટી રહી છે.
મોજાની થપાટ સહેલાતા કિનારા,
સાહિલ પર નાવ હવે ડુબી રહી છે.
સાગર પંખીઓનો તરવરાટ ઘણો,
માછલીઓ માજા હવે મૂકી રહી છે.
ઊંડાણ પામવા ડૂબ્યા તો જરુર ત્યાં,
સાગરનો તળેટી હવે ડૂબી રહી છે.
હૈયાના મીઠા જળ છલકાતા જાય,
લાગણીના પુરને હવે હેલી ચડી છે.
ટહુકો
કોયલનો ટહુકો મીઠો મીઠો લાગે,
મૌનનો પગરવ મીઠો મીઠો લાગે.
તૂટતી પાછી સંધાતી આશની પળો,
ભીતરમાં જાણે ભીની ભીની લાગે.
શમણાંમાં ખાલીપો ડોહળાયો છે,
નીંદર તો જાણે સૂની સૂની લાગે.
ઝાકળ ઠરે ને હૈયું ભીનું થાય,
માટીના કણો ભીના ભીના લાગે.
વાયરાઓ સાથે ઝુલતા વૃક્ષો,
રમતી ડાળીઓ ધેલી ધેલી લાગે.
રણમાં ફરી મૃગજળના વ્હેણ,
કેકટસનું પાણી મીઠું મીઠું લાગે.
થર થર કાંપે ધરતીના આ પડો,
સુનકાર પણ હવે સૂનો સૂનો લાગે.
તિરાડ
તિરાડ આ દિવાલની તો સંધાઈ જશે,
તિરાડ આ દિલમાં છે જ કોણ સાધશે ?
પળ પળ અથડાતા વેદના ના મોજા,
ફાટો આ દિલની ભલા કોણ સાધશે ?
મૃગજળના પડછાયા આળોટે રણમાં,
આંધી આ દિલમાં છે કોણ સમાવશે ?
મંદ વહેતો વાયુ લાવે સુવાસ ભીની,
આશ આ દિલમાં છે કોણ મિટાવશે ?
સમાધી
ઊઘાડી બારી ને નીરખી રહી સંધ્યા,
ખીલી ઉઠે ત્યાં લીલી લીલી કૂષણો.
ઉડે પંખીને ગગન તો લહેરાય આજ,
ખીલ્યાં વસંતે કેસૂડાના પીળા પાન.
ઝાકળ ભીની હવા સ્પર્શ જુવાનીને,
ખીલેલા પુષ્પો મહેકે ફરી ચારેકોર.
શીખરો પર વિસામો લેતા ઘણાં,
ફરી પાછા ઉડતાં શમણાં સાથે તે.
સમાધી લગાવી દુર જઈને બેઠા,
મૌન નો પગરચ ખોલે છે દરવાજા.
જીગર
હશે જીગરમાં જો હામ તો ચાલીશું સીમ સુધી,
હશે પગમાં જો જોર તો ચાલીશું સીમ સુધી.
અહીં તહી ભટક્યાં ચારેબાજુ શોધી તો વળ્યા,
હશે દિલમાં જો આશ તો ચાલીશું સીમ સુધી.
દૂર થઈ ગઈ હવે તો મંઝિલ મારાં પ્રેમની,
હશે વફા જો રાહીમાં તો ચાલીશું સીમ સુધી.
ક્ષિતિજની પેલે પાર ભલે રહી આશ જવાની,
હશે જો હામ હૂફમાં તો ચાલીશું સીમ સુધી.
કદાચ ભટકવાનું જ લખાયું આમતેમ અહી,
હશે નશીબ જો સાથે તો ચાલીશું સીમ સુધી.
સખી રસ્તાઓ તો ઘણાં છે શિખર સુધી,
હશે રાહ જો સીધી તો ચાલીશું સીમ સુધી.
ભ્રમ
ખૂલી આંખે જે દેખાય છે,
બંધ આંખે તે અદૃશ્ય છે.
ભ્રમ છે કે કોઈ હકીકત,
મન આજ કેમ વિચારે ?
શૂન્યતા ભાસે ખોવાયેલું,
મન વારંવાર સવાલ કરે.
કોઈ શરત નથી પ્રેમમાં,
ધડીકમાં આંખો છે ભીની.
અંતરમાં વહેતી લાગણી,
કોની યાદ છલકાવે આજ ?
જાળ
ખોવાઈ ગયા એટલા ખુદ ને ધ્યાન નહી,ં
તમને ચાહ્યા એટલા ખુદને ધ્યાન નહી.
ચાલ્યાં ક્યું રીઠો થઈને રસ્તાઓ પર,
મંઝિલ ક્યારે મળી ખુદને ધ્યાન નહી ?
સર્વસ્વ લૂટાવ્યાં પછી જાગ્યા દુનિયામાં,
કેટલું લૂટાવ્યું વ્હાલ ખુદને ધ્યાન નહી ?
એકલો અટૂલો રહી ગયો આ જંજાળમાં,
સંબંધો તૂટ્યાં પણ ખુદને ધ્યાન નહી.
ભીડમાં જાણે સુનું સુનું સતત ભાસે,
છોડતો જાઊ જગ તે ખુદને ધ્યાન નહી.
મહોબ્બતની જાળમાં ફસાતો જાઉં,
માયાજાળ વળગી ખુદને ધ્યાન નહી.
દૃષ્ટિ દુર સુધી ક્ષિતિજ પર માડું તો,
ચાર નજર મળી ખુદ ને ધ્યાન નહી.
વસંત જે લાવે છે ગુલશનમાં અહીં,
પતઝડની જાણ ખુદને ધ્યાન નહીં.
બધે શોધું પણ ક્યાંય જડે નહી તે,
નજર વાળી લીધી ખુદને ધ્યાન નહી.
સખી આનંદથી ઊભરાય ઊર્મિઓ,
જીવન જે મહેક્યું ખુદને ધ્યાન નહી.
અજોડ
એ બેદરકાર શીલ્પીને સલામ,
એ રેઠીયાળ શીલ્પીને સલામ.
ઘડીને તો મોકલ્યાં પ્યારા રુપો,
એ બેનમૂન શીલ્પીને સલામ.
શોધી રહી કલ્પનાઓની સૃષ્ટિ,
એ અજોડ શીલ્પીને સલામ.
ખીલતાં ફૂલ વસંતમાં અહીં,
એ ઉજાડનાર શીલ્પીને સલામ.
ક્ષણિક આનંદ આપે, છીવે,
એ કનડગત શીલ્પીને સલામ.
શોધતાં ન જડે ભાગતો ફરતો,
એ ફરાર શીલ્પીને સલામ.
ફના
ભાગી તો ગયા જંજાળ છોડી,
વચ્ચેથી ગયા માયાજાળ છોડી.
મંદિર મસ્જિદને દૂરથી સલામ,
રવાના થયા હવે ખુદાને છોડી.
ઈશ્કનો મય છલકાઈ ગયો,
રુખશદ આપી મહેફિલ છોડી.
ભર્યા ભર્યા રહ્યાં જે સંબંધો,
રકીબને મળ્યાં દોસ્ત છોડી.
શુરાલયમાં ચૈન ન મળ્યું,
ઊઠી સલામ ભરી જામ છોડી.
ચાલતા મળ્યાં દિલ રાહમાં,
દુનિયાથી ફના થયા સમ છોડી.
સર્જન
હૃદયના ધબકાર ચાલે છે લયમાં,
સમયની ગતિ તો ચાલે છે લયમાં.
રુતુઓઃ શિશિર, ફાગણ, વૈશાખ,
એક પછી એક આવે ને જાય લયમાં.
સર્જન વિસર્જન નીત ચાલતું રહેતું,
અમાસ પુનમ કાયમ આવે લયમાં.
ભરતી જાય અને ઓટ આવે આમ,
સમયનું વહેણ તો ચાલે છે લયમાં.
વસંત જાતીને પતઝડ તો આવતી,
ફળો અને ફૂલોનું ઉગવું છે લયમાં.
સવાર સાથે આશ લાવે નવજીવન,
સાંજ પણ દોડતી આવે લયમાં.
ભેગા કરે છે તે જ છૂટા પાડે છે,
જીવન મૃત્યુની ઘટમાળ લયમાં.
આશા નિરાશાની ડોલતી નાવ,
સમય સથવારે ચાલે છે લયમાં.
કોને સુગંધ ભરી છે આ ફુલોમાં ?
કોને રંગ ભર્યા છે આજ ફૂલો માં.
દીઠું એક ફૂલને તાજગી ભરતું,
કોને મહેકતા અર્પી છે ફૂલોમાં ?
કેવા કોમળ કેવા રૂપાળા દીસે,
કોને સુંદરતા બક્ષી છે ફૂલોમાં ?
બીજ વાવું ને ઊગી જતું પળમાં,
કોને સર્જનતા મુકી છે ફૂલોમાં ?
આફરિન છું ફૂલોના સર્જક પર,
કોને સજાવટ મૂકી છે ફૂલોમાં ?
દેવોને નીત અર્પણ થતા આ,
કોણ સર્મપીત થયું છે ફૂલોમાં ?
દિવસ
એવી એક ક્ષણ હોય કે ઘડકન બંધ થઈ જાય,
એવો એક દિવસ હોય કે ઘડી બંધ થઈ જાય.
અહી ઊડી ગયું છે કોઈ મહેફિલમાંથી એટલે,
એવી એક મહેફિલ હોય કે દિલ બંધ થઈ જાય.
જામ પર જામ છલકાતા જાય છે યાદો મીટાવવા,
ઈશ્ક પરવાન ચડતો હોય કે શમા બંધ થઈ જાય.
સજાવટ તો ઝાંખી ઝાંખી લાગે હુશ્ન સામે તો,
પ્રેમ જો આંધળો હોય કે દુનિયાથી ફના થઈ જાય.
અભિનય
સુખી છું તેવો અભિનય કર્યો જીવનભર,
ભીતરમાં કોલાહલને આનંદથી રહું છું.
ક્યારેય જીવવું પડે બીજાને માટે પણ,
અંતરમાં ખળભળ ને આનંદથી રહું છું.
સૂરાલયમાં જઈને મસ્તીથી જામ પીધા,
પ્યાસથી તરફડુંને આનંદથી રહું છું.
છે ઘેરાયેલો હું વ્હાલથી ચારે બાજુએ,
લાગણીમાં તલસાટને આનંદથી રહું છું.
સહારા
દિલના દર્દોને ભૂલી પીવાનો માર્ગ અપનાવ્યો,
યાદોના સહારે જીવી જવાનો માર્ગ અપનાવ્યો.
મળી બેવફાઈ તો મરવાનો માર્ગ અપનાવ્યો,
દોસ્તી ન મળી તો સુરાનો માર્ગ અપનાવ્યો.
મંઝિલ સુધી જવા મૌતનો માર્ગ અપનાવ્યો,
મહેફિલ સજાવવા જલવાનો માર્ગ અપનાવ્યો.
સુખી સુખી થવા ખુશીનો માર્ગ અપનાવ્યો,
છોડી ગયા તેને ભૂલવાનો માર્ગ અપનાવ્યો.
હાર
પ્રેમમાં રાહ જોવાતી નથી,
તારી યાદો ભૂલાતી નથી.
પ્રેમમાં બહું ખોયું છે અમે,
તને ગુમાવવા ઈચ્છતા નથી.
લૂટાવી દઈશું આ દિલને,
પણ બેવફાઈ મંજુર નથી.
કહે છે જગ પાગલ કરે પ્રેમ,
તેઓ ને કશી જાણ નથી.
પામવા કશું ક્યાં કર્યો જ,
દુનિયાને તે સહેવાતું નથી.
જીવનભરનું દુઃખ મળે છે,
વાત સ્વીકારવા તૈયાર નથી.
કસોટીમાંથી પાર ઉતરીશું,
હાર માનવી ગમતી નથી.
આવરણ
આંખમાં આંસુઓનું છે આવરણ,
દિલમાં તો યાદોનું છે આવરણ.
દર્દી મળ્યા જેનો કોઈ અંત નથી,
પ્રેમમાં તો વેદનાનું છે જાગરણ.
સમયની ગતિ તો ચાલ્યા કરે,
હાથમાં તો તકદીરનું છે ભારણ.
કોઈ ઈલાજ નથી દર્દી ગમ નો,
હવે તો ક્યાં રહ્યું છે નિરાકરણ ?
જ્યાં ને ત્યાં જુઓ ખેચાખેચ,
હવે તો પ્રેમમાં છે રાજકારણ.
કોને દોષ દેવો આ દુનિયામાં ?
ઘડીમાં છૂટા પડ્યા વિનાકારણ.
સખી હામ રાખજે હૃદયમાં એટલી,ં
હારમાં તો જીતનું છે આવરણ.
તેજ
તેજનો તિખારો જોયો તારી આંખમાં,
સચ્ચાઈનો રણકો જોયો તારી આંખમાં.
આંખમાં આંસુ આવી ગયા તે જોઈને,
પ્રેમનો એકરાર જોયો તારી આંખમાં.
ખોવાઈ ગયું આ દિલ ચાર નજર મળી,
મારી જ તસવીર જોઈ તારી આંખમાં.
ભૂલાવી નહી શકીએ પ્યારી આંખોને,
એવું તો શું છે જોયું તારી આંખમાં ?
લુટાયું ચૈન ને હારી ગયા દિલ તેમાં,
પળવારમાં શું જોયું તારી આંખમાં ?
મસ્તી સભર નજરોમાં ખોવાઈ ગયા,
દિલ એ એવું શું જોયું તારી આંખમાં ?
ધેનથી ચકચૂર મદભરી મીઠી નજર,
હૃદય લૂટાયું આમ જ તારી આંખમાં.
ન જોશો આમ કાતિલ નજરે અમને,
ડૂબકી મારી ગયા છે તારી આંખમાં.
પથ્થર પણ જેને પીગળાવી ન શક્યો,
મોમ તો પીગળ્યા છે તારી આંખમાં.
ડોક્યિું કરી ખોળવા માગીએ છીએ,
દિલડું ચોરાયું છે તારી આંખમાં.
સખી ઠાળી દે ને પ્યારી આંખોને,
સમાવી લો યાદ તારી આંખમાં.
દર્શન
કોણ કહે છે જુદા છીએ આપણે,
સપનાંમાં રોજ મળીએ આપણે.
સવારે પંખીઓનું સંગીત બનીને,
ચારેકોર ગગનમાં વિહરીએ આપણે.
સૂર્યના કિરણો ધરતીને અજવાળે,
પ્રકાશમાં દુર વિસ્તરતા આપણે.
મંદિરમાં ધટરવનો નાદ છે,
દર્શન ભીડમાં ઉભા છે આપણે.
કોણ કહે છે બે નજર જુએ છે,
ચાર નજરથી વંદીએ આપણે.
પ્રભાતના પુષ્પો ફેલાવે સુગંધ,
જનમોજનમથી સાથે આપણે.
વિરામ
પૂર્ણવિરામ ત્યારે જ થશે જ્યારે શ્વાસ કરશે વિરામ,
અલ્પવીરામમાં છે મંદ ધબકાર હૃદયની ગતિના.
હાંફી ગયા શ્વાસ ને ધૂંટાઈ ગયો છે દમ જિંદગીનો,
પૂર્ણવિરામ ક્યારે મળશે ? જ્યારે શ્વાસ છોડે કબજો.
થાકી ગયા ભાગી, દોડીને ચાલતા ચાલતા અહીં,
છતાં ગતિ તો અવિરત તે ની તે રહી જીવનભર.
અલ્પવિરામમાં સમાયેલ છે ક્યાંક પૂર્ણવિરામ,
આજ કેમ ઈચ્છે છે ? શ્વાસ તો હવે પૂર્ણવિરામ.
વાયરા
આભમાં કેવી હલચલ મચી ગઈ,
વાદળમાં કેવી ખળભળ મચી ગઈ.
ફુટી જ્યાં પાંખ ઊડી ગયા છે દૂર,
ચારેકોર કેવી ચકમક મચી ગઈ.
વસંત આવી ખીલી ઉઠ્યા ફુલ,
પાંદળામાં કેવી સરસર મચી ગઈ.
કોયલના ટહુકા ગુજે ઉપવનમાં,
સુરમાં કેવી કલકલ મચી ગઈ.
આવ્યા મોજાને અફળાયા જોરથી,
સાગરમાં કેવી હળબળ મચી ગઈ.
આધી આવી ઉજાડી ગઈ દુનિયા,
હવામાં કેવી સનસન મચી ગઈ.
લહેરાતાં વાયરા સાથે પાંદળા,
હૈયામાં કેવી ઝનઝન મચી ગઈ.
દિલ્લગી
દિલના દર્દનો રાગ છેડી એ કેવી રીતે ?
દિલના દર્દની વાત કહીએ કેવી રીતે ?
કોઈ ડર નથી દીવા ને તોફાનો નો આજે,
દીવાને તોફાનોથી બચાવો એ કેવી રીતે ?
મહેફિલમાં જવાનો સમય તય હોતો નથી,
જનારાને પાછા બોલાવી એ કેવી રીતે ?
વિખરાયેલી ચીજો ને સજાવી શકાય ખરી,
તૂટેલા દિલને પંપાળવા એ કેવી રીતે ?
હિમ્મત ન હતી નજર ઊઠાવી સામું જોવાની,
વિખરાયેલ સંબંધ ને નિભાવવો એ કેવી રીતે ?
સખી નાદાનીમાં જ દિલ દઈ બેઠા અમે,
દિલ્લગીમાં દિલ ગુમાવાય એ કેવી રીતે ?
વ્હાલ
મિજાજ આ મૌસમનો આજે કાંઈ ઔર છે,
મિજાજ આ સનમનો આજે કાંઈ ઔર છે.
ધડીમાં તડકો ને ઘડીમાં છાયડો પથરાયો,
ઘડીમાં ગુસ્સો ને ઘડીમાં વ્હાલ વરસાવું.
ફૂલ બનીને જ્યાં મહેકાવ્યાં બાગને અહીં,
સાથી બનીને જ્યાં સજાવ્યાં ઘરને અહીં.
વાદળ બની વર્ષી ગયા ચારેકોર દુનિયામાં,
પ્રેમાળ બની વર્ષી ગયા દિલ તો દુનિયામાં.
એવું ન બને
રણમાં ગુલાબ ઉગે એવું ન બને,
બાગમાં મીઠું પાકે એવું ન બને.
માછલી ધરતીને હાથી પાણીમાં,
આભમાં વૃક્ષ ઉગે એવું ન બને.
કીડીને મણ ને હાથીને કણ,
વાદળમાં અનાજ ઉગે એવું ન બને.
પક્ષીઓ ચાલેને પશુઓ ઉડે,
ગગનમાં ફુલે ઉગે એવું ન બને.
બહારમાં ખીજા ને પતઝડમાં હવા,
ખેતરમાં ચાંદ ઉગે એવું ન બને.
સાગરમાં ધાન ને ધરામાં પાણી,
ધરતીમાં તારા ઉગે એવું ન બને.
સૂર
દિલથી દિલ મળી ગયા છે,
સુરમાં સુર ભળી ગયા છે.
સૂની પડી જાય મહેફીલ,
જો શમાનો ચહેરો કરમાય.
અટકી પડે આખુંય વિશ્વ,ં
જો તારું દિલ ક્યાંક દુભાય.
હૃદયમાં ઠેસ કોકને લાગે,
તો તાર તૂટી જાય વીણા ના.
બે અભાવ ભેગા થાય છે,
તો ભાવ જન્મે છે પ્રેમનો.
ફળફૂલથી ભરેલો આ બાગ,
ભંવરા ના ગાથી ગુજી ઉઠે.
સખી પ્રેમમાં જીવનારાઓનો,
પ્રેમ ક્યારેય ખૂટતો જ નથી.
મનાવવા
મળી હતી ન નજર ને જવાનું થયું,
મળ્યા હતા ન દિલ ને જવાનું થયું.
હમણાં તો હજી મિલન થયું અહીને,
આરંભ થતા પહેલાને જવાનું થયું.
માંડ માંડ છુપાવી નજર આવ્યાને,
પગવાળી ને બેઠા ને જવાનું થયું.
આમ સમયન બગાડો રુઠવામાં,
મનાવતા પહેલા તે ને જવાનું થયું.
મજાકમાં સમય પસાર થઈ ગયો,
દિલની વાત કહેતા ને જવાનું થયું.
જોખમ તો છે જ આ મિલન પણ,
દુનિયા નજર પડે ને જવાનું થયું.
ગાંઠવાળી અબોલા ન તોડવા,
અચાનક વચ્ચે ને જવાનું થયું.
થોડું પૂછવાનું, થોડું કહેવાનું ને,
વાતની શરૂઆતને જવાનું થયું.
ધૂંટતા વાત દિવસોથી રહી ગઈ,
ચાર નજર મળીને જવાનું થયું.
સવાલ જવાબમાં વીતી પળો,
જવાબ મળે પહેલા ને જવાનું થયું.
લોક લાજની પરવા શીદ કરવી,ં
લાજ કાઠતા પહેલા ને જવાનું થયું.
સખી મિલન આપણું અધુંરું રહ્યું,
વફાના એકરાર થતા ને જવાનું થયું.
ધબકાર
હજીયે હૃદયના ધબકાર ચાલે છે,
હજીયે શ્વાસ તો અવિરત ચાલે છે.
ગતિ ન રોકી શક્યાં કાળની ભલા,
સમયની રફતાર આમ ચાલે છે.
રોકવા માગતા હતા વહી ગઈ ક્ષણ,
ઉડે ઉડે એ જ કસમક્સ ચાલે છે.
શૂળ જેવું ભોકાયું કોઈ હૃદયમાં,
ગભરાયા કાં હજી શ્વાસ ચાલે છે.
આંખ હમણાં ખોલી લાગણીએ,
ઉષાની પહેલી કિરણ ચાલે છે.
આશ લગાવી બેઠા થા મિલનની,
શરમાતી લજાતી મુગ્ધાં ચાલે છે.
ક્ષિતિજની પેલે પાર છે મંઝિલ,
પહોંચવાને શિખર પગ ચાલે છે.
ઈચ્છા પર કોઈ લગામ ન રખાય,
તેથી તો અંદર યુદ્ધ ચાલે છે.
મહેફિલ સજાવવા જલાવી યાદ,
શમા તો આમ રાતભર ચાલે છે.
સખી શ્વાસને આરામ ન હતો,
તે તો મૃત્યુ સુધી જ ચાલે છે.
ધીરજ
પ્રિતી કરી ને રાહ જોવાની,
દિલ ખોઈને રાહ જોવાની.
આ તે કેવી છે લેવડ-દેવડ ?
હૈયું લુટાવીને રાહ જોવાની.
આવડે તો કર પ્રેમ નહિ તો,
તે તો રમત છે રાહ જોવાની.
રાધાને વળી વેદના કઈ ?
તેને ટેવ જ છે રાહ જોવાની.
મીરાની ભક્તિમાં આશ,
તે કૃષ્ણની રાહ જોવાની.
અર્જુન છે આકુળ વ્યાકુળ,
તેને ક્યાં ધીરજ રાહ જોવાની.
વાંસળીના સૂર તો પુકારે,
ચાહ હોય તો રાહ જોવાની.
કણ કણમાં સમાયેલાં છે,
પછી શાને કાજે રાહ જોવાની ?
સૂરત ઝંખે પ્યારી નજરને,
મીઠી નજરની રાહ જોવાની.
કામણગારા નયનોના કામણ,
નજરમાં સમાવા રાહ જોવાની,
વહી ના જાય આંસુ સાથે,
હજીય બે ઘડી રાહ જોવાની.
સોળે શણગાર સજેલા આજ,
સજાવી હૈયાને રાહ જોવાની.
બીછાવી ફુલોની જાજમ તો,
તેના સ્વાગતની રાહ જોવાની.
આનંદથી ઉભરાય ગભરાય,
ધીરજ ખૂટી છે રાહ જોવાની.
પાગલ મન ઉતાવળું ન થા,
પ્રેમમાં માં તો છે રાહ જોવાની.
સખી નજર તરસે આજ,
ક્યાં સુધી છે રાહ જોવાની.
હેલી
ક્યારેક ગુસ્સો ક્યારેક ગાજવીજ,
આ તે કેવું રુદ્ર રુપ ધયું છે આજ ?
ક્યાંક દુકાળ ક્યાંક અતિવૃષ્ટિ,
આ કેવી હેલી એ વાદળ છે આજ ?
ક્યારેક ઉજાળતો ક્યારેક ઉગાડતો,
આ તે કેવું રૂપ વરસાદનું છે આજ ?
ક્યાંક પુરને ક્યાંક તરસતા પાણી,
આ તે કેવી લીલા તે કરી છે આજ ?
ક્યારેક હરીયાળી ક્યારેક ફાટેલી,
આ કેવી દશા ધરતીની કરી આજ ?
ક્યાંક ફસાયા ક્યાંક જાનથી ગયા,
આ કેવી શિક્ષા જગને કરી આજ ?
ક્યારેક સ્પંદન ક્યારેક ઉગ્રતાને,
આ કેવી હાલત માનવની કરી આજ ?
ભસ્મ
ભસ્મ થઈ જાય ભલે તેની પડી નથી,
ખત્મ થઈ જાય ભલે તેની પડી નથી.
જિંદગીમાં પૂછવા જેવું હોતું કાંઈ નથી,
રાખ થઈ જાય ભલે તેની પડી નથી.
ભીની આંખોમાં આજ આંસુ નથી,
સૂકી થઈ જાય ભલે તેની પડી નથી.
સપનાંની વાત પૂછવા જેવી નથી,
તૂટી થઈ જાય ભલે તેની પડી નથી.
મંઝિલ તો પ્રેમની કોઈ દૂર નથી,
છેટી થઈ જાય ભલે તેની પડી નથી.
લાગણી દબાયેલી હૈયામાં ક્યાંક,
ઘૂંટાઈ જાય ભલે તેની પડી નથી.
સફર અચલ અવિરત ચાલતી રહેશે,
દુરી થઈ જાય ભલે તેની પડી નથી.
તોફાનોનો ખોફ નથી રહ્યો હવે,
ખલાસ થઈ જાય ભલે તેની પડી નથી.
શ્વાસ દમ લઈ રહ્યા છે ઈન્તજારમાં,
ખત્મ થઈ જાય ભલે તેની પડી નથી.
રગ રગમાં લોહીનાં વમળો ઉમટ્યાં,
ફંટાઈ જાય ભલે તેની પડી નથી.
હશે જીગરમાં હામ ચાલતા રહીશું,
સૂના થઈ જાય ભલે તેની પડી નથી.
સખી તારી યાદમાં જીવી લઈશું,
છુટા થઈ જાય ભલે તેની પડી નથી.
થાક
વગર ચાલે શય્યામાં થાક લાગે છે,
ભવોભવનો હવે જાણે થાક લાગે છે.
આદીથી અજવાળતો આવ્યો સૂરજ,
તેને અગનથી હવે જાણે થાક લાગે છે.
ચાંદનીની શીતળતા અર્પે અવિરત,
તેને ઠંડીથી હવે જાણે થાક લાગે છે.
સાગરના ઉછળતા મોજા અથડાય,
તેને ભરતીનો હવે જાણે થાક લાગે છે.
વસંતમાં સ્પર્શ છેદે વૃક્ષોને અહીં,
તેને સ્પર્શનો હવે જાણે થાક લાગે છે.
વૈશાખી વાયરાઓ ભડભડતા તાં,
તેને વાયુનો હવે જાણે થાક લાગે છે.
ધરતી ઝીલી રહી કેટકેટલા ભાર,
તેને બોજ તો હવે જાણે થાક લાગે છે.
જિંદગીના સહારા છૂટી ગયા અહીં,
તેને શ્વાસનો હવે જાણે થાક લાગે છે.
હેલી ચડી ગગનમાં વીજળી ચમકી,
તેને વર્ષાનો હવે જાણે થાક લાગે છે.
મહેફિલની રોશની તો બુઝાવા લાગી,
તેને શમાનો હવે જાણે થાક લાગે છે.
સખી ઈન્તજાર કરી થાક્યાં છે અહીં,
તેને તારાથી હવે જાણે થાક લાગે છે.
ગતિ
સમય તો ધરતીની ગતિ,
સમય તો જિંદગીની ગતિ.
સમયના પંજામાં સૌએ,
સમય તો શીશીરની ગતિ.
સમયનું વહેતું ઝરણું આ,
સમય તો નદીઓની ગતિ.
સમય તો રણનું મૃગજળ,
સમય તો રેતીની ગતિ.
સમય તો દરિયાઈ મોજા,
સમય તો ભરતીની ગતિ.
સમય તો વાયરાનો વાયુ,
સમય તો વાયરાની ગતિ.
સમય સમય અને સમય
સમયનું નામ જ છે ગતિ.
દિવાલ
શહેરમાં ગલીએ ગલીએ ફર્યા,
તો પણ ન જડ્યું ખાલી મકાન.
ચારેકોર ઉચા બહુમાળી મકાન,
તો પણ ન જડ્યું ખાલી મકાન.
ક્યાં નગર વસ્યા નથી ખબર ?
તો પણ ન જડ્યું ખાલી મકાન.
દુર દૂર સુધી લાંબી કતારો આ,
તો પણ ન જડ્યું ખાલી મકાન.
જમાનો
છે પેલે પાર મંઝિલ મારી ત્યાં પહોંચવાનું,
છે પેલે પાર સખી મારી ત્યાં પહોંચવાનું.
લાગણીની શોધ સતત ચાલતી રહે છે,
છે પેલે પાર સૃષ્ટિ મારી ત્યાં પહોંચવાનું.
હરિયાળી જિંદગી જોઈ લીધી છે અહીંયાં,
છે પેલે પાર નાવ મારી ત્યાં પહોંચવાનું.
જામ તો પી લીધા જુદાઈની મસ્તીમાં,
છે પેલે પાર શમા મારી ત્યાં પહોંચવાનું.
આંખોની ભીનાશ સપનાંની ધારા વહે,
છે પેલે પાર આંખ મારી ત્યાં પહોંચવાનું.
ઘટાદાર વૃક્ષો છાયડા પાથરી રહ્યા છે,
છે પેલે પાર છાય મારી ત્યાં પહોંચવાનું.
જમાનો વીતી ગયો યાદો સમેટી લીધી,
છે પેલે પાર યાદ મારી ત્યાં પહોંચવાનું.
સખી સફર મારી હજી ધણી દુર તો છે,
છે પેલે પાર સનમ મારી ત્યાં પહોંચવાનું.
ફીકર
નારાજગી તારી બેઈમાની છે,
બેફિકરી તારી બેઈમાની છે.
શું શું કહ્યું તારી દશા એ ?
શ્વાસમાં તારા બેહાલી છે.
કહ્યું તો ખરું ન પીશું જામ,
અવાજમાં સચ્ચાઈ બોલે.
વિશ્વાસ કરેલ વાતો પર,
ઉડે ઉડે એક ફિકર તો છે.
આજ તો ન પીશે જામ,
કાલે કોને હવાલે જામ ?
કદાચ સમજી ન શક્યાં,
દુનિયાદારી નાદાનીમાં.
સખી હૈયામાં જો હશે,
તસ્વીર, ન પીશે જામ.
મિલન
નવા રંગ બદલીને મૌસમ આવે જાય છે,
ફૂલ ક્યછાં જાય છ ? ફરી તો ઉગી જાય છે.
કદાચ થોડા દિવસ લાગશે દર્દ ને ભૂલતા,
હરપળ યાદ આવનાર ક્યારેક યાદ આવે.
મુલાકાત તો ધીમે ધીમે ધી રહી આમ,
પહેલા તો સપનાંમાં મિલન થતા હતા.
આંખોમાંથી જે પ્રેમ છલકતો હતોને,
હવે રસ્તા પર આવી ગયો છે આ પ્રેમ.
બધુ બદલાવા માંડ્યું આજકાલ તો છે,
કોઈ ગમ ભૂલવા આંસુ કોઈ જામ પીએ.
કહેવું સહેલું ને નિભાવવું ખૂબ અધરું છે,
વચન આપીને નિભાવવા ના થોડા છે.
સખી ઉદાસી ખંખેરીને ચાલવા માંડ,
આજ નહિ તો કાલ મંઝિલ જરુર મળશે.
લહેર
કિસ્મતના ખેલ છે આ જિંદગી,
કિસ્મતના હાથમાં આ જિંદગી.
કોઈ સુખીને કોઈ વળી દુઃખી,
કોઈ હસતું ને કોઈ વળી રડતું,
કોઈ લહેરમાંને કોઈ કોઈ ગમમાં,
દુનિયામાં ક્યાં લીલા લહેર છે,
કિસ્મતના સાથમાં આ જિંદગી.
ક્યારેક તાપને ક્યારેક ટાઢ,
ક્યાંક શિખરને ક્યાંક તળેટી,
ક્યારેક ભરતીને ક્યારેક ઓટ,
સમયનું ચક્ર નિત ચાલતું રહે,
કિસ્મતના ફેરા છે આ જિંદગી.
શિખર
પગ પાલતા રહે એ જ બસ છે,
હૃદય ધબકતું રહે એ જ બસ છે.ં
અંતની હવે મને કાંઈ પડી નથી,
કિનારાની ચાહત એ જ બસ છે.
શિખર પાર કરવા હૈયું થનગને,
ધીમે ચઢતા રહે એ જ બસ છે.
હોઠો પર સ્મિત સદા રમતું રહેતું,
હૈયામાં હામ રહે એ જ બસ છે.
જિગરમાં ભલે શૂળ ભોકાતું અહીં,
મસ્તીમાં મસ્ત રહે એ જ બસ છે.
જિંદગી તો ખુદાની બક્ષિસ છે,
હસતી રમતી રહે એ જ બસ છે.
સખી ચિંતા છોડ ઉપરવાળો છે,
કામ કરતા રહે એ જ બસ છે.
કારીગર
કુદરતની કરામત તો જૂઓ,
કુદરતની કારીગરી તો જૂઓ.
ઉનાળે શેકાય ને શિયાળે ટાઢે,
કુદરતની રમત તો આ જુઓ.
વાદળ આભમાં આવે ક્યાંથી,
કુદરતની મહેરબાની તો જૂઓ.
ફૂલમાં સુગંધને રંગ મૂક્યા,
કુદરતની રંગોળી તો જૂઓ.
દરિયામાં રહેવા છતાં ન ડૂબે,
કુદરતીની તાસીર તો જૂઓ.
હવામાં ઉડે છતાં ન પછડાય,
કુદરતની મમતા તો જૂઓ.
વસંત જાય ને પતઝડ આવે,
કુદરતની નિયમતતા જૂઓ.
ભરતી ઉછાળે ઓટમાં સમાવે,
કુદરતની લીલા આ તો જૂઓ.
સૂરજના કિરણો અજવાળે,
કુદરતની ભાવના તો જૂઓ.
સમી સાંજે હૈયાને પંપાળે,
કુદરતનું વ્હાલ તો જૂઓ.
ચાહત
મારી આંખોને પૂછશો ના શાને વહે છે આજ,
મારી પાંપણને પૂછશો ના શાને વહે છે આજ.
આંસુ વહે યાદમાં જેનાથી કોણ છે અજાણ,
મારી નજરને પૂછશો ના શાને વહે છે આજ.
ઉજાગરાથી ભારે આંખો ચાડી ખાય દિલની,
મારી પ્યાસને પૂછશો ના શાને વહે છે આજ.
છૂપાવી જે તસ્વીર ક્યાંક ભૂસાઈ ન જાય,
મારી ખોજને પૂછશો ના શાને વહે છે આજ.
કિનારની શોધમાં વહેતી જિંદગીની નાવ,
મારી આશને પૂછશો ના શાને વહે છે આજ.
લાગણીઓના પૂર ઉમટ્યાં આ દિલમાં,
મારી ઊર્મિને પૂછશો ના શાને વહે છે આજ.
સુખી બેહોશીમાં જીવતો રહ્યો જીવનભર,
તારી ચાહતને પૂછશોના શાને વહે છે આજ.
આશરો
ગઝલએ વળાંક આપ્યો મારા વિચારોને,
કલમ એ વળાંક આપ્યો મારા વિચારોને.
મીંચી આંખ વિચારું ને હું દૂર તણાઈ જાઉં,
કાગળ એ વળાંક આપ્યો મારા વિચારોને.
નિહાળી રહું સૃષ્ટિને ક્ષિતિજ ની પાર,
હૃદયએ વળાંક આપ્યો મારા વિચારોને.
પાંદડે પાંદડે વસંત ખીલી ઊઠી છે આજ,
વસંતએ વળાંક આપ્યો મારા વિચારોને.
ટહુકો સાદ આપે ને કળીઓની ફાટી ચાંચ,
સૂર એ વળાંક આપ્યો મારા વિચારોને.
થોડી સમજ પડી સમય જતાં કવિતામાં,
ખૂદ એ વળાંક આપ્યો મારા વિચારોને.