નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888
શીર્ષક : ઈશ્વરને પત્ર
શબ્દો : 847
સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા
હે ઈશ્વર,
આજે ફરી એક દ્વિધા મનમાં આવી અને એમ થયું કે લાવ ને તારી સાથે જ વાતો કરું, 'મા' આ શબ્દમાં જ જાણે કેટલું અમી ભરેલું છે નહીં ? આજે જન્મથી લઈને હાલ સાસરીમાં છું તોય એક પણ ક્ષણ મારી એવી નહીં ગઈ હોય કે જ્યારેમારાં હૃદયમાં મને મા નું સ્મરણ ન થયું હોય, સ્હેજ ઠોકર વાગે અને મુખમાંથી તરત જ ઉદ્દગાર નીકળી આવે 'મા'. કોઈકવાર કંઈક કારણોસર જો જૂઠ્ઠું પણ બોલ્યાં હોઈએ તોય બોલીએ કે 'મારી મા ના સોગંદ બસ ?' એનું કારણ તને ખબર છે ભગવાન ? મને એ વાતનો અખંડ વિશ્વાસ છે કે આ એક જ વ્યક્તિ મારા જીવનમાં એવી છે કે જેનામાં મારા દ્વારા બોલાયેલાં જૂઠ્ઠાણાંઓ પાછળનું તથ્ય સમજી શકવાની તાલાવેલીની સાથે સાથે તેનાં કારણો જાણવા કે પછી નહીં જાણવા છતાંય મને માફ કરી શકવાની મહાનતા અને ક્ષમતા બંન્ને એ ધરાવે જ છે.
અત્યાર સુધી મેં એવું અનુભવ્યું છે કાયમ કે મા જો બિમાર પડે ને તો તરત જ મને પણ માથું દુખવા જ માંડ્યું હોય, એક જાતની માનસિક માંદગી જાણેકે મનથી લઈને શરીર પર ફરી વળતી હોય અને પછી હું કાંઈ જ ન જોઈ શકું કારણ મારી દ્રષ્ટિ હંમેશા મારી મા પર જ આવીને અટકી છે, મારી મા જો આસપાસ હાજર ન હોય તો મને જાણેકે આંખે દુન્યવી બેંતાળા આવી જાય છે, બધું જ દ્રશ્યમાન હોવાં છતાં મારી સઘળી દ્રષ્ટિ જાણેકે મારી મા ની આસપાસ આંધળી થઈને બેસી જ ગઈ હોય, કારણ પણ હું જાણું જ છું કે બાળક જન્મે ત્યારથી જ એને આખા જગતને પોતાની મા નામના ચશ્માથી જ જોયું હોય છે, આજે મારી ઉંમરનાં ચાળીસમાં વર્ષે પણ હું મા નાં નામનાં ચશ્મા હું નથી ઉતારી શકી હોં ભગવન્.
અત્યાર સુધીમાં કંઈ કેટલીય વાર એની સામું પણ મારાથી બોલી જવાયું હશે, કંઈ કેટલાંય મતભેદ પણ થયાં જ હશે અને એમાં મેં ઘણીવાર એનો બળાપો પણ કાઢ્યો જ હશે મારી મા ઉપર અને એવું કરતાં મારા પેટનું પાણી લગીરે નહીં હલ્યું હોય તેમ છતાંય એણે મને કાયમ પાંખમાં જ લીધે રાખી છે, ન તો એનો પ્રેમ ઓછો થયો છે મારાં પ્રત્યે ન મારાં વાંક જોયા છે, જોયું છે તો બસ એણે એક જ વાત કે હું તેનું સંતાન છું, અને મને મારાં કોઈપણ બળાપા કે કકળાટોની દોષી નહીં ગણતાં મારી મનોદશા સમજવાનો એણે સતત પ્રયાસ કર્યો છે,અને મોટી મોટી એવી કહેવાતી મારી તમામ ભૂલોને પણ નાનામાં નાની ગણીને એણે માત્ર એક જ કામ કર્યું છે, મને માફ કરવાનું, અને એનાં આ દરેક પ્રેમ તળે હું સતત અનુગ્રહી જ બનતી જાઉં છું, મને ઘણીવાર એવો વિચાર પણ આવે છે ભગવાન કે મા તો આપણી કરતાં ઉંમરમાં મોટી અને એ જ હિસાબે જો તું મારી પાસેથી એને વહેલી છીનવી લે તો શું ? તું કદાચ વિચારતો હશે કે આ તે કેવું કે જીવતા વ્યક્તિની મરવાની કલ્પના કરવી ? જાણું છું કે સારું પણ ન કહેવાય અને યોગ્ય પણ ન જ લાગે, પરંતુ આસપાસ બનતાં બનાવો અને મૃત્યુનાં સમાચાર જ્યારે સમાચાર પત્રોમાં વાંચવા મળે છે તો સૌ પ્રથમ ફફડાટ ક્યાંક આમ જ કોઈક રીતે મારી મા મારી પાસેથી છીનવાઈ તો નહીં જાયને એમ માનીને મગજમાં આવો કુવિચાર આવ્યા વગર રહેતો નથી. એને જીવતેજીવ કંઈ કેટલીયે વાર મારાથી એને ન ગમતું થયું હશે અને મેં એને જીવતેજીવ ઘણીવાર મારી હશે પરંતુ તોય આજે મારાં મનમાં એક પ્રશ્ન છે કે જેમ મા નું અસ્તિત્વ આપણાં જન્મ પછી જ આકાર લેતું હોય છે એમ આપણાં અસ્ત પછી જ કેમ નહીં ઓગળતું હોય ? પણ સાચું કહું ? જવાબમાં નિરાશા જ સાંપડે છે. મા કદાચ મરણ પથારીએ હોય ને તોય મન તો હંમેશા એક જ પ્રાર્થના કરશે કે ના.. આ આપણાથી દૂર જઈ જ ન શકે, કારણ મા ની માયા ન તો આજ સુધી હું છોડી શકી છું ન છોડી શકીશ ક્યારેય. ખૂબ જ નિકટની એવી બહેનપણીની મા નાં મૃત્યુના સમાચારે જો મને આટલી વ્યથિત કરી હોય તો એને પણ શું વેદના નહીં થઈ હોય ? આવા જ બધાં વિચારોની વચ્ચે આજે મન અને હૃદયમાં એક છૂપું દ્વંદ છેડાયું છે કે ભલે કાંઈ પણ થજો પણ કોઈની મા ન મરશો ક્યારેય, અને આ બધું પણ ઓશ્વર હું તને શા માટે કહું છું ખબર છે ? કારણ મારી મા જો મારી આ વેદના જાણી જશે ને તો કદાચ એને મોત પણ આવ્યું હશે ને તો મારો વિચાર કરી શાંતિથી મરી પણ નહીં શકે, બસ મારે તને એક જ અરજ કરવાની છે કે ચાહે લાખ જનમ તું આપે પણ એક જનમ મને એવો આપજે કે જેમાં મારી મા ની પણ હું માતા બની શકું, કારણ ઘણું જીવી લીધું પણ આ જીવન જીવવાની દોડમાં ને દોડમાં મારી મા પ્રત્યેની કંઈ કેટલીય જવાબદારી મારાથી ચૂકી જવાઈ છે, અને એ જ બધું ૠણ મારે ખરાં હૃદયથી એને અર્પણ પણ કરવું જ છે, અને તું તો ઈશ્વર છે ધારે એનાં ગણિત ફેરવી શકે, તો પછી મારો આ એક દાખલો શું તું સાચો ન પાડી શકે ભગવાન ? મારે પણ મારી મા નું લાલન પાલન કરવું છે, ખૂબ હેતથી એને સાચવવી છે, હવે મારી ઈચ્છા તો મેં તને જણાવી જ દીધી છે, તેને સત્યમાં ફેરવી આપવું એ તારું કામ પણ હા ફરીફરીને એક જ વાત કહીશ કે મારે મારી મા ની પણ મા બનવું છે એકવાર, જેથી જે કંઈ ચૂકી જવાયું છે તે સઘળું હું એને પ્રેમથી હેતથી આપી શકું, બોલ મારી આ ઈચ્છા પૂરી કરશે ને ભગવાન ?
લિ. એક દિકરીનાં તને ઝાઝાં ઝુહાર...
નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ :
Mobile : 9408478888