કરણ ઘેલો
ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા
નંદશંકર તુળજાશંકર મહેતા
ભાગ - ૧
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•પ્રકરણ ૧
•પ્રકરણ ૨
•પ્રકરણ ૩
•પ્રકરણ ૪
•પ્રકરણ ૫
•પ્રકરણ ૬
પ્રકરણ ૧ લું
એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈસવી સન ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષવિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રગટ કીધું કે ઈસવી સન ૧ર૯૭માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી-પાટણ એ નામથી ઓળખાય છે. પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું. એવી ઘણી જ થોડી નિશાની માલૂમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થર નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કૂવા, તળાવ, દહેરાં વગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈએ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી જે તેઓમાંનાં થોડાંક બચેલાં છે તેઓ ભાંગીતૂટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તોપણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી ૭૦૦ વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેનાં મહત્વ તથા શોભા વિશે ઘણાએક કવિઓ તથા ઈતિહાસકર્તા લખી ગયા છે. કુમારપાળ ચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે.
“અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૧ કોસનો હતો; અને તેમાં ઘણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલાં, ચોરાસી ચૌટાં અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળા હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં જુદાં ઠેકાણાં હતાં. તેમજ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી. નાણાવટીનું એક જુદું ચૌટું હતું. નહાતી વખતે ચોળવાની તથા સુગંધીદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારીગરોનું એક, સોનીઓનું એક, રૂપના ઘાટ ઘડનારાઓનું એક ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં. લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં. પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક જાવક તથા વેચાણનું મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપૂર, ધાતુઓ તથા તે શહેરની અને બીજા શહેરોની પેદાશની હરેક કીમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાહતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસૂલ ઊપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દૂધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈન ધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નાળિયેર, જાંબુડા, ચંદનવૃક્ષ, આંબા વગેરે ઝાડોની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વીંટળાયેલા જાત જાતના વેલાઓ હતા; અને તેઓની પાસે અમૃત જેવાં મીઠાં પાણીના કુંડ હતા. અહીં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખોટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી. અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું. અને ઘંટવાળા હાથીઓની પણ કાંઈ કસર ન હતી.”
ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તોપણ એટલું તો ખરું કે, અણહિલપુર પાટણ એક વાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈસવી સન ૧ર૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેર ઘેર બારણે તોરણ બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથિયા પૂરેલા હતા. રસ્તામાં લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતિયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલીએક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મની કીધી હોય એવું એવું તઓનાં મોં ઉપરથી જણાતું હતું. ચોમાસું બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાઢી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા; અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો; અને તે ઉપર એક મેડી હતી. તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી. દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખૂબસૂરત સાથિયા પૂરેલા હતા, તે ચોગાનની ચારે બાજુએ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફનીમાં હાથી, ઘોડા, રથ વગેરે વાહનો રાખવામાં આવતાં હતાં; એક તરફ ગામના પટેલ, વાણિયા વગેરે બીજા લોકો, જેઓ રાજા પાસે ઈન્સાફ માગવા આવતા તેઓ પડી રહેતા હતા. એક તરફ કારકુન, દફતર ઈત્યાદિ હતા; અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ, ચોકીદાર વગેરેને બેસવાની જગા હતા. એ દેવડીમાં છ ફીટથી ઊંચા, શરીરે મજબૂત, વિકરાળ મોંના, માંજરી આંખના, અને ભૂરા નિમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા. શરીરે ઠીંગણા પણ બાંધાદાર, અને કમરે તીરકામઠાં બાંધેલા કોળી; કાળા, જુસ્સાવાળા, લૂંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તોપણ શૂરા રજપૂત સિપાઈઓ બેઠા હતા. ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, ફૂલ, જાનવરો, માણસો વગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તોપણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા - એટલે પરસાળ-માં માળ ઉપર જવાની પથ્થરની સીડી હતી, અને તેમાં ઘણાએક ઘરના ચોકરો બેસી ગપાટાસપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે ઓરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો; અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખોસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે આંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસી પાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા. તે દહાડે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો; બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડાતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલાઈથી બળે નહીં એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરાં જે તેમાંથી જે ધુમાડાના ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે જે મોટા તાપના ભડકા થતા હતા. તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડાંવાળા પણ ગૌર વર્ણના અને ખૂબસૂરત નાગર ગૃહસ્થો તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચીતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યાનો કુશળ પુરુષ જરૂર જોઈએ.
જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી; તે સિવાય તે ઘણાંએક પરગણાંઓ ઈજારે રાખી તેઓની આમદાની વસૂલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉંમર આશરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી, તેનું શરીર ખાધેલ પીધેલ હતું; અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું. એટલું જ નહીં પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયા કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડૂતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસૂલ કરવામાં આવતો હતો. એ વગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી. તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઊંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખ્સ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરિયા ઉપર ચલાવતો. તેની પઢીઓ ગામે ગામ હતી. સાખ એટલી તો હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેના વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મોં જોઈને ઘણું ગૂંચવાયા વિના રહે નહીં. પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છોે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી ચો હતી કે તેનું પેટ ઝૂલી ગયું હતું અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષ સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે. તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઊંચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મોં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનુંરૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે હીરામોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તોપણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.
નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો. તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો. તેના શરીર ઉપર ફક્ત ધોતિયું તથા ઘણી ઉમદા કાશ્મીરી શાલ હતી. હાથે હીરાની પહોંચી તથા બાજુબંધ હતા, અને આંગળીએ હીરા, માણેક વગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે કેટલીક વટાણા જેવડાં મોતીઓની માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા. તેના દેખાવ ઉપરથી માલૂમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું. તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તોપણ તેનું વલણ કાંઈ એક જાડાશ ઉપર હતું. તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો; તેનું મોં જરા લંબગોળ હતું અને નાક-કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી. આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું. તે કરણરાજાનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પૂતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો. એ કારણથી સઘળા લોકો તેનાથી દબાઈને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.
હવનનું કામ હવે પૂરું થવા આવ્યું. છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગ્રત કીધો. બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા, સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળી ગડબડાટ થઈ રહી. કુંડમાંથી અગ્નિનો ભભૂકો ઊઠ્યો, અને માતાને છેલ્લું બલિદાન આપવામાં આવ્યું. તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગા ઉપરથી ઊઠીને કૂદવા લાગ્યાં. થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજ્યાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઊઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી. તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તોપણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓ તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોઢ્યા, હવનની આશકા આપી, આશીર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સાઘળા મોટી ઉંમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કૂતરાની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો એટલે તેઓ ભોંય ઉપર સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બૂમાબૂમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગ તળે છૂંદાય નહીં તે બાબત તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બિચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમ્મત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ સગયાં, તથા હવન પૂરો થયો એટલે ઘણાખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘરે ગયા. બૈરાં પોતાને ધંધે વળગ્યાં. બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વગેરે જે કાંઈ મળ્યું તે ધોતિયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા. તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ તથા વિજ્યાદત્ત પંડ્યા બેસી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તરત ઊઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહીં તેથી તેઓ પ્રધાનજીના પટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકિયે અઢેલીને બેઠા. થોડી વાર ચૂપ બેઠા પછી માધવ બોલ્યો : “ગોર મહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડગોટાતો વાળ્યા નથી ! કેમ કે આજે ઘણે ઠેકાણે હવન થવાના અને બ્રાહ્મણોને કમાઈનો દહાડો એટલે તેઓને ઉતાવળ તો ખરી જ, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પૂછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”
આવા બોલ સાંભળીને ગોર મહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓને ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરોબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ. પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખત્યાર રાખવાની ટેવ પડી હતી; તેથી ગુસ્સો દબાવી દઈને તથા મોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો ‘‘યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મોંમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે; અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે. જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જિંદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જ ઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઊંધી ગયેલાછે. જાગતીજોત અંબામાતા છે; તેનો પરચો કેટલો છે તે સઘળાને માલૂમ પડે છે. માતાનાં રૂપ જુદે નુદે વખતે જુદાં જુદાં દેખાય છે; એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરું પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ્જ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે, તોપણ માતાના ધામમાં બકરાં, મરઘાં, પાડા વગેરેનું બલિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે; અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈ પણ વખતે માંસભક્ષણ કરતા નથી તેઓ દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે; અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મૂકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોકો જાય ત્યારે તેઓને કેટલી હોશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહીં. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહીં. માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રિના નવ દહાડા સમીસંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય,અને તેને તે વર્ષમાં કાંઈ રોગ થયા વિના રહે નહીં. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ્ય તથા પરચો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે ? બાપજી ! બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારું હૈયું ઊભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ. શી વાત કહેવડાવો છો ? બાપજી ! બ્રાહ્મણ બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો. રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઊઠી ગઈ. પરમેશ્વર ન કરે, પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર, દિલ્હી તરફ મ્લેચ્છ લોકો હિંદુ રાજાને ધૂળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું; અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ. પણ હજી આગલા રાજાનાં સુકૃત આડાં આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.
જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધી પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થલ વધારે પવિત્ર ગણાય છે. તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જુએ છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે, પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતિ નદી પૂર્વ તરફ વહે છે ત્યાંથી તો તે એક હાથ આઘું છે, એમ લોકો માને છે. એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા. જ્યાં ગંગા યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા; સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસો કાન્યકુબ્જમાંથી; સૂર્યસરખા તેજસ્વી સો કાશીથી; બસો ને બોત્તેર કુરુક્ષેત્રથી; ગંગાદ્વારથી સો; નૈમિષારણ્યથી સો; અને કુરુક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીસ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત્ કીધા, અને તેઓએ તેને આશીર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો : “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મળ્યો. મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદી જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બોલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારુ અમે તે લઈએ ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસે બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશ વાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહીં.” રાજા બોલ્યો. “હું તમારું રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યા : “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ ! જો તમારી દાન કરવાની ઈચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહી સુખેથી રહેશું. જે સોનું, રૂપું હીરા વગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વગેરેના હાર ટાંગેલા રથ તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યમાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોશમાંનાં બીજાં કેટલાંકએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજૂર કીધી અને બાલક (ભાલ) દશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં. તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજા પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માંગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તો ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજ્યાદત્ત મહારાજ મોટો નિસાસો મૂકી ચૂપ રહ્યા.
બ્રાહ્મણનું એટલું દુઃખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડૂત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહં. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી. ખેડૂત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. ઓણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાં પણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી-ઠોકીને લેવામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદ વડે અનાજ જુદું પાડે છે, પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણિયા, ખેડૂત અને ચોકીદાર, એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તો અનાજનો ચાળીશમો ભાગ રાજાનો જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણિયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારુ, કૂતરાંને માટે અને એમ બીજા ઘણાએકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પુરું થાય ત્યારે ખેડૂત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડૂત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડૂતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડૂત ઉપર ફાળો નાખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથીકેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે. એ ્રમાણેનો કર એક વર્ષમાં લેવામાં આવે છે. અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈ એક ગામની આમદાનીમાંથી કેટલાક રૂપિયા વસૂલ કરી લે છે. ખેડૂત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પૂછવું જ શું ? મંત્રી કહે છેે કે કાંઈ પણ છૂટ મૂકવામાં આવશે નહીં. તમે રાજા આગળ જઈને છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તોપણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવાની નહીં; અને એ વિચારને તે મજબૂતી આપવાને વારેવાર આ કહેવત કહ્યાં કરે છે કે “રૈયત રજા રામચંદ્રની પણ નથી.” પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે; રૈયત વડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી, તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેઓ અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો. તેણે તમામ મિલકતવાળા ખેડૂતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજૂ કીધા. રાજાનો પાટવી કુંવર મુળરાજ સત્યવાદી તથા એકવચની હતો. એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતો હતો તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફત ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એક વાર મુળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવાનું વચન આપ્યું. મુળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું. રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબૂલ કરી તેઓને બંદીખાનામાંથી છોડી મૂક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા. તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી. પણ તે બિચારો મુળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડૂતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડૂતોએ કાલાવાલા કરી માગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને તેની આમદાનીમાંથી મુળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરુષપ્રાસાદનું દહેરું બાંધવું. ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મૂંગો રહ્યો.
માધવે વિજ્યાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ લઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પૂછ્યું, “કેમ શાહ ! તમારે કાંઈ દુઃખ રડવું છે ?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તના મનમાં એવં હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તોપણ કાંઈ બોલવું તો જોઈએ, માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો. “મેં ઓણ સ્થંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણું એક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવપટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફ લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કૂટી કાઢીશું. ઓણ મળત તો વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચિયા લોકો લૂંટી ગયા. તોપણ એટલું ભાગ્ય કે સોનાની મહોર સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહીં તો ઓણ દેવાળું કાઢવાનો વખત આવત. બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ અ ચાંચિયા લોકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારું, નહીં તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે. વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારું. તમે શાણા છો એટલે વધારે બોલવાની જરૂર નથી. તોપણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે માગ્યા વિના મા પણ ન પીરસે.”
માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખય મતલબ હતી. માઘવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાનથી ઊતરલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો. તેની ઉંમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહલાં તો લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. પહેલાં ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી. ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશિયારી તથા કાવતરાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદીએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકીવખતે ખુશ કરવાનું કામ હંમેશા મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ, લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંશ હતી; તોપણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો, તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણિયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમના હક્ક ખોટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેમની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી. એ બધું કરવાની સાથે પોતાને વાસ્તેા દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પક્કો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા ઝીંઝીુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી. પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડિયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મૂકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. તેમ થવાને ઘણો સંભવ ન હતો. કરણ જય કરી આવે, જો કેટલાક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અન તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો બ્રાહ્મણોને રાજી કરાય,તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડૂતોને છૂટ આપવામાં આવ, તથા જેઠાશાનો માગેલો દાણનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહીં થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશક્ય; માટે રાજને રીઝવીજેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરુની શય્યા ઉપર સૂવું એ બે બરોબર હતું. જ્યારે સઘળાં નાખુશ રહે, અને રજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરીને મોત કે કમોતે મરવું અ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં, અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શક ઉત્પન્ન થતો હતો. કાળુંધોળું કરી પૈસા મેળવવા તે કોન વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે. પિત્રાઈઓની તેની દોલતને માટ લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહીં, એટલું જ નહીં પણ ઊલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતો હોય તેવું દુઃખ થતું વળી હિંદુ શાસ્ત્ર પ્રમાણે જેને પુત્રપરિવાર નહીં તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મૂકનાર, તથા મૃત્યુસંસ્કાર કરનાર કોઈ નહીં તેથી તેની મૂઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો. પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે. માધવને પોતાના વંશ તરફથી કાંઈ આશા ન હતી, તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ મળ્યો ન હતો; તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પૂછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધૂણવાથી હજારોનાં નસીબ ખૂલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તોપણ તે જ્યારે ભવિષ્ય ઉપર વિચાર કરતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.
પ્રકરણ ર જું
અશ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મહાવતો હાથીને તે પ્રમાણે કરવામાં, તમજ રાજાના બીજા નોકરો રથ તૈયાર કરવામાં કામે વળગી ગયા હતા. ખવાસ, ગોલા, રાજાના ભાંડ, મલ્લ વગેરે લોકો પોતાનાં વાહનને માટે મોટી ફિકરમાં દેખાતા હતા. તે દહાડાને વાસ્તે સારાં લૂગડાં તૈયાર કરાવવાને દરજીને ત્યાં દોડાદોડ થઈ રહી હતી. શહેરના સઘળા દરજી, ધોબી તથા મોચી તે દહાડાની આગલી રાત્રે જરા પણ સૂતા ન હતા; તેઓની સાથે તેમના કેટલાક અધીરા ગ્રાહકો પણ જાગરણ કરવા લાગ્યા હતા; તેમ છતાં પણ સવારે તેઓની દુકાને એટલી તો ભીડ થઈ રહી હતી કે કોઈ છૂંદાઈ ન ગયું એ આશ્ચર્યકારક હતું. શહેરમાં ચોમાસાના વરસાદનું પાણી બહાર જવાને મોરીઓ છૂટી મૂકી હતી તે સઘળી લોકોએ તે સવારે બંધ કરી દીધી હતી, તેથી તે રસ્તો આરસી જેવો સાફ થઈ ગયો હતો. તે ઉપર પાટણની સુંદરીઓ નાના પ્રકારના રંગ લઈને હાથ વડે તથા લાકડાનાં બીબાં વડે રમણિક સાથિયા પૂરતી હતી, અને કોનો સાથિયો સારો પુરાય છે તે બાબતે માંહોમાંહે સ્પર્ધા કરતી હતી. શહેરમાં સઘળે ઉત્સવ થઈ રહ્યો હતો, અને પૂર આનંદમાં સ્ત્રીઓ સારાં લૂગડાં, ઘરેણાં પહેરીને મહાલતી હતી. અને વખતે વખતે તેઓના હૈયામાંથી હર્ષ ઊભરાઈ જતો હોય એમ તેઓનાં ગીત ગાવાથી જણાઈ આવતું હતું. સઘળી નિશાળોમાં છુટ્ટી હતી તેથી છોકરાંઓનાં મોં આનંદથી ભરપૂર હતાં; અને આણીગમ તેણીગમ દોડીને, કૂદીને અને એવું બીજું નાના પ્રકારનું તોફાન કરીને તેઓ હર્ષને બહાર જવાનો રસ્તો આપતા હતા. જે ચૌટામાંથી સવારી જવાની હતી તે ચૌટાંમાંના દુકાનદારો, સવારી જોવા આવનાર લોકો તેઓની દુકાનના ઓટલા ઉપર બેસવાનું ભાડું આપશે એ ઉમેદથી ઘણા ખુશમાં હતા. મીઠાઈવાળા, માળી, રમકડાંવાળા, ખાવાનાંવાળા અને બીજા કેટલાકોને તે દહાડે સારો વકરો થવાનો તેથી તેઓ પણ ઘણા જોશભેર ચાલતા હતા. છેલ્લે, જઓ નવ દહાડા ફળાહાર અને અપવાસ કરીને રહેલા હતા, અને જેઓ તે સવારે ચીમળાયલા તથા ભૂખ્યા વરુના જેવા બેઠા હતા તેઓ પણ આજે પારણાનું મિષ્ટાન્ન મળશે એ જ વિચારથી ઘણા આનંદભેર દેખાતા હતા.
રાજમહેલ અથવા રાજપીઠિકા કિલ્લામાં હતો; અને તેને લગતા બીજા ઘણાએક મહેલો હતા. મુખ્ય મહેલ જમીનથી પ૦ ગજ ઊંચો હતો. તે કાળા પથ્થરનો બનાવેલો હતો; અને તેમાં ઘણેક ઠેકાણે સ્ફટિકના પથ્થર વાપરેલા હતા. તે ચોખૂણાકાર હતો. ફરતા કોટમાં ઠેકાણે ઠેકાણે અષ્ટખૂણ બુરજો હતા, અને તેઓના ઉપર ઘુંમટ કીધેલા હતા. આગલા દરવાજાનું નામ ઘટિકા હતું, અને તે દરવાજાની સામા ધોરી રસ્તા ઉપર ત્રિપોલ્ય એટલે ત્રણ દરવાજા હતા. મહેલની ઉપર જમીનથી આશરે રપ ગજને અંતરે મહેલની તમામ લંબાઈ જેટલી એક અગાશી હતી. તે ઉપરથી આખું શહેર નજરે પડતું હતું. એ અગાશીની નીચે ઘણાં સુંદર કમાન હતાં, અને તેઓની બે બાજુઓએ કીર્તિસ્તંભ હતા. દીવાલો ઉપર ઘણી જ સુંદર નકશી કોતરેલી હતી, અને રામ તથા રાવણની લડાઈ, મહાભારતની લડાઈ, કૃષ્ણનો રાસ વગેરે ઘણાંએક ચિત્રો દોરી કાઢેલાં હતાં. મહેલની ભીંતો ભભકાદાર જુદાજુદા રંગોથી રંગેલી હતી, અને તેઓ ઉપર કેટલાએક તખ્તા તથા મોટા-મોટા આરસા જડેલા હતા. તે દિવસે સૂર્યોદયની તૈયારી થતાં જ રાજ્યમહેલમાં ચોઘડિયાં વાગ્યાં, નોબત ગડગડવા લાગી, તથા શંખનાદ થયો એટલે રાજાએ શય્યાથી ઊઠી પોતાના વહાલા ઘોડાને બહાર કઢાવી થોડોએક ફેરવ્યો. પછી દાતણ કરી સ્નાન કીધું; અને પોતાના ઈષ્ટદેવ શિવની પૂજા ઘણાએક બ્રાહ્મણોની સમક્ષ કીધી. પછી બ્રાહ્મણો વેદના મંત્રો ભણ્યા તેમને રાજાએ ધારા પ્રમાણે દક્ષિણા આપી. બહાર જે હજારો ગરીબ ભુખે મરતા ભિખારીઓ એકઠા થયા હતા તેઓને અનાજ આપવાનો હુકમ કીધો. એ કામ થઈ રહ્યા પછી લુગડાં-ઘરેણાં પહેરીને પોતે દરબારમાં જવા નીકળ્યો.
જે વિશાળ ઓરડામાં દરબાર ભરાયો હતો તે ઘણો જ લાંબો, પહોળો તથા શોભાયમાન હતો. તેમાં સ્ફટિકના કીર્તિસ્તંભો હતા. ભોંય ઉપર મોટી ગાદી પાથરેલી હતી, અને તેના ઉપર સફેદ ચાદર બિછાવેલી હતી. બાજુઓ ઉપર તકિયા મૂકેલા હતા અને જે બાજુ તરફ રાજગાદી હતી તે તરફ રાજાના કામદારોને માટે તેઓના જુદાજુદા હોદ્દા પ્રમાણે વધારે અથવા ઓછી ઊંચાઈની બેઠકો બનાવેલી હતી. રાજાની ગાદી સઘળાથી ઊંચી હતી; તે કિનખાબની બનાવેલી હતી; તથા તે ઉપરની ચાદર બંગાળાની ઊંચામાં ઊંચી તથા મોંઘામાં મોંઘી મલમલની હતી; તકીયો પણ તેવો જ બનાવેલો હતો. પાસેની ગાદી યુવરાજ અથવા પાટવીકુંવરની હતી; પણ કરણ રાજાને કુંવર ન હતો તેથી તે ગાદી ખાલી પડેલી હતી. તેની પાસેની ગાદી ઉપર માધવ પ્રધાન બિરાજેલો હતો. તેણે આ વખતે મંદીલની પાઘડી તથા કિનખાબનો ડગલો પહેરેલો હતો, અને સોનું, મોતી, હીરા તથા જવાહિરનાં ઘરેણાંની તેના શરીર ઉપર કાંઈ ખોટ ન હતી. તેની પાસે મુકુટધારી ઠાકોરો તથા મંડળેશ્વરો એટલે પરગણાના માલિકો બેઠેલા હતા. એક બે મંડળિક રાજાઓ પણ હતા. બીજી તરફ ઉદેપેર, જોધપુર વગેરે બીજા રાજ્યસંસ્થાનોમાંથી આવેલા સંધિવિગ્રહકો, જેઓનું કામ લડાઈ તથા સલાહ કરવાનું હતું, અને જે દરબારમાં તેઓ રહેતા હોય તેનાં કામકાજની ખબર પોતાના રાજાને કરવાનું હતું તેઓ, તથા સ્થાન-પુરુષો જેઓ પારકા રાજ્યમાં જઈ ત્યાંના રાજ્યની નોકરીમાં રહેતા અને ત્યાંની ખબરઅંતર પોતાના રાજાને કરતા તેઓ પણ હતા. વળી ત્યાં સામંત એટલે લશ્કરી અમલદારો પણ બેઠેલા હતા; તેઓનો દરજ્જો તેઓના હાથ નીચે જેટલાં માણસ હોય તે પ્રમાણે ગણાતો હતો. તેઓમાં મુખ્ય છત્રપતિ તથા નોબતવાળા એટલે જેઓના ઉપર છત્ર ધરી શકાય તથા જેઓની આગળ નોબત વાગી શકે તેઓ હતા. એક તરફ તલવાર, કટાર, બરછી, ઢાલ વગેરે શસ્ત્રવાળા સિપાઈઓ હતા; એ સિવાય વેદિયા, પંડિત, જોશી વગેરે વિદ્વાન બ્રાહ્મણો બેઠેલા હતા; અને એ સઘળાઓની સામેની બાજુએ ભાટ, ચિતારા, ઘોડા ઉપર બેસતાં શીખવનારા, નાચતાં શીખવનારા, ભાંડ, જાદુગરો, ઈત્યાદિ બેઠેલા હતા. વળી એક ઠેકાણે ગણિકા અથવા વારાંગના પણ કીમતી વસ્ત્ર તથા આભૂષણ પહેરીને બેઠેલી હતી; અને તેની બેસવાની રીત, તેની આંખની ચપળતા, તથા તેના હાવભાવથી સઘળા મોહિત થતા. એ પ્રમાણે તે દિવસે દરબાર ભરાયો હતો. એટલામાં સોનાની છડીવાળા ચોપદારો આગળ ચાલી ‘‘રાજાધિરાજ, ખમાખમાજી, અન્નદાતા’’ એવી નેકી પોકારતા સંભળાવા લાગ્યા. તે શબ્દ સાંભળી દરબારમાંના લોકોને માલૂમ પડ્યું કે રાજા પધારે છે. રાજા દરબારમાં આવતાં જ તમામ દરબારી લોકોએ ઊભા થઈ જુદી જુદી રીતે તેને માન આપ્યું. ચોપદારો વધારે બૂમ પાડવા લાગ્યા, અને આખા દરબારમાં ગણગણાટ શબ્દ થઈ રહ્યો. રાજાજી ગાદીએ બેઠા. ચોપદાર બીજા લોકોને અંદર આવવા ન દેવાને દરવાજા આગળ ઊભા રહ્યા, અને દરબારી લોકો પોતપોતાને ઠેકાણે બેઠા.
કરણ રાજાની ભરજુવાની હતી. તેની ઉંમર ત્રીસ વર્ષનીહતી; તેનું શરીર પરમેશ્વરની કૃપાથી, નાનપણથી અંગકસરત કીધાથી, પાતળું તથા જોરાવર હતું. તેની ચામડીનો રંગ ઘઉંવર્ણો હતો. તે શરીરે લાંબો હતો. તેનું મોં લંબગોળ હતું. તેનું નાક સીધું તથા લાંબું હતું. તેના હોઠ નાના તથા બિડાયેલા હતા, જેથી જણાતું કે તે ઘણો આગ્રહી, એટલે જે કામ મનમાં ધારે તે કર્યા વિના રહે નહીં, એવા સ્વભાવનો હતો એ સ્વભાવને લીધે તે ઘણી વખતે ઉતાવળથી તથા વગર વિચારે કામ કરતો, તેથી જ તેનું ઉપનામ ઘેલો પડ્યું હતું. તેની આંખ જરા લાંબી હતી, અને હંમેશા રતાશ પડતી રહેતી તેથી તેનું રૂપ કાંઈક વિકરાળ દેખાતું, અને તે જોઈને દુષ્ટ લોકો થથરી જતા. તેનામાં ક્ષત્રિયનું ખરેખરું લોહી હતું, અને તેની હિંમતનાં સઘળ ઠેકાણે વખાણ થતાં હતાં. તેમાં મુખ્ય ખોડ બે હતી. એક તેનો ઉતાવળો તથા ઉન્મત્ત સ્વભાવ, અને બીજી વિષયવાસના. એ છેલ્લી ખોડ તેની આંખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતી હતી; તેમ તેની ખાનગી ચાલચલણથી એ વાત સઘળાને જાણીતી હતી. તેનું કપાળ વિશાળ હતું, અને તેની ભમર જાડી તથા એકબીજાની પાસ આવી ગયેલી હતી તેથી તેનામાં દૃઢતાનો ગુણ કોઈપણ જોનારને લાગતો. આ વખતે તેણે પોશાક ઘણો કીમતી પહેર્યો હતો. માથા પર મંદીલની પાઘડી પહેરી હતી. તે ઉપર હીરા તથા મોતીનો શિરપેચ બાંધેલો હતો. અંગરખું જરીનું હતું, અને એક કાશીની બનાવટનું શેલું કમરે વીંટાળેલું શેલું કમરે વીંટાળેલું હતું, જેમાં સોનાના મ્યાનની તથા હીરે જડેલી મૂઠવાળી તલવાર તથા હીરામોતીએ જડેલું ખંજર ખોસેલું હતું. તેની ડોકમાં મોતીની માળાઓ તથા હીરાના કંઠા હતા. તેણે કિનખાબની સુરવાલ પહેરેલી હતી, અન એક પગે સોનાનો તોડો હતો. જોડા મખમલના હતાતથા તે ઉપર સોનેરી ટીકડીઓ ચોટાડેલી હતી. તેને માથે મોરપીંછ હતાં. તથા આસપાસ બે ખિદમતગારો ચંમર કરતા હતા. એવી શોભાથી કરણ રાજા ગાદીએ બિરાજેલો હતો.
દરબાર ભરાતાં જ ત્યાં બેઠેલા બ્રાહ્મણો આશીર્વાદના મંત્રો ભણવા લાગ્યા. તે પૂરા થયા પછી ગણિકાએ થોડીવાર ગાયન ગાઈ, કટાક્ષ કરી તથા બીજા હાવભાવ દેખાડી રાજાનું મન રંજન કીધું. તે દહાડો દશેરાનો હતો માટે એક ભાસટે ઊઠીને રામની લંકા ઉપર ચઢાઈ થઈ તેનું એક કવિત કહી સંભળાવ્યું. પછી બીજો ભાટ અક બીજું કવિત બોલ્યો, તેમાં પાંડવો વૈરાટ નગરમાં ગયા તેનું વર્ણન કીધેલું હતું. તે બેઠા પછી પંડિતોએ વ્યાકરણનો થોડો વિવાદ ચલાવ્યો. પછી એક ચિતારાએ એક ઘણી જ રૂપાળી સ્ત્રીનું ચિત્ર રાજાને નજર કરી તેનું રૂપ વર્ણવ્યું. એ થઈ રહ્યા પછી બીજું કાંઈ કામ તે દહાડે ન હતું તેથી જુદા જુદા વિષય ઉપર સઘળા વાતો કરવા લાગ્યા.
આ સઘળું કામ થઈ રહ્યું ત્યારે સવારના દસ વાગ્યાનો વખત થયો હતો. રાજાનો જઠરાગ્નિ કાંઈ મંદ ન હતો તેથી દરબારમાંથી તે ઊઠ્યો. ચોપદારોએ ધારા પ્રમાણે નેકી પોકારી, કામદાર લોકો પોતપોતાને ઘેર ગયા. રાજાએ ભોજનશાળામાં જઈ રૂપાના પાટલા ઉપર બેસીને સોનાની થાળીમાં યથાસ્થિત ભોજન કીધું. ત્યારપછી પાનસોપારી તેજાના વગેરે ખાધા, અને સૂવાના ઓરડામાં જઈ પલંગ ઉપર બેઠો. તે વખત ત્યાં અક ભાટ તથા એક બ્રાહ્મણ જે રાજ્યગુરુ હતો, તે હાજર હતા, તેઓને રાજાએ પોતાના પલંગ પાસે બોલાવ્યા. દરરોજ જમ્યા પછી ધર્મ, નીતિ તથા રાજંયસંબંધી જે વાતો શાસ્ત્રમાં લખેલી હોય તે બ્રાહ્મણોને મોંએ સાંભળવાની રાજાને ટેવ હતી, તેથી તે દિવસે રાજા બોલ્યો : ‘‘ગુરુજી ! આજે શા વિષય ઉપર વાત ચલાવીશું ?’’ગુરુજીએ થોડોએક વિચાર કરી જવાબ દીધો, ‘‘રાજાધિરાજ, ઘણા દહાડા થયાં રાજાનો ધર્મ શો છે. અને રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ, એ વિષે આપ સાથે વાત કરવાનો વિચાર હતો, પણ આજ સુધી તેમ કરવાની જોગવાઈ આવી નહીં તેથી આજે તે વિષય આપણે ચલાવીશું, અને હું આશા રાખું કે આપ મારી વાત શ્રવણ કરી તે પ્રમાણે ચાલવાને પ્રયત્ન કરશો.’’ ભાટે પણ શાસ્ત્રમાંથી તો નહીં પણ લોકવ્યવહારથી એ વિષય ઉપર થોઠડુંઘણું જ્ઞાન મેળવ્યું હતું તેથી તે પણ ગોરમહારાજ સાથે સામેલ થવાોને જાગ્રત થયો. ગોરમહારાજે પહલાં મહાભારતમાંથી નીચે પ્રમાણે એક વાત કહી.
‘‘રાજા વિના કોઈ દેશ સુખી થઈ શકતો નથી. શરીરની સુખાકારી, સદ્દગુણ ઈત્યાદિ કાંઈ કામ લાગતાં નથી. બે માણસ મળીને એકની મિલકત દબાવી પાડે, અને એમ માણસો એકબીજાને ઉપદ્રવ કરે; એ પ્રમાણે જેમ જુદાજુદા પ્રકારનાં માછલાં એકબીજાનો નાશ કરે છે તેમ માણસો પણ એકમેકનો નાશ કરે. એ પ્રકારે માણસો એક બીજા ઉપર જુલમ નિરંતર કર્યા કરતાં હતાં. તે વખતે તેઓ રાજા માગવાને બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માએ મનુને રાજા થવાને કહ્યું. મનુએ જવાબ દીધો, ‘મહારાજ, હું પાપનાં કામથી બીઉં છું. રાજ્યકારભારમાં જોખમ ઘણું, તેમાં વિશેષે કરીને હંમેશાં જુઠું બોલનાર માણસોને જવાબદારી વધારે છે.’ લોકોએ તેને કહ્યું, ‘બીશો મા, તમને સારો બદલો આપીશું. પશુઓનો પચાશમો ભાગ, તેમજ સોનાનો તેટલામો ભાગ તમને મળશે. અનાજનો દશમો ભાગ તમને આપીશું; અને તમારા ભંડારમાં વૃદ્ધિ કર્યા કરીશું. કન્યા ઉપર ઘટતું દાણ, તથા મુકદ્દમા અને જુગાર રમવા ઉપર કર આપીશું. વળી જેમ દેવતાઓ ઈંદ્રરાજાને તાબે રહે છે તેમ દ્રવ્યવાળા તથા વિદ્વાન પુરુષો તમારા તાબામાં રહેશે. તમે અમારા રાજા થાઓ, તમે શક્તિવાન થશો. તમને કોઈ ભોય પમાડી શકશે નહીં; અને જેમ કુબેર યક્ષલોકો ઉપર સલાહસંપથી રાજ્ય ચલાવે છે તેમ તમે ચલાવશો. રાજાના આશ્રય નીચે રહીને રૈયતોજે જે પુણ્યનાં કામ કરશે તે પ્ણ્યનો ચોથો ભાગ તમને મળશે. એ પ્રમાણે જેમ શિષ્ય ગુરૂને શ્રેષ્ઠ ગણે છે. દેવતાઓ ઈંદ્રને ઉપરી માને છે, તેમ જેઓને ઊંચી પદવી મેળવવાની ઈચ્છા હોય તેઓએ રાજાને શ્રેષ્ઠ માનવો, કેમ કે તે લોકોનું રક્ષણ કરનાર છે. જ્યારે તેઓ રાજાની સમક્ષ ઊભા રહે ત્યારે તેઓએ રાજાનું પૂજન કરવું.’’ એટલી વાત સાંભળીને યુધિષ્ઠિર બોલી ઊઠ્યો ‘જન્મ, મરણ આવરદા થતા શરીરના અવયવો રાજાનાં અન બીજા લોકોનાં સરખાં જ છે, ત્યારે બળવાન શૂરા પુરુષોએ રાજાને શા માટે માન આપવું જોઈએ ? તથા તેનું પૂજન શા માટે કરવું જોઈએ ? અને રાજા સુખી અથવા દુઃખી હોય તે પ્રમાણે તેઓને સુખદુઃખ શા માટે થવું જોઈએ ?’’ એ પ્રશ્ન સાંભળીને ભીષ્મપિતામહે રાજાની ઉત્પત્તિ સંભળાવી, અને ઉપરથી સિદ્ધ કીધું કે જગતનું કલ્યાણ રાજાના ઉપર આધાર રાખે છે.’’
રાજાનાં આટલાં વખાણ તથા રાજ્યપદનું આટલું માહાત્મ્ય સાંભળીને ભાટ ઘણો જ ખુશ થયો અને બોલ્યો : ‘સત્ય છે મહારાજ, રાજા તે બીજો પરમેશ્વર; પૃથ્વી ઉપર પરમેશ્વરની મુનિમ. જેમ પરમેશ્વર ચાહે તે કરી શકે તેમ તે પણ કરી શકે.’ બ્રાહ્મણ બોલ્યો : ‘‘રાખ, એટલી ઉતાવળથી અનુમાન મા કર. સઘળા કરતાં અને રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે રાજાએ વહેલા ઊઠીને ત્રિવેદી બ્રાહ્મણોની સેવા કરવી, અને તેઓના કહેવા પ્રમાણે કરવું.’’ ભાટ બોલ્યો : ‘‘પણ મહારાજ, મનુસ્મૃતિમાં આમ પણ કહેલું છે કે સૂર્યની પેઠે રાજા આંખ તથા અંતઃકરણને બાળી નાખે છે, અને પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તેના ઉપર દૃષ્ટિ કરી શકતું નથી. તે અગ્નિ તથા જળ છે; તે અપરાધી લોકોના નયાયનો દેવ છે; તે દ્રવ્યનો દેવ છે; તે જળનો ઉપરી છે; તે આકાશનો ધણી છે; તે માણસના રૂપમાં શક્તિવાન દેવ છે; તેનો ક્રોધ થાય તો મૃત્યુ જાણવું. જે ઘેલાઈમાં પણ રાજા ઉપર દ્વેષભાવ દેખાડે તેનો નિઃસંશય નાશ થશે, કેમકે રાજા તેનો નાશ કરવા તરફ જલદીથી પોતાનું મન લગાડશે.’’
બ્રાહ્મણ બોલ્યો : ‘‘એ ગમે તેમ હોય તોપણ બ્રાહ્મણોને રાજાએ માન આપવું, અને તેઓના કહ્યા વિના કાંઈ કામ કરવું નહીં. શાસ્ત્રમાં કહેલું છે કે રાજાગમે તેવા દુઃખમાં હોય તોપણ બ્રાહ્મણોને ક્રોધાયમાન કરવા નહં, કેમ કે એકવાર તેઓ કોપ્યા એટલે તેનો તથા તેના હાથી, ઘોડા, રથ, લશ્કર એ સઘળાનો તે તુરત નાશ કરવાને સમર્થ છે. બ્રાહ્મણો જો કોપે, તો બીજી પૃથ્વીઓ તથા પૃથ્વીપતિઓ કરી શકે, તથા બીજા દેવ તથા માનવને ઉત્પન્ન કરી શકે. એવા બ્રાહ્મણ ઉપર જુલમ કીધાથી ક્યા રાજાને દ્રવ્ય મળી શકે ? વળી મનુ કહે છે કે બ્રાહ્મણની શક્તિ તેના જ ઉપર માત્ર આધાર રાખે છે, તે રાજાની શક્તિ જે બીજા માણસો વડે છે તેના કરતાં શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિ વડે બ્રાહ્મણો પોતાના શત્રુઓને વશ કરી શકે છે. જે બ્રાહ્મણ શાસ્ત્રમાં પ્રવીણ છે તેને કોઈ મહાવ્યથા કરે તો તેને રાજાની આગળ ફરિયાદ કરવાની જરૂર નથી, કેમ કે તે પોતાની શક્તિ વડે વ્યથા કરનારને શિક્ષા કરી શકે છે. બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે તોપણ તેનું શાસન બીજા લોકોના જેટલું નથી. મનુસ્મૃતિમાં લખેલું છે કે, બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કીધો હોય તોપણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહીં. અપરાધી બ્રાહ્મણને તેના રાજ્યમાંથી કાઢી મૂકવો. તેની સઘળી મિલકત પણ રાજાથી જપ્ત કરી શકાય નહીં, તથા તેના શરીરને દુઃખ દઈ શકાય નહીં, વળી બીજે ઠેકાણે કહેલું છે કે રાજા પૈસા વગર મરી જતો હોય તોપણ વેદ ભણનાર બ્રાહ્મણ પાસેથી તેણે કાંઈ પણ કર વસુલ કરવો નહીં.’’
ભાટ આ ઉપરની વાત સાંભળીને છક થઈ ગયો. તેણે બ્રાહ્મણની સત્તા વિશે આટલું બધું સાંભળ્યું ન હતું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, ‘‘આ લાડુભટને પરમેશ્વરે તો ઘણો અખત્યાર આપ્યો દેખું,’’ અને એ વિચારથી તેના મનમાં એ ભટ લોકો ઉપર અદેખાઈ આવી; પણ તેની સામે શાસ્ત્રનાં વચન કાંઈ તેને માલૂમ ન હતાં તેથી તે બોલ્યો ‘‘હવે એ વાત તો ઘણી થઈ; હવે રાજાએ શું શું શીખવું જોઈએ તે હું કહી સંભળાવું છું. ધારાના રાજાની તેના પૌત્ર ભર્તૃહરિ તથા વિક્રમાદિત્યને શું શું શીખવવાની મરજી હતી તે વિષે ભરતખંડનો ઈતિહાસ લખનાર મૃત્યુંજય નીચે પ્રમાણે કહે છે -
‘‘તેણે પોતાના બે છોકરાઓને પાસે બોલાવી તેઓને જે અભ્યાસ કરવાનો હતો તે વિષે સારી શિખામણ આપી, અને કહ્યું : ‘‘તમારે ઘણો ઉદ્યમ કરી વ્યાકરણ, વેદ, વેદાંત, વેદાંગ, ધનુર્વિદ્યા, જુદીજુદી કળા તથા હાથની કારીગરી, હાથી તથા ઘોડા ઉપર બેસવાની તથા રથ હાંકવાની વિદ્યાનો અભ્યાસ કરવો. બધા પ્રકારની રમત, દોડવું, કૂદવું, કિલ્લાઓને ઘેરો ઘાલવો, લશ્કરનાં ટોળાં બાંધવા, તથા તેઓને તોડવાં, અ સઘળામાં પ્રવીણ થવું. દરેક રાજ્યગુણ મેળવવા. શત્રુની શક્તિનો નિશ્ચય કરતાં શીખવું. યુદ્ધ કરતાં, મુસાફરી કરતાં, મોટા માણસો આગળ બેસતાં, કાંઈ તકરારી વાતમાં તકરાર પ્રમાણે જુદા જુદા ભાગ કરી નાખતાં, બીજા રાજાઓ સાથે સંબંધ કરતાં, નિરપરાધી અને અપરાધીને ઓળખતાં, દુષ્ટને યથાયોગ્ય શિક્ષા કરતાં, તથા સંપૂર્ણ ન્યાયી રાજ્ય ચલાવતાં શીખવું, અને તમારું મન ઘણું ઉદાર રાખવું.’’ પછી તો છોકરાઓને નિશાળે ઉત્કૃષ્ટ શિક્ષકોના હાથ નીચે મોકલ્યા. ત્યાં તેઓ ખરેખરા કીર્તિવંત થયા.’’
રાજાએ ઉપલી વાતના પાછલા ભાગમાં ઉપરાઉપરી બગાસાં ખાવા માંડ્યાં. તે વખતે શરદ મહિનાનો આકરો તડકો હતો તેથી ગરમીની અશક્ત કરનારી અસર તેના શરીર ઉપર લાગી, અને રોજની ટેવ પણ મદદે આવી, તેથી ભર્તૃહરિ તથા વિક્રમાદિત્ય બંને કીર્તિવંત થયા તે તેણે સાંભળ્યું નહીં. ભાટે જ્યારે વાત પૂરી કરી રાજાના મોં સામું જોયું ત્યારે તેની વાત ધ્યાન આપી સાંભળવાને બદલે તેને મીઠી નિંદઢરાને વશ થયેલ દીઠો. તે જોઈ ભાટ તથા બ્રાહ્મણ ઓરડામાંથી બહાર ગયા, અને રાજાને સુખેથી ઊંઘ કાઢવા દીધી.
જ્યારે રાજા નિંદ્રાદેવીને વશ થઈ આ લોક તથા પરલોકને વીસરી જઈ મૃત્યુથી ઊતરતી અવસ્થામાં પડેલો હતો તે વતે કિલ્લા આગળ તથા શહેરમાં ભારે ગડબડાટ થઈ રહી હતી. લોકો ઘણા ઉમંગથી સારાંસારાં લુગડાં પહેરી નવી રંગેલી પાઘડીમાં જુવારા ખોસી, તથા નવા જોડા પહરી કેટલાએક એકલા તથા કેટલાએક નાનાંનાનાં છોકરાંને સાથે તેડી સવારી જવાના રસ્તા ઉપર, કોઈ ઓટલા અથવા દુકાન ઉપર બેસતા હતા. કેટલાએક રજપૂત તથજા લશ્કરી લોકો હથિયાર કમરે બાંધીને ઘણા ડોળથી ફરતા હતા. ભીલ, કાઠી, કોળી વગેરે જંગલી લોકો તરત ખસી જઈને રસ્તો આપતા. ઢેડ તથા તેથી હલકી જાતિના લોકો ‘‘ખાસો બાપજી’’ એ પ્રમાણે બૂમો પાડી ધીમે ધીમે રસ્તો કરી જતા, અને લોકોને તેઓને વાસ્તે ખસવું પડતું તે વખતે તેઓને ગાળ દીધા વિના રહેતા નહીં. ઘણી વાર કોઈ ઘોડો અથવા હાથી ભડકતો ત્યારે લોકોમાં દોડાદોડી થતી, અને છોકરાં ચીસાચીસ પાડતાં. મોટા કામદારોનાં બૈરાં સુખાસનમાં બેસી તેમના ધણીનાં સગાં, મિત્ર અથવા ઓળખીતાનાં ઘર હોય ત્યાં જતાં. ગરીબ તથા વચલા વાંઘાનાં લોકોની બાયડીઓ ખુલ્લી રીતે ચાલતી જતી, પણ તેઓને રસ્તામાં કોઈ ઉપદ્રવ કરશે એવી કોઈને દહેશત ન હતી. ઓટલા તથા બારીઓ લોકોથી ભરાઈ ગયાં હતાં. બાકીના લોકો કેટલાએક છાપરા ઉપર અને કેટલાએક ઝાડો ઉપર ચઢીને બેઠા હતા; અને ઘણાંએક રસ્તાની બાજુએ બે હાર કરી ઊભા રહ્યા હતા. દુકાનદારોએ દુકાન ધોળાવી, રંગાવી, તે ઉપર તોરણ બાંધી સઘળો માલ બહાર કાઢેલો હતો, તેમજ રહેવાનાં ઘરો પણ ઘણાંએક રંગાવેલાં તથા ઘણું કરીને સઘળાં ધોળાવેલાં હતાં. એ પ્રમાણે શહેરમાં સવારી જોવાની તૈયારીમાં લોકો બેઠા તથા ઊભા હતા. કિલ્લા આગળ કાઠિયાવાડી, સિંધી, કચ્છી તથા કાબુલી શણગારેલા અને ઘણા ઉમદા જીનવાળા કેટલાએક ઘોડા ખંખારતા, કેટલાએક નાચતા, કેટલાએક ભોંય ઉપર પગ ઠોકતા, તથા કેટલાએક કાવો ફર્યા કરતા હતા. હાથીઓની ઊભા રહેવાતું ન હોય તેમ એક જગાથી બીજી જગાએ જતા, કેટલાએક તેના અતિ બળથી મસ્તી થઈને ડોલતા, તથા કેટલાએક સૂંઢ હલાવી ઊંચી કરી આસપાસના લોકોને નસાડતા હતા. સુખાસન એક કોરે મૂકીને ભોઈ લોકો આણીગમ પેલીગમ મોજ કરતા ફરતા હતા. સવાર તથા પાયદળ સિપાઈ સઘળા હથિયારબંધ તૈયાર થઈ રહ્યા હતા. રાજા કરણે સવારે જે લૂગડાં ઘરેણાં પહેર્યા હતાં તેનાં તે જ હમણાં પણ તેના શરીર ઉપર હતાં. વિશેષ એટલું જ કે બહાર કોઈની નજર ના લાગે માટે હાથે કેટલાંએક મંત્રેલાં માદળિયાં બાંધેલાં હતાં. રાજાનો હાથી ઘણો જ પુષ્ટ તથા બીજા સૌ કરતાં ઊંચાઈમાં વધારે હતો, તેના ઉપર સોનેરી ઝૂલ નાંખી હતી. તેના પગમાં સોનાનાં કડાં ઘોલાં હતાં. તેના કુંભસ્થળ ઉપર મોતીની માળાઓ બાંધેલી હતી. હાથી ઉપરનો મેઘાડંબર તમામ રૂપાનો સોને રસેલો હતો, તથા તેમાં કેટલેએક ઠેકાણે રત્નો જડેલાં હતાં. રાજાની પાછળ માધવ પ્રધાનજી ચંમર લઈને બેઠેલા હતા. અન તેનો પોશાક તથા ઘરેણાં સવારના જેવાં જ હતાં. સવારીની આગળ નોબત થતા ડંકા વગાડનારા ઊંટ અથવા હાથી ઉપર બેઠેલા હતા. નોબતની આસપાસની ઝુલ કિનારીદાર લૂગડાની હતી, અને તેના વગાડનાર પણ સઘળા બાંકા બનીને બેઠલા હતા. તે પછી સવાર તથા સિપાઈઓ આવ્યા. પછી શહેરનાં મુખ્ય માણસો તથા દરબારના કામદાર લોકો ઘોડા, રથ વગેરે વાહન પર બેસીને ચાલ્યા. વચમાં વચમાં મતલ, ભાંડ વગેરે હલકા લોકો પણ મોટો ઠાઠમાઠ કરી ચાલતા હતા. છેલ્લે હાથી ઉપર રાજા આવ્યો. સવારીમાં ઘણીએક તરેહનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં, તેમાં રણશિંગડાં, ભૂંગળ, શરણાઈ વગેરેનો અવાજ બહાર નીકળી આવતો હતો. રાજા સઘળા લોકોને આખ રસ્તે માથું નમાવતો જતો હતો, અને લોકો તેને જોઈને નીચા વળી નમતા તથા હરખનો પોકાર કરતા હતા. કેટલાએક લોકો જેઓ ઊંચી બારીઓમાં બેઠેલા હતા તેઓ રજા ઉપર ફૂલના હાર, દડા, તથા છૂટાં ફૂલની વૃષ્ટિ વરસાવતા હતા. ઘણા લોકો રસ્તામાં ફૂલ વેરતા હતા; અને કેટલાએક શ્રીમંત લોકો સોનારૂપાનાં ફૂલ રાજાના માથા ઉપર વધાવતા હતા. તે વખતે લોકોની રાજા ઉપરની પ્રીતિ એટલી ઊભરાતી જતી હતી કે જો બની શકે તો તેઓ પોતાનામાંથી થોડુંથોડું આવરદા રાજાને આપવાને તૈયાર થાય. રાજા જુવાન અને ખૂબસૂરત હતો. તેની સાથે તે દહાડે એટલો તો મોહ પમાડે એવો તે લાગતો હતો કે સવારી જોવા મળેલી ઘણી સ્ત્રીઓએ તેનાં ઘણાં હેતથી ઓવારણા લીધાં.
સવારી શહેર બહાર કેટલેએક દૂર જઈ એક શમીના ઝાડ આગળ અટકી. ત્યાં હજારો બ્રાહ્મણો શમીપૂજન કરાવવાને તથા દક્ષિણા વહેંચાય તે લેવાને એકઠા થયા હતા. રજા હાથી ઉપરતથી ઊતરીને શમીવૃક્ષ ાગળ જઈ ઊભો રહ્યો. તે વખતે રાજ્યગોરે આવી રસપાવ માગ્યો, ‘‘રાજાધિરાજ ! કાંઈ આપો તો પૂજનના કામનો આરંભ થાય.’’ તે જ ક્ષણે નાણાંની એક થેલી ગોરને મળી. બીજા બ્રાહ્મણો પણ પોતપોતાના યજમાન પાસે ગયા, અને કહેવા લાગ્યા : ‘‘મહારાજ ! આજે રામચંદ્રજીએ દુષ્ટ રાવણ ઉપર ચઢાઈ કરી, અને આજે પાંડુપુત્ર વૈરાટ નગરમાં પેઠા. આજે અર્જુન તથા તેના ભાઈઓએ શમીપૂજન કીધું, અને પોતાનાં શસ્ત્રને તે વૃક્ષ ઉપર લટકાવ્યાં; માટે આજ એ શમી એટલે અપરાજિત દેવીનું પૂજન કરવાનો ઘણો ધર્મ છે.’’ પછી તેઓએ પહેલાં તો તે ઝાડને પંચામૃતનું સ્નાન કરાવ્યું; તેના ઉપર પાણી છાંટ્યું, અને ચંદનપુષ્પ ચઢાવ્યાં; અપરાજિત દેવી આગળ દીધો કીધો; ઝાડ ઉપર ચાંલ્લા કરી હાર ચઢાવ્યા; ગુલાબ-અબીલ નાખ્યાં; નૈવેદ મૂક્યું; અને રાજા પાસે પ્રદક્ષિણા કરાવી. પછી તેઓએ વારાફરતી દશ દિગ્પાળની પૂજા કીધી. તેમાં પહેલાં ઈંદ્ર એટલે પૂર્વના દેવની કીધી. પછી રાજાએ તથા બીજા લોકોએ બળેવને દહાડે બાંધેલી રક્ષા તોડી ઝાડ ઉપર ફેંકી દીધી. તે થયા પછી શમીના મૂળ આગળથી થોડું થોડું મટોડું તથા તેનાં પાતરાં, સોપારી તથા જુઆરા બ્રાહ્મણોએ સઘળાને આપ્યા, અને કહ્યું કે આ સઘળાને અકઠા માદળિયામાં ઘાલી જ્યારે પ્રવાસ કરવા જાઓ ત્યારે રાખજો. હવે પૂજન પૂરું થયું એટલે રાજાની તરફથી દક્ષિણા થઈ, અને ખાનગી ગૃહસ્થોએ પણ પોતપોતાની શક્તિ તથા બાપદાદાના સંપ્રદાય પ્રમાણે દક્ષિણા આપી; અને અગર જોકે એ દક્ષિણા હંમેશના કરતાં કાંઈ થોડી ન હતી તોપણ ધારા પ્રમાણે સઘળા બ્રાહ્મણો કાળનો વાંક કાઢી સારી પેઠે બબડ્યા, પોતાનાં છોકરાંની આગળ કેવી અવસ્થા થશે તે વિષે ઘણી ફિકર કરવા લાગ્યા, અને છેલ્લે ભાગ વહેંચવામાં બોલચાલ ઉપરથી ગાળાગાળી, અને ગાળાગાળીથી મારામારી ઉપર આવી ગયા; અને જો કેટલાએક વૃદ્ધ બ્રાહ્મણો તયાં કજિયો પતાવવામાં ન હોત તો થોડું લોહી પણ તે દિવસે અપરાજિત દેવીને અર્પણ થાત.
એ બ્રાહ્મણોને લડતા તથા શોરબકોર કરતા રહેવા દઈને રાજાની સવારીની સાથે આપણે પણ પાછા વળીએ. સવારી થોડી આગળ ચાલ્યા પછી રાજાએ પાછા ઊતરીને ગઢેચી માતા એટલે કિલ્લાનું રક્ષણ કરનારી દેવીનું પૂજન કરી ફરીથી ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપી. ત્યાંથી સવારી ચાલી તે ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચી ત્યાં સુધી અટકી નહીં. કિલ્લા આગળ એક મોટું ચોગાન હતું. ત્યાં લાખો લોકો એકઠા થઈ રહ્યા હતા. ત્યાં સવારો, પાયદળ, ઘોડા, હાથી અને છેવટે રાજાનો હાથી એ સઘળા ઊભા રહ્યા. પછી એક ઠેકાણે, મલ્લો, જેઓ આખા વરસ સુધી દૂધ, દહીં, ઘી ખાઈખાઈને જાડા થઈ ગયા હતા તેઓ કુસ્તી કરવા લાગ્યાા; તે જોવાને લોકોનું એક મોટું ટોળું ત્યાં એકઠું થયું હતું. એક ઠેકાણે બે સવાર ઘોડા ઉપર બેસીને જૂઠું યુદ્ધ કરતા હતા. બંનેની પાસે બુઠ્ઠી અણીના ભાલા હતા અને તેઓ એક હાથમાં ગંડાના ચામડાની ઢાલ પકડી લડતા હતા, તેમાંથી સામાવાળાના ભાલાના આંચકાથી જે પડી જાય તે હારે, અને લોકો તરત તાળી પાડી બૂમાબૂમ કરી મૂકે. એક રજપૂત સવાર ભાલાવાળાની સામો તલવાર લઈને લડ્યો, અને તલવારની અણીવતી તે સામા માણસને વગાડ્યા સિવાય તેને ઘોડા ઉપરથી ઢાળી પાડ્યો. કેટલાએક કોળી સિપાઈઓ સામે માટીનું ચક્કર મૂકી તેમાં તીર પીંછા સુદ્ધાં પેસે એવી શરતે આઘેથી તીર મારતા હતા. કેટલાએક સવારો પોતાના ઘોડાને કાવો જ ફેરવ્યા ફરતા; કેટલાએક તેઓને નચાવતા; કેટલાએક ઘોડાને થોડુંક દોડાવી પાછા લાવતા. એ પ્રમાણે ત્યાં ગમ્મત થઈ રહી હતી. આશરે એક કલાક સુધી કસરત કરી સવાર લોકો તથા સિપાઈઓ રાજાને જુહાર કરી પોતપોતાને ઠેકાણે ગયા. તમાશગીર લોકો તે દહાડાની હકીકતની વાતો કરતા તથા સવારીની ટીકા કરતાકરતા પાછા વળ્યા. રાજા હાથી ઉપરથી ઊતરી મહેલમાં જઈ લૂગડાં, ઘરેણાં ઉતારી, દેવની પૂજા કરી આરતી ઉતારી ચંદ્રશાળામાં ગયો, અને તયાં ભોજન કરવાની તૈયારી કીધી. રાત્રે રાજા પોતાની રાણી સાથે જમતો, માટે ત્યાં બીજું કોઈ ન હતું. રૂપાના પાટલા માંડ્યા, અને મુખ્ય રાણી સોનાની થાળીમાં જમવાનું પીરસીને લાગ્યાં. જમી રહ્યા પછી સીસાઓ તથા વાડકા આવ્યા, તેમાં દરાખ તથા મહુડાનો દારૂ રાજાએ થોડોથોડો પીધો. ખાઈ રહી હાથ-મોં ધોઈ, રાજાએ પાનસોપારી ખાધાં, અને ત્યાર પછી આખા શરીર ઉપર ચંદન તથા મળીયાગરાનો લેપ કરાવ્યો; તે થઈ રહ્ગયા પછી એક રૂપાની સાંકળનો હિંડોળો તે ઓરડામાં હતો તે ઉપર રાજા આરામ લેવા જરા સૂતા. પાસે રૂપાની સુંદર દીવીઓ ઉપર દીવા બળતા હતા તેથી આખા ઓરડામાં ઝળઝળાટ થઈ રહ્યો હતો. એ ઓરડાનાં બારણાં આગળ ચોકીદાર બેઠા હતા, તેઓ રાજા હવે સૂઈ જશે એમ ધારતા હતા. પણ થોડી વાર પછી રાજા હિંડોળેથી ઊઠ્યો, અને એક હલકા રજપૂતનાં લૂગડાં રાખેલાં હતાં તે તેણે પહેર્યાં. તેણે પોતાનું મોં છુપાવવાને બુકાની બાંધી, અને પગે જૂના જોડા પહેર્યા. પછી એક ખવાસને બોલાવી હુકમ કીધો કે આજ રાત્રે વીરચર્યા કરવાનો એટલે નગરચર્યા જોવાનો મારો વિચાર છે, માટે એક લોટામાં પાણી ભરી લઈ મારી સાથે આવવું. ખવાસ હુકમ પ્રમાણે જલદીથી તૈયાર થયો, અને તે તથા રાજા બંને મહેલને પાછલે બારણેથી નીકળી પડ્યા.
તે વખતે દોઢ પહોર રાત થઈ હતી, અને દુકાનદારો દુકાન બંધ કરી પોતપોતાને ઘેર જતા હતા. લોકો પોતપોતાના ઘરમાં જ હતા, અને આખો દહાડો રઝળેલા તેના થાકથી ઘણાએક તો સૂઈ ગયા હતા. કેટલાએક બારીએ બેસી પડોસીઓ જોડે તડાકા મારતા હતા. કેટલેક ઘેર બાયડીઓ એકઠી થઈ માતાના ગરબા ગાતી તે જોવા તથા સાંભળવા કેટલાએક લોકો બહાર મોં ઉઘાડાં મૂકીનેઊભા હતા, અને ગરબાના વિષય, ત ગાવાની રીત, તથા ગાનારીઓના ઘાંટા ઉપર ટીકા કરતાહતા. પાતરવાડમાં પાતરો બારીએ દીવા મૂકીને પોતાનાં અંગ ઉપર કીમતી લૂગડાં, ઘરેણાં તથા ફૂલના હારગજરા પહેરીને બેઠેલી હતી. અને રસ્તે જતા-આવતા લોકોને મોહજાળમાં ફસાવવા ફાંફાં મારતી હતી. તેમાંથી કેટલાએક અભાગિયા લોકો તેની જાળમાં ફસાઈ પડીને ક્ષણભંગુર સુખને વાસ્તે અક્ષય સુખનો આંધળા થઈ ત્યાગ કરતા હતા. કેટલીએક રામજણીના ઘરમાં રાગતાન થતાં હતાં, વાજિંત્રનો નાદ થઈ રહ્યો હતો, અને દીવામાં પડતાં પતંગિયાંની પેઠે કેટલાએક મૂર્ખ લોકો ત્યાં ઝંપલાવતા હતા; અને તેઓની આંખ ઉપર એવાં તો જાડાં પડ વળી ગયાં હતાં કે તેઓ તે સમયે જાણે વિષ્ણુના વૈકુંઠમાં બેઠા હોય એમ તે અધમ પુરુષોને લાગતું હતું. સાંકડી ગલીઓ તથા ઉજ્જડ રસ્તાઓમાં બુકાની બાંધેલા માણસો ચુપકીથી ફરતા હતા, અને લાગ ફાવે તો પારકો માલ પોતાનો કરવાનો તેઓનો ઈરાદો જણાઈ આવતો હતો. કોઈ કોઈ ઠેકાણે વંઠેલ સ્ત્રીપુરુષ પોતાનાં ઘરબાર છોડી દુષ્ટ વિચારથી આમતેમ ભટકિયાં મારતાં હતાં. એ સઘળું રાજાએ જોયું, અને તેમાંની ઘણીએક વાતનો બંદોબસ્ત કરવાનો પ્રધાનને હુકમ કરવો એવો પોતાના મનમાં નિશ્ચય કીધો. રાજસંબંધી વા કોઈપણ ઠેકાણે તેના સાંભળવામાં આવી નહીં. જ્યાં જ્યાં કાંઈ પણ વાત થતી હતી, ત્યાં સવારીની જ વાત ચાલતી હતી. તેમાં સઘળાં તેના રૂપ, ગુણ, લૂગડાં, ઘરેણાં, ઈત્યાદિનાં વખાણ કરતાં હતાં. એટલું સાંભળી રાજાનું મન તૃપ્ત થયું નહીં તેથી શહેર બહાર ચાંદનીમાં ફરવા જવાનો તેણે નિશ્ચય કીધો.
દરવાનને થોડા પૈસા આપી દરવાજો ઉઘડાવ્યો, અને મેદાન ઉપર નીકળી ગયો. તે દહાડે શરદ મહિનાનો ચંદ્ર ખીલી રહ્યો હતો. આકાશ ઘણું જ નિર્મલ હતું. ચાંદરણાથી બધું મેદાન રૂપેરી રંગનું હોય એમ દેખાતું હતું. તેમાં વચમાં વચમાં ઘાસ ઊગેલી લીલી જગા હતી; તે ગૌરવર્ણની સ્ત્રીના હાથમાં ઉપર નીલમની વીંટીના જેવી માલૂમ પડતી હતી. તે ઠેકાણે કોઈ પ્રાણી નજરે પડતું ન હતું; પણ પાણીનાં ખાબોચિયાંમાંથી દેડકાઓ ડ્રેંડુંડ્રેંડું કરતા હતા, કંસારીઓ જગાએ જગાએથી બંધ ન પડે એવો અવાજ કરતી હતી, અને કોઈકોઈ ઠેકાણેથી સાપનો શબ્દ પણ સંભળાતોહતો. એવી રીતે રાત રમણિક લાગતી હતી. આગળ ચાલતાં તેઓ સ્મશાન પાસે આવી પહોંચ્યા, ત્યાં ચાંદરણામાં ઝાડોની છાયાથી અંધારું હતું; અને સ્મશાન એ નામથી જ તે જગા ભયાનક લાગતી હતી. તયાં ઊભા રહીને રજાએ દૂર નજર કીધી તો એક ઝાડ નીચે મોટું તાપણું તેના જોવામાં આવ્યું, અને ત બળતાંની આસપાસ કેટલાંએક બૈરાં કૂંડાળું ફરતાં તેણે જોયાં. રાજાને તે તમાસો જોવાની ઘણી મરજી થઈ. તેની પાસે તલવાર તથા ખંજર હતાં તેથી તેના મનમાં બીક થોડી હતી. ખવાસ તો તે જોઈને ધ્રુજવા લાગ્યો, અને હાથ જોડી બોલ્યો : ‘મહારાજ, એ તો કોઈ ડાકણી, યક્ષણી, પિશાચ, વંતરી એવી કોઈ બાયડીઓ હશે, મો તેઓની પાસે જવામાં કાંઈ ફળ નથી.’ પણ રાજા કરણ એક વાત મનમાં લેતો તે કદી છોડતો નહં, અને વળી બીને ત્યાં ન જવાથી રજપૂતની બહાદુરીને કલંક લાગે, માટે ગમે તેથાય તોપણ જવું એવો દૃઢ નિશ્ચય કરી તે આગળ ચાલ્યો.
જ્યારે તે ટોળા આગઈ જઈ પહોંચ્યો ત્યારે સઘળી બાયડીઓ ક્રોધાયમાન થઈ સ્થિર ઊભી રહી, અને રાજાની સામા ડોળા કાઢીને બોલી, ‘‘અલ્યા માનવી, તું રંક હોય કે રાજા હોય, પણ તારે આવવાનું શું કામ હતું ? તેં અમારી રમતમાં કેમ ભંગ પાડ્યો ? શું તું તારે ઘેરથી રિસાઈ આવ્યો છે ? શું આટલી નાની ઉંમરમાં તું આવરદાથી કંટાળી ગયો છે કે મોતના જડબામાં આવી ફસાઈ પડ્યો ? અહીંથી એકદમ જતો નહીં રહે, તો અમે બધાં મળીને તને ચીરી નાંખી તારા લોહીની ઉજાણી કરીશું.’’ રાજા કરણ એવી રાંડોથી બીએ એવો ન હતો. મ્યાનમાંથી તલવાર કાઢી તેણે જુસ્સાથી કહ્યું, ‘‘હું ક્ષત્રિય રાજપુત્ર, આખા ગુર્જર દેશનો રાજા કરણ વાઘેલો છું, અને તમે મારા રાજમાં રહો છો તેથી મારી રૈયત છો, માટે હું તમને આજ્ઞા કરું છું કે તમે સઘળાં કોણ છો તે તુરત મને કહો.’’વંતરીઓએ જાણ્યું કે આ તો દેશનો ધણી છે, તેથી તેઓ સઘળી તેની આગળ હાથ જોડીને ઊભી રહી, અને તેઓમાંથી એક બોલી, ‘‘રાજાધિરાજ ! અમે વાણિયાબ્રાહ્મણની બાયડીઓ હતી, પણ અમે સઘળી સુવાવડમાં મરી ગઈ, અમારા ધણી બીજીવાર પરણ્યા, તેથી તેઓએ અમારી પાછળ યોગ્ય ક્રિયા કીધી નહીં માટે અમારી અસદ્દગતિ થઈ છે; માટે હે રાજા ! જો તમે તેઓને કહી તેઓની પાસે અમારે સારુ નારાયણબળિ કરાવશો તો જ અમારી ઉદ્ધાર થશે.’’
રાજાએ તેઓના ધણીના નામ લખી લીધાં, અને તેઓને વચન આપ્યું કે હું તમારો જલદીથી આ ગતિમાંથી છૂટકો કરાવીશ. વંતરીઓ એ સાંભળીને એટલી તો ખુશ થઈ કે તેઓ સઘળી બોલી ઊઠી : ‘‘રાજા, તું માગ, જે માગે તે આપીએ.’’ રાજાએ પોતાના ભવિષ્યની વાત પૂછી ત્યારે એક વંતરી બોલી, ‘‘મહારાજ ! અમને ભવિષ્યનું ઘણું જ્ઞાન નથી, તોપણ જ્યારે તમે અમારા ઉપર આટલો ઉપકાર કીધો છે ત્યારે અમે પણ તમને એક શિખામણ દઈએ તે પ્રમાણે તમારે ચાલવું. તમે જાણો છો કે બાયડીઓથી જગતમાં ઘણી ઊથલપાથલ થઈ છે. સીતાને રાવણ હરી ગયો તેથી લંકાનો નાશ થયો, અન રાવણું મૃતયું થયું. દ્રૌપદીનાં ચીર દુર્યોધને ભરી સભામાં ખેંચાવ્યાં તેથી કુરુક્ષેત્રનું યુદ્ધ થઈ તેમાં કૌરવોનો અને તેઓનાં તથા પાંડવ તરફનાં કરોડો માણસોનો નાશ થયો. માટે હે રાજા ! બાયડીથી બહુ સંભાળીને ચાલવું, અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો.’’
કરણ રાજાએ એટલું સાંભળી પાછો વળ્યો, અને આખ રસ્તે આ બનાવ વિષે એટલા બધા વિચાર તેના મનમાં આવ્યા કીધા કે તેણે રસ્તો કાંઈ જાણ્યો નહીં. તે એક યંત્રની પેઠે આગળ ચાલ્યા જ કરત, પણ એક મહાદેવના દેવસ્થાન આગળ ભારે ભીડ થઈ હતી ત્યાં લોકોની ઉપર તે અથડાયો ત્યારે તેને ભાન આવ્યું. આસપાસ જોઈ ભીડ થવાનું કારણ લોકોને પૂછ્યું ત્યારે એક જણ જવાબ દીધો કે દહેરામાં વૈરાટ પર્વનું નાટક થાય છે તે જોવાને લોકો મળ્યા છે. નાટકનું નામ સાંભળીને તે જોવાનું તેને મન થયું. અને ખવાસને બોલાવી બંને જણ દહેરામાં ગયા, તથા ધક્કામુક્કી કરી ઊભા રહ્યા તો ત્યાં વૈરાટ રાજાની સભા મળી હતી. અને પાંડવો એક પછી એક જુદો જુદો વેશ ધારણ કરી રાજાની પાસે નોકરી માગવા આવતા હતા. નાટકની ગમ્મતમાં રાજા એટલો બધો લીન થઈ ગયો કે વંતરીનીવાત તે તમામ ભૂલી ગયો. કેટલીકવારે ખવાસને અફીણને લીધા ઝોકાં તથા બગાસાં ખાતો જોઈને રાજાને પણ બગાસાં આવવા માંડ્યાં, અને એક પહોર રાત રહી છે, એમ સાંભળીને તેણે પાછા મહેલ ઉપર જવાનો ઠરાવ કીધો. જતાં પહેલાં મહાદેવનાં દર્શન કરવાને દહેરા તરફ ગયો, પણ બારણાં આગળ જાય છે એટલામાં ઝમઝમાટ કરતી આવતી એક સ્ત્રીને જોઈને પોતાની મરજી ઉપરાંત તે ત્યાં જ ઊભો રહ્યો, અને તેની શુદ્ધબુદ્ધ ઊડી ગઈ. તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. તેનું મોં પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું અને તેના ગાલના ગૌરવવર્ણ ઉપર વખતેવખતે તેની ભરજુવાનીને લીધે જ્યારે ગલાબી રંગ ચઢી આવતો ત્યારે તેની આગળ ગુલાબના ફૂલનો રંગ પણ ઝાંખો જણાતો. તેનું મોં ઘણું નાનું હતું તથા તે ઉપરના બે હોઠ પાતળા પરવાળાના જેવા રંગના હતા. જ્યારે તે મંદમંદ હસતી ત્યારે તેના દાંત સમાકાર ધોળા મોતીના દાણા જેવા દેખાતા. તેને નાકે ઘણાં ઊંચાં પાણીદાર મોતીની વીંટલી ઘોલેલી હતી. તેનાં મોતી તેના પરવાળા જેવા હોઠને અડકતાં ત્યારે તે કમળની લાલ પાંદડી ઉપર ઓસનાં ટીપાં જેવાં ચળકતાં હતાં. તેના ગાલ ઉપર અક છૂંદણું હતું તેથી તેની ખૂબસૂરતી એટલી તો વધતી હતી કે જેમ ફારસી શાયર હાફિઝ, શિરાઝની એક બૈરીના ગાલ ઉપરના કાળા તલને વાસ્તે સમરકં તથા બોખારા શહેર આપી દેવાને તૈયાર થયો હતો તેમ તે છૂંદણાને માટે આખું ગુજરાતનું રાજ્ય કોઈ આપે તોપણ થોડું હું. તેની આંખ જરા લાંબઘાટી હતી, અને સ્વાભાવિક રીતે કાળી હતી, તેની સાથે વળી તેમાં કાજળનું ઝીણું અંજન કીધેલું હતું તેથી તે વધારે મોહ પમાડતી હતી. તે ઘણી નરમાશવાળી તથા કામથી ભરપૂર દેખાતી હતી. તે એટલી ચપળતાથી ચોગરદમ ફરતી કે જે પુરુષ પર તે પડતી તેના હૃદયમાં કારી ઘા માર્યા વિના રહેતી નહીં. તેની ભમર પાતળી ઈનદ્રના ધનુષ્ય જેવી હતી. અને એ ધનુષ્યમાંથી મદનદેવ પોતાનાં શસ્ત્ર ઉડાવી હજારો લોકોના મનની શાંતિનો નાશ કરતો. તેના કપાળ ઉપર જે રાતો હિંગળોકનો ચાંલ્લો હતો તે તરફના મેદાન ઉપર લોહીના ટપકા જેવો દેખાતો હતો. ચોટલો નાગની ફેણ જેવો ઘટાદાર અને તેવો જ કાળો હતો. તેના કેશ જો છૂટા મૂકે તો તે કમર સુધી પહોંચતા, પણ હમણાં તો તેનો અંબોડો વાળેલો હતો. એ સિવાય તેના બીા અવયવો પણ ઈશ્વરની બેહદ કારીગરી તથા ચાતુર્યના નમૂના હતા. એવી ખૂબસૂરતીતો મોહ કોણ અટકાવી શકે ? માણસ તો માણસ જ ! તેની બુદ્ધી નબળી અને ઘણી જોરાવર લાલચને વશ ઘણું કરીને થાય જ, તેથી રાજા કરણ બેશુદ્ધ થઈ થાંભલાના જેવો ત્યાં જ ઊભો રહ્યો તેમાં કાંઈ ઘણું આશ્ચર્ય ન હતું. તે સ્ત્રી ગયા પછી થોડી વારે જ્યારે રાજા હોંશમાં આવ્યો ત્યારે તે બોલી ઊઠ્યો ‘‘અરે ! હું જાગતો છું ઊંઘમાં ? મેં કાંઈ ઊંઘમાં સ્વપ્નું તો નથી જોયું ? અલ્યા ખવાસ ! મને ચોંટી દે એટલે હું જાગતો છું તેની મને ખાતરી થાય. મેં શું જોયું ? ઈંદ્રપુરીથી કોઈ રંભા આવી ? શું શૂરા ક્ષત્રિયોને વરનારી સ્વર્ગમાંથી અપ્સરા ઊતરીને આવી ? કે શું જગદંબા પોતે જાતે માનવી રૂપ ધારણ કરી મને દર્શન આપી ગયાં ? અને જો એમ હોય તોું હું કેવો પાણી દુષ્ટ અધમ કે હું તેને પગે પડ્યો નહીં !’’ ખવાસ આ સઘળું સાંભળી મનમાં કહેવા લાગ્યો કે રાજા કાંઈ ચળી ગયો, કે ઊંઘના જોરમાં બકે છે. પછી તેની ભ્રાંતિ ભાંગવાને માટે મોટેથી બોલ્યો : - ‘‘મહારાજ, એ કાંઈ રંભા, અપ્સરા કે જગદંબા, કોઈ નથી. એ તો આપણા પ્રધાનજી માધવની ધણિયાણી છે, અને તેની પાછળ ચાકરના હાથમાં સોનાની થાળી હતી, તેમાં ચંદન, પુષ્પ,ધૂપ, નૈવેદ હતું તેથી તે પૂજા કરવા આવી હશે.’’ વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આ સાંભળીને કરણ ચમક્યો, અને બોલ્યો, ‘‘માધવની ધણિયાણી ? પેલા માધવની ! એ કાગડાને ત્યાં હંસણી ! એ વાત ખરી છે ? તું જૂઠું તો બોલતો નથી ? આ દેવાંગના ઈંદ્રાસન ઉપર બેસવા યોગ્ય અથવા રાજ્યમંદિરમાં વાસો કરવા લાયક, એ રાજ્યમહેલનું આંગણું દીપાવે એવી સ્ત્રી એક બામણાના ઘરમાં ! જે બામણો આજે તો પ્રધાન છે પણ કાલે અથવા થોડાં વર્ષ પછી કદાચ ઝોળી ભેરવી ભીખ માગવા નીકળે તેને ત્યાં ! અરે ઈશ્વર ! તારે ત્યાં ઘણો અન્યાય છે. શું આવી બાયડીઓઆવા હલકા બ્રાહ્મણો, અથવા શૂરા ક્ષત્રિય સિવાય બીજા લોકો જેઓ આવાં અમૂલ્ય રત્નો પોતાની તલવાર વડે જાળવી શકે નહીં તેઓને વાસ્તે પદા થયેલી છે ? એમ હોય તો નહીં ! એમાં કાંઈ પરમેશ્વરની ભૂલ થઈ છે. તેણે તો મારે જ સારુ કીધેલી, પણ વિધાતાની કાંઈ ચૂકથી તે મારા હાથી છટકી ગઈ. પણ હવે તે ભૂલ સુધારવી જોઈએ; અને એ બિચારીનો આટલી લાંબી મુદત સુધીનો ડૂબેલો હક્ક તેને પાછો આપવો જોઈએ. તેને માધવ પાસેથી લેવી તો જોઈએ. પણ હું શું માગવા જાઉં ? એમ કરું તો મારી શોભારહે નહીં. વળી એ નાગર છે તેથી બૈરી આપે એવો સંભવ પણ નથી. નાગર પણ શૂરાતનમાં ક્ષત્રિયથી જ ઊતરતા છે; માટે તે રસ્તેથી કાંઈ ફળ થવાની આશા રાખવી નહીં, તયારે શું કરવું ? હથિયારબંધ માણસોમાધવના ઘર ઉપર મોકલી તેને બળાત્કારે લઈ આવવી. પછી માધવને સામ, દામ,ભેદ ઉપાયથી સમજાવવો. બાયડી તો લૂગડાં, ઘરેણાંની દાસી, એટલે તે માધવને નકામી, તેથી અંતે તે નિરાશ થઈ પોતાના સ્વાર્થ ઉપર નજર રાખી, ઠેકાણે આવી જશે. એ વગર બીજો કોઈ રસ્તો નથી, માટે કાલે અનુકૂળ વખતે એ જ પ્રમાણે કરવું. એવો વિચાર કરતો કરતો કરણ પોતાના મહેલમાં જઈ હિંડોળે સૂતો, પણ તેને જરા નિંદ્રા આવી નહીં. પોતાની રાણી તેને તે વખતે શંખણી જેવી લાગી, અને સવાર થતાં સુધી તેણે એના એ જ વિચારમાં તળાઈ ઉપર પછાડા માર્યા કીધા. અરે રાજા કરણ ! તારો અવિચારી સ્વભાવ તને છોડતો નથી. જ્યાં સુધી તારી મિટ્ટી મિટ્ટીમાં મળી જશે, ત્યાં સુધી એ તારા સ્વભાવથી તારી ખરાબી થયા કરશે. શું તું એટલી વારમાં વંતરીઓનું વચન ભૂલી ગયો ? તું તારા કામના પરિણામ ઉપર કાંઈ વિચાર કરતો નથી ? તું જાણે છે કે તારું ધારેલું કામ સહેલાઈથી પાર પડશ ! પણ અલ્યા ઘેલા, તું ઝેરી બીભોંયમાં વાવે છે અને તેનાં ઝેરી ફળથી તારો જ નશ થવાનો છે. પણ તેમાં શું કરે ? નાનપણથી તેનો સ્વભાવ જ એવો હતો, અને તેનો અખત્યાર તોડવાને તેણે કોઈ વખત યત્નસરખો પણ કીધો ન હતો. હવે તો નદીના વહેણમાં ઘસાડાયો અને તે ક્યા કાંઠે પડશે તેની તેને ખબર ન હતી. અરે ! ઈતિહાસ લખનારે તારું ઉપનાર ઘેલો રાખ્યું છે તે વાજબી છે તે વાજબી જ છે. તું ખરેખરો ઘેલો, ઘેલો જ છે.
પ્રકરણ ૩ જું
જ્યારે કામજ્વરથી પીડાયલો કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બિછાના ઉપર તરફડિયાં મારતો હતો તે વખતે બહાર રાતનો અમલ ઊતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરુણે સોનાની કૂંચી વડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સૂતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામ વળગવાનો વખત થયો છે. અરુણ સારથિ આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરાઓ મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મોં સંતાડવા લાગ્યા. ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયેલો જ હતો. શુક્રનો તારો, જેને વિષે ગામડિયા લોકો કહે છે કે ચંદ્ર મૂઆ પછી એ તેની જગા સાચવશે, તે થોડી મુદત સધી હિંમત રાખી ઊભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયો. સૂર્યદેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળાંમાં ઈંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથિયા પૂર્યા. તળાવોમાં કમલનાં ફૂલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાીને મળવાને પોતાનાં મોં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીના ફૂલની પાંદડી બિડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંજાગુંજ કરવા લાગ્યા. ચંપા, ચંમેલી, સેવતી, માલતી વગરે ફૂલોમાંથી મંદમંદ સુગંધે શીતળ વાયુની સાથે ઘસાડાઈ આવીને નાસિકાઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણેઠેકાણેથી દિવાકરના ચોપદાર કૂકડાઓએ નકી પોકારી. ચલ્લીઓ માળામાંથી નીકળી ચીંચી કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંના પોપટ, મેના ઈત્યાદિ પક્ષીઓએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષીઓના શબ્દથી આનંદકારક થઈ રહી. દેવસ્થાનોમાં દેવને જગાડગાને નોબત તથા શંખ વાગવા લાગ્યાં. શહેરમાં ગરીબલોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓનો શોર થઈ રહ્યો. કેટલાએક સવારે સૂતાસૂતા પ્રભાતિયાં તથા બીજા ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર, કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મૂક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવાવધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મૂએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેઓનાં મોંને જવાબ દેતી ન હતી. કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડિયાં વગેરે બીજા વાંજિત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધૂપતા ધૂણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છૂટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઊઠી પોતાનાં ઘર વાળીઝાડી પોતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી, છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એી, અફીણી અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલિયા ઉપર બબડતા હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઊઠી દાતણપાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા. દુકાનદારો તો થોડો નાસ્તો કરી લૂગડાં પહેરી હાથમાં મોટી કૂંચીઓ લઈ દુકાને જતા હતા. કેટલાક દુકાન ઉઘાડતા હતા, અને કેટલાક તો દુકાન ઉઘાડી વાળીઝાડી, ધોઈ, તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બેડાં ઉપર બેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી, પોતાનાં ધણી, સાસુ, નણંદ વગેરેની વાતો કરતી અને વખતે કોઈ એકલો પુરુષ જતો હોય તેની મશ્કરી કરતી ચાલી આવતી હતી. સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને લૂગડાં સાચવવાને સારુ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહીધોઈને સ્વચ્છ લૂગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા. રાતના રાજા ઘુવડ તથા વાનવાગળાં સવાર થવાથી કાગડા વગેરે બીજા પક્ષીની ધાકથી ઝાડોમાં સંતાઈ જવાને ઊી જતાં હતાં. ચકોપક્ષી તેના સ્વામી ચંદ્રને અસ્ત પાવાથી કોઈ ગુપ્ત જગાએ ભરાઈ બેઠું હતું. ચોર લોકો પોતાની આશા સફળ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મૂકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. લંપટ સ્ત્રીપુરુષો મહાપાપી તથા અઘોરી કામથી પરવારી ફીકે તથા નિસ્તેજ મોંએ જાણે પોતાના દુરાચરણથી શરમાતાં હોય તેમ ચોરની પેઠે સંતાતાં પોતાના ઘર તરફ પાછાં ફરતાં હતાં. મુસાફરો ચાલતા, ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. કેટલાક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રાજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં ઘોડાને ફેરવવા લઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરનો દેખાવોથઈ રહ્યો હતો.
એ સવારેમાધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી. તેનું લૂગડું જથરપથર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીર આછુંઆછું ઘરેણું ઘાલેલું હતું. તેથી તેની નાજુક તથા ખૂબસૂરત કાંતિની શોભા ઘટવાને બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશિયો હાથે ઊંચકી પોતાની પાસે મૂક્યો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે, એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે. તે અઢાર વર્ષની ભરજુવાનીથી પ્રફુલ્લિત થયેલી હતી, અને તેનું નામ રૂપસુંદરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાપુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઊઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાનો હતો તેથી નીચે ઊતરેલો હતો, માટે ધારા પ્રમાણે તેનાથી તેનું મોં જોવાયું નહીં, પણ તેને બદલે સાવરણી ખૂણામાં પડેલી હતી તે જોઈ; ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બિલાડી આડી ઊતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બૈરી જતી જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવાનો તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાોને તેણે તેને ઘણો સમજાવ્યો. પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયેલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાંતે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું. પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું ભૂંડો ભૂંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહીં, માટ શૂળીનું વિધ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.
એ પ્રમાણે વિચાર કરી રૂપસુંદરી નીચે ઊતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી. એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો : ‘‘શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તોપણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ. તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મોઢે સછે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી; તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું. દાન ઘણું નથી, એક મહોર બસ છે. ‘‘રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહરેલાં તમામ લૂગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મૂકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં. તેમને વિદાય કીધા પછી થોડુંઘણું દેવપૂજન કરી તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણા ચોકીદારોને કાપી નાખે છે.
એ ખબર સાંભળતાં જ રૂપસુંદરી મૂર્છાગત થઈ ભોંય ઉપર પડી. કેટલાક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખૂણેખાંચરે ભરાઈ બેઠા, પણ કેટલાક સૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચઢ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વગેરે જે હથિયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઊભા રહ્યા. રૂપસુંદરીની આગળ ઢાલ લઈને તેનો દિયર એટલે માધવનો ભાઈ કેશવ ઊભો રહ્યો. તેની ઉંમર આશરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફિકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉંમર અંગકસરત, દાવપેચ, કુસ્તી તલવારના પટા ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનાાં કસરથી મેળવેલું વિશેષ બળ હતું. તેનું અંગ મજબૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી; અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઊંચા હોદ્દા ઉપર નીમલો હતો તોપણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખૂબસૂરત તથા ગોરા વર્ણનો નહતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તોપણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તોપણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઊભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ તૂટી પડે તોપણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી, તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુંદરીનું રક્ષણ કરવાને ઊભો રહ્યો. બહારના ચોગાનમાં ગડબડાટ વધી; ઊછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો; તેનું ચાલે તો ઊડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી તેનાથી ત્યાંથી ચસાય નહીં. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસ ઘરમાં પેઠા, અને બારણા આગળ ઊભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યા. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો. તેણે એક ઘાથી આગલા સિપાઈના બે કટકા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું. સિપાઈઓ જરા આંચકો ખાઈ ઊભા, અને પોતાના નાયક સામું જોયું. નાયકે કેશવને કહ્યું : ‘‘સાંભળો ભાઈ ! કંઈ અહીં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઈચ્છા રૂપસુંદરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મૂંગા સૂંગા અમારું કામ કરીને ચાલ્યા જઈશું, નહીં તો અમારે બ્રહ્મહત્યા નકામી કરવી પડશે. માટે વિચાર કરીને કામ કરજો.’’ કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણથઈ ગયો. તે બોલ્યો : ‘‘જો તારા કૃતધ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગરબચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારુ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહીં દે.’’ તે સાંભળી નાયકે ઈશારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસ્યો; પણ અક તસુ ખસ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો તયાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હિસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું; આખું અંગ લોહીથી કચરાબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગ્યાથી, તથા લોહી વહેવાને લીધે અશક્ત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈ ઊભો રહ્યો.
કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુંદરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઊઠી : ‘‘શિવ, શિવ, રે ભગવાન, આ તે શો દૈવકોપ !’’ તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી લીધી અને ઘર બહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુંદરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા, અને સિપાઈએ પોતપોતાને કામે વળગ્યા.
રાજ્યપીઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સૂતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદીના કેશ છૂટા તથા વીખરાઈ ગયેલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયેલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી પણ આ અકસ્માત અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગૂંચવાઈ ગયેલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને, તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દિલમાં ઉતારવાને તે ઘણા પ્રયત્ન કરતો હતો.
રાજા : ‘‘અરે રૂપસુંદરી, અરે મારી વહાલી, મારી આંખની કીકી, મારા હૈયાના હાર, તું કેમ બોલતી નથી ? તારા મધુર શબ્દથી મારા જીવને સંતોષ પમાડ. જેમ રણમાં ઊગેલો, સૂર્યના સખત તાપથી કરમાઈ જતો છોડવો વરસાદનાં ટીપાંની આતુરતા રાખે છે, તેમ હું શબ્દ સાંભળવાને તરસું છું. કાંઈ તો તું અપશબ્દ કહેશે, તું મારું નઠારું બોલશે, મને ગાળો દેશે, તોપણ તે તારાં અમૃતવચન મારા અંતઃકરણના ઘા ઉપર મલમ જેવાં લાગશે. મેં તારા ઉપર બળાત્કાર તો વાપર્યો. તારા પણિયત ધણીથી વિયોગ પાડ્યો તો ખરો. તારા દિયરે વગર ઉપયોગનો અટકાવ કીધો તેથી તે બિચારાનો પ્રાણ પણ ગયો, તે સઘળાંને માટે હું ખરેખરો શોક કરું છું. વળી તારા નાજુક શરીરને અહીં લાવતાં દુઃખ પણ થયું હશે, એ બધું તો ખરું છે. પણ તારું હિત કરવું એ જ મારી મતલબ છે તે ઉપર તો તું નજર રાખ ! મારો વિચાર તારી સાથે લગ્ન કરવાનો છે; પછી તને હું પટરાણી કરી રાખીશ. લૂગડા, ઘરેણાંની તો તારે કોઈ કસર જ રહેશે નહીં. લક્ષ્મી તો તારી દાસી થઈને રહેશે. તને એટલું તો સુખ આપીશ કે તે તારા સ્વપ્નમાં પણ નહીં આવતું હોય. તારો ધણી હમણાં તો પ્રધાન છે, અને હમણાં તો તને સઘળી વાતે સુખ હશે તોપણ કાલનો શો ભરોસો ? કોઈ આફત આવી પડી, દરિદ્રતા તારા ઘરમાં અવી, તો તે ખમવાને તારું શરીર લાયક છે ? તને પરમેશ્વરે વિપત્તિ ભોગવવા પેદા કીધી જ નથી. તું તો રાજમહેલ શણગારવાને જ જન્મી છે, અને આટલી વાર સુધી તારા નસીબ પર પાંદડું ઢંકાયું હતું તે હવે ઊઘડીગયું છે, અને તને જે અર્થે સર્જેલી છે તે અર્થ હવે પાર પડ્યો છે. એ સઘળા ઉપર વિચાર કરી મિથ્યા શોક મૂકી દે. જે થયું તે શ્રીભગવાનની ઈચ્છા વિના થયુંનથી, માટે જો તે ઉપર અસંતોષ બતાવશે તો તેની ઈચ્છાની તું સામે થઈ એમ કહેવાશે. તારું કાંઈ ચાલવાનું તો નથી એટલું જ નહીં, પણ તેમ કરવાથી ઊલટી તું મોટા પાપમાં પડીશ.’’
રાજાની એ સઘળી વાતથી રૂપસુંદરીન મનનું સમાધાન લેશમાત્ર પણ થયું નહીં. તેના હૈયામાં શોકનો ઊભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઊઠવા લાગ્યા : ‘‘અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તને પ્રધાનવટું મળ્યું ન હતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવીને મને સુખ આપયું. પાણી માગેલું ત્યારે દૂધ આપેલું, અને કોઈ દહાડો મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવો બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તો હવે વહી ગયું ! હવે હું તારું મોં ફરીથી ક્યા જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ! તું જ્યારે ફિકરચિતામાં ઘેર આવશે ત્યો મોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીસશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તોપણ મારા જીવને ક્લેશ થાય માટે તેં જરા પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાય રે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તને ભૂલવાની નથી. અરે મહાદેવ, ઓ જગત્પિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામીને તું સદા આરોગ્ય, સુખી ને ધનવંત રાખજે. મારી ખરા દિલની એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દિયરજી, તારે સારું તો હું આંસુએ સાગર ભરું તોપણ થોડું છે. તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી ન હતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારું રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારું જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારી આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મૂઓ. એ સઘળાનો બદલો હું તે ક્યારે વાળીશ ? એ મારી દેરાણી, તારું હમણાં કેવું મોં થયું હશે તે મારા મનમાં આવે છે ત્યારે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ? તારી ઉંમર કેટલી ? તારી ઉંમર કેટલી ? હજી તો હમણાં સોળ વર્ષ પૂરાં થયાં એટલામાં મૂવા દૈવે તને રંડાપો મોકલ્યો. હવે તે દહાડા તે કેમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈકાંઠો નથી. તારી હવે કોણ પરવરીશ કરશે ? તારા પિયરમાં પણ સુખ નથી; તારી ભાભી તને ટપલાં મારી સૂકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે. તું જીવતી મૂઈ, અને તારા મોતની હતયા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારુ આપ્યું ? એ મૂઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે. એ સઘળાં પાપથી હું ક્યારે છૂટીશ ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યા જ કરશે તેથી, કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તોપણ નહીં હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારું. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઊંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે ક્યા જનનાં પાપ નડ્યાં, ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે ઘળાં કુટુંબનાં માણસોને મન તો હું આજ મરી ગઈ. અરે ! તમે મારું આજ સ્નાન કરજો. હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે ? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે ? આખા નગરમાં સૌ મારો ફિટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? તે હમણાં તો મારું રૂપ જોઈને મોહ્યો છે પણ રૂપ તો અનિશ્ચિત. રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી એ સઘળું રૂપ જતું રહેશે, ત્યારે બીજી રૂપાળી સ્ત્રી ઉપર રજાનું મન દોડશે, અને હું એક ઓરડામાં પાપણીની પેઠે સડ્યા કરીશ. ગુણને લીધે જે પ્રીતિ ઉત્પન્ન થાય ત જ ખરી. રૂપ તો ક્ષણભંગુર; રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે ? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટિ ઉપાયે પણ મિથ્યા થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી; માટે હવે તો જે માથે આવી પડે મૂંગે મોંએ સહન કરવું.’’
એ પ્રમાણે રૂપસુંદરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમજ માધવના ઘરમાં જુદો જ દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાનેદુકાને, ચકલેચકલે તથા મોહલ્લેમોહલ્લે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બિચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કોને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બિચારાને કોઈએ ગણ્યો જ નહીં. પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મોંકાણ મંડાય એવી સઘળાના મનમાં ફિકર ભરાઈ. વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શો કોપ થશે એ વિષે સૌ ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીક કહેતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું. કેટલીક કહેતી હતી કે એ બિચારી શું કરે ? જીવ તે હાથે કેમ કઢાય ? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપૂત તો રજપૂત પણ જીવ કાંઈ કઢાય નહીં. કેટલીક બોલતી કે રાજા તે રૈયતનો માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દૃષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજ્યમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર એ રાજાનો અપરાધ સાંખવાનો નથી. જોજો, થોડા દહાડા પછી એના ઉપર ભારે દુઃખ આવી પડશે. એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુઃખી દુઃખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે ખરું. કેટલીક ખૂબસૂરત પણ વિષયી બાયડીઓ તો મનમાં મગ્ન થતી દેખાઈ. આજ એનો વારો તો કાલે આપણો પણ આવે, એમ વિચાર કરવા લાગી અને પોતાનું રૂપ રાજાની દૃષ્ટિએ પડે તેના ઉપાયો શોધવા લાગી. રૂપસુંદરી એવી શું રૂપવંતી છે કે રાજા તેને જોઈને મોહી ગયો; શહેરમાં તેના કરતાં ઘણાંયે વધારે દેખાવડાં છે. આપણે તેનાથીઊતરતાં નથી. વળી તે વાંઝણીને રાખીને રાજા શું કરવાનો છે ? તેનાથીકાંઈ રાજગાદીનો વારસ આવવાનો છે ? વારુ, હજી વખત ઘણો છે. ધીરજ રાખવી અને યોગ્ય વખત ચૂકવો નહીં. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી.
માધવનો મહેલ સૂનોસૂનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કૂતરાં કઠોર સાદે રડતાં હતાં. બાયડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતાં, અને પ્રધાનના ઘરને બારણે નગર ગૃહસ્થો ડાઘુને વેશે કોઈ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જૂના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેની ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાસી જાય છે, જુવાર કપાયા પછી દૈયા બીજે ઠેકાણે ઊડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બબણતી માખીઓ જતી રહે છે, તેમ તે લીલા વનના સૂડા, ઊગતા સૂરજને પૂજનારા, આવતાની બોલબાલા તથા જતાનું મોં કાળું કહેનારા, આ વખતે માધવને ઘેર ફરક્યા જ નહીં.
માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું, પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા. તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતાં. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મૂકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કૂટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કૂટવાનું કામ વધારે જારી રહેશે તો રોવા આવેલાંમાંથ બીજુું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયેલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારીમાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી. તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં અશરે હજારેક એકઠી મળી તરેહતરેહના અવાજ કાઢી વિલાપ કરતી હતી; તથા જીવથી બચેલા નોકરી ‘‘જીવતા શા સારુ રહ્યા,’’ અને ‘‘ધણીની પાછળ પ્રાણ શા સારુ અમારો ન ગયો,’’ એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો. એક ખૂણામાં કેશવની વહુની મા, બહેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર છાણથી સ્વચ્છ કધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.
એ સ્ત્રી તેની ઉંમરના પ્રમાણમાં વધારે લાંબી હતી; તેનો રંગ ઘઉંવર્ણો હતો; અન અગર જો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તોપણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો. તેના ઉપર એક પ્રકારનું તેજ પથરાયેલું હતું. તેની આંખો તો વિકરાળ તથા હિંગળોકવર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈપણ પુરુ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચહેરો જોઈને તેની માની પણ તની પાસે જવાની હિંમત ચાલતી ન હતી. તે એટલી પોતાના સ્વામીને એકાગ્ર ચિત્તે જોઈને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો હતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું ન હતું. ઘણા લોકોના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચીહ્ન નજર પડતાં ન હતાં. તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુઃખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મળશે એવી ધાસ્તી પેદા થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સધી તેનો એવો અભિપ્રાય હતો કે છોકરી રંડાય તેના કરતાં મરે તે સારું. રંડાય તો મોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયા કરે તેથી તેનાં મા બાપના હૈયાનો તાપ હોલવાય જ નહીં. એથી સઊલટું તે મરેતો ઘણું દુઃખ લાગે ખરું, પણ તે દુઃખનો અંત પણ તેજ વખતે; પછી દેખવુંયે નહીં અને દાઝવુંયે નહીં. પણ અવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાળને જીવતી રહે તે સારું. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુઃખ તો થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાંતિ વળે. વળી તેને સલાહ પૂછવા, સાથે જવા-આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુઃખનું ઓસડ દહાડા,રાંડેલાં બૈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય. એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમ કે અગર જો તેનુ રૂપ તેની જેઠાણીના જેવું ન હતું તોપણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાક ગુણો તો માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા)ની માએ કર્યો. હવે જો છોકરી સતી થાયોતો સારું કેટલુ ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેનાં મા બાપને સૌ કોઈ ધન્ય ધનય કહે. વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્વાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય. એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો. અને તેની છોકરી જીવે ત કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પૂછ્યું : ‘‘બહેન, લોકોમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે. એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉંમર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જિવાવાનું નથી. તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાંનાનાં ભાઈ બહેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુઃખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચારકર્યો હોય તે મનમાંથી કાઢી નાંખ, અને પરમેશ્વરે જે આફત મોકલી તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જોો તારી આવરદા ટૂંકી જ હશે તો વધારે જીવવું નહીં પડે. પણ જાણી જોઈને તે કેમ મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું. તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.’’
આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું; તેની આંખ વધારે લોહીવર્ણ થઈ; તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું; અને જે મહાભારત દુઃખ તેના ઉપર પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી : ‘‘હવે જીવવું ? તેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુઃખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ સાથે જેની વર્તણૂક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉંમરમાં આવે અકાળ મોતે મારાથી રિસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં જશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારું થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્ગતિ કરાવવી, અને જે પૂર્વજન્મનાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખત્યારમાં છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુઃખેપાપે કાઢવા સારુ તેના અક્ષય સુખનો નશ કરું ? હવે જીવવું ? જીવને ઘરેણાંનો ત્યાગ કરી રૂદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લૂગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું ! હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો. હવે જીવવું ? જીવીને શું સુખ ભોગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખગણું સારું. માટે સમરવું એજ સિદ્ધાંત; એમાં કંઈ સંશય નહીં. માટે મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.’’ એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે ‘‘જય અંબે’’ બૂમ પાડી ઊઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બૈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.
તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબનોઅને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો.અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ. ત્યાં તેને સ્નાન કરાવ્યું. પછી તેણેપોતાને હાથે ઘણાં જ કીમતી વસ્ત્ર પહેર્યાં, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બહેન, ભોજાઈ વગેરે સગાનેવહેંચી આપ્યું. તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો. પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છૂટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પછી પોતાના ધણીના શબ પાસે આવી. તેના દર્શન કરવાને મોહલલાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાંથયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં અને તેઓને તે આશીર્વાદ દેતી. કેટલીક વાર ચૂપ રહ્યા પછી તે બોલી, ‘‘સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરું દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપનાઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મૂઈ. તે બીજે જન્મે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પછી વરી. એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી, બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.’’ તે સાંભળી લોકો ‘‘જય અંબે’’ બોલ્યા, તે વખતે સત મા એ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તે વડે સઘળી સૌભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા; અને બીજીઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીક સ્ત્રીઓ પોતાનાંં માંદા છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી. તેના ઉપર સતીમાનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે જેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહં, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મૂક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે રડારડ તથા બૂમાબૂમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહીં. જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે. સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ-પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઊંચકનારા બ્રાહ્મણો તથા સતનું સુખાસન હતું. લોકો પાછળથી ‘‘જય અંબે’’ ‘‘જય અંબે’’ ‘‘અંબે માતકી જય’’ કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ,થાળી, ઝાંઝ વગેરે વાજિંત્રનો એકત્ર થયેલા જેવો પણ બેસૂરો તથા ભયાનક નાદ થતો હતો. એવીરીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારુ સતી માતાનો હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં. જે બૈરીઓને સાસરે અથવા પિયર દુઃખ હતું. જેઓના ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહીં, સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો. પછી પુરુષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સોઘળાં તૃપ્ત થયાં ત્યા પછી જે કોઈએ કોઈપણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેઓએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી. આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મૂક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં આવ્યું. તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીંથરિયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતી કીધી ‘‘માતા ! પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હીંગળોકના હાથ મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.’’ તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતા અંગારાએ ખોબો ભર્યો, અને તે શહેર ઉપર ફંકી બોલ્યાં, ‘‘જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્યપ્રધાનને, તેનું ભલું ઈચ્છનારનુે, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હંમેશ સુધી કાઢી મૂક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઊંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને જે રાજાએ બ્રહ્મહત્યાની સાથે સ્ત્રીહત્યા પણ કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસલોકમાં જવા જેવું છે, તોપણ તેના અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બહેન, સગાંવહાલાં, ઈત્યાદિને જે પરમ દુઃખ થશે તેનું કારણ જે રજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની બૈરી પારકા લઈ જશે; તેની છોકરી દુઃખ પામી પામીને પરપુરુષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મૂઓ તે કોઈ જાગશે નહીં; તેનું નામ કે નિશાની કાંઈ રહેશે નહીં; તેના મહેલમાં તેના શત્રુ આવી વરશે; અને રાજાના પાપથી રૈયત દુઃખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહલપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લૂંટાઈ જશે, તેના વ્યાપચારીઓ જડમૂળથી ઊખડી જશે; અને કેટલાક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહીં. જે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો; માટે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારું વાક્ય ફળીભૂત થજો.”
એ વચનસાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહીં હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઊઠીને એવો તો છટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જ્ડ્યો નહીં અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકનો પુરુષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઊડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મસૂબો કીધો. દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો, જેઓને રાજ્યની ઊથલપાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીનો દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસ માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મરો થાય જ એ નિયમથી બીને ગરીબ નબળા લોકોએ શહેર છોડી પરદેશમાં વળવાનો નિશ્ચય કર્યો.
એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઊંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડૂબતું મૂકી ચિતા તૈયાર કરવા માંડી, માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાને જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાઓની નજર દોડી. બાવળની સાથે અગર તથા સુખડનાં લાકડાંની એક ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢૂલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી બળે એવા પદાર્થથી ઢાંકી નાખી હતી. મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી,અને એક બાજુએથી માંહે પેસવાનો રસ્તો રાખ્યા હતો. સ્મશાનમાંગયફા પછી સતી સુખાસનમાંથી ઊતર્યાં. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ મે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મોં હસતું તો નહીં, તોપણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો. તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઊભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાને નમસ્કાર કીધા. અને સૂર્ય તરફ નજર કરી બોલી ‘‘સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહીં, પણવસ્તુઓનાં માંહેલાં તત્વતથા પ્રાણીમાત્રના અંતઃકરણના વિચાર જાણે છે; માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મનેશુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરું પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત્ ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તો મને તમારો સ્પર્શ પણ થવા ન દેશો.’’ ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઊંચું મોં રાખી નીચે પ્રમાણે કીધી :
શાર્દૂલવિક્રીડિત છંદ
દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીઆ તણો,
પ્રાણી માત્ર રહી મહીતળ સહ, આભાર માને ઘણો;
ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,
ગિરિ, સાગર, ઝાડ-પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧
વાડી ખેતરનાં ફૂલો મઘમઘે, રૂપે રળિયામણાં,
ભૂમિ ઘાસ છવાયેલી ખુશનુમા, શોભા તણી ના મણા;
કોટિ કોટિ લઘુ જીવો પવનમાં, નાચે રમે સૌ મળી,
આકાશે બહુ શોભતાં ખગચરો, ઊડે ફરે તે વળી. ર
ઝાડી રાન મધે રહે વનચરો, ખાએ, નુશીમાં વસે,
લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછ ખસે;
પાપી માનવી કલેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,
આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩
માયા તો અદ્દભુત છે હરિતણી, થાએ નહીં માપ રે,
પીડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;
માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે સુખી રાખજે,
પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪
એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદશિક્ષા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઊઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ, અને તેણે ઠોકર ખાધી. તે વખતે તના ગોરે તનો હાથો પકડ્યો. પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગ્રત થઈ તેણે હાથ ઝટકી નાખયો, અને લકોની સામું મોં ફરેવીને ઊભી રહી. તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. શરદ મહિનાનો બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો. ભીડથી તથા તાપથી લોકોનાં મોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચૂપ હતા કે ત્યાં પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય; પવર એટલો તોો બંધ હતો કે જાડ ઉપરનું એક પણ પાતરું હાલતું ન હતું; અને સરસ્વતીનું પાણી તળાવના જવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે. ધન, માલ, બૈરી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયેલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશિયારીથી અર્પણ કરવાને તૈયાર થયેલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જોવાને સ્થિર ઊભું હોય એમ લાગતું હતું.
પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢૂલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં. પોતાના ધણીનું માથું ખોળામાં મૂક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર ઘી પુષ્કળ રેડ્યું, અને મશાલ વડે ઘાસકાંટાને સળગાવીને મૂક્યાં; તાપનો એકદમ મોટો ભડકો થયો. મઢૂલીનું મથાળું કડકડ થઈને તૂટી પડ્યું. બાજુ તરફના પ્રજ્વલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ, ભૂંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજિંત્રોનો એવો મોટો અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડઢયા, અને અવાજના આંચકાથી આભ તૂટી પડશે એવું લાગ્યું. એ બધાંની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથ ‘‘જે અંબે’’, ‘‘જે અંબે’’, ‘‘અંબે માતાની જે’’ એવી ચીસ પસાડવા લાગ્યા. તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બ્યાન જ થઈ શકે નહીં. ગુણસુંદરનું સુંદર શરીર લાકડાંની કપઠારો નીચે છૂંદાઈ ગયું, અને એક પણ મરતી વખતે ચીસ પાડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માના મૃત્તિકા-ગૃહો અગ્નિની મારફતેપંચમહાભૂતમાં મળી ગયા, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિસો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીધો તેનો હિસાબ આપવાને રાજાઓના રાજાનીહજૂર રજૂ થયા.
લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળયા. માત્ર એક રજપૂત ત્યાં ઊભો રહ્યો. તેની કલ્પનાશક્ત આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાંતિ પેઠી. એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં તે ડૂબી ગયો; અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.
જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયા જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી. એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી તે પીડાયા કરે છે. માઠાં કામ કરેલાં તેનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબ-કબીલો, નોકર, ચાકર તથા દુનિયાનું સઘળું બહારનું સખ હોય તોપણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તે નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મૂકે છે. એવી મહા દુઃખદાયક અવસ્થા તે રજપૂત - જે કરણ જ હતો - તેના મનની હતી.
પ્રકરણ ૪ થું
અરે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી પડી ? રાજાએ તે દહાડે મને ગામ જવાને હુકમ કીધો તેની મતલબ હવે સમજાઈ. તે દુષ્ટ ચંડાળનો મારું ઘર જ ઊખેડી નાંખવાનો વિચાર હતો. એવો કૃતધ્ની રાજા પૃથ્વી ઉપ કોઈ થયો જ નથી, અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરીગયા ત્યારે એને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે ? કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે ? કેટલાં કાવતરાં કરવાં પડ્યાં છે ? અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવાં મને વચન આપ્યાં છે ! પણ તે સઘળાં જૂઠાં. ‘‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી’’ એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કરેલો ઉપકાર તે ભૂલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દૂધ પાઈને ઉછેર્યું, કે તે મોટું થયા પછી પહેલો તેણે મને જ ડંખ માર્યો. પણ એવી કૃતધ્નતા પરમેશ્વર સાંખવાનો નથી. પણ ભવિષ્યની વાત શી કરવી ? હમણાં તો તેના દુષ્ટ કામનાં સારાં ફળ તે ભોગવે છે. જો તે દહાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં, અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દૈવની સામે કોણ ડાહ્યો છે ? લખિત વાત સો ભવે પણ મટતી નથી. વિધાતાના જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામટું કોઈને પડ્યું જ નહીં હશે. સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતઃકરણ કોતરવાને બસ છે; પણ તેની સાથે આ તો મારો નાનો ભાઈ, જેને મેં લાડથી ઉછરેલો, જેને મેં લાડથી મારા છોકરા જેવો ગણેલો, તે આવે અકાળ મોતે મૂઓ એથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે ! તેં તારો જીવ આપયો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તેં તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કરવું જોઈએ; તેમ કરવામાં તેં તારો દેહ પાડ્યો તેથી તું હમણાં કૈાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારું દુઃખ અર્ધું ઓછું થાય છે. પણ એટલું પણ દૈવને બસ ન લાગ્યું. હમણાં જેઠાશાનો મોતીશા આવ્યો, તેના કહેવાથી જણાયું કે ગુણસુંદરી સતી થઈ, ને તેવા સ્વામીની સાથે બળી મૂઈ. એથી હરખાવું કે શોક કરવો તે સમજાતું નથી. ઘર તો જડમૂળથી ઊખડી ગયું. વંશવૃદ્ધિની તો હવે આશા રાખવી ફોકટ. પણ નામ તો અમર રહેવાનું. ગુણસુંદરીના સ્વાત્માર્પણથી આખા કુળની, આખી ન્યાતની પ્રતિષ્ઠા વધી, અને મારી સાત પેઢી તરી, શી માણસની અવસ્થા છે ! મોટાઈ કેવી અનિશ્ચિત છે ! આજ છે અને કાલે નથ. જેવું બીડમાંનું સૂકું ઘાસ, જેને બળતાં જરા પણ વાર લાગતી નથી; સૂર્યાસ્ત થતી વખતની જેવી છાયા, તે વખતે તો તે ઘણી મોટી દેખાય છે, પણ થોડી વાર પછી નહીં સખી થઈ જાય છે; તે તો એક નિદ્રાનું સ્વપ્નું, જાગ્યા એટલે કાંઈ મળે નહીં. દશેરાને દહાડે કેવી સ્થિતિ હતી, અને આજ કેવી ? આશરે દશ કોશ સુધી દમ ખાધા વિનાપગે ચાલીને હું અહીં આવી પહોંચ્યો. મારા બધા ચાકર, સિપાઈ આજ ક્યાં ગયા ? હું તો એકલો ફરું છું. તોપણ હું જીવું છું એટલી મહાદેવજીની કૃપા છે. જો હું પણ મરી ગયો હોત તો એ દુષ્ટ રાજા સુખેથી બેસત. પણ હું હવે તેનો કાળ થઈ ભટક્યા કરીશ. અને તેને એક દહાડો પણ ચેન પડવા દઈશ નહીં. એનું વેર લીધા વિના રહેવાનો નથી. અરે ! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગ્રત થા. હવે તારું કામ છે. જ્યાં લગી આ દેહમાં આત્મા છે, ત્યાં સુધી તું છાતીમાં જ વાસો કરજે. વેર તો આખા જગતમાં પથરાયેલું છે. કદાપિ કેટલાંક પુસ્તકોમાં તેની નિંદા કરેલી હશે પણ તેઓથી કાંઈ તેની શક્તિ જરા પણ ઘટી નથી. નિર્જીવ પદાર્થો પણ વેર લે છે. જો હું આ ભીંત ઉપર મારો હાથઠોકું તો તે ભીંત મને સામું તેટલું જ મારે છે. તે શું વેર નથી લેતી ? કૂતરાને પથ્થર મારીએ તો તે સામો ભસીને કરડવા નથી આવતો ? સાપને પગ તળે છૂંદીએ તો તે આપણને કરડીને આપણો પ્રાણ નથી લેતો ? એ પ્રમાણે ક્યું અવાચક પ્રાણી જેનામાં વેર લેવાની શક્તિ છે તે તેને ઉપદ્રવ કીધા છતાં સામું વેર નથી લેતું ? વળી માણસને ધર્મશાસ્ત્રમાં ‘‘ક્ષમા કરવી, દયા લાવવી’’, એ વગેરે બોધ થયા જ કરે છે, તોપણ તેઓ વેર લીધા વિના ચૂકતા નથી. દેવતાઓ પણ વેર ે છે એવી વાર્તા આપણે પુરાણમાં ક્યાં નથી વાંચી ? વેર તો જગતનું રક્ષણ છે. જો કોઈ વેર લે નહીં તો દુનિયા ચાલે પણ નહીં. જો કોઈ માણસને કોઈ ટપલો મારે તો તે સામા બે મારે છે; જો તેનામાં તેમ કરવાનું જોર નહીં હોય તો જ ક્ષમા કરે છે, અથવા રાજા આગળ ફરિયાદ કરી તેને શિક્ષા કરાવે છે. એ તો અશક્તિમાન ભવેત્ સાધુઃ, જો એક માણસ બીજા કોઈનો કાંઈ માલ ચોરી જાય. અથવા તેને બજી કોઈપણ રીતે કાંઈ નુકશાન પહોંચાડે તો તેનું વેર લે છે, અથવા લેવડાવે છે ડાહ્યા પુરુષો કહે છે કે જો સઘળા લોકો પોતાના ઉપર ગુજરેલા અન્યાયને માટે પોતાની મરજી પ્રમાણે વેર લે તો દુનિયાની અવ્યવસ્થા થઈ જાય, અને જલદી તે લય પામે; માટે હરેક ગુનાને વાસ્તે રાજાને ફરિયાદ કરવી. અને જો તેનાથી દાદ ન મળે, તો પરમેશ્વર તરફથી ઈન્સાફ મળશે જ એવો દૃઢ વિશ્વાસ રાખી બેસવું. પણ રાજા કાંઈ હમેશાં નિષ્પક્ષપાત હોતો નથી, અથવા ખરેખરો ન્યાય કરતો નથી, અને ઘણી વખતે તેમ થઈ શકતં પણ નથી. રાજા પોતે જ જ્યારે અપરાધી હોય, ત્યારે તેનો ઈન્સાફ કોણ કરે ? કોઈ લાચાર થયા વિના પરમેશ્વરના ઈન્સાફ ઉપર રહેવા દેતું નથી. એ તો મન વાળવાની વાત છે. જો મન મોટું રાખી આપણે હરેક ગુનેગારને ક્ષમા કરીને જવા દઈએ તો દુનિયામાં ગુનેગારની સંખ્યા વધી જાય, અને જેટલા ગુના થાય તે સઘળાનું પાપ આપણે માથે પડે, પરમેશ્વરની શિક્ષાથી થોડા જ બીએ છે. કોણ તે જોઈ આવ્યું છે ? જો સરકાર ઈન્સાફ મૂકી દઈને લોકોને કહે કે જે ગુનો કરશે તેનો બદલો પરમેશ્વર તરફથી મળશે તો પછી ગુનો કરવાથી કેટલા અટકે છે તે જણાય. માટે વેર તો લેવું જ જોઈએ; અને જ્યારે આપણી બાબતમાં ગુનેગાર રાજા છે ત્યારે સ્વહસ્તે વેર લેવું, અને જો તેમ ન લેવાય તો જ તેને પરમેશ્વરને સોંપવો.
એવા વેરના તરંગ સિદ્ધપુરમાં રુદ્રમાળના દેવસ્થાનનાં સરસ્વતી નદી ઉપર જવાનાં પગથિયાંની પગથાળ ઉપર એક જુવાન માણસ રાતને વખતે ફરતો હતો તેના મનમાં ઊઠતા હતા. તેની છાતી ક્રોધથી ઊભરાઈ જતી હતી, અને તેનો ક્રોધ વાજબી છે એમ જાણી સૃષ્ટિ પણ તેવી જ રીતે ક્રોધાયમાન દેખાતી હતી. સરસ્વતી નદીમાં એટલું તો જોરથી પૂર વહેતું હતું કે તેમાં ઝાડનાં ઝાડ તથા મૂએલાં જાનવર ઘસડાઈ જતાં હતાં. આકાશ એવું તો વાદળાંથી ઘેરાઈ ગયેલું હતું કે સામો માણસ અથડાય ત્યાં સુધી તેનું મોં દેખાતું નહીં, વરસાદ પણ ઝરમર ઝરમર આવતો હતો. પવન એટલા જોરથી વાતો હતો કે તેના ઘૂઘવાટથી છાતી ધબક્યા વિના રહે નહીં. તેની સાથે વાયુબળથી પાણી ગજગજ ઊંચાં ઊછળતાં હતાં. ઝાડો ભોંયની સાથે અફળાતાં, અને કેટલાંકતો જડમૂળથી ઊખડી જશે એમ લાગતું હતું. આકાશમાં વીજળીના ઝળકાટ થઈ રહ્યા હતા; અને તેથી જ વખતેવખતે અજવાળું પડતું તે વડે રુદ્રમાળના કીર્તિસ્તંભ, તેનું નકશીદાર તોરણ, નાનાંનાનાં દહેરાંનાં શિખરો, વગેરે જણાતાં હતાં. વીજળી થઈ રહ્યા પછી ગર્જનાના કડાકા એવા તો જોરથી થતા કે તેના જોરથી તથા પવનથી બધું દેવસ્થાન તૂટી પડશે એવી દહેશત લાગતી હતી. એવે વખતે, એટલે જ્યારે ઈશ્વર કોપાયમાન થયો હોય એવો દેખાય ચોમેર થઈ રહ્યો હતો ત્યારે માણસ ક્રોધને વશ થાય એમાં શું આશ્ચર્ય ? એવે વખતે મનને શાંતિ થવાને બદલે તે વધારે જોશ ઉપર ચઢે, અને જેવો સઘળો દેખાવ કાળો તેવાં કાળાં કામ કરવાને મન પ્રવૃત્ત થાય એમાં શી નવાઈ ? એવી સ્થિતિ તે વખતે માધવના મનની હતી. તેનું શરીર ધ્રુજતું હતું. અને તેના મનની અવસ્થા તેના શરીરની અવસ્થા ઉપર જણાઈ આવતી હતી. તેણે મોતીશાના મોંથી ફરી સઘળી વાત સાંભળી લીધી, અને તેથી ઊલટું અગ્નિમાં તેલ હોમાયું. આી વખતે તેણે મોતીશાનો ઉપકાર પણ માન્યો નહીં. જે વખતે માધવના તમામ મિત્રો તેને છોડી ગયા, તે વખતે એ શાહ પોતાનું ઘર, ધણિયાણી, છોકરાં, દોલત તથા બીજું સુખ તજીને પોતાના અસલ મિત્રને સહાય કરવા આવ્યો. જેના ઉપર રાજાની ઈતરાજી થઈ તેની પાસે ઊભા પણ રહેવું નહીં એવો જેઠાશાનો મત હતો, પણ તે ન જાણે તેમ શહેરમાંથી તે નીકળી આવ્યો. મિત્રાચારી તો એવી જ જોઈએ; અને એવી પ્રીતિ જુવાનીમાં જ્યારે અંતઃકરણ ગરમ હોય છે ત્યારે જ થાય. ઘડપણમાં જ્યારે સ્વાર્થનું જોર વધે છે ત્યારે પ્રીતિ ઓછી થાય છે; માટે ઘરડા માણસોમાં એવી મીત્રાચારી ક્વચિત જ હોય છે.
રાત ઘણી ગયાપછી મોતીશા તથા માધવ દહેરાની એક ધર્મશાળામાં સૂતા, પણ માધવને ઊંઘ આવે નહીં; વેર, વેર તેના આખા શરીરમાં વ્યાપી ગયું હતું; અને તે શી રીતે લેવું તેના વિચારમાં ને વિચારમાં તેણે પછાડા માર્યા કર્યા. કેટલીક વારેતે અર્ધી ઊંઘમાં પડ્યો, એટલે તેના સામી એક ઘણી રૂપાળી સ્ત્રી આવીને ઊભી રહી. તેનું તેજ એટલું હતું કે માધવની આંખ ઊઘડી ગઈ; અને તે બોલ્યો : ‘‘વેરદેવી, તું માનવ હોય કે દાનવ, મૃત્યુલોકમાંની કે સ્વર્ગલોકમાંની ગમે તે હોય, પણ દુષ્ટ કરણ રાજાનું વેર શી રીતે લેવું તે બતાવ.’’ સ્ત્રી બોલી, ‘‘અલ્યા માધવ ! તું નાગર છે તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા અંબા ભવાની છું, અને મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે, માટે તું મારું દર્શન કરવાને ત્યાં આવજે એટલે હું તને શું કરવું તે બતાવીશ.’’ એવું કહી માતાજી અદૃશ્ય થઈ ગયાં, અને માધવ આસપાસ જોવા જાય છે તો ત્યાં કાંઈ જ દીઠું નહીં. માધવને હવે નક્કી થયું કે માતાજી મને સહાય થશે, માટે કાલે સવારે ઊઠીને તેનાં દર્શન કરવા જવું, પછી ત્યાંથી જે ઉપદેશ મળશે તે પ્રમાણે ચાલીશ.
એટલો નિશ્ચય કરવાથી તેને જરા શાંતિ થઈ. દહાડાનો થાક લાગ્યો હતો, તથા તેના મનમાં જે ઊથલપાથલ થઈ રહી હતી, એ સઘળાંથી તેના મગજ ઉપર અસર થઈ, તે નિદ્રાને વશ થયો, અને સૂર્યોદય થયો, અને તડકો તેની આંખ ઉપર આવવા લાગ્યો, ચલ્લીઓ તથા બીજાં પક્ષીઓ શોરબકોર કરવા લાગ્યાં, અને દહેરામાંના સાધુ વૈરાગી મોટા અવાજથી ગાતા આણીગમ-તેણીગમ ફરવા લાગ્યા, ત્યારે જ તે ઊઠ્યો. ઊઠતાં જ વાર ગામમાં જઈ તેણે બે ઘોડા વેચાતા લીધા અને સાવરના કામથી પરવારી તે તથા મોતીશા ઘોડા ઉપર સવારથઈ માતાજીના સ્થાનક તરફ જવા નીકળ્યા. મોટે રસ્તે જાય તો રાજાનાં માણસોના જોવામાં આવે, માટે તેઓ સરસ્વતીને કિનારે કિનારે ચાલ્યા. થોડા દહાડા તો વસ્તીવાળો મુલક આવ્યો; પણ જેમ જેમ તેઓ સરસ્વતીના મુખ આગળ આવતા ગયા તેમ તેમ જમીન વધારે પહાડી તથા જંગલી થતી ગઈ. થોડીક વાર તેઓનો રસ્તો એક જંગલી પણ રમણીય તથા ફળવાન ખીણમાં થઈને હતો. તે ખીણની આસપાસ ઝાડોથી ઢંકાયેલા પહાડો ચોતરફ હતા. આ ઠેકાણે આ એકાંત નદીને કિનારે કિનારે તેઓ ચાલતા હતા તે વખતે સાંજ પડી ત્યારે અઘોર રાન વધારે ભયાનક દેખાવા લાગ્યું. વાઘ, વરુ, શિયાળ ઈત્યાદિ જંગલી જાનવરોનો અવાજ થવા માંડ્યો. અને તેઓની આસપાસ કાળા અને નાગા વનના માણસો કોઈ આઘાં ગામોમાં નોબત વગાડતા તેનો કઠોર અવાજ તેઓને કાને પડ્યો. એટલામાં આઘે એક બળતું થયેલું નજરે પડ્યું. ભીલ લોકો તેઓની દેવીને બલિદાન આપતા હતા, અને ભડકો સૂકાં લાકડાંમાંથી નીકળીને એક પહાડથી બીજા પહાડ ઉપર મોટા સર્પની પેઠે વીંટળાતો હતો. એવે રસ્તે થને તેઓ અંબા ભવાનીના દેવસ્થાન આગળ સરસ્વતી નદીના મુખની પાસે કોટેશ્વર મહાદેવનું દેવાલય છે ત્યાં પહોંચ્યા અને મહાદેવનાં દર્શન કરી ત્યાં રાત રહ્યા.
બીજે દહાડે, અંબા માતાના દહેરા તરફ જવાનો રસ્તોા ઘણો વિકટ તથા ત્યાં ચોર અને વાઘનો ભય ઘણો હોવાથી, ચક્રાવો ફરી પહાડની તળેટી ઉપર દાંતા ગામ અંબા માતાના ઘણા માનીતા પરમાર રાજાઓનું હતું ત્યાં તેઓ પહોંચ્યા. તે વખતે માતાજીનો જાત્રાનો વખત ન હતો તોપણ કેટલાંક માણસો માનતા ચઢાવવાને જતાં હતાં તેઓ તે બંનેને મળ્યાં. તેમની સાથે બીજે દહાડે સવારે પહાડ ઉપર ચઢવા માંડ્યું. ચઢાવ ઘણો લાંબો પણ સરળ હતો, તોપણ ઠેકાણે ઠેકાણે ખડબચડો તથા વાંકોચૂકો હતો. જાત્રાળુ લોકોએ રાતાં, પીળાં, ધોળાં, ઈત્યાદિ નાના પ્રકારના રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં. કેટલાક પાસે ચળકતી તલવારો હતી. કેટલાકનાં અંગ ઉપર ઝળકતાં સોનાનાં ઘરેણાં ઘોલાં હતાં, તે સઘળાં તડકાં ચળકતાં હતાં. તેઓ રસ્તે ચાલતા ત્યારે મેદાન આવતું તેમાં ાંબી હાર દેખાતી. કેટલીક વાર તો રંગબેરીંગી પહાડોથી થોડા ઢંકાઈ જતા, અને કોઈ કોઈ વાર ઝાડોના ઓથામાં આવ્યાથી બિલકુલ નજરે પડતા ન હતા. ચઢાવના ઘણા સીધા ભાગની વચ્ચોવચ એક જૂની વાવ હતી, ત્યાં સંઘે થોડીવાર મુકામ કૃયો. પછી પાણી પી તાજા થઈને ઓગળ ચાલ્યા, અને ઉદાસ તથા ઉજ્જડ ટેકરામાંથી નીકળી રમણીય મેદાન ઉપર આવ્યા. તે વખતે આરાસુરના સુંગંધીદાર પવનની લહેરોથી તેઓને આનંદ થયો. તે વખતે સંઘમાંના આગળ ચાલનાર લોકોએ બૂમ પાડી કે દહેરું પાસે આવ્યું. એ બૂમ સાંભળતાં જ સઘળા પોતપોતાના ઘોડા ઉપરથી ઊતરી પડ્યા, અને જમીન ઉપર લાંબા થઈ પગે લાગીને ‘‘જય અંબે’’, ‘‘અંબે માતકી જય’’ એવી બૂમ પાડી ઊઠ્યા. દહેરું આરાસુરના પહાડમાં આરાવતલી પર્વતોની શાખા જ્યાં નૈઋત્ય કોણમાંથી પૂરીથાય છે ત્યાં હતું. તે દહેરું નાનું હતું, અને બીજાં કેટલાંક નમાંકિત દહેરાં કરતાં ઓછું શોભાયમાન હતું. તેની આસપાસ મજબૂત કોટ હતો, તેમાં દેવીના પૂજાર, નોકરચાકરો તથા જાત્રાળુ લોકોને રહેવાને માટે ધર્મશાળા હતી. તેમાં એક નાનું લશ્કર પણ રહેતું હતું, પણ માણસના બળ તથા શસ્ત્ર વડે અંબા માતાનું રક્ષણ થાય છે એમ ના કહેવાય માટે બહાર દરવાજો રાખવાને અંબા માતાએ ના કહી હતી. આ દહેરામાં જેનું પૂજન થતું હતું તે મહાદેવની પત્ની, હિમાચલ તથા મેનાની પુત્રી દુર્ગા હતી, ચાંપાનેર આગળ પાવાગઢ ઉપર તેનું ઉગ્ર તથા સર્વભક્ષક કાળિકાનું સ્વરૂપ છે તેવું ત્યાં નહોતું પણ ભવાની એટલે સ્વયંભૂની કામ કરવાની શક્તીનું, તથા અંબાજી એટલે સૃષ્ટિની માનું રૂપ હતું. આરાસુરનું દહેરું ઘણા પ્રાચીનકાળથી ત્યાં હતું. એવું કહેવામાં આવે છે કે એ ઠેકાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બાળક હતા ત્યારે તેમના વાળ લેવડાવ્યા હતા, અને ત્યાર પછી જ્યારે રુકમણીને શિશુપાળની સાથે પરણવા ન દેતાં તેને ભગવાન લઈ ગયા, ત્યારે તે દેવીનું પૂજન કરવાઆવી હતી તે આ ઠેકાણે જ આવી હતી. હજારો વર્ષ થયાં જાત્રાળુ લોકો ત્યાં આવતા તેથી સઘળું આંગણું ઘસાઈ ગયું હતું.
એ દહેરામાં માધવોઅનેમોતીશા આવ્યા,એક ધર્મશાળામાં ઊતર્યા, અને રસોઈપાણી કરી, થાકખાઈ સાંજની વખતે માતાજીનાં દર્શન કરવા ગયા. માતાજીનું સ્વરૂપ જુદા જુદા લોકોને જુદુંજુદું દેખાય છે ખરું; પણ માધવને તો જુદાં જ દર્શન થયાં. માતાનો વેશ મ્લેચ્છનોહતો. તેના એક હાથમાં ખડ્ગ હતું, અને બીજા હાથમાં એક માણસની ચોટલી હતી. માતાનું આવું રૂપ જોઈને તે આશ્ચર્ય પામી ઊભો રહ્યો. અને વધારે જુએ છે એટલામાં તે માણસ જોરે કરી માતાજીના હાથમાંથી નીકળી ગયો,અને તેના હાથમાં તેની ચોટલી રહી ગઈ એવું દીઠું. તેનો અર્થ શો હશે એ વિષે તે ઊંડા વિચારમાં પડ્યો. એટલામાં સિદ્ધપુરની રુદ્રમાળની ધર્મશાળામાં આવેલું સ્વપ્ન તેને યાદ આવ્યું, તે ઉપરથી તેણે અટકળ કરી કે મ્લેચછનો અર્થ મ્લચ્છ અથવા તુર્ક લોકોનો દિલ્હીનો રજા, અને પેલો માણસ એટલે ગુજરાતનો કરણ રાજા, એ ઉપરથી દિલ્હીનો તુર્ક રજા કરણને સપડાવશે, પણ તે તેનું રાજ મૂકીને નાસી જશે એ સિવાય બીજો કોઈ અર્થ દેખાતો નથી. માતાજીએ વેર લેવાનો રસ્તો બતાવયો તો ખરો ! માટે હવે દિલ્હી જવું અને ગુજરાત ઉપર ચઢાઈ કરવાને ત્યાંના સુલતાનને વિનંતી કરવી. એવી રીતે તેનો ખુલાસો થયો, તેથી તે ઘણો આનંદ પામને માતાજીને પગે પડ્યો. પછી ફૂલના હાર, નાળિયેર, પૈસા તથા ઘરેણાં માતાજીને ચઢાવ્યાં. વળી તેણે વસ્ત્ર, નિશાન, સોના-રૂપાનાં વાસણ, ઘંટ અને માતાજીની પૂજાનો બીજો કેટલોક જરૂરી સામાન અર્પણ કીધો. રાત્રે માતાને થાળ મોકલી તેમાં બકરાં, મુરઘા, ઈત્યાદિ માતાને બલિદાન આપી શકાય એવાં પ્રાણીઓનું માંસ તથા મદિરા મૂકેલાં હતાં. માધવ જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ખાવામાં અથવા બીજા કોઈપણ કામમાં તેણે તેલ વાપર્યું નહીં, સઘળે ઠેકાણે તણે ઘીનો જ ઉપયોગ કર્યો. માતાજીને માધવે ઘણી કીમતી બાધા ચઢાવી તેથી રાત્રે તેને ચમર કરવા દીધી; તેના બદલામાં વળી તેણે સિદ્ધપુરના ત્રણ ઔદીચ્ય બ્રાહ્મણો જે તયાંના પૂજારી હતા, અને જેઓએ તે કામ દાંતાના રાણાને કેટલાક પૈસા આપવા કબૂલ કરી ઈજારે રાખ્યું હતું, તેઓને કાંઈ આપ્યું. તેઓએતેને પહેલાં દર્શન કરતી વખતે ચાંલ્લો કર્યો હતો.
બીજે દહાડે તેણે તેઓને તથા બીજા બ્રાહ્મણોને સારી પેઠે મિષ્ટાન્ન લેવડાવી તૃપ્તકીધા, અને યથાયોગ્ય દક્ષિણા આપી જાત્રા પૂરી થઈ તેની નિશાનીનો કંકુનો હાથ તેના ખભા ઉપર દેવડાવ્યો.હવે બીજું કાંઈ કામ રહ્યું નહીં, તેથી પાસે માનસરોવરના કાંઠા ઉપર અપરાજિત માતાનું દહેરું છે ત્યાં તેઓ દર્શન કરવા ગયા. ત્યાંથી આવ્યા પછી અંબા ભવાનીના દેવસ્થાનની પશ્ચિમે આશરે એક કોશ ઉપર એક પહાડ હતો તે ઉપર ગબરગઢ નામનો કિલ્લો તેવખતે હતો તે જોવાને તેઓનો વિચાર થયો. તે પહાડ આગળ નાના-નાના ટેકરા એવી રીતે આવી રહેલા હતા કે જો કોઈ તેને આઘેથી જુએ તો ત્યાં એક મોટો કમાનદાર દરવાજો હોય એમ લાગે. તે ઉપરથી એવી કથાચાલે છે કે અંબામાતા તે પહાડના પોલાણમાં રહે છે. જ્યારે માધવે ત્યાં પૂજારીને તે જગાનો મહિમા પૂછ્યો, ત્યારે તેણે નીચે પ્રમાણે એક વાત કહી, ‘‘કોઈ વખત ઉપર માતાજીની ગાયો ગોવાળિયાની બીજી ગાયોની સાથે આખો દહાડો ચરતી, અને રાતની વખતે આ પહાડમાં પાછી આવતી. એ ગાયો કોની છે તે જાણવાનું પેલા ગોવાળિયાને ઘણું મન થયું, અનેગમે તે થાય તોપણ એ ગાયોનો ધણી શોધી કાઢી તેની પાસે ચરામણી માગવાનો તેણે નિશ્ચય કીધો. એક સાંજરે જ્યારે ગાયો ધારા પ્રમાણે પોતાના ઘર તરફવળી, ત્યારે ગોવાળિયો તેની પાછળ ગયો, અને તેનીસાથે પહાડમાં પેઠો. પહાડમાં પેઠા પછી એક અતિ શોભાયમાન મહેલ આવ્યો, અને તેમાં ઘણા વિશાળ ઓરડાઓ દીઠા. મુખ્ય ઓરડામાં એક હિંડોળામાં એક હિંડોળા ઉપર માતાજીને બેઠલાં જોયાં; તેની આસપાસ તેની ઘણી સખીઓ હતી. ગોવાળિયો હિંમત પકડીને માતાજી આગળ ગયો, અને પૂછ્યું કે આ ગાયો તમારી છે ? તેમણે હા કહી. તે ઉપરથી ગોવાળિયાને વધારે બોલવાની હિંમત આવી. તે બોલ્યો : - ‘‘મેં આ ગાયોને બાર વર્ષ થયાં ચરાવ છે, માટે હવે મને તેની ચરાઈ આપવી જોઈએ.’’ માતાજીએ તેની પાસે એક બૈરી ઊભી હતી તેને આજ્ઞા કીધી કે ભોંય ઉપર જવનો ઢગલો પડેલો છે તેમાંથી થોડાક તેને આપો. તેણે એક સૂપડું જવે ભર્યું, અને ગોવાળિયાને આપયું. તેણે તે લીધું, અને નાઉમેદ થઈને તથા ખીજવાઈને ઘરની બહાર નીકળ્યો, અને આંગણા આગળ જવ ભોંય ઉપર નાખી દીધા. પોતાને ઘેર જઈ જોયું તો તેનાં લૂગડાં ઉપર ઘણી ઊંચી જાતના સોનાના કેટલાએક રવા વળગેલા જોયા. ગોવાળિયાએ બીજે દહાડે ફરીથી પહાડમાં પેસવા માંડ્યું. પણ તેને રસ્તો જડ્યો નહીં અને માતાજીની ગાયો પણ ફરીથી ચરવા આવી નહીં.’’
અંબાજીની પાસે એક નાની નદી ઉપર જંગલ ચમેલી તથા બીજાં સુગંધીદાર ફૂલોની એક વાડી જેવું હતું, ત્યાં કેટલાંક સુંદર સફેદ આરસપહાણનાં બાંધેલાં જૈન ધર્મનાં દહેરાં હતાં, ત્યાં જવાનો મોતીશાએ આગ્રહ કીધો, અને તે જૈન થઈને તેની પ્રમાણે હતી : - વિમળશાને માતાએ ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેણે ત્યાં પારસનાથનાં ત્રણસેં ને સાઠ દહેરાં બાંધ્યાં; પછી માતાજીએ તેને પૂછ્યું કે એ દહેરાં તેં કોની સહાયતાથી બાંધ્યાં ? ત્યારે તેણે જવાબ દીધો કે ગુરુની સહાયતાથી. માતાજીએ એનો એ પ્રશ્ન ત્રણવાર પૂછ્યો, પણ ત્રણે વાર તેણે એનો એ જ જવાબ દીધો. ત્યારે તેણે તેને કહ્યું કે, ‘‘અલ્યા, જેમ નસાય તેમ નાસ.’’ એક દહેરાનું ભોંયરું જેમાં થઈને દેલવાડાનાં દહેરાંના ભોંયરામાં જવાતું હતું તેમાં તે ઊતર્યો, એ નીચેની સુરંગમાં થઈને આબુ પહાડ ઉપર નીકળ્યો. પછી માતાજીએ પાંચ સિવાય બધાં દહેરાં બાળી મુક્યાં, અને એ વાત સૌ કોઈના જાણ્યામાં આવે માટે તે પાંચ જ રેવા દીધાં. જે ત્રણસો ને પંચાવન દહેરાં બાળી મૂક્યાં તેના બળેલા પથ્થર ભોંય ઉપર પડેલા હતા. તે જોઈ શાહને પાકી ખાતરી થઈ કે શ્રી અંબાજી કોપાયમાન થઈને તેણે એ દહેરાં બાળી મૂક્યાં, તેથી તેણે આબુના દેલવાડામાં એક દેવસ્થાન બાંધ્યું તે ઉપર માતાજીને શાંત કરવાને નીચે પ્રમાણે કોતરાવ્યું :
‘‘તારા પાતરાં જેવા હાથ અશોકના જાડનાં પાતરાં જેવા રાતા છે. તું અતિ ઘણી સુંદર દીસે છે. તારો રથ કેસરી સિંહ ચલાવે છે. તારા ખોળામાં બે છોકરા છે. એવી તું સતી અંબિકા સદ્ગુણી પુરુષોના પાપનો નાશ કર.’’
‘‘એક વાર રાત્રે વિમળશાને શાણી અંબિકાએ આજ્ઞા કીધી કે આ પહાડ પાપ રહિત જગા છે તે ઉપર યોગનાથનું એક સારું દહેરું બાંધ.’’
‘‘શ્રી વિક્રમાદિત્ય પછી એક હજાર અઠ્યાસી ચોમાસાં ગયાં એટલે ઈ.સ.૧૦૩ર માં અર્બુદાના શિખર ઉપરથી આદિદેવનું વિમળે સ્થાપન કીધું તેને હું પૂજું છું.’’
એ દહેરામાં મોતીશા તથા માધવે દર્શન કર્યા. પછી ત્યાંથી આબુના પહાડ ઉપર જવાનો તેમણે ઠરાવ કર્યો. રતસ્તો ઘણો જ રમણીય હતો. એક નાના નાળાની કોરે કોરે તેઓ ચાલ્યા. આકાશમાં એકપણ વાદળું ન હતું. અમરાઈમાંથી કોયલો ટહુકા કરતી હતી. બીજા જંગલનાં પક્ષી વાંસની ઝાડીમાંથી સાદ કરતાં હતાં; અને તેતરનાં ટોળેટોળાં ઝાડો ઉપર બેસીને હોલાઓની સાથે આનંદથી સંવાદ ચલાવતાં હતાં. લક્કડખોદ ઝાડોના થડ ઉપર તેઓની કઠણ ચાંચ ઠોકતા હતા તેના અવાજથી આખું વન ગાજી રહ્યું હતું. તયાં નાના પ્રકારનાં સુંદર ફૂલ તથા સ્વાદિષ્ટ મેવા નજરે પડતા હતા. ઝાડો ઉપર ચઢતા વેલાનાં ધોળાં તથા પીળાં ફૂલોમાંથી મધમાખીઓ મધ કાઢતી હતી. તયાં કોઈ માણસની વસ્તી ન હતી. કોઈ કોઈ વાર કોઈ રજપૂત સવાર ઢાલ બાંધીને તથા ભાલો હાથમાં રાખીને અંબાજીનાં દર્શન કરવા જતો હોય તે જોવામાં આવતો;અથવા કોઈ તળાવની પાસે વણજારાઓ ગુણ નાખીને બળદ છૂટા મૂકીને પડેલા હતા તે નજરે આવતા હતા. આગળ ચાલતાં એક સપાટ ખીણ આવી તે રેતાળ હતી, પણ તેમાં ઠેકાણે ઠેકાણે ખેડાણ હતું. વળી રસ્તામાં અનાજનાં ખેતર આવતાં, અને વખતેવખતે નાનાં ગામો દેખાતથાં, અને આઘેના પહાડમાંથી નીકળેલી નદીઓ વોહેતી નજરે પડતી હતી. ત્યાંથી ધુમ્મસે ઘેરાયેલો આબુ પહાડ દેખાયો. તેની બાજુઓ ઉપર ઝાડ તથા જાડી અને નાની નદીઓ દેખાવા માંડી. આગળ જતાં એક ટેકરી ઉપર દોરો જેવો રસ્તા દેખાયો. તે કોઈ ઠેકાણે ચઢતો અને કોઈ ઠેકાણે ઊતરતો હતો. એ રસ્તા ઉપર ઝાડીની ઘટા આવી રહી હતી. તેમાં ચઢતાં ચઢતાં એક કરાડની નીચે એક મેદાન આવ્યું; ત્યાં ઘણાં શોભાયમાન ઝાડોનીવચ્ચોવચ વસિષ્ઠમુનિનું દહેરું હતું. તે દહેરાની વાડીમાં માધવ તથા મોતીશા થાક ખાવાને ઊતર્યા. એ વાડીમાં ઘણાં સુગંધીદાર ફૂલો ઊગેલાં હતાં. તેમાં કેવડાથી તમામ જગા મહેક મહેક થઈ રહી હતી. વળી તયાં એક પથ્થરના ખડકમાં ગાયનું મોં કોતરેલું હતું, તેમાંથી પાણીનો ધોધ પડી નીચે એક મોટી ટાંકલીમાં પડતો, તેથી કર્ણેન્દ્રિયને પણ ઘણો આનંદ થતો હતો.
મુનિનું દહેરું નાનું હતું તેમાં વસિષ્ઠ જણે અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતના મૂળ પુરુષોને કાઢ્યા તે મુનિની કાળા પથ્થરની મૂર્તિ હતી. ત્યાં સવારે, બપોરે અને સાંજરે નોબત વાગતી હતી. તેના નાદથી તે જગ્યા ઘણી રળિયામણી લાગતી હતી. વસિષ્ઠમુનિના દહેરા આગળ પથ્થરમાં લાંબાં પગથિયાં કાપી કાઢેલાં છે તે ઉપર થઈને ઊંચે ચઢવાનું હતું. તે ઉપર ચઢતાં ચઢતાં તેઓ આખરે આબુના સપાટ મેદાન ઉપર પહોંચ્યા. તે ઠેકાણે તેઓ ગયા ત્યારે જાણે એક નવા જગતમાં. વાયુમાં તરતા એક બેટમાં આવ્યા હોય એમ તેમને લાગ્યું. તેઓની આસપાસ ચોતરફ ઊંચીનીચી ટેકરીઓ હતી તે ઉપર નાનાંમોટાં ગામો હતાં. તેમાં એક સરોવર હતું, અને એક કરતાં વધારે નાળાં હતાં. તે સઘળી ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ઉપર એક મુનિનું નાનું દહેરું હતું તે ઉપરથી તેને મુનિનું શિખર કહેતા હતા; અને બીજી એક ટેકરી ઉપર પ્રસિદ્ધ અચળગઢનો કિલ્લો હતો.
આબુના સઘળા પહાડોમાં સૌથી ઊંચો મુનિ-શિખર હતો તે ઉપર માધવ તથા મોતીશા ચઢ્યા. જ્યારે તેઓ ઉપર ગયા તયારે દક્ષિણ તરફથી ઠરી જવાય એવો ટાઢો પવન આવવા લાગ્યો તેથી તેઓએ કાળી કામળી શરીર ઉપર વીંટાળી અને એક ટેકરીની પાછળ ભરાઈને ભોંય ઉપર લાંબા થઈને સૂતા. દેખાવ ઘણો ભભકાદાર તથા સુંદર હતો. તેઓના પગ નીચે વાદળાં આવી રહ્યાં હતાં અને તેમાંથી સૂર્યનાં કિરણ નીચે ઊતરતાં હતાં. એ ઊંચી, આંખે તમ્મર આવે એવી, ટોચની ઉપર એક નાનું ગોળ મેદાન હતું, તેની આસપાસ એક નીચો કોટ હતો. એક બાજુએ આશરે દશ ગજ ચોરસ ગુફા હતી તેમાં એક મોટો પથ્થર હતો તે ઉપર વિષ્ણુનો અવતાર જે દત્તભગુ તેનાં પગલાં હતાં. તે પાદુકા પૂજવાને માટે જ મોતીશા આટલું જોખમ ખમી ઉપર ચઢ્યો હતો. અને બીજા ખૂણામાં સીતાભક્તોના મહા ગુરુ રામાનંદની પાદુકા હતી. આ ભયાનક સ્થળમાં તે પંથનો એક સાધુ રહેતો હતો. તેણે એક ઘંટ વગાડવા માંડ્યો, અને જ્યારે માધવે તેને દક્ષિણા આપી ત્યારે જ તે ઘંટ વગાડતો બંધથયો. સાધુની પાદુકાની આસપાસ જાત્રાળુ લોકોની લાકડીઓનો ઢગલો પડ્યો હતો.તેઓ આટલી હિંમત ચલાવી ઉપર આવ્યા તેની યાદગીરીને વાસ્તે ઢગલો ત્યાં રાખવામાં આવ્યો હતો. પહાડના ઘણા ભાગમાં અગણિત કોતરો હતાં, તે ઉપરથી જણાતું હતું કે ત્યાં આગલા કાળમાં ગુફામાં રહેનાર માણસોની વસ્તી હશે; અને બીજાં ઘણાં ગોળ બાકાં હતાં તે તોપનાગોળાને વાસ્તે કરેલાં હોય એમ લાગતું હતું. તે વખતે ચોમાસું તરત જો ગયેલું હતું, અને હવા ઘણી સ્વચ્છ હતી તેથી કોઈ કોઈ વાર જોધપુરનો કિલ્લો, અને લુણી ઉપરના બાળોવા શહેર સુધી રેતનું મેદાન દેખાતું હતું. એટલે દૂર સુધી તો આખો દહાડો નજર પહોંચતી ન હતી, તોપણ ભીત્રીલની ફળવાન ખીણ સિરોહી સુધી દેખાતી, તથા પૂર્વ તરફ આશરે પંદર કોશ ઉપર આરાવલીના વાદળાં સધી પહોંચેલા પહાડોની વચ્ચોવચ અંબા ભવાનીનું પ્રખ્યાત દેવાલય નજરે પડતું હતું. નીચે નજર કરતાં એક મોટી કરાડ દેખાતી હતી, પણ ત્યાંથી આંખ ઊંચી કરી જમણી તરફ અર્ધું ચક્કર ફેરવીએ, તો પરમાર રજપૂતોનો કિલ્લો દેખાતો હતો. તેથી વધારે જમણી તરફ દેવલવાડાનાં શિખરો દેખાતાં હતાં, ઉપર નાનીનાની નદીઓ વહેતી હતી. દેખાવ કેવો જુદો જુદો ? આકાશ આસમાની, મેદાન રેતાળ, દહેરાં સ્ફટિકનાં, ઝૂંપડાં નીચાં, જંગલ મોટાં અને પહાડો ઊંચાનીચા હતા.
મુનિ-શિખર ઉપરથી ઊતરીને અચળેશ્વરના અગ્નિકુંડ તથા દેવસ્થાન આગળ તેઓોગયા. અગ્નિકુંડ આશરે ૪પ૦ ગજ લાંબો તથા ૧ર૦ ગજ પહોળો હતો. તે એક પહાડમાંથી કોતરી કાઢેલો હતો, અને તેની બાજુએ મોટી મોટી ઈંટો ચણી લીધેલી હતી. કુંડની મધયે એક પથ્થરનો ટેકરો રહેવા દીધેલો હતો તે ઉપર માતાનું એક દહેરું હતું. કુંડના ઉત્તર તરફના મથાળા ઉપર પાંચ પાંડવનાં પાંચ દહેરાં હતાં. પશ્ચિમ બાજુએ આબુનો ઈષ્ટદેવ જે અચળેશ્વર, તેનું દહેરું હતું. આ દહેરું કાંઈ મોટું અથવા નકશીદાર ન હતું, પણ ઘણું સાદું હતું, તે એક મોટા ચોગાનની વચ્ચોવચ હતું, અને તેની આસપાસ કાળી સ્લેટના પથ્થરનાં બાંધેલાં નાનાંનાનાં દહેરાં હતાં. અગ્નિકુંડની પૂર્વ બાજુએ પરમારના મૂળ પુરુષનું દહેરું હતું, આદિપાળની મૂર્તી તેમાં બેસાડેલી હતી, તે સેદ આરસની હતી. તેની ઊંચાઈ આશરે અઢી ગજ હતી. ભેંસાસુર એટલે ભેંસના માથાવાળો રાક્ષસ રાત્રે આવીને અગ્નિકુંડનું પવિત્ર પાણી પી જતો હતો, તેને ન આવવા દેવાને પરમેશ્વરે પરમારને સરજાવ્યા. તે ભેંસાસુરને બાણવતી મારી નાંખતો હોય એવી રીતની તે આદિપાળની મૂર્તિ હતી. એ અગ્નિકંડ જોયા પછી અચળગઢનો કિલ્લો જોવાને તેઓ ગયા. કેટલેક સુધી ઊંચે ચઢ્યા પછી હનુમાન ભાગળમાંથી નીચલા કિલ્લામાં પેઠા. પછી બીજી ભાગળમાં થઈને માંહેના કિલ્લામાં ગયા. તેમાં જોવાલાયક કાંઈ ન હતું. કીલ્લામાં એક મોટું તળાવ હતું. તેનું નામ શ્રાવણ-ભાદરવો હતું, અને એ ચોમાસાના બે માસનું તેને નામ આપ્યું હતું, તે તેને યોગ્ય જ હતું, કેમ કે તે ભર ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહેતું હતું. હવે દેવલવાડા જોવાનું રહ્યું. અને ત્યાં જવા સારુ તેઓ વસિષ્ઠ મુનિના આશ્રમ આગળ પાછા ગયા. ત્યાંથી તે દેવલવડા સુધીના રસ્તામાં ખેતીવાડી સારી હતી; લોકોની વસ્તી પણ વધારે હતી; નદીઓ તથા ઝાડો પણ ઘણાં જ હતાં; વખતે વખતે જમીન ઉપર લીલો ફરશ બિછાવ્યો હોય એવી લીલી હરિાળી જેવી જગ્યા આવતી હતી. કમેર પક્ષી જે બીજે સ્થઈે ક્વચિત જ માલુમ પડે છ તેનો ત્યાં મધુર સાદ સંભળાતો હતો; અને એક ઝાડીમાં નિર્મળ નદી વહેતી હતી તેમાંથી કોયલનો તીણો તથા સ્પષ્ટ શબ્દ આવતો હતો. સઘળાં ખેતરોમાં અનાજ વાવેલું હતું. અને ઘણા થોડા વખતમાં આબુનાં બાર ગામોમાંથી ચાર તેઓએ વટાવ્યાં. તે ગામોમાં ઘર સુઘડ તથા સુખદાયક અને ગોળાકાર હતાં; તેી ભીંત મટોડીની હતી પણ તે ગેરુથી રંગેલી હતી; હરેક વહેતા નાળાને કાંઠે ખેતરમાં પાણી સીંચવાનું ચક્કર હતું; ખેતરોની વાડ થોરની હતી તે ઉપર ધોળાં ફૂલ હતાં, અને માંહેમાંહે શિવને વહાલાં સેવતીનાં ફૂલ હતાં. એક કળા પથ્થરની ટેકરી ઉપર પુષ્કળ દાડમડી હતી, અંજીરીઓની પણ કાંઈ ખોટ નહતી, દરાખના વેલા કોઈ કોઈ ઠેકાણે દેખાતા હતા; અને એક ઊંડી ખીણમાં મીઠાં લીંબુનાં ઝાડ હતાં. આંબાનાં તો વનેવન હતાં, તેનાં લટકતાં આસમાની તથા સફેદ ફૂલ ઘણાં જ શોભાયમાન દીસતાં હતાં. આંબાને વીંટળેલા વેલાને પહાડમાં વસનારા લોકો અંબાત્રી કહેતા, તે તેઓને ઘણા જ ગમતા હોય એમ લાગતું હતું, કેમ કે જ્યાં જ્યાં તેઓ પહોંચાય એટલા ઊંચા તે ઊગતા હતા ત્યાંથી તેઓને તોડી લઈ તેઓ ચોટલામાં ગૂંથતા અથવા પાઘડીમાં ખોસતા હતા. ઝાડોમાં ઘણી ભીનાશ હતી તેથી તેઓ સેવાળ તથા વેલાથી તમામ ઢંકાઈ ગયેલાં હતાં. અને અચળગઢ આગળ ખજૂરીનાં ઊંચા ઝાડ પણ મૂળથી તે ટોચ સુધી એ જ પ્રમાણે ઢંકાયેલાં હતાં. ફૂલોનાં ઝાડ તો ત્યાં પુષ્કળ ઊગેલાં હતાં, તેઓમાં ઘણાં ચમેલી તથા તેના જેવાં બીજાં ફૂલોનાં હતાં. સોનેરી ચંપાનાં જાડ જે ફૂલનાં સઘળાં જાડોમાં ઊંચામાં ઊંચાં ગયા છે. જે મેદાન ઉપર ક્વચિત જ જોવામાં આવે છે, અને જેને અગરના ઝાડની પેઠે સો વર્ષમાં એક જ વાર ફૂલ આવે છે એવું લોકો કહે છે. તે ઝાડો થોડે થોડે છેટે મોરોથી ભરેલાં ઊગેલાં હતાં, અને તેથી
તમામ હવામાં ખુશબો પથરાઈ રહી હતી. નદીઓ અને પહાડો મેવાનાં ઝાડો, ટેકરીઓ, જાડી, અનાજનાં ખેતર,, દરાખના વેલા, અને પહાડી કિલ્લા એવી રીતની બધી શોભા ત્યાં એકઠી થયેલી હતી.
ત્યાં એક નખી તળાવ ઘણું જ રમણીય હતું. તેમાંના બેટો ઝાડોથી ભરપુર હતા અને તેની આસપાસના ટેકરાઓ તાડ, ખજુરાં વગેરે ઝાડોથી ઢંકાયેલા હતો તેના પાણી ઉપર ઘણા આનંદથી જળકૂકડીઓ તરતી હતી. એ તળાવની પાસે દેવલવાડા એટલે દેવળોનું ઠેકાણું હતું. તેઓમાં મુખ્ય દહેરાં તેજપાળ તથા વિમળશાનાં બાંધેલાં હતાં. ઉપર લખ્યા પ્રમાણે વિમળશાનું દહેરું ઈ.સ.૧૦૩રમાં બંધાયું. તે અગાઉ એ પવિત્ર ડુંગર ઉપર કોઈપણ જૈન લોકોનું દેવસ્થાન ન હતું. એ દહેરાં કાંઈ મોટાં અથવા બહારથી ઘણાં શોભાયમાન ન હતાં, પણ માંહેથી તેઓમાં નકશીનું કામ એટલું બધું હતું કે તેઓનું યથાસ્થિત વર્ણન આ ઠેકાણે કરી શકાતું નથી. આગલો ઘૂમટ અષ્ટખૂણ હતો, અને પાછળ અગણિત ઘૂમટો હતા. સઘળાં દહેરાં સફેદ સ્ફટિકનાં હતાં અને તેના ઉપર જે નકશી હતી તે એવી તો બારીક કોતરેલી હતી કે એવી બારીકી મીણ સિવાય બીજી કોઈપણ વસ્તુમાં થઈ શકે એ વિચારમાં જ ઊતરી શકે નહીં. તેમાં જે ચિત્ર કોતરેલાં હતાં તે નિર્જીવ વસ્તુઓનાં જ હતાં એમ નહીં. સ્ત્રીપુરુષ પોતપોતાનાં કામ કરતાં હોય તેનાં, વહાણનાં, તથા વ્યાપારનો સંબંધ રાખતાં, અને રણસંગ્રામમાં યુદ્ધ થતું હોય તેનાં પણ ચિત્રો હતાં. હમણાં એ નકશીદાર દહેરાં જે જે અંગ્રેજ લોકો જુએ છે તેઓ તેની ઘણી જ તારીફ કરે છે, અને આ દેશના લોકો ઈમારત બાંધવાના કામમાં તથા નકશી કોતરવામાં આવા પ્રવીણ હતા, એ વાતની તેઓની આ ઠેકાણેનાં દેવસ્થાનો જોયાથી ખાતરી થઈ છે.
આવી આવી ઈશ્વરી તથા માણસની કળાથી ઉત્પન્ન થયેલી શોભા જોવાથી, આવાં આવાં પવિત્ર સ્થળો તથા દેવભૂમિમાં પગ મુક્યાથી, આવી આવી ચમત્કારી, વસ્તુઓ નજરે પડ્યાથી, આવા આવા મહિમાવાળા તથા જાગતાજોત કહેવાતા દેવો તથા દેવીઓનાં દર્શન કરવાથી, માધવનો જીવ એટલો તો પ્રસન્નથ ગયો કે તેના અંતફકરણમાં જે ોફાન થઈ રહ્યું હતું તે શાંત થયું; તેના હૈયામાં જે વેર દેવીએ વાસો કીધો હતો તે ત્યાંથી ઊઠી એક ખૂણે દબાઈ બેઠી, અને તેના ઉપર પડેલી મહાભારત દુઃખ તે ઘણું કરીને ભૂલીગછો. જ્યાં ઈશ્વરે મોકળે હાથે સુખ પાથર્યું છે, જ્યાં ઈશ્વરની મોટાઈ અને શક્તિ પ્રકટ થઈ આવે છે, જ્યાં માણસની અશક્તિ તથા તુચછપણું જણાઈ આવે છે, જ્યાં ઈશ્વરનાં કામો કાળપર્યંત ટકે છે, અને માણસનાં કામો થોડી મુદતમાં નાશ પામતાં માલૂમ પડે છે. જ્યાં પશુ, પક્ષી તથા બીજાં પ્રાણીઓની ઉપર પરમેશ્વરની અનંત દયા ડગલે ડગલે દીઠામાં આવે છે, ત્યાં માણસનું અંતઃકરણ નરમ તથા કોમળ થાય તેમાં શું આશ્ચર્ય ?
માધવના મનમાં જે દુષ્ટતથા વિપરીત વિચારો ઉત્પન્ન થયેલા હતાતે જો કે દબાઈ ગયા હતા, તોપણ તેનો સમૂળો નશ થયો નહતો. જ્યાં સુધી આવી રમણીય ભૂમિનો મહિમા રહ્યો ત્યાં સુધી તેનું મન શાંત રહ્યું, પણ જ્યારે તે મેવાડના મેદાન ઉપર નીકળ્યો, અને કાંઈ મનને વિચાર કરવાનું કામ મળે એવા દેખાવો તેના જોવામાં આવ્યા નહીં, એટલે તે વિચારો પાછા તેના મનમાં પૂરજોશથી આવવા લાગ્યા, વળી હવે તેઓ બંને એકલા પડ્યા, અને એના એ વિષય ઉપર વાત કરવા લાગ્યા, તેથી દિલની આગ હોલાવાને બદલે તે વધારે જુસ્સાથી બળવા લાગી; વાટ ઘણી લાંબી દીસવા લાગી; ખાવુંપીવું કાંઈ ભાવે નહીં; અને તેઓને જો કોઈ સંગાથ મળ્યો ન હોત, જો એ પ્રમાણે થવાથી તેઓનું મન બીજા વિષય ઉપર ગયું ન હતો, તો માધવ રસ્તામાં માંદો પડત, અને તેનું ધારેલું કામ સિદ્ધ કર્યા વિના તેનો આત્મા તેનો દેહ મૂકીને ચાલ્યો જાત. પણ ગુજરાતના દુર્ભાગ્યને લીધે તથા મ્લેચ્છ લોકોનો દહાડો ચઢતો તેથી તેમ બન્યું નહીં.
તે વખતે કેટલાક ગુજરાતના લોકો એકઠા મળીને ગોકુળ મથુરાજીની જાત્રા કરવા જતા હતા તેઓ તેમને મળ્યા. આવો સંગાથ જોઈને માધવ તથા મોતીશા પણ તેઓમાં સામેલ થયા, અને તેઓ બદરીકેદારનાથની જાત્રાએ જાય છે એમ તેઓએ બીજા લોકોને કહ્યું. સંઘના લોકો જુદી જુદી જ્ઞાતિના હતા. તેઓ બપોરે કોઈ ઝાડ નીચે જુદા જુદા ચૂલા બનાવીને રસોઈ કરતા અને તડકાનો વખત ગાળીને પાછલા પહોરના અને થોડી રાત જાય ત્યાં ુધી ચાલતા. કેટલાક ઘોડાઓ ઉપર, અને કેટલાક ગાડામાં બેસીને મુસાફરી કરતા. એ લોકોના સગામથી માધવ તથા તેના સોબતીને ઘણી ગમત થઈ, અને તેથી રસ્તો પણ ઘણો નીકળી ગયો. એ સંઘમાં એક વાણિયાની ન્યાતની ઘરડી ડોશી હતી તે એટલી તો વહેમી હતી, તથા તેની પાસે જે પૂંજી હતી તે જાળવવાની તેને એટલી તો ફિકર હતી કે બીજા લોકો જાત્રા કરવા જાય છે તે વતે પોતાની માલમતા પોતાના ગામમાં સગાંને અથવા કોઈ બીજા વિશ્વાસુ માણસને સોંપી આવે છે તેમ તે ડોશીએ કર્યું ન હતું. આશરે સો મહોર જે તેણે દળી-ખાંડીનેતથા બીજાં વૈતરાં કરી મેળવી હતી તેનું એક પોટલં બાંધીને તે પોતાની પાસે જ રાખતી, અને તે રાતે ઊંઘતી વખતે તે પોટલીં તેની બગલમાં ઘણા જોરથી દાબીને સૂતી. તેની ઊંઘ એવી કૂતરા જેવી હતી કે તેને કોઈ જરા અડકે તો જાગી ઊઠી શોરબકોર કરી આખોસંઘ જગાડી દેતી. એ ડોશીની આવી રીતથી તેને સઘળા ચીઢવતા હતા, આખે રસ્તે મશ્કરી કરતા, અને રાત્રે ઘણી વાર તેને છેડીને વારે વારે તેને ભરઊંઘમાંથી જગાડ્યા કરતા હતા. તેને તે પૈસામાંથી એક પણ ખરચવો પડતો ત્યારે તેનો જીવ જવો બાકી રહેતા. જાત્રામાં ધર્મદાન થાય, અને જે બાકી રહે તેમાંથી તેના મૂઆ પછી ન્યાતમાં છૂટું ઘી પીરસાય એ તેની મોટામાં મોટી ઉમેદ હતી, જીવતાં તો ન્યાતના તરફથી આબરૂ મળી નહીં, ત્યારે મૂઆ પછી ઉજવાવું અને ન્યાતના લોકો પાસે વાહવાહ કહેવડાવવી, એ તેને સ્વર્ગ જવા બરોબર ખુશી ઉપજાવનાર હતું; બલકે તેમ કીધાસથી વૈકુંઠ જવાશે એમ તેને પક્કી ખાતરી હતી, કેમ કે તેનો એવો અભિપ્રાય હતો કે જેની આ મૂઆ પાછળ વાહવા જઈ તે પરમેશ્વરને તયાં પણ સારી જ ગતિ પામે તેનો એક ભત્રીજો તેની સાથે આવેલો હતો તે ઘણી ગરીબ હાલતમાં હતો, અને અગર જો તે ડોશીને કાંઈ છોકરાં ન હતાં, અને પૈસા ખાનાર એ ભત્રીજા સિવાય બીજું કોઈ ન હતું તોપણજ્યાં સુધી તે જીવતી રહે ત્યાં સુધી તે ભત્રીજો ભૂખે મરી જાય તો પણ એક પૈસો પણ આપતી નહીં. ડોશીનો વિચાર એવો હતો કે મરતી વખતે તે પૂંજી ન્યાતના પટેલને સોંપવી, અને તેમાંથી તેના કહ્યા પ્રમાણે મૈયતનો ખરચ થયા પછી જે બાકી રહે તે તેના ભત્રીજાને સોંપવું. એટલું છતાં પણ તે ડોશીનું તેના ભત્રીજા પર ઘણું જ હેત હતું, અને તે જ્યારે માંદો પડતો તયારે તે મરશે તો પાછળ કોઈ પોતાને આગ મૂકનાર રહેશે નહીં, એ ફિકરથી તે તેની પોતાના છોકરાના જેટલી બરદાસ્ત કરતી હતી. તોપણ જ્યારે તે પૈસાના દુઃખની વાત તેની આગળ કરતો ત્યારે તે વાત બદલી નાંખતી, અથવા મારી પાસે કાંઈ જ નથી એમ કહેતી. હવે ભત્રીજાને એવી ડોશી ઉપર હેત તો ક્યાંથી જ હોય ? ચાર દહાડા લાંઘણ કીધી હોય તો પણ ડોશી સૂકો રોટલો પણ તેને ખવડાવે નહીં તો એ પૈસો તો ક્યાંથી જ આપે ? માટે તે ડોશીની મરવાની ઘણી આતુરતાથી રાહ જોતો હતો. પણ જેમ તેની તેને મરવાની ઉતાવળ તેમ ડોશીનું આવરદા લાંબું થતું, અને તેને ઘણા ઘણા રોગ થઈ ગયા તોપણ રીઢા વાસણની પેટે તેના શરીરને જરા પણ નુકશાન લાગ્યું ન હતું. ભત્રીજાની પૈસા સંબંધી અવસ્થા વધારે વધારે ખરાબ થતી ગઈ, અને ડોશીનો લોભ દહાડે દહાડે વધતો ગયો. જ્યારે ડોશી જાત્રા કરવા જવા નીકળી, ત્યારે તેને તે પૈસા સોંપશે એવી તેણે આશા રાખી તે પણ ભંગ થઈ, ત્યારે પોતાની પાસે જે કાંઈ સામાન હતો તે વેચીને તેના થોડાક પૈસા ઉપજાવ્યા અને તે લઈ તે પણ ડોશીની સાથે જવા નીકળ્યો. ડોશીને તે જરા પણ પરવડ્યું નહીં; પણ શું કરે ? લાચાર. ભત્રીજાએ જતી વખતે જ નિશ્ચય કર્યો કે હવે વધારે વાર સબૂરી ન રાખતાં રસ્તામાં જ તેને ઠાર કરવી અને તેના પૈસા લઈ લેવા. પણ તે એટલી તો જાગ્રત રહેતી તથા ત્યાં લોકોની આખી રાત એટલી તો વસ્તી હતી કે તેના દુષ્ટ વિચાર તેનાથી હજુ સુધી અમલમાં મુકાયા ન હતા. તેને લાગ મળતો ન હતો તેથી તે ઘણો હિજરાયા કરતો હતો, અને જેમ જેમ દહાડા જતા ગયા તેમ તેમ તેના ખૂની વિચાર વધાર દૃઢ થતા ગયા.
એક વખત મધ્યરાત્રે સઘળાં ભરણંઘમાં પડેલાં હતાં તે વખતે પેલો ભત્રીજો ઊઠ્યો, અને તે ડોશી પાસે જઈ એકદમ તેણે તેની ગળચી પકડી અને બૂમ પાડવાને મોં ઉઘાડે છે એટલામાં એક ચીંથરાનો ડૂચો તેમાં ઘાલી દીધો. પછી ડોશીની ગળચી એવા જોરથી દાબી કે તે ગૂંગળાઈને તરત મરણ પામી, ત્યાર પછી તેની બગલમાંથી પોટઈું કાઢી પાસેના ઝાડ નીચે એક ખાડો ખોદીને દાટ્યું, અને ત્યાં સારી પેઠે નિશાની રાખી પાછો સૂઈ ગયો. બીજે દહાડે સવારે વહેલાં જ્યારે લોકો ઊટ્યાં ત્યારે તેઓએ ડોશીને જગાડવા માંડી, પણ ડોશીમા તો સ્વધામ પધારેલાં, તેથી કાંઈ જવાબ દીધો નહીં; ત્યારે તેને જગાડવા સારુ તેની બગલમાં હાથ ઘાલ્યો, પણ પોટલું કાંઈ માલૂમ પડ્યું નહીં. તે ઉપરથી સઘળાઓને વહેમ પડ્યો ને દીવો મંગાવીને જોયું તો ડોશીને મૂએલી જોઈ, પણ તેનું મોત શી રીતે થયું તે કોઈથી નક્કી થઈ શક્યું નહીં. એવી ગડબડ થતાં જ તેનો ભત્રીજો ત્યાં દોડતો આવ્યો, અને એકદમ મોટો ઘાંટો કાઢી છાતી કૂટી રડવા માંડ્યો. ડોશીને કોઈએ મારી નાંખી અને તેના પૈસા કોઈ લઈ ગયું એવી વાત થવા માંડી; એટલામાં ભત્રીજાએ આંખ લૂછી સાવધ થઈને આસપાસ જોયું અને કહ્યું કે આ નવા જાત્રાળુ આવેલા છે તેમાં એક તો શ્રાવક છે તેથી તે તો એવી હત્યા કરે નહીં, પણ બીજો બ્રાહ્મણ છે તેના ઉપર મને ઘણો શક જાય છે. તેણે જ ખૂન કર્યં હશે, માટે તેનો ઝાડો જોવો. એટલું સાંભળતાં જ તેણે તથા બીજા લોકોએ માધવને પડક્યો, અને તેનો સઘળો સામાન જોયો, તેમાં કેટલાક પૈસા નીકળ્યાોતે ડોશીના છે એમ તેનો ભત્રીજો કહેવા લાગ્યો, અને માધવને ઘણુંય સમજાવ્યો તોપણ તેણે એવું કહ્યાં જ કર્યું કે એ તો મારા છે. માધવના કહેવાની તે ભત્રીજાને પતીજ થઈ નહીં તેથી પાસેના ગામના રાજા આગળ ફરિયાદ કરવી, અને ખરો ખૂની માધવ છે કે નહીં તેની તજવીજ કરાવવી એમ ઠર્યું.
બીજે દહાડે તેઓ એક મોટા ગામમાં જઈ પહોંચ્યાં, ત્યાં ધર્મશાળામાં સઘળા સંઘે ઉતારો કર્યો. જ્યારે સઘળા રસોઈ કરવામાં પડ્યા હતા તે વખતે તે ભત્રીજો તે ગામના રાજાના કારભારી આગળ ગયો અને સઘળી હકીકત કહી. કારભારીને પાનસોપારી મળ્યાં, તેથી તેણે ઠરાવ કર્યો કે તપાસ ચાલે તેમાં ભત્રીજાને બચાવી લેવો. પાછલે પહોરે જ્યારે દરબાર ભરાયો તયારે ભત્રીજો ત્યાં ગયો અને ‘‘ફરિયાદ’’ ‘‘ફરિયાદ’’ એમ બૂમ પાડી. તે સાંભળી તેને રાજા પાસે બોલાવી તેની સઘળી વાત પૂછી લીધી. તેમાં કારભારીએ મરીમસાલો ભભરાવી આપ્યો, તે ઉપરથી રાજાએ હુકમ કર્યો કે આવતી કાલે સવારે અગ્નિદિવ્ય કરવું, અને તે બ્રાહ્મણ ગુનેગાર છે કે નહીં એ વાત નક્કી કરવી. તે વખતે ત્યાં જવાને રાજાએ કારભારીને હુકમ કર્યો. બીજે દહાડે સવારે સૂર્યોદયને વખતે ગામના પાદર ઉપર એક લીમડાના જાડ આગળ હજારો માણસ જોવા મળ્યાં હતાં. ભત્રીજો આગળથી આવી ઊભો હતો. સંઘના લોકો માધવને લઈને આવ્યા, કારભારી ઝાડ નીચે એક શેતરંજી પથરાવી બેઠો અને થોડેક દૂર દેવતા સળગાવી તેમાં પૈડાંની લોઢાની વાટ એક લુહારે તપાવી લાલચોળ કરી. તે વાટને કારભારી આગળ મૂકી પહેલાં તો ભત્રીજાને તે વાટ ભોંય ઉપરથી ઊંચકવાનો હુકમ થયો. ભત્રીજો આગળ આવી ઊભો રહ્યો, અને સૂર્ય તરફ મોં ફેરવીને બોલ્યો; ‘‘સૂરજ બાપજી ! જો મારામાં સત હોય તો મારા હાથ દાઝવા દેતો મા.’’ એક કહી વાટને એક આંગળી અડકાડી, એટલે કારભારી બોલી ઊઠ્યો : ‘‘બસ, હવે થયું, એ તો પાર પડ્યો; હવે એ બ્રાહ્મણે વાટ ઊંચકવી જોઈએ.’’ માધવ વાટને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો, અને તેના શરીર ઉપરનું તમામ લોહી ઊડી ગયું, તે જોઈને લોકો માંહોમાંહે વાત કરવા લાગ્યા કે આ ચંડાળ બ્રાહ્મણ ખૂન કર્યું છે. માધવના મનમાં એ સાંભળી ઘણું કષ્ટ થયું; તેથી કાંઈ વખત મળે તો ધીરજ આવે અ મતલબથી તેણે એક પાસેના કૂવામાં નહાવા જવાની રજા માગી. રજા મળ્યા પછી પોતાનાં લૂગડાં ઉતારીને કૂવા પાસે ગયો; ત્યાં ઊભો રહી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ? ‘સાચને કદી ન આવે આંચૂ એ પ્રમાણે કહેવત છે ખરી તોપણ સાચાનો હાથ ન બળે અને જૂઠાનો બળે એ તો લોકોનો વહેમ છે, એ હું સારી પેઠે જાણું છું. સત્યુગ અને બીજા પાછલા યુગમાં એમ થતું હશે; પણ આ કળિયુગમાં તો એવા પ્રત્યક્ષ ચમત્કાર બનતા નથી. શાસ્ત્રમાં કોઈવાર એમ કહે છે કે કળિયુગમાં ઈશ્વરના ચમત્કાર વધારે જોવામાં આવે છે, અને કોઈ વાર કહે છે કે આ યુગમાં સઘળા દેવતાઓ ઊંઘે છે, ત્યારે શું માનવું ? જગતમાં ઘણા ઈત્યાદી લોકો ભૂખે મરે છે, અને જૂઠા લોકો પ્રપંચ કરી ગાડીઘોડે બેસીને ફરે છે, ત્યારે પરમેશ્વરની સહાયતા ક્યાં ગઈ ? અગ્નિનો સ્વભાવ જ છે કે જે તેને અડકે તેને તે બાળે. ત્યારે સાચા-જૂઠાનો મેળ ક્યાં રહ્યો ? માટે સાચવટ ઉપર ભરોસો રાખી વાટ હાથે ઉઠાવવા જઈશ તો હાથ બળશે જ, એટલે રાજા તથા લોક મને ખૂની ઠરાવશે અને ચંડાળને હાથ મારું મોત આવશે. તે કરતાં આ કૂવામાં ભૂસકો મારી મરવું ઘણું સારું. એવું વિચારીને તે કૂવામાં પડવા જાય છે, એટલે નચેની એક ગેબી શબદ સંભળાયો. સત્યમેવ જયતે. એ શબ્દ સાંભળીને તે ઘણું આશ્ચર્ય પામ્યો, અને આસપાસ કોઈ માણસ ન હતું તેથી તેની ખાતરી થઈ કે ઈશ્વરે કૃપા કરી મને ધીરજ આપી. પછી તુરત કૂવામાંથી પાણી કાઢી સ્નાન કર્યું, અને ભીને શરીરે ઊની વાટ આગળ ગયો. ત્યાં જઈને તેણે ઘણી વાર સુધી મહાદેવ તથા માતાજીની સ્તુતિ કીધી. પછી સૂર્ય તરફ ફરીને બે હાથ જોડીને બોલ્યો : ‘ૈરે સૂર્યદેવતા, તું પ્રત્યક્ષ દેવ છે, તારાથી છાનું કાંઈ કામ થઈ શકતું નથી, તું સઘળા માણસના મનમાં વિચાર જાણે છે, માટે જો મેં ડોશીનું ખૂન કર્યું હોય તો આ વાટ પકડતાં જ મારા હાથ બળી જજોદ, અને જો મારા ઉપર જૂઠો આરોપ આવ્યો હોય તો જેમ એક ફૂલ ઊંચકું તેમ એ વાટ મારાથી ઊંચકાજો.’’ એટલું કહી વાટ ઊંચકવાની તૈયારી કરી. પણ જ્યારે ત વાટને ધગધગતી જોઈ, અને તેની નીચેની ધૂળ પણ તાપથી તપી ગયેલી ગાી, તયારે ફરી તેની હિંમત છૂટી ગઈ, અને તે ત્યાંથી પાછો હઠતો હતો એટલાં તે વાટ ઉપર એક કીડીની હાર ચાલતી હોય એમ તેને ભ્રાંતિ થઈ. એ કીડીને ચાલતાં જોઈને તેને ફરીથી ધીરજ આવી અને તેણે તુરત વાટ ઊંચકી પોતાની ડોકમાં ભેરવી દીધી. સઘળા લોકોએ તમાશો જોઈ વિસ્મિત થયા, અને માંહોમાંહે કહેવા લાગ્યા કે આ દુષ્ટ કળિયુગમાં પણ પરમેશ્વર ઊંઘતો નથી, પણ તે સાચ,ાને મદદ કરવાને હજી પ્રવૃત્ત રહે છે. કારભારીએ તે વાટ માધવની ડોકમાંથી કઢાવી નખાવી અને તેને ઘણું માન આપી રાજાની પાસે લઈ ગયો. તેણે તેને બ્રાહ્મણ જાણી તેનું પૂજન કરી કેટલીક સોનાની મહોર બક્ષિસ આપી. માધવે કોઈ વખત આગળ દક્ષિણા લીધી ન હતી, તોપણ તે વખતે તેની પાસે ઘણા પૈસા ન હતા, અને દિલ્હીમાં તેને પોતાનું ધારેલું કામ પાર પાડવામાં પૈસાની કેટલી બધી જરૂર પડશે તે વાત સારી પેઠે તે જાણતો હતો, તેથી ઘણી નાખુશીની સાથે તેણે તે વખતે મહોરો લીધી, અને મોતીશાને બોલાવી, સંઘમાંથી જુદા પડી એકલા મુસાફરી કરવાનો ઠરાવ કર્યો.
પહેલે જ દહાડે તેઓ એકલા અને વાટ દેખાડનાર કોઈ ભોમિયો નહીં તેથી ભૂલા પડ્યા, અને ધોરી રસ્તો છોડીને એક જંગલમાં પેઠા. જેમ જેમ તેઓ આગળ ચાલતા ગયા તેમ તેમ જંગલ વધારે ગાઢું થતું ગયું, અને જ્યારે સાંજ પડી ત્યારે તયાં એટલું તો અંધારું થઈ ગું કે એક ડગઈું પણ તેઓનાથી આગળ જવાયું નહીં નિરાશ થઈને તેઓએ ઘોડા ઉપરથી ઊતરીને ઘોડા ઝાડ સાથે બાંધ્યા. જંગલ જનાવરોની દહેશતને લીધે તેઓ ઝાડ ઉપર ચઢી ત્યાં આખી રાત સૂઈ રહેવાનો મનસૂબો કરતા હતા, એટલામાં પાસેના જાડમાંથી બે બ્રાહ્મણો હાથમાં નાગી તલવાર લઈને તેઓની સામા ઊભા રહ્યા. જ્યારે તે ચારે જણની આંખ મળી ત્યારે બ્રાહ્મણો બોલ્યા : ‘‘યજમાન રાજા, કલ્યાણમસ્તુ, અ મે દક્ષિણા લેવા આવ્યા છીએ.’’ માધવે આશ્ચર્ય પામીને તેઓની સામું જોઈને પૂછ્યું, ‘‘ગોરમહારાજ ! તલવાર ઉઘાડી રાખી દક્ષિણા માગતા બ્રાહ્મણોને મેં મારી જિંદગીમાં આજે જ જોયા. તમારી હકીકત કાંઈ વિચક્ષણ હશે, માટે કૃપા કરી તમે કોણ છો, તથા તમારો ધંધો શો છે તે કહો.’’ બ્રાહ્મણો બોલ્યા : ‘‘યજમાન રાજા, અમે બે ભાઈઓ છીએ, અને અમે વેદાંતી ધર્મ પાળીએ છીએ. થોડાં વર્ષ ઉપર કાંઈ ધંધો ન મળવાથી અમે એવા તો દરિદ્રી થઈ ગયા, અને તેથી અમારી બાયડીઓ અમને એટલા તો રોજ ઠોક પાડવા લાગી કે કાંઈ પણ ધંધો કરવાનો અમે નિશ્ચય કીધો. એવામાં એક દહાડો એક વ્યાસજી વેદાંત ઉપર કથા કરતા હતા તે સાંભળવાને અમે બેઠા. કથામાં વ્યાસજી બોલ્યા : ‘‘આ જગત માયા રૂપી છે. ભાઈઓ, એક બાજીગરનો ખેલ છે. જેમ જાદુગર લોકો નજરબંધી કરી ધૂળ હોય ત્યાં પાણી દેખાડે છે, તેમ માણસ સઘળું ખોટું દેખે છે. જગતમાં આત્મા અને પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. જે જે પ્રાકૃતિક પદાર્થ આપણી ઈંદ્રિયો વડે માલૂમ પડે છે તેઓ ખરેખર જગતમાં જ નહીં એ તો માત્ર આભાસ છે. જેમ સ્વપ્નમાં આપણને હજારો વસ્તુ દેખાય છે, અનેક શબદ સંભળાય છે, અને સઘળાં ઈંદ્રિયસુખ મળે છે. પણ જાગ્યા એટલે તેમાંનું કાંઈ હોતું નથી, તેમ આ જગતમાં આપણી અવસથા સ્વપ્નવત્ છે. પદાર્થ કાંઈ છે જ નહીં. માટે રે ભાઈઓ, જગતમાં લોકો પૈસા મેળવવાને જે શ્રમ કરે છે તે સઘળો મિથ્યા છે. જેટલું લોકો મારું-તારું કરે છે, તે ફોકટ છે. અલ્યા, મારું કાંઈ નથી અને તારું પણ કાંઈ નથી.’’ એ કથા સાંભળીને અમારા મન ઉપર એટલી તો અસર થઈ કે અમે વેદાંતી થઈ ગયા, અને મારા અને તારામાં કાંઈ અંતર ગણવું નહીં એવો નિશ્ચય કર્યો. પછી એક વાર અમે અમારા યજમાનને ઘેર કાંઈ કામસર ગયા, ત્યાં એક પૈસાની થેલી પડી હતી તે જોઈને અમે વિચાર કરવા લાગ્યા કે આને માનવી પૈસો કહે છે, પણ ખરેખરો તો તે છે જ નહીં, એ તો માત્ર આભાસ છે. વળી જગત કારમું છે, તથા આવરદા ક્ષણભંગુર છે, તેથી એ પૈસા મૂકીને યજમાનને કોઈ દહાડો જવું પડશે, અથવા એ પૈસા યજમાનને મૂકીને જતા રહેશે, એ બેમાંથી એક વાત તો નિશ્ચય બનવાની જ. હવે યજમાન પૈસાને મૂકીને હમણાં જાય એવો સંભવ નથી, અને જાય તોપણ તેથી અમને કાંઈ લાભ નહીં. ત્યારે પૈસાએ આજે યજમાનને મૂકીને જવું જોઈએ. વળી મારું-તારું એ સઘળું મિથ્યા છે, માટે યજમાનના પૈસા અને અમારા પૈસા એોમાં ભેદ શો ? એમ વિચારીને તે થેલી ઊંચકી લીધી, અને તે લઈને જતા હતા એટલામાં યજમાનના દુષ્ટ ચાકરોએ અમને પકડ્યા, અને યજમાનના કહેવાથી અમને રાજા આગળ ગઈ ગયા.રાજાની પણ આંખ ઉપર માયાની અંધારી બાંધેલી તેથી તણે મારાતારામાં ભેદ ગણ્યો, અને વેદવ્યાસજીના વેદાંતમતથી વિરુદ્ધ ચાલીને અમને પાંચ વર્ષ બંદીખાનામાં નાખ્યા. કારાગૃહમાં એટલાં વર્ષ મફતનું વગર મહેનતે ખાધાપીધા પછી અમે છૂટી ગયા. હવે શું કરવું ? જગત તો દુષ્ટ માયામાં વીંટાયેલું, અને પરમાત્મામાં લય પામવાનાં સાધન શોધવાને બદલે મારા તારામાં લડી મરી ઘાંચીના બળદના પેઠે ચોરાશી લાખના ફેરા ફર્યા કરે છે. એવા લોકોમાં સર્વોત્કૃષ્ટ વેદાંતમત ચલાવવા જઈએ તો સંકટમાં આવી પડીએ, તેથી ઋષિઓની પેઠે વનવાસ કરવો એવો નિશ્ચય કર્યો; અને આ જંગલમાં ત્રણ મહિના થયાં આવ્યા પછી. પણ લાડુ ને ઘી ખાધેલાં તે હવે કંદ, મૂળ, ફળાદિનો આહાર શી રીતે થાય ? તેથી કોઈ યજમાન શોધવાને રાતની વખતે નીકળીએ છીએ. તમે પહેલા જ મળ્યા છો, માટે જો તમ વેદ વ્યાસજીને માનતા હો તો લૂગડાં, પાઘડી આદિ જેને તમે તમારું કહો છો તે અમારું કરો, નહીં તો આ તલવાર વડે તમને પરમાત્માનો મેળાપ કરાવી આપીશું.’’ માધવને એ બે વેદાંતી બ્રાહ્મણોની વાત સાંભળી ઘણું હસવું આવ્યું, અને પેટના દુઃખથી તેઓના મગજ ઉપર અસર થઈ છે એમ સમજીને તેઓને એક સોનાની મહોર આપી, તે લને આ બંને ઘણા પ્રસન્ન થયા. વિદાય કરતી વખતે માધવે તેઓને બોધ કર્યો ક હજી વેદવ્યાસજીનો મત દુનિયામાં ચાલ્યો નથી, માટે હવે પછી જો તમે મારુંતારું સમાન ગણવા જશો, તો આ તમારી જ તલવારથી તમારે જ પરમાત્મા સાથે ઓળખાણ કરવું પડશે. વેદાંતી ભાઈ તેઓને આશીર્વાદ દઈ ચાલતા થયા.
પ્રકરણ પ મું
મહાભારતમાં પ્રસિદ્ધ થયેલા હસ્તિનાપુરની પડોશમાં જમના નદીને કિનારે દિલ્હી શહેર જે હમણાં છે, તયાં પહેલાં રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. છેલ્લો તુમાર વંશનો રજપૂત રાજા નિર્વંશ મરણ પામ્યો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો રજપૂત રાજા પૃથુરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાઓનો ગાદીપતિ થયો. એ પૃથુરાજની કારકિર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર ચઢાઈ કરી, અને તે પહેલી વાર પરાજિત થયો તોપણ બીજી લડાઈમાં તેનો જય થયો, પૃથુરાજ પકડાયો, અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું.
દિલ્હીનો પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કર્યું, અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણા હિન્દુ રાજાઓની સંઘરેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા.
ઈ. સ.૧ર૯૬ ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા થઈ રહી હતી. લોકોએ રાતે બજારમાં તથા ઘેર ઘેર રોશની કરી હતી, તથા દિવસે ઘણાં ઊંચાં તથા કીમતી લૂગડાં પહેરીને તેઓ ફરતા હતા. ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો હતો, તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. એ સઘળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળું ટંગાઈ હેલું હતું. થોડી મુદત ઉપર જલાલુદ્દીન ફિરોઝને દગો કરી ઠાર માર્યો હતો, તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ, તથા શાંત ગુણનો હતો. તેના વખતમાં લોકો ઘણા સુખી હતા. રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સરખો ઈન્સાફ મળતો હતો; કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલમ કરવામાં આવતો ન હતો, તથા ધર્મને વાસ્તે પણ કોઈને ઉપદ્રવ થતો નહીં. એથી ઊલટું સઘળા લોકોને માલૂમ હતું કે નવા પાદશાહ અલાઉદીદીનનો સ્વભાવ તેથી જુદી જ તરેહનો હતો. તેને લડાઈનો ઘણો શોખ હતો તથા તે જાતે ઘણો બહાદુર હોવાથી એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હમેશાં થયા કરશે, અને તેથી રૈયતની ઘણી ખરાબી થશે. વળી તે સ્વભાવે ઘણો ક્રૂર, દગલબાજતથા હઠીલો હતો, તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી, તથા તેને ઘર્મન વાસ્તે પણ ઘણું ઝનૂન હતું. તેની લુચ્ચાઈ, નિમકહરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા. તેઓને હજી સાંભરતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રીજા અલાઉદ્દીનને મળ્યો; અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો; કેવા લાડથી જલાલુદ્દીને તેને હાથ પકડીને ઉઠાડ્યો, અને તેના ગાલ પર હાથ ફેરવી બોલ્યો : ‘‘મેં તને બચપણથી ઉછેર્યો, તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી, તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું, તે મારા ઉપર તેને કદી શક આવે જ નહીં; કેવા ક્રૂરપણાથી તથા વિશ્વાસઘાતથી અલાઉદ્દીને તે વખતે પહેરેેગીરને ઈશારત કરી, તે ઉપરથી એક મહમૂદ બીન સાલમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારનો ઘા કર્યો; ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવા દોડ્યો; પણ તેટલામાં અખતીઆરૂદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો, અને તેને ભોંય ઉપર નાખી દઈ તેનું માથું કાપી નાંખ્યું; અને કેવાા દુષ્ટ અંતઃકરણથી અલાઉદ્દીને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ઘોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું ! વળી જલાલુદ્દીનના મૂઆ પછી તેની રાણી કલેકાજહાને, વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના, કદરખાં ઉરફે રૂકનુદ્દીન ઈબ્રાહીમ નામનાતેના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો; પોતાનો મોટો છોકરો અરકલીખાં જે પાદશાહનો ખરેખરો વારસ હો, તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી કલેકાજહાને ઘણા સંદેશા મોકલ્યા અને પોતાના ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અજર કરી, અરકલીખાં મુલતાનથી આવ્યો નહીં, પણ એવો જવાબ કહેવડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે, પણ તે મોટી થયા પછી તેનો વોહો કોઈ રોકી શકતું નથી. અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાંખી. કદરખાં પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીનની સાથે લડવાને બહાર આવ્યો. તેના સોબતીઓ તથા તેની તરફના અમીર-ઉમરાવો તેની પાસેથી જતા રહી અલાઉદ્દીનને જઈને મળ્યા. કદરખાં પોતાની માને તથા કેટલાંક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો, તથા અલાઉદ્દીન દિલ્હીમાં પેસીને પોતાને પાદશાહ કહેવડાવવા લાગ્યો; અને પોતાના નામના સિક્કા પડાવ્યા. એ સઘળી વાત તેઓને તાજી યાદ હતી. ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અરકલીખાં તથા કદરખાં એ બે શાહજાદાઓને પકડી પોતાની પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફખાં તથા ઝફરખાંને મોકલ્યા. તેઓએ મુલતાન શહેરને ઘેરો ઘાલ્યો; તે બે મહિના સુધી ચાલ્યો. આખરે શહેરના લોકોએ તથા સિપાઈઓએ મુલતાનનો કિલ્લો પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કર્યું; પણ એટલી તેઓએ શરત કરી કે બે શાહજાદાની જિંદગી બચાવવી. એ શરત અલફખાંએ મંજૂર કરી, અને તે પાળવા બાબત પણ સખત કસમ ખાધા. એ પ્રમાણે તે શાહજાદાઓને પોતાના હાથમાં લઈ સઘળી હકીકત અલાઉદ્દીન પાદશાહને કહેવડાવી.
પાદશાહ ઘણો જ ખુશ થયો. તેની ઘણી લાંબી મુદતની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક્ક વિષે તકરાર ઉઠાવનાર કોઈ રહ્યું નહીં. શહેરમાં મોટો આનંદોત્સવ પોતાના ખરચથી કરાવ્યો, અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કર્યા નહીં, પણ પોતાની હિંદુ રૈયતને પણ તેઓનાં દેવાલયોમાં તેઓના ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુખાકારી તેઓના દેવ પાસે માગવાનો હુકમ કર્યો. તેણે મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખરચ બેસે તે સઘળો પૂરો પાડ્યો. એ અધર્મ જોઈને બીજા મુસલમાતોને ઘણો ગુસ્સો લાગ્યો, અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું, તથા ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કાપાયમાન થશે એમ સમજી બ્રાહ્મણોને પૈસા ન આપવા માટે પાદુશાહને ઘણો સમજાગ્યો. અલાઉદ્દીનની મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સઘળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેઓની વાત કાને ધરી નહીં. અગર જો મુસલમાનો પાદશાહની હઠીલાઈથી ઘણા ના ઉમેદ થઈ ગયા તોપણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો તથા તેઓએ કોઈ પણ રીતે હિંદુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કર્યો. તે દહાડે દિલ્હીની સઘળી મસ્જિદોમાં વાએઝ કરાવવાનો તથા અલફખાંના મોકલેલા ફતેહના સમાચારનો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવળીને દહાડે મુસલમાનોનો જમાનો પાક દહાડો હતો તેથી તે જ દિવસે એ પાદશાહનો હુકમ અમલમાં આવ્યો. સઘળી મસ્જિદોમાં બપોરે બાર વાગે બાંગ પોકારવામાં આવી, તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારાંસારાં લૂગડાં પહેરીને તથા પોતાનાં છોકરાંને સાથે લઈને પાસેની મસ્જિદોમાં જવા નીકળ્યા. હિંદુઓનાં દહેરાંઓમાં પણ ઘણી ધામધૂમ થઈ રહી હતી. દરેક દેવાલયમાં ઘણા બ્રાહ્મણો મોટા મોટા ઘાંટા કાઢીને મંત્રો ભણતા હતા, તથા જે પૈસા મળ્યા હતા તેનો બદલો વાળતા હતા. હજારો લોકો દર્શન કરવાને જતા હતા. દહેરાં ઘણાં શણગારેલાં હતાં, તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી. એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજાં બધાં દહેરાં કરતાં લોકોનો વધારે જમાવ થયો હતો, તથા ત્યાં બ્રાહ્મણો ઘણા હોવાને લીધે શોરબકોર પણ પુષ્કળ થઈ રહ્યો હતો.એવામાં ત્યાંથી મુસલમાનોનું એક ટોળું મસ્જિદમાં જતું હતું, તેઓને આ સઘળો ઠાઠમાઠ જોઈને એટલો તો ગુસ્સો ચઢ્યો, તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલ આબરૂ મળવાથી તેઓને એટલો ક્રોધ ચઢ્યો કે તેઓએ સઘળા હિંદુઓના દેખતાં તેઓના દેવને ઘણી ગાળ દીધી, તથા કેટલાક બ્રાહ્મણોને ડાંગ વતી માર્યા, હજી હિંદુઓ છેક નિર્બળ ભાજીખાઉ થઈ ગયેલા ન હતા. તેઓમાં હજી શૂરાતનબાકી રહેલું હતું. તેથી આ ગાળો દેવને અપમાન, તથા ડાંગનો મારતેઓ ઢોરની પેઠે ધીર રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાક મુસલમાનો ઉપર તૂટી પડ્યા, અને ત્યાં સારી પેઠે મારામારી થઈ. મુસલમાનો થોડા, અને હિંદુઓ ઘણા, તેથી મુસલમાનોનું કાંઈ ચાલ્યું નહીં. તેઓએ ઘણો માર ખાધો, અને બેત્રણ તો મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બૂમ ચાલી. મુસલમાનો ગલીએ-ગલીએ તથા ચકલે-ચકલેથી તથા મસ્જિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા, તેમજ હિંદુઓનો પણ ઘણો જમાવ થઈગયો. શહેરમાં સઘળાંઓએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં, તથા હવે શું થશે એ વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા. લડાઈ તો ભારે ચાલી. લાકડી, તલવાટ, ખંજર, પથ્થર, ઘરનાં નળિયાં વગેરે જે જે હથિયાર લોકોના હાથમાં આવ્યાં તે લઈને લડવા લાગ્યા. ત્યાં ઘણી જ ગડબડ થઈ રહી. હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ થઈ ગયા; અને જેને દાઢી હોય તેને હિંદુઓએ અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો. બંને તરફના ઘણા માર્યા ગયા; કેટલાક મણતોલ જખમી થયા; કેટલાક થાકીને ભોંય ઉપર પડ્યા, તેઓ લોકોના પગ તળે છૂંદાઈને મરણ પામયા. લડાઈનો શોરબકોર ઘાયલ તથા મરતા માણસોની ચીસાચીસ તથા બીજા ઘણી તરેહના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા. મુસલમાનો તથા હિંદુઓનાં ટોળેટોળાં આવ્યાં જ જતાં હતાં; અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર પડી ન હોત, તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંનેના જે લોકો આગેવાન હોય તેઓને પકડી પોતાની હજૂરમાં લાવવાને એક લશ્કર મોકલ્યું ન હોત. તો આ લડાઈનોો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું.
પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારાઓમાંથી ઘણા નાસી ગયા. કેટલાક પાસેના ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાક ઓટલા ઉપર ‘અમે લડવામાં સામેલ નથી,’ એમ જણાવવાને બેસીોગયા. મુસલમાનોના કરતાં હિંદુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે છટકી ગયા. લશ્કર આવતાં જ તેના સરદારે હુકમ કર્યો કે લડાઈ એકદમ બંધ કરવી, અને હથિયાર ભોંય ઉપર નાખી દેવાં. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કાંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચઢાવીને ઊભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય મુખ્ય માણસોને પકડી લીધા, અને તેઓને બાંધીને પાદશાહની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા. પકડાયેલા માણસોમાં મુસલમાનો કરતાં હિંદુઓ વધારે હતા, તેઓને ભય પણ વધારે હતો. તેઓ પોતાના જીવની આશા મૂકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર રહ્યા હતા. થોડી વારમાં તેઓ સઘળાને પાદશાહ અલાઉદ્દીનની હજૂરમાં ઊભા રાખ્યા. તે દહાડે દરબાર ભરપૂર ભરાયેલો હતો પાદશાહ સોનાના હીરાજડેલા તખ્ત ઉપર બેઠો હતો. તેનો પોશાક તથા ઝવેરાત જોતાં આંખ ઝંખવાઈ જાય એટલો તે શણગારાયેલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોની કાંઈ જ કસર રાખવામાં આવી ન હતી. તેના દબદબામાં કાંઈ શોભા ઉપર જરા પણ દુર્લક્ષ આપવામાં આવ્યું ન હતું. તેના શણગારનો ઈરાદો શોભા આપવા કરતાં તેની અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો; અને દોલત પણ તેણે બેશુમાર મેળવી હતી. કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચઢાઈ કરી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયેલી દોલત તે લૂંટી લાવ્યો હતો. મુસલમાન ઈતિહાસકર્તા લખે છે કે જ્યારે જલાલુદ્દીન ફિરોઝના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને છસો મણ મોતી, બે મણ હીરા, માણેક, લીલમ, અને પોખરાજ, એક હજાર મણ રૂપું અને ચાર હજાર રેશમનાં થાન નજર કર્યા, અને તેની સાથે બીજી પણ ઘણી કીમતી વસ્તુઓ આપી. અગર જો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશયોક્તી તો ઘણી હશે, તોપણ ત ઉપરથી એવું જણાય છે કે દક્ષિણમાંથી તે બેશુમાન દ્રવ્ય હરી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી, તે એટલી કે એના જેવો બીજો કોઈપણ પાદશાહ ધનવાન હતો. એ દ્રવ્યનો તે ઉપયોગ પણ ઘણો કરતો. તેની શોભાનો કોઈ પાર ન હતો. તેના ઘરનો ખરચ પણ આશ્ચર્યકારક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો સત્તર હજાર હતા, એ ઉપરથી જ તેઓ બીજો વૈભાવ કેવી તરેહનો હશે એનો વાંચનારાઓએ ખ્યાલ કરવો.
એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મોં એવું મોટું ને વિકરાળ હતું, કે તેને જોઈને સઘળાને ત્રાસ લાગ્યા વિના હે જ નહીં. તેને આવી વખતે હિન્દુસ્તાનમાં ફિતરી લોકો ઉપર મજબૂત રીતે તથા સખ્તીથી રાજદંઢ પકડવાને જ પરમેશ્વરે સરજેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી, અને તેમાં દયા કે ક્ષમાની કાંઈ પણ નિશાની માલૂમ પડતી ન હતી. તેનું આખું શરીર એવું પ્રૌઢ તથા કૌવતદાર હતું કે તેને જોઈને મોટામાં મોટા અમીરો પણ થરથર કાંપતા હતા. અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા. એક તરફનો તેનો વજીર ખાજા ખતીર હતો, તે તેના વખતમાં ઘણો સદ્ગુણી માણસ ગણાતો હતો; અને બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદ્રુદીન એરીફ ઉર્ફે સદ્રેજહાન હતો. ઉમદતુલમુલ્ક, મલેક હમીદુદ્દીન અને મલેક અયઝુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા, બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરતખાં હતો; બીજો મલેક ફકરૂદ્દીન કૂચી, ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો, અને મુખ્ય મુનશી મલેક ઝફરખાં હતો. એ સિવાય બીજા ઘણા અમીર ઉમરાવો, સૂબાઓ, કાઝીઓ, મોલવીઓ, લશ્કરના સરદારો, ફકીરો, દરવેશો તથા બીજા ઘણાં માણસો હતાં.
એવા દરબારમાં તે પકડાયેલા ફિતૂરી લોકોને લાવી ઊભા રાખ્યા. પાદશાહે ઈન્સાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેઓને શિક્ષા કરવાનો હુકમ કર્યો. તે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મલેક ફકરૂદ્દીન કૂચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સઘળાના હાજર જામીન લઈ છોડી મૂક્યા, અને બીજે દહાડે હાજર રહેવા ફરમાવ્યું. ઠેરવેલે વખતે સઘળા કેદીઓ હાજર થયા, તેઓની પાસેથી પૂછપરછ કરી લડાઈ થવાનું કારણ તથા તેને લગતી સઘળી હકીકત ફકરૂદ્દીને જાણી લીધી. ઈન્સાફની આંખે જોતાં તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજિયો ઉઠાવ્યો; તેઓએ પહેલાં હિંદુઓના દેવોનું અપમાન કર્યું. તથા કેટલાક હિંદુઓને માર્યા. પછી હિંદુ લોકે સામા થ તેઓને માર્યા, એ તેઓની ન્યાયાધીશ નજરમાં એક મોટી ચૂક હતી. અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયાં ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ જ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો, અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો. જો સઘળા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુનો લાગે તેનું વેર લે, તો જનસમાજનું બંધારણ તૂટી જાય, લોકો એક રાની પશુઓનાં ટોળાં જેવા થઈ જાય, જાનમાલની સલામતી રહે નહીં, અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહીં, પણ તેઓનો પણ થોડી મુદતમાં અંત આવે. માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્યછે, ત્યાં ખાનગી રીતે વેર લેવાનો કોઈને અખત્યાર નથી. જે માણસને નુકસાન લાગ્યું હોય તેણે પોતાની મરજી પ્રમાણે શિક્ષા કરવાને બદલે રાજાની આગળ ફરિયાદ કરવી અને તે રાજા ત્રાહિત માણસ હોવાથી તેને બેમાંથી કોઈ ઉપર ઘણું કરીને દુશ્મની હોતી નથી, તથા બે દુશ્મનો વચ્ચે જે જુસ્સો તથા અંટસ ઘણું કરીને હોય છે, અને તેથી તેઓની વિવેકબુદ્ધિ ઉપર જે પડદો વળી જાય છે. તેમ રાજાને થતું નથી તે હંમેશાં નિષ્પક્ષપાત તથા શાંત વૃત્તિનો હોવો જોઈએ; તેથી તે બંનેનો ગુનો તપાસવાને, તેઓમાંથી વધારે કસૂર કોની છે તે શોધી કાઢવાને, તથા જેનો ગુનો માલુમ પડે તેને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે. અગર જો આ રસ્તો વાજબી છે, તથા તેનો ઉપયોગ અને ફાયદા સઘળા માણસો કબૂલ કરે છે, તોપણ લોકો હમેશાં તે પ્રમાણે કરતા નથી; અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે પણ એ વાત સઘળાને ફાયદાકારક છે એમ સમજીને નહીં, પણ તેઓને વેર લેવાની શક્તી હોતી નથી તેથી તેઓ આ રસ્તો પકડે છે તેનું કારણ સમજવું ઘણું મુશ્કેલ નથી. માણસોમાં પરમેશ્વરે પશુઓ અને બીજા કનિષ્ઠ પ્રાણીઓની પેઠે કેટલીક પ્રેરણાઓ મુકેલી છે. તેની સામે વિવેકબુદ્ધિનું ઘણી વખતે કંઈ પણ ચાલતું નથી. એ પ્રેરણા પ્રમાણે માણસો ઘણાં કામો કરે છે તેમાં વિચાર કરવામાં આવતો નથી, અથવા તેમ કરવાને વખતે પણ મળતો નથી. દુઃખને બદલે દુઃખ દેવું એ એક સઘળાં પ્રાણીઓમાં પ્રેરણા છે. ખામોશી અને ક્ષમા વિચારશક્તિ વડે જ ઉત્પન્ન થાય છે. જ્યારે એ પ્રેરણાને જવવાનો અને પોતાની મોદદે વિવેકબુદ્ધિને બોલાવવાનો વખત મળે છે ત્યારે જ ખામોશી, દયા, ક્ષમા, કામમાં આવે છે. પણ સઘળાં માણસોને એ સ્વાભાવિક પ્રેરણા જીતવાને મનનું સામર્થ્ય હોતું નથી; માટે જ્યારે તેઓને કોઈપણ પ્રકારે ઉપદ્રવ પહોંચે છે ત્યારે તુરત તેનો બદલો વાળવાની જ તેઓની વૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓને રાજા અથવા કાયદાનું કાંઈ પણ ભાન રહેતું નથી, તે વિચાર પાછળથી આવે છે. આ પ્રમાણે કરવું એટલું તો સાધારણ તથા સ્વાભાવિક છે, અને એથી ઊલટું ચાલવું એટલું તો મુશ્કેલ છે કે કાયદા કરનારાઓએ કાયદા કરતી વખતે તે વાત ધ્યાનમાં લીધેલી જ છે; કારણ કે જ્યારે કોઈ ગુનેગાર ઉપર પહેલાં કાંઈ છેડખાઈ થઈ હોય, અથવા તેને ગુનો કરવા સામા માણસે કાંઈ મજબૂત કારણ આપ્યું હોય ત્યારે તેને શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે, અને જે પ્રમાણે આગલાં કારણો મજબૂત અથવા નબળાં હોય તે પ્રમાણે તેને વધારે અથવા ઓછી સજા કરવામાં આવે છે. તેને શિક્ષા તો થવી જોઈએ, અને તે પ્રમાણે થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી; પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિંદુઓ શિક્ષાને પાત્ર તો હતા. તેઓએ લોકોની સુલેહમાં ભંગ કર્યો; તેઓએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણાને જખમી કર્યા; તેને માટે તેઓને સજા તો થવી જ જોઈએ. પણ તે જ પ્રમાણે મુસલમાનોએ વગર કારણે હિંદુઓના જીવને દુખવ્યા તથા પોતાની પાસેની લાકડીનો પ્રસંગ વિના ઉપયોગ કર્યો, તથા પાછળની મારામારીમાં પણ તેઓએ બન્યું તેટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા હિંદુઓ માર્યા ગયા તે તેઓની ખામોશીને લીધ નહીં પણ તેઓનું સામર્થ્ય ઓછું હોવાને લીધે જ બનયું. માટે તેઓનો ગુનો પણ હિંદુઓના જેટલો જ હતો, અને તેઓને પણ તેટલી જ સજા થવી થવી જોઈતી હતી, એવું આપણે ઈન્સાફની રાહે ધારીએ ખરા. પણ મુખ્ય ન્યાયાધીશ ફકરૂદ્દીનનો વિચાર એ પ્રમાણે ન હતો. મનુષ્યના ડરને નહીં ગણકારતાં ફક્ત ઈશ્વરનો જ ડર રાખી અદલ ઈન્સાફ આપવો એવો કાંઈ તેનો ઉદ્દેશ ન હતો. તેની અદાલતમાં ઈન્સાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું; તેને એક આંખ હતી તે મુસલમાન લોકોને જ જોતી હતી; તેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ થયેલો ન હતો; પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પલ્લું નીચે ઝૂકતું; તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બિચારા હિંદુઓને જ મારવા કરેલી હતી. તે જ પ્રમાણે ઈન્સાફના ખાવિંદની આંખ ઉપર પોતાના જ ધર્મનો પડદો વળેલો હતો. તથા મન ઉપર જાતિનાં જાળાં પથરાયેલાં હતાં, તેથી તેણે વિચાર્યું કે પાદશાહે કાફર મૂર્તિપૂજકોને પૈસા આપી તેઓનાં શેતાન દહેરાંઓમાં ધામધૂમ કરાવી તે જોઈને હરેક સાચા મુસલમાનને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોએ હિંદુઓના દેવનું અપમાન કર્યું, તથા કાફરોને ડાંગ વતી માર્યા તેમાં તેઓએ ખોટું કર્યું નથી. તેઓને કરવું પડ્યું તે પાદશાહના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાદશાહને શિર છે. કાફર હિંદુઓ મૂઆ તેમાં તો ઘણી ફિકર હોય જ શેની ો તેઓ દુનિયામાં કાંઈ કામના નથી. તેઓ આખર તો દોઝખમાં જવાના જ હતા, ત્યારે જરા વહેલા ગયા, અને પાપ કરતા ઓછા થયા. મુસલમાનોને હિંદુઓએ માૃયા એ તેઓએ મોટામાં મોટો ગુનો કર્યો; અને તેથી તેઓને મોટી સજા કરવી જોઈએ. એવો વિચા કરી ફકરૂદ્દીન ન્યાયાધીશ બોલ્યો : ‘‘લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કર્યું તેઓ આ પકડી લાવેલા મુસલમાન છે, એમ માલુમ પડતું નથી, માટે તેઓ નિરપરાધી છે. જેો હિંદુઓ આ ઠકાણે ઊભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા, અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા, માટે તેની સજા એટલી જ કે જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તેમને પચીસ હિંદુઓને ભોંયમાં અર્ધા દાટવા અને તમામ મુસલમાનોએ ઈંટ, પથ્થર, બૈદાં વગેરેનો તમારા ઉપર માર ચલાવવો, એટલે સુધી કે તે મારથી તમારો પ્રાણ જાય.’’ આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા તેઓના મન ઉપર તેઓની જાત પ્રમાણે જુદી જુદી અસર થઈ. જેઓ મુસલમાન હતા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા, અને કાફરોએ પાક દીનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો તેને માટ જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ તથા નિષ્પક્ષપાતપણાની બેહદ તારીફ કરવા લાગ્યા. એથી ઊલટું જેઓ હિંદુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા, અને આજે એમને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયધીશનો આ ગેરવાજબી, દુષ્ટ તથા પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડભરત જેવા થોડી વાર થઈ ગયા, અને કેટલીક વાર પછી તેઓએ ન્યાયધીશને જાહેર કર્યું કે ‘‘ખુદાવંદ ! જો લડાઈ ઉઠાવનાર આ હાજર કરેલા મુસલમાન ન હતા, તો લડાઈમાં પહેલાં સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારા મારી થયા પછી તે લોકો આવ્યા હશે તે પ્રમાણે અમે પણ પછવાડેથી આવ્યા હતા, માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે એ અમારાથી સમજાતું નથી.’’ ન્યાયધીશથી એ કારણ બતાવી શકાય એવું ન હતું. તેના ધર્માંધપણા સિવાય બીજું કાંઈપણ કારણ ન હતું. પણ તે કારણ તેને પૂછવાની એ લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તે કોપાયમાન થયો. અને જુસ્સામાં બોલી ઊઠ્યો કે ‘‘તમે પહેલી લડાઈ શરૂ કરી કે નહીં તેની તજવીજ કરવાની મારે કાંઈ જરૂર નથી. તમે લડાઈમાં સામેલ હતા, તથા તમારા હાથથી મુસલમાન લોકોના જીવોગયા એટલો અપરાધ બસ છે, અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કરી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલદીથી લઈ જાઓ, અને સજા અમલમાં લાવી મને તુરત ખબર આપો !’’ એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો. તે બિચારા હિંદુઓને વધારે બોલવાનો વખત મળ્યો નહીં. તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા, અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું તયાં તેઓને ઊભા રાખી પચીસ હિંદુઓને માટે પચીસ ખાડાઓ ખોદાવ્યા.
એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો એનું યથાસ્થિત વર્ણન અશક્ય છે. ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ સઘળા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા. તેઓએ પથ્થર, ઈંટ, સડેલા ઈંડા વગેરે ઘણી ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી હતી. તે દુષ્ટ ચંડોળોમાં તેઓના ધર્માંધપણાને લીધે ઈન્સાફ કે દયા કાંઈ પણ જણાતી ન હતી, પણ તે બિચારા નિરપરાધી હિંદુઓનું આ ભંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફત ઉમંગથી ઊભા હતા. ત્યાં હિંદુઓ તો કોઈ જ આવ્યા નહીં. માત્ર તે પચીસ અભાગિયા લોકોનાં બૈરાંછોકરાં તથા સગાંવહાલાં તેઓને છેલ્લી વાર મળવાને આવ્યાં હતાં. પણ મરતી વખત આ દુનિયામાં જે વહાલાં હોય ને તેઓની મુલાકાતથી જે મરનારનેૃ થોડું સુખ થાય છે તે સુખ પણ તેઓને મળ્યું નહીં. બૈરાંછોકરાં વગેરેને કેદીઓ પાસે આવવા દીધકાં નહીં તેઓ આઘેથી રડારડ કરતાં હતાં, તથા બીજી ઘણી રીતે તેઓનો શોક બતાવતાં હતાં. તે જોઈને મુસલમાનોને ઊલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર તથા તમામ હિંદુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા. એ ગાળો તથા અપમાન અને પોતાનાં પ્યારાં સગાંઓનો વિલાપ સાંભળીને તે બિચારા કેદીઓનાં અંતઃકરણ વીંધાઈ જતાં હતાં; પણ લાચાર. શું કરે ? માટે તેઓ ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા કે તેઓનું મોત જલદીથી આવે, તથા તેઓના શત્રુઓ જેઓ માણસના આકારે રાની હિંસક પશુના જેવા નિર્દય તેઓનાં શસ્ત્રમાં વધારે શક્તિ આવે.
મુખ્ય કોટવાલે ઈશારત કરી એટલે તે બિચારા નિરપરાધી હિંદુઓ ઉપર પથ્થર, ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસ્યો. એ વૃષ્ટિમાંથી કોઈ ઘણી વાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલાકનાં મથાં ચીરાઈ ગયાં, કેટલાકની છાતી ભાંગી ગઈ, કેટલાકનાં શરીરના બીજા ભાગ છૂંદાઈ ગયા. એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ. લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડાક તો તત્કાળ મરણ પામ્યા; કેટલાક હસહસતા થઈ ગયા; કેટલાક બેભાન થઈ ગયા; અને જેઓમાં થોડીઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દરદને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જિંદગી અને મોતની વચ્ચે આ લડાઈ ઘણી વાર સુધી પહોંચી નહીં. થોડી વારમાં એક પછી એક મરવા લાગ્યા, અને આશરે એક કલાક પછી પથરાઓ મુડદાં ઉપર પડવા માંડ્યા, આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સઘળાને એક જલ્લાદે તપાસ્યા, અને તેઓમાંથી જીવતો અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા, તે વખતે તેઓનાં સગાંવહાલાંઓએ તેઓની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલમંજલ પહોંચાડવાની રજા માગી. પણ વજ્રહૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓના ઉપર દયા કરી નહીં. તેઓએ ખુદાતાલાના માનીતા લોકોને માર્યા એ તેઓનો અપરાધ તેની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેને હલકી લાગી, અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુડદાંઓ ઉપર કાઢવાને, તેઓને જલ્લાદને હાથે શહેર બહાર એક ઊંડા ખાડામાં એકઠા હડસેલાવી દીધા અને કોઈપણ જાતની ક્રીયા કર્યા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી.
આ બનાવ બન્યાથી સઘળા હિંદુઓના મનમાં ઘણો જ ત્રાસ પેસી ગયો, અને તેઓ મુસલમાનોથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એકલી એ જ ભયંકર વાત બની એમ ન હતું. શાહજાદા અરકલીખાં તથા કદરખાં અને માજી પાદશાહની બેગમ મુલેકાજહાન તથા બીજા કેટલા માણસો મુલતાન આગળ અલફખાંના હાથમાં આવ્યા પછી તે તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. તે જ વખતે પાદશાહ અલાઉદ્દીને મલેક નુસરતખાં કોટવાલને શાહજાદાઓની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાંને મળવાને સામો મોકલ્યો. નુસરતખાંએ જઈને અલફખાંને પાદશાહનો હુકમ પહોંચાડ્યો, અને જે જગાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટ કામ કરવાની તૈયાર થવા લાગી.
એક ઉનાળાની સ્થિર સાંજે તે બે શાહજાદાઓ એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિષે વાત કરતા હતા. આખા દહાડામાં સખત તાપ પડ્યો હતો, તેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તે હવે ધીમે ધીમે ઠંડી પડવા લાગી. બારીમાંથી ટાઢો પવન થોડો થોડો આવતો હતો તેથી તેઓનાં શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત; પણ આ વખતે તે બિચારાઓના વિચાર તેઓનાં શરીરના સુખ તરફ હતા જ નહીં. તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની મા વગેરે બીજાં બૈરાંને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિષે તેઓને ઘણો અંદેશો થયા કરતો હતો. અલફખાંએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું તેથી આટલી થોડી વારમાં તે વચન તે તોડશે, અને તેઓનો પ્રાણ લેશે, એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કાંઈ કારણ જડ્યું નહીં, તથા આપેલો કોલ તોડવો એ તે વખતમાં કાંઈ ઘણું હલકું ગણાતું ન હતું, તથા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તેઓને વખતે વખતે મરવાની દહેશત લાગ્યા કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઊંડા વિચારમાં પડેલા હતા, તથા હવે મરીશું કે જીવતા રહીશું બાબતે એ સંશયમાં હતા, તે વખતે બે માણસોએ ધીમે ધીમે પાછળથી આવીને તેઓને પાડી નાખ્યા, અને તેઓના હાથપગ તરત બાંધી દઈને તેઓના મોંમાં ડૂચા ઘાલ્યા. પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે, એમ જાણીને તેઓએ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડોળો ઘણા જોરાવર હતા, તેથી તેઓનું કાંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચપ્પુની અણી વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાખ્યા. મરવાની દહેશતથી, આંખ ફુટવાના દરદથી, તથા આંખમાંથી લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી, તેઓ કેટલીક વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાદશાહના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મોટા જંગીઝખાંના છોકરાના છોકરા ઊલુઘખાંની, અહમદ હબીબની તથા બીજા કેટલાક હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાખી.
શાહજાદાઓને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુઃખ લાગ્યું હશે તેની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જ જતી રહી એ વાત તેઓને જ્યારે માલુમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા ેવા થઈ ગયા, અને મોટા જોરથી બૂમાબૂમ પાડવા લાગ્યા : જીવતા રાખ્યા તે આટલા સારુ ? અરે, આંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારું આંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું જ ભૂંડું. મરવું તો છે જ, પછી વહેલું કે મોડું. પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખૂબી જોવાથી બંધ પડવું, સઘળાં ભારે કામ કરવાથી અટકવું ! અરે ! એ તે જીવવું ? એ તો જીવતું મોત. અરે ! એ તો જીવતા ભોંયમાં દટાવું ! અરે ! જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું, એ કરતાં અમને મારી શા માટે ન નાખ્યા ? જો મરી ગવયા હોત તો સઘળું પૂરું થાત. પછી કાંઈ દેખવું નહીં અને દાઝવું પણ નહીં. મરનારને મન તો સઘળું સરખું. એના ઉપર કોઈ જુલમ કરી શકતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું નઠારું ? સઘળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી પણ સઘળાં દુઃખ સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં કોઈ દોરે ત્યાં દોરાવું. અરે ! ઢોર તો અટકાવ પણ કરી શકે છે, તથા લાત અને શિંગડાં મારે છે; પણ આંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં જ ગયા એમ સમજવું. અરે રાજ મેળવવાનો લોભ કેવો ભૂંડો છે ! અને પાદશાહા વંશમાં હોવામાં કેટલી કમબખ્તી છે ! જો અમે કોઈ ગરીબ માણસના છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં. થોડાં વર્ષ સુખ તો ભોગવ્યું; પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદોને લીધે તે વખતનું સુખ તુચ્છ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતાં સુધી કાયમ રહ્યું હોત તોપણ અમે પરવરદિગારના નામનો શુકર કરત. પણ આ દુફખ આગળ તે સઘળું બળી ગયું. અમારી બેવકૂફ માના લોભને લીધે અમારા ઉપર આ વિપત્તિ આવી પડી. અમારે રાજ જોઈતું ન હતું; પણ તેણે અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું. તેનાં ફળ અમે ભોગવીએ છીએ. અરે પરમેશ્વર ! અમારા ઉપર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો ! અમે કોઈને ઉપદ્રવ કર્યો નથી; અમે કોઈનું બગાડ્યું નથી; બલકે અમારાથી જેટલું બની શક્યું તેટલું ઘણાનું સારું કર્યું છે. પણ હવે દુઃખ રડવામાં શો ફાયદો છે ? જે થયું તે થયું. તેનો કાંઈ હવે ઈલાજ નથી. ઊલટું અમારું નબળું મન દુશ્મનોની આગળ પ્રગટ કરીએ છીએ; માટે જે થવાનું હોય તે થાઓ, તે ખમવાને અમે તૈયાર છીએ, ખુદાની એ પ્રમાણે જ મરજી હશે, તો તેનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.’’ આટલું બોલી તેઓએ પોતાનું મોં સીવી લીધું.
બીજે દહાડે અલફખાંની છાવણી ઊઠી, અને તેઓ સઘળા હાંસી શહેરમાં ગયા. ત્યાં કિલ્લામાં તે બે આંધળા શાહજાદાને કેદમાં રાખ્યા, પણ આવા અર્ધા મૂએલા શાહજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીનને ચેન પડે નહીં એમ જાણી, તથા આપણે જે કરીશું તે પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલફખાં તથા નુસરતખાંએ તેઓને બંનેને ઠાર મારવાનો નિશ્ચય કર્યો. એ કામ હવે કાંઈ મુશ્કેલ ન હતું. જ્યારે મધ્યરાત્રિને વખતે તે એ શાહજાદાઓ ભરઊંઘમાં પડેલા હતા તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં પેઠા જે છેલ્લી આફત તેઓના ઉપર જલદી પડનાર હતી તેની લેશમાત્ર શંકા પણ તેઓના મનમાં નહીં હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સૂતા હતા. તેઓનાં દુઃખી તથા નિર્દોષ ચહેરા જોઈને તે દુષ્ટ મરાઓને પણ દયા આવી; પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી, અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહીં તો તેઓ જાતે માર્યા જશે, તેથજી તે બેમાંના એકે મન કઠણ કરી અરકલીખાંના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાં ઉપર જખમ કર્યો. એ જખમથી કદરખાં તો તરત મરણ પામ્યો; પણ અરકલીખાંને વાસ્તે તે એક ઘા બસ થયો નહીં. તેણે તરફડિયાં મરવા માંડ્યાં, અને ‘‘શુકર અલ્લા ! આ દુઃખમાંથી જલદી તેં છુટકાવો કર્યો.’’ એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહીં તેથી તે ખૂની ગભરાયો, શાહજાદાએ તેની તરફ પોતાનું મોં ફેરવ્યું, અને ગુસ્સાથી બોલી ઊઠ્યો, ‘‘કાફર હરામખોર, જલદીથી બીજો ઘા મારી આ જિંદગીનો દોરો એકદમ તોડી નાખ. તારા અણઘડપણાથી મને કેટલું દુઃખ થાય છે તે તું જાણતો નથી. માટે માર બીજો ઘા, અને આ દુષ્ટ, પાણી જહાનમાંથી મને છોડાવ.’’ પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ; તે જડભરત જેવો ઊભો રહ્યો; તેના હાથમાંથી ખંજર પડી ગયું; અને તેના મન ઉપર તેનો અખત્યાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલીખાંને લાગ્યું કે મારનાર તો તેને એવી અવસ્થામાં મૂકીને જતો રહ્યો. તેનું ખંજર પડ્યું હતું તેનો અવાજ તેણે સાંભળ્યો હતો, અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેૃની વેદના પણ અસહ્ય થતી ગઈ. તે વખતે તેનામાં સેતાનનું જોર આવ્યું. તે એકદમ બેઠો થયો, અને હાથ લાંબા કરી ખંજર તેણે શોધી કાઢ્યું. હાથમાં તે ખંજર લઈ તેણે ઈશ્વરની સ્તુતિ કરી, અને ‘‘બિસ્મિલ્લાહ ઉર્ રહેમાન ઉર્ રહીમ’’ એટલું કહી તેણે તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યં કે તેને પાછું કાઢવાનો પણ તેને વખત મળ્યો નહીં, પણ તે લાગતાં જ તેનો આત્મા પરમેશ્વરની હજૂરમાં જઈ ઊભો રહ્યો.
દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બૈરી નીચું માથું ઘાલીને બેઠી હતી. ઓરડાની સ્થિતિ એ બૈરીના મનની સ્થિતિના જેવી જ હતી. અંધકાર, અંધકાર સઘળે વ્યાપી રહેલો હતો. ઓરડાની આસપાસની ચાર દીવાલોમાંથી એકમાંથી પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું ન હતું. ભીંતની છેક ઉપર બે ત્રણ જાળિયાં હતાં તેમાંથી હવા માત્ર આવતી, અને તેી તેમાં રહેલી બૈરીના પ્રાણને આધાર માત્ર મળતો. પણ તેમાંથી જે કંઈ પ્રકાશ પડતો તે એટલો તો થોડો હતો, તથા ઓરડો મોટો હોવાને લીધે તેમાંનું અંધારું એટલું બધું તો ગાઢું હતું કે તે અજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું ન હતું. એ અંધારામાં બેઠેલી બૈરી જો જોઈ શકાય તો દુઃખ એટલે શું, અને અતિ દુઃખથી માણસની અવસ્થા કેવી થાય છે એ સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિતારાને એક મહા દુઃખી માણસનું ચિત્ર દોરવું હોય, અથવા જો કોઈ કવીને તેના માણસના દેખાવનું વર્ણન કરવું હોય, તો તેણે તે બૈરીને જોવી. તે ખરેખરું દુઃખનું સ્વરૂપ હતું. જો દુઃખ માનવદેહ ધારણ કરી શકે તો તે આ બૈરીના જેવું જ સઘળાને માલુમ પડે. તેને પોતાના શરીરનું બિલકુલ ભાન ન હતું. તે પોતાના બે પગની વચ્ચે માથું ઘાલીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની સિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મોં ઉપરની નસો ફૂલી આવી હતી. તેનું શરીર સઘળું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું તમામ લોહી ઊડી જવાથી તે મુડદાની જેવી ફિક્કા રંગની દેખાતી હતી. જો તે હાલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે, તો તેની અને મુડદાની વચ્ચે કાંઈ ભેદ માલૂમ પડે એવું ન હતું. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી. અને સાધારણ રીતે જે ચળકાટ તથા બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજી આંખોમાં માલૂમ પડે છે તે તેમાં જણાતો ન હતો. તનેઓ કોઈ વખત એક જ વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી; કોઈ વખત વગર મતલબે આણીગમ-તણીગમ ફર્યા કરતી. જો તેની આંખ ઉપરથી જ પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ આપણી ખાતરી થયા વિના રહે નહીં. તેના મનનો વિકાર તેની આંખમાં જ જણાઈ આવતો હતો એટલું જ નહીં પણ તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગિયા માણસો જેવું જ હતું. તેના શબ્દ તેના મોંમાંથી તૂટક તૂટક તથા વગર અર્થના નીકળતા. તેના બોલવામાં કાંઈ સંબંધ ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલાં માણસો જેમ તૂટક તૂટક વાક્યો વાપરે છે એવાં વાક્યો તે બોલતી; અને ઘડીએઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા ઘાંટો કાઢી પોક મૂકીને રોવું એ સિવાય તેના જુસ્સા વડે તેનાથી વધારે થઈ જતું હતું. જ્યારે તેને ઘણો આવેશ આવતો ત્યારે તે હાથે પોતાના માથાના નિમાળાની લટ જોરથી તોડી નાખતી; તેનાં પહેરેલાં લૂગડાં ફાડી નાખતી; માથું તથા છાતી એટલા જોરથી કૂટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત શી રીતે રહેતાં એ જ આશ્ચર્યકારક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતી નહીં. વખતેવખતે તે ઊઠીને દોડતી, અને ભીંતની સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી. પોતાના હોઠ દાંત વડે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી. તેના માથામાંથી નીકળતા લોહીથી તેનાં સઘળાં કપડાં ખરાબ થઈ ગયેલાં હતાં, તથા હોઠમાંના લોહીથી તેનું મોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું. અને તેનામાં કોઈ જીન ભરાયો હોય એવી તે દેખાતી હતી. ઘણા દુઃખથી તે બિચારીનું મગજ ઊંધુંચત્તું થઈ ગયું હતું, અને તે દુનિયાના તેમ જ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેનામાં જીવ તો હતો, પણ તેના મન ઉપરથી તેનો સઘળો અખત્યાર જતો રહ્યો હતો, એટલે જીવવાનું કાંઈ ફળ રહેલું ન હતું. એ સઘળી હકીકત ધ્યાનમાં કલ્પશો, તો માજી પાદશાહ જલાલુદ્દીન ફિરોઝની મુખય બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંની મા મલેકાજહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિતાર તમારા મનમાં આવશે.
તે જાતે ઘણા મજબૂત મનની, ખટપટી તથા રાજ્યકારભારની લોભી હતી. પોતાના ધણીના મર્યા પછી તેણે વગર વિચારે, તથા દુશ્મનનું સામર્થ્ય જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખબર ન કરતાં, નાના કદરખાંને ગાદીએ બેસાડ્યો, તે કામ પાર પડ્યું નહીં; તેને, તેના છોકરાને, તથા તેના મળતિયા લોકોને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું એ પ્રમાણે તેની રાજ્યકાજની મોટી મોટી ઉમેદો પાણીના પરપોટાની પેઠે એકદમ ફૂટી ગઈ. એ દુઃખ કાંઈ ઓછું ન હતું. પણ તેટલેથી બસ થયું નહીં. તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા; અને તેઓને જીવતાં રાખવાનું વચન અલફખાં
એ આપયું; તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા. એથી ઊલટી તેઓના ઉપર વધારે આફત પડી. તોપણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેઓના બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે. એ ઉમેદથી તેણે દહાડા કાઢ્યા. પણ જ્યારથી તે શાહજાદાઓથી છૂટી પડી ત્યારથી તે નિરાશ થતી ગઈ, અને રાત્રે અને દિવસે તેના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા ઊંઘમાં તે વારે પોતાના છોકરાની કફનમાં વીંટાળેલી લાશ જોયા કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દહેશત હતી, જે નઠારા વિચાર તેના અંતઃકરણમાં ઉત્પન્ન થયા કરતા, તે સઘળું છેલ્લી વારે ખરું પડ્યું. તેને એક ખાનગી જાસૂસે ખબર કરી કે શાહજાદાઓને આંધળા કરી મારી નાખ્યા છે એ ખબર સાંભળતાં જ તે ભોંય ઉપર બેહોશ થઈને પડી, અને તે બેશુદ્ધિમાંથફી થોડી વાર પછી જાગ્રત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ. તે જાગ્રત તો થઈ, પણ નહીં જેવી જ; તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહીં; અને અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં બિચારી આવી પડી.
જ્યારે મલેકાજહાનની આવી દુર્દશાની ખબર પાદશાહને પડી ત્યારે તેને અંધારા ઓરડામાંથી કાઢીને એક સારા, હવાદાર, અજવાળાવાળા ઓરડામાં રાખી. પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. ઊલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુઃખમાં અને તેને લીધે તેની ઘેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઊભી રહેતી, અને જે લોકો આવતાજતા તેઓને એકી નજરે જોયા કરતી લોકોને તેને જોઈને ઘણી દયા આવતી, તથા તેના દુઃખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા. માત્ર દરવેશ લોકોને તેના ઉપર દ્વેષ હતો, અને અગર જે તે કંઈ પણ વાત બરાબર સમજી શકતી ન હતી તોપણ તેઓ પોતાનો ગુસ્સો વખતોવખત જણાવ્યા વિના રહેતા નહીં. એક વખતે બેગમ બારીએ ઊભી હતી તે ખવતે એક દરવેશે ઊંચું જોઈ પોકાર કર્યો : ‘‘બેગમ સાહેબ ! સીદી મૌલાને યાદ કરો. તે એક ફિરસ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો લોકો એકઠા મળતા. અને તેઓમાં તે રોજ એક હજાર મણ આટો, પાંચસો મણ ગોશ્ત, બસો મણ ખાંડ, તથા તે પ્રમાણે ચોખા, તેલ, ઘી તથા બીજી ખાવાની વસ્તુઓ વહેંચતો. એવા સખી દરવેશને તારા દુષ્ટ ખાવિંદે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નાખાવ્યો. તેનાં શાં શાં ફળ નીપજ્યાં છે તે તું જાણે છે ? તેણે મરતી વખતે શું કહ્યું છે તે તને યાદ છે ? સીદી મૌલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો, વાવંટોળિયો થયો તે અર્ધા કલાક સુધી પહોંચ્યો, તેટલામાં એટલું તો અંધારું થયું કે દહાડો રાત જેવો દેખાયો, રસ્તામાં લોકો એકેક સાથે અથડાયા, અને તેઓને ઘેર જવાનો રસ્તો સૂઝ્યો નહીં, તે વરસે વરસાદ આવ્યો નહીં તેથી દુકાળ પડ્યો, અને હજારો હિંદુઓ ભૂખથી રસ્તે રસ્તે અને ગલીએ ગલએ મુદડાં થઈ પડ્યાં, અને આખા કુટુંબને કુટુંબ દુઃખને લીધે જમના નદીમાં ડૂબીને મરી ગયા. દરબારમાં કૂટ પડી. પાદશાહને ઘર તરફની મોટી આફત પડી, તેનો મોટો છોકરો ખાનખાનાં માંદો પડ્યો, અને થોડે દહાડે મરી ગયો. પાદશાહની પણ થોડી મુદતમાં એવી જ દશા થઈ. તેને તેના ભત્રીજા હાલના પાદશાહે મારી નાખ્યો. તેના વંશમાંથી રાજ્ય જતું રહ્યું. તેના બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ મર્યા ગયા. અને તારી આ અવસ્થા થઈ. સીદ્દી મૌલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો; માટે બીજાનાં કરેલાં પાપનાં ફળ તું ભોગવે છે.’’
દરવેશની આ સઘળું કહેવાની મતલબ એટલી જ હતી કે બેગમને ચીઢવવી, તથા દરવેશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવવો; પણ એ વાતમાં તે બીલકુલ નાઉમેદ થઈ ગયો. તેને જવાબ આપવાને બદલે બેગમ પહેલા પ્રમાણે જ જડભરત જેવી ઊભી થઈ રહી, અને કેટલીક વાર પછી ખડખડ હસી પડી. પોતાના બોલો પવનમાં ઊડી ગયા એમ જાણીને તે દરવેશ નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો.
પ્રકરણ ૬ ઠ્ઠું
માગશર મહિનામાં એક સવારે દિલ્હી શહેરમાં ઘણો રમણીય તથા જોવા લાયક દેખાવ બની રહ્યો હતો. તે દહાડે શહેર બહાર એક કાળિયા માતાનું દહેરું હતું તેનો પાટોત્સવ હતો, તથા અલાઉદ્દીન પાદશાહના વડા શાહજાદા ખિરઝખાંની સાલગિરાહ હતી, તેથી હિંદુ તથા મુસલમાન એ બંને લોકોને તે દિવસે તહેવાર હતો. સવારે જે વખતે હિંદુ લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ શહેર બહાર કાળિકા માતાનાં દર્શન કરવા જતાં હતાં. તે સવારે ટાઢ ઘણી જ પડી હતી, તેથી સઘળાઓએ શાલ, દુશાલા, ધાબળી વગેરે ઊનનાં ગરમ લૂગડાં શરીર ઓઢેલાં હતાં, તથા ગરીબ લોકો બિચારા ધ્રુજતા, ધ્રુજતા, દાંત કકડાવતા, અદબ કરી ચાલ્યા જતા હતા. કેટલેક દૂર ગયા પછી તેઓ કુતુબમિનાર આગળ આવી પહોંચ્યા. એ મિનારો દિલ્હીના પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીનના રાજ્યમાં બંધાવા માંડ્યો હતો તે અલ્તમશ પાદશાહના રાજ્યમાં પૂરો થયો. તે ઘણો જ શોભીતો છે; તેનો આકાર મિનારા જેવો છે તથા તે ઉપર રવેશો છે તેમાં ઘણી જ બારીક નકશી કોતરેલી છે. તે ૧ર૧ સુતારી ગજ ઊંચો છે. એક વાર ધરતીકંપ થયાથી તેનો કેટલોક ભાગ પડી ગયેલો છે, તોપણ તેના જેટલો ઊંચો મિનારો દુનિયામાં બીજો કોઈ નથી. તેની પાસે એક અધૂરી મસ્જિદ છે, તે તેની બાંધણી તથા શોભામાં હિંદુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઊતરતી છે, તે તેની બાંધણી તથા શોભામાં હિંદુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઊતરતી નથી. તે ઉપર લેખ કોતરેલા છે તે ઉપરથી જણાય છે કે તે શાહબદ્દીન ઘોરીના રાજ્યમાં બંધાવા માંડી હતી. એ મસ્જિદની પડોશમાં કાળિકા માતાનું દહેરું હતું. તેનું કદ નાનું હતું તથા બહારથી કાંઈ શોભાયમાન ન હતું; પણ તેનો પરચો એટલો હતો કે તે દહાડે ત્યાં આખા દિલ્હી શહેર તથા પડોશના ૪૦ અથવા પ૦ કોશ સુધીનાં ગામો તથા શહેરોથી હિંદુ લોકો દર્શન કરવા આવ્યા હતા. જુદી જુદી જાતના જુદા જુદા પહેરવેશ તથા રંગબેરંગી પાઘડીઓથી તમાશો ઘણો સુંદર હતો; પણ ત્યાં લોકોની ભીડ સિવાય બીજું પણ કેટલુંક જોવા લાયક હતું.
કાળિકા દેવીનું રૂપ ઘણું ઉગ્ર થતા બિહામણું હોય છે અને તેને પ્રાણીનાં બલિદાન આપવામાં આવે છે. તેને રક્તપાતમાં ઘણો આનંદ લાગે છે તેથી તેની યાત્રાઓમાં ઘણાં નિર્દય કામો થતાં જોવામાં આવે છે. આ વખતે દેવીના મંદિર આગળ ઘણા ભક્તો એકઠા થયા હતા, તેઓમાંથી કેટલાક પોતાની જીભમાં પાળી ખોસતા હતા. બીજે ઠેકાણે ઝીણા અણીદાર ખીલાઓને તેઓની અણી ઉપર રાખીને ભોંયમાં એવા પાસે પાસે દાટેલા હતા કે તેનું એક બિછાનું થઈ રહ્યું હતું, તે ઉપર એક પાલખ બાંધેલી હતી તે ઉપરથી કેટલાક નીચે ખીલાઓની શય્યા ઉપર પડતા હતા. કેટલાક પોતાની કૂખમાં લોઢાની કડી ઘાલીને તેમાં એક દોરડું બાંધીને એક ઝૂલતા લાકડાના કટકા સાથે લટકતા હતા. અને કેટલીક વાર સુધી તેઓ ચક્કર ખાતા હતા. બીજા કેટલાક ફૂલના પુષ્કળ હાર ઘાલીને તથા શરીરે હિંગળોક ચોળીને ઊભા હતા, અથવા કાંઈ રાગનું વાંજિત્ર વગાડતા હતા.
આ ભયંકર તથા કંટાળો ઉપજાવનાર તમાશો જોઈને સઘળા લોકો ખુશ થતા હતા. તેમાં એક પરેશી તેના પહેરવેશ તથા રીતભાતથી તરત બીજાઓથી જુદો પડતો હતો. તે ઘણા ઊંડા વિચારમાં પડેલો હતો, અને બીજા લોકોનાં મોઢાં ઉપર જેટલો ઉમંગ દેખાતો હતો તેટલો તેના ઉપર ન હતો. જે જે કામને અર્થે તે દિલ્હીમાં આવ્યો હતો તે કામ હજી પાર પડ્યું ન હતું એટલું જ નહીં, પણ તે સિદ્ધ થશે એવો સંભવ પણ ઘણો દૂર દીસતો હતો. પોતાની મતલબ શી રીતે હાંસલ કરવી, એ વિશે તે નિરંતર રાતદહાડો મનમાં વિચાર કર્યા કરતો, અને વારેવારે નિસાસા મૂક્યા કરતો હતો.
વાંચનારાઓએ તેને ઓળખ્યો તો હશે; તે ગુજરાતના કરણ રાજાનો માજી પ્રધાન માધવ હતો એમ આ ઠેકાણે સ્પષ્ટ કહ્યું ન હોત તોપણ સઘળાના જાણ્યામાં આવત, આ વખતે તે આ સઘળો તમાશો જોઈ ઘણો વિસ્મિત થયો, અને તે મોટેથી બોલી ઊઠ્યો : ‘‘જો દેહક્ષટ કર્યાથી પરમેશ્વર પ્રસન્ન થતો હોય તો આ લોકો નક્કી સ્વર્ગે જશે.’’ તેની પાસે એક સંખ્યાસી ઊભેલો હતો તે આ વાત સાંભળી બોલ્યો : ‘‘અરે ભૈયા ! જો દેહકષ્ટથી પરમેશ્વર પ્રસન્ન થાય તો અમારા ઉપર થાય. અમારા દેહષ્ટ આગળ એ લોકોનો કાંઈ હિસાબ નથી. તેઓ તો વર્ષમાં એકબે દહાડા આ પ્રમાણે કરે છે, પણ અમારે તો આખા જન્મારામાં દેહકષ્ટ કર્યા જ કરવું જોઈએ. સંન્યાસી દુનિયાનો શી રીતે ત્યાગ કરે છે તે વિષે જ મનુસ્મૃતિમાં લખેલું છે તે સાંભળો. ‘‘જ્યારે કોઈ કુટુંબના મુખ્ય માણસનું શરીર સઘળું ઢીલું પડી જાય, તથા નિમાળા સફેદ થાય, તથા તે પોતાનાં છોકરાંનાં છોકરાં જુએ, ત્યારે તેણે વનવાસ કરવો. શહેરમાં જે ખાવાની વસ્તુઓ હોય તે તથા ઘરનાં વાસણ-કૂસણ મૂકી દઈને એકાંત વનમાં જવું. પોતાની વહું તથા છોકરા તજવાં, અને જો વહુની સાથે આવવાની ખુશી હોય તો તેને જોડે લેવી. તેણે પોતાની સાથે પોતાના ઘરનો અગ્નિ તથા હોમ કરવાનો સઘળો સામાન લેવો, અને વનમાં જઈને પોતાની જ્ઞાન તથા કર્મેન્દ્રિયો ઉપર અખત્યાર રાખી રહેવું. ઋષિઓ જે ખાતા તે કંદ, મૂળ, ઈત્યાદિ પવિત્ર વસ્તુઓ તેણે ખાવી તેણે કાળા હરણનું ચામડું અથવા છાલનું વસ્ત્ર પહેરવું, સાંજના-સવાર સ્નાન કરવું માથા તથા દાઢીના નિમાળા વધારવા અને નખ મોટા થવા દેવા, જે તેને ખાવાનું મળે તેમાંથી દાન વગેરે કરવું, તથા તેના આશ્રમમાં જેઓ આવે તેઓનો સત્કાર કરી તેને કંદ, મૂળ, ફળ પાણી આપવાં. તેણે હમેશાં વેદાભ્યાસ કરવો. ગમે તેવી વિપત્તિ આવી પડે તો પણ ધૈર્ય રાખી પરોપકાર કરવો; પરબ્રહ્મ ઉપર મન સ્થિર રાખવું : નિરંતર દાન આપ્યા કરવું, પણ કાંઈ દાન લેવું નહીં; અને સઘળા જીવવાળા પદાર્થો ઉપર દયા રાખવી. ભોંય ઉપર તેણે આખો દિવસ લપસ્યા કરવું, અથવા પગની એક આંગળી ઉપર ઊભા રહેવું, અથવા ઊઠબેસ કર્યા કરવી; સૂર્યોદયની વખતે, બપોરે તથા સૂર્યાસ્ત થતી વળા તેણે સ્નાન કરવા જવું; ઉનાળામાં તેણે પંચાગ્નિ વચ્ચે બેસવું; એટલે ચાર અગ્નિ આસપાસ સળગાવવા ને પાંચમો અગ્નિ માથે સૂર્ય, એ સઘળાંનો તાપ સહન કરવો. વરસાદના દ હાડામાં જ્યારે ભારે ઝાપટાં આવતાં હોય ત્યારે એક પણ વસ્ત્ર ઓઢ્યા વિના વરસાદમાં ઊભા રહેવું. શિયાળામાં તેણે હવાયેલાં વસ્ત્ર પહેરવાં અને ધીમે ધીમે દેહકષ્ટમાં વધારો કર્યા કરવો. પછી શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના પવિત્ર અગ્નિને રાખ્યા પછી, બીજો દેવતા સળગાવ્યા વિના મૌનવ્રત લઈને રહેવું, અને કંદ, મૂળ ખાવાં : અથવા સંન્યાસીએ પત્રાવળીમાં, હાથમાં, અથવા તૂમડીમાં શહેરમાંથી ખાવાનું લઈ આવવું, અને તેમાંથી આઠ કોળિયા માત્ર ખાવા. જે બ્રાહ્મણ વનવાસ કરે તેણે આ તથા એવા બીજા નિયમો પાળવા. પોતાના આત્માને પરમાત્મા સાથે લીન કરવાને તેણે ઉપનિષદોનો અભ્યાસ કરવો. એ પ્રમાણે તેના આવરદાના ત્રીજા ભાગમાં વનમાં રહી ધર્મનાં કૃત્યો કર્યા પછી ચોથા ભાગમાં તેણે સંન્યાસી થવું. તેણે સઘળું સંસારી સુખ ત્યાગ કરવું, અને પરબ્રહ્મ ઉપર વિશ્વાસ રાખી મોત પણ માગવું નહીં, અને આવદા પણ ઈચ્છવી નહીં. જેમ ચાકર પોતાનો પગાર લેવાને મહિનો પૂરો થવાની રાહ જુએ છે તેમ તેણે તેના નિયત વખતને માટે વાટ જોઈ બેસવું.
‘‘હવે સંન્યાસી થવાની વિધિ નીચે પ્રમાણે છે. પહેલાં તો એક સારો દહાડો શોધી કાઢવો, અને તે દહાડે તેણે સ્નાન કરવું, અને એક લૂગડાના દશ કકડા ભગવા રંગીને તેઓને સાથે લઈ મુકરર જગ્યાએ જવું. એ દશ કકડામાંથી ચાર પોતાના ખપને વાસ્તે રાખવા, અને છ ક્રિયા કરાવનાર બ્રાહ્મણોને વહેંચી આપવા. સંન્યાસીએ બીજા સામાનમાં એક તો સાત ગાંઠવાળો વાસંસનો દંડ, બીજી તૂમડી, ત્રીજું હરણનું ચામડું, ચોથું રૂપા તથા તાંબા-નાણું, ફૂલ, રાતા રંગલા ચોખા, ચંદન ઈત્યાદિ રાખવાં પછી એક ઘણો જ બદસ્વાદ રસ તૈયાર કરીને તેને આપવામાં આવે છે તે ઈંદ્રિયોનું સુખ હવે ત્યાગ કર્યું એમ જણાવવાને પેલા સંન્યાસીએ પી જવો. પછી ગુરુ તેના કાનમાં મંત્ર ભણે છે; તથા સંન્યસ્ત લીધા પછી શું શું કરવું તે તેને સમજાવે છે. પછી તે ભગવાં વસ્ત્ર પહેરે છે, ન્યાત જાતનો ત્યાગ કર્યો તે જણાવવાને તેની જનોઈ તોડી નાખે છે, અને ચોટલી બોડાવે છે. સઘળી ક્રિયા થઈ રહ્યા પછી દંડ, તૂમડી તથા હરણનું ચામડું લે છે, અને તૂમડીમાંથી ત્રણ આચમન મંત્ર ભણીને પીએ છે એટલે તને સંન્યાસી થયો એમ ગણાય છે; પછી તેને સંસાર સાથે કાંઈ સંબંધ રહેતો નથી. સંનયાસીએ હરેક સવારે સ્નાન કર્યા પછી આખા શરીર ઉપર ભસ્મનો લેપ કરવો, દહાડામાં એક વર ખાવું, પાનસોપારી ખાવાં નહીં, બૈરાં તરફ દૃષ્ટિ પણ કરવી નહીં, હરેક મહિને દાઢી, મૂછ તથા માથું બોડાવવું, પાવડી પહેરવી, જ્યારે બહાર ફરવા નીકળે ત્યારે તેણે એક હાથમાં સાત ગાંઠાનો દંડ પકડવો, બીજા હાથમાં તૂમડી લેવી, અને બગલમાં હરણનું ઘાલવું. તૂમડીમાં પાણી ભરાય અને ચામડું આસનને ઠેકાણે કામ આવે. તેણે ભિક્ષા માગી પેટ ભરવું, કારણ ભિક્ષા માગવાનો તેને અધિકાર છે. જો સંન્યાસી પાસે દ્રવ્ય એકઠું થાય તો તેણે દાન કરી દેવું, અથવા તે વડે ધર્મશાળા,, દેવસ્થાન, વાવ, કૂવા વગેરે બંધાવવાં. તેઓએ પોતાનો આશ્રમ નદી અથવા તળાવને કાંઠે રાખવો, કેમકે ત્યાં સ્નાન કરવાનું ઘણું સુગમ પડે.’’
એ સંન્યાસીની સઘળી વાત સાંભળી એક યોગી ત્યાં પાસે ઊભો હતો તે બોલ્યો ‘‘ભૈયા ! કરે તે ભલો; મારે તેની તલવાર; અને પાળે તેનો ધર્મ છે. અમારા યોગીઓ તો જે દેહષ્ટ કરે છે તેની આગળ તમારી તો રમત છે. અમારામાંથી કેટલાક પોતાના હાથ એટલાં વર્ષ સુધી બંધ રાખે છે કે નખ વધી હાથમાં પેસી જાય છે. કેટલાક વર્ષોનાં વર્ષ એક જ ઘાટીએ ઊભા રહે છે. વળી કેટલાક તેઓના હાથ ઊંચા લાંબા રાખે છે તે એટલે સુધી કે નકામા પડવાથી તે હાથ ચીમળાઈ જાય છે અને જડ તથા અશક્ત થઈ જાય છે, કેટલાક મોટો ભાર વહી જાય છે અથવા તેઓના શરીરના કોઈ કોમળ ભાગમાં એક સાંકળની કડી ભેરવીને તે જ્યાં જાય ત્યાં તે સાંકળ ઘસડતા જાય છે. કેટલાક વર્ષોનાં વર્ષ સુધી, અથવા કોઈ મોટા રાજ્યની પ્રદક્ષિણા કરી રહે ત્યાં સુધી ભોંય ઉપર કીડાની પેઠે પેટ ઘસડાતા ચાલે છે. કેટલાક જગન્નાથપુરી સુધી આખે રસ્તે પગે પડતા પડતા જાય છે, અથવા શરીરને દડા જેવું કરી નાખી સિંધુ નદીને કાંઠેથી ગંગા નદીના કાંઠા સુધી સુધી ગબડતા જાય છે, અને એવી રીતે જતાં જે કાંઈ પૈસા મળે તે એકઠા કરી તે વડે દેવાલય બંધાવે છે, કૂવા અથવા વાવ ખોદાવે છે, અથવા કાંઈ ગુપ્ત પાપનું પ્રાયશ્ચિત કરે છે. કેટલાક ભર ઉનાળામાં બળતા તાપ ઉપર હીંચકા ખાય છે, અથવા ઘણા આકરા તાપ ઉપર નીચું માથું રાખી ટીંગાઈ રહે છે. કેટલાક ભોંયમાં ગરદન સુધી દટાય છે. ફક્ત શ્વાસ લેવાને એક નાનું કાણું રાખે છે. કેટલાક શરીર ઉપર ચાબખા મારે છે. ખીલાની શય્યા ઉપર કેટલાક સૂએ છે. કેટલાક જીવતાં સુધી પોતાના શરીરને કોઈ ઝાડના થડ સાથે સાંકળ વડે બાંધી લે છે. એ પ્રમાણેનાં દેહકષ્ટ તેઓ કરે છે. જો એ વાતની લખેની સાબિતી જોઈતી હોય તો કાળિદાસકૃત શાકુન્તલ નાટક વાંચો; તેમાં એક ઠેકાણે આ પ્રમાણે લખ્યું છે.
‘‘દુષ્યંત રાજાએ પૂછ્યું કે મારિચિ ઋષિનો આશ્રમ ક્યાં છે ? ત્યારે માતલિએ જવાબ દીધો કે :
શાર્દૂલિવક્રીડિત વૃત્ત
વલ્મીકે થઈ છે નિમગ્ન અરધી કાયા જ જેની ભલી
લાંબી સર્પતણી વીંટાઈ ઉરને એને બધી કાંચળી;
કંઠેઢ જીર્ણ થયેલ વેલ તરુની ચોપાસ કંઠી બની
તે પીડા કરતી જણાય તપસીકેરા ગળાને ઘણી //ર૭૯//
ખાંધે છે પ્રસરાયલું શિરથકી એનું જટામંડળ,
તેની માંહ શકુન્તપક્ષિ કરતું માળા નિવાસાર્થ જો !
એવું રૂપ ધરી વસે મુનિ પણે મોઢું કરે સૂર્યની
સામે બિમ્બભણી રહી અચલની પેઠે સ્થિરાકારમાં //ર૮૦//
(ઝ.ઉ.યા.)
એવાં એવાં દેહકષ્ટ યોગી લોકો કરે છે તેની આગળ તમારા સંન્યાસીનાં અથવા આ કાળિકાના ભક્તોનાં કામ કાંઈ ગણતરીમાં નથી.’’
માધવ કાળિકા દેવીના ભક્તોનાં કામ નજરે જોઈ, તથા સંન્યાસીઓએ શું કરવું જોઈએ, અને યોગીઓ શું કરે છે તથા કરતા હતા, તેની વાત સઘળી લક્ષપૂર્વક સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો કે માણસનું નાજુક તથા કોમળ શરીર આટલી વેદના શી રીતે ખમતું હશે ? ત્વચા, જેની સ્પર્શશક્તિ એટલી તો બારીક છે કે એક ઝીણી સોયની અણી ભોંકાવાથી પણ દુઃખ થાય, એવી ચામડીથી આટલું બધું દરદ શી રીતે સહેવાતું હશે ? ઘણાં માણસો ઠોકર વાગવાથી અથવ બગાસું આવવાથી અથવા એવાં બીજાં દેખીતાં નજીવાં કારણથી તત્કાળ મરણ પામતાં માલૂમ પડે છે તે છતાં પણ આ લોકો આવાં ભારે દરદ હાથે કરી પેદા કરે છે, તેથી મરતા કેમ નહીં હોય ? માણસનું શરીર જેવું ટેવાય છે તેવું થાય છે. જે કારણોથી એક માણસનું મૃત્યુ થાય છે તે જ કારણથી બીજાનું શરીર જોરાવર થાય છે. એ સઘળો ટેવનો મહિમા છે. પણ ટેવની સત્તાને કાંઈ મર્યાદા છે કે નહીં ? એ વાત ગમે તેમ હોય તોપણ દેહકષ્ટ કરવામાં શો લાભ છે ? પરમેશ્વરે માણસને સુંદર તથા ચમત્કારિક આંખ આપેલી છે વડે તે સૃષ્ટિને નીરખે છે, તેની ખૂબી તપાસે છે, અને તે તપાસતાં સૃષ્ટિના કર્તાની અપાર શક્તિ, અનંત ડહાપણ, બહોળી દયા, તથા ડગલે ડગલે તેના સંકેતનાં ચિહ્નો શોધી કાઢીને વધારે ભક્તીથી તથા વધારે સાચા દિલથી તેને તે સેવે છે. એવી આંખનો માણસે શું ઉપયોગ ન કરવો ? જે કાન વડે સૃષ્ટિ માંહેલા ચિત્તાકર્ષક નાદ, પક્ષીઓનો સુંદર અવાજ, તથા માણસના ગળામાંથી જે નાના પ્રકારના રમણીય સાદ નીકળે છે તે સંભળાય છે તે શું સર્વ ન સાંભળતાં કાન બંધ કરી રાખવા ? જે નાક વડે વાસવાળા પદાર્થોની સુગંધ અથવા દુર્ગંધ પારખી શકીએ છીએ તે નાક શું કામે ન લગાડવું ? તથા ગંધ વિષે તે જે સૂચના આપે તે ન માનવી ? વળી જીભ વગેરે મોંમાં જે સાધનો પદાર્થના જુદા જુદા સ્વાદ લેવાને આપેલાં છે તેઓનો ઉપયોગ કેમ ન કરવો ? સ્વાદમાં જે ભેદ છે તે ખોટો માનીને શું મીઠો તથા કડવો એક જ સમજવો ? અને અનાજ વગેરે જે જે વસ્તુ સ્વાદને સારી લાગે છે તથા શરીરને પોષણકર્તા છે તે તે પદાર્થો પરમેશ્વરે ખાવાને સરજ્યા છે, અને કડવી તથા બદસ્વાદની વસ્તુઓ જેવી શરીરને પુષ્ટિ મળતી નથી, તેઓ તે કામને માટે પેદા કરેલી નથી એ વાત અનુભવથી જાણ્યા છતાં, શું ખોટી માનવી ? અગણિત છિદ્રવાળી તથા અસંખય જ્ઞાનરજ્જુઓથી ભરપૂર એવી ત્વચા, જેને બહારના પદાર્થની જે સુખદુઃખ થાય છે તે ઓળખવાની શક્તિ આપેલી છે તેને શું પોતાનું કામ ન કરી શકે એવી કરી નાખવી ? વળી જગતમાં ચોતરફ નજર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દેખાય છે કે સઘળી વસ્તુઓ જાણે માણસના આનંદ તથા સુખને માટે જ સરજાયેલી છે, તે વસ્તુઓનો ઉપયોગવ ન કરતાં દુનિયામાં જેવા આવ્યા તેવા જવું, અને આપણે થઈ ગયા તેની એક પણ નિશાની પાછળ રહેવા ન દેવી ? માણસના મનના વિકારો તથા વૃત્તિઓ તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણે દુનિયામાં આપણા મનુષ્યજાતિના ભાઈઓ એકઠા રહેવાને ઉત્પન્ન થયેલા હોઈએ એમ લાગે છે; તે છતાં જો આપણે એકાંત વનવાસ કરીએ તો દયા, ક્ષમા આદિ આપણા સારા ગુણોનું શું કામ પડે ? એ સઘળા ઉપરથી સહેજે અનુમાન થાય છે કે માણસે દુનિયામાં રહીને જે દુઃખ પડે તે ધૈર્યથી સહન કરવું, અને જેમ મધમાખી બધાં ફૂલોમાંથી મધ ચૂસી લે છે તેમ આપણે સઘળા પદાર્થોમાંથી સુખ ખેંચી કાઢવું. દેહકષ્ટ શા માટે કરવું ? હવે માણસ જેનામાં ઈશ્વરે વિવેકબુદ્ધિ મૂકેલી છે, તેથી જે કાર્ય તે કરે છે તેમાં કાંઈપણ કારણ હોવું જોઈએ; માટે આ દેહ દમવાનું પણ કાંઈ કારણ હશે. અગર જો સૃષ્ટિની ખુબી આંખો વડે જણાય છે. ચંપા, ચમેલી, મોગરા વગેરે ખુશબૂદાર ફૂલોની સુવાસ ઘ્રાણેંદ્રીયથી માલૂમ પડે છે; અગર જો રસેંદ્રિયથી જ ખટ્રસનો સ્વાદ સમજાય છે; ટૂંકામાં માણસને સુખ થાય એવી જ આ જગતની રચના કરેલી છે. તોપણ એ ઈંદ્રિયો આપણને હમેશાં તાબે રહેતી નથી. જો તેઓને આપણે જીતીશું નહીં તો તેઓ આપણને જીતશે. ઈંદ્રિયો વડે જેટલું સુખ થાય છે તેટલું જ દુઃખ પણ થાય છે, અને એટલા દુઃખથી કાંઈ બસ થતું નથી. એ ઈંદ્રિયોના જો આપણે ગુલામ થયા તો આપણે પશુ સમાન થઈ જઈએ છીએ, અને ખરુંખોટું સમજવાની તથા પરમેશ્વરને ઓળખવાની જે શક્તિ એકલા મનુષ્યને જ બક્ષેલી છે તેનો ખોટો ઉપયોગ કરીએ છીએ. આંખ વડે કેટલાકની ઈશ્વર ઉપરની શક્તિ દૃઢ થાય છે, ત્યારે ઘણા તો તે વડે દુષ્ટ અને અધર્મી કર્મો કરે છે, અને કારીગરીની શોભા તથા ચતુરાઈ જોવામાં ગરક થઈ કારીગરની શક્તિ તથા ડહાપણ જોવું ભૂલી જાય છે, અથવા કારીગરીમાં ખામી કાઢી કારીગર છે જ નહીં એમ કહે છે અથવા છે તો તેનો ઈન્સાફ, દયા, ડહાપણ, ચતુરાઈ તથા સારાપણામાં ખામી છે એવો મત ચલાવે છે. એવા ભયાનક ખાડામાં પડતાં બચવાને જ, કેટલાક ભક્તોએ પોતાની આંખ પોતાને હાથે ફોડી નાખી છે. માટે ઈંદ્રિયો જેમ આપણી મિત્ર તેમ આપણી શત્રુ પણ છે. તે એક નદીના પ્રવાહ જેવી છે; જ્યાં સુધી તે. ધીમે ચાલે છે ત્યાં સુધી સઘળાને ફાયદો કરે છે, પણ જ્યારે તે જુસ્સાથી વહે છે ત્યારે તેના સપાટામાં જે આવે તેને ઘસડી જાય છે. તે એક વાઘ જેવી છે. જ્યાં સુધી તેને પાંજરામાં ગોંધી રાખે તયાં સુધી કાંઈ ચિંતા નહીં, પણ તેને પાંજરું તોડતાં વાર લાગતી નથી. તેને જીતવી એ ઘણું કઠણ કામ છે, અને ઘણા જ થોડા માણસથી તે બની શકે, માટે તેઓને ફાવવા જ ન દેવી એ ડહાપણ છે. એટલાં કારણોથી સંન્યાસી, યોગી વગેરે પોતાની ઈંદ્રિયો ઉપર ભરોસો રાખતા નથી.
વળી આ સંસાર એક મોટો વિકટ સાગર છે, તેમાં કરોડો વહાણો હંકારાય છે. તે વહાણોમાં તેના ધણી પોતાની સાથે સંબંધ રાખનાર માણસો લઈને બેસે છે. એ દરિયામાં અગણિત નાના-મોટા ખડકો પાણીમાં ઢંકાયેલા છે. તે ઉપર કેટલાંક વહાણો ગર્ભપુરી બંદરમાંથી નીકળતાં જ અથડાઈને ભાંગી જાય છે, અને તેમાં બેઠેલાં તમામ માણસો ગરક થઈ જાય છે. બીજા કેટલાંક થોડે આગળ ચાલ્યા પછી ડૂબે છે. એ પ્રમાણે એક પછી એક વહાણ એ ખડકોને લીધે ભાંગતાં માલુમ પડે છે. અને બીજાં નવાં ગર્ભપુરી બંદરની ગોદીમાંથી દરિયામાં બહાર પડે છે. જ્યાં સુધી વહાણો મુક્તિપુરી બંદરે પહોંચે ત્યાં સુધી આખે રસ્તે સાગરનાં મોટાં ઊછળતાં તોફાની મોજાંથી તેઓ ઊંચાંનીચાં થાય છે, અને હમણાં ડૂબશે, હમણાં ડૂબશે, એવી તેમાં બેસનારાઓને દહેશત રહે છે. દરિયામાં ડૂબેલા ખડકો સિવાય બીજા અગણિત ઊંચા આવેલા, પથથરની સીધી બાજુવાળા બેટો છે, તે ઉપર લીલોતરી તથા રળિયામણા પર્વતો હોવાને લીધે સુંદર દેખાય છે. વળી તે ઉપર દેખીતી ખૂબસૂરત દુર્ગુણ નામની રાક્ષસીઓ બેસીને મધુર રાગથી ગાયન કરે છે. કટાક્ષબાણથી વહાણમાં બેસનારાઓને ત્યાં આવવાને ઈશારત કરે છે. વહાણના ધણીની સાથે જેઓ બેઠેલા હોય છે તેઓમાંથી કેટલાક તેના ખરા મિત્ર હોય છે; કેટલાક તો તે દુષ્ટ રાક્ષસીઓનાં સગાં તથા મદદગાર હોય છે, અને તેઓ વહાણના ધણીને તે બેટોમાં જવાને નિરંતર સમજાવ્યા કરે છે. જ્યાં સુધી વહાણનું સુકાન વિવેકની પાસે હોય છે તયાં સુધી સામે પવને પણ તે સદ્ગુણની સાંકડી નાળમાં જ તે વહાણ ચલાવે છે, પણ તે રસ્તામાં તે વહાણના ધણીને મઝા પડતી નથી. તેના વહાણમાં બેસનારા, તોપણ તેના શત્રુઓ તેના હમેશાં કાન ભર્યા કરે છે, અને વિવેક જે રસતે વહાણ લઈ જાય છે તે રસ્તામાં કાંઈ જોવા જેવું નથી, તથા જ્યારે આ સાગરમાં આવ્યા ત્યારે ત્યાંની સઘળી મોજ ચાખીએ નહીં તો ફેરો મિથ્યા, એવી શિખામણ આપી વિવેક પાસેથી સુકાન છીનવી લેવડાવીને અવિચારને સુકાનીનું કામ સોંપાવે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપો સઢો ચઢાવવાભમાં આવે છે; અને તૃષ્ણા રૂપી પૂંઠનો પવન જોરથી ફૂંકાતાં વાર જ વહાણ સદ્ગુણની નાળમાંથી ઘસડાઈને બહોળા દરિયામાં પડે છે. પછી જે રસીલો બેટ પાસે હોય છે તે તરફ વહાણ હંકારાય છે. આ વખતે નાળમાંના વહાણવાળાઓ બહાર પાડેલા વહાણવાળાઓને મોટેથી પોકાર કરીને બેટ પાસે જવાની ખરાબી સમજાવે છે, તથા જે વહાણવાળા તે બેટની પાસે લગભગ ગયા હોય એવા, તથા જેનાં વહાણો બેટના પથ્થરની સીધી બાજુઓ ઉપર અથડાઈને કટકે કટકા થઈ ગયાં હોય તે તેઓને દેખાડે છે. પણ મૂર્ખ વહાણવટી તેઓની વાત લગાર પણ કાને ધરતો નથી. દુર્ગુણ નામની રાક્ષસીઓના મદદગાર તથા જાસૂસો તેને સમજાવે છે કે જેઓ ભરદરિયામાં પડ્યા નથી, તેઓ તેની ખૂબી જાણી શકતા નથી, તથા જેઓનાં વહાણ અથડાયાં છે તેઓના સુકાની સારા નહીં હોય અથવા તેઓએ બેટ ઉપર જવાનો ખોટો રસ્તો પકડ્યો હશે; આપણને એમ થશે નહીં, અને એમ કરતાં જો વહાણને જોખમ લાગે એવો જરા પણ સંભવ લાગશે તો તરત સઢ વીંટાળી લઈ વહાણને પાછું નાળમાં ઘાલી દઈશું; પણ નુકસાન લાગશે એવી નકામી બીકથી એક સાંકડી નાળમાં ચાલ્યા કરવુ, અને આ સાગરમાંના અગણિત બેટોમાં શું શું છે તે શોધ્યા વિના રહેવું તેમાં વહાણ ચલાવવાની ખૂબી શી ? એવી સલાહ માન્ય કરી વહાણ આગળ બેટ તરફ ચલાવે છે, અને રસ્તામાં ડૂબતાં બીજાં વહાણો જુએ છે, તથા તે બેટની પાસે લાખો વહાણો ભાંગતાં તેની નજરે પડે છે તોપણ તે બેધડક આગળ ચલાવ્યે જાય છે, એટલે સુધી કે તે પણ બીજાઓની પેઠે તળીયે બસે છે. તે વખતે તે રડે, શોક કરે કે પસ્તાય તે શા કામનું ? જોતજોતામાં વહાણ નીચે બેસતું જાય છે, પણ કોઈ તેને લેખવતું નથી, અથવા બચાવવાનો વખત વીતી જવાથી નાળમાંના ઘણા વહાણવાળાઓ તેઓની તરફ દોરડાં ફેંકી તથા નાના નાના મછવા મુકાવીને તેઓને ઉગારવાને જે મહેનત કરે છે તે સઘળી નિષ્ફળ જાય છે. ધન્ય છે એવા મદદ કરનારા વહાણવાળાઓને કે આટલી બધી લાલચ તુચ્છ ગણીને, આટલું બધું જોખમ વેઠીને, બલકે ડૂબતા તથા ડૂબવાાની તૈયારી ઉપર આવેલા વહાણવાળાઓની ગાળ ખાીઈને, તથા તેઓની તરફથી અપમાન સહીને તેઓને મુક્તિપુરીના સાચા રસ્તા ઉપર લઈ આવવાને તેઓ રસ્તા ઉપર લઈ આવવાને તેઓ આટલો બધો શ્રમ કરે છે. એ પરોપકારી પરમાર્થી વહાણવાળાઓની મહેનત કાંઈ હમેશાં અફળ થતી નથી. અગર જો ઘણાં વહાણો તેઓની તરફથી સહાયતા આવયા પહેલાં અથવા આવ્યા છતાં પણ ભાંગે છે, તોપણ થોડાંકને તો તેઓ બચાવી શકે છે, અને તેઓને પાછાં નાળમાં ઘાલી દે છે. નાળ બહાર લાલચના ટાપુઓ એટલા તો અસંખ્ય છે, અને તેઓના ઉપર એટલી તો મોહ પમાડનાર સ્ત્રીઓ બેઠી બેઠી મધુર સ્વરે સઘળાને બોલાવે છે કે જેઓ તૂતક ઉપર બેઠેલા હોય છે તેઓને ત્યાં જવાનું મન થાય છે. વિવેકસુકાનીનું પ્રબળ તૂટેલું ન હોય તો તેઓ પાછા નાળમાં ઘસડાઈ આવે છે. એ પ્રમાણે નાળમાંના વહાણ ઝોલાં ખાય છે, અને વખતે વખતે થોડી વાર નાળ બહાર જઈ આવી પાછાં રસ્તે પડે છે. એ પ્રમાણે નાળમાં છતાં પણ તૂતક ઉપર બેસનારાઓને જોખમ છે, અને નાળમાંથી જરા પણ ખસ્યા તો મુક્તિપુરીના બંદરમાં પેસવાને ત્યાંના ફૂરજાના દારોગો તરફથી પરવાનો મળશે નહીં, એવા ધાકથી કેટલાકતે તુતક છોડી ભંડારમાં જઈ ભરાઈ રહે છે, અને આગળ વહાણ લંગરવાર થાય ત્યાં સુધી પોતાનું મોં બહાર બતાવતા નથી. કેટલાક તૂતક ઉપર રહે છે, તેઓ વહાણને નાળ બહાર ઘસડાતું અટકાવવાને હમેશાં તેને નબળું પાડ્યા કરે છે, એટલે તે મેદાન પડી શકતું નથી. એ પ્રમાણેનો સંસાર છે. તેમાંની હજારો લાલચોના ફાંદામાં ન પડવાને માટે તથા તે લાલચ તરફ મન ન દોડે તેટલા માટે ઘણા માણસો દેહને કષ્ટ કરે છે. વળી દેહને અને મનને એવો નિકટનો સંબંધ છે કે જો દેહને કષ્ટ થાય તો મન પણ કષ્ટ પામે છે, અને તેમ થયાથી મોહજાળમાં ફસાઈ પડવાને તેને કદાચ અટકાવ થાય છે. એ કારણ સિવાય બીજું કાંઈ જડતું નથી, એવા વિચાર કરતો કરતો માધવ પોતાને ઘેર જતો હતો ત્યારે પાદશાહી મહેલ આગળ એક મોટો તમાશો થઈ રહ્યો હતો.
શાહજાદા ખિઝરખાંની આજ સાલગિરાહ હી તેથી દરબારી કામ સઘળું બંધ હતું. તોપણ પાદશાહ તથા શાહજાદાને મુબારકબાદી આપવાને સઘળા અમીર ઉમરાવો એકઠા થયા હતા, તથા ખુદ અલાઉદ્દીન પોતાના તખ્ત ઉપર બિરાજેલો હતો. આ વખતે રાજ્યના કારભારીઓમાં કેટલોક ફેરફાર થયેલો હતો. જ્યારે અલાઉદ્દીન ગાદીએ બેઠો, ત્યારે માજી પાદશાહની બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કરદખાંએ રાજ્ય મેળવવાને લડાઈ ચલાવી હતી, તેમાં કેટલાક અમીરોએ તેમને મદદ આપી હતી, તેના બદલામાં તેઓની પાસેથી ઘણું દ્રવ્ય તેઓને મળ્યું હતું. તે તેઓની પાસેથી છીનવી લીધું એટલું જ નહીં, પણ તેઓ સઘળાની આંખ ફોડી નાંખી, તથા તેઓની સઘળી માલમિલકત જપ્ત કરી. એ રીતે તેણે પાદશાહી ખજાનામાં ઉમેરો કર્યો પણ એટલાથી તે ધરાયો નહીં. પોતાને ગાદી મળવામાં કાંઈ હરકત પડે નહીં માટે તેણે પોતે પણ ઘણા અમીર ઉમરાવોમાં પુષ્કળ પૈસા વહેંચ્યા હતા. તે સઘળા હમણાં તેણે તેઓની પાસેથી પાછા માગ્યા; અને તેની સાથે વળી લાંચરુશવત લોકો પાસેથી તેઓએ લીધી છે તથા સરકારની પણ મોટી મોટી રકમો ઉચાપત કરી છે એવું તેણે કેટલાક કામદારો ઉપર તહોમત મૂક્યું. આ કામમાં તેના વજીર ખાજાખતીરે તેને કાંઈ પણ મદદ આપી નહીં એટલું જ નહીં પણ પાદશાહના આ ગેરઈન્સાફ તથા જુલમની સામા ઊલટો અભિપ્રાય આપવાની તેણે હિંમત ચલાવી. પાદશાહ ઘણો જ નાખુશ થયો, અને જો ખાજાખતીરની સાચવટ તથા સદ્ગુણે તેનો બચાવ કર્યો ન હોત તો તેની ગરદન કપાઈ જાત. અગર જો તે જીવતો રહ્યો તોપણ તેના અધિકાર ઉપરથી તેને કાઢી મુક્યો, અને નુસરતખાંને વજીરાત આપી. એ નવા વજીરે પાદશાહનો ગેરવાજબી હુકમ માથે ચઢાવ્યો, અને તેણે અમીરો ઉપર સખ્તી કરીને તેઓની પાસેથી આપેલા પૈસા પાછા કઢાવવા માંડ્યા. અમીર લોકો આ જુલમથી ઘણા ગભરાયા, તથા બીજો કાંઈ ઈલાજ નથી, એમ જાણી તેઓ તે હુકમની સામે થયા, તથા ઘણા જણે એકઠા મળી એક બંડ ઉઠાવ્યું; પણ તેઓનું કાંઈ વળ્યું નહીં. ઊલટું તેના સઘળા પૈસા ગયા એટલું જ નહીં, પણ સઘળાને કેદખાનામાં નાખ્યા, જ્યા તેઓને કેટલીક મુદત સુધી સડ્યાં કરવું પડ્યું. પાછળથી પોતાની બેવકૂફીનો ઘણો પસ્તાવો થયો, તથા પોતાના ગુનાને માટે તેઓએ પાદશાહની ઘણી વાર માફી માગી, પણ કઠણ મનના તથા નિર્દય અલાઉદ્દીને તેઓને ક્ષમા આપી નહીં.
હમણાં અલાઉદ્દીનના સઘળા શત્રુઓ છૂટા પડી ગયા હતા, તથા તેને હવે પોતાના રાજ્યની સલામતીને વાસ્તે કાંઈ પણ દેહશત રહી ન હતી; તેથી તેણે વિચાર્યું કે હવે એ અમીરો તરફથી રાજ્યને કાંઈ પણ નુકસાન પહોંચવાનું નથી; તેથી ખિઝરખાં શાહજાદાની સાલગિરાહને રોજ તેઓ સઘળાને છોડી મૂકી તે દહાડાની ઉત્સવની ખુશાલીમાં વધારો કરવાનો તથા લોકોમાં વાહવાહ કહેવડાવવાનો તેણે નિશ્ચય કર્યો. બધા અમીરોને તેણે કેદખાનામાંથી બોલાવી મંગાવી પોતાની સામા ઊભા રાખ્યા. તેઓ બિચારા મરણતોલ થઈ ગયા હતા; અને જીવથી ઊગર્યા તથા બંદીખાનામાંથી એટલા જલદી છૂટ્યા તેને વાસ્તે તેઓ પરમેશ્વરની અંતઃકરણથી સ્તુતિ કરતા હતા. ‘તમે સઘળા હવે બંદીખાનામાંથી છૂટ્યઠા.’ એટલું પાદશાહના મોંમાંથી નીકળતાં જ તેઓની છાતીમાં હર્ષ ઊભરાઈ ગયો, અને ‘શુકરઅલ્લા’ એટલા જ અક્ષર તેઓના મોંમાંથી નીકળી ગયા. તે વખતે મિજલસમં ઘણા મોટા મોલવી તથા મુસલમાની ધર્મ તથા શરેહના ઘણા કાબિલ લોકો બેઠેલા હતા. તેઓમાં મુખ્ય મોધીસુદ્દીન કાઝી હતો, તે કાઝીસાહેબની સામું જોઈ અલાઉદ્દીન પાદશાહે કહ્યું કે આજે દરબારી કામ સઘળું બંધ છે, તથા આજનો દિવસ ઘણો ખુશી-ખુશાલીનો છે, માટે તમને મારે શરેહ બાબતે કેટલાક સવાલ પૂછવા છે. આગળ કોઈ વખત પણ પાદશાહે ઈલમી લોકોની સલાહ પૂછી ન હતી, તથા એવા સઘળાઓને તે ઢો ંગી તથજા લુચ્ચા ગણો હતો, તેથી પાદશાહની ઉપલી વાત સાંભળી કાઝીસાહેબના હોશ ઊડી ગયા, તથા હવે શું થશે તેની ફિકર તેને પડી. તે બોલ્યો : ‘‘જહાંપનાહ ! આપ જે ફરમાવો છો તે ઉપરથી નક્કી થાય છે કે મારો અંતકાળ પાસે આવ્યો છે. તથા મારા દહાડાની ગણતરી થઈ ચુકી છે. જો એમ હોય, અને તેમ કરવાની જહાંપનાહની મરજી હોય તો મરવાને હું તૈયાર છું. પણ બંદાની અરજ એટલી જ છે કે જો સાચેસાચુ બોલવાને માટે તથા જે ખુદાનો કલામ છે તે પ્રમાણે ખરેખરી દેહશત રાખ્યા વિના અભિપ્રાય આપવાને માટે જો આપ મને ગરદન મારશો, તો મને મારી નાખવાના ગુનામાં ઘણો ઉમેરો થશે. એટલા માટે જ હું ઘણો દિલગીર છું; બીજી કશી વાતની મને દરકાર નથી.’’ આ વાત સાંભળીને પાદશાહે પૂછ્યું : ‘‘તમે શા ઉપરથી આટલી દહેશત રાખો છો ?’’ કાઝીએ જવાબ દીધો : ‘‘જો હું સાચું બોલીશ, અને તેથી જહાંપનાહને ગુસ્સો લાગશે તો મારી જિંદગી પૂરી થજશે, અને જો હું જૂઠું બોલીશ, અને જહાંપનાહને બીજાઓથી સાચી વાતની ખબર થશે તોપણ હું મોતની શિક્ષાને યોગ્ય થઈશ.’’ અલાઉદ્દીને કાઝીને ધીરજ આપી, તથા શાંત મન રાખી પેગંબર સાહેબની શરેહ પ્રમાણે સઘળા સવાલોના સાચા જવાબ આપવાની ભલામણ કરી. પછી પાદશાહે એક પછી એક સવાલો પૂછા શરૂ કર્યા.
પહેલો સવાલ - જે સરસકારી નોકરોએ રુશવત લેવાનો અતયાય કર્યો હોય તથા જેમણે સરકારની ઉચાપત કરી હોય તેમણે ચોરી કરી હોય અને તેઓ ખરેખરા ચોર જ હોય તે માફક તેઓને સજા કરવી મુનાસિબ છે કે નહીં ?
જવાબ - જો કોઈ પણ સરકારી નોકરને તેના કામની મહેનત તથા જવાબદારી પ્રમાણે જોઈએ તેટલો મુશારો મળતો હોય, અને તે છતાં પણ તે રુશવત લેવાનો તથા જે લોકોની સાથે તેને કામ પડે તેઓની પાસેથી બળાત્કારે પૈસા કઢાવવાનો ગુનો કરે તો સરકારની નજરમાં આવે તેવા ઉપાયથી તે પૈસા વસૂલ કરી લેવાનો તેને અખતયાર છે. પણ કોઈ સાધારણ ગુનેગારની પેઠે તેને દેહાંતદંડ કરવાનો તથા તેના હાથ-પગ વગેરે શરીરનું એકાદું અંગ કાપી નાખવાનો સરકારને હક્ક નથી.
પાદશાહે કહ્યું કે આ વાતમાં હું શરેહ પ્રમાણે બરાબર ચાલું છું. કેમ કે સરકારી નોકરોએ જોરજુલમથી ફોસલાવીને અથવા દગાફટકાથી જે પૈસા લોકો પાસેથી લીધા હોય છે, તેઓની પાસેથી હું ગમે તે ઉપાયથી, વખતે મારફાડ કરી તથા તેઓના શરીરને દુઃખ દઈને પાછા કઢાવું છું.
બીજો સવાલ - હું તખ્ત ઉપર બેઠો તે પહેલાં મે દેવગઢ ઉપર ચડાઈ કરી ત્યાંથી દ્રવ્ય હરી લાવ્યો તે મારી ખાસ મિલકત ગણી તેને મારી પાસે રાખવાનો મારો હક્ક છે કે નહીં ? શું તે પૈસા મારે સરકારી ખજાનામાં મૂકવા જોઈએ ? અને લૂંટના કોઈ પણ ભાગ ઉપર લશ્કરના લોકોને કાંઈ હક્ક છે કે નહીં ?
જવાબ - પાદશાહની સાથે લડાઈમાં જેટલા સિપાઈઓ હતા તેઓમાંના દરેક સિપાઈને જેટલો હિસ્સો આપવો જોઈએ તેટલો જ હિસ્સો લેવાને જહાંપનાહને હક્ક છે.
આ જવાબ સાંભળીને પાદશાહ ઘણોનાખુશ થયો, અને જરા ચીડાઈને બોલ્યો કે જે વખતે હું ફક્ત સરદાર હતો તે વખતે મારી જાતની મહેનતથી મેળવેલી લૂંટ ઉપર સરકારનો અથવા ખાનગી સિપાઈઓનો શો હક્ક પહોંચે છે. તે મારાથી સમજાતું નથી.
કાઝીએ જવાબ દીધો કે જેટલી લૂંટ આપે પોતાની મહેનતથી મેળવેલી હોય તેટલા ઉપર જ ફક્ત આપનો દાવો વાજબી છે; જેટલી લૂંટ સિપાઈઓની મહેનતથી મેળવી હોય તે ઉપર આપની સાથે તેઓનો પણ હિસ્સો ગણાવો જોઈએ.
ત્રીજો સવાલ - ઉપલી તમામ મિલકત ઉપર મારી જાતનો તથા મારાં છોકરાંનો કેટલો હક્ક પહોંચે છે ?
કાઝીએ પોતાના મનમાં નક્કી કર્યું કે હવે મારું મોત પાસે આવ્યું છે, કેમકે મારા આગલા જવાબથી જ્યારે પાદશાહ ગુસ્સે થયો છે, તયારે હમણાં જે જવાબ આપીશ તેથી તે વધારે કોપાયમાન થશે.
પાદશાહ બોલ્યો - બોલ, હું તારા એક પણ વાળને ઈજા કરીશ નહીં.
કાઝી - જહાંપનાહ ! એ સવાલનો જવાબ ત્રણ રીતે દઈ શકાય. પહેલી તો એ કે જો આપને અદલ ઈન્સાફ તથા ખલીફાઓના કાયદા મુજબ કામ કરવું હોય તો જેટલા લોકો આપની સાથે સામેલ હતા તેઓ સઘળા જોડે સરખે હિસ્સે એ સઘળી લૂંટ વહેંચી લેવી જોઈએ. બીજી એ કે જો જહાંપનાહને વચલો રસ્તો પકડવો હોય તો જે મોટામાં મોટો હિસ્સો કોઈ પણ લશ્કરી અમલદારને ભાગે આવે તેટલો લઈ સંતોષ પામવો જોઈએ, અને ત્રીજી એ કે જો જુલમી કામો કરાવવાને પાદશાહોને મસલત આપનારાઓ તેવાં કામોની મંજૂરિયતને માટે શરેહનો ગમે તેવો અર્થ મરડીને કરે છે તેવા લોકોના અભિપ્રાય પ્રમાણે ચાલવાની આપની મરજી હોય તો કોઈ લશ્કરી અમલદારને મોટામાં મોટો હિસ્સો મળ્યો હોય તે કરતાં પણ વધારે લેવો. તે લેવાને કાંઈ પણ આધાર મળી શકતો નથી. સાધારણ સિપાઈને ભાગે અથવા કોઈ મોટા અમલદારને હિસ્સે જેટલું આવે તેટલું જહાંપનાહના શાહજાદાઓને મળી શકે.
આ સાંભળી પાદશાહ ઘણો ક્રોધાયમાન થયો અને બોલ્યો ‘‘શું મારા ાઘરકબીલાને વાસ્તે તમામ ખરચ કરું છું, તથા નજરાણા તથા ઈનામો વહેંચવામાં જે પૈસા વાપરું છું, તે શરેહથી ઊલટું છે ?’’
કાઝીએ ધીમેથી જવાબ દીધો, ‘‘જ્યારે જહાંપનાહ મને શહેરનો ખુલાસો પૂછો છો તયારે હું કુરાને શરીફ પ્રમાણે જવાબ દેવાને બંધાયેલો છું. પણ રાજનીતિ ઉપરબ નજર રાખી મને જવાબ દેવાનું ફરમાવશો તો બંદો એટલી જ અરજ કરશે કે જહાંપનાહ જે કરે છે તે વાજબી તથા બર-હક્ક છે; કેમ કે રાજનીતિ એવી છે કે જેમ આપ વધારે દોલત એકઠી કરશો, તેમ આપના દરબારને તથા રાજ્યને વધારે શોભા મળશે.’’
પાદશાહ - જે સિપાઈ હાજરીની વખતે ગેરહાજર રહે છે તેનો ત્રણ વર્ષ સુધી એકેક મહિનાનો પગાર હું અટકાવું છું. જે શખ્સ બંડ ઉઠાવે છે તેની હું જડમૂળથી નસલ કાઢું છું તથા ગમે તે દેશમાં તેઓની સ્થાવર અથવા જંગમ મિલકત હોય તે હું તરત જપ્ત કરું છું. શું તમારો અભિપ્રાય એવો છે કે વ્યભિચારી, ચોર, છાકટા લોકોને દંડવા મુનાસિબ નથી ?
આ સાંભળીને કાઝી તો થરથર ધ્રુજવા લાગ્યો, તથા રાજાની રીતભાત, બોલવાનો જુસ્સો, તથા મોંની શિકલ જોતાં જ તેણે ઊઠી નાસવા માંડ્યું; પણ જ્યારે ઉમરા આગળ ગયો તયારે ઊભો રહી ત્યાં પાદશાહને પગે પડ્યો, અને ઊઠીને બોલ્યો કે ‘‘જહાંપનાહ, જેટલું કરો છો તેટલું શરેહની ઊલટું છે.’’ એટલું કહેતાં જ તે લાગલો નાસી ગયો. તેણે ઘેર જઈ વસિયતનામું કર્યું, અને ખુદાતાલાની બંદગી કરી મન શાંત રાખી જલ્લાદની રાહ જોતો બેઠો, પણ તેની દહેશત પ્રમાણે કાંઈ બન્યું નહીં. પાદશાહ કાઝીનું બોલવું તથા આવી રીતે એકદમ નાસી જવું જોઈને ઘણો તાજુબ તથા ગુસ્સે થતો થયો તો ખરો, તોપણ તેણે જેટલું કહ્યું તેટલું સાચા દિલથી તથા ઈશ્વરનો ડર રાખી કહ્યું તેટલા જ ઉપરથી પાદશાહને ઘણી રહેમ આવી, અને તેણે જ્યારે તે કાઝીને બોલાવી મંગાવવાને એક માણસ મોકલ્યું ત્યારે દરબારી લોકો ઘણા ભય પામ્યા, અને આગળ શું થશે, એ વાતની તેઓને ભારે ફિકર પડી.
કાઝી સાહેબ કાંપતા કાંપતા પાદશાહની હજૂરમાં આવી ઊભા રહ્યા; પણ પાદશાહે તેના ઉપર ક્રોધની કાંઈ નિશાની દેખાડવાને બદલે તેને આદરમાન આપ્યું, તથા સત્કાર કર્યો; તે જોઈ તે તથા બીજા અમીર-ઉમરાવો ઘણું આશ્ચર્ય પામ્યા. કાઝી સાહેબને એક જરીનો જામો તથા એક હજાર તનખાની થેલીનો સરપાવો થયો; અને એ કીમતી બક્ષિસ આપતી વખતે અલાઉદ્દીન આ પ્રમાણે બોલ્યો : ‘‘કાઝી સાહેબ ! અગર જો મેં આપની કિતાબનો અભ્યાસ કર્યો નથી, તોપણ મેં મુસલમાનને પેટે જન્મ લીધો છે તે હું કદી ભૂલનાર નથી. તેથી તમે જે સઘળા જવાબ દીધા છે તે સાચા છે એમ મારે કબૂલ કર્યા વિના ચાલતું નથી. તોપણ હું એટલું તો હજી કહું છું કે જો હું તમારા ખરા અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવું તો હિંદુસ્તાનનું રાજ્ય એક દહાડો પણ બરોબર ચાલે નહીં. જો ગુનાઓને માટે સખ્ત સજા કરવામાં ન આવે તો ગુના કોઈ કાળે બંધ થાય નહીં. માટે એવી બાબતોમાં મારી અક્કલ પ્રમાણે જ્યારે ઘણી સખ્તાઈથી ચાલું છું, ત્યારે હું ખુદા ઉપર બિલકુલ ભરોસો રાખું છું. અને ઘણી નમનતાઈથી એ દયાળુ, પાક પરવરદિગારની બંદગી કરું છું કે જો મારી ભૂલ થાય તો હું તોબા કરીશ, એટલે હું મહાપાપી ઉપર તે મહેર કરશે.’’
પાદશાહનું આો બોલવું સાંભળી સઘળા દરબારમાં બેઠેલા લોકો દિંગ થઈ ગયા, અને કાઝી સાહેબની અજાયબ જેવી હિંમત તથા પાદશાહના અદલ ઈન્સાફ તથા ડહાપણ ઉપર તેઓએ હજાર આફરીન કર્યો. છૂટેલા અમીરો પાદશાહને પગે પડ્યા, અને ફરીથી કોઈ વાર તેની સામા માથું ન ઉઠાવવા તેમણે ખરા મનથી વચન આપ્યું. પછી પાદશાહ દરબારમાંથી ઊઠ્યો, અને ખિજરખાં શાહજાદો બધા અમીરોની ટોળીમાં સામેલ થયો. હવે તે દહાડાની ગમ્મત તથા મોજ શરૂ થઈ. કંચનીઓના નાચ થવા માંડ્યા, તથા શરાબબાજી પણ પુષ્કળ ચાલી. તે સઘળું થઈ રહ્યા પછી તેઓ સઘળા પોતપોતાને ઘેર ગયા. પછી બપોરે અમીર લોકો પાદશાહી મહેલમાં પાછા એકઠા થયા તે વખતે એક પેટીમાં સોના તથા રૂપાની બદામ ભરીને એક ખવાસ શાહજાદા પાસે લાવ્યો, તેમાંથી તેણે મૂઠી ભરીને અમીર લોકોની વચ્ચે ઉડાવી. તે વખતે આ શ્રીમંત લોકો શાહજાદાને માત્ર ખુશ કરવાને માટે ભિખારીની પેઠે બદામ વીણવાને તૂટી પડ્યા, અને તે ગરબડાટમાં કેટલાકની પાઘડીઓ ઊડી પડી, કેટલાક રગદોળાયા, કેટલાક છૂંદાયા, તથા કેટલાક ચીસો પાડવા લાગ્યા, તે જોઈને શાહજાદા તથા બીજાઓને ઘણી રમૂજ થઈ. તે થઈ રહ્યા પછી તોળા થવાનું કામ શરૂ થયું. પહેલાં તો એક મોટો કાંટો મંગાવ્યો. એના એક પલ્લમાં સોનું, હીરા, માણેક તથા બીજું જવાહીર મૂક્યું, અને જ્યારે તે સઘળું તોલમાં શાહજાદાની બરાબર થયું ત્યારે તેને પોતાના ખાસ ચાકરોમાં વહેંચી દીધું. બીજી વાર પોતાની સામા રૂપાના સિક્કા મુક્યા, અને તે સઘળા સિપાઈ લોકોને આપી દીધા. ત્રીજી વાર તે કીમતી વસ્ત્ર તથા તેજાના સાથે તોળાયો, અને તે બીજા સાધારણ ચાકરોને આપ્યાં; અને ચોથી વાર બીજા પલ્લામાં અનાજ, ઘી વગવેરે ખાવાની વસ્તુઓ મૂકી, અને તે જેટલું થયું તે ગરીબ લોકોમાં વહેંચી આપ્યું. એ પ્રમાણે તોળા થઈ રહ્યા પછી મહેલની આગળ એક બંધિયાર ચોગાન હતું તેમાં હાથી તથા વાઘની લડાઈ કરાવવાનો હુકમ થયો. એ ચોગાનની આસપાસ ઊંચો કોટ હતો. તેના મથાળા ઉપર તમાશગીર લોકોથી ઊભા રહેવાય એવી સગવડ હતી. તે કોટમાં બાકાં રાખેલાં હતાં તેમાંથી માણસ બહાર નીકળી શકતું જોનારાઓની આ વખતે ઠઠ મળી હતી. મહેલમાં પાદશાહ, શાહજાદાઓ, વજીર વગેરે મુખ્ય માણસો બારીએ જ બેઠેલા હતા. ઉપરના માળની બારીએ ચક નાંખી ઝનાનાનું સ્ત્રીમંડળ બેઠેલું હતું. અને નીચે રવેશ ઉપર અમીર-ઉમરાવો ગાદીએ બિરાજેલા હતા. હાથી ઘણો મસ્ત તથા ચાલાક હતો, અને વાઘ પણ પાતળો, ઊંચો તથા બિહામણો હતો. જ્યારે આ બે પશુઓને છૂટાં મૂક્યાં ત્યારે લોકોએ ખુશીથી બૂમાબૂમ પાડી આખું ચોગાન ગજવી મૂક્યું. પછી વાઘે પોતાની તપળતાથી તથા ઝડપથી હાથીની સૂંઢ ઉપર ચડવાને ઘણાં ાફંફાં માર્યાં, પણ તેણે તે સૂંઢ ઊંચી જ રાખી તેથી તેનું કાંઈ ફાવ્યું નહીં. હાથી તેને પોતાના પગ નીચે લાવીને કચડી નાંખવાને યુક્તિ કરતો હતો, પણ દુશ્મન એટલો ચાલાક હતો કે તે હરેક વખતે તેના સપાટામાંથી તરત છટકી જતો. જ્યારે જ્યારે આ બેમાંથી કોઈ મરવાની અણી પર આવતું તયારે લોકોના મોં ઉપરથી લોહી જાણે ઊડી જતું, અને તે બચી જાય તયારે તેઓને બેદહ હર્ષ થતો. એ પ્રમાણે એક કલાક સુધી રમત ચાલી પણ બેમાંથી એકેનો જય થયો નહીં. તે બંને પશુઓ ઘણાં ખીજવાયાં, અને પોતાનો તમાશો જેમ બને તેમ જલદીથી પૂરો થાય એવી રીતે ઘણા જુસ્સાથી એકએકની સામાં થયાં. અંતે વાઘ હાથીના સપાટામાં આવી ગયો, તેને તરત સૂંઢમાં પકડ્યો અને તેના શરીર ઉપર એક પગ મૂકી તેને ચીરી નાખ્યો. એ ભયંકર તમાશો જોવાથી લોકોના મનમાં દયા ઉત્પન્ન થવાને બદલે તેઓ ઘણા જ ખુશી થયા, અને જાણે કોઈ દુશ્મન ઉપર મોટી ફતેહ મેળવી હોય તેમ તેઓએ જયજયકારની બૂમ પાડી. પછી લોક પોતપોતાને ઘેર ગયા. હાથીના માવતને મોટો સરપાવ થયો. પાદશાહી મહેલમાં પાછો રંગ મચી રહ્યો, અને ચોગાન જેવું હતું તેવું સાફ થઈ રહ્યું.
રાતના વખતે શહેરની શોભાનું વર્ણન થઈ શકે એવું ન હતું. શાહજાદાની સાલગિરાહ તેથી તે શહેર બહાર દરવેશ સીદી મૌલાની કબર ઉપર ફૂલ ચઢાવવાને સવારી સહિત તે રાત્રે જવાનો હતો. એ દરવેશના મોતથી અલાઉદ્દીન પાદશાહ થયો; તે જીવતો હતો ત્યારે તે ઘણો ચમત્કારી પુરુષ ગણાતો હતો; અને મુઆ પછી તેની માનતા ચાલવા લાગી તેથી તે પીરની સંખ્યામાં દાખલ થયો. શહેરમાં રોશની કરેલી હતી, તેમાં વિશેષે કરીને જે રસ્તેથી સવારી જવાની હતી ત્યાં દીવાનો ભભકો એટલો બધો હતો કે ત્યાં આગ લાગી હોય એટલું અજવાળું થઈ રહ્યું હતું. મોટા અમીર લોકોના મહેલમાં પણ માંહેથી તથા બહારથી ઘણી જ રોશની કરવામાં આવી હતી અને આગળ હોજ ઉપર જે દીવાઓ મુકેલા હતા તથા તે ઉપર ચોતરફ ફૂલોના હાર બાંધેલા હતા તેનું પ્રતિબિંબ પાણીમાં પડતું તેથી ઉપર તથા નીચે બંને ઠેકાણે ઝળઝળાટ થઈ રહ્યો હતો. દુકાનો ઉપર પણ રોશનીની સાથે ફૂલોનાં તોરણ બાંધેલાં હતાં. વળી આખે રસ્તે ચીનના કારીગરોની બનાવેલી આતશબાજી મંગાવેલી હતી તેમાંથી તરેહતરેહવાર ઝાડ થોડે થોડે અંતરે દોટેલાં હતાં. રસ્તામાં લાખો લોકો ઘણા સુંદર પોશાક પહેરીને ફરતા હતા. હિંદુઓ બિચારા બી બીને રસ્તાની બાજુએ ચાલતા હતા. મુસલમાન ફકીરોનાં ટોળેટોળાં લોકોને હડસેલા મારતાં તથા બીજી રીતે ઉપદ્રવ કરતાં જતાં હતાં. પઠાણ લોકો જેઓનું રાજ્ય હતું, તેઓ ઘણા ડોળથી પતરાજીની સાથે ધીમે ધીમે ડગલાં ભરતા હતા. મુસલમાન સવારો ઘોડા નચાવતા તથા કુદાવતા અને કોઈ માણસ છૂંદાશે તેની પરવા ન રાખતાં રસ્તાઓમાં લોકોને આણીગમ-તેણીગમ દોડાવતા હતા. સિપાઈ લોકો પણ ઘણી બેપરવાઈથી હારની હાર લોકોને હડસેલતા જતા હતા. થોડાક મોગલ લોકો જેઓનો ચઢતો દહાડો હજી આવ્યો ન હતો તેઓ ભરાતા ભરાતા તથા ગુપચુપ વાત કરતા ચાલ્યા જતા હતા. અમીર તથા પૈસાવાળા મુસલમાન લોકો ઘોડા, હાથી, પાલખી અથવા ગવાડીઓમાં બેસીને દોડાવતા આગળ જઈ કોઈ સારે ઠેકાણે ઊભા રહેતા હતા, એ પ્રમાણે સઘળે રસ્તે એટલી ભીડ થઈ રહી હતી કે લોકોનાં માથાં ઉપરથી થાળી ચાલી જાય તોપણ નીચે પડી નહીં.
થોડી રાત ગયા પછી સવારી નીકળી. આગળ ડંકા, નોબત તથા નિશાનવાળાઓ ઘોડા, હાથી તથા ઊંટ ઉપર બેસીને આવ્યા. પછી સવારો, સિપાઈઓ વગેરેનાં ટોળેટોળાં વગર બંદોબસ્તે ચાલતાં હતાં. છેલ્લે શાહજાદાનો હાથી આવ્યો. તે ઘણો જ શણગારેલો હતો. તેના ઉપર સોનેરી ઝૂલ હતી તથા હીરામાણેકનાં ઘરેણાં તેને ઘાલેલાં હતાં. શાહજાદાનો શણગાર પણ તેવો જ ઉમદા હતો. તેણે ઘરેણાં ઘોલેલાં હતાં એમ કહીએ તો ખોટું પડે, તેને ઘરેણાં વડે લાદેલો હતો, અને મહમૂદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી ઈત્યાદિ જે મોટા પાદશાહો થઈ ગવયા તે કરતાં પણ અલાઉદ્દીને વધારે દોલત હિંદુસ્તાનમાંથી લૂંટફાટથી મેળવી હતી તે આ વખતે જણાઈ આવતું હતું. હીરા, મોતી, માણેક તો રેતીનાં કાંકરાની પેઠે વાપરેલાં હતાં. સોનું તો તેના મનને પિત્તળ અને રૂપું તો કલાઈ જેવું ગણાતું હતું. એ સઘળાની પાછળ છૂટી આતશબાજીનાં ગાડેગાડાં ભરેલાં ચાલતાં હતાં, દીવાઓની રોશની તથા આતશબાજીના અજવાળાથી શાહજાદાનાં ઝવેરો જે ઝેબ મારતાં તથા તેઓમાંથી જે ઝળકાટ નીકળતો તેથી તેનું શરીર સૂર્યના બિંબ જેવું દેખાતું એટલે તેની સામું જોવાને કોઈની આંખમાં કૌવત ન હતું. એ પ્રમાણે સવારે મોટા બજારમાં આવી. સઘળા તમાશગીરોમાંના અર્ધા તો ત્યાં જ એકઠા મળેલા હતા. તે સિવાય ગાડી, ઘોડા, હાથીની કાંઈ ખોટ ન હતી. વળી રસ્તો ઘણો સાંકડો તથા આતશબાજીનાં જાડ ઘણાં પાસે દાટેલાં તેથી પહેલું જ જાડ છૂટતાં લોકોમાં કચડાકચડી થઈ અને જો લકો એકદમ ઓછા નહીં થાય તો ફક્ત ભીડાભીડથી જ કેટલાક મહી જશે, એવી દહેશત લાગવા માંડી. પણ કમનસીબે બીજું ઝાડ જે સળગાવ્યું તે ફાટ્યું અને તેમાંથી જે તોટા તથા હવાઈ છૂટી તે કેટલીક સવારીના લોકો ઉપર, કેટલીક તમાશગીરો ઉપર, અને કેટલીક પાછળનાં આતશબાજીનાં ગાડાંમાં પાડી.તે વખતે તમામ લોકોમાં ઘણો ગભરાટ થયો પાછલાં ગાડાંમાંથી જે આતશબાજી સળગી તે સઘળી ઊડીને લોકો ઉપર પડી તેથી હજારો માણસોનાં પાઘડી-લૂગડાં સળગી ગયાં. લોકો નાસવાનું કરે પણ કાંઈ તાગ લાગે નહીં. એકેકને અડક્યાથી તથા દબાયાથી કેટલાકનાં લૂંગડા હોલવાઈ ગયાં, પણ બીજાઓનાં સળગ્યાં. લોકો મારામાર કરી, તથા જેઓની પાસે હથિયાર હતાં તેઓ તલવાટ, કટાર, ખંજર લોકોના શરીરમાં ઘોંચી બહાર મેદાનમાં પડવાનું કરે, પણ લોકોનો જે કોટ થઈ રહેલો તેમાંથી નીકળાય નહીં. બળવાના તથા છૂંદવાના દરદથી લોકો ચીસાચીસ પાડવા લાગ્યા. ઘરડા, અશક્ત તથા બાળક બિચારાં ભોંય ઉપર પડી રગદોળાતાં તેઓ બૂમાબુમ પાડતાં, તેમાં તોટા, હવાઈ, ફટાકા વગેરેનો સણસણાટ તથા ફડફડાટ થઈ રહ્યો હતો તેથી તે સ્થળ એક રણસંગ્રામના જેવું થઈ રહ્યું. વળી અધૂરામાં પુરા ઘોડાઓ ચમકી તથા હાથીઓ ઘેલા થઈ લોકોમાં દોડવા તથા કૂદવા લાગ્યા. તેઓએ પોતાના સવારોને પાડી નાખ્યા, અને આવો લાગ ફરીથી મળશે નહીં. એવો જાણે વિચાર કરી જોરથી વગર મતલબે આણીગમ-તેણીગમ દોડવા તથા લોકોને પગ તળે છૂંદી નાખવા લાગ્યા. ધનવાન અને નિર્ધન, જુવાન ને ઘરડા, શેઠ અને ચાકર, અમીર અને ફકીર એ સઘળામાં કાંઈ અંતર રહ્યું નહીં. તેઓ સઘળા એકસરખા ધૂળમાં રગદોળાયા. જેઓ સવા મણની તળાઈ ઉપર સૂતા, જેઓને ચંપી કરનારા ખીદમતગાર હતા, જેઓને આ વા નાખનાર ચાકરો હતો, સારાંશ જેઓને કોઈ દહાડો ઊનો વા લાગેલા નહીં તેઓ હમણાં ધૂળ ઉપર પડેલા હતા, તથા તેઓનાં આખાં શરીર ઉપર એટલી તો ચંપી થતી હતી કે હવે ફરીથી તેઓના જન્મારામાં તેઓને ચંપી કરનારાઓનો ખપ પડવાનો ન હતો.
અત્યાર સુધી શાહજાદાના હાથીને તેના માવતે તથા બીજા ચાક નફરોએ એવો જોરથી પકડી રાખયો હતો કે તેના ઉપર આગના ગોટા પડતા તોપણ તેનાથી એક તસુ પણ ખસાતું ન હતું. શાહજાદાના કીમતી પોશાકમાં ઠેકાણે ઠેકાણે બાકાં પડ્યાં અને આસપાસના લોકોની મહેનત ન હોત તો તે પણ બળીને કોયલો થાત. પણ એ પ્રમાણે ઘણી વાર નભ્યું નહીં. એક મોટો આગનો ગોળો હાથી ઉપર પડતાં જ તે ગાંડો થઈ ગયો અને એટલું જોર કરીને આગળ ધસ્યો કે બીજા લોકો સઘળા પાછળ પડીો ગયા. હાથીએ છૂટો થતાં જ માવતને સૂંઢ વતી લોકોની વચ્ચે ઉડાવી દીધો, પછી સ્વતંત્ર થઈ લકોમાં તેણે દોડવા માંડ્યું, તેથી ઉપરનો મેઘાડંબર ઢીલો પડી ગયો, અને હમણાં પડશે, એમ દહેશત લાગવા માંડી. શાહજાદાનાં કપડાં સળગવા લાગ્યાં અને ત્યાં કોઈ મદદગાર ન હોવાથી તેનું આવું અકાળ મૃત્યુ નિશ્ચય આવ્યું એમ સૌને જણાયું. પણ જેને સાહેબ રાખનાર તેને કોણ મારી શકે ? શાહજાદો ગભરાયો તો ઘણો; જો ઉપર બેસી રહે તો બળીને મરે એ નક્કી, એ ભૂસકો મારી નીચે પડે તો ભીડમાં કચરાઈ મરે એ પણ નિશ્ચય. આવે વખતે જ્યારે સૌ સૌને પોતાના જીવની ફિકર પડેલી તે વખતે શાહજાદો અને ફકીરજાદો બંને એકબીજાને મન સરખા. હમણાં મારી કોઈ સંભાળ લેવાનું નથી, એવો વિચાર કરી પરમેશ્વરની તેણે બંદગી કરી. પણ તે કરવામાં જ તેનાં લૂગડાં ફરીથી સળગયાં, અને તે બળતું તેના શરીર ઉપર ઝડપથી પથરાતું હતું એટલામાં એક જુવાન શખ્સ ભીડમાંથી ઘણું જોર કરી બહાર નીકળ્યો, હાથી આગળ ગયો, અને કેટલાક લોકોના ખભા ઉપર ઊભા રહી એક છલંગ મારી તેણે શાહજાદાને પકડી લીધો, અને તેઓ બંને પાછા ભોંય ઉપર પડ્યા. પરમેશ્વરના કરવાથી ત્યાં આગળથી લોકો આ બનાવથી આશ્ચર્ય પામીને ખસી ગયેલા તેથી, ત્યાં ખાલી જગ્યા રહેલી માટે તેઓને કાંઈ નુકસાન લાગ્યું નહીં. શાહજાદાનો બચાવનાર તેને પકડી પાછો ઊઠ્યો, અને જેટલા જોરથી તે માંહે આવ્યો હતો તેટલું જોર કરી બહાર નીકળી ગયો. બજાર બહાર એક ખુલ્લી જગ્યા હતી ત્યાં તેઓ બંને મરવા જેવા થજઈ પડ્યા. શાહજાદો મરવાના ધાકથી, આ સઘળી ગડબડાટથી, તથા અકળામણથી બેશુદ્ધ થઈ ગયો. તેનો બચાવનાર પણ ઘણી મહેનતથી, મનના જુસ્સાથી, પોતાનું ધારેલું કામ વગર જોખમે પાર પડ્યું તેના હર્ષથી, તથા તેણે જે કામ કર્યું તેનાં પરિણામ સારાં તથા ધાર્યા પ્રમાણે નીપજશે એવી ઉમેદથી બેભાન થઈ પડ્યો. થોડી વાર પછી ઠંડા પવનની અસરથી બંને એકી વખતે જ જાગ્રત થયા. તે વખતે શાહજાદાનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું, અને તેના જોશમાં તે તેના જીવ બચાવનારને ભેટ્યો, અને તે જે માગે તે આપવાનું વચન આપ્યું. માધવને (શાહજાદાનો બચાવનાર તે જ હતો) હર્ષનાં આંસુ આવ્યછાં, અને પોતાનો દિલ્હી આવવાનો ફેરો સફળ કરવાના તથા તેના તથા હૈયામાં વેરદેવી હતીો તેને બલીદાન આપી તૃપ્ત કરવાના ઈરાદાથી માત્ર પાદશાહ અલાઉદ્દીનની એક વાર મુલાકાત માગી. શાહજાદાએ તે ઘણી ખુશીથી કબૂલ કરી, તેનું નામઠામ લખી લીધું તથા બીજે દિવસે સવારે તેને વાસ્તેથી હાથી, ઘોડા, સવાર વગેરે મોકલી ધામધૂમથી પાદશાહની હજુરમાં બોલવવા, અને ત્યાં કાંઈ મોટું ઈનામ અપાવવા શાહજાદાએ કબુલાત આપી. એટલામાં શાહજાદાનાં માણસો આવ્યાં, તેઓ તેને લઈ ગયાં. લોક પોતપોતાને ઘેર ગયા, સવારી પાછી વળી. માધવ પોતાને ઉતારે ગયો. અને આખી રાત મોટી મોટી મશાલો સળગાવી લોકોએ પોતાના મરત તથા મૂએલા સગા તથા મિત્રોને શોધ્યા કર્યું.
માધવને તે રાતે જરા પણ ઊંઘ આવી નહીં. શાહજાદાને બચાવવાનો વિચારા શી રીેતે સૂઝ્યો, આટલી અથાગ ભીડમાંથી હાથી પાસે શી રીતે જવાયું, તથા શાહજાદાને લઈને શી રીતે જીવતાં બહાર અવાયું, અને હવે કાલે સવારે પાદશાહને શી રીતે મળવું, ત્યાં શી વાત કરવી, મારે માટે શું માગી લેવું, પાદશાહ મારી વાત કબૂલ કરશે કે નહીં, આ સઘળા વિચાર તેના મનમાં આવ્યા કર્યા, તેથી સવાર થતાં કાંઈ જ વાર લાગી નહીં, તેણે ઊઠીને સ્નાન કર્યું, અને જે ઊંચામાં ઊંચો પોશાક પોતાની પાસે લાવ્યો હતો તે પહેર્યો. એટલામાં પાદશાહની તરફથી હાથી તથા સવાર તેને તેડવાને આવયા. માધવ ઘણા હર્ષમાં તથા મોટી ધામધૂમની સાથે પાદશાહના મહેલમાં ગયો. ત્યાં થોડી વાર રાહ જોયા પછી તેને પાદશાહની હજુરમાં દાખલ કર્યો. આગલા દહાડાની તમામ હકીકતથી પાદકશાહ સારી પેઠે વાકેફ હતો તેથી માધવને તે વાત કહેવી પડી નહીં. માધવને બેસવાની જગ્યા આપીને તેનું નામ, જાત, ધંધો તથા આગળ તેણે શાં શાં કામ કર્યા તે સઘળું પૂછ્યું, તે ઉપરથી તેણે તે દહાડા સુધીનો પોતાનો સઘળો અહેવાલ કહી સંભળાવ્યો, અને છેલ્લી વારે બોલ્યો : ‘‘જહાંપનાહ ! આખા હિંદુસ્તાનમાં ગુજરાત જેવો ફળવાન તથા દ્રવ્યવાન પ્રાંત બીજો કોઈ નથી. તે હિંદુસ્તાનનું કાચું સોનું છે. તેમાં સઘળી જાતની પેદાશ થાય છે. તેની તમામ જમીન ખેડાય એવી છે. નદીનાળાંથી ભરપૂર છે. તેમાં ઘણાં સુંદર વન છે. તેમાં રળિયામણા પહાડો છે. સારાંશ કે તે આ લોકમાં દેવલોક જેવું છે. ત્યાંનો રાજા કરણ વાઘેલો દુષ્ટ, કૃતધ્નીો તથા હઠીલા સ્વભાવનો છે, તેથી તેના ઉપર લોકોની જરા પણ પ્રીતિ નથી. રાજ્ય અસલ તો બળવાન હતું પણ હાલ કેટલીક મુદત થયાં તે નિર્બળ થઈ ગયું છે. ખંડિયા રાજાઓ ખંડણી બરોબર આપતા નથી. સામંત લોકો અસંતોષી છે. સિપાઈઓના પગાર ચઢેલા રહે છે તેથી તેઓ પણ નાખુશ રહે છે. દેશમાં બીજા લોકોમાં શૂરાતન રહેલું નથી. મારા ઉપર લોકોની પ્રીતિ છે. મારા ઉપર જે જુલમ ગુજર્યો છે તે ઉપર લોકો ત્રાસ ખાય છે; હજી રાજ્યમાં મારા ઘણા મિત્રો છે. આપનાં ત્રાસથી બીજા રજપૂત રાજાઓ થરથરી ગયા છે, તેથી આ સમયે તેઓ પણ તેને સહાય થશે નહીં; બલકે તેના લશ્કરનો કેટલોક ભાગ મારે લીધે આપણને આવી મળશે, માટે ગુજરાત જીતવું કાંઈ મુશ્કેલ નથી. આપને મન તો તે છોકરાની રમત છે. તેથી મારી અરજ એટલી જ છે કે તે દેશ સર કરવો, અને તેનો સૂબો ગમે તેને મુકરર કરવામાં આવે તોપણ તેના હાથ નીચે મુખ્ય કારભાર મને સોંપવો.’’
અલાઉદ્દીન પોતાનું નામ બીજો સિકંદર રાખ્યું હતું, અને તે નામ તેણે સિક્કા ઉપર કોતરાવયું હતું તેથી તેને અસલ રૂમી સિકંદરની પેઠે દેશો જીવતવાનો ઘણો શોખ હતો. માટે જ્યારે આવો વખત આવ્યો ત્યારે તેનો ઉપયોગ કર્યા વિના તેને જવા ન દેવો, એવો તેણે નીશ્ચય કર્યો. તેણે માધવની સધળી વાત કબુલ રાખી. થોડી મુદતમાં ગુજરાત જીતવાનું વચન આપ્યું, અને તેને કેટલુંક દ્રવ્ય આપી વિદાય કર્યો.