“સિનીયર” હોવું એટલે?
નોકરિયાત અને કોલેજિયન મિત્રોના કાન ઊંચા થયાને? વેલ સીનયરીઝમ થોડા વિશાળ અર્થમાં જોઈએ, તો ઘરમાં વડીલ એટલે સિનીયર, કોલોની કે એરિયાના જુના લોકો એટલે સિનીયર, માં કે સાસુ એટલે સિનીયર, આપણી અગાઉ દાખલ થયેલો સહ-કર્મચારી એટલે સિનીયર, ટીમનો જુનો ખેલાડી એટલે સિનીયર..... મતલબ કે જે તે ક્ષેત્રનો અનુભવી એટલે સિનીયર.
ભારતીય સંસ્કૃતિમાં અનુભવીઓને વંદનીય ગણવામાં આવે છે. અને એમાં કાંઈ ખોટું પણ નથી. જે લોકોએ કોઈ પણ ક્ષેત્રે ‘કાઠું’ કાઢ્યું હોય, હોશિયારી બતાવી હોય, ટેલેન્ટના દમ પર બહાર આવ્યા હોય, મુશ્કેલ પરીસ્થિતિનો સફળ સામનો કર્યો હોય, કાંઇક નવીન કરી બતાવ્યું હોય તેમને સલામ ભરવા પડે. તેમના અનુભવોનો લાભ લેવા માટે તેમના ગુસ્સા કે એટીટ્યુડને સહન કરવો પડે તો ચાલો વસુલ છે*. વેલ અહીં કંડીશન એપ્લાયવાળી ફૂદેડી છે.... કે આવો એટીટ્યુડ સહન કરવો કે નહી એ મરજીની વાત છે ફોર્સ પાડી શકાય નહી! ફૂદેડી ઓવર. બેક ટુ ધ પોઇન્ટ. પણ ‘ફક્ત’ સિનીયર થયા એટલે લુખ્ખી દાદાગીરીને કાયદેસર સ્વરૂપ આપવાવાળાઓની સંખ્યા ઘણી તો નથી પણ બહુજ ઘણી છે. અને કેટલાક જીગરવાળાઓને બાદ કરતા એવરેજ લોકો સંઘર્ષ ટાળવા માટે દાદાગીરી સહન કરી લેતા હોય છે. આમાં ના ઘણાખરા ‘સહનશીલો’ ખુદ સીનીયર બને એટલે ફરી એ જ કેટેગરીમાં બેસી જાય છે!
કોલેજમાં ભણતા મિત્રો પેકી જેઓ કૈક શિખવા સમજવા માંગે છે એમને એક પ્રશ્ન પૂછું.... ‘સેકન્ડયરમાં આવ્યા એટલે ફર્સ્ટયરવાળાને દબવવાનો ઓથોરીટી લેટર મળી ગયો છે?’ બિચારા ફર્સ્ટયરવાળાનો વાંક તો એટલોને કે એ લોકોએ તમારા પછી જન્મ લીધો? તેઓ પણ બધા જેટલી જ ફી ભરીને, પોતાના પુસ્તકો લઈને, પોતાની મહેનત થી ભણે છે. ઘણીખરી કોલેજોમાં સીનીયર વિદ્યાર્થીઓએ બનાવેલા નિયમો હોય છે. કે જુનીયારોએ સીનીયરો સામે દલીલો ન કરવી, નીચી આંખે વાત કરવી, ‘બોસ કે સર કહીને સંબોધવા, સીનીયરોની ગમે તેવી મજાક સહન કરવી અને એવું તો કેટલુય. આટલું બને ત્યાં સુધી તો સહ્ય છે. પણ સીનીયરો ને હેરેસમેન્ટ કરવાની છૂટ તો નથીજ. જુનીયરને બધા વચ્ચે એને છોભીલો પાડવો, પોતાના કામો કરાવી-કરાવીને થકવી નાખવો, બીભત્સ મશ્કરીઓ કરવી.... એ બધું તમને તમારા સગા નાના ભાઈ કે બહેન સાથે કરવાનું આવે તો??? આ હેરેસમેન્ટ ક્રાઈમની લીમીટ સુધી પહોચી જવાના દાખલા ઓછા નથી. બાપડો જુનિયર હોશિયાર હોય તોય ભણવાનું મૂકીને ધંધે બેસી જાય કે કંટાળીને આપઘાત સુધી ના વિચારો કરી લે....જો તમે આવા સિનયર હોવ તો તમે મેડીકલ, ઈજનેરી, મેનેજમેન્ટ કે ડીઝાઇનીંગની જગ્યા એ અન્ડરવર્લ્ડ માટે વધુ ફીટ છો!
જો હાઈલી એજ્યુકેટેડ થઇ રહેલા મિત્રો કે જેમના હાથમાં ભવિષ્યમાં સમાજની લીડરશીપ જવાની છે તેઓ આવું વર્તન કરે તો તેઓ સમાજને કયા રસ્તે દોરી જશે? વિચારજો મિત્રો.
ચાલો, કોલેજિયન મિત્રો તો નાદાન હોય, ‘ફન પુરતું આવું કરતા હોય, પરંતુ અતિ-અનુભવીની કેટેગરીમાં બેસતા સીનીયર મિત્રો પણ સમાજમાં જે ‘પોતાવાળી’ ચલાવે છે તે તો ઈરાદા-પૂર્વકની છે. ઓફીસમાં નવો બકરો આવે એટલે કામકાજનો બધો ભાર તેના પર ઢોળી દેવાનો. ‘એ લોકો પછી શીખે ક્યારે?’.....ઉપરાંતમાં ‘આ ના ચાલે અને તે ના ચાલે’ , ‘ અમારા વખત માં તો આમ હતું ને તેમ હતું’ નો મારો તો ચાલુ જ રાખવાનો. એ બાપડો ક્યાં ફ્લેશબેકમાં જોવા જવાનો હતો કે આપણે કામ કર્યું છે કે ટાંટિયા પર ટાંટિયો ચડાવી ને જલસા કર્યા છે?
અને ધારોકે તમે જાડા જાડા ચોપડાઓમાં હિસાબ કરતા અને હવે કમ્પ્યુટર ને લીધે લેબર ઓછું થઇ ગયું છે તો તમને કાઈ પ્રોબ્લેમ? બિચારી છોકરીઓને માં કે સાસુ દબડાવ્યા રાખે કે અમે કુવેથી સીંચી ને પાણી ભરતા અને તળાવે કપડા ધોવા જતા, તને તો જલસા છે! એવડો જીવ બળતો હોય તો તમેય ઘરમાં કુવો ખોદાવી નાખો અને નગરપાલિકાનું કનેકશન કઢાવી નાખો એટલે થાય પૂરું. પેલી ફટાફટ રસોઈ બનાવીને નવરી થઇ જાય તોય ઉપાધી. ‘અમે તો ચુલા ફૂંકી ફૂંકી ને રસોઈ બનાવી છે.’ તો તમેય થોડા લાકડા વીણી આવો કાલે એટલે પેલીય ચુલા પર રસોઈ બનાવે. એની આંખો બળશે તો રસોઈમાં વધુ સ્વાદ આવશે કદાચ! જુનિયર સ્પોર્ટ્સમેન ફાસ્ટ દોડે તો એને કેવાનું કે આ તો તારા નવા સ્પોર્ટ્સ શુઝ ને લીધે છે અમે તો ખુલ્લે પગે દોડતા... તો એમાં એ બિચારો શું કરે? તેણે તમને ખુલ્લાપગે ઓછાજ દોડાવ્યા હતા ?
આટલેથી પતતું હોય તો ય ઠીક. પણ ઉપરથી એને પરેશાન કર્યા રાખવાનો? દોડાદોડી નો કેસ આવે એટલે સીનીયર ડોક્ટર લીટો કરી જાય. ઓફીસકામમાં ખોટીપો થાય એટલે જુનિયરને આગળ કરી દેવાનો. ‘આજ કાલ નાં આવેલા’ ને કોઈ મોકો ના મળી જાય આપણાથી આગળ જવાનો એની કાળજી લેવાની. આવા બધા કામોમાં વ્યસ્ત હોઈએ પછી આપણી ફરજનું કામ તો પેલા જુનિયરે જ કરવાનું ને! અને કામ તો ભલેને કરે બધું પણ રજા કે ઈન્ક્રીમેન્ટ કોઈ પણ બાબતમાં કરગરાવવાનો તો ખરો જ. નહિ તો સિંદરીમાંથી સાપ બની જાય!
નવી પેઢી જે કરે છે એ સાચું અને સારું છે કે કેમ ,ધ્યેયલક્ષી છે કે કેમ, તેમાં એમને આનંદ આવે છે કે કેમ એ તો પછીની વાત છે પણ જોવાનું એ કે ‘એ ધાર્યું શેનું કરી જાય?’!! જે લોકો અચીવર હોય છે એમની વાત જુદી છે પણ જેમણે ફક્ત વર્ષો વીતાવ્યા હોય એવાઓ પણ સીનીયરીઝમની મજા જરૂર માણે છે. સીનીયરીઝમ ને ‘લાયસન્સ ટુ કીલ’ માનતા અને જુનિયરોને હાડ કુત્તે કરતા સીનીયરો બિચારા જુનિયરોને શાંતિની શ્વાસ લેવા દેતા નથી. કેટલાક ઘરોમાં પણ આવા નજારા હોય છે. બાળકો ને સતત નીચા દેખાડવામાં અને પોતાને આધારિત હોવાનો અહેસાસ કરાવ્યા કરવામાં વાલીઓ પોરસાતા હોય છે. શાળામાં ‘ગુરુદેવો’ બાળકોના માથાં ફોડી નાખે કે લોહી કાઢી નાખે એ પણ આવું સીનીયરીઝમ જ છે.
સીનીયર હોઈએ તો આપણે લીડરશીપ લેવી જોઈએ. એટલેકે માર્ગદર્શન, મદદ અને ઉત્તેજન આપવું. મુશ્કેલ કામ કરવાનો રસ્તો શોધવો, અને આગળ થઈને એ કામ કરવું નહિ કે પાછળથી લાતો મારવી અને કામ થઇ ગયા પછી ટીપ્પણીઓ કરવી. લીડરશીપ એટલે જવાબદારી લેવી, નહિ કે ઢોળવી. આ જ લીડરશીપ અને બોસીઝમ વચ્ચે નો તફાવત છે.
સીનીયરોના રેઢિયાળ સ્વભાવને લીધે કેટલાય ઉત્કૃષ્ટ લોકો કંટાળીને કામ કરવાનું મૂકી દે છે. સરવાળે નુકસાન તો સંસ્થાને, પરિવારને કે સમાજ ને જ થવાનું છે. જેમને શીખવાની ધગશ હશે એ તો અહી થી નહિ તો બીજે ક્યાંકથી શીખવાના જ છે. જો એમને પ્રેમથી શીખાવશું તો ઝડપથી અને સારું શીખશે અને ઉપરથી આપના આભારી રહેશે, અને ટપલા મારશું તો ધીરે ધીરે અને કંટાળાપૂર્વક શીખશે. એટલે મારી દ્રષ્ટિએ આવું કરવાનો કોઈ જ ફાયદો તો થતો નથી જ. પણ સામું નુકસાન પુષ્કળ થાય છે. કામને, સમાજને, પેલા જુનિયરને અને સીનીયર ને પણ. સીનીયર ને કેવી રીતે? નકારાત્મક કાર્યો પોતાની જાત ને પારાવાર નુકસાન કરે છે...... વિચારી જોજો !....