Nari Tu Na Hari in Gujarati Magazine by Asha Ashish Shah books and stories PDF | Nari Tu Na Hari

Featured Books
Categories
Share

Nari Tu Na Hari

“નારી તું ના હારી.....!!!”

યા દેવી સર્વ ભૂતેષુ, શક્તિ રૂપેણ સંશ્રિતઃ

નમસ્તસૈય, નમસ્તસૈય, નમસ્તસૈય નમોનમ:

સત+રજસ્+તમસ્ ના સુસંયોજન વડે બનેલ કુદરતનું સૌથી ઉત્કૃષ્ટ સર્જન એટલે નારી.... ઘરને વાસ્તવમાં ઘર બનાવતી, કુટુંબ-પરિવાર માટે જાત ઘસી નાખતી, દિવસ-રાત ન થાકતી, પોતાની પીડાને અવગણીને પણ પરિવારને પ્રાધાન્ય આપતી, એક જીવનું સુપેરે સર્જન કરતી અને તેની સાર-સંભાળ રાખતી નારીને કારણે જ સૃષ્ટિમાં સૌંદર્ય છે, સ્નેહ છે, વ્હાલપ છે, લાગણી છે અને શક્તિ છે.

“નારી તું નારાયણી...”

ઈશ્ર્વરે એક નારીની અંદર સહનશક્તિ, ધૈર્યતા, મમતા, કોમળતા અને પરાયણતાનો અખૂટ ખજાનો ભર્યો છે. જેમાં સમય અને સંજોગોની અગણિત થપાટો છતાંય દિન-પ્રતિદિન વધારો જ નોંધાય છે. એક નારી પોતાના કુટુંબ- પરિવારને તો સુપેરે ચલાવી જ શકે છે સાથે-સાથે સરકાર ચલાવવાની કુનેહતા પણ નારી શક્તિનો જ એક ગુણ છે. એટલે જ કદાચ આ પુરૂષ પ્રધાન સમાજે પણ નારીને ‘નારાયણી’ દરજ્જો આપ્યો હશે અને મને તો એ વાતનું ગૌરવ છે કે ઈશ્ર્વરે મને આ ધરતી ઉપર નારી રૂપે અવતાર આપ્યો છે અને એટલે જ હું આ વાત માટે સદા ઈશ્ર્વરની ઋણી રહીશ.

“પરસેવાને પ્રબળ થઈને રેલાવું પડશે; ભલે,

ભાગ્યરેખા હોય વ્રજસમ એને પણ ભુસાવું પડશે.....”

યુગો બદલ્યા, વર્ષો બદલ્યા ને દિવસોએ બદલ્યા. વર્ષો પહેલા પણ આ ધરતી ઉપર પુરૂષોનું આધિપત્ય હતું અને આજે ૨૧મી સદીમાં પણ સ્થિતિ તો એજ છે પણ ઊડીને આંખે વળગે એવી જો કોઈ વાત હોય તો એ છે... સ્ત્રીઓનું વિસ્તરેલું ફલક, એમની સ્વાતંત્ર્યતા, એમની પસંદ-નાપસંદગીની પરવા અને પુરૂષોના આધિપ્ત્ય ધરાવતા ક્ષેત્રોમાં નારીઓનો પગ-પેસારો. આજની નારીએ પુરૂષ સમોવડી બનીને લગભગ દરેક ક્ષેત્રમાં પોતાની જાતને સિધ્ધહસ્ત કરીને બતાવી પણ દીધી છે.

નારીનો મૂળભૂત અને જન્મજાત ગુણ છે સહનશીલતા. પ્રાચીનકાળથી જ નારીશક્તિનો પરચો સમાજને મળતો જ આવ્યો છે અને આજના યુગમાં તો આ શક્તિનું વિસ્તરણ થયેલું જોવા મળેછે. ગમે તેવું દુ:ખ આવી પડે કે પછી સુખનો સરોવર છલકાઈ જાય, જીવનના આ તમામ તબક્કાઓ અને પરિસ્થિતિને પોતાની ધીરજતા, શાલીનતા, સરળતા અને સહજતા વડે પહોંચી વળવામાં નારી સમર્થતા ધરાવેછે. સ્વને અને સ્વજનોને એક માળાના મોતીની જેમ પરોવી રાખેછે. પોતાની કોઠાસૂઝ, ધૈર્યતા અને છઠ્ઠી ઇંદ્રિયના સથવારે ગમે તેવું કપરું કાર્ય પાર પાડવાની હિમ્મત બતાવીને પોતાની શક્તિને પૂરવાર કરી શકેછે.

“ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક ને હાથ;

બહુ દઈ દીધું નાથ ;જા, હવે ચોથું નથી માંગવું.”

સદીઓથી નારીએ સિધ્ધ કરીને બતાવી દીધું છે કે, પ્રભુએ આપેલ ત્રણ વરદાન સમા હ્રદય, મસ્તિષ્ક ને હસ્ત વડે દુનિયાની કોઈપણ અશક્યતાઓને શક્યતામાં પલટાવી શકાય છે. એમાં અગ્નિપરીક્ષા પાર પાડતી સીતાજી હોય કે કૌરવો સામે પડકાર ફેંકતી દ્વ્રૌપદી, યમરાજાને પણ હરાવતી સાવિત્રી હોય કે અંગ્રેજોને હંફાવતી રાણી લક્ષ્મીબાઈ, પ્રથમ મહિલા વડાપ્રધાન બનતા ઈંદિરાજી હોય કે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનતા પ્રતિભાજી, એવરૅસ્ટ સર કરતી બચેંદ્રી હોય કે અવકાશને સફળતાથી ખેડનાર સુનિતા હોય, લોખંડી મનોબળ ધરાવનાર હૅલન કૅલર હોય કે સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકર હોય કે પછી દીકરીઓને દત્તક લઈને એકલપંડે ઉછેરતી સુસ્મિતાસેન હોય, આ તમામ વિરાંગનાઓને કારણે ઘણી વખત સમાજને પોતાનો અભિગમ બદલવા માટે મજબૂર થવું પડતું હોયછે.

આજના આ આધુનિક યુગમાં નારી ફક્ત પોતાના ઘર સુધી જ સીમિત નથી. તે બહાર નીકળીને જીવદયા, ગંદકી હટાવ ઝુંબેશ, મહિલા-કલ્યાણ અને શિક્ષણ પરત્વે જાગૃતિ આણવા સંગઠનો અને મહિલા મંડળો રચેછે. સાથે-સાથે રોજગારલક્ષી સતર્કતા માટે બ્યુટી પાર્લર, ભરત-ગુંથણ, સિવણના વર્ગો ચલાવે છે અને આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવા રક્ત પરિક્ષણ, રક્તદાન, થેલેસેમિયા પરિક્ષણ, બોનડેનસીટી કૅમ્પનું રાહતદરે આયોજન કરીને પોતાની શક્તિનો પરિચય આપેછે.

“વત્સલ જનનીની લાગણી નીતરતી પાંખ; ને તે જ

ક્ષણે તમને લાગ્યું હશે આપણે બંદા નથી રે રાંક!!!”

પ્રભુએ નારીની અંદર કરુણતા, અડગતા,નીડરતા, કોમળતા, સતેજતા અને શાલીનતા જેવી શક્તિઓનો લખલૂટ ખજાનો તો ભર્યો જ છે. પરંતુ પ્રભુ તરફથી ફક્ત ને ફક્ત એક નારીને માતૃત્વનું જે વરદાન પ્રાપ્ત થયેલ છે એને કારણે જ એક નારીની, એક માં ની તુલના ઇશ્ર્વર સાથે થાયછે. પોતાના હાડ, માંસ, ચામ અને રક્ત વડે સિંચાયેલ ગર્ભ (દીકરો હોય કે દીકરી), ૯-૯ મહિના સુધી ઉદરમાં ઊછરીને જ્યારે આ ધરતી પર અવતરે છે, ત્યારે એક નારી જે ધન્યતાનો અનુભવ કરેછે એને હું એક નારી, એક માં હોવાને નાતે બરાબર સમજી તો શકુંછું પણ એ અનુભવને શબ્દોમાં વર્ણવો લગભગ અશક્ય છે એના માટે તો એક નારી તરીકે જ જન્મ લેવો પડે.... અને મારી આ વાત સાથે દુનિયાની તમામ નારીઓ સહમત હશે જ... કેમ ખરૂં ને.....????

“કોઈ એકની નજર ફરી અને

આ આખુંય અસ્તિત્વ બદલાયું છે.”

પરંતુ... વિધિની વિટંબણા તો જુઓ.... જ્યારે આ વરદાનને સમાજની પુત્ર-એષણામાં સ્ત્રીભ્રુણ હત્યાનું કલંક લાગેછે ત્યારે નારીની માતૃત્વ પ્રત્યેની ધન્યતા વિસારે પડી જાયછે, એની મમતા તારતાર થઈ જાયછે અને સમાજના અમાનુષી અભિગમ આગળ એક નારી લાચાર બની જાયછે. હવે તો જ્યારે વૈજ્ઞાનિક રીતે પણ એ સાબિત થઈ ચૂકયું છે કે, દીકરો(XY) કે દીકરી(XX) એ પુરૂષના ક્રોમોઝોનને જ આધારિત છે તો પણ દોષનો ટોપલો સ્ત્રી ઉપર જ ઢોળી દેવાય છે.

મને તો એ સમજાતું નથી કે, એક મનુષ્ય પોતાના આખા આયખા દરમ્યાન પોતાના અસ્તિત્વને ફળિભૂત કરવા માટે ધરતી, ભક્તિ, માયા, મમતા, લક્ષ્મી, આરાધના, અર્ચના, આકાંક્ષા, આશા, ઈચ્છા, અપેક્ષા, વગેરે વગેરે જેવા સ્ત્રીલીંગના શબ્દોને પામવાની અને સાકાર કરવાની મથામણ કરતો રહેછે તો પછી એ જ મનુષ્ય, લીંગ પરિક્ષણ દ્વારા એક સ્ત્રીના, એક દીકરીના અસ્તિત્વને છીનવી કેવીરીતે શકે???? અને આવું થાય ત્યારે બધી રીતે સક્ષમ નારી પણ પોતાને લાચાર અનુભવે છે.

“ભણેલી દીકરી બે કુળ તારે…”

આજના આધુનિક યુગમાં ભણતરનું મહત્વ રાજાની કુંવરીની પેઠે દિવસે ન વધે એટલું રાત્રે અને રાત્રે ન વધે એટલું દિવસે વધતું જાયછે. તેમ છતાં દેશનાં અમૂક અંતરિયાળ વિસ્તારોમાં વસતી નારી આજે પણ નિરક્ષરતાનો ભાર વેંઢારી રહી છે. ભ્રુણ હત્યાના વારથી જીતેલી નારી અક્ષરજ્ઞાન વગર હારી જાયછે. શિક્ષણના રંગોથી સજ્જ દીકરી પોતાના માતા-પિતાના કુળને તો અજવાળે જ છે સાથે- સાથે પોતાના સાસરાપક્ષને પણ તારેછે. એટલે જ સરકાર તરફથી ચાલતા અભિયાન “બેટી બચાવો, બેટી વધાવો, બેટી ભણાવો” ને ટેકો આપીને અવિરત ચાલતું રાખવાથી સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઉન્ન્તિ જરૂર થઈ શકશે.

દીકરી ના સાપનો ભારો, દીકરી ના કોઈ ઊજાગરો;

દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરી તો તુલસી ક્યારો.”

આમ જોવા જઈએ તો આજના સમયમાં દીકરીઓ ખરેખર વધુ સશક્ત ભાસેછે. એમને સમાન ભણતરની સાથે-સાથે સમાન મિલ્કતનો અને સમાન કાર્યક્ષેત્ર પસંદ કરવાનો અધિકાર મળવાથી તે વધુ સુરક્ષિત લાગેછે. પરંતુ આ કોરીધાકોર લાગણી ત્યારે કકડભૂસ થઈ જાયછે, જયારે દહેજના ખપ્પરમાં કોઈ નવોઢાના અરમાન કે એસિડ એટેક્માં કોઈ કોડભરી કન્યાના સ્વપ્ન સ્વાહા થઈ જાયછે. કે પછી પાટણનો ‘ગેંગરેપ કેસ’ કે પછી દિલ્હીનો બહુચર્ચિત ‘નિર્ભયા બળાત્કાર કાંડ’ જેવી અગણિત દુષ્કર્મની ઘટનાઓ આપણી સમક્ષ આવેછે. ચોંકાવનારા આંકડા મુજબ દર ૩ મિનિટે એક દીકરી આવી ઘટનાઓનો ભોગ બનેછે. અરે! હદ તો ત્યારે થાયછે જયારે પા-પા પગલીની ઉંમરની કુમળી બાળાઓ પણ આવા દુરાચારનો ભોગ બનેછે અને એમાંય જયારે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવ એવો બફાટ કરે કે, “ દુષ્કર્મ જેવી ભૂલ યુવાનવયના છોકરાઓથી કયારેક થઈ જાયછે.” અને એમનાં ચેલા સમાન અબુ આઝમી એવું લજ્જિત નિવેદન આપે કે, “વિવાહ બહારના સંબંધ રાખનારી મહિલા સામે દુષ્કર્મના કેસમાં મહિલાને પણ ફાંસી ઉપર લટકાવવામાં આવવી જોઈએ” તો એ વાત આપણને અવશ્ય વિચારતા કરી મૂકેછે કે, શું એક દીકરી, એક નારી વાસ્તવમાં આપણાં સમાજમાં સશક્ત છે ખરી????

પારકાં કે અજાણ્યા વ્યકિત દ્વારા આચરાયેલા કૃત્યને સમય જતાં વિસારી પણ શકાય પરંતુ પોતાના જ સ્વજનોના દગાને કારણે સૃષ્ટિમાંથી ઓઝલ થનાર કંઈ કેટલીએ સુનંદા, આરુષી અને શીનાનું શું??? એને ન્યાય ક્યારે મળશે??? માયા, મમતા, લાગણી, સ્નેહ, લજ્જા અને મર્યાદાના ગુણોથી સુસંપ્પન એવી નારી સમાજના આવા દુષ્કર્મી અભિગમ અને ઘરેલું હિંસાથી શું આમ જ હારતી રહેશે ???

“ના... કયારેય નહીં...” કારણકે, આજની નારીઓમાં જાગૃતતાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં મુખ્યત્વે છે, બુંદેલખંડની સપનાની આગેવાની હેઠળ રચાયેલી ‘ગુલાબી ગેંગ’. જે મહિલાઓને આશ્રય, રક્ષણ અને ન્યાય અપાવે છે, અને બીજી છે કચ્છની વીરાંગનાઓ દ્વારા રચિત ‘ગુંજ’. જે ગામડાઓમાંથી દેશી-દારૂનું દુષણ સદંતર નાબૂદ કરવાની કવાયત પોલીસબેડાનું નાક કાપીને કરી રહી છે. એમાં આશ્ર્વાસન રૂપે આખા ભારતભર -માંથી ફક્ત ગુજરાત સરકારે છેડતી કે દુષ્કર્મ પ્રસંગે દીકરીઓ પોતાની રક્ષા કરી શકે એ માટે ‘પડકાર’ યોજના હેઠળ શાળાની છોકરીઓને દસ દિવસનો તાલીમ કોર્સ આપવાનું નક્કી કરેલ છે જે આવકારવા લાયક પગલાં છે અને એટલે એવું જરૂર કહી શકાય.... સાથે-સાથે આપણાં દેશમાં મતદાતા તરીકે સ્ત્રીઓની ટકાવારી ૪૯% છે અને નારીઓ તેનો સુપેરે ઉપયોગ પણ કરી રહી છે એટલે એ નારીનો અવાજ વધુ ને વધુ બુલંદ બનાવવામાં સહાયક ભૂમિકા અદા કરેછે એવું પણ કહી જ શકાય.

“શાનાં દુ:ખને શાની નિરાશા???

મુકુલે મુકુલે મુખરિત આશા.....”

નારી શક્તિ છે, દૈવીતુલ્ય છે, નારાયણી છે, સશક્ત છે.... છતાં પણ... દેશના કોઈને કોઈ ખૂણે દરરોજ કંઈ કેટલીએ ‘નિર્ભયા’નો શિકાર થાયછે, કંઈ કેટલીએ ‘દેવ્યાની’ના માનભંગ થાયછે અને કેટલીએ ‘જેસિકા’ જીવથી જાયછે, ઘણે ઠેકાણે નારી પ્રત્યે ‘પૈરોકી જૂતી’ જેવો અભિગમ દાખવાય છે, બસમાં, રસ્તાઉપર, જાહેર સ્થળોએ અને ઑફિસમાં નારી ‘ઇવ ટીઝીંગ’ અવાર-નવાર શિકાર બનેછે. તેમ છતાં આશા અમર છે. કંઈ કેટલીએ નિરાશાઓમાંથી આશાનું એક કિરણ અવશ્ય ચમકશે જ અને નારી ખરા અર્થમાં સશક્ત અને સુરક્ષિત બનશે જ એવો મારો દ્ર્ઢ વિશ્ર્વાસ છે.

અને..... આ વિશ્ર્વાસને પરિપૂર્ણ કરવા આવો સંકલ્પ લઈએ કે, હોળીના તાપથી તપીને ધૂળેટીના મેઘધનૂષી રંગોને બીજાના જીવનમાં પૂરનાર નારી પ્રત્યે થોડુંક વિચારીશું, નારીની ‘દશા’ બદલવા માટે આપણી ‘દિશા’ બદલીને જોઈશું, નારી તરફ ‘દ્રષ્ટિ’ નહીં પરંતુ ‘દ્રષ્ટિકોણ’ બદલીએ, તેની તરફ ‘નજર’ નહીં પણ આપણો ‘નજરિયો’ સુધારીને જોઈએ, નારીની ‘પૂજા’ ન કરી શકીએ તો કંઈ નહીં પરંતુ એના પ્રત્યે ‘પ્રહાર’ તો ન જ કરીએ, સૃષ્ટિનું સર્જન કરનારી ક્યાંક સૃષ્ટિની બહાર જ ન ધકેલાઈ જાય એની તકેદારી રાખીએ, શારીરિક હિંસા તો દૂરની વાત રહી પરંતુ શાબ્દિક હિંસાથી પણ દૂર રહીને નારી પરત્વે સદ્વ્યવહાર, સદ્-વિચાર અને સદ્-ભાવનાવાળો અભિગમ દાખવવાથી એક સુસંસ્કારી અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવું અશક્ય તો નથી જ ને????..... અને હવે........

“છૂટ્ટા પડતી વખતે બોલવાનું શું??

શબ્દોમાં હૈયાને ખોલવાનું શું???”

છેલ્લે..... સમાજની સાથે-સાથે હું નારીઓને પણ અપીલ કરુંછું કે, તે કુંવારી હોય, પરણેલી હોય કે વિધવા હોય, આશ્રિત હોય કે નિરાશ્રિત, ભણેલી હોય કે અભણ, શહેરમાં રહેતી હોય કે ગામડામાં, પરંતુ સ્વ તરફ હકારાત્મક વલણ દાખવીને તે સમાજને હકારાત્મક અભિગમ કેળવવા અચૂક પ્રેરિત કરી શકશે અને નારી હારી નથી ને કદી હારશે પણ નહીં એ વાત પણ સુપેરે સાબિત કરી શકશે. સુપેરે આમ થવાથી અબળા અને સબળા વચ્ચેનો ભેદ મટી જશે અને ફક્ત ૮ માર્ચ જ શું કામ?? વર્ષના તમામ દિવસો મહિલા દિવસ બનાવી શકાશે એ વાતમાં કોઈ બે મત જ નથી.

બસ.... આ લેખ જ્યારે પૂર્ણતાને આરે છે ત્યારે નારીને, એની શક્તિઓને, એના સશક્તિકરણને અને એના પ્રત્યેના અભિગમને મારી મૌલિક પંક્તિઓ દ્વારા વંદન કરુંછું અને મારા લેખને અહીં જ વીરમું છું....

“ કાને કુંડલ, હાથે કંકણ ને પાયે ઝાંઝરનો ઝણકાર;

લાજ, શરમ, મર્યાદા અને મમતા છે જેના અલંકાર;

નવ-સર્જન, સેવા ને શાલિનતા છે જેના સંસ્કાર;

પુત્રી,બહેન પત્નિ ને માતા બની ઝીલે છે પડકાર;

પુરૂષના ખભ્ભે-ખભ્ભા મિલાવી હમેંશ આપે સહકાર;

નડતર, આફત કે પીડાની જેને નથી કયારેય દરકાર;

ઝઝૂમેછે, હંફાવેછે, જરૂર પડે ત્યારે ચલાવે છે સરકાર;

ન હારી છે અને ન કદી હારશે એવો કરે સદા હુંકાર;

નારી શક્તિની મહાનતાને મારા લખ-લખ છે નમસ્કાર;

મારા લખ-લખ છે નમસ્કાર......”

############# અસ્તુ #############