હેડિંગઃ-1
વ્યક્તિ-સમાજ-સંસ્થા-દેશઃ વિકાસની ગુરુચાવી
લેખકઃ- મહર્ષિ દેસાઈ
પેટા હેડિંગ-1
સંગઠનમાં અથવા સમુહમાં આ શક્તિ રહેલી છે. એક વ્યક્તિને કદાચ પરાજીત કરી શકાય પરંતુ વ્યક્તિઓના સમુહને પરાજીત કરવો આસાન નથી. સંઘશક્તિનું આ મહત્વ છે. કોઈ પણ જ્ઞાતિ યા સમાજના વિકાસમાં પણ તેનું જતન કરનારી સંસ્થાનું આગવું મહત્વ હોય છે.
પેટા હેડિંગ-2
આજે તો સ્વૈચ્છીક સેવા કરતી સંસ્થાઓ અને સંગઠનોની ભૂમિકા વધતી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પણ સમાજકલ્યાણ અને લોકવિકાસના કાર્યો કરવા માટે વિવિધ યોજનાઓ અને સંખ્યાબંધ ગ્રાન્ટ જારી કરે છે.
ઋગ્વેદમાં કહેવાયું છે કે “સંઘશક્તિ કલૌયુગેઃ” એટલે કે કલિયુગમાં સંઘશક્તિનું જ મહત્વ સવિશેષ રહેવાનું છે. સંઘ એટલે કે સંગઠનમાં જે શક્તિ છે તે વ્યક્તિગત યા એકલ-દોકલમાં નથી હોતી એ આપણે જાણીએ છીએ. ખુબ જાણીતી વાત છે કે લાકડાનો એક ટુકડો તોડતા આપણને વાર લાગતી નથી, પરંતુ જો લાકડાના એકથી વધુ ટુકડાનો દોરડાથી બાંધીને ભારો બનાવ્યો હશે તો એ લાકડાના સમુહ યા લાકડાના ભારાને આસાનીથી તોડી શકાતો નથી.
હિન્દી ફિલ્મના એક ગીતની પંક્તિ જાણીતી છેઃ “સાથી હાથ બઢાના...એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઊઠાના...” કોઈ પણ કાર્યને એક વ્યક્તિ કરે ત્યારે જે સમય લાગતો હોય છે તે જ કાર્ય જો એકથી વધુ વ્યક્તિ કરે તો એ કાર્ય ઓછામાં ઓછા સમયમાં અને ઝડપથી પૂર્ણ થઈ જતું હોય છે. સંગઠનમાં અથવા સમુહમાં આ શક્તિ રહેલી છે. એક વ્યક્તિને કદાચ પરાજીત કરી શકાય પરંતુ વ્યક્તિઓના સમુહને પરાજીત કરવો આસાન નથી. સંઘશક્તિનું આ મહત્વ છે. કોઈ પણ જ્ઞાતિ યા સમાજના વિકાસમાં પણ તેનું જતન કરનારી સંસ્થાનું આગવું મહત્વ હોય છે.
સમાજના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે આપણે વાત કરીએ તો કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે સંસ્થાગત પ્રદાન-યોગદાન ખુબ જ અગત્યનું હોય છે. આપણા સૌમાં કોઈક વેપારી હશે અથવા કોઈક નોકરીયાત વર્ગમાંથી આવતા હશે. સરકારી કે બિનસરકારી કર્મચારી અથવા અધિકારી પોતાના પ્રશ્નની એકલ-દોકલ રજુઆત કરવા જાય તો એનો પડઘો પડે અથવા ન પણ પડે. પરંતુ એક સમાન પ્રશ્ન માટે કર્મચારી-અધિકારીનું સંગઠન જો તેમના પ્રશ્નની રજુઆત કરે તો તેમને અવશ્ય હકારાત્મક પ્રતિભાવ મળે. સંગઠનશક્તિનો આ પ્રતાપ છે.
અમદાવાદ શહેર વેપારી પ્રજાથી ઓળખાય છે. અમદાવાદમાં વેપારી મહાજનની એક અનોખી પરંપરા રહી છે. માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાત હોય કે દેશ હોય કે દુનિયાનો કોઈ પણ હિસ્સો હોય, સામાજીક અને સર્વાંગી વિકાસમાં સંસ્થાગત ફાળો નોંધપાત્ર હોય છે. અમદાવાદમાં કાપડના વેપારીઓનું મહાજન અને માણેકચોકના સોની-ઝવેરી વેપારીઓનું મહાજન તેમની ઉજ્જવળ પરંપરાઓના કારણે પ્રતિષ્ઠિત છે.
અમદાવાદ એક સમયે જ્યારે વીસમી સદીના પાંચમા-છઠ્ઠા અને સાતમા દસકથી 100થી વધુ કાપડ મિલોથી ધમધમતું હતું ત્યારે ભારતનું માન્ચેસ્ટર કહેવાતું ત્યારે કાપડ મિલોના માલિકો શહેર-શ્રેષ્ઠીઓ કહેવાતા. અમદાવાદ શહેરના વિકાસમાં અને નાગરિકોના સમાજજીવન, શિક્ષણ અને સંસ્કૃતિને ઘડવામાં આ નગરશ્રેષ્ઠીઓએ જુદી જુદી સંસ્થાઓની સ્થાપના કરીને ફાળો આપ્યો છે.
એચ.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાથે નગરશ્રેષ્ઠી હરિવલ્લભદાસ કાળીદાસનું નામ જોડાયેલું છે. એ જ પ્રમાણે અમદાવાદમાં દીવાન બલ્લુભાઈ શાળા અને એ પહેલા સ્થપાયેલી પી.ટી.સી. કોલેજ – પ્રેમચંદ રાયચંદ અધ્યાપન મંદિર એક સંસ્થા જ નહીં, શિક્ષણનો યજ્ઞ ચલાવતી વટવૃક્ષ સમાન સંસ્થાઓ છે. જેણે અમદાવાદને શિક્ષણનું સિંચન કર્યું છે.
અંબાલાલ સારાભાઈએ કેલિકો મ્યુઝિયમ અને ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે શોધ-સંશોધન માટે અટિરા (અમદાવાદ ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રીસર્ચ એસોસિએશન)ની સ્થાપના કરવામાં પણ ઊંડો રસ લીધો. જ્યારે શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ પણ વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાભાવી સંસ્થાઓની સ્થાપના કરીને સમાજના વિકાસનો હેતુ સિદ્ધ કર્યો.
અમદાવાદમાં જ્યારે મિલોનો યુગ હતો ત્યારે અમદાવાદની કાપડમિલોના અગ્રણી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં બહેન ગીરાબહેન સારાભાઈએ ગાંધીજી સાથે મળીને મિલકામદારોના હક્કો અને હિતો માટે મજૂર મહાજન સંઘની સ્થાપના કરી. જેમાં વર્ષો સુધી સેવા કર્યા બાદ જાણીતાં સમાજસેવિકા શ્રીમતી ઈલાબહેન ભટ્ટે માત્ર મહિલા શ્રમજીવીઓ માટે અલાયદી સંસ્થા સેવાની સ્થાપના કરી. આજે તો મહિલાઓ માટેની અલાયદી સેવા બેન્ક પણ કાર્યરત છે.
આપણા દેશમાં મહત્વની સામાજીક, સાંસ્કૃતિક અને રાજકીય, ધાર્મિક ચળવળોમાં પણ સંસ્થાઓનો ફાળો ઐતિહાસિક છે. સ્ત્રીકલ્યાણ અને કન્યાઓને દૂધપીતી કરવાના કુરિવાજની નાબુદી માટે કામ કરનાર રાજા રામમોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. ધાર્મિક, સામાજીક, સાંસ્કૃતિક ઉત્થાન માટે સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં તેમના નામ સાથે જોડીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
અમદાવાદમાં હાલના પાલડી ખાતે કોચરબ વિસ્તારમાં તા.25 મે, 1915ના રોજ ગાંધીજીએ હરિજન આશ્રમની સ્થાપના કરી, એ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયા. દેશને આઝાદી અપાવવામાં હરિજન આશ્રમ (કોચરબ આશ્રમ) અને ત્યાર બાદ સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમની સંસ્થાકીય પ્રવૃત્તિઓ અને પ્રદાનથી તો સૌ કોઈ વાકેફ છે.
દેશને આઝાદી અપાવવા માટે એલન હ્યુમ નામના એક અંગ્રેજે દાદાભાઈ નવરોજી અને દિનશા વાચ્છા સાથે મળીને અખિલ ભારતીય કોંગ્રેસ મહાસભાની તા.28 ડિસેમ્બર, 1885ના રોજ સ્થાપના કરી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તાબામાંથી ભારતીય દેશી રાજા-રજવાડાઓને મુક્ત કરાવવાનો જ હતો. જો કે આઝાદી પછી આ સંસ્થા એક રાજકીય પાર્ટીમાં ફેરવાઈ ગઈ.
ગુજરાતની લોખંડી મહિલા ચારુમતીબહેન યોદ્ધાએ મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે જ્યોતિસંઘની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ કાર્યરત છે, એની પ્રવૃત્તિઓથી આપણે સૌ વાકેફ છીએ. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સેવા, શિક્ષણ, સંસ્કાર, કલા અને સંસ્કૃતિના બહુવિધ ઉદ્દેશોને મૂર્તિમંત કરવા શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી, જે આજે એક યુનિવર્સિટી તરીકે પશ્ચિમ બંગાળમાં કોલકાતા નજીક કાર્યરત છે.
કોલકાતાની વાત કરીએ તો શાંતિની દેવી તરીકે નોબેલ પુરસ્કારથી સન્માનિત મધર ટેરેસાએ મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાની સ્થાપના પણ કોલકાતામાં જ કરી. આજે તો આ સંસ્થાની દેશ-વિદેશમાં સંખ્યાબંધ શાખાઓ કાર્યરત છે. જે નિરાધાર અથવા લાચાર મહિલાઓ અને બાળકોના ઉત્કર્ષ-ઉત્થાન અને સમાજમાં તેમનાં પુનઃસ્થાપન માટે કાર્યરત છે.
મુંબઈમાં શ્રી મહિલા ગૃહઉદ્યોગ સહકારી સંસ્થા અને તેની બ્રાન્ડ પ્રોડક્ટ લિજજ્ત પાપડ તો એકમેકનો પર્યાય બની ગયાં છે. શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને રોજગાર ક્ષેત્રે તથા ગરીબી અને બેકારી દૂર કરવાના ક્ષેત્રે અને સમાજવિકાસ તથા લોકકલ્યાણના કાર્યો કરતી સંસ્થાઓ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી સમાજના જરૂરીયાતમંદ લોકો સુધી વિકાસના ફળ પહોંચાડે એ જરુરી છે.
આજે તો સ્વૈચ્છીક સેવા કરતી સંસ્થાઓ અને સંગઠનોની ભૂમિકા વધતી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પણ સમાજકલ્યાણ અને લોકવિકાસના કાર્યો કરવા માટે વિવિધ યોજનાઓ અને સંખ્યાબંધ ગ્રાન્ટ જારી કરે છે. જ્યાં સરકાર કે સરકારની એજન્સીઓ સમાજના ઉત્કર્ષ માટે સીધેસીધી કામગીરી ન કરી શકે ત્યાં સરકાર માન્ય નોડલ એજન્સીઓ અથવા સામાજીક સંસ્થાઓ નાગરિકોના સમુહના વિકાસ માટે કાર્ય કરે એ આજની જરુરીયાત છે. આવી સંસ્થાઓ સરકારની પૂરક ભૂમિકાઓ ભજવે છે.
સરકારી એજન્સીઓ, સ્વૈચ્છીક સેવા સંસ્થાઓ અને આવી સંસ્થાઓ સાથે કામ કરવા માગતા કાર્યકરો-સમાજસેવકો ખરા અર્થમાં સમાજના પ્રહરીઓ છે. “દીપ સે દીપ જલે...” અથવા “જ્યોત સે જ્યોત જલે...” એ પંક્તિ મુજબ એક વાર પહેલ કરવી જરુરી બને છે. એક વાર માર્ગ કંડાર્યા પછી હજારો અને લાખો મુસાફરો એ માર્ગ ઉપર આવતા થઈ જાય છે.
સંસ્થાઓનું કાર્ય આ રીતે રાહ કંડારવાનું હોય છે. જનતાના હિતના ધ્યેય સાથે રાજ્યમાં જ્યારે સેવાકીય પ્રવૃત્તિ સંસ્થાના માધ્યમથી થતી હોય ત્યારે કયાંક કયાંક આવી પ્રવૃત્તિઓની વિશ્વસનીયતાના પ્રશ્નો પણ સર્જાતા હોય છે. આ સંજોગોમાં પોતાની પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા સાથે સંસ્થાઓ તેમની ભૂમિકા ભજવે તે અપેક્ષિત છે. ગુજરાતના સ્થાપનાકાળથી લઇ આજ સુધીમાં વધુ વિકાસ કયારે અને કેટલો થયો તેનો વાસ્તવિક કયાસ પણ સંસ્થાઓ કાઢી શકે.
રાજય સરકાર જયારે સ્ત્રી સશકિતકરણ માટે કટિબઘ્ધ હોય અને સમાજની દરેક મહિલાઓને સમાન અધિકાર અને હકક મળે તે માટે રાજયના અલગ-અલગ વિભાગો દ્વારા યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું હોય ત્યારે આવી વિવિધ યોજનાઓનો લાભ સંસ્થાઓ મારફતે મહિલાઓ સુધી પહોંચે એ પણ જરુરી છે. મહિલાઓનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે વિવિધ તાલીમ કાર્યક્રમો પણ સંસ્થાઓ યોજી શકે. સ્ત્રીઓમાં પડેલી શકિતઓને ઓળખવાની જરૂર છે. સમાજ નિર્માણમાં મહિલાઓનો ખુબ મોટું યોગદાન છે એ વાતની અવગણના થઈ શકે નહીં.
સમાજની દરેક મહિલાઓએ એકમત થઇને મહિલા સશકિતકરણમાં આગળ વધવાની જરુર છે. મહિલાઓને સરકારની યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળે તેમજ સમાજમાં મહિલાઓને વધુને વધુ સન્માન મળે, મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે પણ સંસ્થાઓનું યોગદાન મહત્વનું છે.
સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિકાસનો જ હોવો જોઈએ. સમાજના આર્થિક રીતે નબળા લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી તેમજ સમાજમાં નવા ઉદ્યોગકાર-સાહસકર્તાઓ આગળ આવે તે માટે યોગ્ય માર્કેટિંગ અને નેટવર્ક દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવે એ પણ જરુરી છે. જેથી સમાજના લોકો આર્થિક રીતે સંપન્ન બને અને તેઓ તેમના ઉન્નત જીવનનો દ્વાર ખોલી શકે.
સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓને નોંધપાત્ર પ્રગતિની રાહ ઉપર લઈ જઈ શકે છે. શૈક્ષણિક પ્રગતિના અભિયાનમાં બાળકોની મહેનત, વાલીઓનું આર્થિક યોગદાન તથા કેટલાક કિસ્સામાં સામાજીક સંસ્થાઓનું વિશિષ્ટ યોગદાન સમાયેલું હોય છે.
કોઈ પણ યુવાન કે યુવતી જ્યારે ભણી-ગણીને તેની કારકિર્દીનો આરંભ કરે છે, ત્યારે તેણે નોકરી અથવા ધંધામાંથી કોઈ એક વિકલ્પ સ્વીકારવાનો હોય છે. માનવબળ સમાજમાંથી કામ મેળવે અને આપણામાંથી વધુ ને વધુ ઉદ્યોગસાહસિકો પેદા થાય તથા સ્વવિકાસ થકી પોતે જે મેળવે છે તે સમાજને સંસ્થાના માધ્યમથી પાછું આપે અને સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવે એ પણ આજના સમયની માગ છે.
સમાજ અથવા જ્ઞાતિના સમુહના વિકાસ માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવે એ જરુરી છે. આવી સંસ્થા જે તે સમાજ યા જ્ઞાતિ-પરિવારના સર્વાંગી વિકાસનું ધ્યાન રાખી શકે. સંસ્થા જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકે. જેમ કે (1) વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, (2) સમાજના પરિવારો માટે આરોગ્ય અને તબીબી સેવાઓ, (3) સમાજ માટે (ભલે નબળા અથવા સબળા વર્ગના લોકો હોય) આર્થિક પ્રવૃત્તિઓ, ધંધો-સ્વરોજગાર એકમોની સ્થાપના અને આર્થિક પ્રવૃત્તિઓ, (4) મહિલાઓ માટે સ્વસુરક્ષા તાલીમ, (5) મહિલાઓ માટે આર્થિક ઉપાર્જનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ, (6) સમાજના પરિવારો માટે રહેણાંક-આવાસ માટેની કામગીરી, (7) સમાજના વિવિધ પરિવારોના સીનિયર સિટિઝન સ્ત્રી-પુરુષો માટે વિવિધ પ્રવૃત્તિઓ, (8) સંસ્થા દ્વારા સમાજના ઉત્કર્ષ-વિકાસ માટે લાગુ પડે એમ હોય તેવી વિવિધ સરકારી યોજનાઓ પરિવારો માટે સુલભ કરાવવી. આમ વિવિધ સ્તરે સમાજના પરિવારોના સર્વાંગી વિકાસ માટે સંસ્થા ઘણું બધું પ્રદાન આપી શકે છે.