Karan ghelo bhag 2 in Gujarati Classic Stories by Nandshankar Tuljashankar Mehta books and stories PDF | કરણઘેલો - ભાગ 2

Featured Books
Categories
Share

કરણઘેલો - ભાગ 2

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૨

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•પ્રકરણ ૭

•પ્રકરણ ૮

•પ્રકરણ ૯

•પ્રકરણ ૧૦

•પ્રકરણ ૧૧

•પ્રકરણ ૧૨

પ્રકરણ ૭ મું

પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબાભછાનસ, આબં, મેવાડ, મારવાડ વગેરેમાં થઈને દિલ્હી શહેર આપણે જોયું; ત્યાંની શોભા, પાદશાહની રીતભાત તથા રાજ્યનીતિ સઘળું આપણા જાણ્યામાં થોડુંક આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર પાટણના કરણ ઘેલા રાજાની ભેટ લઈએ અને જેટલી વાર આપણે તેનાથી આઘા હતા તેટલી વારમાં શા શા બનાવો બન્યા તેનું ટૂંકમાં વર્ણન કરી આગળ શું બને છે તેથી વાંચનારાઓને વાકેફ કરીએ.

રૂપસુંદરીનું હરણ થયું, કેશવ માર્યો ગયો, તેની સ્ત્રી ગુણસુંદરી તેની પાછળ સતી થઈ, તથા માધવ રાજ્યમાંથી નાસી ગયો, એ સઘળા બનાવો એકીવારે થયા તેથી શહેરના લોકોના મન ઉપર ઘણી જ અસર થઈ. જ્યાં જુઓ ત્યાં એની એ જ વાત થતી હતી, અને આગળ શું નીપજશે તે વિષે લોકોમાં ભારે દહેશત પેઠેલી હતી; અને તે કંઈક ખરી પણ પડી. ઉપલી સઘળી હકીકત બની ત્યાર પછી ત્રીજે દહાડે રાતે શહેરમાં મોટી આગ લાગી, અને તેને જદેમ જેમ છાંટતા ગયા તેમ તેમ બીજાં નવાં ઘરો સળગતાં ગયાં. લોકો ઘણા ભયભીત થયા. કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ તો દૈવકોપ થયો. કેટલાક બોલવા લાગ્યા કે અમે આકાશમાં ઊડતાં માણસોને આગ લગાડતાં જોયાં. આગ તો ઘણી મહેનતથી છંટાઈ, પણ એ બનાવ બનવામાં કાંઈ ચમત્કાર છે, એમ લોકોને થોડી વારમાં ખાતરી થઈ. કેટલાક લોકોની બારીએ રાતની વખતે મોટા મોટા પથ્થરો અથડાયા; કેટલાકનાં ઘરમાં રાંધેલું ધાન બદલાઈને નરક થઈ ગયું; કેટાલકનાં ઘરમાં કૂવાનાં પાણી બદલાઈને લોહી જેવાં થઈ ગયાં; રાતે મોટી મોટી ચીસો સંભળાવા લાગી; કોઈથી દીવા થયા પછી બહાર નીકળાય નહીં. ઘણાંનાં ઘરમાં બૈરીઓ ધૂણવા લાગી; અને વારે વારે શહેરમાં આગ લાગ્યા કરવા માંડી. એ પ્રમાણે પુરમાં હાહાકાર થઈ રહ્યો. રાજાના મહેલમાં પણ ઘણી ઉથલપાથલ થઈ ગઈ, અને એક દહાડો કરણની માનીતી સ્ત્રી જાંજમીર તળાજાની ફૂલારાણી ઘણા જોસથી ધૂણવા લાગી, તથા તેનામાં એટલું સામર્થ્ય આવ્યું કે ભલભલાની તેની પાસે જવાની હિંમત ચાલે નહીં. સઘળાઓને હવે ખાતરી થઈ કે કોઈ મોટું જોરાવર ભુત શહેરમાં આવ્યું છે, અને તે સઘળાઓને આવી રીતે ઉપદ્રવ કરે છે. હવે ભૂવા, જતિ વગેરે મંત્ર જાણનારા લોકોની રોજી જાગી. તેઓ ઠામેઠામ ભૂતને બોલવવા લગ્યા; શહેરના સઘળા દરવાજા ઉપર ખીલા ઠોક્યા; ચકલે ચકલે ઉતાર મુક્યા, જગાએ જગાએ કાપેલાં તથા સિંદૂર ચોપડેલાં લીંબુઓ રઝળતાં પડ્યાં, તથા ઘેર ઘેર મંત્રેલા અડદના દાણા વેરાવા લાગ્યા. ઘણા લોકોએ ઘરમાં સરસિયાના દીવા બાળવા માંડ્યા; પણ ભૂત શહેરમાંથી ગયું નહીં. તથા તેની પીડા પણ ઓછી થઈ નહીં. જ્યાં જ્યાં ભૂત ધુણાતું ત્યાં ત્યાં તે પોતાનું નામ બાબરો કહેતું હતું, તેથી આખા શહેરમાં એક જ ભૂત છે એમ સાબિત થયું. લોકો ઘણા ત્રાસ પામ્યા, અને સઘળે ઠેકાણે અને સઘળી વખતે એના એ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી. એક દહાડો સવારે શહેરની આગળ એક કૂવા ઉપર બૈરીઓ પાણી કાઢતી હતી તે વખતે એકદમ કૂવામાં એક મોટો ધબાકો થયો, અને તે સાંભળતાં જ સઘળી બૈરીઓ જીવ લઈ નાસી ગઈ. તેઓમાંની એક કૂવામાં પડી, અથવા તેને કોઈએ ફેંકી દીધી, એમ કહીએ તો ચાલે. ઘણા લોકો એકઠા થયા, પણ કોની માએ શેર સુંટ ખાધી હોય કે તે ડૂબતી બૈરીને બહાર કાઢે. બાબરા ભુતે તેને ફેંકી દીધેલી એટલે કૂવામાં ઊતરવાની કોઈની હિંમત ચાલે નહીં. એટલામાં તયા એક રજપૂત સવાર આવી પહોંચ્યો. તેણે આ વાત સાંભળતાં જ પોતાના હાથમાં એક સવા મણનો ભાલો હતો તે તેની સાથેના એક માણસને આપયો, પોતાનાં લૂગડાં ઝટ વારમાં કાઢી નાંખી કૂવામાં ઉતરી પડ્યો, અને સહેજ વારમાં તે બૈરીને હસહસતી લઈ ઉપર આવ્યો. આ રજપૂતનું પરાક્રમ જોઈ સઘળા ઘણા વિસ્મિત થયા, અને તે જીવતો બહાર નીકળ્યો તેથી તેઓ ઘણા હરખાયા. તે બૈરીનો ધણી તથા તેનાં માબાપ તે જગાએ આવી પહોંચ્યાં હતાં, તેઓએ તે રજપૂતનો ઘણો ઉપકાર માનયો, અને તેને પણ પોતાને ઘેર પરોણા દાખલ તેડી ગયાં. રજપૂતને પણ કોઈ ઉતારો શોધવો જ હતો તેથી તેણે તેઓને ઘેર જવાનું કબૂલ કર્યું; અને લોકો સઘળા તે જગાએથી વેરાઈ ગયા.

તે બૈરીને ઘેર પહોંચ્યા પછી પેલો રજપૂત સવાર ઘણા ઊંડા વિચારમાં પડ્યો. કરણ રાજાને શી રીતે મળવું, એ વિષે કાંઈ તદબીર શોધી કાઢવામાં તેનું મન હમણાં લાગેલું હતું. ઘરધણીએ રસોઈ તૈયાર કરાવી તેને જમવાની વિનંતી કરી; અને જમતાં જમતાં પોતાના પરોણા આગળ હમણાં થોડા દહાડામાં થયેલી સઘળી હકીકત વિગતવાર કહી સંભળાવી. બાબરો ભૂત જે શહેરમાં ખરાબી કરતો હતો, તથા રાજાની ફૂલારાણીને તે વળગેલો હતો, તે વાત તેણે વિસ્તારીને કહી. રજપૂત આ સઘળું સાંભળી ઘણું હરખાયો, અને કોઈ મોટું પરાક્રમ કરી રાજાની નજર તળે આવવું, અને પછી પોતાની સઘળી વાત તેની આગળ કહેવી એવો તેણે ઠરાવ કર્યો. બાબરા ભુતને મારી ફૂલારાણીને તેના જુલમથી બચાવવી, એ જ કામ હમણાં તેને કરવા લાયક હતું; માટે ગમે તે ઉપાયે કરવાનો તેણે નિશ્ચય કર્યો. પણ તે થાય શી રીતે ો તે નાનપણમાં એક ભૂતનો મંત્ર શીખેલો હતો, અને તે ખરો છે, એમ તેણે ઘણી અજમાશથી નક્કી કર્યું હતું. પણ તેણે તે ઘણી મુદત થયાં અજમાવ્યો ન હતો, તેથી હાલ તેની અસર થશે કે નહીં એ સંબંધી તેને ખાતરી ન હતી. હવે કાળી ચૌદશને બે ત્રણ દહાડા બાકી રહ્યા તેથી એ મંત્રને તે દહાડે મધ્યરાત્રીએ સાધવાનો તેણે મનસૂબો કર્યો. સઘળો સામાન તૈયાર કર્યો. અને કાળી ચૌદશની તે રાહ જોતો બેઠો.

કાળીરાત્રીનો એક પહોર ગયો તે વખત અણહિલપુરનું સ્મશાન ઘણું ભયંકર દેખાતું હતું. સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો. એક તો વદ ચૌદશની રાત એટલે અંધારું તો હોય જ, તે સાથે વળી આ વખતે તો ઘનઘોર થઈ રહ્યું હતેં. આકાશમાં કાળાં વાદળાં છવાઈ ગયેલાં હતાં, તથા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો વીજળીના ચમકારા વખતે વખતે થતાં, તેમાં સરસ્વતીનું કાળું પાણી તથા કાંઠા ઉપર ઊગેલાં ઘણાં ઝાડ તથા નાની નાની દહેરીઓ, દેવડીઓ, તથા મોટાં શિવાલયો દેખાતાં હતાં. વીજળી થયા પછી ભયાનક કડાકા સંભળાતા હતા, તથા વખતે વખતે પવન એવા જોરથી વાતો હતો કે જાડની ડાળીઓ ભોંય સાથે તથા એકબીજા સાથે અથડાતી હતી. ઢોરનાં સ/કાં હાડકાં મસાણમાં સડ્યાં કરતાં હતાં તેમાંથી ફૉસ્ફરસ નીકળી ખુલલી હવાને લાગતાં તેમાં મોટા ભડકા થતા, તથા કીચડવાળી ભોંયમાંથી એક જાતનો વયુ નીકળી તે પોતાની મેળે સળગતો, અને અંતરિક્ષમાં તેના ભડકા ઊયા કરતા. એ બળતાં ઉપર વરસાદના ઝીણા ઝીણાં છાંટા પડતા તયારે તેમાંથી એક જાતનો છણછણાટ થતો સંભળાતો હતો. ત્યાં કોઈપણ પ્રાણી નજરે પડતું ન હતું. નદીને સામે કાંઠે તેમ આ કાંઠે પણ આઘે આઘે કેટલાક માછીઓ પોતપોતાની હોડીઓ લંગરવાર કરી મોટાં તાપણાં સળગાવી તેની આસપાસ બેઠા હતા. કંસારીનો ઝીણો શબ્દ તથા દેડકાંનો બેસૂરો અવાજ કાને પડતો હતો. એવી ભયુકર જગાએ તથા એવા ભયાનક વખતે વીજળીના તેજથી એક માણસ નદીના કિનારા ઉપર ફરતો દેખાતો હતો. તે જોઈ તેની હિંમતનાં વખાણ કર્યા વિના કોઈથી રહેવાય જ નહીં. વીજળીનો એક મોટો ચમકારો થયો એટલે માલુમ પડ્યું કે એ ફરનાર માણસ પેલો રજપૂત સવાર, જેણે તે દિવસે કૂવામાંથી બૈરીને કાઢી હતી તે જ હતો; અને તે આ વખતે તથા આ જગાએ શા માટે આવ્યો હતો, તેની અટકળ પણ થઈ શકશે. આસપાસના દેખાવથી જરા પણ ડર ખાધા વિના જાણે ધોળે દિવસે પાટણના રસ્તા ઉપર તે ફરતો હોય એમ બેધડક તથા વગર બીકે ચાલતો હતો. અને કોઈ વસ્તુ શોધતો હોય એમ લાગતું હતું. કેટલીક વાર ચાલ્યા પછી તે એક જગાએ અટક્યો, અને ત્યાં ઊભો રહી પોતાની પાસે એક નરાજ હતી તે વડે ત્યાં ખોદવા લાગ્યો. આશરે એક ઘડી સુધી ઘણા જોરથી ખોદ્યા પછી તે અટક્યો; નરાન જમીન ઉપર મૂકી દીધી, અને પોતાના ધોતિયા વડે મોં ઉપર પરસેવાનાં મોટાં મોટાં ટીપાં બાઝ્‌યાં હતાં તે લૂછી નાખ્યાં. તેણે કમર તાણીને બાંધી, અને તે ખાડામાં નીચે ઊતરવા જાય છે એટલે એક ચીસ અને પાણીમાં મોટો ધબાકો તેણે સાંભળ્યો. તે જ વખતે તે ત્યાંથી છલંગ મારી દશ કદમ પાછળ પડ્યો, અને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યો. તે આ વખતે એક ક્ષણ વાર પણ ભયને વશ થયો ખરો, તોપણ તે છેક હિંમત હાર્યો નહીં. તે લાગલો જ કિનારા ઉપર ગયો અને ત્યાં જુએ છે તો એક સુસવાટ એક કૂતરાને પકડી પાણીમાં ઘસડતી તેની નજરે પડી. કૂતરાએ બહાર નીકળવાને ઘણાયે પછાડા માર્યા, પણ પાણીમાં તેનું જોર ચાલ્યું નહીં; અને તેનો શત્રુ પોતાની મીનમાં હતો તેથી થોડી વારમાં તે બિચારો પાણીમાં ગરક થઈ ગયો. આ બનાવ જો તેને પાછી ધીરજ આવી, અને તે ફરીથી ખાડા આળ ગયો. નીચે ઊતરીને એક મડદું તે લઈ બહાર આવ્યો, પણ તે મડદું કેવી સ્થિતિમાં હતું ? તેમાંથી ઘણું-ખરું માંસ ખવાઈ ગયું હતું; બધે મોટા મોટા કીઠા ખદબદતા હતા; આંખની જગાએ બે મોટા ખાડા પડી ગયા હતા; નાક અર્ધું ખવાઈ ગયું હતું; ખોપરી બહાર નીકળેલી હતી; માંસના લોચામાંથી ઘણી જ દુર્ગંધ નીકળતી હતી; તથા શરીરનાં સઘળાં હાડકાં ઉઘાડાં જણાતાં હતાં. તે મડદા ઉપરના કીડા તેના શરીરને વળગ્યા, અને વીજળીના અજવાળાથી જ્યારે તેણે બે બિહામણું પ્રેત જોયું ત્યારે તરત તે તેના હાથમાંથી પડી ગયું. પોતાના શરીરમાં સળવળાટ થઈ રહ્યો હતો; તે ઉપરથી મડદાના કીડા તેનાં લૂગડાંમાં ભરાયા હશે, એમ જાણી તેણે તે સઘળાં તરાી ખંખેરી નાંખ્યાં, અને તેને પાછાં પહેરી તે મડદાને પગ વતી, હડસેલતો કિનારા પર લઈ ગયછો. તેનો વિચાર તેને ધોઈ નાખી સાફ કરવાનો હતો, પણ જેવો તે તેને પાણીમાં ગબડાવે છે અટલે તેના પગે કોઈ જાનવરે બચકું ભર્યું. રજપૂત તો દરદથી બે હાથ ઊંચો ઊછળયો, અને પાછો તેને જોવા જાય છે તો મડદું તેને ઘસડાતું લાગ્યું. તે જ વખતે એક મોટો ભડકો થયો, અને તેના શરીર ઉપર વીંટળાઈ જશે, એમ લાગ્યાથી તે ત્યાંથી ઊભી પુંછડીએ નાઠો. મડદું ઘસાડતું ચાલ્યું. તેની પાસે જવાની તેની હિંમત ચાલી નહીં. હાય ! સઘળી મહેનત નિષ્ફળ ગઈ. આ તો કોઈ ભૂત અથવા પિશાચ તેને લઈ જાય છે. હવે હું શું કરું ? એમ રજપૂત ઊભો ઊભો વિચાર કરવા લાગ્યો. પણ તેણે પોતાનું અંતઃકરણ પથથર જેવું કઠણ કર્યું હતું; બીક તો ઘેર મુકી આવ્યો હતો; તથા ગમે તે થાય તોપણ પોતાનું કામ પાર પાડ્યા વિના તે ઠકાણેથી ન જાવનો દૃઢ નિશ્ચય કર્યો હતો, તેથી તે પોતાની નામર્દાઈથી શરમાયો, અને તે મડદાને પકડી લાવવાને તે આગળ ધસ્યો. વીજળીનો એક મોટો ચમકારો થયો તેમાં તેને માલૂમ પડ્યું કે મડદાને ઘસડનાર તો એક શિયાળવું હતું. હવે તેની દહેશત ઊડી ગઈ. તેને પગે એક પથ્થર અથડાયો તે ઊંચકી લઈ જે દિશામાં મડદું ઘડસાતું તે દિશા તરફ જોરથી ફેંક્યો. એક મોટી ચીસ સંભળાઈ, કોઈ દોડતા જનાવરનાં પગલાં કાને પડ્યાં ને મડદું ઘસડાતું બંધ થયું. તયાં જઈ તેને પાછું પાણીમાં તેણે હડસેલી મૂકયું, અને તેને સુસવાટ ઘસડી ન જાય માટે પોતે ત્યાં ઊભો રહ્યો. પાણીમાં વારેવારે ધબાકા થયા કરતા હતા. માછલાની પાંખમાંથી ચળકાટ વખતે થતો, અને વખતે સાપની ડોંખલફી પાણી આગળથી સંભળાતી હતી. થોડી વાર ઊભા રહ્યા પછી તેને લાગ્યું કે હવે મુડદા ઉપરના કીડા ધોવાઈ ગયા હશે, તથા તે ઉપરનું મટોડું તથા કચરો સાફ થયો હશે. રાત થોડી અને વેશ ઘણા, માટે તેને ઘણી ચટપટફી થતી હતી, અને પોતાની ધારેલી મતલબ પાર પડશે કે નહીં, એ વાતની ફિકરથી તેને સઘળું કામ ઉતાવળથી કરી નાખવાની ઘણી આતુરતા હતી. મડદાને હાથમાં લીધું પણ તે આટલું ઠંડુગાર થઈ ગયું હતું કે તે તેના શરીરને લાગતાં જ તેને કંપારી છૂટી, તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં,અને તેને સંધિવાયુ થયો હોય તેમ તેના હરેક સાંધામાં કળતર થવા માંડ્યું, અને તેનાથી એક પગલું આગળ મુકાયું નહીં. હવે શું કરવું ? હિંમત, હિંમત. બીજો કાંઈ ઈલાજ નહોતો. મનમાં આવેશ લાવી તેણે એક છલંગ મારી, અને જીવ લઈને નાસતો હોય તેમ દોડી એક નાના દહેરા આગળ ચત્તોપાટ પડી ગયો. પાછું મન ઠેકાણે આણ્યું, બીકને મનમાંથી ઝટ કાઢી નાખી, અને ઊભો થઈને તે મડદાને લઈ તે દહેરામાં પેઠો. ત્યાં તેણે સઘળો સામાન આગળથી જ તૈયાર રાખ્યો હતો. હવે પોતે પણ નાહવું જોઈએ, માટેલૂગડાં ઉતારી પાછો ઘાટ ઉપર ગયો. આ આ વખતે તેનું ચિત્ત શાંત હતું તેથી તેને કાંઈ દહેશત લાગી નહીં. તેણે મંત્ર ભણી સ્નાન કર્યું અને ભીને ધોતિયે પાછો દહેરામાં આવ્યો. ત્યાં તેણે ચકમક પાડી દેવતા તૈયાર કર્યો, અને એક કોડિયામાં સરસિયું પૂર્યું હતું તથા તેમાં વાટ તૈયાર રાખેલી હતી તે સળગાવી. ચાર દિશાએ મંત્રેલાં લીંબુ કાપી સિુંદર ભરી મૂક્યાં; ચાર ખૂણે ખીલા દાટ્યા; અને ચોતરફ મંત્ર ભણી અડદ વેર્યા. પછી સઘળી વાતની આગળથી તૈયારી કરી કપાળે સિંદૂરની આશકા કરી; શરીરના કેટલાક ભાગ ઉપર હનુમાનની મળી ચોપડી; હાથે કેટલાંક તાવીજ બાંધ્યાં; તથા ગળે એક મોટું માદળિયું પહેર્યું. એ પ્રમાણે ભૂત, પ્રેત, પિશાચ, શંખણી, યક્ષણી વગેરે બલાની સામાં હથિયાર બાંધી તેણે તે મડદાનું આસન કર્યું, અને તે ઉપર ઘોડો ફલંગીને બેસી મંત્રનો જપ કરવા લાગ્યો. તે હમણાં પોતાના કામમાં એટલો તો તલ્લીન થઈ ગયો હતો કે તેને આસપાસનું કાંઈ ભાન રહ્યું ન હતું; તેમ દહેશત ઉપજાવે એવું તો કેટલીક વાર સુધી કાંઈ બન્યું પણ નહીં. માત્ર પવન વધારે જોરથી વાવા લાગ્યો; વીજળીના ચમકાટ વધારે તેજસ્વી થવા લાગ્યા, કડકડાટ કાન બહેર મારી જાય એવા સંભળાવા લાગ્યા; વરસાદનું એક મોટું ઝાપટું આવ્યું; હવે અંધકાર વધારે ભયંકર થઈ ગયો. પણ આ સઘળા સૃષ્ટિના ભયાનક દેખાવથી તે રજપૂતના મન ઉપર કાંઈ પણ અસર થઈ નહીં. તે તો પોતાનો જપ કર્યો જ ગયો, પણ ઘણી વાર સુધી તે કામ નિર્વિધ્ને ચાલ્યું નહીં. જે મડદા ઉપર બે બેઠો હતો તે તેની નીચેથી હાલવા તથા થોડી વારમાં ઉજળવા લાગ્યું. મડદા સાથે તે પણ ઊછળતો ગયો અને તેના પગ વડે તે મડદાને એવી તો તેણેચુડ ભેરવી કે તેની પાસેથી છટકી શક્યું નહીં. જ્યારે આ પ્રમાણે તે નાસવાનું કરતું હતું, પણ તેનાથી નીકળી જવાતું ન હતું, તે વખતે ત્યાં ચીસાચીસ તથા બરાડાબરાડ થઈ રહી હજારો ભુતો તેની આગળ નાચવાકુદવા લાગ્યાં; કેટલાંક ખડખડ હસવા લાગ્યાં; કેટલાક તેને મારવા આવતાં હોય તેમ પાસે આવવા લાગ્યાં; કેટલાંક આઘેથી ધમકી આપવા લાગ્યાં; કેટલાંક મોટાં વિકરાળ મોં કરી તેને બિવડાવતાં હતાં; ચુડેલ તથા વંતરીઓ માથે ધગધગતા અંગારાવાળી સગડી લઈને ત્યાં શોરબકોર કરી રહી હતી; ઘણા જ ભગ્યંકર રાક્ષસો, ભેંસાસુરો ઈત્યાદિ ત્યાં આવી તે રજપૂતને ખાઈ જવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું. રજપૂત મનમાં બીધો તો ખરો; તે.ના શરીર ઉપરના સઘળા નિમાળા ઊભા થયા; તેની ચામડી ઉપર મરતી વખતના જેવાં શીત આવ્યાં; આખે અંગે જાડો ચીકણો પરસેવો વહેવા લાગ્યો; તથા છાતી પણ ઘણા જોરથી ધબકવા લાગી. કોઈ કોઈ વાર તેનાથી બૂમ પાડી દેવાકશે એમ તેને લાગ્યું. દોડવાની તો ક્યાંથી પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની તેનામાં શક્તિ રહી ન હતી. પણ તેણે પોતાનું મન આવે બારીક વખતે પણ એવું સાવધ રાખ્યું કે તે તેનું કામ કરી શક્યો. તેના જપમાં ઘણી હરકત પડવા દીધી નહીં. મડદું વધારે જોરથી ઊંચે ઊછળવા લાગ્યું. ભૂતપ્રેતની ભયંકર ચીસો તથા જપના કામમાં ભંગાણ પાડવાની તેઓની મહેનત વધારે થતી ગઈ; પણ તે રજપૂતે પોતાની આુખ આંધળી તથા કાન બહેરા જેવા કરી નાખ્યા હતા તેથી તેણે તેઓની કાંઈ દરકાર કરી નહીં. તેણે બધી દીશાએ આગળથી એવો પાકો તથા મજબૂત બંદોબસ્ત કરી રાખ્યો હતો કે એ સઘળાં મલિન પ્રાણીઓથી તેની પાસે અવાતું ન હતું. તે પ્રમાણે ત્રણ કલાક કામ જારી રાખ્યું, અને પોતાનોમંત્ર એકસો ને આઠ વાર જપી રહ્યો.

મંત્ર જપાઈ ચૂક્યો, અને તેની સાથે રાતનો અમલ પણ ઊતર્યો. અરુણનો ઉદય થયો; દીવાનું તેજ ઝાંખું પડ્યું; વસ્તુઓ થોડી થોડી દેખાવા લાગી; અને આખી સૃષ્ટિનું રૂપ જાતે બદલાઈ ગયું. થોડીક વાર થયાં વરસાદ બંધ પડ્યો હતો; વાદળાં વિખેરાઈ ગયાં હતાં; અને થોડો પવન વાતો હતો; તેથી એકાએક તેઓ એક પછી એક નાસાનાસ કરી રહ્યાં હતાં. વીજળી બંધ થયેલી હતી, તથા ગર્જના સંભળાતી ન હતી. સઘળાં ઝાડપાન લીલાં કુંજાર જેવાં દેખાતાં હતાં. અને નાના પ્રકારનાં ફૂલોમાંથી ચોમેર સુવાસ પથરાઈ રહેલી હતી. એવે સમયે તે રજપૂત દહેરાની બહાર નીકળ્યો. તેણે તેની ખાુધ ઉપર સામાનની ઝોળી નાખી હતી, અને એક લાકડી હાથમાં રાખી તે આગળ ચાલ્યો. તેણે કોઈ મોટું સંકટ ભોગવ્યું હોય, તેના માથા ઉપર કોઈ ભારે આફત આવી ગઈ હોય એમ તેનું મોં ફિક્કું, તેજ ઊડી ગયેલું તથા ચિંતાતુર દેખાતું હતું. પોતાનું ધારેલું કામ પાર પડ્યું, એ જાણીને તેના અંતફકરણમાં ઘણો આનંદ થજયો હતો. તોપણ હજી સુધી ભયની અસર તેના મન ઉપર એટલી તો ચોટેલી હતી કે તે હૃષને બહાર નીકળવાને વખતે મળ્યો ન હતો. તે ઘણા ઊંડા વિચારમાં પડી આસપાસ શું છે તે જોયા વગર મોટાં મોટાં ડગલીાં ભરી ઝડપથી ચાલતો હતો. તેના મનની આવી અવસ્થા પણ ઘણી વાર ટકી નહીં. શહેરના કોટ આગળ તે જ્યારે આવી પહોંચ્યો ત્યારે એક કૂવા આગળ એક બૈરી પાણી ભરતી હતી. તે વખતે તે રજપૂતને ઘણી જ તરસ લાગી હતી તેથી તેણે બે બૈરકી પાસે જઈ પાણી માગવાનો ઠરાવ કર્યો. તે તેની આગળ જઈ કેટલીક વાર ઊભો રહ્યો, પણ તે સ્ત્રીએ તેની સામે પણ જોયું નહીં, આવી તેની બેપરવાઈથી રજપુતને ઘણો ક્રોધ ચઢ્યો, અને તેણે બૂમ પાડી પાણી માગ્વ્યું. પણ કૂવો સાંભળે તો તે સાંભળે. રજપુતે ધાર્યું કે એ બૈરી બહેરી હશે તેથી તેણે તેનો હાથલ પકડ્યો, અને તેને હલાવવા જાય છે એટલામાં તે બૈરી તાડ જેટલી લાંબી થઈ ગઈ. રજપૂત તો તેને જોઈ ગગડી ગયો, અને તે એટલો તો ભય પામ્યો કે, તેનાથી એકે તરફ નસાયું નહીં. થોડી વાર ઊભી રહી તે સ્ત્રી બોલી : ‘‘કેમ રે રજપૂતડા ! પાણી જોઈએ છે ?’’ થોડી વારમાં તે રજપૂતમાં પાછી હિંમત આવી. એક બૈરીથી તે આટલો બીધો તેથી તેના મનમાં ઘણું શરમાયો, અને નામર્દાઈનું કલંક ખસેડવાને તેણે જુસ્સાથી જવાબ દીધો : ‘‘રાંડ ! તું ગમે તે હોય, તેથી હું કાંઈ બીવાનો નથી. હું ક્ષત્રિય બચ્ચો છું. મારા બાપદાદાઓએ મોટાં મોટાં યુદ્ધ કરેલાં છે. તેઓ કોઈથી ડરતા ન હતા. માટે જો હું તારા જેવી રેેંજીપેેંજીથી બીઉં તો હું મારા બાપદાદાનો ખરો છોકરી નહીં. તારું માથું સ્વર્ગને અડકે, અને તારા પગ પાતાળે પહોંચે તોપણ તું આખરે અબળા અને હું તે રજપૂત શુરવીર કહેવાઉં, માટે તું ગમે તેવો વેશ ધારણ કરશે, તું ગમે તેટલી લાંબી પહોળી થશે, અને ગમે તેટલા ચાળાચસકા કરશે, તોપણ હું લગારે ડરવાનો નથી. હું તારી પાસેથી ભલમનસાઈથી અથવા બળાત્કારે પણ પાણી પીશ. પછી જે થાય તે ખરું.’’

પેલી સ્ત્રીને આ સઘળી વાત સાંભળીને ઘણી નવાઈ લાગી, અને તે તેના મનમાં તે પુરૂષનાં વખાણ કરવા લાગી, પણ હજીયે તેની વધારે પરીક્ષા કરવાને તે બોલી : ‘‘અલ્યા વેંતિયા ! તું મારા હાથને તો પહોંચતો નથી ને બળાત્કારે પાણી તે શીરતે લઈશ. તે જોવાની મને ઘણી જ ઈચ્છા છે.’’

આખી રાત આથી વધારે ભયાનક દેખાવો જોયા, આથી વધારે બિહામણાં ભૂતપ્રેતથી બીધો નહીં અને આ પ્રસંગે ડરવું એ તો બાયલાનું કામ, એમ જાણી તે રજપૂતે પોતાના હાથમાંની ડાંગ ફેરવી એવા જોરથી તે સ્ત્રીના પગમાં મારી કે તે તરત ભોંય પર ચત્તીપાટ પડી; તેનું રૂપ બદલાઈ એક સ્વર્ગની રંભા જેવું થઈ ગયું. તેની ખૂબસૂરતી ખરેખરી દેવાંગના જેવી દેખાઈ, અને તેની આંખમાંથી બોરબોર જેવડાં આંસં પડવા લાગ્યાં; તો પણ તેણે પોતાનો એક હાથો લાંબો રાખી પાણીનું બેડું પકડી રાખ્યું; ફરીથી તેણે તેની પાસે પાણી લેવાનું કર્યું, પણ પાછો તેનો હાથ ઊંચો ચઢવા લાગ્યો. રજપૂત ઘણું આશ્ચર્ય પામ્યો, અને તેના હાથ ઉપર ડાંગનો એક બીજો ઘા મારીને બેડું નીચે પાડવાનો તેણે વિચાર કર્યો. પણ આવી નાજુક રૂપાળી સ્ત્રીના કેળના ગર્ભ જેવા હાથ પર ઘા તે કેમ કરાય ? અબળા ઉપર હાથ કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી, એમ જાણી તે ત્યાં ઊભો થઈ રહ્યો. તે સ્ત્રીએ તેના મનના વિચાર પારખ્યા, અને તે ખરેખરો રજપૂતના નામને યોગ્ય છે, તથા તેણે કદી નહીં જોયેલો એવો તે નર છે, એવી તેની ખાતરી થઈ. પણ હજી તેને વધારે કસવાની તેની ધારણા હતી. તેણે તરત પોતાનું રૂપ બદલ્યું અને એક છલંગ મારી રજપૂતની ગળચી પકડી તેને નીચે પાડ્યો. હવે તે કંઈ રૂપાળી નાજુક અબળા દેખાતી ન હતી, પણ તેનો દેખાવ એક બિહામણા રાક્ષસ જેવો હતો. હવે દયા લાવવાનો વખત ન હતો. હવે હાથ બંધ રાખવાની જરૂર ન હતી. તેણે તે રાક્ષસના હાથ છોડાવવાને ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ. ગળું વધારે ને વધારે દબાવવા લાગ્યું, અને શ્વાસના રોકાણથી તેને એટલો ગૂંગળાટ થયો કે તેની આવરદાની દોરી હમણાં તૂટશે, એમ તેને નક્કી થયું. તેણે તેની આગળ યમના દૂત જોયા, અને તેના આત્માને પકડી જનારા પોતાનું કામ જલદીથી કરી નાખવાને તૈયારી કરતા હોય એમ તેને લાગયું. તેના હોશ તો સઘળા ઊડી ગયા હતા, પણ કુદરતે છેલ્લો બચાવ કરવાને વાસ્તે પોતાનું સઘળું સામર્થ્ય વાપર્યું. તેણે આ છેલ્લી વખતે એટલું જોર કર્યું કે તે સ્ત્રીનો હાથ છટકાવી દીધો. અને એક છલંગ મારી તે તેના ઉપર ચઢી બેઠો. પાછું તે સ્ત્રીનું રૂપ બદલાઈ અપ્સરા જેવું થઈ ગયું; પણ આ વખતે તેના હાથમાંનું બેડું મુદ્દલ જોવામાં આવ્યું નહીં. તે રજપૂતે આ વખતે તેના અનુપમ રૂપ સામું જોયું નહીં; આ વખતે તેને તેના ઉપર દયા આવી નહીં; અને આ વખતે તેણે પોતાના ક્ષત્રિય ધર્મ ઉપર વિચાર કર્યો નહીં. ઉપર ચઢી બેસતાં જ તેણે તે સ્ત્રીનો ટોટો એવો જોરથી દાબ્યો કે તેના શરીરનું તમામ લોહી તેના મોં ઉપર પથરાઈ ગયું. તે સ્ત્રીનો મરણકાળ હવે પાસે આવ્યો, એમ જણાયું, તેની જીભ તેના મોંમાંથી બહાર નીકળી પડી; તેના મોંમાંથી ફીણના ગોટેગોગટા નીકળવા લાગ્યા; તેની આંખના ડોળા બહાર લબડી ગયા; તથા તેને આખે શરીરે આંચકા આવવા માંડ્યા, આવી વખતે જ્યારે તે રજપૂતને ખાતરી થઈ કે હવે રાંડનું મોત પાસે આવ્યું છે તે વખતે તે સાપની પેઠે તેની પાસેથી છટકી જઈ, અને તેની સામે પોતાના અસલ રૂપમાં આવી ઊભી રહી. રજપૂત તેને જોઈ ઘણું ચિઢાયો. અને તે કોઈ દેવલોકની રંભા છે એમ તેણે નક્કી જાણ્યું. થોડીવાર ચૂપ રહ્યા પછી તે સ્ત્રી બોલી : ‘‘અલ્યા રજપૂત ! તને ધન્ય છે. તું ખરેખરો ક્ષત્રિયવંશનો છે. હું ઘણાં વર્ષ થયાં કોઈ શૂરા રજપૂતને શોધું છું પણ અત્યાર સુધી તેવો મને જડ્યો ન હતો. હમણાં મારી ખાતરી થાય છે કે જેવો મારે જોઈએ છે તેવો જ તું છે. તું મને હજી ઓળખતો નથી. આટલી વારમાં તને ખાતરી તો થઈ હશે કે હું કાંઈ આ લોકની સ્ત્રી નથી. હું અંબાભવાનીની એક જોગણી છું. હું એક શક્તિ છું. પણ માનવીઓનો સંસાર કેવો છે, તથા એ સંસારમાં કેવું તથા કેટલું સુખ ભોગવવાનું છે તે જાણવા સારુ તથા ચાખવા સારું હું પૃથ્વી ઉપર ઘણી મુદત થયાં ફર્યા કરું છું. મારે કોઈ વર વરવાની ઈચ્છા છે, અને તારા જેવો મને ધણી મળે તો હું ઘણો સંતોષ પામું; માટે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, અને તારે ઘેર આવી તારી પરણેલી સ્ત્રી તરીકે રહેવાને ખુશ છું. માટે મારી વિનંતી કબૂલ રાખી મારી સાથે હમણાં જ લગ્ન કર, એટલે હું તને કશી વાતે ખોટ પડવા દઈશ નહીં, તથા બધી રીતે તને સુખી કરીશ.’

તે રજપૂત, શક્તિની આ સઘળી વાત સાંભળીને ઘણો હરખાયો, તથા જ્યારે લક્ષ્મી ચાંલલો કરવા આવી ત્યારે મોં ધોવા જવું એ મૂર્ખાઈનું કામ, એમ ધારી તે તેને પગે પડ્યો, અને મોટા હર્ષની સાથે તેણે તેનો હાથ પકડ્યો. તેણે જાણ્યું કે હવે ખરેખરો મારા ભાગ્યનો ઉદય થયો; હવે મારા ઉપર પરમેશ્વર રાજી થયા; હવે મારું ધારેલું કામ પાર પડશે; અને હવે મને કોઈ રીતે દુઃખ થશે નહીં. રજપૂત તથા શક્તિ બંને ઉતારે ગયાં, અને પછી તે પોતાને વાસ્તે એક મોટું ઘર ભાડે રાખવા શહેરમાં ફરવા ગયો. કેટલીક પૂછપરછ કર્યા પછી તેણે એક સારો મહેલ શોધી કાઢ્યો, ત્યાં તે તથા શક્તિ તે જ દહાડે જઈ રહ્યાં.

હજુ સુધી શક્તિએ તેના પતિને તેની આગલી કાંઈ પણ વાત પૂછી ન હતી. તેના ચહેરા ઉપરથી તેના બોલવા ઉપરથી, તથા તેની હિંમત અને બીજા રજપૂત નામને યોગ્ય એવાો ગુણો ઉપરથી, તેના સમજવામાં આવ્યું હતું કે કોઈ સાધારણ માણસ નહીં, પણ કોઈ રાજવંશી હોવો જોઈએ. પણ તેનાં માબાપ કોણ તથા કેવાં છે, તે જીવે છે કે મરી ગયાં છે, તેને પોતાનો દેશ શા સારુ છોડવો પડ્યો; તથા પાટણમાં આવી તેણે શું કરવા ધાર્યું છે, એ સઘળી વાતથી વાકેફ થવાને તે ઘણી આતુર હતી. જ્યારે રાત પડી, અને બંને વાળુ કરી નિરાંતે એકઠાં બેઠાં ત્યારે વાત તેની પાસેથી કઢાવવાનો પ્રસંગ આવ્યો.

શક્તિ - હું કોણ છું, અને તમને વરવાની મારી શી મતલબ છે, એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે; પણ તેની સાથે તમે કોણ છો તે વિષે મેં કાંઈ તજવીજ કરી નથી. વગર તપાસે મેં તમારી સાથે લગ્ન કર્યું છે; માટે તમારી અવસ્થા જાણવાની ભમારી જિજ્ઞાસા પૂરી પાડો. હું તમને જેવા ગણું છું તેવા જ તમે તમારી હકીકત ઉપરથી નીકળી આવશો એવો મને પાકો ભરોસો છે, માટે તમારી હકીકત માંડીને કહો, એટલે જણાશે કે મારી અટકળ ખોટી નથી.

રજપૂત - અગર જો તું મને વગર ઓળખાણે પરણેલી છે, કમારાથી તું કહેવાય છે માટે ક્ષમા કરજે કેમ કે હવે આપણો ધણીધણિયાણીનો સંબંધ થયો છે એટલે લોકાચાર પ્રમાણે મારે તમારી સાથે બોલતાં ‘‘તું’’ શબ્દ વાપરવો જોઈએ) તેં મારી રીતભાત, ગુણ, સ્વભાવ, રૂપ, રંગ વગેરેથી અનુમાન તો કર્યું હશે કે હું કોઈ હલકો માણસ નથી, તોપણ મારી વાત સવિસ્તર કહેવાથી તારી વધારે ખાતરી થશે, અને તું મને વગર પૂછપરછે પરણી છે તે બાબતનો તને કદી પસ્તાવો કરવો પડશે નહીં, પહેલાં તો મારું નામ હરપાળ છે. મારો બાપ કચ્છ દેશના કિરંતીગઢનો રાજા કેસર નામે હતો; અને મરી મા આ ગુજરાત દેશના કરણ વાઘેલા રાજાની માની બહેન હતી. એ ઉપરથી તને હવે નક્કી થયું હશે કે મારું કુળ નીચું નથી, હું રાજાનો છોકરો છું અને કરણ રાજાનો માસીનો દીકરો ભાઈ થાઉં છું; પણ એટલા જ ઉપરથી હું કાંઈ આબરૂ માનતો નથી. રાજાનો છોકરો તો કોઈ મૂઢ પણ હોય, અને કરણની માસીનો છોકરો કોઈ કાયર, અધમ પુરુષ પણ હોય. હું મારા દાદાની વાતથી શરૂ કરી મારા બાપની હકીકત કહી સંભળાવીશ, અને તેઓએ કેવાં પરાક્રમ કર્યા છે તે તને બતાવીશ. હજી મારી ઉંમર નાની છે અને મારું શૂરાતન દેખાડવાનો વખત આવ્યો નથી, તથા કાંઈ પરાક્રમ કરી નામ મેળવવાનો હજી પ્રસંગ પડ્યો નથી તો પણ મને નક્કી છે કે સિંહનાં બચ્ચાં તે સિંહ જેવાં જ નીવડે; કહેવત છે કે ‘‘મોરનાં ઈંડા ચીતરવાં ન પડે.’’ માટે જ્યારે વખત આવશે ત્યારે હું પણ મોટું નામ મેળવી મારા બાપદાદાના નામને વધારે ઝેબ આપીશ. બાપ કરતાં બેટો સવાયો ન નીકળું તો મારું નામ હરપાળ નહીં, હવે હું મારું ટાહેલું ચલાવું છું, મારો દાદો નામે વેહિયાસ કચ્છમાં કિરંતીગઢમાં રાજ્ય કરતો હતો. તે બાજ્ય તેના બાપદાદાથી તેને ઊતરેલું હતું, અને તેઓ મકવાણા કહેવાતા હતા. જ્યારે મારા દાદાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેનો જીવ કેમે કર્યો જાય નહીં. તેના છોકરા તથા સગાંવહાલાંએ ઘણી બાધા લીધી તથા કેટલાંક વ્રત કરવાનું વચન આપ્યું, પણ કાંઈ વળ્યું નહીં. ત્યારે તેના છોકરા કેસરે તેને પૂછ્યું : ‘‘બાપા ! તમારો આત્મા તમારો દેહ શા માટે છોડતો નથી ? તમારા મનમાં જે હોય તે મને કહી દો, અને હું જો તમારા પેટનો હોઈશ તો ગમે તેમ કરી તમારી મરતી વખતની આજ્ઞા બજાવીશ.’’ ત્યારે વેહિયાસે જવાબ દીધો : ‘‘સામૈયું કરીને એક શહેર છે, તેમાં મારો કટ્ટો શત્રુ હમીર સુમરો રાજ્ય કરે છે. જો તેની ઘોડારમાંથી તેના સવાસો ઘોડા લઈ આવી મારી ત્રયોદશાને દિવસે ભાટ લોકોને બક્ષિસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય.’’ તે વખતે વેહિયાસના ભાઈઓ તથા ભત્રીજા તેની આસપાસ ઊભા હતા, પણ તેઓમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં. તે વેળા કેસરની વય કાચી હતી તોપણ તે મેદાને પડ્યો, અને આગળ આવી પોતાના બાપના હાથમાં પાણી મૂક્યું, અને વચન આપયું કે હું તમારી આજ્ઞા પાળીશ. આ વાત સાંભળતા જ વેહિયાસ દેવલોક પામયો. જ્યારે ત્રયોદશાનો દહાડો પાસે આવ્યો ત્યારે કેસરે પોતાના બાપનો શોક મૂકી દીધો; પાઘડી બાંધી; અને પોતાનાં સગાંને સામૈયું નગરની સામા લડવા જવાને બોલાવ્યાં; પણ કોઈ આવ્યું નહીં. કેટલાક બોલ્યા કે તારા જેવા આજકાલના છોકરા સાથે જાણી જોઈને મરવા કોણ આવવાનું છે ? જ્યારે સઘળાઓએ એ પ્રમાણે ના કહી ત્યારે કેસર જરા પણ નાહીંમત થયો નહીં. તેણે પોતાના જ સામર્થ્ય ઉપર વિશ્વસ રાખ્યો : કહેવત છે કે ‘‘આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.’’ તેના હાથ એટલા તો લાંબા હતા કે તે તેના ઘૂંટણની નીચે પહોંચતા; તે સવા મણ વજનનો લાભો એક હાથે પકડતો; તે ધનુષ્ય બાણ નિરંતર બાંધી જ રાખતો; અને તેનો બેસવાને ઘોડો વિષ્ણુના ગરુડ જેવો હતો. તેણે સામૈયા ઉપર ચઢાઈ કરી, અને ત્યાંથી સવા સો ઘોડા લઈ આવ્યો, અને પોતાના બાપના તેરમાં દહાડે ભાટોને આપી પોતાનો બોલ પાળ્યો. આ પરાક્રમ કર્યા પછી કેસરે રાજ્યજોશીને બોલાવી મંગાવ્યા, અને પોતાની આવરદા પૂછી. જોશીએ જન્મોત્રી તપાસી ઘણી દિલગીરીથી કહ્યું કે તમારું આયુષ્ય ટૂંકું છે. આ સાંભળી કેસર બોલ્યો કે જો હું મારા ઘરના ખૂણામાં મરી જઈશ તો મને કોઈ ઓળખશે નહીં, પણ જો હું યુદ્ધમાં પડીશ તો મારું નામ પ્રસિદ્ધ થશે, એવું વિચારી તેણે ફરીથી સામૈયા ઉપર ચઢાઈ કરી, અને તેની નદી આગળ હમીરનાં સાતસો ઊંટ ચરતાં હતાં તે સઘળાંને લઈ ગયો, અને કિરંતીગઢના ભાટોને વહેંચી આપ્યાં. આટલું આટલું કર્યા છતાં પણ હમીરને કાંઈ ગુસ્સો લાગ્યો નહીં, તથા તેણે વેર લેવાને કેસર ઉપર લશ્કર મોકલ્યું નહીં. જ્યારે તે આ સઘળું અપમાન ધીરજથી ખમી રહ્યો, અને ‘ધોલ મારી તો ધૂળ ઊડી ગઈ’ એમ માન્યું, ત્યારે કેસર ત્રીજી વાર લડવાને નીકળ્યો. જે દહાડે તો સામૈયા નગર આગળ પહોંચ્યો તે દહાડો દશેરાનો હતો માટે અમીરની વહુ તથા છોકરી રથમાં બેસી એશઆરામ કરવાને બાગમાં જતી હતી. કેસર તે બાગમાં પેસી તેઓને ખેંચી ગયો, અને તેઓની સાથે સવા સો સુમરી સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે હમીર જાગ્યા, અને તેણે કિરંતીગઢમાં પોતાના પ્રધાનને મોકલ્યો. એ પ્રધાને આવી કેસરને કહ્યું કે જે સ્ત્રીઓને તમે લઈ આવ્યા તે સઘળી હમીર રાજાની વહુ તથા બહેન છે. અને હમણાં તેઓ તમારે ઘેર આવેલાં છે, માટે જેમ પિયરથી સાસરે વળાવેલી સ્ત્રીઓને પૈસા, લૂગડાં સાથે મોકલવામાં આવે છે તેમ તમારે પણ તેઓને તે પ્રમાણે વળાવવાં જોઈએ. પ્રધકાનનું આ બોલવું સાંભળીને કેસર ખડખડ હસ્યો, અને બોલ્યો કે એ સ્ત્રીઓ તો હવે અમારી મિલકત થઈ ચૂકી, માટે તમને પાછી આપવામાં આવશે નહીં. એ સઘળી તો હવે મારી ધણીયાણી થઈ. આ જવાબ લઈને પ્રધાન સામૈયે ગયો. પછી કેસરના જેટલા સગા કિરંતીગઢમાં હતા તેઓ સઘળાને તેણે તેડાવ્યા, અને એકેકને એક સુમરી સ્ત્રી આપી દીધી. પોતાને વાસ્તે ચાર રાખી, અને બીજી ઘણી તેની રાણી હતી તેમાં ઉમેરો કર્યો. એ પ્રમાણે દશબાર વર્ષ વહી ગયાં, પણ લડાઈ બંધ પડી નહીં. એટલા વખતમાં તેને તથા તેના પિત્રાઈને સુમરી સ્ત્રીઓને પેટે અઢાર દીકરા જન્મ્યા. કેસરને ફરી લડાઈ કરવાનું મન થઈ આવ્યું, ત્યારે તેણે હમીરને કહેણ મોકલ્યું, અત્યાર સુધી જ્યારે કેસર હમીરને કહેતો, ‘આવ, પડોશી, લડીએ’ ત્યારે હમીર જવાબ દેતો કે ‘લડે મારી બલા’, પણ આ વખતે તો તેણે કેસરને કહેવડાવ્યું કે તારી સાથે યુદ્ધ કરવા આવવાનું મને ઘણું મન થાય છે, પણ કિરંતીગઢના રાજ્યમાં ખાર સિવાય બીજું કાંઈ નથી, ત્યારે ત્યાં આવ્યા પછી મારા લશ્કરનેો ખાવાનું ક્યાંથી મળે એ મને મોટી ફિકર છે. આવું કહેણ જ્યારે હમીરે મોકલ્યું ત્યારે તેના જવાબમાં કેસરે કહેવડાવ્યું કે જો તું મારા રાજ્યમાં આવશે તો તારા લશ્કરના ખોરાકને વાસ્તે હું એક હજાર વીઘાં જીમનમાં ઘઉં રોપાવીશ. પછી હમીર એક મોટું લશ્કર લઈ કિરંતીગઢ તરફ આવ્યો, અને તેની તથા કેસરની વચ્ચે ઘણી લડાઈ થઈ. ઘણા રજપૂતોના પ્રાણ ગયા, અને ઘણી રીતે આખા રાજ્યની ખરાબી થઈ. આખરે એક મોટી લડાઈ થઈ તેમાં કેસર પોતે, તથા મરા સિવાય તેના સઘળા છોકરા માર્યા ગયા. મારા કાકા તથા પિત્રાઈ ભાઈઓ સઘળા રણસંગ્રામમાં પડ્યા. કિરંતીગઢને હમીરે બાળી જમીનદોસ્ત કરી નાખ્યું; અને સુમરી રજપૂતાણીઓ પોતાના સ્વામીઓની સાથે ચિતામાં બળી મૂળ. એ પ્રમાણે મારા કુટુંબનો નાશ થયો; એ પ્રમાણે અમારું નસંતાન ગયું; એ પ્રમાણે અમારું રાજ્ય ધૂળધાણી મળી ગયું; અને પ્રમાણે સઘળાનો અંત આવ્યો, હવે હું સજ માત્ર જીવતો રહ્યો તે એકલો શું કરું માટે મેં આણીગમ-તેણીગમ ફર્યા કર્યું, પણ કોઈ રાજાએ મારો પક્ષ ધર્યો નહીં. મેં કોઈ બીજા રાજાની પાસે જઈ ત્યાં મોટાં પરાક્રમ કરી નામ કરવાનો નિશ્ચય કર્યો, અને ગુજરાતનો કરણ રાજા મારી માસીનો દીકરો થાય છે, એમ જાણીને તેને મળવાને થોડા દહાડા ઉપર હું પાટણ શહેરમાં આવ્યો. અહીં આવતાં જ મેં બાબરા ભૂતની વાત સાંભળી વિચાર કર્યો કે બાબરા ભૂતને શહેરમાંથી કાઢીશ તો રાજા મારા ઉપર ઘણો પ્રસન્ન થશે, અને આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં મારી પ્રતિષ્ઠા વધશે, પછી હું તેને મારું સગપણ જણાવીશ, અને હું સુખેથી અહીં રહીશ. હું નાનો હતો ત્યારે ભૂત કાઢવાનો એક મંત્ર શીખેલો હતો, અને તે વડે મેં ઘણાં કાઢ્યાં પણ હતાં. પણ બાબરો ભૂત ઘણો બળવાન છે એમ જાણી તે મંત્ર ફરીથી સાધવાને હું ગઈ રાત્રે સ્મશાનમાં ગયો. ત્યાં મેં મડદા ઉપર બેસી જપ કર્યો. હજારો ભૂત, પિચાશ, વંતરી વગવેરે મલિન પ્રાણીઓએ મને બિવડાવ્યો, તોપણ મેં મારું કામ કરી લીધું. પછી ત્યાંથી પાછા આવતાં તારો મેળાપ થયો, અને તેનું પરિણામ એ થયું કે આપણે બે આ ઠેકાણે પાસે પાસે બેઠાં છીએ. હવે જ્યારે ફુલારાણીને ભૂત આવશે ત્યછારે હું કોઈ ભૂવાનો વેશ લઈ કરણના મહેલમાં જઈશ, અને ઈશ્વરકૃપાથી તથા તારી મદદથી બાબરા ભૂતનું કાસળ કાઢીશ.

શક્તિ - તમારી સઘળી હકીકત જાણી મને ઘણો આનંદ થયો, અને મને પક્કી ખાતરી થઈ કે તમને જેવા ધાર્યા હતા તેવા જ છો. મેં જે તમારી સાથે સંબંધ કર્યો છે તેથી હું હવે જરા પણ પસ્તાવાની નથી. તમારું ધારેલું કામ પાર પડશે; તમે બાબરા ભૂતને જીતશો; એમાં હિંમતનું માત્ર કામ છે, પણ હું તમને એક શિખામણ દઉં છું તે ખૂબ યાદ રાખજો; તે તમને ઘણી કામ લાગશે, અને જો તે નહીં માનો તો કદાપિ તમારા મંત્ર છતાં પણ તમારો જીવ જશે. તે શિખામણ એ છે કે, જો બાબરો ભૂત તમારી સાથે બહાર નીકળી લડવા આવે તો તરત તેની ચોટલી પકડી લેજો, એટલે તેનું જોર કાંઈ ચાલશે નહીં અને તે તમને તરત વશ થશે.

બીજે દહાડે સવારે તેઓ ઊઠ્યાં, અને રસોઈ કરી બંનેએ મિષ્ટાન્ન લીધાં. પછી તેઓ બેઠાં હતાં એટલામાં શહેરમાં બૂમ ચાલી ફુલારાણીને બાબરો ભૂત વળગ્યો છે, અને તે ઘણું તોફાન કરે છે. હરપાળ એ સાંભળીને તરત ઊઠ્યો, અને એક હિંદુસ્તાની માણસના જેવો પોશાક પહેરી રાજમહેલમાં જવા નીકળ્યો. શક્તિએ તેને આશીર્વાદ દીધો, અને ચોટલી પકડવાની વાત ફરીથી યાદ દેવડાવી. કરણના મહેલમાં કોઈ પણ ભૂવાને જવાને કાંઈ હરકત પડતી ન હતી, તેથી હરપાળ વગર અડચણે માંહેના મહેલમાં દાખલ થયો, અને જે ઓરડામાં કરણ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાને જુહાર કર્યો. કરણે તેને તેનું નામ, ઠામ કે કામ પૂછતાં જ તે બોલ્યો : ‘‘મહારાજ ! હું લખનોર શહેરનો ભૂવો છું. હું સઘળા જંત્રમંત્રમાં પ્રવીણ છું. હું મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટણ, સ્તંભન, આકર્ષણ વગેરે ઘણી મેલી વિદ્યામાં કુશળ છું. હું બદરીકેદારનાથી તે સેતુબંધ રામેશ્વર સુધી અને દ્વારિકા થી જગન્નાથપુરી સુધી સઘળા ભરતખંડમાં ફરી આવ્યો છું. મેં આખી પૃથ્વીના મુખ્ય મુખ્ય જાદુગરો તથા ભૂવાઓ સાથે મેળાપ કરેલો છે, અને તેઓ સઘળાના મંત્ર હું જાણું છું. પણ તેટલાથી હું સંતોષ પામ્યો નથી. સઘળે ઠેકાણે પ્રવાસ કર્યા પછી હું છેક પૂર્વમાં કામરૂદેશના સ્ત્રિયા-રાજ્યમાં જઈ પહોંચ્યો.ત્યાં મને ત્યાંની રાણીએ રાખ્યો. દહાડે પોપટ અને રાત્રે પુરુષને આકારે રાણી સાથે ત્રણ વર્ષ રહ્યો અને ત્યાંથી સર્વોત્કૃષ્ટ મંત્રશાસ્ત્ર શીખી લાવ્યો. હું ત્યાંથી છળભેદ કરી નાસી આવ્યો, અને આપના રાજ્યમાં ફરતો હતો એટલે મેં બાબરા ભૂતની વાત સાંભળી. ગુજરાત સરખા મોટા રાજ્યમાં એવો એક ભૂત કાઢનાર કોઈ ઈલમી આટલા દહાડા થયાં મળતો નથી તે જોઈને મને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને તમારા, તમારી ફુલારાણી તથા નગરના સઘળા રહેવાસી ઉપર ઘણી દયા આવી. હું અહીં આવ્યો, અને ભૂતનો નાશ કરવાને હું આપની હજુરમાં આવ્યો છું, માટે મને મારી વિદ્યા અજમાવવા દેશો તો હું એક પલકમાં તે ભૂતની નસલ કાઢીશ.’’

કરણ આ જાદુગરની વાત સાંભળીને દિંગ થયો, અને અત્યાર સુધી કોઈ આવો ભૂવો આવ્યો નથી, તથા તે બાબરા ભૂતને કાઢશે જ, એમ જાણીને તેનું સન્માન કર્યું અને તેને ફુલારાણીના ઓરડામાં લઈ જવાને ચાકરોને હુકમ કર્યો. હરપાળ ત્યાં ગયો, ને જોયું તો આશરે સો બ્રાહ્મણો હારબંધ બેસી ચંડીપાઠના મંત્ર ભણતા હતા; બીજા ઓરડામાં ઘણા હિંદુ તથા જૈન ભૂવા, જતિઓ ધંતરમંતર કરતા હતા; પણ કોઈની ફુલારાણીના ઓરડામાં જવાની છાતી ચાલતી ન હતી. હરપાળને જોઈ સઘળાઓએ પોતપોતાનું કામ મૂકી દીધું, અને કોઈ મોટો ઈલમી હિંદુસ્તાનથી આવ્યો છે તે એ જ છે, એમ જાણી તે શું કરે તે જોવા તેની પાસે તે સઘળા આવી ઊભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરી ફુલારાણીના ઓરડાનાં કમાડ ઉઘડાવી નાખ્યાં, અને માંહે જોયું તો તેને ખાટલા ઉપર બેઠેલી દીઠી. તેની આંખ લાલ હિંગળોકવર્ણી હતી, તથા તે એવી સ્થિર એકી નજરે જોયા કરતી હતી કે તેના પોપચાંનો પણ પલકારો થતો ન હતો. તેનું મોં ફિક્કું અને બિહામણું થઈ ગયું હતું, અને તેનું રૂપ એવું તો ઉગ્ર દેખાતું કે આ વખતે તે શક્તિ દેવીના જેવી લાગતી હતી. તેની કાન્તિ ઘણી જ નાજુક હતી, તથા તેની વય આશરે વીશેક વર્ષની હશે એમ અટકળથી લાગતું હતું. આવી રીતે તેને બેઠેલી જોઈ હરપાળને હિમ્મત આવી, અને તેણે થોડાક અડદના દાણા હાથમાં લઈ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યા. જેવા તે દાણા ફુલારાણી ઉપર પડ્યા કે તે જ વખતે તેમાં ભરાયેલો ભૂત જાગ્રત થયો, અને એક છલંગ મારી એવા જોરથી તે ભોંય ઉપર પડ્યો કે સઘળી જમીન ધ્રુજી ગઈ. તેની સાથે તેણે એવી મોટી ચીસ પાડી કે તેથી આખો મહેલ ગાજી રહ્યો, અને શહેરના પણ ઘણા ભાગમાં તે સંભળાઈ. હવે વખતે બારીક આવ્યો, બાબરો ભૂત (હવે આપણે ફુલારાણીને એ નામથી લખીશું) હરપાળની સન્મુખ આવી ઊભો રહ્યો, અને તેને પકડવાનું કર્યું એટલે તેણે બીજા દાણા મંત્રીને તેના ઉપર નાખ્યા. આ વખતે તે પાછો તો ખસ્યો, પણ તેણે પોતાનું ખરેખરું વિકરાળ સ્વરૂપ પ્રકાશ્યું, બીજા આસપાસ ઊભા રહેલા લોકો ભૂતનું આ રૂપ જોઈને નાઠા. હરપાળ એકલો ઊભો રહ્યો, અને મોટા અવાજે તેને પૂછ્યું કે, ‘‘તું કોણ છે, અને શા કારણ સારું અણહીલપુરના રહેવાસીઓને, રાજાને તથા રાણીને આટલા બધા ઉપદ્રવ કરે છે ?’’ આ સાંભળી બાબરો ખડખડ હસવા લાગ્યો, અને એક મોટી ગર્જના કરી બોલ્યો : ‘‘સાંભળ રે માનવી ! હું કોણ હતો તે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી, તથા કોઈને કહેવાનો મારો વિચાર ન હતો, તોપણ તું કોઈ મોટો ઈલમી જણાય છે, માટે તારી આગળ હું કહું છું. તું કોઈ પરદેશી જેવો જણાય છે, માટે તારી આગળ હું સઘળી વાત યથાસ્થિત કહીશ, અને પછી તું ન્યાય કરજે કે હું જે કરું છું તે વાજબી કે ગેરવાજબી છે. હું મારા પાછલા ભવમાં નાગર હતો. અને મારો ભાઈ માધવ આ દુષ્ટ, ચંડાળ, કૃતધ્ની રાજાનો પ્રધાન હતો. મારી ભાભીને એ પાપી રાજા બળાત્કારે લઈ ગયો, અને તેનો બચાવ કરવામાં મારો પ્રાણ ગયો. મારી સાથે મારી સ્ત્રી સતી થઈને બળી મૂઈ, તેથી અમારી અસદ્‌ગતિ તો થાય જ નહીં; પણ વેર વાળવાને મેં યમ રાજાની આજ્ઞા લઈ ભૂતનું રૂપ ધારણ કર્યું અને રાજની માનીતી રાણીને વળગ્યો છું. રૈયતને દુઃખ તે રાજાને જ સમજવું, એમ જાણી હું તેઓને પણ પીડું છું. જ્યારે મારું વેર તૃપ્ત થશે તયારે હું મારી મેળે જ આ મારા દેહનો ત્યાગ કરીશ, અને કૈલાસલોકમાં વાસો કરીશ.’’

હરપાળે આ સઘળી વાત સાંભળી લીધી, અને ભૂતનું કામ વાજબી છે એમ તેને જણાયું, પણ તે વાજબી કે ગેરવાજબી ગમે તેવું હોય તોપણ તેને કાઢવામાં તેનો સ્વાર્થ હતો તેથી તે બોલ્યો : ‘અલ્યા બાબરા ! હવે બસ થયું; હવે આ રાણીનો તથા આ શહેરના લોકોનો કેડો છોડ અને તું તારે ઠેકાણે જા; જો ભલમનસાઈથી નહીં માને તો બળાત્કારે હું તને કાઢીશ, માટે આબરૂથી જા.’’ પણ હરપાળની વાત બાબરાએ ગણકારી નહીં. તે પાછો નાચવા, કૂદવા તથા બરાડા પાડવા લાગ્યો. હરપાળે ત્રીજી વાર અડદના દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા એટલે તે પાછો ગાંડો થયો, અને ઘણા જુસ્સાથી આવી તેણે તેનું ગળું દાબ્યું. બંને જણા ભોંય ઉપર પડ્યા; ત્યાં શોરબકોર થઈ રહ્યો; તેઓ બંને જમીન ઉપર ગબડ્યા; અને વખતે એક ઉપર અને વખતે બીજો ઉપર એમ ઊથલપાથલ થવા માંડી. આટલી વાર સુધી તો બાબરો રમત કરતો હતો. તેણે પૂરું જોર અજમાવ્યું ન હતું. પણ જ્યારે મારામારી ઉપર વાત આવી, અને લડાઈ બંધ કરવાને ઘણું સમજાવ્યા છતાં હરપાળે માન્યું નહીં, ત્યારે બાબરો ઊભો થયો, તેણે હરપાળને પોતાના એક હાથમાં ઊંચકી લીધો અને તેને ભોંય ઉપર પછાડી મારી નાખવાની ધમકી આપી. હરપાળ કાંઈ બીધો નહીં. તે હવામાં ઊંચો ઊછળ્યો, અને ભોંય ઉપર પછડાવાની તૈયારીમાં હતો એટલે તેણે ચાલાકીથી તેનો હાથ પકડી લીધો. અને તેના શરીરને બાથ ભીડી દીધી. હવે બાબરાએ તેનું ગળું પડક્યું, અને તેને એવા જોરથી દાબ્યું કે તેનો પ્રાણ તત્કાળ નીકળી જાત, પણ આ વખતે તેને શક્તિની શિખામણ યાદ આવી, અને તેણે મહામહેનતે એક છલંગમારી બાબરા ભૂતની ચોટલી જોરથી હાથમાં પકડી લીધી. તે જ ક્ષણે બાબરો નરમ ઘેંશ થઈ ગયો; વાઘનો એકદમ બકરી થઈ ગયો; તે એક ગરીબ ગાયની પેઠે ઊભો રહ્યો. ‘‘છોડ ચોટલી’’ એટલું જ તેનાથી બોલી શકાયું, હરપાળને હવે જીવમાં જીવ આવ્યો, અને બાબરો અંતે જિતાયો એ જોઈને તેના હૈયામાં હર્ષ માયો નહીં. બાબરા સામું જોઈ તે બોલ્યો - ‘‘હવે નીકળો, બચ્ચા ! હવે ખરેખરા દાવમાં આવ્યો છો, હવે સપડાઈ ગયા છો, માટે શરણ થાઓ.’’ બાબરો છેક લાચાર થયો, અને દેશ છોડી જતાં રહેવાનું કબૂલ કર્યું; પણ હરપાળની મરજી તેને ગુલામ કરી લેવાની હતી માટે બોલ્યો કે જો મારાં સઘળાં કામમાં મારે જ્યારે તારી સહાયતા જોઈએ તે વખતે તરત હાજર થઈ મને સહસાય થવાનું વચન આપે તો જ હું તને જવા દઉં. બાબરાએ એ શરત કબૂલ કરી, પણ તેના બદલામાં તેણે પણ તેની સાથે એવી શરત કરી કે જ્યારે તું મને કાંઈ કામ સોંપશે નહીં ત્યારે હું તને ખાઈ જઈશ. હરપાળે કહ્યું, ‘કબૂલ’. પછી તેણે એક શીશો મંગાવી તેમાં ઊતરવાનું બાબરાને કહ્યું. હવે તે છેક નિરાશ થઈ ગયો હતો, તથા તેનું કાંઈ ચલણ રહ્યું ન હતું, તેથી તે શીશામાં ઊતર્યો. પછી તેને બંધ કરી તે ઉપર લાખ ચોઢી મંત્ર ભણીને છાપ મારી, અને તે શીશો લઈ કરણ રાજાની આગળ આવી ઊભો રહ્યો. અત્યાર સુધી જે જે હકીકત બની તે સઘળીથી કરણ વાકેફ થયો હતો, અને તેનો હર્ષ ઊભરાઈ જતો હતો; તે હરપાળને પગે પડ્યો. અને તે જેટલા રૂપિયા માગે તેટલા આપવાનું તેણે કબૂલ કર્યું.

હવે હરપાળને બોલવાનો વખત આવ્યો. તે હાથ જોડી રાજા આગળ ઊભો રહ્યો, અને પોતાની સઘળી વાત તેણે અથથી ઈતિ સુધી કહી, આ વાત સાંભળીને કરણ ઘણું આશ્ચર્ય લાગ્યું; અને કેટલીક વાર સુધી તો તેણે તે સાચી માની નહીં. જ્યારે હરપાળે કસમ ખાઈને તેની ખાતરી કરાવી ત્યારે કરણને ઘણો જ આનંદ થયો, અને આંખમાં હર્ષનાં આંસુ લાવી તેને ભેટી પડ્યો. મહેલમાં સઘળે તે વાત પથરાઈ. અને ત્યાંથી સઘળા સમાચાર શહેરમાં ફેલાયા. ઘેર ઘેર આનંદ થઈ રહ્યો; અને કરણના માસીના દીકરા હરપાળે બાબરા ભૂતને શહેર બહાર કાઢ્યો તેથી લોકો ઘણા ખુશ થયા. એક મોટી સવારી કાઢી શીશાને આખા શહેરમાં ફેરવ્યો અને તેને ગુજરાતની સરહદ બહાર મોકલાવી દીધો. પછી કરણે હરપાળને એક મોટો સરપાવ આપ્યો; તેને પોતાના દરબારમાં સામંત કરી ઠેરવ્યો અને પોતાની સાથે મહેલમાં તેને રાખવાનો ઘણો આગ્રહ કર્યો, પણ હરપાળે પોતાની નવી સ્ત્રીની સાથે જુદા ઘરમાં રહેવાની ખુશી જણાવી તે ઉપરથી રાજાનો એક બીજો મહેલ શહેરમાં હતો તે તેને સ્વાધીન કર્યો; અને તેને ઘણી ધામધુમ સાથે તેના નવા ઘરમાં વિદાય કર્યો.

પ્રકરણ ૮ મું

બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણ રાજા, ફુલારાણી તથા રાજમહેલના સઘળા લોકો, અને પાટના સર્વ રહેવાસીઓ છૂટ્યા, તેથી બેસતા વર્ષને દહાડે સઘળે આનંદ થઈ રહ્યો. ઘેરઘેર ખરી દિવાળી તો તે જ દહાડે થઈ, અને લોકો ઘણા ઉમંગથી સવારના પહોરમાં એકબીજાને જુહાર કરવા, બોણી લેવા તથા અન્યોન્ય ભેટ લેવા ઘણાં ઊંચાં વસ્ત્ર પહેરીને નીકળ્યાં. તે વખતે પોતાના મહેલમાં હરપાળ તથા શક્તિ દેવી ઉલ્લાસથી વાત કરતાં હાં, રાજાના દરબારમાં જવાની તૈયારી કરવામાં પડ્યાં હતાં, તથા કરણ રાજા જો કાંઈ ઈનામ આપવાનું કહે તો શું માગવું તે વિષે ખાનગી ગોઠડી કરતાં હતાં.

આશરે દોઢ પહોર દહાડે દરબાર ભરાવા લાગ્યો. દશેરાને દહાડે જેઓ મળ્યા હતા તેઓની સાથે આ વખતે પુરના મુખ્ય વ્યાપારીઓ તથા બીજા શ્રીમંત લોકો પણ દરબારમાં બિરાજેલા હતા. હરપાળ પણ ઘણાં ભભકાદાર લૂગડાં પહેરીને આવ્યો. તેને રાજાએ પોતાના જમણા હાથ તરફ પાસે બેસાડ્યો. જુહારનું તથા તે દહાડાનું બીજું કામ થઈ રહ્યા પછી કરણે હરપાળની તરફ જોયું, તેણે જે મહાભારત કામ કર્યું તેને માટે તેનો શાબાશી સાથે ઉપકાર માન્યો, અને એ કામનો ઘટતો બદલો તો તે આપી શકે તેમ ન હતું તથાપિ જે કાંઈ તે માગે તે ઘણી ખુશીથી તેને આપવાનું તેણે કબૂલ કર્યું. હરપાળે ઊઠીને રાજાને સાષ્ટાંગ દંડવત્‌ કર્યા અને હાથ જોડી એટલું જ માગી લીધું કે એક રાતમાં જેટલાં ગામ ઉપર તોરણ બંધાય તે સઘળાં મને ઈનામમાં આપવાં.

હરપાળ એટલું જ માગશે એમ કરણને આશા ન હતી; એથી વધારે ઈનામ માગી લેશે એમ તેને ફિકર હતી. પણ એક રાતમાં તો ઘણાં જ થોડાં ગામો ઉપર તોરણ બંધાઈ શકાશે, એમ ધારી તેણે તેની અરજ તરત કબૂલ કરી. દરબાર બરખાસ્ત થયા પછી હરપાળ પોતાને ઘેર ગયો, અને જે સઘળું બન્યું હતું તે પોતાની વહુને કહ્યું. હવે રાત્રે જેમ બને તેમ વધારે ગામો ઉપર તોરણ બાંધી શકાય એવી ગોઠવણ કરવાના કામને વાસ્તે એકલી શક્તી દેવી બસ હતી. પણ માત્ર તેમનાથી જ તે કામ મનમાનીતી રીતે થઈ શકશે એવો પાકો ભરોસો હરપાળને આવ્યો નહીં. થોડોક વિચાર કર્યા પછી તેને બાબરો ભૂત યાદ આવ્યો. જ્યારે જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું ભૂતે કબૂલ કર્યું હતું, અને વળી જો તેને કાંઈ કામ સોંપવામાં નહીં આવે તો તે તેને ખાઈ જશે એવી તેની સાથે શરત થઈ હતી તેથી બાબરાને એકદમ બોલાવી મંગાવી તેને પણ શક્તિની સાથે સામેલ રાખવો એવો તેણે ઠરાવ કર્યો. બાબરાનું ધ્યાન ધરતાં જ તે તરત હરપાળ આગળ આવી ઊભો રહ્યો, અને તેની સઘળી વાત સાંભળી લીધી. એક તો તે હરપાળને પુરતી રીતે મદદ કરવાને બંધાયેલો હતો, અને બીજું તેને વધારે મદદ કરવાથી કરણનું નુકસાન વધારે થશે, અને તેથી તેના મનનું ધારેલું વેર કંઈક લેવાશે એ બંને વિચારથી તે ઘણો ખુશ થયો, અને દીવા થતે પોતાની સાથજે બીજા મદદગાર ભૂતોને લઈને હાજર થવાને વચન આપ્યું. કબુલ કરેલ વખતે તે સવા લાખ ભૂતને તેડીને આવ્યો, અને શક્તિદેવીને સાથે લઈ તેઓ સઘળાં તોરણ બાંધવા નીકળ્યાં.

બીજે દહાડે સવારે કરણે પોતાના પ્રધાનને એક સાંઢણી આપીને કેટલાં ગામો ઉપર તોરણ બંધાયાં તેની તપાસ કરવાને મોકલ્યો, આગળ જતાં માલુમ પડ્યું કે પહેલું તોરણ પાટડી ઉપર રાત્રે નવ વાગતે બંધાયું. પછી તેના તાબાનાં છસો ગામો ઉપર તોરણ બંધાયા, અને સવારના ચાર વાગતાં સુધીમાં કુલ બે હજાર ગામો ઉપર તોરણ બંધાયાં. પ્રધાન ઘણો ગભરાયો, અને ધાર્યું કે આ તો હરપાળે ગજબ કર્યો. તેણે તે ગામોની એક ટીપ કરી, અને કરણને આપી. એ ટીપ વાંચીને તેને જે ક્રોધ ચઢ્યો, તથા આશ્ચર્ય લાગ્યું તેનો વિચાર માત્ર કરી લેવો. બે હજાર ગામ ઈનામમાં આપવાં ! શું બાબરા ભૂતને કાઢવાને બે હજાર ગામનું ઈનામ ? અરે કેશવને મારતાં બે કોડી પણ ખરચ થયો નથી, અને તેના મરી ગયા પછી તેના ભૂતને ગામ બહાર કાઢવાને આટલી મોટી બક્ષિસ કરવી ? ગુજરાતના કોઈપણ રાજાએ આટલી મોટી જાગીર કોઈને આપી નથી. કોઈ પણ રાજાએ પોતાના પ્રાણ બચાવનારને પણ આટલું મોટું ઈનામ આપવું પડે છે ? હું વચનથી બંધાયો છું; મેં મારો કોલ આપયો છે; અને રાજાનું વચન કદી પણ મીથ્યા થવું ન જોઈએ. વળી હરપાળ મારી માસીનો દીકરો છે તેથી તેને આપવાથી મને જરા સંતોષ થાય છે. હવે ગમે તેમ મન વાળવું. ખરું પૂછો તો મારા દહાડા જ વાંકા બેઠા છે, અને મારા સઘળા ગ્રહોએ ગામ જવા માંડ્યું છે, અને મારી દુર્દશા થવાનો સમય પાસે આવતો જાય છે. હશે, વધારે વિચાર કરવાથી સારું ફળ નથી, માટે બક્ષિસનામા ઉપર સહીમોહર કરી આપવાં.

તે જ દહાડે રાત્રે કરણ જ્યારે ફુલારાણીના મહેલમાં ગયો તયારે તેની ઉદાસ વૃત્તિ જોઈને રાણી ઘણી જ દિલગીરી થઈ. ભૂતનો ઉપદ્રવ મટવાથી તે ઘણી જ ખુશ થઈ હતી, અને આ રાત તેણે તેના ધણી સાથે આનંદમાં કાઢવાનો ઠરાવ કર્યો હતો, પણ કરણના મોંએ તેના ઉલ્લાસ ઉપર ટાઢું પાણી રેડ્યું. પોતાના સ્વામીની દિલગીરીનું શું કારણ છે તેની તજવીજ રાણીએ કરવા માંડી, પણ ઘણી વાર સુધી કરણે તેની આગળ પોતાનું મન ખોલ્યું નહીં. પણ સ્ત્રીહઠ આગળ પુરુષ ઘણી વાર લાચાર થઈ જાય છે તેમ કરણ પણ આ વખતે થયો. તેને પોતાની મરજી ઉપરાંત તેની સ્ત્રી આગળ પોતાના ખેદનું ખરું કારણ બતાવવાની જરૂર પડી. ફુલાદેવી સઘળી વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામી, પણ રજપૂતાણી તેના ડહાપણ તથા સમયસૂકતાને માટે પ્રસિદ્ધ છે. તેને એક ઉપાય તરત સૂઝ્‌યો, અને તે બોલી : ‘‘મારા સ્વામી ! તમે જરા પણ એ વિષે ફિકર રાખશો મા. હું હરપાળની દૂરની સગી થાઉં છું; તે મને બહેન કહે છે; માટે આવતી બળેવે જ્યારે તેને રાખડી બાંધીશ, ત્યારે તેમાંથી ઘણાં ગામ માગી લઈશ.’’ કરણ આ તદબીર સાંભળીને હરખાયો તો ખરો, પણ તેને લાગલું જ યાદ આવ્યું કે હરપાળ તો કાલે સવારે પાટડી જાય છે. અને તયાંથી તે પાછો આવવાનો નથી. ફુલારાણીએ આ પણ તેની ચિંતા મટાડી. તેણે પોતાના ચાકરને બોલાવી પોતાનો રથ જોડાવી મંગાવયો, અને લુગડાંઘરેણાં પહેરી તેમાં બેસી હરપાળના મહેલમાં ગઈ.

હરપાળ તે વખતે જાગતો હતો તેથી તેની મુલાકાત સહેજ થઈ. માંહોમાંહે ખબરઅંતર પૂછી, અને બાબરા ભૂતને કાઢી તેને મહા વેદનામાંથી ઉગારી તેને વાસ્તે તેનો ઘણો જ ઉપકાર માન્યો. આગળ વાતચીત કરતાં જ્યારે ફુલારાણીને જણાયું કે હરપાળ બીજે દહાડે સવારે પોતાના ઈનામી ગામ ઉપર જનાર ત્યારે તે બોલી : ‘ભાઈ! તું તો જાય છે, પછી મારી કોણ બરખાસ્ત લેશે ? મારાં માબાપ તો મરી ગયાં છે તે તું જાણે છે. આખા જગતમાં મારો પિયરનો સગો તું જ માત્ર છે, માટે જ્યારે તું જઈશ ત્યારે તે તરફનું કામ કોણ કરશે ? તથા તે તરફનો વહેવાર કોણ સાચવશે ? માટે ભાઈ ! જતાં પહેલાં મારો કાંઈ બંદોબસ્ત કર, મરા ખરચને વાસ્તે કાંઈ કરતો જા.’ આ સઘળું સાંભળીને હરપાળ ઘણું ગૂંચવાયો, પણ તે લાચાર; તે હવે શું કરી શકે ? તેણે તેને પહેલાંથી બહેન કહેલી એટલે હવે સગપણનો ઈન્કાર પણ કેમ કરાય ો અને તેનું વાજબી માગણું આપ્યા વિના કેમ જવાય ? માટે જીવ કઠણ કરીને ત્યાંથી ઊઠી એક કાગળ તથા લખવાનાં બીજા સાધન લઈ આવ્યો, અને ભાલનાં પાંચસો ગામ તેને લખી આપ્યાં. ફુલારાણી બક્ષિસનામું લઈને થોડી વાર બેસી વિદાય થઈ, અને કરણ કાગળ આપ્યો.

બે હજાર ગામોમાંથી પાંચસો પાછાં આવ્યાં, એટલા ઉપરથી કાંઈ સંતોષ માનવા જેવું હતું ખરું, પણ પંદરસો ગામો ગયાં તે કાંઈ થોડું નુકસાન ન હતું. હવે બીજો કંઈ ઉપાય ન હતો તેથી તેણે જેમ તેમ મન વાળી ફુલારાણી સાથે તે રાત કાઢી. તે વખતે હરપાળ તથા શક્તિ ઘણા ઊંડા વિચારમાં પડ્યાં હતાં. બાબરા ભૂતને કાંઈ કામ સોંપવામાં ન આવે તો તે તેને ખાઈ જાય એવી તેણે શરત કરી હતી, માટે પાટડી જતાં પહેલાં કાંઈ એવું કામ તેને આપવું કે તેનો પાર જ આવે નહીં. તે શું આપવું તે બાબત તેઓ વિચાર કરતાં હતાં. આખરે શક્તિને એક યુક્તિ સૂઝી. તેણે બાબરા ભૂતને બોલાવવાને હરપાળને કહ્યું. બાબરો તરત હાજરો થયો. તેને એક મોટો લાંબો વાંસ લાવવાને શક્તિએ હુકમ કર્યો. ભૂત તેવો એક વાંસ તરત લાવ્યો. તેને ભોંયમાં દટાવ્યો, અને તે ઉપર ચઢવું અને પાછા ઊતરવું, પાછું ચઢવું ને ઊતરવું એ પ્રમાણે કર્યા કરવાને તેણે ભૂતને હુકમ કર્યો, અને ફરમાવ્યું કે જ્યારે એમ ચઢ-ઊતરનું કામ પુરું થાય ત્યારે બીજું કામ લેવાને મારી પાસે આવવું, એ પ્રમાણે બાબરા ભૂતનો નિકાલ થયો.

એ વાત બન્યાને એક મહિનો વીતી ગયો. હવે કરણ છેક નવરો પડ્યો, હવે તેને કાંઈ અગત્યનું કામ કરવાનું રહ્યું નહીં, તેથી તેના મનનું જોર તેના શરીર ઉપર ચાલ્યું, અને તેની મનોવૃત્તિઓ સઘળી પ્રબળ થઈ. પોતાના રાજ્યની ટૂંકી મુદતમાં જે કામો તેણે કર્યા હતાં તે ઉપર વિચાર કરવા લાગ્યો, હવે પસ્તાવાનો કીડો તેના કલેજામાં પેદા થયો, અને તેને ધીમે ધીમે કોતરવા લાગ્યો. તેને ખાવું, પીવું તથા બીજી કોઈ તહેરનો એશઆરામ જરા પણ ગમે નહીં; રાત્રિએ નિદ્રા આવે નહીં; અને જો થોડી વર કાંઈ ભાંગી-તૂટી ઊંઘ આવે તો ઘણાં ભયાનક સ્વપ્નાં આવી ઊંઘ તથા આરામનું ખંડન કરે. દશેરાની રાતની વંતરીઓ, તેઓને આપેલા કોલ, તેને દીધેલી શિખામણ, ગુણસુંદરીનો મરતી વખત પહેલાંનો દેખાવ, શહેરના દરવાજા આગળ તેને તથા આખા રાજ્યને તેણે દીધેલો શાપ, તેની બળતી વખતની ચીસ તેના સાંભળ્યામાં આવી એવી કલ્પના, કેશવ બાબરો ભૂત થઈ ફુલારાણીને વળગ્યો તથા આખા પુરને ભારે ઉપદ્રવ કર્યો તે, એ સઘળું વારેવારે અનુક્રમે તેના મનમાં રાત દહાડો આવ્યા જ કરતું હતું. રોજ રોજ જ્યારે મધ્ય રાત્રે મનના ઉકળાટથી તથા ઊંઘ ન આવવાથી ઉત્પન્ન થતી અકળામણથી અર્ધો ઊંઘતો, અર્ધો જાગતો સૂતેલો હોય તે વખતે કેશવ તથા ગુણસુંદરી બંને તેની આગળ જાણે ઊભાં રહેતાં, અને જે દુષ્ટ કામોથી તેઓનો પ્રાણ ગયો તેને વાસ્તે તેઓ રાજાને એટલા તો ઠોક પાડતાં કે તેને આખે શરીરે ઝરી છૂટતી; બધું અંગ ઠંડુગાર થઈ જતું; અને શુદ્ધિ આવતાં જે પશ્ચાત્તાપ તથા અંતઃકરણને ભારે કષ્ટ થતું તેની તો કલ્પના જ માત્ર થઈ શકે, એવું મહાભારત દુઃખ તેને સહેવું પડ્યું. અને તેની અસર તેના શરીર તથા મન ઉપર પણ જણાઈ આવી. આગળ તેનું જે બળવાન શરીર હતું તે ધીમે ધીમે ઘસાવા લાગ્યું. તેનું લોહી જે લાલચોળ હતું તે ફિક્કું પડવા લાગ્યું. તેના ગાલ બેસી ગયા. તેની આંખ ઊંડી ખાડામાં પેસવા લાગી. તેનો ચહેરો આગળ જે નિશ્ચિંત તથા હસમુખો હતો તે ઉપર ચિંતા આવી બેઠી, અને તે ઊંડા વિચારમાં પડેલો હોય એમ હમેશાં દેખાવા લાગ્યો. તેની રાણીઓએ તેને અંગમોહથી, ચતુરાઈથી, તથા બાહ્મ વસ્તુઓની સહાયતાથી દિલગીરીમાંથી કાઢવાને ઘણા પ્રયત્નો કર્યા, પણ સઘળા વ્યર્થ ગયા. જે રૂપસુંદરીને વાસ્તે તેના ઉપર આ સઘળું દુઃખ આવી પડ્યું, જેને વાસ્તે તેણે આ લોકમાં અપજશનો ગાંસડો બાંધ્યો, અને પોતાના રાજ્યને તથા શરીરને જોખમમાં નાખ્યું, જે રૂપસુંદરીને વાસ્તે તેણે પોતાના અમર આત્માને અક્ષય દુઃખના ખાડામાં નાખ્યો, અને આ ક્ષણભંગુર જગતમાં હલકી જાતનું અનિશ્ચિત સુખ મેળવવામાં પરલોકમાંના સર્વોત્કૃષ્ટ, અમર્યાદ, અનંતકાળ સુધી પહોંચે એવાં અચળ સુખ ઉપરથી હાથ ઉઠાવ્યો, તે રૂપસુંદરીને પણ એક ખૂણામાં રહેવા દીધી, અને તેની અપ્સરા જેવી કાંતિ તથા પરી જેવા વદનને જોવાથી જે અપાર સંતોષની આશા રાખતો હતો, તે પૂરી ન પડતાં ઊલટી તે નજરે પડતાં જ, બલકે તેનો વિચાર મનમાં આવતાં જ, તેને ઘણો જ સંતાપ ઊપજવા લાગ્છો. હાય હાય ! રૂપસુંદરી ! રાજાની સાથે સમાધાન કરતી વખતે તેણે તને મોટાં મોટાં સુખની જે આશા આપી હતી તથા પોતાની પટરાણી કરવાનું તને જે વચન આપયું હતું તે સઘળું પાણીના પરપોટાની પેઠે ફૂટી ગયું. તું રાજમહેલના એક ખૂણામાં પડી રહી, અને રાજાએ તને ન માની, એટલે આખા મહેલમાં તું શુન્ય જેવી થઈ પડી.

માણસનું મન કેવું ચળ તથા અનિશ્ચિત ! જ્યાં સુધી તેને કાંઈ વસ્તુ મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેનો અતિ ઘણો મોહ રહે છે. તે તેને મેળવવાને તન, મન, અને ધન સઘળું અર્પણ કરવાને તૈયાર થાય છે; અને મળ્યા પછી કેવું જતન કરી તેનો કેવો ઉપયોગ કરીશ, તે વિના મારાથી એક ઘડી પણ જિવાશે નહીં, અને આટલા દહાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય, એવા અનેક વિચાર કરે છે. પણ તે એક વાર મળી એટલે તે તુચ્છ જેવી તેને દેખાય છે, તેની કિંમત પાણીના રેલાની પેઠે ઊતરી જાય છે, અને જે આઘેથી હીરો દખેાતો હતો તે પાસે આવવાથી એક કાચનો કટકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે, અને જેમ એક નાનું છોકરું રડીને એક રમકડું લે છે, અને તે મૂકી બીજાને લેવાનું કરે છે, તેમ તેનું મન તે વાત ઉપરથી બીજી નવી વાત ઉપર દોડે છે. એ પ્રમાણે ફોકટ શ્રમ કરવામાં તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જે સુખ મેળવવાને તેઓ અમૂલ્ય અવતાર અર્પણ કરે છે તે સુખ એક ભૂતના તાપણાની પેઠે આઘું ને આઘું જ જતું જાય છે.

કરણ રાજાને એ પ્રમાણે જ થયું. તેની જિંદગીના રસ્તા ઉપર તોફાન તથા અંધકાર આગળ આવવાનાં છે એમ તે જાણતો ન હતો, તોપણ જેટલું દરદ તેને હમણાં લાગતું હતું તે એટલું તો તીવ્ર હતું કે તે પોતાની જિંદગીથી એ કંટાળી ગયો; અને દુઃખની સામા થવાને તથા પાછું હડસેલવાને જુવાનીમાં જે ગુણ હોય છે તે તેનામાં દબાઈ ગયેલો, તેથી પૂર્વે કેટલાક રાજાઓએ કર્યું હતું તે પ્રમાણે દુનિયાનો ત્યાગ કરી કોઈ પવિત્ર સ્થળે જઈ એકાંતવાસ કરી જગતની ચિંતાથી વિરક્ત થઈને પરમેશ્વરની ભક્તિમાં બાકી રહેલી આવરદા કાઢવાનો તેણે નીશ્ચય કર્યો. પણ હજુ તેનું મન સંસારની માયાની જાળમાંથી છૂટું થયું ન હતું. હજી તે સંસારના મોહથી છેક કાયર થયો નહોતો; હજુ તેના મનમાં રાજપાટ ચલાવવાની, વિષયાદી સુખ ભોગવાની ઈચ્છા પ્રબળ હતી, તેથી દુનિયાનો ત્યાગ તેનાથી થયો નહીં. હમણાંનું દુઃખ જલદીથી જતું રહેશે, આગળ ઘણું સુખ થશે, મનને વિષે જે અંધકાર, હમણાં આવીને ઠસેલો છે, તે વેરાઈ જઈને તયાં ભરપુર અજવાળું પ્રકાશશે એવી તેને આશા હતી, અને એ આશાને જોશી લોક ઉત્તેજન આપતા હતા. તેના મહેલમાં રોજ રોજ જોશીઓનાં ટોળેટોળાં આવતાં હતાં, અને તે લોકોની કમાઈ તે વખતમાં એટલી તો વધી ગઈ હતી કે સઘળાં બ્રાહ્મણો તથા જતિઓનું મન બીજી વિદ્યાઓ પડતી મુકી જ્યોતિષશાસ્ત્રનો થોડોઘણો અભ્યાસ કરવા ઉપર દોડ્યું. તેની જન્મોત્રી જોવાતાં જોવાતાં, તથા ઘણાના હાથમાં જવાથી ફાટીને ચીંથરા જેવી થઈ ગઈ, અને અગર જો કોઈ વૈદ્ય અથવા સુરઈયો તે ફાટેલા કાગળને વાસ્તે એક પૈસો આપતાં પણ આંચકો ખાય, તોપણ જોશીઓએ સ્વાર્થ રૂપી ચશ્માં તેઓની આંખે પહેરેલાં તેથી તેઓને તો તે ચીંથરિયા કાગળના કટકામાં કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ, રાજા કરણ જેટલી ઉદારતા, રાજા વિક્રમ જેટલો પરોપકાર, યુધિષ્ઠિર જેટલી સત્યતા, ભીમ જેટલું અંગબળ, અર્જુન જેટલું પરાક્રમ દેખાતું હતું. જ્યારે ઘણા માણસો એકની એક જ વાત એક માણસને કહ્યાં કરે ત્યારે તે છેતરાઈને સાચું માને એમાં કાંઈ ઘણું આશ્ચર્ય નથી. દુનિયામાં ઘણી વાતો ઘણાના કહેવા ઉપરથી જ સાચી મનાય છે, ત્યારે જેઓ જ્યોતિષશાસ્ત્ર સાચું મને, તેઓ આવા આધાર ઉપરથી કહેલી વાત સહેલાઈથી માન્ય કરે એમાં શી નવાઈ ? વળી જે વાત આપને અનુકૂળ હોય તથા માનવી ગમે તે ઉપર, પ્રતિકૂળ તથા માનવાને અણગમો થાય એવી વાત કરતાં આપણો વધારે જલદીથી વિશ્વાસ બેસે છે. તેથી કરણ રાજાએ જોશીઓના કહેવા ઉપર ભરોસો રાખ્યો, તથા તેઓનાં વચન સાચાં માનને ખોટી આશાથી તેણે પોતાના મનને દિલાસો આપ્યા કર્યો, અને મહારણમાં થાક તથા તરસથી કષ્ટાતો મુસાફર મૃગજળ જોઈને પાણીની આશા રાખી ચાલ્યો જ જાય છે, તેમ કરણ રાજાએ આગળ ઉપર સારાની ઉમેદ રાખી સંસાર રૂપા પ્રવાસમાં શાંત મનથી ચાલવાનો નિશ્ચય કર્યો.

પણ કરણના અંતફકરણમાં પશ્ચાત્તાપનો કીડો હજી જીવતો હતો તે તેને નિરંતર કોતરી ખાતો હતો, તથા દુષ્ટ કર્મનો અગ્નિ તેનામાં હોલઈવાયો ન હતો. તે તેના શરીરને બાળ્યા જ કરતો હતો. તેનો ઉપાય જોશીઓના હાથમાં ન હતો. જોશીઓનું કામ ભવિષ્યકાળને લગતું હતું, વર્તમાન કાળને લગતું ન હતું, તેથી જોશીઓ સિવાય બીજા લોકોનું પણ તેને કામ પડ્યું. દરરોજ પુરાણીઓ એના જેવી અવસ્થામાં આવી પડેલા તથા તયાર પછી સુખી થયેલા રાજાઓની કથા કરી દૃષ્ટાંત રૂપી ઉપદેશ આપી દિલાસો આપતા હતા. પવિત્ર વેદના શબ્દ કાને જ માત્ર પડે તો તેથી અઘોર પાપ સુકા વાંસની પેઠે બળી જાય, તથા મુક્તિ થાય, એવો ભરોસો આપીને વેદિયા બ્રાહ્મણો તેના મહેલમાં વેદનાં પારાયણ કરતા હતા. શાસ્ત્રી લોકો બ્રહ્મહત્યા સુધીનાં પાપનાં જુદાં જુદાં પ્રાયશ્ચિતો બતાવી તે પ્રમાણે રાજા પાસે કરાવી ઘણા પૈસા તેની પાસેથી કઢાવતા હતા. ગૌદાન, પ્રાજાપત્ય, આદિ બીજી ઘણી દક્ષિણા બ્રાહ્મણોને મળવા લાગી. એટલું કર્યા છતાં પણ રાજાને શાંતિ થઈ નહીં તેથી ધીમે ધીમે તેના વિશ્વાસ શાસ્ત્રના ઉપાયો ઉપરથી ઊઠવા લાગ્યો. તે જોઈને બ્રાહ્મણો ઘણા ગભરાયા, અને આવો વખત જતા રહેશે તો ફરીથી પાછો આવવાનો નથી, એમ જાણીને તેઓ ઘણા ચિંતાતુર થયા. તે વખતે થોડાક વૃદ્ધ બ્રાહ્મણો રાજા પાસે ગયા, અને જે જે ક્ષેત્રો તથા પવિત્ર સ્થળો શાસ્ત્રમાં કહેલાં છે તથા લોકોમાં મનાય છે તે સઘળાંનાં માહાત્મ્ય કહી સંભળાવ્યાં, અને અંતે એવું કહ્યું કે ‘‘કાશી ગયા, પ્રયાગ વગેરે બીજાં ક્ષેત્રો તો ઘણાં દૂર પડ્યાં, અને ત્યાં આપ જેવા રાજાઓથી જવાય એવું નહીં, તેથી આપણા રાજ્યમાં તથા પાડોશમાં સરસ્વતીને કાંઠે શ્રીસ્થળ (સિદ્ધપુર) ક્ષેત્ર છે તેનો મહિમા ઘણો છે, માટે ત્યાં જઈ સરસ્વતીમાં સ્નાન કરવું, અને દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરી રુદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવાં, એટલે દેહનું સાર્થક થશે, તથા મુક્તિનું સાધન મળશે એટલું જ નહીં પણ હાલમાં આપના મન વિષે જે ઉકળાટ છે તે શાંત થઈને સ્વચ્છ તથા નિર્મળ થશે. થોડી વાર રાજ્યધાનીની બહાર જવાથી રાજ્યને કાંઈ નુકસાન થવાનું નથી. માટે અમારી સલાહ જો માન્ય કરો તો શ્રીસ્થળની યાત્રાએ જાઓ. યાત્રાઓમાં દેવદર્શનથી જે લાભ થાય છે તે એક કોરે મૂકીએ તોપણ તેથી મન ઉપર ઘણી સારી અસર થાય છે. જુદી જુદી યાત્રાઓના મહીમા યાત્રાળુ લોકોએ સાંભળ્યાં હોય તેથી તેઓને આગળથી જ નક્કી હોય છે કે તયાં જવાથી આપણાં સઘળાં પાતકોનો નાશ થશે, અને જ્યારે એ મનને નિશ્ચય હોય ત્યાં ગયા પછી શાંતિ થયા વિના રહેતી જ નથી. કલ્પનાની મન તથા શરીર ઉપર ઘણી સત્તા છે. ઘણી જોરાવર કલ્પનાથી ન હોય એવી વસ્તુઓ જોવામાં, તથા ખોટા અવાજ આપણા સાંભળવામાં આવે છે. તેથી સઘળી જ્ઞાનેંદ્રિયો છેતરાય છે, તથા આખા જગતમાં નાના પ્રકારના વહેમ તથા ખોટા વિચાર ચાલે છે, કલ્પનાથી જ માણસ વખતે ઘેલો થઈ જાય છે, અને કલ્પનાની સત્તા વડે જ તે બેશુદ્ધ થઈ નિદ્રાવસ્થામાં પડે છે. એ સિવાય કલ્પનાની શક્તિ બીજી ઘણી રીતે ચાલે છે. માટે જો શ્રીસ્થળના મહિમા ઉપર પુરો ભરોસો રાખી ત્યાં જશો તો કલ્પનાની સત્તા વડે જ મનની શાંતિ થશે. વળી જગાના ફેરફારથી પણ ઘણું કાર્ય થાય છે. જો શરીરના રોગી લોકોને જગાફેર થવાથી ઘણી વાર આરામ થાય છે તો મનના રોગીઓનું દુઃખ તેમ કર્યાથી શા માટે નિવારણ નહીં થાય ? વળી જેઓને પશ્ચાત્તાપની મહાપીડા નડે છે, તેઓને જગા બદલવાથી ઘણો ફાયદો થયા વિના રહેતો નથી. જગતમાં જે જે વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, તેની પ્રતિમા આપણા સ્મરણ સંગ્રહસ્થાનમાં રહેલી હોય છે. પણ ત્યાં તેઓ એકલી હોતી નથી. હરેક પ્રતિભાને વીંટળાયેલી કેટલીક હકીકત હોય છે, તે સુખદાયક અથવા દુઃખદાયક હોય તોપણ જ્યારે વિચારશક્તિ વડે તેઓમાંથી એક પ્રતિમા તે સંગ્રહસ્થાનમાંથી બહાર નીકળે છે એટલે તેને લગતી હકીકત પણ તેની સાથે એકદમ બધી ધસી આવે છે. જ્યારે પરદેશમાં સ્વદેશ યાદ આવે ત્યારે તેની સાથે આપણાં માબાપ, સગાંવહાલાં, ઓળખીતા લોકો, મિત્રો, આપણો નાનપણનો વખત, તેની ખુશી, જુવાનીનો વખત, તેમાં ભોગવેલાં સુખ, એ વગેરે હજારો વાતો તેની સાથે ધસી આવે છે; અને તેમાંની કેટલીકથી આપને સુખ અને કેટલીકથી દુઃખ ઉત્પન્ન થાય છે. તેમ જ માણસે જ્યાં ખૂન કરેલું હોય ત્યાં તે રહે તો તે જગા ઉપરથી જ ખૂન વિષેના ભયંકર વિચારો તેના મનમાં નિરંતર આવ્યા કરે; અને તેથી તેને જરા પણ સુખશાતા વળે નહીં. એથી ઊલટું તે જો તે જગા છોડીને બીજે ઠેકાણે જાય તો ત્યાંની નવી વસ્તુઓની પ્રતિમા તથા તેઓની સાથેની નવી હકીકતો સ્મરણસ્થાનમાં આવી ભરાય, અને તેમ છતાં નીચે દબાયેલી પ્રતિમાઓને ઉપર આવવાનું કઠણ પડે, તેથી તેઓ કોઈ કોઈ વાર જ નીકળી આવી તેને .પદ્રવ કરે. એવી રીતે નવી પ્રબતિમાઓનો સંગ્રહ વધારે થવાથી જૂની ઉપર ભાર વધારે થાય, અને તેઓ વધારે દબાતી જાય, અને તેનું પરિણામ એ થાય કે મનને વધારે સુખ તથા શાંતિ થતી જાય. એવું જગા બદલવાનું માહાત્મ્ય છે. વળી પ્રાચીન કાળના મહર્ષિઓએ જે જે ક્ષેત્ર તથા યાત્રાનાં તીર્થ પસંદ કરેલાં છે તે રમણીય તથા ચિત્તાકર્ષક સ્થળ જોઈને જ કરેલાં છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ થયેલી નદીઓ ઉપર જે જે જગા છે તેઓમાંથી કેટલીકમાં યાત્રા ભરાય છે. સૃષ્ટિમાં જે સઘળી વસ્તુઓ છે તેમાં નદીઓ ઘણી જ ચમત્કારી છે. વરસાદનું પાણી કોઈ ડુંગરના પોલાણમાં એકઠું થઈ તેમાંથી ઊભરાઈને વહે, અને તે ધીમે ધીમે મોટી થઈ આગલ ચાલે, તથા લાખો લોકોના પ્રાણનો આધાર થઈ પડે છે, તે જોવાથી માણસનું મન ઘણું વિસ્મિત થાય છે. નદીથી તેના કાંઠા ઉપરનાં શહેરના લોકોને પાણી પૂરું પડે છે, તથા આસપાસનાં ખેતરોમાં પાણી સિંચાય છે એટલું જ નહીં, પણ હિંદુ લોકોને અને ખાસ કરીને બ્રાહ્મણોને સ્નાનસંધ્યાદિ કર્મો કરવાને તે ઘણી કામની થઈ પડે છે. વળી મોટાં વહાણ ચાલે એવી નદીઓથી વ્યાપારની વૃદ્ધિ થઈ તે ઉપરનાં શહેરોની આબાદીમાં વધારો થાય છે, તથા એક સ્થળની નવાઈની તથા વધારાની જણસો બીજે સ્થળે લઈ જઈ શકાય છે. નદીના જુદા જુદા ઘાટ આગળ ઘણા લોકો નહાતા હોય, ઘણી સ્ત્રીઓ પાણી ભરતી હોય, કેટલીક સ્ત્રીઓ લૂગડાં ધોતી હોય, કેટલાક બ્રાહ્મણો સાંજ સવાર સંધ્યાદિ કર્મો કરતા હોય, તે વખતે કાચ જેવા નિર્મલ પાણી ઉપર પવનની લહેરથી નાનાં મોજાં થતાં હોય, સામા કાંઠા ઉપર જાડો હોય, વચમાં હોડીઓ તથા વહાણો ખલાસી સહિત ડોલતાં હોય, તે જોઈને મનને શાંતિ તથા આનંદ ઊપજે છે વળી નદીને જોવાથી માણસને તેઓ સંસાર યાદ આવે છે. જેમ નદી પહાડમાંથી નીકળતી વખતે નાની હોય છે તથા બહાર પડ્યા પછી થોડેક સુધી તે ફૂલોમાં તથા કાંકરામાં રમતી જાય છે, તેમ માણસ બાલ્યાવસ્થામાં હોય છે. નદી આગળ ચાલ્યા પછી તેમાં બીજી નદીઓ આવી મળે છે, તેમ માણસો મોટા થયા પછી ઘણા જોડે સંબંધ બાંધે છે. નદી વધારે આગળ ચાલ્યા પછી એટલી મોટી થાય છે કે તે ઘણાં માણસોને ઘણી અગત્યની થઈ પડે છે, તથા તે ઉપર વહાણો ફરવાથી વ્યાપાર ચાલે છે તથા માણસના સુખને તથા શોખને વાસ્તે જે વસ્તુઓ જોઈએ તે સઘળી પૂરી પાડે છે, તેમ માણસ ભરજુવાનીમાં બીજાઓને ખપ લાગે છે તથા ભારે ભારે કામો માથે લે છે. અને નદી જેમ છેલ્લી વારે અમર્યાદ સમુદ્રને મળી જાય છે, તેમ માણસ પણ અંતે લય પામી તેનું અંતવાન આયુષ્ય અનંતકાળ સાથે મળી જાય છે. માટે નદીઓ જોયાથી માણસની જિંદગી ઉપર તેનો વિચાર દોડે છે, તથા પરમેશ્વરના એક મોટા કામ આગળ શૂન્ય જેવો તે થઈ જાય છે. કેટલાંક તીર્થ મોટી ઝાડી તથા મહા વનમાં હોય છે, ત્યાં ઝાડોની ઘટામાં એકાંતપણાનો વાસો હોય છે. વળી એવે કેટલેક ઠેકાણે મોટા મોટા પર્વતો હોય છે. એવી રળિયામણી જગામાં કોના મનમાં ભક્તિ આવ્યા વિના ન રહે ? જ્યાં ઈશ્વરે બહોળે હાથે પોતાની ઉદારતા વાપરેલી છે, જ્યાં જગત્‌કર્તાનાં મોટાં કામો માણસનાં હલકાં તથા નબળાં કામોની જાણે મશ્કરી કરતાં હોય એમ લાગે છે, જ્યાં ઘણી તરેહની સૃષ્ટિની શોભા એકઠી મળેલી હોય છે, જ્યાંની ભૂમિ એવી તો પવિત્ર તથા દેવતાઈ જણાય છે કે ત્યાં કાંઈ દુષ્ટ કામ કરતાં જ માણસને ત્રાસ લાગે છે, તથા જેનો નમૂનો લઈ પૃથ્વી ઉપરના કેટલાક જંગલી લોકોએ પોતાનું સ્વર્ગ કલ્પેલું છે, એવાં રમીય તથા પવિત્ર સ્થળોમાં માણસને પોતાનું તુચ્છપણું તથા હલવાઈ સમાજાય, પોતાના કરતાં અતિ ઘણી બળવાન કોઈ બીજી શક્તી છે એમ તે જાણે, તથા તે શક્તિ આગળ નમ્રતા પકડી તેને નમીને તેને પોતાનો દેહ તથા આતમા સોંપે, તેની બેહદ સ્તુતિ કરે, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી ભક્તિમાં વધારો કરે, તથા જે થાય છે તે તેની ઈચ્છાથી જ થાય છે એમ ખાતરી કરી ધૈર્ય તથા શાંતિ મનને વિષે રાખે, એમાં કાંઈ આશ્ચર્ય નથી.’’ ઘરડા બ્રાહ્મણોએ ઉપર પ્રમાણે યાત્રાનો મહિમા રાજા આગળ કહી સંભળાવ્યો.

ઉપલી સઘળી વાત સાંભળીને કરણના મત ઉપર ઘણી અસર થઈ, અને તે જ વખતે સિદ્ધપુરની જાત્રાએ જવાની તૈયારી કરવાનો હુકમ કર્યો. બેત્રણ દહાડા પછી થોડાંક માણસ લઈ તથા કાંઈ પણ ધામધુમ કર્યા સિવાય રાજા કરણ સિદ્ધપુર જવાને નીકળ્યો. સિદ્ધપુરમાં ઘણાં શૈવ તથા જૈન દેવસ્થાનો હતાં. તેઓમાં શૈવ દેવસ્થાનો ઉપર ધજા ચઢતી, પણ કેટલાંક વર્ષ થયાં જૈન દહેરાં ઉપર ધજા ચઢાવવાની મના થયેલી હતી, તે છતાં પણ જ્યારે મોતીશાને દિલ્હીથી પાછા આવ્યા પછી કારભાર મળ્યો ત્યારે તેની હિમાયત ઉપરથી, તથા તેની છાની ઉશ્કેરણીથી તેઓના ઉપર ધજા ચઢાવવા માંડી,. આ જોઈને બ્રાહ્મણોને ઘણો જ ક્રોધ ચઢ્યો ને તેઓએ એ બાબત રાજાની આગળ ફરિયાદ કરી, પણ મોતીશાએ યુક્તી કરી તેઓનું કાંઈ ચાલવા દીધું નહીં. રાજા હવે તેમના ગામમાં આવ્યો, અને તેમનું હવે નક્કી કામ પડશે એવું તેઓએ ઠરાવ કર્યો કે જ્યાં સુધી રાજા જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઊતરાવે નહીં ત્યાં સુધી તે સવા લાખ સોનાની મહોર દક્ષિણા આપે તોપણ કોઈ રીતની ક્રીયા તેઓએ તેને કરાવવી નહીં. બીજે દહાડે સરસ્વતી નદીમાં સ્નાન કરી દેહશુદ્ધ પ્રાયશ્ચિત કરવાનો રાજાનો મનસુબો હતો, અને તે કારણસર તેણે ગામના મુખ્ય બ્રાહ્મણોને બોલાવ્યા, અને તેઓની આગળ પોતાનો વિચાર કહ્યો. બ્રાહ્મણોએ દૃઢતાથી જવાબ દીધો કે શૈવમાર્ગી રાજાના રાજ્યમાં જૈન ધર્મવાળાઓએ પોતાનાં દેવસ્થાનો ઉપર હુકમથી ઊલટા ચાલીને ધજા ચઢાવી છે તે ઊતરાવવાને અમે ફરિયાદ કરી, પણ તમારા જૈન મંત્રીની સલાહથી તમે અમારી વાત ઉપર ધ્યાન આપ્યું નહીં, માટે જ્યાં સુધી અમારી વિનંતી કબૂલ કરવામાં આવશે નહીં ત્યાં સુધી અમારામાંથી એકપણ આપને કોઈ જાતની ક્રિયા કરાવશે નહીં.

બ્રાહ્મણોનું આવું બોલવું સાંભળીને રાજા ઘણો કોપાયમાન થયો, અને તેણે બ્રાહ્મણોને અપમાન કરી કાઢી મુક્યા. પછી એ સઘળી હકીકત તેણે મોતીશાને કહી. તે વખતે મોતીશાએ જોયું કે હવે લાગ આવ્યો, એમ જાણીને તેણે બ્રાહ્મણો ઉપર જુલમ કરવા માંડ્યો, તથા તેઓનાં દેવસ્થાનના અંગના હક્ક ખોટા કરવા તરફ લક્ષ લગાડ્યું. એ જ વખતે તેણે રાજાને જૈન માર્ગમાં લાવવાને ઘણા પ્રયત્નો કર્યો, તથા સઘળે ઠેકાણેથી ઘણા પ્રવીણ જતિઓને બોલાવી મંગાવ્યા. તેઓએ વાદવિવાદ કરી તથા બંને ધર્મનો મુકાબલો રાજા આગળ કરી દેખાડી તેને આદીનાથનો ભ્કત કરવાને ઘણો શ્રમ કર્યો, પણ રાજામાં ધર્મ સંબંધી જુસ્સો થોડો હતો, તથા તેણે એકતરફી સઘળી વાત સાંભળી હતી, તેથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. જ્યારે જતિઓએ તેનું માથું ઘણું ફોડાવ્યું ત્યારે તેણે બંને પક્ષોના ભણેલા લોકોની સભા કરી વાદવિવાદ કરવાનો વિચાર જણાવ્યો, તે તેઓએ કબુ કર્યું, પછી ગામમાંના સઘળા બ્રાહ્મણોને સભામાં આવવાનાં નિમંત્રણ દીધાં, અને મુકરર કરેલ દહાડે ઘણા બ્રાહ્મણો તથા જતિઓ એકઠા થયા. રાજા એક ઊંચા આસન ઉપર બેઠો. મોતીશા તથા બીજા મોટા કારભારીઓ તેની પાસે હારબંધ બેઠા, અને રાજાની સાથેના તથા ગામમાંના બીજા લોકો પાછળ ઊભા રહ્યા. સઘળા બેઠા પછી એક જતિએ બ્રાહ્મણોને કહ્યું કે - કુમારપાળ રાજાના વખતમાં જે વાત બની હતી તે તમને સાંભરતી નથી ? નહીં સાંભરતી હોય તો હું તમને કહી સંભળાવું. બ્રાહ્મણોએ કાંઈ ઉત્તર વાળ્યો નહીં, તેથી જતિ બોલ્યો :

‘‘એક દહાડે કુમારપાળ રાજા પાલખીમાં બેસીને ચૌટામાંથી જતા હા ત્યારે તેને હેમાચાર્યનો શિષ્ય મળ્યો, તેને તેણે પુછ્યું કે આજે શી તિથિ છે ? તે દહાડે ખરેખરી અમાસ હતી, પણ શિષ્યથી ભૂલથી કહેવાઈ ગયું કે મહારાજ ! આજે પૂનમ છે. તે વખતે કેટલાક બ્રાહ્મણો તે રસ્તે થઈને જતા હતા તેઓએ એ જવાબ સાંભળ્યો, અને ખડખડ હસી પડી તે શિષ્યની મશ્કરી કરી બોલ્યા કે, આ બોડકો શું જાણે ? આજે તો અમાવાસ્યા છે. કુમારપાળે આ વાત સાંભળીને ઘેર જઈને હેમાચાર્યને બોલાવ્યા. પેલો શિષ્ય તેના અપાસરામાં જઈ પહોંચ્યો ત્યારે તે ઘણો શરમાયો, તથા ખેદ પામ્યો. આચાર્યે તેને પૂછ્યું કે શું થયું છે ? તે ઉપરથી તેણે તેની આગળ સઘળી વાત કહી, ત્યારે આચાર્યે તેને કહ્યું કે એ વાતમાં તારે કાંઈ ચિંતા રાખવી નહીં. રાજાના માણસો સાથે તે મહેલમાં ગયો. કુમારપાળે પૂછ્યું કે આજે શી તિથિ છે ? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમાવાસ્યા; પણ હેમાચાર્યે કહ્યું કે પૂર્ણિમા. બ્રાહ્મણોએ કહ્યું કે રાત્રે જણાશે. જો પૂનમ હશે તો પૂર્ણ ચંદ્ર દેખાશે, અને એમ થાય તો સઘળા બ્રાહ્મણોએ રાજ્ય છોડી જતા રહેવું, પણ જો ચંદ્ર ન ઊગે તો જતિઓને દેશનિકાલ કરવા. હેમાચાર્યે એ વાત કબુલ કરી, અને પોતાને અપાસરે ગયો. તેને એક દેવીનું સાધન હતું તેની તેણે આરાધના કરી, અને તે દેવીની યુક્તિથી સઘળાની નજર બંધાઈ તેથી પૂર્ણિમાનો ચંદ્ર ખરેખરો ઊગ્યો હોય એમ સઘળાએ જોયું. બ્રાહ્મણો હાર્યા, અને તેઓને દેશનિકાલ કરવાનો હુકમ થયો.’’

જતિએ આ વાત કહી એટલે એક બ્રાહ્મણ બોલ્યો કે જ્યારે પર્વાર્ધ કહ્યો ત્યારે ઉત્તરાર્ધ શા માટે કહેતા નથી ? જો તમારી કહેવાની ખુશી ન હોય તો સઘળા સભાસદોને હું કહી સંભળાવું : - ‘‘તે વખતે દેવબોધી આચાર્યને પાટણમાં બ્રાહ્મણો બોલાવી લાવ્યા. સારે કુમારપાળ રાજાએ બ્રાહ્મણોને બોલાવી મંગાવ્યા. અને રાજ્યની બહાર જવાનો હુકમ કર્યો. તે વખતે દેવબોધી આચાર્ય આગળ પડી બોલ્યા કે કોઈને રાજ્ય બહાર કાઢી મુકવાની શી જરૂર છે ? આજે નવ કલાકે મહાસાગર પોતાની મર્યાદા છોડીને આખા દેશ ઉપર ફરી વળશે. એ સાંભઈીને રાજાએ હેમાચાર્યને બોલાવ્યા, અને પૂછ્યું કે બ્રહ્મચારી કહે છે કે જળપ્રલય થનાર છે તે ખરું છે કે નહીં ? હેમચાર્યે કહ્યું કે જળપ્રલય કદી થનાર નથી, અને જગતને આરંભ નથી માટે લય પણ નથી. દેવબોધી આચાર્યે કહ્યું કે ઘડી મૂકો, અને શું થાય છે તે જુઓ. ત્રણે જણા ઘડીની પાસે બેઠા. જ્યારે નવ કલાકની તૈયારી થઈ તયારે તેઓ મહેલની પહેલી મેડી ઉપર ચઢ્યા, અને પશ્ચિમ તરફની બારીમાંથી જોયું તો દરિયાનાં મોજાં તેઓની તરફ જલદીથી આવતાં દીઠાં. મોજોં આગળ આવતાં જ ગયાં, તે એટલે સુધી કે શહેરનાં સઘળાં ઘરો પાણીમાં ગરક થયાં. રાજા તથા બંને આચાર્યો ઉપર જતા ગયા, પાણી પણ તેમ જ ચઢતું ગયું; જ્યારે તેઓ છેલ્લી અથવા સાતમી મેડી ઉપર ગયા અને નીચે જોયું તો આખું શહેર, ઊંચામાં ઊંચાં ઝાડ, તથા ઊંચા દહેરાંના શિખરો ડુબી ગયેલાં દીઠાં અને પાણીનાં મોજાં સિવાય કાંઈ બીજું દેખાયું નહીં. કુમારપાળ રાજાએ ઘણો ભય પામીને દેવબોધી આચાર્ય તરફ જોયું, અને પૂછ્યું કે બચવાનો હવે કોઈ રસ્તો છે કે નહીં ? તે બોલ્યો કે પશ્ચિમ તરફથી એક હોડી આવશે તે આ બારી પાસે થઈને જશે. જે તેમાં જલદીથી કૂદી પડશે તે બચશે. તે ત્રણે જણાએ પોતપોતાની કમર બાંધી અને હોડીમાં જલદીથી કૂદી પડવાની તૈયારી કરી. એટલામાં આઘે એક હોડી દેખાઈ. તે પાસે આવતી ગઈ, તે વખતે દેવબોધી આચાર્યે રાજાનો હાથ પકડ્યો; અને કહ્યું કે હોડીમાં ઊતરવાને આપણે એકબીજાને સહાય થવું જોઈએ. હોડી બારી આગળ આવી ત્યારે રાજાએ તેમાં કૂદી પડવાનું કર્યું, પણ સ્વામીએ તેને પાછળ ખેંચી લીધો. હેમાચાર્યે બારીમાંથી છલંગ મારી; પણ દરિયો તથા હોડી એ બંને ખોટાં હતાં, તેથી આચાર્ય નીચેની ફરશબંધી ઉપર પડ્યો અને તેના કટકે કટકા થઈ ગયા. પછી હેમાચાર્યના શિષ્યોને કતલ કર્યા, અને રાજા કુમારપાળ સ્વામીનો ભક્ત થયો.’’

એ બંને વાત સાંભળી કરણ રાજા બોલ્યો : ‘‘બંને પક્ષવાળા સમાન થઈ રહ્યા. બલકે હેમાચાર્યના કરતાં દેવબોધી આચાર્યે વધારે પરાક્રમ કર્યું, તથા વધારે ચમત્કાર કરી દેખાડ્યો.’’ તે ઉપરથી બ્રાહ્મણો બોલ્યો : ‘‘રાજાધિરાજા ! જગતમાં અસલ દેવધર્મ હતો. વેદ અનાદિ છે, તથા તેમાં જે લખેલું છે તેમાં કોઈ માણસથી ચૂક કાઢી શકાતી નથી. જ્યારે વેદના ગુહ્યાર્થ સમજવા કઠણ પડ્યા, ત્યારે તે ઉપર ભાષ્ય, ટીકા, મહર્ષિઓએ કરી. પછી વેદ ઉપરથી ધર્મ તથા ક્રિયા બતાવી આપવાને છ શાસ્ત્ર થયાં. પેહલાં તો એ મીમાંસા રચાઈ. પ્રથમ એટલે પૂર્વમીમાંસા જૈમિનીએ રચી, તેમાં વેદોક્ત કર્મો કરવાથી સ્વર્ગસુખ મળે છે માટે યજ્ઞાદિ કર્મ કરવાં એ બતાવ્યું છે. ઉત્તરમીમાંસા વ્યાસે રચી તેમાં અધ્યાત્મજ્ઞાન છે. નયાય ગૌતમે રચયો, તેમાં ન્યાયશાસ્ત્ર લખેલું છે. કણાદનું તર્કશાસ્ત્ર તેમાં જગતની ઉત્પત્તિ પરમેશ્વરે પરમાણુથી પોતાની ઈચ્છા વડે કરી છે એમ બતાવ્યું છે. કપિલમુનિનું નિરીશ્વરી શાસ્ત્ર તથા પતંજલિનું ઈશ્વરી શાસ્ત્ર, એ બંને છેલ્લાં કહેલાં શાસ્ત્રનું નામ સાંખ્યશાસ્ત્ર છે. એ છ શાસ્ત્રોમાંથી ગૌત્તમના ન્યાયશાસ્ત્રમાં તથા કણાદની તેની શાખામાં નિરીશ્વરી મત દેખાડેલો છે. કપિલના સાંખ્યશાસ્ત્રમાં પરમેશ્વરને કબૂલ રાખેલો નથી, તથા પતંજલિએ એવો અભિપ્રાય આપ્યો છે કે પ્રકૃતિ અનાદિ છે. બુદ્ધ જેણે બૌદ્ધ ધર્મ પ્રવર્તાવ્યો તેની મરજી હિંદુ ધર્મમાં સુધારો કરવાની હતી, પણ પોતાની કીર્તિ પાછળ કાયમ રાખવાને તેણે નવો માર્ગ ચલાવ્યો. તેણે પહેલાં તો અનાદિ વેદની સત્યતા અને સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કરી તે પ્રમાણે નિરીશ્વરી મત ચલાવ્યો. તેના શિષ્યો ઘણું કરીને આખા હિંદુસ્થાનમાં વધી ગયા, અને કેટલીક વાર સુધી એવી ધાસ્તી રહી કે વેદધર્મ દુનિયામાંથી ડૂબી જાશે. પણ ઈશ્વરે તે વખતે કુમારિલ ભટ્ટાચાર્ય, ઉદયનાચાર્ય તથા શંકરાચાર્યને મોકલ્યા. તેમણે આખા ભરતખંડમાં ફરી, બૌદ્ધ ધર્મના ઘણા જ વિદ્વાન પંડિતો સાથે વાદ ચલાવી, તેઓનો મત ખંડન કર્યો. ઉદયનાચાર્યકૃત બૌદ્ધ ધર્મખંડન પુસ્તક અદ્યાપિ છે. તેઓે હિંદુ ધર્મને પાછો જીવતો કર્યો. બૌદ્ધ ધર્મમાંથી સેંકડો વર્ષ પછી જૈન શાખા નીકળી. એ જૈન તથા બૌદ્ધ માર્ગમાં થોડોઘણો ફેર છે; પણ તે બતાવી આપવાનું આ ઠેકાણે ફળ નથી. હિંદુ ધર્મ અને જૈન ધર્મ એ એમાં કેટલું મળતાપણું તથા જુદાઈ છે, તે મારા અલ્પ જ્ઞાન પ્રમાણે હું દેખાડી આપીશ.

જૈન લોકો માને છે કે પરમેશ્વર છે જ નહીં, અથવા હોય તો તેનામાં કામ કરવાની અથવા જગત ચલાવવાની શક્તિ નથી. તેઓ માને છે કે પદાર્થ અનાદિ છે. તેઓના ઋષિઓને તેઓ ઈશ્વર જેવા માને છે. હરેક પ્રાણીને જીવતું રાખવાને ઘણી સંભાળ રાખે છે. તેઓના જતિનું કામ વંશપરંપરા ઊતરતું નથી. વેદ ઈશ્વરની તરફથી આવેલા છે એમ તેઓ મનતા નથી, તેઓ બલિદાન કરતા નથી, તથા અગ્નિને માનતા નથી. અને તેઓ માને છે કે શાંતિ રાખી એકાગ્ર ચીત્તે ધ્યાન ધરવું એ જ સર્વોત્કૃષ્ટ સુખ છે. તેઓમાં પણ હિંદુઓની પેઠે જ્ઞાતિભેદ છે. અગર જો વેદને તેઓના ધર્મનો પાયો તેઓ સમજતા નથી, તોપણ તેઓમાંથી જે વાત તેઓના ધર્મથી વિરુદ્ધ હોતી ની તેને તેઓ ઘણું માન આપે છે. વેદમાં પશુનો વધ કરવાની આજ્ઞા આપેલી છે, તથા પ્રાણી સિવાયનાં બલિદાનમાં પણ અજાણતાં જીવહિંસા થયા વિના રહે જ નહીં, એટલી જ વેદ સામે તેઓની મુખ્ય હરકત છે. તેઓ હિંદુઓના સઘળા દેવતાઓને કબુલ રાખે છે, અને તેઓમાંના કેટલાને પૂજે છે, પણ તેઓને પોતાના ઋષિઓથી ઊતરતા ગણે છે, અને તે ઋષિઓને સૌથી વધારે માન આપે છે. એ ઋષિઓએ તપશ્ચર્યા કરી દેવતાઓની ઉપર શ્રેષ્ઠતા મેળવેલી છે, એમ તેઓ ગણે છે. તેઓને તીર્થકર કહે છે. તેઓ આ યુગના ચોવીશ, પાછલા યુગના ચોવીશ, અને આવતા યુગના ચોવીશ છે. તેઓમાંથી કેટલીક જગાએ રિશોબા એટલે આ યુગનો પહેલો તીર્થકર ઘણો મનાય છે, પણ સઘળે ઠેકાણે ત્રેવીશમો પારસનાથ તથા ચોવીશમો મહાવીર એ બંને ઘણા પૂજાય છે. હિંદુઓના દેવોની હકીકતમાં તથા તેઓની પદવીમાં જૈન લોકોએ કેટલોક ફેરફાર કર્યો છે. તેઓ ઘણા દેવોને માનતા નથી, તથા તેઓની કુલ સંખ્યામાં વધારો કર્યો છે. ઉદાહરણ, તેઓ ચોસઠ ઈનદ્ર તથા બાવીસ દેવીઓને માને છે.’’

બ્રાહ્મણની ઉપલી વાત સાંભળી એક જતિ બોલ્યો : ‘‘એ સઘળું તો ઠીક છે, પણ આપણા બંને ધર્મમાં મુખ્ય તફાવત તો એટલો જ કે પરમેશ્વરે કોઈ કાળે સૃષ્ટિ ઉત્પન્ન કરેલી છે એમ તમે માનો છો; સૃષ્ટિ કોઈ કાળે પણ પેદા થયેલી નથી, પણ પદાર્થ અનાદિ છે, એમ અમે માનીએ છીએ. હવે એ બે મતમાંથી ક્યો ખરો છે તેનો નીશ્ચય કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ બનાવ્યા વિના પોતાની મેળે પેદા થતી નથી, એવો લકોમાં વિચાર ચાલી રહેલો છે. એક પથ્થરનું પૂતળું જોઈને સહેજે વિચાર ઉત્પન્ન થાય છે કે તેને કોઈ વખત પણ કોઈએ બનાવ્યું હશે. જ્યારે કોઈ ઉજ્જડ દેશમાં આપણે જઈએ, અને ત્યાં એક ભાંગેલું-તૂટેલું ઘર આપણા જોવામાં આવે તો આપણે તે ઉપરથી અનુમાન કરીએ છીએ કે કોઈ માણસે તે બાંધ્યું હશે, અને કોઈ કાળે આ ઠેકાણે માણસ રહેતું હશે. અગર જો એ વાત ખરી છે કે કોઈ કોઈ વખત અકસ્માત્‌ કેટલાક પદાર્થના સમાગમથી એક નવો પદાર્થ બને છે, જેમ કે મટોડી તથા બીજા કેટલાક પદાર્થો એકઠા મળી તેઓના ઉપર પાણીની ક્રિયા લાગ્યાથી તેના જુદી જુદી આકૃતિના તથા મહત્વના પથ્થરો બને છે ખરા, તોપણ જે વસ્તુઓની બનાવટમાં સંકેત માલુમ પડે તે વસ્તુઓ અકસ્માત્‌ કોઈના બનાવ્યા સિવાય થયેલી છે એમ માનવું મુશ્કેલ પડે છે. ઘરો જેના જુદા જુદા ભાગ જોવાથી ખાતરી થાય છે કે તેઓ માણસને રહેવા સારુ બનાવેલાં છે; વહાણો જેને તપાસવાથી જણાય છે કે તેઓને પાણી ઉપર તરવાને યોગ્ય કરેલાં છે; તથા તેવી બીજી ઘણી મનુષ્યકૃત વસ્તુઓ જેમાં કાંઈ સંકેત માલૂમ પડે છે તેઓ સઘળીનો કોઈ બનાવનાર હોવો જ જોઈએ, અને તે બુદ્ધિમાન હોવો જોઈએ, એવું સઘળાએ અનુમાન કરેલું છે. તે જ પ્રમાણે માણસનું શરીર, પક્ષીઓનો આકાર તથા બીજા સૃષ્ટિ માંહેલા પદાર્થોમાં સંકેતનાં ચિહ્નો દેખાય છે, તે ઉપરથી તેનો કર્તા છે, તથા તે બુદ્ધિમાન છે, એવું આપણે અનુમાન કરીએ; પણ એ સઘળાં અનુમાન માણસના ટુંકા અને અનુભવથી કરેલાં. વાસ્તવિક કહેતાં માણસ કાંઈ પદાર્થ બનાવી શકતો નથી; તે તો તેનું રૂપ ફેરવે છે, તથા જુદા જુદા પદાર્થોને એકત્ર કરે છે. સૃષ્ટિમાં જે જે પદાર્થો આપણે જોઈએ છીએ તેઓ સઘળા મિશ્ર હોય છે, પણ અમિશ્ર પદાર્થો જે સઘળા પદાર્થોમાં પરમાણુ રૂપે રહેલા છે તેઓને પણ કોઈએ બનાવ્યા હોય, એમ આપણાથી કહી શકાતું નથી વળી પદાર્થોની બનાવટમાં સંકેત છે તે ઉપરથી તેઓ જુદા જુદા અમિશ્ર પદાર્થોના અકસ્માત્‌ મિશ્રણથી થયેલા છે, એમ આપણાથી કહી શકાતું નથી. પદાર્થોના સઘળા ગુણ આપણે તપાસ્યા નથી, માટે તેઓમાં ફલાણો ગુણ નથી, એમ કહેવું મૂર્ખાઈ ભરેલું છે; પદાર્થોમાં બુદ્ધિ એ એ ગુણ છે, અને તે ગુણ વડે તેઓ એવી રીતે એકત્ર થાય છે કે તેથી સંકેતનાં ચીહ્નો તેઓમાં જોવામાં આવે છે. જો પદાર્થોમાં બુદ્ધિનો ગુણ ન હોત અને તે છતાં પણ સૃષ્ટિનો દેખાવ હમણાંના જેવો હોત તો તેઓનો બુદ્ધિવાન કર્તા હોવો જોઈએ, એમ કબૂલ કરવું પડત. વળી તેમ કબૂલ કરવામાં ત્રણ મોટી હરકત નડે છે. એક તો એ કે શૂન્યમાંથી કાંઈ બની શકતું નથી. જેઓ માને છે કે પરમેશ્વરે કોઈ કાળે સૃષ્ટિ પેદા કરી, તેઓએ એમ પણ માનવું જોઈએ કે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં અવકાશમાં કાંઈ જ ન હતું. ત્યારે તેનો પદાર્થ આવ્યો ક્યાંથી ? શૂન્યાવકાશમાં કાંઈ શી રીતે ઉત્પન્ન થયું ? એ વાત સંભવિત નથી. બીજું ઈશ્વર અનાદી છે, અને સૃષ્ટિ તો કોઈ વખતે પેદા થઈ, ત્યારે તે ઉત્પન્ન થયા પહેલાં ઈશ્વર અનંતકાળ સુધી હતો અને અનંત કાળમાં તેણે શું કર્યું ? તેટલા વખત સુધી તે નવરો બેસી રહ્યો ? ત્યારે તે પછી સૃષ્ટિ બનાવવાનું તેને શું કામ હતું ? આટલા અનંતકાળ ઊંઘ્યા કર્યું ત્યારે તેને તે વિચાર કેમ સૂઝ્‌યો નહીં ? અને એક અમુક વખતે શા માટે અને શી અગતય પડી તેથી વિશ્વનું મંડાણ કર્યું, તેનો ઉત્તર કોઈથી દઈ શકાશે નહીં. વળી પદાર્થ નાશવંત નથી. કોઈપણ વસ્તુ દુનિયામાં નાશ પામે છે, એમ કહેવું ખોટું છે. જેને આપણે નાશ કહીએ છીએ તે માત્ર અવસ્થાંતર છે. જ્યારે એક સગડીમાંના કોયલા બળી જાય છે, ત્યારે તેઓમાંના કેટલાક ભાગની રાખ થાય છે, કેટલાક ધુમાડામાંથી ઊડી જાય છે, તેમાંનો ભીનાશનો ભાગ વરાળ થઈને ઉપર ચાલ્યો જાય છે, અને બાકીનો ભાગો વાયુરૂપ થઈને હવામાં જતો રહે છે. જો એ સઘળા ભાગ એકઠા કરીને તોળીએ તો તેઓનું વજન અસલ કોયલાના જેટલું જ થાય. માટે કોયલાનો બળીને નાશ થયો એ કહેવું ખોટું છે, તેઓનું માત્ર રૂપ બદલાયું, તથા તેઓનાં ઘણાં રજકણ બીજાં રૂપ ધારણ કરી બીજે ઠેકાણે જતાં રહ્યાં, એ પ્રમાણે સૃષ્ટિ માંહેલા સઘળા પદાર્થોનો નાશ થતો નથી; માટે જગતનો લય પણ કોઈ કાળે થવાનો નથી. આ જગતનું રૂપ બદલાય, તેમાંની વસ્તુઓનાં રજકણો છૂટાં છૂટાં પડી જાય, પણ તેનો ખરેખરો ક્ષય થઈ શકતો નથજી. હવે જ્યારે તેનો ક્ષય થઈ શકતો નથી ત્યારે તેનો આરંભ પણ નથી, એમ માનવાને મજબૂત કારણ છે. એ ત્રણ કારણોને લીધે પદાર્થો અનાદિ છે એવો મત બાંધી શકાય; જેઓ સૃષ્ટિની ઉત્પત્તિ માને છે તેઓ પરમેશ્વરને સનાતન માને છે. માટે એ બેમાંથી એકને તો અનાદિ માન્યા વિના ચાલતું જ નથી, ત્યારે પદાર્થને તેવે રૂપે ગણવામાં શી હરકત છે ? માત્ર એટલી જ કે તેઓ છેક નાનપણથી સાંભળતા આવ્યા છે કે પરમેશ્વરે સૃષ્ટિ રચી છે, તથા તેને કોઈએ બનાવ્યો નથી, માણસના એ પ્રમાણેના વલણ સિવાય પદાર્થોના અનાદિપણાને માનવાને કાંઈ અડચણ નથી, અને તેમ માનયાથી ઘણું સુગમ પડે છે, તથા સંસારમાં વધારે સુખ ઊપજે છે.’’

બ્રાહ્મણને આ સઘળી તકરાર સાંભળી ઘણું આશ્ચર્ય લાગ્યું, અને માણસ જેવો પ્રાણી જેને વિવેકબુદ્ધિ આપેલી છે તે તેનો આવો ઊંધો ઉપયોગ કરી જગતમાં ઈશ્વર નથી, એમ માને એ વાત તેને ઘણી જ દુષ્ટ તથા અસ્વાભાવીક લાગી. તે બોલ્યો : ‘‘તમારા ત્રણ અપવાદોનું વજન એક રતિભાર પણ નથી. આ જગત શૂન્યથી કાંઈ બની શકતું નથી એ વાત ખરી છે. પણ પરમેશ્વરની શક્તિ અપાર છે, તે આપણી ટૂંકી અક્કલ વડે માપી શકાતી નથી, અને તે શું કરી શકે તેની આપણાથી કલ્પના પણ થઈ શકતી નથી. માટે શૂન્યાવકાશમાં પોતાની ઈચ્છાના બળે કરીને જ તે પદાર્થ ઉત્પન્ન કરી શકે; એ ઠેકાણે આપણો ટૂંકો તથા અલ્પ અનુભવ કાંઈ કામ લાગતો નથી. બીજું, આ વિશ્વ રચાયા પહેલાં અનંતકાળ સુધી પરમેશ્વરે શું કર્યા કર્યું તે આપણાથી કહી શકાતું નથી, તથા તે જાણવાની આપણને જરા પણ અગત્ય નથી. જ્યારે તેને અનુકૂળ લાગ્યું હશે ત્યારે સૃષ્ટિ સરજી હશે. પણ તેણે શું કર્યું હશે એ ન જાણવાથી પરમેશ્વર છે જ નહીં એમ એકદમ અનુમાન કરવું, એ પણ ઘણી જ મુર્ખાઈ છે. ત્રીજું અગર જો તમારા કહ્યા પ્રમાણે પદાર્થો નાશવંત નથી, તોપણ તેટલા ઉપરથી તેઓનો આરંભ નથી, એમ સિદ્ધ થઈ શકતું નથી. તમારા ધર્મ સિવાયના દુનિયાના સઘળા ધર્ળ્મના લોકો કોઈપણ પ્રકારના પરમેશ્વરને માને છે, અને તેની સાથે એવું પણ કબૂલ રાખે છે કે આખી સૃષ્ટિ તેણે બનાવેલી છે. તેનું અસ્તિત્વ જગતમાં સઘળે ઠેકાણે મોટે અને વંચાય એવે અક્ષરે લખેલું છે, તથા માણસ જાતના અંતઃકરણમાં કોતરેલું છે. મંદમંદ વાયુ આવીને સઘળી સૃષ્ટિને સુખ આપે છે તે, તથા વંટોળિયો અને તોફાની વા, જાડ તથા ઘરને તળિયા ઝાટક કરી નાખી આખા જગતમાં અતિ ઘણું નુકસાન કરે છે, ‘પરમેશ્વર છે’ એમ બહેરા લોકોને કહી સંભળાવે છે. પક્ષીઓ પોાના મધુર રાગથી પરમેશ્વરના ગુણ ગાય છે, તથા નદીઓના મોટા ધોધ અને દરિયામાં મોજાંનો ગડગડાટ પરમેશ્વરનું અસ્તિત્વ દાંડી પીટી પ્રગટ કરે છે. જે ચમત્કારી સૂર્યનું તેજ તથા ગરમી જગતને જીવતું રાખે છે, જે શીતળ ચાંદરણું તથા અગણિત તારાઓનું ઝાંખું અજવાળું રાતને શોભાયમાન કરે છે, તેઓ પરમેશ્વરને દેખાડી આપે છે. જે ઊંચા અને ભયાનક પર્વતોનાં શિખર વાદળાંઓની અડોઅડ ગયેલાં છે, તથા તેઓ પાણીનું આકર્ષણ કરી સઘળી પૃથ્વીને ફળવાન કરે છે તેઓ પરમેશ્વરની તરફ આંગળી કરે છે; સારાંશ, કે આખા વિશ્વમાં હરેક વસ્તુ તેના પેદા કરનારનું અસ્તિત્વ સિદ્ધ કરી આપે છે. તે છતાં પણ દુષ્ટ તથા ઊંધી અક્કલના માણસો, આંખકાન બંધ કરી તથા વિચારશક્તિ અને અનુમાનશક્તિનો અઘટિત ઉપયોગ કરી, કૃતઘ્ન થઈ, અભિમાનથી કહે છે કે પરમેશ્વર નથી, તથા જગ પોતાની મેળે બનેલું છે. અરે ! સારી વસ્તુઓનો કેવો નઠારો ઉપયોગ થઈ શકે છે !’’

બ્રાહ્મણનું આ જુસ્સાભરેલું ભાષણ સાંભળીને તથા પોતાનો ખરો અભિપ્રાય ન સમજતાં બધા જૈન લોકોને આવા સખત તેણે ઠોક પાડ્યા તે સાંભળીને જતિએ ઘણું હસવું આવ્યું, અને બોલ્યો : ‘‘મહારાજ ! તમારામાં સમજ કરતાં જુસ્સો વધારે છે. પરમેશ્વર છે જ નહીં એમ કોણે કહ્યું ? તકરારને આરંભે મેં એવો અભિપ્રાય જણાવ્યો હતો કે પદાર્થ અનાદિ છે, એટલે સૃષ્ટિ કોઈએ પેદા કરી નથી. પણ પરમેશ્વર નથી એમ મેં કહ્યું નથી... મેં આગળ કહેલું છે કે પદાર્થોમાં સંકેત તથા બુદ્ધિના ગુણ છે તે ગુણને એકત્ર કરીને તેમાં અહંકાર એટલે હુંપણું મેળવીએ, અને તે ગુણોના પુરુષનું રૂપ આપીએ તો એવી રીતે થયેલા અસ્તિત્વને પરમેશ્વર કહેવાય. અમારા મત પ્રમાણે એ પરમેશ્વર નિરંતર, અચળ, તથા શાંત રહે છે, અને તેની અથવા તેની ઈચ્છાની સત્તા પદાર્થોના બીજા ભાગ ઉપર ચાલતી નથી. અમારો પરમેશ્વર તમારા પરમેશ્વર જેવો ખટપટી, જંજાળી તથા સઘળાં કામમાં પોતાનું માથું ઘાલનારો નથી. તમે તો તમારા પરમેશ્વરને નામે લોકોને છેતરીને તમારું પેટ ભરો છો, અને જેમ માબાપ પોતાનાં છોકરાંને મહેતાજીનું નામ દઈ હમેશાં ધમકાવ્યા કરે છે તેમ તમે પરમેશ્વરનો ભય લોકોને બતાવી તેઓની પાસેથી પૈસા કઢાવો છો. આપણા બંનેના ધર્મમાં પરમેશ્વર વિષેના મતમાં એટલો જ ફેર છે; માટે તમારા શબ્દ તમારે પાછા લઈ લેવા જોઈએ.’’

બ્રાહ્મણ આ જતિનું બોલવું સાંભળી જરા પણ ગભરાયો નહીં, પણ તેણે ધીરજથી જવાબ દીધો કે ‘‘તમારું પરમેશ્વર માનવા અને ન માનવાનું બંને સરખું જ છે. જે મહેતાજી મારે પણ નહીં અને ભણાવે પણ નહીં તે મહેતાજી શા કામના ? જગતમાં તમારા જેવા પરમેશ્વરથી શો ફાયદો ? જગતનું બંધારણ એવું કહેલું છે કે જો સઘળા માણસો ઈશ્વરી નિયમ પ્રમાણે વર્તે તો જ સંસાર સારી રીતે ચાલે. હવે ઈશ્વરી નિયમ પ્રમાણે ચાલવું, એ ઘણું કઠણ છે, તથા તેથી ઊલટું ચાલવામાં ઘણી વખતે તુરત લાભ થાય છે ખરો, તથા તે નિયમો તોડવામાં ઘણી લાલચ છે, તોપણ તે પ્રમાણે તેઓ ન કરે તથા તરતનું નુકસાન ભોગવીને પણ સઘળા સારે રસ્તે ચાલે, તેને માટે ભય કોનો ? તથા ઊલટ શાથી થાય ? સારા કામ કરવાથી હમેશાં દુનિયાનું સુખ મળતું નથી, તથા દુષ્ટ કર્મો કરનારને હમેશાં દુનિયામાં શિક્ષા થતી નથી, ત્યારે જો પરમેશ્વ તરફથી સારા કામનાં સારાં ફળ ભોગવવાની આશા, તથા માઠા કામનાં માઠાં ફળ ભોગવવાનો ભય લોકોમાં ન હોય તો આ દુનિયામાં સારા ગુણ તો ક્વચિત જ જોવામાં આવે, અને દુષ્ટ વિકારનું પ્રબળ વધી જઈને જગતનો જલદીથી ક્ષય થાય. માટે પરમેશ્વરના ભયની જગતમાં જરૂર છે. વળી જ્યારે માણસ ઉપર કોઈ મોટી આફત આવી પડે. જ્યારે દુષ્ટ રોગોથી તેનું શરીર પીડાતું હોય, જ્યારે તેની વહાલી આશાનો ભંગ થાય, જ્યારે તેના કુટુંબનું કોઈ માણસ આ દુનિયાનો કોઈ વખતે ત્યાગ કરે, ત્યારે તેને શાંતિ ક્યાંથી આવે છે ? તથા એવે વખતે દિલાસો શાથી મળે છે ? પરમેશ્વર ઉપરના ભરોસાથી જ. ઈશ્વરેચ્છા એ એક માણસની મોટી ઢાલ થઈ પડે છે. તે ઉપર વિપત્તિના કારી ઘા પડે છે તોપણ તેની અસર કાંઈ જણાતી નથી. તે એક ભરદરિયા વચ્ચે ખડક છે, તે ઉપર ઊછળતાં તથા તોફાની મોજાં અથડાય છે તોપણ તે જરા ડગતો નથી. જો માણસ સંસારનાં કામ ચલાવવામાં પોતાના કરતાં કોઈ પણ શ્રેષ્ઠ શક્તિને માને નહીં, તો તેના દુઃખનો કાંઈ કાંઠો રહે નહીં. પરમેશ્વરને તમે કહો છો તે પ્રમાણે જંજાળી, ખટપટી તા સઘળાં કામમાં માથું ઘાલે એવો માનવાથી જગતને ઘણા ફાયદા છે; તે સઘળા વિસ્તારે કહેવા માંડુ તો આખો દહાડો વહી જાય માટે એટલેથી જ પૂરું કરું છું. હવે તમારા ધર્મની એક બીજી વાત કહું છું. જીવહિંસા કરવી એ મહાપાતક છે, એમ અમે કબૂલ કરીએ છીએ; પણ તમે લોકો એ વાતમાં છેક હદ બહાર જાઓ છો. તમે જ્યાં બેસો છો તયાં પહેલાં વાળો છો. બોલો છો, ત્યારે મોંએ લૂગડું બાંધો છો, અને એ સિવાય જીવનું રક્ષણ કરવાને ઘણા હસવા લાયક ઉપાય કરો છો, એ સઘળો તમારો ઢોંગ છે. તમે નાના જીવો, પાળો છો, અને મોટા જીવને મારો છો. તમે ધર્મ નિમિત્તે માણસને મારતાં બીતા નથી અને ઝીણાં જીવડાં ઉગારવાને હજારો બંદોબસ્ત કરો છો. તમે જાણતા તો હશો કે આખું વિશ્વ જીવથી ભરપૂર છે. જે હવાનો આપણે શ્વાસ લઈએ છીએ તેમાં અસંખ્ય જીવ હોય છે, અને ભોંય ઉપર ચાલનારાં પણ અગણિત ઝીણાં જીવડાં હોય છે, આપણે મોં ઉપર ગમે તેવું લૂગડું બાંધીએ, અથવા બેસતી વખતે જમીનને વાળીએ, તોપણ શ્વાસોચ્છ્‌વાસ લેવામાં હજારો જીવ શરીરમાં જાય છે, અને બેસતાં હજારો બલકે લાખો ઝીણાં જીવડાં છૂંદાઈ મરે છે. આપણો એ ઠેકાણે ઉપાય ચાલતો જ નથી. એવાં જંતુને જોઈ શકે, એવી પરમેશ્વરે આપણી આંખ તીક્ષ્ણ બનાવેલી નથી, ત્યારે તમારા જેવો ઢોંગ શા માટે કરવો જોઈએ ?’’

તકરાર ઘણી લાંબી ચાલ. અને તેનો પાર જલદીથી આવશે નહીં એમ જાણી કરણ રાજા વચ્ચે બોલી ઊઠ્યો : ‘‘હવે બસ થયું, એ ભાંજઘડથી મારું માથું દુખવા આવ્યું, વધારે સાંભળવાની મારી ખુશી નથી. પરમેશ્વરે મને શિવમાર્ગી માબાપને પેટે જન્મ આપ્યો તેથી હું તો તે જ ધર્મ પાળીશ. મારે જૈન ધર્મનું કાંઈ કામ નથી. સઘળા ધર્મ ખરા છે. જે ધર્મમાં આપણે અવતર્યા હોઈએ તે જ જો બરાબર પાળીએ તો પરમેશ્વર પ્રસન્ન થાય. એક ગામ જવાના ઘણા રસ્તા હોય છે, તેમાં કોઈ લાંબો, કોઈ ટૂંકો, કોઈ વિકટ, કોઈ સુગમ, પણ સઘળેથી અંતે તે ગામે પહોંચાય છે. કોઈ સ્ત્રીએ પોતાના ધણી ઉપર વશીકરણ કર્યું તેથી તે બળદ થઈ ગયો; ત્યાં પડોશમાં કેટલાક છોડવા ઊગેલા હતા તે ખાધાથી તેનું રૂપ બદલાઈને તે પાછો માણસ થયો. તે છોડવામાં એવો ગુણ છે, તે ન જાણાં બળદે તે ખાધા, છતાં તેને એ પ્રમાણે ફાયદો થયો. તેમ આપણા ધર્મનો મર્મ આપણે જાણીએ નહીં તોપણ તે પાળ્યાથી આપણને પણ તે બળદની પેઠે લાભ થાય. માટે હવે વાદ પુરો થયો તેથી સૌએ પોતપોતાને ઘેર જવું.’’

જતિઓથી પોતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું નહીં તેથી તેઓ દિલગીર તથા ઉદાસ થઈને ઊઠ્યા, અને આવી ખાતરી કરી આપે એવી તેઓની તકરાર છતાં પણ રાજાના મન ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેની અતિ સ્થૂળ બુદ્ધિ ઉપર અફસોસ કરીને ઘેર ગયા. મોતીશાનું લોહી પણ ઊડી ગયું; અને જે જતિઓ ત્યાં મળેલા હતા, તેઓની મૂર્ખાઈનો ધિક્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો. બ્રાહ્મણોએ એ પ્રમાણે જય મેળવ્યો તેથી તેઓનો હર્ષ માતો ન હતો. રાજાએ તે વખતે જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઊતરાવી નાખવાની આજ્ઞા કરી, અને તેમ કરી આવા બારીક વખતે તેણે તેની રૈયતના મોટા ભાગનું મન ઊંચું કર્યું. બ્રાહ્મણોને મોટી મોટી દક્ષિણા આપી, અને તેઓએ તેને દેહશુદ્ધ પ્રાયશ્ચિત કરાવ્યું. પછી રાજા રુદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવા પગે ચાલતો નીકળ્યો. રસ્તામાં થોડેક આગળ ચાલ્યો એટલામાં એક ટોળું જોઈ તે અટક્યો, અને આ ભીડ શાથી થઈ છે તેની તજવીજ કરવાને તે તયાં ઊભો રહ્યો. તપાસ કરતાં તેને માલૂમ પડ્યું કે જે વાણિયાના ઘર આગળ લોકો મળ્યા હતા તે વાણિયાએ પોતાનો એક છોકરો પરણાવવાને બે હજાર રૂપિયા જેઠાશા શાહુકાર પાસેથી લીધા હતા. એ વાણિયો ઘણો વિષયી હતો તેથી તેણે ઘણાનું દેવું કરેલું હતું, અને તે સઘળું વાળવા જેટલી તેની પાસે મિલકત ન હતી, તેથીો જેઠાશાએ તેને બે હજાર રૂપિયા ધીરતાં આંચકો ખાધો. હવે છોકરો તો પરણાવવો જોઈએ, અને તેમાં ખર્ચ પણ ન્યાતમાં મોટાઈ મેળવાવને વાસ્તે સારો કરવો જોઈએ, તેથી તે વાણિયો કોઈ સારો જામીન શોધવા નીકળ્યો, પણ કોઈએ તે દેવાળિયાની બાંહેધરી કરી નહીં; ત્યારે તે લાચાર થઈને એ ભાટ પાસે ગયો, અને તેને જામીન થવાને વિનંતી કરી. ભાટ લોકોના પૈસા કદી ખોટા થતા નથી, તથા તેઓ ગમે તે ઉપાયથી પોતાનું માગણું વસૂલ કરી શકે છે, તેથી ભાટે જામીન થવાને કબૂલ કર્યું, અને જેઠાશા પાસેથી પૈસા અપાવ્યા. વાણિયાએ ઘણી ધામધૂમથી લગન કર્યાં; ન્યાતમાં ઘણો સારો જમણવાર કર્યો; લહાણું પણ કર્યું અને એ પ્રમાણે બે હજાર રૂપિયા ઉડાવી દીધા. રૂપિયા ઉપર તો વ્યાજ ચઢવા લાગ્યું પણ તે વાતની વાણિયાને કાંઈ ચિંતા ન હતી. તેને રૂપિયા પાછા આપવાનો વિચાર જ ન હતો. કેટલેક વર્ષે બે હજારના ચાર હજાર થયા. એટલાથી વધારે રૂપિયા લેવાશે નહીં, એમ જાણીને જેઠાશાએ ફરિયાદ કરી, અને વાણિયા પાસે તો મળે નહીં, તેથી તેના જામીન ભાટ પાસેથી તે સઘળા પૈસા વસૂલ કર્યા. હવે તે પૈસા પેલા વાણિયા પાસેથી લેવાના ભાટને રહ્યા. ભાટે રોજ રોજ ઉઘરાણી કરી, પણ વાણીયો ક્યાંથી આપે ? તેથી તેણે છેલ્લે નાગો જવાબ દીધો. ભાટ લોકો ઘણું કરીને પોતાના લહેણાની ફરિયાદ સરકારમાં કરતા નથી તેથી, તે ભાટે પણ કરી નહીં; અને કરત તોપણ તે વાણિયા પાસે શું લેવાનું હતું ? તેથી તે તેને બારણે બેઠો, અને ત્રણ દહાડા સુધી પોતે અન્નજળ લીધું નહીં, તથા વાણિયાને અપવાસ કરાવ્યો. મહોલ્લાના લોક ઘણા કાયર થયા અને ભાટ પોતાના ધારા પ્રમાણે તે ઠેકાણે આપઘાત કરશે તો આખો મહોલ્લો ગોઝારો થશે, એમ જાણી વાણિયાને ઘણો સમજાવ્યો, અને અંતે ટીપ શહેરમાં ફેરવી ચાર હજાર રૂપિયા એકઠા કરી ભાટને આપવાનું કહ્યું, પણ તે વાણિયો જડ થઈને બેઠો, અને ભૂખ્યો મરી જાઉં પણ એક પૈસો એ ભાટને આપું નહીં, અને મારી તરફથી કોઈને આપવા પણ દઉં નહીં, એવો તેણે નીશ્ચય કર્યો. લકો સઘળા લાચાર થયા, અને ભાટને તેઓએ વાણિયાનો ઠરાવ કહ્યો. તે સાંભળતાં જ ભાટ પોતાની સાથે તેની એંશી વર્ષની ઘરડી મા લાવ્યો હતો તેનું તલવારના એક ઘાએ માથું ઉડાડી નાખ્યું, તોપણ વાણિયો હઠ્યો નહીં. ત્યારે તે ભાટે ઘણા જુસ્સામાં આવી પોતાના એકના એક બાર વર્ષના છોકરાને બોલાવ્યો, અને તેના પેટમાં કટાર ખોસી મારી નાખ્યો. પછી તેનું વહેતું લોહી ખોબામાં લઈને વાણીયા ઉપર છાંટ્યું, અને બોલ્યો : ‘‘અરે ચંડાળ ! આ ભોગ લે, અને જેમ મારો નિર્વંશ થયો તેમ તારો જજો, તારો પરણેલો છોકરો પણ એમ જ મરજો, અને તું પણ અથડાઈ મહાદુઃખ પામી પીલાઈ પીલાઈને મરજો.’’ સઘળાં લોકો થરથર ધ્રુજવા લાગ્યાં; પણ વાણિયાના વજ્ર જેવા હૈયા ઉપર કાંઈ અસર થઈ નહીં. ત્યારે હવે ભાટ પોતાનો જીવ કાઢવાને તૈયાર થયો. તે જ વખતે રાજા કરણ ત્યાં આવી હોંચ્યો. ભાટે રાજાને જોઈ તેનું દુઃખ નિવારણ કરવાને કહ્યું, પણ રાજાએ તેની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહીં તેથી ભાટમાં વાઘ જેટલો જુસ્સો આવ્યો, અને ગાંડા જેવો થઈ એક છલંગ મારી વાણિયાના ઘરમાં ગયો, અને તરત તે વાણિયાનું તથા તેના બાળક નિર્દોષ છોકરાનું મડદું ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યું, અને ભોંય ઉપર નાખીને પોતાના પેટમાં ખંજર મારી તરત પડ્યો. આ સઘળાં કામો તેણે એવી ઝડપથી કર્યાં કે લોકોને તેને અટકાવવાને વખત મળ્યો નહીં. અને તેઓ સઘળા જડ થઈ ઊભા જ રહ્યા. વાણિયો તથા તેનો છોકરો તો તરત મરી ગયા; પણ ભાટનો જીવ જલદીથી ગયો નહીં. તેણે પછાડા મારવા માંડ્યા, અને શરીરના તથા મનના કષ્ટથી તેને ઘણી જ અકળામણ થવા માંડી. તેની ચોતરફ ફરતી આંખ રાજા તરફ ગઈ એટલે તેને વધારે દરદ થયું, અને જેટલો ક્રોધ તેનામાં બાકી રહ્યો તેટલો મોં ઉપર લાવી બોલ્યો; : ‘‘હે દુષ્ટ રાજા ! બ્રહ્મહત્યા કરતાં પણ ભાટની હતયા વધારે છે. તે અહીં ઊભા રહીને તારી રૈયતના પ્રાણ જતા જોયા. ધૂળ પડી તારા ક્ષત્રિયપણા ઉપર, અને બળ્યું તારું રાજ્ય. તું રજપૂત થઈને તારાથી નિરપરાધી ભાટનો બચાવો થયો નહીં. આજે જેટલા મુઆ તેટલાનું પાપ સઘળું તારે માથે. તું જે કામને સારુ અહીં આવ્યો છે તે કામ સફળ થવાનું નથી. તું વન વન રઝળીશ. તારા ઘરનાં માણસ તને છોડીને જતાં રહેશે. અને તું ક્યા મરીશ તે કોઈ જાણવાનું નથી.’’ એટલું કહી ભાટ ચત્તોપાટ પડી ગયો, અને તેનો આત્મા પોતાનું માગણું વાણિયા પાસેથી વસૂલ કરવાને સારુ ઈન્સાફના છેલ્લા દરબારમાં ફરિયાદ કરવા ગયો.

ભાટનો શાપ સાંભળીને રાજાને એટલું તો કષ્ટ થયું કે તે બેશુદ્ધ થઈને ભોંય ઉપર પડ્યો. તેને તેના માણસો તરત ઊંચકી લઈ પાછા મહેલમાં લઈ ગયા. જ્યારે તેને શુદ્ધિ આવી ત્યારે આસપાસ બેઠેલા બ્રાહ્મણોએ ભાટનો શાપ બાળી નાખવાને શાસ્ત્રમાંથી કાંઈ પ્રાયશ્ચિત શોધી કાઢી તે કરાવવાનું વચન આપ્યું. રાજાને તે સાંભળીને શાંતિ થઈ, અને તેના મનને દિલાસો મળ્યો. પણ એટલામાં પાટણથી એક દોડતો જાસૂસ આવ્યો, તે રાજાના ઓરડામાં ઘસી આવી શ્વાસ ખાધા વિના બોલ્યો : ‘‘રાજાધિરાજ ! એવી સઘળે ઠેકાણેથી ખબર આવી પહોંચી છે કે તુરકડા લોકો મોટું લશ્કર લઈ રાજ્યની હદ ઉપર આવ્યા છે, અને તેઓનો વિચાર આખું રાજ્ય જીતવાનો છે. તેમની સાથે આપણો માજી પ્રધાન માધવ છે. તેઓએ કેટલાંક ગામ માર્યા છે. તથા લોકોો ત્રાસ પામીને અહીંથી તહીં દોડે છે.’’ તુરક લોકો ગુજરાત જીતવા આવ્યા તેથી હવે મોટી લડાઈઓ થશે એ વિચારથી જ કરણનું ક્ષત્રિય લોહી ઊકળવા લાગ્યું, અને તે ઘણી હિંમત પકડી બોલ્યો : ‘‘એ મ્લેચ્છ લોકોને ગુજરાતની ધરતીમાં દટાવું સર્જિત હશે તેથી કાળ તેઓને લલચાવીને અહીં લાવ્યો હશે. હજી મેં કાંચળી પહેરી નથી; હજી રજપૂત લોકોએ તેઓનું શૂરાતન ખોયું નથી; હજી દેશમાં હિમ્મતવાન માણસો છે; ગુજરાતના રાજાને લશ્કરની ખોટ નથી; મજબૂત કિલ્લાઓ પણ પુષ્કળ છે, માટે તેઓને આવવા દો. હું તેઓથી જરા પણ બીતો નથી. મારા હાથ શત્રુને મારવાને ચવળે છે. તથા મારી તલવારને લોહી મળ્યું નથી તેથી તેને ઘણી તરસ લાગી છે. વાહ ! વાહ ! હવે વખત આવ્યો છે. હું કેવો છું તે રણસંગ્રામમાં આખા જગતને દેખાડી આપીશ. જો એ પ્રમાણે ન બનયું હોત તો મારું નામ આગળ ચાલત નહીં. જે થયું છે તે ઠીક છે. સઘળો સામાન તૈયાર કરો, કાલે અહીંથી કૂચ કરીશ, અને પાટણ જઈને યુદ્ધ કરવાને સઘળો બંદોબસ્ત કરીશ.’’

પ્રકરણ ૯ મું

ગુજરાતની સરહદ ઉપર અલાઉદ્દીન ખિલજીનું લશ્કર છાવણી નાખીને પડ્યું હતું. લશ્કરની સંખ્યા તથા તેના મુખ્ય સરદારના અધિકાર, જે દેશ જીતવાનો હતો તેના મહત્વને લાયક જ હતા. છાવણીમાં એક લાખ સવાર, પંદરસો હાથી, વીસ હજાર પાયદળ, તથા પીસ્તાળીસ મોટા સરદારો હતા. ગુજરાત જો જિતાય તો તેનું રાજ્ય ચલાવવાનું કામ અલફખાં જે પાદશાહનો ભાઈ હતો, અને આ સઘળા લશ્કરનો મુખ્ય સરદાર હતો તેને સોંપેલું હતું. તેના હાથ નીચે સઘળો કારભાર માધવને સોંપવો એવો બંદોબસ્ત કર્યો હતો. અને પાદશાહનો વજીર નુસરતખાં લશ્કરની સાથે આવેલો હતો, પણ દેશ સર થજાય એટલે તેને દિલ્હી પાછા જવાનો હુકમ હતો. છાવણી એક મોટા શહેર જેવડી હતી. જેટલાં લડનારાં માણસો ઉપર ગણાવ્યાં, તે સિવાય બૈરાં, છોકરાં, દુકાનદાર, ચાકો તથા બીજાં ઘણાં નકામાં માણસો છાવણીમાં રહેતાં હતાં. વળી ઘોડા, હાથી, ઊંટ વગેરે લડાઈમાં તથા ભાર વહેવામાં ઉપયોગી જાનવરો લાખો હતાં; તેમાં ઘરોને બદલે તંબૂ, ડેરા, રાવટી, વગેરે એક ઠેકાણેથી બીજો ઠેકાણે લઈ જવાય એવી રહેવાની જગા હતી. મોટા સરદારો તથા અમીરોના તંબૂઓ કિનખાબના, ઝરીના, તથા કીમતી લૂગડાંના હતા, અને તેઓ પણ શોભાયમાન દેખાતા હતા. ઠેકાણે ઠેકાણે બજાર ભરાતી, તેમાં માંડવા નાખી દુકાનદારો જુદી જુદી જાતનો માલ વેચતા હતા. છાવણીમાં હંમેશા લોકોની ભીડાભીડ રહેતી, અને રાતને વખતે રોશનીથી ત્યાં મોટી આગ લાગી હોય એમ દેખાતું હતું. થોડી રાત વહી ગયા પછી સઘળા દીવા ઘેર કરવામાં આવતા, તથા છાવણીની આસપાસ મોટાં મોટા બળતાં કરી ચોકીદાર લોકો જાગતો પહેરો રાખતા હતા. એવી રીતે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત તથા મેવાડની સરહદ ઉપર પડેલું હતું. છાવણીની વચ્ચોવચ જે ભભકાદાર તંબૂઓ હતા તેમાંથી એક ઝરીના મોટા તંબૂમાં ત્રણ માણસ ઘણા ઊંડા વિચારમાં બેઠેલા હતા. તેઓ પાટણના રસ્તામાં જે જે ગામ, નદી વગરે આવે તે એક કાગળ ઉપર માંડતા હતા, તથા મુખ્ય રાજધાની શહેરમાં ક્યે રસ્તે જવું, તથા ક્યાં ક્યાં મુકામ કરવો તેની તે નકશા ઉપર તેણે નિશાની કરી હતી. માધવે ગુજરાતના મંડળેશ્વર તથા મોટા સામંતોને ફોડવાને ગુપ્ત જાસૂસો મોકલ્યા, લોકોની પ્રીતિ રાજા ઉપરથી ઉઠાવીને પોતાની તરફ તેઓ ખેંચી લેવાની ઘણી મહેનત કરી તથા મુસલમાન લોકો કરણ રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી બીજો નવો રાજા નીમી સઘળો રાજ્યકારભાર મને સોંપશે, અને તેઓ પાછા પોતાને દેશ જશે, ને પછી હું મારા મદદગાર લોકોને ઘણો જ લાભ કરી આપીશ, એમ લોકોને સમજાવવાને ઘણા પ્રયત્ન કર્યા, પણ તે સઘળા નીષ્ફળ ગયા. માત્ર ત્રણસો ને સાઠ સવાર તેને આવી મળ્યા. તે ઉપરથી માધવ અથવા અલફખાં બેમાંથી કોઈ નિરાશ થયા નહીં. તેઓએ ગુજરાતના લોકોની સહાયતા ઉપર ભરોસો રાખ્યો ન હતો, એટલું જ નહીં પણ માધવના કહ્યા છતાં પણ કોઈ મદદ કરશે નહીં એમ આગળથી જ ધારીને તેઓએ બહોળું લશ્કર તથા લડાઈનો સઘળો સામાન સાથે રાખ્યો હતો. ગુજરાત જીવતવામાં જુદા જુદા માણસોનો જુદો જુદો સ્વાર્થ હતો. પાદશાહી રાજ્યમાં વધારો થાય, અને પોતાના ભાઈ અલાઉદ્દીનનું રાજ્ય વિસ્તાર પામે, અને તે સઘળું કદાચ કોઈ દહાડો પોતાના હાથમાં આવે એટલો અલફખાંને ફાયદો હતો. નુસરતખાંને લાભ એટલો જ હતો કે પોતાની બહાદુરી તથા હોશિયારી વડે ગુજરાત સરખો મોટો ફળવાન પ્રાંત જિતાય તો બાદશાહ ઘણો ખુશ થાય, તેના ઉપર મહેરબાની વધે, તેની વજીરાતનો પાયો વધારે મજબૂત થાય, અને પોતાની કીર્તિ જો દેશમાં ફેલાય તો કોઈ વખત રાજ્યની ઊથલપાથલમાં તેને તખ્ત મળવાનો લાગ આવે. માધવની મુખ્ય નેમ કરણ રાજા ઉપર વેર લેવાની હતી, અને તેમ કરતાં કદાપિ ગુજરાતનું રાજ્ય ઊંધું વળે, ને રાજા પદભ્રષ્ટ થાય, અથવા લડાઈમાં માર્યો જાય, અને તેની પછી ગમે તે પોતાના દેશ ઉપર રાજ્ય ચલાવે તોપણ તેની મુખ્ય મતલબ પાર પડે એટલી જ તેને ખુશી હતી. વળી તેને રાજ્યકારભાર મળવાની પણ ઉમેદ હતી, તેથી તે ઘણી વખતે ઉમંગમાં દેખાતો હતો. છાવણી બીજે દહાડે સવારે ઊઠવાની હતી તેથી અલફખાં, નુસરતખાં તથા માધવ એ ત્રણે નવ કલાકે મસલત કરવા બેઠા હતા.

અલફખાં - માધવજી, તમારા ધાર્યા પ્રમાણે કરણ રાજા કેટલું લશ્કર એકઠું કરશે ? પાટણ જતાં સુધી રસ્તામાં કાંઈ અડચણ નડશે કે નહીં ? તે બહાર નીકળીને લડાઈ કરશે કે શહેરના દરવાજા બંધ કરી કિલ્લામાં ભરાઈ બેસી રહી શહેર આગળ આપણને રાહ જોવડાવશે ? તમે રાજાની ચાલથી, કિલ્લાની મજબૂતીથી, અહીંના લોકોની બહાદુરીથી, તથા રાજાના લશ્કર તરફનું કેટલું જોર છે એ સઘળાથી વાકેફ છો, માટે તમારાથી એ ખબર પાકી મળશે.

માધવ - કરણ રાજા મારો કટ્ટો વેરી છે, તેણે મને બધી રીતે પાયમાલ કરી નાખ્યો છે, તોપણ બહાદુર નથી એમ મારાથી કહી શકાતું નથી. રજપૂત લોકોમાં શૂરાતનની કાંઈ કસર હોતી નથી, તે પ્રમાણે કરણમાં પણ શૌર્ય ઘણું છે. તેનામાં ભયનું તો નામ જ નથી; તે ભયને ઓળખતો જ નથી; લડાઈથી તે ઘણો આનંદ પામે છે અને અગર જો હજુ સુધી તેની હિંમત કોઈપણ લડાઈમાં કસાયેલી નથી, અગર જો તેની સઘળી બહાદુરી હજુ સુધી તેના શબ્દોમાં જ રહેલી છે, કંઈ કામમાં વપરાયેલી નથી, તોપણ જ્યારે પ્રસંગ પડશે ત્યારે તે નામર્દ ઠરવાનો નથી. તેની બહાદુરીનાં આપને પણ વખાણ કરવાં પડશે. પણ પરમેશ્વરની મહેરબાનીથી તેનામાં જોઈએ તે કરતાં પણ વધારે શૂરાતન છે તેથી જ્યારે આપણું લશ્કર ગુજરાતમાં પેસશે, તથા પાટણથી થોડેક દૂર આવી પહોંચશે, એટલે તે લડાઈ કરવાને એટલો બધો આતુર થઈ જશે કે પાટણનો મજબૂત કિલ્લો મૂકી બહાર મેદાનમાં યુદ્ધ કરવાને નીકળશે, એટલે કિલ્લાને ઘેરો ઘાલવાની મહેનત આપણને કરવી પડશે નહીં. શહેર આગળ જરા પણ ખોટી થવું પડશે નહીં, તથા અનાજ પાણીની તંગી વેઠવી પડશે નહીં, જે થશે તે લડાઈમાં થશે. જો ઈશ્વરની કૃપાથી લડાઈમાં ફતેહ મળી તો આખો ગુજરાત દેશ જિતાયો એમ જાણવું. લડાઈના કામમાં તે બીજા લોકોની સલાહ માનશે નહીં. તે પોતાના જુસ્સાથી ઘસડાયો જશે, અને અંતે રણસંગ્રામમાં તે માર્યો જશે; અથવા મરણતોલ જખમી થશે ત્યાં સુધી તે લડાઈ બંધ પાડશે નહીં. પાટણમાં ઘણા શૂરા અને શાણા સામંતો છે; વળી તેનો વાણિયો મંત્રી પણ ધૈર્યવાળો તથા અગમ બુદ્ધિમાન છે. તેઓની શિખામણ જો રાજા સાંભળશે તો તે પાટના કિલ્લામાં જઈને ભરાશે અને તે કિલ્લો ઘણો જ મજબૂત છે, તથા કિલ્લો લેવાનો સામાન આપણી પાસે જોઈએ તેટલો નથી; અને એ રીતે ગુજરાતના સઘળા કિલ્લા એક પછી એક લેવા પડે તો આપણી કમબખ્તી જાણવી; અન્નપાણીની ઘણી ખોટ પડશે. આપણી સાજે જે બહોળું લશ્કર છે તેને જોઈએ તેટલો ખોરાક પૂરો પડશે નહીં, ત્યારે તેઓમાંથી ઘણા ભૂખે મરી જશે. અને બીજાઓ એટલા તો નારાજ થઈ જશે કે તેઓને અહીં રાખવા ઘણું મુશ્કેલ થઈ પડશે, અને રહ્યા તોપણ તેમનું લડવા તરફ ઘણું દિલ રહેશે નહીં. ગામના લોકો તથા રાજાનું લશ્કર તેઓને હેરાન કર્યા કરશે, અને અંતે કાયર થઈ આપણને ગુજરાત છોડી જવું પડશે. તે વખતે પાદશાહના અધીરા તથા ઉતાવળિયા સ્વભાવથી, તેનું ધારેલું કામ પાર પડ્યું નહીં તેની નાઉમેદીને લીધે તેને જેટલો ક્રોધ ચઢશે તેઓથી, લશ્કરમાં માણસ તથા પૈસા તરફથી ખરાબી થવાને લીધે પાદશાહના મન ઉપર જે અસર થશે તેથી, તથા પાદશાહનો કોઈ વખત પણ પરાજય થયો નથી, તથા ધારેલું કામ નિષ્ફળ ગયું નથી, છતાં આ વખતે જો તેની હાર થાય તો તેનું નામ તૂટી જાય, તેની આબરૂમાં ખલેલ પહોંચે, તેની શક્તિ વિષે તેના તાબાના રાજાઓના મનમાં હલકો વિચાર આવે, અને તેમ થવાથી રાજ્યમાં સઘળે ઠેકાણે બંડ થાય, અને તે જોઈને કોઈ અમીર અથવા બીજો શખ્સ ઊભો થઈ પાદશાહની ગાદી છીનવી લે, બલકે તેની જિંદગીને પણ નુકસાન લાગે, એ સઘળાં પરિણામો પર નજર પહોંચાડી પાદશાહને કેટલી દિલગીરી થાય તથા તે દુઃખના આવેશમાં તે જે કરે તેથી આપણને કેટલો ભય લાગવાનું કારણ થઈ પડે તેનો ખ્યાલ માત્ર કરવો. પણ એ સઘળું મારી આપબુદ્ધિ તથા ટૂંકા અનુભવ પ્રમાણે બનવાનું નથી. રાજાનો સ્વભાવ ઘણો હઠીલો છે તેથી તેણે જો એક વાર પણ લડાઈ કરવાનો અને તેમાં પોતાનું શૌર્ય દેખાડવાનો ઠરાવ કર્યો તો ગમે તે શે તોપણ તેમાંથી તે ફરવાનો નથી; અને જો એક વાર મેદાનમાં યુદ્ધ થાય તો જય મળવાનો વધારે સંભવ છે. અને તેમ જ થશે તેની આશા પણ રાખવામાં આવે છે. રાજા જો લશ્કર એકઠું કરવાની ધીરજ રાખે તો ઘણું મોટું જોરાવર સૈન્ય તેની પાસે થાય. બધા મંડળિક રાજાઓ પોતપોતાનાં માણસો લઈને આવે. પણ હવે આપણે કરણને વખત આપીશું નહીં, આપણે જલદી જલદી કૂચ કરી રાજ્યધાનીના શહેર ઉપર જવું, એટલે તે મંડળિક રાજાઓથી પોતાના સિપાઈઓ એકઠા કરી રાજાને મદદ કરવાનું બની આવશે નહીં. કરણ તેઓની રાહ જોવાનો નથી; પોતાની શક્તિ ઉપર તેને એટલો બધો વિશ્વાસ છે, તથા આપણા ઉપર તેને એટલો તો ધિક્કાર છે કે તે મદદની રાહ ન જોતાં લડાઈ કરવાને તૈયાર થશે. તેના ઘણા મંડલેશ્વર છે તેઓ પોતાના તાબાનાં માણસોને લઈને આવશે, તેમને તથા પોતાના ખાસ લશ્કરને લઈ રાજા લડાઈમાં આવશે. લશ્કરની બહાદુરી વિષે કહેવાની જરૂર નથી. આપણા લશ્કરે રજપૂત સિપાઈઓની સાથે ઘણી વખતે યદ્ધ કરેલું છે, તેઓની હિંમત, લડવાની રીત વગેરેથી તે સારી પેઠે વાકેફ હશે. બહારથી સહાયતા મેળવવાનો તેને સંભવ નથી. દેવગઢનો રાજા આપણાથી એટલો ત્રાસ પામ્યો છે, તથા તેનો એટલી બધી વાર પરાજય થયેલો છે કે તે આ વખતે માથું ઉઠાવવાની હિમ્મત ચલાવશે નહીં. વળી તે આપણા પાદશાહનો ખંડિયો રાજા છે એટલે આપણી સામે થવાનો તેનો ધર્મ નથી. રાજસ્થાનમાંનાં ઉદેપુર, જોધપુર, અજમેર, ઈત્યાદિ સંસ્થાનોના રાણા, રાજાઓ પોતાના જાતભાઈને મદદ કરવા આવશે નહીં. જ્યારે ઘોરીશાહે દિલ્હીના પૃથુરાજ ઉપર ચઢાઈ કરી તે વખતે જેમ બીજા રજપૂત રાજાઓ તેને સહાય થયા હતા તેમ આ વખતે કરણને મેવાડ, મારવાડ અથવા બીજા કોઈ રજપૂત સંસ્થાનના રાજા તરફથી પૈસા અથવા લશ્કરની મદદ મળે એવો સંભવ નથી. રાજાઓએ સૂંઠનો સ્વાદ ચાખ્યો છે. આજ ઘણાં વર્ષ થયાં પાદશાહે પોતે જાતે તેઓની સાથે લડાઈ ચલાવી છે. તેમાં તેઓની ઘણી ખરાબી થઈ છે. તેઓ આપણા લશ્કરનું બળ અનુભવથી જાણે છે, તેથી તેઓ ધઘણા બીએ છે. વળી કરણને મદદ કરી તેઓ પાદશાહની ઈતરાજી કરાવશે નહીં. કરણ પણ એટલો અહંકારી છે, તથા તેને પોતાના બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તેઓની સહાયતા માગશે નહીં, માગશે તોપણ તે મળવા જેટલો હવે વખત રહ્યો નથી. વળી જો તેઓની મદદથી કરણ જય પામે તો પ્રતિષ્ઠા સઘળામાં વહેંચાઈ જાય, અને થોડો ભાગ જ કરણને મળે. પણ તેમ થાય તેમાં કરણ નાખુશ છે, તેને સઘળી આબરૂ પોતાને જોઈએ છે, તેથી તે પોતે એકલો જ વગર મદદે લડશે એવો સંભવ છે. પછી તો શિવજી જાણે. પાટણ જવાના રસ્તામાં કાંઈ હરકત નડે એવું નથી. વચ્ચે કોઈ મોટા પહાડ અથવા મજબૂત કિલ્લા આવતા નથી.ો દેશ સઘળો પાધર છે. ગામ ઘણાં મોટાં તથા પૈસાવાળાં છે; તથા અન્નપાણી પણ પુષ્કળ મળશે તેથી રસ્તામાં આપણને કશી વાતની આપદા પડવાની નથી.

માધવની આટલી વાત સાંભળી અલફખાંનું મન સંતોષ પામ્યું, અને રાત વધારે વહી ગઈ, એમ જાણી માધવને પોતાના તંબૂ ઉપર જવાની રજા આપી. તે વખતે છાવણીમાં સઘળું ચુપાચૂપ હતું. બીજે દહાડેથી કૂચ થવાની હતી, તથા લડાઈનો સમય પણ પાસે આવ્યો હતો એમ જાણીને આગળથી થાક ખાઈ લેવાને ઘણા તે દહાડે રોજ કરતાં વહેલા સૂઈ ગયા હતા. તોપણ ઠેકાણે ઠેકાણે ચોકીદાર સિપાઈ તાપણાની આસપાસ ઘણા ટોળાં વળીને તાપવા તથા વાતચીત કરવા બેઠા હતા. તેઓ સઘળાની વાતનો વિષય ગુજરાત જ હતો. તેઓ જ્યાં જ્યાં ગયેલા ત્યાં ત્યાં જય મેળવેલો, અને કોઈ વખત પણ પોતાનું કામ સિદ્ધ કર્યા વિના આવેલા નહીં તેથી તેઓના પોતાના બળ ઉપર જોઈએ તે કરતાં વધારે ભરોસો હતો. માટે આ વખતે ગુજરાત જિતાશે એ વિષે તેઓને જરા પણ શંકા નહોતી. તેઓમાંથી જેઓ ઘણા નમાઝી તથા ધર્માંધ હતા તેઓ ગુજરાત જીત્યા પછી ત્યાંના સઘળા લોકોની પાસે બર હક્ક મનાવવાને એટલા તો આતુર હતા કે તેઓ રાતદહાડો પરમેશ્વરની પ્રાર્થના કર્યા કરતા કે તે સર્વશક્તિમાન આ કાફર દેશે પાકદીનવાળાના હાથમાં આપે, તેઓના મનનો અંધકાર દૂર કરે, અને તેમાં મુસલમાની ધર્મનું તેજસ્વી કિરણ પ્રકટ કરે, તથા સઘળી મૂર્તિઓ, અને લોકોને અલ્લાતાલાથી દૂર કરાને સેતાને જે જે તદબીર કરેલી છે તે સઘળી પાયમાલ થઈ જાય, તેઓના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે આ ઊંચી તથા ઉમદા મતલબ પાડવાને જ માટે પરમેશ્વર આપને ફતેહ આપશે, તથા કાફર લોકોનું જોર તોડી પાડશે; પણ લશ્કરમાં સઘળા લોકો એવા ન હતા. ઘણા તો ઘેર ભૂખે મરતા હતા, અને પૈસા લૂંટવાના હેથી જ તેઓ પોતાનાં બૈરાં-છોકરાંને છોડીને આટલે દૂર પોતાનો જાન જોખમમાં નાખી આવ્યા હતા. તેઓનો વિચાર પૈસા ઉપર જ હતો. રાત્રે તેઓ સૂતા ત્યારે સ્વપ્નામાં ગુજરાતના રાજા, વ્યાપારી, તથા બીજા લોકોની અગણિત દોલત તેઓના જોવામાં આવતી. અને સોના, રૂપા, મોતી, તથા જવાહરના ઢગલામાં તેઓ પોતાના હાથ ઘાલી જેટલું જોઈએ તેટલું તેમાંથી લીધા પછી પાછા દેશ જઈને મોટી હવેલીઓ બાંધવામાં, ગુલામો વેચાતા લેવામાં, ઝનાનામાં ઘણો વધારો કરવામાં, તથા બીજી રિયાસત ભોગવવામાં સઘળી દોલત ખરચીશું, એમ તેઓ ઊંઘમાં પણ વિચાર કરતા હતા.

ઉપર થયેલી સઘળી વાત ઉપર વિચાર કરતો ઘણી ઉદાસ વૃત્તિમાં માધવ પોતાના તંબૂ ઉપર જતો હતો. તેણે ત્યાં જઈ સૂવાને ઘણાં ફાંફાં માર્યા, પણ નિદ્રાદેવીએ તેના ઉપર મહેરબાની કરી નહીં. તે બિછાના ઉપર પછાડા મારવા લાગ્યો, અને તેની આખી જિંદગીનું ચિત્ર એક તખ્તા ઉપર ચીતરાઈને તેની આંખ આગળ આવ્યું. તેને પોતાનાં માબાપ યાદ આવ્યાં; તેની નાનપણથી રમત તથા સોબતીઓ આંખ આગળ આવ્યાં; તેની જુવાની થતાં જે જે ઉમેદ તેના મનમાં આવી હતી, તથા જે જે શેખચલ્લીના વિચાર તેણે કર્યા હતા તે સઘળા એક પછી એક તેના સ્મરણ-સ્થાનમાંથી નીકળતા ગયા. તે પાટણમાં આવ્યો તે વખતે નિર્દોષ હતો, અને આ વખતે તેના મનમાં કેટલા ઊલટાસૂલટા વિચાર હારબંધ આવતા, તથા કેવું ભયંકર તોફાન થઈ રહેલું હતું ? જુવાનીનો રમણીય તથા આશાથી ભરપૂર વખત ગયો તે ફરીથી આવવાનો નથી. પાટણમાં થોડી વાર રહ્યા પછી તેની આશા સફળ થતી ગઈ, તે દરજ્જે ચઢતો ગયો, અને છેલ્લી વારે કરણને ગાદીએ બેસાડીને તેનો મંત્રી થયો, એ સઘળું હમણાં જ બન્યું હોય એમ તેને જણાયું. પછી આફતો આવી પડી; પોતાની પદ્મિની જેવી સ્ત્રી રૂપસુંદરીને રાજા લઈ ગયો; તેનો નાનો ભાઈ કેશવ તે ગડબડાટમાં માર્યો ગયો. તેની ભાભી ગુણસુંદરી સતી થઈ; તથા તે પોતે પોતાનો હોદ્દો છોડી એક ચોરની પેઠે સંતાતો રાજ્ય છોડી ઘણાં સંકટો ભોગવી દિલહીમાં આવ્યો. દિલ્હીમાં જે બનાવ બન્યો તે, તેની પાદશાહ સાથે મુલાકાત, પાદશાહની ગુજરાત જીતવાની કબૂલાત. એ સઘળું તેને એકદમ યાદ આવ્યું ત્યારે તેની છાતી ભરાઈ આવી. અને મનમાં એટલો તો ઉકળાટ થઈ આવ્યો કે તે આ વખતે એક નાના છોકરાની પેઠે મોટે અવાજે પુષ્કળ રડ્યો. પોતાના દેશ ઉપર મ્લેચ્છ લોકોને લઈ આવ્યો તેથી તેના મનમાંનું વેર તો તૃપ્ત થયું, પણ તેના અંતઃકરણમાં તેના આવા કામથી ઘણો પસ્તાવો થયા કરતો, તથા ઘણી જ શરમ લાગ્યા કરતી હતી. જગતના ઈતિહાસ ઉપરથી જણાય છે કે એ પ્રમાણે કરવામાં ાધવ કાંઈ એકલો ન હતો. અસલના વખતમાં બ્રિટન દેશમાં વારટિજર્ને જર્મનીથી સાકસન લોકોને, અને સ્પેનમાં કાઉટ જુલિયને આફ્રિકાથી મુસલમાન સરદાર મુસાને પોતાના રાજા ઉપર માધવના જેવા જ કારણને વાસ્તે વેર લેવાને તેડાવ્યા હતા, તે સિવાય સ્ત્રીહરણને લીધે ઘણા માણસોએ, રાજાની ખરાબી કરવા, પોતાના દેશને તથા લોકોને પરાયા લોકોને હાથ તાબે થવા દફીધા હતા. પોતાની સ્ત્રીના પતિવ્રતપણાનું અભિમાન એવું જ હોય છે; તે ભંગ કરનાર ઉર જુસ્સો પણ એવા જ પ્રકારનો હોય છે; તથા વેર પણ માણસના અંતઃકરણ ઉપર એટલા જ જોરથી અમલ ચલાવે છે. એ સઘળા માણસો પોતાનું વેર લીધા પછી પસ્તાય છે, ત્યારે માધવને ઉપર પ્રમાણે પશ્ચાત્તાપ થાય એમાં શું આશ્ચર્ય ? માણસના મનના બંધારણનો સ્વાભાવિક ધર્મ છે કે જ્યારે કોઈ પણ એક વિચાર ઘણો પ્રબળ થાય છે ત્યારે તે બીજી સઘળી વૃત્તિઓને નિર્બળ કરી નાખે છે. એ વખતે બીજી વૃત્તિઓનું કંઈ ચાલતું નથી; પણ જ્યારે તે બળવાન વિકાર શાંત થાય છે ત્યારે તેનું જોર નરમ પડે છે, અને તેથી તે નીચે બેસે છે, અને બીજા જે વિકારો દબાયેલા હતા તેઓ સઘળા જોર પકડી આવે છે, તેથી કરીને તે માણસને પાછળથી ઘણું દુઃખ થાય છે. એ પ્રમાણે માધવને બન્યું. એ સિદ્ધપુરના રુદ્રમાળની પગથાર ઉપર તે રાત્રે ફરતો હતો તે વખત વેરે તેનું મન વશ કર્યું હતું અને તેના મનની આં આંધળી થઈ હતી, હવે પછી તેની મતલબ પાર પડી, અને રાજા કરણ ઉપર મનમાનતી રીતે વેર લેવાનો સમય પાસે આવ્યો ત્યારે ડાહ્યા વિચારો આવવા લાગ્યા. તેનામાં આટલી વાર સુધી દેશાભિમાન તથા ધર્માંભિમાન દબાઈ ગયાં હતાં, પણ તેઓનો બિલકુલ નાશ થયો ન હતો. હવે જે ગુજરાત દેશમાં તેનો જન્મ થયો, જે દેશમાં તેની બાલ્યાવસ્થા ખુશી તથા આનંદમાં ગઈ, જે દેશમાં તેની જુવાનીમાં તેની ઊગતી આશાની કળીઓ ફૂટી, અંતે ફાટીને તે ઉપર ફૂલ આવ્યાં, જે દ ેશમાં તેની ન્યાતજાત, સગાંવહાલાં, ઓળખીતા, મિત્રો રહેતા હતા, જે દેશમાં તેણે રાજ્યનો કારભાર ચલાવ્યો હતો, જ્યાંના રહેવાસી પોતાના સ્વદેશી કહેવાતા, જેઓ તેને એક વાર પોતાના પિતા સમાન ગણતા હતા, જેઓનું રક્ષણ કરવું તથા જેઓના સુખમાં વૃદ્ધિ કરવી એ તેનો મુખ્ય ધર્મ છે એમ તે જાણતો. તે દેશ તથા તે રહેવાસીઓનું સ્વતંત્રપણું હરી લેવા. દેશી રાજાને ઉઠાડી મૂકી પારકા રાજાનું રાજ્ય સ્થાપન કરવા, પોતાના દેશીઓને પગે બેડી પહેરાવવા, તથા હમેશાં માટે ગુજરાતને ગુલામગીરીની હાલતમાં નાખવાનો તેણે ઉપાય કર્યો તે વિચારથી તેને મહાકષ્ટ થતું. વળી ધર્મ તરફથજી પણ તેને થોડો પશ્ચાત્તાપ ન હતો. અગર જો શૈવ માર્ગી તથા જૈન માર્ગીઓ નિરંતર લડી મરતા હતા, અગર જો હિંદુ તથા જૈન લોકોના જુદા જુદા પંથો ઉંદર-બિલાડીની પેઠે એકેક ઉપર વૈરભાવ રાખતા, તથા જે જોરાવર હોય તે કમજોરને મારવાને પ્રયત્ન કરતા, અગર જો રાજાઓ પોતાપોતાના મતથી વિરૂદ્ધ માનનારા સઘળા લોકોને ઉપદ્રવ કરતા, તથા જુલમ કરી તેઓને તોડી પાડવાને મહેનત કરતા હતા, તોપણ તે સઘળી જુદી જ વાત હતી. તેઓ સઘળી એક ઝાડની શાખાઓ હતી. પણ હમણાં તો હિંદુઓના કટ્ટર શત્રુ તુરક લોકો ગુજરાત ઉપર આવેલા હતા, તેઓના ધર્મને ઉપર કહેલા સઘળા ધર્મ સાથે કાંઈ પણ સંબંધ ન હતો; બલકે હરેક ધર્મ સંબંધી તથા વ્યાવહારિક બાબતોમાં હિંદુ તથા મુસલમાન ઊલટા જ ચાલતા હતા. મૂર્તિના નામ ઉપર તેઓને ઘણો દ્વેષ હતો. શિવનું લિંગ, માતાની પ્રતિમા, તથા બીજા હિંદુ દેવની મૂર્તિઓ, તથા આદિનાથ તથા પારસનાથની મૂર્તિ, એ સર્વે તેઓની નજરમાં સરખી જ હતી. તેઓનો મત કુરાન કે તલવાર : દયા આવે તો સુન્નત કે જઝિયો. ધર્મ ઉપર તો જુલમ થવાનો જ, અને કોઈ દહાડો તેનો લય પણ થાય. દેવસ્થાનની મસ્જિદ થઈ જાય; જ્યાં હમણાં ઘંટ વાગતા તથા શંખનાદ થતા ત્યાં કોઈ વખત મૂલ્લાં બાંગ પોકારે; જે અધિકાર હમણાં બ્રાહ્મણો ભોગવતા તે હવે પી મુલ્લાં તથા સૈયદ ભોગવે; તથા જ્યાં હમણાં ‘રામરામ’ થતા ‘શિવશિવ’ એ શબ્દ સંભળાતા ત્યાં ‘અલ્લા અલ્લા’ તથા પેગંબરનું નામ સંભળાય, એ કાંઈ થોડી વાત ન હતી.

જે ધર્મમાં માણસ જન્મ્યો હોય જેમાં તે ઊછર્યો હોય, જેનો ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હોય, જેમાં તેણે આ લોકની આશા બાંધી હોય, સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હોય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ બંધાય છે. તે ધર્મને નુકસાન લાગે તો પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણેક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈવાર તે ધર્મને અર્થે પોતાનો પ્રાણત્યાગ કરવાને પણ આંચકો ખાતો નથી. માણસના અંતઃકરણ ઉપર ધર્મની આટલી સત્તા છે તયારે માધવને તે વખતે જે કષ્ટ થતું હતું તે કેવળ સ્વાભાવિક જ હતું. વળી લડાઈની આફત તથા ખરાબી સઘળા જાણતા હશે, જેઓને તે વીતી નહીં હોય તેઓએ તે બાબતે સાંભળ્યું હશે, અથવા તેઓ કલ્પના કરી શકતા હશે. આવા સુંદર રળિયામણા તથા ફળવાન ગુજરાતને ઉજ્જડ કરી નંખાવવું, તેના રહેવાસીઓને કતલ કરાવવા, તથા લોકોનું જે દ્રવ્ય તથા મુલ્યવાન વસ્તુઓ તેઓએ શ્રમ કરી મેળવ્યાં હોય તથા ઘણું જતન કરી જાળવ્યાં હોય તે સઘળાં પારકે હાથે લૂંટાવા દેવાં, તથા તે સિવાય બીજી ઘણીક આફતો જે લડાઈથી દેશ ઉપર પડ્યા વિના રહેતી નથી તે સઘળી ગુજરાત ઉપર લાવવામાં સાધન થવું, એ વિચારથી જ માધવને ઘણી બેચેની થતી હતી, તથા તેની નિદ્રાનો અટકાવ થતો હતો.

સવાર પડી એટલે છાવણીમાં ગરબડાટ થઈ રહ્યો. સઘળા કૂચ કરવાને તૈયારો થયા, અને સૂર્ય ઊગ્યા પછી તરત લશ્કર આગળ ચાલ્યું. શત્રુનાં લાખો માણસો એ પ્રમાણે ગુજરાત ઉપર તીડનાં ટોળાંની પેઠે પડ્યાં, અને તે નુકસાનકારક જીવડાંની પેઠે તેઓના રસ્તામાં જે કાંઈ આવ્યું તેને ખરાબ તથા પાયમાલ કરતા ગયા. તે વખતે હોળીના દહાડા હતા. શિયાળો અને ઉનાળો દેશ પર સત્તા ચલાવવાને લડી મરતા હતા, અને લડી લડીને થાકીને તેઓએ સમાધાન કર્યું હોય એમ જણાતું હતું. દિવસે ઉનાળાનો તથા રાતે શિયાળાનો અમલ ચાલતો હતો. ખેતરમાં રવી, એટલે શિયાળાનો પાક હતો તેની કાપણી કરવામાં આવી હતી, અને તેથી તેમાં ખુંપરા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું ન હતું. ખેડૂત લોકો પોતાની મહેનતથી પરવારેલા હતા, તથા ખળીમાંના અનાજની પણ ધારા પ્રમાણે વહેંચણી થઈ હતી. આંબાનાં ઝાડ ઉપર મોર આવેલા હતા, તથા તે ઉપર કોયલ મધુરા સ્વરથી વસંતઋતુને આદરમાન આપતી હતી. ગામોમાં છોકરાં મોટેથી અપશબ્દો બોલીને તથા નિર્લજ્જ ચાળા કરીને હોળી માતાને પ્રસન્ન કરવાને યત્ન કરતા હતા, તથા મોટી ઉંમરના માણસો પણ ઘણી વાર તે છોકરાઓની સાથે હોળીની બેશરમ રમતમાં સામેલ થતા હતા. ઘણે ઠેકાણે ફાગ ખેલવાને કેસૂડાનાં ફૂલનો રંગ, ગુલાલ, અબીલ ઈત્યાદિ તૈયાર કરી રાખ્યાં હતાં. પણ તે વર્ષે ગુજરાતમાં તેના એક બાળકના કૃત્યથી જુદી જ રીતની હોળી ખેલાવાની હતી. હોળી માતાને આ વખતે ઘણી ભુખ લાગી હતી, અને તે શાંત કરવાને હજારો માણસનો ભક્ષ લેવાનો મનસૂબો તેણે કર્યો હતો. જ્યાં લોહી જેવા રાતા રંગના પ્રવાહની રેલ ચાલવાની ત્યાં કેસૂડાના રંગની શી જરૂર ? તથા ગુલાબઅબીલ શા કામનાં ! આ વર્ષે કાંઈ સ્ત્રીપુરુષ હેતથી ફાગ ખેલવાનાં ન હતાં. તેને બદલે લાખો હિંદુ તથા મુસલમાન સામસામા આવી એક ભયંકર હોળી રમવાના હતા. તેમાં પ્યારને બદલે દ્વેષ, તથા મોહને ઠેકાણે વેર હતું. હોળીના ઉત્સવના દિવસ આવ્યા જાણી લોકોમાં જે આનંદ ઊપજવો જોઈએ તેને બદલે આ વખતે તો તેઓનાં હૈયામાં ભડભડ હોળી બળવા લાગી હતી. શત્રુનું લશ્કર પાસે આવતું સાંભળીને, તથા કરણ રાજાએ પોતાનું સૈન્ય તૈયાર કરવા માંડ્યું તે જોઈને જ્યાં ત્યાં સઘળે ઠેકાણે હાહાકાર થઈ રહ્યો હતો. શહેરના તથા ગામોના દરવાજા દિવસને વખતે પણ બંધ રાખવામાં આવતા હતા; ઢોરોને શહેર તથા ગામોની માંહે ચરાવવા માંડ્યાં હતાં; સઘળા મરદો લડવાને અથવા નાસી જવાને તૈયાર થઈ રહી બુકાની બાંધીને ફરવા લાગ્યા હતા; સઘળાં સ્ત્રી-પુરુષો ઘણાં દુઃખી તથા ચિંતાતુર દેખાવા લાગયાં હતાં. ગામડાંના લોકો પોતાનું અનાજ તથા જે થોડાઘણા પૈસા હતા તે સઘળા દાટીને, તથા કૂવા અને વાવો બની શકે તેટલાં પૂરી નાખીને, પોતાનાં ગામ ઉજ્જડ કરી આગળ ચાલ્યાં જતાં હતાં. એ રીતે જેમ જેમ પાદશાહી લશ્કર આવતું ગયું તેમ તેમ નાસતા લોકોનો સમુદાય વધતો ગયો. બાળક, જુવાન અને ઘરડાં, સ્ત્રીઓ તેમજ પુરુષો, પોતાનાં પ્યારાં ગામોને બળતાં જોતાં, રડતાં તથા શોક કરતાં આગળ ચાલતાં. તેઓમાંથી ભુખ, તરસ તથા પૈસાની તંગી અને એવાં બીજાં કારણોથી રસ્તામાં સેંકડો મુડદાં થઈ અથવા માંદા થઈ પડતાં, અને પાછળ શત્રુ પાસે જ હોવાથી તેઓને તેમનાં તેમ મૂકી બીજાં પાટણમાં જલદીથી જઈ પહોંચવાને દોડાદોડ કરી રહ્યાં હતાં. જેઓ રાજાના લશ્કરમાં લડવાને ગયા હતા તેઓ પણ ઘણા જ દુઃખનું કારણ થઈ પડ્યા હતા. કોઈ ઘરડી ડોશી જેનો એકનો એક છોકરો લડાઈ ઉપર ગયો હતો તે જીવતો પાછો આવશે નહીં એ શંકાથી તે બિચારી નિરંતર રડ્યા જ કરતી, તથા તે મરશે તો તેનું આવી દુર્બળ અવસ્થામાં કોણ ગુજરાન કરશે, એ દુઃખથી તેનું અંતઃકરણ વીંધાઈ જતું હતું. કેટલાક તો ડોસાડોસીઓની ઘડપણની લાકડી તથા આંધળાની આંખ જેવા છોકરા લડવા ગયેલા તેથી તેઓ બિચારાં ઘણાં જ શોકાતુર દેખાતાં હતાં. કેટલીક સ્ત્રી પોતાના ભાઈ ભત્રીજા વગેરેને વાસ્તે દુઃખ કરતી હતી. કેટલીક જુવાન સ્ત્રીઓ જેઓ તરત પરણી હતી, જેઓએ સંસારનું સુખ માત્ર ચાખવા માંડ્યું હતુ, જેઓ ધણી-ધણિયાણીને સાંકળી દેનાર છોકરાં રૂપી બંધનથી બંધાયાં ન હતાં, જેઓની દુનિયાની ખુશી હજી ઊગતા સૂરજની પેઠે ક્ષિતિજમાં જ હતી, જેઓની સંસારને લગતી હજારો આશાઓ મનમાં જદ ફક્ત રહેલી હતી, તે સ્ત્રીઓના ભરથાર લડાઈ ઉપર ગયેલા તેથી તેઓના ભવિષ્ય ઉપર એક અંધારો પડદો વળ્યો, તેઓની આશા મનમાં ને મનમાં જ રહી ગઈ, તથા તેઓના સુખના સૂરજ ઉપર એક મોટું વાદળું ફરી વળ્યું હતું. બીજી કેટલીક કન્યાઓ, જેઓ હજી પરણેલી ન હતી, પણ જેઓના ધણી નક્કી થયેલા હતા, તેઓ જ્યારે હસ્તમેળાપ કર્યા વિના મ્લેચ્છ તુરકડા સાથે તલવારની રમત રમવા ગયા, ત્યારે તે બિચારી અબળાના દુઃખનો કાંઈ કાઠો જ ન હતો. તેઓનું સંસારી સુખ તો સ્વપ્નમાં જ આવ્યું અને ગયું; તેઓની પ્રીતિની ઊગતી કળીઓ લડાઈ રૂપી હિમ પડવાથી બળી ગઈ; તેઓની આગળની આશા તો ભવીષ્ય ઉપર રહી, અને હવે પછી તેઓનું શું થશે તેની વાંચનારાઓએ જ કલ્પના કરી લેવી. સુખમાં એ પ્રમાણે ભંગાળ પડ્યું, સુખદાયક તડકામાં એકાએક વાદળ ચઢી આવ્યું, અને ભયાનક વીજળી તથા ગડગડાટ સહિત વરસાદનું એક મોટું ઝાપટું આવવાનો સમય આવ્યો.

હવે પાટણ શહેરમાં કેવી ગડમથલ થઈ રહી હતી તે ઉપર આપણે નજર કરીએ. લશ્કરમાં જેઓ ગયા હતા તેઓનાં માબાપ, છોકરાં, ધણિયાણી તથા બીજાં સગાંસંબંધીઓને ઉપર બતાવ્યા પ્રમાણે દુઃખ થયું હતું. મોટા મોટા વેપારીઓ જેઓએ છળભેદથી તથા હિંમત ચલાવી સાત પેઢી સુધી પહોંચે એટલીું ધન ચાંચવે પાવડે ઉસેડ્યું હતું, તે ધન જોઈને તેઓની આંખમાંથી આંસુની ધાર ચાલતી, અને તેનું શું થશે તે બાબત તેઓ મહા ફિકરમાં પડ્યા હતા. તેઓએ ભોંયમાં મોટા ખાડા ખોદીને સઘળી તેઓની દોલત દાટી, અને આગળ શું થાય છે તેની રાહ જોતા બેઠા. સઘળા નાના વેપારીઓએ પણ એ જ પ્રમાણે કર્યું. દુકાનદારો પોતપોતાના દેવની ભક્તિ કરવા લાગ્યા, અને મ્લેચ્છ શતુરનો એકદમ નાશ થાય, રાજાનો થાય, ધર્મનું રક્ષણ થાય; અને ગુજરાતનું દેશી રાજ્ય કાયમ રહે, તેને માટે ધર્મને લગતા હજારો ઉપાયો સઘળા કરવા મંડી પડ્યા હતા. એ પ્રમાણે સઘળા લોકોમાં ચિંતા પથરાયેલી હતી, તોપણ શહેરમાં કેટલાક લોકો ઘણા આનંદમાં દેખાતા હતા, જેઓની પાસે કાંઈ ન હતું, એટલે જેઓને લૂંટાવાનો કંઈ ભય ન હતો, જેઓને આવી ઊથલપાથલમાં ઘણો લાભ મળવાની ઉમેદ હતી, તથા જેઓ દેશની દોલત સામાનય મિલકત માનતા, અને પારકા તથા પોતાનામાં કાંઈ ભેદ ન ગણાતા, જેઓ અગર મહેનતે પોતાનું ગુજરાન ચલાવતા, તથા મધપૂડા રૂપી જગતમાં આળસુ મધમાખીઓની પેઠે બીજાનું મેળવેલું મધ પોતે ખાઈ જતા; તેઓને આ વખતે ખુશીનો કંઈ પાર જ ન હતો. તેઓની તો ખરી મોસમ આવી હતી, અને તેનો લાભ લેવાને તેઓ તૈયાર થઈ બેઠા હતા. શહેરમાં આસપાસનાં ગામોના લોકો આવી ભરાયા હતા, તથા સઘળું લશ્કર પડ્યું હતું તેથી તેમાં તલ પડે એટલી જગા રહેલી ન હતી. ઘણા લોકો મેદાનમાં પડ્યા હતા, કેટલાક લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા હતા, અને કેટલાકે ઘણાં ભારે ભાડાં આપી ઘરો લીધાં હતાં. સઘળા લશ્કરને ડેરાતંબૂઓ તાણીને તેમાં રાખેલું હતું. એ પ્રમાણે પાટણ સઘળું ખીચોખીચ ભરાઈ ગયું હતું. તે સઘળાઓને ખાવાનું જોઈએ તેથી સઘળી ખાવાની જણસોનો ભાવ ઘણો જ વધી ગયો હતો, અને તેને લીધે બીજી સઘળી વસ્તુઓ પણ તેવી જ મોંધી વેચવા માંડી હતી. એવી મોંઘવારીને લીધે ગરીબ લોકો ઘણું દુઃખ પામવા લાગ્યા, અને કેટલાંક ભૂખગસ મરવા જેવાં થયાં. દુઃખના ઢગલા ઉપર વળ્યા, તેથી સઘળા લોકો લડાઈનો જેમ બને તેમ જલદીથી અંત આવે તે જોવાને ઘણા આતુર હતા.

દરબારમાં પણ ખળભળાટ થઈ રહ્યો હતો. સઘળા મંડળેશ્વરો પોતપોતાના તાબાનાં માણસો લઈને આવ્યા હતા. મંડળિક રાજાઓને મદદ લઈ આવવાને જાસૂસો મોકલ્યા હતા; પણ તેઓને આવતાં વાર લાગશે એમ જાણીને તેઓની તરફથી રાજાએ ઘણો ભરોસો રાખ્યો ન હતો. બહારના જુદા જુદા સ્વતંત્ર રાજાઓના સંધિવિગ્રહિક લોકોએ પોતાના રાજાઓને લખવાને કબૂલાત આપી હતી; પણ એવા સાતપાંચની મદદથી લડાઈમાં જય મેળવવો એમાં કાંઈ પ્રતિષ્ઠા નહીં, તેમજ લડાઈમાં બહાદૂરી બતાવી પોતાનું નામ અમર કરી લેવાની કરણ રાજાની ઈચ્છા હતી, અને જો બહારથી સહાયતા આવે તો તે ઈચ્છા પાર પડે નહીં, તેથી તે સંધિવિગ્રહિક લોકોનો ઉપકાર માની તેઓની તરફથી મદદ લેવાની તેણે ના કહી હતી. રાજા કરણ ઘણા જ ઉમંગમાં હતો. તેની સર્વ શક્તિઓ જે આજ લગી વાપરવામાં ન આવ્યાથી નિદ્રાવશ થઈ ગઈ હતી, સઘળી હવે જાગ્રત થઈ. રાજ્યકારભારમાં તેની સુસ્તી જણાતી હતી તે હવે ઊડી ગઈ. જેમ માછલી પાણીમાં, પક્ષી હવામાં, તથા ભૂચર પ્રાણીઓ જમીન ઉપર જ પોતપોતાનું બળ બતાવી શકે છે, પણ તેઓને તેમની નીમેલી જગામાંથી બહાર કાઢ્યાં એટલે તેઓ નિર્બળ દેખાય છે, તેમ જ્યારે હમણાં લડાઈનો પ્રસંગ આવ્યો ત્યારે જ કરણ રજાનું ખરું રૂપ પ્રકાશી નીકળ્યું. તેણે લડાઈની સર્વ તૈયારી ધમધોકાર કરવા માંડી, અને તે કામમાં તેણે આખો દહાડો અને રાતનો ઘણો ભાગ જાતે મહેનત કરી. પછી મુસલમાન લોકોનું લશ્કર પાટણની પાસે આવતું જાય છે એમ જાણી તેઓની સાથે લડવા જવાને શહેરમાંથી જલદી કૂચ કરવી એવો તેણે ઠરાવ કર્યો. પોતાનો મબસૂસો અમલમાં લાવતાં પહેલાં તેણે પોતાના સઘળા મંડળેશ્વર તથા મુખય સામંત સરદારોની એક સભા કરી, તેમાં કેવી રીતે લડાઈ કરવી, તથા રાજ્યનો બચાવ શી રીતે કરવો તે વિષેનો પ્રશ્ન કર્યો. તે વખતે સઘળા વૃદ્ધ અને શાણા સરદારોએ તેને સલાહ આપી કે મંડળિક રાજાઓ પોતપોતાનાં લશ્કર લઈને આવે ત્યાં સુધી આપણે પાટણના કિલ્લામાંથી બહાર જવું નહીં; એટલા વખતમાં મુસલમાનોનું લશ્કર આવશે, અને શહેરને ઘેરો ઘાલશે, તો તેઓનો નિશ્ચય નાશ થયો એમ જાણવું. જ્યારે મંડળિક રાજાઓ આવી પહોંચશે ત્યારે તેઓ પાછળથી તેઓના ઉપર હુમલો કરશે, તે જ વખતે આપણે પણ કિલ્લામાંથી નીકળીને આગળથી તેમના ઉપર હુમલો કરીશું, જ્યારે એ પ્રમાણે તેઓ બંને તરફથી સપડાશે ત્યારે તેમને બચવું ઘણું મુશ્કેલ થઈ પડશે. અને તેઓ સઘળા નક્કી માર્યા જશે. જો કદાચ આપણી તેમાં હાર થઈ તોપણ પાછા કિલ્લામાં ભરાઈ જવું બની આવશે. અને ત્યાં રહી આપણે તેઓને થકવી નાખીશું. તેઓનું લશ્કર મોટું છે ખરું, પણ તેઓની પાસે મજબૂત તથા મોટા કિલ્લા લેવાને જોઈએ તેવો તથા તેટલો સામાન નહીં હોય, તેમ એટલા બધા માણસોને ઘણા દહાડા સુધી ખોરાક પૂરો પાડી શકાશે નહીં તેથી તેઓના માણસોમાંથી કેટલાક ભૂખે મરી જશે, અને બીજાઓ નાહિંમત થઈ જશે, અને અંતે નિરાશ થઈ તેઓને દેશ છોડી જતાં રહેવું પડશે, એવી અમારી સઘળાની સલાહ છે.

આ વિચાર કરણ રાજાને જરા પણ ગમ્યો નહીં. તે બોલ્યો : ‘‘તમારી સલાહ’’ ઘણી ડહાપણભરેલી તથા ફાયદામંદ છે ખરી, પણ તે પ્રમાણે ચાલવું આપણા લોકોને યોગ્ય નથી. શું આપણે બાયડીઓની પેઠે ઘરમાં ભરાઈ બેસીએ ? શું લડાઈમાં જીતવા જેટલું સામર્થ્ય નથી ? જો કદાપિ આપણો એક લડાઈમાં પરાજય થાય તોપણ શું આપણે એવા નિર્બળ થઈ જઈશું કે તેઓની સાથે બીજી લડાઈ કરી શકીશું નહીં ? શું રજપૂતોમાંથી પાણી ગયું ? શું તેઓનું શૂરાતન ડૂબી ગયું ? શું તેઓ ઘાસ ખાય છે ? શું આપણે આળસમાં પડી વાણિયા વેપારીઓ જેવા કાયર થઈ ગયા ? આપણી આગળના રાજાઓએ જે શૌર્ય દેખાડ્યું છે તે સઘળું શું વ્યર્થ સમજવું ? જો આપણે ક્ષત્રિય થઈને રાંડીરાડ ડોશીની પેઠે ખૂણો પકડી બેસીએ તો આપણે પુરુષ નહીં પણ વ્યંઢળ જાણવા. રાજપૂતોએ શત્રુથી બીવું ! એમ કદી થાય નહીં. શૂરા સામંત સરદારો ! આજ તમારી અક્કલ ઠેકાણે નથી, તમે તમારી સ્ત્રીઓની મસલત લીધી હશે, નહીં તો રજપૂત થઈ આવાં વચન તમે બોલો નહીં. એ ચંડાળ લોકોએ વગર કારણે એક બ્રાહ્મણના કહેવાથી સૂતો સિંહ જગાડ્યો છે; તેઓએ સાપના મોંમાં હાથ ઘાલ્યો છે; કાળને ખીજવી બોલાવ્યો છે; અને મોત પોતાને હાથે માગી લીધું છે. તેઓને દટાવાને પોતાના દેશમાં જગા ન મળવાથી આપણે ત્યાં આવ્યા છે. માટે હવે કાગડા, સમડી તથા ગીધને મોટી ઉજાણી મળશે, તેઓનું આપણાં ખેતરો તથા વાડીઓમાં સારું ખાતર બનશે, અને વળી આવતે સાલ જ્યારે પાક સારો થશે, ત્યારે તેઓને મારવાને જ જાણે પરમેશ્વરે જ મોકલ્યા એમ માની ખેડૂતો ભગવાનનો પાડ માનશે માટે લડવું, લડવું ને લડવું. કિલ્લામાં ભરાઈ બેસવું નહીં, પણ આપણી તલવાર ઉપર તથા સત્ય ઉપર ભરોસો રાખી રણસંગ્રામમાં ઊતરવું, પછી જે થાય તે ખરું. બાયડીઓની રીત પકડી જીતવું તે કરતાં લડાઈમાં પડવું એ લાખ દરજ્જે સારું છે.’’

સામંતોએ રાજાની વાત સાંભળી લીધી; તેઓ પણ રજપૂત હતા, તથા તેઓમાં હિંમતની કાંઈ કસર ન હતી, તેથી તેઓનું લોહી પણ લડાઈની વાતો સાંભઈળીને ઊકળી આવ્યું, અને તેઓની તરફથી હરપાળ ઘણા જુસ્સામાં બોલી ઊઠ્યો : ‘‘રાજાધિરાજ ! તમારી સાથે રણસંગ્રામમાં આવવાને અમને જરા પણ ડર નથી; તેમ કરવામાં અમને ઘણી ખુશી છે; પણ જે કામ કરવું તેમાં પાછળથી દુનિયા આપણા સઘળાને મૂર્ખ કહે એ વાતનો વિચાર કરવો જોઈએ. શત્રુની સામે વર્તવાને હિંમતની સાથે ડહાપણ પણ જોઈએ. લડાઈ કરવામાં કાંઈ હરકત નથી; પણ ન કરે નારાયણ ને જો તેમાં આપણે હાર્યા, અને બીજી વાર લડવાની આપણામાં શક્તિ રહી નહીં, તો એક સપાટામાં આખું રાજ્ય આપણા હાથમાંથી જતું રહે, અને પછી ગુજરાતના લોકો સદા આપણી કસૂર કાઢે, તથા નિરંતર આપણી નિંદા કર્યા કરે, તે ઉપર વિચાર કરી અમે સલાહ આપી. પણ જો તમને તે પસંદ ન હોય, જો તમારી મરજી મેદાનમાં તેઓની સાથે યુદ્ધ કરવાની હોય, તો અમે સઘળા તૈયાર છીએ. જોશીઓને બોલાવી મુહૂર્ત પૂછવું અને શુભ દિવસે અત્રેથી કૂચ કરવી. અંબામા તથા તેત્રીસ કરોડ દેવતાઓ આપણને સહાય થશે.’’ એમ કહી તે જોરથી ખંખાર્યો તથા સઘળાઓએ પોતપોતાની મૂછ ઉપર તાલ લીધી.

જે દહાડાનું જોશીઓએ મુહૂર્ત આપેલું હતું તે દહાડે સવારે રાજા ટોપ તથા બખતર સજીને તથા લડાઈનાં સઘળાં શસ્ત્ર બાંધીને તૈયાર થયો. સઘળા સરદાર તે જ પ્રમાણે થઈ ઊભા રહ્યા. રાજ્યગોરે રાજાને કપાળે ટીલું કર્યું તથા આશીર્વાદ દીધો. ભાટ લોકો રાજાના મનમાં શૂર ચઢાવવાને કવિત બોલવા લાગ્યા. બારણા આગળ મોતીના સાથિયા પુરાયા. ચોગાનમાં સઘળું લશ્કર તૈયાર થઈ ઊભું રહ્યું. દશ હજાર સવાર, પાંચસો હાથી, વીશ હજાર પાયદળ, પાંચસો રથ, એટલાં લડવાનાં સાધન હતાં. કરણ રાજા જ્યારે પોતાના કવચવાળા હાથી ઉપર સવાર થયો, ત્યારે જયજયકારનો નાદ થઈ રહ્યો; શંખનાદ જોરથી થયો; નોબત ગડગડી; થા બીજાં રણસંગ્રામનાં વાજિંત્રો વાગ્યાં. રાજા તથા લશ્કરને જોવાને શહેરમાં લોકોની અથાગ ભીડ થઈ હતી. તેઓ સઘળા લડાઈને પરિણામને વાસ્તે ઘણા ચિંતાતુર દેખાતા હતા. રાજાનું સૈન્ય આટલું થોડું જોઈને તેઓને ઘણો ભય લાગતો હતો. અને જેમ હાથીઓના ટોળામાં એક વાઘના બચ્ચાનુંઅંતે કાંઈ ચાલે નહીં, તેમ એ સૈન્ય આખરે કપાઈ જશે, એવી દહેશત લોકોને રહેતી હતી. તોપણ શૂરા કરણ રાજાને જોઈને તેઓને ઘણો ઉમંગ આવ્યો. તેનો સાદો લડાઈનો પોશાક તથા શૂરથી ભરપૂર આંખ જોઈને તેઓ સઘળા ઈન્દ્રજિત અથવા અર્જુન જોડે તેનો મુકાબલો કરવા લાગ્યા. રસ્તામાં તેના ઉપર ફૂલ તથા ફળની વૃષ્ટિ તેઓએ કરી. તેના હાથી આગળ ફૂલો વેરાતાં ગયાં, તથા તેના જયને વાસ્તે સઘળા લોકોના આશીર્વાદ સહિત કરણ રાજા શહેરની બહાર નીકળ્યો. એ પ્રમાણે રાજાએ એક દહાડામાં, ઘણા દહાડાનાં તેનાં કામોથી થયેલી લોકોની અપ્રીતિ દૂર કરી. શૌર્ય એ ઘણો વિચક્ષણ ગુણ છે, તે હજારો અવગુણને ઢાંકી નાખે છે. અંગળ તથા હિંમતથી લોકો એટલા સાનંદાશ્ચર્ય પામે છે કે ગુણ સિવાય બીજા તેઓની નજરમાં આવતા જ નથી. જગતમાં જે જે શૂરા પુરુષોએ પોતાની બહાદુરીથી દુનિયામાં માત્ર ખરાબી જ કરી છે તેઓનાં નામનો નાશ થવાને બદલે તેઓ અમર રહી ગયા છે, અને જગતના મહાન ખૂનીઓમાં કેટલાક દેવની પેઠે પૂજાય છે, અને કેટલાકનાં નામ દુનિયામાં દીવા જેવાં થઈ પડ્યા છે.

કરણ રાજાએ પોતાના લશ્કર સહિત છાવણી કરી, તેની બે બાજુએ પહાડ હતા, અને પાછળથી નદી વહેતી હતી. એવે ઠેકાણે સઘળું લશ્કર ગોઠવીને લડાઈની રાહ જોતો તે ત્યાં રહ્યો. બીજે દહાડે મુસલમાન લશ્કર આવી પહોંચ્યું, અને કરણનું લશ્કર ક્યાં પડ્યું છે તેની અલફખાંને આગળથી ખબર મળી હી તેથી તે પણ પોતાના લશ્કરની ગોઠવણ કરી લડવાની તૈયારી કરી આવેલો હતો. બપોરની વખતે બંને લશ્કર સામસામાં થયાં. મ્લેચ્છનું લશ્કર દશગણું મોટું જોઈને રજપૂત સિપાઈઓ જરા નાહિમ્મત થયા, અને એ ભય તેઓમાં કાયમ રહેશે તો લડાઈમાં ઘણાં માઠાં પરિણામ થશે એમ જાણી કરણ આગળ નીકળ્યો, અને સઘળા સિપાઈઓની આગળ તેણે નીચે પ્રમાણે ભાષણ કર્યું -

‘‘આજે દાનવો તથા માનવોની વચ્ચે યુદ્ધ થવાનો પ્રસંગ આવ્યો, તેમાં દાનવો બળવાન દેખાય છે તથા તેઓની સંખ્યા ઘણી જ વધારે છે; તોપણ એ દુષ્ટ લોકોને ભગવાન સહાય થશે, એમ તમારે કદી ધારવું નહીં. જગતમાં સતય છે તે જ ઈશ્વર છે, એમ સતય આખરે જય પામ્યા વગર રહેતું નથી. એ મ્લેચ્છ તુરકડા લોકોની આયુષ્યની દોરી તૂટવાનો વખત આવ્યો હશે ત્યારે જ તેઓ ન્યાયાન્યાય વિચાર્યા વિના પારકા દેશને ઉજ્જડ કરવાને મોટું લશ્કર લઈને આવ્યા છે; પણ પરમેશ્વરની કૃપાથી તેઓમાંનો એક પણ તેના સોબતીઓના સમાચાર કહેવાને પાછો પોતાને દેશ જનાર નથી. સત્ય આપણી તરફ છે તેથી પરમેશ્વર પણ આપણા જ પક્ષમાં છે, એમ જાણવું. રણસંગ્રામમાં કેમ લઢવું એ રજપૂતોને કહેવાની જરૂર નથી. આપણે સઘળા ક્ષત્રિયવંશના છીએ. આપણા વૃદ્ધોએ મોટાં મોટાં યુદ્ધો કરેલાં છે. કુરુક્ષેત્રની લડાઈમાં અઢાર દિવસ સુધી લડ્યા છે. તેઓના શૂરાતનની કીર્તિ આખા જગતમાં પથરાયેલી છે. તે રજપૂતો પોતાના બાપદાદાનાં નામ બોળી આવા રાની સિપાઈઓથી બીશે, એવો જરા પણ સંભવ નથી. આપણે આ સમયે આપણા વહાલા દેશને સારુ લડીએ છીએ. આપણી જાતને વાસ્તે, આપણા ઘરને વાસ્તે, આપણાં છૈયાંછોકરાંને વાસ્તે, આપણી સ્ત્રીઓના પતિવ્રતપણાના રક્ષણને અર્થે, આપણા અનાદિ ધર્મના બચાવને સારુ, આપણને જે જગતમાં વહાલામાં વહાલું છે તેને વાસ્તે યુદ્ધ કરીએ છીએ. એ વાત લડતી વખતે સઘળા મનમાં રાખજો. મરવું તો એક વાર છે જ, માટે રણસંગ્રામમાં શા માટે મોતથી બીવું ? હું આકાશ તરફ જોઉ છું ત્યારે અપસરાઓ શૂરા રજપૂતોને વરવાને ફૂલની વરમાળા હાથમાં લઈ તૈયાર થયેલી મારી નજર પડે છે. ખોપરીઓનો હાર કરવાને શિવજી પોતે પધારેલા છે; તથા તેના અગણિત ગણો, ભૂત, પીશાચ વગેરે મોટી ઉજાણી કરવાને આવેલા છે. જોગણીઓ લોહી પીવાને ઊભી રહેલી છે. દેવતાઓ લડાઈનું પરિણામ જોવાને તત્પર થઈ રહેલા છે. એ સઘળાઓની સમક્ષ આપણે લડીએ છીએ, તેઓની આંખ આપણી ઉપર છે; માટે રે શુરા રજપૂતો ! તમારા ક્ષત્રિય નામનું આજ સાર્થક કરો. કોઈ વખત કૂતરાએ વાઘને હરાવ્યો હશે, પણ તે તો ચમત્કાર જાણવો, એવું કાંઈ હમેશાં બનતું નથી, માટે ધૈર્ય ધરીને આજ એ ચંડાળ શત્રુઓના કાપી કકડે કકડા કરો; અને તેમ કરી આખા ભારતખંડમાંથી એ તુરકડાઓનો ભય મટાડો.’’

રાજાનું આવું ભાષણ સાંભળી સઘળા સિપાઈઓને આવેશ આવ્યો અને તેના જવાબમાં એક મોટો પોકાર કરી તેઓએ આખી રણભૂમી ગજાવી મૂકી, તે સાંભળી સઘળા તુર્ક સિપાઈઓ થરથર ધ્રૂજવા લાગ્યા. આ વખતે તેઓને હિંમત આપવાને અલફખાં આગળ આવ્યો ને બોલ્યો : ‘‘પાકદીનના સિપાઈઓ ! તમે સઘળા પોતાનાં ઘર તથા કુટુંબીઓ મૂકીને દૂર દેશ આવ્યા છો, તેમ કરવાની મુખ્ય મતલબ બે છે. પહેલી અને સઘળાથી અગત્યની તો એ કે કાફર લોકને ખરા દીનમાં લાવવા, તેઓનાં દહેરાં તોડી પાડી ત્યાં મસ્જિદો બાંધવી, તેઓની મૂર્તિઓ ભાંગી નાખવી, અને ‘‘લાઈલાહા ઈલ્‌ઉલ્લાદ્‌ મહમ્મદુર રસૂલ અલલાહ’’નો કલામ સઘળે પથરાવવો. બીજી મતલબ આપણું રાજ્ય વધારવું. આપણી કીર્તિ ફેલાવી, આપણા પાદશાહની આબરૂ વધારવી, તથા આપણી દોલતમાં વધારો કરવો. એ બે મતલબ પાર ન પડે, જો અલ્લાતાલાના હુકમથી આપણી હાર થાય, તો નાસવાની કાંઈ જગા નથી એમ તમારે નક્કી જાણવું. આ ઠેકાણે જીતવું કે મરવું. નાસવાનો કાંઈ લાગ નથી; અને નાસવું શા સારું ? શું આપણા સિપાઈઓએ કોઈ ઠેકાણે હાર ખાધેલી છે ? શું કાફરોને આપણે હજારો લડાઈઓમાં હરાવ્યા નથી ? ત્યારે આ વખત શા સારું બીવું ? શું કૂતરાના ભસવાથી વાઘ ડરે છે ? કદી નહીં. માટે રે બહાદુર સિપાઈઓ, આ મુડદાં જેવાં લોકો તમારી સામા મરવા આવ્યા છે તેઓને ભાતનાં છાલાંની પેઠે ઉડાવી દો, અને તેઓનો દેશ સર કરી તેઓની અગણિત દોલત તમારે વાસ્તે લઈ લો. જોજો સિપાઈઓ ! ઉપરથી અલ્લાતાલા તથા હઝરત પેગંબર સાહેબ તમારી લડાઈ જુએ છે. સઘળા ફિરસ્તાઓ આપણને મદદ કરવાને આવ્યા છે. માટે તેઓને એમ લાગે એવું કામ આજ કરશો તો ક્યામતને દહાડે તમારા હાલ ઘણા જ બુરા થશે.’’

મુસલમાન સિપાઈઓનો ધર્મ સંબંધી જુસ્સો બહાર નીકળ્યો તેથી તેઓ ‘‘અલ્લાહો અકબર’’ એવી મોટી ભયંકર ચીસ પાડી ઊઠ્યા. તે વખતે કરણ રાજા મોટા આવેશથી બહાર મેદાનમાં આવ્યો, ને અલફખાં તરફ મોં ફેરવી બોલ્યો : ‘‘જ્યારે હાથી હાથી લડી મરે છે ત્યારે નાનાં નાનાં જાડોનો વગર કારણે ક્ષય થાય છે. તમારા પાદશાહને ગુજરાત લેવું છે અને મારે તે રાખવું. પરિણામે જે નીપજશે તેમાં બિચારા સિપાઈઓને કાંઈ લાભ થવાનો નથી. તયારે તેઓ શા સારુ માર્યા જાય ? માટે તમારામાંથી કોઈની માએ શેર સૂંટ ખાધી હોય તે મેદાન પડો. હું ને તે બે એકલા યુદ્ધ કરીશું. જો હું જીતું તો તમારે દેશ છોડી ચાલ્યા જવું. અને હું મરું, તો મારું લશ્કર પણ તે જ પ્રમાણે કરશે, અને ત્યારથી આખું ગુજરાત તમારું જાણવું.’’ મુસલમાન લશ્કરમાંથી કોઈએ જવાબ દીધો નહીં, તેથી રજપૂત સિપાઈઓએ હર્ષની બૂમ પાડી, તે સાંભળી અલફખાં બોલ્યો : ‘‘જેવી એ કાફર પોતાની જિંદગીની કિંમત હલકી ગણે છે તેવી આપણે ગણતા નથી. આપણને આ જ હાથથી મોટાં કામો કરવાને ખુદાએ મોકલેલા છે. તે કામ પાર પાડ્યા વિના આપણે જિંદગી વગર જરૂરે ફેંકી દેવી જોઈતી નથી. વળી રાજા મુઆ પછી તેનું લશ્કર લડશે નહીં એવો કોનો ભરોસો ? માટે ધારા પ્રમાણે લડવું જોઈએ. પછી જે થાય તે ખરું.’’ એટલું કહી સામા લશ્કરને તેની જગાએથી ખસેડવાને તેણે તેના માણસોને હુકમ આપ્યો.

‘‘અલ્લાહો અકબર’’ની ચીસ પાડી મુસલમાન સિપાઈઓ આગળ ધસ્યા, અને રજપૂતોને તેઓની જગાએથી હડસેલવાને ઘણા પ્રયત્ન કર્યા, તેઓ પહાડની પેઠે જડ થઈ ઊભા રહ્યા. લડાઈ ઘણી ભારે ચાલી. ચોમાસામાં પવનના જોરથી વાદળાં સામસામાં અથડાય છે તેમ તે બંને લશ્કરો અથડાયાં. તલવારોના ખડખડાટથી કાન બહેર મારી ગયા; તેઓના વીજળીના જેવા ચળકાટથી આંખ ઝંખવાઈ ગઈ; તીર તો આકાશમાં એટલાં ઊડી રહ્યાં હતાં કે તેમાંથી કોઈ પક્ષીથી પણ જવાતું નહીં, અને વરસાદની પેઠે તેઓ નીચે પડતાં હતાં. જમીન ઉપર લોહીની રેલ ચાલી; યોદ્ધાઓની ચીસથી ત્યાં કાંઈ પણ શબ્દ સાંભળ્યામાં આવતો ન હતો. એ બધા ગડબડાટની સાથે ઘાયલ સિપાઈઓ ધૂળમાં રગદોળાતા હતા, તથા તેઓને તેમના ઘાથી દરદ થતું તે સઘળાના કષ્ટથી તેઓ બૂમાબૂમ પાડી રહ્યા હતા; બંને તરફના માણસો સેંકડો મૂઆ, પણ રજપૂત સિપાઈઓએ પોતાના ધારા પ્રમાણે તથા પોતાના ધર્મ પ્રમાણે પીઠ ફેરવી નહીં. કરણમાં જાણે ભૂત ભરાયું હોય તેમ જણાતું હતું. તેની આંખ ખૂનથી ભરેલી લાલચોળ થઈ ગઈ હતી. તે પોતાની તેજસ્વી તલવાટ વડે ચોતરફ ફળી વળ્યો, અને જે તેના સપાટામાં આવ્યું તેના બે કકડા કર્યા વિના રહ્યો નહીં. એક વાર તેનો હાથી મરી ગયો, ત્યારે તે ઘોડા ઉપર સવાર થઈને લડ્યો. તે ઘોડો પણ કતલ થઈ ગયો ત્યારે તે પાયદળ સિપાઈઓમાં સામેલ થયો, અને પોતાના શરીરની કાંઈ ફિકર રાખ્યા વિના એક સાધારણ સિપાઈની પેઠે લડ્યો. જ્યારે રાજાના ઉપર ઘણાં તી પડવા લાગ્યાં, જ્યારે તે એક બે ઠેકાણે ઘાયલ થયો જ્યારે કેટલાકે તેને ઓળખીને જાણ્યું કે તે જો વધારે વાર સુધી આ ઠેકાણે રહીને યુદ્ધ કરશે તો બેશક માર્યો જશે, ત્યારે તેને સમજાવીને તેને એક ઘોડો આપ્યો, અને સવારોની હારમાં મોકલી દીધો. રાજાની આવી બહાદુરીથી તેના સામંતો પણ તેવી જ હિંમતથી લડ્યા, અને સાધારણ સિપાઈઓ પણ મરણિયાની પેઠે મોતનો ડર જરા પણ ન રાખતાં પોતાનાં શસ્ત્ર નિર્દયપણે વાપરવા લાગ્યા. મુસલમાન લશ્કરમાં માણસો થાક્યાં; તેઓમાંનાં ઘણાંએ ધૂળ ચાટી; ઘણાં જખમી થયાં; પણ રજપૂતો ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેઓ હઠીને પાછા પોતાને ઠેકાણે ગયા. થોડી વાર સુધી થાક ખાઈ પાછો તેઓએ ધસારો કર્યો, પણ રજપૂત સિપાઈઓ તેઓની ભેટ લેવાને તૈયાર થઈ રહ્યા હતા, અને સૈરંધ્રી જાણીને કૈયોકિચક ભીમની સોડમાં ભરાયો હતો તેમ મુસલમાન લોકોને પણ જોઈએ તેવું જ સામા પક્ષથી આદરમાન મળ્યું. પાછું યુદ્ધ પહેલાં પ્રમાણે જ જોરથી ચાલ્યું, પણ કાંઈ થાક લાલગ્યો નહીં. સૂર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈને તથા પોતાના ભક્તોનું દુઃખ જોઈ ક્ષટ પામીને પશ્ચિમ દીશા તરફથી લાલચોળ મોં કરી ચાલ્યા ગયા; પૃથ્વી ઉપર અંધકાર પથરાવા લાગ્યો; પક્ષીઓ પોતપોતાના માળામાં જવા લાગ્યાં; તારાઓએ એક પછી એક પોતાનું મોંલ બતાવ્યું; કમળનાં ફૂલો બંધ થઈ ગયાં, અને જે મુસાફરો ગામમાં તે વખતે આવ્યા તેઓએ ત્યાં જ રાતનો વાસો કર્યો લડનારાઓથી એકબીજાનું મોં જોઈ શકાતું ન હતું; એટલામાં ચંદ્રમાનો પ્રકાશ થયો અજવાળું તો થોડું પરમેશ્વરની તરફથી આવ્યું, પણ લડવાનું સામર્થ્ય શત્રુઓમાં હમણાં રહ્યું ન હતું તેથી તેઓ પાછા પોતપોતાને ઠામે ગયા, અને રાતે લડાઈ બંધ રાખવાને તથા સવારે ઝળઝળું થતાં પાછો તેનો આરંભ કરવાને અલફખાંએ કરણ રાજાને કહેણ મોકલ્યું. રજપૂતો પણ ઘણા થાકી ગયેલા હતા, તેઓને થોડાક આરામની ઘણી જરૂર હતી તેથી એ પ્રમાણે તેઓએ કરવાનું કબૂલ કર્યું.

રાત ચાંદરણી હતી; રૂપાનાં પતરાં જેવું ચાંદરણું ખીલી રહ્યું હતું. પણ તે વેળા જમીન ઉપર કેવો ભયંકર દેખાવ જોવામાં આવતો હતો ! એક મોટા મેદાન ઉપર હજારો માણસનાં વિકરાળ મોંવાળાં મૂએલાં પડેલાં હતાં, અને તે ઉપર જ્યારે ચાંદરણું પડતું, અને તેઓનાં મોં ઉપર મૃતયુથી ઉત્પન્ન થતા ફિક્કા રંગની સાથે અજવાળાનો રંગ મળતો, ત્યારે તેઓ ખરેખરાં ભયાનક દીસતાં હતાં. ઘાયલ લોકો ચીસાચીસ પાડતા, તેઓને પોતપોતાનાં માણસો લઈ ગયાં, અને તે ઠેકાણે જે ઓસડવેસડ થઈ શકે તે લગાડવામાં આવ્યું. લોહીની તો નીક ચાલી રહેલી હતી. અને તેનો લાલ રંગ બદલાઈને કાળો થઈ ગયો હતો. ગીધ, સમડી, કાગડા વગેરેને સારુ જે મિજબાની પાથરેલી હતી તેનો ઉપભોગ કરવાને તેઓ તે વખતે ત્યાં ન હતાં, પણ વનવાગળાં ઊંચા ઊડ્યાં કરતાં, ઘુવડો પાસેનાં જાડ ઉપરથી અપશુકનવાળો તથા ભયાનક શબ્દ કાઢ્યાં કરતાં, અને શિયાળવાં મુડદાની ગંધથી ત્યાં આવીને મૂએલાં માણસોના આરામનો ભંગ કરતાં હતાં. સઘળું ચુપાચુપ હતું, અને લશ્કરમાંથી કાંઈ પણ મોટો અવાજ આવતો ન હતો.ો એટલાં બધાં માણસો એક એકનો પ્રાણ લેવાને એકઠાં થયાં હતાં, તેઓ આ રાતના દેખાવથી બીને, મોત તેઓની પાસે થઈને ફર્યા કરતું તેઓથી ડરીને, તથા આવી શાંત રાતની વખતે અવાજ કરવાથી રાત્રીના દેવોને ઉપદ્રવ થાય તે ન કરવાને સઘળાં મૂંગાં રહેલાં હતાં. માત્ર કંસારી બોલ્યા કરતી તથા શિયાળવાંને ઉજાણીનું પર્વ હાથ લાગ્યું તેથી તેઓએ બૂમાબુમ પાડી મૂકી હતી. મુસલમાન લોકોએ પોણી રાત નમાઝ પઢવામાં કાઢી. રજપૂત લશ્કરભમાં તે વખતે મહાભારત વંચાતું હતું, અને કુરુક્ષેત્બરની લડાઈમાં જે જે શૂરાતનનાં કામો કરવામાં આવ્યાં હતાં તેમાં વિશેષે કરીને ભીમનાં પરાક્રોની વાત વંચાવાથી સઘળા શૂરા રજપૂતોનું લોહી ઊકળી આવ્યું હતું. તે સિવાય ભાટ લોકોએ આગલા ક્ષત્રિય રાજાઓની લડાઈનાં કવિત કહી સંભળાવી સઘળાઓમાં શૂર ઉત્પન્ન કર્યું હતું. હવે એક પહોર રાત બાકી રહી. ચંદ્રમા અસ્ત થયો, અને અંધારાનું પ્રાબલ્ય થઈ રહ્યું. મુસલમાન લોકોના વચન ઉપર ભરોસો રાખી રજપૂત લોકોએ હજી લડવાની તૈયારી કરી ન હતી. જેવા તેઓ લડાઈના કામમાં પ્રમાણિક તથા વચન પાળનારા હતા તેવા તેઓના શત્રુ હશે એવો વિશ્વાસ રાખ્યાથી તેઓ છેતરાયા. મ્લેચ્છ તુરકડા મતલબ ઉપર માત્ર નજર રાખતા, તે મતલબ હાંસલ કરવાને ગમે તેવા ઉપાય કરવા પડે તે વિષે તેઓને જરા પણ ફિકર ન હતી. જ્યારે રજપૂત સિપાઈઓ ઉપર વર્ણવેલા કામમાં પડેલા હતા તે વખતે ખબર આપ્યા સિવાય મુકરર કરેલા વખતની પહેલાં મુસલમાન સિપાઈઓ તેઓના ઉપર તૂટી પડ્યા. રજપૂતો લડવાને બિલકુલ તૈયાર ન હતા તેથી તેઓમાં ભંગાણ પડ્યું; લશ્કરમાં તૂટ પડી; સઘળે ઠેકાણે ગરબડાટ થઈ રહ્યો; અને અંધારામાં મિત્ર કે શત્રુ કોઈ ઓળખાય નહીં. ‘‘અલ્લાહો અકબર’’ એ બૂમ સંભળાય ત્યારે રજપૂત સિપાઈઓ કપાઈ જતા એમ જણાતું. એવી ‘‘અલ્લાહોઅકબર’’ની બૂમ ઘણી વાર સંભળાતી હતી. કરણ રાજાએ પોતાના લશ્કરને ગોઠવવાની ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ. કાપણી કરનારા ખેડૂતો દાતરડાંથી જેમ અનાજ કાપે તેમ રજપૂતો તે રાતે કપાઈ ગયા. રાજાનો ઘોડો વળી મરી ગયો એટલે રાજાએ ઊભા રહી લડવા માંડ્યું; પણ હવે જય મળે એવી આશા ન હતી. એક તલવારના ઘાથી તેનાં પાંસળાં કપાયાં, અને લોહી વહેવાથી અશક્ત થઈને તે ભોંય ઉપર પડ્યો. એ અવસ્થામાં તે કપાઈ મરણ પામત, પણ દૈવયોગે તે વખતે ઝાંખુંલ ઝાંખું અજવાળું પડ્યું, અને તેનું મોં શૂરા હરપાળે તુરત ઓળખ્યું. રાજા જીવતો રહેશે તો ગયેલું રાજ્ય કોઈ દહાડો પણ પાછું હાથ લાગશે, એવા વિચારથી તેણે બેશુદ્ધ રાજાને ઊંચકી લીધો, અને એક ઝડપદાર સાંઢણી ઉપર બેસી ચાલતો થયો. સવાર પડી એટલે રજપૂત સિપાઈની ખરેખરી અવસ્થા જણાઈ. રાતે અંધારામાં કેટલાક સિપાઈઓ નાસી ગયા હતા. ઘણા તો માર્યા ગયા હતા; અને બાકી રહ્યા તેઓ જીવની આશા છોડી ભારે જોસથી લડતા હા. લડાઈના આરંભની વખતે કરણે પાસેના ગામમાં થોડાક સામંતો તથા કેટલુંક લશ્કર રાખી મૂક્યું હતું, અને આખરની વખતે તેઓ ઘણા કામ લાગશે એવી તેણે આશા રાખી હતી; પણ જ્યારે તેઓએ જાણ્યું કે કરણ રાજા દેખાતો નથી, એટલે તે બેશક માર્યો ગયો હશે, લશ્કર સઘળું કપાઈ ગયું, અને જીતવાની હવે કાંઈ આશા નથી, ત્યારે તેઓએ વિચાર કર્યો કે હવે લડવા જવું એ તો પતંગની પેઠે દીવામાં ઝંપલાવવા બરોબર છે, માટે ખરેખર મરવા જવામાં શો ફાયદો ? જે જીવે છે તેને આ આશા છે; જે જીવે છે તે ફરીથી લડી શકે છે, અને જે જીવે છે તે કોઈ વખત પણ પોતાનું ધારેલું કામ સિદ્ધ કરી શકે છે; માટે નકામું શા માટે મરવું ? કોઈપણ અનુકૂળ પ્રસંગ આગળ આવશે તે વખતે જય મેળવીશું, અને ત્યાં સુધી તે તુરકડાઓને જરા પણ ચેન વળવા દઈશું નહીં, તેઓને રાત દહાડો ઉપદ્રવ કર્યા કરીશું; માટે ગુજરાતની હદ બહાર જતાં રહેવું એમાં જ ડહાપણ છે; એમ કહી તેઓ ઘોડા ઉપર સવાર થયા, અને કમનસીબ તથા રંડાયેલા અણહીલપુર પાટણ ઉપર નજર કરી ઘણા જ જોશથી રડ્યા. તેઓ બોલ્યા : ‘‘રે ગુર્જરદેશ ! રે અમારી જન્મભૂમિ ! તારા ઉપર કેવી મોટી આફત આવી પડી છે ! તારા છોકરાઓને પારકા લોકોએ મારી નાખ્યા; તારા ભરથારનો પણ એ જ દુષ્ટ લોકોએ પ્રાણ લીધો, અરે અમારી મા ! તેં અમને ઉછેરીને મોટા કર્યા; તેં અમને શૂરાતન આપ્યું; અને જ્યારે તારા ઉછેરીને મોટા થયેલા છોકરાઓ કપાઈ ગયા, તારો લાડ લડાવનાર ધણી મરણ પામ્યો, અને તને દુષ્ટ રંડાપો આવ્યો, ત્યારે તું શા માટે પોકેપોક મૂકીને રડતી નથી ? તારું હૈમ્‌ શું વજ્ર સરખું થઈ ગયું છે ? તને શું રડવું આવતું નથી ? શું તારી મરજી પુનર્લગ્ન કરવાની છે ? શું દુષ્ટ મ્લેચ્છ તુરકડાઓનો પાદશાહ જેના હુકમથી તારું નસંતાન ગયું, તથા તને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, તે ખૂની ગોઝરા પાદશાહને તું વરવાનો મનસૂબો કરે છે ? રે દુષ્ટ ! રે ચંડાળ ! તું અમારી મા નથી. અમે કોઈ દહાડો પણ સાવકા બાપના હાથ નીચે રહેવાના નથી; અને તને એક ઘડી પણ વિરામ થવા દેવાના નથી; તારા નવા ધણીને જરા પણ શાતા વળવા દઈશું નહીં. તું શા માટે બોલતી નથી ? જો અમારા કહેવા પ્રમાણે તારો વિચાર નહીં હોય તો તેઓ સઘળાને ગળી શા માટે જતી નથી ? હાય હાય રે હિંદુ ધર્મ ! અને હાય હાય રે હિંદુ રાજ ! તમારા બંનેનો આજે અંત આવ્યો. દેવો સઘળા ઊંઘી ગયા. તેઓથી પોતાનું રક્ષણ થતું નથી તો આપણું શું કરવાના છે ? પણ વનરાજ, મૂળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, સઘળા ક્યાં ગયા ? તેઓ પોતાનાં છોકરાંની વહારે કેમ ધાતા નથી ? પણ સઘળાઓએ મળીને સંપ કર્યો છે. સઘળાઓએ આ ગુજરાતનું રાજ્ય પારકે હાથ જવા દીધું છે. ઈશ્વરની એમ જ મરજી હશે, તેમાં આપણું શું ચાલવાનું છે ? આપણાથી તો એટલું જ થઈ શકે કે દેશ મેલીને જતાં રહેવું. માટે ચાલો, ગુજરાતને છેલ્લા રામરામ.’’ એમ કહી તેઓએ પોતાના ઘોડા દોડાવી મૂક્યા, અને પાયદળ સિપાઈઓ ઝડપથી કૂચ કરી ચાલ્યા, અને જ્યાં સુધી તેઓએ ગુજરાતના રાજ્યની સરહદ વટાવી તયાં સુધી તેઓ અટક્યા નહીં, તેમ રસ્તામાં અન્નજળ પણ ચાખ્યું નહીં.

પ્રકરણ ૧૦ મું

કરણ રાજા પડ્યો. તેનું લશ્કર સઘળું કપાઈ ગયું, તથા તુરકડાઓનું સૈન્ય પાટણ ઉપર આવે છે એ દુઃખદાયક સમાચાર સાુભળીને શહેરમાં હાહાકાર થઈ ગયો. દ્રવ્યવાન લોકો પોતાની દોલતની ફિકર કરવા લાગ્યા, તથા અધિકારી વર્ગ પોતાના અધિકારની િંચંતામાં પડ્યો. જેઓનાં સગાંવહાલાં તથા મિત્રો રણસંગ્રામમાં માર્યા ગયાં તેઓના દુઃખની તો કાંઈ સીમા ન હતી. કેટલીક ઘરડી ડોશીઓ તથા ડોસાઓ પુત્રરહિત તથા નિરાધાર થઈ બેઠાં; કેટલાંક નાનાં છોકરાં બાપ વિનાનાં થયાથી નિરાશ્રિત થઈ ગયાં; કેટલીક જુવાન સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ; કેટલીક તરૂણીઓના ધારેલા ભરથાર દેવલોકમાં અપ્સરાઓને વર્યા; અને કેટલાંક સ્ત્રીપુરુષના ભાઈ તથા મિત્રોએ આ જગતનો અનિત્ય સંબંધ તોડી નાખ્યો. શહેરમાં સઘળે રડારડ થઈ રહી; મોટા મોટા મહેલ કે નીચાં ઝૂપડાં સઘળામાં દુઃખ તથા શોકના શબ્દ સંભળાવા લાગ્યા. રાજાના મહેલમાં એક અંદરના ઓરડામાં કરણની સઘળી રાણીઓ એકઠી થઈ. તેઓમાં આકાશમાં જેમ ચંદ્ર સૂરજ પ્રકાશે છે, તેમ રૂપસુંદરી તથા કૌળારાણી પ્રકાશતી હતી. રૂપસુંદરીનું વર્ણન આપણે કરેલું છે. તે આ વખતે પહેલાંના જેવી જ રૂપાળી હતી, પણ તેને આટલા દહાડા સુધી મહેલના ખૂણામાં રાખી મૂકી, તથા તેટલી મુદત સુધી તેને શરીરનું તથા મનનું કાંઈ સુખ મળ્યું નહીં, તેમ જ તેના વર તથા કુટંબ તરફનું જે દુઃખ પડ્યું હતું તે વિસારવાને રાજાની તરફથી કાંઈ કરવામાં આવ્યું ન હતું, એ સઘળાં કારણોથી તેનાં મોં ઉપર ફિક્કાશ આવેલી હતી, તથા તેનો ચહેરો જરા ઝરડાઈ ગયેલો દેખાતો હતો. પણ કૌળારાણી જે રાજાની પટરાણી હતી તેના રૂપનું તો વર્ણન થઈ શકે એવું ન હતું. જે જે ખૂબસૂરત સ્ત્રીઓ ચિત્રકારોએ તથા પ્રતિમાકારોએ કલ્પેલી છે, ઈટાલી દેશના નામાંકિત ચિતારાઓએ તથા મૂર્તિકારકોએ ઈસા પેગંબરની પવિત્ર માતા મરિયમની તસવીર તથા મૂર્તિઓ બનાવેલી છે, જે જે અતિરૂપવંતી સ્ત્રીઓને કવિરાજો પોતાના મનમાંથી ઉત્પન્ન કરીને જગતને દેખાડેલી છે, તે તે જાતનું સૌંદર્ય કૌળારાણીમાં હતું. તફાવત માત્ર એટલો જ કે તેનું રૂપ ક્ષત્રિયની સ્ત્રીને, એટલે રજપૂતાણીને યોગ્ય હતું. આખા ભરતખંડમાં તેના રૂપનો જોટો ન હતો. તેમાં આ વખતે મહાશોકમાં બેઠી હતી તેથી તેની ખૂબસૂરતીમાં ઘટાડો થવાને બદલે તેનું તેજ વધારે પ્રકાશતું હતું. ઈશ્વરની કારીગરી કેવી ચમત્કારિક છે ! તેના શરીરનો ઘાટ એવો સંપૂર્ણ હતો કે કોઈ પણ માણસ, પછી તે જુવાન કે વૃદ્ધ ગમે તે હોય, તોપણ તેને આખા દહાડા સુધી નીરખ્યા જ કરે તોપણ તે ધરાય નહીં, અને તેને ભૂખ કે તરસ કે કાંઈ લાગે નહીં. એવી કૌળારાણી પાસે બે છોકરીઓ ઊભી હતી, અને મરઘીનાં બચ્ચાંને મારવા બાજ ઊંચે ઊડતાં ઊડતાં તલપ મારે છે તે વખતે બચ્ચાં જેમ તેની માની પાંખ નીચે ભરાઈ જાય છે, તથા તેના શરીરને દબાઈને ઊભાં રહે છે, તેમ આ પ્રસંગે તે છોકરીઓ તેની માની સોડમાં દબાઈને ભયભીત થયેલી ઊભી રહેલી હતી. તેઓમાંથી મોટી કનકદેવીની ઉંમર આઠ તથા નાની દેવળદેવીની ઉંમર ચાર વર્ષની હતી; પણ તેઓના શરીરનો ઘાટ તેઓનાં વર્ષ પ્રમાણે જેટલો હોવો જોઈએ તે કરતાં કાંઈક વધારે ખીલેલો હતો. તેઓનું રૂપ તેઓની માના જેવું જ હતું; માત્ર તેઓના મોં ઉપર બાલ્યાવસ્થાનું નિર્દોષપણું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું, તથા તેઓના નિમાળા હજી સોનેરી હતા તથા તે ઉપર કાળાશ હજી ઘણી આવી ન હતી. એટલો જ તફાવત તેઓ તથા તેઓની માના વચ્ચે હતો.

સઘળી રાણીઓ શોકાતુર થઈ બેઠેલી હતી. તથા હવે શું કરવું તે કૌળારાણીને મોંએથી સાંભળવાને રાહ જોતી હતી. રૂપસુંદરીના વિચાર તે વખતે જુદા જ હતા. તેને કરણ રાજા સાથે કાંઈ પ્રીત થયેલી ન હતી, તેથી તેના મોતથી તે બીજી રાણીઓ પેઠે દિલગીર જણાતી ન હતી. ઊલટી તેના વર માધવને પાછો આવેલો સાંભળીને તથા આ જય મળ્યાથી તે પાટણમાં જલદીથી આવશે, અને તેને મુખ્ય કારભાર પાછો મળશે, પછી તે પાછી જશે, અને કેટલુંક પ્રાયશ્ચિત કરાી તે તેને રાખશે, એવી આશાથી તે તેના મનમાં ખુશી થઈ હતી. પણ બીજી રાણીઓની અવસ્થા જુદી જ હતી. તેઓએ કરણ રાજાની પ્રીતિ ચાખી હતી. સ્ત્રીજાતિની આબરૂ વિષે તેઓના વિચારો ઘણા ઊંચા પ્રકારના હતા, તથા રજપૂતાણીઓએ પોતાના ભરથાર મરી ગયા પછી શું કરવું તે વિષેના તેઓના અભિપ્રાય જુદા જ હતા. કૌળારાણી થોડી વાર વિચાર કરી બોલી : ‘‘અરે મારી બહેનો ! આજ આપણા સુખનો સૂર્ય અસ્ત પામ્યો; આજ આપણો ભરથાર, આપણું શિરછત્ર, આપણું પ્રતિપાલન કરનાર, તથા આપણા માથાનો મુગટ રણક્ષેત્રમાં પડ્યો, તથા તેને જીતનાર તુરકડા મ્લેચ્છ લોકો થોડી વારમાં પાટણ શહેરમાં આવી પહોંચશે. આજ આખું ગુજરાત તથા આપણે સઘળાં રંડાયાં. રંડાયાં ! એ શબદ સાંભળતાં સૂર્ય દેવતા, તું તારું મોં શા માટે સંતાડતો નથી ? અને કરણ રાજા પડ્યો એ વાત પ્રસિદ્ધ કરવાને જગતમાં અંધકાર શા માટે વર્તાવતો નથી ? એ શબ્દ સાંભળતાં, અરે ઈંદ્રરાજા ! તું લોહીનો વરસાદ શા માટે વરસાવતો નથી ? અને રૂપ તથા શક્તિમાં તારો બરોબરિયો આજે મૂઓ તેનો શોક શા માટે બતાવતો નથી ? એ શબદ સાંભળીને રે શેષનાગ ! તું ધ્રૂજીને ધરતીકંપ શા માટે કરતો નથી ? તથા તારા ઉપર આવા શૂરા રજપૂતોનાં મડદાંઓનો આવો મોટો ભાર પડ્યો છે તે તને અસહ્ય લાગે છે, એમ શા માટે જણાવતો નથી ? એ શબ્દ સાંભળીને ગુજરાતના પર્વતો ! તથા સઘળી નિર્જીવ વસ્તુઓ ! તમે શા માટે રડતાં નથી ? તથા અમારા દુઃખમાં શા માટે ભાગિયાં થતાં નથી ? અરે ! એ શબ્દ સાંભળીને પશુપક્ષીઓ, જીવજંતુઓ, અને સઘળાં પ્રાણીઓ ! તમે આનંદમાં ફરતાં કેમ દેખાઓ છો ? તમારો સ્વામી રાજા કરણ માર્યો ગયો તે ખબર તમે સાંભળી નથી ? અથવા સાંભળી હોય તો તમારાં અંતઃકરણ એટલાં બધાં જ વજ્ર જેવાં છે ? અરે પથથરોએ પણ આંસુ ઢાળવાં જોઈએ : પણ હું ભૂલું છું. આપણે હવે મિથ્યા શોક શા માટે કરવો જોઈએ ? આપણે રજપૂતાણીઓ છીએ. આપણી નસોમાં ક્ષત્રિયનું લોહી જુસ્સાથી વહે છે, આપણી જાતે શૂરા રજપૂતોને ઉદરમાં રાખ્યા છે, તથા આપણે હિંમતથી ભરપૂર દૂધે બહાદુર લોકોને ધવડાવ્યા છે, તે શું આપણે બેઠાં બેઠાં અહીં રડ્યાં કરીશું ? શું આપણને આપણી પ્રતિષ્ઠા વહાલી નથી ? શું આપણે આપણા પતિવ્રતપણાનું રક્ષણ કરવું નથી ? શું આપણે અહીં બેસી રહી રજપૂતાણીના નામ ઉપર કલંક લગાડવું છે ? શું આપણી અવસ્થામાં આવી પડેલી જે રાણીઓ પૂર્વે થઈ ગયેલી છે તેઓનાં કૃતયો આપણને માલુમ નથી ? માટે હવે આંસુ લૂછી નાખો; હવે હૈયાં કઠણ કરો; આપણા ઉપર આવી પડેલાં દુઃખ વીસરી જાઓ; અને હવે પછી શું કરવું તે ઉપર વિચાર કરો. મુસલમાન લોકો શહેરની લગભગ આવ્યા હશે; તેઓ આપણા પવિત્ર એકાંત ઓરડામાં પ્રવેશ કરશે; તેઓ આપણા ઉપર દુષ્ટ નજર તાકશે; આપણાં અંગ ઉપર જબરદસ્તી કરે એવા દુષ્ટ ચંડાળો તેઓ નહીં હશે, પણ કદાપિ હોય એવો આગળથી વિચાર રાખવો; તેઓના સરદાર આપણું રૂપ જોઈ આપણા પર મોહ પામે; આપણને પરણે; અને આપણા એક ભવમાં બે ભવ થાય; આપણો ધર્મ આપણને ત્યાગ કરવો પડે; તથા એ મ્લેચ્છ લોકોની રીતભાત આપણને પાળવી પડે; એ સઘળું ન થવા દેવાને માટે આપણે શું કરવું જોઈએ તે વિષે સઘળાંઓએ પોતપોતાનો અભિપ્રાય આપવો જોઈએ.’’

બીજી સઘળી રાણીઓ એક અક્ષર બોલી નહીં, તથા કૌળારાણી જે કરે તે પ્રમાણે કરવાનો તેઓએ પોતાનો ઠરાવ જણાવ્યો; તે ઉપરથી તે પટરાણી મોટા આવેશથી, રજપૂતના શૂરાતનથી, તથા ક્ષત્રિયોનું લોહી મોં ઉપર લાવીને ધીમેથી પણ દૃઢતાથી બોલી : ‘‘મરવું, મરવું અને મરવું. એ વિના બીજો કાંઈ ઉપાય નથી. મરવામાં કાંઈ મોટી વાત નથી. એક વાર તો મરવું જ છે, ત્યારે હમણાં મરવામાં શી ચિંતા છે ? જ્યારે આપણી આવી દશા થઈ છે, મૃત્યુમાં શો ભય છે ? જ્યારે હવે પછી કેવી અવસ્થા આપણી હશે એ વિષે આપણને શંકા ઉત્પન્ન થઈ છે, અને દુર્દશા આવશે એવો સંભવ લાગે છે, ત્યારે જીવવા કરતાં મરવું હજાર દરજ્જે સારું છે. આ જગતમાં આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ. જે ટૂંકી મુદત આપણે આ દુનિયામાં વાસો કરીએ છીએ તેટલીો ટૂંકી મુદતમાં આપણે સૌ પોતપોતાનું કામ કરી લઈ આપણો મુકામ ઉઠાવીએ છીએ. અને ગયા પછી શું રહી જાય છે ? કરોડો માણસ જગતમાં આવ્યાં અને ગયાં; તેઓની નામનિશાની કાંઈ રહેલી છે ? તેઓ પૃથ્વી ઉપર થઈ ગયાં તેનાં ચિહ્નો નજરે પડે છે ? સઘળાંનાં નહીં. ઘણાંખરાં તો કાળની મોટી રેલમાં ઘસડાઈ ગયાં, અને તેઓ હતાં જ નહીં એમ લાગે છે; પણ થોડાંક તો દરિયામાંના ખડકની પેઠે મજબૂત ઊભાં છે, અને તેઓ ઉપરથી કાળ રૂપી રેલ જોરથી ચાલી ગઈ તોપણ તેઓના પાયા હજી રહેલા છે; અને અનંત કાળ પર્યંત તેઓ અચળ રહેશે. એ પાયા રહી ગયા તે શું ? તેઓનાં નામ; તેઓની આબરૂ. સારું નામ એક અમુલ્ય વસ્તુ છે; તેની કિમ્મત આખા જગતના સોના, રૂપા, હીરા, મોતી, વગેરે ઝવેરાત કરતાં ઘણી જ વધારે છે. જેની ાસે સારું નામ છે તેના જેટલો શ્રીમંત બીજો કોઈ નથી. બીજી સઘળી દોલત નાશવંત છે, પણ સારું નામ અમર છે. બીજી દોલત તો ખૂટી જાય છે, અને તે દોલત મેળવનારનું નામ એક બે પેઢી પછી નાશ પાસે છે; પણ સારું નામ ધ્રુવના તારાની પેઠે અચળ રહે છે. દુનિયામાં લોકો પોતાના વંશ વડે જ આ લોકમાં અમર રહેવાની આશા રાખે છે, એ પ્રમાણે તો એક અથવા ઘણું તો બે પેઢી સુધી તે ઓળખાય છે, પણ પછી તેનું મીડું વળ્યું. તે હતો અને નહીં હતો એ સરખું જ થાય છે; પણ સારું નામ એ તો જગતને એક મોટો વારસો આપી જવા જેવું છે. સારા નામવાળાનું સ્મરણ કાયમ રાખવાને વંશની જરૂર નથી; તે તો અંધકારમાં સૂર્યના એક કિરણની પેઠે પ્રકાશ્યા કરશે. સારું નામ અથવા આબરૂ એ એક મોટી વસ્તુ છે. સઘળાને તે પારસમણી મેળવવાની આતુરતા હોય છે; પણ સઘળાના પ્રયત્ન સફળ થતા નથી. જેઓએ પોતાના અંગની, અથવા નીતિની શક્તિ વડે જગતમાં મોટા તથા અગત્યના ફેરફાર કર્યા છે તેઓનાં નામ અમર રહી ગયાં છે. વળી જેઓએ અસાધારણ કામો કર્યા છે, એટલે જેઓએ સત્યને વાસ્તે અથવા આબરૂને વાસ્તે પોતાનો દેહ અર્પણ કર્યો છે, તેઓનાં નામ તેઓના દેશના અને વખતે આખી દુનિયાના ઈતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાયેલાં છે. જગતમાં નામ મેળવવા ખાતર મરવું કોણ કબૂલ નહીં કરે ? જે માણસ થોડા દહાડા વધારે દુનિયાની જંજાળ તથા ફિકર ખમવા સારુ પોતાનું સારં નામ જવા દે છે, પોતાની આબરૂ ખોવાનું કબુલ કરે છે, તે ખરેખરો અધમ જાણવો; તેનાં કોઈ પણ વખાણ કરતું નથી; અને જ્યારે તે મરે છે તયારે જેમ વાડીમાંથી નકામા છોડવા નીંદાઈ જાય છે, અને તે છૂંદાઈ જાય છે; જેમ કીડો ભોંય ઉપર ઘસડાતો ઘસડાતો ચાલતાં પગ તળે કચરાઈ જાય છે, તેને કોઈ ગણનું નથી; જેમ એક પશુ જંગલમાં મરી મરી જઈ સડ્યા કરે છે; તેમ તે હતો જ નહીં એવો થઈ જાય છે; અને દરિયાના કિનારા ઉપરની રેતીમાંનો એક દાણો ઊડી જવાથી કાંઈ ખોટ જણાતી નથી, તેમ જગતમાં માણસની કુલ સંખ્યામાંથી તે ઘટેલો કોઈને લાગતો નથી. તેને કોઈ આબરૂ આપતું નથી; તેને વાસ્તે કોઈ રડતું નથી; અને તેની કીર્તિ વધારવાને કવિ તેની કવિતા બનાવતા નથી. સઘળાં માણસો આ પૃથ્વી ઉપરની ટૂંકી મુસાફરીથી તૃપ્ત થતાં નથી. તેઓને ઘણાં વર્ષ પર્યંત આ દુનિયામાં જીવવાની ઈચ્છા હોય છે, અને જ્યારે તેઓ એટલી મુદત સુધી જગતમાં ટકી શકતાં નથી; ત્યારે થોડાં વર્ષ પૃથ્વી ઉપર ને બકી રહેલાં વર્ષો માણસોના સ્મરણસ્થાનમાં જીવવાનો પ્રયત્ન કરે છે. માણસની નજર હમેશાં ભવિષ્ય ઉપર દોડે છે, અને ગમે તેવો હલકો માણસ હોય તોપણ પોતાનું નામ અમર રહે એવી તેનામાં સ્વાભાવિક ઈચ્છા હોય છે. એ સઘળાં કારણોથી આપણે સઘળાંઓએ મરવું જોઈએ, અને તેમ કરવાથી આપણાં નામ શુરી સ્ત્રીઓ જેઓએ સ્વાત્માર્પણ કરી પોતાની પ્રતિષ્ઠા વધારી છે તેઓની ટીપમાં ઉમેરાશે; માટે આ મહેલમાં આગ લગાડી મૂકવી, અને આપણે સઘળાંઓએ એમાં રહી બળી મરવું.’’

મરવાની ભયંકર રીતથી કોઈપણ રાણીનું મન ત્રાસ પામેલું દેખાયું નહીં. સઘળાંએ પોતાની તે પ્રમાણે કરવાની ખુશી દેખાડી. તે ઉરથી સઘળી રાણીઓએ પોતાના દેહ અર્પણ કરવાની તૈયારી કરી. કૌળાદેવીએ પહેલો વિચાર પોતાની કુમળી વયની બે દીકરીઓને વાસ્તે કર્યો. એ બિચારી નાની ઉંમરમાં દુનિયાનું કાંઈ પણ સુખ ભોગવ્યા વિના આવી રીતે મૃત્યુ પામે એ વાત તેમની માની નજરમાં યોગ્ય લાગી નહીં. વળી તેઓના જીવવાથી તેઓની પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચે એમ ન હતું, એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના એક ખાસ ચાકરને બોલાવી તેને તે છોકરીઓ સોંપી અને તેઓને પોતાના બાપ પાસે લઈ જવાને કહ્યું. આટલી વાર સુધી તેનામાં હિમ્મત રહેલી હતી. તેને પોતાના મરવા તરફનું કાંઈ પણ દુફખ ન હતું; પણ પોતાની પ્રાણ સમાન વહાલી છોકરીઓનો વિયોગ થવાનો સમય આવ્યો, ત્યારે તેનું હૈયું ફાટી જવા જેવું થયું, અને તેની આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી, તેની છાતી ભરાઈ આવી, અને તે કેટલીક વાર સુધી પોકેપોક મૂકીને રડી. આ બહાદુર રજપૂતાણી નાની છોકરીની પેઠે રુદન કરવા લાગી, તથા શોકવૃત્તિને વશ થઈ ગઈ તે ઉપરથી કોઈએ તેની નિંદા કરવી નહીં, અથવા તેની હિંમત વિષે પણ હલકો વિચાર આણવો નહીં, સઘળું જગત પ્રીતિના પાશથી બંધાયેલું છે. તેમાં માની છોકરાં ઉપરની પ્રીતિથી તો આડો આંક છે. ક્ષુદ્ર જીવથી તે શ્રેષ્ઠ માણસ સુધી પ્રાણીમાત્રમાં જગકર્તા ઈશ્વરે માના અંતઃકરણમાં છોકરાં ઉપર ઘણું જ હેત મૂકેલું છે. જે સ્ત્રીઓ ઘણી નિર્દય હોય છે, જેઓનાં મન ઉપર પારકાનું દુઃખ જોવાથી કાંઈ પણ અસર થતી નથી, એવી વજ્રહૈયાની સ્ત્રીઓ પણ પોતાનાં છોકરાં ઉપર ઘણી જ નરમાશ રાખે છે; તેઓનું દુઃખ જોઈ તેઓ ઘણી પીડાય છે, તથા તેઓનું રક્ષણ કરવાને પોતાના પ્રાણને જોખમાં નાખે છે, તે પ્રમાણે કૌળારાણી જો કે પોતે જાતે મૃતયુથી જરા પણ ડરતી ન હતી, તોપણ પોતાની નાની છોકરીઓની નિરાશ્ચિત અવસ્થા, તેઓથી જુદાં પડવાનું કષ્ટ, તથા તેઓની નિર્ભયતાને વાસ્તે દહેશત, એ સઘળી હકીકત ઉપરથી તેની આંખમાંથી આંસુની ધરા વહેવા લાગી, એમાં શું આશ્ચર્ય ? એ આંસુથી સિદ્ધ થયું કે તેનું અંતઃકરણ ઘણું કોમળ હતું, તથા તે આંસુઓથી તેના સ્ત્રીજાતીય સ્વભાવને શોભા તથા પ્રતિષ્ઠા મળી. છોકરીઓને વિદાય કરતી વખતે તે બોલી : ‘‘અરે મારી પરમપ્રિય દીકરીઓ ! અરે મારી આંખની કીકીઓ, તથા હૈયાના હાર, તમને મેં મારા ઉદરમાં નવ માસ સુધી ઘણી પીડા ભોગવી રાખી, તમને ઘણા દેહકષ્ટની સાથે ઉછેરી. તમને એક ઘડી પણ મારાથી વેગળી કરી નથી. તમારું સુંદર વદન નિહાળતાં મને અતિ આનંદ ઊપજતો. તમારું કાલું કાલું બોલવું સાંભળીને મારો આત્મા ખુશીથી ભરપૂર થતો. તમારા સુખથી હું, અને તમારા દુઃખથી હું દુઃખી થતી. મારા વિના તમારી કોણ સંભાળ રાખશે ? બીજું કોણ તમને લાડ લડાવશે ? બીજું કોણ તમને તમારી માગેલી વસ્તુ તરત પૂરી પાડશે ? અને તમે જ્યારે બાલ્યાવસ્થામાંથી નીકળીને યુવાવસ્થામાં આવશો ત્યારે તમારી તપાસ કોણ રાખશે ? તમને સીધો રસ્તો કોણ બતાવશે ? તથા જુવાનીની અગણિત લાલચોમાં પડતાં અટકાવવાને તમને સારી સલાહ કોણ આપશે ? પણ હવે બસ થયું. છોકરીઓની તરફથી ઘણી ફિકર કરવામાં મારો આગલો વિચાર અમલમાં આવતાં અટકશે, માટે હવે જાઓ. તેત્રીસ કરોડ દેવતાઓ તમારું રક્ષણ કરો; જગદંબા તથા તેની જોગણીઓ તમારી આસનાવાસના કરો; તથા તમારા ઉપર માના જેટલી પ્રીતિ રાખી તમને સારી પ્રેરણા કરી તમારા કુળની પ્રતિષ્ઠા જાળવો એ મારી પ્રાર્થના છે.’’ તેનાથી વધારે બોલાયું નહીં. છોકરીઓ તેને ચૂડ ભેરવીને ઊભી રહી, પણ તેઓને જોર કરી તરછોડી નાખી, અને ચારને તેઓને જલદીથી લઈ જવાનો હુકમ કરી કૌળારાણી ત્યાંથી આંખ મીંચતી તથા કાન બંધ કરી ચાલી ગઈ. સઘળી રાણીઓએ પોતપોતાના કામકાજનો બંદોબસ્ત કરી લીધો. પછી મહેલના ખજે ભાગમાં જલદીથી બળે એવા પદાર્થો હતા ત્યાં એક મોટો કાકડો સળગાવી મૂક્યો. રાજમહેલ સળગવા લાગ્યો; લાકડાં કડકડાટ કરી પડવા લાગ્યાં; બળતાંએ છાપરાના એક ભાગને પકડ્યો; નળિયાં ઉપરથી નીચે પડવા લાગ્યાં; ધુમાડાના ગોટેગોટ ચાલ્યા; અને તાપના ભડકા ઓરડામાં ઉન્મત્તાઈથી રમત રમવા લાગ્યા. બહાર લોકોનું મોટું ટોળું મળ્યું. તેઓ પાણીના ઘડા, કુહાડા તથા આગ હોલવવાનો તથા ઘર તોડી પાડવાનો સામન લઈને આવ્યા; પણ આગનું જોર વધી ગયું, અને જે મહેલ પાટણ શહેર વસાવતી વખતે વનરાજે બાંધેલો, જે મહેલમાં મૂળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, ભીમદેવ, ઈત્યાદિ રાજાઓ જન્મ્યા, તથા મૂઆ, જે મહેલમાં જયના આનંદકારક શબ્દ ઘણી વાર સંભળાયેલા અને જેમાં પરાજયને લીધે વિલાપ તથા શોક ઘણી વાર થયેલો, જે મહેલે રાજ્યના નાના પ્રકારના ફેરફાર જોયેલા, અને જેણે આશરે સાડી પાંચસો વર્ષ, વાયુ, વૃષ્ટિ તથા કાળચક્રના અનેક સપાટા ખમેલા, તે મહેલ આજે અગ્નિદેવને ભેટ્યો; અને જેમ દેહ રૂપી ઘરનો ધણી બહાર નીકળી ગયા પછી તેને અગ્નિદાહ કરવામાં આવે છે, તેમ તે રાજમહેલનો ધણી રાજા કરણ તેનો ત્યાગ કરી ચાલ્યો ગયો ત્યારે તેણે પણ અગ્નિમાં પ્રવેશ કર્યો. પણ રાણીઓએ સારું નામ પ્રાપ્ત કરવાને તથા આબરૂ મેળવવાને જે પ્રયત્ન કર્યો તે નિષ્ફળ જવાનો હતો; પૃથ્વી ઉપરના તેઓના પ્રવાસની મુદત હજી પૂરી થયેલી ન હતી; તેઓનુું કામ હજી બાકી રહેલું હતું; હજી તેઓને સુખદુઃખનો સ્વાદ વધારે ચાખવાનો હતો; તેથી એવું બન્યું કે જે વખતે આગનું જોર ભરપૂર ચાલી રહ્યું હતું, તથા રાણીઓને પોતાની ધારેલી મતલબ જલદીથી પાર પડશે એવી આશા હતી, તે વખતે મુસલમાન લોકોનું લશ્કર શહેરમાં આવી પહોંચ્યું, અને તે સઘળું બળતા મહેલ આગળ આવી ઊભું રહ્યું.

ગુજરાત જીતવાની એક મતલબ ત્યાંનું અગણિત દ્રવ્ય હરણ કરવાની હતી, તેથી જો મહેલ બળી જશે તો તે માંહેના સઘળા ખજાનાનો નાશ થશે એ બીકથી અલફખાંએ આગ તરત હોલવી નાંખવાનો પોતાના સિપાઈઓને હુકમ કર્યો. તે વખતે હજારો માણસો મહેલ ઉપર તૂટી પડ્યા, અને આગની ગડબડાટમાં લૂંટવાનો સારો વખત મળશે એવી .મેદથી ઘણા જોરથી કામે વળગી ગયા. જોતજોતાંમાં તેઓએ મહેલનો બળતો ભાગ તોડી નાખ્યો, અને પાણીનાં વાસણ પાસેનાં ઘરોમાંથી લાવી આગ હોલવવા લાગ્યા. થોડી વારમાં અંદર જવાનો રસ્તો થયો, અને થોડા બહાદુર મોતને ન ગણનારા સિપાઈઓએ મહેલમાં પેી રાણીઓને તથા બીજાં કેટલાક માણસોને ખેંચી બહાર કાઢ્યાં, અને પડેલી-આખડેલી વસ્તુઓ જે હાથમાં આવી તે લઈ આગળ ચાલ્યા. આ વખતે કૌળારાણી છેક નિરાશ થઈ ગઈ, તથા શત્રુના હાથમાં પડવાની ફિકરમાં પડી. પણ તેણે હિંમત મૂકી નહીં. તે એક ઓરડામાં ભરાઈ, અને તેને માંહેથી બંધ કર્યો. પછી જલદીથી તેણે સ્ત્રીનો વેશ કાઢી નાખીને પુરુષનાં વસ્ત્ર પહેર્યા, પોતાની ખુબસૂરતી ઢાંકવાને વાસ્તે મોં ઉપર રંગ લગાડ્યો, અને તેનું રૂપ બદલી નાખીને ઢાલ-તરવાર બાંધીને ઓરડાની બારીએ ઊભી રહી. તયાં આવીને ‘‘બળું છું રે બળું છું’’ એવી બૂમ પાડી. તે ઉપરથી નીચેના સિપાઈઓએ દયા લાવીને એક સીડી મૂકી, તે ઉપરથી તે નીચે આવી. તે કોઈ રાજાનો ખવાસ હશે એમ જાણી તેના ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહીં, અને તે વખતે સઘળાઓનું મન મહેલ લૂંટવા તરફ હતું. તેથી તેઓએ બીજી કશી વાત ઉપર લક્ષ આપયું નહીં. થોડીવાર આણીગમ-તેણીગમ ફરીને તે ત્યાંથી જતી રહી, અને એક તેના ઓળખીતા રજપૂત પાસે જઈ તેનો ઘોડો માગી લીધો. તે ઘોડો ઘણો તેજસ્વી તથા જલદ હતો. તે ઉપર સવાર થઈ, તથા રસ્તામાં કોઈ ઉપદ્રવ ન કરે માટે રજપૂતનો વેશ બદલી મુસલમાનનો વેશ ધારણ કરી શહેરના દરવાજા બહાર તે સહેલથી ચાલી ગઈ.

રાજમહેલ જલદીથી છંટાઈ ગયો. બીજી રાણીઓ જીવતી નીકળી. સઘળો ખજાનો સહીસલામત હાથ લાગ્યો. અને શહેરમાં સઘળી વાતે બંદોબસ્ત કરી અલફખાંએ અલાઉદ્દીન પાદશાહની તરફથી ગુજરાતનું રાજ્ય કરવા માંડ્યું. રૂપસુંદરી માધવને જઈને મળી. ઘણા દહાડાના વિયોગ પછી તે ધણીધણિયાણી પાછાં મળ્યાં તેઓ ભેટ્યાં, રહ્યાં, તથા હૃષનાં બીજાં સઘળાં ચિહ્નો તેઓએ દેખાડ્યાં. વરવહુનો સંબંધ એવી રીતનો છે, અને જ્યારે તેઓની વચ્ચે નાનપણથી પ્રીતની મજબૂત ગાંઠ બંધાયેલી હોય છે ત્યરે તે છૂટવી ઘણી મુશ્કેલ થઈ પડે છે. મૃત્યુની તલવારથી જ્યારે તે કપાઈ જાય છે ત્યારે બેમાંથી જે જીવતું રહે છે, તેના અંતઃકરણની દોરી કોઈ વાર જોરથી તૂટી જાય છે, અને તે વખતે જે ભારે કષ્ટ થાય છે તેનો વિચાર જેને દુઃખ વીત્યું હોય તે જ કરી શકે. માધવની બાબતમાં તે ગાંઠ તૂટેલી ન હતી, પણ તુટ્યા બરોબર હતી. રૂપસંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક ન હતો, તે માઘવને સારી પેઠે માલૂમ હતું. બંનેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઊતરી ગયું ન હતું, પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેનું તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી જલદીથી તથા સહેલાઈથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા ન હતી. જ્યારે રૂપસુંદરી આગળના જેટલા જ હેતથી તેને ભેટી ત્યારે તેના હર્ષનો કાંઠો રહ્યો નહીં, રૂપસુંદરીના પ્યારમાં પણ કાંઈ ફેરફાર થયેલો ન હતો. જેટલી હોંશથી રાજા કરણે તેને પોતાના મહેલમાં બળાત્કારે પકડી મંગાવી તથા જેટલો પ્યાર તેને જોવાથી રાજાના મનમાં આવયો હતો, તે હોંશ તથા પ્યાર જો પાછળ પણ કાયમ રહ્યાં હોત, તો તે માધવ પર આટલી પ્રીતિ રાખત કે નહીં એનો જવાબ આપવો કઠણ છે. પણ જ્યારે તેના અંતઃકરણમાંની પ્રીતિનું નિર્મળ જરણ પોતાનો માર્ગ બદલીને બીજી દિશાએ વહ્યું ન હતું, તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાને કોઈ બીજાએ દાવો કર્યો ન હતો; ત્યારે ઝરણે માધવની તરફ જ અસલ માફક વહ્યાં કર્યું, અને તેનું હેત માધવ ઉપર કાયમ રહ્યું એટલું જ નહીં, પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો. એવી સ્થિતિમાં તે બંને મળ્યાં, અને તેઓનું અસલનું હેત તેટલા જ જોરથી પાછું આવ્યું. માધવે શાસ્ત્રીઓની સભા કરી, અને બ્રાહ્મણની સ્ત્રીનો રજપૂત સાથે બળાત્કારથી સંસર્ગ થયો તેનો દોષ નિવારણ કરવાનું પ્રાયશ્ચિત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મનમાની દક્ષિણા આપી, અને લાડુનું ભોજન કરાવી સઘળા બ્રહ્મદેવોને સંતાષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહીં તેથી માધવ થતા રૂપસુંદરીએ પાછો પોતાનો ધણીધણિયાણીનો સંબંધ જારી કર્યો. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્દ્ધમાનનગર (વઢવાણ)માં એક વાવ બંધાવી, તે હજી તેના નામથી ઓળખાય છે.

ગુજરાત સઘળું એક લડાઈમાં જિતાયું તે સમાચાર પાદશાહને હવે કહેવડાવવાના હતા. એકલી ખબર મોકલ્યાથી અલાઉદ્દીન જેનો પાદશાહ પ્રસન્ન થશે નહીં એવું અલફખાંને નક્કી હતું, તેણે ગુજરાતની કાંઈ નવાઈની વસ્તુ મોકલવી જોઈએ, અને બહાના દાખલ કેટલોક તે દેશનો ખજાનો પણ મોકલવો જોઈએ. અલાઉદ્દીનનો સ્વભાવ વિષયી હતો, તે અલફખાંને સારી પેઠે માલૂમ હતું; માટે કોઈ અતિ રૂપાળી સ્ત્રી પાદશાહને જો નજર કરાય તો તેના જેટલો બીજા કશાથી તેને સંતોષ વળે નહીં એમ તે અનુભવથી જાણતો હતો. કરણ રાજાની પટરાણી કૌળારાણીની ખુબસૂરતી આખા ભરતખંડમાં પ્રસિદ્ધ હતી. રૂપમાં તથા બીજી હોશિયારીમાં તે અનુપમ હતી; તથા તેની કીર્તિ દિલ્હી સુધી ફેલાઈ હતી. એવી કૌળારાણીને દિલ્હીમાં પાદશાહ પાસે મોકલવાને અલફખાંએ ઠરાવ કર્યો, અને તે મતલબસર તેણે તેની સઘળે ઠેકાણે શોધ કરાવી; જ્યારે સઘળી તેની તપાસ વ્યર્થ ગઈ, અને જ્યારે તેને બીજી રાણીઓથી ખબર મળી કે કૌળારાણી તો શહેર મૂકીને જતી રહી, ત્યારે તે ઘણો નિરાશ થયો, અને હવે શું કરવું તે તેને સૂઝયું નહીં. આટલા મોટા લશ્કરમાંથી તથા બળતા મહેલમાંથી તે શી રીતે નાસી ગઈ, તે ક્યે રસ્તે અને ક્યાં ગઈ, તેનાં કાંઈ પણ સમાચાર તેને મળ્યા નહીં. પણ તેટલા ઉપરથી અલફખાં હિંમત હાર્યો નહીં પણ તે જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવાને તેણે ચોતરફ સવારો મોકલ્યો.

જ્યારે અલફખાં કૌળારાણીની રાહ જોતો હતો તે વખતે તે એકલી ઘોડા ઉપર બેસીને પોતાના બાપના દેશ ઝાલાવાડ તરફના રસ્તા ઉપર ઘણી ઉતાવળથી મુસાફરી કરતી હતી. રૂપ હોવાથી જે દહેશત સ્ત્રી-જાતકને હોય છે તે કૌળારાણી ઉપર આવી પડી. તે મહા ફિકરમાં પડી, ઘોડો દોડાવતી દોડાવતી આગળ જતી હતી, પણ તેનું ખરું રૂપ જણાઈ આવશે એવી તેને ક્ષણે ક્ષણે ધાસ્તી પડતી. વેશ બદલ્યો હતો તે છતાં પણ તેને કોઈની સામું જોવાની હિંમત હતી નહીં. તે ધોરી રસ્તો મૂકી આડેઅવળે ઠેકાણેથી જંગલ, પહાડ, તથા વિકટ રસ્તે જતી હતી; તે કોઈ પણ ગામમાં વાસો કરતી ન હતી; પણ કોઈ જંગલમાં એકાંત સ્થળ જોઈ ત્યાં રસોઈપાણી કરી બપોર ગાળતી, તથા તેવે જ ઠેકાણે રાત્રે વાસો કરતી. જે બાગબગીચામાં રહેતી, જેની આગળ રોજ ફુવારા ઊડી રહેતા, જેને ઠંડક કરવાને ખવાસો રોજ પંખા નાખ્યા કરતા, જેને શરીરે ચંદન અરગજાનો લેપ થતો, તેને હમણાં ફાગણ મહિનાના બપોરનો સખત તડકો ખમવો પડ્યો; જે હમેશાં સુખપાલમાં બેસીને ફરતી તેને ઘોડાની સખત સવારી કરવી પડી. જે સવા મણ રૂની તળાઈમાં સૂતી, તથા જેને નિદ્રા લાવવાને હજારો ઉપાય કરવા પડતા તેને હમતાં ભોંય ઉપર સુકાં પાતરાં ઉપર, અથવા વખતે ઝાડ ઉપર સૂવું પડ્યું, અને ત્યાં તેને રાજપલંગ કરતાં મીઠી ઊંઘ આવતી. જે રોજ પકવાન અને બીજાં મિષ્ટ ભોજન આરોગતી તે હમણાં વનફળ અવા કાંઈ હલકું-પાતળું ખાઈને દેહને આધાર આપણી. જેને જરા પણ કામ કરવું પડતું ન હતું, જેનો હુકમ બજાવવાને સેંકડો ખિદમતગારો રજૂ રહેતા તેને હાથે રાંધવું પડતું, તથા બીજું સઘળું કામકાજ કરવાને પોતાની જાત સિવાય બીજું કોઈ ત્યાં ન હતું. કેટલાક દહાડા સુધી એ પ્રમાણે મુસાફરી કરતાં કરતાં એક મોટા અરણ્યમાં તે જઈ પહોંચી. તે જંગલ ઘણું ઘોર તથા બિહામણું હતું. તેમાં ઝાડ તો એટલાં હતાં કે ખરે બપોરે ત્યાં તડકો આવી શકતો નહીં, તથા ઝાડોની ઘટાથી ત્યાં સદા અંધકાર રહેતો, આગળપાછળ નાનામોટા ડુંગરો હતા, તથા તેમાંથી નિર્મળ નદીઓ વહેતી હતી. પવનથી ઝડનાં પાતરાં હાલતાં તેથી ત્યાં નિરંતર શબ્દ થયા જ કરતો; તેની સાથે જ્યારે રાત પડતી ત્યારે શિયાળવાં મોટે અવાજે રડતાં, વાઘ બરાડા પાડતા, તથા બીજાં જંગલી પશુઓ જુદા જુદા અવાજ કરી રાતને ભયંકર કરી નાખતાં. એવા જંગલમાં કૌળારાણી ભયભીત થઈ ભટકતી અને દહેશતને લીધે તેનું શરીર વખતે વખતે થરથર ધ્રૂજતું. તેને રાની પશુઓથી એકલો ડર હતો એમ ન હતું. તે ઓળખાઈ આવે, અને તેને પકડીને પાછા પાટણ લઈ જઈ મ્લેચ્છ લોકોના સરદારને કોઈ સ્વાધીન કરે તે પણ દહેશત તેને હતી; વળી તેને ચોરની તરફથી પણ ઘણી ધાસ્તી હતી. એક તો તેના અંગ ઉપર ઘણાં કીમતી ઘરેાં છુપાવીને રાખેલાં હતાં તે લઈ જવાની લાલચથી ચોર લોકો તેનો કદાપિ જીવ લે; અને બીજું તે સ્ત્રીફ હતી, અને પુરુષનો વેશ માત્ર લીધેલો હતો, તે વેશ નીકળી ગયા પછી તેની ખરી જાત ઉઘાડી પડી આવે તથા દુષ્ટ લોકો તેને ઉપદ્રવ કરે, તથા તેની પવિત્ર કાયાને ભ્રષ્ટ કરે એ પણ તેને ઘણી ફિકર હતી. એ પ્રમાણે તેને ચોતરફથી ચિંતા વળગેલી હતી. તોપણ તેણે હિંમત તથા ધૈર્ય રાખી આગળ ચાલ્યા જ કર્યું; તથા રસ્તામાં આવતાં કોઈ પણ ગામમાં અટકી નહીં. સારા ભાગ્યે તેણે મુસલમાનનો વેશ ધારણ કરેલો હતો. તે વખતે તે લોકોનો એટલો બધો ત્રાસ પડી ગયેલો હતો કે રસ્તામાં કોઈએ તેનું નામ પૂછ્યું નહીં. એથી ઊલટું તે જ્યાં જ્યાં ગઈ તયાં ત્યાં તેને માનપ્રતિષ્ઠા મળતાં ગયાં; તથા તેને જે જોઈતું તે સઘળું તેના ડરથી લોકો તરત આણી આપતા. પણ એ પ્રમાણેનું નિરાંતપણું વધુ દહાડા સુધી કાયમ રહ્યું નહીં; જ્યારે તે જંગલ વટાવવાની તૈયારીમાં હતી, અને જ્યારે તેની સઘળી દહેશત થતા ફિકરચિંતા મટવા ઉપર આવી હતી. તે વખતે એક દહાડો જળવજળ દહાડો રહ્યો હતો તેવામાં તેની સામે દશ માણસનું ટોળું આવી ઊભું રહ્યું, અને ‘‘લૂગડાં ઉતાર’’ એવી રીતે તેને મોટે સાદે કહ્યું. કૌળારાણીના શરીરમાંનું તમામ લોહી પાછું હઠીને અંતઃકરણમાં જઈ રહ્યું, અને ઘોડા ઉપરથી હમણાં પડી જશે એવો વખત આવ્યો. પણ તેણે તે વખતે રજપૂતાણીનું નામ રાખ્યું. હિંમત પકડીને તે ઘણી ધરપતથી બોલી : ‘‘હું મુસલમાન સવાર છું. અમરા લોકોએ તમારા કરણ રાજાને હરાવ્યો. તથા કતલ કર્યો છે; અમે આખું ગુજરાત તાબે કર્યું છે : અને અમે હમણાં સઘળા મુલકના ધણી છીએ; અમારા સરદાર સાહેબે મને ગુજરાત સર કર્યાના સમાચાર દિલ્હીના પાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીને પહોંચાડવા મોકલ્યો છે. હું પાદશાહી કામ ઉપર જાઉ છું. માટે જો તમે મને અહીં રોકશો, મને લૂંટશો, બીજી રીતે .પદ્રવ કરશો, અથવા મારો જાન લેશો તો તમારી કમબખ્તી આવી એમ જાણવું. તમે પાદશાહને ઓળખો છો ? તે આખી જહાનનો રાજા છે. જો તમે તેના માણસને છેડશો તો તમે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં હશો તોપણ ત્યાંથી તે તમને શોધી કાઢશે, તમારાં ઘરબાર બાળી મૂકશે : તમારાં બૈરી-છોકરાંને કાપી નાખશે; અને તમને પણ રિબાવી-રિબાવીને મારી નાખશે. માટે દુર રહો, અને મને તાકીદથી જવા દો. મારી પાછળ બીજા કોઈ આવે તેને ગમે તે કરજો, પણ જો તમને તમારી તથા તમારાં વહાલાંઓની જિંદગી પ્યારી હોય તો મને છેડશો માં.’’ આ ધમકીથી ચોરના મન ઉપર જરા પણ અસર થઈ નહીં. કૌળારાણીના આ ધરપતના શબ્દ પવનમાં ઊડી ગયા, અને તેથી દહેશત ખાવાને બદલે આ રાનના પુત્રો ખડખડ હસી પડ્યા. તેઓમાંથી એક આગળ આવી બોલ્યો, ‘‘અમારા મનને હિંદુ અને મુસલમાન, પાદશાહનો માણસ કે ગામનો રાવણિયો, એ સઘળા સરખા છે. અમે કાંઈ માણસને જોતા નથી, પણ તેની પાસે જે હોય છે તે ઉપર ધ્યાન આપીએ છીએ. તમારા પાદશાહને અમે ઓળખતા નથી, અને ઓળખવો પણ નથી. તે અલુદ્દીન ખીચડી કે અલુદીન ઘી ગમે તે હોય તેની અમને શી ચિંતા છે; અને તે અમને મારી નાખશે તેની અમને કાંઈ ફિકર નથી. અમે મોતની પડોશમાં રહીએ છીએ; અમે તો મોતની સાથે હળી ગયેલા છીએ; મોત તો અમારો સોબતી છે; તેથી અમે તેનાથી જરા પણ ડરતા નથી. તારા પાદશાહથી અને બીજા કોઈથી મોત કરતાં બીજું વધારે થઈ શકવાનું છે. માટે ઉતાર લૂગડાં, નહીં તો બળાત્કારે લઈ લઈશું.’’ હજી કૌળારાણીએ લૂગડાં ઉતારવાની આનાકાની કરી તેથી તે ચોરને ગુસ્સો ચઢ્યો અને તેઓએ પાસે આવીને તેને ઘોડા ઉપરથી પાડી નાખી, અને તેનાં લૂગડાં કાઢવા માંડ્યાં. ઉપરનું વસ્ત્ર ખેસડતાં મોતી તથા હીરાના હાર જોઈને ચોરોને ઘણું આશ્ચર્ય પણ તેવામાં જયારે સ્ત્રી લક્ષણ તે ભીલ લોકોએ જોયાં ત્યારે તેઓ એવા તો વિસ્મિત થયા કે ત્યાં હવે શું કરવું તેનો વિચાર કરતા ઊભા રહ્યા. કૌળારાણી બેશુદ્ધ થવા જેવી થઈ ગઈ, અને અકળામણમાં તે બોલી ઊઠી : ‘‘શિવ શિવ શિવ ! રે ભગવાન ! આ શી અવસ્થામાં આવી પડી છું ! હું કોણ અને ભીલ લોકો કોણ ! કોઈ વખત ઉપર તેઓ મારી સામું પણ જોઈ શકતા ન હતા, અને આજે તેઓ મારું અપમાન કરે છે. અરે મારા ભરથાર ! અને કરણ રાજા ! તું શા માટે જ્યાં હોય ત્યાંથી આવીને તારી પરમ પ્રિય સ્ત્રીનું રક્ષણ કરતો નથી ? અરે યમરાજો મારો ધણી તારી હદમાં હોય તો તેને ત્યાંથી જલદીથી મોકલી દે કે તેની પટરાણીને આ વખતે તેની તલવારના જોરથી આ દુષ્ટ ચોરોના હાથથી મુકાવે.’’ કૌળારાણીના આ શબ્દ સાંભળીન ભીલ લોકો ત્રાસ પામ્યા, અને તેઓના મનભમાં ખાતરી થઈ કે કરણ રાજાની રાણી હશે, તેના દરજ્જા ઉપરથી તથા તેના શરીર ઉપર જે ઘણાં મુલ્યવાન ઘરેણાં હતાં તે ઉપરથી, જો તેઓના નાયકને ખબર કર્યા વિના તેને લૂંટી લે, અને સઘળો માલ પોતે રાખે તો નાયક ઘણો કોપાયમાન થાય, અને કાયદો તોડવાની તેઓને ભારે શિક્ષા થાય, એ વિચારથી તેઓએ તેને નાયક પાસે લઈ જવાનો ઠરાવ કર્યો. પણ તેઓમાંથી એક જે બીજા કરાતાં વધારે લોભી હતો તેને એ વાત ગમી નહીં. નાયક પાસે લઈ જઈશું તો તે સઘળું લઈ લેશે, અને તેઓને તેમાંથી ઘણું થોડું મળશે એ વિચારથી તેણે તેના સોબતીઓને કહ્યું : ‘‘શું જોયા કરો છો ? તેનું માથું કાપી નાખો; સઘળા લૂગડાં-ઘરેણાં ઉતારી લો; અને તેના મડદાને કોઈ ઠેકાણે ફેંકી દો. નાયક પાસે લઈ જવામાં આપણને શો ફાયદો છે ?’’ બીજા ભીલ લોકોનો અભિપ્રાય તેના જેવો ન હતો. એક સ્ત્રી અને તે વળી આવી મોટી રાણી, તેને નકામી મારી નાખતાં તેઓનું દિલ ચાલ્યું નહીં. વળી ઘરેણાં એટલાં બધાં કીંમતી હતાં કે વેચવા જવાથી પકડાઈ જવાય, અથવા એ વાત છાની રહે નહીં એવી તેઓની ખાતરી કરી હતી, માટે તેઓએ તેઓના સોબતીની વાત કાને ધરી નહીં. તેઓ કૌળારાણીને માનપૂર્વક ઊંચકી ઘોડા ઉપર બેસાડી પાસેના ગામમાં તેઓના નાયકના ઘરમાં લઈ ગયા.

નાયક એક ઝૂંપડામાં એક ખાટલા ઉપર બેઠેલો હતો. તેની ઉંમર ત્રીસ અને ચાળીશની વચ્ચે હતી, પણ તેનો ધંધો ભટકવાનો, તથા જોર વધારે એવો હોવાથી તે પચીશ-ત્રીશ વર્ષની વચ્ચેની ઉંમરનો હોય એવો દેખાતો હતો. નાયકને રામ રામ કરી સઘળા ચોરોએ કૌળારાણીની પહેલેથી તે છેલ્લે સુધી તમામ હકીકત કહી, અને તેને સ્વાધીન કરી. નાયકે ચોરોને ઘણી શાબાશી આપી. અને થોડા દહાડા પછી તેઓને ભાગ આપવાની કબૂલાત આપીને તેઓ સઘળાઓને વિદાય કર્યા.

જ્યારે નાયક એકલો રહ્યો ત્યારે તેણે કૌળારાણીની તરફ જોયા કર્યું. જેમ જેમ તેણે તેને વધારે નિહાળી તેમ તેમ તેના અંતઃકરણમાં કામવિકાર ઉત્પન્ન થતો ગયો. તેણે પોતાની વહુનાં લૂગડાં મંગાવ્યાં, અને કૌળારાણીની પાસે પુરુષનો વેશ ઊતરાવીને તેને બૈરીનાં વસ્ત્ર પહેરાવ્યાં. અગર જો તેણે પોતાનું સુંદર રૂપ છુપાવવાને મોં ઉપર રંગ લગાડ્યો હતો, તોપણ તેની ખુબસૂરતી તે રંગમાંથી પણ પ્રકાશી નીકળી હતી, અને જ્યારે તે તેની એવી અપૂર્ણ ખુબસૂરતીથી મોહ પામ્યો, ત્યારે જો તેની અસલ કાન્તિ નાયકના જોવામાં આવી હોત તો તે શું કરત તે કહી શકાતું નથી.

નાયક તેની પાસે ધીમે ધીમે આવતો ગયો, અને તેને ખુશ કરવાને તેણે ઘણા પ્રયત્ન કર્યા, પણ તે સઘળા નિષ્ફળ ગયા. તે બોલ્યો : ‘‘જેવો કરણ રાજા આખા ગુજરાતનો રાજા હતો, તેવો હું આ ગવામનો રાજા છું. તેની પાસે જેટલી દોલત તેના રાજ્યના પ્રમાણમાં હતી તેટલી જ મારા રાજ્યના પ્રમાણમાં મારી પાસે છે; તે કરતાં પણ કાંઈ વધારે છે. જેમ તેના મહેલમાં તું સુખથી રહેતી તેમ તું મારા મહેલમાં સુખેથી રહીશ; જેટલું માન તને ત્યાં મળતું તેથી વધારે તને અહીં મળશે, જેટલા નોકરો ત્યાં તારી સેવામાં હતા તેટલા અહીં તને આપીશ. તારો ભરથાર કરણ રાજા તો મરણ પામ્યો, ત્યારે તું શું આટલી જુવાન અવસ્થામાં વિધવા થઈને રહીશ ? હું શું નઠારો છું ! જ્યારે કોઈ રાજાનું રાજ્ય જાય છે તયારે તેને નિશાળના મહેતાજીનો ધંધો કરવામાં પણ થોડો સંતોષ થાય છે, ત્યારે મારી પાસે તો એક નાનું સરખું રાજ્ય છે. તું કદાચ મારા ધંધાને ધિક્કારતી હોઈશ, પણ તેમાં ચૂક છે. રાજાઓને પોતાને રૈયતનું રક્ષણ કરવાને અર્થે જેટલા પૈસા જોઈએ છે તે કરતાં વધારે પૈસા પોતાના સુખને તથા મોજશોખને સારુ રૈયત પાસેથી જોરજુલમથી તે લે છે, તે પણ એક પ્રકારની ચોરી જ છે. રાજાના કારભારીઓને લોકનું કામ કરવાને માટે પગાર મળે છે તે ઉપરાંત તેઓ ગરીબ લોકો ઉપર જુલમ તથા અન્યાય કરી રુશ્વત લે છે, રાજાના પૈસા ખાઈ જાય છે, કામમાં રસળ્યાં કરે છે, એ પણ એક ચોરી છે. સુતાર, કડિયા, મજૂર વગેરે લોકો રોમજના પૈસા લઈ, દહાડાનો ઘણો ભાગ આળસમાં કાઢે છે, અને ધણી પાસેથી આખા દિવસના બરાબર પૈસા ચૂકવી લે છે, એ ચોરી નહીં તો બીજું શું ? સિવાય દરજી સોની વગેરે બીજા સઘળા કારીગર લોકો કસબચોર હોય છે. માટે દુનિયામાં સઘળા ચોર છે એમ કહીએ તો ચાલે. અમારામાં અને તેઓમાં એટલો જ તફાવત છે કે તેઓ ગુપ્ત રીતે ચોરી કરે છે, ને અમે પ્રગટ રીતે ચોરી કરીએ છીએ. વાસ્તવિક કહેતાં તો અમારી ચોરી વધારે સારી છે. બીજા સઘળા સામા ધણીને છેતરીને, વિશ્વાસઘાત કરીને તથા જૂઠું ડોળ ઘાલીને લૂંટે છે; પણ અમે તો ખુલ્લી રીતે તેને જણાવીને તથા વખતે સામા લડીને લૂંટીએ છીએ. માટે સઘળાઓમાં આબરૂદાર ચોર અમે છીએ; પણ દુનિયાનો ધારો ઊલટો છે કે આવા છાના ચોરોને સજા થતી નથી; એથી ઊલટું તેઓને સન્માન મળે છે, અને અમારા લોકોનો તિરસ્કાર થાય છે; અમને તેઓ પાપી, દુષ્ટ ગણે છે; તથા અમને શૂળીએ ચઢાવવાને તૈયાર થાય છે પણ અમે એ વાત મનમાં આણતા નથી. જેટલી બીજા લોકોની આબરૂ છે તે કરતાં વધારે અમારી છે એમ અમે માનીએ છીએ, અને તારે પણ એમ માનવું જોઈએ. માટે મારી સાથે તને રહેવામાં શી હરકત છે ? તું શા માટે બોલતી નથી ? હું તને સાફ કહું છું કે તારી ખુશી હશે અથવા નહીં હશે તોપણ તું મરે હાથ પડી છે તે હું તને જવા દેવાનો નથી. હું તને રાખવાનો જ, માટે ખુશીથી હા કહેવામાં સારું છે.’’ કૌળારાણીએ જોયું કે સામા થવામાં કાંઈ લાભ થશે નહીં, તેથી થોડીવાર વિચાર કરી તેણે નાયકની વાત કબૂલ કરી. પછી નાયકે રાત્રે સારી પેઠે મિષ્ટાન્ન લીધાં, અને સૂતાં પહેલાં રોજ કરતાં બેત્રણ પૈસાભાર અફીણ વધારે ખાધું. જ્યારે તે સૂવાની તૈયારી કરતો હતો તે વખતે કૌળારાણી ઉદાસ થઈ ઊંડા વિચારમાં પડી. તેણે જગદંબાની સ્તુતિ કરી અને પોતાની અવસ્થા જગતની પરમ કૃપાળુ માતા આગળ નીચે પ્રમાણે કહી સંભળાવી. તે બોલી : ‘‘અરે આરાસુરી ! અરે અંબા ભવાની ! રે જગતનું પ્રતિપાલન કરનાર ! હું કેવી સ્થિતિમાં આવી પડી છું ? જેમ કાંકરાઓમાં હીરો, જેમ કાંટાનાં ઝાંખરામાં મોગરાનો છોડ, જેમ ખરસાણીમાં કેળનું વૃક્ષ, જેમ ગીધના ટોળામાં કબૂતર, જેમ વાઘના કોતરમાં ગાય, તેમ આ ચોરના નાયકના ઝૂંપડામાં હું રાણી સપડાઈ ગઈ છું. આ દુષ્ટ ચંડાળ મારા ઉપર બળાત્કાર કરવાની તૈયારીમાં છે. જો હું સામી થઈ હરકત કરીશ તો તે મારો પ્રાણ લેશે. જો હું બોલીશ નહીં તો મારું પતિવ્રતપણું જશે. હે માતા ! હવે હું શું કરું ? એ સઘળા સંકટમાંથી ઉગારનાર તારા વિના બીજું કોઈ નથી. પણ મને હવે યાદ આવ્યું. મારી પાસે એક ખંજર છે તે હું મારી સાડીમાં સંતાડી રાખું, અને તે દુષ્ટ જ્યારે પાસે આવે તે વખતે હું તેને યમદૂતની સોડમાં મોકલું. એવા ચંડાળને મારવામાં કાંઈ પાતક નથી. દુષ્ટ રાક્ષસો જેઓના પાપથી પૃથ્વી ઉપર અતિ ઘણો ભાર થતો, તથા જેઓ દેવતાઓ તથા મનુષ્યને ઉપદ્રવ કરતા તેઓનો સંહાર કરવાને વિષ્ણુને દશ અવતાર લેવા પડ્યા હતા; માતાજીએ પણ શુંભ, નિશુંભ તથા એવા દૈત્યોને માર્યા હતા. જ્યારે એ નાયક દુષ્ટ મતિથી મને ભ્રષ્ટ કરવા ઈચ્છા રાખે છે ત્યારે તેને માર્યામાં જરા પણ દોષ નથી.’’ એવો વિચાર કરી ખંજર પોતાની કમરે ખોસ્યું, અને મન કઠણ કરી આ ભયંકર કામ કરવાને તત્પર થઈ. નાયકને અફીણની કેફ જ્યારે ચઢી ત્યારે તે કૌળારાણી પાસે આવ્યો, પણ તે પાસે આવે એટલામાં તેણે તેનો તોટો પકડ્યો, અને બીજે હાથે ખંજર કાઢી તેના પેટમાં એવો તો કારી ઘા માર્યો કે એક ક્ષણમાં તે ભોંય ઉપર પડી મરણ પામ્યો. આ કામ તેણે એવી હોશિયારીથી તથા ચપળતાથી કર્યું કે મરનારથી કાંઈ પણ બૂમ પાડી શકાઈ નહીં અને તે મૂવો તેની ખબર તેના ઘરમાં કોઈને પડી નહીં. આ ભયાનક કામ કર્યા પછી નાયકના મડદાને એક પેટી પાછળ ગબડાવી દીધું, અને તેનાં લૂગડાં પહેરીને તે વાડામાં ગઈ. તયાં તેના ઘોડામાંથી એક સારો જલદ ઘોડો પસંદ કરી તે ઉપર સ્વાર થઈ રાત્રે ને રાત્રે આગળ ચાલી. નાયક જાણીને તેને કોઈએ હરકત કરી નહીં, અને સવારે જ્યારે નાયકના ઘરનાં માણસોને તેના મોતની ખબર પડી, અને ત્યાર પછી તે ખબર આખા ગામમાં પથરાઈ, અને ગામના કેટલાક લોકો કૌળારાણીને પકડવાને નીકળ્યા, ત્યારે તે ઘણે આઘે ચાલી ગઈ હતી. કૌળારાણીને ખાતરી હતી કે સવારે ગામના લોકો તેની પાછળ લાગશે, અને જો તે આગળ ચાલ્યા કરશે તો કોઈ દહાડો પણ તે પકડાઈ જશે, એ દહેશતથી એક ગામ આવ્યું ત્યાંના રાજા પાસે થોડા દહાડા સુધી રહેવાનો તેણે ઠરાવ કર્યો. રાજાની આગળ તેણે પોતાની સઘળી હકીકત કહી, અને તે સાંભળીને તેને એટલી તો દયા આવી કે પોતાને માથે ભારે જોખમ ખમીને તેને રાખવાનું તેણે કબૂલ કર્યું. સંકટમાં આવી પડેલા માણસોને સહાયતા ન કરવી એમ કેમ થાય ? તેમાં વળી આશ્રય માગનાર સ્ત્રી એટલે ના કહેવી એ તો મુશ્કેલ જ.

જ્યારે કૌળારાણી તે ગામાં શત્રુના ભયથી બચી, તે વખતે ભીલના નાયકના માણસો ઘોડા ઉપર બેસીને તેને પકડવાને આવતા હતા. એ ભીલ લોકોને અલફખાંએ પણ તે જ કામને માટે મોકલેલા સવારો મળ્યા. તે બંને ટોળાનાં માણસોએ માંહોમાંહે વાતચીત કરવા માંડી તે ઉપરથી મુસલમાન સવારોને ખાતરી થઈ કે જે રાણીને તેઓ શોધે છે તે જ નાયકને મારનાર છે. એ સઘળા તે ગામ તરફ ચાલ્યા, પણ રસ્તામાં તેઓ બંનેની વચ્ચે મોટી તકરાર થઈ. જો કૌળારાણી પકડાય તો તેને પોતાના ગામમાં લઈ જવી, અને નાયકનાં બૈરાંછોકરાંની સમક્ષ તેનો રિબાવીરિબાવીને પ્રાણ લેવો એવો તે ભીલોનો મનસૂબો હતો. મુસલમાન સવારોને એવો હુકમ મળેલો કે તેને જીવતી પકડીને અલફખાંની રૂબરૂ રજૂ કરવી. હવે એ બે વાત શી રીતે બને ? માટે તેઓ માંહોમાંહે તકરાર ઉપરથી ગાળાગાળી ઉપર આવ્યા, અને તેમ કરતાં મારામારી ઉપર વાત આવી ગઈ. બંને તરફના કેટલાક માણસો કપાઈ ગયા, અને જો બંને તરફ બે વૃદ્ધ માણસો વચ્ચે પડ્યા ન હોત તો તેઓ સઘળા ત્યાં અનંતકાળ પર્યંત વાસો કરત; કૌળારાણી સુખેથી પોતાના બાપ પાસે જઈ પહોંચત; અને અલફખાં ઘણો જ નાઉમેદ થઈ જાત, પણ એમ થવા દેવાની ઈશ્વરની મરજી ન હતી. બે વૃદ્ધ માણસોએ એવું સમાધાન કર્યું કે જે લોકો તેને પહેલી પકડે તેઓ તેને લઈ જાય. બંને તરફના માણસોએ એ વાત કબૂલ કરી; પણ મુસલમાન સવારો મનમાં ભીલો ઉપર ઘણા ખીજવાઈ રહેલા હતા, અને જો કદાપિ રાણી ભીલોના હાથજમાં આવશે તો તેઓ તેને લઈ જશે, તેઓની સઘળી મહેનત નિષ્ફળ જશે, તથા અલફખાંને ખુશકરી પોતાને ફાયદો કરી લેવાનો આવો પ્રસંગ ફરીથી આવશે નહીં, એ સઘળી વાત ઉપર નજર રાખીને તેઓએ ભીલ લોકોને નક્કી કરવાનો નિશ્ચય કર્યો. પછી એક રાત્રે જ્યારે તેઓ સઘળા સૂતેલા હા, તે વખતે મુસલમાન સવારો સંકેત પ્રમાણે એકદમ ઊઠ્યા, અને સઘળા ભીલ લોકોને કતલ કર્યા. એ નિર્દય કમ ઊંઘતાં માણસો ઉપર કર્યા પછી તેઓ ગામમાં પેઠા, અને ત્યાં રાણીની તજવીજ કરવા લાગ્યા. દૈવયોગે એવું બન્યું કે રાજાના હજામને તેઓએ તે બાબત પૂછ્યું. સઘળા દેશોમાં હજામની જીભ ઘણી લાંબી તથા પેટ ઘણું નાનું હોય છે, તે પ્રમાણે તેણે તેઓને કહી દીધું કે અહીંના રાજાના મહેલમાં એક બે દહાડા થયાં એક પરોણો આવેલો છે. તેનો રાજાજીએ ઘણો સત્કાર કરેલો છે. સવારોને નક્કી થયું કે એ જ કૌળારાણી હશે, તેથી તેઓએ રાજાને તરત સંદેશો મોકલ્યો કે જે નવો માણસ તેની પાસે આવેલો છે તેને અમારે સ્વાધીન કરવો. શરણાગતને શત્રુના હાથમાં આપી દેવો એ સમાન બીજું કાંઈ મોટું પાપ નથી એમ સમજીને, તથા કૌળારાણીએ ઘણા કાલાવાલા કર્યા તેથી દયા લાવીને રાજાએ થોડી વાર આનાકાની કરી, પણ જ્યારે સવાર લોકોના ઉપરીએ ફરી કહેવડાવ્યું કે અમારા કહેવા પ્રમાણે એકદમ કરશો નહીં તો આખું પાદશાહી લશ્કર તમારા ગામ ઉપર તૂટી પડશે. તમારું સઘળું રાજ્ય ઉજ્જડ કરશે, અને તમને ગાદીએથી ઉઠાડી મુકશે, ત્યારે તે રાજા ભય પામ્યો, અને કૌળારાણીને એ સઘળી વાત સમજાવીને કહી. તેણે તે ગામમાંથી નાસી જવાનો ઠરાવ કર્યો, પણ જો તે એ પ્રમાણે કરે તો મુસલમાન લોકોના મનમાં એવું આવે કે તેણે તેને જાણી જોઈને જવા દીધી અને તેઓ તેના ઉપર તેઓનો સઘળો ક્રોધ કાઢે, તેથી તેણે દરવાનોને હુકમ આપ્યો કે જે અજાણ્યો માણસ ગામ બહાર જવાનું કરે તેને પકડી પાદશાહી સવારોના ઉપરીને સ્વાધીન કરવો. તે પ્રમાણે સવારે કૌળારાણી તે રાત્રે ગામ બહાર જવાનું કરતી હતી તે વખતે દરવાને તેને પકડીને તે ઉપરને સોંપી દીધી. તે મરદના વેશમાં બૈરી છે એ જાણવામાં કાંઈ મુશ્કેલી પડી નહીં, અને જ્યારે એ પ્રમાણે નક્કી થયું ત્યારે તે કરણ રાજાની નાસી ગયેલી રાણી સિવાય બીજું કોઈ નહીં હોય એમ તેઓને ખાતરી થઈ. પોતાની મહેનત સફળ થઈ, તથા અલફખાં તેઓના ઉપર ઘણો પ્રસન્ન થશે એવી ઉમેદથી તેઓ કૌળારાણીને લઈ ઘણી ઝડપથી પાટણમાં આવી પહોંચ્યા. કૌળારાણી જીવતી હાથ આવી, તથા તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલીશ તો તે ઘણો ખુશ થશે એ વિચારથી અલફખાંના મનમાં હર્ષ માયો નહીં. કૌળારાણીને બીજે દહાડે રાજમહેલમાં લાવ્યા, અને તયાં તેને બીજી રાણીઓ પાસે ઓળખાવી. તેની ચામડીનો રંગ તડકાથી શામળો પડી ગયો હતો તથા તેણે જે મોં ઉપર રંગ લગાડ્યો હતો તેની અસર હજી સુધી કાયમ હતી, તેથી તેની ખુબસૂરતી અલફખાંના સાંભળ્યા પ્રમાણે જણાઈ નહીં. બીજી રાણીઓના કહેવાથી તેને એક મહિનો મહેલમાં રહેવા દીધી, અને એ પ્રમાણે થવાથી તેને મરજી વિરૂદ્ધ તેનું સુંદર રૂપ પાછું આવ્યું. મહીનો વીત્યા પછી અલફખાંએ તેને જ્યારે જોઈ ત્યારે તેનામાં આવો ફેરફાર થયેલો જોઈને તે ઘણો જ આશ્ચર્ય પામ્યો, અને તેની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી કાંતિ જોઈને તેનો જીવ ઘણો આકુળવ્યાકુળ થયો. તેની આગળ તે સૌંદર્યના એક માનવી અવતાર, આરસની એક પૂતળી જેવી ઊભી રહી. તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલી દેવાનો તેનો મનસૂબો છે તે તેને કહી સંભળાવ્યો, અને દિલ્હીમાં જઈ પાદશાહના ઝનાનખાનામાં મુખય રાણીની મિસાલે રહેવા જવાની તૈયારી કરવાને તેણે કહ્યું. કૌળારાણી માઠામાં માઠા સમાચાર સાંભળવાને તૈયાર જ હતી. તેથી આ વાત જાણતાં જરા તે ગભરાઈ નહીં, પણ ડોકું હલાવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ. થોડા દહાડા પછી શહેરમાં એક મોટી ધામધૂમની સાથે સવારી નીકળી ત્યારે જ પાટણ શહેરના લકોએ જાણ્યું કે ગુજરાતની રાણી, અતિ રૂપાળી કૌળાદેવી, મ્લેચ્છ પાદશાહનો મહેલ શણગારવા જાય છે. લોકો તે સવારી જોવાને કોઈ બહાર આવ્યા નહીં. સઘળા ઘણા મોટા શોકમાં પડ્યા. કૌળારાણીનું અંતઃકરણ લોકોની પ્રીતિ જોઈને ભરાઈ આવ્યું, અને પોતાની જન્મભૂમિ હવે છોડવાનો વખત આવ્યો એ દુઃખથફી તેના મન ઉપર એવી તો અસર થઈ કે તે ઘણા જોરથી રડી, અને નીચે પ્રમાણે તેણે વિલાપ કર્યો :

લલિત છંદ

કરણ રાજ ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને શીદ રે રહ્યો;

કરમ ફૂટિયું, પ્રાણ જાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.ં

તુજ વિના હવે અન્ન ના ગામે; મન તણી મહા વેદના દમે;

દરદ તાહરું ના ખમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે

કરમની કથા, જાય ના કથી, દુઃખ સમુદ્રનો, પાર તો નથી;

ફિકર ચિત્તમાં, ના સમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

કનકદેવલી ! ક્યાં રે હશો; રઝળતી મૂકી, ક્યાં હવે જશો;

ધીરજ છાતીમાં, ના રખાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

રજપૂતો ! તમે, ન્યાય જાત રે; સકળ સ્નેહીઓ, માતભ્રાત રે;

વિરહ તે તણો કેમ થાય રે; સુખ સદા ગયું હાય હાય રે.

પરમ પ્રિય જે, બાપ તેમણે; કસર ના કીધી મુજ કારણે;

વચન મીઠડાં, ના ભુલાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ગૂર્જર દેશ ! રે, જન્મભૂમિ તું; અવતરી ત્યહાં, પાપણી જ હું;

અધમ લોકને, હાથ જાઉં રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ધરમ મૂકીને, મ્લેચ્છ થાઉં છું; કુળવિચાર સૌ, છોડી જાઉં છું;

તુરકડા વચે, ના વસાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ઘરધણી મુઓ, દીકરી ગઈ; નગર છોડીયું, ભ્રષ્ટ તો થઈ;

અખૂટ પાપ તે, ના કપાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

અખિલ વિશ્વમાં તું જ જે ધણી; અકળ ઈશ છે; છે દયા ઘણી;

તુજ કૃપા થકી, શાંતિ થાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

પ્રકરણ ૧૧ મું

સૃષ્ટિનાં ઘણાં રમણીય સ્થળો જ્યાં અપ્સરાઓ પણ રમવા આવે, તથા સ્વર્ગવાસીઓને પણ વાસો કરવો ગમે, એવા એક રળિયામણા સ્થળમાં એક કિલ્લો બાંધેલો હતો, અને તેની નીચે એક સુંદર નાનું શહેર વસેલું હતું. એ શહેરની ચોતરફ ઊંચા ઊંચા પહાડોનો કોટ થઈ રહેલો હતો; અને તેમાંનાં ઘરો વચલા પોલાણમાં ચઢતાં-ઊતરતાં જ ખુબસૂરત હારબંધ બાંધેલાં હતાં. આ શહેરનું પહાડોને લીધે પરમેશ્વર તરફથી રક્ષણ થયેલું હતું, તોપણ તેનો વધારે બચાવ કરવા સારુ તેની આસપાસ ફરતો ઘણો મજબૂત પથ્થરનો કોટ હતો, અને તેની સાથે વળી એક ઊંચી ટેકરી, જેની નીચે સઘળું શહેર આવી રહ્યું હતું, તે ઉપર એક કિલ્લો બાંધેલો હતો. એ શહેરનું નામ બાગલાણ હતું, અને તે દેવગઢના રાજા રામદેવના તાબામાં હતું. કિલ્લો ઘણો મજબૂત તથા શોભીત હતો, અને તેમાં રહેવાને સારુ ઘણો વગ હતો. વળી તેની આસપાસની જગા પણ એવી શોભાયમાન હતી કે તેનું યથાસ્થિત વર્ણન કોઈ મોટા કવિની કલ્પનાશક્તિથી પણ થઈ શકે નહીં. ચોતરફ ઊંચા ઊંચા પહાડો હતા અને તેઓ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થતી વખતે એવા તો મનોહર લાગતા કે તે જોવાને જેટલો શ્રમ તથા પૈસો ખરચ કરીએ તેટલો સઘળો વળી જાય. તેઓના ઉપર પુષ્કળ ઝાડી હતી, અને સાગ, આંબા વગેરે ઝાડો નાટકશાળાની બેઠકની પેઠે એક ઉપર એક ઊગેલાં હતાં તે જોઈને આંખને આનંદ તથા સંતોષ ઊપજતો હતો. એ ઝાડીઓમાં વાઘ, રીંછ વગેરે રાની પશુઓ નિરંકુશ અમલ ચલાવતાં હતાં, અને તેઓના રાજ્યપદ વિષે તકરાર લેનાર માણસ તયાં ક્વચિત જ આવતું. નાનાંમોટાં પક્ષીઓ ઘણા ભરપૂર નાદથી તે સ્થળને ગજાવી મૂકતાં, અને તેઓનાં સુંદર રંગબેરંગી પીંછાંનો ઝળકાટ તડકામાં પડતો તે જોઈને ઈશ્વરની લીલાથી મન વિસ્મિત થયા વિના રહેતું જ નહીં. વળી ઠેકાણે ઠેકાણે નાની નાની નદીઓ વહેલી હતી, અને જ્યારે તેઓ ઊંચી જગાએથી ઊતરતી, અને પથ્થરાઓ ઉપર અથડાતી, નાના છોડવા તથા ફૂલોને છૂંદતી, તથા પહાડોના ઘસારાથી કાળા નાના કાંકરાઓમાં રમતી આગળ ચાલતી, ત્યારે તેમની સ્થિતિ જોઈને આપણને આપણી બાલ્યાવસ્થા યાદ આવ્યા વિના રહે નહીં. બીજી કેટલીક નદીઓ ઊંચા ટેકરાઓ ઉપરથી નીચે પડતી તેના મોટા ધોધથી ગર્જના થઈ રહેતી, તેની ઉપર ફીણના જે ગોટા આવતા, અને તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણ પડતાં ત્યારે તેઓનું વક્રીભવન થઈને તેઓમાંના સાત જુદા જુદા રંગો છૂટા પડીને ઈનદ્રના ધનુષ્ય જેવો આકાર તયાં થતો તે ઘણો જ આશ્ચર્યકારક લાગતો હતો. એવા ધોધ નીચે પડીને આગળ વહેતા, કેટલાક નીચે પડી ત્યાં એકઠા થઈ રહેતા, એટલે ત્યાં નીતર્યું કાચ જેવું તળાવ બનતું, અને કેટલીક નદીઓના જુસ્સાથી જમીન ઘસાઈને ત્યાં મોટી મોટી ખાઈઓ થતી, અને તેમાંથી તેઓ વીજળીને વેગે દોડતી. જ્યારે ચોમાસામાં અષાઢ મહિનામાં વાદળાંની ઘોર ઘટા થઈ રહેતી, તથા વીજળીના ચમકારા અને મેઘગર્જના કડાકા થતા ત્યારે તે જગાનો દેખાવ ખરેખરો દબદબાભરેલો તથા ભયાનક થઈ રહેતો હતો. વાદળાં તો જાણે આપણા પગ નીચે ગોટા અથવા ધુમ્મસની પેઠે પથરાયછેલાં દેખાતાં હતાં, અને તેઓ પીગળીને પાણીનાં ટીપાં થઈ નીચે પડતાં તે આપણને લાગતું જ નહીં. વીજળી ઝાડ અથવા ટેકરીઓની ટોચથી ખેંચાઈ આવીને પડતી તે વખતે પથ્થરોના ફાટવાથી તથા ઝાડોના પડવાથી મોટા મોટા અવાજ થતા હતા. વળી ગર્જનના શબ્દ પણ એક પહાડ ઉપર અથડાઈ બીજા ઉપર પડતા, અને ત્યાંથી અથડાઈ ત્રીજાને લાગતા, અને એવી રીતે થયાથી ગડગડાટના કડાકા ને કડાકા કેટલીય વાર સુધી પહોંચ્યા જ કરતા. વરસાદ પણ ત્યાં એટલો બધો વરસતો કે તેનો ખ્યાલ મેદાનમાં વસનારાઓથી થઈ શકે નહીં એ સઘળું પાણી એકઠું થઈ નદીઓમાં વહેતું તેથી તે સઘળાં ઝરણાં ભરપૂર થઈ જતાં હતાં. ઉનાળાના સખત તાપથી ઝાડો બળી ગયેલાં હોય, પથ્થરો તપી ગયેલા હોય, તથા પહાડો જે ખાવા ધાતા હોય એમ દેખાતા હોય ત્યાં સઘળું લીલું કુંજાર થઈ રહેતું. ઝાડો ઉપર આકાશમાંથી વૃષ્ટિરૂપી અમૃત પડતું, તેથી તેઓ સજીવન થઈ. પાછાં પ્રફુલ્લિત થઈ શોભાયમાન દેખાતાં, તથા પાણીનો પુષ્કળ મારો હોવાથી સઘળે ઠંડક ઠંડક થઈ રહેતી, તથા શીતળ વાયુથી અગણિત ફૂલોની સુગંધ ઘસડાઈ આવતી. ‘ડુંગર દૂરથી રળિયામણા’ એ કહેવત છે તે તે વખતે ખોટી પડતી, અને તેઓ આઘેના કરતાં પાસેથી વધારે રળિયામણા દેખાતા હતા. એવી જગાએ જે કિલ્લો હતો તેની છેક અંદરના ઓરડામાં બે જણાં બેઠાં બેઠાં વાત કરતાં હતાં.

એ બે જણમાંથી એક પુરુષ તથા એક સ્ત્રી હતી. પુરુષ હતો તેની .ંમર ચાળીશ વર્ષની લગભગ હતી, પણ તેટલા કાળની અસર સાધારણ માણસના શરીર ઉપર જોવામાં આવે છે તે કરતાં તેની ઉપર વધારે દેખાતી હતી. કોઈપણ તંદુરસ્ત માણસની જુવાની ચાળીશ વર્ષે જતી રહેતી નથી; અને કેલાક દેશમાં તો તે વદખતે માણસ ભરજુવાનીમાં ગણાય છે. પણ તે પુરુષનાં વર્ષ વધારે ઝડપથી દોડ્યાં હતાં, તથા કાળચક્રનો ઘસારો તેના ઉપર વધારે થયો હતો. તેનું શરીર પ૦ અથવા પપ વર્ષની ઉંમરના માણસના જેવું દેખાનું હતું. ઘણી ચિંતાથી તેના ગાલ બેસી ગયેલા હતા, તથા સર્વાંગે નિમાળા સફેદ થઈ ગયા હતા; તોપણ તેની આંખમાંથી જુસ્સો હજી મરી ગયેલો ન હતો, અને તેના બંને ડોળા અગર જો ઊંડા પેઠેલા હતા તોપણ તેઓમાં હજુ શૂરાતનનું તેજ હતું. તેની શિકલ ઉપરથી હજી જણાતું હતું કે તેનામાંથી તેનો અવિચારી હઠીલો સ્વભાવ ગયેલો ન હતો. તેનો સઘળો દેખાવ માન આપવા યોગ્ય હતો, અને તેણે કોઈ વેળા સારા દહાડા જોયા હોય એમ તેને જોતાં જ જણાતું હતું.

એ માણસ કોણ હતો તે વાંચનારાઓએ જાણ્યું તો હશે. તેને છેલ્લી વાર મળ્યાંને આજે લાંબાં નવ વર્ષ થયાં હતાં, તોપણ ઉપલા ટૂંકા વર્ણનથી તે ઓળખાઈ આવ્યો હશે. તે આપણો મિત્ર કરણ વાઘેલો ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો. જે દહાડે પાટણની પડોશમાં રજપૂત સૈન્ય કપાઈ ગયું, જે દહાડે મ્લેચ્છ લોકો જય પામી આખા ગુજરાતનું રાજ્ય લઈ બેઠા, જે દહાડે માધવનું વેર તૃપ્ત થયું, અને જે દહાડે ગુજરાતના શૂરા સામંતો અણહિલપુરને છેલ્લા રામરામ કરી ઘોડા દોડાવી મૂકી દેશ છોડી ચાલ્યા ગયા, તે દહાડે કરણ મરણતોલ ઘાયલ થયો, અને તેને ઓળખીને હરપાળ તેને સાંઢણી ઉપર બેસાડીને ગુજરાતની સરહદપાર લઈ જવાને નીકળ્યો, એ સઘળું આપણે કહી ગયા છીએ. જ્યારે કરણ બાગલાણ શહેર આગળ આવ્યો ત્યારે તે થાકથી તથા ઘાથી એવો અશક્ત થઈ ગયો હતો કે તેની આવરદા પૂરી થવા આવી છે, એમ જાણી હરપાળે તેને તે શહેરમાં રાખ્યો, અને તેની એવી અવસ્થાના સમાચાર રામદેવને દેવગઢમાં કહેવડાવ્યા. નિર્બળને આશ્રય આપવો એ રજપૂતનો તથા તે વખતના રાજાઓનો મુખ્ય ગુણ હતો; અને અગર જો તેને દિલ્હીના પાદશાહનો ઘણો ધાક હતો. અને તેને આશ્રય આપ્યાથી અલફખાંને ઘણો ક્રોધ ચઢશે એમ તે નક્કી જાણતો હતો, તોપણ આવે વખતે મહાપાપથી દુર્દશામાં આવી પડેલા, તેના કરતાં સઘળી વાતે શ્રેષ્ઠ એવા ગુજરાતના રાજાને મરવાને નિરાંતની જગા આપવાની તેનાથી ના કહેવાય નહી. ત્યાં રહેવાની રજા મળી એટલે તેને તે કિલ્લામાં રાખ્યો, અને જે વૈદ્યો મઈછ આવ્યા તેઓના ઉપચાર કરવામાં આવ્યા. પણ ઘા ઘણા કારી વાગેલા, તથા તેના મનમાં મહાભારત તોફાન ચાલતું, તે સાથે આ સઘળા બનાવથી તેની નિદ્રા અથવા આરામનો પણ નાશ થયો હતો, તેથી અગર જો મોત તો અટક્યું તોપણ પીડા ઘણી જ વાર પહોંચી, અને વૈદ્યોના ઉપાય તેના ઘા ઉપર કેટલીક વાર સુધી તો બિલકુલ ચાલ્યા જ નહીં. જ્યારે તે શરીરની તથા મનની પીડાથી ટળવળતો તથા બરાડા બરાડ પાડતો હતો, જ્યારે તે મહા વ્યથામાંથી છૂટવાને સારુ ક્ષણે ક્ષણે મૃત્યુની પ્રાર્થના કરતો હતો, તે વખતે પરમેશ્વરે તેની સામું જોયું. તેનું આટલું કષ્ટ જોઈને પરમ દયાળુ ઈશ્વરને કરુણા આવી તેના દુઃખ રૂપી અરણ્યમાં સુખનો પાણીનો ઝરો દેખાયો. તેની અવસ્થાના અંધારમાં શાંતિનું કિરણ પ્રકાશ્યું. તેની દુર્દશાની તપેલી ભોંય ઉપર દિલાસા રૂપી ઓસના ટીપાં પડ્યાં; અને આફતનો શેતાન તેને ઉપદ્રવ કરતો હતો તેમાંથી તેનું રક્ષણ કરવાને બે ફિરસ્તા જાણે આકાશમાંથી ઊતર્યા.

જ્યારે કૌળારાણીએ મહેલને આગ લગાડી ત્યારે તેની બે નાની દિકરીઓ કનકદેવી તથા દેવળદેવીને તેણે એક ચાકરને સોંપી પોતાના બાપ પાસે ઝાલાવાડામાં મોકલી હતી. રસ્તામાં તે ચાકરને ખબર મળી કે કરણ રાજા હજી જીવે છે, તથા તે બાગલાણમાં રહેલો છે, સાંભળીને તેણે તેનો રસ્તો બદલ્યો, અને તેના મહાભારત દુઃખમાં તેની પુત્રીઓના મેળાપથી તેને જે સુખ થશે તે ઉપર વિચાર કરીને, તથા છોકરીઓ ઉપર માના બાપ કરતાં પોતાના બાપનો વધારે હક્ક છે, એમ જાણીને તેઓને તેની પાસે લઈ જવાને નીકળ્યો. રસ્તામાં ઘણી અડચણો ભોગવીને તથા ઘણાં સંકટોનું નિવારણ કરીને અંતે તે બાગલાણના કિલ્લા પાસે સહીસલામત પહોંચ્યો, અને કરણ રાજાની બે બાથમાં તેની કુમળી વયની બે દીકરીઓ ભરાઈ. આવે વખતે આવી અવસ્થામાં બાપ તથા દીકરીઓનો મેળાપ થયો તે વખતે દુર્ભાગી રાજાને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન થઈ શકતું નથી. મોટી છોકરી આઠ વર્ષની હતી. તે ઘરમાં સઘળું સ્ત્રીનું કામકાજ કરતી, અને તેની સંભાળથી તથા તેની ઘરબાબતની સઘળી ગોઠવણથી કરણ રાજાના ઘા ધીમે ધીમે રૂઝાવા લાગ્યા, અને તે કેટલીક વાર પછી બિલકુલ સારો થયો. માણસના સુખને વાસ્તે બૈરાં કેટલાં અગત્યનાં થઈ પડે છે તે જ્યાં તેમની ખોટ પડે ત્યાં જ જાણવામાં આવે છે. તેઓનો ઉપયોગ ઘણા લોકો બરોબર સમજતા નથી, તથા તેઓની કિંમત જોઈઈએ તેટલી તેઓ કરતા નથી. માણસ અને બૈરીના ગુણોમાં પરમેશ્વરે મોટો તફાવત રાખેલો છે. અગર જો કેટલાક માણસોમાં બૈરાંના ગુણો અને કેટલીક સ્ત્રીઓમાં માણસના ગુણો હોય છે, તોપણ તેઓ સાધારણ નિયમથી ઊલટાં છે. સામાન્ય નિયમ તો એવો છે કે પુરુષોમાં કામકાજ કરવાના અને એવા બીજા સખત ગુણો હોય છે; અને સ્ત્રીઓમાં સહન કરવાના અને નરમ ગુણો માલૂમ પડે છે. દયા, મનની કોમળતા, ધૈર્ય વગેરે બીજાને સુખી કરવાને જરૂરના ગુણો ઘણું કરીને સ્ત્રીવર્ગમાં વધારે હોય છે. એ જ કારણને લીધે તેઓ ઘર ચલાવવાને તથા પોતાના ધણીને સુખ ઉપજાવવાને વધારે લાયક છે. જ્યારે માણસ કોઈ આફતમાં આવી પડે છે ત્યારે તેને બૈરી સિવાય બીજું કોઈ શાંત કરી શકતું નથી. જ્યારે તેના મનમાં જુસ્સો ચઢી જાય છે ત્યારે તેની મનોવૃત્તિઓને નરમ પાડવાને તેને ઈશ્વરે સર્જેલી છે; પણ વિશેષે કરીને જ્યારે તેના ઉપર મંદવાડ આવી પડે છે, જ્યારે તેની એક નાના બાળકની પેઠે બરદાસ્ત લેવી પડે છે, જ્યારે તેનો સ્વભાવ એવો ચીઢિયો થઈ જાય છે કે તેનો બોલ બીજા કોઈ સાંખી શકતા નથી, તે જ વખતે બૈરીનું ખરેખરું કામ પડે છે; તે જ વખતે તેની ખરી કિંમત થાય છે; અને તે જ વખતે તેનું દુઃખ મટાડવાને પરમેશ્વરે તેને મોકલી હોય એમ પુરુષને લાગે છે. તેની ચાકરી કરવાની રીતથી જ અર્ધું દરદ ઓછું થાય છે. તેના મધુર શબ્દો રામબાણ ઓસડ જેવા થઈ પડે છે, અને તેના નરમ હાથ શરીર ઉપર ફરે છે એટલે જ ઘણી ઠંડક થાય છે; માણસને તેની જિંદગીના હરેક ભાગમાં સ્ત્રીથી સુખ મળે છે. નાનપણમાં માની ઘણી જ જરૂર હોય છે, બલ્કે તેની આવરદાનો આધાર ઘણું કરીને તેની મા અથવા એવી બીજી કોઈ સ્ત્રી હોય છે. મોટપણે તેની પત્ની વડે તે સંસારરૂપી સાગરમાં વધારે ચેનથી સફર કરી શકે છે, અને જો કમનસીબથી તેની સ્ત્રી તેના પહેલાં મરણ પામે તો કેટલુંક સ્ત્રીનું કામ તેની છોકરી ચલાવી શકે છે. કરણ રાજાને પણ તે જ પ્રમાણે થયું. કનકદેવીનું સઘળું લક્ષ પોતાના બાપને આરામ કરવા તરફ તથા તેની પીડા જેમ બને તેમ ઓછી કરવા તરફ હતું, અને તેમ કરવા સારુ તેની ઉંમર પ્રમાણે તેનાથી જેટલો બની શક્યો તેટલો તેણે શ્રમ કર્યો, અને પરમેશ્વરની કૃપાથી તે સઘળો સફળ થયો. નાની છોકરી જે દેવળદેવી હતી તે તે વખતે માત્ર ચાર વર્ષની હતી, તથા તેનાથી પોતાની બહેનના જેવું કામ થઈ શકતું ન હતું, તોપણ તેના બાળપણના જુદા જુદા ખેલથી, તેના કાલાવાલા બોલથી, તથા ખરા દિલથી પોતાના બાપને ખુશ કરવાને તે જે પ્રયત્ન કરતી હતી તેથી કરણ રાજાને અર્ધો આરામ થયો. એ બે છોકરીઓ તેના બાપને ખરેખરાં રત્નો હતાં, અને અગર જો તેણે દુનિયામાં સઘળું ખોયું હતું તોપણ તે મોટો ખજાનો તેને નસીબે રહી ગયો હતો. તેઓ તેના ઘા ઉપર ઠંડા મલમની જેવી હતી. જેમ ભૂખ્યાને અન્ન, જેમ તરસ્યાને પાણી, જેમ દરદીને ઔષધ તેમ કરણ રાજાને એ બે છોકરીઓ હતી. જેમ જેમ સઘળી દુનિયાએ તેનો વધારે ત્યાગ કર્યો, તેમ તેમ તેઓએ તેને પ્રેમની જાળમાં વધારે સાંકળી લીધો. જ્યારે બીજા લોકો તેને આડી આંખે જોવા લાગ્યા તે વખતે તેઓ પ્રીતિથી ભરપુર નેત્રથી તેને નિહાળતી હતી. જ્યારે તેના ખોટા મિત્રો લીલા વનના સૂડાની પેઠે ઊડી ગયા ત્યારે ઈશ્વરે તેને શુદ્ધ પ્રેમવાળી પુત્રી મેળવી આપી, અને જ્યારે તેના ચાકરો, સિપાઈઓ વગેરે કામ કરનારા જતા રહ્યા ત્યારે તેને ભાડૂતી નહીં પણ ખરા હેતવાળી મદદ કરનાર પુત્રી આવી મળી.

એ પ્રમાણે કરણનું સુખ માત્ર પાંચ વર્ષ સુધી પહોંચ્યું. પરમેશ્વરની ગતિ અકળ છે, તથા તેનાં કામોનાં કારણો શોધી કઢાય એવાં નથી. આટલું બધું સંકટ ભોગવ્યા પછી કરણ રાજાને જે થોડું સુખ મળ્યું તે તેને ઘણી મુદત સુધી અથવા તેના જીવતાં સુધી પહોંચશે એવી આશા રાખવામાં આવે, અને ઈશ્વર મરતાને વધારે મારશે નહીં એવી કલ્પના થાય; પણ એ આશા તથા કલ્પના ઘણી વાર ખોટી પડે છે. માણસ ઉપર જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે ઘણું કરીને સામટું જ આવી પડે છે, અને એ સઘળી આફતોમાં જે માણસ પોતાનું ધૈર્ય છોડતો નથી; તથા પરમેશ્વર ઉપરનો જેનો દૃઢ વિશ્વાસ જરા પણ ડગતો નથી તે માણસ ખરેખરો ધર્મી, તથા તે જ ખરેખરો ઈશ્વરનો ભક્ત જાણવો. માણસના વિશ્વાસની તથા ભક્તિની એ પ્રમાણે પરમેશ્વર પરીક્ષા લે છે; તેમાંથી ઘણા જ થોડા પસાર થજાય છે. હમણાં તો કરણ રાજાનો વારો આવયો, અને જે વખતે તેનાં આગલાં દુઃખોના ઘા પુરેપુરા હજુ રૂઝયા ન હતા, તથા જે વખતે સુખનો જરા સ્વાદ ચાખવા માંડ્યો હતો, તે વખતે તેને એક બીજો કારી જખમ લાગ્યો. મોતના દૂત તેના અંકાંત કિલ્લા ઉપર ઊતર્યા, અને એક ઝપાટો મારી તેની વહાલી છોકરી કનકદેવી જે હમણાં તેર વર્ષની થઈ હતી, જે તેનાં સઘળાં સુખનું મૂળ હતી, જે તેની નિર્બળ અવસ્થાનો આધાર હતી તેને ઘસડી ગયો. આ અકસ્માત્‌ આવી પડેલા દૈવકોપથી કરણને જે મહાવ્યથા થઈ તેનું વર્ણન કરવાની જરૂર નથી. તે યથાસ્થિત થઈ શકે પણ નહીં; ને થાય તોપણ તેથી વાંચનારાઓને સંતાપ માત્ર ઊપજે, તેથી તે ઉપર પડદો ઢાંકી દઈ બીજાં ચાર વર્ષ કૂદી જઈને ઈ.સ.૧૩૦૬ના વર્ષના અષાઢ મહિનામાં કરણ તથા તેની નાની છોકરી દેવળદેવી એક ઓરડામાં એકઠાં બેઠાં હતાં તે વખતનો દેખાવ બતાવવાનો પ્રયત્ન કરીએ.

દેવળદેવી તે વખતે તેર વર્ષની ઉંમરની હતી, અને તેનું રૂપ કોઈ રંભા અથવા અપ્સરાને લજવે એવું હતું. તેની ચામડીનો રંગ એવો તો ગૌર હતો, તથા તેમાં તેના લોહીના રાતા રંગનો એવો તો આભાસ પડતો હોત કે તેને જોઈ કોઈ ગુલાબનું ફૂલ પણ પોતાનું માથું નીચું નમાવે. તેની સાથે તેની ચામડી એવી પાતળી તથા પારદર્શક હતી કે તેમાંથી તેની લોહીની નસો દેખાતી હતી. તેનું કદ તેની ઉંમર પ્રમાણે જેટલું જોઈએ તે કરતાં કાંઈક મોટું હતું. તેનાં અવયવોનો ઘાટ એવો સુંદર તથા નાજુક હતો કે તેને પરમેશ્વરે પોતાને જ હાથે ઘડી હોય એમ કહી શકાય. તેની ચાલ હંસના જેવી, તથા તેના બોલવામાં મધના જેવી મીઠાશ હતી. તેના બાપને સુખી કરવાને તથા તેની ઉદાસી કાઢી નાંખવાને તે જ્યારે ગાતી તયારે તેના શબ્દો મોહનમંત્રની પેઠે સઘળાને મોહિત કરતા, તથા જેમ ઓરફ્યુસની વીણાના મધુર નાદથી મોહ પામી જંગલમાંનાં પશુપક્ષીઓ પોતપોતાનો સ્વાભાવિક વૈરભાવ એક બાજુ પર મૂકી તેની આસપાસ આવી વીંટળાતાં

તેમ દેવળદેવીનો મધુર કંઠ સાંભળવા જાણે પવન પણ સ્થિર ઠરતો, તથા તેનાં પાળેલાં હરણાદિ બીજાં પશુઓ તથા પક્ષીઓ તેના નાદથી આકર્ષાઈ તેની પાસે દોડતાં આવતાં. જ્યારે પોતાની વાડીમાં ફરતી, ત્યારે જાણે પોતાના અનુપમ રૂપથી બધાંને ભૂરકી નાખ્યાં ના હોય, તેમ તે વાડીનાં જનજનાવરો તેની પાછળ દોફડતાં, અને તેના વિના તેઓને જરા પણ ચાલતું ન હતું. તે તેની મા કૌળારાણીના જેવી જ અથવા તે કરતાં પણ અધિક રૂપાળી નીકળશે, એ કહેવું કંઈ મુશ્કેલ ન હતું. ઈશ્વરની કારીગરીનો સંપૂર્ણ નમૂનો જોઈને કોને સાનંદાશ્ચર્ય લાગ્યા વિના રહે ?

વળી તેની ઉંમર તેર વર્ષની ! એ વયમાં જ એક જાતનો મોહ રહેલો છે. આપણા અને આપણા જેવા બીજા ઉષ્ણ દેશોમાં તેરમું વર્ષ બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાની મર્યાદા ગણાય છે. એ વખતે શરીરે આરોગ્ય અને સુખમાં ઊછરેલી છોકરીઓમાં ઘણા અગત્યના ફેરફાર થાય છે. મોંનો ભરાવ થાય છે તથા તેના ઉપર તાજું લોહી આવેલું માલૂમ પડે છે. વળી તે ઉપર પહેલાં જે બાળપણનું સ્વચ્છંદપણું હતું તે જતું રહીને તે ગંભીર વિચારવંત દેખાય છે. આંખનો દેખાવ પણ તે જ પ્રમાણે બદલાઈ જાય છે. ખભા તથા છાતી પહોળાં થાય છે; તથા શરીરનાં બીજાં અવયવોમાં પણ તેવો જ વધારો થાય છે. શરીરનું કદ મોટું થાય છે, અને તેનું યથાસ્થિત પોષણ થવાને લોહીનો પણ ઉમેરો થાય છે. જેવો શરીરનો ફેરફાર થાય છે તેવો જ મનનો પણ થયા વિના રહેતો નથી. તેર વર્ષની ઉંમર ! એ ઠેકાણે ઊભી રહીને કોઈપણ બાળા જ્યારે ભૂતકાળ પર નજર કરે છે ત્યારે તેને નિઃશ્વાસ મૂકવાનાં કેટલાં બધાં કારણો જડી આવે છે ? તેનું બાળપણ પાણીના રેલાની પેઠે વહી ગયું તે ફરીથી પાછું આવવાનું નહીં, અને તેની સાથે બાલ્યાવસ્થામાં ભોગવવાનાં સુખો તે પણ ચાલ્યાં ગયાં. જે નિશ્ચિત મનથી તે રસ્તામાં રમતી, જે ખુશીમાં તેના દહાડા જતા, જે ભવિષ્યને વાસ્તે તેના મનમાં બેપરવાઈ હતી, જે આનંદ તેને વર્તમાન વખતને વાસ્તે વાગતો, જે ખુલ્લા મનથી સઘળા નાના અથવા મોટાની સાથે તે વાતચીત વગેરેનો વહેવાર ચલાવતી, જે ભોળા સ્વભાવથી તે ઘરના માણસનો તેમ જ પારકાનો ઠોક જીવને ઘણો કલેશ કર્યા વિના સહન કરતી, જે મનના ઘણા સ્થિતિસ્થાપકત્વથી તે શોકનો ઝટ ત્યાગ કરી પાછી આનંદમાં આવતી, જે વેરરહિત મનથી તેની સાથે લડનારાઓને ટૂંકી મુદતમાં ક્ષમા કરતી, જે શુદ્ધ અંતફકરણને લીધે બીજાઓના દુષ્ટ વિચારો તે પારખી શકતી નહીં, તથા જે નિર્દોષપણાથી તે પાપ શું તે જ ઓળખતી નહીં, અને પાપરહિત મન હોવાથી મનમાં જે સુખ તથા શાંતિ રહેતી તે સઘળું હોય ! હવે સદાકાળને માટે ગયું. બાલ્યાવસ્થામાં આનંદ માનતી છોકરીના મનમાં શોક ઉત્પન્ન કરવા આ ભૂતકાળનું દર્શન જ બસ છે, છતાં તે શોકમાં વધારો કરવા બીજી ઘણી બાબતો એકઠી મળે છે. જ્યારે તે ભવિષ્ય ઉપર નજર કરે છે ત્યારે તે શું જુએ છે ? અત્યાર સુધી તો તે સંસાર રૂપી ઘરની આગળની વાડીમાં જ રમતી હતી; પણ તેરમે વર્ષે તો તેના દરવાજામાં પેઠી, અને તે ઘરમાં શું હશે તે વાતના સંશયથી જ તેની શાંતિ ક્ષીણ થાય છે. હવે સંસારમાં પડવાનો વખત આવ્યો. આગળ નજર કરે છે તો સઘળું ધુમ્મસ પથરાયેલું દેખાય છે, તેમાંથી તેનાથી કાંઈ દેખાતું નથી, માટે કલ્પનાશક્તિ વડે સઘળું સારામાં સારું પોતાને માટે નિર્માણ થયું હોય એમ તે દેખે છે. પણ બીજાઓની અવસ્થા જોઈ તેની સ્વપ્નવત્‌ કલ્પનાઓ, સૂર્યપ્રકાશથી ધુમ્મસ જેમ વેરાઈ જાય છે તેમ એક પળમાં ખરી જાય છે. ભવસાગર તેને સઘળો તરવો છે એ વિચારથી જ તે ત્રાસ પામે છે, તથા આગળ શાં શાં સુખ તથા દુઃખો આવી પડશે એ વિષેના અંધકારમાં અથડાય છે. પણ પરમેશ્વરની કૃપાથી એ સઘળા વિચારો તથા ચિંતાને ડુબાડી દેનાર એક નવો મનોવીકાર તે વયે તેની છાતીમાં જન્મ પામે છે. એ મનોવિકાર તે પ્રીતિ છે. તે સઘળામાં ઊંચી પદવી ધરાવે છે. તેની અસર ઘણી જ આશ્ચર્યકારક છે. તથા તેના અદ્દભુત પ્રભાવથી પુરુષ અથવા સ્ત્રી જે કામો કરી શકે છે, તે ખરેખરાં ચમત્કારિક છે. જ્યારે તે વિકારનો જન્મ થાય છે, ત્યારે આખા શરીરમાં અજાયબ ફેરફાર થઈ જાય છે, અંતઃકરણમાં પ્રીતિનું એક અખૂટ ઝરણ ફૂટવા માંડે છે. તેના પાણીને વહેવા તથા અંતે ખાલી થવા કોઈપણ સ્થળ જોઈએ. તે સ્થલ જ્યારે તેને મળતું નથી, ત્યારે તેના હૈયામાં શૂન્યાવકાશ જેવું લાગે છે. જગત્‌ સઘળું સ્મશાન જેવું દેખાય છે. મન પોતાના જેવા કોઈ બીજાને સોબતી કરવાને આણીગમ-તેણીગમ ફાંફાં મારે છે, અને જ્યાં સુધી તેવું કાંઈ મળતું નથી તયાં સુધી તેને જરા પણ સુખ કે શાંતિ થતાં નથી. શરીર દિનપરદિન ક્ષીણ થતું જાય છે. તેના અંતઃકરણમાંનો અગ્નિ અપાર બુદ્ધિવંત પરમેશ્વરે ઘણા ડહાપણભરેલા હેતુથી સળગાવેલો છે. એ પવિત્ર વિકાર પરમેશ્વરને વહાલો છે, અને જેમ તે વધારે સ્વચ્છ હોય છે તથા તેમાં બીજા કનિષ્ઠ વિકારોનું મિશ્રણ જેમ ઓછું હોય છે, તે તે વિકાર પરમેશ્વર ઉપરની સર્વોત્કૃષ્ટ પ્રીતિને મળતો આવે છે. તે જ્યારે સ્વચ્છ હોય છે ત્યારે અગ્નિની પેઠે શરીરના અંતરાત્માને અંગારી નાખી શુદ્ધ કરે છે, તથા મનની દુષ્ટ વૃત્તિઓને નરમ પાડી તેઓનો સમૂળો નાશ કરે છે. આવી વખતે પુરુષ અથવા સ્ત્રીનું આખું શરીર પ્રેમથી ભરપૂર હોય છે, અને તે ઊભરાઈ જતી તેની આસપાસનાં માણસો, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ, અને ઝાડ તથા ફૂલો ઉપર તેનું અમૃત રૂપી પાણી ઢોળાય છે. તે કોઈ વેળા ગમે તેવી પ્રતિકૂળ સ્થિતિ છતાં પણ નિરાશ થતું નથી; તેનામાં આશા અમર જ રહે છે. ગમે તેટલી વિપત્તિમાં પણ તેની ધીરજ ઓછી થતી નથી; તે હમેશાં આગળ સારા ઉપર જ નજર રાખી હરેક તરેહનાં કષ્ટ ધૈર્યથી વેઠે છે, પ્રેમપૂરિત આંખ કાંઈ પણ નઠારું દેખતી નથી. તેની આગળ હમેશાં તડકો જ હોય છે, કોઈ દહાડો વાદળાં તો થતાં જ નથી. તેનો ઈચ્છેલો સોબતી, તેની જિંદગીની મુસાફરીમાં જોડે આવનારો સાથી, તેની આંખે સંપૂર્ણ જ દેખાય છે. મજનૂની આંખે લયલા કેવી ખુબસૂરત દેખાતી હતી ! બીજાઓને તે ગમે તેવી કુરૂપ લાગે તેની તેને કાંઈ ફિકર ન હતી. એ વિકારને વશ થઈ ઘણી સ્ત્રીઓએ અસાધારણ કામો કર્યા છે, તથા જે હિંમત બીજે કોઈપણ વખતે તેનામાં નજરે પડે નહીં તેવી હિંમત તેઓએ આ વિકારના આવેશમાં બતાવેલી છે.

જગતના ઈતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે જે લોકોમાં સ્ત્રીપુરુષ બાલ્યાવસ્થામાં લગન કરતાં નથી, તેઓમાં કન્યા ગાય-ઢોરની પેઠે જેને આપે તેના હાથમાં જતી નથી, જેઓ સ્ત્રીપુરુષનો લગન જેવો પવિત્ર સંબંધ સામાનય માલની ખરીદી પેઠે માલ વેચનાર તથા ખરીદદારની વચ્ચે થતો નથી, જેઓમાં લગ્નની છૂટે નહીં એવી ગાંઠ બંને પક્ષની રીતભાત, ગુણ, સ્વભાવ વગેરે ઉપર કાંઈ પણ લક્ષ ન આપતાં બાંધવામાં આવતી નથી, જેઓમાં સ્ત્રીપુરુષો કેટલીક મુદત સુધી એકબીજાનો સ્વભાવ તથા યોગ્યતા જુએ છે, તથા જેઓમાં બંનેની રાજીખુશીથી તથા બંનેનાં માબાપની કબુલાતથી લગ્ન કરવામાં આવે છે, તેઓમાં કોઈક વખતે એવું બને છે કે ગરીબ સ્થિતિનો જુવાન કોઈ શ્રીમંત અથવા તેનાથી ચઢતી સ્થિતિની કન્યા સાથે પ્રીતિ બાંધે છે; પણ એટલું તો ખરું, જ્યાં સુધી તેની અવસ્થા ગરીબ રહે ત્યાં સુધી તે કન્યાનો પ્યાર તેના ઉપર ગમે તેટલો હોય તોપણ તેની સાથે પરણવાની જરા પણ ઉમેદ એને હોતી નથી. તે કન્યાનાં મા બાપ એવા ગરીબ માણસની સાથે તેને ડહાપણભરેલા વિચારથી, અથવા તો અહંકારના બળથી, પરણાવતાં નથી; તેમ પેલો પુરુષ પણ તેવી અવસ્થામાં તેને પરણીને પોાની સાથે તેને દરિદ્રતાના દુઃખમાં નાખવાને ચાહતો નથી. તે કુમારિકા ઉપર તેને એટલી બધી પ્રીતિ હોય છે કે પોતાના સ્વાર્થને તથા તરતના સુખને એક બાજુ પર મુકી તે તેને એવો દિલાસો આપે છે કે હું જાતે ઘણો શ્રમ કરી કોઈ ઊંચી જાતનો ધંધો શીખીશ, અને જ્યારે હું મારા પોતાના બુદ્ધિબળે કરીને આ દુનિયામાં પંકાઈશ, અને દ્રવ્ય મેળવીશ, ત્યારે જ હું તારા બાપ પાસે તને વરવાની રજા માગીશ. એવો શુભ પ્રસંગ આવતાં વર્ષોનાં વર્ષો વહી જાય તોપણ તેમાં શી ચિંતા ? તે મધ્યરાત્રે દીવા આગળ બેસી અભ્યાસમાં જ તલ્લીન થયો હોય તે વેળા તેની પ્રાણપ્રિયાનું ચિત્ર તેની આંખ આગળ જ પ્રકટ થાય છે, અને જ્યારે તે અભ્યાસના શ્રમથી, પૈસાની તંગીથી, તથા બીજી ઘણી મુસીબતોથી કંટાળી જઈ ધારેલું કામ મુકી દેવાનું મન કરે છે, એટલે તે પ્રેમમય મૂર્તિ તેને ઠપકો દેતી હોય તેમ તેની સામું જુએ છે, તથા ‘ધીરજ’ ધીરજ’ એવા મીઠા શબ્દ બોલે છે. તેને જે જે અડચણો નડે તે બીજા લોકોને ગવમે તેવી વિકટ તથા દુસ્તર લાગે, તોપણ તેના અંતઃકરણના સિંહાસન ઉપર બિરાજેલી દેવીની આરાધનાથી તથા કામના મંત્ર વડે તે સઘળી ફૂંક મારવાથી ઊડી જાય છે. સઘળાં કામોમાં તે દેવી તેની પીઠ થાબડે છે, અને એવી રીતે નિરંતર ઉત્તેજન મળ્યા કરવાને લીધે હાથમાં લીધેલું કામ પાર પડ્યા વિના રહેતું નથી. એટલા વખતમાં જો તે બાળા દૃઢ મન રાખી પોતાના વચનનો ટેક રાખે તો કોઈ વખતે તે બંનેનો સંબંધ થાય છે, પણ જો તે ચળ થઈને પોતાના એક વેળા માનય કરેલા પ્રિયને ભૂલી જાય તો એવી અનિત્ય પ્રીતિવાળી સ્ત્રીને પરણવામાં પરિણામે કાંઈ સુખ ન થાત, એમ સમજીને તેને પોતાના મનમાંથી બિલકુલ વિસારી મૂકે છે, અને જે સારી અવસ્થા તથા મોટું પદ તેને પ્રાપ્ત થયું તે સઘળું પ્રીતિને લીધે જ થયું એમ માનીને સંતોષ રાખીને રહે છે.

આવી સ્વર્ગીય પ્રીતિથી ઘણાંનાં લગન થયાં છે, અને થાય છે, પણ એ ઉત્કૃષ્ટ વૃત્તિ સઘળા લોકોના સમજવામાં તો ક્યાંથી જ આવે ? આવી દૃઢ પ્રીતિ આ દુનિયામાં ખરેખરી હોઈ શકે એ વાતનો ખ્યાલ જેને અનુભવ નથી તેનાથી થવો મુશ્કેલ જ છે. જે દેશમાં સ્ત્રી-પુરુષોનાં બાળપણથી લગન થવાને લીધે તેઓમાં પ્રીતિ કરતાં ભક્તીનો ભાવ વધારે પ્રબળ હોય છે; જ્યાં પૂજ્ય તથા પૂજક વચ્ચેની પ્રીતિ તે બંનેની વચમાં હોય છે; જ્યાં લગ્નનો મુખય ઉદ્દેશ પાર પાડવો, વંશની વૃદ્ધિ કરવી, ઘરનો તમામ ધંધો ઉપાડી લેવો, અને છોકરાંને મોટાં કરવાં, એ સિવાય સ્ત્રીનો બીજો ઉત્તમ ઉપયોગ લોકો જાણતા નથી; જ્યાં સ્ત્રીના મૃત્યુથી પૈસા સંબંધે જ ખરાબ થયા તથા ઘર ઊખડી ગયું એટલા જ દુઃખને સારુ તેનો ધણી માથાં કૂટી રહે છે; જ્યાં વહુના મરણ પછી થોડા જ દહાડામાં બીજી સ્ત્રી પરણવા તરફ તેનો સ્વામી મન દોડાવે છે; ત્યાં આ શુદ્ધ, પવિત્ર તથા મનને વીંટાળનાર, અને જિંદગીની સાથે મળી જનાર, ઉચ્ચ વિકારને લોકો શી રીતે ઓળખે ? બાળપણમાં પરણ્યાં એટલે જે વખતે સ્ત્રીપુરુષના સંબંધનો આરંભ થાય છે, તે વખતે આ પવિત્ર વિકારનો તો તેઓને લેશમાત્ર અનુભવ પણ થયો ના હોય એગલે તે વિકારનો તેમને ખપ પણ શો પડે ? સૃષ્ટિનો એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુની જ્યારે ખોટ જણાય ત્યારે જ તે વસ્તુની કિંમત જાણવામાં આવે છે; પણ બાળપણમાં પરણેલા છોકરા તથા છોકરીઓના હૃદયમાં શુદ્ધ તથા પરિપક્વ વિકાર ઉત્પન્ન થવાનો વખત જ આવતો નથી. તે વખતે આવ્યા પહેલાં જ કૃત્રિમ પ્રેમ તેઓના અંતઃકરણમાં પ્રવેશ કરે છે, તેથી પરિપક્વ તથા સ્વાભાવીક પ્રેમની ખૂબી તેઓના જાણવામાં આવે નહીં એમાં આશ્ચર્ય ? જેઓ આ અપૂર્ણ પ્રીતિને જ માત્ર અનુભવે છે, તેમને એ ઊંચી જાતના પ્યારની ખૂબી કેમ સમજાય ? વળી જેમનાં નાનપણમાં લગન થાય છે તેમને એ પ્યારનો ઉપયોગ કરવાનો પ્રસંગ જ મળતો નથી, તથા તે પ્યારનો ઊભરો ખાલી કરવામાં જે જે આતુરતા તથા હોંશ ઉત્પન્ન થાય છે તે તેમને થતી નથી. પરણવું અને પટેલાઈ તે તો કહેવત પ્રમાણે કોને ના ગમે ? પણ જ્યાં બાળપણમાં લગન થાય છે, ત્યાં તે પવિત્ર સંબંધથી ઉત્પન્ન થતા અનેક લાભનો આપણે નાશ કરીએ છીએ. બાલ્યાવસ્થામાં સારો વિદ્યાભ્યાસ કરી નામ કરવું, કોઈ સારો ધંધો શોધી કાઢી કુટુંબના ગુજરાનનાં સાધન આગળથી તૈયાર કરી રાખવાં, તથા જરૂર પડે તો પોતાની પસંદ કરેલી કન્યાની સ્થિતિ બરોબર આવી પહોંચવું, તથા તેને ખુશ કરવાને મોટાં મોટાં કામો કરવાં, એ સઘળી પ્રેરણાઓ નાનપણથી પરણેલાઓને હોતી જ નથી. જ્યાં પ્રીતિ ફક્ત શરીરની ઈંદ્રિયોની સાથે જ સંબંધ રાખે છે, ત્યાં તેનું કાર્ય શરીરના બહારના ભાગ સાથે માત્ર હોય છે. રૂપ એ તેનો મુખ્ય .ત્તેજક છે. તેને મનના ગુણોની બિલકુલ દરકાર હોતી નથી. ખરેખરી પ્રીતિની અસર એ પ્રમાણેની નથી. જ્યારે આત્માને આત્માનો સંયોગ થાય છે, જ્યારે ગુણો તથા સ્વભાવ એકએકમાં ભળી જાય છે, જ્યારે તે એક્યથી ઉત્પન્ન થયેલી પ્રીતિ ઉપર ઈંદ્રિયોની સત્તા ચાલતી નથી, જ્યારે તે ઉત્કૃષ્ટ પ્યારમાં આ સંસારનો કાંઈ ભાગ હોતો નથી, અને જ્યારે તે સ્વાર્થરહિત બિલકુલ હોય છે, ત્યારે જ તે વાસ્તવિક પ્રીતિ જાણવી. જેનામાં એવી પ્રીતિ વ્યાપેલી હોય છે, તે બહારના રૂપને તથા બહારની અવસ્થાને જોતાં જ નથી. જેમ તે અબળાનું અશક્તપણું વધારે તેમ તેનું રક્ષણ કરવાની તથા તેને સુખ આપવાની તેની આતુરતા વધારે હોય છે. જેમ તેની દરિદ્રતા વધારે તેમ તે અવસ્થજામાંથી તેને છોડાવવાની તથા તેને પોતાના સુખમાં ભાગીદાર કરવાની હોંશ વધારે થાય છે. જેમ એ પ્રીતિ તૃપ્ત થતાં વાર લાગે છે તેમ તે વધારે દૃઢ થતી જાય છે. અને કદાપિ આ પૃથ્વી ઉપર તે ટૂંકી મુદત સુધી ભોગવાય તોપણ પરલોકમાં તે નિઃસ્વાર્થ પ્રીતિનું અનુસંધાન થશે, એવી તે ખરા દિલથી આશા રાખે છે. અરે ! આ નિષ્કામ પ્રીતિ સઘળાના જાણવામાં આવે તો જગતમાં કેવો સારો ફેરફાર થઈ જાય ! સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો માણસના ઉપર આવી પડે છે તેમાં એ પ્રીતિ એક સુખ ઉપજાવનાર છે, દુઃખના દરિયામાં એ એક કંદીલિયું છે, તથા ડૂબતા માણસને તે એક દોરડા જેવી છે. માણસના સુખને અર્થે એ સ્વચ્છ પવિત્ર પ્યાર તેનામાં મુકેલો છે, તેનો સારે રસ્તે .પયોગ માત્ર કરવો જોઈએ. અશક્ત, આંધળા, મૂગા, તથા દુનિયામાં નકામા જેવા છોકરા ઉપર તેની માનો કેટલો બધો પ્યાર હોય છે ? જેમ તે છોકરાનું પરાધીનપણું વધારે, તેમ તે પ્યાર મજબૂત હોય છે. એ પ્યારમાં કાંઈ સ્વાર્થ તો હોતો જ નથી. તે શુદ્ધ પ્રીતિનું એક નિર્મળ ઝરણ છે. બે વૃદ્ધ વરવહુની પ્રીતિ પણ કંઈક તેના જેવી હોય હોય છે, તેમાં વિષયવાસનાનું મિશ્રણ હોતું જ નથી. સમાન વયના તથા સરખી અવસ્થાના બે પુરુષોની સાચી મિત્રાચારી પણ એ જ પ્રકારની હોય છે. તેઓના આત્માનો સંયોગ થયેલો હોય છે; તેમાં સ્વાર્થ રૂપી બનળું બંધન જોવામાં આવતું નથી. જેમ કચરાને ધોઈ સાફ કરીને તેમાંથી સોનાના રજકણો કાઢવામાં આવે છે, જેમ મરડિયા કાંકરા જેવી વસ્તુને ઘસીને તેના ઘણા સ્વચ્છ પાણીદાર હીા બનાવવામાં આવે છે, તેમ સ્વાર્થી પ્રીતિમાંથી સ્વાર્થ રૂપી કચરો કાઢી નાખી, તેને નિર્મલ કરી, તેનો અતિ વિસ્તાર કરવો, એટલે પછી જે પ્રીતિ બને તે જ આપણે સઘળાઓએ પરમેશ્વર ઉપર રાખવી.

દેવળદેવી તેર વર્ષની હમણાં થઈ હતી, અને તેના હૃદયમાં પ્રેમવિકાર ઉત્પન્ન થયો હતો. એ નવી વૃત્તિ પેદા થવાથી ઉપર જે સઘળા ફેરફાર કહ્યા તે તેનામાં થયા હતા. આવી એકાંત જગામાં તે રહેતી હતી તેથી તેના બાપ, ચાકર, તથા ગામના કેટલાક માણસો સિવાય બીજા કોઈ પુરુષ તેના જોવામાં આવતા ન હતા. તેના બાપની આવી અવસ્થા હોવાને લીધે તેને સ્વયંવર મંડપમાં કોઈ મનગમતા ગળામાં વરમાળ ઘાલવાનો સમય આવશે એવો સંભવ ન હતો, તથા કોઈ યોગ્ય વર તેને વરવાને તેના બાપને કહેણ મોકલશે એમ પણ લાગતું ન હતું. એ વિચારથી તે ઘણી જ ઉદાસ રહેતી. અને જો પરમેશ્વરે તેના ઉપર દયા લાવીને એ વિષે કાંઈ પણ આશા બતાવી તેને સુખી કરવાનો પ્રસંગ આપયો ન હોત તો તેનો ધીમેધીમે ક્ષય થાત. એક સુશોભિત ઝાડ તેના પૂર બહારમાં માંહેથી કીડાના કોતરવાથી એકદમ તૂટી પડે છે તેમ તે કોઈ દહાડો કામરૂપી કીડાથી ખવાઈ જાત, અને કોઈના કહ્યામાં ન આવે એવા કારણથી તેના અકાળ મૃત્યુથી અંત આવત. પણ એમ થવાનું સર્જિત ન હતું. દેવળદેવીની જિંદગીમાં તો ઘણા ફેરફાર થવાના હતા તેથી એક ખૂણામાં તે પડી રહે, એવું ઈશ્વરે નિર્માણ કર્યું ન હતું.

તે વખતે એવું બન્યું કે બાગલાણથી આશરે દશ કોશ ઉપર એક વાઘ અને વાઘણે રાહ પાડી. તેઓએ આસપાસનાં ગામોનાં ઢોર એટલાં તો મારી નાખ્યાં, તથા લોકમાં એટલો તો ત્રાસ પાડ્યો, કે તેને મારવાને ગામેગામથી લોકો એકઠા થયા; પણ તે એવાં વિકરાળ, જોરાવર તથા ચપળ હતાં કે તેમને મારવામાં કેટલાક લોકોના પ્રાણ ગયા તોપણ તેમાંથી એક પણ મૂવું નહીં. એ વાઘોની વાત દેવગઢના રાજાને કાને પડી, તેથી તેણે પોતાના બે છોકરા ભીમદેવ તથા શંકળદેવને તેમને મારવાને તથા લોકોને નુકસાન થતું બચાવવાને મોકલ્યા. ભીમદેવની ઉંમર આશરે રપ વર્ષની હતી અને બહાદુરીમાં તે રજપૂતના નામને એબ લગાડે એવો ન હતો. બીજો શંકળદેવ હતો તે રૂપમાં તથા શૂરાતનમાં ઈંદ્રના જેવો હતો, અને તેના ગુણો તથા સ્વભાવ ઊંચી જાતના રજપૂતને શોભા આપે એવા હતા. તે હજુ પરણેલો ન હતો, અને તેના ચિત્તને આકર્ષણ કરે એવી સુંદરી તેના જોવામાં હજુ આવી ન હતી. તેઓ બંને હાથી ઉપર સવાર થઈ બાણ, ભાલા વગેરે શસ્ત્ર સજી કેટલાંક માણસો સાથે લઈ નીકળ્યા; અને બે દહાડે બાગલાણની પડોશમાં તેઓએ મુકામ કૃયો. કરણ રાજાને પણ શિકારનો ઘણો શોખ હતો, તથા એવાં કામોમાં પડ્યાથી તેના દુઃખમાં થોડી વાર ઘટાડો થશે એમ જાણીને તેઓએ તેને સંદેશો મોકલ્યો, અને પોતાની સાથે આવવાની તેને વિનંતી કરી. કરણ રાજાએ પણ કાંઈ કામ જડે તો તેમાં પડી કાળ નિર્ગમન કરવાન ઠરાવ કર્યો હતો, તથા જે કામોમાં શૂરાતન દેખાડવાનો પ્રસંગ આવે તે કામો ઉપર તેને ઘણો શોખ હતો, તેથી શિકારમાં જવાને તેણે કબૂલ કર્યું. તેણે હજુ સુધી દેવળદેવીને વીલી મૂકી ન હતી, તેથી તેને એકલી રાખીને જતાં તેનું મન માન્યું નહીં. તેણે દેવળદેવીને પોતાની સાથે લીધી, અને હથિયાર બાંધીને તે ભીમદેવ તથા શંકળદેવને જઈને મળ્યો. પછી તેઓ સઘળા જે જંગલમાં પેલા વાઘો હતા ત્યાં ગયા; અને એક માંડવો તૈયાર કરાવીને તે ઉપર દેવળદેવી તથા કેટલાક માણસોને રાખી કરણ તથા દેવગઢના બે રાજપુત્રો જંગલમાં આગળ ચાલ્યા. ગામના કેટલાક લોકોએ ગાઢ ઝાડી-કોતરો આગળ જઈ મોટા અવાજ કર્યા, અને વાઘને ભય પમાડીને બહાર કાઢવાને ઘણી તરેહના પ્રયત્નો કર્યા. એટલામાં એક કિકિયારી કરી વાઘ એક છલંગ મારી બહાર નીકળ્યો, અને એક પંજાના સપાટાથી ગામના એક માણસને મરણતોલ કરી ભોંય ઉપર પાડ્યો એટલે બધા જીવ લઈને નાઠા. તેઓમાંથી એકની ગરદન પકડી તેને પણ મારી નીચે પાડ્યો, તે વખતે કરણે એક તીર માર્યું; પણ તેની ચપળતાને લીધે જ્યાં તાકીને માર્યું હતું ત્યાં ન વાગતાં તેને પૂંછડી આગળ જખમ લાગ્યો. વાઘે ખીજવાઈને દોડ કરી તે વખતે તે ત્રણ રજપૂતો સિવાય સઘળા નાસવા લાગ્યા. વાઘે આવી ભીમદેવના હાથી ઉપર તલપ મારી, અને જો તે જ ક્ષણે શંકળદેવે એક તીર મારી વાઘને પાછો પાડ્યો ન હોત તો તે હાથીનો નિશ્ચય કાળ આવત અને ભીમદેવની શી દશા થાત એ કહેવાત નહીં. પણ શંકળદેવના તીરનો ઘા તેના કલેજામાં વાગ્યો તેથી તે પડ્યો. તે જ વખતે ભીમદેવે નીચે ઊતરીને તેના મોંમાં એક ભાલો માર્યો, તેની સાથે લોહીનો ધોધ તેના મોંમાંથી નીકળ્યો, અને એક ભયંકર ચીસ પાડી તે જોરાવર વાઘ, તે વનના પશુઓનો રાજા, તે પ્રાણઘાતક પશુ, તે અગણિત હિંસા કરનારું જાનવર મડદું થઈ ચત્તુપાઠ પડ્યું. પણ તેની મરતી વખતની ચીસથી આખું રાખ ગાજી રહ્યું, અને તેનો અવાજ એક ભાગમાં તેની માદા પડેલી હતી ત્યાં સંભળાયો. પોતાના સ્વામીનો કોઈએ પ્રાણ લીધો તેનું વેર લેવાને ક્રોધના આવેશથી તેને છલાંગ મારી, અને વીજળીને વેગે દોડતી આવી. તેને મારવાને કોઈને વખત મળ્યો નહીં. એટલામાં તો તે માંડવા સાથે અથડાઈ, અને તેના ધણીને મારનાર માંડવા .પરના માણસો હશે એમ ધારી તેના એક ટેકાને તે વળગી. વાઘમાં જોર અતિશય હોય છે, અગર જોકે તે ઝાડ ઉપર ચઢી શકતો નથી તોપણ કોઈ નબળા-પાતળા ઝાડને તેના ઘણા જ સામર્થ્ય વડે તે તોડી પાી શકે છે. આ વખતે વાઘણે તે માંડવાના એક ટેકાને એટલા જોરથી આંચકો માર્યો કે તે આખો માંડવો એક મોટા અવાજ સાથે નીચે કકડી પડ્યો. તે ઉપર જે માણસો હતાં તેઓમાંથી કેટલાંક જીવ લઈને નાઠાં, કેટલાંકનાં શરીર આટલે ઊંચેથી પડવાથી એવાં તો બહેર મારી ગયાં કે તેઓથી તરત ઉઠાયું જ નહીં, અને બાકીનાં ભયથી એવાં બેભાન થઈ ગયાં કે તેઓને શું બનયું તેની કંઈ ખબર રહી નહીં. વાઘણે પોતાના પંજા વડે એ બે માણસોને સખત જખમી કર્યાં, અને દેવળદેવી બેહોશ જેવી પડી હતી તે ઉપર તરાપ મારવાની તૈયારી કરી. પણ જ્યારે આ પૃથ્વી ઉપરની અપ્સરા, આ નિર્દોષ છોકરી, આ કરણ રાજાના જીવનો આધાર, જિંદગી અને મોતની હદ ઉપર આવી પડી હતી, બલકે જ્યારે તે મૃતયુની અગાધ કરાડ ઉપર નિમાળાને આધારે લટકેલી હતી, જ્યારે તેને મદદ કરે એવું કોઈ દેખાતું ન હતું, તે વખતે પાસેની ઝાડીમાંથી એક માણસે આવી તે વાઘણ ઉપર તલવારનો ઘા કર્યો, અને જેવી તે પાછી ફરી તેના ઉપર હુમલો કરવાનું કરે છે એટલામાં તેના મોંની વકાશમાં તેણે ભાલો એવા જોરથી ખોસી ઘાલ્યો કે તે તેના દાંત પાડી નાાંખીને તેના તાળવામાં ભોંકાયો. એ ઘા તેને વાસ્તે બસ હતો. એક મોટી ભયાનક ચીસ પાડી તે તમરી ખાઈ નીચે પડી, અને પડતાંવાર તેના તલવાર વતી તે માણસે કકડેકકડા કરી નાખ્યા. જોખમનો વખત તો ગયો; મોતનું વાદળું ઘસાડઈ ગયું; ભરદરિયાના ભરે તોફાનમાંથી વહાણ લગભગ ભાંગી પડતું બચ્યું; તોપણ આવા અચાનક મોતના ભયથી તેને જે આંચકો લાગ્યો હતો, તેની અસર જલદીથી જતી રહી નહીં. દેવળદેવી કેટલીક વાર બેશુદ્ધ રહી, અને તેને જાગ્રત કરવાને ગમે કેટલા ઉપાય કામે લગાડ્યા તોપણ તેથી કંઈ વળ્યું નહીં. કરણ તો પોતાની અતિ વહાલી છોકરીને આવી અવસ્થામાં જોઈને ઘેલા જેવો થઈ ગયો, અને તેનાથી તો તેને શુદ્ધિમાં આણવાને કાંઈ બન્યું નહીં. શંકળદેવનું સઘળું તન અને મન એ કામમાં લાગેલું હતું, અને તેની મહેનત તથા અગણિત યુક્તિઓને લીધે જ તેને પાછી શુદ્ધિ આવી. જે વખતે દેવળદેવીએ આંખ ઉઘાડી, તયારે તેના પ્રાણ બચાવનાર શંકળદેવ ઉપર તેણે પોતાની નજર માંડી. તેટલી નજર શંકળદેવના મનનું હરણ કરવાને બસ હતી. તેની આંખમાં ઉપકાર તથા પ્રીતિ એ બંને એકઠાં મળેલાં હતાં, તેની અસર જલદીથી થઈ ગઈ. ધન્વંતરિ તથા લુકમાન હકીમોએ ઔષધનાં જુદાં જુદાં મિશ્રણો કર્યાં હશે, તેઓની અસર પણ આવી તત્કાળ થઈ નહીં હોય. એ દૃષ્ટિ પડ્યા પછી શંકળદેવની આખી જિંદગી જ બદલાઈ ગઈ; તે એક નવો જ માણસ થયો; અને નવા નવા વિકારો તેના મનમાં એક પછી એક આવવા લાગ્યા. તે સઘળાની એકઠી થયેલી અસર તેનાથી ખમાઈ નહીં, તેથી તે ગભરાટમાં ત્યાંથી નાસી ગયો અને એક ઝાડને ઓથે બેસી સ્વપ્નવત્‌ અવસ્થામાં કેટલીક વાર સુધી પડી રહ્યો.

વાઘ તથા વાઘણ મરાયાં, અને દેવળદેવીના હોંશ ઠેકાણે આવ્યા, એટલે ત્યાં વધારે વાર રહેવાનું પ્રયોજન રહ્યું નહીં, તેથી તેઓ સઘળાઓએ કૂચ કરી. ગામડાંના લોકો ખુશ થઈને પોતાને ઘેર ગયાં, અને ભીમદેવ તથા શંકળદેવ દેવગઢ તરફ વળ્યા. રસ્તામાં દેવળદેવી તથા શંકળદેવનું એકબે વાર સિવાય વધારે મળવું થયું નહીં પણતે એકબે વારમાં તે બંને જણની ખાતરી થઈ કે તેઓએ એકમેકનું મન ચોરી લીધું હતું, તથા તેઓ પોતાનું સુખ તથા શાંતિ તે જંગલમાં મૂકી આવ્યાં હતાં. પુરુષ કરતાં સ્ત્રી સ્વભાવે નરમ હોય છે, તેથી જ્યારે સ્ત્રીપુરુષ વચ્ચે સ્નેહ બંધાય છે ત્યારે તેની અસર સ્ત્રીના મન ઉપર વધારે થાય છે. સ્ત્રીના અંતઃકરણ ઉપર તે વધારે અમલ ચલાવે છે; સ્ત્રીને જે કાર્ય ઈશ્વરે સોંપેલું છે તેમાં પ્રીતિનો ઘણો ખપ પડે છે; વળી તે ઘરમાં એકાંતમાં બેસી રહે છે તેથી તેને એ બાબતના જ વિચાર કર્યા કરવાને ઘણો વખત મળે છે, તે કારણોને લીધે સ્ત્રીની છાતીમાં પ્રીતિ વધારે સજ્જડ મૂળ ઘાલી રહે છે. એથી ઊલટું પુરુષ વધારે કઠણ છાતીનો હોય છે, તેનામાં લોભ, દુનિયામાં વખણાવાની તથા પ્રતિષ્ઠા વધારવાની વૃત્તિ, વધારે જોરાવર હોય છે, તથા દુનિયા સંબંધી તેને ઘણાં કામકાજ કરવાનાં હોય છે, તેથી તેના અંતઃકરણ ઉપર કામની સત્તા તેટલી બળવાન થઈ શકતી નથી, એ જ કારણથી આ દેશમાં સ્ત્રીઓ પોતાના સ્વામી પ્રતયેનો અતિઘણો પ્યાર બતાવવાને તેની પાછળ સતી થતી હતી; એ જ કારણથી આ દેશની ઊંચી જ્ઞાતિની સ્ત્રીઓને તેમની આખી જિંદગીમાં એક કરતાં વધારે પુરુષ સાથે પરણવાનો પ્રતિબંધ કર્યો છે; અને એ જ કારણથી સ્ત્રીપુરુષની પ્રીતિ તૂટવાથી સ્ત્રીને વધારે દુઃખ થાય છે, અને કેટલીક વાર તેનો દેહ પણ પીડાઈ પીડાઈને તે પાડે છે. પુરુષને એ પ્રમાણે ક્વચિત જ થાય છે. કોઈપણ દેશમાં પુરુષુ પોતાની સ્ત્રીને માટે પોતાનો દેહ અર્પણ કર્યો હોય એવું આપણા જાણ્યામાં નથી. કોઈ દેશમાં એક સ્ત્રીના મરણ પછી બીજી સ્ત્રી પરણવાનો પુરુષન પ્રતિબંધ હોય તે પણ આપણે જાણતા નથી, તથા સ્ત્રીના મરણના દુફખથી તેનો ધણી પણ તેની પાછળ મરી ગયો, એવું આપણે ક્વચિત જ સાંભળ્યું હશે.

દેવળદેવીના અંતઃકરણમાં જે પ્રીતિ બંધાઈ હતી તે ઘણી જોરદાર હતી, તેની આ પહેલી જ પ્રીતિ હતી, અને જે વખતે તેના પ્યારનું ઝરણ ઊભરાવા લાગ્યું તે જ વખતે તેને ઝીલી લેવાને યોગ્ય એવું બીજું અંતઃકરણ તેને સુભાગ્યે જડ્યું. વળી તેની પ્રીતિમાં ઉપકાર પણ ભળેલો તેથી તેની સત્તા વધારે બળવાન થઈ હતી. દુનિયામાં માત્ર ઉપકારથી જ પ્રીતિ ઘણી વાર બંધાય છે, અને તે ઉપકારની સત્તા એટલી જોરાવર છે કે તેની નીચે આવી પડેલાં સ્ત્રીપુરુષો વય તથા અવસ્થા પર વિચાર નહીં કરતાં લગ્નની પવિત્ર ગાંઠથી સંધાય છે. દેવળદેવીના મનમાં શંકળદેવ જેવા જુવાન અને રૂપાળા પુરુષને જોવાથી, તથા તેના પ્રાણ બચાવનારનો ઉપકાર વાળવાના હેતુથી, જે પ્રીતિ ઉત્પન્ન થઈ તે ઘણી દૃઢ હતી, એ કેવળ સ્વાભાવિક જ હતું.

શ્રાવણ મહિનો આવ્યો. જગાએ જગાએ નાના છોડવાઓ વરસાદના પડવાથીદ ઊગી નીકળ્યા. જમીન ઉપર ઘાસની ખૂબસૂરત શેતરંજી પથરાઈ ગઈ. વાડીઓમાં શાક-તરકારીના વેલાઓ રોપવામાં આવ્યા. ફૂલો પણ સારાં સારાં ખુશબોદાર ઊગ્યાં. ખેતરો ચાસ પડેલાં તથા કેટલાંકમાં અનાજના નાના છોડો ઊગેલા દેખાતા હતા. ખેડૂત લોકો પણ કામમાં ફરતા હતા; તથા તેઓના બળદ લીલો ચારો ચરી તાજા થયેલા સાંજરે ધણણ ધણણ અવાજ કરતા પાછા આવતા હતા. ભેંસો ઘણી મગ્ન દેખાતી હતી, અને કાદવ તથા પાણીનાં ખાબોચિયાંમાં આખો દહાડો આળોટ્યા કરતી હતી. નદીનાળાં ભરપૂર થઈ ગયાં હતાં, અને રસ્તાઓ કીચડથી એવા ચીકણા થઈ ગયા હતા કે ગાડાં જઈ શકતાં ન હતાં. મુસાફરો ઘોડા અથવા બળદ ઉપર બેસીને જતા હતા. શહેરમાં રસ્તાઓ પણ કાદવ તથા પાણીથી તેવા જ ગંદા તથા દુર્ગંધવાળા થઈ ગયા હતા; અને લોકો તે પર વગર જોડે, ધાબળા અથવા કામળાના ઘૂમટા ઓઢીને ફરતા હતા. વરસાદનું જોર નરમ પડી ગયું હતું. આ મહીનામાં વખતે વખતે વાદળાં થઈ આવતાં, પણ વરસાદ ઝરમર ઝરમર જ આવતો.

એવા મહિનામાં એક દિવસે સાંજના દેવળદેવી પોતાની વાડીમાં સુંદર સુવાસદર ફૂલોથી ઢંકાયેલા એક માંડવામાં ઉદાસ વૃત્તિમાં પગ લાંબા કરી, તથા પોતાની શરીરનું કાંઈ ભાન ન રાખતાં અઢેલીને પડેલી હતી. તેનું આખું શરીર કામથી વ્યાપેલું હતું; તેની હરેક નસમાં કામથી મિશ્ર થયેલું લોહી વહેતું હતું; તેની આંખ કામવિકારથી ઘુમરાયેલી હતી; અને તેના સઘળા વિચાર તે જ વિષય ઉપર દોડતા હતા. વાડીમાં મંદમંદ શીતળ વાયુ વાતો હતો તેથી કામનો અગ્નિ ઠંડો પડવાને બદલે ઊલટો વધારે જોરથી બળતો હતો. નાના પ્રકારનાં ફૂલોની સુગંધ પવનની લહેરોની સાથે ઘસડાઈ આવતી તેથી ઊલટો મદમાં વધારો થતો, તથા ઈંદ્રિયસુખના ઉપભોગને માટે વધારે ઊલટ હતી. આકાશમાં વાદળીઓ ઘણા વેગથી દોડતી તેની સામે દેવળદેવી જોયા કરતી, તે તેના પ્રિય શંકળદેવની તરફ કાંઈ સંદેશો લાવે છે એવી મનગમતી કલ્પના કરતી, અથવા તે પોતાનાં બીજાં મનગમતાં વાદળાંને મળવાને ઘણી આતુર છે એમ મનમાં લાવતી. અરે ! જો તેને વાદળાંના જેવી ગતિ અથવા પક્ષીઓના જેવી પાંખ હોત તો તે તરત ઊડીને તેના પ્રાણપ્રિયને મળત. જેની આંખમાં કમળો થયો હોય તે સઘળું જ પીળું દેખે. તેમ જેની આંખમાં કામનો વિષય ભરાયો તે સઘળાંને કામાતુર દેખે છે. કેતકીનાં ફૂલોની આસપાસ ભમરા ઊડ્યા જ કરતા, અને તેમાંથી મધ ચૂસ્યા કરતા. ખરે, એ ભમરા જેવું કોઈ ભોગી નથી. તે પોતાની પ્રિયાની આસપાસ ફરતાં કદી થાકતા નથી. તથા તેની મીઠાશ ચાખતાં કદી ધરાતા નથી. પણ દેવળદેવી બિચારી કેવી અભાગણી કે તેનો પ્રિય દૂર પડેલો, અને તેનાં દર્શન સરખાં પણ દુર્લભ. તેનું અધરામૃત ઊભરાઈ જાું, પણ તેનું પાન કરવાને પાસે કોઈ ન હતું. અરે કેતકી ! તમે પણ દેવળદેવી કરતાં અતિ ઘણી ભાગ્યવાન છો. આંબાનાં ઝાડોની આસપાસ જે વેલા વીંટાયેલા હતા તે કેવા ચૂડ ભેરવીને વૃક્ષની અડોઅડ રહેલા હતા ? રખેને તેને કોઈ વછોડી નાખે, પણ દેવળદેવીનું કેવું દુર્ભાગ્ય કે તેને આવું આલિંગન આપવાને કોઈ ન હતું. વેલા અને સ્ત્રી એ બંનેને કાંઈ પણ આશ્રયની જરૂર છે. તે ન હોય તો તેઓ બંને કરમાઈને મરી જાય. વેલાઓને તો એવો આશ્રય તરત જ મળે છે, અને તેને ચૂડ ભેરવીને તેઓ રહે છે. અને વધે છે, અને ઘણી વાર તો તે આશ્રયથી જ તેઓનું પોષણ થાય છે. સ્ત્રીને પણ આવો આશ્રય મળે તો ખરો, પણ ઘણી વાર તેને મનગમતો તે મળતો નથી, અથવા તેથી તેનું બરાબર પોષણ થતું નથી. મોર પોતાનાં રંગબેરંગી પીંછાં વિસ્તારીને કળા કરીને નાચતા હા. તેને તે વખતની મજાથી આનંદ ઉપજતો હતો, અને તેની ખુશીમાં ભાગ લેનાર ઢેલો તેના જેવી રૂપાળી તો નહીં પણ જેવીતેવી, ત્યાં ફરતી હતી. જ્યારે ઢેલ સરખી કુરૂપ માદાને આવો રૂપાળો નર મળે, અને તેઓ શ્રાવણ સરખા રમણીય માસમાં મઝા કરે ત્યારે દેવળદેવી કેવી પાપણી કે તેનું અનુપમ રૂપ છતાં પણ તેની સાથે ગેલ કરવાને તથા તે ઋતુનું સુખ ભોગવવાને કોઈ ન હતું. પક્ષીઓ પણ આનંદથી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર નાના પ્રકારના મીઠા સ્વર કાઢીને ઊડતાં હતાં, અને તેમના મધુર નાદથજી આખી વાડી ગાજી રહી હતી. તેઓની ખુશીને કાંઈ હદ ન હતી; બિચારી દેવળદેવી એકલી પોતાના વહાલાના વિયોગથી મહા પીડામાં દેખાતી હતી, અને પક્ષીઓની અવસ્થા ઉપર અદેખાઈ લાવી ઉત્તમ માનવીદેહનો ત્યાગ કરી. પક્ષીઓનો દેહ ધારણ કરવાને તે પરમેશ્વર પાસે માગતી હતી. તેની પાળેલી હરણી પાસે આવી, અને હંમેશના ધારા પ્રમાણે તે તેના ઉપર હાથ ફેરવશે, અથવા બીજી ઘણી રીતે લાડ લડાવશે, એવી આશા રાખી ત્યાં ઊભી રહી, પણ તેની આશા સફળ થઈ નહીં. તે બિચારી તેની સદાની સોબતી પાસે ઊભી જ રહી, પણ તેના ઉપર એક પ્રેમદૃષ્ટિ પડી નહીં. તે બિચારી શું જાણે કે તેના પાલકની સઘળી પ્રીતિ એક ઠેકાણે એકઠી થઈ ત્યાં જ બંધ થયેલી હતી, તેમાંથી તેના ઉપર કેવી રીતે નીકળે ? અંતે તેનું નિરાશ, ગરીબડું મોં જોઈને દેવળદેવીને દયા આવી, અને તેના ઉપર હાથ ફેરવી તે બોલી : ‘‘અરે ! તું પણ મારા જેવી જ અભાગણી છે. તને પણ કોઈ નર નથી, અને તે કોઈ દહાડો મળશે એવો તું જ્યાં સુધી મારી પાસે રહેશે ત્યાં સુધી સંભવ પણ નથી, માટે હું તેને થોડા દહાડામાં છોડી મૂકીશ, તું જંગલમાં ફરતી ફરજે, અને તારી જાતના નર સાથે જેટલું અને જેવું સુખ ભોગવાય તે ભોગવજે. પણ હજી મારા કરતાં તું વધારે સારી છે. તું મરી સાથે ગેલ કરે છે, અને મારી પ્રીતિથી સંતોષ માનીને સદા આનંદમાં રહે છે. પણ મારી સાથે પ્રીતિ કરનાર કોઈ જ નથી. અને મને કોઈ લાડ લડાવનાર મળવાનો પણ નથી.’’ એટલામાં વાદળાં ચઢી આવ્યાં, અને સઘળે ઘોર ઘટા થઈ રહી. ઝરમર ઝરમર વરસાદ આવવા લાગ્ય. ફૂલોએ પોતાનાં મોં આકાશમાંથી અમૃત પડતું હતું તે ઝીલવાને ઉઘાડ્યાં. પક્ષીઓ જે ઊડતાં તથા ગેલ કરતાં હાં તેઓ ઝાડોમાં ભરાઈ ગયાં. મોર વધારે કળા કરી તથા વધારે આનંદ પામી નાચવા લાગ્યા. હરણી પણ ખુશીના આવેશથી તેની પાસેથી કૂદતી નાસી ગઈ. તે સ્થળે તો દેવળદેવી અને વરસાદ એ બે જણાં એકલાં રહી ગયાં. શું આ વરસાદના પાણીથી તેના મનની આગ હોલવાય ? કદી નહીં. જેમ બળતા ઉપર થોડું થોડું પાણી પડવાથી તે વધારે જાગ્રત તથા પ્રદીપ્ત થાય છે, તેમ દેવળદેવીના અંતકરણમાંનો તાપ વૃષ્ટિ પડવાથીો વધારે જુસ્સાથી બળવા લાગ્યો. આસપાસ ઝાડીઓમાંથી કોયલ મીઠા શબ્દ કાઢતી હતી, અને સઘળાં પક્ષીઓને છેલ્લા રામરામ કરતી હતી. પપૈયા પીઉ પીઉ કરી દેવળદેવીને શંકળદેવનું સ્મરણ કરાવતા, તથા તેની છાતીમાં ઘા મારતા હા. દેડકાઓ પગ ખાબોચિયાંમાંથી તેઓનો બેસૂરો અને કઠોર નાદ સંભળાવતા હતા. સઘળે ઠેકાણે આનંદ આનંદ થઈ રહ્યો હતો. પણ કામથી પીડિત સ્ત્રીને આવા રળીયામણા દહાડામાં સ્વામી વિના શી રીતે સંતોષ થાય ? તેના મનની આગ કેમ હોલવાય ? અરે કવિઓ ! તમે કામદેવનાં બાણ ફૂલનાં બનેલાં કલ્પો છો પણ એ જૂઠું છે. કદાપિ તે ફૂલોનાં બનેલા હશે, તોપણ તેઓમાં ઘણા તીક્ષ્ણ કાંટાઓ છે, તેથી જ્યારે તેઓનાં અંતઃકરણને લાગે છે ત્યારે તે કાંટાઓ ભોંકાઈ જાય છે, અને તેના ઘા રૂઝવા ઘણા કઠણ થઈ પડે છે. દેવળદેવીની છેક આવી અવસ્થા થઈ હતી. એ દુફખની વખતે સમાન વયની સખીઓ આગળ દિલનો ખુલાસો કર્યાથી જે શાંતિ થાય છે તેમ કરવાને પણ દેવળદેવીને કોઈ ન હતું. આ વખતે તેની મા હોત તોપણ સારું. તેની તીક્ષ્ણ દૃષ્ટિ તેનાં અંતઃકરણમાં ઠેઠ સુધી પહોંચત; અને તેનો ગુપ્ત ભેદ જાણી તેનું દુઃખ મટાડવાને તે કાંઈ ઉપાય કરત. તેની મોટી બહેન પણ મરી ગઈ હતી. તે હોત તોપણ તેની આગળ તેના મનનો ઊભરો ખાલી કરત, અને તેનો ઈલાજ કદાપિ તેનાથી થાત નહીં. તોપણ એ વિષેની વાતો કરવાથી જ તેના મનને કાંઈક સંતોષ ઊપજત. તેને બીજી કોઈ સખીઓ પણ ન હતી, એટલે તે હંમેશા મૂંઝાયા કરતી. આવે વખતે તે પોતાનું દુઃખ તેની એક દાસીને કહેત, પણ તે તો ઘરડી થઈ ગઈ હતી, અને તેનું દિલ હવે જુવાન સ્ત્રીના કામવિષયમાં કેમ લાગે ? વળી એ બાબતમાં જુવાન તથા વૃદ્ધ સ્ત્રીઓના વિચાર મળતા આવે જ નહીં. તેઓને એ વાતમાં સમાન ભાવ થતો જ નથી; અને તે કેમ થાય ? ધગધગતા અંગારા અને બરફનો સંયોગ શી રીતે થાય ? બે સામસામી દિશાનાં બળો એકબીજાનું કાર્ય તોડી નાખે છે એવો સૃષ્ટિનો નિયમ છે, ત્યારે આવી વખતે દેવળદેવીને તેની વૃદ્ધ દાસી કાંઈ કામ લાગી નહીં. તેનો બાપ એકલો રહ્યો, પણ તે તો બિલકુલ નકામો, તે એ વાતમાં શું સમજે ? અને સમજે તોપણ તેની આગળ કાંઈ કહેવાય પણ નહીં, અને કહેવાય તોપણ તેની જરા પણ કદર તે જાણે નહીં. અને ઊલટું કામ બગડે એ વિષેના વિચાર દેવળદેવીને થતા, તેની સાથે તેને વારેવારે બીજો પણ એક સંશય પડ્યા કરતો. જેવી હું શંકળદેવને વાસ્તે પ્રીતિથી પીડાઉં છું, તેવો તે પીડાતો હશે કે નહીં ? આ મારો પ્યાર એકતરફી હશે કે અન્યોન્ય હશે ? હું જ્યારે પરમેશ્વરની પેઠે તેનું નિરંતર સ્મરણ કર્યા કરું છું, ત્યારે તે કદાચ બીજા કામોમાં પડી મને લગાર યાદ પણ કરતો નહીં હોય; કદાચ તેનું મન કોઈ બીજી સ્ત્રીએ હરણ કર્યું હશે; કદાચ તેનું અંતઃકરણ પ્રીતિથજી વિરક્ત હોય; કદાચ તેને મારું રૂપ તથા ગુણ ગમતાં નહીં હોય. જો એમ હોય, (અરે પરમેશ્વર ! એમ ન હોય તો કેવું સારું) તો આ બધી કેવળ વ્યર્થ પીડા હું ભાગવું છું. પણ એમ હોય તો નહીં એવો વિચાર કરવામાં જ હું પાપ કરું છું. મારું અંતઃકરણ માંહેથી સાક્ષી પૂરે છે, મારા મનમાં સ્વાભાવિક રીતે પ્રેરણા થાય છે કે એમ નજી. પ્રીતિ અન્યોન્ય છે; તે પણ મારે વાસ્તે વલખાં મારે છે; તે પણ કામની મહાવ્યાથામાં પડેલો છે; તેને પણ મારી પેઠે અન્ન ભાવતું નથી; તેના અંતઃકરણમાં પણ મારી છબી જડાઈ ગઈ છે. હવે તેનો અને મારો મેળાપ એક વાર પરમેશ્વર કરાવે તો કેવું સારું ! હું ફરીથી તેને છોડું નહીં, હું તેની આગળ મારો સઘળો ઊભરો કાઢું અને મારા તરફ તેની વૃત્તિ કેવી છે તે સહેજ જાણી લઉં.

એવી રીતે દેવળદેવી વિચાર કરતી હતી તે વખતે પાસેના ખેતરમાંથી આવતો મોરલીનો નાદ તેણે સાંભળ્યો. મોરલીનો સ્વર હમેશાં ઘણો મીઠો લાગે છે, તેમાં વિશેષે કરીને જ્યારે ચોમાસાના દહાડામાં વરસાદ ઘેરાયેલો હોયછ તે વખતે તેના મધુર સ્વરથી જીવને ઘણો જ આનંદ ઊપજે છે. જેમ શ્રીકૃષ્ણની મોરલીના મોહ ઉત્પન્ન કરનાર નાદથી વ્રજની તમામ ગોપીઓ ગાંડીઘેલી જેવી થઈ જઈ તેઓની શુદ્ધબુદ્ધ ભૂલી જતી, તેમ આવે વખતે તે વાંસળીનો નાદ દેવળદેવીને કાને પડ્યો કે તરત તે આકુળવ્યાકુળ થઈ ગઈ. કામની પીડા વધારે જોરથી લાગવા માંડી. તથા તેના મનનો જુસ્સો ઘણો વધી ગયો. પણ આ ક્ષોભમાંથી તે સ્વસ્થ થાય છે, એટલામાં વાડીના કોટ ઉપરથીફ કોઈ પુરુષે ભૂસ્કો માર્યો અને એક ક્ષણમાં દેવળદેવીની સન્મુખ તેનો પ્રિય શંકળદેવ, ખરેખરો, અસ્થિ, માંસ અને ચર્મવાળો ખુદ જાતે આવી ઊભો રહ્યો. આમ અકસ્માત મેળાપ થઈ જશે, એવી દેવળદેવીને બિલકુલ આશા ન હતી, તેથી આશ્ચર્યને લીધે તે મૂર્છાગત થઈ ભોંય ઉપર પડી. શંકળદેવ પોતાની પ્રાણસમાન વહાલીને આવી અવસ્થામાં જોઈને ઘણો ગભરાયો, પણ ધીરજ રાખી તેને જાગ્રત કરવા અનેક ઉપાયો કરવા લાગ્યો. થોડીવારમાં તેને શુદ્ધિ પાછી આવી, અને તે બંને પ્રેમીજનની આંખો મળી. તેમના તે વખતના સુખનું કોણ વર્ણન કરી શકે ? ફકીર, સંનયાસી, સાધુ વગેરે બીજા આ દુનિયાનો તિરસ્કાર કરનાર જેઓ જગતમાં હમેશાં નઠારું જ જોયા કરે છે, તથા જેઓ માણસની સ્થિતિમાં દુઃખ સિવાય બીજું કાંઈ જોતા જ નથી, તેઓએ જાણવું જોઈએ કે દુનિયામાં ઘણુંખરું નઠારું દેખાય છે એ વાત ખરી, તોપણ તેમાં ઘણે ભાગે સારું પણ છે; અને અગર જો જગતમાં માણસો ઉપર અગણિત દુઃખો આવી પડે છે તોપણ તેમાં કેટલાક સુખના પ્રસંગ પણ છે. તેમાં મુખ્ય, પવિત્ર પ્રીતિના બંધનથી બંધાયેલાં સ્ત્રીપુરુષનો સમાગમ એ એક છે. આ બે શરીરે જુદાં પણ એક જ મનવાળાં, શંકળદેવ તથા દેવળદેવી એકઠાં મળ્યાં તો ખરાં, તોપણ તેઓએ એકબીજાને જે કાંઈ કહેવાનું ધાર્યું હતું તે તેમનાથી કહેવાયું તો નહીં; એટલું જ નહીં પણ કેટલીક વાર સુધી તે બેમાંથી કોઈના મોંમાંથી એક શબ્દ સરખો પણ નીકળી શક્યો નહીં; તેઓ બે મૂંગા જ ઊભાં રહ્યાં એમ કહીએ તો તે ખોટું કહેવાય, કેમ કે અગર જો તેઓ અવાચક્‌ ઊભાં રહ્યાં હતાં તોપણ તેઓની આંખ પોતાની જુદી જ ભાષામાં વાતચીત કરવા મંડી પડી હતી. મોંની વાચા કરતાં આંખની ગૂઢ ભાષામાં વધારે અર્થ રહેલો હોય છે; તેની અસર વધારે લાગે છે; તે વધારે ટૂંકી મુદતમાં મનના સઘળા વિચાર સમજાવી શકે છે. શબ્દથી ન થઈ શકે તેટલી આંખની ઈશારતથી તેઓએ એકબીજાને ખાતરી કરી આપી કે તેઓની પ્રીતિ અન્યોન્ય હતી; તેઓ બંનેનાં હૃદયમાં સરખા જ વિચાર ચાલતા હતા; તથા તેઓ બંને સુખને અથવા દુઃખને વાસ્તે પોતાનાં નસીબ મેળવવાને રાજી હતાં. પણ તેઓનું અંતઃકરણ ઊભરાઈ જતું હતું. તે ઊભરો બહાર કાઢવો જરૂરનો હતો, અને તે કામ મોંથી જ સારી રીતે થઈ શકે એમ હતું. પહેલું શંકળદેવે બોલવું શરૂ કર્યું, અને ત્યર પછી દેવળદેવી હિમ્મત પકડીને બોલી. તેઓ બંનેની વચ્ચે શી વાતચીત થઈ તે આ ઠેકાણે લખવાની જરૂર નથી પ્યારની અસરથી માણસ ઘણું વાચાળ થાય છે. અને તેવે વખતે માણસ જેવી રીતે તથા જેટલું બોલી શકે છે તેવી રીતે તથા તેટલું બીજી કોઈ વખતે બોલી શકતું નથી. માટે તે વખતે જે વાત તેઓની વચ્ચે થઈ તેની કલ્પના વાંચનારાઓએ કરી લેવી. તેઓનો પ્યાર સાધારણ લોકોના પ્યાર કરતાં જુદી જ તરેહનો હતો; તેમાં વિષયવાસનાનો જેમ બને તેમ થોડો ભેગ હતો; તેની અસર આ લોકની પ્રીતિ કરતાં પરલોકની પ્રીતિને વધારે મળતી હતી. તેમની પ્રીતિ આવી સ્વચ્છ તથા પવિત્ર હોવાને લીધે જ શંકળદેવને દેવળદેવીના શરીરને માટે એટલી તો મર્યાદા રહી હતી કે તેને તે આ દુનિયાની નહીં પણ સ્વર્ગની ગણતો, અને તેવી જ રીતે તેની સામે માનપૂર્વક તે ઊભો રહ્યો હતો કે તેના સદ્દગુણોને માટે શંકળદેવનો અભિપ્રાય એટલો ઊંચો હતો કે તેને વિષે મનમાં કુવિચારનો પડછાયો પણ પડવા દેવો અને નરકના ઊંડામાં ઊંડા ખાડામાં તરત પડવું એ બરોબર છે એમ તે જાણતો, અને તેથી જ તેની પવિત્રતા જરા પણ માલિન ન થાય એ વિષે તેના મનમાં એટલી તો ફિકર હતી કે તેના નિર્મળ નામને લેશમાત્ર કલંક લાગે તે કરતાં તેના જેવા લાખો માણસોનો નાશ થાય તે વધારે સારું, એવો તેનો દૃઢ સંકલ્પ હતો. વળી આવી નિરાશ્રિત અવસ્થામાં આવી પડેલી અબળાને મોહના ફાંદામાં નાંખવી, તથા લાલચના રસ્તામાં જાણી જોઈને ફસાવવી, એ પુરુષ નામ ધારણ કરનારનું લક્ષણ કહેવાય નહીં. એવું જે કરે તે માણસ નહીં પણ પશુ સમજવો. જે પોતાના મન ઉપર એટલી સત્તા રાખી શકતો નથી તે મરદ નથી પણ બાયલો જ છે, તેમાં વળી તે ક્ષત્રિય તો ક્યાંથી જ કહેવાય ? શંકળદેવે પણ પુરુષ નામને જે યોગ્ય ગણાય તે જ કર્યું. છેલ્લી વારે જ્યારે એકમેકથી છૂટાં પડવાનો વખત થયો તયારે તેઓ બંને પાસે ઊભાં રહ્યાં અને આકાશ તરફ મોં કરી તથા એકેએકના હાથ પકડી નીચે પ્રમાણે તેઓએ પ્રતિજ્ઞા લીધી :

‘‘હે સૂર્યદેવતા ! તારું તેજ સર્વત્ર પડે છે, તથા તું માણસોનાં બહારનાં કામો તથા માંહેના વિચારો જાણે છે. હે વનના દેવો ! તમે આ વાડીમાં આવા રળિયામણા વખતમાં ફરતા હશો, તથા આ અમારો પવિત્ર કોલ થતો જોવાને આવ્યા હશો. વાયુદેવતા ! તું પવનની હરેક લહેરમાં ફરે છે તથા માણસોના હરેક કામને જુએ છે. વરુણદેવતા ! તું અહીંનાં નદીનાળાંનું રક્ષણ કરવાને હાજર જ હોઈશ. હે વાયુમાં વસનારા અગણિત ગણો તથા કનિષ્ઠ દેવો ! તમે દુનિયા સંબંધીનું સઘળું કામકાજ કરો છો, તથા હે તેત્રીસ કરોડ દેવતાઓ ! તમે તમારાં દેવી ચક્ષુઓ વડે ગમે ત્યાં હશો તોપણ આ અમારો મેળાપ જોઈ શકતા હશો. અંતે હે સર્વવ્યાપક અને સર્વજ્ઞ પરમેશ્વર ! તારા એક મોટા મંદીરમાં અમે પ્રતિજ્ઞા લીઈએ છીએ. તારા હુકમ સિવાય એક ઘાસનું તણખલું પણ હાલી શકતું નથી, તથા તારા જાણ્યા સિવાય કાંઈ પણ કામ થઈ શકતું નથી. તમે સઘળા દેવોની સમક્ષ અમે બે શંકળદેવ તથા દેવળદેવી, પ્રતિજ્ઞા કરીએ છીએ કે જે દૃઢ પ્રીતિ અમારા બેની વચ્ચે બંધાઈ છે તેને વધારે દૃઢ કરવાને, પ્રીતિ વડે આ દુનિયામાં જે સુખ પ્રાપ્ત થઈ શકે તે ભોગવવાને, પુરુષ તથા સ્ત્રીના સંયોગથી જગતની વૃદ્ધિ થાય છે તે નિયમ અમલમાં લાવવાને, તથા પ્યારનો ભંડાર ઈશ્વરે અનંત ડહાપણથી અમરા અંતઃકરણમાં મુકેલો છે તેનો યથાયોગ્ય તથા સારે રસ્તે ઉપયોગ કરવાને, અને આ અમારું તન, મન અને ધન આ દુનિયામાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મેળવવાને અમે બે જણ આજે પ્રતિજ્ઞા કરીએ છીએ. આજથી અમારું એક સ્વરૂપ જાણવું, તથા સુખ અથવા દુઃખ જે સંસારમાં પડે તે અમારે સમાન ભાગે વહેંચી લેવું. આજથી અમારે અમારા સ્ત્રીપુરુષના ધર્મ પ્રમાણે વર્તવું. અને જગતમાં પોતે સુખી રહી બીજાઓને સુખી કરવાનો પ્રયત્ન કરવો, આ અમારા કોલ ઉપર જગકર્તા ઈશ્વર ! તું મહોર કરજે, તથા હે તેત્રીસ કરોડ દેવતાઓ ! તમે સાક્ષી કરજો; એટલે જો એ પવિત્ર કોલથી અમે ફરીએ તો અમે અમારા બાપદાદાના, અમારી જાતના તથા પ્રાણીમાત્રના ધર્મથી ફર્યા એમ જાણવું, ને એ અઘોર પાપને માટે નરકમાં જે મોટામાં મોટી શિક્ષા છે તેને અમે ખરેખરાં પાત્ર થયાં એમાં કાંઈ સંશય નથી. માટે રે અનાથના નાથ, રે દીનદયાળ પ્રભુ; રે જગતનું પ્રતિપાલન કરનાર ! તું નીચે જોઈને આ અમારા નવા સંબંધને પવિત્ર કર. તું તેને આશીર્વાદ દે; તેનાં ફળ સુખરૂપ થાય એવું નિર્માણ કર; અને અમારી બંનેની સઘળી આશા સફળ કર. એ અમારી ખરા અંતઃકરણની પ્રાર્થના છે તે તું અપાર દયાવાન તથા અનંત પ્રીતિયુક્ત જગતનો પિતા સાંભળી લઈ માનય કરજે.’’

એ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા પછી તેઓ બંનેનાં મનને શાંતિ થઈ અને તેઓનાં અંતઃકરણ ઉપરથી હજારો મણનો બોજો ખસી ગયો હોય, એવું ચેન થયું. પણ હવે તેઓએ જૂદાં પડવું જોઈએ. દેવળદેવીનો જમવાનો વખત થઈ ગયો તેથી તે જો જલદી ઘરમાં ન જાય તો કોઈ માણસ તેડવાને આવે, અને આ સઘળી વાત જણાઈ જાય, માટે હવે જવું જોઈએ. પણ એક કેમ થાય ? એ તો કહેવું જ ઘણું સહેલું છે. આવી અવસ્થામાં જુદાં તે કેમ પડાય ? પ્રિયજન એકઠાં મળે ત્યારે એક દહાડો એક પળના જેવો લાગે છે, ત્યારે આ એક કલાકના મેળાપથી તે બંનેમાંથી કોઈનું મન કેમ તૃપ્ત થાય ? પણ હવે તો જવું જોઈએ અમૃત પીતાં કોણ ધરાયું છે ? વિયોગ એ ભયંકર શબ્દ છે. આ દુનિયા એટલી તો અનિશ્ચિત છે, સઘળાં ાછળ મોત એવું તો ભમ્યાં કરે છે, તથા માણસોનાં ધારેલાં કામોને અટકાવવાને તથા તેઓની વહાલામાં વહાલી આશાઓનો ભંગ કરવાને એટલા બધા બનાવ બને છે કે ટૂંકી મુદત સુધી જુદાં પડવામાં પણ ઘણી વાર નિરંતર જુદાં પડવાનું થાય છે. કદાચ દેવળદેવી તથા શંકળદેવનો મેળાપ આ છેલ્લો જ થાય. એ ભયથી તેઓને ઘણો શોક ઉત્પન્ન થયો. પણ અંતે લાચાર ! પરમેશ્વર ઉપર તથા પોતાના ભાગ્ય ઉપર ભરોસો રાખી બંને છૂટાં પડ્યાં તેઓ ફરી પાછાં મળશે કે નહીં તે આગળની વાત ઉપરથી જણાશે.

ચેન તથા નિશ્ચિંતપણામાં દહાડા જતાં વાર લાગતી નથી, તેમ દેવળદેવીને થયું. તેના પ્રાણપ્રિયની સાથે મેળાપ થયો તે જાણે ગઈ કાલે જ થયો હોય એમ તેને લાગતું હતું. એટલામાં એક દહાડો દેવગઢથી એક ભાટ તથા રાજગોર બાગલાણના કિલ્લામાં આવ્યા. કરણ રાજાએ તેઓનો ઘણો સત્કાર કર્યો, અને તેઓને આવવાનું કારણ પૂછ્યું ભાટે કેટલીક ભાટાઈ કર્યા પછી દેવગિરિના રાજ્યનો વિસ્તાર, તેની દોલત વગેરે વૈભવનાં ઘણા વિસ્તારે વખાણ કર્યાં. અન પછી શંકળદેવને યુધિષ્ઠિર, અર્જુન, વિક્રમ, ભોજ, આદિ ઘણા નામાંકિત, સદ્દગુણી તથા પરાક્રમી રાજાઓની ઉપમા આપી, અને વાઘના શિકારના દહાડાથી તે વાડીના મેળાપના દહાડા સુધી જે જે બનયું હતું તે વર્ણવ્યું, દેવગઢના રાજા સાથે સંબંધ કરવાથી જે જે લાભ થશે તે સઘળા કહી સંભળાવ્યા, અને છેલ્લે શંકળદેવને વાસ્તે દેવળદેવીની માગણી કરી.

કરણ રાજાને આ ભાટની વાત સાંભળીને ઘણો ક્રોધ ચઢ્યો. તેના મોં ઉપર લોહી ચઢી આવ્યું. અને તે રીસે ભરાઈને બોલ્યો : ‘‘અરે ભાટજી ! જો હું મારું સઘળું રાજ્ય ખોઈ બેઠો છું, મારી પરમ પ્રિય સ્ત્રીને બળાત્કારે દિલ્હીના મ્લેચ્છ પાદશાહ પાસે ઘસડી ગયા છે, નિર્ધન, અશક્ત તથા રામદેવના આશ્રયમાં આવી રહ્યો છું, તોપણ હું હજી તમે ધારો છો એટલો અધમ થયો નથી. હજી મારામાંથી રજપૂતનું લોહી ગયેલું નથી. હજી મારો ક્ષત્રિયનો ટેક કાયમ છે; માટે તમારા કહેવા પ્રમાણે હું કદી કરનાર નથી. શું વાઘેલા રજપૂતે પોતાની કન્યા એક મરેઠા સાથે પરણાવવી ? શું હંસણીને કાગડાના ટોળામાં ભેળવવી ? શું ગાયને ગધેડામાં સામેલ કરવી ? એમ કદી થનાર નથી. તમારો રાજા ગમે તેવો મોટો હશે. તમારું રાજ્ય ગમે તેટલું બળવાન, ધનવાન તથા વિસ્તીર્ણ હશે, તથા શંકળદેવમાં સઘળા દેવતાના ગુણો એકઠા થયા હશે, તોપણ તે મરેઠો, તે રજપૂતની કન્યા વરવાને યોગ્ય નથી. મારા પડતા દહાડામાં સઘળા મારું અપમાન કરે છે; હવે છેલ્લો વારો રામદેવનો આવ્યો. તેણે પણ હવે કાંઈ કસર રાખી નહીં. હજી મારામાં સામર્થ્ય છે, હું જીવું છું, અને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારા નામને, મારા કુળને તથા મરી જાતને કદી કલંક લગાડવા દઈશ નહીં. આ ઊંચા કુળની કનયા નીચ કુળના વરને પરણાવું ? મારા ઉપર આથી વધારે આફત આવી પડે, મને કાપીને કકડા કરે, તોપણ હું એમ થવા દઉં નહીં. અમારા લોકો પંત્રીના જન્મથી ઘણો શોક કરે છે તે વાજબી છે. તેઓ પોતાની આબરૂને ડાઘ ન પડવા દેવાને કુમળા બાળકની હત્યા કરે છે તેમાં તેઓનો કાંઈ વાંક નથી. મરેઠા જોડે રાજકન્યાનાં લગ્ન કરવાં ? આકાશ તૂટી પડે, પૃથ્વી રસાતાળ જાય, તોપણ હું તેમ થવા નહીં દઉં. માટે તમારા રાજાને કહેજો કે તમે મારું ઘણું જ અપમાન કર્યું છે; તમારી આશા કદી સફળ થવાની નથી; તેથી તમારું બોલવું કદી પ્રમાણ થવાનું નથી. શંકળદેવ તથા દેવળદેવીએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હશે તે રદ છે. દેવળદેવીનો મારી રજા સિવાય કાંઈપણ પ્રતિજ્ઞા કરવાને અખત્યાર નથી. તે હજી નાદાન છે તેથી તેનું કરેલું મંજુર થાય હીં; માટે મારી સાફ ના છે તમે ઘણું કરશો તો મને આ જગાએથી કાઢી મુકશો, પણ તેથી હું બીતો નથી. ચોખંડ પૃથ્વી પડી છે તેમાં ગમે તે એક ખૂણામાં પડી રહી મરી આવરદા પૂરી કરીશ; પછી મરા મૂઆ પછી જે કરવું હોય તે કરજો.’’ એટલું કહી તેણે ભાટ તથા રાજ્યગોરને વિદાય કર્યા.

પ્રકરણ ૧ર મું

‘‘અરે ભગવાન ! તું કીડીનો કુંજર તથા તરણાનો મેરુ કરી શકે છે. તારી ગતિનો પાર કોઈ પામી શકતું નથી.’’ એ પ્રમાણે દિલ્હીના સરિયામ રસ્તા ઉપર એક મોટા મહેલ આગળ કોઈ હિંદુ નામે બિહારીલાલ ઘોડા ઉપર બેસીને આવ્યો તે તે મહેલ જોઈને બોલ્યો. તે બિચારો મહાસંકટમાં આવી પડ્યો હતો, અને તેમાંથી છૂટવાનો ઉપાય કરવાને તે ત્યાં આવ્યો હતો. સઘળા કાફર હિંદુઓ મુસલમાન ધર્મ ન માને તો શરેહ પ્રમાણે તેઓની પાસેથી જઝીઓ કર લેવામાં આવતો હતો. એ કર આપવામાં જેઓ હરકત કરતા, અથવા કાંઈ દગો કરી તે જેટલો જોઈએ તે કરતાં ઓછો આપતા, તેઓને ભારેમાં ભારે દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી હતી. બિહારીલાલે ઘરમાંનું એક માણસ છુપાવી ઓછો જઝીઓ આપ્યો એવું તેના ઉપર તહોમત આવ્યું હતું; અને અગર જો તે બિલકુલ પાયા વગરનું હતું, અગર જો તે નિરપરાધી હતો, તથા એ સઘળું કામ જઝીઆના ઉઘરાતદારની દુશ્મનીને લીધે ઊઠ્યું હતું, તોપણ આજે રાજ્યમાં હિંદુઓ ઉપર દ્વેષ, જ્યાં ઈન્સાફનો કાંટો પૈસા વડે ગમે તેણી ગમ નમે, અને જ્યાં સરકારને જે વાતથી નુકસાન થાય એવી વાત ન્યાયાધીશો રૈયતની વિરુદ્ધ ફેંસલો કરે એ નિશ્ચય, ત્યાં બિહારીલાલ પોતે નિર્દોષ છતાં પોતાના જાનમાલની મોટી ધાસ્તીમાં રહે એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. ધાસ્તી તો શું પણ તેના મનમાં નક્કી હતું કે જો આ પ્રસંગે ઘટતા ઉપાય કરવામાં આવશે નહીં તો વધારે દહાડા જીવવાની આશા જ રાખવી નહીં. પણ પરમેશ્વરની મહેરબાનીથી એવા અન્યાયી જુલમી રાજ્યમાં શિક્ષામાંથી બચવાનો એક મોટો ઉપાય હોય છે, અને જ્યાં સુધી તે ઉપાય કરવો આપણા અખત્યારમાં હોય છે ત્યાં સુધી જિંદગી સલામત છે એમ કહી શકાય છે. એ ઉપાય પૈસા છે. ‘જરા ચાહે સો કર,’ એ કહેવત કેટલીક વાતોમાં ખરી પડે છે. જરવાળો માણસ ખરા અથવા ખોટા ગુનામાંથી એ સાધનથી બચી શકે છે, એટલું જ નહીં પણ તે ગુના કોઈ બીજા ઉપર ઢોળી શકે છે, એવે ઠેકાણે જેઓ ગરીબ એટલે અશક્તિમાન, સાધનરહિત, હોયછ તેઓની ખરેખરી કમબખ્તી થાય છે. તેઓ પોતાના ઉપરના ખરા અથવા ખોટા અપરાધની શિક્ષા ભોગવે છે એટલું જ નહીં પણ બીજા શ્રીમંત લોકોના અપરાધની સજા ઘણી વખતે તેઓને ખમવી પડે છે, તેઓનો બેલી તો પરમેશ્વર જ છે; અને તેઓ જીવતા રહે એ જ આ જગતના તથા તેમના દેશના પાદશાહનો મોટો પાડ એમ તેઓએ માનવું જોઈએ. બિહારીલાલ મોટો વ્યાપારી હતો, અને તેણે થોડાંક વર્ષમાં ઘણું દ્રવ્ય મેળવ્યું હતું; પણ રાજ્યના જુલમને લીધે તેનાથી તે દ્રવ્યનો ઉપભોગ થઈ શકતો ન હતો. સરકારનાં માણસોની ગીધ જેવી નજર તેના ઉપર ન પડે તે માટે એક ખૂણામાં એક નાના સરખા ઘરમાં રહેતો હતો ખાવા જેટલો પૈસો બહાર રાખી તેણે પોતાની સઘળી દોલત ભોંયમાં દાટી મૂકી હતી; અને એવાં નઠારાં પહેરીને તે ફરતો તથા ઘરમાં એવો થોડો ખરચ રાખતો હતો કે તેની પાસે પૈસો છે એવો શક કોઈને ઘણી જ મુશ્કેલીએ આવે. પણ પૈસાની બાબતમાં જુલમી સરકારની ઘ્રાણેંદ્રિય ઘણી જ તીક્ષ્ણ હોય છે. જેમ કેટલાક શિકારી કુતરા ભોંયમાં દર કરી ભરાયેલાં સસલાંને સૂંઘવાથી બહારથી પારખે છે, જેમ મુડદાંની વાસ ગીધ તથા સમડીને ઘણે દૂરથી લાગે છે, તથા જેમ મંકોડા સાકરની પીમળ ગમે ત્યાંથી ઓળખી કાઢે છે, તેમ તેવા દાટેલા ધનની ગંધ સરકારના નાકમાં પહોંચી. હરેક માણસને કોઈ પણ શત્રુ હોય છે, અને વળી જો તેની અવસ્થા સારી હોય તો કેટલાક તેની અદેખાઈ કરનાર હોય છે. તેઓને પોતાનું વેર લેવાને, અથવા અદેખાઈનો તાપ હોલવવાને, બીજો કાંઈ ઉપાય જડતો નથી, ત્યારે તેની પાસે અખૂટ દોલત છે એવી સરકારમાં ખબર આપે છે. પછી તે ખબર ખરી હોય કે ખોટી તોપણ તેના ઘર ઉપર બીજે દહાડે પહેરો આવવાનો, તેના માલની જપ્તી થવાની તે કોઈ અન્યાયને માટે સરકારમાં ઘસડવાનો, તહોમત તેના ઉપર સાબિત થવાનું, સજા કરતી વેળા જાણી જોઈને ભાંજગડ કરવા કેટલાક પડવાના, તેની પાસે વધારે દોલત છે એ જ તેનો મોટો દોષ એમ તેની ખાતરી થવાની, તથા અંતે તેની દોલતનો અર્ધો ભાગ અથવા વખતે તેથી પણ વધારે ઘણી રકઝક તથા તકરાર પછી તેને આપવો પડવાનો, એમાં કાંઈ સંશય જેવું નથી. આવા ખાનગી દુશ્મનો તથા અદેખા લોકો એ કામને વાસ્તે જાણે બસ ન હોય તેમ સરકારના તરફથી ગુપ્તજાસૂસો પણ શહેરમાં ફર્યા કરતા હતા. તેઓ દિલ્હીના હરેક ભાગની, હરેક મહોલ્લાની, તથા હરેકની ઘરની બાતમી રાખતા હતા, અને કોઈ પણ શિકાર તેઓને મળ્યો એટલે તરત તેના ઉપર પંજા લાંબા કરી તેઓ તરાપ મારતા હતા. એવે વખતે જે માણસ તે જાસૂસને રાજી રાખવાને તથા તેનું ગજવું ભરવાને આનાકાની કરે તેની ખરેખરી કમબખ્તી જાણવી. તે હોલામાંથી બચવા જતાં ચૂલામાં પડે છે; તેને બકરી કાઢતાં ઊંટ પેસે છે; અને આખરે તેને સરકાર તથા જાસૂસ એ બંનેને ટાઢા પાડવા પડે છે. બિહારીલાલની દોલતની વાસ સરકારને પડી હતી, અને તે ખબર કરનાર જઝીઆનો ઉઘરાતદાર હતો. પોતાની સાચવટ ઉપર ભરોસો રાખી, તથા એવા લોકોનો જુલમ અટકાવવાના હેતુથી, તેણે ઉઘરાતદારને ખુશ કર્યો નહીં, અને તેનું પરિણામ એ થયું કે, થોડા દહાડામાં તેના ઘર ઉપર જપ્તી બેઠી; તેનાં બૈરીછોકરાંને એક ઓરડામાં ગોંધ્યાં, તથા તેને ગુનેગારની પેઠે બાંધીને સરકારમાં લઈ ગયા. તે દિવસે તો તે હાજરજામીન આપીને છૂટ્યો; પણ હવે શું થશે એ વાતની તેના મનમાં ઘણી જ ચિંતા રહી. તેને પોતાની જાતને વાસ્તે એટલી બધી ફિકર હતી એમ કાંઈ ન હતું. પોતાનો વહાલો પૈસો જે તેણે ઘણે શ્રમે, ઘણાં સંકટ ભોગવીને, તથા મોટાં જોખમ માથે લઈને મેળવ્યો હતો તે સઘળો એક પળમાં ઊડી જશે, અને તેનાં બૈરાંને માટે પણ મહાભારત દુઃખ આવી પડશે, અને તેના આવા કામને લીધે તેઓને પણ સજા થશે, એ વિચારથી તેના અંતફકરણને તીક્ષ્ણ બાણ વાગતાં હતાં. જેમ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે બાવા આદમના કરેલા ગુનાને માટે પરમેશ્વરે કરેલી શિક્ષા આપણે સઘળાં માણસો ભોગવીએ છીએ, જે પ્રમાણે માબાપના રોગ છોકરાંઓ ઉપર ઊતરે છે, તથા જે પ્રમાણે મા બાપનાં કરેલાં કામોનાં ફળ દુનિયામાં વખતે છોકરાંને ચાખવાં પડે છે તે પ્રમાણે અન્યાયી જુલમી તથા આપઅખત્યારી રાજાના હાથ નીચે માબાપના ગુનાની સજા છોકરાંને ભોગવવી પડે છે એટલું જ નહીં, પણ તેઓનાં છોકરાં તથા નિકટના સંબંધીઓને પણ તેમાં વખતે સામેલ કરવામાં આવે છે. એવી બારીક હાલતમાં બીહારીલાલ આવી પડ્યો હતો. વાઘ જેવાના સપાટામાંથી પણ કોઈ વાર બચાય, પણ સરકારની આવી ચુંગાલમાંથી સહીસલામત છૂટવું એ તો ઈશ્વરી ચમત્કાર જાણવો. કરોળિયાની જાળમાં કોઈ માખી સપડાય છે તયારે તે કેટલીક વાર સુધી તરફડિયાં મારે છે, તેમાંથી જો પાંખ અથવા પગ તૂટતાં પણ બહાર નીકળાય તો તેનું મોટું ભાગ્ય જાણવું, નહીં તો તે કરોળિયો આઘે બેસીને તેના પછાડા જોયા જ કરતો હોય છે, અને જ્યારે તેનો ભક્ષ નરમ પડે છે એટલે તે ધીમે ધીમે આવી તેની જિંદગીનો અંત આણે છે. તે પ્રમાણે બિહારીલાલ બિચારો સરકારની મહાજાળમાં ફસાયો હતો, અને તેમાંથી હવે નીકળવાને હવે પછાડા મારતો હતો. તેની ચુક માત્ર એટલી જ હતી કે તેણે જમાનો, દેશની હાલત, તથા રાજનીતિ બરોબર તપાસી નહીં. સાચવટ તથા પ્રમાણીકપણા ઉપર ભરોસો રાખી, તથા તેને ખડકના જેવાં અચળ સમજીને તેઓને અઢેલીને તે ઊભો રહ્યો. પણ તે એટલું સમજ્યો નહી કે સાચવટ તથા પ્રમાણીકપણું આ દુષ્ટ જગતમાં ઘણે પ્રસંગે માણસને દુનિયા તરફના નુકસાનથી બચાવી શકતાં નથ, તથા આ તોફાની ભવસાગરમાં તે ખડકો કેટલીક વાર ખસી જાય છે, અને તેઓના ઉપર વિશ્વાસ રાખી તેને વળવી રહેનાર માણસ ઊછળતાં મોજામાં ઘસડાઈ જાય છે.

જો સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર પાકો ભરોસો રાખવો હોય તો દુનિયા તરફની ખરાબીથી કદી પણ બીવું નહીં. તેમણે નક્કી મનમાં સમજવું કે આ બે અમૂલ્ય ગુણ પકડી રાખ્યાથી દુનિયામાં કદાચ તેના ઉપર ગમે તેટલી આફત પડે, તેમની પાયમાલી થઈ જાય, અથવા વખતે જાનની પણ ખુવારી થજાય, તોપણ આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કર્યા પછી પરલોકમાં સર્વશક્તિમાન તથા સઘળાં સારાં કામોનો તથા સઘળા શ્રેષ્ઠ ગુણોનો બદલો આપનાર પરમેશ્વરની તરફથી અક્ષય સુખની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં, એ વાત ઉપર નજર રાખીને તથા એ ગુણો સારા જ છે માટે હમણાં તેઓથી ગવમે તેવાં માઠાં પરિણામ નીપજે તેની દરકાર ન કરતાં તે ગુણો પાળવા જ એમ તેમણે મનમાં નક્કી રાખવું. એ સદ્‌ગુણોને લીધે દુનિયામાં પણ ઘણા લાભ થાય છે. પણ તે લાભ ઉપર એટલો વિશ્વાસ રાખવો નહીં. જે માણસ આ જગતમાં ફાયદાને માટે જ સદાચરણે વર્તે છે તેનો ટેકો ઘણો નબળો છે. સદ્‌ગુણી માણસો ઉપર ઘણી વિપત્તિઓ આવી પડે છે; તેઓને પણ જગતમાં સામાનય નિયમ લાગુ પડે છે; તથા તેઓને પણ હમેશાં લાભ જ થાય એમ બનતું નથી ત્યારે સાચવટ અને પ્રમાણિકપણે ચાલનાર એવી આશા રાખે કે એ પ્રમાણે વર્તવાથી પરમેશ્વર તેના ઉપર મહેરબાન થઈ તેને હમેશા સુખી રાખશે, તેની ઉમેદ હમેશાં બર લાવ્યા કરશે, તથા તેને માથે કોઈ દહાડો પણ આફત આવી પડશે નહીં, તો તે ઘણો નાઉમેદ તથા નિરાશ થઈ જાય છે; અને તેનું પરિણામ એ થાય છે કે તેના મનમાં બેમાંથી એક વાતની શંકા ઉત્પન્ન થાય છે; એક તો એ કે પરમેશ્વર નથી; તે આંધળો થઈ બેઠો છે, તથા સારાં નઠરાં માણસોમાં કાંઈ ભેદ ગણતો નથી માટે તેના ઉપર પ્રીતિ રાખવાથી, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખવાથી, તથા સારાં કામોના બદલાની તેની તરફથી આશા રાખવાથી કાંઈ ફળ નથી; અથવા તેને એવી ખાત્રી થાય છે કે સારાંનઠારાં કામોમાં કાંઈ ભેદ નથી. નઠારાં કામનો નઠારો અને સારાં કામનો સારો બદલો મળશે એ ખોટું છે; એ એક જૂઠી લાલચ અસલ વખતમાં ડાહ્યા લોકોએ આપેલી છે; તથા નઠારાં કામો કરતાં લોકોને અટકાવવાને વ્યર્થ ધમકી બતાવેલી છે. જે મૂર્ખના મનમાં એ પ્રમાણે શંકા ઉત્પન્ન થાય છે તેમાં ખરેખરો તેનો વાંક છે. પરમેશ્વરનો નથી. અગર જો જગતના નિયમ એવા બનાવેલા છે કે સદ્‌ગુણીને ઘણી વાર લાભ થાય છે, તોપણ તેઓનાં સારાં કામોનો બદલો આ લોકોમાં મળે એવો પરમેશ્વરનો હેતુ નથી. માટે પરલોકમાં સારાં ફળ ભોગવવાની ઉમેદથી જ તથા સદ્‌ગુણનો બદલો સદ્‌ગુણ જ છે એમ જાણી જે લોકોને સદ્‌ગુણે આચરવું હોય તેઓએ દુનિયા તરફના લાભ ઉપર નજર રાખવી નહીં. જે દેશની સ્થિતિ એવી હોય કે સાચવટ રાખ્યાથી જાનમાલને નુકસાન પહોંચે તો તે દેશ છોડીને જતા રહેવું, અથવા ત્યાં રહી સાચવટને આપણો દેહ, માલમતા, અથવા આપણી વહાલામાં વહાલી વસ્તુઓ જરૂર પડે તો અર્પણ કરવી, પણ સાચવટ કદી છોડવી નહીં એવી નીતિ છે. શું બકરી પોતાના નિર્દોષપણા ઉપર વિશ્વાસ રાખી ઊભી રહે તો વાઘ તેને માર્યા વિના રહેશે ? શું ચકલી પોતાની ગરીબાઈ તથા નિરપરાધીપણા ઉપર ભરોસો રાખી નિશ્ચિંત બેસે તો શકરો તેને તરાપ મારી લઈ નહીં જાય ? એ તો સૃષ્ટિના નિયમ પ્રમાણે થશે જ બિહારીલાલને એ વાતનું જ્ઞાન ન હતું, અથવા તે વખતે તે ભૂલી ગયો હતો. હવે જ્યારે તે આવી આફતમાં આવી પડ્યો ત્યારે કેટલાક દુનિયાદારીમાં ડાહ્યા તથા વખત પ્રમાણે ચાલનારા તેના મિત્રો તેને આવી મળ્યા, અને તેને કહેવા લાગ્યા, ‘હવે બાળો તમારી સાચવટ. આવડા મોટા થયા તોપણ બરોબર અક્કલ આવી નહીં. ભાઈ ! જેવો દેશ તેવો વેશ રાખવો, અને સમય પ્રમાણે વર્તવું. તે દહાડે જો અમારી સલાહ પ્રમાણે પેલા ચંડાળ ઉઘરાતદારનું મોં પૂર્યું હોત તો આ દહાડો કદી આવત નહીં. પણ તે દહાડે તો સાચવટ ઉપર ગયા ! હવે તમારી સાચવટ કેમ મદદ કરી શકતી નથી ? તે દહાડે માન્યું હોત તો થોડે પતત. હવે પૈસા પણ વધારે ખરચવા પડશે, અને તેમ કર્યા પછી પણ કામ સિદ્ધ થશે એવી પાકી આશા નથી. સાચવટ ! જો સાચવટ રાખવી હોય તો દુનિયામાં શા માટે રહો છો ? વેરાગી અથવા સંન્યાસી થઈ જાઓ. પછી તમારું ડહાપણ ચલાવજો.’ આ બધા ઠોક બિચારા નિર્બળ મનના બિહારીલાલે સાંભળી લીધા; અને ઘણું પસ્તાઈને તેઓની સલાહ માથે ચઢાવી કેટલાક પૈસા સાથે રાખીને ઉપર કહ્યા પ્રમાણે તે એક મહેલ આગળ ઊભો રહી, આ પ્રકરણને મથાળે જે શબ્દો લખ્યા છે તે બોલ્યો.

જ્યારે અલફખાંએ પાટણ શહેર લીધું, ત્યારે તેના સાંભળવામાં આવ્યું કે ખંભાતમાં ઘણા દ્રવ્યવાન વ્યાપારીઓ છે. તે ઉપરથી લૂંટની આશાથી સઘળું લશ્કર તે શહેર ઉપર ચઢ્યું. ત્યાં જઈ તે શહેર લીધું તથા ત્યાંના તમામ ધનવાન લોકોનાં ઘરો લૂંટી લીધાં. એ લૂંટમાં અલફખાંએ એક ખુબસૂરત ગુલામને પકડ્યો. તે એક વ્યાપારીના તાબામાં હતો, અને તેને ખોજો કરીને તેના ઝનાનખાનાની ચોકી કરવા ઉપર રાખ્યો હતો. જ્યારે તે ખંભાતમાં હતો ત્યારે તે ખોજો કાફુર એ નામથી ઓળખાતો હતો, અને તેનામાં રૂપ સિવાય બીજા ઘણા ગુણો હતા. પોતાનો સ્વાર્થ સાધવાને તથા દુનિયામાં મોટી પદવી મેળવવાને જે જે ગુણો જરૂરના તે સઘળા તેનામાં હતા. તેનામાં કેટલાક સારા તેમ કેટલાક નઠારા પણ ગુણો હતા. જે જે કામોની સાથે તેના સ્વાર્થને સંબંધ ન હોય તે તે કામોમાં તે સારા ગુણો વાપરતો, અને તે વખતે તેનામાં દુર્ગુણ એક પણ હોય એમ કોઈને લાગતું નહીં; પણ જ્યાં તેની મતલબ પાર પાડવાની હોય, જ્યારે પોતાનો સ્વાર્થ સાધવા કાંઈપણ કામ કરવાનું હોય, અથવા પોતાને કાંઈ ફાયદો થતો હોય, ત્યારે ગમે તેવું દુષ્ટ કામ હોય તોપણ તે કરતાં જરા પણ આંચકો ખાતો નહીં. એ પ્રમાણે તે બે જાતનો માણસ હતો. જ્યાં સુધી તે ગુલામગીરીમાં રહ્યો ત્યાં સુધી એ સઘળા ગુણો વાપરવાને તેને પ્રસંગ આવ્યો નહીં; પણ તેનું ભાગ્ય ખૂલવાનું તેથી તે મુસલમાન લશ્કરના હાથમાં પડ્યો અને તે દેખીતો ખુબસૂરત હતો તેથી જો તેને પાદશાહ પાસે નજર દાખલ મોકલવામાં આવે તો તે ઘણો ખુશ થાય એમ જાણી તેને દિલ્હી મોકલવાનો અલફખાંએ ઠરાવ કર્યો. તેને કૌળાદેવી સાથે અલ્લાઉદ્દીન પાસે મોકલ્યો. ત્યાં તે પાદશાહને ઘણો પસંદ પડ્યો છેક હલકી પદવી ઉપરથી ચઢતાં ચઢતાં આ વખતે તે અલાઉદ્દીનનો માનીતો થઈ પડ્યો હતો. આપણા દેશી રાજ્ય-દરબારમાં જે ખટપટ, કાવતરાં તથા દગાફટકા ચાલે છે, તે સઘળામાં તે ઘણો કુશળ હતો, અને તેણે પોતાની તદબીર તથા ચતુરાઈથી રાજાના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે રાજા તેને વશ થઈ ગયો હતો તે જ જાણે પાદશાહ હતો, અને સઘળા મોટા અમીર-ઉમરાવોને આ ખોજા કાફુરને માન આપવું પડતું હતું તેથી તેઓને ઘણું માઠું લાગતું હતું. તથા તેઓ તેની ઘણી અદેખાઈ કરતા હતા. દ્વેષમાં સઘળા તેને ‘હજાર દીનારી’ કહેતા હતા, કેમ કે અસલ તેને હજાર દીનાર આપીને વેચાતો લીધો હતો. તેનું ચલણ એટલું તો હતું કે કેટલાંક કામ તે પોતે પાદશાહને પૂછ્યા સિવાય પણ કરતો, અને આવી તેની ચઢતી કળાથી તેના મનમાં એટલો લોભ ઉત્પન્ન થયો હતો કે શાહના મૂઆ પછી પોતે તખ્ત ઉપર બેસવા સારુ ઉમેદ રાખતો હતો; બલકે તે પોતાના સ્વાર્થ આગળ એટલો આંધળો થઈ ગયો હતો કે જેણે તેના ઉપર આટલા બધા ઉપકાર કર્યા હતા, તથા જેણે તેને ધૂળમાંથી ઉઠાવી લઈને એક મહેલમાં બેસાડ્યો હતો, તેની જ તરફ અપકાર કરીને તેના જીવતાં પણ પોતે તખ્તનશીન થવાને નિરંતર ઉદ્યોગ કર્યા કરતો હતો. તે ખોજા કાફુર હજારીના મહેલ આગળ બિહારીલાલ ઊભો હતો અને તેને દ્રવ્ય આપી સંતોષીને આવી પડેલી આફતમાંથી બચવાની તે .મેદ રાખતો હતો.

ઘોડા ઉપરથી ઊતરીને દરવાજામાં બિહારીલાલ પેસવા જાય છે એટલે દરવાને તેને રોક્યો, અને એક હડસેલો મારી તેને ફેંકી દેવાની તૈયારીમાં હતો એટલામાં તેણે તેનો જુસ્સો સોના વતી નરમ પાડ્યો. આગળ જતાં ઘણા સિપાઈઓ તેને વીંટળાઈ વળ્યા. તેઓ સઘળાને તેણે સોનાના પ્રસાદથી સંતોષ્યા. પછી કેટલાક મહેતાઓને પણ પાનસોપારી મળ્યાં. એટલું સોનું જ્યારે વપરાયું તયારે તેને બેસવાની જગા મળી, અને એક સિપાઈએ માંહેના ઓરડામાં કાફુર એક દરવેશ સાથે વાત કરતો હતો ત્યાં જઈ બિહારીલાલ આવ્યાની વાત જાહેર કરી, કાફુરનું નાક પણ પૈસા સૂંઘી સૂંઘીને ઘણું તીવ્ર થયેલું હતું, તેથી તેણે બિહારીલાલના પૈસાની ગંધ પારખી, અને દરવેશને થોડી વાર સબૂર કરવાનું કહી તે બહાર આવ્યો. બિહારીલાલને આગળથી ભણાવી મુક્યો હતો તે પ્રમાણે કાફુરને જોતાં જ તેણે પાઘડી માથા ઉપરથી ફેંકી દીધી અને લાંબો થઈ પગે લાગીને રડી પડ્યો. પણ રુદનના શબ્દથી પીળે એવું કાફુરનું અંતઃકરણ કોમળ ન હતું. તેના હૈયા ઉપર તો જુદી જ રીતે અસર થતી, અને જ્યારે સોનાનો ખણખણાટ તેને કાને પડતો ત્યારે જ તે ઈંદ્રિય દ્વારા તેના હૃદય પર અસર થતી. જ્યારે તેનું કામ થવાને બદલે ઊલટો કાફુર ગુસ્સે થયો ત્યારે તેણે પોતાની પાસે જે એકસો સોનાની અશરફીની કોથળી હતી તે તેની પાછળ ખાલી કરી, અને ‘‘મારો જે અપરાધ થયો હોય તે ક્ષમા કરો,’’ એટલું જ તે બોલી શક્યો. કાફુરે તે અશરફીના ઢગલા તરફ જોયું, પણ તે ઘણો નાનો લાગ્યો તેથી તે ઉપર પગની ઠેસ મારી તેને વેરી નાખી, ક્રોધથી બોલ્યો : ‘કાફર ! ચંડાળ ! હરામખોરી કરી કરોડો રૂપિયા પચાવ્યા છે, અને નાના છોકરાને સમજાવવા આવ્યો હોય તેમ આટલી અશરફી મૂકીને પોક મૂકે છે ! હું કાંઈ કરી શકતો નથી. પાદશાહ પાસે સઘળું કામ ગયેલું છે. જો અપરાધ સાબિત થશે તો મોત સિવાય બીજી કાંઈ શિક્ષા નથી.’ બિહારીલાલે ઘણચા કાલાવાલા કર્યા, પણ કાંઈ કામ થતું નથી એમ જોઈને તેણે તેવી જ એક બીજી કોથળી પણ ખાલી કરી; પણ સઘળું વ્યર્થ ગયું. કાફુર તો તેના નામ પ્રમાણે ખરેખરો કાફર હતો. આવા રૂપની સાથે તેનામાં આવું દુષ્ટ અંતફકરણ હશે એમ કોઈના ધાર્યામાં આવે નહીં. તે તો ઈંદ્રવરણાનું ફડળ. તેથી જ્યારે બિહારીલાલે એવી પાંચ કોથળી ઠાલવી ત્યારે જ તેનો ચહેરો નરમ પડેલો દેખાયો, અને તયારે જ તેણે બિહારીલાલને વચન આપ્યું કે હવે તારા માથાના એક વાળને પણ નુકસાન પહોંચશે નહીં. બિહારીલાલ ત્યાર પછી ઘણો હરખાતો બહાર ગયો, અને કાફુર પણ ખુશ થઈ ચાકરને તે થેલીઓને ખજાનામાં મુકવાનો હુકમ કરી, દરવેશ પાસે ગયો. દરવેશે આ સઘળું બન્યું તે છાનાંમાનાં જોઈ લીધું, અને પૈસાને વાસ્તે એક કાફર હિંદુ ઉપર દયા કરી, જરની ખાતર પાક મઝહબનું એક ફરમાન તોડી જઝીઅ કર માફ કર્યો, એ જોઈને કાફુર ઉપર તેને ઘણો ગુસ્સો ચઢ્યો.

કાફુરને આવતો જોઈ તે ક્રોધથી બોલ્યો : ‘યછા અલ્લા ! યા કરીમ ! શો જમાનો બારીક આવ્યો છે ! દીન તો સઘળો ડૂબી ગયો અને જર અંતઃકરણમાં અલ્લા મિયાંના તખ્ત ઉપર બેઠું છે. તું કોણ અને કેવો હતો તે તને યાદ નથી ? અલ્લાતાલાએ રહેમ લાવી તને ખાકમાંથી ઊંચકી લઈ આટલો મોટો મરતબો આપ્યો તે આટલા સારુ ? ઈસ્તગફરૂલ્લાહ ? કાફર હિંદુને માફી ? કુરાને શરીફમાં શું કહ્યું છે ? કાફર લોકો જેઓ મૂર્તિપૂજકો છે, જેઓ નાપાક શેતાનનો ધર્મ પાળે છે, તેઓને તો જોરજુલમથી આપણા પાક, હઝરત પેગંબર સાહેબને જબ્રઈલ ફિરસ્તાએ આપેલો દીન પળાવવો. એ કાફર લોકોને માફી ? તેઓ તો સુન્નત કરાવે નહીં તો તલવારથી તેઓનાં માથાં કાપી નાખવાં. બિસ્મિલ્લાહ ! એ લોકો દુનિયામાં વસીને શું કરે છે ? ફક્ત દોઝખનો ખાડો ભરે છે. તેઓને આવી રીતે માફી ? તાલે અલ્લાહ ! હજી ક્યામતનો દહાડો તો દૂર છે.’’

કાફુર દરવેશનો ગુસ્સો જોઈને ઘણો બીધો, અને તે જાતે ઘણો અજ્ઞાન અને તેને લીધે ઘણો વહેમી હતો તેથી જો દરવેશ શાપ દેશે તો પોતે પાયમાલ થઈ જશે એ ધકાકથી તે થરથર કંપવા લાગ્યો, અને ગભરાટમાં બોલી ઊઠ્યો : ‘‘દરવેશ સાહેબ ! ગુનો માફ કરો. પાદશાહ પણ એ જ પ્રમાણે કરે છે, અને પૈસાની બાબતમાં તે હિંદુ તથા મુસલમાનમાં કાંઈ તફાવત ગણતો નથી.’’

કાફુરના આ બોલ સાંભળીને દરવેશને પગથી તે મથા સુધી ઝાળ ચઢી. તેનું લોહી ઊકળી આવ્યું, અને તેના ક્રોધના અગ્નિમાં જાણે ઘી હોમાયું, તે બોલ્યો : ‘‘અરે નાપાક મુઝી ! પાદશાહ એ પ્રમાણે કરે છે માટે તે શું વાજબી થયું ? જ્યારે તમે સઘળા એમ જ કરો છો ત્યારે અજબ છે કે આસમાન તૂટી પડતું નથી ! અજબ છે કે આપણે સઘળા મરકીના સપાટામાં ઘસડાઈ જતા નથી ! અજબ છે કે આપણે ધરતીમાં ગરક થઈ જતા નથી ! એ કાફર લોકોના દીન (થૂ તેઓના મોં ઉપર) અને આપણા દીનનો મુકાબલો કરવો ? તેઓમાં શું ફરક નથી ? અરે ! આસમાન-જમીન જેટલો તફાવત અરે ! અંધારા-અજવાળા જેટલું અંતર. અરે ! શેતાન અને ફિરસ્તા જેટલી જુદાઈ. અલહમદુલિલ્લાહ ! આ લોકોનાં માથાં જ ફરી ગયાં છે ને ! તેઓ ખુદાને પણ ઓળખતા નથી ! તેઓ ખરો અને ખોટાઈ પારખી શકતા નથી ! તોબા ! તોબા ! સઘળા ધર્મો દુનિયામાં મનાય છે તેમાં મૂર્તીપૂજા સૌથી નાપાક છે. આખી જહાનમાં એક ખુદાને માનનાર તથા સર્જેલી વસ્તુને નહીં પૂજનાર એવા તો ફક્ત ત્રણ ધર્મના જ લોક છે, એક યહૂદી, બીજા ઈસાનો મત માનનારા, અને ત્રીજા આપણે મુસલમાન છીએ. હવે એ ત્રણમાં કોનો દીન સાચો તે હું તને બતાવું છું. આરબ લોકો તથા યહૂદી લોકો બંને ઈબ્રાહીમ વંશના છે, એક ઈસ્માઈલના અને બીજા ઐઝાકના છોકરા. વળી પેગંબર સાહેબે યહૂદી લોકોનું તોરત કબૂલ રાખ્યું છે, અને આદમ, નુહ, મુસા વગેરેનો પેગંબરી દાવો મંજૂર ગણેલો છે. આદમની બેવફાદારીથી દુનિયાની ખરાબી થઈ; માણસને મહેનત કરવી પડે છે; રોગો શરીરને વળગ્યા; બીજાં દુઃખો આદમજાત ઉપર આવી પડ્યાં; અને મોતની સજા જગતમાં પરમેશ્વરે ચલાવી માટે બાવા આદમનો પેગંબરી હક્ક રહ્યો નથી. નુહનાં ફરમાનો ઘણાં જ થોડાં મનાય છે, અને મુસાના કાયદા તે વખતના યહૂદી લોકોને જ વાસ્તે કરેલા હતા. તેઓના તોરતમાં લખેલું છે કે, આખરે એક પેગંબર જન્મશે તે આ દુનિયાને જીતશે, તે પ્રમાણે હઝરત મુહમ્મદનો જન્મ થયો. પણ આંધળા યહૂદી લોકોએ તકરાર ઉઠાવી કે, આરબ લોકો ઈસ્માઈલના છોકરા, અને ઈસ્માઈલ ઈબ્રાહીમની લોંડીના પેટનો તેથી તોરતમાં લખેલો પેગંબર હજરત મુહમ્મદ નથી. આપણામાં અને તેઓમાં એટલો જ વાંધો છે. વળી મરિયમના છોકરા ઈસાનો ધર્મ કાંઈક સારો છે; શાથી કે ઈસા પણ પેગંબર હતો; અને જ્યારે હઝરત મુહમ્મદ બોરાક ઉપર બેસીને સાતમા આસમાન સુધી જઈ જઈ આવયા ત્યારે ઈસાની તેમણે મુલાકાત લીધી હતી. પણ મુહમ્મદ (શુકર તેના નામ ઉપર !) સૌથી છેલ્લા આવ્યા માટે તે સૌથી મોટા પેગંબર, અને તેનો દીન સૌથી સાચો, એમાં કોઈથી ના કહી શકાશે નહીં. મૂર્તિપૂજકોમાં સઘળાથી ઊંચા પારસી લોકો છે. તેઓ આતશપરસ્ત છે તેથી તેઓ અગર જો ખુદાની પાક નજરમાં ઘણા ગુનેગાર છે, તોપણ તેઓ હિંદુઓ કરતાં ઘણા સારા છે. સૌથી નાપાક બૂતપરસત હિંદુ લોકો છે; તેથી એવા દોઝખી ધર્મવાળાઓ ઉર મહેર રાખવી નહીં. પહેલાં તો એ કાફર હિંદુ લોકો એક ખુદાને માનતા નથી. તેઓના દેવ તેત્રીશ કરોડ છે. કેવા આંધળા અને હૈયાના ફૂટેલા ! આસમાનમાં હીરાની પેઠે જડેલાં અગણિત બિંદુઓ જેને આપણે તારા કહીએ છીએ, જે શીતળ ચંદ્ર રાતની વખતે પૃથ્વીને અજવાળું આપે છે, તથા વનસ્પતિને ઊગવામાં મદદ કરે છે, જે તેજસ્વી આગનો ગોળો દુનિયાને અજવાળું તથા ગરમી પહોંચાડે છે, તથા સઘળા ચૈતન્યવાળા પદાર્થોના જીવનનો આધાર છે, જે અનિયમિત કેતુઓ વખતે વખતે આવી પૃથ્વીના લોકોને ત્રાસ પમાડે છે, તથા લોકો ઉપર કોઈ પ્રકારની મોટી આફત આવી પડશે એવી ચેતવણી અજ્ઞાની લોકોને આપે છે, તે તથા એવા બીજા ચમત્કારી આકાશના પદાર્થોથી તે એક રેતીના દાણા અથવા એક ઘાસના તણખલા સુધી સઘળા નાના મોટા પદાર્થોને માટે એક જ સરખા નિયમો હોય છે, અને એક નાના પરમાણુથી તે કરોડો યોજનને અંતરે જે અસંખ્યાત ગોળાઓ અવકાશમાં ગબડે છે તેઓ સુધી સઘળે એકત્વપણું જોવામાં આવે છે, તે ઉપરથી તે સઘળાનો કર્તા એક જ છે એવું સહજ અનુમાન થઈ શકે છે. જેમ પદાર્થો નાશવંત છે તેમ પરમેશ્વર નાશવંત નથી, એ વાત પણ તરત અક્કલમાં ઊતરે છે. નાશ એટલે અવસ્થાંતર, એટલે પરમાણુની સ્થિતિમાં ફેરફાર થઈ તેઓનું બંધારણ તૂટી તેઓનું વિખરાઈ જવું. માટે જેમાં પરમાણુ છે તે જ નાશ પામે છે. એટલે પરમેશ્વર જે નાશવંત નથી તેમાં પરમાણુ નથી, અથવા તે પદાર્થ નથી. હવે જ્યારે તે પાકૃતિક નથી, ત્યારે તેમાં પ્રકૃતિના ગુણ નથી, અને રૂપ નથી ત્યારે તેને મર્યાદા નથી, અને મર્યાદા નથી ત્યારે તે અપાર સર્વવ્યાપક છે. એ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે પરમેશ્વર એક તથા આત્મીક એટલે નિરાકાર છે, અને તે સર્વવ્યાપક છે.’’

કાફુર - દરવેશ સાહેબ ! માફ કરો તો બોલું : પણ હિંદુ લોકોમાં એક વેદ નામની કિતાબ છે તેમાં લખ્યું છે કે પરમેશ્વર એક તથા નિરાકાર છે.

દરવેશ - જૂઠું. જે વાત પેગંબરને ખુદાની તરફથી ફિરશ્તાએ કહેલી તે જાણવાને એ કાફર લોકોના દિલમાં ખુદાઈ રોશની હોય એમ માનવામાં આવતું નથી; અને અગર જો એ વાત તેઓની વેદની કિતાબમાં લખેલી છે તો તેઓ શા માટે માનતા નથી ? એટલા જ ઉપરથી જણાય છે કે વેદમાં એ પ્રમાણેનું નથી. કદાચ હોય તોપણ શા કામનું ? આપણી કુરાને શરીફમાં સાફ એ વાત લખેલ છે, ત્યારે એવી વેદ જેવી કિતાબોની શી જરૂર છે ? તેઓ જલદીથી બળી જાય, અથવા ફના થઈ જાય તો સારું. જ્યારે આરબ લોકો આસમાનના તારા વગવેરેને પૂજતા હતા, જ્યારે યહૂદી લોકો મુસાના કાયદાને એક કોરે મુકી, તથા દાઉદનાં પવિત્ર ગીત અને સુલેમાનનાં દાનાઈનાં વચનની અવગણના કરી ચાલતા હતા, જ્યારે ઈસા પેગંબરના મતવાળા ઈસા તથા મરયિમબીબીનાં પૂતળાં બનાવી દેવળમાં રાખતા, અને ઘણા સાધુઓ તથા શહીદોની કબરો તથા હાડકાંને ખુદાઈ માન આપતા હતા, તે વખતે હઝરત મુહમ્મદ સાહેબે, ‘લાઈલાહાઈલુલ્લાહ મુહમ્મદુર રસલુલ્લાહ (એક પરમેશ્વર સિવાય બીજો પરમેશ્વર નથી, અને મુહમ્મદ પરમેશ્વરનો પેગંબર છે.) એ મત ચલાવ્યો.

કાફુર - શુકર અલ્લા ! શુકર અલ્લા ! અને હજરત સાહેબના નામને પણ શુકર.

દરવેશ - (પોતાની દાઢી પર હાથ ફેરવીને) આમીન ! આમીન ! આમીન ! વળી હિંદુ લોકો પોતાના મૂએલા તથા જીવતા માણસોને ઈશ્વર જેવાં માને છે. તેઓના રામ, કૃષ્ણ વગેરે બીજા દેવો પાછલા જમાનામાં આદમીઓ હતા; પણ તેઓએ જીવતાં મોટાં મોટાં પરાક્રમ કરેલાં તેથી મૂઆ પછી માનવી રૂપે ઈશ્વર હતા એમ મનાવા લાગ્યું. એ કેવી મુર્ખાઈ ! ખુદાની તલવાર, અને કાફરોને કતલ કરનારા ખાલિદ, મિસરનો જીતનાર અમરૂ, આપણા ખલીફાઓ અબુબકર, ઉંમર, અલી, ઈત્યાદિ; તેઓના વિક્રમ તથા ભોજ જેવા, આપણા હાતેમતાઈ તથા હારૂનઅલર્‌શીદ એ સઘળાને આપણે જરા પણ પૂજતા નથી. વળી તેઓ હેવાનને પણ પુજે છે. ગાય, હાથી, વાંદરાં વગરે ઘણાં જાનવરોને તેઓ પરમેશ્વર સરખાં માને છે. અને સાપ તથા નોળિયાને પણ કેટલેક દહાડે પૂજે છે. એવા કાફર પાણી લોકો દુનિયાની સપાટી ઉપર કોઈ પણ વસતા નહીં હશે. જેમ સાડમ અને ગામરા શહેરો ઉપર તેઓના રહેવાસીઓના મહાપાપને લીધે ખુદાએ આતશ તથા ગંધકનો વરસાદ વરસાવ્યો તથા તેઓને પાયમાલ કરી નાખ્યા. તેમ આ આખો મુલક કોઈ દહાડો ધરતીમાં ગરકાવ થઈ જશે, અથવા તે ઉપર દરિયો ફરી વળશે. હેવાનને ખુદાઈ માન આપવું ! એ આંધળા લોકોની આગળ તો કુરાન કે તલવાર. તેઓ અલહમદુલિલ્લાનો ધર્મ માને, નહીં તો તલવારની ધારથી તેઓના આત્માને જલદીથી દોઝખમાં મોકલી દેવા. ઈસ્તગફરુલ્લાહ્‌.

બચ્ચા કાફુર ! હજી બસ થયું નથી. તેઓ જીવવાળા થઈ નિર્જીવ વસ્તુઓને માને છે; સૂરજ, ચંદ્ર, તારાને પૂજે છે; ભોંયની પૂજા કરે છે; નદી, પહાડ વગેરેને માન આપે છે; અને દુનિયામાં જે જે વસ્તુઓ અથવા દેખાવ જોવામાં આવે છે તેઓને તેઓ ઈશ્વર જેટલું માન આપે છે ત્યારે પેદા કરનાર અને પેદા થયેલી વસ્તુઓમાં તફાવત શો ? એટલું એ આંધળા લોકોના સમજવામાં આવતું નથી. આદમ જાતને ખુદાએ સૌથી ઊંચી બનાવી છે; તેઓને બીજા સઘળાઓ કરતાં વધારે સાધન આપેલાં છે; તેઓને સૃષ્ટિનું ધણીપણું આપેલું છે; તથા તેઓના સુખ અને રક્ષણને માટે દુનિયા માંહેલા બીજા પદાર્થો ઉત્પન્ન કરેલા છે; માટે આદમ જાત સૌથી શ્રેષ્ઠ છે, તે છતાં પણ એ લોકો પોતાને સઘળાથી હલકા માને છે, પરમેશ્વર જ જલદીથી તેઓનાં અંતફકરણનું અંધારું દૂર કરે, અને સાચી વાત સમજવાને તે કિરતાર તેઓને રોશની આપે.

કાફુર - આમીન ! આમીન !

દરવેશ - પણ આખી જહાનમાંથી એ અંધારું દુર કરવાને ખુદાએ હઝરત પેગંબર સાહેબને જન્મ આપ્યો, કુરાને શરીફના ફકરા આપી હરેક રમજાન મહિનામાં મક્કાની પાસેની હીરાની ગુફામાં પેગંબર સાહેબની પાસે જબ્રઈલ ફિરશ્તાને મોકલ્યો, કાબાના રખેવાળ તથા તેના પક્ષનાં માણસોને હરાવ્યાં, આખા મદીના અને મક્કા શહેરમાં અને પાછળથી તમામ અરબસ્તાનમાં નબી સાહેબના મોત પહેલાં આપણો દીન ફેલાયો; ત્યાર બાદ આપણા ખલીફાઓના હુકમથી ઈરાન તા રૂમ, શામના પાદશાહોના મુલક આપણા શૂરા સરદારોએ સર કર્યા; અને એ પ્રમાણે ધીમે ધીમે આપણો તથા આપણા પાક દીનનો અમલ ઘણું કરીને આખા જહાનમાં પથરાયો. એ સઘળું ખુદાની મહેરબાનીથી થયું. માટે આપણે ગમે તે ઉપાયથી એ કાફર હિંદુઓના મન ઉપર જે ખોટા વહેમોનો પડદો વળેલો છે તે ફાડી નાખવો જોઈએ.

વળી પરમેશ્વર નિરાકાર છે તેથી તે અવ્યક્ત છે; માટે તે કેવો છે તેની લોકોને કલ્પના આવી શકતી નથી, તે ઉપરથી જ્યારે લોકોને બંદગી કરવી હોય, તેની પૂજા કરવી હોય, અથવા તેને ખુશ કરવાને કાંઈ અર્પણ કરવું હોય, ત્યારે કોને કરવું એ તેઓ સમજતા નથી. ત્યારે પરમેશ્વરના પ્રતિનિધિ તરીકે તેઓ માટી, લાકડાં, અથવા ધાતુની, માણસના અથવા મનસ્વી આકારની મૂર્તિઓ બનાવે છે, અને ઈશ્વર સર્વવ્યાપક છે માટે મૂર્તિઓમાં પણ હોવો જ જોઈએ, એમ સમજીને તેઓને પરમેશ્વરની માફક માન આપે છે. એ પ્રમાણે કરવાનું સઘળી આદમ જાતનું સ્વાભાવિક વલણ હોય છે, અને તેઓને ગમે તેવો પાક ધર્મ બતાવ્યો હોય તોપણ પરમેશ્વરની માનસિક પૂજા કરવાને બદલે તેને ઠેકાણે કોઈ દૃશ્યમાન પદાર્થને ગોઠવીને તેની પૂજા કરે છે. જયારે યહૂદી લોકો મિસરથી નાસીને પોતાના દેશ તરફ જતા હા ત્યારે વારેવારે તેઓ મૂર્તીઓ બનાવીને તેમને પૂજતા. અને એમ કરવામાં મોટું પાપ છે, એમ સમજાવવાને મુસા પેગંબરને ઘણી મુશ્કેલી પડી હતી. છેલ્લી વારે સીનાઈ પર્વત ઉપર ખુદાએ તેને એક પથ્થર આપ્યો. તેના ઉપર દશ આજ્ઞા કોતરેલી હતી. તેમાં સાફ હુકમ કરેલો હતો કે મૂર્તિપૂજા કરવી નહીં. એ પૂજાની મોટામાં મોટી ખરાબી એટલી જ છે કે એવી પૂજા કરનાર ધીમે ધીમે મૂર્તિને પરમેશ્વર સમજે છે; અને ધણીને ન માનતાં ગુમાસ્તાને શેઠનું માન આપે છે. એવી રીતનું લોકોનું વલણ છે, તે ઉપરથી આપણા હઝરત પેગંબર સાહેબે મૂર્તિ પૂજવાની સાફ મના કરેલી છે, એટલું જ નહીં પણ તેની પોતાની, ખુદાની અથવા કોઈ પણ મોટા પાક આદમીની તસ્વીર પાડવી નહીં, અથવા મસ્જિદોમાં પુતળાં કોતરવાં નહીં, અથવા ચિત્ર રાખવાં નહીં, એવું ફરમાવ્યું છે.

કાફુર - સુબહાનઅલ્લાહ ! કેવી પેગંબર સાહેબની દાનાઈ. જો એ પ્રમાણેની મનાઈ કરી ન હોય તો આપણે પણ બીજા કાફર લોકોની પેઠે બૂતપરસ્ત હોત. ‘‘લાઈલાહાઈલુલ્લાહ’’ દરવેશ સાહેબ ! હું સારી પેઠે જાણું છું કે એ હિંદુ ઘણા નાપાક, પાપી, કાફર લોકો છે. તેઓની પાસે જોરજુલમથી પણ આપણો સાચો તથા પાક દીન મનાવવો જોઈએ, અને જો શેતાનના સમજાવ્યાથી તેઓ આપણી વાત સાંભળે નહીં તો તેઓ સઘળાને કતલ કરવા, અથવા જરા પણ તેઓના ઉપર દયા કરવી નહીં. પણ દરવેશ સાહેબ ! એ પ્રમાણે રાજાઓથી ચલાતું નથી, અને આગલા ખલીફાઓએ પણ એ પ્રમાણે કર્યું નથી. આપણી શરેહમાં એક ઠેકાણે લખ્યું છે કે કાફર લોકો જેટલો કર આપી શકે તેટલો કર તેઓની પાસેથી લેવો; નહીં આપે તો તેઓની બિલકુલ નસલ કાઢવી. વળી આપણા દીનમાં દાના લોકોએ ઈસ્લામ ધર્મ માનનારાઓને ફરમાવ્યું છે કે તેઓને કાપી નાખવા. અથવા તેઓને આપણા ધર્મમાં લાવવા, એવું હઝરત પેગંબર સાહેબે ખુદે કહ્યું છે, પણ ત્યાર પછી ઈમામ હનીફે એવું ફરમાવ્યું છે કે મોતને બદલે તેઓના ઉપર જઝીઓ, અથવા જેટલો ખમાય એટલો બીજો કોઈ કર બેસાડવો, અને તે લોકોને નકામા કતલ કરવાની તેણે સાફ મના કરી છે. તેનો ફરમાન એવો છે કે તેઓની પાસેી જેમ બને તેમ જઝીઓ એટલે માથાદીઠ વેરો, અને ખિરાજ એટલે ખંડણી લેવી, અને તે વસૂલ કરવામાં એટલી સખ્તી વાપરવી કે તે સજા મોતની લગભગ થઈ રહે. વળી જે હિંદુ હમણાં અહીં આવી ગયો તેણે કોઈ કસુર કરી નથી. તેણે જઝીઓ બરાબર આપેલો છે. તેના ઉપર જે તહોમત મુકાયેલું છે તે ખોટું છે. તેનો અપરાધ આટલો જ છે કે તેની પાસે દોલત ઘણી જ છે. જઝીઆ ઉઘરાતદારની દાનત તેની પાસેથી પૈસા કઢાવવાની હતી, પણ જ્યારે તેને માગેલા પૈસા આપ્યા નહીં, ત્યારે તેણે આ ખોટી ફરિયાદ કરી. હું સારી પેઠે જાણતો હતો કે તે વગર પાયાની છે, તોપણ એવો શિકાર ક્યાં મળવાનો છે એમ જાણી, તથા એવા નાપાક કાફર પાસે દોલત રહે તે નઠારે માર્ગે વપરાય માટે એની પાસેથી પાંચસો અશરફી મેં કઢાવી છે, તેમાંથી અર્ધી મને આપવાને મે ધાર્યું છે, તે મહેરબાની કરી લેશો, અને ખુદાને પસંદ પડે એવે સારે રસ્તે આપ વાપરશો.

અઢીસો અશરફી પોતાને મળવાની છે, એ સાંભળીને દરવેશને ઘણો આનંદ થયો અને તેની આંખમાં સોનાનું તેજ તે જ વખતે આવી ગયું. તે બોલ્યો : ‘‘શાબાશ, બચ્ચા, શાબાશ ! તે કર્યું છે તે ઘણું જ વાજબી છે. એવું હમેશાં કર્યા કરજે, અને જે મળે તેમાંથી થોડો ભાગ ખેરાત કરજે; અને થોડો ભાગ અમારા જેવા દરવેશોને ખુદાના કામમાં વાપરવાને આપજે. જો એવી તારી દાનત રહેશે તો તે પરવરદેગાર તારા ઉપર વધારે રાજી થશે, અને આથી પણ મોટો મરતબો તને આપશે.’’

કાફુર - આમીન ! એ સઘળું તમારા આશીર્વાદથી થશે. પણ આથી વધારે મરતબો બીજો કોઈ નથી. ફક્ત એક છે તે તો -

દરવેશ - ‘‘તારી મતલબ હું સમજ્યો, અને તે ખુદા જલદીથી બર લાવે. હવે ચૂપ. ભીંતને પણ કાન હોય છે, માટે હવે એ વાત બંધ કર.’’ એટલું કહી આંખની ઈશારત કરી, દરવેશ અઢીસો અશરફી બાંધીને, તથા કાફુરને અંતઃકરણથી આશીર્વાદ દઈને ચાલયો ગયો, અને કાફુર પણ દરબારમાં જવાને તૈયાર કરવા લાગ્યો.

હવે બીહારીલાલ મોતના સપાટામાંથી તથા એથી વધારે બીજી મોટી આફતોમાંથી બચી ગયો તેથી તેના હૈયામાં હર્ષ માયો નહીં. તે રસ્તામાં જેવો હવામાં ચાલતો હતો, પણ જ્યારે તે દિલ્હીના મોટા ચોગાનમાં આવ્યો, ત્યારે એક ભયંકર દેખાવ તેની નજરે પડ્યો. આ વખતે મોગલ લોકો હિંદુસ્તાન ઉપર હમેશાં હુમલો કર્યા કરતા હતા, તથા રાજ્યને નિરંતર ઉપદ્રવ કરતા હતા. ઐબકખાં કરીને એક મોગલનો સરદાર, હજાર બળવાન સવાર તથા એથી વધારે બીજા માણસો લઈને હિંદુસ્તાન ઉપર આવ્યો, અને મુલતાન શહેર ઊજડ કરીને શિવાલિક પહાડો આગળ છાવણી નાખીને પડ્યો. એ લોકો ઉપર પાદશાહી લશ્કરે હુમલો કર્યો, અને ઘણાં માણસોને કાપી નાખી તેઓને હરાવ્યાં. જેઓ જીવતાં રહ્યાં તેઓ જંગલમાં તરસ તથા ઊના પવનથી મરણ પામ્યાં, અને તેઓના લશ્કરનાં ત્રણ હજાર માણસો કેદ પકડાયાં તે સિવાય એક પણ આદમી જીવતો રહ્યો નહીં. ઐબકખાં અને એ ત્રણચાર હજાર કેદીઓને દિલ્હીમાં લઈ આવ્યા; અને તેઓ સઘળાને એકદમ મારી નાખવાને ત્યાં તૈયારી થઈ રહી હતી. પોતાના માણસોની શી દશા થાય છે તે જોવાને ઐબકખાંને એક પ્રસિદ્ધ ઠેકાણે બાંધીને બેસાડેલો હતો. સઘળા મોલ લોકોનાં બૈરાંછોકરાં જે પકડાયાં હતાં તેઓને જુદે જુદે શહેર મોકલીને બજારમાં હરરાજ કરી ગુલામ દાખલ વેચી નાખ્યાં હતાં; અને તેઓના મરદોને ઘણી દુષ્ટ રીતે મારી નાખવાને પાદશાહનો હુકમ થયો હતો. તે ત્રણ હજાર માણસોની ત્રીશ ત્રીશની સો ટુકડી કરી, અને તે ટુકડીઓને આઘે રાખી; પછી ત્યાં સો ગાડાં આણ્યાં, તથા સો જોરાવર હાથીઓને લાવી તેઓને દારૂ પાઈને ઘણા જ મસ્ત કર્યા પછી સો જલ્લાદોએ આવીને તેઓએ એક એક ટુકડી તથા એકેક હાથી લઈ લીધો, અને એકેક માણસને હાથીના પગ તળે છૂંદાવી નાખી બધાને મારી નાખ્યા. એ પ્રમાણે થોડા વખતમાં ત્રણ હજાર ઈશ્વરના પેદા કરેલા માણસોના પ્રાણ આ રાક્ષસી દુષ્ટ ચંડાળ પાદશાહે લેવડાવ્યા. ત્રણ હજાર માણસને આવી ક્રૂર રીતે મારી નાખ્યા એ વિચારે જ શરીરમાનું સઘળું લોહી ઠરી જાય, એ સ્વાભાવિક છે. ગાંડા મસ્ત થયેલા સો હાથીઓને આવી રમત મળી તેથી મગ્ન થઈ તેઓ વખતે વખતે બરાડા પાડતા હતા. તે અવાજો, જે બિચારા કેદીઓ તેના મોટા તથા ભારે પગના દબાણથી કચડાઈ જતા હતા તેઓનું કષ્ટ તથા તેઓની તે વખતની ચીસાચીસ, જેઓનો મરવાનો વારો આવ્યો નહોતો તેઓનાં ચિંતાથી તથા ભયથી લોહી ઊડી ગયેલાં મોં, તેઓનો નિરાશ દેખાવ, તથા બેબાકળી આંખો, કેટલાક નબળા મનના મોગલોની આવા દુષ્ટ મોતના ધાકથી થયેલી દયામણી શિકલ, તથા પોતાનો દેશ, બૈરી, છોકરાં, સગાંવહાલાં, એ સઘળાં યાદ આવ્યાથી તેઓની આંખોમાંથી વહેતી આંસુની ધાર, તથા પોતાના મન ઉપર અખત્યાર ન રહેવાથી કેટલાંકનું ડૂસકાં ભરીને રડવું. એ સઘળાંની કલ્પના માત્ર કરો, પછી કોણ એવો વજ્રહૈયાનો હશે કે તેને દયા આવ્યા વિના રહેશે ? અને કોના નિમાળા ઊભા નહીં થાય ? પણ આટલી બધી ક્રૂરતા એ નિર્દય પાદશાહને બસ લાગી નહીં. થોડેક દૂર કેટલાક કસાઈઓ બેઠેલા હતા, તેઓ મરી ગયેલા મોગલોની ખોપરીઓ કાપીને કાઢી લેતા હતા, અને તેઓને ગાડાંમાં ભરતા હતા. આ તમાશો જોઈને બિહારીલાલને ઘણો કમકમાટ ઊપજ્યો. તોપણ એ ખોપરીઓને શું કરે છે એ જાણવાની આતુરતાથી તે સઘળાં ગાડાં ભરાયા પછી તેઓની પાછળ તે ગયો. એ સઘળાં ગાડાં દિલ્હીના બદાયુન દરવાજા આગળ ખાલી કર્યા, અને ત્રણ હજાર ખોપરીઓને એક ઉપરો એક ગોઠવીને તેઓનો એક ઊંચો સ્તંભ બનાવ્યો.

એ ભયંકર કામ પૂરું થયું, એટલે લોકોનું એક મોટું ટોળું તે રસ્તે આવ્યું. તેમાં એ મોગલનો સરદાર ઐબકખાં ઘોડા ઉપર બેઠેલો હતો. તેના હાથ બાંધેલા હતા, તથા પગે ઘણી ભારે બેડીઓ જડેલી હતી. એ લોકોના ટોળામાં બીહારીલાલ પણ સામેલ થયો, અને તેઓ સઘળા નદી કિનારે ગયા. ત્યાં પહોંચ્યા પછી તમાશગીર લોકો જમુનાને કાંઠે હારબંધ ઊભા રહ્યા, અને ઐબકખાંને એક હોડીમાં બેસાડ્યો, અને તેમાં પાદશાહનાં માણસો બેઠાં. ઐબકખાંની ઉંમર આશરે પાંત્રીશ વર્ષની હતી, અને તેનું શરીર પણ ઘણું જોરાવર હતું. પણ હમણાં તો તેની સઘળી ઉમેદ ભાંગી ગઈ હતી; તેનું લશ્કર હારી ગયું હતું; તેને મહા સંકટ વેઠવું પડ્યું હતું; તેનાં ઘણાં માણસો ભૂખતરસથી માર્યા ગયાં હતાં; તે દુશ્મનના હાથમાં પકડાયો હતો; તેને દિલ્હીમાં ઘણા અપમાન સાથે લાવ્યા હતા; તેણે તેની નજરે પોતાના જાતભાઈઓને, પોતાના જૂના તથા નિમકહલાલ સિાઈઓને આવા દુષ્ટ મોતે મરતા જોયા હતા; પોતાને પણ મરવાની સજા થયેલી હતી; અને હમણાં મોત તેની પાસે આવી ઊભું રહેલું હતું, એ સઘળાં કારણોથી તે છેક નંખાઈ ગયેલો માલૂમ પડતો હતો. તે મરવાથી જરા પણ બીતો ન હતો, પણ પોતાની તથા પોતાના લશ્કરની આ દશા થઈ તેથી માવરાઉન્‌નહર, એટલે સ્વતંત્ર તાતાર દેશના પાદશાહ અમીર બેગ તથા ખાજા તાશના મૃત્યુનું વેર લેવાયું નહીં, એ વાતથી તેને ઘણું જ દુઃખ થતું હતું. પણ હવે તે શું કરે ? લાચાર. હોડી પવનના જોરથી જમુના નદીમાં આગળ ચાલી અને જ્યારે તે વચ્ચોવચ આવી, ત્યારે તેને અટકાવીને ત્રણ-ચાર માણસોએ ઐબકખાંને ઊંચકીને નદીનાં ઊછળતાં મોજાંમાં ફેંકી દીધો. તે બિચારાના હાથ બાંધેલા. પગે બેડી, એટલે તેનાથી તરી તો ક્યાંથી શકાય ? તે પછાડા પણ મારી શક્યો નહીં. પોતાના અંગબળ વડે તે એક વાર ઊંચો આવ્યો, અને આ દુનિયા ઉપર છેલ્લી નજર કરી સઘળાંને રામરામ કરી લીધા; પણ તરત તે નીચે ગયો, અને તેના ઉપરનું પાણી થોડી વાર સુધી હાલ્યા પછી પાછું સ્થિર થઈ ગયું. એ પ્રમાણે આ કમનસીબ સરદાર મરણ પામ્યો. જમુના નદીનું પાણી તેની કબર થઈ અને કાલિંદીનું કાળું નીર તેની લાશ ઉપર ફરી વળ્યું. તેણે મરતી વખત એક પણ ચીસ પાડી નહીં. પણ ચુપકીથી તેનો આત્મા તેના ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યો. તમાશગીર લોકોના મન ઉપર આ ભયંકર મોત જોઈને કાંઈપણ અસર થઈ નહીં. અગર જો તેઓ એવા રાક્ષસ ન હતા કે તેઓ આ તમાશો જોઈને ખુશીની બૂમ પાડે. તોપણ કસાઈને બકરું કપાતું જોવામાં જેટલી બેપરવાઈ હોય છે તેટલી જ બેપરવાઈ તેઓને હતી. પણ એમાં તેઓનો કાંઈ વાંક ન હતો. જેને જે જોવાની ટેવ પડી જાય છે તે જોવાથી તેના મન પર કાંઈ પણ અસર થતી નથી. તે વખતમાં દિલ્હીમાં એવા તમાશા વારેવારે જોવામાં આવતા હતા, તેથી તેઓની દયાની વૃત્તિ બહેર મારી ગઈ હતી, અને ભયાનક દેખાવો જોવામાં માણસના મનને જે કમકમાટ તથા આંચકો લાગે છે તે મહાવરાથી બિલકુલ જતો રહ્યો હતો. સરકારનાં માણસો પોતપોતાને કામે લાગ્યાં, તથા લોકો અને તેમાં બિહારીલાલ પણ ઘેર ગયા.

આવી રીતે સખ્તી કરવાથી રાજ્યમાં ફાયદો થતો હશે, એમ કોઈના મનમાં આવે તો તેની મોટી ભૂલ છે, દુનિયામાં જોર-જુલમથી તથા સખ્તીથી લાભને બદલે હાનિ થાય છે. મોગલ લોકોએ અલાઉદ્દીન ાદશાહના વખતમાં ઘણી વાર હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી; સઘળી વાર તેઓ હાર્યા; એક કરતાં વધારે વાર તેઓ પકડાયા; તેઓના ઉપર ઘણી રીતે જુલમ કરવામાં આવ્યો; તેઓનાં બૈરી-છોકરાંને વેચવાવી નાખ્યાં; તથા તેઓને પણ નિર્દય રીતે મારી નાખ્યાં; આ વખતે ણ આવી રીતે તેઓની દુર્દશા થઈ. હવે કોઈના મનમાં આવશે કે તેઓ ફરીથી રાજ્યને ઉપદ્રવ કરશે નહીં, પણ જે વખતે ઉપર લખેલો બરનાવ બનતો હતો તે વખતે બાલમંદ કરી એક બીજા મોગલ સરદારે દેશ ઉપર હુમલો કર્યો હતો, અને તેની સામે પાદશાહે એક બીજું લશ્કર મોકલ્યું હતું.

જ્યારે બિહારીલાલ પોતાને ઘેર જતો હતો ત્યારે કાફુર સવારી સાથે પાદશાહી દરબારમાં જતો હતો. કાફુર હમણાં રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, તે બાદશાહનો એવો તો મૂછનો બાલ હતો, તથા તેના મન ઉપર તેણે એટલી બધી સત્તા મેળવી હતી કે તે ચાહે તે કરી શકતો હતો. તેણે મોટામાં મોટીી પદવી મેળવી હતી, પણ તે છતાં તે સુખી ન હતો. રાજાની જે પ્રીતિ તેણે સંપાદન કરી હતી તે કાયમ રાખવાને, તથા પાદશાહના સ્વછંદી અન ચળ સ્વભાવને લીધે તેને જે નિરંતર ચિંતા થયાં કરતી હતી, તથા અમીર-ઉમરાવોને આવા નીચ ગુલામ, આવા આજકાલના ચઢેલા શખ્સને પાદશાહ જેટલું માન આપવું પડતું હતું, તેથી તેના ઉપર જે કંટાળો, ક્રોધ તથા અદેખાઈ આવતી હતી, અને તેને લીધે તેઓ તેની ઊંચી પદવી ઉપરથી તેને ઢોળી પાડવાને તથા તેનો અંત આણવાને પણ હજારો યુક્તિઓ કર્યા કરતા હતા, તેને અટકાવવાને તેને હમેશાં ચોકસાઈ રાખવી પડતી. એથી જે તેના સુખમાં ઘટાડો થતો હતો તે એક કોરે મૂકીએ તોપણ તેને અસુખ થવાને બીજાં બે મોટાં કારણો હતોં. એક તો એ કે તેના લોભની તથા અસંતોષની વૃત્તિ ઘણી પ્રબળ થઈ ગઈ હતી. આટલી બધી વાર સુધી તેનાં ધારેલાં કામો તથા રાખેલી આશા સફળ થયાં કરી તેથી ઈચ્છાનું જોર ઘટવાને બદલે ઊલટું વધ્યું. તેના અંતઃકરણમાં લોભનો કીડો મોટો થયો, અને તેનું કલેજું કોતરી ખાવા લાગ્યો. તેને હવે પાદશાહ થવાનો લોભ થયો, અને તેની નજર હવે તે નિશાન ઉપર યા કરતી હતી. પણ પાદશાહ થતાં પહેલાં તેને પ્રસિદ્ધ થવું જોઈએ; તેણે કોઈ પ્રકારે નામ મેળવવું જોઈએ; અને આવા અજ્ઞાન લોકોમાં શૂરાતન દેખાડવાથી જ તથા બહાદુરીનાં કામો કરવાથી જ પ્રસિદ્ધ થવાય, નામ મેળવાય, તથા પ્રતિષ્ઠા સંપાદન થાય. અત્યાર સુધી તેણે કાંઈ બહાદુરીનાં કામ કર્યા ન હતાં, તેણે આ મોટો મરતબો ફક્ત નરમાશથી તથા કાવતરાં કરી મેળવ્યો હતો. તેનું કુળ આવું નીચું હતું, તેની અવસ્થા કનિષ્ઠમાં કનિષ્ઠ ગુલામગીરીની હતી, તે પોતાનું રૂપ સુધારવાને હમેશાં ઉપાયો કર્યા કરતો હતો; તેણે ઝનાનખાનામાં તેની જિંદગીનો કેટલોક ભાગ કાઢ્યો હતો, તથા તે ખોજો હતો તે ઉપરથી તેના શૂરાતન વિષે લોકોના મનમાં મોટો શક હતો, અને જ્યાં સુધી તે શક કાયમ રહે ત્યાં સુધી તેની ધારેલી મતલબ પાર પાડવામાં મોટી હરકત પડે એમ સમીને તેણે પોતાનું ખરું સ્વરૂપ લોકોને દેખાડવાનો, પોતાની સ્વાભાવિક હિમ્મત તથા બહાદુરી પ્રગટ કરવાનો, તથા પોતાના નામ ઉપરનું આ કલંક ધોઈ નાખવાનો ઠરાવ કર્યો હતો. ઈતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે ખોજાઓ પુરુષનાં લક્ષણથી રહિત હોય છે તોપણ તેઓમાં હમેશાં નામર્દાઈ હોય છે, અથવા તેઓ નાહિમ્મત હોય છે, એમ કાંઈ હોતું નથી. નારસીસ અને બીજા કેટલાક ઝનાનખાનાના રખેવાળોએ મોટાં શૂરાં કામો કરેલાં છે. તેઓમાં બહાદુરીની કાંઈ કસર ન હતી, તે જ પ્રમાણે કાફુરને હતું. માટે તેનામાં જે જવાહિર હતું તે દુનિયાને દેખાડી આપવાને કોઈપણ લડાઈ ઉપર ચઢવાનો તેણે નિશ્ચય કર્યો.

એ પ્રમાણે વિચાર કરતો કરતો કાફુર પાદશાહી મહેલમાં ગયો, અને પાદશાહ ક્યાં છે એ વાતની તેણે તજવીજ કરી. તે વખતે અલાઉદ્દીન ઝનાનખાનામાં બેઠેલો હતો, પણ કાફુરને બેગમોને જોવાને તથા તેઓની સાથે વાતચીત કરવાને કાંઈ હરકત ન હતી, તેથી તે પણ ઝનાનખાનામાં ગયો. તે જઈને જુએ છે તો અલાઉદ્દીન ભોજન કરવાને બેઠો હતો. તેની આગળ મેજ ઉપર નાના પ્રકારના દારૂના શીશા પડેલા હતા, તથા પ્યાલાઓ વારાફરતી ભરાતા હતા. તેની પાસે તેની કૌળારાણી બેઠેલી હતી, અને તેઓ બંને અતિ આનંદમાં વાતચીત કરતાં હતાં, તથા રાતા ચળકતા પ્રવાહીઓનો ઘણી છૂટથી ઉપયોગ કરતાં હતાં. કૌળારાણીને આપણે છેલ્લી જોઈ તે કરતાં હમણાં કાંઈ બદલાઈ ન હતી. ઊલટી રજપૂતાણીનો પહેરવેશ બદલી તેણે હમણાં પઠાણની બૈરીનો પોશાક પહેર્યો હતો, તથા ઘણાં ઉમદા અને કીમતી જવાહિરો પહેરેલાં હતાં, તેથી તે વધારે ખૂબસૂરત દેખાતી હતી, તથા તેનું હૂરીના જેવું રૂપ વધારે પ્રકાશી નીકળતું હતું. ગુજરાત છોડતી વખતે તેને જે દુઃખ ઊપજ્યું હતું તે ધીમે ધીમે ઘસાઈ ગયું હતું. દુઃખનું ઓસડ જે દહાડા, તેણે તેના મન ઉપર મોટો ફેરફાર કર્યો હતો, અને ટેવ જે માણસને હરેક સ્થિતિ સાથે અનુકૂળ કરી આપે છે તેણે હવે તેની મદદે આવીને તેને તેની આ નવી અવસ્થાની સાથે સમાધાન કરાવ્યું હતું. એટલા ઉપરથી કોઈએ એમ ધારવું ન જોઈએ કે તેનું આગલું દુઃખ ખોટું હતું. તથા તેણે જે વિલાપ કરેલ તે ઢોંગ હતો. માણસને માથે જ્યારે દુઃખ પડે છે ત્યારે ખરેખરી દિલગીરી થાય છે, પણ પરમેશ્વરે દુઃખી માણસ ઉપર દયા આવી તેનું મન એવું તો સ્થિતિસ્થાપક કરેલું છે કે થોડી મુદત સુધી ઘણામાં ઘણો સંતાપ ભોગવી કેટલીકવાર પછી આશાની સહાયતાથી તે પોતાની અસલ સ્થિતિ ઉપર આવી જાય છે. જો પરમ દયાળુ ઈશ્વરે એમ કર્યું નો હોત, જો માણસનું દુઃખ વખત જવાથી નરમ પડતું ન હોત, તો તે ખરેખરો દુઃખી અભાગિયો થઈ પડત. તેની આખી આવરદા દિલગીરીમાં જ જાત, અને તેથી દુનિયાનો ઘણી મુદત ઉપર અંત આવ્યો હોત, અગર જો કેટલાકનું મન એવું જડ હોય છે કે તેમાં દિલગીરી જડમૂળ ઘાલીને વસે છે, તથા તેથી તેઓ દેહતયાગ કરે છે, તોપણ એવા થોડા છે. તેઓ જગતના નિયમથી બહાર છે. કૌળાદેવી તેવી ન હતી, માટે તેને ઠપકો દેવો એ અયોગ્ય ગણાય. કાફુરે કેટલીક ાવત કર્યા પછી ખંડિયા રાજાઓનો વિષય કાઢ્યો, અને દેવગઢનો રાજા રામદેવ પોતાના સામર્થ્ય ઉપર ભરોસો રાખીને આજ ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, એ આપણું મોટું અપમાન થાય છે, માટે તેને ભારે સજા થવી જોઈએ, તેના ઉપર એક મોટું લશ્કર મોકલવું જોઈએ, અને જો આપની રજા હોય તો હું તે લશ્કર લઈને જલદીથી તેને ઠેકાણે લાવી તેની પાસેથી ચઢેલી ખંડણી વસૂલ કરી લાવું, એટલું જ નહીં પણ ત્યાંની અગણિત લક્ષ્મી ઘસડી લાવી આપની સેવામાં રજૂ કરું, એ કામ કરવાથી બે ફળ થશે. એક તો આપણી દોલતમાં તથા સત્તામાં વધારો થશે, આપણી બહાદુરી પ્રગટ થશે, અને આપણા નામનો ત્રાસ હિંદુસ્તાનમાં ફેલાશે, લોકો જોશે કે આપણે હજુ લડાઈથી થાકી ગયા નથી; આપણી પાસે લશ્કર, દ્રવ્ય તથા લડવાનાં બીજાં સાધનોની હજી કાંઈ ખોટ નથી; તથા આપણે હજી આપણી મેળવેલી સત્તા વધારવાને તથા કાયમ રાખવાને અને બળવાખોરોને ભારે સજાએ પહોંચાડવાને સમર્થ છીએ. બીજું ફળ મારી જાતને થશે. અહીંના અમીર લોકો મને ધિક્કારે છે, હું ખોજો છું તેથી તેઓ એમ સમજે છે કે હું સ્ત્રીઓનાં કામ કરવાને જ માત્ર લાયક છું, અને મારામાં કાંઈ શૂરાતન નથી. તેઓને મારે ખાતરી કરી આપવી છે કે અગર જો પરમેશ્વરે મને નીચ કુળમાં જન્મ આપ્યો છે, મારી પાસે ગુલામગીરી કરાવી છે, મારામાંથી પુરુષાતન લેવડાવી લીધું છે, મને અબળાઓનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું છે, તોપણ તે પરવરદિગારે જોઈએ તેટલી હિંમત તથા બહાદુરી મને બક્ષેલી છ, અને જેમ હું દરબારનું કામ હોશિયારીથી કરી શકું છું, તેમ લડાઈ ઉપર લશ્કર પણ જઈ શકું છું; માટે જહાંપનાહ ! આપના ગુલામની અરજ કબૂલ રાખી એક મોટું લશ્કર તૈયાર કરાવવું જોઈએ અને તેની સરદારી મને આપીને મને દેવગવઢ ઉપર મોકલવો જોઈએ.

કાફુરનું આ બોલવું સાંભળીને પાદશાહને ઘણી ખુશી થઈ, અને તેના માનીતા કાફુરની કોઈ પણ નજીવી અરજ તે કદી નામંજૂર કરતો ન હતો તે આવી મોટી તથા તેને ગમતી વાત શી રીતે નાપસંદ કરે ? વળી દેવગઢ ઉપર ચઢાઈ કરવાથી કાફુરે બતાવ્યા તે પ્રમાણેના ઘણા લાભ ન થાય તોપણ એકલી નકામી, વગર જરૂરની લડાઈ વહોરવાનો પણ તેને ઘણો શોખ હતો; લડાઈનું નામ સાંભળીને તે જાગ્રત થઈ જતો; તેની નસોમાં લોહી વધારે જુસ્સાથી વહેતું; તથા તેમાં ઝંપલાવી પડવાને તે તરત તૈયાર થઈ જતો. તેને લડાઈમાં જાતે જવાની મરજી થઈ, પણ કાફુરના કાલાવાલા ઉપરથી તેણે તે વિચાર છોડી દીધો અને તેને મોકલવાનું કબૂલ કર્યું.ં

કૌળાદેવીએ જ્યારે આ વાત સાંભળી, અને દેવગઢ તથા રમદેવનાં નામ તેને કાને પડ્યાં, ત્યારે તેનું આગલું સઘળું દુઃખ યાદ આવ્યું, અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેનો આગલો ધણી કરણ બાગલાણમાં છે એવી તેને ખબર હતી; તેની મોટી છોકરી કનકદેવી મરી ગઈ તે પણ તે જાણતી હતી; અને તેની નાની દિકરી દેવળદેવી તેના બાપની પાસે છે, એમ તેને માલૂમ હતું. પાદશાહની પાસે રહેવામાં પોતાને ઘણી તરેહનું સુખ હતું તોપણ તેને વખતે ઘણું એકાંતપણું લાગતું, અને ઘણી વાર ઉદાસ રહેતી. બૈરાંને છોકરાં પોતાની પાસે રાખવાં ઘણાં ગમે છે, તે પ્રમાણે કૌળાદેવીને પોતાની મોટી થયેલી, તેર વર્ષની છોકરીને બોલાવવાનું ઘણું મન હતું. માની છોકરાં ઉપર ઘણી પ્રીતિ હોય છે, તેની સાથે તેઓ એવું સમજે છે કે છોકરાં ઉપર માના જેટલું બાપનું હેત હોતું નથી, અને તેઓના ઉપર બાપના કરતાં માનો વધારે હક્ક હોય છે. દેવળદેવીને વાસ્તે તેને જે પ્યાર હતો તેથી તે એવી તો આંધળી થઈ ગઈ કે તેને બોલાવવાથી તેનાં ભરથાર કરણને જે દુઃખ થશે, તથા તેને દીકરીના જવાથી, નિરાધાર થઈ જવાથી, અને ઘણી મુદતની બાપ અને છોકરીની વચ્ચે મજબૂત બંધાયેલી પ્રીતિ તૂટવાથી જે સંતાપ થશે તે સઘળું આ વખતે ભૂલી ગઈ. તેણે અલાઉદ્દીનને વિનંતી કરી કે જ્યારે કાફુર દેવગઢ સુધી જાય છે ત્યારે બાગલાણમાં મારી તેર વર્ષની એક દેવળદેવી નામની છોકરી છે તેને લઈ આવવાનો કાફુરને હુકમ આપવો જોઈએ. અલાઉદ્દીનને આ અરજ ઘણી માકુલ જણાઈ નહીં, તોપણ પોતાની વહાલી રાણીને ખુશ કરવાને તેણે કાફુરને દેવળદેવીને લાવવાનો હુકમ કર્યો. કાફુરે એ હુકમ માથે ચડાવ્યો, અને તેને ન લાવું તો મારું માથું આપવું એવું વચન આપ્યું.

બીજે દહાડે એક મોટો દરબાર ભરી ત્યાં પાદશાહે પોતાને હાથે કાફુરને મોગટો શિરપાવ તથા ખિલખત આપ્યાં, અને હવે પછી તેને નાયબ મલેક કાફુર કહેવો, તથા સઘળા અમીર-ઉમરાવોએ તેને પોતાના જેટલું જ માન આપવું એવો હુકમ કર્યો, પછી એક મોટું લશ્કર તૈયાર કરાવ્યું, અને થોડા દહાડામાં દિલ્હીમાં પાદશાહની રૂબરૂ એક લાખ સવાર આવી ઊભા રહ્યા. એ લશ્કરની સરદારી નાયબ મલેક કાફુરને સોંપી. અને તેના હાથ નીચે ખાજા હાજી નામના એક ઘણા સદ્‌ગુણી માણસને નીમ્યો. તે લશ્કર દિલ્હીથી ઈ.સ.૧૩૦પમાં દક્ષિણ દેશ જીતવાને નીકળ્યું. આ મોટા સૈન્યની સાથે ઘણા નામાંકિત અમીરો હતા; તથા તેને મદદ આપવાને માળવાના સૂબા અયનુલ્‌મુલ્ક મુલતાનીને હુકમ થયો હતો. તથા ગુજરાતના સુબા અલફખાંને પણ લશ્કર લઈ મલેક કાફુર જોડે એકઠા થવાનું લખ્યું હતું. કાફુરે પાદશાહની છેલ્લી રજા લીધી. અને તેના જવાથી તથા લડાઈના સપાટામાં તે કદાચ મરણ પામે એ વિચારથી પાદશાહે ઘણી દિલગીરી બતાવી. આ વખતે પણ દેવળદેવીને લાવવાનું તેણે યાદ દેવડાવ્યું. અને જો તેને નહીં લાવે તો મારા ક્રોધને લીધે મારાથી જે થઈ જશે તેનો હું જવાબદાર નથી, એમ કહી સંભળાવ્યું.